પુસ્તક પરિચય

રીટા જાની

ભારત એ માત્ર ભૂખંડ નથી પણ એક સંસ્કૃતિ છે, જે હજારો વર્ષોના સમયગાળામાં વ્યાપ્ત છે. વિશેષતા એ છે કે આ ભૂમિએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેનું સ્મરણ કરીને આપણે જે તે સમયખંડની પળોને જીવંત કરી શકીએ છીએ. આ સંસ્કૃતિનું સ્વરૂપ મેઘધનુષી છે. તેથી  તેના રંગચિત્રો આપણા માનસપટને રંગી દે છે. આવી એક વિભૂતિ એટલે પરાક્રમી અને દૂર્જેય, પ્રતાપી અને અડગ વિજેતા – ભગવાન પરશુરામ. ગત અંકમાં આપણે  મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ના પ્રથમ ખંડની વાત કરી હતી.
દ્વિતીય ખંડની શરૂઆત થાય છે ‘રેવાના તટ પર’.
પ્રાગ-ઐતિહાસિક નિ:સીમતામાં વહી જતી નર્મદાના તટ પર માહિષ્મતી નગરી આવી હતી. આર્યાવર્તની વન્ય સંસ્કૃતિમાં ઉછરેલાને અમાનુષ શંભુમેળો લાગે એવા ભાતભાતના લોકો – આર્યો, દ્રવિડો, નાગો, કોલ્લો, પાતાળવાસીઓ, શોણિતવાસીઓ – જુદી જુદી બોલીમાં ઘાંટાઘાંટ કરી મુકતા. ત્યાં ભૃગુકુળના કોઈ સંતાનને પુરોહિત પદે સ્થાપવાની જરૂર ઊભી થઈ. આજે પણ જે રીતે રાજરમતના આટાપાટામાં એક વિષયના નિષ્ણાતને બીજા વિભાગના પ્રધાન બનાવી દેવાય એવું જ અહીઁ પણ બન્યું. ત્યારે મિસર જતાં વહાણોમાં નાનકડો વેપાર કરતાં અઠંગ વેપારી મૃકંડને રાતોરાત ગુરુ બનાવી દીધો. તે પૈસાની આપલેના બદલે સ્વર્ગ અને સંતાન આપવાનો વેપાર કરવા લાગ્યો. રાજા સહસ્ત્રાર્જુનને ઘણી રાણીઓ હતી, પણ મૃગારાણીની તેમાં ગણના થતી ન હતી. એ તેની પરિણીતા ન હતી પણ એની મોરલી પર સહસ્ત્રાર્જુન નાચતો. રાજા, રાણી ને મહારથીઓ એનાં રમકડાં હતાં. રાજા સહસ્ત્રાર્જુન, તેની રાજ્યલક્ષ્મી મૃગારાણી અને સેનાપતિ  ભદ્રશ્રેણ્ય ત્રણેયે રાજસત્તાને પ્રબળ બનાવી. પણ સહસ્ત્રાર્જુનના અત્યાચારોમાં  ભદ્રશ્રેણ્ય સામેલ ન થયા માટે તેને સેનાપતિપદેથી ભ્રષ્ટ કર્યા ને એને જાનથી મારવાની પેરવી થઈ રહી હતી.
પરશુરામના આવવાથી સત્તાના સમીકરણો બદલાઈ ગયા. મૃકંડને લાગતું હતું કે ભાર્ગવને વશ કરવા શક્ય નથી. હવે ભુગુઓ તેમના કહ્યામાં નહિ રહે. તેમણે કુલપતિ હોવાનો ઢોંગ છોડી દેવો પડશે. કારણ હીરાની ઉપસ્થિતિમાં સ્ફટિકની કિંમત કોણ કરે? મૃગા રામને ભગાડવા કે પૂરો કરવા ઘાટ ઘડતી હતી. પણ ભાર્ગવને જોતાં એનો ગર્વ ઓગળી ગયો અને પૂજ્યભાવ એને અનિચ્છાએ જકડી રહ્યો. પોતે પતિવ્રતા છે પણ પરિણીતા નથી, રાજ્યલક્ષ્મી નથી તેનું ભાન થયું. ભાર્ગવ રાજરમતના દાવપેચ પારખી ગયા. તેમણે મૃગા અને મૃકંડને ચેતવણી આપી કે ભદ્રશ્રેણ્યને મારવાનો સંકલ્પ કર્યો હોય તો છોડી દે. મૃકંડે ભાર્ગવને ભયંકર રુદ્રાવતાર બનતા જોયા. ભાર્ગવની ભભૂકતી આંખોના કારમા તેજ જોઈ તેના હાંજા ગગડી ગયા. રામની વિકરાળ આંખો, વાણીમાં સત્યનો ટંકાર, અવાજમાં દ્રઢ સંકલ્પ જોઈ સામેની વ્યક્તિ થરથર કાંપતી.
