નરેશ માંકડ

૧૯૭૦ના દશક ની શરૂઆતના કોઈ વર્ષની આ ઘટના છે. અમદાવાદ એરપોર્ટ પર એલ. ડી. કોલેજ ના મોના ચીનુભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ કોલેજના વાર્ષિકોત્સવ માટે નિમંત્રિત અનેક સ્વરૂપે વિખ્યાત વ્યક્તિવિશેષ ઇલસ્ટ્રેટેડ વિક્લિ ના તંત્રી ખુશવંતસિંહની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે  ધ્યાન પડ્યુ કે એક સરદારજી ત્યાં આવી ચૂક્યા હતા. ટ્રસ્ટીઓએ આગળ ધસીને એમને હાર પહેરાવી દીધો. સરદાર મૂંઝાઈ ગયા પણ ઉતાવળે બહાર નીકળી ટેકસીમાં બેસીને રવાના થઈ ગયા. એ જ વખતે માનવંતા મહેમાન, ખરા સરદાર ખુશવંતસિંહ પ્રવેશ્યા. ટ્રસ્ટીઓ પાસે હવે હાર તો હતો નહીં. તેઓએ ભોંઠપ સાથે થોડી વાર પહેલાં બની ગયેલ ઘટનાની વાત કરી. ખુશવંતસિંહે એમને આશ્વાસન આપતાં કહ્યું, કંઈ વાંધો નહીં. અમારાં પંજાબમાં એવું કહે છે કે Nathusingh Premsingh, one and the same thin (નથુ સિંગ કહો કે પ્રેમ સિંગ, સિંગ તો સિંગ જ રહે).

આ ઘટનાનું બયાન તેમને વિક્લિની પોતાની અતિ લોકપ્રિય કોલમમાં આપ્યું હતું..

એમની કોલમનો આ લાક્ષણિક પરિચય.

