દીપક ધોળકિયા
સાતારા અને કોલ્હાપુર વિશે વાત કરવા માટે આપણે ઇતિહાસમાં પાછળ જવું પડશે.
બન્ને રાજ્યો છત્રપતિ શિવાજીનાં વારસ રાજ્યો હતાં. શિવાજીના મૃત્યુ પછી મરાઠા સામ્રાજ્ય ડોલી ગયું હતું. શિવાજીની રાજધાની તો રાયગઢ હતી પણ ધીમેધીમે એનું મહત્વ ઘટી ગયું હતું. કારણ કે ખરી સતા પેઢી દર પેઢી પેશવાઓએ કબજે કરી લીધી હતી. એ પૂના (હવે પૂણે)માંથી શાસન ચલાવતા હતા અને છત્રપતિઓ પેશવાના હાથમાં રમકડાં જેવા થઈ ગયા હતા. છત્રપતિ માત્ર બિરુદ રહી ગયું હતું. પેશવાઓ એમને જે ફાવે તે કરતા, છત્રપતિઓનું કામ માત્ર એમને પેશવા તરીકેની ‘નીમણૂક’ બદલ પાઘડી અને પહેરવેશની ભેટ આપવાનું રહી ગયું હતું. પેશવા બાજીરાવ બીજાએ તો સાતારામાં બિરાજમાન પંદર વર્ષની વયના છત્રપતિ પ્રતાપ સિંહને બંદી બનાવીને રાખ્યા હતા.
૧૮૧૮માં ઈસ્ટ ઇંડિયા કંપની અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે લડાઈ થઈ તેમાં પેશવાનો કારમો પરાજય થયો. ભીમા કોરેગાંવ પાસે અંગ્રેજોની આઠસોની સેના સામે પેશવાના બે હજાર સૈનિકો હતા. એમણે અંગ્રેજી ટુકડી પર હુમલો કર્યો પણ લડાઈ લાંબી ચાલી. પેશવાને ડર લાગ્યો કે એમને બીજી કુમક મળી જશે તો હાર ખમવી પડશે. પેશવાએ લડાઈ રોકીને પીછેહઠ કરવાનો રસ્તો લીધો. આ લડાઈ ઇતિહાસમાં ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધ તરીકે જાણીતી છે. એ વખતે બાજીરાવ લડાઈના મેદાનમાં પણ પ્રતાપ સિંહને લઈ ગયો હતો. પેશવાને ભાગવું પડ્યું એટલે પ્રતાપ સિંહ અંગ્રેજોના હાથમાં પડ્યા.
ઈસ્ટ ઇંડિયા કંપનીએ છત્રપતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એમણે વિચાર્યું કે પેશવાએ છત્રપતિને બંદી બનાવ્યા હતા પણ લોકલાગણી પેશવાની વિરુદ્ધ હતી. એટલે લોકોને રાજી કરવા એમણે પ્રતાપ સિંહને મુક્ત કરીને એમને સાતારા પાછું આપ્યું અને અંગ્રેજ અધિકારીઓ નીમી દીધા.
પ્રતાપ સિંહ શિવાજીના સૌથી મોટા પુત્ર શંભાજીની પરંપરાના હતા, જ્યારે કોલ્હાપુરમાં એમના બીજા પુત્ર રાજારામની પરંપરા ચાલતી હતી. અહીં ‘પરંપરા’ શબ્દ એટલા માટે વાપર્યો છે કે શિવાજીની ત્રીજી પેઢીથી જ ભોંસલે કોમના સરદારોમાંથી કોઈના સંતાનને દત્તક લેવાનું શરૂ થઈ ગયું હતું. એટલે એમના પછીના છત્રપતિઓ સીધા જ શિવાજીના વંશજ હતા એમ માનવાની ભૂલ ન કરવી.
આમ તો કોલ્હાપુરની ગાદી પણ રાજખટપટને પરિણામે ઊભી થઈ અને બન્ને પોતાને છત્રપતિ જ કહેતા. જો કે ૧૮૫૭ સુધીમાં બન્ને વચ્ચે મેળ થઈ ગયો હતો કારણ કે બન્ને પાસે ખરી સત્તા તો હતી નહીં અને બન્ને રાજ્યો અંગ્રેજોની દયા પર જીવતાં હતાં.
૧૮૩૯ સુધી તો બરાબર ચાલ્યું પણ પછી કંપનીને લાગ્યું કે સાતારાનો અમુક પ્રદેશ પાછો લઈ લેવો જોઈએ. આના પછી પ્રતાપ સિંહ વિરુદ્ધ વાતો શરૂ થઈ ગઈ. અંતે એમને પદભ્રષ્ટ કરીને કાશી મોકલી દેવાયા.
આ વાત પ્રતાપ સિંહના સમર્થકોને ન ગમી. આમાંથી એક હતા રંગો બાપુજી. શિવાજીના સામ્રાજ્યની સ્થાપનામાં એમને સાથ આપનારામાં એક હતા નરસપ્રભુ ગુપ્તે. રંગો બાપુજી એમના જ પરિવારમાં જન્મ્યા એટલે છત્રપતિઓ પ્રત્યે એમની વફાદારી અનોખી હતી. એ છૂપી રીતે પ્રતાપ સિંહ ને મળવા ગયા. અંગ્રેજોએ એમને ગાયના ગમાણમાં રાખ્યા હતા. રંગો બાપુજી એમને મળ્યા અને એમનો કેસ લંડનમાં રજૂ કરવા સૂચવ્યું પ્રતાપ સિંહ તૈયાર થઈ ગયા. એમનો કેસ લઈને બાપુજી લંડન ગયા અને ત્યાં ૧૨ વર્ષ રહ્યા અને ઘણા વકીલો અને રાજકારણીઓને મળ્યા અને કેસ લડતા રહ્યા. દરમિયાન પ્રતાપ સિંહનું ૧૮૪૭માં અવસાન થઈ ગયું અને એ બિનવારસ હતા એટલે ૧૮૪૯માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ સાતારા ખાલસા કરી લીધું.
રંગો બાપુજી તે પછી પાછા ફર્યા. છત્રપતિ સાથે થયેલો અન્યાય એમને ખૂંચતો હતો એટલે એમને હવે અંગ્રેજો સામે લડી લેવાનો નિરધાર કર્યો.
આ બાજુ કોલ્હાપુરના છત્રપતિ શાહજી તો અંગ્રેજોને વફાદાર રહ્યા પણ એમના નાના ભાઈ ચીમા સાહેબ સ્પષ્ટવક્તા હતા. એમને અંગ્રેજોની દાદાગીરી પસંદ નહોતી. એ પણ કંઈ કરવા માગતા હતા. દરમિયાન ઉત્તર ભારતમાં સિપાઇઓએ બળવો કરી દીધો. રંગો બાપુજી પણ આ તકનો લાભ લઈને કૂદી પડ્યા. એ સાધુવેશે પોતાની દીકરીને ઘરે પહોંચ્યા. ત્યાં કોઈ ધાર્મિક પર્વ હતું. કંપનીના જાસૂસોને માહિતી મળી ગઈ હતી કે રંગો બાપુજી ત્યાં પહોંચ્યા છે. પોલીસ ટુકડીએ ઘરને ઘેરી લીધું પણ રંગો બાપુજી દાદીમાના વેશમાં ત્યાંથી ભાગી છૂટ્યા અને જંગલમાં સાધુવેશે ફરીને એમણે લશ્કર એકઠું કરવા માંડ્યું. એ લોકોને સમજાવવા માટે જુદી જુદી વાતો કહેતા. એમણે કહ્યું કે મુંબઈ પ્રાંતનો ગવર્નર રાજ પાછું આપવા માગે છે એટલે એણે રંગો બાપુજીને કહ્યું છે કે સાતારામાં જેટલા યુરોપિયનો છે એ આડે આવે છે, એટલે એમને પકડી લો!
દરમિયાન કોલ્હાપુરમાં પણ ખળભળાટ શરૂ થઈ ગયો હતો. વિદ્રોહીઓએ દસમી ઑગસ્ટે અંગ્રેજોના રહેઠાણના વિસ્તાર પર હુમલો કરવાનું નક્કી કર્યું પણ ઉતાવળા એવા કે ૩૧મી જુલાઈએ જ કશાય આયોજન વિના ધસી ગયા. અંગ્રેજ સાહેબોને વફાદાર માણસોએ એમને સમાચાર પહોંચાડી દીધા. બધા ત્યાંથી ભાગી છૂટ્યા. તરત મુંબઈથી બીજી ટુકડીઓ પણ એમના રક્ષણ માટે આવી ગઈ.
અંગ્રેજોએ ભાગીને જ્યાં આશરો લીધો એ જગ્યામાં સેનાના વિદ્રોહીઓ પણ હતા. અંગ્રેજ ફોજે પહેલાં તો એમને દબાવી દીધા. બીજી બાજુ ૨૭મી રેજિમેંટમાં સિપાઈઓએ બળવો કર્યો. એ વખતે અંગ્રેજોએ ભૂતપૂર્વ બળવાખોરો અને નવા વફાદારોની જ ટુકડી બનાવીને એમની સામે ઉતાર્યા. આમ જે રેજિમેંટ બળવો દબાવવા આવી હતી એણે બળવો કર્યો અને જે બળવો કરતા હતા તે અંગ્રેજોની સાથે થઈ ગયા!
કોલ્હાપુરમાં બળવાને દબાવી દીધા પછી તરત કેસ ચલાવીને એકવીસને મોતની સજા કરાઈ. દરમિયાન, રંગો બાપુજી તો ભાગી છૂટ્યા હતા અને કદીયે અંગ્રેજોના હાથમાં ન આવ્યા પણ એમના ૧૭ સાથીઓને પકડીને કેસ ચલાવવામાં આવ્યો અને રંગો બાપુજીના પુત્ર સહિત ૧૭ જણને સાતમી સપ્ટેમ્બરે મોતને ઘાટે ઉતારી દેવાયા. આમાંથી કેટલાકને ફાંસી દેવાઈ, કેટલાકને તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા.
૦૦૦
સંદર્ભઃ
- https://prahaar.in/RangoBapuji (મરાઠી)
- CHAPTER – VI THE REVOLT OP 1857 AND THE KOLHAPUR STATE (pdf) Click here
- https://cultural.maharashtra.gov.in/english/gazetteer/SATARA/his_british_rule.html
- The Satara Raj by Sumitra Kulkarni -Mittal Prakashan) નીચે આપેલી લિંક પર મળશે https://www.google.co.in/books/edition/The_Satara_Raj_1818_1848