-
ઊર્મિલ સંચાર : પ્રકરણ-૩ પરિચય.
નવવધૂ માયાને ભારતથી અમેરિકામાં પ્રવેશ માટે વિઝા મળતા હ્યુસ્ટન આવે છે. બીજે દિવસે તે શોમને જણાવે છે કે તે પહેલા પરણેલી જ હતી…અને વિઝા મેળવવા માટે તેણે શોમ સાથે લગ્નનું નાટક કર્યું હતું. મોટો ઝટકો આપીને માયા ચાલી જાય છે. શોમની બહેન નીના તરફથી પુત્ર જન્મના સમાચાર આવતાં તેઓ કેલિફોર્નિયા જાય છે.
પ્રકરણ-૨ થી આગળ વાંચો...
શોમને માયાએ આપેલ ઝટકાને બે વર્ષ પસાર થઈ ગયા હતા. શોમનો ઉદાસ ચહેરો અને પ્રયત્નપૂર્વક આવતું સ્મિત માતા-પિતાને કાંટાની જેમ વાગતું. આ ખરાબ અનુભવ પછી માહી કે રમેશ લગ્નની વાત છેડતા નહીં. કેલિફોર્નિઆથી બહેન નીના ફોન જોડી આપે પછી, બે વર્ષનો ભાણો અયન, મામા સાથે લગભગ રોજ ભાંગીતૂટી ભાષામાં વાતો કરતો. એ આશ્વાસન હતું કે કેન્સર રીસર્ચના કામમાં શોમની પ્રગતિ અસાધારણ હતી. મુંબઈમાં દાદાજીની તબિયત બરાબર નહોતી.
શોમ દર રવિવારે સાંજે ઘરે આવી માહીની બનાવેલ રસોઈ શોખથી જમતો. એ રવિવારે તે અદમ્ય ઉત્સાહમાં હતો. “ડેડ! ગોઆમાં વૈદ્ય ભાણજી સાથે બધું નક્કી થઈ ગયું છે. બે ડોક્ટર આજે આવી રહ્યા છે. તેમનું આયુર્વેદિક જ્ઞાન આપણી એલોપેથિક સારવાર સાથે કઈ રીતે કેન્સરના દર્દીઓને લાભદાયી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બે યુનિટ તૈયાર કર્યા છે. એક આયુર્વેદિક સેન્ટર અને એક હ્યુસ્ટનનું એલોપથી ક્લિનિક જે અત્યારે ચાલુ છે. તમને આ વ્યવસ્થા કેમ લાગે છે?” વર્ષોથી ત્યાંની હોસ્પિટલમાં કામ કરતા પિતાનો અભિપ્રાય મહત્વનો હતો.
એ બન્નેની વાતો પૂરી થતાં માહીએ પૂછ્યું, “શોમ, તું કહેતો હતો કે છ મહિના માટે આ લોકોની રહેવાની વ્યવસ્થા કરવાની હતી, તેનું શું થયું?”
“એક લેડી ડોક્ટર, અંજલિ, પંડ્યાસાહેબને ઘેર, અને ડો. રાકેશ તેમના સગાને ઘેર રહેવાના છે. હું મળ્યો નથી, પણ વૈદ્યરાજ ડો.અંજલિનાં બહુ જ વખાણ કરતા હતા. આવતીકાલે મળવાનું છે, જોઈએ કેમની વ્યવસ્થા થાય છે.”
જમવાનું પૂરું કરી હાથ ધોતા જ શોમ બોલ્યો, “આજે જલ્દી જવું છે, શાસ્ત્રીય સંગીતના કેફીનનો સમય નથી. આવતા રવિએ…” તેની મમ્મીને વ્હાલ કરી, શોમ જતાં જતાં બોલ્યો, “અને હા, આજ રાતના મુંબઈ દાદાજીને ફોન કરવાનો છું.”
“શોમ કેટલો ખુશ છે!” રમેશ અને માહી ટેબલ પર પ્રસન્નતાથી એ પળને મમળાવતાં બેસી રહ્યાં.
મિટિંગ માટે શોમ અને તેના સાથી ડોક્ટરો અને બીજા સભ્યો સમયસર હાજર હતા. તેમના ડીન બે વ્યક્તિને લઈને રૂમમાં દાખલ થયા. પરિચય આપતા જણાવ્યું કે, “આપણા સારા નસીબે, આ કુશળ ડોક્ટરોને આવકારતા આનંદ અનુભવું છું. ડોક્ટર અંજલિ મારુ, અને ડોક્ટર રાકેશ રોય… શોમ, હું આમને તમારી સંભાળમાં સોંપું છું.”
શોમે ઊભા થઈ રાકેશ સાથે હાથ મિલાવ્યા. અંજલિ ‘નમસ્તે’ કહી હસી. શોમ હાથ જોડીને થોડી પળો ભૂલી ગયો કે હવે શું કહેવાનું છે! …’આહ, શું હાસ્ય છે!’ શોમની નજર તેને એક ખુરશી તરફ જતી…જોતી રહી. ગોળ ટેબલ આસપાસ બધા ગોઠવાયા. શોમે તેના વિચારોને કાબુમાં લાવી, વ્યવસ્થિત યોજનાની રૂપરેખા દોરવાની શરૂઆત કરી.
“આપણે બે પધ્ધતિથી કેન્સરના દર્દીઓની સારવાર કરશું. હ્યુસ્ટન ક્લિનિકમાં આવતા દર્દીઓને આયુર્વેદિક સારવાર વિશે માહિતી આપશું અને જે દર્દી સહમત થશે તેમને એબી સેન્ટરમાં મોકલશું…મેં આયુર્વેદિક સેન્ટરને, ‘એબી સેન્ટર’ નામ આપ્યું છે.” શોમે સ્પષ્ટતા કરી. “રાકેશ અને અંજલિની સાથે પત્રવ્યવહારથી અને વૈદ્ય ભાણજીની સલાહ અનુસાર અમે સારવારની ચોક્કસ યોજના બનાવી છે.”
ઘણી ચર્ચા વિચારણા પછી લંચ સમયે બધા કાફેટેરિયા તરફ ગયા. અંજલિને લાઈનમાં જોઈ શોમ તેની પાછળ જોડાયો. અંજલિએ આભાર માન્યો કારણ કે તેને ભય હતો કે નવી જગ્યામાં એ કંઈક મૂર્ખામી ન કરી બેસે! જમતી વખતે, બંને માટે પહેલો ગમતો વિષય… વૈદ્ય ભાણજીનો હતો.
અંજલિ બોલી, “મારા પિતાની સાથે હું પોંડિચેરીથી ગોઆ આશ્રમમાં જતી હતી. હું ચૌદ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે મને અને મમ્મીને ખૂબ સ્નેહ અને સંભાળ આપ્યા છે. વૈદ્ય ભાણજીને હું બાબા કહીને બોલાવું છું, તેમની હું માનસ પુત્રી બની ગઈ. મેડિકલ કોલેજ પછી, ખાસ આયુર્વેદનો અભ્યાસ કરવા હું ગોઆમાં બે વર્ષ રહી અને હવે અહીં.” …ફરી, એ જ મધુ સ્મિત!! …શોમને બીજા કામનું દબાણ ન હોત તો ખબર નહીં ક્યાં સુધી અંજલિ સાથે વાતો કરતો રહેત.
શોમની યોજના પ્રમાણે કામ શરૂ થઈ ગયું. નિયમિત ક્રમ પ્રમાણે હ્યુસ્ટન ક્લિનિકમાંથી એબી સેન્ટરમાં આવતા કેન્સર દર્દીને તપાસી, ટ્યુમરનું માપ નોંધી લેવાનું કામ રાકેશનું હતું. ત્યારબાદ, કઈ આયુર્વેદિક દવા અને કેટલી માત્રામાં આપવી તે નક્કી કરી, સારવાર શરૂ કરવાની જવાબદારી અંજલિની હતી. દર અઠવાડિયે એક વખત મિટિંગમાં શોમને અંજલિને મળવાનું શક્ય બનતું. કામ વિશે વાતો કરી પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં… પણ છૂટા પડતી વખતે, અંજલિના ગાલનું ખંજન, અલવિદા કહેતી એક નજર, અને એવી યાદો એ જરૂર મનની મંજૂષામાં આવરીને લઈ જતો.
એક દિવસ શોમ અને સ્ટિવ કાફેટેરિયામાં સવારનો નાસ્તો કરી રહ્યાં હતાં. સ્ટિવ કહે, “સારા કહેતી હતી કે આપણે આ શનિવારે દરિયા કિનારે જઈએ.” ડોક્ટર સારા, બંને ક્લિનિક્ને સાંધતી કડી હતી, જે સ્ટિવનની મિત્ર પણ હતી. છેલ્લા બે મહિનાની મુલાકાતો પછી સારા અને અંજલિ વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. “આરી પણ આવશે.” તેમનો નાનપણનો દોસ્ત આયંગર ઉર્ફે આરી, એન્જિનિયર હતો. આ ત્રણ બાલ મિત્રોની જોડી અતૂટ હતી.
“જોઈએ, શક્ય છે કે નહીં!” શોમ વિચાર કરતા બોલ્યો.
“સારા અંજલિને પણ કહેવાની છે.” સ્ટિવન આપેલી માહિતી પછી શોમનું, ‘જોઈએ’ … ‘ચોક્કસ’માં બદલાઈ જતું સાંભળી સ્ટિવન હસી પડ્યો.
શનિવારે સ્ટિવનની કારમાં બધા ગોઠવાયા. શોમ, અંજલિની બાજુમાં બેસીને હાઈસ્કુલના કિશોર જેવો અધીર અને ઉત્તેજિત હતો. અંજલિની દશા પણ જરા એવી જ હતી. દરિયા કિનારે ટહેલતા અંજલિ એકદમ ચૂપચાપ હતી. દૂર જઈ એક પથ્થર પર બેસી ગઈ. મિત્રો વાતો કરતા આગળ નીકળી ગયા પણ શોમ પાછો ફરી, અંજલિની નજીક જઈ બેઠો.
“આ શું? તમારી આંખોમાં આંસુ?” શોમ બોલ્યો.
“હાં, ઘરની બહુ યાદ આવે છે. આ ઊમડતાં મોજા સાથે મારું દિલ મમ્મી પાસે દોડી જવા ઝંખે છે.” શોમ અનુકંપાથી અંજલિ સામે જોઈ રહ્યો. લાંબો સમય સાગરના ગહેરા અવાજમાં કોઈ અનકહી લાગણીઓમાં બંને અટવાઈ રહ્યા. શોમને પોતાની લાગણીનો પ્રતિસાદ અંજલિની ધડકનમાં સંભળાયો. તેમની વચ્ચેના આકર્ષણની અનુભૂતિ જાણે આપસમાં સ્વીકારી લીધી. સાગરનાં સાનિધ્યમાં અંતરની સંવાદિતા તેમને પરિચયના ઘનિષ્ઠ સ્તર પર લઈ ગઈ.
એક વખત મેળાવડામાં રમેશ અને માહી સાથે અંજલિનો પરિચય થયો હતો. એબી સેન્ટરનું કામ સફળતાથી આગળ વધી રહ્યું હતું. ઘણા દર્દીઓમાં ચાર મહિનાની સારવારનું પરિણામ આશાજનક હતું. વ્યસ્ત હોવાથી બે રવિવાર પછી, શોમ તેના મમ્મીની રસોઈ માણવા જઈ રહ્યો હતો. માહીના મમતાભર્યા ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશી જોવા માટે, ચાવી હતી તો પણ, શોમે ઘરની ઘંટડી વગાડી. બારણું ખોલનારને જોઈને તેને જ આશ્ચર્ય થયું, “અરે, અંજલિ! અહીં કેમ?”
માહી પાછળથી કહે, “મિસીસ પંડ્યાને ઓચિંતા ભારત જવું પડ્યું, તેથી અંજલિના યજમાન અમે છીએ.”
“માન ન માન મેં તેરા મહેમાન…” અંજલિ બોલી.