હાથમાં કલમ અને પેપર સ્ક્રોલ લઈને પુસ્તકો અને વ્હીસ્કીની બોટલ વચ્ચે વીજળીના બલ્બમાં આસનસ્થ  ખુશાલ સિંહ – જે એમનું દાદીએ આપેલું મૂળ નામ હતું – એ પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ મારીઓ મિરાંડાએ દોરેલ ચિત્રથી જનમાનસમાં દૃઢ બનેલી એમની છબિ હતી. વિક્લિના તંત્રી તરીકે તેઓ ૧૯૬૯ થી ૧૯૭૮ સુધી રહ્યા. એ કોઈ ભારતીય સામયિકના કે તંત્રીના જીવનમાં ન આવ્યો હોય એવો ઝળહળતો સમય હતો અને એનું મુખ્ય પાત્ર ખુશવંત સિંહ હતા. ખુશવંતસિંહ ને ટક્કર મારી શકે એવા કેટલાક તંત્રીઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં અલગ અલગ સમયે આવી ગયા હતા, જેમ કે ફ્રેન્ક મોરાએસ, એન. જે. નાનપોરિયા, શામ લાલ, ગિરિલાલ જૈન ઇત્યાદિ; પરંતુ એમાંથી કોઈએ ખુશવંત જેવી દંતકથાત્મક, અદભુત કીર્તિ હાંસલ કરી ન હતી.  ૧૯૬૯ પહેલાંનું વીક્લિ સુસ્ત અને કંટાળાજનક સામાયિક હતું, ઇંતેજારીપૂર્વક વાચકો રાહ જુએ એવું ન હતું. ખુશવંતસિંહે એ મડદાંમાં પ્રાણ ફૂંક્યા, અને એના કરિશ્માથી મડદું જીવંત થઈને બેઠું થાય એવું બન્યું. થોડા હજારનાં સરક્યુલેશન પરથી એનો ફેલાવો પાંચ વર્ષમાં ચાર ગણો વધીને ૪,૧૦,૦૦૦ની સંખ્યા પર પહોંચી ગયો. સામાયિક પત્રકારત્વમાં આ સનસનાટીભરી ઘટના હતી. ખુશવંતસિંહને જાણનારાની સંખ્યા મોટી ન હતી, પણ આ ચમત્કારથી અંગ્રેજી વાંચનારાઓ સફાળા જાગી ગયા, ખુશવંત સુપર સ્ટાર બની ગયા. એમણે પોતાના પર થતી પ્રશંસાની પુષ્પવર્ષા અને ક્યાંકથી ફેંકાતા ટીકાનાં રોડાંને પણ છાપ્યાં. ‘ટીકાકારોને તંત્રીનો જવાબ ‘ એવાં મથાળાં સાથે એમણે વીક્લિ નાં સર્ક્યુલેશન ના ગ્રાફને અંગદ કુદકો મરાવ્યો. વળતો જ કોઈ વાંચકનો જવાબ આવ્યો: ” તમે જ નહોતું કહ્યું કે ફ્રાન્સમાં વેશ્યાઓ આવકવેરો ભરે છે? ” વાંચકોના પત્રોનો વિભાગ પણ એકદમ રોચક અને જીવંત બની ગયો.  આવી અભૂતપૂર્વ સફળતાને કારણે સ્ટાર સ્ટેટસ મેળવનારા ખુશવંતને રાજકારણીઓ, ફિલ્મસ્ટાર્સ, લેખકો, મળવા આવવા લાગ્યા. ખુશવંત પણ જેને મળવા ઈચ્છે તેમને સરળતાથી મળી શકતા હતા. ફિલ્મ સ્ટાર્સ અને ખાસ કરીને હિન્દી ફિલ્મો તરફ અણગમો વ્યક્ત કરતા ખુશવંતસિંહ એમના સહાધ્યાયીઓ – જેમાં બલરાજ સહાની, ચેતન આનંદ, દેવ આનંદ વગેરેનો સમાવેશ થાય છે એમાંના કેટલાકને મળવા ગયા હોવાનું તેઓ નોંધે છે. દેવ આનંદ, કલ્પના કાર્તિક, રાજ કપૂર, ઝીનત અમાન જેવાં નામ એમના વૃત્તાંતમાં જોવા મળે છે. લતા મંગેશકરને મળવા માટે રાજુ ભારતન સાથે ગયા ત્યારે આ મૂર્તિભંજક પત્રકારે ધન્યતા અનુભવી. નૌશાદ અને તેમના પરિવારજનોને પણ મળવા તેઓ  રાજુ ભારતન સાથે ગયા હતા. સ્પષ્ટ જ છે કે ફિલ્મની ગ્લેમરથી નિસ્પૃહ બહુ ઓછાં માણસો રહી શકે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે  એમના શાળા કે કોલેજના વર્ષોમાં તેઓ ભવિષ્યમાં લેખકો અને પત્રકારોને ઈર્ષા થાય એવું સ્થાન મેળવશે એવો આછેરો અણસાર પણ ખુશવંતે આવવા દીધો ન હતો. અભ્યાસમાં તદ્દન સામાન્ય એવા ખુશવંતને અંગ્રેજી અને ઉર્દૂ ભાષાસાહિત્યમાં રસ પડ્યો. એક અંગ્રેજ શિક્ષિકાએ અને એક મૌલવીએ પોતાના વિષયોમાં ખુશવંતસિંહને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું. તેઓ શબ્દકોષની મદદથી નવા શબ્દો નોંધતા રહ્યા, બાઇબલ, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, સોંગ ઓફ સોલોમન, વાંચ્યાં. શેક્સપીયર, વર્ડઝવર્થનાં કાવ્યો યાદ કરવાનું શરૂ કર્યું, સમરસેટ મોમ અને આલ્ડસ હકસલીથી પ્રભાવિત થયા. એમની જ કબૂલાત પ્રમાણે, “પ્રામાણિકતાથી કહું તો મહાન લેખકો નહીં પણ બીજા વર્ગના, ખાસ કરીને ભારતીય લેખકોની પ્રેરણા મળી જેમનાં પુસ્તકો ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં પ્રકાશિત થયાં હતાં.   એમાં મુલ્કરાજ આનંદ, રાજા રાઓ અને આર. કે. નારાયણ સમાવિષ્ઠ હતા.** મને લાગ્યું કે એ લોકો જેવું તો હું લખી જ શકું છું અને જો તેઓ વિદેશમાં પ્રકાશન કરી શકે તો હું પણ કરી શકું. મારાં પોતાનાં મૂલ્યાંકનમાં હું બહુ ખોટો ન હતો.”

પિતાની છત્રછાયામાં કોઈ મથામણ કે આર્થિક સંકડામણ વગર વર્ષો પસાર થઈ ગયાં. કાનૂની વ્યવસાયમાં પિતાની ઈચ્છાને કારણે આવ્યા પણ કંઈ કામ મળતું નહીં. વકીલોને તેઓ માનની નજરે જોતા નહીં. તેઓ કહે છે કે વકીલો રાજકારણમાં જવા લાગ્યા તેથી જ દેશનાં રાજકારણમાં નીતિમત્તાનો અભાવ અને સારા સ્ટેટ્સમેન નો અભાવ છે. આ સિવાયનો કમાવાનો સરળ રસ્તો નોકરી જ કરવાનો રહેતો હતો. એમાં પણ ખુશવંત ફરતરામ રહ્યા. કેનેડા અને લંડનમાં કામ કર્યા પછી ૧૯૫૧માં પત્રકાર તરીકે આકાશવાણીમાં જોડાયા.  પુસ્તકો લખવાની લગની તો હતી જ, એટલે લંડનમાં બીજી વાર રહેવાનું થયું ત્યારે એ બાબતમાં ગંભીરતાથી વિચાર કર્યો. એમને લાગ્યું કે લેખકો સાથે મળીને હાથ મિલાવીને ખુશ થવાથી અને ઉપલક પરિચયથી લેખક ન બની શકાય. લેખન એકાંતિક કાર્ય છે જેમાં જાતમહેનત સિવાય અન્યની સહાય કામ નથી લાગતી.

એ પછીના સમયમાં એમનાં પુસ્તકો – શીખોનો ટુંકો ઇતિહાસ, ગુરુ નાનકની પ્રભાતની પ્રાર્થનાઓનો અનુવાદ,પ્રસિદ્ધ થયાં. ઇંગ્લૅન્ડથી પાછા ફરવાના સમય સુધીમાં ટ્રેઈન ટુ પાકિસ્તાન અડધાથી વધુ લખાઈ ચૂકી હતી; ભોપાલમાં એક માસ રોકાઈને એ કાર્યનું સમાપન કર્યું. પછીનાં વર્ષોમાં એમનો પરિચય નીરદ ચૌધરી સાથે થયો જે થોડાં વર્ષમાં ભારતના શ્રેષ્ઠ લેખક તરીકે વિશ્વભરમાં નામના મેળવવાના હતા. એ ઉપરાંત રુથ પ્રાવર ઝાબવાલા અને મનોહર મલગાંઓકર સાથે મૈત્રી થઈ. એ દિવસોમાં નીરદ ચૌધરીએ Autobiography of An Unknown Indian (૧૯૫૧) ને કારણે સરકારી  વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો અને એનું કારણ હતું એ પુસ્તકના અર્પણનું શીર્ષલખાણ To the memory of the British Empire in India (ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્મૃતિને અર્પણ). નીરદના એ કપરા કાળમાં ખુશવંત એમને સધિયારો આપ્યો. અહીં નોંધવા જેવી વાત એ છે કે જે ગણીગાંઠી વ્યક્તિઓ માટે ખુશવંતને ખરી સન્માનની લાગણી હતી એમાંના એક નીરદ ચૌધરી હતા. ખુશવંત વિના સંકોચે કબૂલ કરે છે કે નીરદબાબુ સાથેની મારી મિત્રાચારી એકપક્ષી હતી અને જ્યારે તેઓ અસંમત થાય ત્યારે ખુશવંતને મૂર્ખ પણ કહી દેતા. નીરદ નાં પત્ની એમને ટોકતાં, ” તમે આવી રીતે વર્તશો તો તમારા એક માત્ર મિત્રને પણ ગુમાવી બેસશો. ” ખુશવંત ઉમેરે છે, “.. પણ મારો એમને છોડવાનો કોઈ ઈરાદો ન હતો. ”

ખુશવંતસિંહે ઇંગ્લૅન્ડમાં હાઈ કમિશનર કૃષ્ણ મેનન સાથે  કામ કરેલું એની વાતો અને નહેરુની ઇંગ્લેન્ડની મુલાકાત વખતે મધ્યરાત્રિએ એડવિનાની મુલાકાતની વાતો – કદાચ થોડા અંશે બઢાવી ચડાવીને કરેલી વાતો – ખુશવંતે જાતે જે વાતનો સ્વીકાર કર્યો છે એ એમના ગોસિપના શોખના પુરાવા સમાન છે અને એમનાં લખાણો નું એક શીર્ષક With Malice Towards One And All ને સાર્થક ઠરાવે છે. નહેરુને એમણે ક્યારેય ગંભીરતા અને સન્માનની દૃષ્ટિથી નહીં જોયા હોય એવી મારા પર છાપ પડી છે. છતાં નહેરુને લેખક તરીકે મૂલવતા એમના લખાણમાં ગંભીરતા છે, કેટલાંક પોતાનાં આગવાં  સચોટ અને રસપ્રદ નિરીક્ષણ છે. લંબાણના ભયે એમાંથી કંઈ ટાંકતો નથી.

ખુશવંતસિંહની કીર્તિમાન કૃતિઓમાં The History of Sikhs, Train To Pakistan, I Shall Not Hear Nightingale ને ગણાવી શકાય.  Truth, Love and A Little Malice એમની આત્મકથા છે જેમાં ખુશવંતસિંહ એમની લાક્ષણિક અદાઓ સાથે રજૂ થાય છે.

કંવલ મલિક નામની છોકરી  તેમની સાથે શાળામાં હતી, તે વર્ષો પછી એમને ફરી ઇંગ્લૅન્ડમાં મળી. સમય જતાં એમની વાગ્દત્તા અને પછી પત્ની બની. અલબત્ત, એ પહેલાં કંવલના હાથ માટેનો દાવેદાર હરીફ ઊભો થયો જેને પછીના સમયમાં આપણે ફિલ્મ નિર્માતા ચેતન આનંદ તરીકે ઓળખતા થયા. આખરે ખુશવંતનાં જ લગ્ન કવલ સાથે થયાં. ખુશવંત સ્પષ્ટ નિર્દેશ આપે છે કે એમનાં લગ્નજીવનમાં તણાવ રહ્યો હતો. કંવલ અને ખુશવંત એક બીજાં પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહ્યાં ન હતાં.

પ્રસિદ્ધ પત્રકાર માલ્કમ મગરીજ વિશે એમણે  લખેલા શબ્દો ખુશવંતસિંહને પોતાને કેટલીક બાબતોમાં આબાદ રીતે લાગુ પડે છે:

” તેઓ કોઈ રીતે દેખાવડી વ્યક્તિ ન હતા.  ટાલિયા થતા જતા, ગોળી જેવી આંખોવાળા, ઊંચા ચીક બોન્સવાળા અને વધુ પડતી મોટી હડપચીવાળા હતા, પણ એમની વિટ અને જુગુપ્સાપ્રેરક ટિપ્પણી એમના વાચકવર્ગને ખુશ કરી દેતી હતી. તેઓ જેવું બોલતા એવું જ લખતા હતા. ઉચ્ચ સ્થાને બિરાજતા અને શક્તિશાળી માણસોની જાતજાતના વિશેષણો આપીને તેઓ મજાક ઉડાવતા.’

૧૯૭૧ના ઉત્તેજનાપૂર્ણ બાંગ્લાદેશ યુદ્ધ પછી વિજયનો અને દેશપ્રેમનો ઉભરો શમી ગયા પછી વાસ્તવિક ધરતી પરના પ્રશ્નો દેશ સમક્ષ મોં ફાડીને ઊભા રહ્યા. ખુશવંતસિંહ પર જયપ્રકાશ નારાયણની સચ્ચાઈ માટે લડનારા નેતા તરીકે છાપ હતી પણ કાળઝાળ મોંઘવારી, અમર્યાદ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ જેવી સમસ્યાઓ લોકોની સહનશીલતાની કસોટી કરતી હતી એવામાં બિહાર અને ગુજરાતમાં સરકારવિરોધી ચળવળ શરૂ થઈ. જયપ્રકાશે તેની નેતાગીરી સાંભળી અને તેમની સાથે બધા જ વિરોધ પક્ષના નેતાઓ જોડાયા અને જબરજસ્ત આંદોલન જાગી ઉઠયું. જયપ્રકાશની લગભગ ખુલ્લા વિદ્રોહની હાકલ થી સરકાર કંપી ગઈ. મોટા ભાગના પત્રકારો પણ જન આંદોલનને ટેકો આપતા હતા. ઇન્દિરાએ વિરોધને દબાવવા માટે કટોકટી જાહેર કરી. ખુશવંતસિંહ ઇન્દિરાને ટેકો આપવા લાગ્યા. સંજયની નાની કાર બનાવવાની યોજનાને પણ સંપૂર્ણ ટેકો આપ્યો એટલું જ નહીં, એમની દમનકારી નીતિઓને પણ બહાલી આપી. ખુશવંત એટલી હદે સરકાર તરફી વલણ લેવા માંડ્યા કે એમની શ્રધ્ધેયતા તદ્દન ગુમાવી બેઠા. લગભગ આ સમયથી એમનું ટોચ પરથી ઉતરાણ શરૂ થઈ ગયું હતું.

ખુશવંતસિંહના વાંચકોમાં બે પ્રકાર જણાય છે. એક વર્ગ એમનાં ઉદ્દંડ, ઉઘાડાં, ઉશ્કેરણીજનક લખાણથી આકર્ષાય છે. બીજો વર્ગ એવો છે જે એવાં તિકડમથી અણગમો અનુભવે છે પરંતુ એમને પણ ઘણી વાર કચરાપટ્ટીમાં ઢંકાઈ ગયેલો ચળકાટ દેખાઈ જાય છે, જેમાંથી એમની પ્રવાહી કાવ્યમય ભાષા અને વિશાળ અનુભવ તેમ જ વાચનથી ઘડાયેલું એમનું આગવું જ્ઞાન બહાર આવે છે. એમનાં સામાન્ય વળગણો  વારંવાર ડોકિયાં કરતાં હોય છે તો પણ પ્રકૃતિ, પુસ્તકો અને લેખકો વિશે ખુશવંત લખતા હોય ત્યારે એવું લાગે કે આ ક્ષેત્ર એમનું પોતીકું છે; ત્યારે વાંચકને પણ એની સાથે ખેંચી જઈને સહ – અનુભૂતિ કરાવે છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં એક સમયે આવતી એમની એક્સ – લિબ્રિસ કોલમ આઠ કોલમ કે પોણું પાનું રોકતી હતી અને એમાં ઓસ્કાર વાઇલ્ડ, આલ્ડસ હક્સલી, ડીલન થોમસ, મૌલાના આઝાદ જેવા સાહિત્યકારોનો સવિસ્તર અભ્યાસપૂર્ણ પરિચય મળી જતો. એમનો પ્રકૃતિપ્રેમ એમને કુદરતની ભાતીગળ શોભા વિશે વાત કરતાં રસાનુભવ કરાવે છે એનાં બે ઉદાહરણ જુઓ.

શાંતિનિકેતનમાં ગાળેલી એક વરસાદી રાતનું વર્ણન:

સખત જમીન પર સૂવાની આદત ન હોવાને કારણે હું અલપ ઝલપ ઊંઘ લઇ શક્યો.  ભારે વરસાદ પડવા લાગ્યો. હું સ્વપ્નભૂમિમાં સરી પડ્યો.  દૂરથી સંભળાતા  ગાયનના અવાજો નિકટ આવતા ગયાં.  મને સમજાયું કે હું સ્વપ્ન નથી જોઈ રહ્યો.  મારી પથારીમાંથી ઊઠીને બારણું ખોલ્યું.  ધુમ્મસભરી ચાંદની વરસાદી ઝરમરનાં આછાં આવરણમાંથી ચળાઇને આવતી હતી.  સ્વચ્છ, સફેદ વસ્ત્રધારી સ્ત્રી – પુરુષોને ફાનસ અને મીણબત્તી લઈને ગાતાં ગાતાં માર્ગ પર ચાલતાં આવતાં જોયાં.  મારાં બારણાં પાસેથી તેઓ પસાર થઈ ગયાં ત્યાં સુધી હું દિગ્મૂઢ થઈને ઊભો હતો.  મંજુશ્રી (ખુશવંતના રૂમના સાથીદાર બૌદ્ધ સાધુ) એ કહ્યું, ” આ વરસાદને આવકારવા માટેનું ‘ વર્ષામંગલ ‘ છે. એ લોકો ટાગોરનાં ગીતો ગાતાં ગાતાં કેમ્પસમાં ફરશે.”

આવું જ સુંદર વર્ણન ગંગાનું:

મારામાં જે કંઈ ભારતીય છે એ સઘળાં ને જે એક બાબત આહવાન આપે છે એ છે સૂર્યાસ્ત સમયે ગંગાનું પૂજન.  હર કી પૌરી પર જ્યારે હું આરતી થતી જોઉં છું

ત્યારે મને કંઇક થાય છે અને હું જ્યાં ઊભો હોઉં ત્યાં જડાઈ જતો હોઉં એવું અનુભવું છું.  મારા માનસના ઊંડાણમાં દટાયેલા તાર કોઈ અગમ્ય સંગીતથી ઝંકૃત થઈ ઊઠે છે. * હિન્દુ માટે ગંગામૈયા છે એનાથી વિશેષ કંઈ મારા માટે છે.  હું એની પાસે પૂર્વજ પૂજા માટે આવું છું – બ્રાહ્મણ પરિવારના અનુગામી અલ્લામા ઇકબાલની જેમ:

અય આબરૂદે ગંગા વહ દિન હૈ યાદ તુઝકો
ઉતરા તેરે કિનારે પર જબ કારવાં હમારા

હર કી પૌરી પાછળની ટેકરી પર સૂર્ય ઉતરે છે.  આ સમય છે નદી પાસે તમારું સ્થાન ગ્રહણ કરવાનો. હું એક બંગાળી પરિવારની પાછળ ઊભો છું.  સંધ્યાના ઓળા યાત્રિકોને વીંટળાઈ વળે છે ત્યારે એક કન્યા પાંદડાની હોડકીમાં દીવા પ્રગટાવે છે, ધસમસતા પ્રવાહમાં તે ભક્તિપૂર્વક દીવાને તરતા મૂકે છે ત્યારે તેનો ચહેરો પ્રકાશિત થાય છે અને પ્રવાહમાં તણાઈ જતા દીવા ને તે જોઈ રહે છે.  આ બંગાળી છોકરીઓની આંખો કેટલી મોહક છે!  તરત જ દીવડા પ્રગટાવેલી પાંદડાંની સંખ્યાબંધ હોડકીઓ પ્રવાહમાં ઊંચી નીચી તરતી જાય છે.  નદીને પાર મંદિરના ઘંટારવ થાય છે, શંખનાદોની ઉપરથી ઉઠતા ગંગામૈયાની જય ના જાપ સંભળાય છે – ” જે તમારું સ્મરણ કરે છે તેમને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે “, પૂજારીઓ દીવા લઈને હરકી પૌરીનાં પગથિયાં ઉતરે છે અને દીવાઓને વર્તુળાકારે ફેરવતા આરતી કરે છે.  પાંચ મિનિટના આ દૃશ્ય – શ્રાવ્ય દ્વારા ઉપજેલો સંમોહક સમય છે.  પછી દીવડાઓ અંદર અલોપ થઈ જાય છે.  મંદિરના ઘંટ અને શંખો શાંત થઈ જાય છે.  સમુદ્ર સાથેના સંગમ તરફ વહી જતી ગંગા પર પૂર્ણ ચંદ્ર ઝળકે છે. તમે નશામાં હો એવી અવસ્થામાં તમારા પગને ઘસડી રહો છો. આ અનુભવને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી.  તમને એ જીવનભર સ્મરણમાં રહે છે.

આ છે ખુશવંતની દિલ ખુશ કરી દેતી છબિ. અફસોસ કે સિક્કાની જેમ તેની બીજી બાજુ પણ છે.

ખુશવંતસિંહ બિનસાહિત્યિક વાર્તાકાર તરીકે અસરકારક છે.  આ પ્રકારના એમના લખાણ તંત્રીલેખ તરીકે પ્રગટ કરતી એમની કોલમ અતિ લોકપ્રિય બની હતી એ માટે એમની બિનસાહિત્યિક વૃતાંતને વાર્તાની જેમ રજૂ કરવાની આવડત કામ લાગી, પણ થોડાં વર્ષમાં એ તાજગી કરમાવા લાગી.  ડેબોનેરના તંત્રી વિનોદ મહેતાએ ખુશવંતનો ઇન્ટરવ્યૂ લેતી વખતે એમની અભૂતપૂર્વ લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યા પછી કહ્યું કે હવે તેઓ બોરિંગ થતા જાય છે. ખુશવંત ચમક્યા, Is it so? I am alarmed. સામાયિક પત્રકારત્વમાં આવો એક સમય આવતો જોયો છે; જેવું વિક્લિ માં બન્યું એવું જ ઇન્ડિયા ટુડે ના કિસ્સામાં બન્યું અને થોડાં વર્ષો પછી ખુદ વિનોદ મહેતાના સામાયિક આઉટલુક ની બાબતમાં પણ બન્યું. ઘણી વાર તંત્રીનું ધ્યાન ખેંચવામાં આવે ત્યારે તેઓ આ હકીકતનો સ્વીકાર પણ કરે છે, તેમ છતાં તેઓ આ પડતીને અટકાવી નથી શકતા. ખુશવંતસિંહ અને વિનોદ મહેતા જેવા પત્રકારો સામાયિક પત્રકારત્વના આકાશમાં ઉલ્કાની જેમ ઝળહળતો પ્રવેશ કર્યા પછી ઉલ્કાની જેમ જ અલોપ થઈ જાય છે.

વિક્લિનો ચળકાટ ઝાંખો પડતો જતો હતો. ઈન્દીરા અને સંજયને આંધળુકિયું સમર્થન આપ્યા પછી નવા યુગમાં ખુશવંતનું પુનઃ સ્થાપન કરવું શક્ય ન હતું, એમની વિશ્વસનીયતા જતી રહી હતી, લોકો હવે તેમને ખુશામતસિંહ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એમનો સૂર્ય હવે અસ્તાચળ પર હતો. ખુશવંતના કહેવા મુજબ અશોક જૈને નરમાશથી પરંતુ મક્કમતાથી જણાવ્યું કે થોડા માસમાં પૂરો થતો એમનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરવામાં આવે કારણ કે મોરારજીના પુત્ર કાંતિ દેસાઈનો એમના સામે સખત વિરોધ છે. પદ છોડવાના સમયથી એક સપ્તાહ પહેલાં જ એક પત્ર દ્વારા જણાવી દેવામાં આવ્યું કે તાત્કાલિક અસરથી તેમની સેવાઓનો અંત આણવામાં આવે છે.

ત્યાર પછીના વર્ષોમાં એમની સિંડિકેટેડ કોલમ ચાલતી રહી અને આર્થિક દૃષ્ટિએ એમને સારું વળતર મળતું રહ્યું પણ એ સૂર્યાસ્તની ઝલક હતી.

ખુશવંતને રાજ્યસભાનું સભ્યપદ પણ મળ્યું. રાજીવ ગાંધીએ આ બુઝર્ગ પત્રકારને ઘરે એમની મુલાકાત લીધી. મનમોહનસિંહના પણ એમની સાથેના સંબંધ શિખ હોવાના કારણે સારા હતા. ખુશવંતના નિરીશ્વરવાદી હોવાના અને જાતિ ધર્મના ભેદભાવના વિરોધી હોવાના દાવાઓ છતાં એ નિર્વિવાદ હકીકત છે કે શિખ બાબત એમના માપદંડ અલગ હતા. ઈન્દીરાના જૂતાં ઉપાડનાર ઝૈલ સિંહ પ્રમુખ બન્યા ત્યારે ખુશવંતસિંહે પ્રશંસાનાં પુષ્પો વરસાવ્યાં હતાં અને એ ભારતના શ્રેષ્ઠ પ્રમુખ પુરવાર થશે એવું જાહેર કર્યું હતું. વાસ્તવમાં એથી ઉલટું બન્યું.  ઇન્દિરાનો પુત્ર જ ગાદી પર આવે એવી ઈચ્છાને કારણે ઝડપભેર રાજીવને પ્રધાનમંત્રી બનાવી દીધા, પણ એટલી જ ઝડપથી એ બંને વચ્ચેના સંબંધો એટલી હદે વણસી ગયા કે ઝૈલસિંહ રાજીવને પદભ્રષ્ટ કરવાના વિચાર કરવા લાગ્યા. રાજીવે વીર સંઘવી સાથે વાત કરતાં પોતાનો તીવ્ર અણગમો ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં વેશ્યાઓને લાવવામાં આવે છે.

આ બધી વાતો ખુશવંત સિંહના નબળા જજમેન્ટ અને નાદાનિયતના પુરાવા જેવી છે. શિખ હોવા છતાં પુત્ર રાહુલ સિંહે જ્યારે વાળ કપાવી નાખ્યા પછી પિતાને જાણ કરી ત્યારે ખુશવંતને ભારે આઘાત લાગ્યો હતો.

ખુશવંતસિંહના ટીકાકારોમાં સહુથી ઉગ્ર વિધાનો કરવા માટે ધ્યાન ખેંચે છે ખુશવંતના અનુગામીઓમાંના એક પ્રીતિશ નંદી.

ડિસેમ્બર ૨૦૦૧માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રવિવારની પૂર્તિમાં પ્રીતીશ નંદીએ કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર જલદ ભાષામાં કેટલીક વિગતો અને મંતવ્યો મૂક્યાં છે જે બહુ ઓછા લોકોની સ્મૃતિમાં અને જાણમાં હશે:

“એમનામાં કેટલાક આકર્ષક ગુણો છે, જે મારામાં નથી. પહેલાં તો, હકીકતોનું એમનું અર્થઘટન આગવું હોય છે.  હવે તો મેનકા ગાંધી દ્વારા પણ સિદ્ધ થઈ ગયું છે કે એમની અને એમના પતિ સંજય સાથેની ભાઈબંધીની વાત તદ્દન બનાવટ છે.  તેઓ ભાગ્યે જ એક બે વાર મળ્યાં હતાં અને ભાગ્યે જ એકબીજાંથી પરિચિત હતાં.  અલબત્ત ઇન્દિરા ગાંધી ફરી સત્તારૂઢ થયાં ત્યારે ખુશવંતે આ ઉપજાવી કાઢેલા સંબંધોનો ખંધાઇપૂર્વક લાભ ઉઠાવ્યો.

“ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન સ્વર્ગસ્થ અશોક જૈને મારી પાસે એવી ફરિયાદ કરી હતી કે મોરારજી સત્તા પર આવતાં પોતે રાજકીય બલિ બન્યા હોવાની ખુશવંતે પ્રયાસપૂર્વક ખડી કરેલી હ્રદયવિદારક વાર્તા તદ્દન જૂઠી હતી. મોરારજીએ ખુશવંતને પાણીચું પકડાવવા માટે ક્યારેય દબાણ કર્યું ન હતું, બલ્કે ખુશવંત પોતે જ મોરારજી સત્તા પર આવતાં ભાગી છૂટયા હતા. એમને એવી ભીતી હતી કે ઇન્દિરાએ પોતાના વિરોધીઓની જે વલે કરી હતી એવી હવે મોરારજી પોતાની હાલત કરશે.  એમની ગાંધી પરિવાર સાથેની કહેવાતી નિકટતાનો રાજકીય ફાયદો ઉઠાવીને રાજ્યસભાની સીટ મેળવી.

“બીજું, પ્રીતિશના મતે, ખુશવંતે પત્રકારત્વને ક્ષુલ્લક બનાવી દીધું, અલબત્ત આ અધોગતિને કારણે વિક્લીના ફેલાવામાં આશ્ચર્યજનક વધારો થયો. **ભારતીય પત્રકારત્વમાં સરદારજીની ‘ જોક્સ ‘ ખુશવંતનું સહુથી ચિરંજીવી પ્રદાન બની  રહેશે.

“છેલ્લે, એમની રાજકીય નાદાની. અમારામાંના મોટા ભાગના લોકો રાજકીય આગાહીઓ ખોટી પડે ત્યારે એકદમ બુદ્ધુ દેખાય છે. મેં પણ એવું કર્યું છે, લોકો તેમને માફ કરીને ભૂલી જાય છે પરંતુ ખુશામતખોરી અને તમારો આત્મા વેચવાની બાબતને ધિક્કારે છે.  ખુશવંતે એવું વારંવાર કર્યું છે.  આવી રાજકીય ચાટુકારિતાનાં બે સૌથી મોટાં ઉદાહરણ છે ખુશવંત અને ચિત્રકાર હુસેન.  ખુશવંત આપણા સમય અને જીવન પર નોંધપાત્ર અસર પાડી શક્યા હોત, એની બદલે વ્હિસ્કીમાં ડૂબેલા રહી બુદ્ધિહીન જોક કરતા રહ્યા.  ઇતિહાસે એમને અદભુત તક આપી હતી પણ મૂર્ખ, આત્મરત, સ્વ – અર્થી માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો.”

બહુ આકરો ચુકાદો.. . પણ એમાં ઘણું સત્ય પણ છે.

ક્રિકેટમાં નવાણું રન કર્યા પછી સો પૂરા થતા પહેલાં બેટ્સમેન આઉટ થઈ જાય એમ ખુશવંતસિંહ ૯૯ વર્ષ પૂરાં કર્યા પછી ૨૦ માર્ચ ૨૦૧૪ના રોજ અવસાન પામ્યા. ભારતીય પત્રકારત્વનો એક અલગારી સિતારો અસ્ત પામ્યો.


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે