વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • બાળ ગગન વિહાર – મણકો (૨૨) – વાત અમારી દાદીમા (સાહીરા)ની

    શૈલા મુન્શા

    “માનવી ભાળી અમથું અમથું
    આપણું ફોરે વ્હાલ;
    નોટને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ!”

    – મકરંદ દવે

    મકરંદભાઈ જેવા આધ્યાત્મિક અને અલગારી કવિની આ પંક્તિ અમારા આ અનોખા બાળકો માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગે છે.

    દાદીમા શબ્દ વાંચી ને ચમકી ગયાને!!!

    તમે વિચારતા હશો કે  અરે! બાળકોની વાત કરતાં કરતાં આ દાદીમા ક્યાંથી આવી ગયા? ભાઈસા’બ જરા તમારા વિચારોની લગામને કાબુમાં રાખો. આ કોઈ મારા કે તમારા દાદીમાની વાત નથી, પણ અમારી સાહીરા જેનો રૂઆબ કોઈ દાદીમાથી ઓછો ઉતરતો નથી, આજે એની વાત કરવી છે.

    સાહીરા પાંચ વર્ષની થઈ અને અમારા ક્લાસમાં આવી. બાંગલાદેશ એમનુ વતન. માતા પિતા થોડા વર્ષોથી અમેરિકા આવી વસ્યા હતા. એમને બે દીકરી એમાં મોટી તાહીરા એમની સાથે આવી હતી અને નાની દીકરી સાહીરા બાંગલાદેશ દાદા દાદી પાસે હતી. તાહીરા ખૂબ તેજસ્વી, બે વર્ષથી અમારી સ્કૂલમાં આવતી હતી. હું રોજ એને બસમાંથી ઉતરતા જોઉં. વિનય સભર, હસમુખો ચહેરો અને રોજ હસીને ગુડ મોર્નીગ કહે. એટલી અમારી ઓળખાણ. તાહીરા ચોથા ધોરણમાં અને ક્લાસમાં એની ગણત્રી હોશિયાર વિદ્યાર્થીઓમાં થાય.

    બીજા વર્ષે એની બહેન સાહીરા આવી. આટલા વર્ષો સાહીરા બાંગ્લાદેશ એના દાદા, દાદી પાસે હતી, એટલે લગભગ પાંચ વર્ષની થઈ ત્યારે સ્કૂલમાં આવી. દાદા દાદીના લાડ પ્યાર અને ઘરમાં પણ સહુથી નાની એટલે બધું એનુ ધાર્યું જ થાય. સાહીરાને  પહેલે દિવસે ઓફીસ રજીસ્ટાર અમારા ક્લાસમાં લઈ આવી. સાહીરા બહુ બોલતી નહિ પણ થોડી ગોળમટોળ અને ચહેરા પરથી જ લાગે એનુ ધાર્યું કરવાવળી છે. Autistic child એટલે અમારા દિવ્યાંગ બાળકોના ક્લાસમાં  દાખલ કરી.

    બાંગ્લાદેશમાં એ કોઈ સ્કૂલમાં ગઈ નહોતી અને અમેરિકામાં બાળક જન્મતાની સાથે જ જેટલા ટેસ્ટ, શારીરિક તપાસ થાય એટલી બાંગ્લાદેશમાં થાય નહિ એટલે સાહીરાની બીજી કોઈ વિશેષ માહિતી નહોતી. દેખાવમાં સામાન્ય બાળકી જેવી લાગતી સાહીરા દાદા દાદીના લાડમાં મોટી થઈ હતી અને વાચા પૂરી ખુલી નહોતી એટલો જ ઘરમાં સહુને ખ્યાલ હતો.  સામાન્ય રીતે જે પણ બાળક અમારા ક્લાસમાં આવે ત્યારે એમની માનસિક પરીસ્થિતિનો ચિતાર પેપરમાં હોય અને એ પ્રમાણે એમને સ્પીચ કે ફીજીકલ ટ્રેઈનીંગની સગવડ મળે.

    અમેરિકાની સ્કૂલમાં આ બધા નિયમો જરા સખ્તાઈથી પાળવામાં આવે છે, એટલે સાહીરાના દાખલ થવાની સાથે જ સ્કૂલની નર્સ, સાયકોલોજીસ્ટ, અમારા અભિપ્રાયની નોંધ કરી બધી માહિતી સાથે ડોક્ટરોના બધા ટેસ્ટ સાથે સાહીરાની ફાઈલ તૈયાર કરવામાં આવી.

    પહેલે દિવસે સાહીરાને લેવા બપોરે એની બેન તાહીરા આવી, એને જોતા જ ઓળખી ગઈ કારણ દરરોજ એને બસમાંથી ઉતરતા હું જોતી અને એ પણ મને ઓળખતી. મને જોઈ એને જરા નિંરાત થઈ. સાહીરા રડી કે નહિ વગેરે મને પુછવા માંડી. મે કહ્યું તુ ચિંતા ના કર એ તો બધા સાથે ભળી ગઈ છે અને અમને પણ એક જ દિવસમાં બીજાનો ખ્યાલ રાખવાનુ એને ગમે છે એ દેખાઈ આવ્યું છે.

    સાહીરાના રુઆબનો પણ અમને જલ્દી જ પરચો મળી ગયો. સાહીરાને ક્લાસમાં બધું બરાબર એની જગ્યા એ જોઈએ. બોલે ઓછું પણ જાણે બધા પર હુકમ ચલાવતી હોય એવા એના હાવભાવ. ક્લાસના બધા બાળકોમાં અમારા નાનકડા ગ્રેગરીની જાણે મોટી બહેન હોય એમ એની આગળ પાછળ જ ફરે. અમે ગ્રેગરીને કાંઈ કહીએ તે પહેલા એ દોડીને ગ્રેગરી પાસે પહોંચી જાય.

    રમત ના મેદાનમાં પણ પોતે રમવાને બદલે ગ્રેગરીને રમાડવામાં જાણે એને વધારે મજા આવે. ગ્રેગરી પણ એવો જ રમતિયાળ અમેરિકન બાળક. ગોરો ગોરો ને સુંવાળા ગાલ. સાહીરા એની બધી વસ્તુનુ ધ્યાન રાખે, જાણે ચોવીસે કલાક એની નજર ગ્રેગરી પર જ હોય. એ જો રમકડું ફેંકી દે તો દોડીને લઈ આવવાનુ જમતી વખતે એનુ ધ્યાન પોતાના જમવા કરતાં હું ગ્રેગરીને બરાબર જમાડું છું કે નહિ, એના પર જ એની નજર હોય!

    એક દિવસ ખરી મજા આવી.

    કાફેટેરિઆમાંથી બાળકોને જમાડી અમે ક્લાસમાં પાછા આવતા હતા. હું ગ્રેગરીનો હાથ પકડી સહુથી આગળ ચાલતી હતી વચ્ચે બધા બાળકો ને લાઈનમાં ચલાવવાનો અમે પ્રયાસ કરતા હતા એટલે સમન્થા સહુથી છેલ્લે હતી. ગ્રેગરીનુ પેટ ભરાયેલુ હતું એટલે એ ભાઈ પણ ગેલમાં હતા. કુદકા મારી મારી ને ચાલતા ગ્રેગરીનો હાથ મેં ગમ્મત માટે છોડ્યો અને એને જરા દોડવા દીધો. દડબડ દોડતા ગ્રેગરીનો પગ જરા લથડ્યો અને હું હાથ ઝાલવા જાઉં એ પહેલા તો સાહીરાએ પાછળથી દોડતા આવી ને ગ્રેગરી ને પકડી લીધો અને મારી સામે એવી રીતે ગુસ્સા ભરી નજરે જોવા માંડી જાણે હમણા  ને હમણા મને વઢી નાખશે.

    ઘરના દાદીમાનો ગુસ્સો જાણે નવી આવેલી વહુથી કાંઇ ભુલ થઈ જાય ને સાતમા આસમાને જાય એમ અમારી ત્રણ ફૂટની સાહીરાનો ચહેરો જોવા જેવો હતો.

    સમન્થા અને મારૂં હસવું રોકાતું નહોતુ. અમે બન્ને સાથે બોલી ઉઠ્યા, ” આ તો આપણી પણ દાદીમા છે.”

    આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં એક વાત ખાસ મારા ધ્યાનમાં આવી છે કે આ બાળકો કોઈપણ સામાન્યા બાળક કરતાં સહેજ પણ ઉતરતા નથી એમની સમજણ શક્તિએ અમને અવારનવાર ચકિત કરી દીધાં છે અને યોગ્ય માર્ગદર્શન, કેળવણી એમના જીવનને જરુર ઉન્નતિના માર્ગે લઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

    આ દિવ્યાંગ બાળકોની પ્રગતિમાં, એમના ચહેરા પર આનંદ લાવવામાં હું મારી જાતને ધન્ય માનુ છું, એ ખુશી મને જીવવાનુ નવું બળ આપે છે. મકરંદભાઈની પંક્તિઓ સાર્થક લાગે છે,

    “નોટને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ!”

    – મકરંદ દવે


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • જાડો, પાતળો, લાંબો, ટૂંકો જેવા શબ્દો અસંસ્કારી ગણાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સાહિત્ય શાશ્વત છે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય નહીં, તેમ એ પોતાના સમયનું પ્રતિબિંબ છે કે કેમ એ પણ કહી શકાય એમ નથી. બિલકુલ એ જ રીતે કઈ કૃતિ કે લેખક કયા કારણથી સફળ થશે કે કેમ એ બાબત પણ અનિશ્ચિત હોય છે. પોતાના સમયમાં અતિશય લોકપ્રિય બની રહેલી કૃતિનું મૂલ્યાંકન સમયાંતરે થતું રહે છે, પણ પ્રત્યેક સમયમાં તે ભાવકોને આકર્ષી ન શકે એમ બને. આનું કારણ એ કે પ્રત્યેક કૃતિ સાથે વાચકોની જે તે પેઢીનું ચોક્કસ અનુસંધાન હોય છે.

    વીસમી સદીમાં થઈ ગયેલા બાળકથાઓના ખ્યાતનામ લેખક રોઆલ્ડ ડાહલ પોતાની ‘મટીલ્ડા’, ‘ચાર્લી એન્‍ડ ધ ચોકલેટ ફેક્ટરી’, ‘જેમ્સ એન્‍ડ ધ જાયન્‍ટ પીચ’, ‘ફેન્‍ટાસ્ટિક મિ.ફોક્સ’, ‘બીલી એન્‍ડ ધ મીનપીન્‍સ’, ‘ધ વીચીઝ’ સહિત અનેક કૃતિઓથી જાણીતા હતા. વાર્તામાં આવતાં વિવિધ પાત્રોનાં વર્ણન વિશિષ્ટ રહેતાં. ૧૯૯૦માં થયેલા તેમના અવસાન પછી પણ તેમનાં પુસ્તકો હજી બહોળા પ્રમાણમાં વંચાઈ રહ્યાં છે. હવે તેમના પુસ્તકોના પ્રકાશક ‘પફીન બુક્સ’ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ ડાહલનાં પુસ્તકોમાં ‘કેટલાક નાના અને કાળજીપૂર્વકના’ ફેરફાર કરવામાં આવ્યા છે. વંશીય ટીપ્પણી, વર્ગભેદ કે લિંગભેદનો યા અન્ય કોઈ પણ માટે અપમાનજનક હોવાનો અણસાર આપતા હોય એવા શબ્દો કે વાક્યોને બદલવામાં આવ્યાં છે. ભલે અંગ્રેજીમાં હોય, પણ આ ફેરફારના બે-ત્રણ નમૂના જાણવા જેવા છે. ‘ચાર્લી એન્‍ડ ધ ચોકલેટ ફેક્ટરી’ના એક પાત્ર ઑગસ્ટસ ગ્લૂપને વાર્તામાં ‘ફૅટ’ એટલે કે ‘જાડીયો’ વર્ણવાયો છે. આ શબ્દને બદલીને ‘ઈનોર્મસ’ લખવામાં આવશે, જેનો અર્થ ‘પ્રચંડ’ થાય છે. ‘ધ ટ્વીટ્સ’માં શ્રીમતી ટ્વીટના પાત્રને ‘અગ્લી એન્‍ડ બીસ્ટલી’ તરીકે વર્ણવાયું છે, જેનો અર્થ થાય છે ‘કદરૂપી અને ઘૃણાસ્પદ’. ફેરફાર પછી આ પાત્ર માટેનો ‘અગ્લી’ એટલે કે ‘કદરૂપી’ શબ્દ કાઢી નખાયો છે અને કેવળ ’બીસ્ટલી’ એટલે કે ‘ઘૃણાસ્પદ’ શબ્દ જ રખાયો છે. ‘ધ વીચીઝ’માંના એક વર્ણનમાં લખાયું છે ‘ડાકણ પોતાની વીગની નીચે કેશવિહીન હોય છે.’ તેને બદલીને લખાયું છે, ‘મહિલાઓ વીગ પહેરે તેનાં અનેક કારણ હોય છે અને એમાં કશું ખોટું નથી.’ અમુક સ્થાને આખા ને આખા ફકરાને બદલવામાં આવ્યો છે.

    આ આખી કવાયત પાછળનો હેતુ ઉમદા છે કે બાળકોમાં તમામ પ્રકારની વ્યક્તિ માટે સ્વિકૃતિ જાગે અને કશો પૂર્વગ્રહ પેદા ન થાય. ઉમદા હેતુ હોવા છતાં સરવાળે આખી કવાયત હાસ્યાસ્પદ જણાય છે. સાહિત્યકૃતિઓમાં આવતું વર્ણન તેનો પ્રાણ અને લેખકની ઓળખ હોય છે. લેખક પોતાના ચોક્કસ વિચારને આધારે કૃતિની રચના કરતો હોય છે. શબ્દોની પસંદગી પાછળ તેનો યોગ્ય તર્ક અને સમજણ હોય છે. ખાસ કરીને વાર્તાઓમાં, અને એમાંય બાળવાર્તાઓમાં વિવિધ પાત્રની પ્રકૃતિની રંગછટાઓ કૃતિને અનોખું પરિમાણ બક્ષે છે. તેનું આ રીતે ‘શુદ્ધિકરણ’ કરવાથી ખરેખર અર્થ સરે ખરો?

    બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, બુકર પારિતોષિક વિજેતા સાહિત્યકાર સલમાન રશદી સહિત ડાહલની કૃતિઓના અનેક ચાહકોએ પ્રકાશકની આ ચેષ્ટા સામે નારાજગી દર્શાવી છે. આ વિવાદને પગલે પ્રકાશકે ‘સુધારેલી’ આવૃત્તિની સાથોસાથ અસલ આવૃત્તિ પણ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.

    સાહિત્યકૃતિઓમાં એક યા બીજા કારણોસર કરવામાં આવતી છેડછાડ આજકાલની નથી. એ પણ એક જૂની અને પ્રસ્થાપિત પરંપરા છે. ઓગણીસમી સદીના આરંભિક કાળે એક ફીઝીશિયન થોમસ બોદલેર દ્વારા શેક્સપિયરનાં નાટકોનું ‘ધ ફેમીલી શેક્સપિયર’ના નામે પુનર્લેખન કરવામાં આવ્યું હતું. પોતાના પરિવારજનો માણી શકે એ હેતુથી કરાયેલા આ પુનર્લેખનમાં બોદલેરને જે બાબત ‘યોગ્ય’ ન જણાઈ એ તેમણે કાઢી નાંખી. આ કૃત્યને પગલે કૃતિમાંથી ‘અયોગ્ય’ કે ‘અપમાનજનક’ બાબતને દૂર કરવાની ચેષ્ટાને ‘બોદલેરીઝમ’ નામ મળ્યું. ચાર્લ્સ ડિકન્‍સની અનેક કૃતિઓમાં ચિત્રો દોરનાર જ્યોર્જ ક્રકશેન્‍ક ડિકન્‍સના મિત્ર હતા. પણ અનેક પરીકથાઓનું તેમણે પુનર્કથન કરેલું, જેમાં મુખ્યત્વે મદ્યનિષેધનો સંદેશ હતો. તેમની આ ચેષ્ટા બદલ ડિકન્‍સ બરાબર અકળાયેલા અને તેમણે ‘ફ્રોડ્સ ઑન ધ ફેરી’ (પરીકથાઓનો પ્રપંચ) શિર્ષકથી નિબંધ લખેલો.

    આપણી ભાષામાં પણ ગિજુભાઈની બાળવાર્તાઓમાં જાતિવિષયક ઉલ્લેખો પ્રચૂર માત્રામાં છે, જે એ સમયનું પ્રતિબિંબ છે. આ સંદર્ભોનું કેવળ પુનર્મૂલ્યાંકન કરતાં પણ વિવાદ થયો હતો અને આ ચેષ્ટા સામે જ ઘણાને વાંધો પડ્યો હતો. હરિપ્રસાદ વ્યાસના અમર પાત્ર બકોર પટેલની વાર્તાઓમાં જાણીતા હાસ્યવિદ્‍ રતિલાલ બોરીસાગરે નવી પેઢીને સમજાય એ રીતે અમુક સંદર્ભ સાંપ્રત સમય અનુસાર બદલ્યા છે.

    સામાન્યત: જોઈ શકાય છે એમ ફેરફાર કરનારનો હેતુ મોટે ભાગે ‘ઉમદા’ હોય છે. કૃતિનું માધ્યમાંતર થાય ત્યારે જે તે માધ્યમની વિશેષતાને અનુરૂપ તેમાં કરાતા ફેરફાર અલગ બાબત છે, પણ એના એ જ સ્વરૂપમાં સમયાંતરે ફેરફાર કરવા વાજબી ગણાય કે કેમ એ કાયમ ચર્ચાનો વિષય રહેવાનો. બાળસાહિત્યકારોની કૃતિઓ સાથે તેના વાચકો તાદાત્મ્ય સાધી ન શકે તો લોકપ્રિયતામાં એ ટકી ન શકે.

    બાળકો કેવળ વાંચનમાંથી જ નહીં, પોતાની આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું ગ્રહણ કરતાં રહેતાં હોય છે. તેમને ‘સંસ્કારી’ બનાવવાની ‘સાત્વિક લ્હાય’માં તેમની નૈસર્ગિકતાનો ભોગ ન લેવાઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો માટેની કૃતિઓમાં નિર્ભેળ મનોરંજનની સાથોસાથ સંસ્કારઘડતર માટેનો સંદેશ વણી લેવાની અને પોતાની જાતને ‘ઉપદેશક’ની ભૂમિકામાં મૂકવાની લાલચ ખાળવી અઘરી હોય છે. કોઈ લોકપ્રિય કૃતિમાં આ હેતુસર કરાયેલા ફેરફાર સરવાળે એ કૃતિના સત્વને હણી નાખે છે, ઉપરાંત એ હાસ્યાસ્પદ પણ સાબિત થાય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો – (૨૦) – મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૨) – સાતારા અને કોલ્હાપુર

    દીપક ધોળકિયા

    સાતારા અને કોલ્હાપુર વિશે વાત કરવા માટે આપણે ઇતિહાસમાં પાછળ જવું પડશે.

    બન્ને રાજ્યો છત્રપતિ શિવાજીનાં વારસ રાજ્યો હતાં. શિવાજીના મૃત્યુ પછી મરાઠા સામ્રાજ્ય ડોલી ગયું હતું. શિવાજીની રાજધાની તો રાયગઢ હતી પણ ધીમેધીમે એનું મહત્વ ઘટી ગયું હતું. કારણ કે ખરી સતા પેઢી દર પેઢી પેશવાઓએ કબજે કરી લીધી હતી. એ પૂના (હવે પૂણે)માંથી શાસન ચલાવતા હતા અને છત્રપતિઓ પેશવાના હાથમાં રમકડાં જેવા થઈ ગયા હતા.  છત્રપતિ માત્ર બિરુદ રહી ગયું હતું. પેશવાઓ એમને જે ફાવે તે કરતા, છત્રપતિઓનું કામ માત્ર એમને પેશવા તરીકેની ‘નીમણૂક’ બદલ પાઘડી અને પહેરવેશની ભેટ આપવાનું રહી ગયું હતું. પેશવા બાજીરાવ બીજાએ તો સાતારામાં બિરાજમાન પંદર વર્ષની વયના છત્રપતિ પ્રતાપ સિંહને બંદી બનાવીને રાખ્યા હતા.

    ૧૮૧૮માં ઈસ્ટ ઇંડિયા કંપની અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે લડાઈ થઈ તેમાં પેશવાનો કારમો પરાજય થયો.  ભીમા કોરેગાંવ પાસે અંગ્રેજોની આઠસોની સેના સામે પેશવાના બે હજાર સૈનિકો હતા. એમણે અંગ્રેજી ટુકડી પર હુમલો કર્યો પણ લડાઈ લાંબી ચાલી. પેશવાને ડર લાગ્યો કે એમને બીજી કુમક મળી જશે તો હાર ખમવી પડશે. પેશવાએ લડાઈ રોકીને પીછેહઠ કરવાનો રસ્તો લીધો. આ લડાઈ ઇતિહાસમાં ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધ તરીકે જાણીતી છે. એ વખતે બાજીરાવ લડાઈના મેદાનમાં પણ પ્રતાપ સિંહને લઈ ગયો હતો. પેશવાને ભાગવું પડ્યું એટલે પ્રતાપ સિંહ અંગ્રેજોના હાથમાં પડ્યા.

    ઈસ્ટ ઇંડિયા કંપનીએ છત્રપતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એમણે વિચાર્યું કે પેશવાએ છત્રપતિને બંદી બનાવ્યા હતા પણ લોકલાગણી પેશવાની વિરુદ્ધ હતી. એટલે લોકોને રાજી કરવા એમણે પ્રતાપ સિંહને મુક્ત કરીને એમને સાતારા પાછું આપ્યું અને અંગ્રેજ અધિકારીઓ નીમી દીધા.

    પ્રતાપ સિંહ શિવાજીના સૌથી મોટા પુત્ર શંભાજીની પરંપરાના હતા, જ્યારે કોલ્હાપુરમાં એમના બીજા પુત્ર રાજારામની પરંપરા ચાલતી હતી. અહીં ‘પરંપરા’ શબ્દ એટલા માટે વાપર્યો છે કે શિવાજીની ત્રીજી પેઢીથી જ ભોંસલે કોમના સરદારોમાંથી કોઈના સંતાનને દત્તક લેવાનું શરૂ થઈ ગયું હતું. એટલે એમના પછીના છત્રપતિઓ સીધા જ શિવાજીના વંશજ હતા એમ માનવાની ભૂલ ન કરવી.

    આમ તો કોલ્હાપુરની ગાદી પણ રાજખટપટને પરિણામે ઊભી થઈ અને બન્ને પોતાને છત્રપતિ જ કહેતા. જો કે ૧૮૫૭ સુધીમાં બન્ને વચ્ચે મેળ થઈ ગયો હતો કારણ કે બન્ને પાસે ખરી સત્તા તો હતી નહીં અને બન્ને રાજ્યો અંગ્રેજોની દયા પર જીવતાં હતાં.

    ૧૮૩૯ સુધી તો બરાબર ચાલ્યું પણ પછી કંપનીને લાગ્યું કે સાતારાનો અમુક પ્રદેશ પાછો લઈ લેવો જોઈએ. આના પછી પ્રતાપ સિંહ વિરુદ્ધ વાતો શરૂ થઈ ગઈ. અંતે એમને પદભ્રષ્ટ કરીને કાશી મોકલી દેવાયા.

     આ વાત પ્રતાપ સિંહના સમર્થકોને ન ગમી.  આમાંથી એક હતા રંગો બાપુજી. શિવાજીના સામ્રાજ્યની સ્થાપનામાં એમને સાથ આપનારામાં એક હતા નરસપ્રભુ ગુપ્તે. રંગો બાપુજી એમના જ પરિવારમાં જન્મ્યા એટલે છત્રપતિઓ પ્રત્યે એમની વફાદારી અનોખી હતી.  એ છૂપી રીતે પ્રતાપ સિંહ ને મળવા ગયા. અંગ્રેજોએ એમને ગાયના ગમાણમાં રાખ્યા હતા. રંગો બાપુજી એમને મળ્યા અને એમનો કેસ લંડનમાં રજૂ કરવા સૂચવ્યું પ્રતાપ સિંહ તૈયાર થઈ ગયા. એમનો કેસ લઈને બાપુજી લંડન ગયા અને ત્યાં ૧૨ વર્ષ રહ્યા અને  ઘણા વકીલો અને રાજકારણીઓને મળ્યા અને કેસ લડતા રહ્યા. દરમિયાન પ્રતાપ સિંહનું ૧૮૪૭માં અવસાન થઈ ગયું અને  એ બિનવારસ હતા એટલે ૧૮૪૯માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ સાતારા ખાલસા કરી લીધું.

    રંગો બાપુજી તે પછી પાછા ફર્યા. છત્રપતિ સાથે થયેલો અન્યાય એમને ખૂંચતો હતો એટલે એમને હવે અંગ્રેજો સામે લડી લેવાનો નિરધાર કર્યો.

    આ બાજુ કોલ્હાપુરના છત્રપતિ શાહજી તો અંગ્રેજોને વફાદાર રહ્યા પણ એમના નાના ભાઈ ચીમા સાહેબ સ્પષ્ટવક્તા હતા. એમને અંગ્રેજોની દાદાગીરી પસંદ નહોતી. એ પણ કંઈ કરવા માગતા હતા. દરમિયાન ઉત્તર ભારતમાં સિપાઇઓએ બળવો કરી દીધો. રંગો બાપુજી પણ આ તકનો લાભ લઈને કૂદી પડ્યા.  એ સાધુવેશે પોતાની દીકરીને ઘરે પહોંચ્યા. ત્યાં કોઈ ધાર્મિક પર્વ હતું. કંપનીના જાસૂસોને માહિતી મળી ગઈ હતી કે રંગો બાપુજી ત્યાં પહોંચ્યા છે. પોલીસ ટુકડીએ ઘરને ઘેરી લીધું પણ રંગો બાપુજી દાદીમાના વેશમાં ત્યાંથી ભાગી છૂટ્યા અને જંગલમાં સાધુવેશે ફરીને એમણે લશ્કર એકઠું કરવા માંડ્યું. એ લોકોને સમજાવવા માટે જુદી જુદી વાતો કહેતા. એમણે કહ્યું કે મુંબઈ પ્રાંતનો ગવર્નર રાજ પાછું આપવા માગે છે એટલે એણે રંગો બાપુજીને કહ્યું છે કે સાતારામાં જેટલા યુરોપિયનો છે એ આડે આવે છે, એટલે એમને પકડી લો!

    દરમિયાન કોલ્હાપુરમાં પણ ખળભળાટ શરૂ થઈ ગયો હતો. વિદ્રોહીઓએ દસમી ઑગસ્ટે અંગ્રેજોના રહેઠાણના વિસ્તાર પર હુમલો કરવાનું  નક્કી કર્યું પણ ઉતાવળા એવા કે ૩૧મી જુલાઈએ જ કશાય આયોજન વિના ધસી ગયા. અંગ્રેજ સાહેબોને વફાદાર માણસોએ એમને સમાચાર પહોંચાડી દીધા. બધા ત્યાંથી ભાગી છૂટ્યા. તરત મુંબઈથી બીજી ટુકડીઓ પણ એમના રક્ષણ માટે આવી ગઈ.

    અંગ્રેજોએ ભાગીને જ્યાં  આશરો લીધો એ જગ્યામાં સેનાના વિદ્રોહીઓ પણ હતા. અંગ્રેજ ફોજે પહેલાં તો એમને દબાવી દીધા. બીજી બાજુ ૨૭મી રેજિમેંટમાં સિપાઈઓએ બળવો કર્યો. એ વખતે અંગ્રેજોએ ભૂતપૂર્વ બળવાખોરો અને નવા વફાદારોની જ ટુકડી બનાવીને એમની સામે ઉતાર્યા. આમ જે રેજિમેંટ બળવો દબાવવા આવી હતી એણે બળવો કર્યો અને જે બળવો કરતા હતા તે અંગ્રેજોની સાથે થઈ ગયા!

    કોલ્હાપુરમાં બળવાને દબાવી દીધા પછી તરત કેસ ચલાવીને એકવીસને મોતની સજા કરાઈ. દરમિયાન, રંગો બાપુજી તો ભાગી છૂટ્યા હતા અને કદીયે અંગ્રેજોના હાથમાં ન આવ્યા પણ એમના ૧૭ સાથીઓને પકડીને કેસ ચલાવવામાં આવ્યો અને રંગો બાપુજીના પુત્ર સહિત ૧૭ જણને સાતમી સપ્ટેમ્બરે મોતને ઘાટે ઉતારી દેવાયા. આમાંથી કેટલાકને ફાંસી દેવાઈ, કેટલાકને તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા.

    ૦૦૦

    સંદર્ભઃ

    1. https://prahaar.in/RangoBapuji (મરાઠી)
    2. CHAPTER – VI THE REVOLT OP 1857 AND THE KOLHAPUR STATE (pdf) Click here
    3. https://cultural.maharashtra.gov.in/english/gazetteer/SATARA/his_british_rule.html
    4. The Satara Raj by Sumitra Kulkarni -Mittal Prakashan) નીચે આપેલી લિંક પર મળશે https://www.google.co.in/books/edition/The_Satara_Raj_1818_1848   
  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ભગવાન પરશુરામ – દ્વિતીય ખંડ

    પુસ્તક પરિચય

    રીટા જાની

    ભારત એ માત્ર ભૂખંડ નથી પણ એક સંસ્કૃતિ છે, જે હજારો વર્ષોના સમયગાળામાં વ્યાપ્ત છે. વિશેષતા એ છે કે આ ભૂમિએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેનું સ્મરણ કરીને આપણે જે તે સમયખંડની પળોને જીવંત કરી શકીએ છીએ. આ સંસ્કૃતિનું સ્વરૂપ મેઘધનુષી છે. તેથી  તેના રંગચિત્રો આપણા માનસપટને રંગી દે છે. આવી એક વિભૂતિ એટલે પરાક્રમી અને દૂર્જેય, પ્રતાપી અને અડગ વિજેતા – ભગવાન પરશુરામ. ગત અંકમાં આપણે  મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ના પ્રથમ ખંડની વાત કરી હતી.
    દ્વિતીય ખંડની શરૂઆત થાય છે ‘રેવાના તટ પર’.
    પ્રાગ-ઐતિહાસિક નિ:સીમતામાં વહી જતી નર્મદાના તટ પર માહિષ્મતી નગરી આવી હતી. આર્યાવર્તની વન્ય સંસ્કૃતિમાં ઉછરેલાને અમાનુષ શંભુમેળો લાગે એવા ભાતભાતના લોકો – આર્યો, દ્રવિડો, નાગો, કોલ્લો, પાતાળવાસીઓ, શોણિતવાસીઓ – જુદી જુદી બોલીમાં ઘાંટાઘાંટ કરી મુકતા. ત્યાં ભૃગુકુળના કોઈ સંતાનને પુરોહિત પદે સ્થાપવાની જરૂર ઊભી થઈ. આજે પણ જે રીતે રાજરમતના આટાપાટામાં એક વિષયના નિષ્ણાતને બીજા વિભાગના પ્રધાન બનાવી દેવાય એવું જ અહીઁ પણ બન્યું. ત્યારે મિસર જતાં વહાણોમાં નાનકડો વેપાર કરતાં અઠંગ વેપારી મૃકંડને રાતોરાત ગુરુ બનાવી દીધો. તે પૈસાની આપલેના બદલે સ્વર્ગ અને સંતાન આપવાનો વેપાર કરવા લાગ્યો. રાજા સહસ્ત્રાર્જુનને ઘણી રાણીઓ હતી, પણ મૃગારાણીની તેમાં ગણના થતી ન હતી. એ તેની પરિણીતા ન હતી પણ એની મોરલી પર સહસ્ત્રાર્જુન નાચતો. રાજા, રાણી ને મહારથીઓ એનાં રમકડાં હતાં. રાજા સહસ્ત્રાર્જુન, તેની રાજ્યલક્ષ્મી મૃગારાણી અને સેનાપતિ  ભદ્રશ્રેણ્ય ત્રણેયે રાજસત્તાને પ્રબળ બનાવી. પણ સહસ્ત્રાર્જુનના અત્યાચારોમાં  ભદ્રશ્રેણ્ય સામેલ ન થયા માટે તેને સેનાપતિપદેથી ભ્રષ્ટ કર્યા ને એને જાનથી મારવાની પેરવી થઈ રહી હતી.
    પરશુરામના આવવાથી સત્તાના સમીકરણો બદલાઈ ગયા. મૃકંડને લાગતું હતું કે ભાર્ગવને વશ કરવા શક્ય નથી. હવે ભુગુઓ તેમના કહ્યામાં નહિ રહે. તેમણે કુલપતિ હોવાનો ઢોંગ છોડી દેવો પડશે. કારણ હીરાની ઉપસ્થિતિમાં સ્ફટિકની કિંમત કોણ કરે? મૃગા રામને ભગાડવા કે પૂરો કરવા ઘાટ ઘડતી હતી. પણ ભાર્ગવને જોતાં એનો ગર્વ ઓગળી ગયો અને પૂજ્યભાવ એને અનિચ્છાએ જકડી રહ્યો. પોતે પતિવ્રતા છે પણ પરિણીતા નથી, રાજ્યલક્ષ્મી નથી તેનું ભાન થયું. ભાર્ગવ રાજરમતના દાવપેચ પારખી ગયા. તેમણે મૃગા અને મૃકંડને ચેતવણી આપી કે ભદ્રશ્રેણ્યને મારવાનો સંકલ્પ કર્યો હોય તો છોડી દે. મૃકંડે ભાર્ગવને ભયંકર રુદ્રાવતાર બનતા જોયા. ભાર્ગવની ભભૂકતી આંખોના કારમા તેજ જોઈ તેના હાંજા ગગડી ગયા. રામની વિકરાળ આંખો, વાણીમાં સત્યનો ટંકાર, અવાજમાં દ્રઢ સંકલ્પ જોઈ સામેની વ્યક્તિ થરથર કાંપતી.
           લોમા અગ્નિ સાંનિધ્યે ભાર્ગવની અર્ધાંગના, ભગવતી લોમહર્ષીર્ણી બની. મહાગુરુઓની કુલતારીણી શક્તિ એનામાં આવી – જાણે ભાર્ગવનું સૌમ્ય ને સુખકર સ્વરૂપ હોય. ભાર્ગવના સ્વરૂપ અને શબ્દોમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભેદી સરિતાઓ ચારે તરફ વહેતી ને બધાને તરબોળ કરતી. તો ભગવતી ભૃગુઓનાં નયનોનાં નૂર હતાં. એવું કોઈ શસ્ત્ર ન હતું જે અદભુત કળાથી તે ન વાપરી શકે. ભાર્ગવ તો જાણે પશુપતિના અવતાર હોય એમ એક સ્થળે બેસી રહેતા. તેમની શક્તિના આવિર્ભાવ સમા ભગવતી ચારે તરફ તેમનાં તેજ પ્રસારતાં. ભાર્ગવે આરંભેલા  21 દિવસના યજ્ઞના કારણે જનમાનસના હૈયામાં શ્રદ્ધા, ભક્તિ ને ઉલ્લાસ અનુભવાતાં હતાં. ભાર્ગવને પ્રતીતિ થઈ હતી કે તેઓ સહસ્ત્રાર્જુને સ્થાપેલા ભયના સામ્રાજ્યને પડકારી વિદ્યા, તપ અને ધર્મનું સામ્રાજ્ય સ્થાપી રહ્યા હતાં. યજ્ઞના બારમા દિવસે અંધારી મોડી રાત્રે ભાર્ગવને મારવા અઘોરી વેશે છરો લઈને જ્યામઘ આવ્યો હતો. પણ એકદમ ઊઘડેલાં બે ભયંકર નેત્રોમાંથી વહેતી તેજધારા ને અંધકારમાં બે ચકચક થતાં તેજબિંદુ જોઈ તે જીવ લઈને ભાગી ગયો. આજનો યુવાન  ભગવાન પરશુરામ પાસેથી પ્રેરણા મેળવી શકે કે જો હૃદયમાં આત્મશ્રદ્ધા હોય તો પડકારો તમને ડરાવી કે હરાવી શકતાં નથી.
    રાવણના સૈન્યને હરાવી સહસ્ત્રાર્જુન માહિષ્મતી આવી પહોંચ્યો. પણ અહીં જોયેલા પરિવર્તનથી એનો વિજયોલ્લસ ખાટો થઈ ગયો હતો. લોકોનાં હૃદયમાં પ્રસરતાં ભાર્ગવ ઘેલછાના તરંગો,  ભદ્રશ્રેણ્યનો વધતો પ્રતાપ, રામ અને લોમાનાં લગ્ન, ગુરુદેવ ભાર્ગવની ખ્યાતિ જોઈ તેને લાગ્યું કે લોકહૈયામાં એ પદભ્રષ્ટ થઈ ગયો હતો. એટલું જ નહિ મૃગાએ પણ ગુરુદેવને અપનાવી લીધા હતા. જ્યારે મૃગાએ તેનું અગ્નિ સાંનિધ્યે પાણિગ્રહણ કરવા કહ્યું તો સહસ્ત્રાર્જુનનો સંયમ જતો રહ્યો ને તેણે મૃગાને ગુસ્સાના આવેશમાં મારપીટ કરી, અપશબ્દો કહ્યા. વિચારો, આ પુરુષપ્રધાન સમાજમાં ત્યારથી લઈને આજ સુધી કેમ એવું બને છે કે કોઈ ન ગમતી વાત સ્ત્રી કરે કે કોઈ ન ગમતું આચરણ કરે તો ન્યાય બાજુ પર મૂકી પોતાની શારીરિક શક્તિનો પ્રયોગ સ્ત્રી પર કરવામાં આવે છે? દુઃખ સાથે  કહેવું પડે કે સમય જતાં તેનું પ્રમાણ તો ઓછું થયું છે પણ નામશેષ નથી થયું.
    ભાર્ગવ, ભગવતી લોમાને સહત્રાર્જુનથી બચાવવા દૂર મોકલી દે છે. સહસ્ત્રાર્જુન, ભાર્ગવને મળવા બોલાવે છે. ભાર્ગવ સહસ્ત્રાર્જુનને સમજ અને સંયમ રાખવા સમજાવે છે. ભાર્ગવ કહે છે કે ધર્મથી સુરક્ષિત રાજ્ય તેને અપાવશે અને ઉદ્ધારનો પંથ બતાવશે. પણ સહસ્ત્રાર્જુન ભાર્ગવને જાનથી મારવા ઈચ્છે છે. ત્યારે ભાર્ગવ તેને શાપ આપે છે. તેથી સહસ્ત્રાર્જુન ભાર્ગવને સેનાપતિની મદદથી કેદ કરે છે. સહસ્ત્રાર્જુન, અંધારું થાય એટલે બધાજ ભૃગુઓનો શિરચ્છેદ કરવાનો હુકમ આપે છે ને ગાંડાની જેમ કોટના કાંગરા પર આથમતા સૂર્યે રચેલાં તેજપુંજ તરફ જોઈ રહે છે. ભાર્ગવ કાંગરા પર ઊભા હતાં. એમના મુખ પર સહસ્ર સૂર્યનો પ્રકાશ ઓપતો હતો. તેમની પરશુમાંથી કિરણો ચમકતાં હતાં. એમનું કદાવર શરીર આથમતા પ્રકાશમાં ગગનને સ્પર્શતું દેખાયું. ધીમે ડગલે બે ભભૂકતી આંખે ભાર્ગવ કાંગરા પરથી નીચે ઊતર્યા ને ગઢની બહાર ચાલ્યા ગયા. બધાં જોનારના હૈયા થંભી ગયા ને સહસ્ત્રાર્જુનના હાથમાંથી ખડગ પડી ગયું.
    મુનશીની નવલકથાઓના પાત્રો ખૂબ ચોટદાર તો હોય જ છે પણ તેમાં માનવેતર પાત્રો પણ હોય છે. જેમ કે બાબરો ભૂત. આ કથામાં આવું જ એક પાત્ર છે ગુરુ ડડ્ડનાથ અઘોરીનું. મૃગા ભાર્ગવને કેદમાંથી છોડાવી ચંદ્રતીર્થ જવા વિનંતી કરે છે ને હોડીમાં ત્યાં જવાની વ્યવસ્થા ગોઠવે છે. પણ એક ખલાસી હોડીમાં બાકોરું પાડી હોડી ડુબાડે છે ને ભાર્ગવ અઘોર વન પહોંચી જાય છે.  અહીં તેઓ ગુરુ ડડ્ડનાથ અઘોરીના પણ ગુરુ બની જાય છે. અહીં અઘોરીના વિશ્વની વાતો, ભાર્ગવ અને લોમા કઈ રીતે તેમનો વિશ્વાસ જીતે છે અને તેમનું પુનર્મિલન થાય છે તેની રસપ્રચૂર વાતો વાચકને કોઈ અન્ય દુનિયામાં લઈ જાય છે. બીજી તરફ મૃગા પોતાની વાત પર અડગ રહે છે કે જ્યાં સુધી સહસ્ત્રાર્જુન તેનું પાણિગ્રહણ ન કરે ત્યાં સુધી એ તેની વાસનાને તાબે નહિ થાય.  તેથી  સહસ્ત્રાર્જુન તેને પકડે તે પહેલાં મૃગા કટાર પોતાની છાતીમાં ભોંકી ભગવાન પરશુરામનું રટણ કરતાં અંતિમ શ્વાસ લે છે.
    પરાક્રમી પરશુરામ અને સિતમગર સહસ્ત્રાર્જુનની ટક્કરની રસ્પ્રચૂર કથાના તૃતીય એટલે કે અંતિમ ખંડની વાત કરીશું આવતા અંકે…


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

     

  • વૈજ્ઞાનિક અભિગમ તેમજ સ્વસ્થ વિચારસરણીને પ્રેરતી પુસ્તિકાઓ

    પુસ્તક પરિચય

    પરેશ પ્રજાપતિ

    અશ્વિનકુમાર ન. કારીઆ લૉ કૉલેજના નિવૃત્ત પ્રાચાર્ય છે, પણ નિવૃત્તિને તેમણે સવાયી પ્રવૃત્ત બનાવી રાખી છે. અંધશ્રદ્ધા નિવારણ તથા વૈજ્ઞાનિક અભિગમ વિચારસરણીના પ્રસાર માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. શૈક્ષણિક સંસ્થાઓ, ગામ કે શહેરોમાં તેમને બાબાઓ કે ઢોંગીઓ દ્વારા આચરાતા ચમત્કારો વિશે વૈજ્ઞાનિક સમજ આપતા કાર્યક્રમો માટે ખાસ નોંતરવામાં આવે છે. ચાલાકી વગરના કોઇ પણ ચમત્કારને સાચા સાબિત કરનારને રૂપિયા 21 લાખના ઇનામની જાહેરાત તેમના દ્વારા કરાયેલી છે, પણ હજીસુધી કોઇ દાવેદાર આગળ આવ્યો નથી. સમયાંતરે તેઓ સમાજને સાચી રાહ ચીંધતી પુસ્તિકાઓ તથા પુસ્તકો લખતા રહે છે. તેમણે કેટલાંક સંપાદનો પણ આપ્યા છે.

    તેમની કેટલીક પુસ્તિકાઓનો પરિચય લેતાં પહેલાં તેની પૃષ્ઠભૂમિનો અંદાજ મેળવીએ.

    પ્રસંગ 2003નો છે, જ્યારે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સી હેઠળ ભારત ઓસ્ટ્રેલિયા સામે કલકત્તામાં ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલમાં રમવાનુ હતું. તે સમયે ભારતની જીત માટે ઘણે ઠેકાણે ધાર્મિક વિધીઓ કરવામાં આવી હતી. તેમાંના એક ઠેકાણા તરીકે સૌરવ ગાંગુલીનું ઘર હતું; જ્યાં આખો દિવસ હોમ-હવન ચાલુ રહ્યા હતા! દેશનાં પ્રમુખ વર્તમાનપત્રોમાં તેને ખાસું મહત્વ અપાયું હતું. આમ છતાં, ઓસ્ટ્રેલિયા એ મેચ જીત્યું હતું અને ભારતે હાર ખમવાનો વારો આવ્યો હતો.

    બીજો પ્રસંગ હજી તાજો કહેવાય તેવો 2022નો છે, જ્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ભારત ટી-20 ક્રિકેટ મેચની સીરીઝમાં ફાઇનલમાં મારતે ઘોડે પહોંચ્યું હતું. ઉત્સાહના ઉન્માદને વટાવી ખાવા દેશની એક ટીવી ચેનલે જ્યોતિષાચાર્યોની રીતસર ડીબેટ આયોજિત કરી. કેટકેટલી કુંડળીઓ બનાવવામાં આવી, પણ સૌ ભારતની જીત અંગે એકમત હતા. પરંતુ ગ્રહદશાના આધારે પ્રબળ દાવેદાર મનાતા ભારતની એ મેચમાં હાર થઇ.

    ઉપરોક્ત બંને ઘટનાઓ વચ્ચે આશરે બે દાયકા જેટલો સમયગાળો છે, છતાં આપણી માનસિકતામાં કશો ફરક પડ્યો નથી.  એ નિર્વિવાદ સત્ય છે કે ક્રિકેટ મેચ ખેલાડીઓનો જુસ્સો, ટીમવર્ક, વ્યક્તિગત પ્રદર્શન, મળેલી તકનો યોગ્ય ઉપયોગ વગેરે જેવાં અનેક પરિબળોથી જીતી શકાય છે; નહીં કે વિવિધ ગ્રહદશાના આધારે. વર્તમાનપત્રો તેમજ ટીવી જેવાં પ્રસાર માધ્યમો પર સમાજમાં જાગૃતિ આણવાની નૈતિક જવાબદારી છે. પરંતું, ઉપરોક્ત કિસ્સાઓમાં જણાય છે કે તેઓ આ ફરજ બજાવવામાં ઉણા ઉતરે છે; એટલું જ નહીં, તેઓ અંધવિશ્વાસને પોષતા જણાય છે. આવા વાતાવરણમાં અશ્વિન ન. કારીઆ એકધારા ખંતપૂર્વક એવી પુસ્તિકાઓનું પ્રકાશન કરતા રહ્યા છે કે જે લોકોને વૈજ્ઞાનિક ઢબે વિચાર કરવા પ્રેરે.. તાજેતરમાં પ્રકાશિત કેટલીક પુસ્તિકાઓનો પરિચય મેળવીએ.

    1. વૈજ્ઞાનિક અભિગમ

    આ પુસ્તિકામાં મુખ્ય ચાર પ્રકરણો છે. પહેલા પ્રકરણમાં વૈજ્ઞાનિક અભિગમ વિશે તદ્દન પાયાની સમજથી શરૂઆત કરાઇ છે. તેમાં ધાર્મિક દૃષ્ટિકોણ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વચ્ચેના તફાવત તેમજ બિનવૈજ્ઞાનિક અભિગમ વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. તેમાં સમજાવ્યું છે કે સત્ય સમજાય તેમ અભિપ્રાય બદલાય છે, અભિગમ નહીં. કારણ કે વૈજ્ઞાનિક અભિગમ ક્યારેય જડ નથી હોતો.વળી, સૌથી અગત્યનું એ કે વૈજ્ઞાનિક ઢબે વિચારવા માટે વિજ્ઞાનના જાણકાર હોવું સહેજે આવશ્યક નથી. વૈજ્ઞાનિક અભિગમના લાભાલાભ વિશે ટૂંકમાં સમજાવવાની સાથે ભારતીય બંધારણને રસપ્રદ રીતે સાંકળતાં તેમાં લખ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ ભારતીયોની ફરજ પણ છે.

    બીજા પ્રકરણમાં વૈજ્ઞાનિક અભિગમને ધાર્મિકતા અને શ્રદ્ધા સાથે સાંકળ્યા છે. તેમના મતે અંધશ્રદ્ધા જ દેશની પ્રગતિ આડેનો મોટો અવરોધ છે. કેટલીક પ્રચલિત અંધશ્રદ્ધાઓની છણાવટ કરીને સાચી સમજ આપવાનો તેમાં સ્તુત્ય પ્રયત્ન કરાયો છે.

    ત્રીજા પ્રકરણમાં વહેમ તથા ચમત્કારો સાપેક્ષે વૈજ્ઞાનિક અભિગમની સ્પષ્ટતા છે. ખોટી માન્યતાઓથી છૂટકારો મેળવવાનું મહત્વ સમજાવતાં તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આપણે નિર્બળ હતા, તેથી જ આપણાં મંદિરો તેમજ સ્ત્રીઓની પ્રતિષ્ઠા સાચવી શક્યા નથી. અંધશ્રદ્ધાને તેમણે મીઠાં ઝેર સાથે સરખાવી છે, કારણ કે તે નવું જાણવાની કે શીખવાની વૃત્તિને મારી નાંખે છે.

    ચોથું પ્રકરણ રેશનલ (માનવતાના) અભિગમ વિશે છે. આદિમાનવથી લઇ આજના સંસ્કૃત માનવ સુધીની હજારો વર્ષોની વિકાસયાત્રામાં લાગણી પ્રેરિત માનવવાદનું મહત્વ અને સમજણ આપવાનો આ પ્રકરણમાં પ્રયાસ કર્યો છે. તેમાં સ્પષ્ટ થાય છે કે માનવવાદ સમજાય તો જાતિભેદ, વર્ણભેદ, ગરીબાઇ, આરોગ્ય વગેરેને લગતાં અનેક પ્રશ્નો હલ થઇ શકે છે. છેલ્લા પ્રકરણમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં કેટલાંક ઉદાહરણો તથા તેનો સાર નીચોવી આપ્યો છે, જે વૈજ્ઞાનિક અભિગમની સમજ અને કેળવણી માટે ઉપયોગી નીવડે છે. વૈજ્ઞાનિક અભિગમની પાયાની સમજણ કેળવવા માટે આ પુસ્તિકા ઉપયોગી થઈ પડે એમ છે.

    1. તમને આકાશી ઉપગ્રહો નહી, પૂર્વગ્રહો નડે છે

    આ પુસ્તિકામાં ત્રણ પ્રકરણો છે. તેમાં પહેલું છે, આપણે પછાત શાથી? આ પ્રકરણમાં આપણા પછાતપણાનાં ત્રણ કારણો (1) ધર્માભાસ (2) નસીબ આધારિત વલણ અને (3) પૂર્વગ્રહો વિશે વિગતે ચર્ચા કરતાં વાચકની માન્યતાના મૂળમાં ઘા કરતા પ્રશ્નો પણ ઉઠાવાયા છે. કેટલાંક ઉદાહરણોઃ (1) ઇશ્વરની ઇચ્છા વગર પાંદડું પણ નથી હાલતું, તો શું લાંચ તેમની મરજીથી લેવાય છે? (2) અબ્રાહમ લિંકને 11 વખત હાર ખમી. તેઓ નસીબનો વાંક ગણી માથે હાથ દઇ બેસી ગયા હોત તો વિશ્વને તેમના જેવો ઉમદા નેતા મળી શકત?(3) બીજા વિશ્વયુદ્ધમાં જાપાને સૌથી વધુ ખરાબી ભોગવી હોવા છતાં આજે ભારત સહિત કેટલાંય દેશોને તે લોન આપવા કેમ સક્ષમ છે?

    આ પ્રકરણનાં લખાણો મનને મોકળાશ તરફ દોરી જાય છે. લેખકે ગીરીશ સુઢીયાના એક રસપ્રદ અવલોકનનો ઉલ્લેખ કર્યો છે કે અમદાવાદથી રોજ રાત્રે 10:00 કલાકે ગૂજરાત મેલ મુંબઇ તરફ ઉપડે છે. દર મંગળવારે આ સમય કાળ ચોઘડીયાનો છે, છતાં છેલ્લા સિત્તેર વરસથી એકધારી દોડતી આ ટ્રેનને ક્યારેય કોઇ અકસ્માત નથી થયો; જ્યારે ચોઘડીયાં જોઇને કરાયેલાં પ્રસંગોમાં વિઘ્ન આવ્યાનાં કેટલાંય ઉદાહરણો જોવા મળે છે!

    અન્ય પ્રેરક ઉદાહરણ રવજીભાઇ સાવલિયાનું આપ્યું છે, જેમણે 35 વરસ પહેલાં કાળ ચોઘડિયામાં પોતાની સબમર્સીબલ પંપની ફેક્ટરીનું ઉદઘાટન કરાવ્યું હતું, તે પણ પોતાની વિધવા બહેનના હાથે! ચોઘડિયાને બદલે રવજીભાઇની શુભ નિયતને કારણે પહેલા વર્ષે રૂપિયા પચ્ચીસ લાખ,જ્યારે બીજા અને ત્રીજા વર્ષે વેપાર રૂપિયા પંચાવન લાખે પહોંચ્યો હતો. આવાં તો અનેક ઉદાહરણો અને દાખલાદલીલોથી ભ્રામક માન્યતાઓનું નિરસન કર્યાં બાદ ક્રમશઃ આગળ વધતાં અવકાશીય ગ્રહો વિશે તેમાં સાચી ખગોળીય સમજણ પીરસવામાં આવી છે.

    પુસ્તકમાં પૂર્વગ્રહો વિશે વિશદ છણાવટ કરાઇ છે. પૂર્વગ્રહોના પ્રકારો, કારણો ઉપરાંત પૂર્વગ્રહ ગ્રસિત થવાથી થતા નુકશાન વિશે પણ વિગતે ચર્ચા છે, જેમાં વિશ્વની માનવવસ્તીમાં અડધોઅડધ હિસ્સો ધરાવતી સ્ત્રીઓ વિશેના પૂર્વગ્રહો પણ સામેલ છે. એ સ્પષ્ટ છે કે એક વાર પૂર્વગ્રહો વળગ્યા પછી તેનાથી છૂટવું મુશ્કેલ છે, પરિણામે હાથી અને સસલાની વાર્તાની જેમ ‘છોગાળા છોડે પણ સુંઢાળા છોડે તો ને!’ જેવો ઘાટ સર્જાય છે.

    ગ્રહો અને પૂર્વગ્રહો નેસાંકળતી પુસ્તિકામાં અનેક કારણો અને તારણો ઉપરાંત પૂર્વગ્રહોથી બચવાના ઉપાયોની રજૂઆત તેને ખાસ બનાવે છે.

    1. ચાલો જાણીએ, આપણું ભવિષ્ય ભારતીય બંધારણ

    દરેક ભારતીયે જાણવા તેમજ સમજવા જેવો નાગરિક ધર્મ, નાગરીક હક્કો તથા નાગરિક તરીકેની ફરજો વિશે વિશદ છણાવટ આપતી આ પુસ્તિકામાં ભારતીય બંધારણ વિશે પાયાની સમજ આપવામાં આવી છે. ‘મહાત્મા ગાંધી સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ એન્‍ડ સોશિયલ ચેન્જ’ દ્વારા અશ્વિનભાઇને ભારતીય સંવિધાન વિશે સરળ ભાષામાં સમજ આપતું પુસ્તક લખવા ઇંજન આપતાં તે લખાયું. મોટે ભાગે બે કે ત્રણ પાનામાં પૂરા થતા ત્રીસેક પ્રકરણોમાં બંધારણ, ઘડાયા પહેલાંની સ્થિતિ, મૂળભૂત અધિકારો, સમાન નાગરિક ધારો, રાષ્ટ્રપ્રેમ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંબંધો, કરારો તેમજ જવાબદારીઓ, ચૂંટણીઓ, ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાય સહિત અનેક પાસાંઓની સમજૂતી આપવાં આવી છે. છેલ્લે સર્વોચ્ચ અદાલતના ખાસ કેસો વિશે ટૂંકી ચર્ચા કરવામાં આવી છે.

    પુસ્તક ‘તમને આકાશી ઉપગ્રહો નહી, પૂર્વગ્રહો નડે છે’ની પ્રસ્તાવનામાં લેખકે પશ્ચિમી વિચારકોની એક સરસ રજૂઆત ટાંકી છે. તેમાં કહેવાયું છે કે ભારતના લોકો ધર્મ ઘેલછા, ક્રિયાકાંડ, વળગાડ, મંદિરોનું નિર્માણ, ગ્રહ દશામાં માન્યતા, નસીબ આધારિત વલણ વગેરેથી મુક્ત હોત તો પશ્ચિમના દેશો કરતાંય આગળ નીકળી ગયા હોત! આ સાચું થાય ત્યારે ખરું, પરંતું અશ્વિન ન. કારીઆના પુસ્તકોમાં આ દિશામાં પહેલું કદમ માંડવા પ્રેરણા અને સમજ અવશ્ય આપે છે.

    *** * ***

    અશ્વિન ન. કારીઆનાં પુસ્તકો અંગે માહિતી:

    વૈજ્ઞાનિક અભિગમ

    પૃષ્ઠસંખ્યા :69
    સહયોગ રાશિ : ₹ 80

    તમને આકાશી ઉપગ્રહો નહી, પૂર્વગ્રહો નડે છે

    પૃષ્ઠસંખ્યા :58
    સહયોગ રાશિ : ₹ 40

    ચાલો જાણીએ, આપણું ભવિષ્ય ભારતીય બંધારણ

    પૃષ્ઠસંખ્યા :120
    મૂલ્ય : ₹ 120

    પુસ્તકો મેળવવાનું સરનામું: બનાસકાંઠા જિલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ

    C/O ગિરીશ સુંઢીયા, 69/2 ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઇવે, પાલનપુર-385001
    વિજાણુ સંપર્ક: girishsundhiya62@gmail.com
    લેખક સંપર્કઃ 93740 18111


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • ઘડીક સંગ

    ઘડીક સંગ 

    નિરંજન ભગત

    કાળની કેડીએ ઘડીક સંગ
    રે ભાઈ, આપણી ઘડીક સંગ !
    આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

    ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
    વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાયવેળા,
    તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
    હૈયાનો હિમાળો ગાળીગાળીને વહશું હેતની ગંગ !

    પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
    કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
    એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
    ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ !


    આસ્વાદ 

    “ક્ષણને શાશ્વતીમાં પરિવર્તિત ક૨વાનો ચમત્કાર : 
    ઘડીક સંગ” 
     મનસુખ સલ્લા

    નિરંજન ભગતની કવિતા ‘ઘડીક સંગ’માં વર્ણવાયેલા જીવનભાવો ઉપનિષદ અને ગીતામાં બહુ સૂક્ષ્મતાથી વર્ણવાયેલા છેએટલે કે પરિચિત છેપણ કવિતા સિત્તેર વર્ષથી ગુજરાતી ભાવકોને હૈયે છે. એનું અનેક વાર પઠન અને ગાન થયું છે. અન્ય રીતે જોઈએ તો આ જીવનભાવો સૂત્રોરૂપેઉપદેશરૂપે અનેકોએ અનેક રીતે પ્રગટ કર્યા છે. તો આ કવિતાની મોહિની શી છેએની પ્રાસયોજના એની પદાવલિ એનાં જીવનમૂલ્યો આ કાવ્યને ભાવક હૃદયમાં જીવંત રાખવામાં આ સઘળાંનો પણ ફાળો છેપરંતુ એને કવિતા બનાવનાર છે એનાં ભાવચિત્રો. ભાવ અનુભવનો વિષય છેઅપ્રત્યક્ષ હોય છેપરંતુ ઉત્તમ કવિ એને ચિત્રરૂપે પ્રત્યક્ષ કરાવે છે. રૂપક અને કલ્પન કવિનાં હાથવગાં માધ્યમો છે. નિરંજન ભગતની કવિ તરીકેની વિશેષતા છે આવાં મૂર્તિકરણમાં. કોઈ પણ મોટા કવિની ખૂબી એ હોય છે કે તે બે અસામાન્ય અંતિમોઘટનાઓ કે વસ્તુઓને એવી રીતે જોડી આપે છે કે એનું નૂતન રૂપ અનુભવાય છે. ભાવક પણ એવો કલ્પનવિહાર કરે છે. એ સઘળું પરિચિત હોય છેપરંતુ એમાં અંતઃસ્થ એવું અપરિચિત તત્ત્વ કવિ પ્રત્યક્ષ કરી આપે છે. નિરંજન ભગત આ સાધી શક્યા છે માટે આ કાવ્ય દાયકાઓ પછી પણ તાજું રહી શક્યું છે.

                   કાવ્યના ઉપાડની પંક્તિમાં વિરોધ મૂર્ત થાય છે : ‘કાળની કેડીએ ઘડીક સંગ.’ આ હકીકત પરિચિત છે પણ નૂતનતા છે ‘કાળની કેડી’માં. કાળનું સ્વરૂપએની સાથેનો સંબંધ ‘કેડી’માં પ્રગટ થાય છે અને બીજી પંક્તિ કેવળ પુનરાવર્તન નથીસંબંધની અલ્પતા ‘રે ભાઈ’ દ્વારા પ્રગટ કરી છે. પછીની પંક્તિમાં ઘડીકમાં સામેનું ચિત્ર છે ‘જનમોજનમ’નું. હરણફાળ છે આ ઘડીકના સંગનો રંગ આત્માને લાગી જશે એમાં. “રંગ લાગવો’ રૂઢિપ્રયોગ કેટકેટલા અર્થો સૂચવે છેઆત્માને લાગેલો રંગ અમીટ હોય છે તે પણ સૂચવાય છે.

                    કાળની કેડી છે તો ધરતીનું આંગણું છે. આંગણું (ઘર) સ્નેહભાવનું ધરુવાડિયું છે. કાળની અનંત પ્રવાહ અને ધરતીઆંગણાના ઘડીકના મિલનમેળા એ બે બિંદુ વચ્ચે જે સંબંધવ્યાપ સૂચવાય છે એમાં છે કાવ્યની મૂળ સૂક્ષ્મતા છે. કવિ વિદાયની અપરિહાર્યતાથી અવગત છેએનોય સ્વીકાર છે. મેળા અને વેળા માત્ર પ્રાસયોજનાથી નથી શોભતાંપણ મિલન મેળો બની જાય છે. ‘મેળો’ દ્વારા કેટકેટલા ભાવસંદર્ભો સૂચવાય છેપ્રત્યક્ષ થાય છેમેળામાં મહાલતા હોઈએ એમ આ ક્ષણને જીવવાની છે. કાળ ગમે તેટલો અપરિમેય હોયપરંતુ આવું ઘડીકનું મિલન મેળારૂપ હોવાથી કાળ પણ એને નહિ ભૂલી શકેકારણ કે આપણે મેળાની જેમ ભેળાં ભમીશુંરહીશુંજીવીશું ફરીશું વગેરે ક્રિયાપદોની જગ્યાએ ભમીશું ક્રિયાપદ સાભિપ્રાય છે. ‘ભમીશું’માં સ્વૈરલીલા છેનિર્દેતુક આનંદ છે. એને કાળ પણ નહીં ભુલાવી શકે,

                    પ્રચલિત રૂપકો કવિએ અર્થસાધક રીતે યોજ્યાં છે. આ મળવું સંબંધહીન કે સ્નેહવિમુખ નથી. હૈયું સંકુચિતસ્વાર્થીસ્વકેન્દ્રી બની જાય ત્યારે બધું ઠરી જાય છેઅગતિક થઈ જાય છે. હૈયાનો હિમાળો છેપરંતુ આ વરદાન સ્વકેન્દ્રિતાને કારણે નિષ્ફળ બની ગયું છેજડ થઈ ગયું છેનિરર્થક બની ગયું છે. આ ઘડીકના સંગમાં હિમાળાને ગાળવાનો છેઓગાળવાનો છે. તો એમાંથી હેતની ગંગા વહેતી થાય. ગંગાને પૃથ્વી પર લાવવાની ભગીરથની તપશ્ચર્યા અહીં યાદ આવશે. હૈયાનો હિમાળો ગાળવા આવી સાધના કરવાની છે. જેના પરિણામે હેતની ગંગા વહેતી થાય. તો સ્વકેન્દ્રિતામાંથી મુક્તિ મળે. ગંગાનું એક અવિસ્મરણીય સ્વરૂપ પાવનીમુક્તિદવિની છેએ સંદર્ભ પણ અહીં લેખે લાગશે.

                    કવિ જીવનની વિષમતાઓપ્રતિકૂળતાઓથી અજાણ નથી. પગલે પગલે પાવક જાગશેપરંતુ એનો ઉત્તર છે – નેણમાંથી ઝરતી સ્નેહઝારી એ જ વિષમતાના પાવકને બુઝાવશે. કંટકપંથનો અર્થ છે એ વાવેલાં ગમે તેણે હોયપણ આપણા સંગની સાર્થકતા હશે વેદનાની જગ્યાએ ફૂલની ક્યારી ઉગાડવામાં. મનુષ્યજીવનનો મહા અભિશાપ છે સ્વકેન્દ્રિતા. જાતમાં બદ્ધ રહેવું. એ જ ઠરી ગયેલો હિમાળો છેબાળતો પાવક છેકંટકનો પંથ છે. એનાથી મોક્ષ કરવો હોય તો જાતને હારવી અને એકબીજાને જીતવા. સામાના ઉત્કર્ષમાં જાતને પાછળ મૂકવી. અહીં કવિએ ફરી ‘રે ભાઈ’નો પ્રયોગ કર્યો છે. પહેલી વખત સંગની અલ્પતા માટે જાણે કે નિસાસો પ્રગટ થતો હોય એમ આ પ્રયોગ થયો છેપરંતુ છેલ્લે ‘રે ભાઈ’નો પ્રયોગ જાણે સંકલ્પદઢ નિર્ણાયકતા સૂચવે છે. હારીને જીતવુંત્યાગીને ભોગવવુંજાતના પિંજરામાંથી નીકળીને વિશ્વને પામવું એવાં અર્ધવર્તુળો વિસ્તરતાં રહે છે. આ સઘળામાંથી પ્રાપ્તિ છે ઉરમાં ન માય એટલો ઉમંગ. હેતની ગંગાનો પ્રાસ ઉરના ઉમંગમાં મળે છે. ઉમંગ શબ્દ કેવળ પ્રાસ માટે નથીએ દ્વારા કવિ Joy, delight, Pleasure એવા અર્થસંકેતો સૂચવે છે.

                    એક ગીતમાં કવિ કેવી વ્યાપક ફાળ ભરીને સ્નેહનો મહિમા પ્રગટ કરી શકે છેઅલ્પમાંથી વ્યાપકમાં ગતિ કરી શકે છેક્ષણને શાશ્વતીમાં પરિવર્તિત કરી શકે છે એની આ કવિતા છે. એનો આનંદ-ઉમંગ કેવો અવર્ણનીયઅપરિમેય (ક્યાંય ન માય રે એટલો) હોય એવી શ્રદ્ધાના રણકારની આ કવિતા છે. મંત્ર કવિતારૂપે પ્રગટ થાય ત્યારે એ કેવો સ્પર્શક્ષમઅનુભૂતિક્ષમ અને પ્રત્યક્ષવત્ બની શકે છે એનું દૃષ્ટાંત પણ આ કવિતા છે.

     —- સૌજન્ય : બુદ્ધિપ્રકાશઑક્ટોબર ૨૦૨૨

  • કુપ્રથાની વેદી પર બાળબલિ એટલે બાળલગ્ન

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગુવાહાટી હાઈકોર્ટે અસમ સરકારના બાળલગ્ન કરનાર-કરાવનાર પુરુષોની  ધરપકડના આકરા પગલાં પર લગામ મૂકી છે. કોર્ટે કહ્યું છે કે પોલીસના આ પગલાંથી લોકોના અંગત જીવનમાં તબાહી સર્જાઈ છે. આ એવો ગુનો નથી કે જેમાં ધરપકડ કરીને જ તપાસ થઈ શકે. કોર્ટ સમક્ષ જામીનની ગુહાર લગાવેલા આરોપીઓને જામીન પર મુક્ત  કર્યા પછી સરકારની આક્રમકતા ઓછી થયાનું જણાય છે.

    ફેબ્રુઆરી ૨૦૨૩ના મધ્ય સુધીમાં અસમ પોલીસે બાળલગ્નના ગુના સબબ ૪૨૨૫ કેસો દાખલ કરી ૩૦૩૧ લોકોની ધરપકડ કરી હતી. અસમની ૩.૧૦ કરોડની વસ્તીમાં લગભગ ૩૪ ટકા મુસ્લિમ છે. બાળલગ્નની કુપ્રથાનું પ્રમાણ મુસ્લિમોમાં સવિશેષ છે એ ખરું પણ પોલીસે ધરપકડ કરેલા લોકોમાં તો ૯૦ ટકા મુસ્લિમો હોઈ બાળલગ્ન અટકાવવા માટેની  સરકારની સક્રિયતાની સરાહના કરનારા પણ ધરપકડોની ટીકા કરે છે. પોલીસે જેમના પર કેસો દાખલ કર્યા છે તેમના પર બાળલગ્ન પ્રતિબંધક ધારો, પોક્સો(પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ) અને ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ ગુના નોંધાયા છે. વડી અદાલતે  પોલીસના આરોપોને વાજબી રીતે “વિચિત્ર” ગણાવ્યા છે.

    હિંદુઓ જેને સંસ્કાર માને છે અને મુસ્લિમો જેને કરાર ગણે છે તે લગ્નની સરકારે વય નક્કી કરી છે. પુરુષની ૨૧ અને મહિલાની ૧૮ વરસની ઉમર સરકારે લગ્ન માટે ઠેરવી છે. આ ઉમર કરતાં ઓછી ઉંમરે કરેલા લગ્ન બાળલગ્ન ગણાય છે. આવા લગ્નો ગેરકાયદે અને અમાન્ય તો છે જ ગુનો પણ છે અને કાયદામાં તેની સજા પણ નિર્ધારિત કરી છે.

    યૂનિસેફના ચાઈલ્ડ મેરેજ-પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં બાળલગ્નમાં ભારતનું સ્થાન બાંગલાદેશ પછીનું એટલે કે બીજું છે.  ભારતમાં વરસે પંદર લાખ છોકરીઓના બાળલગ્ન થાય છે. વિશ્વની કુલ બાળવધૂઓનો ત્રીજો ભાગ ભારતમાં છે. આઝાદીના પંચોતેર વરસ અને ૧૯૨૯માં પ્રથમવાર બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયાના સવા નવ દાયકા પછી પણ હજુ બાળલગ્નની કુરીતિ ગઈ નથી.

    દેશના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૭ જિલ્લાને આવરી લેતા ૨૦૧૯ થી ૨૦૨૧ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનું તારણ છે કે બાળલગ્નની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૩ ટકા છે. સર્વેક્ષણ હેઠળના વરસો દરમિયાના ૨૫ ટકા મહિલાઓ અને ૧૫ ટકા પુરુષોના લગ્ન કાયદેસરની લગ્નવય પૂર્વે અર્થાત બાળલગ્ન થયેલાં હતા. દેશના આઠ રાજ્યોમાં મહિલાઓના બાળલગ્નનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હતું. સમાજ સુધારાની ભૂમિ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૪૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા હતા. હાલમાં જ્યાં બાળલગ્નનો સવાલ વિવાદમાં છે તે અસમમાં ૩૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા છે અને તે રાજ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ બાળલગ્નના આઠ રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે. એકવીસ વરસની લગ્નવય પૂર્વે બાળલગ્ન કરતાં પુરુષો સૌથી વધુ બિહારમાં, ૨૫ ટકા,  છે તે પછી માત્ર એક જ ટકાના ઘટાડા સાથે ગુજરાતનો ક્રમ છે !. ગુજરાત , રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ૨૪ ટકા પુરુષોના બાળલગ્ન થયા છે.

    ઘર અને સમાજમાં દીકરીનું નિમ્નસ્થાન અને તેને બોજ ગણવો, જાગ્રતિ અને શિક્ષણનો અભાવ,પ્રચલિત સામાજિક રીત-રિવાજ અને ધાર્મિક-સામાજિક પરંપરા, સામાજિક વ્યવસ્થા, ગરીબી, દીકરીની સલામતીનો સવાલ, સરકાર અને સમાજની આ કુરિવાજને ડામવાની ઈચ્છાશક્તિનો અભાવ કે કાયદાના અમલમાં લાપરવાહી અને પિતૃસત્તા  જેવા કારણોને લીધે આજે પણ બાળલગ્ન થતા રહે છે. બાળલગ્નને સમાજના નિમ્ન વર્ગો કે નિમ્ન જ્ઞાતિનો સવાલ ગણી તેને ગંભીરતાથી  લેવામાં આવતો ન હોવાની પણ ફરિયાદ છે..

    બાળલગ્નને કારણે બાળપણ છીનવાઈ જાય છે. ભણવા-ખેલવાની ઉંમરે તેમના માથે સમાજિક બેડીઓ અને જવાબદારીઓ નાંખી દેવામાં આવે છે. બાળલગ્નને કારણે નાની ઉમરે છોકરીઓ ગર્ભધારણ કરે છે.તેથી માતા અને બાળ મૃત્યુ દર વધે છે. કિશોરી માતા પોતાના બાળકની દેખભાળ યોગ્ય રીતે કરી શકતી નથી. તેથી બાળક અશક્ત અને બીમાર રહે છે. બાળલગ્ન બાળ અધિકાર પર તરાપ છે. તેનાથી હિંસા અને યૌનશોષણનું જોખમ રહે છે.વહેલા લગ્નથી શિક્ષણ અધૂરું રહે છે અને રોજગાર ક્ષમતા ઘટે છે. આરોગ્ય, માનસિક વિકાસ અને આનંદપ્રદ જીવન પર મોટી અસર પડે છે.

    બાળલગ્નને કારણે ગરીબીમાં વધારો થાય છે અને માતા તથા બાળક કુપોષણનો ભોગ બને છે. સરવાળે વ્યક્તિ અને સરકારનો આરોગ્યખર્ચ વધે છે.તે સૌથી નકારાત્મક આર્થિક અસર છે. બાળલગ્નથી સામાજિક પછાતપણું અકબંધ રહે છે અને સમાજનો વિકાસ થંભે છે. શિક્ષણ છોડવાને કારણે શિક્ષણનો દર ઘટે છે તથા શાળા છોડવાનું પ્રમાણ વધે છે. સ્ત્રી-પુરુષ સમાનતાનો બંધારણીય અધિકાર અવરોધાય છે. મહિલાઓના અધિકારો અને તેમનું જાગ્રતિકરણ પાછળ ધકેલાય છે.

    શહેરી-શિક્ષિત કેરિયર વુમન મોટી ઉંમરે લગ્ન કરે છે કે કારકિર્દીના ભોગે લગ્ન જ કરતી નથી એ આજના કથિત ભદ્ર વર્ગને મૂંઝવતો પ્રશ્ન છે. તો દેશમાં વરસે સરેરાશ ચોથા ભાગના લગ્નો લગ્નવય પૂર્વે થાય છે. આ બંને વિરોધાભાસી વાસ્તવિકતામાંથી માર્ગ કાઢવાનો છે. છેક બ્રિટિશસત્તાના સમયે રાજારામ મોહન રાય અને બીજા સમાજસુધારકોના પ્રયાસોથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો ઘડાયો હતો. દીર્ઘ ડાબેરી શાસન અને પ્રગતિશીલતા છતાં સૌથી વધુ બાળલગ્ન પશ્ચિમ બંગાળમાં થતા હોય સમાજસુધારાની દિશામાં આપણે કેવી ઊંધી ગતિ કરી છે તે દર્શાવે છે.

    રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ બાળલગ્નોનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ૨૦૦૫-૦૬માં ૪૭.૪ ટકા બાળલગ્નો, ૨૦૧૫-૧૬માં ઘટીને ૨૬.૮ ટકા થતાં દસ વરસોમાં ચોખ્ખો ૨૦.૬ ટકાનો ઘટાડો થયો છે. તેનું એક કારણ વધેલું શહેરીકરણ કે ગરીબોના શહેરી સ્થળાંતરને કારણે વધેલી શિક્ષણની તકો છે. દેશના ૨૫થી ૪૯ વરસના અશિક્ષિત મહિલાની સરેરાશ લગ્નવય ૧૭.૧ વરસ છે  પરંતુ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલા એ જ વયના મહિલાઓની સરેરાશ લગ્નવય ૨૨.૮ વરસ છે .એટલે મહિલા શિક્ષણ બાળલગ્નનો રામબાણ ઈલાજ બની શકે છે.

    કોરોના મહામારી, તાળાબંધી અને તેને કારણે વધેલી ગરીબી-બેરોજગારીએ બાળલગ્નનું પ્રમાણ વધાર્યું છે. માર્ચ-૨૦૨૨માં  સરકારે સંસદમાં સ્વીકાર્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦માં બાળલગ્ન વધ્યાં છે. ૨૦૧૬માં બાળલગ્નોના કેસો ૩૨૬ હતા જે ૨૦૨૦માં સવા બેગણા વધીને ૭૮૫ થયા હતા. એટલે શિક્ષણ ઉપરાંત ગરીબી-બેકારી નાબૂદી,  સમાજસુધારો અને જાગ્રતિ પણ જરૂરી છે. બાળલગ્નમુક્ત ગામ થી બાળલગ્નમુક્ત ભારત અભિયાનો સરકારી-બિનસરકારી સ્તરે ચાલે છે. તેને વધુ મજબૂત બનાવવાના છે. માત્ર કાયદાના દંડૂકાથી આ સમસ્યા હલ થવાની નથી. બાળલગ્નની સામાજિક માન્યતા અને સ્વીકાર્યતા પર તીવ્ર પ્રહાર કરવો જ પડશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખુશવંતસિંહ: એક પત્રકાર લેખકની દંતકથા

    નરેશ માંકડ

    ૧૯૭૦ના દશક ની શરૂઆતના કોઈ વર્ષની આ ઘટના છે. અમદાવાદ એરપોર્ટ પર એલ. ડી. કોલેજ ના મોના ચીનુભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ કોલેજના વાર્ષિકોત્સવ માટે નિમંત્રિત અનેક સ્વરૂપે વિખ્યાત વ્યક્તિવિશેષ ઇલસ્ટ્રેટેડ વિક્લિ ના તંત્રી ખુશવંતસિંહની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે  ધ્યાન પડ્યુ કે એક સરદારજી ત્યાં આવી ચૂક્યા હતા. ટ્રસ્ટીઓએ આગળ ધસીને એમને હાર પહેરાવી દીધો. સરદાર મૂંઝાઈ ગયા પણ ઉતાવળે બહાર નીકળી ટેકસીમાં બેસીને રવાના થઈ ગયા. એ જ વખતે માનવંતા મહેમાન, ખરા સરદાર ખુશવંતસિંહ પ્રવેશ્યા. ટ્રસ્ટીઓ પાસે હવે હાર તો હતો નહીં. તેઓએ ભોંઠપ સાથે થોડી વાર પહેલાં બની ગયેલ ઘટનાની વાત કરી. ખુશવંતસિંહે એમને આશ્વાસન આપતાં કહ્યું, કંઈ વાંધો નહીં. અમારાં પંજાબમાં એવું કહે છે કે Nathusingh Premsingh, one and the same thin (નથુ સિંગ કહો કે પ્રેમ સિંગ, સિંગ તો સિંગ જ રહે).

    આ ઘટનાનું બયાન તેમને વિક્લિની પોતાની અતિ લોકપ્રિય કોલમમાં આપ્યું હતું..

    એમની કોલમનો આ લાક્ષણિક પરિચય.

    હાથમાં કલમ અને પેપર સ્ક્રોલ લઈને પુસ્તકો અને વ્હીસ્કીની બોટલ વચ્ચે વીજળીના બલ્બમાં આસનસ્થ  ખુશાલ સિંહ – જે એમનું દાદીએ આપેલું મૂળ નામ હતું – એ પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ મારીઓ મિરાંડાએ દોરેલ ચિત્રથી જનમાનસમાં દૃઢ બનેલી એમની છબિ હતી. વિક્લિના તંત્રી તરીકે તેઓ ૧૯૬૯ થી ૧૯૭૮ સુધી રહ્યા. એ કોઈ ભારતીય સામયિકના કે તંત્રીના જીવનમાં ન આવ્યો હોય એવો ઝળહળતો સમય હતો અને એનું મુખ્ય પાત્ર ખુશવંત સિંહ હતા. ખુશવંતસિંહ ને ટક્કર મારી શકે એવા કેટલાક તંત્રીઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં અલગ અલગ સમયે આવી ગયા હતા, જેમ કે ફ્રેન્ક મોરાએસ, એન. જે. નાનપોરિયા, શામ લાલ, ગિરિલાલ જૈન ઇત્યાદિ; પરંતુ એમાંથી કોઈએ ખુશવંત જેવી દંતકથાત્મક, અદભુત કીર્તિ હાંસલ કરી ન હતી.  ૧૯૬૯ પહેલાંનું વીક્લિ સુસ્ત અને કંટાળાજનક સામાયિક હતું, ઇંતેજારીપૂર્વક વાચકો રાહ જુએ એવું ન હતું. ખુશવંતસિંહે એ મડદાંમાં પ્રાણ ફૂંક્યા, અને એના કરિશ્માથી મડદું જીવંત થઈને બેઠું થાય એવું બન્યું. થોડા હજારનાં સરક્યુલેશન પરથી એનો ફેલાવો પાંચ વર્ષમાં ચાર ગણો વધીને ૪,૧૦,૦૦૦ની સંખ્યા પર પહોંચી ગયો. સામાયિક પત્રકારત્વમાં આ સનસનાટીભરી ઘટના હતી. ખુશવંતસિંહને જાણનારાની સંખ્યા મોટી ન હતી, પણ આ ચમત્કારથી અંગ્રેજી વાંચનારાઓ સફાળા જાગી ગયા, ખુશવંત સુપર સ્ટાર બની ગયા. એમણે પોતાના પર થતી પ્રશંસાની પુષ્પવર્ષા અને ક્યાંકથી ફેંકાતા ટીકાનાં રોડાંને પણ છાપ્યાં. ‘ટીકાકારોને તંત્રીનો જવાબ ‘ એવાં મથાળાં સાથે એમણે વીક્લિ નાં સર્ક્યુલેશન ના ગ્રાફને અંગદ કુદકો મરાવ્યો. વળતો જ કોઈ વાંચકનો જવાબ આવ્યો: ” તમે જ નહોતું કહ્યું કે ફ્રાન્સમાં વેશ્યાઓ આવકવેરો ભરે છે? ” વાંચકોના પત્રોનો વિભાગ પણ એકદમ રોચક અને જીવંત બની ગયો.  આવી અભૂતપૂર્વ સફળતાને કારણે સ્ટાર સ્ટેટસ મેળવનારા ખુશવંતને રાજકારણીઓ, ફિલ્મસ્ટાર્સ, લેખકો, મળવા આવવા લાગ્યા. ખુશવંત પણ જેને મળવા ઈચ્છે તેમને સરળતાથી મળી શકતા હતા. ફિલ્મ સ્ટાર્સ અને ખાસ કરીને હિન્દી ફિલ્મો તરફ અણગમો વ્યક્ત કરતા ખુશવંતસિંહ એમના સહાધ્યાયીઓ – જેમાં બલરાજ સહાની, ચેતન આનંદ, દેવ આનંદ વગેરેનો સમાવેશ થાય છે એમાંના કેટલાકને મળવા ગયા હોવાનું તેઓ નોંધે છે. દેવ આનંદ, કલ્પના કાર્તિક, રાજ કપૂર, ઝીનત અમાન જેવાં નામ એમના વૃત્તાંતમાં જોવા મળે છે. લતા મંગેશકરને મળવા માટે રાજુ ભારતન સાથે ગયા ત્યારે આ મૂર્તિભંજક પત્રકારે ધન્યતા અનુભવી. નૌશાદ અને તેમના પરિવારજનોને પણ મળવા તેઓ  રાજુ ભારતન સાથે ગયા હતા. સ્પષ્ટ જ છે કે ફિલ્મની ગ્લેમરથી નિસ્પૃહ બહુ ઓછાં માણસો રહી શકે છે.

    આશ્ચર્યની વાત તો એ છે કે  એમના શાળા કે કોલેજના વર્ષોમાં તેઓ ભવિષ્યમાં લેખકો અને પત્રકારોને ઈર્ષા થાય એવું સ્થાન મેળવશે એવો આછેરો અણસાર પણ ખુશવંતે આવવા દીધો ન હતો. અભ્યાસમાં તદ્દન સામાન્ય એવા ખુશવંતને અંગ્રેજી અને ઉર્દૂ ભાષાસાહિત્યમાં રસ પડ્યો. એક અંગ્રેજ શિક્ષિકાએ અને એક મૌલવીએ પોતાના વિષયોમાં ખુશવંતસિંહને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું. તેઓ શબ્દકોષની મદદથી નવા શબ્દો નોંધતા રહ્યા, બાઇબલ, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, સોંગ ઓફ સોલોમન, વાંચ્યાં. શેક્સપીયર, વર્ડઝવર્થનાં કાવ્યો યાદ કરવાનું શરૂ કર્યું, સમરસેટ મોમ અને આલ્ડસ હકસલીથી પ્રભાવિત થયા. એમની જ કબૂલાત પ્રમાણે, “પ્રામાણિકતાથી કહું તો મહાન લેખકો નહીં પણ બીજા વર્ગના, ખાસ કરીને ભારતીય લેખકોની પ્રેરણા મળી જેમનાં પુસ્તકો ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં પ્રકાશિત થયાં હતાં.   એમાં મુલ્કરાજ આનંદ, રાજા રાઓ અને આર. કે. નારાયણ સમાવિષ્ઠ હતા.** મને લાગ્યું કે એ લોકો જેવું તો હું લખી જ શકું છું અને જો તેઓ વિદેશમાં પ્રકાશન કરી શકે તો હું પણ કરી શકું. મારાં પોતાનાં મૂલ્યાંકનમાં હું બહુ ખોટો ન હતો.”

    પિતાની છત્રછાયામાં કોઈ મથામણ કે આર્થિક સંકડામણ વગર વર્ષો પસાર થઈ ગયાં. કાનૂની વ્યવસાયમાં પિતાની ઈચ્છાને કારણે આવ્યા પણ કંઈ કામ મળતું નહીં. વકીલોને તેઓ માનની નજરે જોતા નહીં. તેઓ કહે છે કે વકીલો રાજકારણમાં જવા લાગ્યા તેથી જ દેશનાં રાજકારણમાં નીતિમત્તાનો અભાવ અને સારા સ્ટેટ્સમેન નો અભાવ છે. આ સિવાયનો કમાવાનો સરળ રસ્તો નોકરી જ કરવાનો રહેતો હતો. એમાં પણ ખુશવંત ફરતરામ રહ્યા. કેનેડા અને લંડનમાં કામ કર્યા પછી ૧૯૫૧માં પત્રકાર તરીકે આકાશવાણીમાં જોડાયા.  પુસ્તકો લખવાની લગની તો હતી જ, એટલે લંડનમાં બીજી વાર રહેવાનું થયું ત્યારે એ બાબતમાં ગંભીરતાથી વિચાર કર્યો. એમને લાગ્યું કે લેખકો સાથે મળીને હાથ મિલાવીને ખુશ થવાથી અને ઉપલક પરિચયથી લેખક ન બની શકાય. લેખન એકાંતિક કાર્ય છે જેમાં જાતમહેનત સિવાય અન્યની સહાય કામ નથી લાગતી.

    એ પછીના સમયમાં એમનાં પુસ્તકો – શીખોનો ટુંકો ઇતિહાસ, ગુરુ નાનકની પ્રભાતની પ્રાર્થનાઓનો અનુવાદ,પ્રસિદ્ધ થયાં. ઇંગ્લૅન્ડથી પાછા ફરવાના સમય સુધીમાં ટ્રેઈન ટુ પાકિસ્તાન અડધાથી વધુ લખાઈ ચૂકી હતી; ભોપાલમાં એક માસ રોકાઈને એ કાર્યનું સમાપન કર્યું. પછીનાં વર્ષોમાં એમનો પરિચય નીરદ ચૌધરી સાથે થયો જે થોડાં વર્ષમાં ભારતના શ્રેષ્ઠ લેખક તરીકે વિશ્વભરમાં નામના મેળવવાના હતા. એ ઉપરાંત રુથ પ્રાવર ઝાબવાલા અને મનોહર મલગાંઓકર સાથે મૈત્રી થઈ. એ દિવસોમાં નીરદ ચૌધરીએ Autobiography of An Unknown Indian (૧૯૫૧) ને કારણે સરકારી  વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો અને એનું કારણ હતું એ પુસ્તકના અર્પણનું શીર્ષલખાણ To the memory of the British Empire in India (ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્મૃતિને અર્પણ). નીરદના એ કપરા કાળમાં ખુશવંત એમને સધિયારો આપ્યો. અહીં નોંધવા જેવી વાત એ છે કે જે ગણીગાંઠી વ્યક્તિઓ માટે ખુશવંતને ખરી સન્માનની લાગણી હતી એમાંના એક નીરદ ચૌધરી હતા. ખુશવંત વિના સંકોચે કબૂલ કરે છે કે નીરદબાબુ સાથેની મારી મિત્રાચારી એકપક્ષી હતી અને જ્યારે તેઓ અસંમત થાય ત્યારે ખુશવંતને મૂર્ખ પણ કહી દેતા. નીરદ નાં પત્ની એમને ટોકતાં, ” તમે આવી રીતે વર્તશો તો તમારા એક માત્ર મિત્રને પણ ગુમાવી બેસશો. ” ખુશવંત ઉમેરે છે, “.. પણ મારો એમને છોડવાનો કોઈ ઈરાદો ન હતો. ”

    ખુશવંતસિંહે ઇંગ્લૅન્ડમાં હાઈ કમિશનર કૃષ્ણ મેનન સાથે  કામ કરેલું એની વાતો અને નહેરુની ઇંગ્લેન્ડની મુલાકાત વખતે મધ્યરાત્રિએ એડવિનાની મુલાકાતની વાતો – કદાચ થોડા અંશે બઢાવી ચડાવીને કરેલી વાતો – ખુશવંતે જાતે જે વાતનો સ્વીકાર કર્યો છે એ એમના ગોસિપના શોખના પુરાવા સમાન છે અને એમનાં લખાણો નું એક શીર્ષક With Malice Towards One And All ને સાર્થક ઠરાવે છે. નહેરુને એમણે ક્યારેય ગંભીરતા અને સન્માનની દૃષ્ટિથી નહીં જોયા હોય એવી મારા પર છાપ પડી છે. છતાં નહેરુને લેખક તરીકે મૂલવતા એમના લખાણમાં ગંભીરતા છે, કેટલાંક પોતાનાં આગવાં  સચોટ અને રસપ્રદ નિરીક્ષણ છે. લંબાણના ભયે એમાંથી કંઈ ટાંકતો નથી.

    ખુશવંતસિંહની કીર્તિમાન કૃતિઓમાં The History of Sikhs, Train To Pakistan, I Shall Not Hear Nightingale ને ગણાવી શકાય.  Truth, Love and A Little Malice એમની આત્મકથા છે જેમાં ખુશવંતસિંહ એમની લાક્ષણિક અદાઓ સાથે રજૂ થાય છે.

    કંવલ મલિક નામની છોકરી  તેમની સાથે શાળામાં હતી, તે વર્ષો પછી એમને ફરી ઇંગ્લૅન્ડમાં મળી. સમય જતાં એમની વાગ્દત્તા અને પછી પત્ની બની. અલબત્ત, એ પહેલાં કંવલના હાથ માટેનો દાવેદાર હરીફ ઊભો થયો જેને પછીના સમયમાં આપણે ફિલ્મ નિર્માતા ચેતન આનંદ તરીકે ઓળખતા થયા. આખરે ખુશવંતનાં જ લગ્ન કવલ સાથે થયાં. ખુશવંત સ્પષ્ટ નિર્દેશ આપે છે કે એમનાં લગ્નજીવનમાં તણાવ રહ્યો હતો. કંવલ અને ખુશવંત એક બીજાં પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહ્યાં ન હતાં.

    પ્રસિદ્ધ પત્રકાર માલ્કમ મગરીજ વિશે એમણે  લખેલા શબ્દો ખુશવંતસિંહને પોતાને કેટલીક બાબતોમાં આબાદ રીતે લાગુ પડે છે:

    ” તેઓ કોઈ રીતે દેખાવડી વ્યક્તિ ન હતા.  ટાલિયા થતા જતા, ગોળી જેવી આંખોવાળા, ઊંચા ચીક બોન્સવાળા અને વધુ પડતી મોટી હડપચીવાળા હતા, પણ એમની વિટ અને જુગુપ્સાપ્રેરક ટિપ્પણી એમના વાચકવર્ગને ખુશ કરી દેતી હતી. તેઓ જેવું બોલતા એવું જ લખતા હતા. ઉચ્ચ સ્થાને બિરાજતા અને શક્તિશાળી માણસોની જાતજાતના વિશેષણો આપીને તેઓ મજાક ઉડાવતા.’

    ૧૯૭૧ના ઉત્તેજનાપૂર્ણ બાંગ્લાદેશ યુદ્ધ પછી વિજયનો અને દેશપ્રેમનો ઉભરો શમી ગયા પછી વાસ્તવિક ધરતી પરના પ્રશ્નો દેશ સમક્ષ મોં ફાડીને ઊભા રહ્યા. ખુશવંતસિંહ પર જયપ્રકાશ નારાયણની સચ્ચાઈ માટે લડનારા નેતા તરીકે છાપ હતી પણ કાળઝાળ મોંઘવારી, અમર્યાદ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ જેવી સમસ્યાઓ લોકોની સહનશીલતાની કસોટી કરતી હતી એવામાં બિહાર અને ગુજરાતમાં સરકારવિરોધી ચળવળ શરૂ થઈ. જયપ્રકાશે તેની નેતાગીરી સાંભળી અને તેમની સાથે બધા જ વિરોધ પક્ષના નેતાઓ જોડાયા અને જબરજસ્ત આંદોલન જાગી ઉઠયું. જયપ્રકાશની લગભગ ખુલ્લા વિદ્રોહની હાકલ થી સરકાર કંપી ગઈ. મોટા ભાગના પત્રકારો પણ જન આંદોલનને ટેકો આપતા હતા. ઇન્દિરાએ વિરોધને દબાવવા માટે કટોકટી જાહેર કરી. ખુશવંતસિંહ ઇન્દિરાને ટેકો આપવા લાગ્યા. સંજયની નાની કાર બનાવવાની યોજનાને પણ સંપૂર્ણ ટેકો આપ્યો એટલું જ નહીં, એમની દમનકારી નીતિઓને પણ બહાલી આપી. ખુશવંત એટલી હદે સરકાર તરફી વલણ લેવા માંડ્યા કે એમની શ્રધ્ધેયતા તદ્દન ગુમાવી બેઠા. લગભગ આ સમયથી એમનું ટોચ પરથી ઉતરાણ શરૂ થઈ ગયું હતું.

    ખુશવંતસિંહના વાંચકોમાં બે પ્રકાર જણાય છે. એક વર્ગ એમનાં ઉદ્દંડ, ઉઘાડાં, ઉશ્કેરણીજનક લખાણથી આકર્ષાય છે. બીજો વર્ગ એવો છે જે એવાં તિકડમથી અણગમો અનુભવે છે પરંતુ એમને પણ ઘણી વાર કચરાપટ્ટીમાં ઢંકાઈ ગયેલો ચળકાટ દેખાઈ જાય છે, જેમાંથી એમની પ્રવાહી કાવ્યમય ભાષા અને વિશાળ અનુભવ તેમ જ વાચનથી ઘડાયેલું એમનું આગવું જ્ઞાન બહાર આવે છે. એમનાં સામાન્ય વળગણો  વારંવાર ડોકિયાં કરતાં હોય છે તો પણ પ્રકૃતિ, પુસ્તકો અને લેખકો વિશે ખુશવંત લખતા હોય ત્યારે એવું લાગે કે આ ક્ષેત્ર એમનું પોતીકું છે; ત્યારે વાંચકને પણ એની સાથે ખેંચી જઈને સહ – અનુભૂતિ કરાવે છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં એક સમયે આવતી એમની એક્સ – લિબ્રિસ કોલમ આઠ કોલમ કે પોણું પાનું રોકતી હતી અને એમાં ઓસ્કાર વાઇલ્ડ, આલ્ડસ હક્સલી, ડીલન થોમસ, મૌલાના આઝાદ જેવા સાહિત્યકારોનો સવિસ્તર અભ્યાસપૂર્ણ પરિચય મળી જતો. એમનો પ્રકૃતિપ્રેમ એમને કુદરતની ભાતીગળ શોભા વિશે વાત કરતાં રસાનુભવ કરાવે છે એનાં બે ઉદાહરણ જુઓ.

    શાંતિનિકેતનમાં ગાળેલી એક વરસાદી રાતનું વર્ણન:

    સખત જમીન પર સૂવાની આદત ન હોવાને કારણે હું અલપ ઝલપ ઊંઘ લઇ શક્યો.  ભારે વરસાદ પડવા લાગ્યો. હું સ્વપ્નભૂમિમાં સરી પડ્યો.  દૂરથી સંભળાતા  ગાયનના અવાજો નિકટ આવતા ગયાં.  મને સમજાયું કે હું સ્વપ્ન નથી જોઈ રહ્યો.  મારી પથારીમાંથી ઊઠીને બારણું ખોલ્યું.  ધુમ્મસભરી ચાંદની વરસાદી ઝરમરનાં આછાં આવરણમાંથી ચળાઇને આવતી હતી.  સ્વચ્છ, સફેદ વસ્ત્રધારી સ્ત્રી – પુરુષોને ફાનસ અને મીણબત્તી લઈને ગાતાં ગાતાં માર્ગ પર ચાલતાં આવતાં જોયાં.  મારાં બારણાં પાસેથી તેઓ પસાર થઈ ગયાં ત્યાં સુધી હું દિગ્મૂઢ થઈને ઊભો હતો.  મંજુશ્રી (ખુશવંતના રૂમના સાથીદાર બૌદ્ધ સાધુ) એ કહ્યું, ” આ વરસાદને આવકારવા માટેનું ‘ વર્ષામંગલ ‘ છે. એ લોકો ટાગોરનાં ગીતો ગાતાં ગાતાં કેમ્પસમાં ફરશે.”

    આવું જ સુંદર વર્ણન ગંગાનું:

    મારામાં જે કંઈ ભારતીય છે એ સઘળાં ને જે એક બાબત આહવાન આપે છે એ છે સૂર્યાસ્ત સમયે ગંગાનું પૂજન.  હર કી પૌરી પર જ્યારે હું આરતી થતી જોઉં છું

    ત્યારે મને કંઇક થાય છે અને હું જ્યાં ઊભો હોઉં ત્યાં જડાઈ જતો હોઉં એવું અનુભવું છું.  મારા માનસના ઊંડાણમાં દટાયેલા તાર કોઈ અગમ્ય સંગીતથી ઝંકૃત થઈ ઊઠે છે. * હિન્દુ માટે ગંગામૈયા છે એનાથી વિશેષ કંઈ મારા માટે છે.  હું એની પાસે પૂર્વજ પૂજા માટે આવું છું – બ્રાહ્મણ પરિવારના અનુગામી અલ્લામા ઇકબાલની જેમ:

    અય આબરૂદે ગંગા વહ દિન હૈ યાદ તુઝકો
    ઉતરા તેરે કિનારે પર જબ કારવાં હમારા

    હર કી પૌરી પાછળની ટેકરી પર સૂર્ય ઉતરે છે.  આ સમય છે નદી પાસે તમારું સ્થાન ગ્રહણ કરવાનો. હું એક બંગાળી પરિવારની પાછળ ઊભો છું.  સંધ્યાના ઓળા યાત્રિકોને વીંટળાઈ વળે છે ત્યારે એક કન્યા પાંદડાની હોડકીમાં દીવા પ્રગટાવે છે, ધસમસતા પ્રવાહમાં તે ભક્તિપૂર્વક દીવાને તરતા મૂકે છે ત્યારે તેનો ચહેરો પ્રકાશિત થાય છે અને પ્રવાહમાં તણાઈ જતા દીવા ને તે જોઈ રહે છે.  આ બંગાળી છોકરીઓની આંખો કેટલી મોહક છે!  તરત જ દીવડા પ્રગટાવેલી પાંદડાંની સંખ્યાબંધ હોડકીઓ પ્રવાહમાં ઊંચી નીચી તરતી જાય છે.  નદીને પાર મંદિરના ઘંટારવ થાય છે, શંખનાદોની ઉપરથી ઉઠતા ગંગામૈયાની જય ના જાપ સંભળાય છે – ” જે તમારું સ્મરણ કરે છે તેમને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે “, પૂજારીઓ દીવા લઈને હરકી પૌરીનાં પગથિયાં ઉતરે છે અને દીવાઓને વર્તુળાકારે ફેરવતા આરતી કરે છે.  પાંચ મિનિટના આ દૃશ્ય – શ્રાવ્ય દ્વારા ઉપજેલો સંમોહક સમય છે.  પછી દીવડાઓ અંદર અલોપ થઈ જાય છે.  મંદિરના ઘંટ અને શંખો શાંત થઈ જાય છે.  સમુદ્ર સાથેના સંગમ તરફ વહી જતી ગંગા પર પૂર્ણ ચંદ્ર ઝળકે છે. તમે નશામાં હો એવી અવસ્થામાં તમારા પગને ઘસડી રહો છો. આ અનુભવને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી.  તમને એ જીવનભર સ્મરણમાં રહે છે.

    આ છે ખુશવંતની દિલ ખુશ કરી દેતી છબિ. અફસોસ કે સિક્કાની જેમ તેની બીજી બાજુ પણ છે.

    ખુશવંતસિંહ બિનસાહિત્યિક વાર્તાકાર તરીકે અસરકારક છે.  આ પ્રકારના એમના લખાણ તંત્રીલેખ તરીકે પ્રગટ કરતી એમની કોલમ અતિ લોકપ્રિય બની હતી એ માટે એમની બિનસાહિત્યિક વૃતાંતને વાર્તાની જેમ રજૂ કરવાની આવડત કામ લાગી, પણ થોડાં વર્ષમાં એ તાજગી કરમાવા લાગી.  ડેબોનેરના તંત્રી વિનોદ મહેતાએ ખુશવંતનો ઇન્ટરવ્યૂ લેતી વખતે એમની અભૂતપૂર્વ લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યા પછી કહ્યું કે હવે તેઓ બોરિંગ થતા જાય છે. ખુશવંત ચમક્યા, Is it so? I am alarmed. સામાયિક પત્રકારત્વમાં આવો એક સમય આવતો જોયો છે; જેવું વિક્લિ માં બન્યું એવું જ ઇન્ડિયા ટુડે ના કિસ્સામાં બન્યું અને થોડાં વર્ષો પછી ખુદ વિનોદ મહેતાના સામાયિક આઉટલુક ની બાબતમાં પણ બન્યું. ઘણી વાર તંત્રીનું ધ્યાન ખેંચવામાં આવે ત્યારે તેઓ આ હકીકતનો સ્વીકાર પણ કરે છે, તેમ છતાં તેઓ આ પડતીને અટકાવી નથી શકતા. ખુશવંતસિંહ અને વિનોદ મહેતા જેવા પત્રકારો સામાયિક પત્રકારત્વના આકાશમાં ઉલ્કાની જેમ ઝળહળતો પ્રવેશ કર્યા પછી ઉલ્કાની જેમ જ અલોપ થઈ જાય છે.

    વિક્લિનો ચળકાટ ઝાંખો પડતો જતો હતો. ઈન્દીરા અને સંજયને આંધળુકિયું સમર્થન આપ્યા પછી નવા યુગમાં ખુશવંતનું પુનઃ સ્થાપન કરવું શક્ય ન હતું, એમની વિશ્વસનીયતા જતી રહી હતી, લોકો હવે તેમને ખુશામતસિંહ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એમનો સૂર્ય હવે અસ્તાચળ પર હતો. ખુશવંતના કહેવા મુજબ અશોક જૈને નરમાશથી પરંતુ મક્કમતાથી જણાવ્યું કે થોડા માસમાં પૂરો થતો એમનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરવામાં આવે કારણ કે મોરારજીના પુત્ર કાંતિ દેસાઈનો એમના સામે સખત વિરોધ છે. પદ છોડવાના સમયથી એક સપ્તાહ પહેલાં જ એક પત્ર દ્વારા જણાવી દેવામાં આવ્યું કે તાત્કાલિક અસરથી તેમની સેવાઓનો અંત આણવામાં આવે છે.

    ત્યાર પછીના વર્ષોમાં એમની સિંડિકેટેડ કોલમ ચાલતી રહી અને આર્થિક દૃષ્ટિએ એમને સારું વળતર મળતું રહ્યું પણ એ સૂર્યાસ્તની ઝલક હતી.

    ખુશવંતને રાજ્યસભાનું સભ્યપદ પણ મળ્યું. રાજીવ ગાંધીએ આ બુઝર્ગ પત્રકારને ઘરે એમની મુલાકાત લીધી. મનમોહનસિંહના પણ એમની સાથેના સંબંધ શિખ હોવાના કારણે સારા હતા. ખુશવંતના નિરીશ્વરવાદી હોવાના અને જાતિ ધર્મના ભેદભાવના વિરોધી હોવાના દાવાઓ છતાં એ નિર્વિવાદ હકીકત છે કે શિખ બાબત એમના માપદંડ અલગ હતા. ઈન્દીરાના જૂતાં ઉપાડનાર ઝૈલ સિંહ પ્રમુખ બન્યા ત્યારે ખુશવંતસિંહે પ્રશંસાનાં પુષ્પો વરસાવ્યાં હતાં અને એ ભારતના શ્રેષ્ઠ પ્રમુખ પુરવાર થશે એવું જાહેર કર્યું હતું. વાસ્તવમાં એથી ઉલટું બન્યું.  ઇન્દિરાનો પુત્ર જ ગાદી પર આવે એવી ઈચ્છાને કારણે ઝડપભેર રાજીવને પ્રધાનમંત્રી બનાવી દીધા, પણ એટલી જ ઝડપથી એ બંને વચ્ચેના સંબંધો એટલી હદે વણસી ગયા કે ઝૈલસિંહ રાજીવને પદભ્રષ્ટ કરવાના વિચાર કરવા લાગ્યા. રાજીવે વીર સંઘવી સાથે વાત કરતાં પોતાનો તીવ્ર અણગમો ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં વેશ્યાઓને લાવવામાં આવે છે.

    આ બધી વાતો ખુશવંત સિંહના નબળા જજમેન્ટ અને નાદાનિયતના પુરાવા જેવી છે. શિખ હોવા છતાં પુત્ર રાહુલ સિંહે જ્યારે વાળ કપાવી નાખ્યા પછી પિતાને જાણ કરી ત્યારે ખુશવંતને ભારે આઘાત લાગ્યો હતો.

    ખુશવંતસિંહના ટીકાકારોમાં સહુથી ઉગ્ર વિધાનો કરવા માટે ધ્યાન ખેંચે છે ખુશવંતના અનુગામીઓમાંના એક પ્રીતિશ નંદી.

    ડિસેમ્બર ૨૦૦૧માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રવિવારની પૂર્તિમાં પ્રીતીશ નંદીએ કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર જલદ ભાષામાં કેટલીક વિગતો અને મંતવ્યો મૂક્યાં છે જે બહુ ઓછા લોકોની સ્મૃતિમાં અને જાણમાં હશે:

    “એમનામાં કેટલાક આકર્ષક ગુણો છે, જે મારામાં નથી. પહેલાં તો, હકીકતોનું એમનું અર્થઘટન આગવું હોય છે.  હવે તો મેનકા ગાંધી દ્વારા પણ સિદ્ધ થઈ ગયું છે કે એમની અને એમના પતિ સંજય સાથેની ભાઈબંધીની વાત તદ્દન બનાવટ છે.  તેઓ ભાગ્યે જ એક બે વાર મળ્યાં હતાં અને ભાગ્યે જ એકબીજાંથી પરિચિત હતાં.  અલબત્ત ઇન્દિરા ગાંધી ફરી સત્તારૂઢ થયાં ત્યારે ખુશવંતે આ ઉપજાવી કાઢેલા સંબંધોનો ખંધાઇપૂર્વક લાભ ઉઠાવ્યો.

    “ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન સ્વર્ગસ્થ અશોક જૈને મારી પાસે એવી ફરિયાદ કરી હતી કે મોરારજી સત્તા પર આવતાં પોતે રાજકીય બલિ બન્યા હોવાની ખુશવંતે પ્રયાસપૂર્વક ખડી કરેલી હ્રદયવિદારક વાર્તા તદ્દન જૂઠી હતી. મોરારજીએ ખુશવંતને પાણીચું પકડાવવા માટે ક્યારેય દબાણ કર્યું ન હતું, બલ્કે ખુશવંત પોતે જ મોરારજી સત્તા પર આવતાં ભાગી છૂટયા હતા. એમને એવી ભીતી હતી કે ઇન્દિરાએ પોતાના વિરોધીઓની જે વલે કરી હતી એવી હવે મોરારજી પોતાની હાલત કરશે.  એમની ગાંધી પરિવાર સાથેની કહેવાતી નિકટતાનો રાજકીય ફાયદો ઉઠાવીને રાજ્યસભાની સીટ મેળવી.

    “બીજું, પ્રીતિશના મતે, ખુશવંતે પત્રકારત્વને ક્ષુલ્લક બનાવી દીધું, અલબત્ત આ અધોગતિને કારણે વિક્લીના ફેલાવામાં આશ્ચર્યજનક વધારો થયો. **ભારતીય પત્રકારત્વમાં સરદારજીની ‘ જોક્સ ‘ ખુશવંતનું સહુથી ચિરંજીવી પ્રદાન બની  રહેશે.

    “છેલ્લે, એમની રાજકીય નાદાની. અમારામાંના મોટા ભાગના લોકો રાજકીય આગાહીઓ ખોટી પડે ત્યારે એકદમ બુદ્ધુ દેખાય છે. મેં પણ એવું કર્યું છે, લોકો તેમને માફ કરીને ભૂલી જાય છે પરંતુ ખુશામતખોરી અને તમારો આત્મા વેચવાની બાબતને ધિક્કારે છે.  ખુશવંતે એવું વારંવાર કર્યું છે.  આવી રાજકીય ચાટુકારિતાનાં બે સૌથી મોટાં ઉદાહરણ છે ખુશવંત અને ચિત્રકાર હુસેન.  ખુશવંત આપણા સમય અને જીવન પર નોંધપાત્ર અસર પાડી શક્યા હોત, એની બદલે વ્હિસ્કીમાં ડૂબેલા રહી બુદ્ધિહીન જોક કરતા રહ્યા.  ઇતિહાસે એમને અદભુત તક આપી હતી પણ મૂર્ખ, આત્મરત, સ્વ – અર્થી માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો.”

    બહુ આકરો ચુકાદો.. . પણ એમાં ઘણું સત્ય પણ છે.

    ક્રિકેટમાં નવાણું રન કર્યા પછી સો પૂરા થતા પહેલાં બેટ્સમેન આઉટ થઈ જાય એમ ખુશવંતસિંહ ૯૯ વર્ષ પૂરાં કર્યા પછી ૨૦ માર્ચ ૨૦૧૪ના રોજ અવસાન પામ્યા. ભારતીય પત્રકારત્વનો એક અલગારી સિતારો અસ્ત પામ્યો.


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે

  • બાળલગ્ન પ્રતિબંધ કાયદો : ઇતિહાસ અને ફલશ્રુતિ

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

    કેટલાક સામાજિક દુષણોને અટકવવા માટે કાયદો જરૂરી હોવા છતાં તે દુષણને માત્ર  કાયદાથી અટકાવી શકાતું  નથી. વળી કાયદો પણ એવો હોવો જોઈએ કે જેને લાગુ પાડવાનો હોય તે લોકસમૂહની વ્યાપક સ્વીકૃતિ હોવી જોઇએ.  આમ છતાં સમાજ સુધારા કે જે તે વર્ગની ઉન્નતિ માટે તે કાયદો આવશ્યક હોય તો પણ તેનાં રિવાજો અને પરંપરાને ધ્યાનમં રાખીને સાવચેતીપૂર્વક  અમલ થવો જોઇએ.

    આપણે અહીં વાત કરવી છે ‘બાળલગ્ન પ્રતિબંધ’ ધારાની જેના અમલ માટે સત્તાવાળાના વિવેકબુદ્ધિ અને હેતુંશુદ્ધિ  બન્ને અત્યંત જરૂરી છે.

    આપણા દેશમાં બાળલગ્ન પ્રતિબંધ ધારાની ઇ સ ૨૦૦૬માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ  તેનો  ભંગ કરનારને બે વર્ષ સુધીની સખત  કેદ અને  એક લાખ રૂપિયા જેટલો દંડ કરી શકાય તેમ છે.  આસામ સરકારે આ કાયદાનો ઉપયોગ કરીને લગભગ ૩,૦૦૦ જેટલા લોકોની ધરપકડ કરી અને તેમની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ આદરી. કાયદાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતા આસામની હઈકોર્ટે બધા જ આરોપીને જામીન પર છોડી દેવાનો હુકમ કર્યો. આ ઉપરાંત અદાલતે ટકોર કરી કે કાયદાના આવા આડેધડ ઉપયોગથી તો લોકોમાં હાહાકાર મચી જાય.

    લગ્ન વખતે ખાસ કરીને કન્યાની વય  કેટલી હોવી જોઈએ તેની ચર્ચાનો ઇતિહાસ ઘણો પુરાણો છે. ઋગવેદમાં કન્યાના ગર્ભાધાનને સોળ સંસ્કારમાંના એક સંસ્કાર કહ્યા છે એ સિવાય હિંદુ ધર્મશાસ્ત્રોમાં લગ્નની લઘુત્તમ વય અંગે સ્પષ્ટપણે કહેવાયું નથી  પરંતુ મનુસ્મૃતિ કહે છે કે  કન્યા વયમાં આવે તેના ત્રણ વર્ષમાં તેનો પિતા તેના લગ્ન કરાવી ના શકે તો એ ક્ન્યાને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. ત્યાર પછી મનુસ્મૃતિના સૌ પ્રથમ ભાષ્યકાર મેધાતિથિએ (લગભગ આઠમી નવમી સદીમાં) કન્યાનાં લગ્ન માટે  આઠ વર્ષની વય યોગ્ય કહી છે. ગ્રીસ મુસાફર મેંગેસ્થિનિઝે(ઈ સ. પૂ ૩૫૦થી ઈ સ પૂ ૨૯૦) નોંધ્યું છે કે ભારતમાં બાળકીનાં લગ્ન આઠ વર્ષે થવા એ સામાન્ય વાત છે. ગઝનીના આક્રમણની સાથે જ ભારત આવેલા અને ઇસ ૧૦૧૭ થી ૧૦૩૦ સુધી ભારતમાં રોકાયેલા ઇરાની વિદ્વાન અલ બુરાનીએ નોંધ્યું છે કે ભારતમાં ખૂબ નાની વયે લગ્ન કરવાની પ્રથા છે.

    પરંતુ  બાળલગ્ન અંગેની વિધિસર ચર્ચા તો બ્રિટિશ શાસન દરમિયાન જ શરૂ થઈ. 1861ના કાયદા હેઠળ ક્ન્યાઓને શરીર સબંધ માટે ઓછામાં ઓછી વય 10 વર્ષની નક્કી કરવામાં આવી. ત્યાર પછી બનેલી એક ઘટનાએ લગ્ન માટે કન્યાના લગ્નની વય વધારવા માટે સત્તવાળાઓને વિચારતા કરી મૂક્યા

    બન્યું એવું કે ૧૮૯૦માં ફૂલમણિ દાસી નામની દસ વર્ષની એક બંગાળી કન્યાનાં લગ્ન  ત્રીસ વર્ષના હરિ મોહન મૈતિ સાથે થયેલા. લગ્ન બાદ દેહસબંધથી ફૂલમણિને ગંભીર ઇજાઓ થઈ. છેવટે તે મૃત્યુ પામી. ફૂલમણિની માતાએ હરિ મોહન પર બાળાત્કાર અને ખૂનનો આરોપ મૂક્યો અદાલતમાં કેસ ચાલ્યો જેમાં ફૂલમણિની માતા એ સાબિત કરી શકી કે ફૂલમણિનું મૃત્યુ તેના ગુહ્ય ભાગમાં થયેલી ઇજાને કારણે થયું છે. આમછતાં હરિ મોહનને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા કારણ કે લગ્ન વખતે ફૂલ્મણિ દસ વર્ષની ઉંમર વટાવી ગઈ હતી. આથી તેના લગ્ન કાયદેસરના હતા અને કાયદેસરના લગ્નથી સબંધ બાંધ્યા પછી પત્નીને કરેલી બળજબરીને બળાત્કાર ગણાવામાં આવતો નથી. જો કે ફૂલમણિનો આ કેસ એકલદોકલ ન હતો. તે સમયે ૪૪ જેટલા ડોકટરોએ એક મોટી યાદી બહાર પાડેલી  જેમાં દેહસબંધને કારણે પત્નીના મૃત્યુ થયા હોય. આ સંજોગોમાં  ૧૮૯૧માં કાયદો કરવામાં આવ્યો જેમાં કન્યાની લગ્નની વય ૧૦ થી વધારીને ૧૨ કરવામાં આવી

    આ ઘટનના ના ચાર વર્ષ  પહેલા ૧૮૮૫માં  અદાલતમાં એક રસપ્રદ કેસ ચાલી ગયો.  ભારતની સૌ પ્રથમ મહિલા તબીબ રુખ્માબાઈનું નામ તો વાચકમિત્રો જાણતા જ હશે. પરંતુ તેમનું એક મોટું પ્રદાન છે મહિલાઓના હક માટે હિંમતપૂર્વક લડવાનું. તેમનાં પોતનાં લગ્ન  11 વર્ષની ઉંમરે જ થયેલા. પરંતુ તેમણે સાસરે જવાનો સાફ ઇ‌ન્કાર કરી દીધો.આ માટે તેમણે કારણ આપ્યું કે  આ લગ્નમાં તેની સંમતિ  ન હતી. પરંતુ તેના પતિ દાદાજી ભીખાજી પોતના લગ્નજીવનના હક માટે અદાલતમાં ગયા. લાંબી સુનાવણી પછી અદાલતે ચૂકાદો આપ્યો કે રુખ્માબાઈએ પતિગૃહે જવું અથવા તો છ માસની જેલ ભોગવવી. રુખ્માબાઈએ પોતાની પસંદગી જેલને આપી.

    રુખ્માબાઈની આ બહાદુરીભરી લડાઈએ  મહાદેવ ગોવિંદ રાનડે અને બહેરમજી મલબારી જેવા સમાજ સુધારકોમાં જોશ આણ્યું. જો કે બળગંગાધર તિલક જેવા હિંદુ બૌદ્ધિકોએ તો રુખ્માબાઈના પતિને ટેકો આપેલો અને રુખ્માબાઈ વિરિદ્ધ પોતાના છાપામં  લેખ પણ લખેલા.

    આમછતાં રુખ્માબાઈના કેસને કારણે ૧૯૯૧ના કાયદામાં કન્યાના લગ્નની ઉંમર વધારીને ૧૨ વર્ષની કરવામં આવી. જો કે આ સુધારાનો પણ તિલક મહારાજે સરકારની હિંદુઓના ધર્મમાં દખલગીરી કહીને વિરોધ કરેલો. કલક્તાના તે વખતના નિવૃત ન્યાયાધીશ રોમેશ ચંદ્ર મૈત્રેય તો  આ કાયદાના વિરોધના એક મોટા ઝંડાધારી હતા. તેમણે કાયદાને હિંદુ ધર્મમાં દખલગીરી ઉપરાંત ૧૮૫૭ના બળવા પછીના મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો ભંગ કરતો પણ ગણાવેલો. આમછતાં કાયદો તો કરવામાં આવ્યો જ પરંતુ તેની કોઈ અસર ના થઈ. બાળલગ્નો તો થતા જ રહ્યા(અને આજે પણ થઈ રહ્યાં છે.

    ૧૯૨૭માં રાય સાહેબ હરિ વિલાસ સારદાએ ધારાસભામાં બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો એક ખરડો રજૂ કર્યો. આ ખરડો ૧૯૨૯માં કાયદો બન્યો અને તેના મુજબ લગ્ન વખતે કન્યાની અને મૂરતિયાની  ઓછામાં ઓછી ઉંમર  વધારીને અનુક્રમે ૧૪ અને ૧૮ કરવામાં આવી.આઝાદી પછી કન્યાના લગ્ન માટેની ઉંમર ૧૯૪૯માં અને ૧૯૭૮માં અનુક્રમે ૧૫ અને  ૧૮ કરવામાં આવી. ૨૦૦૬માં કાયદાનો ભંગ કરનારને બે વર્ષની જેલ અથવા એક  લાખ રૂપિયા સુધીંનો દંડ કરવાની અથવા જરૂર લાગે કેદ અને દંડ બન્નેનીજોગવાઈ કરવામાં આવી

    આ પ્રમણેની દંડની જોગવાઈ કરવા છતાં હાઈકોર્ટે ૨૦૧૭ સુધીમાં ત્રણ અલગ અલગ ચૂકાદાઓમાં નિર્ધારિત કર્યું  છે કે  બાળવયે લગ્ન થયા હોવા છતાં તેને ફોક નહિ ગણતા માન્ય જ રાખવાના છે. મુસ્લિમોના કેસમાં તો સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો સ્પષ્ટ છે કે કન્યા જો લગ્ન સમયે  ૧૮વર્ષની ઉંમર પહેલા (જાતીય રીતે) પુખ્ત હોય તો તેને બાળલગ્ન ગણવામાં નહિ આવે.

    ૨૦૦૮માં કાયદા પંચે તેના ૨૦૫મા અહેવાલમાં જણાવ્યું છે કે બાળલગ્ન માટે ગરીબી અને દહેજ પ્રથા જવાબદાર છે.  આ ઉપરાંત કન્યાના વાલીઓ દેવું ચૂકવવા માટે પણ છોકરીને નાની વયે પરણાવી દેતા હોય છે. આપણામાંના ઘણાને ખ્યાલ હશે કેટલીક જ્ઞતિઓમાં બાળલગ્ન એ અપવાદ નહિ પણ સામાન્ય હોય છે. કોઇ છોકરાનું જો બાળવયે લગ્ન ન થયું હોય તો  મોટી વયે લગ્ન કરવા માટે તો તેણે  કન્યાના વાલીને મસમોટી રકમ ચૂકવવી પડતી હોય છે.  જો એમ ન થઈ શકે તો આજીવન અપરિણિત રહેવું પડે.

    દરેક જ્ઞાતિમાં શિક્ષણ અને જાગૃતિ વધતા લોકો  સ્વેચ્છાએ મોટી  ઉંમરે પરણવાનું પસંદ કરતા  જોવામાં આવ્યા છે.  કેટલીક સવર્ણ જ્ઞાતિઓ અને પારસીઓમાં તો કન્યાઓ ભાગ્યેજ 25થી ઓછી ઉંમરે લગ્ન કરે છે.

    એક નિરીક્ષણ એવું છે કે ૨૦૦૦ થી ૨૦૧૦ સુધીમાં કન્યાકેળવણીમાં  ધરખમ વધારો થયો હતો અને તેનાથી બાળલગ્નનું પ્રમાણ ઠીક ઠીક ઘટી ગયું. આથી  રાજ્ય જો બાળલગ્ન અટકાવવા માટે ગંભીર હોય તો દંડને બદલે કન્યાઓના શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ.

    પરંતુ આસામ સરકારે આ કાયદાનો આડેધડ ઉપયોગ કર્યો જેનાથી બાળલગ્ન તો અટકયા નહિ પરંતુ તેના પરિણામો પણ સારાં ન આવ્યાં. ખુશ્બુ નામની એક મહિલા ૧૮ વર્ષે પહોંચે તે પહેલા તેના પિતાએ  ૨૦૧૨માં  પરણાવી દીધી હતી. ત્યાર બાદ ખુશ્બુએ તેના પતિને કોરોનામાં ગુમાવી દીધો.  આ વિધવાના પિતાની  બાળલગ્ન પ્રતિબંધ ધારાના ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી. પછી કદાચ આ જ કારણે ખુશ્બુએ આત્મહત્યા કરી.

    નવાઈની વાત એ છે કે આઝાદી પહેલા  હિંદુ ધર્મમાં દખલગીરી ગણીને બાળલગ્ન પ્રતિબંધ ધારાનો વિરોધ કરવામાં આવતો પરંતુ આજે  હિંદુઓના રક્ષક તરીકેની છાપ ધરાવતી સરકાર એ કાયદાનો કડક અમલ કરી રહી છે.

    વખતોવખત સંયુકત રાષ્ટ્ર સંસ્થાએ મહિલાને થતા અન્યાયોમાં એક અન્યાય તેમના નાની વયે કરવમાં આવતા લગ્નને પણ ગણાવ્યો છે અને સભ્ય દેશોને તે અંગે કાયદાઓ કરવાના નિર્દેશો પણ આપ્યા છે. પરંતુ કાયદાને કારણે બાળલગ્ન ભાગ્યે જ અટક્યા છે. આજથી સો વર્ષ પહેલા હિંદુ સવર્ણોમાં  બાળલગ્નો સામાન્ય હતાં. પરંતુ આજે  શિક્ષણ અને આર્થિક ફેરફારોને કારણે બાળલગ્નની પ્રથા સમૂળગી નિર્મૂળ થઈ ગઈ  છે. આથી જે પણ સમૂહોમાં બાળલગ્નની પ્રથા છે – તે પછી હિંદુ હોય કે મુસ્લિમ- બાળલગ્ન અને અન્ય કેટલાક  સામાજિક દુષણો નિવારવાના સાચા ઉપાયો કન્યાઓના શિક્ષણ અને ગરીબીનું ઉન્મૂલન જ છે. કાયદાનું મહત્વ માર્ગદર્શક સિદ્ધાંતોથી વિશેષ નથી. કાયદાનો આડેધડ અમલ અને વળી  કોઇ એક  વર્ગને જ ધ્યાનમાં રાખીને  કરવામાં આવતો હોવાની છાપથી સમાજમાં બેદિલી અને વૈમનસ્ય જ વધવાના.


    ( આ લેખ લખવા માટે  ‘ઇ‌‌ન્ડીયન એક્ષ્પ્રેસ ‘ ના 7 ફેબ્રુઆરી 2023ના અંકમાં ફૈઝાન મુસ્તફા નો લેખ અને ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે.)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સુખની પણ કંઈ  હદ હોય ….

    આનંદ રાવ

    એક મિત્રને એમના કામ માટે મળવાનું હતું. નજીકના સુપર માર્કેટના પાર્કીંગ લૉટમાં ભેગા થઈને એમની ગાડીમાં સાથે આગળ જવાનું નક્કો થયું હતું. નક્કી કરેલા સમયે હું પાર્કી-ગ લૉટમાં પહોંચી ગયો. એકાંતની જગા શોધી મેં ગાડી પાર્ક કરી અને મિત્રની રાહ જોતો ગાડીમાં બેસી એક માસીકનાં પાનાં ફેરવતો હતો. ત્યાં નજીકમાં પાર્ક કરેલી એક મર્સેડીસ ગાડીની પ્લેટ ઉપર
    મારી નજર પડી. લખ્યુ હતું…..
    WE LOVE DADA
    મને ખાત્રી થઈ કે આ કોઈ દેશીની જ ગાડી છે.
    પ્લેટ વાંચીને મારુ કુતુહલ વધ્યું હતું. એટલામાં લગભગ સીત્તેર વર્ષની ઉમ્મરના ગૃહસ્થ ગ્રોસરીનું કાર્ટ લઈને સ્ટોરમાંથી બહાર આવ્યા. મર્સેડીસની ડીકી ખોલી ગ્રોસરી મુકવા લાગ્યા. હું બહાર નીકળ્યો અને એમની પાસે પહોંચી ગયો. થોડી આમ-તેમ વાતો પછી મૅં એમને એમની ગાડીની પ્લેટ વીષેનો મારો આનંદ વ્યકત કર્યો. એ પણ ખુશ થયા.
    “તમારે કેટલાં ગ્રાન્ડચીલ્ડ્રન છે?” મેં પુછયું.
    “આઠ છે …” બહુ ઉમળકાથી એમણે જવાબ આપ્યો.
    “એમાંથી ત્રણ કૉલેજમાં આવી ગયાં છે. અને બાકીનાં હવે હાઈસ્કુલના છેલ્લાં વર્ષમાં આવી ગયાં છે.” બટાટાની મોટી કોથળી ડીકીમાં મુકી એમણે ડીકી બંધ કરી.
    “તમારાં પોતાનાં બળકો કેટલાં છે?” મેં પુછયું.
    આ બધા અંગત સવાલોથી એ કદાચ કંટાળશે એવી મને બ્હીક લાગતી હતી. પણ એમણે બહુ ઉત્સાહથી જવાબ આપ્યો. “ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. બધાં બહુ સારુ ભણ્યાં છે. અને પરણીને સુખેથી પોતાનો સંસાર ચલાવી રહ્યાં છે. દસ-બાર માઈલના વીસ્તારમાં એક બીજાની નજીક ઘરો લઈને બધાં ગોઠવાઈ ગયાં છે.”
    એમના મૉ ઉપર પરમ સંતોષનો ચમકારો દેખાયો.
    “તમે ક્યાં રહો છો?” મેં સવાલ કર્યો.
    મારા સવાલથી એ થોડું મલક્યા. પછી ઘડીયાળ ઉપર નજર કરી બોલ્યા.
    “હવે તો મારાં ચાર સરનામાં છે. મારાં પત્ની ગુજરી ગયા પછી છોકરાંએ મારુ ઘર પરાણે વેચાવી દીધુ. મારા બધા પૈસાનું એક ફેમીલી ટ્રસ્‍ટ બનાવી દીધુ છે. મારા ગયા પછી એ લોકો દર વર્ષે મારા જન્મદીવસે એ ટ્રસ્ટમાંથી જુદી જુદી સંસ્થાઓને દાન આપ્યા કરશે. આ ચારે છોકરાંએ એમનાં પોતાનાં ઘરોમાં મારા માટે અલગ રુમ રાખ્યો છે. મારી અનુકુળતા અને ઈચ્છા પ્રમાણે હું ગમે તેને ત્યાં, મને ઠીક લાગે એટલો વખત રહું છું. મારા ઉપર કોઈ બંધન નથી. I am welcomed in any house any time . હું એમને બોજ નથી લાગતો. કોઈને કોઈ ખાસ જરુર હોય તો ત્યાં પહોંચી જાઉ છું. ત્રણે દીકરીઓ અને જમાઈઓ વચ્ચેનો મનમેળ બહુ પ્રેમાળ છે. દીકરાની વહુ તો દીકરી કરતાં પણ વધારે છે. સદભાગ્યે ગ્રાંડચિલ્ડ્રન પણ બહુ પ્રેમાળ અને બ્રીલીયન્ટ છે. હું તો સંતોષના દરીયામાં
    તરી રહ્યો છું.”
    થોડી ક્ષણો માટે હું એમના તરફ જોઈ રહ્યો. આ નશીબ કહેવાય!? ઘડપણમાં દીકરો કે દીકરીની હુંફમાં સાથે રહેવા તલસતાં ઘણાં વૃધ્ધ માબાપને હું જાણું છું. પણ એ સંતાનો એમને પોતાના ઘરમાં રાખવા તૈયાર નથી હોતાં. માબાપને સાથે ન રાખવાનું તો બનતુ આવ્યુ છે. આજે પણ બને છે…બનતુ રહેશે. (એમાં હંમેશાં બાળકોનો જ દોષ નથી હોતો)
    “તમે તમારાં બાળકોને અદભુત સંસ્કારથી ઉછેર્યા અને કેળવ્યાં છે.” મેં એમના ખભે હાથ મુકી શાબાશી આપી. “હવે એનાં મીઠાં પ્રેમાળ ફળ તમને આ વૃધ્ધ ઉમ્મરે મળી રહ્યાં છે.”
    “એવું નથી. છોકરાંના ઉછેર અને કેળવણીમાં મારી પત્નીનો અથાગ ત્યાગ અને પ્રેમ હતો. મારો તો બહુ નજીવો ફાળો છે.” એમનો અવાજ સહેજ ગળગળો થઈ ગયો. પત્ની વગરના જીવનનો ખાલીપો મને એમના અવાજની ધ્રુજારીમાં સંભળાયો.
    એમણે ઘડીયાળ તરફ જોયુ. મને પણ મારા મિત્ર એમની ગાડીમાંથી બહાર નીકળતા દેખાયા. એટલે અમે છુટા પડ્યા.
    મિત્રની ગાડીમાં બેસી બેલ્ટ પહેરતાં પહેરતાં મારાથી બોલી જવાયું … બહુ આનંદ સાથે.
    સુખની પણ કંઈ ઈ હદ હોય … !


    જ્યાં સુધી એવું માનીએ કે સુખ તો બહારની ભૌતીક વસ્તુઓમાંથી મળે છે ત્યાં સુધી આપણે “સંસારી”. સુખ બહારની ભૌતીક વસ્તુઓમાંથી નહી પણ અંદરની સમજથી મળે છે એવું સમજતા થઈએ ત્યારે આપણે “ સંન્યાસી”. સંસારી પણ સંન્યાસી જેવુ શાંત સુખી જીવન જીવી શકે છે.
    Stress free life is only a change of mindset. That’s all.