“અમારા માટે તો મોંઘેરા મહેમાન, કેમ માહી?” રમેશ રસોડા તરફ જતી માહીને સંબોધી બોલ્યા. પરિવારના સભ્ય જેવી સરળતાથી અંજલિ માહીને મદદ કરી રહી હતી. “જુઓને તેની સાથે ‘મહેમાન’ જેવું તો કશું લાગતું નથી.” માહીએ જવાબ આપ્યો.
જમ્યા પછી પૂલ પાસે ચારે વાતોએ વળગ્યાં. “અંકલ! એક માંગણી…હું સપ્તાહમાં એક વખત મારી મમ્મીને ભારતમાં ફોન કરું છું. હાં, ટૂંકો સમય રાખું છું. તેનું બિલ મને જણાવશો, તે હું આપી દઈશ.”
“કઈ જગ્યાએ તમારા મમ્મી છે?” રમેશે પૂછ્યું.
“પહેલી વાત. તમારે અને આંટીએ મને તું કહીને બોલાવવી… અને હા, મમ્મી સ્કૂલ ટીચરની નોકરી પરથી રિટાયર થઈ પોંડિચેરીથી ગોઆ શિફ્ટ થઈ ગયા છે.”
“જરૂર ફોન કરવો, અને બિલની ચિંતા નહી કરતી.” રમેશની વાતમાં માહીએ હામી ભરી. મહેમાન સાથે વાતોમાં મગ્ન દીકરાને જોઈને માતા-પિતાએ હસીને એકબીજાને ઇશારો કર્યો કે, ‘આજે શોમને પોતાના એપાર્ટમેન્ટ પર જવાની ખાસ ઉતાવળ નથી લાગતી!’
“અંજલિ, આવતા શનિવારે નીના, રૉકી અને અયન કેલિફોર્નિયાથી આવશે. અયનની બીજી વર્ષગાંઠ હમણાં ગઈ છે. આપણે નાની પાર્ટી રાખશું. અંજલિ, મને મદદ કરીશ ને?” ક્યાં અને કેવી ગોઠવણી કરવી જેથી અયન ખુશ થઈ જાય, એ બાબત ચર્ચા ચાલી. શોમ મોડી રાતે પોતાના મુકામે પહોંચી, ઉપર વરંડામાં જઈ ચંદ્રમાને જોઈ રહ્યો…અને ત્યાં અંજલિ પણ ચંદ્રમાને જોઈ રહી હશે?
શાને આ ચહેરો મારા મનને લોભાવે?
શાને દિન રાત મીઠા દર્દથી સતાવે?
ઊર્મિલ દિલ ચાહે એ મુજને બોલાવે,
ઓળઘોળ આજ તેની આંખના ઇશારે.નીનાએ આવતાવેંત ફરિયાદ કરી, “આવી છું ત્યારથી એક નામ સાંભળ્યાં કરું છું. પણ એ છે ક્યાં? હું જોઉં તો ખરી કે મારું સ્થાન કોણે હોશિયારીથી પચાવી પાડ્યું છે? મારો નાનો ભાઈ પણ એનું જ નામ જપે છે, ખરું?” અંજલિ અંદરના રૂમમાંથી બહાર આવી. નીના એકદમ અટકી જઈ, “ઓહ! માન ગયે…” કહીને તેને ભેટી પડી.
“અંજલિ, આ છે મારી જબરી બહેન. જરા સંભાળજે.” કહીને શોમે નીનાને ખભે હાથ મૂકી નજીક ખેંચી.
“ગઈ કાલે મારી પ્યારી બહેન કહેતા હતા, એ જ આ છે ને?” અંજલિએ પ્રશ્ન કર્યો અને નીના ખુશ થઈને હસી ઊઠી. રૉકી અયનને તેડીને નજીક આવ્યો. “જુઓ, એક જ વાક્યમાં અંજલિએ નીનાને જીતી લીધી.”
અંજલિને નવા કુટુંબ વચ્ચે રહેવામાં જરા સંકોચ થતો હતો. સાંજના ઝાંખા ઉજાસમાં બધા ભેગા મળી બેઠાં હતાં. નીના અયનને સુવાડીને આવી અને વાતોનો દોર શરૂ કર્યો. “અંજલિ, આટલા બધા લોકો વચ્ચે કંટાળી તો નથી ને?”
“અલબત્ત, આ મારા માટે નવો અનુભવ છે, પણ મને ગમે છે?”
“નવો અનુભવ! કેમ એમ?” માહીએ પૂછ્યું. નીના અને શોમના ચહેરા પર ‘આવો અંગત સવાલ ન પૂછાય’ તેવો ભાવ આવ્યો.
પણ અંજલિએ હસીને જવાબ આપ્યો, “મારા પપ્પા બહુ આદર્શવાદી અને સ્વતંત્ર વિચારોવાળા હતા. દાદા સાથે જરાય મેળ નહોતો પડતો તેથી પોતાની માના અવસાન પછી ઘરેથી કહ્યા વગર નીકળી મુંબઈ પહોંચી ગયા. આપકર્મથી પગભર થયા. મારા મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા ત્યારે જાતિભેદના નામે બન્ને પરિવારે તેઓનો બહિષ્કાર કર્યો. મમ્મી-પપ્પા શિક્ષકની નોકરી લઈ પોંડિચેરીમાં સ્થાયી થયા.”
આગળ સાંભળવાના આશયથી બધા શાંત હોય તેમ લાગતાં, અંજલિએ આગળ વાત કરી. “મારા મમ્મી દાદા સાથે પત્રવ્યવહાર રાખતાં, પણ હું એકવાર જ મારા દાદાને મળી છું. મોસાળમાં હમણાંથી મમ્મીએ તેના ભાઈને ત્યાં જવાનું શરૂ કર્યું છે. મારા પિત્રાઈઓનો મને પરિચય નથી.” પછી પ્રસન્નતાથી અંજલિએ વાક્ય ઉમેર્યું, “પણ મને ક્યારેય એકલું નથી લાગ્યું કારણ કે, પોંડિચેરી અને ગોઆમાં અમારું વિશાળ કુટુંબ છે.” નીના માયાના છલ-કપટ અને શોમને છોડીને જતાં રહેવાના ગુસ્સાને બદલે મનોમન આનંદથી વિચારી રહી, ’જે થાય તે સારા માટે…’ મા-દીકરીએ એકબીજા સામે જોઈ મર્માળું હસી લીધું.
દિવસો આનંદમાં પસાર થઈ ગયા અને અયનની પાર્ટીના માહોલમાં ઘણા ફોટા લેવાયા. નીનાનું કુટુંબ જવાથી ઘર સૂનું થઈ ગયું, પણ અંજલિ હતી તેથી રમેશ અને માહીને સારું લાગ્યું.
એક બપોરે અંજલિની ઓફિસમાં ફોન રણક્યો, “હેલો, આજે એક ખાનગી આમંત્રણ આપવા ફોન કર્યો છે. શનિવારે સાંજે સાત વાગે હું લેવા આવીશ. તમારા યજમાનથી છુપાઈને નીકળી શકાશે?”
“ચોક્કસ. યજમાન શનિવારે કોઈને ઘેર જવાના છે. ગુપ્તતા જાળવવા બનતા પ્રયત્નો કરવામાં આવશે.” અંજલિ ગહેરા અવાજે બોલી. “અને હા ફોટાઓની કોપીઓ વિશે યાદ કરાવું.”
શનિવારે સાંજે, સરસ રીતે સજ્જ થયેલ શોમે જોષી નિવાસના બારણે ટકોરા માર્યા. બારણું ખોલીને આસમાની રંગના સલવાર-કમીઝમાં મનોહર લાગતી અંજલિને જોઈ રહ્યો. ઘરમાં દાખલ થઈ બારણું બંધ કર્યું. શોમે અંજલિને બાંહોમાં લેતા એ અનાયાસ ખેંચાઈ આવી. તેમનું ચુંબન, પહેલાં કદી ન અનુભવેલું ચુંબન, ઉભરતી આકાંક્ષાઓથી ઉભયને બહેકાવી ગયું. ઊંડો શ્વાસ લઈ બંને અરસપરસ મલકાતાં રહ્યાં.
પહેલી પહેલી પ્રીતનો જુવાળ,
મત્ત ઝરણ બુંદબુંદનો ઉછાળ,
અલકનંદા આનંદનો ફુવાર,
વીજ વ્હાલપનો મીઠો ચમકાર.જો ઉમંગ સંગ રંગનો નિસાર,
હેત હેલીનો રુદિયે પ્રસાર,
મધુર મંદમંદ પમરાતો પ્યાર,
કસક કળીઓને ઝાકળનો માર.રસિક નયણે ઈશારા દિલદાર,
અલી આછેરી ઓઢણી સંવાર,
મુકુલ ભાવુક આ સ્મિતની બહાર,
મદન મોરલીનો મંજુલ મલ્હાર.“વધારે સમય અહીં એકલા રહેવું સલામત નથી… ચાલો જઈશું?” મસ્તીભર્યાં અવાજમાં અંજલિ બોલી અને પોતાનું પર્સ લઈ અગ્રેસર થઈ. “મમ્મી કહેતા કે આપ એવી પરિસ્થિતિમાં ન મૂકાવું જેના પર પોતાનો કાબૂ ન હોય અને પરિણામ સહન કરવાની શક્તિ ન હોય.”
કાર શરૂ કરતાં પહેલાં શોમે ફોટાઓવાળું કવર આપ્યું. “આભાર. મારા મમ્મી સાથે હમણાં સરખી વાત થઈ નથી. હું પંડ્યાને ઘેર નથી રહેતી એ વાત કહેવાની પણ રહી ગઈ છે. આ ફોટા સાથે કાગળ લખીને જણાવું તો ખરી કે હું કોની સાથે ગુલછલ્લા ઉડાવી રહી છું.”

ક્રમશઃ ——- પ્ર.૪.
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
-
હરિનું ઝૂલવું
રક્ષા શુક્લહળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.ધીરે ધીરે ધીરે મંગળ ટાણાનું ગણગણવું રે.હરિવ્હાલા હાથે ગુંથેલી વરમાળા લઈ આવ્યા રે,અમને બાજુબંધ હરિના કોને કહું કે ફાવ્યા રે.હરિએ મારે આંગણ આવી મોરપિચ્છને વાવ્યા રે,વ્હાલપની ગઠરી સંગાથે તરસ-તળાવો લાવ્યા રે.હરિ ચાખે તો અમને ગમતું નિત નવું અવતરવું રે.હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.ચપટીમાં સિંદૂર ભરીને હરિવર સામે ઊભા રે,મારા મનની દ્વારિકાના એ જ ધણીને સૂબા રે.પગલું પડતા હરિનું સરગાપુર બને આ કુબા રે,હરિપ્રિયા, કમલા કે રુકમણી હું, એ જ વિઠુબા રે.અમીછાંટણા અનરાધારે, અણથક આજ વરસવું રે.હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.હું પલળી કે હરિવર, મારી સૂરતા ઉપર-નીચે રે,લજામણીનું રુંવેરુંવું વડલા નીચે હીંચે રે,વ્હાલપ નીરખી કદંબ ડાળે કપોત આંખો મીંચે રે,‘સાધુ સાધુ’ જયઘોષ ઉચારી સચરાચર પણ સીંચે રે.મારામાંથી હરી મને, હરજી માંહે સંચરવું રે.હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
-
તલત મહેમૂદનાં યુગલ ગીતો: આશા ભોસલે સાથે – ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ – ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની આમ તો ૧૯૪૫ થી ૧૯૮૧ સુધી સક્રિય રહી ગણાય, પણ તેની કળાનો સિતારાની ચમક્દમક ‘૫૦ના દાયકામાં સોળે કળાએ પ્રકાસહતી રહી ગણાય. યોગાનુયોગ છે કે ‘૫૦ના દાયકામાં બીજા બે ગાયક સિતારાઓ – અમેરિકામાં એલ્વીસ પ્રિસ્લી અને ઈંગ્લૅંડમાં ક્લિફ રિચાર્ડ – પણ એવી જ રીતે નિખરતા રહ્યા હતા. પોતપોતાના અવાજની અદ્ભૂત સંમોહિની ઉપરાંત તેઓમાં ખુબ દેખાવડા હોવાનું, હંમેશ સુંદર અને આક્રર્ષક વસ્ત્ર પરિધાનથી સજ્જજ રહેવાનું પણ અજબ સામ્ય હતું.

તલત મહમુદે તેમની કારકિર્દી દરમ્યાન ૭૫૦ જેટલાં ગીતો ગાયાં હશે જે પૈકી તેમના સમયનાં લગભગ દરેક ગાયિકા સાથેનાં યુગલ ગીતોમાં તલત મહેમૂદની ગાયકીની અલગ અલગ ઝાંય વર્તાતી રહી છે. એટલે જ એમના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે.
તે અનુસાર, આપણે
૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે – ૧૯૫૦થી ૧૯૫૨,
૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે – ૧૯૫૪ થી ૧૯૫૭, અને
૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો
સાંભળ્યાં છે
હવે પછી આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળીશું.
તલત મહેમૂદની કારકિર્દીનો સિતારો જ્યારે બુલંદ હતો એ ‘૫૦નો દાયકો આશા ભોસલેના લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને પોતાનાં અલગ અસ્તિત્વને પ્રસ્થાપિત કરવાના સંઘર્ષનો હતો. તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની કુલ સંખ્યા વિશે આધારભૂત માહિતી નથી મળી શકી પરંતુ એ યુગલ ગીતોમાંથી ૧૯૫૧થી ૧૯૫૯ના તલત મહેમૂદના સુવર્ણ કાળ અને આઅશા ભોસલેનાં સંઘર્ષનાં વર્ષોમાં બન્નેએ ૫૧ જેટલાં જે યુગલ ગીતો ગાયાં છે તે યુગલ ગીતોને યાદ કરવાં એ જ એક અનોખો અનુભવ બની રહે એ વાતની પ્રતીતિ આપણે જાતે જ કરી લઈએ.
આજના અંકમાં આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેની વર્ષ ૧૯૫૧થી શરૂ થયેલ યુગલ ગીતોની સફરનાં ૧૯૫૧માં બે, ૧૯૫૨નું એક અને ૧૯૫૩નાં છ યુગલ ગીતો સાંભળીશું.‘૫૦ના દાયકામાં જે સંગીતકારોએ તલત મહેમૂદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા તે લતા મંગેશકરના સ્વર સાથેના પ્રયોગો કરી અને પોત પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા હતા. એ સંજોગોમાં આશા ભોસલે માટે જે કંઈ તકો મળતી હતી તે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન મેળવી ચુકેલા (કે રહેલા) સંગીતકારો સિવાયના સંગીતકારો પાસેથી જ મળતી હતી. આ વલણ ‘૫૧ -‘૫૯નાં તલત મહેમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહે છે.
મેરા મન ઝૂમ ઝૂમ લહરાયે – તિતલી (ફૉર લેડિઝ ઑન્લી) (૧૯૫૧) – ગીતકાર: મનોહર સિંગ સહરાઈ – સંગીત: વિનોદ
તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળવાની શરૂઆત આ યુગલ ગીતથી વધારે સારી ન થઈ શકી હોત. ‘
આ રમતિયાળ ગીતમાં આશા ભોસલેને પોતાના સ્વરની મસ્તીની ખુબીઓ રજુ કરવાની તક મળે છે અને તલત મહેમૂદ પણ ગીતનાં એ રમતિયાળ અંગોને એટલી જ સહજયાથી ન્યાય આપે છે.
તુમ બડે વો હો મુહબ્બતકા મઝા ક્યા જાનો – ઈમાન (૧૯૫૧) – રજુઆત ન પામેલ ફિલ્મ – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: મોતી રામ
ગીતના બોલ વાંચતાં સાથે જ ગીત ગીતનો ભાવ પ્રેમીઓના વાર્તાલાપની સોમેંટિક પળોનો હશે તે સમજાઈ જાય. આશા ભોસલે જેટલાં રમતિયાળ અનુભવાય છે તેના પ્રમાણમાં તલત મહેમૂદ કંઈક અંશે ઓછા ખુલતા અનુભવાય છે. જોકે એકંદરે ગીત સાંભળવું જરર ગમે છે.
પ્યાર ભી આતા હૈ ગુસ્સાભી આતા હૈ, તુમ હી કહો ઐસે કોઈ કિસી કો છોડકે ભી જાતા હૈ – ગુંજ (૧૯૫૨) – ગીતકાર:ડી એન મધોક – સંગીત: સાર્દુલ ક્વાત્રા
પોતાનાં ગીતોમાં લોક ગીતોના તાલને ખુબ સહજતાથી વણી લેતા સાર્દુલ ક્વાત્રા પણ હિંદી ફિલ્મોમાં અપેક્ષિત સફળતા ન મેળવી શક્યા.
ફિલ્મમાં છેલ્લે ન સ્વીકારાયેલાં કહેવાતાં આ યુગલ ગીતમાં તલત મહેમૂદ પોતાના મુલાયમ સ્વરને પણ નિર્ભેળ રોમાંસના આનંદમાં વહેતો મુકી શક્યા છે.
કિસીને નઝર સે નઝર જબ મિલા દી… મેરી ઝિંદગી.. ઝૂમ કે મુસ્કુરા દી – હમસફર (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીત: અલી અકબર ખાન
બન્ને પ્રેમીઓ નજર મિલાપના સંમોહનમાં છે. તલત મહમૂદે ગાયેલા ભાગમાં તેમનાં એ સમયનાં ગૈર ફિલ્મી ગીતોની છાંટ અનુભવાયા વિના નથી રહેવાતું.
આ યુગલ ગીત વિશે ની બીજી એક ખાસ વાત એ છે કે ફિલ્મમાં બીજાં ગીતોમાં પુરુષ સ્વર કિશોર કુમારનો અને સ્ત્રી સ્વરો લતા મંગેશકર કે ગીતા દત્તના છે !
એસ ડી બર્મન જેમ જેમ સફળ થતા ગયા તેમ તેમ તેઓ મોહમ્મદ રફી કે કિશોર કુમારના તેમ જ લતા મંગેશકરના સ્વરોને બધારે વાપરતા થયા. અશા ભોસ્લેનો પણ તેઓએ મુખ્ય ગાયિકા તરીકે ઉપયોગ લતા મંગેશકર સાથેના અણબનાવનાં વર્ષો દરમ્યાન જ વધારે કર્યો. આવા જ બધા સંજોગોને કારણે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન પામતા સંગીતકારો પાસેથી આપણને તલત મહેમૂદ અને આશા ભોસલેનાં બહુ જૂજ યુગલ ગીતો મળે છે.
ચાહે કિતના તુમ મુઝે બુલાઓગે નહીં બોલુંગી …. બોલ ન બોલ અય જાનેવાલે સુન તો લે અય દિવાનોંકી – અરમાન (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીત: એસ ડી બર્મન
બન્ને પ્રેમીઓ અલગ પડી જવાનાં દુઃખને પોતપોતાની રીતે વ્યક્ત કરે છે.
અહીં આશા ભોસલેની ગાયકીમાં ગીતા દત્તની શૈલી છાંટ અનુભવાય છે.
તલત મહેમૂદનું સૉલો વર્ઝન પણ છે –
આડવાતઃ
૧૯૫૩ની ‘બાબલા’ અને ‘અરમાન’ સાથે સાહિર લુધીયાનવી અને એસ ડી બર્મનની ૧૮ ફિલ્મોની સળંગ સફળ સહયાત્રા શરૂ થઈ જે ૧૯૫૭ની ‘પ્યાસા’ સાથે થંભી ગઈ.
તેરી મર્ઝી હૈ જહાં મુઝે લે ચલ તુ વહાં – ઘર બાર (૧૯૫૩) – ગીતકાર: ઈંદીવર – સંગીત: વસંત પ્રભુ
મરાઠી ફિલ્મોના ખુબ સફળ સંગીતકાર વસંત પ્રભુએ આ એક માત્ર હિંદી ફિલ્મ માટે સંગીત આપ્યું છે.
ગીતનો ઉપાડ આશા ભોસલેના સ્વરમાં નૃત્ય ગીતની શૈલીમાં થાય છે તો તલત મહેમૂદ ધીર ગંભીર રહે છે. જોકે તે પછી તલત મહેમૂદ પણ ગીતના આનંદના ભાવમાં પળોટાયાએલા રહે હે.
બહારોંકી દુનિયા પુકારે તુ આ જા .. તેરે મુંઝિર હૈ સિતારે આ જા – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: સરદાર મલિક
શમ્મી કપુરની શરૂઆતની ફિલ્મોમાં જ્યારે તલત મહમુદ તેમનો પાર્શ્વસ્વર હતા એ સમયનું એક ખુબ લોકપ્રિય યુગલ ગીત આજે પણ એટલું જ સાંભળવું ગમે છે.
દેખ લી તેરી અય તેરી મહેરબાની દેખ લી – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: સરદાર મલિક
પૂર્ણતઃ કરૂણ ભાવનાં આ યુગલ ગીતમાં આશા ભોસલે પણ તલત મહેમૂદની બરાબરી કરવામાં પાછાં નથી પડી રહ્યાં.
રાત ચાંદની સાથ તુમ્હારા રંગ મુહબ્બત લાયી, કભી નજ઼રમેં તુમ લહરાયેં, કભી નજ઼ર લહરાઈ – પેહલી શાદી (૧૯૫૩) – ગીતકાર: કૈફ ઈર્ફાની – સંગીત: રોબિન બેનર્જી
ચાંદની રાતમાં બે પ્રેમીઓ સાથે હોય તો દિલ ખુશીથી કેવું ઊછળવા લાગે એ ભાવ સંગીતકારે ધુનમાં અને બન્ને ગાયકોએ ગાયકીમાં તાદૃશ કરી આપેલ છે.
આજના અંક માટે ૧૯૫૩નાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો ખોળતાં ખોળતાં આ બન્નેએ ગાયેલું એક પંજાબી યુગલ ગીત હાથ લાગી ગયું.
મેરે દિલ દી સેજ દીયે રાનીયે ની – લારા લપ્પા ૧૯૫૩) – ગીતકાર: એમ એસ સેહરાઈ – સંગીત: ધનીરામ
ધનીરામ વિશે વિગતે પરિચય આવતા અંકમાં તેમનાં ‘ડાક બાબુ’ (૧૯૫૪)નાં તલત મહેમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતને સાંભળતી વખતે કરીશું અત્યારે તો તેમનાં લડકી (૧૯૫૩)નાં એક બહુ જાણીતાં ગીત – મૈં હું ભારતકી એક નાર લડને મરને કો તૈયાર -ને યાદ કરીને તેમને યાદ કરી લઈએ.
ધનીરામનાં સંગીતમાં જેટલું પ્રાધાન્ય શાસ્ત્રીય સંગીતનું જોવા મળે છે, એટલું જ પ્રાધાન્ય પ્રસંગોચિત ઉત્તર પ્રદેશ ને પંજાબનાં લોક સંગીતનું જોવા મળે છે. જેમકે પ્રસ્તુત ગીતમાં તેમણે પંજાબી લોકધુનને કેટલી અસરકારક રીતે વણી લીધી છે
હવે પછીના અંકમાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની આ સફર આગળ ધપાવીશું.
-
ફિલસુફીભર્યા ગીતો – ૭ – वहाँ कौन है तेरा, मुसाफिर जाएगा कहाँ
નિરંજન મહેતા
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વગીત તરીકે ટાઈટલ ગીતના રૂપમાં દેખાડાયું છે.
वहाँ कौन है तेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा
मुसाफिर जाएगा कहाँ
वहाँ कौन है तेराबीत गए दिन
प्यार के पल-छीन
सपना बनी ये रातें
भूल गए वो
तू भी भुला दे
प्यार की वो मुलाकातें प्यार की वो मुलाकातें
सब दूर अंधेरा
सब दूर अंधेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले दम ले ले दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेराकोई भी तेरी
राह ने देखे
नैन बिछाए न कोई
दर्द से तेरे
कोई ना तड़पा
आँख किसी की ना रोई आँख किसी की ना रोई
कहे किसको तू मेरा
कहे किसको तू मेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा
हो हो हो हों मुसाफिर
तू जाएगा कहाँकहते हैं ज्ञानी
दुनिया है फानी
पानी पे लिखी लिखाई
है सबकी देखी
है सबकी जानी
हाथ किसी के ना आनी हाथ किसी के ना आनी
कुछ तेरा ना मेरा
कुछ तेरा ना मेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले दम ले ले दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेराજેલમાંથી છૂટ્યા પછી દેવઆનંદ સમજે છે કે પોતાની કરણી બાદ હવે જગતમાં તેનું કોઈ નથી અને તેનો તેને અફસોસ છે એટલે તે પોતાને શહેર ન જતા અન્ય અજાણ્યા સ્થળે જવા રવાના થાય છે.
ગીતમાં કહેવાય છે કે કોઈ તારૂ નથી. તારી કરતુતોને કારણે તારા પ્યારભર્યા દિવસો ભૂલી જા. તને લોકો ભૂલી ગયા છે અને તું પણ તેમને ભૂલી જા અને બે ઘડી આરામ કરી લે.
હવે તારી કોઈ રાહ નથી જોવાનું તે સમજી લે. તારા દુઃખને કારને કોઈને વ્યથા નથી અને કોઈએ આંસુ નથી સાર્યા કારણ બધા સ્વાર્થના સાથી છે. તું હવે કોઈને તારૂં પોતાનું કહી શકે તેમ નથી.
આગળ ઉપર કહેવાય છે કે જ્ઞાની વિદ્વાનો કહી ગયા છે કે આ દુનિયા ફાની છે. જાણે પાણીમાં કોઈ લખાણ ન હોય કે જે બધા જુએ છે અને સમજે છે પણ કોઈના હાથમાં નથી આવતું. હવે ન કોઈ તારૂં છે અને કોઈ ના મારૂં છે એટલે હવે તું ક્યા જશે? થોડો થાક ખાઈ લે….
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ઘુઘરી જેવો અવાજ, નમણું અને મીઠડું એટલે શ્વેતનયના
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ઘણું તરવરાટ વાળું નાનું પણ મીઠડું પક્ષી એટલે બબુના/ શ્વેતનયના, મીઠો ઘંટડી જેવો અવાજ હોય. નાનું, નમણું અને કોમળ પક્ષી છે જેને જોઈને તરત તેના રંગરૂપ અને તરવરાટને કારણે ધ્યાન પોતાની તરફ ખેંચે. કદ નાનું હોય પણ તરવરાટ ઘણો મોટો હોય છે. તેઓ પોતાના ઝુંડમાં ૧૫ થી ૨૦ ની સંખ્યામાં એક વિસ્તારમાં વૃક્ષોમાં રહેતા હોય છે. તેવા સમયે જ્યારે ઘણા બધા એક સાથે ઘંટડીના રણકારની જેમ બોલવા લાગે તો શાંત વાતાવરણ પણ એકદમ જીવંત કરી દે. ૧૮૨૪ ની સાલમાં કોર્નાર્ડ જેકોબ નામના પક્ષીવિદે તેનું નામ ઓરિએન્ટલ વ્હાઈટ આઈ આપ્યું હતું પરંતુ ભારતમાં તેમની પ્રજાતિ જુદી હોઈ પછીથી તેનું નામ ઇન્ડિયન વ્હાઈટ આઈ રાખવામાં આવ્યું.

શ્વેતનયના/ બબુના /Indian White-eye /Oriental White – eye /Zosterops palpebrosa / हिंदी: मोतीचूर /बबुना / संस्कृत: चटकीका/ पुत्रिका
કાળ: ૧૧ સે.મી – ૪ ઇંચ.મુખ્યત્વે ઉપરનું શરીર સુંદર ચમકીલા પીળાશ પડતું લીલાશ ઉપર/ ઓલિવ રંગની ઝાયવાળું શરીર અને આંખને ફરતી સ્પષ્ટ સફેદ રિંગનો / વલય એમ પીળો અને આંખની રિંગનો સફેદ સમન્વય એ ભેગા મળી આ નાના પક્ષીને સુંદર બનાવી દીધું છે. દાઢી, ગળું અને પૂંછડીનો પેટાળ તરફનો ભાગ ચમકતા પીળા રંગના હોય છે. આંખની નીચે અને આગળ તરફ થોડો કાળો ભાગ જાણે આંખની પાસે ભારતીય નૃત્યઆંગના જેમ મેકઅપ કર્યો હોય તેવો દેખાવને ઓપ આપે. છાતી, પેટાળ તેમજ પગ રાખોડી, ચાંચ કાળી હોય છે. તેઓમાં નર અને માદા બંને હંમેશા સરખા દેખાય છે.
તેઓની ૧૧ પ્રજાતિ જાણીતી છે અને દરેક પ્રજાતિમાં એક બીજાથી બહુ ઓછો ફરક જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ભારતમાં પણ બંગાળમાં જુદી જોવા મળે. આ ઉપરાંત ઓમાન, અરેબિયા,અફઘાનિસ્તાન, ઉત્તર ભારત, દક્ષિણ ચીનમાં તેઓ જુદી જુદી પ્રજાતિની હોય છે. ફક્ત ભારતમાં તેઓની ૧૦૦ જેટલી પ્રજાતિ છે જેમાંથી ૬૦ જેટલી પ્રજાતિ એકજ વર્ગમાં ગણાય છે.
પોતાના નિભાવ માટે બીજા ઘણા પક્ષીની જેમ ફૂલનો મધુરસ એટલેકે વનસ્પતિજન્ય પુષ્પરસ પીતાંપીતા પરાગનયનની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. કીટભક્ષી હોઈ જીવાત વ્યવસ્થાપનમાં સીધો ભાગ ભજવે છે કારણકે તેઓ કીટકો ઉપર પણ નભે છે. કીટકની વસ્તી નિયંત્રણ કરવામાં પોતાનું યોગદાન આપે છે. આ કારણે કીટનાશક દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત નહિવત થઇ જાય છે. ખોરાકમાં મુખ્યત્વે મધુરસ પીવાના શોખીન હોય છે અને ઝીણી જીવાત ખાવા માટે સામાન્ય કરતા જીભ વધારે લાંબી હોય છે. જીભ ચાંચની બહાર નીકળી શકે તેટલી લાંબી હોય છે જેમાં આછી રૂંવાટી પણ હોય છે. પોતાનો ખોરાક શોધવા માટે પાંદડાની પાછળ તેમજ વૃક્ષના થડની તિરાડો ફેંદી વળે છે અને તેના માટે ઊંધા માથે લટકી શકે છે. આવા સમયે જીવાત શોધતી જાય, ખાતી જાય અને સુમધુર ગાતી જાય. આ દ્રશ્ય જુવો તો એક નાના પક્ષીની પ્રસન્ન કાબેલિયત દેખાઈ આવે છે. તેમનો અવાજ હલકો હોય છે અને નાકમાંથી બોલતા હોય છે.
તેઓ પોતાની બોલીથી પોતાના ઝુંડની સાથે સતત સંપર્કમાં રહે છે અને સતત બોલતા અને તરવરતા વૃક્ષમાં કાર્યશીલ રહે છે. વૃક્ષોમાં ફરનારું આ પક્ષી ખાસ કરીને જમીન ઉપર આવતું નથી. તેઓ ઘટાદાર વૃક્ષો અને ફૂલોવાળા બગીચાનું બારમાસી ભારતીય વ્યાપક પક્ષી છે. ઝાડી વાળા સ્થળથી શરુ કરી તેઓ ભેજવાળા જંગલમાં વસતા હોય છે.
ભારતના જુદા જુદા પ્રદેશમાં ઋતુ પ્રમાણે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે જેમાં મોટા ભાગના વિસ્તારમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન પ્રજનની ઋતુ રહે છે.પ્રજનનની ઋતુમાં નર બાબુના માદાને સમાગમ નિયંત્રણ માટે પોતાની તરફ આકર્ષવા માટે સુંદર ગાય છે.
વાટકી/ કપ આકારનો વૃક્ષની અંદર જલ્દી દેખાય નહિ તેવી જગ્યાએ ડાળીઓની વચ્ચે કરોળિયાના જાળાથી લઈને વૃક્ષમાંથી ખેંચેલા રેસાઓ વગેરેમાંથી વૃક્ષમાં ૬ થી ૮ ફૂટની ઊંચાઈ ઉપર માળો બનાવે છે. ક્યારેક બીજા પક્ષીના માળામાંથી પણ માળો બનાવવા માટે રેસા ખેંચી લે છે. ક્યારેક વૃક્ષમાં ઘણી ઊંચાઈ ઉપર પણ માળા જોવા મળે છે. માળો બનાવતા તેઓને આશરે ૪ દિવસ લાગે છે.
એક ઋતુમાં માદા ૨ ઈંડા એક સાથે મૂકે છે. એક ઈંડુ મુક્યાના થોડા દિવસ બાદ બીજું ઈંડુ મૂકે છે. ઈંડાનો રંગ આછો વાદળી હોય છે. નર અને માદા બંને ભેગા મળી ઈંડા સેવવાનું કામ કરે છે. ઈંડાને સેવતા ૧૦ દિવસ લાગે છે અને ત્યાર બાદ બીજા દસ દિવસમાં બચ્ચું ઉડી જાય છે. ઘણી વખત તેઓ દૂધરાજ/ પેરેડાઇઝ ફલાય કેચર પક્ષીના બચ્ચાને પોતાના બચ્ચાની જેન ખોરાક ખવડાવતા જોવા મળે છે.
ઇન્ડિયન વ્હાઈટ આઈ/બબુના/ શ્વેતનયના ભારતવર્ષ ઉપરાંત એશિયાના બાંગ્લાદેશ, મ્યાનમાર તેમજ શ્રીલંકામાં જોવા મળે છે. તેઓ લાંબુ અંતર ઉડી નથી શકતા પરંતુ પવનના તોફાન અને આંધીમાં દૂર સુધી બીજે જતા હોય છે.
(ફોટોગ્રાફ અને વિડિઓ: શ્રી જગત. કીનખાબવાલા, પોતાના ઘરે અને સાથે શ્રી રિતેશ આઝાદ.)
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વનવૃક્ષો : મહુડો

અમારા ગામમાં દારૂની ભઠ્ઠી હતી. છેક નાનપણમાં સાંભળેલું કે ત્યાં મહુડાંમાંથી દારૂ કાઢે છે. તે વખતે મહુડાં કેવાં હશે અને ક્યાં થતાં હશે તેની ખબર નહિ.

પછી તો એક વાર ગુજરાતમાં ગયો અને મામાને ત્યાં મહુડાં ચાખ્યાં. મને થયું : ” વાત સાચી કે મહુડાંમાંથી દારૂ નીકળતો હશે.” મારું અનુમાન છે કે મહુડાંનો દારૂ ગાળ્યો થતો હશે.
ગમ્મત એ છે કે હજી પણ મેં મહુડાંનું ઝાડ જોયું નથી. પણ મારા મિત્ર કહે છે કે તેમણે તે જોયું છે. ત્યારે તેમના કહેવા ઊપરથી તેમજ ચોપડીમાંથી જોઈને હું મહુડાંની વાત લખીશ.
ગુજરાતમાં મહુડાંનાં ઝાડ ઘણાં, ને ત્યાં તેમાંથી દારૂ પણ બહુ બને છે.
મહુડાં એટલે મહુડાનાં ફૂલ; ને એમાંથી જ દારૂ નીકળે છે. એક ચોપડીમાં લખ્યું છે કે “મહુડાંનો દારૂ પીને લોકો બોકડા જેવા ગાંડા થાય છે.” ગરીબ લોકો મહુડાંનાં ફૂલ ખાય છે, કેમકે તે ગળ્યા લાગે છે.
