વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

મનોજગતમાં વિહાર

સારું જીવન સારા સંબંધોથી જ બને છે

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)

સામાજિક સંબંધો માણસને સ્વસ્થ અને દીર્ધાયુ બનાવે છે. એકલાપણું ઝેરનું કામ કરે છે. કેટલા મિત્રો છે. તે મહત્વનું નથીસમર્પિત સંબંધોનું મહત્વ છે. સારા સંબંધો શરીર ઉપરાંત મગજને પણ તંદુરસ્ત રાખે છે

જીવનમાં આપણે બધા સ્વસ્થ અને સુખી રહેવા માંગીએ છીએ. તમારે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સમય અને શક્તિનું રોકાણ કરવાનું હોય તો તે તમે શેમાં કરશો ?

લખપતિઓનો એક સર્વે કરાયો કે એમના જીવનનું સૌથી મહત્વનું લક્ષ્ય કયું હતું તો એમાના ૮૦ % લોકોએ કહ્યું કે એમના જીવનનું લક્ષ્ય અમીર બનવાનું હતું. જ્યારે બાકીના લોકોનું લક્ષ્ય પ્રસિધ્ધિ પામવાનું અને નામના મેળવવાનું હતું.

નાનપણથી આપણને એવું જ કહેવામાં આવ્યું છે કે ‘સખત મહેનત કરો’ વધારેમાં વધારે મેળવો. આની પાછળ પડવાથી જ આપણને સારૃં જીવન અને સુખી જીવન પ્રાપ્ત થશે.

જીવનમાં લોકો જ રસ્તા પર ચાલ્યા અને એ રસ્તે તેમને જે મળ્યું તે સમગ્ર જીવનની તસ્વીરો મળવી મુશ્કેલ છે. તમે સફળ વ્યકિતઓને પૂછશો કે તરુણાવસ્થામાં તેઓ ક્યા સિધ્ધાંતો અને માર્ગો પર ચાલ્યા તો મોટાભાગના લોકોને તેમના જીવનની ઘટમાળ યાદ નહીં હોય અથવા ક્યારેક વધારે પડતા ફીલોસોફીકલ બની જઈ જવાબ આપવા લાગશે.

પણ જો આપણે વ્યકિત કિશોરાવસ્થાથી જેમ જેમ વૃધ્ધાવસ્થા તરફ આગળ વધતો ગયો તેમ તેમ તેના જીવનની ઘટમાળનો તેના સ્વાસ્થ્યનો અને સુખ દુ:ખનો અભ્યાસ કરી શકીએ તો પરિસ્થિતિનું સાચું મુલ્યાંકન મેળવી શકીએ.

હાર્વર્ડ યુનિવર્સીટી દ્વારા વયસ્કોના જીવન પર સૌથી લાંબામાં લાંબુ અધ્યયન કરવામાં આવ્યું. આ અધ્યયનમાં ૭૨૪ લોકોના જીવન પર ૭૫ વર્ષ સુધી નજર રાખવામાં આવી. પ્રત્યેક વર્ષ એમના કામના વિષયક, એમના ગૃહજીવન, સ્વાસ્થ્ય વગેરે વિશે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવી એ જાણ્યા વગર કે એમનું જીવન કઈ દિશામાં વળાંક લેશે.

આ પ્રકારના સંશોધનો ભાગ્યે જ થાય છે અને તે એકાદ દશકથી વધારે સમય માટે ચાલતા નથી. હાર્વડ યુનિવર્સીટીએ કરેલા ૭૨૪ લોકોના આ અધ્યયનમાંથી ૬૦ લોકો હજી જીવીત છે. અને તેમની ઉંમર ૯૦ વર્ષ કરતાં વધારે થઈ છે. હાલમાં એમના ૨૦૦ થી વધારે સંતાનો સાથે અધ્યયન ચાલુ છે.

આ અધ્યયનની શરૃઆત ૧૯૩૮માં થઈ. જેમાં બે જૂથોને સામેલ કર્યા. પહેલું જૂથ એવા લોકોનું હતું જે હાર્વડ યુનિવર્સીટીમાં નવું નવું આવ્યું હતું. એ બધાએ કોલેજનો અભ્યાસ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન પૂરો કર્યો. જેમાંના મોટા ભાગના લોકોએ યુધ્ધમાં ભાગ લીધો અને બીજું જૂથ બોસ્ટનની ગરીબ વસ્તીના યુવાનોનું હતું જેઓ સમસ્યાવાળા અને અછત અનુભવતા કુટુંબમાંથી આવી રહ્યા હતા. જેઓ ૧૯૩૦ થી બોસ્ટનની ઝૂપડપટ્ટીમાં જ રહેતા હતા.

અધ્યયનમાં સામેલ કરાયેલ દરેક કીશોરોના મૌખિક પ્રશ્નાવલી દ્વારા સવિસ્તર ઇન્ટરવ્યુ લેવાયા. એમના શારીરિક સ્વાસ્થ્યની તપાસ કરાઈ, એમના કુટુંબીજનો અને પાલકોના ઇન્ટરવ્યુ લેવાયા. આ કીશોરો મોટા થતા ગયા. કેટલાક વકીલ, ડોક્ટર, કલાર્ક કે મિલ મજૂર બન્યા. તેમાંથી એકતો અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. કેટલાક લોકો શરાબી બન્યા તો કેટલાકને માનસિક બીમારી થઈ ગઈ. કેટલાક લોકો ટોચ પર પહોંચ્યા તો કેટલાક ભોંય પર પટકાયા.

અધ્યયનની પરિકલ્પના કરવાવાળાઓએ સ્વપ્નામાં પણ વિચાર્યુ નહોતું કે ૭૫ વર્ષ પછી એ આ જગ્યાએ પહોંચ્યા હશે. હજી પણ અધ્યયન ચાલુ છે. પ્રત્યેક વર્ષે સંશોધક ટીમ તરફથી જીવીત લોકોને પ્રશ્નાવલીનો સેટ મોકલવામાં આવે છે.

બોસ્ટન શહેરના કેટલાક વિસ્તારમાંથી લોકો પૂછે છે. તમે મારા જીવન વિશે આટલો ઉંડાણમાં અભ્યાસ શા માટે કરો છો ? મારા જીવનમાં એવું કંઈ જ નથી. પરંતુ હાર્વર્ડના લોકો આવા કોઈ પ્રશ્નો કરતા નથી.

આ લોકોના જીવનની સ્પષ્ટ છબી મેળવવા માટે એમને માત્ર પ્રશ્નોને સેટ જ મોકલવામાં નથી આવતો એમના ઘરમાં એમના લીવીંગ રૃમમાં જઈ એમની સાથે ઇન્ટરવ્યુ કરવામાં આવે છે. એમના ડોક્ટર્સ પાસેથી એમના સ્વાસ્થ્યનો પૂરો રેકોર્ડ લેવામાં આવે છે. એમના બાળકો સાથે વાતો પણ કરવામાં આવે છે. એમની પત્નીઓ સાથે દામ્પત્ય જીવન વિષયક ચર્ચા કરતી એમની વિડીયો પણ ઉતારાય છે.

તો આ અધ્યયનથી શું શીખ્યા ? હજ્જારો પાનાના અધ્યયન આ લોકોના જીવનમાંથી શીખવા મળ્યું એ ઘણું મહત્વનું છે.

૭૫ વર્ષના સંશોધનથી સ્પષ્ટ પણે જણાયું છે કે ધન- સંપતિ, નામ, કે સખત મહેનત વ્યકિતને સુખ નથી આપતું પણ સારા સંબંધો જ વ્યકિતને સ્વાસ્થ્ય અને ખુશી આપી શકે છે.

હાર્વર્ડ યુનિવર્સીટીના ૭૫ વર્ષના સુખ શેમાંથી મળે છે. તેના પરના આ સંશોધન પરથી સંબંધોના વિષયમાં ત્રણ મહત્વની વાતો શીખવા મળી છે.

પહેલી શીખ છે. સામાજિક સંબંધ આપણા માટે વાસ્તવમાં સારા છે અને એકલાપણું વ્યકિતને ખતમ કરી નાંખે છે. જે લોકો સામાજિક રૃપથી પરિવાર સાથે, દોસ્તો સાથે કે સમાજ સાથે વધારે જોડાયેલા રહે છે. તે વધારે ખુશ રહે છે. એ લોકો વધારે સ્વસ્થ રહે છે અને વધારે લાંબા સમય સુધી જીવે છે. એકલાપણું ઝેરનું કામ કરે છે. જે લોકો- સામાજિક સંબંધોથી કપાયેલા રહે છે તેઓ નારાજ અને કડવા બની જાય છે. અને આઘેડ વયમાં જ તેમનું સ્વાસ્થ્ય જલ્દીથી કમજોર થઈ જાય છે. એમનું મગજ પણ ધીરે ધીરે ઓછું કામ કરતું થઈ જાય છે. દર પાંચમાંથી એક વ્યકિત એકલો છે.

માણસ ભીડમાં પણ એકલો હોઈ શકે છે. પરણેલો હોવા છતાં પણ એકલો હોઈ શકે છે. એટલે બીજી મહત્વની વાત એ છે કે કેટલા મિત્રો છે તે મહત્વનું નથી ‘સમર્પિત સંબંધો’વાળો એક દોસ્ત પણ કાફી છે. દોસ્ત સાથેના તમારા સંબંધોની ગુણવત્તા અને નિકટતા મહત્વ ધરાવે છે. કંકાશયુક્ત વૈવાહિક જીવન કરતાં છૂટા છેડાવાળું એકાકી જીવન ક્યારેક વધારે સારૃં પુરવાર થાય છે. સ્વાસ્થ્ય માટે સારા, ઉષ્માભર્યા અને ધનીષ્ઠ તથા સલામત સંબંધો જરૃરી છે.

જે લોકોનું કોલેસ્ટેરોલ કે બ્લડસુગર ૫૦ વર્ષની ઉંમરે વધારે હતું તે લોકો ૮૦ વર્ષની ઉંમરે એવા લોકો કરતાં વધારે સ્વસ્થ્ય હતા જેમના નિકટતમ સંબંધો કે દામ્પત્યજીવન કલેશયુક્ત હતું.

સંધિવા, બ્લડપ્રેશર, માનસિક બીમારી જેવા રોગો ૮૦ વર્ષની ઉંમરે પણ નિકટતમ સંબંધો રાખતા લોકોમાં ઓછા હતા.

ત્રીજી મહત્વની શીખ એ મળી કે સારા સંબંધો શરીર ઉપરાંત મગજને પણ તંદુરસ્ત રાખે છે. જે લોકો પાસે સમય પર કામ આવે એવા સાથી હોય છે. તેઓની યાદદાસ્ત ૮૦ વર્ષની ઉંમરે પણ સતેજ રહે છે. એકબીજા સાથે લડતા- ઝઘડતા અને એકબીજા પર ભરોસો ન કરતા યુગલોની યાદદાસ્ત પણ વહેલી ખલાસ થઈ ગયેલી જણાઈ.

આ અધ્યયનનો એ સંદેશ છે કે આપણા સ્વાસ્થ્ય અને કુશળતા માટે સારા સંબંધો હોવા જરૃરી છે. જે લોકોએ યુવાવસ્થામાં ધન, કીર્તી અને નામ કમાવવામાં સમય અને શક્તિ આપી તેના કરતાં જે લોકોએ સંબંધોને, પરિવારને, દોસ્તોને સમાજને સમય અને શક્તિ આપ્યા તે મોટી ઉંમરે પણ વધારે સ્વસ્થ્ય અને ખુશ રહ્યા તે ૭૫ વર્ષના આ સર્વેનું તારણ છે.

ન્યુરોગ્રાફ :

જીવન બહુજ ટૂંકું છે. એમાં અન્યની બુરાઈ કરવાનો કે જીવબળે એવી વાતો કરવાનો સમય નથી. એમાં માત્ર પ્યાર કરવા માટે જ સમય છે.


 

ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: