{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
એવું કહેવાય છે કે જેનો સમય ચાલી રહ્યો હોય એવી વિચારધારાથી તાકાતવર દુનિયામાં અન્ય કશુંયે નથી. મતલબ કે કોઈ વિચારધારા કે કલાના પ્રકાર કરતાં કાળ વધુ મહત્વનો છે.
એંશીના દાયકાની શરૂઆતમાં આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે મેં એક વિધાન કરેલું કે નૌશાદના ‘બૈજુ બાવરા’ના સંગીત જેવું સર્જન બપ્પી લાહીડી તેની સર્જકતાની ચરમસીમાએ હોવા છતાં ન કરી શકે. આ સાંભળીને અજાણતાંમાં જ મારા દ્વારા એક યુવાન પત્રકારની લાગણી દુભાઈ ગઈ હતી. તેણે એક લેખ લખી, મારા પર વળતો હુમલો કર્યો. એ બપ્પીના આકંઠ ચાહક હતા અને પ્રામાણિકતાથી માનતા હતા કે બપ્પીની શૈલીનું સંગીતસર્જન નૌશાદ કદીયે કરી ન શકે અને તેની તોલે ક્યારેય ન આવી શકે.
એ પત્રકારનું કહેવું હતું કે બપ્પીએ પણ શાસ્ત્રીય રાગો પર આધારિત ગીતો બનાવ્યાં હતાં ઉદાહરણ તરીકે તેણે ૧૯૮૨ની ફિલ્મ ‘નમક હલાલ’નું ગીત પગ ઘૂંઘરુ બાંધ મીરાં નાચી ટાંક્યું હતું. એ વાત અલગ છે કે આ ગીત શાસ્ત્રીય સંગીત આધારિત એક પ્રતિગીત(પેરડી) માત્ર છે. આ પ્રકારનાં પ્રતિગીતો અગાઉ પણ આવી ગયાં છે. જેમ કે ફિલ્મ ‘બૂટ પૉલીશ’(૧૯૫૪)નું લપક ઝપક તુ આ રે બદરવા કે પછી ‘પડોસન’(૧૯૬૮)નું એક ચતુર નાર બડી હોશીયાર.
આ પ્રકારનાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો બનાવી કાઢવાથી કોઈ સંગીતકાર ‘બૈજુ બાવારા’નું સંગીત તૈયાર કરનારની હરોળમાં બેસી ન જ શકે. પણ આવું માની લેવામાં એ સમીક્ષકનો વાંક નથી. તેનો ઉછેર જ ૧૯૭૦ના ઉત્તરાર્ધ અને તે પછીના સમયગાળા દરમિયાન થયો હતો, જ્યારે બપ્પીનો જમાનો હતો. જો કે તેની સાથે એક બાબતે મારે સંમત થવું રહ્યું. નૌશાદે ક્યારેક ક્યારેક પાશ્ચાત્ય સંગીતની અસર હેઠળનાં હુપ્પી દિલ ધડક ધડક દિલ ધડકે (દાસ્તાન, ૧૯૫૦) અને લારા લૂ લારા લૂ (જાદૂ, ૧૯૫૪) જેવાં ગીતો આપ્યાં હતાં. પણ તોયે તેઓ બપ્પીની કક્ષાનું સંગીતસર્જન કરવા માટે સક્ષમ હતા તેવું ન કહી શકાય. તે બન્ને સંગીતકારો ફિલ્મ સંગીતના અલગ અલગ યુગના પ્રતિનિધિ હતા અને પોતપોતાના યુગમાં ટોચના સ્થાને બિરાજ્યા હતા.
એક સમય એવો આવ્યો કે જ્યારે નસીબના આ બળીયા બંગાળી બાબુએ જાહેરમાં કહેલું, “નૌશાદ એટલા જ લોકપ્રિય છે તો નિર્માતાઓ મારી પાસે કેમ આવે છે? એક વાર નૌશાદ મારી જેમ ‘સુપર ડાન્સર’ માત્ર ત્રણ કલાકમાં બનાવી આપે તો હું કાયમ માટે કલકત્તા ભેગો થઈ જઈશ.” નૌશાદ તો નૌશાદ હતા. તેમણે એ પડકાર ઝીલ્યો નહીં કે એ બાબતે કોઈ ટીપ્પણી પણ ન કરી. પણ બપ્પીની આ ફાંકા ફોજદારી થકી મને આશ્ચર્ય એ થયું કે ‘સુપર ડાન્સર’ જેવો સાંગીતિક કચરો બનાવવામાં એમને ત્રણ કલાક જેટલો લાંબો સમય કેમ લાગ્યો હશે!