       લોમા અગ્નિ સાંનિધ્યે ભાર્ગવની અર્ધાંગના, ભગવતી લોમહર્ષીર્ણી બની. મહાગુરુઓની કુલતારીણી શક્તિ એનામાં આવી – જાણે ભાર્ગવનું સૌમ્ય ને સુખકર સ્વરૂપ હોય. ભાર્ગવના સ્વરૂપ અને શબ્દોમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભેદી સરિતાઓ ચારે તરફ વહેતી ને બધાને તરબોળ કરતી. તો ભગવતી ભૃગુઓનાં નયનોનાં નૂર હતાં. એવું કોઈ શસ્ત્ર ન હતું જે અદભુત કળાથી તે ન વાપરી શકે. ભાર્ગવ તો જાણે પશુપતિના અવતાર હોય એમ એક સ્થળે બેસી રહેતા. તેમની શક્તિના આવિર્ભાવ સમા ભગવતી ચારે તરફ તેમનાં તેજ પ્રસારતાં. ભાર્ગવે આરંભેલા  21 દિવસના યજ્ઞના કારણે જનમાનસના હૈયામાં શ્રદ્ધા, ભક્તિ ને ઉલ્લાસ અનુભવાતાં હતાં. ભાર્ગવને પ્રતીતિ થઈ હતી કે તેઓ સહસ્ત્રાર્જુને સ્થાપેલા ભયના સામ્રાજ્યને પડકારી વિદ્યા, તપ અને ધર્મનું સામ્રાજ્ય સ્થાપી રહ્યા હતાં. યજ્ઞના બારમા દિવસે અંધારી મોડી રાત્રે ભાર્ગવને મારવા અઘોરી વેશે છરો લઈને જ્યામઘ આવ્યો હતો. પણ એકદમ ઊઘડેલાં બે ભયંકર નેત્રોમાંથી વહેતી તેજધારા ને અંધકારમાં બે ચકચક થતાં તેજબિંદુ જોઈ તે જીવ લઈને ભાગી ગયો. આજનો યુવાન  ભગવાન પરશુરામ પાસેથી પ્રેરણા મેળવી શકે કે જો હૃદયમાં આત્મશ્રદ્ધા હોય તો પડકારો તમને ડરાવી કે હરાવી શકતાં નથી.
રાવણના સૈન્યને હરાવી સહસ્ત્રાર્જુન માહિષ્મતી આવી પહોંચ્યો. પણ અહીં જોયેલા પરિવર્તનથી એનો વિજયોલ્લસ ખાટો થઈ ગયો હતો. લોકોનાં હૃદયમાં પ્રસરતાં ભાર્ગવ ઘેલછાના તરંગો,  ભદ્રશ્રેણ્યનો વધતો પ્રતાપ, રામ અને લોમાનાં લગ્ન, ગુરુદેવ ભાર્ગવની ખ્યાતિ જોઈ તેને લાગ્યું કે લોકહૈયામાં એ પદભ્રષ્ટ થઈ ગયો હતો. એટલું જ નહિ મૃગાએ પણ ગુરુદેવને અપનાવી લીધા હતા. જ્યારે મૃગાએ તેનું અગ્નિ સાંનિધ્યે પાણિગ્રહણ કરવા કહ્યું તો સહસ્ત્રાર્જુનનો સંયમ જતો રહ્યો ને તેણે મૃગાને ગુસ્સાના આવેશમાં મારપીટ કરી, અપશબ્દો કહ્યા. વિચારો, આ પુરુષપ્રધાન સમાજમાં ત્યારથી લઈને આજ સુધી કેમ એવું બને છે કે કોઈ ન ગમતી વાત સ્ત્રી કરે કે કોઈ ન ગમતું આચરણ કરે તો ન્યાય બાજુ પર મૂકી પોતાની શારીરિક શક્તિનો પ્રયોગ સ્ત્રી પર કરવામાં આવે છે? દુઃખ સાથે  કહેવું પડે કે સમય જતાં તેનું પ્રમાણ તો ઓછું થયું છે પણ નામશેષ નથી થયું.
