વલીભાઈ મુસા

માત્ર જિલ્લામાં જ નહિ, રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ વિદ્યાધામ તરીકે સુખ્યાત એવી આ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાઉન્સેલર તરીકે નિયુક્તિ પામ્યાના બીજા જ દિવસે મને પડકારતો એ પેચીદો મામલો મારી સામે આવ્યો હતો. હું જ્યારે કમ્પ્યુટર ઉપર મારી કામગીરીના ભાગરૂપ વર્ગદીઠ અને વિદ્યાર્થીદીઠ માહિતી એકત્રીકરણની ફાઈલો (Cumulative Record Cards) બનાવી રહ્યો હતો, ત્યારે મોટી રિસેસ પછીના પાંચમા પિરિયડની શરૂઆતને પાંચેક મિનિટ પણ નહિ થઈ હોય અને ધોરણ ૧૦-કના એ વિષયશિક્ષક મોનિટરને શિસ્ત જાળવવાનો હવાલો આપીને મારી પાસે આવી પહોંચ્યા હતા.

આગલા દિવસે મારી નિયુક્તિ સંદર્ભે મોટી રિસેસ દરમિયાન અમારા પ્રાચાર્યે સ્ટાફરૂમમાં આવીને જ્યારે સહકાર્યકરોને મારો પરિચય આપ્યો હતો, ત્યારે મારા સંક્ષિપ્ત વક્તવ્યમાં મેં બધાંને ખાસ વિનંતી કરી હતી કે વિદ્યાર્થીઓના શિસ્તવિષયક કોઈ ગંભીર પ્રશ્નને જાતે ઉકેલવાના બદલે મારી મદદ લેવામાં આવશે તો મને ગમશે. આમ તે દિવસે મિ. શુક્લાજીએ મારી પાસે આવીને એમના વર્ગમાં બનેલી એ ઘટનાને ટૂંકમાં સમજાવીને મને એ વર્ગમાં લઈ ગયા હતા. લોબીમાં ચાલતાં મેં શુક્લાજીને ધીમા અવાજે કહ્યું હતું કે હું જ્યારે મારી જે તે પ્રક્રિયા અજમાવતો હોઉં, ત્યારે તમારે ખામોશી જાળવીને વિદ્યાર્થીઓનાં ફેસરીડીંગ અને બોડી લેન્ગવેજ અવલોકવાનાં રહેશે. આમ જે કોઈ જવાબદાર વિદ્યાર્થીનો ચહેરો તમને ભયભીત દેખાય તો તેને તમારે મનમાં રાખવાનો છે અને હું પણ તેમ કરતો જઈશ. વળી હું વર્ગમાં દાખલ થતાં મારા મોબાઈલમાં આખા વર્ગનો ફોટો લઈ લઈશ કે જેથી આપણે બેઉ જે તે વિદ્યાર્થીને ઓળખી શકીએ. જો કોઈ એક વિદ્યાર્થી ઉપર આપણા બેઉની સહમતી સધાય, તો સમજવાનું કે આપણું અર્ધું કામ થઈ ગયું.

મિ. શુક્લાજી કુતૂહલભરી દૃષ્ટિએ મારી સામે જોતાં બોલી ઊઠ્યા હતા, ‘મિ. વિલ, મેં તમને સમસ્યાનું ફિડબેક માંડ અડધી મિનિટનું જ આપ્યું હશે અને તમારું મગજ તો તેના હલ માટે તરત જ કાર્યાન્વિત પણ થઈ ગયું!’

‘થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ.’

વર્ગમાં દાખલ થતાં બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઊભાં થઈને અમને માન આપ્યું હતું. બધાંને બેસી જવાની સૂચના આપી અને મેં આખા વર્ગનો ફોટો લઈ લીધો હતો. પછી મેં બ્લેકબોર્ડ ઉપર નજર કરી તો ત્યાં પહેલા પિરિયડમાં લીધેલી હાજરીની નોંધ મોજુદ હતી. હવે હું ઇચ્છું તો હાજર વિદ્યાર્થીઓની ગણતરી જાતે જ કરી શકત, પણ મેં મોનિટરને એ કામ સોંપ્યું. આમ આ મિશનમાં હું એકલો નથી; પણ મોનિટર, વિષયશિક્ષક અને આખોય વર્ગ સમસ્યાના નિરાકરણમાં સામેલ છે તેવી પ્રતીતિ સૌને થાય તેવો મારો મનોવૈજ્ઞાનિક અભિગમ હતો. મોનિટરે વર્ગની સંખ્યા ગણીને જણાવ્યું કે બધાં હાજર છે.

મેં મુસ્કરાતાં વર્ગને સંબોધીને કહ્યું, ‘આજના પરાક્ર્મને અંજામ આપનાર જે કોઈ ભાઈ કે બહેન હશે; તે હાલ આપણા વર્ગમાં મોજુદ છે તેનો આપણને બધાંયને આનંદ તો ન જ હોઈ શકે, પણ સહાનુભૂતિ તો જરૂર હોવી જોઈએ. તમે સૌ પૂછશો કે આખા વર્ગને આર્થિક નુકસાન પહોંચાડનાર પરત્વે વળી સહાનુભૂતિ શાની, તો મારો જવાબ એ છે કે એ ભાઈ કે બહેને આચરેલી ક્રૂર મજાક તેમને શાળામાંથી બરતરફ પણ કરાવી શકે છે. હવે તમને બધાંને સમજાશે છે કે જેનું ભવિષ્ય રોળાઈ જાય તેવા આપણા હોનહાર સાથી પરત્વે આપણને સહાનુભૂતિ કેમ ન થાય!’

મારું કથન હજુ તો પૂરું થયું પણ ન હતું અને ડાબી તરફની વિદ્યાર્થિનીઓ માટેની ડેસ્ક ઉપરથી એક બહેન રડતાં રડતાં બોલી ઊઠી, ‘સર, એ જે કોઈ હોય તેને અમે આખો વર્ગ માફ કરી દઈશું; પણ ફોર ગોડ્ઝ સેક તેનું ભવિષ્ય ન બગાડશો.’

અચાનક વર્ગનું વાતાવરણ લાગણીસભર બની ગયું હતું અને આખાય વર્ગે સામૂહિક અવાજે પેલી બહેનની વાતને સમર્થન આપી દીધું હતું. પરંતુ મિ. શુક્લાજી અને હું તો લાગણીના પૂરમાં તણાયા વગર તટસ્થ ભાવે બધાંયના ચહેરા અવલોકી રહ્યા હતા. પેલી બહેનના સાહજિક કથને મારા અનુમાનિત એવા એક ભયભીત ચહેરાને હાશકારાના ભાવમાં પરિવર્તિત થતો હું જોઈ રહ્યો હતો. મેં મારા મોબાઈલમાંના વર્ગના ફોટાને મિ. શુક્લાજી સામે ધર્યો અને તેમણે આંગળી મૂકીને જે છોકરાને બતાવ્યો તેનાથી અમારી સહમતી સધાઈ ચૂકી હતી. આમ છતાંય નક્કર પુરાવા વગર માત્ર શંકાના આધારે કોઈને ગુનેગાર ઠેરવી શકાય નહિ અને એ ન્યાયે મેં મારી પ્રક્રિયા ચાલુ રાખી હતી.

મેં પેલી બહેન તરફ ફરતાં પૂછ્યું, ‘બહેના, તારું નામ જણાવીશ?’

તેણે કહ્યું, ‘તેહમીના.’

‘ઓહ, પારસી?’

‘જી હા.’

‘મિ. વિલ, તમને શી રીતે ખબર પડી?’ મિ. શુક્લાજીએ આશ્ચર્ય વ્યકત કર્યું.

મેં સ્મિત કરતાં કહ્યું, ‘અરદેશર ફરામજી ખબરદાર ઉપરથી ખબર પડી! તેમની દીકરીનું નામ તેહમીના હતું. યુવાનવયે તેનું મૃત્યુ થતાં તેના માનમાં તેમણે તત્ત્વજ્ઞાનીય ‘દર્શનિકા’ મહાકાવ્ય રચ્યું હતું.’

‘તમારા પ્રોફેશન અને સાહિત્યને કોઈ સંબંધ ખરો?’

‘કાઉન્સેલરે શક્ય તેટલું બધું જ વાંચવું અને જાણવું પડે. વળી ખલિલ જિબ્રાન અને ચાણક્યને તો ખાસ વાંચવા પડે.’ મેં કહ્યું.

‘વાઉ!’ મિ. શુલ્કાજીની આંખો નાચી ઊઠી.

‘જો તેહમીના, તું અને તારા બધા સહાધ્યાયીઓએ જરાય ચિંતા કરવાની નથી. તમારાં બધાં માટે ‘કાઉન્સેલર’ શબ્દ નવો હશે, જેનો અર્થ થાય છે ‘માર્ગદર્શક’; નહિ કે જલ્લાદ! તમારા ભણવામાં આવ્યું હશે કે ‘હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે નિર્મળ હૃદયના શુદ્ધ બળથી’. આપણે જે તે પરાક્રમીને ભલે બરતરફી જેવી આકરી શિક્ષા ન થવા દઈએ, પણ તેને ઓછામાં ઓછો એટલો અહેસાસ તો થવો જ જોઈએ કે કોઈની હાનિકારક મજાક તો ન જ થાય ને!’

અત્યારસુધી એ ગેરશિસ્તની ઘટનાને હળવાશમાં ભલે પરાક્રમ તરીકે અને તેના આચરનારને વક્રોક્તિમાં પરાક્રમી શબ્દે ઓળખાવાયો હોય, પણ હકીકતમાં ઘટના ગંભીર અને અક્ષમ્ય હતી. વાત એમ હતી કે નજીકમાંથી પસાર થતા હાઈવેનું રી-સરફેસીંગનું કામ થઈ રહ્યું હતું અને આપણા અનામી હીરોએ થોડાક પીગળેલા ડામરની ગોળીઓ બનાવીને તેમને આખાય વર્ગની પાટલીઓ ઉપર રિસેસ દરમિયાન મૂકી દીધી હતી. આમ વિદ્યાર્થિનીઓનાં ફ્રોક અને વિદ્યાર્થીઓનાં પેન્ટ ખરડાયાં હતાં, જેના ડાઘ સંપૂર્ણત: મિટાવી શકાય નહિ. આ ઘટનાના કારણે મિ. શુક્લાજીના વર્ગમાં તેમના પ્રવેશતાં જ હોબાળો મચી ગયો હતો.

પછી તો મેં વર્ગ સમક્ષ દરખાસ્ત મૂકતાં કહ્યું કે કોઈ સૂચન કરશે કે આપણે આપણા મિશનને પાર પાડવા માટે સર્વ પ્રથમ શું કરવું જોઈએ.

એક વિદ્યાર્થીએ સૂચન કર્યું કે ‘સર, આપે હમણાં આશ્વાસન આપ્યું છે કે જે તે ગુનેગારનું ભવિષ્ય નહિ બગડે. પરંતુ મારું નમ્ર માનવું છે કે આપ હજુ પણ ખાત્રી સાથે એવું અભયદાન આપો કે તેને હળવી પણ શિક્ષા નહિ કરવામાં આવે. વળી તેનું નામ પણ જાહેર કરવામાં નહિ આવે કે જેથી તેને શરમિંદગી અનુભવવી ન પડે. બસ, ત્યાર પછી આપ તમામ પાસેથી ગુપ્ત ચિઠ્ઠીઓમાં હા કે ના એવા જવાબ મેળવી શકો છો.’

‘ભાયા, તારું નામ જાણી શકું છું?’

‘અશ્વિન.’

‘તારું સૂચન આવકાર્ય છે. અમે પણ એ જ મતના જ છીએ કે તેને સ્વકબૂલાતની તક આપવી જોઈએ.’ મેં કહ્યું.

છેવટે મિ. શુક્લાની અને મારી જે તે વિદ્યાર્થી વિષેની પૂર્વધારણાને ચકાસવા અથવા તો અન્ય કોઈ હકીકતી સચ્ચાઈને સચોટ રીતે જાણવા માટે આગળનું પગલું ભરવા પહેલાં મેં બધાંયને અશ્વિનના સૂચન મુજબ અભયદાન આપી દીધું હતું.

આમ આ પ્રયોગ અજમાવી તો જોયો, પણ પરિણામ શૂન્ય પ્રાપ્ત થયું હતું. મારા મતે અહીં બે શક્યતાઓ ઉદ્ભવતી હતી કે કાં તો તે રીઢો ગુનેગાર હોવો જોઈએ અથવા તો વર્ગ બહારનો જ કોઈ વિદ્યાર્થી દોષિત હોઈ શકે.

મેં મોનિટર સામે જોતાં કહ્યું, ‘મિત્ર, કોઈની કબૂલાત આવી નથી. એવું બને ખરું કે આ હરકત તમારા વર્ગ બહારની કોઈ વ્યક્તિની હોય!’

મિ. શુક્લાજીએ મારી વાતના સમર્થનમાં મોનિટરને કહ્યું હતું, ‘જો અલ્તાફ, મોનિટર તરીકે તું દરેક વિદ્યાર્થીને અમારા કરતાં વધારે નિકટથી જાણતો હોય. તારો જવાબ આપણને તપાસની યોગ્ય દિશા નક્કી કરી આપશે.’

‘સર, મારા સહાધ્યાયીઓ મને માફ કરે પણ હું સ્પષ્ટ કહીશ કે મારા મોનિટરપણા હેઠળ બહારના કોઈ પણ વિદ્યાર્થીની દેન નથી કે તે અમારા વર્ગમાં આવીને આવું હિચકારું કૃત્ય કરી જાય!’ અલ્તાફ આમ બોલ્યો ત્યારે તેના ચહેરા ઉપર આક્રમકતા ડોકાઈ હતી અને તેના નીચલા હોઠે કંપન કર્યું હતું.

‘વાહ ખાનસાબ, માન ગયે કિ આપકા દબદબા આપકે ક્લાસકે અલાવા બાહર ભી હૈ!’ મેં કહ્યું હતું.

‘થેન્ક યુ સર.’

મિ. શુક્લાજીના મોંઢેથી ફરી એક વાર ‘વાઉ’ સરી પડ્યું અને વર્ગને સંબોધતાં કહ્યું, ‘યોર વિલ સર હેઝ સિક્સ્થ સેન્સ. હી રેકગ્નાઈઝ્ડ તેહમીના એઝ પારસી એન્ડ નાઉ અલ્તાફ એઝ પઠાન. એમનો આપણી સ્કૂલમાં બીજો દિવસ છે અને આ વર્ગમાં તો તેમણે હમણાં જ કદમ મૂક્યો છે, જે સૌની જાણ સારુ.’

‘મિ. શુક્લાજી, હવે મારી વધારે પ્રશંસા કરીને મને ચણાના ઝાડ ઉપર ચઢાવશો નહિ. ચાલો, આપણે કામની વાત ઉપર આવીએ.’ મેં કહ્યું હતું.

એક વાત યાદ રહે કે હું રફ્તે રફ્તે મારા મિશન ઉપર આગળ વધી રહ્યો હતો. મારી તપાસ પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે ચઢાવઉતાર અને વળાંકો આવતા જતા હતા. જેમ કહેવાય છે કે પ્રથમ નજરે પ્રેમ તેમ અમારા કિસ્સામાં પણ પ્રથમ અવલોકને જ જે તે કસુરવાર અમારા રડારમાં આવી ગયો હતો. જો કે હજુ કન્ફર્મેટિવ પ્રક્રિયા પછી જ મારે નક્કર નિષ્કર્ષ ઉપર આવવાનું હતું. હવે આશ્ચર્યની ઘટના એ બની કે મિ. શુક્લા અને મારી શંકાની સોય જે વિદ્યાર્થી ઉપર સ્થિર થયેલી હતી, તે જ વિદ્યાર્થી તેની આંગળી ઊંચી કરીને તેનું સૂચન આપવા માગતો હતો. મેં મિ. શુક્લાજી સામે જોયું તો તેમનો ચહેરો ઝંખવાયેલો દેખાયો. તેઓ વિચારતા હશે કે જેની શંકાસ્પદ વ્યક્તિ તરીકેની અમારી વચ્ચે સહમતી સધાઈ હતી, તે જ કોઈક સૂચન કરવા માગે તો તેને નિર્દોષ જ સમજવો પડે. પરંતુ આ નવીન પરિસ્થિતિની મારા અનુમાન ઉપર કોઈ અસર પડી ન હતી, કેમ કે હું મનોવિજ્ઞાનની પરિભાષામાં એ છોકરાનું સૂચન માટે ઊભા થવું એને તેની બચાવ પ્રક્રિયા (Defense Mechanism )ના ભાગરૂપ સમજતો હતો.

‘યેસ, બોલ ભાઈ તું શું કહેવા માગે છે?’

‘સર, આપણે ખૂબ જ મહત્ત્વની એક ચોકસાઈ કરવાનું ચૂકી ગયા હોઈએ તેમ મને લાગે છે. સૌથી પહેલાં આપણે તપાસી લેવું જોઈતું હતું કે ડામરની નિશાની વગરનું કોઈ છે કે કેમ?’

‘તારી વાત મુદ્દાની છતાં વ્યર્થ છે, જે હું પછી સમજાવીશ; પરંતુ બાય ધ વે, હું તારું નામ જાણી શકું?’

‘પ્રાણ, પ્રાણશંકર. સર.’

‘જો મારો રમૂજી સ્વભાવ છે એટલે તારી કોઈ રમૂજ કરી નાખું તો તને ખોટું નહિ લાગે ને ?’

‘નો સર, યુ મે.’

‘તો સાંભળ, તેં તારું નામ પહેલાં પ્રાણ કહીને પછી તરત જ સુધારીને પ્રાણશંકર કહ્યું તેનાથી મને હાશ થઈ!’
આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો, પણ પ્રાણ નિષ્પ્રાણ બની ગયો હોય તેવું મને લાગ્યું. મેં પ્રાણશંકરના મનોભાવને જાણવા ઈરાદાપૂર્વક આ મજાક કરી હતી. એ દિવસોમાં સિનેજગતમાં સફળ વિલન તરીકે પ્રાણનું નામ ગાજતું હતું. પછી મને લાગ્યું કે મારે મારી રમૂજને હળવી કરી લેવી જોઈએ કે જેથી પ્રાણશંકર હળવાશ મહસૂસ કરે. મેં વાતને વળાંક આપતાં કહ્યું કે સિને અભિનેતા પ્રાણે પોતાના કિરદારને પાછળથી ખલનાયકીના બદલે ચરિત્ર અભિનેતા તરીકે બદલી નાખ્યો હતો, તેની બધાંને ખબર છે ને?-

હવે મૂળ વાત ઉપર આવતાં મેં પ્રેમાળ શબ્દોમાં પ્રાણશંકરને કહ્યું, ‘જો ભઈલા, તારું સૂચન વ્યાજબી હોવા છતાં વ્યર્થ એટલા માટે છે કે મારા જેવો કોઈ મૂર્ખ જ ડામરથી ખરડાવામાં બાકાત રહે! ભલા, એ તો સામા પગે ચાલીને પકડાવા જેવું ન બને!’

વચ્ચે તેહમીનાએ ટપકી પડતાં કહ્યું, ‘વિલ સર, આપ આટલા બધા ઈન્ટેલીજન્ટ હોવા છતાં પોતાને મૂર્ખ ગણાવો છો, તો અમે લોકો શું ગણાઈએ?’

‘મહામૂર્ખ!’ એક સાથે આખાય વર્ગે સામૂહિક પડઘો પાડ્યો.

આમ છતાંય પ્રાણશંકરના સંતોષ ખાતર અલ્તાફને કહેવામાં આવ્યું કે તે બધાંયને ઊભાં કરીને ચકાસણી કરી લે અને ધારણા મુજબ એમ જ થયું કે ડામરના ડાઘથી કોઈ બાકાત ન હતું. પરંતુ અલ્તાફે અચાનક જોયું તો બહેનોની પાટલીઓ પાછળની બાકીની કાયમ માટે ખાલી રહેતી ત્રણ પાટલીઓ ઉપર પણ ડામરની ગોળીઓ મુકાયેલી હતી.

અલ્તાફે લગભગ રાડ પાડતાં કહ્યું કે, ‘સર, હવે હું એ બદમાશને જોઈ લઈશ. તે નાલાયક અમારા વર્ગ બહારનો જ છે. જો તે અમારા વર્ગનો હોય તો આ વધારાની પાટલીઓ ઉપર ડામરની ગોળીઓ મૂકે નહિ.’

મેં અલ્તાફને શાંત પાડતાં કહ્યું, ‘ભલા માણસ, તારી ધારણા પહેલી નજરે સાચી લાગે; પણ એ ટીખળખોર આપણા વર્ગનો જ હોવો જોઈએ. મારું માનવું છે કે તેણે તપાસને ગેરમાર્ગે દોરવા માટે આમ કર્યું હોઈ શકે. બીજું સાંભળી લે અલ્તાફ કે તું વર્ગનો મોનિટર હોવા પહેલાં એક વિદ્યાર્થી છે અને આમ તું ઘાંટો પાડીને અમારી હાજરીમાં દાદાગીરીની ભાષામાં બોલે તે ગેરશિસ્ત ગણાય. જો કે તારો આક્રોશ બતાવે છે કે તારા સહાધ્યાયીઓ પરત્વે તને ખૂબ માનસન્માન છે અને તેથી એ સ્વાભાવિક છે કે તું બહારના કોઈ વિદ્યાર્થીની આવી હરકતને સાંખી ન શકે. પરંતુ એ પણ ભુલાવું ન જોઈએ કે બહારનો કે અંદરનો કોઈ પણ વિદ્યાર્થી એ છેવટે તો આપણી શાળાનો જ છે. વર્ગવ્યવસ્થા એ કંઈ આપસમાં લડાઈઝઘડા માટેની છાવણીઓ નથી.’

અલ્તાફે નીચું જોઈને ગળગળા અવાજે કહ્યું હતું, ‘આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, સર.’

‘ઈટ્સ ઓલરાઈટ.’ કહીને મેં કોઈના દિમાગમાં પણ ન આવે તેવી કથિત શરારતી માટેની એક સકારાત્મક સંભાવના દર્શાવતાં કહ્યું કે ‘જો આ હરકત કરનાર આપણા વર્ગનો જ હોય તો ખાલી રહેતી પાટલીઓ ઉપર પણ ડામરની ગોળીઓ મૂકવા પાછળ તેની ઉદ્દાત ભાવના એ હોઈ શકે કે કોઈ વિદ્યાર્થી અનાયાસે પણ એ ખાલી પાટલી ઉપર બેસી જાય તો તે પણ ખરડાયા વગર બાકી રહી શકે નહિ. આમ કોઈ નિર્દોષ તહોમતનો ભોગ ન બની જાય એવી શુદ્ધ ભાવના અહીં વર્તાય છે.’

મિ. શુક્લાજીથી ચૂપ રહેવાયું નહિ અને તેમણે મને ફરી એકવાર બિરદાવી દીધો આ શબ્દોમાં કે ‘મિ. વિલ, કોન્ગ્રેટ્સ વન્સ અગેઈન. ખરે જ તમારું દિમાગ કેટલું ઝીણું ઝીણું વિચારી શકે છે!’

આખા વર્ગે પાટલીઓ થપથપાવીને મિ. શુક્લાજીના કથનને અનુમોદન આપ્યું.

મેં ભાવવિભોર બનતાં કહ્યું, ‘તમારાં બધાંની ભલી લાગણીઓ મને મારા કામ માટે ઉત્સાહ તો જગાડે છે, પણ સાથે સાથે મને મારી જવાબદારીનું ભાન પણ કરાવે છે. આજની અનિષ્ટ ઘટના જ્યાં સુધી તકસીરવાર મુકર્રર ન થાય ત્યાં સુધી આખા વર્ગ માટે લાંછનરૂપ છે. સ્વકબૂલાત માટેની આખરી બીજી એક તક હું બધાંને આપવા માગું છું. અભ્યાસ માટેનો તમારો અમૂલ્ય સમય વધુ ન વેડફાય તે પણ જરૂરી છે. તો ચાલો ફરી એક વાર કાપલીમાં પોતાનું નામ અને સામે રાઈટ અથવા રોંગનું ચિહ્ન કરી આપો એટલે વાત થાય ટૂંકી. મારી અભયદાનની ખાત્રી તેની જગ્યાએ કાયમ છે, માટે તેના ઉપર વિશ્વાસ રાખજો.’

અલ્તાફે કાપલીઓ ઊઘરાવી લીધી અને મિ. શુક્લાજીને સોંપી દીધી. શુક્લાજીએ ઝડપભેર ચકાસણી કરી લીધી અને અફસોસ કે એ બીજો રાઉન્ડ પણ ફ્લોપ ગયો.

મારા અને મિ. શુક્લાના સહમતીપ્રાપ્ય એ વિદ્યાર્થી પ્રાણ અંગે મિ. શુક્લા કદાચ અવઢવમાં પડી ગયા હશે, પણ મારા સતત મોનિટરીંગથી મારો વિશ્વાસ દૃઢ બનતો જતો કે એ પ્રાણ જ આ ઘટનાનો વિલન હોવો જોઈએ. પરંતુ અદાલતોના સિદ્ધાંત મુજબ સો ગુનેગાર ભલે છટકી જાય, પણ એકેય નિર્દોષને દોષિંત ન ગણવો જોઈએ; તે ન્યાયે અત્યાર સુધીની પ્રક્રિયા મુજબ પ્રાણને શંકાના ડાયરામાં જરૂર મૂકી શકાય, પણ તેને સો ટકા તકસીરવાર તો ન જ ગણાવી શકાય. હવે મારા ભાથામાં મેં એક તીર કે જેને હાલ સુધી અનામત રાખ્યું હતું, તેને વાપરવાનો સમય આવી ગયો હતો. મારા આ આખરી ટેસ્ટથી જ સો ટકા નક્કી થઈ જવાનું હતું કે અસલી ગુનેગાર કોણ છે.

મેં વર્ગને સંબોધતાં કહ્યું કે તમારા બધાંના ચહેરા ઉદાસ દેખાઈ રહ્યા છે, કેમ કે જે તે ગુનેગારને આપેલી સ્વકબૂલાતની બીજી તક પણ નિષ્ફળ ગઈ છે. મેં આપેલું અભયદાન સ્વકબૂલાત અને શરણાગતી અન્વયે હતું. પરંતુ હવે જ્યારે એ ગુનેગાર અમારા હાથથી જ ઝડપાય, ત્યારે એ અભયદાનનો કોઈ મતલબ રહેતો નથી. તો હવે બધાં સાંભળી લો કે આ ઘૃણાસ્પદ કૃત્ય કોઈ એકલો જ પોતાના પૂરતું તેને ખાનગી રાખીને આચરે નહિ, કેમ કે એ તો ‘જંગલમેં મોર નાચા, કિસને દેખા’વાળું થઈ રહે. આમ આ કૃત્યનો ચશ્મદીદ ગવાહ ઓછામાં ઓછો કોઈ એક તો હોય જ. વળી એ પણ એટલું જ સાચું છે કે એવો ગવાહ દુશ્મની વહોરવાના ભયે કદીય ખુલ્લો બહાર આવે નહિ. હવે એ સંભવિત ગવાહ માટેની સલામતી માટેની મારી પાસે એક યોજના છે, જે અનુસાર એ ગવાહે જે તે તક્સીરવારને સીધો બતાવવાનો નથી; પણ એક નિશ્ચિત સમૂહમાં તે મોજુદ છે તેટલું માત્ર ત્રણ વાર જણાવવાનું છે. આનાથી પેલો તહોમતદાર પેલા ગવાહને ક્દીય એમ કહી શકશે નહિ કે તેણે તેનું નામ જાહેર કર્યું છે.

મોનિટર અલ્તાફે વર્ગને વિનંતી કરતાં કહ્યું કે મહેરબાની કરીને જે ગવાહ હોય તે ખુલ્લો બહાર આવે. વિલ સરના કહ્યા મુજબ ગવાહ તહોમતદારના આક્ષેપથી સલામત છે. આપણો અડધો પિરિયડ વેડફાયો છે, માટે આ સમસ્યાનો જલ્દી અંત આવે તે ઇચ્છનીય છે. વિલ સર નવા નવા આવ્યા છે અને આપણા વર્ગની તેમની આગળ શી ઈજ્જત રહેશે!

અલ્તાફનું કથન પૂરું થયું કે ન થયું અને તરત જ એ જ પ્રાણ ઊભો થયો અને બોલ્યો કે ‘સર, આપના વિશ્વાસે હું જે તે જૂથમાં એ ગુનેગાર મોજુદ છે તેટલું જ કહીશ.’

પ્રાણના કથનથી હું ચોંકી ઊઠ્યો. મને એમ થવા માંડ્યું કે આ પ્રાણ ખરેખર પેલા ફિલ્મોવાળો ખલનાયક પ્રાણનો રોલ જ ભજવતો હોય તેમ લાગ્યું. મારા સતત ઓબ્ઝર્વેશનમાં તેનો ચહેરો ભયભીત, ઉદાસીન અને શંકાસ્પદ જ લાગ્યો હતો અને તેથી જ તો મિ. શુક્લા કરતાં મારી માન્યતા વધારે દૃઢ હતી કે એ પ્રાણ જ દોષિત છે. તે ચશમદીદ ગવાહ બનીને જે તે વિદ્યાર્થી સાથેની તેની સાથેની કોઈ નિજી દુશ્મનીને સરભર કરવા તો નહિ માગતો હોય! મને લાગ્યું કે મારે મારા આખરી પ્રયોગ પહેલાં પ્રાણની વિશ્વસનીયતાને ચકાસવી જોઈએ.

મેં તેને પૂછવાનું શરૂ કર્યું મારા પહેલા આ પ્રશ્નથી કે ‘પ્રાણશંકર, શરૂઆતથી જ મને કેમ તારો ચહેરો સતત ભયભીત અને ગમગીન લાગ્યા કર્યો?’

‘સર, હું મારી જાતને સતત સહદેવની સ્થિતિમાં મુકાઈ ગયેલો હોવાનું વિચારી રહ્યો હતો. હું માનસિક એવા દબાણ હેઠળ હતો કે હું દોષિતને જાણતો હોવા છતાં તેને જાહેર કરી શકતો ન હતો. આપે પણ હમણાં જ કહ્યું હતું કે એવો ગવાહ દુશ્મની વહોરવાના ભયે કદીય ખુલ્લો બહાર આવે નહિ. હવે જ્યારે મારા ઉપર સીધું તહોમત નહિ આવે એવા તમારા કોઈક પ્રયોગની વાત સાંભળીને મારામાં ખુલ્લા ગવાહ બનવાની હિંમત આવી અને આમ હું આપની સમક્ષ ઊભો છું. આમ છતાંય આપને વિનંતી કરું છું કે આપ સ્વકબૂલાતની એક વધુ તક આપો અને મને વિશ્વાસ છે કે મારી ગવાહીની દહેશત હેઠળ આ વખતે તમને એ શરારતી મળી રહેશે. આપ આપના અભયદાન ઉપર કાયમ રહેશો કે જેથી તેનું નામ જાહેર ન થાય અને તેને શરમિંદગી અનુભવવી ન પડે.’

પ્રાણશંકરે પોતાની કેફિયત આત્મવિશ્વાસ સાથે રજૂ કરી ત્યારે મેં મનોમન તેને ક્લિન ચીટ આપી તો દીધી, પણ કોણ જાણે તેના તરફની મારી શંકાની સોય હજુય સ્થિર હતી. આમ છતાંય તેના સૂચનને ગ્રાહ્ય રાખીને મેં સ્વકબૂલાત માટે ચિઠ્ઠીની ત્રીજી તક આપવા પહેલાં ચેતવણી આપી હતી કે જો આ છેલ્લા રાઉન્ડમાં પણ પરિણામ નહિ મળે તો પ્રાણશંકરની ગવાહીના આધારે એ ઇડિયટને હું બોચીમાંથી પકડીને પ્રાચાર્ય સાહેબના હવાલે કરી દઈશ.

આ ત્રીજા રાઉન્ડમાં બધાંના આશ્ચર્ય વચ્ચે સુખદ પરિણામ આવી ગયું હતું. મિ. શુક્લાજી અને મેં એકબીજા સામે આંખ મીંચકારતાં સ્મિત કરી લીધું, કેમ કે અમારા બેઉનું અનુમાન સાચું પડ્યું હતું. મેં જ્યારે વર્ગમાં જાહેરાત કરી કે આપણું મિશન સફળ નીવડ્યું છે, ત્યારે વર્ગખંડ હર્ષનાદ અને પાટલીઓના થપથપાટથી ગુંજી ઊઠ્યો હતો.

મિ. શુક્લાજીએ બધાંનો આભાર માનતાં કહ્યું કે ‘વિલ સરની કુનેહથી આપણે આપણા ઉદ્દેશમાં સફળ થયા તેની ખુશીની સાથે આપણે ઇચ્છીએ કે એ વિદ્યાર્થી આત્મમંથન અને પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યે આવી કોઈની ક્રૂર મજાક ન કરે. તદુપરાંત બાકીનાંઓએ પણ આ ઘટના ઉપરથી બોધપાઠ લેવો જોઈએ અને પોતાના વિદ્યાર્થીજીવનને શિસ્તમય જાળવવું જોઈએ. મિ. વિલ, હું અમારા વર્ગ વતી તમારો આભાર માનું છું, તેમ છતાંય એક વાતનો અફસોસ તો રહી જ જાય છે કે અમને તમારો હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રયોગ જોવા ન મળ્યો!’

મેં કહ્યું કે, ‘એ પ્રયોગ સિનિયર કે. જી.માં ભણતી મારી દીકરી પાસેથી મને શીખવા મળ્યો છે. પ્રાણીઓની ઓળખ માટે ગંજીપાનાં પાનોમાં છપાયેલાં એ ચિત્રોની એક એવી રમત એ સ્કૂલમાંથી શીખી આવી હતી કે આપણે એકવીસ પાનાંમાંથી મનમાં કોઈ પ્રાણીને ધારી લેવાનું અને તે તેની પ્રક્રિયા દ્વારા આપણને એ જ પ્રાણીવાળું પાનું બતાવી આપે! હવે અહીં આપણા કેસમાં પાનાંની જગ્યાએ વ્યક્તિઓને ગોઠવવાની રહે.’

‘ઓહ સર, ઈટ ઈઝ વેરી ઈન્ટરેસ્ટીંગ. જો આપને વાંધો ન હોય તો આપનો આ પ્રયોગ કાં તો વિસ્તારથી સમજાવો અથવા અહીં કરી બતાવો તો અમને બધાંને ખૂબ ગમશે.’ અલ્તાફે વર્ગ વતી વિનંતી કરી.

‘આ પ્રયોગ એ કંઈ મારી મોનોપોલી નથી, કે જેથી તેને ગુપ્ત રાખવામાં આવે. વળી આ એક ગાણિતિક પ્રક્રિયા માત્ર જ છે. ઊલટાનો આપણી સ્કૂલને એક ફાયદો થશે કે હવે પછી પકડાઈ જવાની બીકે આવી ગેરશિસ્ત કોઈ આચરશે નહિ. હવે સાવ સંક્ષિપ્તમાં સમજાવું તો ગવાહે એકવીસ વિદ્યાર્થીઓના જૂથમાં ગુનેગાર મોજુદ છે, તેવું પહેલી વાર જણાવવાનું છે. હવે એ એકવીસ વિદ્યાર્થીને હારબંધ ઊભા રાખીને સાત સાતનાં ત્રણ જૂથ પૈકી કયા જૂથમાં પેલો વિદ્યાર્થી છે તે બીજી વાર જણાવવાનું છે. હવે પ્રયોગકારે નક્કી થયેલા જૂથને વચ્ચે લાવીને થયેલી આ હારનાં ફરી સાતસાતનાં ત્રણ જૂથ બનાવીને ત્રીજી વાર ગવાહને એ જ પૂછવાનું છે. છેલ્લે વળી જૂથને વચ્ચે લાવી દઈને પ્રયોગકાર ચોથી અને છેલ્લી વાર એ જ રીતે પૂછ્યા પછી બનેલી હારના અગિયારમા ક્રમાંકના વિદ્યાર્થીને તકસીરવાર જાહેર કરી શકે છે. આ એક ગાણિતિક પ્રક્રિયા માત્ર છે. આમાં પ્રથમ હારબંધ ઊભા કરેલા એકવીસ વિદ્યાર્થીઓનો ક્રમ યથાવત્ જાળવી રાખીને પેલાં જૂથોને પણ એ જ ક્રમ પ્રમાણે ત્રણ વખત વચ્ચે લાવી દેવાનાં છે. ગંજીપાનાં એકવીસ પાનાં ઉપર આ પ્રયોગની ખાત્રી કરી શકાશે.’

આમ હું વર્ગના તમામ વિદ્યાર્થીઓના ચહેરાઓ ઉપરના અકળ અહોભાવને અવલોકતાં અવલોકતાં પડકારજનક પેચીદા મામલાને સફળતાપૂર્વક ઉકેલ્યાના આત્મસંતોષ સાથે વર્ગની બહાર નીકળી તો ગયો, પણ પ્રાણશંકરની અશ્રુભીની આંખો મારી નજર સામે તરવરતી જ રહી.

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે