પુસ્તક પરિચય

રીટા જાની

ગત અંકોમાં આપણે વિવિધ સાહિત્ય પ્રકારો દ્વારા મુનશીને માણ્યા. તેમની આત્મકથા દ્વારા તેમના જીવન અને લેખનના અનુભવો જાણ્યા ને માણ્યા. મુનશી ભલે એક ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ હોય પણ તેમણે વિવિધ સાહિત્યપ્રકાર પર કામ કર્યું હતું.  આજે મુનશીજીની કલમના કસબ સાથે પ્રસ્તુત છે  પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ .


મહાભારત અને પુરાણો દ્વારા પ્રેરિત થઈ મુનશીએ પૌરાણિક વિષય પર નાટક લખ્યા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ગુજરાતી વાચકોને નાટક એટલા પસંદ નથી પડ્યાં. આથી આ મહાનાટકનો  ઉત્તરાર્ધ તેઓએ નવલકથા રૂપે જ લખ્યો. તેના બે ભાગ કર્યા: ‘લોમહર્ષીર્ણી’ અને ‘ભગવાન પરશુરામ’.

ભગવાન પરશુરામના જીવન પર આધારિત આ નવલકથાનું કથાવસ્તુ મુનશીએ પુરાણોમાંથી લીધું છે. આ કથા દર્શાવે છે કે ઋગ્વૈદિક કાળ અને બ્રાહ્મણોમાં દર્શાવેલા કાળ વચ્ચે ફેર કેમ પડ્યો. આ પુરાણકથા એ મુનશી જેવા સમર્થ અર્વાચીન નવલકથાકારે રચેલી કૃતિ છે. મહાભારત, રામાયણ અને ભાગવતના કર્તાઓએ પણ કાલ્પનિક સામગ્રીઓ ઉમેરી છે, જે સૈકાઓ બાદ પુનિત બની રહી છે. આ નવલકથામાં પણ મુનશીએ કેટલીક કાલ્પનિક સામગ્રી ઉમેરી છે. આ કથા દ્વારા મુનશી વાચકને ઋગ્વેદની મદદથી વૈદિક અને પુરાણકાળનાં  દર્શન કરાવે છે. મુનશી પાસે અદ્ભુત સર્જનશક્તિ છે તો માનવજીવનના તેમના આદર્શો પણ કથામાં ઝળકે છે. પરશુરામ સમાન પ્રચંડ વ્યક્તિત્વના વિશિષ્ટ પ્રસંગોના મુનશીના સ્વપ્નાં અતિ સુંદર રીતે આલેખાયા છે. તેથીજ અતિ પ્રાચીન કથાવસ્તુ ધરાવતી નવલકથા આજની પેઢીને પણ વાંચનમાં જકડી રાખવા સક્ષમ છે.

મુનશી તેમની લાક્ષણિક શૈલીમાં કથાની શરૂઆત કરે છે. દ્વારાવતીના દરિયાકિનારે સ્તબ્ધ ઊભેલી મેદની ક્ષિતિજ પરથી હાલકડોલક થતાં બાર-પંદર  વહાણો અને તેમાં આવતાં રાજા સહત્રાર્જુન અને ભાર્ગવ મહર્ષિ જમદગ્નિના પુત્ર અને મહાઅથર્વણ ઋચિકના પૌત્ર રામને સત્કારવા  રાહ જોતી હતી. જાણે વરુણદેવ સાગર પર શાસન કરતા હોય એમ પંદરેક વર્ષનો ગૌરવર્ણ, પ્રચંડ દીસતો છોકરો ડોલતા વહાણમાં પણ સ્થિર ઊભો હતો. તેના લાંબા વાળ એના ખભા પર વિસ્તરી રહ્યા હતા. નમતા પહોરના સૂર્યકિરણો એનાં શ્વેત અંગોને દેદીપ્યમાન બનાવતાં હતાં. એના મુખ પર ઉગ્રતા હતી. એકાગ્ર દૃષ્ટિએ જાણે તોફાને ચઢેલા સાગરજળને એ વશ રાખતો હોય એવો ભાસ સૌને થયો. એને જોઈ મેદનીના હૃદયમાં ડર અને આનંદની લાગણી થઇ. કારણ કે પાપાચારના યુગનો અંત થઈ શાપમુક્ત થયા હોય એમ તેમને લાગતું હતું. આશ્ચર્ય એ વાતનું હતું કે પંદર વહાણો દરિયાના કોપમાં ડોલતાં હોય તેમાંથી એક જ વહાણ નિર્ભય બને! તોફાન છતાં દેવ જેવો છોકરો તૂતક પરથી મોજાંઓને આજ્ઞા કરે! અને તે ભાર્ગવ રામ હોય! ન સમજાય એવો ધાક આ પ્રેક્ષકવૃંદમાં પ્રસર્યો. બધાંનાં ચિત્તને હરનાર બાળક, તૂતક પર પર્વત સમો નિશ્ચલ ઊભો હતો.  આમ મુનશી વાચક સમક્ષ શબ્દચિત્ર વડે સાક્ષાત પરશુરામને ખડા કરી દે છે.

આર્યજીવનનો પ્રાત: કાળ હતો. આર્યોની મુખ્ય જાતિઓ પંજાબ, ગંગા અને યમુનાના તીરે, મથુરા અને છેક નર્મદાના તીરે વસી હતી. એ જ ખરું આર્યાવર્ત હતું. તે જ આર્યોની પવિત્ર ભૂમિ હતી. ત્યાં આર્ય સંસ્કાર ને ધર્મના સ્થાપક મહર્ષિઓ – વશિષ્ઠ ને વિશ્વામિત્ર, જમદગ્નિ ને અંગિરા, ગૌતમ ને કણ્વના આશ્રમોમાંથી નીકળતી  દિવ્ય ઋચાઓનો ધ્વનિ આર્યોના ઉત્કૃષ્ટ આત્માને શબ્દોમાં વ્યક્ત કરી રહ્યો હતો. આ ભૂમિમાં જે રાજાએ સત્તા ભોગવી તે ચક્રવર્તી; જેણે તપ આચર્યું તે ઋષિ; જેણે ઋચા ઉચ્ચારી તે મંત્રદૃષ્ટા; જે પ્રથાઓ પડી તે આચરણનું ધોરણ અને જે સંસ્કારો પ્રગટ્યા તે ધર્મ – કર્મના ફળ. વારાણસીનાં તટથી લઈને નર્મદાના તટ સુધી પ્રસરી રહેલી બીજી આર્ય જાતિઓ વિગ્રહો કરતી, રાજ્યો સ્થાપી આગળ વધતી; છતાં  પ્રેરણા અને શાંતિ માટે આર્યાવર્ત તરફ ફરતી.

નવલકથાના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડમાં જે પાત્રો છે, જેવું સમાજજીવન છે, તેમના આંતર કલહ, તેમના પ્રશ્નો – એક યા બીજા સ્વરૂપે આજે પણ વિદ્યમાન છે એવું લાગ્યા વગર રહેતું નથી. રાજા સહત્રાર્જુન વિકરાળ અને ખંધો છે જે આજનો મદાંધ સત્તાધીશ લાગે છે. સેનાપતિ ભદ્રશ્રેણ્ય મુત્સદ્દી અને ડહાપણભરેલો હતો પણ રાજાએ તેને પદભ્રષ્ટ કર્યો હતો. આજે પણ કેટલીક વાર કાબેલ અધિકારીને રાજકારણીઓ બદલી કરીને બીજે મોકલી દે છે. તેનો નાનો પુત્ર મધુ તોફાની, ક્રોધી  હતો જે બધાને મારતો, ડરાવતો અને સ્વચ્છંદતાથી બીજા છોકરાઓને બગાડતો. એની મા રેવતી એને ફટવતી હતી. આજે પણ પુત્રપ્રેમમાં આંધળી મા કુમાર્ગે જતાં પુત્રનો પક્ષ  ક્યાં નથી લેતી? પાખંડકલામાં પ્રવીણ , આડંબર ને ખટપટથી વહેમી અને અજ્ઞાની યાદવોને વશમાં રાખતો કુક્ષિવંત ગુરુ હતો. તપ તેને સ્પર્શતું ન હતું. સારું ખાવું, પીવું ને મોજ કરવી એ તેને ગમતું. આજે પણ અભણ અને અજ્ઞાની લોકોને ભોળવીને તાગડધિન્ના કરતાં કહેવાતા ધર્મગુરુઓ નીકળી જ આવે છે ને?  પાણીની તંગી હતી અને સ્ત્રીઓ પાણી માટે મારામારી પણ કરતી. તો નિર્દોષને રંજાડતા મધુને રોકી શિક્ષા કરનાર પરશુરામ પણ હતા. ને રાજા દિવોદાસની  રૂપવાન પુત્રી લોમહર્ષીર્ણી પણ હતી. ત્યારના એક એક પાત્રને જોઈએ તો આજના સમયમાં પણ કંઇક એવા જ પાત્રો નજરે પડે છે. ત્યારે સ્વાભાવિક જ મનમાં પ્રશ્ન થાય કે જો પ્રશ્નો સરખા હોય તો ઉકેલ પણ સરખા  હોઇ શકે?

પૌરાણિક પાત્રો એ માત્ર ઇતિહાસ નથી પણ જે તે સમયની જીવંત ક્ષણોનું રસદર્શન છે. એ ક્ષણોને આપણી દ્રષ્ટિએ નિહાળીએ , એ સમયચિત્રોના રંગ વડે આપણી સૃષ્ટિને રસસભર બનાવીએ એ પણ છે કસબ.

નવલકથાના દ્વિતીય અને તૃતીય ખંડની વાત કરીશું આવતા અંકે….


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com