અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
‘અર્વાચીનોમાં આદ્ય’ અને કનૈયાલાલ મુનશીએ જેના માટે ‘નવ્યયુગની નવ્ય નાન્દી’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે તેવા નર્મદની આત્મકથા “મારી હકીકત” એ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા તરીકેનું બહુમાન પામી છે.
નર્મદ પારદર્શક બનીને એક સન્યાસીને છાજે એવી તટસ્થતાથી આત્મકથા લખવાનો પોતાનો હેતુ પ્રગટ કરતાં કહે છે કે, “આ હકીકત લખું છું ને..તે કોઈને માટે નહીં, મારે માટે જ. મારે માટે પણ ઓળખવા માટે નહીં (એ તો હું પહેલા જ ઓળખાઇ ચૂક્યો છું). દ્રવ્ય કે પદવી માટે પણ નહીં પરંતુ ભૂતનું જોઈને ભવિષ્યમાં ઉત્તેજન મળે તેના માટે.”
નર્મદે જીવનની દરેક ઘટનાઓનો ઉલ્લેખ આત્મકથામાં નથી કર્યો, પણ જ્યાં જ્યાં તેને જીવનનો મર્મ કે જીવનની અનુભૂતિ સાક્ષાતપણે ઝિલાઈ છે ત્યાં ચોક્કસપણે તેનું સાહિત્યમાં રૂપાંતરણ કર્યું છે. સુધારાવાદીને છાજે એવું વલણ દર્શાવતા નર્મદે જે લખવા ઇચ્છ્યું છે તે જ લખ્યું છે અને જે લખવા નથી ઇચ્છ્યું તે નથી જ લખ્યું. માટે જ નર્મદ પોતાની આત્મકથાને ‘ખરડો’ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. આટલી સ્પષ્ટતા પછી નર્મદે પોતાના જીવનનાં ૩૩ વર્ષની કથા દસ વિરામોમાં આપી છે. આત્મકથાને “મારી હકીકત” નામ આપવું અને તેનાં પ્રકરણોને ‘ વિરામ ‘ નામ આપવું એમાં જ સર્જકતાનાં પહેલવહેલાં દર્શન થઇ જાય છે.
આ દસ વિરામોમાં નર્મદ પોતાના જન્મથી માંડીને પોતાની કારકિર્દીની પસંદગી સુધીને વાત માંડે છે. આ અંગેની વાત માંડતાં આ કૃતિનું પ્રયોજન વ્યક્ત કરતાં નર્મદ નોંધે છે :
પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી તે દાખલ કરવો.
ડાક્તર ભાઉદાજી , ભાઈ કરસનદાસ મુળજી , ભાઈ રૂસ્તમજી ગુસ્તાદજી ( ઈરાની ) એઓએ વિશેષ અને બીજા ઘણાં લોકોએ મારી હકીકત જાણવાની ઈચ્છા દેખાડીને મને ઘણીવાર કહ્યું કે – ‘ તમારી હકીકત અમને આપો.’
મને પણ માલૂમ પડે કે આ ખરું ને તે ખોટું.
મુવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી. રે હજી તો હું તેતરીસનો થાઉં છ એટલામાં કેટલીક વાતને સારું મારાં સગાંઓમાં ઊલટા વિચાર પડે છે તો મુવા પછી શું નક્કી થાય ?”
પછી રમૂજ કરતાં કહે છે કે મારો જન્મ દિવસે થયો કે રાતે એનો જ કુટુંબીજનોમાં વિવાદ છે ! આમ પોતાના આ કૃતિ અંગેનાં પ્રયોજનો સ્પષ્ટ કર્યા પછી તે આત્મકથાકાર તરીકેના વિવેક અને હિંમત દાખવતી ભીષ્મપ્રતિજ્ઞા લે છે.
પહેલેથી માંડીને અંતિમ વિરામ સુધી નર્મદનું સુધારાવાદી વલણ સતત આ કૃતિમાં ડોકિયું કરતું રહ્યું છે. જેમ કે, અંગત રીતે નર્મદને નાગર હોવાનો ગર્વ ચોક્કસ છે પરંતુ પહેલા વિરામમાં પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિની ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરતાં કરતાં એ જ નાગર જ્ઞાતિમાં રહેલા બે ભેદો ભિક્ષુક (જે કર્મકાંડ કરે) અને ગૃહસ્થ (જે કર્મકાંડ કરાવડાવે) પર ટીકા કરતાં એ નોંધે છે કે, ‘કર્મને કારણે જે ભેદ પડ્યા તે ભલે રહ્યા પણ તેના કારણે જે આ ઊંચ નીચનો ખ્યાલ છે તે ખોટો છે. ‘
નર્મદના જીવન ઘડતરમાં પોતાની માતાથી પણ વિશેષ ફાળો નર્મદ પોતાના પિતાનો માને છે. નર્મદના સુધારાવાદી વલણ પ્રત્યે પિતા લાલશંકરનો સતત ટેકો, હુંફ, પ્રેમ અનન્ય હતાં. નર્મદ કહે છે – ‘ ઉદ્યોગમાં લાલશંકર જેવો કોઈ ગુજરાતી મારા જોવામાં આવ્યો નથી.’ નર્મદના નિબંધોની સુંદર કોપી પણ તેઓ કરી આપતા. નર્મદને છંદશાસ્ત્ર શીખવા ઉશ્કેરતા. નર્મદને એના વિચારો મુક્તપણે વ્યક્ત કરવા દેતા. નર્મદની ‘ઓળખ’ / વ્યક્તિત્વનો આદર કરતા. નર્મદને એમણે કદી વાંકું વેણ નથી કહ્યું, નર્મદને દુઃખ થાય માટે બીજી વાર પરણ્યા પણ નહીં. બસ લખ લખ લખ એ જ એનો ઉદ્યોગ. નર્મદ નોંધે છે તે મુજબ જ્યારથી પોતે કવિતા કરવા માંડી ત્યારથી પિતાનો પણ કવિતારસ વધતો જતો હતો. અને માત્ર એક સહૃદયને જ સૂઝે તેવું વાક્ય પિતાએ નર્મદને કહેલું કે, ‘ભાઈ નર્મદ તારી કવિતા વાંચીને રોવું આવે છે પણ પછી સુખ થાય છે.’ પિતા પ્રત્યેનું પોતાનું માન અને પ્રીતિ નર્મદે દિલ ખોલીને આલેખ્યાં છે.
નર્મદની આત્મકથા એક નવલકથાની જેમ આગળ વધે છે, જેમાં વિદ્યાપ્રીતિ એ જ જાણે નર્મદનો સ્થાયી ભાવ છે. પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ તરફ જતાં અચરજ પમાડે એટએટલું નર્મદે વાંચ્યું છે જેમાં બાળમિત્ર, નિત્યાનંદ પરમાનંદનું ભૂગોળ-ખગોળ, ઈસપનીતિ, દાદા દસલીની વાતો, પંચોપાખ્યાન, બોધવચન, લિપિધારા, વ્યાકરણ મોટું ગંગાધર શાસ્ત્રી વાળું અને ગણિત શિક્ષામાળા પ્રથમ ભાગ મુખ્ય છે. નર્મદે અનેક શાળાઓ બદલી છે અને એ નિમિત્તે થતી મુસાફરીને લીધે નર્મદનો પ્રકૃતિપ્રેમ પણ વિકાસ પામતો રહ્યો છે.
નર્મદની સ્મૃતિ પણ કેટલી અદભૂત છે તેનો પરિચય તેણે દોરેલાં પોતાની માતા સાથેના સુરત અને મુંબઇ વારંવાર થતા પગપાળા સફરને વાગોળતા ચિત્રમાં સાંપડે છે. જેમાંનો એક અદભુત પ્રસંગ નર્મદ સતત યાદ કરે છે કે, ‘ મુંબઈથી સુરત આવતાં વલસાડથી જે હવા બદલાતીને એ મને હજુ યાદ આવે છે.. ‘ લેખક નર્મદ અહીં કવિ નર્મદ બની જાય છે.
નર્મદ ખૂબ નિખાલસતાથી કબૂલાત કરે છે કે, ‘હું નાનપણમાં ખૂબ બીકણ હતો એટલે બહુ રમ્યો-કૂદ્યો નથી. વહેમી પણ એટલો હતો કે કોઈનું થૂંક ઊડે તો પણ લોહી ના નીકળી જાય ત્યાં સુધી ઘસઘસ કરતો. કાળકા માનાં મંદિરે દર્શન કરવા જતો અને મારી ભૂલ થઈ ગઈ છે એમ કહીને પોતાને તમાચા મારતો એવો વેવલો પણ હું હતો. બસ લખવું વાંચવું તેનો અભ્યાસ કરવો અને તેનો નિર્મળ આનંદ પ્રાપ્ત કરવો એ જ મારો સ્વભાવ હતો.’ આ જોતાં સમજાય કે પોતાના ભૂતકાળ અને વર્તમાનની તુલના પણ નર્મદ કેટલી સચોટ અને તટસ્થતાથી કરી શક્યા છે. પરંતુ વિદ્યાને ચરણે બેસીને પ્રાપ્ત કરેલા સત્વસંશુદ્ધિ, નિર્મળતા, અભય અને પારદર્શિતા જેવા અમૂલ્ય ગુણોનો ખજાનો નર્મદ પાસે મૃત્યુ પર્યંત અકબંધ રહ્યો હતો.
આ નર્મદ જેટલો આખાબોલો છે એટલો માર્મિક પણ છે. માધ્યમિક શિક્ષણ પૂરું કરી જ્યારે અંગ્રેજી નિશાળમાં ભણવા માટે રહે છે ત્યારે બાળપણની સ્મૃતિઓને વાગોળતાં કહે છે કે, ‘આજે બીજા આનંદ તો થાય છે પણ એ જાતના નહી. એ જાત જ જુદી હતી.’ આવી જ રીતે સમય આગળ ધપતો જાય છે અને નર્મદ કોલેજમાં આવે છે. તારુણ્ય માંથી યુવાનીમાં જતા એનાં મનમાં જે આંદોલન જાગ્યાં છે તેને પણ માર્મિકતા, સચ્ચાઈ અને ચોકસાઈથી નર્મદ મૂકે છે : ‘૧૮૫૦માં મારા જુવાનીના જોસ્સાએ બહાર આવવા માંડ્યું અને મને બૈરાની ગંધ આવવા લાગી.’ પારદર્શિતાની બેનમૂન સીમા નર્મદે અહીં અભિવ્યક્ત કરી છે.
નર્મદનું જીવન ખૂબ ગતિશીલ રહ્યું છે. લગ્ન થતાંની સાથે જ તેની પત્નીને કસુવાવડ થઇ જેના માટે તેણે શબ્દ વાપર્યો છે ‘ત્રણ મહિને અધૂરું ગયું.’ એ પછી એને દીકરી આવી તે પણ મૃત્યુ પામી. પત્ની પણ તેમાં મૃત્યુ પામી. પત્નીપ્રેમ અને નર્મદની વર્ણનકલા અહીં ગંભીર રીતે રજૂ થયા છે : ‘એક વખતે એ બે જીવ વાળી થઈ પોતાને પિયર જતીતી અને રસ્તામાં કાળો નાગ દીઠો. એ ડરી ગઈ અને ત્યારથી જ એને તાવ ચડ્યો કે એ ગઈ! મૂએલો છોકરો હું જ સવારે દાટવા ગયેલો. પણ તેને ખાડામાં મુકતાં એક કુમળું, ગોરું, નાળવાળું છોકરુ મારે જોવામાં આવ્યું એ ચિત્ર મને હજી સાંભરે છે અને ઘરે આવ્યો ત્યાં પત્ની તૈયાર હતી બાળવા માટે! ‘ પોતાનું જ બાળક દાટતાં પિતા નર્મદ હલી ગયો હતો. ગળગળા થઈ જતા નર્મદે નોંધ્યું છે કે, ‘મારી નાતમાં એમ કહેવાતું કે હું મારી પત્નીને બહુ દુઃખ દઉં છું. પણ હું રાત્રે ઘરે મોડો આવતો – કામ પતાવીને – એ સિવાય બીજું કોઈ દુઃખ મેં મારી પત્નીને દીધું નથી. ‘ જોવાની બાબત એ છે કે બાળક, પત્ની, પિતા દરેકના જવા છતાં નર્મદની વિદ્યાપ્રીતિ કે વિદ્યા પ્રત્યેનું કર્મ ક્યાંય અટકતું નથી.
વચ્ચે અગત્યની વાત તેના મોટેરા સમકાલીન કવિ દલપતરામ સાથેની આવે છે. પોતે સારો કવિ છે તેનું પૂર્ણ ભાન હોવા છતાં નર્મદે દલપતરામ પ્રત્યેનો વિવેક કોઈ દિવસ ગુમાવ્યો નહોતો. આ ખાનદાની નર્મદનું આભૂષણ બની રહ્યું.
‘મારી હકીકત’માં સતત એ પણ દેખાય કે એનું સુધારાવાદી વલણ સહજ હતું. એ કોઈ ક્રાંતિકારી કે આંદોલનકારી નહોતો. એકવાર તેને પોતાના ઘરની બારીમાંથી નાતમાં સ્ત્રીઓને ભોજન લેતા જોઈ, જેમાં ગૃહસ્થની સ્ત્રીઓ કાંચળી પહેરીને ભોજન લેતી હતી અને ભિક્ષુક વર્ગની સ્ત્રીઓ કાંચળી વગર ભોજન લેતી હતી. આ બાબતમાં પણ નર્મદે સમાનતા દાખવવા લોકોને જાગૃત કર્યા હતા. પોતે વિધવા વિવાહ કર્યા હતા અને એ પ્રત્યે લોકોને જાગૃત પણ કર્યા હતા. નર્મદની ભાષા તોછડી છતાં સમસંવેદીનશીલ અને પદ્યાત્મક છે. સુરતી બોલીના શબ્દોનો પણ તેમાં ક્યાંક ક્યાંક ઉપયોગ થયો છે.
વિધાતાના લેખ જાણે નર્મદે ભાખી લીધા હોય કે લાંબું આયુષ્યકાળ એના નસીબ માંજ નથી, એટલે ખૂબ નાની ઉંમરથી જીવનને એક લક્ષ્ય પર પહોંચાડવા જાણે તે સતત મથી રહ્યો હતો. એક વખત ધીરાના પદો વાંચતાં વાંચતાં નર્મદને એવું લાગ્યું કે હું પણ આવું કરી શકું છું. ત્યારે નર્મદે પહેલું પદ લખ્યું અને બસ…એને થયું કે એ કવિ થવા જ જન્મ્યો હતો !! શિક્ષકની નોકરી છોડી દીધી અને ગુજરાતી ભાષાનું અવિનાશી વાક્ય ગુજરાતની ધરાને ચરણે ધર્યું – ‘કલમ તારે ખોળે છઉં….’ (સંવત ૧૯૧૧ ભાદરવા સુદ દસમ અને ઈ.સ ૧૮૫૫ના સપ્ટેમ્બરની ૨૧મી..)આમાં નર્મદના સ્પષ્ટ દસ્તાવેજીકરણના પુરાવા મળે છે. વિચારશક્તિ અને તર્કશક્તિને વેગ આપવા બુદ્ધિવર્ધક સભા માં એ જોડાય છે અને પિંગળશાસ્ત્ર શીખે છે.
જીવનમાં નર્મદ પ્રવાસ કરે છે, મિત્રોને મળે છે, ‘નર્મકોશ’નું સંપાદન કરે છે, ‘ડાંડિયો’ પત્ર ચાલુ કરે છે. નર્મદને ભારત પ્રવાસ પર જવું હતું પરંતુ એટલાં નાણાંની સગવડ ન હોતાં એ વિચાર પણ નર્મદે માંડી વાળ્યો અને તેના બદલે પુસ્તકોના સંપાદન તરફ પોતાનું નિશાન તાક્યું.
નર્મદે ઈ. સ ૧૮૬૬માં “મારી હકીકત”ની આત્મકથનાત્મક રચના કરી હતી. જે સૌ પ્રથમવાર ઈ.સ ૧૯૩૧માં ધીરુભાઈ ઠાકર દ્વારા પ્રકાશિત કરવામાં આવી. પછીના વીસ વર્ષનું અહેવાલની પૂરવણીરૂપે નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ ” ઉત્તર નર્મદચરિત્ર્ય” સંપાદિત કર્યું છે.
‘મારી હકીકત’ ના સારાંશ પેટે નર્મદ એક કેળવણીકાર તરીકે ઉપસતો ગયો છે. વિદ્યા પ્રત્યેની પ્રીતિ, કામ કરવાની સાચી રીત, સ્ત્રી-પુરૂષ અંગેના તેના ખ્યાલો, ગહન સંશોધનવૃત્તિ આધુનિક વિચારસરણી અને જીવન પ્રત્યેનો આગવો અભિગમ નર્મદને સાચો મર્દ ઠેરવે છે.
‘સત્યના પ્રયોગો’ પહેલાં, પછીથી ગાંધીજીમાં આશ્રય લેનાર સત્યે નર્મદને પણ પોતાના આરાધક તરીકે પસંદ કરીને એને ગાંધીજીનો સમર્થ પુરોગામી પ્રમાણિત કર્યો છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.