બપ્પીએ માત્ર બાર વર્ષના સમયગાળામાં લગભગ બસો જેટલી ફિલ્મો માટે સંગીત આપીને સર્જેલા વિક્રમનાં બણગાં પણ ફૂંક્યાં હતાં. તે રીતે મૂલવતાં તો ૫૭ વર્ષમાં માત્ર ૭૯ ફિલ્મો કરનારા નૌશાદ બપ્પીથી જ નહીં, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાહુલ દેવ બર્મનથી પણ પાછળ રહી જાય! તેમની કારકીર્દિ ટોચ ઉપર હતી ત્યારે પણ નૌશાદે વર્ષની સરેરાશ દોઢ કરતાં વધુ ફિલ્મો હાથ પર નહોતી લીધી. આખરે તો નૌશાદ માટે સંગીત એક મનગમતી પ્રવૃત્તિ હતી, નહીં કે વ્યવસાય. તેમણે ઈચ્છયું હોત તો દસ ગણી વધારે ફિલ્મો માટે સંગીત આપી શક્યા હોત. નૌશાદે એમ કર્યું હોત તો પણ બપ્પીની સરખામણીએ તેમનું સંગીત સ્મરણીય જ બન્યું હોત.
બપ્પીનાં બણગાં સાંભળીને એવું તારણ કાઢી શકાય કે બહુ બોલબોલ કરનારા મોટા ભાગના લોકો પાસે ઝાઝું કહેવાનું નથી હોતું. એવું લાગે છે કે બપ્પીએ લટકણીયાં જેવા દાગીનાને પોતાની સિદ્ધી માટે એનાયત થયેલા ચન્દ્રકો માની લેવાની ભૂલ કરી હશે અને એવી જ ભાવનામાં તરબોળ રહ્યા હશે.
વધુવિચારતાં એમ લાગે છે કે સંગીત નિર્દેશકો પોતાની આવડત કરતાં મોટા દાવાઓ કરી રહ્યા હતા અને કાર્યની ગુણવત્તા કરતાં તેના જથ્થાની મહત્તા વધારે ગણાતી હતી, એવા સમયમાં બપ્પીનો દોષ કાઢી શકાય ખરો? વ્યક્તિ કયા અરસામાં જન્મે છે અને તેની યુવાવસ્થામાં કેવા પ્રકારનું સંગીત સાંભળે છે તે બાબત તેની ગીતોની પસંદગીમાં મોટો ભાગ ભજવે છે. બહુ ઓછા લોકો એક સંગીત નિર્દેશકની યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવણી કરવા માટે ફિલ્મી સંગીતના ઈતિહાસમાં ઊંડા ઉતરતા હોય છે.
મારે પણ મારી પોતાની પસંદગી છે, પણ તે મારા જન્મના સમયગાળા પર આધારિત નથી. મારું સ્પષ્ટ માનવું છે કે અત્યાર સુધીના સંગીત નિર્દેશકોમાં આર.સી. બોરાલ સર્વોપરી સ્થાને બીરાજે છે. કોઈ મારી સાથે સંમત થાય એવી મને જરાયે અપેક્ષા નથી. અનિલ બિશ્વાસે અને નૌશાદે એક કરતાં વધારે વાર મારી આ માન્યતાને અનુમોદન આપ્યું છે તે મારા માટે પૂરતું છે. તાજેતરમાં એક જાણીતા સંગીતકારે કહ્યું હતું કે તેણે આર.સી. બોરાલનું નામ પણ નથી સાંભળ્યું એમ અન્ય કોઈ પણ કહે તો હવે મને સહેજેય આઘાત નથી લાગતો.
સમયના વહેણે અમીરબાઈ કર્ણાટકી અને કાનનદેવી જેવી ગાયિકાઓની અને ગુલામ મહંમદ કે ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારોની યાદો ધૂંધળી કરી દીધી છે. હવે તો સાંગીતિક ક્ષીતિજ ઉપર દેખાઈ રહેલા વામણાઓ તેમના કદ કરતાં મોટા દેખાઈ રહ્યા છે!
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતો યુ ટ્યુબ પરથી લીધેલાં છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
અમીરબાઈ કર્ણાટકી અને કાનનદેવી જેવી ગાયિકાઓના ગવાયેલા શાસ્ત્રીય રાગોના ગીતો એ અમૂલ્ય ખજાનો છે.
આભાર પિયુષભાઈ .
LikeLike