પુસ્તક પરિચય વિશેષ

બીરેન કોઠારી

‘હવે જમાનો ઈ-બુક્સનો છે.’

‘છપાયેલાં પુસ્તકોનું ભવિષ્ય ધૂંધળું છે.’

‘વાંચનની આદત દિન બ દિન ઘટી રહી છે.’

આવાં વિધાનો ઘણા સમયથી સાંભળવા મળે છે, જે કેવળ ગુજરાતી કે ભારતીય નહીં, પણ તમામ ભાષાનાં પુસ્તકોને લાગુ પડે છે. આ સમસ્યા સમગ્ર વિશ્વની છે. આમ છતાં, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ઈન્‍ગ્લેન્‍ડમાં પ્રકાશિત થયેલા એક પુસ્તકે તેના પ્રકાશનના દિવસે જ ચાર લાખ નકલોના વેચાણનો વિક્રમ નોંધાવ્યો છે. કયું છે એ પુસ્તક? અને કોણ છે એના લેખક?

પુસ્તકનું નામ છે ‘સ્પેર’. તેમાં સંસ્મરણો આલેખાયેલાં છે અને આલેખક છે પ્રિન્‍સ હેરી. આ પુસ્તકના વેચાણના સતત વધતા જતા આંકે સૌને અચંબામાં મૂકી દીધાં છે. એવું તો શું છે આ પુસ્તકમાં કે લોકો તેને વાંચવા માટે આટલા ઉત્સુક છે?

તસવીર – નેટના સૌજન્યથી

બ્રિટનનો શાહી પરિવાર ત્યાંના લોકોમાં ઘણો આદરપાત્ર ગણાય છે. અતિ મર્યાદિત સત્તા હોવા છતાં, શાહી પરિવારની વ્યક્તિ રાષ્ટ્રના વડાનું સ્થાન શોભાવે છે. શાહી પરિવારની ગતિવિધિઓ અને તેમની અંગત બાબતો અંગે જાણવા લોકો સતત ઉત્સુક રહે છે, કેમ કે, શાહી પરિવાર પોતાની ફરતે રહસ્યનું આવરણ સદાય રાખે છે. વખતોવખત પ્રાપ્ત થતી અતિ મર્યાદિત જાણકારી લોકોની જિજ્ઞાસાને સંતોષવાને બદલે ઓર ઉત્તેજે છે. આ સમજવા એક ઉદાહરણ પૂરતું થઈ પડશે. શાહી નિવાસ એવા વિન્‍ડસર કેસલમાં હાઉસકીપરની જગ્યા માટે એક જાહેરખબર પ્રકાશિત કરવામાં આવેલી. સપ્તાહના પાંચ દિવસના આ કામ માટેનું આરંભિક વેતન હતું ભારતીય ચલણ મુજબ આશરે સાડા અઢાર લાખ રૂપિયા. પસંદગી પામેલા ઉમેદવારને એક વરસના તાલિમી સમયગાળા દરમિયાન કામ શીખવવામાં આવશે અને એક વરસ પછી તેને કાયમી કરવામાં આવશે.

આવી જાહેરખબર લોકોમાં ઉત્સુકતા પેદા ન કરે તો જ નવાઈ! શાહી પરિવાર અંગ્રેજોના રોજિંદા જીવનના એક હિસ્સા સમાન છે. શાહી પરિવાર વિશે તેમનો આદર તેમજ તેમના વિશેની જિજ્ઞાસાને કારણે બ્રિટનનાં અનેક અંગ્રેજી અખબારોમાં ‘શાહી પ્રતિનિધિ’ને નીમવાની પ્રથા ચલણી બની. અલબત્ત, ક્યારેક આ પત્રકારો પોતાની મર્યાદા ઓળંગીને શાહી પરિવારની વધુ પડતી અંગત વિગતો પ્રકાશમાં લાવતા, છતાં એકંદરે આ પ્રણાલિ સ્વિકૃત બની.

પ્રિન્‍સ હેરીના પિતા એટલે કે વર્તમાન રાજા ચાર્લ્સ અને માતા ડાયના એક સમયે સૌથી લોકપ્રિય જોડી મનાતી હતી, પણ બહુ ઝડપથી તેમના લગ્નજીવનમાં ખટરાગ શરૂ થયો. ૧૯૯૬માં પંદર વર્ષના તેમના લગ્નજીવનનો અંત આવ્યો ત્યારે વિલીયમ અને હેરી એમ બે પુત્રસંતાનો તેમને હતાં. લગ્નવિચ્છેદ પછી એક જ વરસમાં એક અકસ્માતમાં ડાયનાનું મૃત્યુ થયું. એ વખતે બન્ને સંતાનો માતાનું શબ જેમાં મૂકાયેલું હતું એ કૉફીનની પાછળ હતા. તેમના બાળમન પર શી વીતી રહી હશે એ કલ્પનાથી લોકો સ્તબ્ધ થઈ રહ્યા હતા. ડાયનાની વિદાય પછી આઠ વરસે પ્રિન્‍સ ચાર્લ્સે કેમિલા પાર્કર સાથે લગ્ન કર્યું. આમ, બન્ને સંતાનોનું બાળપણ સતત તાણભર્યા સંજોગોમાં વીત્યું. માતાની વિદાયના શોકને પગલે હેરી બેફિકર અને અમુક અંશે બેજવાબદાર બની રહ્યો. પોતાના ક્રોધ સાથે, પોતાની એકલતા સાથે તેણે સતત સંઘર્ષ કરવો પડતો. તેનો શાળાકાળ આ સંઘર્ષમાં જ વીત્યો. એકવીસની વયે તે બ્રિટીશ સૈન્યમાં જોડાયો. અહીં તે શિસ્તબદ્ધ જીવનમાં પલોટાયો અને પરિવારમાં તેની ઓળખ બની. પણ એ સમયગાળો લાંબો ન ચાલ્યો. તેને હતાશાના હુમલા આવતા. સાચા પ્રેમની તલાશ તેને સતત રહેતી. એવે સમયે તેના જીવનમાં મેગનનું આગમન થયું, જે એક અમેરિકન અભિનેત્રી હતી. એ બન્નેનું પ્રેમપ્રકરણ પ્રસાર માધ્યમોમાં અવારનવાર ચમકતું. તેનો અતિરેક થવા લાગ્યો એટલે હેરીને લાગ્યું કે ઈતિહાસનું ક્યાંક પુનરાવર્તન ન થાય. પોતાની માતા ડાયનાના મૃત્યુ માટે પ્રસાર માધ્યમો નિમિત્ત હોવાનું તે માનતો હતો, જે બાબત ઘણા અંશે સાચી હતી. આખરે તેણે બ્રિટન પાછા આવવાનું પસંદ કર્યું.

નાની વયથી જીવનની અનેક ચડતીપડતી જોઈ ચૂકેલા પ્રિન્‍સ હેરી પોતે પોતાનાં સંસ્મરણો આલેખે અને લોકોને એમાં રસ ન પડે તો જ નવાઈ! પરિવારના અનેક સભ્યોની પ્રતિષ્ઠાને આ આલેખનથી નુકસાન થયું હશે, પણ પુસ્તકને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે. એ હકીકત નોંધવી રહી કે અંગ્રેજોનો શાહી પરિવાર પ્રત્યેનો આદર લગભગ અકબંધ રહ્યો છે.

એક અહેવાલ અનુસાર પ્રકાશકગૃહ ‘પેન્‍ગ્વિન રેન્‍ડમ હાઉસ’ તરફથી પ્રિન્‍સ હેરીને ૧૬૪ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. કહેવાય છે કે પેન્‍ગ્વિને પુસ્તકના પ્રકાશનનો તમામ ખર્ચ સરભર કરવા માટે તેર લાખ નકલનું વેચાણ કરવાનું હતું. આ આંકડો ક્યારનો પાર થઈ ગયો છે. વિવિધ પ્રકારના વિશ્વવિક્રમોની નોંધ રાખતી ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’ અનુસાર આ પુસ્તક સૌથી ઝડપી વેચાયેલા નોન-ફિક્શન પુસ્તકનો વિક્રમ સર્જી ચૂક્યું છે.

આ પુસ્તકના જંગી વેચાણથી વાંચનનો પ્રભાવ વધ્યો છે, યા પુસ્તકોનો યુગ પાછો આવી રહ્યો છે કે કેમ એ નક્કી કરી શકાય એમ નથી. એટલું નક્કી છે કે જાહેર જીવનમાં મોટા અને આદરણીય ગણાતા લોકો પણ આખરે માણસ છે, અને એક સામાન્ય માણસને નડે એ બધી જ સમસ્યાઓ તેમના જીવનમાં પણ હોય છે એ બાબત લોકો જાણવા ઈચ્છે છે. ભલભલી સુવિધાઓ વચ્ચે પણ તેઓ આખરે એક સામાન્ય માણસની જેમ જ ઝઝૂમતા હોય છે એ જાણવું ઓછું આશ્વાસનપ્રેરક નથી. જમાનો ગમે એટલો આગળ વધે, માણસને માણસના જીવનમાં રસ પડતો આવ્યો છે અને પડતો રહેશે એ બાબત આ પુસ્તકના વિક્રમજનક વેચાણ થકી વધુ એક વાર પુરવાર થાય છે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)