ભાર્ગવ, ભગવતી લોમાને સહત્રાર્જુનથી બચાવવા દૂર મોકલી દે છે. સહસ્ત્રાર્જુન, ભાર્ગવને મળવા બોલાવે છે. ભાર્ગવ સહસ્ત્રાર્જુનને સમજ અને સંયમ રાખવા સમજાવે છે. ભાર્ગવ કહે છે કે ધર્મથી સુરક્ષિત રાજ્ય તેને અપાવશે અને ઉદ્ધારનો પંથ બતાવશે. પણ સહસ્ત્રાર્જુન ભાર્ગવને જાનથી મારવા ઈચ્છે છે. ત્યારે ભાર્ગવ તેને શાપ આપે છે. તેથી સહસ્ત્રાર્જુન ભાર્ગવને સેનાપતિની મદદથી કેદ કરે છે. સહસ્ત્રાર્જુન, અંધારું થાય એટલે બધાજ ભૃગુઓનો શિરચ્છેદ કરવાનો હુકમ આપે છે ને ગાંડાની જેમ કોટના કાંગરા પર આથમતા સૂર્યે રચેલાં તેજપુંજ તરફ જોઈ રહે છે. ભાર્ગવ કાંગરા પર ઊભા હતાં. એમના મુખ પર સહસ્ર સૂર્યનો પ્રકાશ ઓપતો હતો. તેમની પરશુમાંથી કિરણો ચમકતાં હતાં. એમનું કદાવર શરીર આથમતા પ્રકાશમાં ગગનને સ્પર્શતું દેખાયું. ધીમે ડગલે બે ભભૂકતી આંખે ભાર્ગવ કાંગરા પરથી નીચે ઊતર્યા ને ગઢની બહાર ચાલ્યા ગયા. બધાં જોનારના હૈયા થંભી ગયા ને સહસ્ત્રાર્જુનના હાથમાંથી ખડગ પડી ગયું.
મુનશીની નવલકથાઓના પાત્રો ખૂબ ચોટદાર તો હોય જ છે પણ તેમાં માનવેતર પાત્રો પણ હોય છે. જેમ કે બાબરો ભૂત. આ કથામાં આવું જ એક પાત્ર છે ગુરુ ડડ્ડનાથ અઘોરીનું. મૃગા ભાર્ગવને કેદમાંથી છોડાવી ચંદ્રતીર્થ જવા વિનંતી કરે છે ને હોડીમાં ત્યાં જવાની વ્યવસ્થા ગોઠવે છે. પણ એક ખલાસી હોડીમાં બાકોરું પાડી હોડી ડુબાડે છે ને ભાર્ગવ અઘોર વન પહોંચી જાય છે.  અહીં તેઓ ગુરુ ડડ્ડનાથ અઘોરીના પણ ગુરુ બની જાય છે. અહીં અઘોરીના વિશ્વની વાતો, ભાર્ગવ અને લોમા કઈ રીતે તેમનો વિશ્વાસ જીતે છે અને તેમનું પુનર્મિલન થાય છે તેની રસપ્રચૂર વાતો વાચકને કોઈ અન્ય દુનિયામાં લઈ જાય છે. બીજી તરફ મૃગા પોતાની વાત પર અડગ રહે છે કે જ્યાં સુધી સહસ્ત્રાર્જુન તેનું પાણિગ્રહણ ન કરે ત્યાં સુધી એ તેની વાસનાને તાબે નહિ થાય.  તેથી  સહસ્ત્રાર્જુન તેને પકડે તે પહેલાં મૃગા કટાર પોતાની છાતીમાં ભોંકી ભગવાન પરશુરામનું રટણ કરતાં અંતિમ શ્વાસ લે છે.
પરાક્રમી પરશુરામ અને સિતમગર સહસ્ત્રાર્જુનની ટક્કરની રસ્પ્રચૂર કથાના તૃતીય એટલે કે અંતિમ ખંડની વાત કરીશું આવતા અંકે…


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com