પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

અશ્વિનકુમાર ન. કારીઆ લૉ કૉલેજના નિવૃત્ત પ્રાચાર્ય છે, પણ નિવૃત્તિને તેમણે સવાયી પ્રવૃત્ત બનાવી રાખી છે. અંધશ્રદ્ધા નિવારણ તથા વૈજ્ઞાનિક અભિગમ વિચારસરણીના પ્રસાર માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. શૈક્ષણિક સંસ્થાઓ, ગામ કે શહેરોમાં તેમને બાબાઓ કે ઢોંગીઓ દ્વારા આચરાતા ચમત્કારો વિશે વૈજ્ઞાનિક સમજ આપતા કાર્યક્રમો માટે ખાસ નોંતરવામાં આવે છે. ચાલાકી વગરના કોઇ પણ ચમત્કારને સાચા સાબિત કરનારને રૂપિયા 21 લાખના ઇનામની જાહેરાત તેમના દ્વારા કરાયેલી છે, પણ હજીસુધી કોઇ દાવેદાર આગળ આવ્યો નથી. સમયાંતરે તેઓ સમાજને સાચી રાહ ચીંધતી પુસ્તિકાઓ તથા પુસ્તકો લખતા રહે છે. તેમણે કેટલાંક સંપાદનો પણ આપ્યા છે.

તેમની કેટલીક પુસ્તિકાઓનો પરિચય લેતાં પહેલાં તેની પૃષ્ઠભૂમિનો અંદાજ મેળવીએ.

પ્રસંગ 2003નો છે, જ્યારે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સી હેઠળ ભારત ઓસ્ટ્રેલિયા સામે કલકત્તામાં ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલમાં રમવાનુ હતું. તે સમયે ભારતની જીત માટે ઘણે ઠેકાણે ધાર્મિક વિધીઓ કરવામાં આવી હતી. તેમાંના એક ઠેકાણા તરીકે સૌરવ ગાંગુલીનું ઘર હતું; જ્યાં આખો દિવસ હોમ-હવન ચાલુ રહ્યા હતા! દેશનાં પ્રમુખ વર્તમાનપત્રોમાં તેને ખાસું મહત્વ અપાયું હતું. આમ છતાં, ઓસ્ટ્રેલિયા એ મેચ જીત્યું હતું અને ભારતે હાર ખમવાનો વારો આવ્યો હતો.

બીજો પ્રસંગ હજી તાજો કહેવાય તેવો 2022નો છે, જ્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ભારત ટી-20 ક્રિકેટ મેચની સીરીઝમાં ફાઇનલમાં મારતે ઘોડે પહોંચ્યું હતું. ઉત્સાહના ઉન્માદને વટાવી ખાવા દેશની એક ટીવી ચેનલે જ્યોતિષાચાર્યોની રીતસર ડીબેટ આયોજિત કરી. કેટકેટલી કુંડળીઓ બનાવવામાં આવી, પણ સૌ ભારતની જીત અંગે એકમત હતા. પરંતુ ગ્રહદશાના આધારે પ્રબળ દાવેદાર મનાતા ભારતની એ મેચમાં હાર થઇ.

ઉપરોક્ત બંને ઘટનાઓ વચ્ચે આશરે બે દાયકા જેટલો સમયગાળો છે, છતાં આપણી માનસિકતામાં કશો ફરક પડ્યો નથી.  એ નિર્વિવાદ સત્ય છે કે ક્રિકેટ મેચ ખેલાડીઓનો જુસ્સો, ટીમવર્ક, વ્યક્તિગત પ્રદર્શન, મળેલી તકનો યોગ્ય ઉપયોગ વગેરે જેવાં અનેક પરિબળોથી જીતી શકાય છે; નહીં કે વિવિધ ગ્રહદશાના આધારે. વર્તમાનપત્રો તેમજ ટીવી જેવાં પ્રસાર માધ્યમો પર સમાજમાં જાગૃતિ આણવાની નૈતિક જવાબદારી છે. પરંતું, ઉપરોક્ત કિસ્સાઓમાં જણાય છે કે તેઓ આ ફરજ બજાવવામાં ઉણા ઉતરે છે; એટલું જ નહીં, તેઓ અંધવિશ્વાસને પોષતા જણાય છે. આવા વાતાવરણમાં અશ્વિન ન. કારીઆ એકધારા ખંતપૂર્વક એવી પુસ્તિકાઓનું પ્રકાશન કરતા રહ્યા છે કે જે લોકોને વૈજ્ઞાનિક ઢબે વિચાર કરવા પ્રેરે.. તાજેતરમાં પ્રકાશિત કેટલીક પુસ્તિકાઓનો પરિચય મેળવીએ.

  1. વૈજ્ઞાનિક અભિગમ

આ પુસ્તિકામાં મુખ્ય ચાર પ્રકરણો છે. પહેલા પ્રકરણમાં વૈજ્ઞાનિક અભિગમ વિશે તદ્દન પાયાની સમજથી શરૂઆત કરાઇ છે. તેમાં ધાર્મિક દૃષ્ટિકોણ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વચ્ચેના તફાવત તેમજ બિનવૈજ્ઞાનિક અભિગમ વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. તેમાં સમજાવ્યું છે કે સત્ય સમજાય તેમ અભિપ્રાય બદલાય છે, અભિગમ નહીં. કારણ કે વૈજ્ઞાનિક અભિગમ ક્યારેય જડ નથી હોતો.વળી, સૌથી અગત્યનું એ કે વૈજ્ઞાનિક ઢબે વિચારવા માટે વિજ્ઞાનના જાણકાર હોવું સહેજે આવશ્યક નથી. વૈજ્ઞાનિક અભિગમના લાભાલાભ વિશે ટૂંકમાં સમજાવવાની સાથે ભારતીય બંધારણને રસપ્રદ રીતે સાંકળતાં તેમાં લખ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ ભારતીયોની ફરજ પણ છે.

બીજા પ્રકરણમાં વૈજ્ઞાનિક અભિગમને ધાર્મિકતા અને શ્રદ્ધા સાથે સાંકળ્યા છે. તેમના મતે અંધશ્રદ્ધા જ દેશની પ્રગતિ આડેનો મોટો અવરોધ છે. કેટલીક પ્રચલિત અંધશ્રદ્ધાઓની છણાવટ કરીને સાચી સમજ આપવાનો તેમાં સ્તુત્ય પ્રયત્ન કરાયો છે.

ત્રીજા પ્રકરણમાં વહેમ તથા ચમત્કારો સાપેક્ષે વૈજ્ઞાનિક અભિગમની સ્પષ્ટતા છે. ખોટી માન્યતાઓથી છૂટકારો મેળવવાનું મહત્વ સમજાવતાં તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આપણે નિર્બળ હતા, તેથી જ આપણાં મંદિરો તેમજ સ્ત્રીઓની પ્રતિષ્ઠા સાચવી શક્યા નથી. અંધશ્રદ્ધાને તેમણે મીઠાં ઝેર સાથે સરખાવી છે, કારણ કે તે નવું જાણવાની કે શીખવાની વૃત્તિને મારી નાંખે છે.

ચોથું પ્રકરણ રેશનલ (માનવતાના) અભિગમ વિશે છે. આદિમાનવથી લઇ આજના સંસ્કૃત માનવ સુધીની હજારો વર્ષોની વિકાસયાત્રામાં લાગણી પ્રેરિત માનવવાદનું મહત્વ અને સમજણ આપવાનો આ પ્રકરણમાં પ્રયાસ કર્યો છે. તેમાં સ્પષ્ટ થાય છે કે માનવવાદ સમજાય તો જાતિભેદ, વર્ણભેદ, ગરીબાઇ, આરોગ્ય વગેરેને લગતાં અનેક પ્રશ્નો હલ થઇ શકે છે. છેલ્લા પ્રકરણમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં કેટલાંક ઉદાહરણો તથા તેનો સાર નીચોવી આપ્યો છે, જે વૈજ્ઞાનિક અભિગમની સમજ અને કેળવણી માટે ઉપયોગી નીવડે છે. વૈજ્ઞાનિક અભિગમની પાયાની સમજણ કેળવવા માટે આ પુસ્તિકા ઉપયોગી થઈ પડે એમ છે.

  1. તમને આકાશી ઉપગ્રહો નહી, પૂર્વગ્રહો નડે છે

આ પુસ્તિકામાં ત્રણ પ્રકરણો છે. તેમાં પહેલું છે, આપણે પછાત શાથી? આ પ્રકરણમાં આપણા પછાતપણાનાં ત્રણ કારણો (1) ધર્માભાસ (2) નસીબ આધારિત વલણ અને (3) પૂર્વગ્રહો વિશે વિગતે ચર્ચા કરતાં વાચકની માન્યતાના મૂળમાં ઘા કરતા પ્રશ્નો પણ ઉઠાવાયા છે. કેટલાંક ઉદાહરણોઃ (1) ઇશ્વરની ઇચ્છા વગર પાંદડું પણ નથી હાલતું, તો શું લાંચ તેમની મરજીથી લેવાય છે? (2) અબ્રાહમ લિંકને 11 વખત હાર ખમી. તેઓ નસીબનો વાંક ગણી માથે હાથ દઇ બેસી ગયા હોત તો વિશ્વને તેમના જેવો ઉમદા નેતા મળી શકત?(3) બીજા વિશ્વયુદ્ધમાં જાપાને સૌથી વધુ ખરાબી ભોગવી હોવા છતાં આજે ભારત સહિત કેટલાંય દેશોને તે લોન આપવા કેમ સક્ષમ છે?

આ પ્રકરણનાં લખાણો મનને મોકળાશ તરફ દોરી જાય છે. લેખકે ગીરીશ સુઢીયાના એક રસપ્રદ અવલોકનનો ઉલ્લેખ કર્યો છે કે અમદાવાદથી રોજ રાત્રે 10:00 કલાકે ગૂજરાત મેલ મુંબઇ તરફ ઉપડે છે. દર મંગળવારે આ સમય કાળ ચોઘડીયાનો છે, છતાં છેલ્લા સિત્તેર વરસથી એકધારી દોડતી આ ટ્રેનને ક્યારેય કોઇ અકસ્માત નથી થયો; જ્યારે ચોઘડીયાં જોઇને કરાયેલાં પ્રસંગોમાં વિઘ્ન આવ્યાનાં કેટલાંય ઉદાહરણો જોવા મળે છે!

અન્ય પ્રેરક ઉદાહરણ રવજીભાઇ સાવલિયાનું આપ્યું છે, જેમણે 35 વરસ પહેલાં કાળ ચોઘડિયામાં પોતાની સબમર્સીબલ પંપની ફેક્ટરીનું ઉદઘાટન કરાવ્યું હતું, તે પણ પોતાની વિધવા બહેનના હાથે! ચોઘડિયાને બદલે રવજીભાઇની શુભ નિયતને કારણે પહેલા વર્ષે રૂપિયા પચ્ચીસ લાખ,જ્યારે બીજા અને ત્રીજા વર્ષે વેપાર રૂપિયા પંચાવન લાખે પહોંચ્યો હતો. આવાં તો અનેક ઉદાહરણો અને દાખલાદલીલોથી ભ્રામક માન્યતાઓનું નિરસન કર્યાં બાદ ક્રમશઃ આગળ વધતાં અવકાશીય ગ્રહો વિશે તેમાં સાચી ખગોળીય સમજણ પીરસવામાં આવી છે.

પુસ્તકમાં પૂર્વગ્રહો વિશે વિશદ છણાવટ કરાઇ છે. પૂર્વગ્રહોના પ્રકારો, કારણો ઉપરાંત પૂર્વગ્રહ ગ્રસિત થવાથી થતા નુકશાન વિશે પણ વિગતે ચર્ચા છે, જેમાં વિશ્વની માનવવસ્તીમાં અડધોઅડધ હિસ્સો ધરાવતી સ્ત્રીઓ વિશેના પૂર્વગ્રહો પણ સામેલ છે. એ સ્પષ્ટ છે કે એક વાર પૂર્વગ્રહો વળગ્યા પછી તેનાથી છૂટવું મુશ્કેલ છે, પરિણામે હાથી અને સસલાની વાર્તાની જેમ ‘છોગાળા છોડે પણ સુંઢાળા છોડે તો ને!’ જેવો ઘાટ સર્જાય છે.

