ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

           ઘણું તરવરાટ વાળું નાનું પણ મીઠડું પક્ષી એટલે બબુના/ શ્વેતનયના, મીઠો ઘંટડી જેવો અવાજ હોય. નાનું, નમણું અને કોમળ પક્ષી છે જેને જોઈને તરત તેના રંગરૂપ અને તરવરાટને કારણે  ધ્યાન પોતાની તરફ  ખેંચે. કદ નાનું હોય પણ તરવરાટ ઘણો મોટો હોય છે. તેઓ પોતાના ઝુંડમાં ૧૫ થી ૨૦ ની સંખ્યામાં એક વિસ્તારમાં વૃક્ષોમાં રહેતા હોય છે. તેવા સમયે જ્યારે ઘણા બધા એક સાથે ઘંટડીના રણકારની જેમ બોલવા લાગે તો શાંત વાતાવરણ પણ એકદમ જીવંત કરી દે. ૧૮૨૪ ની સાલમાં કોર્નાર્ડ જેકોબ નામના પક્ષીવિદે તેનું નામ ઓરિએન્ટલ વ્હાઈટ આઈ આપ્યું હતું પરંતુ ભારતમાં તેમની પ્રજાતિ જુદી હોઈ પછીથી તેનું નામ ઇન્ડિયન વ્હાઈટ આઈ રાખવામાં આવ્યું.

શ્વેતનયના/ બબુના /Indian White-eye /Oriental White – eye /Zosterops palpebrosa / हिंदी: मोतीचूर /बबुना / संस्कृत: चटकीका/ पुत्रिका
કાળ: ૧૧ સે.મી – ૪ ઇંચ.

મુખ્યત્વે ઉપરનું શરીર સુંદર ચમકીલા પીળાશ પડતું લીલાશ ઉપર/ ઓલિવ રંગની ઝાયવાળું શરીર અને આંખને ફરતી સ્પષ્ટ સફેદ રિંગનો / વલય એમ પીળો અને આંખની રિંગનો સફેદ સમન્વય એ ભેગા મળી આ નાના પક્ષીને સુંદર બનાવી દીધું છે. દાઢી, ગળું અને પૂંછડીનો પેટાળ તરફનો ભાગ ચમકતા પીળા રંગના હોય છે. આંખની નીચે અને આગળ તરફ થોડો કાળો ભાગ જાણે આંખની પાસે ભારતીય નૃત્યઆંગના જેમ મેકઅપ કર્યો હોય તેવો દેખાવને ઓપ આપે. છાતી, પેટાળ તેમજ પગ રાખોડી, ચાંચ કાળી હોય છે. તેઓમાં નર અને માદા બંને હંમેશા સરખા દેખાય છે.

તેઓની ૧૧ પ્રજાતિ જાણીતી છે અને દરેક પ્રજાતિમાં એક બીજાથી બહુ ઓછો ફરક જોવા મળે છે. મહારાષ્ટ્રમાં  ભારતમાં પણ બંગાળમાં જુદી જોવા મળે. આ ઉપરાંત ઓમાન, અરેબિયા,અફઘાનિસ્તાન, ઉત્તર ભારત, દક્ષિણ ચીનમાં તેઓ જુદી જુદી પ્રજાતિની હોય છે. ફક્ત ભારતમાં તેઓની ૧૦૦ જેટલી પ્રજાતિ છે જેમાંથી ૬૦ જેટલી પ્રજાતિ એકજ વર્ગમાં ગણાય છે.

પોતાના નિભાવ માટે બીજા ઘણા પક્ષીની જેમ ફૂલનો મધુરસ એટલેકે વનસ્પતિજન્ય પુષ્પરસ પીતાંપીતા  પરાગનયનની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. કીટભક્ષી હોઈ જીવાત વ્યવસ્થાપનમાં સીધો ભાગ ભજવે છે કારણકે તેઓ કીટકો ઉપર પણ નભે છે. કીટકની વસ્તી નિયંત્રણ કરવામાં પોતાનું યોગદાન આપે છે. આ કારણે કીટનાશક દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત નહિવત થઇ જાય છે. ખોરાકમાં મુખ્યત્વે મધુરસ પીવાના શોખીન હોય છે અને ઝીણી જીવાત ખાવા માટે સામાન્ય કરતા જીભ વધારે લાંબી હોય છે. જીભ ચાંચની બહાર નીકળી શકે તેટલી લાંબી હોય છે જેમાં આછી રૂંવાટી પણ હોય છે. પોતાનો ખોરાક શોધવા માટે પાંદડાની પાછળ તેમજ વૃક્ષના થડની તિરાડો ફેંદી વળે છે અને તેના માટે ઊંધા માથે લટકી શકે છે. આવા સમયે જીવાત શોધતી જાય, ખાતી જાય અને સુમધુર ગાતી જાય. આ દ્રશ્ય જુવો તો એક નાના પક્ષીની પ્રસન્ન કાબેલિયત દેખાઈ આવે છે. તેમનો અવાજ હલકો હોય છે અને નાકમાંથી બોલતા હોય છે.

તેઓ પોતાની બોલીથી પોતાના ઝુંડની સાથે સતત સંપર્કમાં રહે છે અને સતત બોલતા અને તરવરતા વૃક્ષમાં કાર્યશીલ રહે છે. વૃક્ષોમાં ફરનારું આ પક્ષી ખાસ કરીને જમીન ઉપર આવતું નથી. તેઓ ઘટાદાર વૃક્ષો અને ફૂલોવાળા બગીચાનું બારમાસી ભારતીય વ્યાપક પક્ષી છે. ઝાડી વાળા સ્થળથી શરુ કરી તેઓ ભેજવાળા જંગલમાં વસતા હોય છે.

ભારતના જુદા જુદા પ્રદેશમાં ઋતુ પ્રમાણે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે જેમાં મોટા ભાગના વિસ્તારમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન પ્રજનની ઋતુ રહે છે.પ્રજનનની ઋતુમાં નર બાબુના માદાને સમાગમ નિયંત્રણ માટે પોતાની તરફ આકર્ષવા માટે સુંદર ગાય છે.

વાટકી/ કપ આકારનો વૃક્ષની અંદર જલ્દી દેખાય નહિ તેવી જગ્યાએ ડાળીઓની વચ્ચે કરોળિયાના જાળાથી લઈને વૃક્ષમાંથી ખેંચેલા રેસાઓ વગેરેમાંથી વૃક્ષમાં ૬ થી ૮ ફૂટની ઊંચાઈ ઉપર માળો બનાવે છે. ક્યારેક બીજા પક્ષીના માળામાંથી પણ માળો બનાવવા માટે રેસા ખેંચી લે છે. ક્યારેક વૃક્ષમાં ઘણી ઊંચાઈ ઉપર પણ માળા જોવા મળે છે. માળો બનાવતા તેઓને આશરે ૪ દિવસ લાગે છે.

એક ઋતુમાં માદા ૨ ઈંડા એક સાથે મૂકે છે. એક ઈંડુ મુક્યાના થોડા દિવસ બાદ બીજું ઈંડુ મૂકે છે. ઈંડાનો રંગ આછો વાદળી હોય છે. નર અને માદા બંને ભેગા મળી ઈંડા સેવવાનું કામ કરે છે. ઈંડાને સેવતા ૧૦ દિવસ લાગે છે અને ત્યાર બાદ બીજા દસ દિવસમાં બચ્ચું ઉડી જાય છે. ઘણી વખત તેઓ દૂધરાજ/ પેરેડાઇઝ ફલાય કેચર પક્ષીના બચ્ચાને પોતાના બચ્ચાની જેન ખોરાક ખવડાવતા જોવા મળે છે.

ઇન્ડિયન વ્હાઈટ આઈ/બબુના/ શ્વેતનયના ભારતવર્ષ ઉપરાંત એશિયાના બાંગ્લાદેશ, મ્યાનમાર તેમજ શ્રીલંકામાં જોવા મળે છે. તેઓ લાંબુ અંતર ઉડી નથી શકતા પરંતુ પવનના તોફાન અને આંધીમાં દૂર સુધી બીજે જતા હોય છે.

(ફોટોગ્રાફ અને વિડિઓ: શ્રી જગત. કીનખાબવાલા, પોતાના ઘરે અને સાથે  શ્રી રિતેશ આઝાદ.)

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn  – Conserve*


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214