સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
કેટલાક સામાજિક દુષણોને અટકવવા માટે કાયદો જરૂરી હોવા છતાં તે દુષણને માત્ર કાયદાથી અટકાવી શકાતું નથી. વળી કાયદો પણ એવો હોવો જોઈએ કે જેને લાગુ પાડવાનો હોય તે લોકસમૂહની વ્યાપક સ્વીકૃતિ હોવી જોઇએ. આમ છતાં સમાજ સુધારા કે જે તે વર્ગની ઉન્નતિ માટે તે કાયદો આવશ્યક હોય તો પણ તેનાં રિવાજો અને પરંપરાને ધ્યાનમં રાખીને સાવચેતીપૂર્વક અમલ થવો જોઇએ.
આપણે અહીં વાત કરવી છે ‘બાળલગ્ન પ્રતિબંધ’ ધારાની જેના અમલ માટે સત્તાવાળાના વિવેકબુદ્ધિ અને હેતુંશુદ્ધિ બન્ને અત્યંત જરૂરી છે.
આપણા દેશમાં બાળલગ્ન પ્રતિબંધ ધારાની ઇ સ ૨૦૦૬માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ તેનો ભંગ કરનારને બે વર્ષ સુધીની સખત કેદ અને એક લાખ રૂપિયા જેટલો દંડ કરી શકાય તેમ છે. આસામ સરકારે આ કાયદાનો ઉપયોગ કરીને લગભગ ૩,૦૦૦ જેટલા લોકોની ધરપકડ કરી અને તેમની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ આદરી. કાયદાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતા આસામની હઈકોર્ટે બધા જ આરોપીને જામીન પર છોડી દેવાનો હુકમ કર્યો. આ ઉપરાંત અદાલતે ટકોર કરી કે કાયદાના આવા આડેધડ ઉપયોગથી તો લોકોમાં હાહાકાર મચી જાય.
લગ્ન વખતે ખાસ કરીને કન્યાની વય કેટલી હોવી જોઈએ તેની ચર્ચાનો ઇતિહાસ ઘણો પુરાણો છે. ઋગવેદમાં કન્યાના ગર્ભાધાનને સોળ સંસ્કારમાંના એક સંસ્કાર કહ્યા છે એ સિવાય હિંદુ ધર્મશાસ્ત્રોમાં લગ્નની લઘુત્તમ વય અંગે સ્પષ્ટપણે કહેવાયું નથી પરંતુ મનુસ્મૃતિ કહે છે કે કન્યા વયમાં આવે તેના ત્રણ વર્ષમાં તેનો પિતા તેના લગ્ન કરાવી ના શકે તો એ ક્ન્યાને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. ત્યાર પછી મનુસ્મૃતિના સૌ પ્રથમ ભાષ્યકાર મેધાતિથિએ (લગભગ આઠમી નવમી સદીમાં) કન્યાનાં લગ્ન માટે આઠ વર્ષની વય યોગ્ય કહી છે. ગ્રીસ મુસાફર મેંગેસ્થિનિઝે(ઈ સ. પૂ ૩૫૦થી ઈ સ પૂ ૨૯૦) નોંધ્યું છે કે ભારતમાં બાળકીનાં લગ્ન આઠ વર્ષે થવા એ સામાન્ય વાત છે. ગઝનીના આક્રમણની સાથે જ ભારત આવેલા અને ઇસ ૧૦૧૭ થી ૧૦૩૦ સુધી ભારતમાં રોકાયેલા ઇરાની વિદ્વાન અલ બુરાનીએ નોંધ્યું છે કે ભારતમાં ખૂબ નાની વયે લગ્ન કરવાની પ્રથા છે.
પરંતુ બાળલગ્ન અંગેની વિધિસર ચર્ચા તો બ્રિટિશ શાસન દરમિયાન જ શરૂ થઈ. 1861ના કાયદા હેઠળ ક્ન્યાઓને શરીર સબંધ માટે ઓછામાં ઓછી વય 10 વર્ષની નક્કી કરવામાં આવી. ત્યાર પછી બનેલી એક ઘટનાએ લગ્ન માટે કન્યાના લગ્નની વય વધારવા માટે સત્તવાળાઓને વિચારતા કરી મૂક્યા
બન્યું એવું કે ૧૮૯૦માં ફૂલમણિ દાસી નામની દસ વર્ષની એક બંગાળી કન્યાનાં લગ્ન ત્રીસ વર્ષના હરિ મોહન મૈતિ સાથે થયેલા. લગ્ન બાદ દેહસબંધથી ફૂલમણિને ગંભીર ઇજાઓ થઈ. છેવટે તે મૃત્યુ પામી. ફૂલમણિની માતાએ હરિ મોહન પર બાળાત્કાર અને ખૂનનો આરોપ મૂક્યો અદાલતમાં કેસ ચાલ્યો જેમાં ફૂલમણિની માતા એ સાબિત કરી શકી કે ફૂલમણિનું મૃત્યુ તેના ગુહ્ય ભાગમાં થયેલી ઇજાને કારણે થયું છે. આમછતાં હરિ મોહનને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા કારણ કે લગ્ન વખતે ફૂલ્મણિ દસ વર્ષની ઉંમર વટાવી ગઈ હતી. આથી તેના લગ્ન કાયદેસરના હતા અને કાયદેસરના લગ્નથી સબંધ બાંધ્યા પછી પત્નીને કરેલી બળજબરીને બળાત્કાર ગણાવામાં આવતો નથી. જો કે ફૂલમણિનો આ કેસ એકલદોકલ ન હતો. તે સમયે ૪૪ જેટલા ડોકટરોએ એક મોટી યાદી બહાર પાડેલી જેમાં દેહસબંધને કારણે પત્નીના મૃત્યુ થયા હોય. આ સંજોગોમાં ૧૮૯૧માં કાયદો કરવામાં આવ્યો જેમાં કન્યાની લગ્નની વય ૧૦ થી વધારીને ૧૨ કરવામાં આવી
આ ઘટનના ના ચાર વર્ષ પહેલા ૧૮૮૫માં અદાલતમાં એક રસપ્રદ કેસ ચાલી ગયો. ભારતની સૌ પ્રથમ મહિલા તબીબ રુખ્માબાઈનું નામ તો વાચકમિત્રો જાણતા જ હશે. પરંતુ તેમનું એક મોટું પ્રદાન છે મહિલાઓના હક માટે હિંમતપૂર્વક લડવાનું. તેમનાં પોતનાં લગ્ન 11 વર્ષની ઉંમરે જ થયેલા. પરંતુ તેમણે સાસરે જવાનો સાફ ઇન્કાર કરી દીધો.આ માટે તેમણે કારણ આપ્યું કે આ લગ્નમાં તેની સંમતિ ન હતી. પરંતુ તેના પતિ દાદાજી ભીખાજી પોતના લગ્નજીવનના હક માટે અદાલતમાં ગયા. લાંબી સુનાવણી પછી અદાલતે ચૂકાદો આપ્યો કે રુખ્માબાઈએ પતિગૃહે જવું અથવા તો છ માસની જેલ ભોગવવી. રુખ્માબાઈએ પોતાની પસંદગી જેલને આપી.
રુખ્માબાઈની આ બહાદુરીભરી લડાઈએ મહાદેવ ગોવિંદ રાનડે અને બહેરમજી મલબારી જેવા સમાજ સુધારકોમાં જોશ આણ્યું. જો કે બળગંગાધર તિલક જેવા હિંદુ બૌદ્ધિકોએ તો રુખ્માબાઈના પતિને ટેકો આપેલો અને રુખ્માબાઈ વિરિદ્ધ પોતાના છાપામં લેખ પણ લખેલા.
આમછતાં રુખ્માબાઈના કેસને કારણે ૧૯૯૧ના કાયદામાં કન્યાના લગ્નની ઉંમર વધારીને ૧૨ વર્ષની કરવામં આવી. જો કે આ સુધારાનો પણ તિલક મહારાજે સરકારની હિંદુઓના ધર્મમાં દખલગીરી કહીને વિરોધ કરેલો. કલક્તાના તે વખતના નિવૃત ન્યાયાધીશ રોમેશ ચંદ્ર મૈત્રેય તો આ કાયદાના વિરોધના એક મોટા ઝંડાધારી હતા. તેમણે કાયદાને હિંદુ ધર્મમાં દખલગીરી ઉપરાંત ૧૮૫૭ના બળવા પછીના મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો ભંગ કરતો પણ ગણાવેલો. આમછતાં કાયદો તો કરવામાં આવ્યો જ પરંતુ તેની કોઈ અસર ના થઈ. બાળલગ્નો તો થતા જ રહ્યા(અને આજે પણ થઈ રહ્યાં છે.
૧૯૨૭માં રાય સાહેબ હરિ વિલાસ સારદાએ ધારાસભામાં બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો એક ખરડો રજૂ કર્યો. આ ખરડો ૧૯૨૯માં કાયદો બન્યો અને તેના મુજબ લગ્ન વખતે કન્યાની અને મૂરતિયાની ઓછામાં ઓછી ઉંમર વધારીને અનુક્રમે ૧૪ અને ૧૮ કરવામાં આવી.આઝાદી પછી કન્યાના લગ્ન માટેની ઉંમર ૧૯૪૯માં અને ૧૯૭૮માં અનુક્રમે ૧૫ અને ૧૮ કરવામાં આવી. ૨૦૦૬માં કાયદાનો ભંગ કરનારને બે વર્ષની જેલ અથવા એક લાખ રૂપિયા સુધીંનો દંડ કરવાની અથવા જરૂર લાગે કેદ અને દંડ બન્નેનીજોગવાઈ કરવામાં આવી
આ પ્રમણેની દંડની જોગવાઈ કરવા છતાં હાઈકોર્ટે ૨૦૧૭ સુધીમાં ત્રણ અલગ અલગ ચૂકાદાઓમાં નિર્ધારિત કર્યું છે કે બાળવયે લગ્ન થયા હોવા છતાં તેને ફોક નહિ ગણતા માન્ય જ રાખવાના છે. મુસ્લિમોના કેસમાં તો સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો સ્પષ્ટ છે કે કન્યા જો લગ્ન સમયે ૧૮વર્ષની ઉંમર પહેલા (જાતીય રીતે) પુખ્ત હોય તો તેને બાળલગ્ન ગણવામાં નહિ આવે.
૨૦૦૮માં કાયદા પંચે તેના ૨૦૫મા અહેવાલમાં જણાવ્યું છે કે બાળલગ્ન માટે ગરીબી અને દહેજ પ્રથા જવાબદાર છે. આ ઉપરાંત કન્યાના વાલીઓ દેવું ચૂકવવા માટે પણ છોકરીને નાની વયે પરણાવી દેતા હોય છે. આપણામાંના ઘણાને ખ્યાલ હશે કેટલીક જ્ઞતિઓમાં બાળલગ્ન એ અપવાદ નહિ પણ સામાન્ય હોય છે. કોઇ છોકરાનું જો બાળવયે લગ્ન ન થયું હોય તો મોટી વયે લગ્ન કરવા માટે તો તેણે કન્યાના વાલીને મસમોટી રકમ ચૂકવવી પડતી હોય છે. જો એમ ન થઈ શકે તો આજીવન અપરિણિત રહેવું પડે.
દરેક જ્ઞાતિમાં શિક્ષણ અને જાગૃતિ વધતા લોકો સ્વેચ્છાએ મોટી ઉંમરે પરણવાનું પસંદ કરતા જોવામાં આવ્યા છે. કેટલીક સવર્ણ જ્ઞાતિઓ અને પારસીઓમાં તો કન્યાઓ ભાગ્યેજ 25થી ઓછી ઉંમરે લગ્ન કરે છે.
એક નિરીક્ષણ એવું છે કે ૨૦૦૦ થી ૨૦૧૦ સુધીમાં કન્યાકેળવણીમાં ધરખમ વધારો થયો હતો અને તેનાથી બાળલગ્નનું પ્રમાણ ઠીક ઠીક ઘટી ગયું. આથી રાજ્ય જો બાળલગ્ન અટકાવવા માટે ગંભીર હોય તો દંડને બદલે કન્યાઓના શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ.
પરંતુ આસામ સરકારે આ કાયદાનો આડેધડ ઉપયોગ કર્યો જેનાથી બાળલગ્ન તો અટકયા નહિ પરંતુ તેના પરિણામો પણ સારાં ન આવ્યાં. ખુશ્બુ નામની એક મહિલા ૧૮ વર્ષે પહોંચે તે પહેલા તેના પિતાએ ૨૦૧૨માં પરણાવી દીધી હતી. ત્યાર બાદ ખુશ્બુએ તેના પતિને કોરોનામાં ગુમાવી દીધો. આ વિધવાના પિતાની બાળલગ્ન પ્રતિબંધ ધારાના ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી. પછી કદાચ આ જ કારણે ખુશ્બુએ આત્મહત્યા કરી.
નવાઈની વાત એ છે કે આઝાદી પહેલા હિંદુ ધર્મમાં દખલગીરી ગણીને બાળલગ્ન પ્રતિબંધ ધારાનો વિરોધ કરવામાં આવતો પરંતુ આજે હિંદુઓના રક્ષક તરીકેની છાપ ધરાવતી સરકાર એ કાયદાનો કડક અમલ કરી રહી છે.
વખતોવખત સંયુકત રાષ્ટ્ર સંસ્થાએ મહિલાને થતા અન્યાયોમાં એક અન્યાય તેમના નાની વયે કરવમાં આવતા લગ્નને પણ ગણાવ્યો છે અને સભ્ય દેશોને તે અંગે કાયદાઓ કરવાના નિર્દેશો પણ આપ્યા છે. પરંતુ કાયદાને કારણે બાળલગ્ન ભાગ્યે જ અટક્યા છે. આજથી સો વર્ષ પહેલા હિંદુ સવર્ણોમાં બાળલગ્નો સામાન્ય હતાં. પરંતુ આજે શિક્ષણ અને આર્થિક ફેરફારોને કારણે બાળલગ્નની પ્રથા સમૂળગી નિર્મૂળ થઈ ગઈ છે. આથી જે પણ સમૂહોમાં બાળલગ્નની પ્રથા છે – તે પછી હિંદુ હોય કે મુસ્લિમ- બાળલગ્ન અને અન્ય કેટલાક સામાજિક દુષણો નિવારવાના સાચા ઉપાયો કન્યાઓના શિક્ષણ અને ગરીબીનું ઉન્મૂલન જ છે. કાયદાનું મહત્વ માર્ગદર્શક સિદ્ધાંતોથી વિશેષ નથી. કાયદાનો આડેધડ અમલ અને વળી કોઇ એક વર્ગને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવતો હોવાની છાપથી સમાજમાં બેદિલી અને વૈમનસ્ય જ વધવાના.
( આ લેખ લખવા માટે ‘ઇન્ડીયન એક્ષ્પ્રેસ ‘ ના 7 ફેબ્રુઆરી 2023ના અંકમાં ફૈઝાન મુસ્તફા નો લેખ અને ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.