ગ્રહો અને પૂર્વગ્રહો નેસાંકળતી પુસ્તિકામાં અનેક કારણો અને તારણો ઉપરાંત પૂર્વગ્રહોથી બચવાના ઉપાયોની રજૂઆત તેને ખાસ બનાવે છે.

  1. ચાલો જાણીએ, આપણું ભવિષ્ય ભારતીય બંધારણ

દરેક ભારતીયે જાણવા તેમજ સમજવા જેવો નાગરિક ધર્મ, નાગરીક હક્કો તથા નાગરિક તરીકેની ફરજો વિશે વિશદ છણાવટ આપતી આ પુસ્તિકામાં ભારતીય બંધારણ વિશે પાયાની સમજ આપવામાં આવી છે. ‘મહાત્મા ગાંધી સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ એન્‍ડ સોશિયલ ચેન્જ’ દ્વારા અશ્વિનભાઇને ભારતીય સંવિધાન વિશે સરળ ભાષામાં સમજ આપતું પુસ્તક લખવા ઇંજન આપતાં તે લખાયું. મોટે ભાગે બે કે ત્રણ પાનામાં પૂરા થતા ત્રીસેક પ્રકરણોમાં બંધારણ, ઘડાયા પહેલાંની સ્થિતિ, મૂળભૂત અધિકારો, સમાન નાગરિક ધારો, રાષ્ટ્રપ્રેમ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંબંધો, કરારો તેમજ જવાબદારીઓ, ચૂંટણીઓ, ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાય સહિત અનેક પાસાંઓની સમજૂતી આપવાં આવી છે. છેલ્લે સર્વોચ્ચ અદાલતના ખાસ કેસો વિશે ટૂંકી ચર્ચા કરવામાં આવી છે.

પુસ્તક ‘તમને આકાશી ઉપગ્રહો નહી, પૂર્વગ્રહો નડે છે’ની પ્રસ્તાવનામાં લેખકે પશ્ચિમી વિચારકોની એક સરસ રજૂઆત ટાંકી છે. તેમાં કહેવાયું છે કે ભારતના લોકો ધર્મ ઘેલછા, ક્રિયાકાંડ, વળગાડ, મંદિરોનું નિર્માણ, ગ્રહ દશામાં માન્યતા, નસીબ આધારિત વલણ વગેરેથી મુક્ત હોત તો પશ્ચિમના દેશો કરતાંય આગળ નીકળી ગયા હોત! આ સાચું થાય ત્યારે ખરું, પરંતું અશ્વિન ન. કારીઆના પુસ્તકોમાં આ દિશામાં પહેલું કદમ માંડવા પ્રેરણા અને સમજ અવશ્ય આપે છે.

*** * ***

અશ્વિન ન. કારીઆનાં પુસ્તકો અંગે માહિતી:

વૈજ્ઞાનિક અભિગમ

પૃષ્ઠસંખ્યા :69
સહયોગ રાશિ : ₹ 80

તમને આકાશી ઉપગ્રહો નહી, પૂર્વગ્રહો નડે છે

પૃષ્ઠસંખ્યા :58
સહયોગ રાશિ : ₹ 40

ચાલો જાણીએ, આપણું ભવિષ્ય ભારતીય બંધારણ

પૃષ્ઠસંખ્યા :120
મૂલ્ય : ₹ 120

પુસ્તકો મેળવવાનું સરનામું: બનાસકાંઠા જિલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ

C/O ગિરીશ સુંઢીયા, 69/2 ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઇવે, પાલનપુર-385001
વિજાણુ સંપર્ક: girishsundhiya62@gmail.com
લેખક સંપર્કઃ 93740 18111


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com