પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ

લેખનક્ષેત્રમાં પ્રવેશપૂર્વે રતિલાલ બોરીસાગર પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે અને એ પછી ગૂજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે લગભગ એકવીસ વર્ષ સુધી ગૂજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં પણ કામગીરી કરી. રતિલાલ બોરીસાગરની સાહિત્યિક કારકીર્દીનો આરંભ ટૂંકી વાર્તાઓથી થયો હતો. જો કે, 1977માં તેમણે પોતાનો પ્રથમ હાસ્યસંગ્રહ ‘મરક મરક’ આપ્યો અને પહેલા પુસ્તકથી જ તેઓ હાસ્યલેખક તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. 2017માં ‘મોજમાં રે’વું રે’ અને ‘વિનોદના વૈકુંઠમાં…’ એમ એક સાથે બે પુસ્તકો પ્રકાશિત થતાં હાસ્યકેન્દ્રિત તેમના પુસ્તકોનો આંકડો ડઝને પહોંચ્યો છે. આ સિવાય તેમણે બાળસાહિત્યમાં પ્રદાન પણ આપ્યું છે. તેમણે ઘણાં સંપાદનો પણ કર્યા છે.
પુસ્તક ‘વિનોદના વૈકુંઠમાં…’ની ટૂંકી પ્રસ્તાવનામાં રતિલાલ બોરીસાગરે પુસ્તકના નામ અંગે ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે અગાઉના પુસ્તક ‘ભજ આનન્દમ્’ની પ્રસ્તાવનાના સમાપનમાં ચંદ્રકાંત શેઠે ‘વિનોદના વૈકુંઠમાં’ શબ્દ પ્રયોજ્યો ત્યારથી તેમને આ શબ્દો ગમી ગયા હતા; જે તેમણે આ પુસ્તકના શિર્ષક તરીકે વાપર્યા છે. કવિ હરિકૃષ્ણ પાઠકે પુસ્તકની વિશદ પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ ‘પૂર્વસૂરિઓ’એ કલમ ચલાવી હોય એવા વિષયો પસંદ કરતી વખતે જોખમ રહેલું હોય છે. રતિલાલે શિખામણ, ઘડિયાળ, હિસાબ વગેરે જેવા વિષયો પસંદ કરીને આવું જોખમ ઉઠાવ્યું છે, આમ છતાં વાચકોને કશુંક નવતર પીરસી શક્યા હોવાનું પણ તેમણે નોંધ્યું છે. એ ઉપરાંત તેમણે સહર્ષ નોંધ્યું છે કે ‘કવિ’ તથા સ્ત્રી જેવા હાથવગા પાત્રથી બોરીસાગર અળગા રહ્યા છે. કવિનો ઉલ્લેખ છે પણ વિષય તરીકે નથી.
આ પુસ્તકમાં કુલ ત્રેવીસ હાસ્ય લેખોમાં રતિલાલ બોરીસાગરે ઉપરોક્ત વિષયો સિવાય રોગ અને યોગ, શરદી, આત્મસ્તુતિ, મિતાહાર અને મૌન, ફોન અને પ્લાન, જૈફવયે પહોંચેલ વડીલની ડાયરી વગેરે જેવા વિષયો આલેખ્યા છે. વરિષ્ઠ નાગરિકોની એક કાયમની સમસ્યા હોય છે કે તેમનું કોઇ સાંભળતું નથી. તેની મજાની ચર્ચા શિખામણના લેખમાં કરી છે; ખરું જોતાં તેનું મૂળ કારણ સમજાવ્યું છે એમ કહેવું ઉચિત રહેશે. ઉપરાંત અમુક ઉંમરે પહોંચતાં નીરસતા અને ઘરેડમય જિંદગી તેમજ યોગ્ય વ્યવસ્થાના અભાવે યુવાનો સાથે વડીલોને પણ લાઇનોમાં ઊભા રહેવું પડે વગેરે જેવી બાબતો હાસ્યરસમાં ઝબોળાયેલી હોવાથી વાંચતી વખતે મરકાવી જાય છે.
તેમણે સાહિત્યક્ષેત્રને પણ આવરી લીધું છે. પુસ્તક ‘વિનોદના વૈકુંઠમાં…’ માં રતિલાલ બોરીસાગરે સાહિત્યક્ષેત્રને લગતી ભ્રામક માન્યતાઓનો સુંદર ચિતાર આપ્યો છે. આ લખાણો મરક મરક હસાવે છે જરુર, પણ તે ‘હસી કાઢવા’ જેવા નથી. કારણ કે સમસ્યાઓ હોવા છતાં તેની સ્વીકૃતિને કારણે ઊભી થતી પરિસ્થિતિ પર વ્યંગ કરાયો છે. તેના પર નિરાંતે વિચાર કરવો ઘટે. જેમ કે, કેટલાંક પ્રકાશકો આજે પણ એમ જ માને છે કે પોતાના સામયિકમાં અથવા અન્ય ઠેકાણે લેખકનું લખાણ છપાય એ જ પૂરતું છે! કેટલાંક તો પુરસ્કાર આપવાનો રિવાજ ન હોવાનું ગર્વથી જણાવે છે! આમ કહેતી વખતે એ ભૂલી જાય છે કે ગમે તેવા પ્રસિદ્ધિભૂખ્યાનું પેટ પ્રસિદ્ધિથી નહીં પણ રોટલાથી ઠરે છે! સમાજના બહોળા લોકો સુધી લખાણો પહોંચે તો પ્રસિદ્ધિ મળે પણ રોટલાનું શું? તેમણે લખ્યું છે કે કાલિદાસના સમયે રાજા ભોજ હતા, જે ખોબલે સોનામહોરો આપતા હતા. પરંતું આજના જમાનામાં કોઇ ઢંગનો પુરસ્કાર પણ આપતું નથી. ‘પુરસ્કાર! પુરસ્કાર! પુરસ્કાર!’ લેખમાં પતિ- પત્નિ સંવાદમાં પત્નિ એ મતલબનું કહે છે, કે તમારી કવિતાથી દુનિયામાં આગ લગાડી શકવાની ક્ષમતા હોય, પણ તેનું આર્થિક વળતર એટલું પણ નથી કે હું ચૂલો પેટાવી શકું! આ વાચતા સમજાય છે કે અન્ય કારકીર્દીની જેમ લેખન પણ કારકીર્દી હોઇ શકે.
તાજેતરમાં જ ફેસબુક પર રજનીકુમાર પંડ્યાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો જે ઘણો ચર્ચામાં રહ્યો હતો. પુસ્તકમાંના રતિલાલ બોરીસાગરના લખાણોમાં દ્વેષભાવને બદલે નિર્ભેળ હાસ્ય નિપજતું હોવાથી વાચક માટે ચર્ચા રસપ્રદ નીવડે છે.
અમુક પ્રકારનાં (કૉલમ) લેખનથી મળતી પ્રસિદ્ધિનુ આયુષ્ય ટૂંકું હોય છે. ‘તું નહીં તો તારો ભાઇ’ની ઝડપે રિક્ત સ્થાનની પૂર્તિ થઇ જતી હોવા છતાં લેખકોને પોતાની લોકપ્રિયતાનો ભ્રમ કેટલો બેબુનિયાદ હોય છે તેની સુંદર વ્યંગાત્મક રજૂઆત કરવામાં આવી છે. તે જ રીતે સ્ટેજ પર વક્તાનું ઘણા બધા કિસ્સામાં માત્ર સમય પસાર કરવાં પૂરતું જ મહત્વ હોવાની સચ્ચાઇથી વાચકને રમૂજ સાથે સાચી પરિસ્થિતિથી અવગત કરાવે છે.
વાંચનપ્રેમ વિકસાવવા માટે પુસ્તક ભેટ આપવાના ચલણ વિશે તેમણે ઘરઘાટીને પોતાનાં લખાણો વંચાવવા કેટલી મુશ્કેલીઓ ઝેલવી પડી તેનું રમૂજસભર આલેખન કર્યું છે. વાચકને મંદ મંદ હસાવવાની સાથે એ બાબત પ્રત્યે તેઓ ધ્યાન દોરે છે કે ઇતર વાંચન ગુણ આજે લોપાતો જાય છે. આ ઉપરાંત ખરીદી કરવાની કળા, યંત્રવત ભાગતી જીવનશૈલી, આળસ, જેવા વિષયો તેમણે વાચક સમક્ષ એવી રીતે મૂક્યા છે જેમાં વાચકના ચહેરા પર હળવું સ્મિત રેલાયા વિના રહે નહીં.
પુસ્તકમાં સમાવિષ્ટ લેખોમાં સ્થૂળ હાસ્ય નથી. સાંપ્રત સમસ્યાઓ, કેટલીક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. પરંતું વ્યંગમાં ક્યાય ડંખ નથી. ‘વિનોદના વૈકુંઠમાં…’ વાંચતાં કદાચ ખડખડાટ હસવું ન આવે, પરંતું એવું ઘણું બધું છે કે વાચકનો હોઠ સળવળે અને ચહેરો મંદ હાસ્યથી ખીલી ઉઠે અને એકાદ તબક્કે મનમાં એમ થાય કે લેખકે બરાબર લખ્યું છે!
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
વિનોદના વૈકુંઠમાં.. : રતિલાલ બોરીસાગર
પૃષ્ઠસંખ્યા : 144
કિંમત : ₹ 130
પ્રથમ આવૃત્તિ : 2017
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-01
વિજાણુ સંપર્ક : goorjar@yahoo.com
વિજાણુ સરનામું : http://www.gurjarbooksonline.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com