દીપક ધોળકિયા

ભારતના ઇતિહાસમાં ૧૮૫૭નું વર્ષ એક સીમાચિહ્ન છે. પહેલી જ વાર દેશના સામાન્ય પ્રજાજનો અને રાજવીઓ, ખેડૂતો અને જમીનદારો, હિન્દુઓ અને મુસલમાનો એક થઈને લડ્યા. જનતાના દરેક વર્ગને અંગ્રેજોથી અસંતોષ હતો.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે રાજ્યોની સ્થિતિ | ચિત્ર સૌજન્યઃ https://commons.wikimedia.org/wiki/File:Indian_revolt_of_1857_states_map.svg

૧૮૫૭નો મુખ્ય તખ્તો તો ઉત્તર ભારતમાં હતો, પરંતુ વિદ્રોહની આગ બીજા પ્રાંતો સુધી અને રજવાડાંની સામાન્ય વસ્તી સુધી પણ પહોંચી ગઈ. એની વ્યાપકતા એટલી બધી હતી કે દેશના ખૂણે ખૂણે લોકોએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યાં. પરંતુ આયોજનનો અભાવ હોવાથી કોઈ એક સમયે બધી જગ્યાએ વિદ્રોહ એક સાથે શરૂ ન થયો. પરંતુ જેમ જેમ એની હવા ફેલાતી ગઈ તેમ તેમ લોકો એમાં જોડાતા ગયા. અસંખ્ય લોકો યુદ્ધના મેદાનમાં માર્યા ગયા, અથવા કેદ પકડાયા અને પછી અંગ્રેજોએ એમને કાં તો તાબડતોબ ઝાડેથી લટકાવીને ફાંસીની સજા કરી અથવા તોપને નાળચે બાંધીને ઉડાવી દીધા. કેટલાયને કાળા પાણીની સજા કરીને આંદામાન ટાપુ પર મોકલી દીધા. જ ત્યાં ગયા તેમાંથી કોઈ પાછો ન આવી શક્યો. ત્યાં એમના પર એટલા સિતમ થયા કે મોટા ભાગના ત્યાં પહોંચ્યા પછી બે મહિનાથી માંડીને છ મહિનાની અંદર મૃત્યુ પામ્યા. ભાગ્યે જ કોઈ એવા હતા કે જે દસ મહિના કે તેથી વધારે જીવ્યા.

આપણે ૧૮૫૭ના કેટલાય વીરોની કથાઓ જાણીએ છીએ –  મંગલ પાંડે, બહાદુર શાહ ઝફર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે, કુંવર સિંહ,  અઝીમુલ્લાહ ખાન વગેરે.એમની કથાઓ વારંવાર કહેવાતી રહેવી જોઈએ અને હું પણ જરૂર કહીશ. પરંતુ મારો મુખ્ય ઉદ્દેશ અનામી વીરોની કથાઓ કહેવાનો છે, જે આપણા સુધી પહોંચી નથી. કારણ કે આપણ એ તો જાણીએ છીએ કે બહાદુર શાહ ઝફરને વિદ્રોહીઓએ હિન્દનો શહેનશાહ જાહેર કર્યો, અથવા કદાચ એ પણ જાણીએ છીએ કે મેરઠથી દિલ્હી આવેલા વિદ્રોહી હિન્દુસ્તાની સિપાઈઓએ એને શહેનશાહ જાહેર કર્યો. પણ એ સિપાઈઓ કોણ હતા, તે તો આપણે ચોક્કસ નથી જાણતા.

(સંદર્ભઃ

આના માટે મેં ભારત સરકારે પ્રસિદ્ધ કરેલી DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947)ના ચાર ભાગોની મદદ લીધી છે. પહેલો અને બીજો ભાગ બબ્બે ગ્રંથોનો  બનેલો છે, એટલે ખરેખર તો ભાગ છે. ગ્રંથોમાં અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે શહીદોને મૂક્યા છે એટલે ૧૮૫૭ના શહીદો, ૧૮૬૦, ૧૮૯૯, ૧૯૦૫, ૧૯૧૫, ૧૯૩૦ અને ૧૯૪૨ના શહીદોનાં નામ ક્રમસર મળે છે. પરંતુ સિવાય પણ શહીદ તો દર વર્ષે થયા! એટલે ૧૮૫૭ના શહીદોને અલગ કર્યાએમાંથી લડાઈમાં કેટલા માર્યા ગયા, કેટલાને ફાંસી અપાઈ, આંદામાન કોણ ગયા બધી વિગતો તારવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય ઇતિહાસ સંશોધન પરિષદે સંયુક્ત રીતે પ્રદેશવાર તૈયાર કરેલા ગ્રંથો ૨૦૧૦થી માંડીને ૨૦૧૬ વચ્ચે અલગ અલગ પ્રકાશિત થયા છે અને http://www.archive.org પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે).

ગ્રંથોના મુખ્ય સંપાદક સ્પષ્ટ કહે છે કે હજી પણ ઘણાં નામો બાકી રહી ગયાં હોય તેવું બની શકે છે. (મારા તરફથી પણ સ્પષ્ટતા જરૂરી છે કે ગ્રંથોનો ઉપયોગ કરતાં મેં પણ કોઈ નામ છોડી દીધાં હોય તે શક્ય છે). મુખ્યત્વે તો અંગ્રેજોની અદાલતો કે લશ્કરના દસ્તાવેજોનો આધાર લીધો છે પરંતુ અંગ્રેજોએ પોતાનાં કરતૂતો છુપાવવા માટે રિપોર્ટ જ ન કર્યા હોય એ પણ શક્ય છે. છેવટે તો વિજેતાઓના હાથમાં બધું હોય.

બીજી એ પણ ચોખવટ જરૂરી છે કે દરેક પ્રદેશમાં અંગ્રેજી ફોજ હતી અને સિપાઈઓએ દરેક જગ્યાએ નોકરીને ઠોકરે ચડાવીને બળવો કર્યો હતો એટલે, દાખલા તરીકે, ગુજરાતની વાત કરીએ ત્યારે એ  શહીદ ગુજરાતી ન પણ હોય, માત્ર લશ્કરની સેવા માટે એને ગુજરાત મોકલ્યો હોય. આ બધું અલગ તારવવું મુશ્કેલ છે કારણ કે ગ્રંથની ટીમને પણ ઘણા શહીદો, અને ખાસ કરીને, ફોજના સિપાઈઓનાં મૂળ વતનની માહિતી નથી મળી શકી. (અંગ્રેજી ફોજમાં હિન્દુસ્તાનીઓને સિપાઈ કહેતા. એમને એનાથી ઉપર કોઈ હોદ્દો ન અપાતો).

આવા ઘણા વીરો ખરેખર જ અનામ રહ્યા છે. આપણે અહીં જેમની વિગતો આપી શકાઈ છે તેમને અને જેમની વિગતો નથી મળી શકી એ સૌને વંદન કરીએ.

આવતા અંકમાં હું ગુજરાતથી શરૂઆત કરીશ.

૦૦૦

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી