નિસબત

ચંદુ મહેરિયા

ગુવાહાટી હાઈકોર્ટે અસમ સરકારના બાળલગ્ન કરનાર-કરાવનાર પુરુષોની  ધરપકડના આકરા પગલાં પર લગામ મૂકી છે. કોર્ટે કહ્યું છે કે પોલીસના આ પગલાંથી લોકોના અંગત જીવનમાં તબાહી સર્જાઈ છે. આ એવો ગુનો નથી કે જેમાં ધરપકડ કરીને જ તપાસ થઈ શકે. કોર્ટ સમક્ષ જામીનની ગુહાર લગાવેલા આરોપીઓને જામીન પર મુક્ત  કર્યા પછી સરકારની આક્રમકતા ઓછી થયાનું જણાય છે.

ફેબ્રુઆરી ૨૦૨૩ના મધ્ય સુધીમાં અસમ પોલીસે બાળલગ્નના ગુના સબબ ૪૨૨૫ કેસો દાખલ કરી ૩૦૩૧ લોકોની ધરપકડ કરી હતી. અસમની ૩.૧૦ કરોડની વસ્તીમાં લગભગ ૩૪ ટકા મુસ્લિમ છે. બાળલગ્નની કુપ્રથાનું પ્રમાણ મુસ્લિમોમાં સવિશેષ છે એ ખરું પણ પોલીસે ધરપકડ કરેલા લોકોમાં તો ૯૦ ટકા મુસ્લિમો હોઈ બાળલગ્ન અટકાવવા માટેની  સરકારની સક્રિયતાની સરાહના કરનારા પણ ધરપકડોની ટીકા કરે છે. પોલીસે જેમના પર કેસો દાખલ કર્યા છે તેમના પર બાળલગ્ન પ્રતિબંધક ધારો, પોક્સો(પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ) અને ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ ગુના નોંધાયા છે. વડી અદાલતે  પોલીસના આરોપોને વાજબી રીતે “વિચિત્ર” ગણાવ્યા છે.

હિંદુઓ જેને સંસ્કાર માને છે અને મુસ્લિમો જેને કરાર ગણે છે તે લગ્નની સરકારે વય નક્કી કરી છે. પુરુષની ૨૧ અને મહિલાની ૧૮ વરસની ઉમર સરકારે લગ્ન માટે ઠેરવી છે. આ ઉમર કરતાં ઓછી ઉંમરે કરેલા લગ્ન બાળલગ્ન ગણાય છે. આવા લગ્નો ગેરકાયદે અને અમાન્ય તો છે જ ગુનો પણ છે અને કાયદામાં તેની સજા પણ નિર્ધારિત કરી છે.

યૂનિસેફના ચાઈલ્ડ મેરેજ-પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં બાળલગ્નમાં ભારતનું સ્થાન બાંગલાદેશ પછીનું એટલે કે બીજું છે.  ભારતમાં વરસે પંદર લાખ છોકરીઓના બાળલગ્ન થાય છે. વિશ્વની કુલ બાળવધૂઓનો ત્રીજો ભાગ ભારતમાં છે. આઝાદીના પંચોતેર વરસ અને ૧૯૨૯માં પ્રથમવાર બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયાના સવા નવ દાયકા પછી પણ હજુ બાળલગ્નની કુરીતિ ગઈ નથી.

દેશના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૭ જિલ્લાને આવરી લેતા ૨૦૧૯ થી ૨૦૨૧ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનું તારણ છે કે બાળલગ્નની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૩ ટકા છે. સર્વેક્ષણ હેઠળના વરસો દરમિયાના ૨૫ ટકા મહિલાઓ અને ૧૫ ટકા પુરુષોના લગ્ન કાયદેસરની લગ્નવય પૂર્વે અર્થાત બાળલગ્ન થયેલાં હતા. દેશના આઠ રાજ્યોમાં મહિલાઓના બાળલગ્નનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હતું. સમાજ સુધારાની ભૂમિ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૪૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા હતા. હાલમાં જ્યાં બાળલગ્નનો સવાલ વિવાદમાં છે તે અસમમાં ૩૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા છે અને તે રાજ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ બાળલગ્નના આઠ રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે. એકવીસ વરસની લગ્નવય પૂર્વે બાળલગ્ન કરતાં પુરુષો સૌથી વધુ બિહારમાં, ૨૫ ટકા,  છે તે પછી માત્ર એક જ ટકાના ઘટાડા સાથે ગુજરાતનો ક્રમ છે !. ગુજરાત , રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ૨૪ ટકા પુરુષોના બાળલગ્ન થયા છે.

ઘર અને સમાજમાં દીકરીનું નિમ્નસ્થાન અને તેને બોજ ગણવો, જાગ્રતિ અને શિક્ષણનો અભાવ,પ્રચલિત સામાજિક રીત-રિવાજ અને ધાર્મિક-સામાજિક પરંપરા, સામાજિક વ્યવસ્થા, ગરીબી, દીકરીની સલામતીનો સવાલ, સરકાર અને સમાજની આ કુરિવાજને ડામવાની ઈચ્છાશક્તિનો અભાવ કે કાયદાના અમલમાં લાપરવાહી અને પિતૃસત્તા  જેવા કારણોને લીધે આજે પણ બાળલગ્ન થતા રહે છે. બાળલગ્નને સમાજના નિમ્ન વર્ગો કે નિમ્ન જ્ઞાતિનો સવાલ ગણી તેને ગંભીરતાથી  લેવામાં આવતો ન હોવાની પણ ફરિયાદ છે..

બાળલગ્નને કારણે બાળપણ છીનવાઈ જાય છે. ભણવા-ખેલવાની ઉંમરે તેમના માથે સમાજિક બેડીઓ અને જવાબદારીઓ નાંખી દેવામાં આવે છે. બાળલગ્નને કારણે નાની ઉમરે છોકરીઓ ગર્ભધારણ કરે છે.તેથી માતા અને બાળ મૃત્યુ દર વધે છે. કિશોરી માતા પોતાના બાળકની દેખભાળ યોગ્ય રીતે કરી શકતી નથી. તેથી બાળક અશક્ત અને બીમાર રહે છે. બાળલગ્ન બાળ અધિકાર પર તરાપ છે. તેનાથી હિંસા અને યૌનશોષણનું જોખમ રહે છે.વહેલા લગ્નથી શિક્ષણ અધૂરું રહે છે અને રોજગાર ક્ષમતા ઘટે છે. આરોગ્ય, માનસિક વિકાસ અને આનંદપ્રદ જીવન પર મોટી અસર પડે છે.

બાળલગ્નને કારણે ગરીબીમાં વધારો થાય છે અને માતા તથા બાળક કુપોષણનો ભોગ બને છે. સરવાળે વ્યક્તિ અને સરકારનો આરોગ્યખર્ચ વધે છે.તે સૌથી નકારાત્મક આર્થિક અસર છે. બાળલગ્નથી સામાજિક પછાતપણું અકબંધ રહે છે અને સમાજનો વિકાસ થંભે છે. શિક્ષણ છોડવાને કારણે શિક્ષણનો દર ઘટે છે તથા શાળા છોડવાનું પ્રમાણ વધે છે. સ્ત્રી-પુરુષ સમાનતાનો બંધારણીય અધિકાર અવરોધાય છે. મહિલાઓના અધિકારો અને તેમનું જાગ્રતિકરણ પાછળ ધકેલાય છે.

શહેરી-શિક્ષિત કેરિયર વુમન મોટી ઉંમરે લગ્ન કરે છે કે કારકિર્દીના ભોગે લગ્ન જ કરતી નથી એ આજના કથિત ભદ્ર વર્ગને મૂંઝવતો પ્રશ્ન છે. તો દેશમાં વરસે સરેરાશ ચોથા ભાગના લગ્નો લગ્નવય પૂર્વે થાય છે. આ બંને વિરોધાભાસી વાસ્તવિકતામાંથી માર્ગ કાઢવાનો છે. છેક બ્રિટિશસત્તાના સમયે રાજારામ મોહન રાય અને બીજા સમાજસુધારકોના પ્રયાસોથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો ઘડાયો હતો. દીર્ઘ ડાબેરી શાસન અને પ્રગતિશીલતા છતાં સૌથી વધુ બાળલગ્ન પશ્ચિમ બંગાળમાં થતા હોય સમાજસુધારાની દિશામાં આપણે કેવી ઊંધી ગતિ કરી છે તે દર્શાવે છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ બાળલગ્નોનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ૨૦૦૫-૦૬માં ૪૭.૪ ટકા બાળલગ્નો, ૨૦૧૫-૧૬માં ઘટીને ૨૬.૮ ટકા થતાં દસ વરસોમાં ચોખ્ખો ૨૦.૬ ટકાનો ઘટાડો થયો છે. તેનું એક કારણ વધેલું શહેરીકરણ કે ગરીબોના શહેરી સ્થળાંતરને કારણે વધેલી શિક્ષણની તકો છે. દેશના ૨૫થી ૪૯ વરસના અશિક્ષિત મહિલાની સરેરાશ લગ્નવય ૧૭.૧ વરસ છે  પરંતુ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલા એ જ વયના મહિલાઓની સરેરાશ લગ્નવય ૨૨.૮ વરસ છે .એટલે મહિલા શિક્ષણ બાળલગ્નનો રામબાણ ઈલાજ બની શકે છે.

કોરોના મહામારી, તાળાબંધી અને તેને કારણે વધેલી ગરીબી-બેરોજગારીએ બાળલગ્નનું પ્રમાણ વધાર્યું છે. માર્ચ-૨૦૨૨માં  સરકારે સંસદમાં સ્વીકાર્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦માં બાળલગ્ન વધ્યાં છે. ૨૦૧૬માં બાળલગ્નોના કેસો ૩૨૬ હતા જે ૨૦૨૦માં સવા બેગણા વધીને ૭૮૫ થયા હતા. એટલે શિક્ષણ ઉપરાંત ગરીબી-બેકારી નાબૂદી,  સમાજસુધારો અને જાગ્રતિ પણ જરૂરી છે. બાળલગ્નમુક્ત ગામ થી બાળલગ્નમુક્ત ભારત અભિયાનો સરકારી-બિનસરકારી સ્તરે ચાલે છે. તેને વધુ મજબૂત બનાવવાના છે. માત્ર કાયદાના દંડૂકાથી આ સમસ્યા હલ થવાની નથી. બાળલગ્નની સામાજિક માન્યતા અને સ્વીકાર્યતા પર તીવ્ર પ્રહાર કરવો જ પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.