વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
કેટલાય દિવસો પછી એને આજે ઓચિંતો ચાર રસ્તા પર ઊભેલો જોયો. દાઢી અને લાંબા કુરતામાં એ કંઈક જુદો જ લાગતો હતો.
આ એટલે, એક સમયનો ટોર્ચ વેચવાવાળો. આપણે આ વાર્તા પૂરતું એને બટુક નામથી ઓળખીશું.
“અરે! ક્યાં હતો આટલા દિવસથી અને આ દાઢી કેમ વધારી છે, અને ટોર્ચ વેચવાનું બંધ કર્યું કે શું?” એક સામટા અનેક સવાલો મારાથી એને પૂછાઈ ગયા.
“બહાર ગયો હતો. ટોર્ચ વેચવાનું કામ બંધ કર્યું છે. હવે તો આત્માની ભીતર જ્યોત પ્રગટી છે. આવી બાહ્ય સૂરજ છાપ ટોર્ચનો પ્રકાશ વ્યર્થ લાગે છે.” બટુકે જવાબ આપ્યો.
તત્ક્ષણ મનમાં વિચાર આવ્યો કે હવે આ કરશે શું? એનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવશે? પણ, “હેં……” આટલું બોલીને એકાદ ક્ષણ પછી તો હું આશ્ચર્યથી અવાક બની ગયો. પણ પછી એને પૂછી જ લીધું.
“તું સંન્યાસ તો નથી લેવાનો ને? આવો આત્માનો પ્રકાશ, ભીતરનો પ્રકાશ એવું બધું એ જ વિચારી શકે જે સંન્યાસ લેવાનો હોય. કોની પાસે દીક્ષા લઈ આવ્યો?”
“આવું પૂછીને તમે મારી મજાક તો નથી કરી રહ્યા ને?” બટુકને અકળામણ થઈ.
“અરે ભાઈ, મજાક નથી પણ એ તો મને કહે કે એકાએક તું આવું ક્યાંથી વિચારવા માંડ્યો? તારી પત્નીએ તને છોડી દીધો કે તને ઉધાર મળવાનું બંધ થઈ ગયું. શાહૂકારો તંગ કરવા માંડ્યા કે ચોરીના મામલામાં ફસાયો? વાત શું છે? આ બહારની ટોર્ચ તારા આત્મામાં કેવી રીતે ઘુસી ગઈ?” મારું આશ્ચર્ય વધતું હતું.
“સાહેબ, તમારા બધા જ તર્ક પાયા વગરના છે. બસ, જીવનમાં એક ઘટના એવી બની ગઈ કે જેનાથી મારું જીવન બદલાઈ ગયું, આમ તો આ વાત પાંચ વર્ષ પહેલાની છે અને હું સાવ ગુપ્ત રાખવા માંગતો હતો પણ આજે હું અહીંથી હંમેશ માટે જઈ રહ્યો છું એટલે તમને વાત કહેવાનો વાંધો નથી.”
અને એણે જે વાત કહી એ સાંભળીને મારે શું પ્રત્યાઘાત આપવા એની મને તો સમજણ ન પડી, કદાચ તમને પડે તો મને સમજાવજો.
વાત જાણે એમ હતી કે એ અને એનો મિત્ર સાવ બેકાર બેઠા હતા. જીવન નિર્વાહના અનેક સવાલો એમને મૂંઝવતા હતા. અંતે સાથે રહેવાથી એક બીજાના નસીબનો ટકરાવ થાય એટલે બંને જણે અલગ અલગ દિશામાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. નસીબ અજમાવીને પાંચ વર્ષ પછી એ જ તારીખે જ્યાં છૂટા પડ્યા ત્યાં જ મળવાનું નિશ્ચિત કરીને છૂટા પડ્યા.
બટુકે ટોર્ચ વેચવાનો ધંધો શરૂ કર્યો. ચાર રસ્તા પર ઊભો રહીને એ થોડા નાટકીય ઢંગથી બોલતો,
“આજકાલ બધે અંધકાર ફેલાયો છે. રાતો બેહદ ઘેરી-કાળી બનતી જાય છે. આપણો પોતાનો હાથ પણ દેખાતો નથી, ચાલવા માટે રસ્તો દેખાતો નથી. ભટકી ગયા છે સૌ. આસપાસના ભયાનક અંધકારના લીધે આગળ કશું જ દેખાતું નથી જાણે ગાઢા જંગલની વચ્ચે ચાલી રહ્યા છે, જંગલી જાનવરો કે સાપ સુદ્ધાં દેખાતા નથી.” વગેરે વગેરે..
એનું માનવું હતું કે લોકોને ડરાવવા બહુ સહેલા છે. એની વાતો સાંભળીને ભર બપોરે પણ અંધકારના વિચારે સૌ ડરી જતાં અને ત્યારે એ સૌને કહેતો કે,
“ભાઈઓ, વાત સાચી છે પણ જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પણ છે જે અંધકારને દૂર ભગાડે છે. અમારી સૂરજ છાપ ટોર્ચમાં એ તાકાત છે જે અંધકારને દૂર કરે છે. અમારી ટોર્ચ ખરીદો અને અંધકાર દૂર કરો.” અને પછી એની ટોર્ચ વેચાવા માંડી અને એનું જીવન મઝાથી ચાલવા લાગ્યું.
”તો હવે વાંધો ક્યાં આવ્યો?” મારાથી પૂછાઈ ગયું.
“બસ, વાયદા પ્રમાણે પાંચ વર્ષ પૂરા થતાં હતાં. ઘણી રાહ જોઈ પણ મારો દોસ્ત ન આવ્યો. હું જ્યારે એને શોધવા નીકળ્યો ત્યારે એક દિવસ વિશાળ મેદાનમાં ચારેબાજુ ઝલહળ રોશનીની વચ્ચે ઘણો મોટો મંચ બંધાયેલો જોયો. હજારો સ્રી-પુરુષો અત્યંત શ્રદ્ધાથી લાઉડસ્પીકર પરથી સંભળાતું પ્રવચન સાંભળીને ધન્ય બની રહ્યાં હતાં. મંચ પર સુંદર રેશમી વસ્ત્રો, લાંબી દાઢી અને ખભાથી પાછળ લહેરાતી લાંબી કેશરાશીથી શોભતા દિવ્ય પુરુષની વાણી સાંભળીને હું પણ એમને સાંભળવા બેસી ગયો.
જાણે આકાશમાંથી કોઈ ગેબી સંદેશ એમને સંભળાતો હોય એમ ગંભીર વાણીમાં પ્રવચન આપી રહયા હતા, એ કહેતા હતા કે, આજકાલના માનવીને હું અંધકારમાં ઘેરાયેલો જોઈ રહ્યો છું. એની ભીતર કશુંક ઓલવાઈ રહ્યું છે. આ યુગ જ અંધકારમય છે. સર્વગ્રાહી અંધકારે પૂરા વિશ્વને પોતાના ગર્ભમાં સમાવી લીધું છે. આજનો માનવી, એનો આત્મા અંધકારમાં અટવાયો છે. અંતરની આંખો જ્યોતિહીન થઈ ગઈ છે. “
સાહેબ, સાચું કહું ને તો મને આ બધુ સાંભળીને હું હસી પડ્યો. એમને શ્રદ્ધાથી સાંભળતા લોકોએ મારી સામે ડોળા કાઢ્યા.
એ ભવ્ય પુરુષ પ્રવચનનું સમાપન કરતા કહેતા હતા કે,” ડરવાની જરૂર નથી. જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ છે. અંધકારમાંથી જ પ્રકાશનું કિરણ પ્રગટે છે. પ્રકાશ બહાર શોધવાના બદલે અંતરમાં શોધો. અંતરમાંથી જ્યોત પ્રગટાવો. હું સૌની એ જ્યોત પ્રગટાવવાનું આહ્વાન કરુ છુ. હું તમારી ભીતરની શાશ્વત જ્યોત પ્રગટવવા ઇચ્છુ છુ. અમારા સાધના મંદિરમાં આવીને એ ભીતરની જ્યોત પ્રગટાવો…..વગેરે વગેરે.” અને સાહેબ એ સાંભળીને તો હું ખડખડાટ હસી પડ્યો. ત્યાં બેઠેલા લોકોએ મને ધક્કો મારીને બહાર ભગાડવા કોશિશ કરી પણ હું તો સીધો જ મંચ પાસે પહોંચી ગયો. બટુકે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, “એ ભવ્ય પુરુષ મંચ પરથી ઉતરીની કારમાં બેસવા જતા હતા. હવે પાસે પહોંચ્યા પછી ધ્યાનથી જોતા એ દાઢી પાછળનો ચહેરો થોડો જાણીતો લાગ્યો. હું તો એ સમયે મારા અસ્સલ દેખાવમાં હતો. દાઢી-બાઢી કંઈ નહોતી એટલે એમણે મને ઓળખી લીધો અને હાથ પકડીને કારમાં બેસાડી દીધો. કારની પાછલી સીટ પર બેસતા મ્હોં પર આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને સૂચના આપી કે બંગલે પહોંચીએ ત્યાં સુધી ડ્રાઇવરની હાજરીમાં કોઈ વાતચીત નહીં. બંગલે પહોંચીને જ્ઞાનચર્ચા કરીશું.
“ઓત્તારી, આ તો મારો ખોવાઈ ગયેલો દોસ્ત. પણ સાહેબ, શું વાત કરું તમને, ત્યાં પહોંચીને એનો વૈભવ જોઈને હુ તો અંજાઈ ગયો. એ એકદમ બદલાઈ ગયો હતો. કહેતો હતો કે પરિવર્તન જ જીવનનો અનંત ક્રમ છે.
“સાહેબ, આ પાંચ વર્ષોમાં મેં માત્ર ટોર્ચ વેચી ખાધી અને એણે અઢળક દોલત ભેગી કરી લીધી. વાત તો એની પણ એ જ હતી જે હુ કરતો હતો. પણ એ થોડી રહસ્યમય ઢંગથી વાતો કરતો હતો. હુ પણ લોકોમાં ડર ઊભો કરીને ટોર્ચ વેચતો હતો અને એ પણ. તેમ છતાં હુ ટોર્ચ વેચવાવાળો બની રહ્યો અને એ દાર્શનિક અને સંત તરીકે ઓળખાયો.
“મારી ટોર્ચ આજકાલની સૂરજ છાપ કંપનીની હતી અને એની સનાતનકાળથી ચાલી આવતી કંપનીની હતી. સાહેબ, આમ જોવા જઈને તો એ પણ લોકોમાં ડર ઊભો કરીને, દાર્શનિક કે સંત બનીને પોતાની કંપનીની ટોર્ચ જ વેચતો હતો. હા એટલું ખરુ કે એની ટોર્ચની કોઈ દુકાન નથી, એ અતિ સૂક્ષ્મ છે પણ એની કિંમત ઘણી મોટી મળે છે. એની સાથે એકાદ-બે દિવસ રહીને હુ બધુ પામી ગયો. ત્રીજા દિવસે મારી સૂરજ છાપ ટોર્ચની પેટી નદીમાં પધરાવીને નવું કામ શરૂ કર્યુ છે.”
બટુકે પોતાની દાઢી પર હાથ ફેરવતા કહ્યું,“ એકાદ મહિનો જવા દો, પછી જુવો, ક્યાંથી ક્યાં પહોંચાય છે.”
મેં એને પૂછ્યું, “તો હવે કયો ધંધો કરવાનો છુ?”
“ધંધો તો એ જ કરીશ, બસ કંપની બદલી રહ્યો છું.” બટુકે જવાબ આપ્યો.
હરિશંકર પરસાઈની વાર્તા ‘टॉर्च बेचनेवाले’ પર અધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
આપની વાર્તાની પસંદગી અને ભાષાંતર કરવાની રીત સરસ છે.
LikeLike