વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કાવ્યાનુવાદ : A spring passing quickly | ઝડપભેર વીતી જતી વસંત

    A spring passing quickly

    Mahmoud Darwish

    ‘The spring has passed quickly
    like a thought
    that has flown from the mind’
    said the anxious poet

    In the beginning, its rhythm pleased him
    so he went on line by line
    hoping the form would burst forth

    He said: ‘A different rhyme
    would help me to sing
    so my heart would be untroubled and the horizon clear’

    The spring has passed us by
    It waited for no one
    The shepherd’s crook did not wait for us
    nor did the basil

    He sang, and found no meaning
    and was enraptured
    by the rhythm of a song that had lost its way

    He said: ‘Perhaps meaning is born
    by chance
    and perhaps my spring is this unease.’

     (Originally in Arabic)

    (Eng. Trans.: Catherine Cobham)

    ઝડપભેર વીતી જતી વસંત

                  (અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

    ‘વસંત બહુ ઝડપભેર પસાર થઈ ગઈ
    મનમાંથી ઊડી ગયેલા
    વિચારની જેમ’
    ચિંતાતુર કવિએ કહ્યું

    શરૂઆતમાં, એના લયથી એ ખુશ થયો
    એટલે એ એક-એક પંક્તિ કરતોક આગળ વધ્યો
    એ આશામાં કે સ્વરૂપ સ્વયં પ્રગટ થશે

    એણે કહ્યું, ‘અલગ પ્રકારની તૂકબંદી
    મને ગાવામાં મદદ કરશે
    જેથી કરીને મારું હૃદય શાંત રહે અને ક્ષિતિજ સાફ’

    વસંત અમારી પાસેથી પસાર થઈ ગઈ છે.
    એણે કોઈની રાહ જોઈ નહીં
    ન તો ભરવાડની આંકડીએ અમારા માટે રાહ જોઈ
    ન તો તુલસીએ

    એણે ગાયું, અને કોઈ અર્થ ન મળ્યો
    અને હર્ષવિભોર થઈ ગયો
    એવા ગીતના લયથી જે પોતાનો માર્ગ ભૂલી ગયું હતું

    એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
    સંયોગથી થયો છે
    અને કદાચ આ બેચેની જ મારી વસંત છે.


    મહમૂદ દરવિશ એક પેલેસ્ટિનિયન કવિ અને લેખક હતા જેમને પેલેસ્ટિનિયન રાષ્ટ્રીય કવિ તરીકે ગણવામાં આવતા હતા. તેમણે તેમના કાર્યો માટે અસંખ્ય પુરસ્કારો જીત્યા હતા. 


    સૌજન્ય : લયસ્તરો

  • બાળકોના રસીકરણમાં ઢીલાશ ખતરનાક નીવડશે.

    નિસબત

    ચંદુ મહેરિયા

    મહાનગર મુંબઈ સહિતના દેશના અડધો ડઝન રાજ્યોમાં, બેએક મહિના પહેલાં, બાળકોમાં અચાનક ઓરીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતના તેર જિલ્લા અને પાંચ શહેરોમાં પણ આ દિવસોમાં ઓરીનો વાવર હતો. ઓરીના કેસોમાં થયેલી વૃધ્ધિના કેટલાક કારણો પૈકીનું એક કોરોના મહામારી દરમિયાન રસીકરણમાં થયેલો ઘટાડો હતું.  ઓરી સંક્રામક બીમારી છે.અને દર્દીના ખાંસવા તથા થૂંકવાથી તેનો ચેપ ફેલાય છે. ઓરીથી બચવાનો ઉપાય તેની રસી છે. ઓરીની રસીનો બાળકના જન્મ પછીના નવથી બાર મહિને પહેલો અને સોળથી ચોવીસ મહિને બીજો ડોઝ લેવાથી રોગ સામે આજીવન રક્ષણ મળે છે. પરંતુ હર સાલ વિશ્વમાં ચાર કરોડ બાળકો ઓરીની રસીથી વંચિત રહે છે.  ૨૦૨૧માં ઓરીને કારણે દુનિયામાં ૧.૨૮ લાખ મોત થયા હતા, જે કદાચ રસીથી અટકી શક્યાં હોત.

    ૨૦૨૦ના કોરોનાકાળમાં ૧.૭૦ કરોડ બાળકોને એકપણ અને ૨.૨૫ કરોડને  એકાદ રસી  આપવામાં આવી નહોતી.  આ જ વરસે ડિપ્થેરિયા (ગળાનો ગંભીર ચેપી રોગ), ટિટનસ (ધનૂર) અને પર્ટુસિસ(ઉટાંટિયુ) માટેની ડીટીપી-૩ની રસી ૨.૩૦ કરોડ બાળકોને આપી શકાઈ નહોતી. ભારતમાં કોરોના પૂર્વેના ૨૦૧૯ના વરસમાં  ચૌદ લાખ અને ૨૦૨૦માં ત્રીસ લાખ બાળકોને ડીટીપીની રસીનો પહેલો ડોઝ આપી શકાયો નહોતો.

    જીવનરક્ષક મનાતી રસી જિંદગીની સલામતી માટેની સંજીવની છે. તે રોગ સામેનો સુરક્ષિત, અસરકારક એટલો જ ઓછી કે વાજબી કિંમતનો ઉપાય છે. કુપોષિત જ નહીં સ્વસ્થ બાળકોનું પણ રસીકરણા આવશ્યક છે. નિયમિત અને નિયત પ્રમાણમાં રસી લેવી તે પણ એટલું જ જરૂરી છે. વ્યક્તિ, પરિવાર અને સમાજના સુરક્ષા કવચની ગરજ સારતી રસી માનવજીવન માટે કેટલી મહત્વની છે તેનો અહેસાસ દેશ અને દુનિયાને કોવિડ૧૯ના રસીકરણથી થઈ ચૂક્યો છે.

    અંગ્રેજોના જમાનાથી ભારતમાં રસીકરણ થતું રહ્યું છે. બે દાયકાથી દેશે રસીકરણ ક્ષેત્રે સારી પ્રગતિ સાધી છે. કોવિડ વેક્સિન હબ તરીકે ઉભરેલા ભારતમાં કેટલીક નવીન વેક્સિન વિકસિત થઈ છે. વિશ્વના દોઢ ડઝન દેશોને સ્વદેશી રોટાવાઈરસ વેકસિન ભારત પૂરી પાડે છે. વિશ્વને રૂબેલાની એંસી ટકા રસી આપણે પહોંચાડીએ છીએ.

    ૧૯૮૫માં આરંભાયેલા યુનિવર્સલ ઈમ્યૂનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત  ૨.૬૭ કરોડ નવજાત બાળકો અને ૨.૯ કરોડ ગર્ભવતી મહિલાઓને આવરી લેવામાં આવે છે. બાર વરસ કરતાં ઓછી વયના બાળકોનું સરકારી હોસ્પિટલ્સમાં નિ:શુલ્ક રસીકરણ થાય છે. ભારતમાં બીસીજી, પોલિયો, ડીપીટી અને રૂબેલાની ચાર મૂળભૂત રસી ઉપરાંત અન્ય બાર બીમારીઓની પણ રસી આપવામાં આવે છે. રસી ઈન્જેકશનથી કે ઓરલ આપી શકાય છે. મૂળભૂત કે પ્રાથમિક, બૂસ્ટર ડોઝ અને મહામારીના સમયે સાર્વજનિક રસીકરણ એવા તેના સ્વરૂપો છે.

    રસીકરણનો મૂળભૂત ઉદ્દેશ માનવશરીરને રોગ પ્રતિકારક શક્તિથી સુસજ્જ કરવાનો છે. રસીને લીધે સંકામક રોગો સામે પ્રતિરક્ષા માટેની એન્ટીબોડીઝ ઉત્પન્ન કરી શકાય છે. રોગના અટકાવ અને ગંભીર રોગથી થતા મોત સામે રસી ઢાલ બની રહે છે. રસી લેવાથી જ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને બીમારીનો સામનો કરી શકાય છે. ચેપીરોગનો પ્રસાર રસીથી અટકે છે. રસીકરણથી ભારત પોલિયો અને શીતળાથી મુક્ત થઈ શક્યું છે, ક્ષય અને ધનૂર નાબૂદીની દિશામાં નોંધપાત્ર સિધ્ધિ મેળવી છે તેમજ કોવિડ૧૯ સામે રસીથી જ બચાવ થયો છે. એટલે રસીની અનિવાર્યતા અને અસરકારતા અંગે કોઈ બેમત નથી.

    રસીના ફાયદા અને રોગ સામે લડવાની તેની શક્તિ સ્વયંસ્પષ્ટ હોવા છતાં રસી ના લેવાનું વલણ જોવા મળે છે. મહામારી દરમિયાનની તાળાબંધી, કોરોના પ્રતિબંધો અને તેને કારણે રસીકરણની પ્રાથમિકતામાં બદલાવ જેવા કામચલાઉ કારણો ઉપરાંત લોકોમાં જાગ્રતિનો અભાવ, રસીના લાભની ઓછી જાણકારી,  રસી વિશેની ગેરમાન્યતાઓ, ધાર્મિક અંધવિશ્વાસ, અશિક્ષિત માતા-પિતા, ગરીબી તથા મજૂરી માટેની દોડધામને લીધે સમયનો અભાવ જેવા કારણોથી બાળકોને રસી આપતા નથી કે નિયમિત આપી શકતા નથી.

    ભારત જેવા વિશાળ અને વિપુલ જનસંખ્યાના દેશમાં પ્રત્યેક બાળક સુધી પહોંચવામાં મુશ્કેલીઓ છે. જે બાળકોનો જન્મ દવાખાનામાં થાય છે તેમને જન્મ પછીની તુરતની રસીઓ તો આપી દેવાય છે પરંતુ જે બાળકોના જન્મ ઘરે  થાય છે તેમને અને દવાખાનામાં જન્મેલા બાળકોને રસીના સમયપત્રક મુજબની રસીઓ અપાવવામાં માબાપ બેદરકાર રહે છે. વળી જે રસીના એક કરતાં વધુ ડોઝ આપવાના હોય છે તેમાં એકાદ ડોઝ જ અપાવતા હોય તેવું પણ બને છે.

    સરકારના આરોગ્ય તંત્રની હાલત પણ રસીકરણમાં ઢીલાશ અંગે જવાબદાર છે. ઘણાં રાજ્યોમાં આ કાર્ય આશાવર્કરોના હવાલે છે. અપૂરતા આરોગ્ય કર્મચારીઓ અને રસીના સમયબધ્ધ અને નિયમિત જથ્થાની આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચમાં વિલંબ પણ જોવા મળે છે. અંતરિયાળ ગામડાં, ડુંગરાળ અને છૂટીછવાઈ વસ્તી સુધી પહોંચવા માટેના સાધનોનો અભાવ જેવા  ભૌતિક અવરોધોથી પણ પૂર્ણ રસીકરણ થતું નથી.

    ભારતની સામાજિક-આર્થિક સ્થિતિને કારણે રસીકરણમાં ભેદભાવ પણ થાય છે. છોકરાઓ કરતાં છોકરીઓ અને શહેરો કરતાં ગામડાના બાળકોનું પ્રમાણ રસીવંચિતતામાં વધારે હોય છે. નિમ્ન આવક અને કથિત નિમ્ન જ્ઞાતિ જેવા સામાજિક-આર્થિક દરજ્જા મુજબ બાળકોનું રસીકરણ થાય છે. આરોગ્ય સેવા અને રસી સુધી પહોંચનો અભાવ પણ ભેદભાવ સર્જે છે.

    કોરોના મહામારીની જેમ ઈબોલા વાઈરસના પ્રકોપ સમયે રસીકરણમાં ઘટાડો થતાં ઈબોલા કરતાં વધુ મરણ ટી.બી, મેલેરિયા અને ઓરીથી થયા હતા. બાળકોની બીમારી અને મૃત્યુમાં સંક્રામક રોગોની મોટી ભૂમિકા છે. દર વરસે લાખો બાળકોના મોતનું કારણ રસી ના લીધાનું હોય છે. પોતાનો પાંચમો જન્મ દિવસ મનાવતા પૂર્વે મૃત્યુ પામતા  ભારતના દસ લાખ બાળકોમાંથી ચારે એકના મોતનું કારણ ન્યૂમોનિયા અને ડાયેરિયા હોય છે. આ રોગો અને તેની ઘાતકતા રસીથી ઘટાડી શકાય છે. પરંતુ વાલીઓની બેદરકારી અને તંત્રની ઢીલી નીતિ તેમને બચાવી શકતી નથી.

    રસીકરણ આવશ્યક છે પરંતુ ફરજિયાત કે અનિવાર્ય નથી. કોરોનાકાળમાં અદાલતી ચુકાદાઓથી તે સ્પષ્ટ થયું હતું. સરકાર રસીકરણને અનિવાર્ય બનાવી શકે નહીં કે તે નહીં લેનારને કોઈ દંડ કે સજા કરી શકે નહીં.  વ્યકિતિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તેનાથી જોખમાય છે. પરંતુ બાળ અધિકાર માટેની વચનબધ્ધતા પુરવાર કરવા તેના ફાયદાનો વ્યાપક પ્રચાર અને પલ્સ પોલિયો જેવું અભિયાન કરી શકાય. માત્ર રસીની શોધ નહીં, તેની જનજન સુધી, ખાસ તો બાળકો સુધી, પહોંચની અમલવારી ખરી સિધ્ધિ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જિજ્ઞાસા જેવી પવિત્ર બાબત કોઈ નથી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    જિજ્ઞાસાથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી આંતર્દૃષ્ટિ ઊઘડે છે અને વિકસિત  આંતર્દૃષ્ટિને લીધે જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે.

    હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમમાં એક વક્તાએ કહ્યું હતું કે જિજ્ઞાસા – કુતૂહલવૃત્તિ – બાળકના વિકાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતાનાં રમકડાંના ભાગ છૂટા કરીને ફરી જોડવા મથતું બાળક આવતીકાલે મહાન વૈજ્ઞાનિક, મહાન વિચારક, કળાકાર કે ઉમદા અને જીવંત માણસ બનવાની શક્યતા ધરાવે છે. પરંતુ આપણે સફળતાના ભ્રામક ખ્યાલમાં સંતાન થોડું મોટું થાય ત્યારથી જ એના પર પરીક્ષામાં વધારે ગુણ મેળવવાની કે જીવનની જીવલેણ હરીફાઈમાં પહેલા નંબરે જ રહેવાની જવાબદારી નાખીને એનામાં રહેલા બાળકનું ખૂન કરી નાખીએ છીએ.

    દરેક બાળક એના આગવા વિસ્મયલોકમાં જીવે છે. શિશુમાં વિકસી રહેલી જિજ્ઞાસાવૃત્તિને લીધે જ એ દરેક ચીજને સ્પર્શ કરવા માગે છે, સ્વાદ ચાખવા માગે છે, સૂંઘવા ઇચ્છે છે, પલંગ કે ખુરસી પર જાતે ચઢવાનો પ્રયત્ન કરે છે, ધ્યાનથી જુએ છે, એકાગ્રતાથી સાંભળે છે. આવી અનેક પ્રવૃત્તિમાં રચ્યુંપચ્યું રહેતું બાળક નવું નવું શીખતું રહે છે. થોડું મોટું થયેલું બાળક નવી રમત રમવા પ્રેરાય છે, નવા લોકોને મળવા માગે છે, નવા શબ્દો શીખે છે. એના માટે માહિતીનો ખજાનો ઊઘડતો રહે છે.

    દરેક બાળક એની જિજ્ઞાસા અલગ અલગ રીતે પ્રદર્શિત કરે છે. એક શિક્ષક વર્ગમાં દેડકું લાવ્યા. બધાં બાળકો ઉત્તેજિત થઈ ગયાં. કેટલાંક બાળકો દેડકાંને અડકવા ઉત્સુક હતાં. કેટલાંક દૂર ઊભાં રહીને પ્રશ્ર્નો પૂછવા લાગ્યાં કે દેડકાંને દોસ્તો હોય? એમને ભય લાગે? દેડકાં રડે? પહેલા પ્રકારનાં બાળકોને દેડકાના પ્રત્યક્ષ દેખાતા બાહ્ય રૂપ વિશે કુતૂહલ થયું હતું, બીજા પ્રકારનાં બાળકોને દેડકાના આંતરિક સ્વરૂપ, એનામાં રહેલી લાગણીઓ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ હતી. બાળસહજ જિજ્ઞાસાનું સ્વરૂપ ગમે તે હોય, નજરે દેખાતા પદાર્થ વિશે જાણવાની ઉત્કંઠા એકસમાન હોય છે. કહેવાયું છે કે આપણે બાળકની નજરે જોઈ શકીએ તો વયના કોઈ પણ તબક્કામાં આસપાસની દુનિયા વિસ્મયકારી જ લાગશે.

    કુતૂહલવૃત્તિ નવી શોધોનું પ્રેરકબળ છે. આ વિશ્ર્વમાં થયેલી દરેક નવી શોધ, નવા વિચાર, નવી શરૂઆતનો પાયો માનવસહજ જિજ્ઞાસાવૃત્તિમાં રહેલો છે. બાળપણમાં આપણે આસપાસનું બધું જ જાણવા માગીએ છીએ. પુખ્ત ઉંમરમાં આવી જતું ભારણ આપણી બાળસહજ જિજ્ઞાસાને કચડતું જાય છે. જિજ્ઞાસાના અભાવથી જીવનમાં સ્થગિતતા આવે છે. આવી સ્થગિતતા ગંભીર બાબત છે કારણ કે એનાથી આપણામાં ભ્રામક આત્મસંતોષ જન્મે છે અને આપણે નવા પરિવર્તન માટેની તૈયારી ગુમાવી બેસીએ છીએ. જિજ્ઞાસાથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી આંતર્દૃષ્ટિ ઊઘડે છે અને વિકસિત આંતર્દૃષ્ટિને લીધે જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે. એમાંથી નવી શક્યતાઓ ઊઘડે છે અને નવું સર્જન શક્ય બને છે. કુતૂહલવૃત્તિ માણસને અંદરથી બળ આપે છે, ચેતનવંતો રાખે છે અને અજાણ્યા પ્રદેશ ખેડવાની દિશા ખોલે છે.

    કુતૂહલવૃત્તિ બાળકનો જ ઇજારો હોઈ શકે નહીં. જિજ્ઞાસા જીવંત રહી હશે એવી વ્યક્તિ આંખ સામે દેખાય છે તેને જેવું ને તેવું સ્વીકારી લેતી નથી. એને પ્રશ્ર્નો થાય છે. એ પ્રશ્ર્નોના મૂળમાં જવા માગે છે. ન્યૂટને રોજ બનતી એક ઘટના જોઈ – સફરજન ઝાડ પરથી નીચે પડ્યું. એને પ્રશ્ર્ન થયો કે ડાળી પરથી છૂટું પડેલું સફરજન નીચે ધરતી કેમ પડ્યું, એ ઉપર આકાશમાં કેમ ન ગયું. પરિણામ? લાંબા અને વિગતવાર સંશોધન પછી ન્યૂટન ગુરુત્વાકર્ષણના બળની મહાન શોધ કરી શક્યો. ન્યૂટને કહ્યું છે કે પ્રશ્ર્નો પૂછવા ક્યારેય બંધ કરવા નહીં. જિજ્ઞાસા જેવી પવિત્ર બાબત બીજી કોઈ નથી. એનાથી માણસ સક્રિય રહે છે, એની નિરીક્ષણશક્તિ વિકસે છે, નવા વિચાર જન્મે છે, નવી શક્યતાઓ ઊઘડે છે અને જીવનમાં ઉત્તેજના ટકી રહે છે. કોઈ આદિમાનવને બે પથ્થરના ઘર્ષણથી ઊઠતા તણખા જોવાથી જાગેલું વિસ્મય આગ પેટાવવાની હવે સ્વાભાવિક લાગતી, પરંતુ એક સમયની ક્રાંતિકારી શોધ તરફ લઈ ગયું હશે. પક્ષીઓને ઊડતાં જોઈને જાગેલા કૂતૂહલથી કોઈને એમના જેમ ઊડી શકાય કે નહીં તેવો પ્રશ્ર્ન થયો હશે, એમાંથી વિમાનની શોધ સુધી પહોંચી શકાયું હશે. અણદીઠેલી ભોંય ખેડવાનું કુતૂહલ કોલંબસને અમેરિકા નામના નવા પ્રદેશ સુધી લઈ ગઈ.

    જિજ્ઞાસા કશુંક જુદું અને નવું કરવાની ધધકતી ઇચ્છા જન્માવે છે. જિજ્ઞાસુ લોકો સ્થગિતતામાં જકડાઈ જતા નથી. એક સમયે નવી લાગતી ઘણી શોધો હવે આપણા રોજબરોજના જીવનમાં એવી તો ગોઠવાઈ ગઈ છે કે એ બાબતો નહોતી ત્યારે જીવન કેવું હતું એની કલ્પના પણ કરી શકાતી નથી. નવું નવું કરવાની વૃત્તિ એક શોધ થઈ ગયા પછી પણ અટકતી નથી. શોધાઈ ચૂકેલી ચીજો કે નવા વિચારોથી આગળ જવાની ઇચ્છા રહે છે. સ્ટીલ કેમેરા શોધાયા પછી પણ માણસને સંતોષ થયો નહીં. એ અસંતોષ એને મોશન કેમેરાની શોધ સુધી લઈ ગયું અને એમાંથી સિનેમા જેવી અદ્દભુત કળાનો વિકાસ થયો. સાદા ટેલિફોનથી માંડીને સ્માર્ટ ફોન સુધીની યાત્રા પણ એનું એક દૃષ્ટાંત છે. વિજ્ઞાન-ટેક્નોલોજીની જેમ કળાના વિવિધ ક્ષેત્રમાં પણ અલગ રીતે નવું નવું કરતા રહેવાની તીવ્ર ઇચ્છા નવાં સર્જનાત્મક આયામ સુધી લઈ જાય છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અંગદે નિશાળ છોડી દીધી

    વાંચનમાંથી ટાંચણ

    – સુરેશ જાની

    અંગદની વાત પછી. પહેલાં ‘કિસનનો ઊડન ખટોલો’ નામનો બહુ પ્રચલિત થયેલો આ વિડિયો જોઈએ.

    આ વિડિયો જોઈને સૌને એમ થાય કે, આપણી શિક્ષણ પદ્ધતિ ક્યારે બદલાશે? ક્યારે આવા અનેક કિશનોમાં ભરેલી પડેલી સર્જકતા ઉજાગર કરી શકે; તેવી શિક્ષણ પદ્ધતિ આકાર લેશે?

    પણ એક અંગદ એવો પણ છે; જેણે એ શિક્ષણ પદ્ધતિ સામે બંડ પોકાર્યું છે. મુંબઈના અનિલ અને કંચન દરયાણીનો પુત્ર અંગદ આઠ જ વર્ષનો હતો ત્યારે તેણે રોબોટ બનાવ્યો હતો. માટુંગાની શાળાનો એ વિદ્યાર્થી દસમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધીમાં એણે આવી ઘણી બધી ચીજો જાતે બનાવી હતી. બીજા કિશોરો આવું બધું બનાવી શકે તે માટેનો ઓજાર કિટ – ‘શાર્ક કિટ’ બનાવ્યો હતો.

    એની આ વિશિષ્ટ આવડત જોઈ એનાં માબાપ એ નિશાળ છોડી ઘેરથી ભણે, એ માટે સંમત થયા હતા. અલબત્ત એનું શિક્ષણ તો એની આગવી રીતે ચાલુ જ હતું . National Institute of Open Schooling (NIOS) માં તે એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો અને કાળક્રમે તે અમેરિકાની જ્યોર્જિયા ટેક યુનિ.ની એમ. ટેક. ની પદવી પણ ધરાવે છે.

    પણ તેણે આદરેલ સર્જન પ્રક્રિયા આ શિક્ષણ કરતાં અનેક ગણી મૂલ્યવાન છે. IIT-Techfest 2010 માં સૂર્ય શક્તિથી ચાલતી સ્પીડ બોટ બનાવી તેણે બધાંને ચકિત કરી દીધા હતા. એ વાત જ્યારે પહેલ વહેલાં નેટ પર પ્રકાશમાં આવી ત્યારે અંગદ દરયાની – ૧૦ મા ધોરણનો વિદ્યાર્થી હતો!

    અને અંગદે નિશાળ છોડી જ દીધી !

    ત્યાર બાદ અંગદની વિકાસ યાત્રા ઘણી તેજ ગતિથી આગળ ધપી- ધપતી જ રહી. તે અમેરિકાની જ્યોર્જિયા ટેક યુનિ. માંથી સ્નાતક થયો, એટલું જ નહીં એની સર્જન પ્રક્રિયા વધારે તીવ્ર ગતિથી આગળ ધપતી રહી. એની થોડીક સિદ્ધિઓ –

    1. ૯ મા ધોરણમાં નિશાળ છોડીને ઘરમાંથી અભ્યાસ
    2. આઈ.આઈ.ટી. ( મુંબાઈ) માં રિસર્ચ
    3. મેકર્સ એસાયલમ- બાળકો જાતે આવીને મનગમતું કામ કરી શકે તેવા ઓજારોથી ભરપુર ‘ઓપન વર્કશોપ’
    4. અંધજનો માટેનું વર્ચ્યુઅલ બ્રેઈલર

    એણે કરેલ કામની વિષદ માહિતી અહીં સમાવવા જઈએ તો મૂળ લેખને એ આંબી જાય ! એની ઘણી બધી વિગતે વાત અહીં વાંચી શકશો –

    http://www.angadmakes.com/about-me

    એના વિશે માહિતી આપતા આ બે વિડિયો જોઈ અંગદના પરિચયનું સમાપન કરીએ –

    અંતમાં ….. અંગદ એક વિશિષ્ઠ વ્યક્તિ છે. તેની પાસે નિશાળ છોડીને અમાપ ક્ષિતીજમાં મ્હાલવાની શક્તિઓ છે – એવા સંજોગો એને માટે મોજૂદ છે. પણ, એવા ઘણા અંગદો હશે કે, જેમનામાં આવી હિમ્મત નહીં હોય કે, એવા આર્થિક , સામાજિક સંજોગો નહીં હોય. અથવા સામાન્ય કુટુંબનો હોય કે ન હોય, નિશાળનું વાતાવરણ, તેજસ્વી કારકિર્દી બનાવવા માટેની મૂષક દોડ / ટ્યુશન ચક્કરો… એમને અકળાવી નાંખતા હશે/ હતોત્સાહ કરી દેતા હશે; હતાશાના વમળોમાં ડુબાડી દેતા હશે. શું જાગૃત નાગરિકો તરીકે આપણી પાસે આ જરી પુરાણી શિક્ષણ પ્રણાલીનો કોઈ જ…..કોઈ જ…..કોઈ જ…..ઉકેલ નથી? કોઈ જ…..કોઈ જ…..કોઈ જ…..વિકલ્પ નથી?

    સંદર્ભ

    https://www.globalindian.com/youth/story/entrepreneur/angad-daryani-infusing-praan-into-the-environment-by-cutting-down-air-pollution/

    http://www.angadmakes.com/about-me

    https://qz.com/157289/angad-daryani-genius-behind-indias-first-3d-printer-is-a-15-year-old-high-school-dropout/


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પેચીદો મામલો

    વલીભાઈ મુસા

    માત્ર જિલ્લામાં જ નહિ, રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ વિદ્યાધામ તરીકે સુખ્યાત એવી આ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાઉન્સેલર તરીકે નિયુક્તિ પામ્યાના બીજા જ દિવસે મને પડકારતો એ પેચીદો મામલો મારી સામે આવ્યો હતો. હું જ્યારે કમ્પ્યુટર ઉપર મારી કામગીરીના ભાગરૂપ વર્ગદીઠ અને વિદ્યાર્થીદીઠ માહિતી એકત્રીકરણની ફાઈલો (Cumulative Record Cards) બનાવી રહ્યો હતો, ત્યારે મોટી રિસેસ પછીના પાંચમા પિરિયડની શરૂઆતને પાંચેક મિનિટ પણ નહિ થઈ હોય અને ધોરણ ૧૦-કના એ વિષયશિક્ષક મોનિટરને શિસ્ત જાળવવાનો હવાલો આપીને મારી પાસે આવી પહોંચ્યા હતા.

    આગલા દિવસે મારી નિયુક્તિ સંદર્ભે મોટી રિસેસ દરમિયાન અમારા પ્રાચાર્યે સ્ટાફરૂમમાં આવીને જ્યારે સહકાર્યકરોને મારો પરિચય આપ્યો હતો, ત્યારે મારા સંક્ષિપ્ત વક્તવ્યમાં મેં બધાંને ખાસ વિનંતી કરી હતી કે વિદ્યાર્થીઓના શિસ્તવિષયક કોઈ ગંભીર પ્રશ્નને જાતે ઉકેલવાના બદલે મારી મદદ લેવામાં આવશે તો મને ગમશે. આમ તે દિવસે મિ. શુક્લાજીએ મારી પાસે આવીને એમના વર્ગમાં બનેલી એ ઘટનાને ટૂંકમાં સમજાવીને મને એ વર્ગમાં લઈ ગયા હતા. લોબીમાં ચાલતાં મેં શુક્લાજીને ધીમા અવાજે કહ્યું હતું કે હું જ્યારે મારી જે તે પ્રક્રિયા અજમાવતો હોઉં, ત્યારે તમારે ખામોશી જાળવીને વિદ્યાર્થીઓનાં ફેસરીડીંગ અને બોડી લેન્ગવેજ અવલોકવાનાં રહેશે. આમ જે કોઈ જવાબદાર વિદ્યાર્થીનો ચહેરો તમને ભયભીત દેખાય તો તેને તમારે મનમાં રાખવાનો છે અને હું પણ તેમ કરતો જઈશ. વળી હું વર્ગમાં દાખલ થતાં મારા મોબાઈલમાં આખા વર્ગનો ફોટો લઈ લઈશ કે જેથી આપણે બેઉ જે તે વિદ્યાર્થીને ઓળખી શકીએ. જો કોઈ એક વિદ્યાર્થી ઉપર આપણા બેઉની સહમતી સધાય, તો સમજવાનું કે આપણું અર્ધું કામ થઈ ગયું.

    મિ. શુક્લાજી કુતૂહલભરી દૃષ્ટિએ મારી સામે જોતાં બોલી ઊઠ્યા હતા, ‘મિ. વિલ, મેં તમને સમસ્યાનું ફિડબેક માંડ અડધી મિનિટનું જ આપ્યું હશે અને તમારું મગજ તો તેના હલ માટે તરત જ કાર્યાન્વિત પણ થઈ ગયું!’

    ‘થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ.’

    વર્ગમાં દાખલ થતાં બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઊભાં થઈને અમને માન આપ્યું હતું. બધાંને બેસી જવાની સૂચના આપી અને મેં આખા વર્ગનો ફોટો લઈ લીધો હતો. પછી મેં બ્લેકબોર્ડ ઉપર નજર કરી તો ત્યાં પહેલા પિરિયડમાં લીધેલી હાજરીની નોંધ મોજુદ હતી. હવે હું ઇચ્છું તો હાજર વિદ્યાર્થીઓની ગણતરી જાતે જ કરી શકત, પણ મેં મોનિટરને એ કામ સોંપ્યું. આમ આ મિશનમાં હું એકલો નથી; પણ મોનિટર, વિષયશિક્ષક અને આખોય વર્ગ સમસ્યાના નિરાકરણમાં સામેલ છે તેવી પ્રતીતિ સૌને થાય તેવો મારો મનોવૈજ્ઞાનિક અભિગમ હતો. મોનિટરે વર્ગની સંખ્યા ગણીને જણાવ્યું કે બધાં હાજર છે.

    મેં મુસ્કરાતાં વર્ગને સંબોધીને કહ્યું, ‘આજના પરાક્ર્મને અંજામ આપનાર જે કોઈ ભાઈ કે બહેન હશે; તે હાલ આપણા વર્ગમાં મોજુદ છે તેનો આપણને બધાંયને આનંદ તો ન જ હોઈ શકે, પણ સહાનુભૂતિ તો જરૂર હોવી જોઈએ. તમે સૌ પૂછશો કે આખા વર્ગને આર્થિક નુકસાન પહોંચાડનાર પરત્વે વળી સહાનુભૂતિ શાની, તો મારો જવાબ એ છે કે એ ભાઈ કે બહેને આચરેલી ક્રૂર મજાક તેમને શાળામાંથી બરતરફ પણ કરાવી શકે છે. હવે તમને બધાંને સમજાશે છે કે જેનું ભવિષ્ય રોળાઈ જાય તેવા આપણા હોનહાર સાથી પરત્વે આપણને સહાનુભૂતિ કેમ ન થાય!’

    મારું કથન હજુ તો પૂરું થયું પણ ન હતું અને ડાબી તરફની વિદ્યાર્થિનીઓ માટેની ડેસ્ક ઉપરથી એક બહેન રડતાં રડતાં બોલી ઊઠી, ‘સર, એ જે કોઈ હોય તેને અમે આખો વર્ગ માફ કરી દઈશું; પણ ફોર ગોડ્ઝ સેક તેનું ભવિષ્ય ન બગાડશો.’

    અચાનક વર્ગનું વાતાવરણ લાગણીસભર બની ગયું હતું અને આખાય વર્ગે સામૂહિક અવાજે પેલી બહેનની વાતને સમર્થન આપી દીધું હતું. પરંતુ મિ. શુક્લાજી અને હું તો લાગણીના પૂરમાં તણાયા વગર તટસ્થ ભાવે બધાંયના ચહેરા અવલોકી રહ્યા હતા. પેલી બહેનના સાહજિક કથને મારા અનુમાનિત એવા એક ભયભીત ચહેરાને હાશકારાના ભાવમાં પરિવર્તિત થતો હું જોઈ રહ્યો હતો. મેં મારા મોબાઈલમાંના વર્ગના ફોટાને મિ. શુક્લાજી સામે ધર્યો અને તેમણે આંગળી મૂકીને જે છોકરાને બતાવ્યો તેનાથી અમારી સહમતી સધાઈ ચૂકી હતી. આમ છતાંય નક્કર પુરાવા વગર માત્ર શંકાના આધારે કોઈને ગુનેગાર ઠેરવી શકાય નહિ અને એ ન્યાયે મેં મારી પ્રક્રિયા ચાલુ રાખી હતી.

    મેં પેલી બહેન તરફ ફરતાં પૂછ્યું, ‘બહેના, તારું નામ જણાવીશ?’

    તેણે કહ્યું, ‘તેહમીના.’

    ‘ઓહ, પારસી?’

    ‘જી હા.’

    ‘મિ. વિલ, તમને શી રીતે ખબર પડી?’ મિ. શુક્લાજીએ આશ્ચર્ય વ્યકત કર્યું.

    મેં સ્મિત કરતાં કહ્યું, ‘અરદેશર ફરામજી ખબરદાર ઉપરથી ખબર પડી! તેમની દીકરીનું નામ તેહમીના હતું. યુવાનવયે તેનું મૃત્યુ થતાં તેના માનમાં તેમણે તત્ત્વજ્ઞાનીય ‘દર્શનિકા’ મહાકાવ્ય રચ્યું હતું.’

    ‘તમારા પ્રોફેશન અને સાહિત્યને કોઈ સંબંધ ખરો?’

    ‘કાઉન્સેલરે શક્ય તેટલું બધું જ વાંચવું અને જાણવું પડે. વળી ખલિલ જિબ્રાન અને ચાણક્યને તો ખાસ વાંચવા પડે.’ મેં કહ્યું.

    ‘વાઉ!’ મિ. શુલ્કાજીની આંખો નાચી ઊઠી.

    ‘જો તેહમીના, તું અને તારા બધા સહાધ્યાયીઓએ જરાય ચિંતા કરવાની નથી. તમારાં બધાં માટે ‘કાઉન્સેલર’ શબ્દ નવો હશે, જેનો અર્થ થાય છે ‘માર્ગદર્શક’; નહિ કે જલ્લાદ! તમારા ભણવામાં આવ્યું હશે કે ‘હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે નિર્મળ હૃદયના શુદ્ધ બળથી’. આપણે જે તે પરાક્રમીને ભલે બરતરફી જેવી આકરી શિક્ષા ન થવા દઈએ, પણ તેને ઓછામાં ઓછો એટલો અહેસાસ તો થવો જ જોઈએ કે કોઈની હાનિકારક મજાક તો ન જ થાય ને!’

    અત્યારસુધી એ ગેરશિસ્તની ઘટનાને હળવાશમાં ભલે પરાક્રમ તરીકે અને તેના આચરનારને વક્રોક્તિમાં પરાક્રમી શબ્દે ઓળખાવાયો હોય, પણ હકીકતમાં ઘટના ગંભીર અને અક્ષમ્ય હતી. વાત એમ હતી કે નજીકમાંથી પસાર થતા હાઈવેનું રી-સરફેસીંગનું કામ થઈ રહ્યું હતું અને આપણા અનામી હીરોએ થોડાક પીગળેલા ડામરની ગોળીઓ બનાવીને તેમને આખાય વર્ગની પાટલીઓ ઉપર રિસેસ દરમિયાન મૂકી દીધી હતી. આમ વિદ્યાર્થિનીઓનાં ફ્રોક અને વિદ્યાર્થીઓનાં પેન્ટ ખરડાયાં હતાં, જેના ડાઘ સંપૂર્ણત: મિટાવી શકાય નહિ. આ ઘટનાના કારણે મિ. શુક્લાજીના વર્ગમાં તેમના પ્રવેશતાં જ હોબાળો મચી ગયો હતો.

    પછી તો મેં વર્ગ સમક્ષ દરખાસ્ત મૂકતાં કહ્યું કે કોઈ સૂચન કરશે કે આપણે આપણા મિશનને પાર પાડવા માટે સર્વ પ્રથમ શું કરવું જોઈએ.

    એક વિદ્યાર્થીએ સૂચન કર્યું કે ‘સર, આપે હમણાં આશ્વાસન આપ્યું છે કે જે તે ગુનેગારનું ભવિષ્ય નહિ બગડે. પરંતુ મારું નમ્ર માનવું છે કે આપ હજુ પણ ખાત્રી સાથે એવું અભયદાન આપો કે તેને હળવી પણ શિક્ષા નહિ કરવામાં આવે. વળી તેનું નામ પણ જાહેર કરવામાં નહિ આવે કે જેથી તેને શરમિંદગી અનુભવવી ન પડે. બસ, ત્યાર પછી આપ તમામ પાસેથી ગુપ્ત ચિઠ્ઠીઓમાં હા કે ના એવા જવાબ મેળવી શકો છો.’

    ‘ભાયા, તારું નામ જાણી શકું છું?’

    ‘અશ્વિન.’

    ‘તારું સૂચન આવકાર્ય છે. અમે પણ એ જ મતના જ છીએ કે તેને સ્વકબૂલાતની તક આપવી જોઈએ.’ મેં કહ્યું.

    છેવટે મિ. શુક્લાની અને મારી જે તે વિદ્યાર્થી વિષેની પૂર્વધારણાને ચકાસવા અથવા તો અન્ય કોઈ હકીકતી સચ્ચાઈને સચોટ રીતે જાણવા માટે આગળનું પગલું ભરવા પહેલાં મેં બધાંયને અશ્વિનના સૂચન મુજબ અભયદાન આપી દીધું હતું.

    આમ આ પ્રયોગ અજમાવી તો જોયો, પણ પરિણામ શૂન્ય પ્રાપ્ત થયું હતું. મારા મતે અહીં બે શક્યતાઓ ઉદ્ભવતી હતી કે કાં તો તે રીઢો ગુનેગાર હોવો જોઈએ અથવા તો વર્ગ બહારનો જ કોઈ વિદ્યાર્થી દોષિત હોઈ શકે.

    મેં મોનિટર સામે જોતાં કહ્યું, ‘મિત્ર, કોઈની કબૂલાત આવી નથી. એવું બને ખરું કે આ હરકત તમારા વર્ગ બહારની કોઈ વ્યક્તિની હોય!’

    મિ. શુક્લાજીએ મારી વાતના સમર્થનમાં મોનિટરને કહ્યું હતું, ‘જો અલ્તાફ, મોનિટર તરીકે તું દરેક વિદ્યાર્થીને અમારા કરતાં વધારે નિકટથી જાણતો હોય. તારો જવાબ આપણને તપાસની યોગ્ય દિશા નક્કી કરી આપશે.’

    ‘સર, મારા સહાધ્યાયીઓ મને માફ કરે પણ હું સ્પષ્ટ કહીશ કે મારા મોનિટરપણા હેઠળ બહારના કોઈ પણ વિદ્યાર્થીની દેન નથી કે તે અમારા વર્ગમાં આવીને આવું હિચકારું કૃત્ય કરી જાય!’ અલ્તાફ આમ બોલ્યો ત્યારે તેના ચહેરા ઉપર આક્રમકતા ડોકાઈ હતી અને તેના નીચલા હોઠે કંપન કર્યું હતું.

    ‘વાહ ખાનસાબ, માન ગયે કિ આપકા દબદબા આપકે ક્લાસકે અલાવા બાહર ભી હૈ!’ મેં કહ્યું હતું.

    ‘થેન્ક યુ સર.’

    મિ. શુક્લાજીના મોંઢેથી ફરી એક વાર ‘વાઉ’ સરી પડ્યું અને વર્ગને સંબોધતાં કહ્યું, ‘યોર વિલ સર હેઝ સિક્સ્થ સેન્સ. હી રેકગ્નાઈઝ્ડ તેહમીના એઝ પારસી એન્ડ નાઉ અલ્તાફ એઝ પઠાન. એમનો આપણી સ્કૂલમાં બીજો દિવસ છે અને આ વર્ગમાં તો તેમણે હમણાં જ કદમ મૂક્યો છે, જે સૌની જાણ સારુ.’

    ‘મિ. શુક્લાજી, હવે મારી વધારે પ્રશંસા કરીને મને ચણાના ઝાડ ઉપર ચઢાવશો નહિ. ચાલો, આપણે કામની વાત ઉપર આવીએ.’ મેં કહ્યું હતું.

    એક વાત યાદ રહે કે હું રફ્તે રફ્તે મારા મિશન ઉપર આગળ વધી રહ્યો હતો. મારી તપાસ પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે ચઢાવઉતાર અને વળાંકો આવતા જતા હતા. જેમ કહેવાય છે કે પ્રથમ નજરે પ્રેમ તેમ અમારા કિસ્સામાં પણ પ્રથમ અવલોકને જ જે તે કસુરવાર અમારા રડારમાં આવી ગયો હતો. જો કે હજુ કન્ફર્મેટિવ પ્રક્રિયા પછી જ મારે નક્કર નિષ્કર્ષ ઉપર આવવાનું હતું. હવે આશ્ચર્યની ઘટના એ બની કે મિ. શુક્લા અને મારી શંકાની સોય જે વિદ્યાર્થી ઉપર સ્થિર થયેલી હતી, તે જ વિદ્યાર્થી તેની આંગળી ઊંચી કરીને તેનું સૂચન આપવા માગતો હતો. મેં મિ. શુક્લાજી સામે જોયું તો તેમનો ચહેરો ઝંખવાયેલો દેખાયો. તેઓ વિચારતા હશે કે જેની શંકાસ્પદ વ્યક્તિ તરીકેની અમારી વચ્ચે સહમતી સધાઈ હતી, તે જ કોઈક સૂચન કરવા માગે તો તેને નિર્દોષ જ સમજવો પડે. પરંતુ આ નવીન પરિસ્થિતિની મારા અનુમાન ઉપર કોઈ અસર પડી ન હતી, કેમ કે હું મનોવિજ્ઞાનની પરિભાષામાં એ છોકરાનું સૂચન માટે ઊભા થવું એને તેની બચાવ પ્રક્રિયા (Defense Mechanism )ના ભાગરૂપ સમજતો હતો.

    ‘યેસ, બોલ ભાઈ તું શું કહેવા માગે છે?’

    ‘સર, આપણે ખૂબ જ મહત્ત્વની એક ચોકસાઈ કરવાનું ચૂકી ગયા હોઈએ તેમ મને લાગે છે. સૌથી પહેલાં આપણે તપાસી લેવું જોઈતું હતું કે ડામરની નિશાની વગરનું કોઈ છે કે કેમ?’

    ‘તારી વાત મુદ્દાની છતાં વ્યર્થ છે, જે હું પછી સમજાવીશ; પરંતુ બાય ધ વે, હું તારું નામ જાણી શકું?’

    ‘પ્રાણ, પ્રાણશંકર. સર.’

    ‘જો મારો રમૂજી સ્વભાવ છે એટલે તારી કોઈ રમૂજ કરી નાખું તો તને ખોટું નહિ લાગે ને ?’

    ‘નો સર, યુ મે.’

    ‘તો સાંભળ, તેં તારું નામ પહેલાં પ્રાણ કહીને પછી તરત જ સુધારીને પ્રાણશંકર કહ્યું તેનાથી મને હાશ થઈ!’
    આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો, પણ પ્રાણ નિષ્પ્રાણ બની ગયો હોય તેવું મને લાગ્યું. મેં પ્રાણશંકરના મનોભાવને જાણવા ઈરાદાપૂર્વક આ મજાક કરી હતી. એ દિવસોમાં સિનેજગતમાં સફળ વિલન તરીકે પ્રાણનું નામ ગાજતું હતું. પછી મને લાગ્યું કે મારે મારી રમૂજને હળવી કરી લેવી જોઈએ કે જેથી પ્રાણશંકર હળવાશ મહસૂસ કરે. મેં વાતને વળાંક આપતાં કહ્યું કે સિને અભિનેતા પ્રાણે પોતાના કિરદારને પાછળથી ખલનાયકીના બદલે ચરિત્ર અભિનેતા તરીકે બદલી નાખ્યો હતો, તેની બધાંને ખબર છે ને?-

    હવે મૂળ વાત ઉપર આવતાં મેં પ્રેમાળ શબ્દોમાં પ્રાણશંકરને કહ્યું, ‘જો ભઈલા, તારું સૂચન વ્યાજબી હોવા છતાં વ્યર્થ એટલા માટે છે કે મારા જેવો કોઈ મૂર્ખ જ ડામરથી ખરડાવામાં બાકાત રહે! ભલા, એ તો સામા પગે ચાલીને પકડાવા જેવું ન બને!’

    વચ્ચે તેહમીનાએ ટપકી પડતાં કહ્યું, ‘વિલ સર, આપ આટલા બધા ઈન્ટેલીજન્ટ હોવા છતાં પોતાને મૂર્ખ ગણાવો છો, તો અમે લોકો શું ગણાઈએ?’

    ‘મહામૂર્ખ!’ એક સાથે આખાય વર્ગે સામૂહિક પડઘો પાડ્યો.

    આમ છતાંય પ્રાણશંકરના સંતોષ ખાતર અલ્તાફને કહેવામાં આવ્યું કે તે બધાંયને ઊભાં કરીને ચકાસણી કરી લે અને ધારણા મુજબ એમ જ થયું કે ડામરના ડાઘથી કોઈ બાકાત ન હતું. પરંતુ અલ્તાફે અચાનક જોયું તો બહેનોની પાટલીઓ પાછળની બાકીની કાયમ માટે ખાલી રહેતી ત્રણ પાટલીઓ ઉપર પણ ડામરની ગોળીઓ મુકાયેલી હતી.

    અલ્તાફે લગભગ રાડ પાડતાં કહ્યું કે, ‘સર, હવે હું એ બદમાશને જોઈ લઈશ. તે નાલાયક અમારા વર્ગ બહારનો જ છે. જો તે અમારા વર્ગનો હોય તો આ વધારાની પાટલીઓ ઉપર ડામરની ગોળીઓ મૂકે નહિ.’

    મેં અલ્તાફને શાંત પાડતાં કહ્યું, ‘ભલા માણસ, તારી ધારણા પહેલી નજરે સાચી લાગે; પણ એ ટીખળખોર આપણા વર્ગનો જ હોવો જોઈએ. મારું માનવું છે કે તેણે તપાસને ગેરમાર્ગે દોરવા માટે આમ કર્યું હોઈ શકે. બીજું સાંભળી લે અલ્તાફ કે તું વર્ગનો મોનિટર હોવા પહેલાં એક વિદ્યાર્થી છે અને આમ તું ઘાંટો પાડીને અમારી હાજરીમાં દાદાગીરીની ભાષામાં બોલે તે ગેરશિસ્ત ગણાય. જો કે તારો આક્રોશ બતાવે છે કે તારા સહાધ્યાયીઓ પરત્વે તને ખૂબ માનસન્માન છે અને તેથી એ સ્વાભાવિક છે કે તું બહારના કોઈ વિદ્યાર્થીની આવી હરકતને સાંખી ન શકે. પરંતુ એ પણ ભુલાવું ન જોઈએ કે બહારનો કે અંદરનો કોઈ પણ વિદ્યાર્થી એ છેવટે તો આપણી શાળાનો જ છે. વર્ગવ્યવસ્થા એ કંઈ આપસમાં લડાઈઝઘડા માટેની છાવણીઓ નથી.’

    અલ્તાફે નીચું જોઈને ગળગળા અવાજે કહ્યું હતું, ‘આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, સર.’

    ‘ઈટ્સ ઓલરાઈટ.’ કહીને મેં કોઈના દિમાગમાં પણ ન આવે તેવી કથિત શરારતી માટેની એક સકારાત્મક સંભાવના દર્શાવતાં કહ્યું કે ‘જો આ હરકત કરનાર આપણા વર્ગનો જ હોય તો ખાલી રહેતી પાટલીઓ ઉપર પણ ડામરની ગોળીઓ મૂકવા પાછળ તેની ઉદ્દાત ભાવના એ હોઈ શકે કે કોઈ વિદ્યાર્થી અનાયાસે પણ એ ખાલી પાટલી ઉપર બેસી જાય તો તે પણ ખરડાયા વગર બાકી રહી શકે નહિ. આમ કોઈ નિર્દોષ તહોમતનો ભોગ ન બની જાય એવી શુદ્ધ ભાવના અહીં વર્તાય છે.’

    મિ. શુક્લાજીથી ચૂપ રહેવાયું નહિ અને તેમણે મને ફરી એકવાર બિરદાવી દીધો આ શબ્દોમાં કે ‘મિ. વિલ, કોન્ગ્રેટ્સ વન્સ અગેઈન. ખરે જ તમારું દિમાગ કેટલું ઝીણું ઝીણું વિચારી શકે છે!’

    આખા વર્ગે પાટલીઓ થપથપાવીને મિ. શુક્લાજીના કથનને અનુમોદન આપ્યું.

    મેં ભાવવિભોર બનતાં કહ્યું, ‘તમારાં બધાંની ભલી લાગણીઓ મને મારા કામ માટે ઉત્સાહ તો જગાડે છે, પણ સાથે સાથે મને મારી જવાબદારીનું ભાન પણ કરાવે છે. આજની અનિષ્ટ ઘટના જ્યાં સુધી તકસીરવાર મુકર્રર ન થાય ત્યાં સુધી આખા વર્ગ માટે લાંછનરૂપ છે. સ્વકબૂલાત માટેની આખરી બીજી એક તક હું બધાંને આપવા માગું છું. અભ્યાસ માટેનો તમારો અમૂલ્ય સમય વધુ ન વેડફાય તે પણ જરૂરી છે. તો ચાલો ફરી એક વાર કાપલીમાં પોતાનું નામ અને સામે રાઈટ અથવા રોંગનું ચિહ્ન કરી આપો એટલે વાત થાય ટૂંકી. મારી અભયદાનની ખાત્રી તેની જગ્યાએ કાયમ છે, માટે તેના ઉપર વિશ્વાસ રાખજો.’

    અલ્તાફે કાપલીઓ ઊઘરાવી લીધી અને મિ. શુક્લાજીને સોંપી દીધી. શુક્લાજીએ ઝડપભેર ચકાસણી કરી લીધી અને અફસોસ કે એ બીજો રાઉન્ડ પણ ફ્લોપ ગયો.

    મારા અને મિ. શુક્લાના સહમતીપ્રાપ્ય એ વિદ્યાર્થી પ્રાણ અંગે મિ. શુક્લા કદાચ અવઢવમાં પડી ગયા હશે, પણ મારા સતત મોનિટરીંગથી મારો વિશ્વાસ દૃઢ બનતો જતો કે એ પ્રાણ જ આ ઘટનાનો વિલન હોવો જોઈએ. પરંતુ અદાલતોના સિદ્ધાંત મુજબ સો ગુનેગાર ભલે છટકી જાય, પણ એકેય નિર્દોષને દોષિંત ન ગણવો જોઈએ; તે ન્યાયે અત્યાર સુધીની પ્રક્રિયા મુજબ પ્રાણને શંકાના ડાયરામાં જરૂર મૂકી શકાય, પણ તેને સો ટકા તકસીરવાર તો ન જ ગણાવી શકાય. હવે મારા ભાથામાં મેં એક તીર કે જેને હાલ સુધી અનામત રાખ્યું હતું, તેને વાપરવાનો સમય આવી ગયો હતો. મારા આ આખરી ટેસ્ટથી જ સો ટકા નક્કી થઈ જવાનું હતું કે અસલી ગુનેગાર કોણ છે.

    મેં વર્ગને સંબોધતાં કહ્યું કે તમારા બધાંના ચહેરા ઉદાસ દેખાઈ રહ્યા છે, કેમ કે જે તે ગુનેગારને આપેલી સ્વકબૂલાતની બીજી તક પણ નિષ્ફળ ગઈ છે. મેં આપેલું અભયદાન સ્વકબૂલાત અને શરણાગતી અન્વયે હતું. પરંતુ હવે જ્યારે એ ગુનેગાર અમારા હાથથી જ ઝડપાય, ત્યારે એ અભયદાનનો કોઈ મતલબ રહેતો નથી. તો હવે બધાં સાંભળી લો કે આ ઘૃણાસ્પદ કૃત્ય કોઈ એકલો જ પોતાના પૂરતું તેને ખાનગી રાખીને આચરે નહિ, કેમ કે એ તો ‘જંગલમેં મોર નાચા, કિસને દેખા’વાળું થઈ રહે. આમ આ કૃત્યનો ચશ્મદીદ ગવાહ ઓછામાં ઓછો કોઈ એક તો હોય જ. વળી એ પણ એટલું જ સાચું છે કે એવો ગવાહ દુશ્મની વહોરવાના ભયે કદીય ખુલ્લો બહાર આવે નહિ. હવે એ સંભવિત ગવાહ માટેની સલામતી માટેની મારી પાસે એક યોજના છે, જે અનુસાર એ ગવાહે જે તે તક્સીરવારને સીધો બતાવવાનો નથી; પણ એક નિશ્ચિત સમૂહમાં તે મોજુદ છે તેટલું માત્ર ત્રણ વાર જણાવવાનું છે. આનાથી પેલો તહોમતદાર પેલા ગવાહને ક્દીય એમ કહી શકશે નહિ કે તેણે તેનું નામ જાહેર કર્યું છે.

    મોનિટર અલ્તાફે વર્ગને વિનંતી કરતાં કહ્યું કે મહેરબાની કરીને જે ગવાહ હોય તે ખુલ્લો બહાર આવે. વિલ સરના કહ્યા મુજબ ગવાહ તહોમતદારના આક્ષેપથી સલામત છે. આપણો અડધો પિરિયડ વેડફાયો છે, માટે આ સમસ્યાનો જલ્દી અંત આવે તે ઇચ્છનીય છે. વિલ સર નવા નવા આવ્યા છે અને આપણા વર્ગની તેમની આગળ શી ઈજ્જત રહેશે!

    અલ્તાફનું કથન પૂરું થયું કે ન થયું અને તરત જ એ જ પ્રાણ ઊભો થયો અને બોલ્યો કે ‘સર, આપના વિશ્વાસે હું જે તે જૂથમાં એ ગુનેગાર મોજુદ છે તેટલું જ કહીશ.’

    પ્રાણના કથનથી હું ચોંકી ઊઠ્યો. મને એમ થવા માંડ્યું કે આ પ્રાણ ખરેખર પેલા ફિલ્મોવાળો ખલનાયક પ્રાણનો રોલ જ ભજવતો હોય તેમ લાગ્યું. મારા સતત ઓબ્ઝર્વેશનમાં તેનો ચહેરો ભયભીત, ઉદાસીન અને શંકાસ્પદ જ લાગ્યો હતો અને તેથી જ તો મિ. શુક્લા કરતાં મારી માન્યતા વધારે દૃઢ હતી કે એ પ્રાણ જ દોષિત છે. તે ચશમદીદ ગવાહ બનીને જે તે વિદ્યાર્થી સાથેની તેની સાથેની કોઈ નિજી દુશ્મનીને સરભર કરવા તો નહિ માગતો હોય! મને લાગ્યું કે મારે મારા આખરી પ્રયોગ પહેલાં પ્રાણની વિશ્વસનીયતાને ચકાસવી જોઈએ.

    મેં તેને પૂછવાનું શરૂ કર્યું મારા પહેલા આ પ્રશ્નથી કે ‘પ્રાણશંકર, શરૂઆતથી જ મને કેમ તારો ચહેરો સતત ભયભીત અને ગમગીન લાગ્યા કર્યો?’

    ‘સર, હું મારી જાતને સતત સહદેવની સ્થિતિમાં મુકાઈ ગયેલો હોવાનું વિચારી રહ્યો હતો. હું માનસિક એવા દબાણ હેઠળ હતો કે હું દોષિતને જાણતો હોવા છતાં તેને જાહેર કરી શકતો ન હતો. આપે પણ હમણાં જ કહ્યું હતું કે એવો ગવાહ દુશ્મની વહોરવાના ભયે કદીય ખુલ્લો બહાર આવે નહિ. હવે જ્યારે મારા ઉપર સીધું તહોમત નહિ આવે એવા તમારા કોઈક પ્રયોગની વાત સાંભળીને મારામાં ખુલ્લા ગવાહ બનવાની હિંમત આવી અને આમ હું આપની સમક્ષ ઊભો છું. આમ છતાંય આપને વિનંતી કરું છું કે આપ સ્વકબૂલાતની એક વધુ તક આપો અને મને વિશ્વાસ છે કે મારી ગવાહીની દહેશત હેઠળ આ વખતે તમને એ શરારતી મળી રહેશે. આપ આપના અભયદાન ઉપર કાયમ રહેશો કે જેથી તેનું નામ જાહેર ન થાય અને તેને શરમિંદગી અનુભવવી ન પડે.’

    પ્રાણશંકરે પોતાની કેફિયત આત્મવિશ્વાસ સાથે રજૂ કરી ત્યારે મેં મનોમન તેને ક્લિન ચીટ આપી તો દીધી, પણ કોણ જાણે તેના તરફની મારી શંકાની સોય હજુય સ્થિર હતી. આમ છતાંય તેના સૂચનને ગ્રાહ્ય રાખીને મેં સ્વકબૂલાત માટે ચિઠ્ઠીની ત્રીજી તક આપવા પહેલાં ચેતવણી આપી હતી કે જો આ છેલ્લા રાઉન્ડમાં પણ પરિણામ નહિ મળે તો પ્રાણશંકરની ગવાહીના આધારે એ ઇડિયટને હું બોચીમાંથી પકડીને પ્રાચાર્ય સાહેબના હવાલે કરી દઈશ.

    આ ત્રીજા રાઉન્ડમાં બધાંના આશ્ચર્ય વચ્ચે સુખદ પરિણામ આવી ગયું હતું. મિ. શુક્લાજી અને મેં એકબીજા સામે આંખ મીંચકારતાં સ્મિત કરી લીધું, કેમ કે અમારા બેઉનું અનુમાન સાચું પડ્યું હતું. મેં જ્યારે વર્ગમાં જાહેરાત કરી કે આપણું મિશન સફળ નીવડ્યું છે, ત્યારે વર્ગખંડ હર્ષનાદ અને પાટલીઓના થપથપાટથી ગુંજી ઊઠ્યો હતો.

    મિ. શુક્લાજીએ બધાંનો આભાર માનતાં કહ્યું કે ‘વિલ સરની કુનેહથી આપણે આપણા ઉદ્દેશમાં સફળ થયા તેની ખુશીની સાથે આપણે ઇચ્છીએ કે એ વિદ્યાર્થી આત્મમંથન અને પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યે આવી કોઈની ક્રૂર મજાક ન કરે. તદુપરાંત બાકીનાંઓએ પણ આ ઘટના ઉપરથી બોધપાઠ લેવો જોઈએ અને પોતાના વિદ્યાર્થીજીવનને શિસ્તમય જાળવવું જોઈએ. મિ. વિલ, હું અમારા વર્ગ વતી તમારો આભાર માનું છું, તેમ છતાંય એક વાતનો અફસોસ તો રહી જ જાય છે કે અમને તમારો હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રયોગ જોવા ન મળ્યો!’

    મેં કહ્યું કે, ‘એ પ્રયોગ સિનિયર કે. જી.માં ભણતી મારી દીકરી પાસેથી મને શીખવા મળ્યો છે. પ્રાણીઓની ઓળખ માટે ગંજીપાનાં પાનોમાં છપાયેલાં એ ચિત્રોની એક એવી રમત એ સ્કૂલમાંથી શીખી આવી હતી કે આપણે એકવીસ પાનાંમાંથી મનમાં કોઈ પ્રાણીને ધારી લેવાનું અને તે તેની પ્રક્રિયા દ્વારા આપણને એ જ પ્રાણીવાળું પાનું બતાવી આપે! હવે અહીં આપણા કેસમાં પાનાંની જગ્યાએ વ્યક્તિઓને ગોઠવવાની રહે.’

    ‘ઓહ સર, ઈટ ઈઝ વેરી ઈન્ટરેસ્ટીંગ. જો આપને વાંધો ન હોય તો આપનો આ પ્રયોગ કાં તો વિસ્તારથી સમજાવો અથવા અહીં કરી બતાવો તો અમને બધાંને ખૂબ ગમશે.’ અલ્તાફે વર્ગ વતી વિનંતી કરી.

    ‘આ પ્રયોગ એ કંઈ મારી મોનોપોલી નથી, કે જેથી તેને ગુપ્ત રાખવામાં આવે. વળી આ એક ગાણિતિક પ્રક્રિયા માત્ર જ છે. ઊલટાનો આપણી સ્કૂલને એક ફાયદો થશે કે હવે પછી પકડાઈ જવાની બીકે આવી ગેરશિસ્ત કોઈ આચરશે નહિ. હવે સાવ સંક્ષિપ્તમાં સમજાવું તો ગવાહે એકવીસ વિદ્યાર્થીઓના જૂથમાં ગુનેગાર મોજુદ છે, તેવું પહેલી વાર જણાવવાનું છે. હવે એ એકવીસ વિદ્યાર્થીને હારબંધ ઊભા રાખીને સાત સાતનાં ત્રણ જૂથ પૈકી કયા જૂથમાં પેલો વિદ્યાર્થી છે તે બીજી વાર જણાવવાનું છે. હવે પ્રયોગકારે નક્કી થયેલા જૂથને વચ્ચે લાવીને થયેલી આ હારનાં ફરી સાતસાતનાં ત્રણ જૂથ બનાવીને ત્રીજી વાર ગવાહને એ જ પૂછવાનું છે. છેલ્લે વળી જૂથને વચ્ચે લાવી દઈને પ્રયોગકાર ચોથી અને છેલ્લી વાર એ જ રીતે પૂછ્યા પછી બનેલી હારના અગિયારમા ક્રમાંકના વિદ્યાર્થીને તકસીરવાર જાહેર કરી શકે છે. આ એક ગાણિતિક પ્રક્રિયા માત્ર છે. આમાં પ્રથમ હારબંધ ઊભા કરેલા એકવીસ વિદ્યાર્થીઓનો ક્રમ યથાવત્ જાળવી રાખીને પેલાં જૂથોને પણ એ જ ક્રમ પ્રમાણે ત્રણ વખત વચ્ચે લાવી દેવાનાં છે. ગંજીપાનાં એકવીસ પાનાં ઉપર આ પ્રયોગની ખાત્રી કરી શકાશે.’

    આમ હું વર્ગના તમામ વિદ્યાર્થીઓના ચહેરાઓ ઉપરના અકળ અહોભાવને અવલોકતાં અવલોકતાં પડકારજનક પેચીદા મામલાને સફળતાપૂર્વક ઉકેલ્યાના આત્મસંતોષ સાથે વર્ગની બહાર નીકળી તો ગયો, પણ પ્રાણશંકરની અશ્રુભીની આંખો મારી નજર સામે તરવરતી જ રહી.

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

    નેટજગતનું સરનામુઃ
    • William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ માનવધર્મ – જીવો અને જીવવા
    દો | હળવા મિજાજે

  • નફિકરો

    જયશ્રી વિનુ મરચંટ

    મારી અને ચંદુની દોસ્તી અમારી શાળાના પ્રથમ દિવસથી શરૂ થઈ હતી. ગામની એક માત્ર અડધી કાચી, અડધી પાકી બંધાયેલી નિશાળના ધૂળધોયા ઓટલા પર, પાંચ વર્ષનો હું, શાળાના માસ્તરની સામે હીબકાં ભરીને રડતો હતો. મારી બા મને માસ્તરને સોંપીને પોતે પણ આંખો લૂછતી લૂછતી પાછી ફરી રહી હતી એ મેં ત્રાંસી આંખે જોઈ લીધું હતું જેને લીધે પણ હું મારું રડવાનું બંધ નહોતો કરી શકતો. શાળામાં એ મારો પ્રથમ દિવસ હતો. ત્યાં ઓટલા પર, મારી પાછળથી મારા એક ભેરુ જેવો અવાજ આવ્યો, “ફઈમા, તું જા. હું નહીં રોઉં.” અને એક ગોરો, ગોળ મોઢાવાળો મારા જેવડો જ છોકરો મારી બાજુમાં, માસ્તરની સામે ઊભો રહી ગયો. એ બિલકુલ મારી લગોલગ ઊભો હતો. પહેલાં માસ્તરે મને મારું નામ પૂછ્યું, મેં ડૂસકાં ભરતા કહ્યું, “રમણીક.” માસ્તરે એમની સામે પડેલા ચોપડામાં કંઈક જોયું અને પછી મને કશું કહેવાને બદલે, પેલા બીજા છોકરા સામે ફર્યા અને કહે, “નામ?”

    પેલા છોકરાએ સ્વસ્થ અવાજમાં કહ્યું, “ચંદુ.”

    સાહેબ ડરામણા અવાજે બોલ્યા, “આખું નામ બોલતા આવડે છે?”

    જવાબમાં પેલો છોકરો મરકીને બોલ્યો, “ચંદ્રકાંત સુખલાલ ગોર.” અને એ છોકરો, માસ્તર આગળ કંઈ કહે તે પહેલાં, મારી તરફ વળીને બોલ્યો, “તું રડે છે?” કોણ જાણે એના એ સવાલમાં એવું તો શું હતું કે હું તરત જ ચૂપ થઈ ગયો. મેં આંસુ લૂછી નાખ્યા અને એની સામે બાઘાની જેમ જોયા કર્યું. એણે મારો હાથ પકડી લીધો અને ચૂપચાપ પાછા વળીને ચાલવા માંડ્યું. હું પણ એની પાછળ પાછળ દોરવાયો. સૌથી પાછળની, અડધી તૂટી ગયેલી બેંચ પરની ધૂળ ઝાટકીને એણે એના માટે અને મારા માટે જગા કરી. હું પણ કશું જ બોલ્યા વિના, મારા ડૂસકાં મારી અંદર જ શમાવીને ત્યાં બેસી ગયો. આ હતી અમારી પહેલી મુલાકાત.

    ****

            અમારી મુલાકાતના પહેલા દિવસથી જ મેં કદી કોઈ જાતની ફિકર કે ચિંતાના સળ ચંદુના મોઢા પર કદી જોયા નહોતા. કદીયે કોઈ વાતને લઈને દુઃખી થવું કે પછી રમતમાં થતી લડાઈ-ઝઘડાઓને લઈને ‘કીટ્ટા-બુચ્ચા’ કરવાનું એના સ્વભાવમાં જ નહોતું. એની પ્રકૃતિ જ બિન્દાસ્ત હતી. અમે ત્યારે પાંચમા ધોરણમાં હતા. અમારી શાળાનું ઈન્સ્પેક્શન કરવા માટે જિલ્લાના મોટા સાહેબ આવવાના હતા. અમારા સરે, અમને સહુને, તે દિવસે, નાહી, ધોઈને, સ્વચ્છ કપડાં પહેરીને, વાળ સરસ રીતે ઓળીને આવવાનું કહ્યું હતું. અમને સહુ છોકરાં ને છોકરીઓને એવી સૂચના પણ આપવામાં આવી હતી કે અમે હાથ-પગના નખ કાપીને આવીએ અને દાંત પણ સરખા ઘસીને ઊજળા કરવાનું કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ અમને જેટલું ભણાવ્યું હતું એ બધું જ બરાબર યાદ રાખાવાનું હતું. અમારા સરે, આગલા દિવસે વિગતવાર અમને સમજાવ્યું કે ઈન્સ્પેક્ટર સાહેબ જે સવાલ પૂછે એના સાચા જવાબ આપવાના, પણ કોઈ એવો સવાલ પૂછે કે જે વિષય પર અમને ભણાવવામાં ન આવ્યું હોય તો કશું ન કહેવું પણ અમારા સરની સામે જોવું જેથી સર અભ્યાસક્રમ વિષે જવાબ આપી શકે. કોઈ પણ સંજોગોમાં ‘અમને એ વિષય પર ભણાવવામાં નથી આવ્યું’ એવું કહેવું નહીં. આ વાત અમને લગભગ ગોખાવી દેવાની હદ સુધી કહેવામાં આવી હતી. બીજે દિવસે તાલુકાના મોટા સાહેબ ઈન્સ્પેક્શન માટે આવ્યા. અમારા ક્લાસમાં આવીને વર્ગની સ્વચ્છતા જોઈ, અમારામાંથી કેટલાકને બોલાવીને હાથ-પગના નખ અને દાંત જોયા. પછી સવાલ-જવાબનો ક્રમ ચાલુ થયો.

    સાહેબે ચંદુને સવાલ પૂછ્યો, “તને ભૂગોળ આવડે છે?”

    ચંદુએ જરા પણ ગભરાયા વિના જવાબ આપ્યો, “હા, સાહેબ. ભણાવી છે એટલી આવડે છે.”

    સાહેબે બીજો સવાલ પૂછ્યો, “દુનિયા ગોળ છે કે સપાટ?”

    “ગોળ છે સાહેબ.”

    “ગોળ છે તો તું આમ સપાટ જમીન પર કઈ રીતે ઊભો રહી શકે?” મોટા સાહેબે પુછ્યું.

    “ગુરુત્વાકર્ષણને લીધે!”

    અમારા સરના મોઢા પર કરચલીઓ પડવા માંડી હતી. ઈન્સ્પેક્ટર સાહેબ બોલ્યા, “સરસ. હવે કહે ગુરુત્વાકર્ષણ એટલે શું?”

    ચંદુએ સાવ સરળતાથી કહ્યું, “સાહેબ, અમને ગુરુત્વાકર્ષણ વિષે ભણાવવામાં નથી આવ્યું પણ મેં રેડિયો પર “બાળવાડી”ના કાર્યક્રમમાં સાંભળ્યું હતું એટલે મને ખબર છે.” સાહેબે ચંદુને શાબાશી આપતા કહ્યું, “સરસ!” અને તેઓ અમારા વર્ગમાંથી જતા રહ્યાં.

    એમના જવા પછી, માસ્તરજીએ ચંદુને પોતાના ટેબલ પાસે બોલાવ્યો અને ધમકાવી નાખ્યો; “તને ના પાડવામાં આવી હતી ને કે જે ભણાવવામાં નથી આવ્યું, તેમાં પોતાનું ડહાપણ નહીં મારવાનું? ગુરુત્વાકર્ષણ વિષે ભણાવવામાં નથી આવ્યું, કેમ એવું બોલ્યો? કાલે ઊઠીને તાલુકામાંથી પૈસા નહીં આવે તો આ બધાં છોકરાંઓનાં ભણતરનું શું થાશે, કંઈ સમજાય છે નઘરોળને?”

    ચંદુ જેનું નામ, એ તોયે સાહેબને હસીને બોલ્યો, “મને એ પણ ખબર છે કે ગુરુત્વાકર્ષણ એટલે શું? મેં ‘રમકડું’માં વાંચ્યુ હતું. કહું તમને?”

    સાહેબે આંખો લાલ કરીને કહ્યું, “ડહાપણ ડોહળ્યા વિના જા અને બેસ તારી જગાએ!”

    મેં ચંદુને કદી પણ કોઈ વાતે મોળો પડતો કે છોભીલો પડતો નહોતો જોયો. મને થયું કે આજે તો હવે એ નક્કી રડી પડશે. સાચો જવાબ આપવા છતાં માસ્તરજીએ એને બધાંની વચ્ચે ધમકાવી નાંખ્યો! હું તો સાચે જ રડી પડત, પણ, ચંદુ જેનું નામ. એ તો ચહેરો હસતો રાખીને આવ્યો અને મારી બાજુમાં એની જગા પર બેસી ગયો અને મને કહે, “રમણીકિયા, તને તો ખબર છે ને, કે કાલથી રામલીલા ગામમાં શરૂ થવાની છે?” હું નવાઈ પામીને એને જોતો જ રહી ગયો! આને તો કોઈ અસર જ નથી થઈ કે સાચો જવાબ આપવા છતાં સર એને આટલું બધું બધાંની વચ્ચે લઢ્યાં! મેં એને પુછ્યું, “સર તને આટલું બધું કહી ગયા, ગુસ્સો કર્યો, નકામો, તોયે તને…” ચંદુ જેનું નામ, જરાયે ભોંઠો પડ્યા સિવાય કહ્યું, ‘તુ ખોટી ચિંતા કરે છે. સાંભળ, રામલીલા રાતના આઠ વાગે ચાલુ થશે ને, હું ..” હજી એ આગળ કંઈ બોલે ત્યાં તો અમારા સરનું ત્યાં ધ્યાન ગયું. એમણે બરાડો પાડ્યો, “એલા ચંદુડા, તારે તો નહીં ભણે ને તો, તારું કંઈ નહીં બગડે, તારા ફુવાનું વૈદું લઈને બેસી જજે. તારે બા-બાપુ તો છે નહીં, પણ આ રમણિકયો તો ભણવામાં હોશિયાર છે, ને એના મા-બાપનો એકનો એક દિકરો છે. એને તો સખણો ભણવા દે! ચાલુ ક્લાસે વાતો બંધ કર!” સરે મારા વખાણ કર્યા એટલે મનોમન હું પોરસાયો અને મેં ચંદુ સામે જોયું. મને ખાતરી જ હતી કે હવે એ સાવ છોભીલો પડી ગયો હશે પણ ચંદુ જેનું નામ..! “ભૂલ થઈ ગઈ સર.” કહીને જાણે અમારા શિક્ષકે કહેલા આટઆટલાં કડવા વેણ એણે સાંભળ્યાં જ નથી! એણે ચોપડી કાઢી અને માથું નીચે મૂકીને બોલ્યો, “હું તને લેવા સાત વાગે તારે ઘેર આવીશ.” એને આમ કંઈ જ બન્યું નથી એમ વર્તન કરતો જોઈને હું થોડોક ખાસિયાણો પડી જતો, કોણ જાણે કેમ! મને થતું, કઈ માટીનો બન્યો હતો ચંદુ!

    ****

            ચંદુ બે કે અઢી વર્ષનો હતો ત્યારે ગામમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એના માતા-પિતા એમાં મૃત્યુ પામ્યાં હતાં. ચંદુને એના ફઈમા અને ફુવાબાપુએ બહુ જ વ્હાલથી મોટો કર્યો હતો. ઈશ્વરે જાણે ચંદુ પર વ્હાલ વરસાવવા જ એમના ઘરે શેર માટીની ખોટ રાખી હતી. અમારા ચારેક હજારની વસ્તીવાળા ગામની આજુબાજુ, બીજાં, ૮૦૦-૧૦૦૦ની વસ્તી ધરાવતાં નાનાં નાં છ-સાત ગામો હતા. એ બધાં જ ગામોમાં ફુવાબાપુનું વૈદું વખણાતું. રોગ કેવોય હઠીલો કેમ ન હોય, ફુવાબાપુના હાથમાં નાડ શું પકડાણી, રોગને ઊભી પૂંછડીએ ભાગવું પડતું. ફુવાબાપુ જ્યારે વનસ્પતિ અને જડીબુટ્ટી એમનાં ખેતરમાં ઊગાડતા અથવા બહાર લેવા જતા ત્યારે ચંદુને સાથે જ રાખતા અને આ બધી દવા સામગ્રી વિષે સમજાવતા રહેતા. ચંદુ પણ આ બધું ધ્યાનથી સાંભળતો અને દવાઓ બનાવવામાં ફુવાબાપુને મદદ પણ કરતો રહેતો.

    ચંદુ ભણવામાં સૌથી વધુ હોશિયાર હતો. એની યાદશક્તિ પણ ખૂબ જ સતેજ હતી. તેમ છતાંયે, ક્લાસમાં મારો જ પહેલો નંબર આવતો. હું અને ચંદુ રોજ સાથે લેસન કરતા. અમે હાઈસ્કૂલમાં આવ્યા અને વિષયો પણ અઘરા બનતા ગયા. વિજ્ઞાન, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, અને હાયર મેથ્સના અઘરા કોયડાઓ અને પ્રશ્નો ઉકેલવા ચંદુ માટે ડાબા હાથનો ખેલ રહેતો. મારે એના કરતાં હંમેશાં વધુ મહેનત કરવી પડતી. પણ, અમે જેમ મોટા અને સમજણા થતા ગયા, તેમ મને એક કોયડો કાયમ સતાવતો કે ચંદુનો પહેલો નંબર ક્યારેય કેમ નહોતો આવતો? મારો જ પહેલો નંબર આવતો અને એનો કાયમ બીજો.

    એસ.એસ.સી.ની બોર્ડ પરીક્ષામાં ચંદુ અમારી શાળામાં છઠ્ઠા ક્રમે આવ્યો. ફઈમા અને ફુવાબાપુ બહુ જ ખુશ હતાં. તેઓએ આખા ગામમાં પેંડા વહેંચ્યા અને કહ્યું કે અમારે માટે તો અમારો ચંદુ જે ભણે, જ્યાં ભણે, એમાં અમારી ખુશી છે.” હું અમારી શાળામાં સહુ પ્રથમ આવ્યો હતો. પહેલા પાંચમાં આવેલા વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે જિલ્લા તાલુકાની ફુલ સ્કોલરશીપ મળી હતી. મને મુંબઈની કોલેજમાં ભણવાની ફુલ સ્કોલરશીપ મળી હતી. અમારી શાળામાં પહેલા આવેલા પાંચ વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો. અમારે પાંચ વિદ્યાર્થીઓએ શાળામાં વહેલા જવાનું હતું. ચંદુ સમારંભના નિયત સમયે મારા બા, બાપુને લઈને આવી ગયો અને મારી બાજુમાં એ ત્રણેયને બેસાડવામાં આવ્યાં. મોટા સર મારો પરિચય આપતા હતા. મેં થોડાક ગર્વથી બાની સામું જોયું. બાની એક બાજુ હું બેઠો હતો અને બીજી બાજુ ચંદુ. બા ચંદુનો હાથ પકડીને બીજા હાથે પોતાની આંખના આંસુ લૂછતી હતી. મારા મનમાં થોડુંક ખટક્યું પણ મારી સિદ્ધિના કેફનો જુવાળ એ ખટકાને વહાવી ગયો.

    સમારંભ સાંજના પૂરો થયો અને અમે ઘેર આવ્યા. ચંદુ પણ સાથે જ હતો. ચંદુને માટે મારા ઘરે આવવું અને પરીક્ષા સમયે અભ્યાસ કરવા માટે રહી જવું નવું નહોતું. આમેય ચોથા ધોરણથી જ હું અને ચંદુ રોજ સાથે જ લેસન કરતા. એસ.એસ.સી. ની પરીક્ષા વખતે બા પણ અમને ચા-નાસ્તો આપવા બાજુની ઓરડીમાં જ અડધું જાગતી અને અડધું ઊંઘતી રહેતી. ચંદુ તો પરીક્ષા હોય તોયે દસ વાગે ઘસઘસાટ ઊંઘી જતો. પરીક્ષા ન હોય તો લેસન પતાવ્યા પછી ઘરે જઈને, દસ વાગે સૂઈ જતો! એસ.એસ.સી.ની કસોટી સમયે હું રાતના બે-ત્રણ વાગ્યા સુધી જાગતો અને વાંચતો. આ દરમ્યાન મને કંઈ તકલીફ પડે અને ન સમજાય તો હું ચંદુને ઊઠાડતો કે બા તરત જ ઊઠી જતી. ચંદુ મને સમજાવીને કે મારી મુશ્કેલી દૂર કરીને પાછો ઘસઘસાટ સૂઈ જતો. એના પછી જ બાને ધરપત થતી કે મને મારૂં લેસન પૂરી રીતે સમજાઈ ગયું છે. અને એ ત્યાર બાદ જ સૂવા જતી.

    આજે મને એવું જ લાગતું હતું કે મારી બાની અને મારી મહેનત ફળી હતી. સન્માન સમારંભમાંથી આવીને અમે સાંજના જમવા બેઠાં. બાએ લાપસી બનાવી હતી. બાએ લાપસી ચંદુની થાળીમાં મૂકી અને મને એકદમ ઓછું આવી ગયું! હું બોલી ઊઠ્યો, “બા, આજે તારે મને પહેલા પીરસવું જોઈતું હતું.” મારા અવાજમાંનો કચવાટ અભેદ કાચને પણ ચીરી શકે એવો ધારદાર હતો. બાએ આંસુ લૂછ્યાં અને ખૂબ હેતથી ચંદુ સામે જોઈને બોલવા ગઈ કે, “બેટા, આ ચંદુ છે ને…” ચંદુએ વચ્ચે બોલીને બાને આગળ કશું પણ કહેતાં અટકાવી દીધી અને બોલ્યો, “એલા રમણીકિયા, તને બધું જ સમજાવવું પડે? બાની આંખમાં આટલા હર્ષના આંસુ દેખાતા નથી? આંસુ આડે કોની થાળીમાં પીરસ્યું છે એ દેખાયું નહીં હોય! જમ ચૂપચાપ!” અને લાપસીનો કોળિયો મારા મોંમાં મૂકીને હસતા હસતા કહે, “છે ને ફક્કડ? મુંબઈમાં આવી લાપસી ક્યાં મળવાની? ટેસથી જમ!” અને પોતે પણ લાપસીના વખાણ કરતા કરતા, અલકમલકની વાતો કરતો રહ્યો. હું એ ભાણે બેઠો હતો ને આવું બોલી ગયો તોયે એને ખરાબ કેમ નહોતું લાગતું? આ તો કેવી નફિકરાઈ હતી?

    *******   

            મુંબઈની વિલ્સન કોલેજમાં હું વિજ્ઞાન શાખાનો વિદ્યાર્થી હતો. એસ.એસ.સી. પછી ચંદુએ કોલેજમાં જવાને બદલે જામનગરની વૈદિક પાઠશાળામાંથી ત્રણ વરસનો આયુર્વેદનો કોર્સ કર્યો અને વૈદની ડિગ્રી મેળવી. ઈન્ટર સાયન્સ પાસ કર્યા પછી મેં મુંબઈમાં ઈન્ટર્નશીપ સહિત બીજા છ વર્ષ રહીને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. દરેક રજામાં હું ગામ આવતો અને બા-બાપુજી મને જોઈને અડધાં અડધાં થઈ જતાં. ચંદુ પણ એના રોજના ક્રમ મુજબ સાંજના મારે ઘેર આવતો અને હું ત્યાં રજામાં આવ્યો હોઉં તો મોડી રાત સુધી મારી જોડે ગપ્પા મારવા બેસતો.

    જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ ગામમાં પણ બદલાવ આવતો જતો હતો. નવા ઉદ્યોગ ધંધાની શક્યતાઓ વધી હતી. મારી સાથે ભણતાં કેટલાંક આજુબાજુ નાના-મોટાં શહેરોમાં પણ જતાં રહ્યાં હતાં અને કેટલાયના તો લગ્ન પણ થઈ ગયા હતા. હું એમ.બી.બી.એસ. ની ફાઈનલ પરીક્ષા આપીને ગામ આવ્યો હતો એ જ અરસામાં ફુવાબાપુ ગુજરી ગયા હતા. ચંદુ હવે ફુવાબાપુનું જ કામ કરતો હતો. ફઈમા ફુવાબાપુ હતા ત્યારે ચંદુને પરણવાનું ઘણીવાર કહેતાં પણ ચંદુએ ઘસીને ના પાડી દીધી હતી. ચંદુનું વૈદું સારું ચાલતું હતું. અમારા ગામની અને આસપાસના બીજાં છ ગામોની વસ્તી, બધી મળીને હવે ૩૦ થી ૪૦ હજારની હતી. ગામમાં હવે તો બે ત્રણ ડોક્ટરો પણ પ્રેકટીસ કરતા હતા અને એક નાની જનરલ હોસ્પિટલ પણ આવી ગઈ હતી.

    ચંદુની વૈદ તરીકેની પ્રેકટીસ પણ સરસ ચાલતી હતી. એવું કહેવાતું હતું કે એના હાથમાં પણ ફુવાબાપુનો કસબ હુબહુ હતો. હું જ્યારે ફાઈનલ્સ આપીને ગામ ગયો હતો ત્યારે એના દવાખાને જતો. એની પાસે મોટા મોટા શેઠિયાઓ, નેતાઓ અને ફોરેનર્સ પણ આવતા હતા. મને વળી પાછો જૂનો ખટકો ઊપડ્યો. મને થયું, “હું અહીં ભણ ભણ કરું છું અને આ ચંદુડાએ તો પ્રેકટીસ જમાવીને બેઉ હાથે કમાવાનું ચાલુ કરી દીધું છે. એક દિવસ એના દવાખાનેથી અમે સીધા એના ઘરે બપોરના જમવા ટાણે ગયા. અમને જમાડતાં ફઈમાએ કહ્યું, “આને આવી સરસ રીતે દવાખાનું ચલાવતા જોઈને તારા ફુવાબાપુ હોત તો ખૂબ રાજી થાત. આજે તો ગુજરાતના હોમ મિનિસ્ટર આપણા ગામમાં આની પાસે પથરીની દવા કરાવવા આવ્યા હતા, તને ખબર છે રમણીક?” ચંદુ હસીને બોલ્યો, “ફઈમા, પહેલા ફુવાબાપુ એમને ત્યાં જઈને, ડાયાબીટીસ, પથરી, હાઈ બ્લડપ્રેશર એ બધાની દવા કરતા હતા. હવે એ લોકો સમય બદલાતાં અહીં દવાખાને આવે છે. કોઈ મોટી વાત નથી.” પછી મારી તરફ જોઈને કહે, “તુ બહુ ઓછું જમે છે રમણીક. ફઈમા, એને રોટલી આપો હજી.”

    કોણ જાણે કેમ પણ પેલો જૂનો ખટકો રહેતાં રહેતાં હવે જીદની રીસ કે રીસની જીદ બની ગયો હતો. મારાથી બોલાઈ જવાયું, “પથરી તો ઘણીવાર પોતાની મેળે પણ સરખું પાણી પીવાથી નીકળી જાય અને ન નીકળે ત્યાં સુધી પેઈન મેનેજમેન્ટ સિવાય એલોપેથી હોય કે આયુર્વેદ હોય, કશું થઈ ન શકે! અને ડાયાબીટીસ ને હાઈ બ્લડપ્રેશર પણ વજન ક્ન્ટ્રોલ કરવાથી કાબુમાં આવી જાય છે. Symptomatic Treatment સિવાય બીજું કરી પણ શું શકાય?”

    ચંદુ તો એ જ પાછો ચંદુ! “હસીને બોલ્યો, “બિલકુલ સાચી વાત છે રમણીક.” અને જમવામાં પડી ગયો. મને લાગ્યું કે એ મને નીચું બતાડવા માટે જ આ બધું કરી રહ્યો છે. મુંબઈમાં સાત વરસ રહીને હું લોકોને ઓળખવામાં પારંગત તો થયો જ છું, એવો મને મારા પર વિશ્વાસ હતો. હવે ફરી એકલો આ ચંદુડો મળે તો એને અને એની આ દેખાડાની નફિકરાઈને ધૂળ ચાટતી ન કરી તો મારું નામ રમણીક નહીં, એમ મેં મારી જાતને જ એક ચેલેન્જ આપી.

    તે દિવસે રાતના જમી કરીને ચંદુ રોજની જેમ મારે ત્યાં આંટો મારવા આવ્યો. હું ગામમાં નહોતો ત્યારે પણ એનો આ રોજિંદો ક્ર્મ કદી ન બદલાતો. પહેલા તો એ બાપુ પાસે બેઠો અને પછી બા ફળિયામાં ખાટલે બેઠી હતી ત્યાં જઈને બેઠો. બાની નાડી તપાસી, પડીકી આપીને કહ્યું કે આ પડીકી હજી સાત દિવસ ચાલુ રાખજો અને પછી ગળામાં કેમ છે એ પૂછ્યું, કે, હું ચમક્યો, “શું થયું છે બાને? બા, હું આટલા દિવસોથી અહીં છું, મને કેમ કંઈ કહ્યું નથી બા?” બા બોલવા ગઈ કે આ તો ખાસ કંઈ નહીં થોડીક ખાંસી થઈ છે પણ બપોરની દાઝ મારા મનમાં ભરાયેલી હતી તે ભભૂકી ઊઠી. “મને લાગે છે કે મારે દોડી દોડીને અહીં આવવાની કોઈ જરૂર નથી. કોઈને મારી જરૂર નથી. ઘરમાં દીકરો ડોક્ટર, પણ દવા વૈદની થાય! સરસ બા, તને એવુંય ન થયું કે મને જણાવે? હું હંમણાં ને હંમણાં જ અહીંથી ચાલ્યો જાઉં છું.” ને હું જેવો ઊભો થયો કે ચંદુ મારી આડે ફરી વળ્યો, “તને કહું છું, એક ડગલુંય ભર્યું છે તો યાદ રાખજે રમણીકિયા.” અને સત્તાવાહી અવાજે બોલ્યો, “બેસી જા બા પાસે.” હું ઓઝપાયો અને બા પાસે બેસી ગયો.

    બા-બાપુ બેઉ રડવા લાગ્યાં હતાં. ચંદુ મારી પાસે આવ્યો, મારો હાથ પકડ્યો અને મને કહે, “તારી ફાઈનલ્સ ચાલતી હતી આથી ન કહ્યું અને હવે તો સારું છે. જો મારાથી દર્દ ન પકડાણું હોત તો તારા સિવાય બીજા કોઈ ડોક્ટરને હું પૂછત, એવું તને લાગ્યું? તને મારા પર ભરોસો કેમ નથી પડતો? અરે, તારા પોતા પર પણ નથી ભરોસો પડતો કે તુ એવા નકામા દોસ્ત સાથે દોસ્તી કરી જ કેમ શકે? ચાલ, હવે બા-બાપુની માફી માંગ.” હું કદાચ છેલ્લી વખત બાને વળગીને રડ્યો હતો. હું આટલું બધું કેમ રડ્યો હતો, બા બિમાર હતી એટલે કે પછી ચંદુની જિંદગી માટેની સ્પષ્ટ સમજની મને છાની અસૂયા થતી હતી? એ હું ખૂબ વિચારવા છતાંય નક્કી નહોતો કરી શક્યો.

    ******

    એમ.બી.બી.એસ. પાસ કર્યા પાછી મેં અમેરિકા તરફ પ્રયાણ કર્યું. અમેરિકા જતા પહેલાં, હું બા-બાપુના આશિર્વાદ લેવા ગામ ગયો. એમની સાથે થોડા દિવસો રહ્યો. અને નીકળતી વખતે ગળગળા થઈ, મેં ચંદુને બા-બાપુની ભલામણ કરી. ચંદુ એની એ જ સ્ટાઈલમાં હસીને બોલ્યો, “મુંબઈ ગયો હતો ત્યારે ભલામણ કરી હતી? કહું છું, મારા પર નહીં પણ પોતા પર તો ભરોસો રાખ!” અને મારો ખભો થાબડ્યો. મને એ ટ્રેનના સ્ટેશને વળાવવા આવ્યો ત્યારે કહ્યું, “રમણીક, ખૂબ મન લગાવીને ભણજે, આગળ વધજે પણ વતનની માયા ન મૂકતો!” હું એને ભેટીને રડી પડ્યો. મેં દેશ છોડ્યો.

    ******

            આજે ૩૫ વર્ષોથી હું અમેરિકામાં, પીટ્સબર્ગ શહેરમાં સ્થાયી થયો છું. અહીં આવીને મેં Hematology/Oncology માં સ્પેશિયલાઈઝેશન કર્યું અને અહીં હવે પ્રેક્ટીસ કરી રહ્યો છું. આ દેશમાં હું ભણ્યો, વતન જઈને મારી પસંદની કન્યા જોડે, વતનમાં જ, બા-બાપુજીના આશીર્વાદ સાથે લગ્ન કર્યાં અને સંતાનોને મોટા કર્યાં. વર્ષોથી અમેરિકા હોવા છતાંયે ચંદુની એ છેલ્લી સલાહ મેં ગાંઠે બાંધી અને બા-બાપુજી જીવતાં હતાં ત્યાં સુધી દર વર્ષે, ૧૦ દિવસ માટે, ગામમાં આવતો હતો. મને જોઈને ચંદુ અને બા-બાપુની આંખોમાં ચમક આવી જતી.

    વર્ષો વિતતાં ગયાં. બા-બાપુ ગયાં, ફઈમા પણ ગયાં. ચંદુ હવે તો કોઈ ટ્રસ્ટે સ્થાપેલી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલનો બધો જ કારભાર સંભાળતો હતો. ચંદુ માટે તો આ સંસ્થા જ ઘર અને મંદિર બેઉ હતી. હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં અને કોલેજમાં ભણાવવામાં એ ગળાડૂબ રહેતો હતો. છેલ્લા સાત-આઠ વર્ષોથી હું પણ ઈન્ડિયા જઈ નહોતો શક્યો. તોયે દર વર્ષે, દિવાળી અને અમારી લગ્નતિથિ નિમિત્તે પાંચ સાત લીટીનો કાગળ જરૂર આવતો. બા-બાપુજી ગયા પછી ઘર અને ખેતર, બધું ચંદુ જ સંભાળતો. ગઈ દિવાળીના કાગળમાં એણે પહેલી વખત લખ્યું, “મારા મત મુજબ આ સાલ તારે અહીં આવીને ઘર અને ખેતરની વ્યવસ્થા કરી જવી જોઈએ. મને લાગે છે કે ઘર અને ખેતર મળીને એક સરસ સ્કૂલ બનાવ ગામમાં. બા-બાપુ પોતે તો ભણ્યાં નહોતાં પણ તને ભણતો જોઈને ખૂબ રાજી થતાં. ઈશ્વરની દયાથી તારી પાસે અભરે ભરાય એટલી સંપત્તિ છે. આ પુણ્યનું કામ કરી જા.” મારી પત્ની ખૂબ જ સુશીલ અને સંસ્કારી હતી. કદીક કદીક એ પણ મારી સાથે બાળકોના જન્મ પહેલાં ગામ આવતી અને ચંદુ તથા બા-બાપુજીને માટે એને પણ પોતાપણું લાગતું હતું. એણે આ કાગળ વાંચીને કહ્યું, “ચંદુભાઈને આપણી કેટલી ચિંતા છે? બા-બાપુનું અને ઘર-ખેતરનું એમણે કેટલું ધ્યાન રાખ્યું છે, અને હજીય રાખે છે. આપણે એમ કરીએ, કે ઘર અને ખેતર બેઉ એમને નામ કરી દઈએ.”

    કોને ખબર, પણ આ સાંભળીને હું ખુશ થઈ ગયો. મને ચંદુના ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ પણ મળી ગયો અને આમ કરીને ચંદુને એકવાર તો પાછો પડતો જોઈ શકાય. એને બતાવી શકાય કે જો, આજે હું કેટલો આગળ આવી ગયો છું. અને, અમે ઈન્ડિયા જવાનું નક્કી કરી લીધું.

     ******

            અમે ગામ પહોંચ્યાં. ચંદુએ ઘર સાફ-સૂફ કરાવીને બધી સગવડો કરી હતી આથી અમને કોઈ તકલીફ ન પડે. ઘરમાં આ વખતે તો એણે એર કન્ડિશન પણ નંખાવી લીધું હતું. પહોંચ્યા એ દિવસે અમે આરામ કર્યો અને બીજે દિવસે, ચંદુની હોસ્પિટલ જોવા ગયાં. એણે ત્યાં હવે તો આયુર્વેદિક દવાઓની રિસર્ચ કરતી, એકદમ આધુનિક પ્રયોગશાળા બતાવી, આખી હોસ્પિટલ બતાવી અને અનેક સ્ટાફના ડોક્ટરોને પણ મેળવ્યાં. આ હોસ્પિટલમાં આયુર્વેદની સાથે નેચરોપેથી અને ન્યુટ્રીશન પર પણ કામ થતું હતું. દર વર્ષે સો વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં. મારી પત્નીએ પૂછ્યું, “ચંદુભાઈ, આટલી સરસ સંસ્થા તમે ચલાવો છો એ બહુ જ મોટી વાત છે. તમે અહીંના ડીન છો?”

    એનો એ જ સાવ બેફિકરો ચંદુ પાછો સામે આવી ગયો. “ના હોં ભાભી, એ બધું મારા જેવાનું કામ નહીં. જ્યારે નવી નવી સંસ્થા થઈ ત્યારે બે-ત્રણ વરસ કર્યું પણ એ બધું મને તો બંધન કર્તા લાગે. મારું કામ તો દર્દીઓને દવા આપવાનું અને સ્ટુડન્ટોને શીખવવાનું. બસ, બાકી તો મારા દાળ-રોટલા જેટલું મળી રહે એ જ બસ છે.” અને મારામાં રહેલો જૂના ખટકાનો કીડો પાછો સળવળી ઊઠ્યો. ચંદુના આ નફિકરાપણાએ મને આખી જિંદગી ડામ દીધા છે. એ એની આ બેફિકરાઈથી દર વખતે એ મારાથી ચડિયાતો છે એવું સિફતથી સાબિત કરીને જાય છે. બસ, હવે બહુ થયું, આ વખતે તો એને પછાડ આપવી જ છે.

    મેં એણે જ દોરેલી વાતચીતની રેખા પકડી લીધી. હું વચમાં બોલ્યો, “કેમ તુ માણસ નથી? તુ તારી વૃદ્ધાવસ્થા કેમ કાઢીશ? એકલો છે, કાલે કોઈ માંદગી આવી તો પાસે પૈસા હશે તો કોઈ જોશે. મેં અને તારી ભાભીએ નક્કી કર્યું છે કે,..” ચંદુએ એની લાક્ષણિકતાથી મને રોકીને કહ્યું, “મારો પેશન્ટ્સને જોવાનો સમય થઈ ગયો છે. રાતનાં આપણે વધુ વાત કરીશું. હું આવું છું રાતના.” અને એ હોસ્પિટલમાં જતો રહ્યો. વળી પાછો ચંદુ મેદાન મારી ગયો!

    હું મનોમન ધૂંધવાઈ ઊઠ્યો. ચંદુની આ નફિકરાઈની ઓથે નક્કી કોઈ અસાધ્ય અસલામતિની ભાવના છુપાઈ હોવી જોઈએ જ! એ કદી જીવનમાં ભોંઠો ન પડે, ઓછપ ન અનુભવે, ઓઝપાઈ નહીં, ખાસિયાણો ન પડે, એવું તે કંઈ હોય? બધાં જ આ બધી જ લાગણીઓના દોરમાંથી ક્યારે તો પસાર થતાં જ હોય છે. ચંદુ એમાં અપવાદ કેવી રીતે હોય? એની આ લાપરવાહીને લીધે મારી સફળતા અને સિદ્ધિઓની વાહ, વાહ એની પાસે, મને ગમે એમ, હું આજ સુધી કદી નથી કરાવી શક્યો. બસ, એકવાર, એના પર મને આ બાબતમાં સરસાઈ મળે,

    રાતના નિયમ પ્રમાણે જમી કરીને ચંદુ આવ્યો. અમે હિંચકે બેઠાં. મારી પત્નીએ મને Arthritis અને High BP ની ગોળીઓ આપતાં કહ્યું, “આ તમારા ભાઈબંધનો Arthritis અને High BP ની તકલીફ કાયમની મટી જાય એવો કંઈ ઈલાજ કરો ને, ચંદુભાઈ?” હું થોડો ચિડાઈ ગયો, “તું પણ શું લઈને બેઠી છે? આ બધા એવા ડિઝીસ છે કે જેનો કાયમી કોઈ ઈલાજ જ નથી, એલોપેથી શું કે આયુર્વેદશું! ખરું ને ચંદુ?” ચંદુએ એની એ જ સહજતાથી કહ્યું, “બિલકુલ સાચું. પણ સાચું કહું ભાભી?” અને એણે નિશાળના પહેલા દિવસની જેમ જ મારો હાથ પકડી લીધો અને બોલ્યો, “તમારે અને મારા ભાઈબંધે જીવનમાં હજુ ઘણાં પુણ્યોના કામ કરવાનાં છે. Arthritis અને High BP એનું કશું જ બગાડી શકવાના નથી!” અને એણે મારો હાથ છોડી દીધો, અને, ચાલવા માંડ્યું.

    કઈ માટીનો ઘડેલો છે આ ચંદુ? ન એને અપમાન લાગે છે, ન તો એ વ્યથિત થાય છે કે ન તો એને અવગણના સ્પર્શે છે. અને મેં છેલ્લો ઘા કરવાનું નક્કી કરી લીધું. હું પણ હિંચકા પરથી ઊભો થઈ ગયો અને સફાળો એને જતો રોકીને એની આડે ફરી ગયો. “આજે તારે સાંભળવું જ પડશે. મેં અને તારી ભાભીએ આ ઘર અને ખેતર તારે નામ કરવાનું નક્કી કર્યું છે. તેં આખી જિંદગી અમારું બહુ કર્યું છે. હવે અમને પણ કંઈક તારા માટે કરવાનો મોકો આપ. તારા હાથ પગ જ્યારે રહેશે ત્યારે આ ઘર અને ખેતર તારે કામ લાગશે. મારે આની જરૂર નથી. મારી તો ઓલ્ડ એજ ઈઝ ઓલ પ્લાન્ડ. તારી પાસે પૂરતા પૈસા નહીં હોય તો બુઢાપામાં કરીશ શું?” હું આંખ બંધ કરીને લગભગ એકી શ્વાસે બોલી ગયો, એની તરફ જોયા વિના, કે, જેથી એ મને અટકાવી ન શકે. મેં બોલવાનું પૂરૂં કર્યું અને વિજયી નજરથી એની સામે જોયું.

    ચંદુ એની લાક્ષણિકતાથી હસ્યો અને પ્રેમથી મારા ખભે હાથ મૂકીને બોલ્યો, “આજે હંમણાં સૂઈ જા. બહુ થાકેલો છે. કાલે આપણે નિરાંતે બધી વાતો કરીશું. તુ જેમ કહેશે તેમ કરીશું. ઠીક છે હવે?” અને મારો હાથ પાછો એના હાથમાં લઈને, એ  ઝાંપા સુધી મને લઈ ગયો.

    તે રાતે હું જાણે મોટો રણ સંગ્રામ જીતીને આવ્યો હોઉં અને જે નિરાંત અનુભવાય એવી નિરાંતથી સૂતો.

    વહેલી સવારના છ વાગ્યા હતા અને મારી પત્નીએ મને ઢંઢોળ્યો, “જલદી ઊઠો.”

    હું આંખો ચોળતો ઊભો થયો. “થયું શું? કેમ આમ ગભરાયેલી લાગે છે?”

    મારી પત્ની બોલી, “હંમણાં જ ખબર આવ્યા કે ચંદુભાઈ રાતના ઊંઘમાં જ ગુજરી ગયા!”


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આત્મજ્યોતિ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કેટલાય દિવસો પછી એને આજે ઓચિંતો ચાર રસ્તા પર ઊભેલો જોયો.  દાઢી અને લાંબા કુરતામાં એ કંઈક જુદો જ લાગતો હતો.

    આ એટલે, એક સમયનો ટોર્ચ વેચવાવાળો. આપણે આ વાર્તા પૂરતું એને બટુક નામથી ઓળખીશું.

    “અરે! ક્યાં હતો આટલા દિવસથી અને આ દાઢી કેમ વધારી છે, અને ટોર્ચ વેચવાનું બંધ કર્યું કે શું?” એક સામટા અનેક સવાલો મારાથી એને પૂછાઈ ગયા.

    “બહાર ગયો હતો. ટોર્ચ વેચવાનું કામ બંધ કર્યું છે. હવે તો આત્માની ભીતર જ્યોત પ્રગટી છે. આવી બાહ્ય સૂરજ છાપ ટોર્ચનો પ્રકાશ વ્યર્થ લાગે છે.” બટુકે જવાબ આપ્યો.

    તત્ક્ષણ મનમાં વિચાર આવ્યો કે હવે આ કરશે શું? એનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવશે? પણ, “હેં……”   આટલું બોલીને એકાદ ક્ષણ પછી તો હું આશ્ચર્યથી અવાક બની ગયો. પણ પછી એને પૂછી જ લીધું.

    “તું સંન્યાસ તો નથી લેવાનો ને? આવો આત્માનો પ્રકાશ, ભીતરનો પ્રકાશ એવું બધું એ જ વિચારી શકે જે સંન્યાસ લેવાનો હોય.  કોની પાસે દીક્ષા લઈ આવ્યો?”

    “આવું પૂછીને તમે મારી મજાક તો નથી કરી રહ્યા ને?” બટુકને અકળામણ થઈ.

    “અરે ભાઈ, મજાક નથી પણ એ તો મને કહે કે એકાએક તું આવું ક્યાંથી વિચારવા માંડ્યો? તારી પત્નીએ તને છોડી દીધો કે તને ઉધાર મળવાનું બંધ થઈ ગયું. શાહૂકારો તંગ કરવા માંડ્યા કે ચોરીના મામલામાં ફસાયો? વાત શું છે? આ બહારની ટોર્ચ તારા આત્મામાં કેવી રીતે ઘુસી ગઈ?” મારું આશ્ચર્ય વધતું હતું.

    “સાહેબ, તમારા બધા જ તર્ક પાયા વગરના છે. બસ, જીવનમાં એક ઘટના એવી બની ગઈ કે જેનાથી મારું જીવન બદલાઈ ગયું, આમ તો આ વાત પાંચ વર્ષ પહેલાની છે અને  હું સાવ ગુપ્ત રાખવા માંગતો હતો પણ આજે હું અહીંથી હંમેશ માટે જઈ રહ્યો છું એટલે તમને વાત કહેવાનો વાંધો નથી.”

    અને એણે જે વાત કહી એ સાંભળીને મારે શું પ્રત્યાઘાત આપવા એની મને તો સમજણ ન પડી, કદાચ તમને પડે તો મને સમજાવજો.

    વાત જાણે એમ હતી કે એ અને એનો મિત્ર સાવ બેકાર બેઠા હતા. જીવન નિર્વાહના અનેક સવાલો એમને મૂંઝવતા હતા. અંતે સાથે રહેવાથી એક બીજાના નસીબનો ટકરાવ થાય એટલે બંને જણે અલગ અલગ દિશામાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. નસીબ અજમાવીને પાંચ વર્ષ પછી એ જ તારીખે જ્યાં છૂટા પડ્યા ત્યાં જ મળવાનું નિશ્ચિત કરીને છૂટા પડ્યા.

    બટુકે ટોર્ચ વેચવાનો ધંધો શરૂ કર્યો. ચાર રસ્તા પર ઊભો રહીને એ થોડા નાટકીય ઢંગથી બોલતો,

    “આજકાલ બધે અંધકાર ફેલાયો છે. રાતો બેહદ  ઘેરી-કાળી બનતી જાય છે. આપણો પોતાનો હાથ પણ દેખાતો નથી, ચાલવા માટે રસ્તો દેખાતો નથી. ભટકી ગયા છે સૌ. આસપાસના ભયાનક અંધકારના લીધે આગળ કશું જ દેખાતું નથી જાણે ગાઢા જંગલની વચ્ચે ચાલી રહ્યા છે, જંગલી જાનવરો કે સાપ સુદ્ધાં દેખાતા નથી.” વગેરે વગેરે..

    એનું માનવું હતું કે લોકોને ડરાવવા બહુ સહેલા છે. એની વાતો સાંભળીને ભર બપોરે પણ અંધકારના વિચારે સૌ ડરી જતાં અને ત્યારે એ સૌને કહેતો કે,

    “ભાઈઓ, વાત સાચી છે પણ જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પણ છે જે અંધકારને દૂર ભગાડે છે. અમારી સૂરજ છાપ ટોર્ચમાં એ તાકાત છે જે અંધકારને દૂર કરે છે. અમારી ટોર્ચ ખરીદો અને અંધકાર દૂર કરો.” અને પછી એની ટોર્ચ વેચાવા માંડી અને એનું જીવન મઝાથી ચાલવા લાગ્યું.

    ”તો હવે વાંધો ક્યાં આવ્યો?” મારાથી પૂછાઈ ગયું.

    “બસ, વાયદા પ્રમાણે પાંચ વર્ષ પૂરા થતાં હતાં. ઘણી રાહ જોઈ પણ મારો દોસ્ત ન આવ્યો. હું જ્યારે એને શોધવા નીકળ્યો ત્યારે એક દિવસ વિશાળ મેદાનમાં ચારેબાજુ ઝલહળ રોશનીની વચ્ચે ઘણો મોટો મંચ બંધાયેલો જોયો.  હજારો સ્રી-પુરુષો અત્યંત શ્રદ્ધાથી લાઉડસ્પીકર પરથી સંભળાતું પ્રવચન સાંભળીને ધન્ય બની રહ્યાં હતાં. મંચ પર સુંદર રેશમી વસ્ત્રો, લાંબી દાઢી અને ખભાથી પાછળ લહેરાતી લાંબી કેશરાશીથી શોભતા દિવ્ય પુરુષની વાણી સાંભળીને હું પણ એમને સાંભળવા બેસી ગયો.

    જાણે આકાશમાંથી કોઈ ગેબી સંદેશ એમને સંભળાતો હોય એમ ગંભીર વાણીમાં પ્રવચન આપી રહયા હતા, એ કહેતા હતા કે, આજકાલના માનવીને હું અંધકારમાં ઘેરાયેલો જોઈ રહ્યો છું. એની ભીતર કશુંક ઓલવાઈ રહ્યું છે. આ યુગ જ અંધકારમય છે. સર્વગ્રાહી અંધકારે પૂરા વિશ્વને પોતાના ગર્ભમાં સમાવી લીધું છે. આજનો માનવી, એનો આત્મા અંધકારમાં અટવાયો છે. અંતરની આંખો જ્યોતિહીન થઈ ગઈ છે. “

    સાહેબ, સાચું કહું ને તો મને આ બધુ સાંભળીને હું હસી પડ્યો. એમને શ્રદ્ધાથી સાંભળતા લોકોએ મારી સામે ડોળા કાઢ્યા.

    એ ભવ્ય પુરુષ પ્રવચનનું સમાપન કરતા કહેતા હતા કે,” ડરવાની જરૂર નથી. જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ છે. અંધકારમાંથી જ પ્રકાશનું કિરણ પ્રગટે છે. પ્રકાશ બહાર શોધવાના બદલે અંતરમાં શોધો. અંતરમાંથી જ્યોત પ્રગટાવો. હું સૌની એ જ્યોત પ્રગટાવવાનું આહ્વાન કરુ છુ. હું તમારી ભીતરની શાશ્વત જ્યોત પ્રગટવવા ઇચ્છુ છુ. અમારા સાધના મંદિરમાં આવીને એ ભીતરની જ્યોત પ્રગટાવો…..વગેરે વગેરે.” અને સાહેબ એ સાંભળીને તો હું ખડખડાટ હસી પડ્યો. ત્યાં બેઠેલા લોકોએ મને ધક્કો મારીને બહાર ભગાડવા કોશિશ કરી પણ હું તો સીધો જ મંચ પાસે પહોંચી ગયો. બટુકે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, “એ ભવ્ય પુરુષ મંચ પરથી ઉતરીની કારમાં બેસવા જતા હતા.  હવે પાસે પહોંચ્યા પછી ધ્યાનથી જોતા એ દાઢી પાછળનો ચહેરો થોડો જાણીતો લાગ્યો.  હું તો એ સમયે મારા અસ્સલ દેખાવમાં હતો. દાઢી-બાઢી કંઈ નહોતી એટલે એમણે મને ઓળખી લીધો અને હાથ પકડીને કારમાં બેસાડી દીધો. કારની પાછલી સીટ પર બેસતા મ્હોં પર આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને સૂચના આપી કે બંગલે પહોંચીએ ત્યાં સુધી ડ્રાઇવરની હાજરીમાં કોઈ વાતચીત નહીં. બંગલે પહોંચીને જ્ઞાનચર્ચા કરીશું.

    “ઓત્તારી, આ તો મારો ખોવાઈ ગયેલો દોસ્ત. પણ સાહેબ, શું વાત કરું તમને, ત્યાં પહોંચીને એનો વૈભવ જોઈને હુ તો અંજાઈ ગયો.  એ એકદમ બદલાઈ ગયો હતો. કહેતો હતો કે પરિવર્તન જ જીવનનો અનંત ક્રમ છે.

    “સાહેબ, આ પાંચ વર્ષોમાં મેં માત્ર ટોર્ચ વેચી ખાધી અને એણે અઢળક દોલત ભેગી કરી લીધી.  વાત તો એની પણ એ જ હતી જે હુ કરતો હતો. પણ એ થોડી રહસ્યમય ઢંગથી વાતો કરતો હતો. હુ પણ લોકોમાં ડર ઊભો કરીને ટોર્ચ વેચતો હતો અને એ પણ. તેમ છતાં હુ ટોર્ચ વેચવાવાળો બની રહ્યો અને એ દાર્શનિક અને સંત તરીકે ઓળખાયો.

    “મારી ટોર્ચ આજકાલની સૂરજ છાપ કંપનીની હતી અને એની સનાતનકાળથી ચાલી આવતી કંપનીની હતી. સાહેબ, આમ જોવા જઈને તો એ પણ લોકોમાં ડર ઊભો કરીને, દાર્શનિક કે સંત બનીને પોતાની કંપનીની ટોર્ચ જ વેચતો હતો. હા એટલું ખરુ કે એની ટોર્ચની કોઈ દુકાન નથી, એ અતિ સૂક્ષ્મ છે પણ એની કિંમત ઘણી મોટી મળે છે.  એની સાથે એકાદ-બે દિવસ રહીને હુ બધુ પામી ગયો. ત્રીજા દિવસે મારી સૂરજ છાપ ટોર્ચની પેટી નદીમાં પધરાવીને નવું કામ શરૂ કર્યુ છે.”

    બટુકે પોતાની દાઢી પર હાથ  ફેરવતા કહ્યું,“ એકાદ મહિનો જવા દો, પછી જુવો, ક્યાંથી ક્યાં પહોંચાય છે.”

    મેં એને પૂછ્યું, “તો હવે કયો ધંધો કરવાનો છુ?”

    “ધંધો તો એ જ કરીશ, બસ કંપની બદલી રહ્યો છું.” બટુકે જવાબ આપ્યો.


    હરિશંકર પરસાઈની વાર્તા ‘टॉर्च बेचनेवाले’ પર અધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જીની ઔર જોની (૧૯૭૬)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘કુંવારા બાપ’ની સફળતા પછી મહેમૂદે વધુ એક ફિલ્મનું નિર્માણ કર્યું, જેનું નામ હતું ‘જીની ઔર જોની’. બાલાજી આર્ટ્સ નિર્મિત, મહેમૂદ દિગ્દર્શીત આ ફિલ્મની રજૂઆત ૧૯૭૬માં થઈ. અંગ્રેજી ફિલ્મ ‘પેપરમૂન’ પર તે આધારિત હતી. ‘કુંવારા બાપ’ની કથાના કેન્‍દ્રસ્થાને માબાપ વિનાનો એક છોકરો હોય છે, એમ ‘જીની ઔર જોની’માં કેન્દ્રસ્થાને એક છોકરી હોય છે. આઠ-નવ વર્ષની છોકરી ‘જીની’નું પાત્ર મહેમૂદની દીકરી જીની અલીએ ભજવ્યું હતું. ‘કુંવારા બાપ’ની જેમ જ આ ફિલ્મમાં ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રાજેશ રોશન હતા. મહેમૂદ અને જીનીની મુખ્ય ભૂમિકાની ફરતે અનેક કલાકારો ફિલ્મમાં નાની નાની ભૂમિકામાં દેખા દે છે, જેમ કે, નૂતન, રાજેશ ખન્ના, હેમા માલિની, રણધીર કપૂર, ઋષિ કપૂર, વિનોદ મહેરા, અમજદ ખાન, ઈમ્તિયાઝ અને બીજા અનેક. મહેમૂદની ફિલ્મોની આ ખાસિયત કહી શકાય. તેમનો સિતારો એવો બુલંદી પર હતો કે એ સમયના મોટા ગણાતા સ્ટાર તેમની ફિલ્મમાં મહેમાન ભૂમિકામાં દેખા દેવામાં સંકોચાતા નહીં. મહેમૂદના સંબંધો પણ એમાં કામ કરતા હશે.

    ‘જીની ઔર જોની’નાં કુલ ચાર ગીતો હતાં. ‘જોની કો મૈંને હૈ જાના હૈ આજ’ (કિશોરકુમાર અને વિજયતા પંડિત) બે ભાગમાં હતું. એ ઉપરાંત ‘કહૂં ક્યા તુમ સે અપની દાસ્તાન’ (રફી, લતા અને સાથીઓ) અને ‘સુન જિનીયા, અરે જા’ (કિશોરકુમાર, વિજયતા પંડિત) જેવાં ગીતો કર્ણપ્રિય હતાં. જીની માટે વિજયતા પંડિતનો સ્વર એકદમ બંધબેસે છે.

    ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કિશોરકુમાર અને મહેમૂદના સ્વરમાં ગવાયેલું ગીત ‘જોની જોની મેરા નામ હૈ’ હતું. મહેમૂદનો તેમાં માત્ર વચ્ચે વચ્ચે આલાપ હતો. ફિલ્મના આરંભે એક હોટેલના ગાયક તરીકે મહેમૂદ આ ગીત ગાતા બતાવાયા છે, જેમાં તેમનું ‘માનવપ્રેમી’ વ્યક્તિત્ત્વ દર્શાવાયું છે. આ ઉપરાંત પોતે કેવો ફક્કડ ગિરધારી છે એની પણ આ ગીત થકી જાણ થાય છે, કેમ કે, એ પછી ફિલ્મમાં આનાથી સાવ વિપરીત પરિસ્થિતિનો તેણે સામનો કરવાનો આવે છે.

     

    આ ગીતના શબ્દો આ મુજબ છે:

    Come on everybody, Sing with me, Sing with me,

    One, Two, Three, Four…

    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम

    जॉनी….

    ये गॉड, ये रहीम, राम,
    मेरे खुदा के तीन नाम,
    कि बोलीयां जुदा जुदा,
    मगर है एक ही से काम,
    कि आदमी का एक खुदा,
    और आदमी का एक दिल,
    पहाड चाहे जायें हिल,
    मगर ना तू जगह से हिल,
    कि सबको तू गले से मिल,
    लगा के दिल गुलों में खिल,
    सबसे प्यार मेरा काम है,
    जॉनी जॉनी मेरा नाम…

    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम

    उठाये बोझ और का,
    अभी तो ऐसे हम नहीं,
    मेरे लिये तो देखो ना,
    मेरा ही बोझ कम नहीं,
    अकेला दिल, अकेली जान,
    मकां है और न आशियां
    दीया है और न बातियां
    न साथी और न साथीया
    ना घोडा है ना हाथीयां
    ना शादियां ना बारातीयां
    वहां सुबह तो यहां शाम है
    जॉनी जॉनी मेरा नाम…

    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
    जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम

     

    આ ફિલ્મનાં તમામ ગીતો આ લીન્‍ક પર સાંભળી શકાશે. આ લીન્‍ક પર સૌ પ્રથમ ગીત ‘જોની જોની મેરા નામ હૈ’ છે.

    https://www.dailymotion.com/us/topic/x3b8kt


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મહેન્દ્ર શાહનાં જાન્યુઆરી ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Month of January 2023 creations

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • બહેતર પરિણામોની ખોજનો માર્ગ પ્રક્રિયા પ્રવાહની દિશામાં આગળ વધતો રહેવો જોઇએ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    કાર્યસાધકતા, પરિણામો, ઉત્પાદકતા કે સુધારણાઓ જેવા બહેતર નિષ્કર્ષોની ખોજમાં સંચાલકો ઘણી વાર સંસ્થાના માળખાનાં પદાનુક્રમની જાળમાં ગુંચવાઇ જાય છે. સંસ્થાના માળખાને સમયે સમયે સમુંનમું કરવા માટેના થતા ફેરફારોનો પણ આશય સામાન્યતઃ વ્યક્તિ કે ટીમની કામગીરીનાં વળતર સ્વરૂપે જવાબદારીઓ અને સતાની વહેંચણીંનાં નવાં સમીકરણોને અનુરૂપ કરવાનો હોય છે.  પરંતુ આ આશય એક માત્ર આશય ન બની રહેવો જોઈએ. એ ફેરફારો કરતી વખતે પણ સંસ્થાના લાંબા ગાળાનાં દર્શના ધ્યેયની સિદ્ધિ અનુરૂપ હોય એવી કાર્યક્ષમ વ્યક્તિઓને યથોચિત જવાબદારીઓ અને તે સિદ્ધ કરવા માટે આવશ્યક સતાની સોંપણી પર ખાસ ધ્યાન અપાતું રહેવું જોઈએ. તે સાથે એ પણ યાદ રહેવું જ જોઈએ કે સંસ્થાના માળખાનો પદાનુક્રમ સંસ્થાની ધેય સિદ્ધિ માટે જે તે સમયે ઉચિત હોય તેવી પ્રક્રિયાઓમાં સહજપણે નીપજતી માહિતીઓના પ્રવાહોને સરળ રાખવા માટેનાં ધોરી નસોનું માળખું છે.

    સંસ્થાના પદાનુક્રમની ચડતી ઉતરતી ભાંજણીની સાથે કામના પ્રવાહની પરિસ્થિતિ સમજવી એટલા માટે જરૂરી બની જાય છે કે કામ અંગેની માહિતી અને સંવાદને આપલે, ટીમની અંદર અંદર, એકબીજી ટીમમાં , એક બીજા વિભાગ વચ્ચે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે સમસ્તરે પણ થતી રહે છે.પોતાના ભાગે આવેલું કામ કોઈ પણ કેવી નિષ્ઠાથી, કેટલં ઊંડાણમાં જઈને કેટલા ખંતથી કરે છે તે જેટલું વ્યક્તિગત અને સામુહિક પ્રયાસોના નિષ્કર્ષની ગુણાત્મકતા પર આધારીત છે એટલું માહિતીના સરળમાં સરળ પ્રવાહ બની રહેવા પર પણ આધાર રાખે છે. ખરેખર તો નિષ્કર્ષની ગુણાત્મકતામાં જે કંઈ કચાશો દેખાય છે તેની પાછળ આ માહિતીના પારદર્શી પ્રવાહને નડેલા અવરોધોની ભૂમિકા બહુ મોટી હોય છે.

    કોઈ પણ કામ સારી રીતે પાર પાડવા માટે ઉત્તમ કાર્યક્ષમતાવાળી વ્યક્તિ મહત્ત્વની જરૂર છે. પણ એ વ્યક્તિ સારૂ, વધારે સારૂં, કામ કરતી રહી શકે તે માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે. એ વાતાવરણ સર્જાય છે, એકબીજા સાથે સાથે સંકળયેલાં ઘટકોને માહિતીના પ્રવાહ દરમ્યાન માહિતી સંદર્ભોને બીનજરૂરી અર્થઘટનોથી પ્રદુષિત ન કરતાં એકસુત્રી બંધનો બાંધતી તંત્ર વ્યવસ્થાથી. આમ તંત્ર વ્યવસ્થામાં એકબીજાં સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ તેમાં કામ કરતાં લોકો માટે બહુ જ જરૂરી સાધનની ગરજ સારે છે. જે સંસ્થા સતત ઉચ્ચ કક્ષાની કામગીરી કરતી રહેવા માગે છે તેનું માળખું એકબીજાં સાથે માહિતી પ્રવાહ વડે સંકળાયેલી પ્રક્રિયાઓની શક્તિને કદાપિ અવગણી શકે નહીં.

    એટલે જ્યારે જ્યારે સંસ્થાના માળખાંમાં ફેરફારો કરવામાં આવે ત્યારે ત્યારે માહિતી પ્રવાહની દિશા અને વલણોના કોણ ક્યારે ક્યારે અને કયા કયા સંદર્ભોમાં ઉપયોગ કરે છે એવાં પ્રક્રિયાઓનાં પાસાંઓને ધ્યાન પર ન લેવામાં આવે તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોની તંદુરસ્તી જ્ખમાઈ શકે છે.

    સંસ્થાના માળખાનાં પદાનુક્રમમાં કરાતા મરમ્મત સ્વરૂપ ફેરફારો કોઈ  જાદુઈ છડી નથી.  લાંબા ગાળાની સુધારણાઓ (અને તેના ફાયદાઓ)ને સિદ્ધ કરતા રહેવા માટે સંસ્થાના સંપોશિત સ્પર્ધાત્મક સરસાઈ બનાવી રાખતાં ભવિષ્ય માટે તેને ચરિતાર્થ કરી શકે, સમય સમયની માંગ અનુસાર અનુકૂલન બનાવી રાખે એવી તંત્રવયસ્થાઓ અને માળ્ખાંની પછળ સમય, શક્તિ અને યથોચિત સંસાધનોમાં રોકાણ કરતાં રહેવાની પ્રાથમિકતા ક્યારે પણ બીનમહત્ત્વની ન ગણવી જોઈએ.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.