મહુડાંનું ઝાડ મોટું થાય છે અને મારા મિત્ર કહે છે કે તેનાં પાંદડા કાંઈક ખાખરાનાં જેવાં મોટાં અને જાડાં થાય છે. મારું ચોક્કસ માનવું છે કે બ્રાહ્મણો આ મહુડાંના પાંદડાંના પત્રાવળામાં લાડવા નહિ જમે.
એક વાર મારો મિત્ર અને એક નાગર ગૃહસ્થ મહુડાના ઝાડ પાસેથી નીકળ્યા. નાગરભાઈ કહે : “આપણાથી એનાં ફૂલ ન ખવાય, કેમકે એમાંથી દારૂ થાય છે.” મહુડાંનું ઝાડ જોવા ખાતર પણ તે ઊભા ન રહ્યા. આમ બિચારા મહુડાનો બહિષ્કાર કરવો ઠીક નથી. ઝાડોમાંનું એ પણ એક ઝાડ છે; બહિષ્કાર કરવો ઠીક નથી. ઝાડોમાંનું એ પણ એક ઝાડ છે; બહિષ્કાર કરવો હોય તો આપણે દારૂ બનાવનાર અને પીનારનો કરવો ઘટે છે.
ફરી ફરીને મને મારા ગામમાં દારૂની ભઠ્ઠી હતી, અને અમે ત્યાંથી નીકળતા ત્યારે નાક આગળ ડૂચો દેતા, તે યાદ આવે છે. પણ એ બહિષ્કાર પણ બરાબર ન કહેવાય. કેટલાએક લોકો કહે છે કે મહુડાનાં ઝાડોનો જ નાશ કરીએ; કેટલાએક ભઠ્ઠીઓને સળગાવી દેવાની વાત કરે છે; કેટલાએક કહે છે કે પીનારા અને પાનારાઓનો હ્રદય પલટો કરીએ. આ છેલ્લી રીત ગાંધીજીની છે અને તે સુંદર છે.
આપણને એમ લાગી જાય કે ત્યારે શું મહુડો માત્ર દારૂ માટે જ છે ? ના, મહુડાની પણ દવા બને છે. સૌથી સારી દવા એ છે કે એના ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.

વાત ધ્યાન ખેંચે એવી છે. એનો રસ પીવાની માણસને ઘેન ચડે છે અને એનાં બિયાં સાપનું ઘેર-ઝેર ઉતારે છે!
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
એ પુસ્તકનું વિક્રમી વેચાણ થવા પાછળનું કારણ શું?
પુસ્તક પરિચય વિશેષ
બીરેન કોઠારી
‘હવે જમાનો ઈ-બુક્સનો છે.’
‘છપાયેલાં પુસ્તકોનું ભવિષ્ય ધૂંધળું છે.’
‘વાંચનની આદત દિન બ દિન ઘટી રહી છે.’
આવાં વિધાનો ઘણા સમયથી સાંભળવા મળે છે, જે કેવળ ગુજરાતી કે ભારતીય નહીં, પણ તમામ ભાષાનાં પુસ્તકોને લાગુ પડે છે. આ સમસ્યા સમગ્ર વિશ્વની છે. આમ છતાં, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ઈન્ગ્લેન્ડમાં પ્રકાશિત થયેલા એક પુસ્તકે તેના પ્રકાશનના દિવસે જ ચાર લાખ નકલોના વેચાણનો વિક્રમ નોંધાવ્યો છે. કયું છે એ પુસ્તક? અને કોણ છે એના લેખક?
પુસ્તકનું નામ છે ‘સ્પેર’. તેમાં સંસ્મરણો આલેખાયેલાં છે અને આલેખક છે પ્રિન્સ હેરી. આ પુસ્તકના વેચાણના સતત વધતા જતા આંકે સૌને અચંબામાં મૂકી દીધાં છે. એવું તો શું છે આ પુસ્તકમાં કે લોકો તેને વાંચવા માટે આટલા ઉત્સુક છે?

તસવીર – નેટના સૌજન્યથી બ્રિટનનો શાહી પરિવાર ત્યાંના લોકોમાં ઘણો આદરપાત્ર ગણાય છે. અતિ મર્યાદિત સત્તા હોવા છતાં, શાહી પરિવારની વ્યક્તિ રાષ્ટ્રના વડાનું સ્થાન શોભાવે છે. શાહી પરિવારની ગતિવિધિઓ અને તેમની અંગત બાબતો અંગે જાણવા લોકો સતત ઉત્સુક રહે છે, કેમ કે, શાહી પરિવાર પોતાની ફરતે રહસ્યનું આવરણ સદાય રાખે છે. વખતોવખત પ્રાપ્ત થતી અતિ મર્યાદિત જાણકારી લોકોની જિજ્ઞાસાને સંતોષવાને બદલે ઓર ઉત્તેજે છે. આ સમજવા એક ઉદાહરણ પૂરતું થઈ પડશે. શાહી નિવાસ એવા વિન્ડસર કેસલમાં હાઉસકીપરની જગ્યા માટે એક જાહેરખબર પ્રકાશિત કરવામાં આવેલી. સપ્તાહના પાંચ દિવસના આ કામ માટેનું આરંભિક વેતન હતું ભારતીય ચલણ મુજબ આશરે સાડા અઢાર લાખ રૂપિયા. પસંદગી પામેલા ઉમેદવારને એક વરસના તાલિમી સમયગાળા દરમિયાન કામ શીખવવામાં આવશે અને એક વરસ પછી તેને કાયમી કરવામાં આવશે.
આવી જાહેરખબર લોકોમાં ઉત્સુકતા પેદા ન કરે તો જ નવાઈ! શાહી પરિવાર અંગ્રેજોના રોજિંદા જીવનના એક હિસ્સા સમાન છે. શાહી પરિવાર વિશે તેમનો આદર તેમજ તેમના વિશેની જિજ્ઞાસાને કારણે બ્રિટનનાં અનેક અંગ્રેજી અખબારોમાં ‘શાહી પ્રતિનિધિ’ને નીમવાની પ્રથા ચલણી બની. અલબત્ત, ક્યારેક આ પત્રકારો પોતાની મર્યાદા ઓળંગીને શાહી પરિવારની વધુ પડતી અંગત વિગતો પ્રકાશમાં લાવતા, છતાં એકંદરે આ પ્રણાલિ સ્વિકૃત બની.
પ્રિન્સ હેરીના પિતા એટલે કે વર્તમાન રાજા ચાર્લ્સ અને માતા ડાયના એક સમયે સૌથી લોકપ્રિય જોડી મનાતી હતી, પણ બહુ ઝડપથી તેમના લગ્નજીવનમાં ખટરાગ શરૂ થયો. ૧૯૯૬માં પંદર વર્ષના તેમના લગ્નજીવનનો અંત આવ્યો ત્યારે વિલીયમ અને હેરી એમ બે પુત્રસંતાનો તેમને હતાં. લગ્નવિચ્છેદ પછી એક જ વરસમાં એક અકસ્માતમાં ડાયનાનું મૃત્યુ થયું. એ વખતે બન્ને સંતાનો માતાનું શબ જેમાં મૂકાયેલું હતું એ કૉફીનની પાછળ હતા. તેમના બાળમન પર શી વીતી રહી હશે એ કલ્પનાથી લોકો સ્તબ્ધ થઈ રહ્યા હતા. ડાયનાની વિદાય પછી આઠ વરસે પ્રિન્સ ચાર્લ્સે કેમિલા પાર્કર સાથે લગ્ન કર્યું. આમ, બન્ને સંતાનોનું બાળપણ સતત તાણભર્યા સંજોગોમાં વીત્યું. માતાની વિદાયના શોકને પગલે હેરી બેફિકર અને અમુક અંશે બેજવાબદાર બની રહ્યો. પોતાના ક્રોધ સાથે, પોતાની એકલતા સાથે તેણે સતત સંઘર્ષ કરવો પડતો. તેનો શાળાકાળ આ સંઘર્ષમાં જ વીત્યો. એકવીસની વયે તે બ્રિટીશ સૈન્યમાં જોડાયો. અહીં તે શિસ્તબદ્ધ જીવનમાં પલોટાયો અને પરિવારમાં તેની ઓળખ બની. પણ એ સમયગાળો લાંબો ન ચાલ્યો. તેને હતાશાના હુમલા આવતા. સાચા પ્રેમની તલાશ તેને સતત રહેતી. એવે સમયે તેના જીવનમાં મેગનનું આગમન થયું, જે એક અમેરિકન અભિનેત્રી હતી. એ બન્નેનું પ્રેમપ્રકરણ પ્રસાર માધ્યમોમાં અવારનવાર ચમકતું. તેનો અતિરેક થવા લાગ્યો એટલે હેરીને લાગ્યું કે ઈતિહાસનું ક્યાંક પુનરાવર્તન ન થાય. પોતાની માતા ડાયનાના મૃત્યુ માટે પ્રસાર માધ્યમો નિમિત્ત હોવાનું તે માનતો હતો, જે બાબત ઘણા અંશે સાચી હતી. આખરે તેણે બ્રિટન પાછા આવવાનું પસંદ કર્યું.
નાની વયથી જીવનની અનેક ચડતીપડતી જોઈ ચૂકેલા પ્રિન્સ હેરી પોતે પોતાનાં સંસ્મરણો આલેખે અને લોકોને એમાં રસ ન પડે તો જ નવાઈ! પરિવારના અનેક સભ્યોની પ્રતિષ્ઠાને આ આલેખનથી નુકસાન થયું હશે, પણ પુસ્તકને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે. એ હકીકત નોંધવી રહી કે અંગ્રેજોનો શાહી પરિવાર પ્રત્યેનો આદર લગભગ અકબંધ રહ્યો છે.
એક અહેવાલ અનુસાર પ્રકાશકગૃહ ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ તરફથી પ્રિન્સ હેરીને ૧૬૪ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. કહેવાય છે કે પેન્ગ્વિને પુસ્તકના પ્રકાશનનો તમામ ખર્ચ સરભર કરવા માટે તેર લાખ નકલનું વેચાણ કરવાનું હતું. આ આંકડો ક્યારનો પાર થઈ ગયો છે. વિવિધ પ્રકારના વિશ્વવિક્રમોની નોંધ રાખતી ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’ અનુસાર આ પુસ્તક સૌથી ઝડપી વેચાયેલા નોન-ફિક્શન પુસ્તકનો વિક્રમ સર્જી ચૂક્યું છે.
આ પુસ્તકના જંગી વેચાણથી વાંચનનો પ્રભાવ વધ્યો છે, યા પુસ્તકોનો યુગ પાછો આવી રહ્યો છે કે કેમ એ નક્કી કરી શકાય એમ નથી. એટલું નક્કી છે કે જાહેર જીવનમાં મોટા અને આદરણીય ગણાતા લોકો પણ આખરે માણસ છે, અને એક સામાન્ય માણસને નડે એ બધી જ સમસ્યાઓ તેમના જીવનમાં પણ હોય છે એ બાબત લોકો જાણવા ઈચ્છે છે. ભલભલી સુવિધાઓ વચ્ચે પણ તેઓ આખરે એક સામાન્ય માણસની જેમ જ ઝઝૂમતા હોય છે એ જાણવું ઓછું આશ્વાસનપ્રેરક નથી. જમાનો ગમે એટલો આગળ વધે, માણસને માણસના જીવનમાં રસ પડતો આવ્યો છે અને પડતો રહેશે એ બાબત આ પુસ્તકના વિક્રમજનક વેચાણ થકી વધુ એક વાર પુરવાર થાય છે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈનો લાડકવાયો -(૧૭) ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
દીપક ધોળકિયા
ભારતના ઇતિહાસમાં ૧૮૫૭નું વર્ષ એક સીમાચિહ્ન છે. પહેલી જ વાર દેશના સામાન્ય પ્રજાજનો અને રાજવીઓ, ખેડૂતો અને જમીનદારો, હિન્દુઓ અને મુસલમાનો એક થઈને લડ્યા. જનતાના દરેક વર્ગને અંગ્રેજોથી અસંતોષ હતો.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે રાજ્યોની સ્થિતિ | ચિત્ર સૌજન્યઃ https://commons.wikimedia.org/wiki/File:Indian_revolt_of_1857_states_map.svg ૧૮૫૭નો મુખ્ય તખ્તો તો ઉત્તર ભારતમાં હતો, પરંતુ વિદ્રોહની આગ બીજા પ્રાંતો સુધી અને રજવાડાંની સામાન્ય વસ્તી સુધી પણ પહોંચી ગઈ. એની વ્યાપકતા એટલી બધી હતી કે દેશના ખૂણે ખૂણે લોકોએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યાં. પરંતુ આયોજનનો અભાવ હોવાથી કોઈ એક સમયે બધી જગ્યાએ વિદ્રોહ એક સાથે શરૂ ન થયો. પરંતુ જેમ જેમ એની હવા ફેલાતી ગઈ તેમ તેમ લોકો એમાં જોડાતા ગયા. અસંખ્ય લોકો યુદ્ધના મેદાનમાં માર્યા ગયા, અથવા કેદ પકડાયા અને પછી અંગ્રેજોએ એમને કાં તો તાબડતોબ ઝાડેથી લટકાવીને ફાંસીની સજા કરી અથવા તોપને નાળચે બાંધીને ઉડાવી દીધા. કેટલાયને કાળા પાણીની સજા કરીને આંદામાન ટાપુ પર મોકલી દીધા. જ ત્યાં ગયા તેમાંથી કોઈ પાછો ન આવી શક્યો. ત્યાં એમના પર એટલા સિતમ થયા કે મોટા ભાગના ત્યાં પહોંચ્યા પછી બે મહિનાથી માંડીને છ મહિનાની અંદર મૃત્યુ પામ્યા. ભાગ્યે જ કોઈ એવા હતા કે જે દસ મહિના કે તેથી વધારે જીવ્યા.
આપણે ૧૮૫૭ના કેટલાય વીરોની કથાઓ જાણીએ છીએ – મંગલ પાંડે, બહાદુર શાહ ઝફર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે, કુંવર સિંહ, અઝીમુલ્લાહ ખાન વગેરે.એમની કથાઓ વારંવાર કહેવાતી રહેવી જોઈએ અને હું પણ જરૂર કહીશ. પરંતુ મારો મુખ્ય ઉદ્દેશ અનામી વીરોની કથાઓ કહેવાનો છે, જે આપણા સુધી પહોંચી નથી. કારણ કે આપણ એ તો જાણીએ છીએ કે બહાદુર શાહ ઝફરને વિદ્રોહીઓએ હિન્દનો શહેનશાહ જાહેર કર્યો, અથવા કદાચ એ પણ જાણીએ છીએ કે મેરઠથી દિલ્હી આવેલા વિદ્રોહી હિન્દુસ્તાની સિપાઈઓએ એને શહેનશાહ જાહેર કર્યો. પણ એ સિપાઈઓ કોણ હતા, તે તો આપણે ચોક્કસ નથી જાણતા.
(સંદર્ભઃ
આના માટે મેં ભારત સરકારે પ્રસિદ્ધ કરેલી DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947)ના ચાર ભાગોની મદદ લીધી છે. પહેલો અને બીજો ભાગ બબ્બે ગ્રંથોનો બનેલો છે, એટલે ખરેખર તો છ ભાગ છે. આ ગ્રંથોમાં અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે શહીદોને મૂક્યા છે એટલે ૧૮૫૭ના શહીદો, ૧૮૬૦, ૧૮૯૯, ૧૯૦૫, ૧૯૧૫, ૧૯૩૦ અને ૧૯૪૨ના શહીદોનાં નામ ક્રમસર મળે છે. પરંતુ આ સિવાય પણ શહીદ તો દર વર્ષે થયા! એટલે ૧૮૫૭ના શહીદોને અલગ કર્યા, એમાંથી લડાઈમાં કેટલા માર્યા ગયા, કેટલાને ફાંસી અપાઈ, આંદામાન કોણ ગયા આ બધી વિગતો તારવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય ઇતિહાસ સંશોધન પરિષદે સંયુક્ત રીતે પ્રદેશવાર તૈયાર કરેલા આ ગ્રંથો ૨૦૧૦થી માંડીને ૨૦૧૬ વચ્ચે અલગ અલગ પ્રકાશિત થયા છે અને http://www.archive.org પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે).
ગ્રંથોના મુખ્ય સંપાદક સ્પષ્ટ કહે છે કે હજી પણ ઘણાં નામો બાકી રહી ગયાં હોય તેવું બની શકે છે. (મારા તરફથી પણ સ્પષ્ટતા જરૂરી છે કે આ ગ્રંથોનો ઉપયોગ કરતાં મેં પણ કોઈ નામ છોડી દીધાં હોય તે શક્ય છે). મુખ્યત્વે તો અંગ્રેજોની અદાલતો કે લશ્કરના દસ્તાવેજોનો આધાર લીધો છે પરંતુ અંગ્રેજોએ પોતાનાં કરતૂતો છુપાવવા માટે રિપોર્ટ જ ન કર્યા હોય એ પણ શક્ય છે. છેવટે તો વિજેતાઓના હાથમાં બધું હોય.
બીજી એ પણ ચોખવટ જરૂરી છે કે દરેક પ્રદેશમાં અંગ્રેજી ફોજ હતી અને સિપાઈઓએ દરેક જગ્યાએ નોકરીને ઠોકરે ચડાવીને બળવો કર્યો હતો એટલે, દાખલા તરીકે, ગુજરાતની વાત કરીએ ત્યારે એ શહીદ ગુજરાતી ન પણ હોય, માત્ર લશ્કરની સેવા માટે એને ગુજરાત મોકલ્યો હોય. આ બધું અલગ તારવવું મુશ્કેલ છે કારણ કે ગ્રંથની ટીમને પણ ઘણા શહીદો, અને ખાસ કરીને, ફોજના સિપાઈઓનાં મૂળ વતનની માહિતી નથી મળી શકી. (અંગ્રેજી ફોજમાં હિન્દુસ્તાનીઓને સિપાઈ કહેતા. એમને એનાથી ઉપર કોઈ હોદ્દો ન અપાતો).
આવા ઘણા વીરો ખરેખર જ અનામ રહ્યા છે. આપણે અહીં જેમની વિગતો આપી શકાઈ છે તેમને અને જેમની વિગતો નથી મળી શકી એ સૌને વંદન કરીએ.
આવતા અંકમાં હું ગુજરાતથી શરૂઆત કરીશ.
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સારું જીવન સારા સંબંધોથી જ બને છે
વાત મારી, તમારી અને આપણી
ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)સામાજિક સંબંધો માણસને સ્વસ્થ અને દીર્ધાયુ બનાવે છે. એકલાપણું ઝેરનું કામ કરે છે. કેટલા મિત્રો છે. તે મહત્વનું નથી ‘સમર્પિત સંબંધો‘નું મહત્વ છે. સારા સંબંધો શરીર ઉપરાંત મગજને પણ તંદુરસ્ત રાખે છે
જીવનમાં આપણે બધા સ્વસ્થ અને સુખી રહેવા માંગીએ છીએ. તમારે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સમય અને શક્તિનું રોકાણ કરવાનું હોય તો તે તમે શેમાં કરશો ?લખપતિઓનો એક સર્વે કરાયો કે એમના જીવનનું સૌથી મહત્વનું લક્ષ્ય કયું હતું તો એમાના ૮૦ % લોકોએ કહ્યું કે એમના જીવનનું લક્ષ્ય અમીર બનવાનું હતું. જ્યારે બાકીના લોકોનું લક્ષ્ય પ્રસિધ્ધિ પામવાનું અને નામના મેળવવાનું હતું.
નાનપણથી આપણને એવું જ કહેવામાં આવ્યું છે કે ‘સખત મહેનત કરો’ વધારેમાં વધારે મેળવો. આની પાછળ પડવાથી જ આપણને સારૃં જીવન અને સુખી જીવન પ્રાપ્ત થશે.
જીવનમાં લોકો જ રસ્તા પર ચાલ્યા અને એ રસ્તે તેમને જે મળ્યું તે સમગ્ર જીવનની તસ્વીરો મળવી મુશ્કેલ છે. તમે સફળ વ્યકિતઓને પૂછશો કે તરુણાવસ્થામાં તેઓ ક્યા સિધ્ધાંતો અને માર્ગો પર ચાલ્યા તો મોટાભાગના લોકોને તેમના જીવનની ઘટમાળ યાદ નહીં હોય અથવા ક્યારેક વધારે પડતા ફીલોસોફીકલ બની જઈ જવાબ આપવા લાગશે.
પણ જો આપણે વ્યકિત કિશોરાવસ્થાથી જેમ જેમ વૃધ્ધાવસ્થા તરફ આગળ વધતો ગયો તેમ તેમ તેના જીવનની ઘટમાળનો તેના સ્વાસ્થ્યનો અને સુખ દુ:ખનો અભ્યાસ કરી શકીએ તો પરિસ્થિતિનું સાચું મુલ્યાંકન મેળવી શકીએ.
હાર્વર્ડ યુનિવર્સીટી દ્વારા વયસ્કોના જીવન પર સૌથી લાંબામાં લાંબુ અધ્યયન કરવામાં આવ્યું. આ અધ્યયનમાં ૭૨૪ લોકોના જીવન પર ૭૫ વર્ષ સુધી નજર રાખવામાં આવી. પ્રત્યેક વર્ષ એમના કામના વિષયક, એમના ગૃહજીવન, સ્વાસ્થ્ય વગેરે વિશે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવી એ જાણ્યા વગર કે એમનું જીવન કઈ દિશામાં વળાંક લેશે.
આ પ્રકારના સંશોધનો ભાગ્યે જ થાય છે અને તે એકાદ દશકથી વધારે સમય માટે ચાલતા નથી. હાર્વડ યુનિવર્સીટીએ કરેલા ૭૨૪ લોકોના આ અધ્યયનમાંથી ૬૦ લોકો હજી જીવીત છે. અને તેમની ઉંમર ૯૦ વર્ષ કરતાં વધારે થઈ છે. હાલમાં એમના ૨૦૦ થી વધારે સંતાનો સાથે અધ્યયન ચાલુ છે.
આ અધ્યયનની શરૃઆત ૧૯૩૮માં થઈ. જેમાં બે જૂથોને સામેલ કર્યા. પહેલું જૂથ એવા લોકોનું હતું જે હાર્વડ યુનિવર્સીટીમાં નવું નવું આવ્યું હતું. એ બધાએ કોલેજનો અભ્યાસ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન પૂરો કર્યો. જેમાંના મોટા ભાગના લોકોએ યુધ્ધમાં ભાગ લીધો અને બીજું જૂથ બોસ્ટનની ગરીબ વસ્તીના યુવાનોનું હતું જેઓ સમસ્યાવાળા અને અછત અનુભવતા કુટુંબમાંથી આવી રહ્યા હતા. જેઓ ૧૯૩૦ થી બોસ્ટનની ઝૂપડપટ્ટીમાં જ રહેતા હતા.
અધ્યયનમાં સામેલ કરાયેલ દરેક કીશોરોના મૌખિક પ્રશ્નાવલી દ્વારા સવિસ્તર ઇન્ટરવ્યુ લેવાયા. એમના શારીરિક સ્વાસ્થ્યની તપાસ કરાઈ, એમના કુટુંબીજનો અને પાલકોના ઇન્ટરવ્યુ લેવાયા. આ કીશોરો મોટા થતા ગયા. કેટલાક વકીલ, ડોક્ટર, કલાર્ક કે મિલ મજૂર બન્યા. તેમાંથી એકતો અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. કેટલાક લોકો શરાબી બન્યા તો કેટલાકને માનસિક બીમારી થઈ ગઈ. કેટલાક લોકો ટોચ પર પહોંચ્યા તો કેટલાક ભોંય પર પટકાયા.
અધ્યયનની પરિકલ્પના કરવાવાળાઓએ સ્વપ્નામાં પણ વિચાર્યુ નહોતું કે ૭૫ વર્ષ પછી એ આ જગ્યાએ પહોંચ્યા હશે. હજી પણ અધ્યયન ચાલુ છે. પ્રત્યેક વર્ષે સંશોધક ટીમ તરફથી જીવીત લોકોને પ્રશ્નાવલીનો સેટ મોકલવામાં આવે છે.
બોસ્ટન શહેરના કેટલાક વિસ્તારમાંથી લોકો પૂછે છે. તમે મારા જીવન વિશે આટલો ઉંડાણમાં અભ્યાસ શા માટે કરો છો ? મારા જીવનમાં એવું કંઈ જ નથી. પરંતુ હાર્વર્ડના લોકો આવા કોઈ પ્રશ્નો કરતા નથી.
આ લોકોના જીવનની સ્પષ્ટ છબી મેળવવા માટે એમને માત્ર પ્રશ્નોને સેટ જ મોકલવામાં નથી આવતો એમના ઘરમાં એમના લીવીંગ રૃમમાં જઈ એમની સાથે ઇન્ટરવ્યુ કરવામાં આવે છે. એમના ડોક્ટર્સ પાસેથી એમના સ્વાસ્થ્યનો પૂરો રેકોર્ડ લેવામાં આવે છે. એમના બાળકો સાથે વાતો પણ કરવામાં આવે છે. એમની પત્નીઓ સાથે દામ્પત્ય જીવન વિષયક ચર્ચા કરતી એમની વિડીયો પણ ઉતારાય છે.
તો આ અધ્યયનથી શું શીખ્યા ? હજ્જારો પાનાના અધ્યયન આ લોકોના જીવનમાંથી શીખવા મળ્યું એ ઘણું મહત્વનું છે.
૭૫ વર્ષના સંશોધનથી સ્પષ્ટ પણે જણાયું છે કે ધન- સંપતિ, નામ, કે સખત મહેનત વ્યકિતને સુખ નથી આપતું પણ સારા સંબંધો જ વ્યકિતને સ્વાસ્થ્ય અને ખુશી આપી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સીટીના ૭૫ વર્ષના સુખ શેમાંથી મળે છે. તેના પરના આ સંશોધન પરથી સંબંધોના વિષયમાં ત્રણ મહત્વની વાતો શીખવા મળી છે.
પહેલી શીખ છે. સામાજિક સંબંધ આપણા માટે વાસ્તવમાં સારા છે અને એકલાપણું વ્યકિતને ખતમ કરી નાંખે છે. જે લોકો સામાજિક રૃપથી પરિવાર સાથે, દોસ્તો સાથે કે સમાજ સાથે વધારે જોડાયેલા રહે છે. તે વધારે ખુશ રહે છે. એ લોકો વધારે સ્વસ્થ રહે છે અને વધારે લાંબા સમય સુધી જીવે છે. એકલાપણું ઝેરનું કામ કરે છે. જે લોકો- સામાજિક સંબંધોથી કપાયેલા રહે છે તેઓ નારાજ અને કડવા બની જાય છે. અને આઘેડ વયમાં જ તેમનું સ્વાસ્થ્ય જલ્દીથી કમજોર થઈ જાય છે. એમનું મગજ પણ ધીરે ધીરે ઓછું કામ કરતું થઈ જાય છે. દર પાંચમાંથી એક વ્યકિત એકલો છે.
માણસ ભીડમાં પણ એકલો હોઈ શકે છે. પરણેલો હોવા છતાં પણ એકલો હોઈ શકે છે. એટલે બીજી મહત્વની વાત એ છે કે કેટલા મિત્રો છે તે મહત્વનું નથી ‘સમર્પિત સંબંધો’વાળો એક દોસ્ત પણ કાફી છે. દોસ્ત સાથેના તમારા સંબંધોની ગુણવત્તા અને નિકટતા મહત્વ ધરાવે છે. કંકાશયુક્ત વૈવાહિક જીવન કરતાં છૂટા છેડાવાળું એકાકી જીવન ક્યારેક વધારે સારૃં પુરવાર થાય છે. સ્વાસ્થ્ય માટે સારા, ઉષ્માભર્યા અને ધનીષ્ઠ તથા સલામત સંબંધો જરૃરી છે.
જે લોકોનું કોલેસ્ટેરોલ કે બ્લડસુગર ૫૦ વર્ષની ઉંમરે વધારે હતું તે લોકો ૮૦ વર્ષની ઉંમરે એવા લોકો કરતાં વધારે સ્વસ્થ્ય હતા જેમના નિકટતમ સંબંધો કે દામ્પત્યજીવન કલેશયુક્ત હતું.
સંધિવા, બ્લડપ્રેશર, માનસિક બીમારી જેવા રોગો ૮૦ વર્ષની ઉંમરે પણ નિકટતમ સંબંધો રાખતા લોકોમાં ઓછા હતા.
ત્રીજી મહત્વની શીખ એ મળી કે સારા સંબંધો શરીર ઉપરાંત મગજને પણ તંદુરસ્ત રાખે છે. જે લોકો પાસે સમય પર કામ આવે એવા સાથી હોય છે. તેઓની યાદદાસ્ત ૮૦ વર્ષની ઉંમરે પણ સતેજ રહે છે. એકબીજા સાથે લડતા- ઝઘડતા અને એકબીજા પર ભરોસો ન કરતા યુગલોની યાદદાસ્ત પણ વહેલી ખલાસ થઈ ગયેલી જણાઈ.
આ અધ્યયનનો એ સંદેશ છે કે આપણા સ્વાસ્થ્ય અને કુશળતા માટે સારા સંબંધો હોવા જરૃરી છે. જે લોકોએ યુવાવસ્થામાં ધન, કીર્તી અને નામ કમાવવામાં સમય અને શક્તિ આપી તેના કરતાં જે લોકોએ સંબંધોને, પરિવારને, દોસ્તોને સમાજને સમય અને શક્તિ આપ્યા તે મોટી ઉંમરે પણ વધારે સ્વસ્થ્ય અને ખુશ રહ્યા તે ૭૫ વર્ષના આ સર્વેનું તારણ છે.
ન્યુરોગ્રાફ :
જીવન બહુજ ટૂંકું છે. એમાં અન્યની બુરાઈ કરવાનો કે જીવબળે એવી વાતો કરવાનો સમય નથી. એમાં માત્ર પ્યાર કરવા માટે જ સમય છે.
ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:
E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com -
“મારી હકીકત” : પારદર્શી આત્મકથા
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
‘અર્વાચીનોમાં આદ્ય’ અને કનૈયાલાલ મુનશીએ જેના માટે ‘નવ્યયુગની નવ્ય નાન્દી’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે તેવા નર્મદની આત્મકથા “મારી હકીકત” એ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા તરીકેનું બહુમાન પામી છે.નર્મદ પારદર્શક બનીને એક સન્યાસીને છાજે એવી તટસ્થતાથી આત્મકથા લખવાનો પોતાનો હેતુ પ્રગટ કરતાં કહે છે કે, “આ હકીકત લખું છું ને..તે કોઈને માટે નહીં, મારે માટે જ. મારે માટે પણ ઓળખવા માટે નહીં (એ તો હું પહેલા જ ઓળખાઇ ચૂક્યો છું). દ્રવ્ય કે પદવી માટે પણ નહીં પરંતુ ભૂતનું જોઈને ભવિષ્યમાં ઉત્તેજન મળે તેના માટે.”
નર્મદે જીવનની દરેક ઘટનાઓનો ઉલ્લેખ આત્મકથામાં નથી કર્યો, પણ જ્યાં જ્યાં તેને જીવનનો મર્મ કે જીવનની અનુભૂતિ સાક્ષાતપણે ઝિલાઈ છે ત્યાં ચોક્કસપણે તેનું સાહિત્યમાં રૂપાંતરણ કર્યું છે. સુધારાવાદીને છાજે એવું વલણ દર્શાવતા નર્મદે જે લખવા ઇચ્છ્યું છે તે જ લખ્યું છે અને જે લખવા નથી ઇચ્છ્યું તે નથી જ લખ્યું. માટે જ નર્મદ પોતાની આત્મકથાને ‘ખરડો’ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. આટલી સ્પષ્ટતા પછી નર્મદે પોતાના જીવનનાં ૩૩ વર્ષની કથા દસ વિરામોમાં આપી છે. આત્મકથાને “મારી હકીકત” નામ આપવું અને તેનાં પ્રકરણોને ‘ વિરામ ‘ નામ આપવું એમાં જ સર્જકતાનાં પહેલવહેલાં દર્શન થઇ જાય છે.
આ દસ વિરામોમાં નર્મદ પોતાના જન્મથી માંડીને પોતાની કારકિર્દીની પસંદગી સુધીને વાત માંડે છે. આ અંગેની વાત માંડતાં આ કૃતિનું પ્રયોજન વ્યક્ત કરતાં નર્મદ નોંધે છે :
પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી તે દાખલ કરવો.
ડાક્તર ભાઉદાજી , ભાઈ કરસનદાસ મુળજી , ભાઈ રૂસ્તમજી ગુસ્તાદજી ( ઈરાની ) એઓએ વિશેષ અને બીજા ઘણાં લોકોએ મારી હકીકત જાણવાની ઈચ્છા દેખાડીને મને ઘણીવાર કહ્યું કે – ‘ તમારી હકીકત અમને આપો.’
મને પણ માલૂમ પડે કે આ ખરું ને તે ખોટું.
મુવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી. રે હજી તો હું તેતરીસનો થાઉં છ એટલામાં કેટલીક વાતને સારું મારાં સગાંઓમાં ઊલટા વિચાર પડે છે તો મુવા પછી શું નક્કી થાય ?”
પછી રમૂજ કરતાં કહે છે કે મારો જન્મ દિવસે થયો કે રાતે એનો જ કુટુંબીજનોમાં વિવાદ છે ! આમ પોતાના આ કૃતિ અંગેનાં પ્રયોજનો સ્પષ્ટ કર્યા પછી તે આત્મકથાકાર તરીકેના વિવેક અને હિંમત દાખવતી ભીષ્મપ્રતિજ્ઞા લે છે.
પહેલેથી માંડીને અંતિમ વિરામ સુધી નર્મદનું સુધારાવાદી વલણ સતત આ કૃતિમાં ડોકિયું કરતું રહ્યું છે. જેમ કે, અંગત રીતે નર્મદને નાગર હોવાનો ગર્વ ચોક્કસ છે પરંતુ પહેલા વિરામમાં પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિની ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરતાં કરતાં એ જ નાગર જ્ઞાતિમાં રહેલા બે ભેદો ભિક્ષુક (જે કર્મકાંડ કરે) અને ગૃહસ્થ (જે કર્મકાંડ કરાવડાવે) પર ટીકા કરતાં એ નોંધે છે કે, ‘કર્મને કારણે જે ભેદ પડ્યા તે ભલે રહ્યા પણ તેના કારણે જે આ ઊંચ નીચનો ખ્યાલ છે તે ખોટો છે. ‘
નર્મદના જીવન ઘડતરમાં પોતાની માતાથી પણ વિશેષ ફાળો નર્મદ પોતાના પિતાનો માને છે. નર્મદના સુધારાવાદી વલણ પ્રત્યે પિતા લાલશંકરનો સતત ટેકો, હુંફ, પ્રેમ અનન્ય હતાં. નર્મદ કહે છે – ‘ ઉદ્યોગમાં લાલશંકર જેવો કોઈ ગુજરાતી મારા જોવામાં આવ્યો નથી.’ નર્મદના નિબંધોની સુંદર કોપી પણ તેઓ કરી આપતા. નર્મદને છંદશાસ્ત્ર શીખવા ઉશ્કેરતા. નર્મદને એના વિચારો મુક્તપણે વ્યક્ત કરવા દેતા. નર્મદની ‘ઓળખ’ / વ્યક્તિત્વનો આદર કરતા. નર્મદને એમણે કદી વાંકું વેણ નથી કહ્યું, નર્મદને દુઃખ થાય માટે બીજી વાર પરણ્યા પણ નહીં. બસ લખ લખ લખ એ જ એનો ઉદ્યોગ. નર્મદ નોંધે છે તે મુજબ જ્યારથી પોતે કવિતા કરવા માંડી ત્યારથી પિતાનો પણ કવિતારસ વધતો જતો હતો. અને માત્ર એક સહૃદયને જ સૂઝે તેવું વાક્ય પિતાએ નર્મદને કહેલું કે, ‘ભાઈ નર્મદ તારી કવિતા વાંચીને રોવું આવે છે પણ પછી સુખ થાય છે.’ પિતા પ્રત્યેનું પોતાનું માન અને પ્રીતિ નર્મદે દિલ ખોલીને આલેખ્યાં છે.
નર્મદની આત્મકથા એક નવલકથાની જેમ આગળ વધે છે, જેમાં વિદ્યાપ્રીતિ એ જ જાણે નર્મદનો સ્થાયી ભાવ છે. પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ તરફ જતાં અચરજ પમાડે એટએટલું નર્મદે વાંચ્યું છે જેમાં બાળમિત્ર, નિત્યાનંદ પરમાનંદનું ભૂગોળ-ખગોળ, ઈસપનીતિ, દાદા દસલીની વાતો, પંચોપાખ્યાન, બોધવચન, લિપિધારા, વ્યાકરણ મોટું ગંગાધર શાસ્ત્રી વાળું અને ગણિત શિક્ષામાળા પ્રથમ ભાગ મુખ્ય છે. નર્મદે અનેક શાળાઓ બદલી છે અને એ નિમિત્તે થતી મુસાફરીને લીધે નર્મદનો પ્રકૃતિપ્રેમ પણ વિકાસ પામતો રહ્યો છે.
નર્મદની સ્મૃતિ પણ કેટલી અદભૂત છે તેનો પરિચય તેણે દોરેલાં પોતાની માતા સાથેના સુરત અને મુંબઇ વારંવાર થતા પગપાળા સફરને વાગોળતા ચિત્રમાં સાંપડે છે. જેમાંનો એક અદભુત પ્રસંગ નર્મદ સતત યાદ કરે છે કે, ‘ મુંબઈથી સુરત આવતાં વલસાડથી જે હવા બદલાતીને એ મને હજુ યાદ આવે છે.. ‘ લેખક નર્મદ અહીં કવિ નર્મદ બની જાય છે.
નર્મદ ખૂબ નિખાલસતાથી કબૂલાત કરે છે કે, ‘હું નાનપણમાં ખૂબ બીકણ હતો એટલે બહુ રમ્યો-કૂદ્યો નથી. વહેમી પણ એટલો હતો કે કોઈનું થૂંક ઊડે તો પણ લોહી ના નીકળી જાય ત્યાં સુધી ઘસઘસ કરતો. કાળકા માનાં મંદિરે દર્શન કરવા જતો અને મારી ભૂલ થઈ ગઈ છે એમ કહીને પોતાને તમાચા મારતો એવો વેવલો પણ હું હતો. બસ લખવું વાંચવું તેનો અભ્યાસ કરવો અને તેનો નિર્મળ આનંદ પ્રાપ્ત કરવો એ જ મારો સ્વભાવ હતો.’ આ જોતાં સમજાય કે પોતાના ભૂતકાળ અને વર્તમાનની તુલના પણ નર્મદ કેટલી સચોટ અને તટસ્થતાથી કરી શક્યા છે. પરંતુ વિદ્યાને ચરણે બેસીને પ્રાપ્ત કરેલા સત્વસંશુદ્ધિ, નિર્મળતા, અભય અને પારદર્શિતા જેવા અમૂલ્ય ગુણોનો ખજાનો નર્મદ પાસે મૃત્યુ પર્યંત અકબંધ રહ્યો હતો.
આ નર્મદ જેટલો આખાબોલો છે એટલો માર્મિક પણ છે. માધ્યમિક શિક્ષણ પૂરું કરી જ્યારે અંગ્રેજી નિશાળમાં ભણવા માટે રહે છે ત્યારે બાળપણની સ્મૃતિઓને વાગોળતાં કહે છે કે, ‘આજે બીજા આનંદ તો થાય છે પણ એ જાતના નહી. એ જાત જ જુદી હતી.’ આવી જ રીતે સમય આગળ ધપતો જાય છે અને નર્મદ કોલેજમાં આવે છે. તારુણ્ય માંથી યુવાનીમાં જતા એનાં મનમાં જે આંદોલન જાગ્યાં છે તેને પણ માર્મિકતા, સચ્ચાઈ અને ચોકસાઈથી નર્મદ મૂકે છે : ‘૧૮૫૦માં મારા જુવાનીના જોસ્સાએ બહાર આવવા માંડ્યું અને મને બૈરાની ગંધ આવવા લાગી.’ પારદર્શિતાની બેનમૂન સીમા નર્મદે અહીં અભિવ્યક્ત કરી છે.
નર્મદનું જીવન ખૂબ ગતિશીલ રહ્યું છે. લગ્ન થતાંની સાથે જ તેની પત્નીને કસુવાવડ થઇ જેના માટે તેણે શબ્દ વાપર્યો છે ‘ત્રણ મહિને અધૂરું ગયું.’ એ પછી એને દીકરી આવી તે પણ મૃત્યુ પામી. પત્ની પણ તેમાં મૃત્યુ પામી. પત્નીપ્રેમ અને નર્મદની વર્ણનકલા અહીં ગંભીર રીતે રજૂ થયા છે : ‘એક વખતે એ બે જીવ વાળી થઈ પોતાને પિયર જતીતી અને રસ્તામાં કાળો નાગ દીઠો. એ ડરી ગઈ અને ત્યારથી જ એને તાવ ચડ્યો કે એ ગઈ! મૂએલો છોકરો હું જ સવારે દાટવા ગયેલો. પણ તેને ખાડામાં મુકતાં એક કુમળું, ગોરું, નાળવાળું છોકરુ મારે જોવામાં આવ્યું એ ચિત્ર મને હજી સાંભરે છે અને ઘરે આવ્યો ત્યાં પત્ની તૈયાર હતી બાળવા માટે! ‘ પોતાનું જ બાળક દાટતાં પિતા નર્મદ હલી ગયો હતો. ગળગળા થઈ જતા નર્મદે નોંધ્યું છે કે, ‘મારી નાતમાં એમ કહેવાતું કે હું મારી પત્નીને બહુ દુઃખ દઉં છું. પણ હું રાત્રે ઘરે મોડો આવતો – કામ પતાવીને – એ સિવાય બીજું કોઈ દુઃખ મેં મારી પત્નીને દીધું નથી. ‘ જોવાની બાબત એ છે કે બાળક, પત્ની, પિતા દરેકના જવા છતાં નર્મદની વિદ્યાપ્રીતિ કે વિદ્યા પ્રત્યેનું કર્મ ક્યાંય અટકતું નથી.
વચ્ચે અગત્યની વાત તેના મોટેરા સમકાલીન કવિ દલપતરામ સાથેની આવે છે. પોતે સારો કવિ છે તેનું પૂર્ણ ભાન હોવા છતાં નર્મદે દલપતરામ પ્રત્યેનો વિવેક કોઈ દિવસ ગુમાવ્યો નહોતો. આ ખાનદાની નર્મદનું આભૂષણ બની રહ્યું.
‘મારી હકીકત’માં સતત એ પણ દેખાય કે એનું સુધારાવાદી વલણ સહજ હતું. એ કોઈ ક્રાંતિકારી કે આંદોલનકારી નહોતો. એકવાર તેને પોતાના ઘરની બારીમાંથી નાતમાં સ્ત્રીઓને ભોજન લેતા જોઈ, જેમાં ગૃહસ્થની સ્ત્રીઓ કાંચળી પહેરીને ભોજન લેતી હતી અને ભિક્ષુક વર્ગની સ્ત્રીઓ કાંચળી વગર ભોજન લેતી હતી. આ બાબતમાં પણ નર્મદે સમાનતા દાખવવા લોકોને જાગૃત કર્યા હતા. પોતે વિધવા વિવાહ કર્યા હતા અને એ પ્રત્યે લોકોને જાગૃત પણ કર્યા હતા. નર્મદની ભાષા તોછડી છતાં સમસંવેદીનશીલ અને પદ્યાત્મક છે. સુરતી બોલીના શબ્દોનો પણ તેમાં ક્યાંક ક્યાંક ઉપયોગ થયો છે.
વિધાતાના લેખ જાણે નર્મદે ભાખી લીધા હોય કે લાંબું આયુષ્યકાળ એના નસીબ માંજ નથી, એટલે ખૂબ નાની ઉંમરથી જીવનને એક લક્ષ્ય પર પહોંચાડવા જાણે તે સતત મથી રહ્યો હતો. એક વખત ધીરાના પદો વાંચતાં વાંચતાં નર્મદને એવું લાગ્યું કે હું પણ આવું કરી શકું છું. ત્યારે નર્મદે પહેલું પદ લખ્યું અને બસ…એને થયું કે એ કવિ થવા જ જન્મ્યો હતો !! શિક્ષકની નોકરી છોડી દીધી અને ગુજરાતી ભાષાનું અવિનાશી વાક્ય ગુજરાતની ધરાને ચરણે ધર્યું – ‘કલમ તારે ખોળે છઉં….’ (સંવત ૧૯૧૧ ભાદરવા સુદ દસમ અને ઈ.સ ૧૮૫૫ના સપ્ટેમ્બરની ૨૧મી..)આમાં નર્મદના સ્પષ્ટ દસ્તાવેજીકરણના પુરાવા મળે છે. વિચારશક્તિ અને તર્કશક્તિને વેગ આપવા બુદ્ધિવર્ધક સભા માં એ જોડાય છે અને પિંગળશાસ્ત્ર શીખે છે.
જીવનમાં નર્મદ પ્રવાસ કરે છે, મિત્રોને મળે છે, ‘નર્મકોશ’નું સંપાદન કરે છે, ‘ડાંડિયો’ પત્ર ચાલુ કરે છે. નર્મદને ભારત પ્રવાસ પર જવું હતું પરંતુ એટલાં નાણાંની સગવડ ન હોતાં એ વિચાર પણ નર્મદે માંડી વાળ્યો અને તેના બદલે પુસ્તકોના સંપાદન તરફ પોતાનું નિશાન તાક્યું.
નર્મદે ઈ. સ ૧૮૬૬માં “મારી હકીકત”ની આત્મકથનાત્મક રચના કરી હતી. જે સૌ પ્રથમવાર ઈ.સ ૧૯૩૧માં ધીરુભાઈ ઠાકર દ્વારા પ્રકાશિત કરવામાં આવી. પછીના વીસ વર્ષનું અહેવાલની પૂરવણીરૂપે નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ ” ઉત્તર નર્મદચરિત્ર્ય” સંપાદિત કર્યું છે.
‘મારી હકીકત’ ના સારાંશ પેટે નર્મદ એક કેળવણીકાર તરીકે ઉપસતો ગયો છે. વિદ્યા પ્રત્યેની પ્રીતિ, કામ કરવાની સાચી રીત, સ્ત્રી-પુરૂષ અંગેના તેના ખ્યાલો, ગહન સંશોધનવૃત્તિ આધુનિક વિચારસરણી અને જીવન પ્રત્યેનો આગવો અભિગમ નર્મદને સાચો મર્દ ઠેરવે છે.
‘સત્યના પ્રયોગો’ પહેલાં, પછીથી ગાંધીજીમાં આશ્રય લેનાર સત્યે નર્મદને પણ પોતાના આરાધક તરીકે પસંદ કરીને એને ગાંધીજીનો સમર્થ પુરોગામી પ્રમાણિત કર્યો છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
