-
હરિ શરણે હરિચરણ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
વાત ઘણાં વર્ષો પહેલાંની છે. એક નાનકડાં ગામમાં રામદાસ બાબુનું ઘર. રામદાસ, એમના પત્ની, દુર્ગાદાસ અને સુરો, એમ ચાર જણનો નાનકડો આ પરિવાર.
દુર્ગાદાસ બંદોપાધ્યાયનાં નામ કે એમનાં કામથી સૌ કોઈ એમને ઓળખતાં નહીં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. તો ચાલો સૌથી પહેલાં એમનો પરિચય કરીએ. વકીલની ડીગ્રી માટે ભણતા હતા એ સમયે દુર્ગાદાસની ઉંમર વીસ વર્ષની હતી. ભણવા માટે કલકત્તા રહેવું પડતું. ઘરે પરત થવા સ્ટીમરમાં આવવું પડતું અને એ પછી પણ દસ-બાર ગાઉ ચાલવું પડતું. રસ્તોય પાછો એટલો સીધો કે સરળ નહોતો. એના કારણે દુર્ગાદાસ બહુ ઓછું ઘરે આવતા.
હવે વાત કરીએ રામદાસ બાબુના ઘરની. રામદાસ બાબુના ઘરમાં એક કાયસ્થ બાળકને આશ્રય આપેલો હતો. સૌ કહેતા કે એ બાળક ખરેખર ખૂબ હોનહાર હતો. આવો સુંદર, બુદ્ધિમાન નોકર આજ સુધી ક્યાંય કોઈએ જોયો નહોતો. રામદાસ અને એમના પત્નીનો એ લાડકો ચાકર હતો. હરિચરણ એનું નામ.
હવે વાત કરીએ હરિચરણની. ઘરના બધા કામ એ ઝટપટ આટોપી લેતો. ગાયને ચારો આપવાથી માંડીને રામબાબુની તેલ-માલિશ સુદ્ધાં એ કરી આપતો. એને કામ કરવું ગમતું. આખો દિવસ વ્યસ્ત રહીનેય એ ખુશ રહેતો અથવા એમાં જ એને ખુશી મળતી.
રામદાસના પત્ની એને કામ કરતો જોઈને ચકિત થઈ જતાં. ક્યારેક ક્યારેક એને ટોકી પણ લેતાં, “હરિ, ઘરમાં બીજા નોકરો પણ છે. તું તો હજુ બાળક છું. આટલું કામ કરવાની ક્યાં જરૂર છે?”
પણ હરિ જેનું નામ. આ બાબતમાં એ કોઈનું સાંભળતો નહીં. એનામાં એક બીજો ગુણ હતો. એને હસવુ બહુ ગમતું. એ હસીને જવાબ આપતો, “મા, અમે રહ્યાં ગરીબ. કામ તો અમારે હંમેશા કરવું જ પડશે અને આમ પણ બેસી રહીને શું મળશે?”
આમ આ સ્નેહાળ કુટુંબમાં હરિચરણને એક વર્ષ પસાર થઈ ગયું.
હવે વાત કરીએ સુરોની. સુરો રામદાસની નાની દીકરી. નાની હતી ત્યારથી સુરોને દૂધ પીવડાવવાનું કામ એટલે સૌથી અઘરી સમસ્યા. એની મા ગમે એટલો પ્રયાસ કરે, સમજાવવા કાલાવાલા કરે પણ સઘળું વ્યર્થ. પણ હા, હરિચરણની વાતોની સુરો પર જબરી અસર થતી. નાનપણથી હરિચરણ સાથે એને ઘણી આત્મિયતા કેળવાઈ હતી જે ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થતી હતી.
હવે પાછા આવીએ દુર્ગાદાસની વાત પર. આ વર્ષે એ બી.એ પાસ થઈને એ ઘરે આવ્યા હતા. મા ઘરનાં કામોમાં અત્યંત વ્યસ્ત રહેતી હતી, એની સાથે હરિચરણ પણ એટલો જ વ્યસ્ત રહેતો.
દુર્ગાદાસે હરિચરણને પહેલી વાર જોયો. હરિચરણ વિશે માને સવાલ કરતા, માએ તો હરિચરણ માટે પ્રસંશાનાં પુષ્પો જ વેરવાના બાકી રાખ્યા, “એક કાયસ્થનો દીકરો છે. મા-બાપ નથી એટલે તારા પિતાએ એને અહીં રાખ્યો છે. સ્વભાવે શાંત અને પ્રકૃતિથી ઉદ્યમી છે. મા-બાપ નથી એટલે આ નાના બાળક પર મને અપાર સ્નેહ આવે છે.”
બસ ત્યારથી આ ઉદ્યમી બાળકનાં કામમાં બીજા અન્ય કામનો ઉમેરો થતો ગયો. દુર્ગાદાસને સ્નાન કરાવવાનું, આવશ્યકતા અનુસાર ઘડાં ભરીભરીને પાણી લાવવાનું, સમયસર પાન, હુક્કાનો પ્રબંધ કરવાનું, વગેરે વગેરે. કામ ઘણું વધી ગયું તેમ છતાં એ જરાય અકળાતો કે થાકતો નહીં.
દુર્ગાદાસને એ ઘણો હોશિયાર લાગ્યો. હવે તો દુર્ગાદાસને હરિચરણ સિવાય કોઈનું કામ પસંદ નહોતું આવતું. ઘણીવાર એમને વિચાર આવતો કે ક્યાંનું પાણી ક્યાં વહી જાય છે! કોના કિસ્મતમાં શું લખ્યું છે કોણ જાણે છે, નહીંતર આવો હોશિયાર બાળક માત્ર જીવનભર સેવક બની રહે?
એક દિવસની વાત છે. દુર્ગાદાસને એક ભવ્ય રાત્રી ભોજનનું નિમંત્રણ મળ્યું હતું. ઘરે જમવાનું નહોતું, રાત્રે આવતા મોડું થવાનું હતું એ વાત નિશ્ચિત હતી એટલે હરિચરણને ઘરનાં કામ પતાવીને એમની પથારી વ્યવસ્થિત કરવાનું કહીને એ ચાલ્યા ગયા. દુર્ગાદાસના પત્ની પીયર ગયા હોવાથી દુર્ગાદાસ બેઠક ખંડમાં સૂતા હતા. રાત્રે સૂવાના સમયે હરિચરણ એમના પગ દબાવી આપતો. દુર્ગાદાસ ઘેરી નિંદમાં સરી જાય એ પછી હરિ સૂવા જતો.
હવે વળી આવશે હરિચરણની વાત-
એ દિવસે સાંજથી હરિચરણને માથાના દુ;ખાવો શરૂ થઈ ગયો હતો. પહેલાં પણ આવું બનતું એટલે હરિને ખ્યાલ તો આવી ગયો કે હવે એને તાવ આવશે. એ દુર્ગાદાસની રાહ જોઈને વધુ સમય બેસી ન શક્યો. તાવ વધતા એને એ પણ ધ્યાનમાં ન આવ્યું કે છોટે બાબુની પથારી કરવાની રહી ગઈ છે અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો.
સૌનું રાત્રી ભોજન સમાપ્ત થતાં રામદાસના પત્ની હરિને જોવા આવ્યાં. એને ઊંઘતો જોયો, જગાડવાનો પ્રયાસ કરતાં, સમજાયું કે હરિનું શરીર તાવથી ઘખી રહ્યું હતું. એને ખલેલ પહોંચાડ્યાં વગર એ ચાલ્યાં ગયાં.
રાત્રીનો બીજો પ્રહર થતા દુર્ગાદાસ બાબુ ઘરે આવ્યા. જોયું તો બેઠક ખંડમાં પથારી તૈયાર નહોતી. થાકના લીધે દુઃખતા પગ હરિ દબાવી આપશે અને પોતે સુખનિંદ્રામાં સરી જશે એવા વિચારોથી ઘેરાયેલા દુર્ગાદાસે હરિના નામની બૂમ મારી. તાવથી પીડિત હરિ તો બેશુદ્ધની જેમ સૂતો હતો, એ ક્યાંથી સાંભળે? દુર્ગાબાબુને જઈને એના વાળ પકડીને બેઠો કરવા પ્રયત્ન કર્યો પણ તાવના લીધે બેસવાનીય તાકાત ગુમાવી બેઠેલો હરિ પથારીમાં ઢળી પડ્યો. હવે દુર્ગાદાસનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. હિતઅહિતના ભાન વગર પહેરેલાં જૂતાં સાથે એમણે હરિની પીઠ પર લાત મારી.
“જનાબ મઝાથી સૂઈ રહ્યા છે. મારી પથારી કોણ હું કરીશ??” કહીને હાથમાં પકડેલી નેતરની સોટીથી હરિની પીઠ પર બે-ત્રણ સાટકા મારી દીધા.
પરાણે બેઠા થયેલા હરિએ દુર્ગાદાસના પગ દબાવી આપ્યા. પણ પગ દબાવતા એની આંખમાંથી બે-ચાર આંસુ દુર્ગાદાસના પગ પર સરી પડ્યા. ગરમ ગરમ આંસુના એ ટીપાની ગરમીથી દુર્ગાદાસને હરિની હાલત સમજાઈ. આમ તો એ પણ હરિને પ્રેમ કરતા હતા. હરિની નમ્ર પ્રકૃતિને લીધે એ સૌનું પ્રિય પાત્ર હતું. છેલ્લા એક મહિનાની ઘનિષ્ટતાના લીધે હરિ દુર્ગાદાસને અધિક પ્રિય બની રહ્યો હતો.
રાત્રે કેટલીય વાર દુર્ગાબાબુને વિચાર આવ્યો કે, એક વાર ઊભા થઈને હરિચરણને કેટલી ચોટ પહોંચી છે એ જોઈ આવે. મારના લીધે સોજો ચઢ્યો હોય તો એ જોઈ આવે. કેટલીય વાર મન થયું કે તાવ ઉતર્યો છે કે નહીં એ પૂછી આવે. હવે એમને પોતાના અઘટિત વર્તન પર શરમ આવતી હતી.
સવારે ઊઠીને હરિચરણ પાણી લઈ આવ્યો. તમાકુ ભરીને હુક્કો સજાવી આપ્યો. ત્યારે પણ દુર્ગાબાબુને થયું કે એની ખબર પૂછે. સોટીના મારથી લોહી ઝમી આવ્યું હોય કે જૂતાંનાં મારથી સોજો ચઢી આવ્યો હોય તો એ જોઈ લેવાનુંય મન થયું. માંડ તેર વર્ષના એ બાળકને પોતાની પાસે લઈને વહાલથી એની પીઠ પર હાથ પસરાવવાનું મન થયું પણ સંકોચના લીધે ન કરી શક્યા.
દિવસ ચઢતા ઘરના દૈનિક કાર્યોમાં સૌ અટવાઈ ગયાં. ત્યારે નવ વાગે એક તાર આવ્યો કે દુર્ગાદાસના પત્ની કલકત્તામાં બીમાર છે. દુર્ગાબાબુ વ્યથિત થઈ ગયા. કલકત્તા જવા ગાડીમાં બેસવા જતા હરિચરણ યાદ આવ્યો. અજાણતા એને કેવું દુઃખ પહોંચાડ્યું હતું એનો વિચાર આવતા જાતને ઠાલું આશ્વાસન આપ્યું, “ઈશ્વર પ્રાયશ્ચિત કરવાની તક આપશે તો એ વ્યર્થ નહીં જવા દે.”
આ વાતને એક મહિનો પસાર થઈ ગયો. દુર્ગાબાબુની પત્ની સંપૂર્ણ સાજી થઈ ગઈ. દુર્ગાબાબુને હાંશ થઈ. એમના માટે આ રાહત અને આનંદની વાત હતી, ત્યારે જ એમના ઘરેથી એક પત્ર આવ્યો,
“તમને જણાવતા ઘણું દુઃખ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી જ્વરથી પીડાતો હરિચરણ ગઈ કાલે સવારે મૃત્યુ પામ્યો છે. મરતાં પહેલાં કેટલીય વાર તમને જોવાની એણે ઇચ્છા દર્શાવી હતી.”
આહ! બિચારો મા-બાપ વિનાનો અનાથ છોકરો. સમાચારથી વ્યથિત દુર્ગાદાસે હાથમાં પકડેલા એ કાગળના ટુકડા ટુકડા કરીને ફેંકી દીધા.
કારણ? હવે આમાં બીજું શું કરી શકાય કે કરવાનું પણ શું હોય?
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની વાર્તા ‘હરિચરણ’ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૪) : બસ, એક જ ગીત અને….

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
૧૬ વર્ષની ઉમરે મુકેશ પોતાની ગાયક તરીકેની ઓળખ ઉભી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આવા જ એક પ્રયાસરૂપે તેમણે પંકજ મલ્લિકના ગીત પિયા મીલન કો જાનાની શૈલીની નકલરૂપે એક ગેરફિલ્મી ગીત ગોકુલ નગરી જાના ગાયું હતું. આ ગીતને સંગીતશોખીનોએ સ્વીકાર્યું નહીં. આગળ જતાં ૧૯૪૧ની ફિલ્મ ‘નિર્દોષ’ અને ૧૯૪૨ની ફિલ્મ ‘દુખસુખ’માં મુકેશે અભિનય કર્યો અને ગીતો પણ ગાયાં છતાં લોકોએ તેમને ન સ્વીકાર્યા. દેખાવડા હોવા છતાં તેઓ એક અભિનેતા તરીકે સફળ ન થયા.

હારીથાકીને તેમણે પાર્શ્વગાયન ક્ષેત્રે આગળ વધવાનું વિચાર્યું. તે સમયના ખ્યાતનામ અભિનેતા મોતીલાલ મુકેશના પિતરાઈ થતા હતા અને તેમણે મુકેશનો હાથ ઝાલેલો. તેમણે ૧૯૪૫ની ફિલ્મ ‘પહલી નજર’ માં મુકેશનું પાર્શ્વગાન રાખવાની માંગ કરી. ફિલ્મના નિર્માતા મઝહર ખાન આ નિષ્ફળ ગાયકને લેવાનું જોખમ ખેડવા માટે ઇચ્છુક નહોતા પણ મોતીલાલના દબાણ આગળ તેમને ઝૂકવું પડ્યું.
આ એક ખુબ મહત્વપૂર્ણ ઘટના બની રહી. મુકેશ માટે ચિંતા એ બાબતની હતી કે ખુબ જ વ્યસ્ત અને આકરા સ્વભાવ માટે જાણીતા એવા મહાન સંગીતકાર અનિલ બિશ્વાસના નિર્દેશનમાં તેમણે ગાવાનું હતું. ૧૯૪૫ના જુલાઈ મહિનાના એક વરસાદી મંગળવારે HMV સ્ટુડીઓમાં રેકોર્ડીંગ થવાનું હતું. મુકેશના પિતરાઈ અને ગાયક-અભિનેતા એવા મોતી સાગરે એ દિવસ યાદ કરતાં કહેલું, “મુકેશભૈયાને માટે એ મહત્વની તક હોવાથી અમે સૌ કુટુંબીજનો તણાવમાં હતાં.” કારકીર્દિ માટે મોટી તક હોવાથી મુકેશની હાલત પણ એવી જ હતી. સ્ટુડીઓ જતાં પહેલાં હિંમત ભેગી કરવા તેઓ ચોપાટી ઉપર આવેલા વેલ્ની’સ બાર ( કે જે પછીથી આરામ હોટેલમાં ફેરવાઈ ગયો) ખાતે ગયા. પણ હિંમત તો દૂર રહી, પોતાની નશીલી અવસ્થામાં અનિલ બિશ્વાસનો સામનો કરવાના વિચારથી તેઓ વધુ ડરી ગયા.
દરમિયાનમાં મુકેશની બેતાબીથી રાહ જોઈ રહેલા બિશ્વાસ એકદમ તપી ગયા અને તેમણે મોતી સાગરને લબડધક્કે લીધા. ગભરાટમાં ને ગભરાટમાં સાગરે વટાણા વેરી દીધા. બિશ્વાસ તરત જ ચોપાટીએ હંકારી ગયા અને મુકેશને બારમાંથી બહાર ઢસડીને સ્ટુડીઓ સુધી ખેંચી લાવ્યા. મુકેશે તેમને વિનવ્યા કે પોતે પોતાની શ્રેષ્ઠ રજૂઆત કરી શકવાની હાલતમાં ન હોવાથી તે દિવસ માટે ગાવામાંથી મુક્તિ મળે તો સારું. બિશ્વાસે તેમને બધા વાદકોની હાજરીમાં જ લાફો ચોડી દીધો અને ઝૂડી નાખવાની ધમકી આપી. આ વાત મને ખુદ અનિલ બિશ્વાસે કહી હતી અને પછીથી મોતી સાગરે તેને અનુમોદન પણ આપ્યું હતું. છેવટે રાતના અગીયાર વાગ્યે મુકેશે ગીતનું રેકોર્ડીંગ કરાવ્યું અને તે પણ માત્ર એક જ પ્રયાસમાં! ગીત હતું રાગ દરબારીમાં નિબધ્ધ દિલ જલતા હૈ તો જલને દે. જે ફાયદો લતાને આયેગા આનેવાલા થકી થયો હતો તેવો જ ફાયદો આ ગીતથી મુકેશને થયો. તે તાત્કાલિક અસરથી પ્રસિધ્ધિના શીખરે પહોંચી ગયા અને આ ગીત તેમની ઓળખનું અભિન્ન અંગ બની રહ્યું. આ વાત યાદ કરતાં કરતાં બિશ્વાસની આંખો ભીની થઈ ગઈ હતી.
મુકેશની એ પછીની કારકીર્દિનાં ગીતો પણ અસાધારણ લોકપ્રિયતાને વર્યાં તેનું કારણ એ હતું કે મુકેશ જનસામાન્યની લાગણી અને આકાંક્ષાઓને રજૂ કરતા હતા. લોકો સહજતાથી ગાયે જા ગીત મિલન કે (‘મેલા’ ૧૯૪૮), ઝૂમ ઝૂમ કે નાચો આજ (‘અંદાઝ’, ૧૯૪૯), આવારા હૂં (આવારા, ૧૯૫૧) અને મૈં રાહી ભટકને વાલા હૂં (‘બાદલ’, ૧૯૫૧) જેવાં ગીતો ગણગણી શકતા હતા. તેમના ઘેરા ખરજના અવાજમાં ગવાયેલાં સંવેદનાસભર યુગલગીતોમાં પ્રણયભાવ છલકતો હોય તેવું લાગતું હતું. ઉદાહરણ તરીકે ૧૯૪૭ની ફિલ્મ ‘દો દિલ’ (સુરૈયા સાથે)નું ગીત કાગજ કી મેરી નાવ, શમશાદ બેગમ સાથેનું ફિલ્મ ‘ગૃહસ્થી’(૧૯૪૮)નું તેરે નાઝ ઉઠાને કો જી ચાહતા હૈ, ફિલ્મ ‘અંજુમન’(૧૯૪૮)નું શમશાદ બેગમ સાથેનું કૈસે બતાઊં તુમ સે ઈસ દિલ કો પ્યાર ક્યું હૈ અને લતા મંગેશકર સાથે ગાયેલા ફિલ્મ ‘લાજવાબ’ (૧૯૪૮)ના ગીત જમાને કા દસતૂર હૈ યેહ પૂરાના જેવાં ગીતો ગણાવી શકાય.
મુકેશે માંડ હજારેક ગીતો ગાયાં હશે. પણ તેમના મૃત્યુના લગભગ સાડાચાર દાયકા પછી જ્યારે મુકેશને યાદ કરીએ ત્યારે તે સંખ્યાનું કોઈ જ વજૂદ નથી રહેતું. આખરે તો હ્રદયને વલોવી નાખે તેવા વેદનાભર્યા અવાજમાં દિલ જલતા હૈ તો જલને દે જ મનમાં ગૂંજવા લાગે છે, આ એ જ ગીત છે, જે ગાવા માટે વર્ષો અગાઉની એક મેઘલી રાતે મુકેશ પારાવાર મૂંઝવણમાંથી પસાર થયા હતા. આ એક જ ગીત મુકેશની યાદ ક્યારેય ધૂંધળી નહીં પડવા દે.
સંગીતની દુનિયામાં મુકેશની જેવા જ અન્ય કલાકારોનાં પણ ઉદાહરણો છે, જેમની કારકીર્દિમાં એક જ ગીત તેમને કાયમી ધોરણે યાદગાર બનાવી દેવામાં મહત્વનું પ્રદાન કરી ગયું છે.
જેમ કે ૧૯૪૨ની સાલમાં માત્ર ૧૪ વર્ષની કુમળી વયે દુનિયા છોડી ગયેલા માસ્ટર મદનને પંડીત અમરનાથે સ્વરબદ્ધ કરેલું એક ગેરફિલ્મી ગીત યું ના રહ રહ કર હમેં તરસાઈએ અમર કરી ગયું છે.
સી.એચ. આત્મા ઘેરો અને ખરજદાર અવાજ ધરાવતા હતા, તેઓ પોતાના આદર્શ કે.એલ. સાયગલને પગલે આગળ વધવા ઈચ્છતા હતા. પણ તેમ બન્યું નહીં.

આત્માએ કેટલાંક લોકપ્રિય ગીતો, ભજનો અને ફિલ્મી ગીતો ગાયાં હોવા છતાં તેમની કારકીર્દિને ધાર્યો ઉઠાવ ન મળ્યો. હતાશાની લાગણી સાથે ૫૨ વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. પણ તેમણે કારકીર્દિની શરૂઆતમાં ગાયેલું (ઓ.પી.નૈયરના સ્વરબદ્ધ કરેલું) એક ગેરફિલ્મી ગીત પ્રીતમ આન મીલો તેમને અમર બનાવી ગયું છે.
ઉમા દેવીની ગાયિકા તરીકેની કારકીર્દિ બહુ જ ટૂંકી રહી અને સમય જતાં ફિલ્મ બાબુલ(૧૯૫૦)થી ટૂનટૂન નામ ધારણ કરી, તેઓ હાસ્યઅભિનેત્રી તરીકે કામ કરવા લાગ્યાં. તેમણે નાટક, દર્દ, ચંદ્રલેખા અને અન્ય કેટલીક ફિલ્મો માટે ગાતો ગાયાં હતાં. પણ હજી સુધી ઉમાદેવીની ઓળખ તેમણે કારકીર્દિની શરૂઆતમાં ગાયેલા ૧૯૪૭ની ફિલ્મ દર્દના ગીત અફસાના લીખ રહી હૂં થકી બની રહી છે.
નસીબે જોર ન કર્યું હોત તો મુબારક બેગમ લગભગ ભૂલાઈ જ ગયાં હોત. ફિલ્મ ‘હમારી યાદ આયેગી’ના દિગ્દર્શક કેદાર શર્માના જણાવ્યા પ્રમાણે ફિલ્મના ટાઈટલ ગીત માટેનું રેકોર્ડીંગ લતા મંગેશકરે બે વાર રદ કરાવ્યું. આમ થવાથી અકળાયેલા શર્માને સંગીતકારના પૈસા બચાવવા માટે અન્ય ગાયિકાને લેવાની જરૂર પડી. પરિણામે લતાએ ગુમાવ્યું તે મુબારક બેગમ માટે મોટી તક બની ગયું.

તેમનું ગાયેલું તે એક ગીત કભી તનહાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી મુબારકની જીવનભરની ઓળખ બની ગયું.
લતા મંગેશકરે અસાધારણ ક્ષમતાવાન ગાયિકા તરીકે સુદીર્ઘ અને એકદમ યાદગાર કારકીર્દિ ભોગવી છે. તેમણે એવાં અગણિત યાદગાર ગીતો ગાયાં છે, જેનાથી નવી નવી પેઢીઓના શ્રોતાઓ પરીચિત ન હોય એમ બને. પણ એક એવું ગીત છે, જે સમયનાં બંધનોને વળોટી ગયું છે. એ ગીત ક્યારેય જૂનું થયું જ નથી. લતાને તેમના ભવ્ય ભૂતકાળ સાથે જોડી રાખતું એ ગીત એટલે તેમણે લગભગ ૭૪ વર્ષ પહેલાં ગાયેલું ફિલ્મ ‘મહલ’નું આયેગા આનેવાલા.
એક સમયનાં હિન્દી ફિલ્મી ગીતોનાં સામ્રાજ્ઞી અને લતા મંગેશકરના શરૂઆતના તબક્કાનાં પ્રેરણામૂર્તી નૂરજહાં આજે પણ ભુલાયાં નથી. તેમણે ભાગલા પહેલાંની ખાનદાન. વીલેજ ગર્લ, બડી મા, ઝીનત અને જૂગનુ જેવી ફિલ્મો માટે યાદગાર ગીતો ગાયાં હોવા છતાં પણ સમયના વહેણની સાથે બદલાયેલી નવી પેઢીના શ્રોતાઓ તેમને ફિલ્મ ‘અનમોલ ઘડી’ (૧૯૪૬)નાં ગીતો અને તેમાં પણ આવાઝ દે કહાં હૈ થકી જ ઓળખે છે. ૧૯૮૨માં નૂરજહાં ભાગલાનાં ૩૫ વર્ષ પછી ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે પણ આ ગીતની અપાર લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમણે તત્કાલીન ચાહકોની સાથે એકરૂપતા સાધવા માટે આવાઝ દે કહાં હૈ છેડ્યું હતું.
ભારતીય ફિલ્મસંગીતની દુનિયાના બેતાજ બાદશાહ કે.એલ. સાયગલ ૧૯૩૪ની ફિલ્મ ‘ચંડીદાસ’ને મળેલી સફળતા પછી એકમતે અસાધારણ કક્ષાના ગાયક તરીકે ગણાવા લાગ્યા. તેમની પછીના સમયમાં આવેલા ખ્યાતનામ ગાયકોમાંના મોટા ભાગનાઓ માટે તેઓ આદર્શરૂપ બની રહ્યા. પોતાના અદ્વીતીય અવાજ અને પ્રીત મેં હૈ જીવન જોખોમ, બાબુલ મોરા, સો જા રાજકુમારી તેમ જ અય કાતિબ એ તકદીર જેવાં ગીતોની અમાપ લોકપ્રિયતાએ તેમને દૈવી આભા આપી દીધી હતી. વિતેલા સમયના ખંડેરમાં સાયગલની ગાયક તરીકેની મહાનતા ઢબૂરાઈ ગઈ છે તે દુખદ વાત છે. ચાહકોની આનુષંગીક પેઢી તો સાયગલને તેમણે પોતાની કારકીર્દિના અંતભાગમાં નાદુરસ્ત અવસ્થામાં ગાયેલા ફિલ્મ ‘શાહજહાં’(૧૯૪૬)ના ગીત જબ દિલ હી તૂટ ગયા થકી જ જાણે છે.
ફિલ્મી સંગીતના તખ્તાને રોશન કરી જનારા સ્વરકારોમાં ખેમચંદ પ્રકાશ આગવું સ્થાન ધરાવતા હતા. તેમના નિર્દેશનમાં ખુરશીદ(‘પરદેસી’ – ૧૯૪૧, ‘તાનસેન’ – ૧૯૪૩) અને અમીરબાઈ( ‘ભરથરી’ – ૧૯૪૪, ‘સીંદૂર’ – ૧૯૪૭) જેવી ૧૯૪૦ના અરસાની સૌથી વ્યસ્ત ગાયિકાઓએ પોતાનાં યાદગાર ગીતો આપ્યાં છે. ૧૯૪૩ની ફિલ્મ ‘તાનસેન’ના ગીત બિના પંખ પંછી હૂં મૈં માટે તેમણે સાયગલના ખરજદાર અવાજને તીવ્ર ગાયકીમાં એવી રીતે પલોટ્યો કે તેમાંથી દર્દભર્યા રૂદનનો અહેસાસ અનુભવાય. નૌશાદે તેમના સહાયક તરીકે રહીને પોતાની સર્જકતા મઠારી. ખેમચંદ પ્રકાશે જ કિશોરકુમારને ફિલ્મ ‘ઝીદ્દી’ માટે પાર્શ્વગાયક તરીકે પહેલી તક આપી. લતા મંગેશકરને પ્રસિદ્ધ કરવામાં પણ તેમનું પ્રદાન છે.
તેમના મૃત્યુ પછી ૩૭ વર્ષે ૧૯૮૭ની સાલમાં એક જાણીતા ફિલ્મ સામયિક માટે મેં ખેમચંદ પ્રકાશની જીવની ઉપર એક લેખ તૈયાર કર્યો. તરત જ તેના તંત્રી રૌફ અહમદે કહ્યું કે આ કોઈ નહીં વાંચે, કેમ કે નવી પેઢીના વાચકોએ તેમનું નામ પણ નહીં સાંભળ્યું હોય. તેમણે ચતુરાઈપૂર્વક તે લેખને બદલીને ‘આયેગા આનેવાલાના સર્જક’ તરીકે રજૂ કર્યો અને તે યુક્તિ કામ કરી ગઈ, કારણ કે જે ગીતે લતા મંગેશકરને પ્રસિદ્ધિ અપાવી હતી તે ખેમચંદ પ્રકાશના ૧૯૫૦ની સાલમાં ૪૨ વર્ષની વયે થયેલા મૃત્યુ પછી પણ જીવંત હતું.
૧૯૩૯ની ફિલ્મ ‘કંગન’થી કારકીર્દિ શરૂ કરનારા કવિ પ્રદીપના જીવનમાં પણ એક ગીતનો મહત્વનો ફાળો છે. તેમણે ગીતોમાં શુદ્ધ હિન્દીના ઉપયોગને જોર આપ્યું. વળી તેઓ ગીતોમાં દેશપ્રેમની લાગણીને ચૂક્યા વગર વ્યક્ત કરતા હતા. તેમની ઘટનાસભર કારકીર્દિના એક મુકામ ઉપર પ્રદીપને ૧૯૬૨ના ચીની આક્રમણથી હતાશ થઈ ગયેલા લોકોની લાગણીને મલમ લગાડવાનું કામ સોંપવામાં આવ્યું.
પ્રદીપે અય મેરે વતન કે લોગોં લખ્યું, જેને સી.રામચંદ્રે સ્વરબદ્ધ કર્યું અને લતા મંગેશકરે ગાયું, શ્રોતાઓને ગાયકી તેમ જ સ્વરબાંધણી કરતાં પણ ગીતના સંવેદનાથી ભરપૂર શબ્દો સ્પર્શી ગયા અને નેહરુની આંખોમાં તો આંસુ આવી ગયાં.! આ ગીતની અપાર લોકપ્રિયતાને લીધે લતા મંગેશકરે જ્યારે જ્યારે તક ઉભી થાય ત્યારે તે અનિવાર્યપણે ગાવાની ફરજ પડતી હતી. લતાની કીર્તિમાં આ ગીતે ઉમેરો કરી આપ્યો, પણ પ્રદીપના પ્રદાનની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી હશે. તેમને થયેલા અન્યાયનું સાટું વાળવું હોય તેમ ૧૯૯૭માં લતાએ તેમનું ઋણ ચુકવવાની ચેષ્ટારૂપે પ્રદીપને એક લાખ રુપીયા અર્પણ કર્યા.

એક આગળ પડતા ગુજરાતી દૈનીક્માં નોંધ લેવાઈ કે લતા મંગેશકરે ‘દિવંગત કવિ પ્રદીપ’નાં કુટુંબીજનોને એક લાખ રૂપીયા અર્પણ કર્યા. કવિ તો જીવતા હતા અને ચેક તેમણે સદેહે સ્વીકાર્યો હતો! આથી તેમનાં કુટુંબીઓએ આવા ગેરમાર્ગે દોરતા સમાચાર સામે આક્રોશ ઠાલવ્યો. ચોખવટ કરતાં છાપાના અધિષ્ઠાતાઓએ કહ્યું કે કવિ છેલ્લાં ૨૦ વરસથી નિવૃત્ત જીવન ગાળતા હોવાથી તેઓ હયાત નહીં હોય તેમ માની લેવાયું હતું. હા, તેમણે પ્રદીપ કોણ હતા એમ ન પૂછ્યું એટલો તેમનો આભાર!
પ્રદીપની કવિ તરીકેની કારકીર્દિ ચાર ઘટનાસભર દાયકામાં ફેલાયેલી છે. તેમ છતાં ૧૯૯૮માં તેમના અવસાન પછી હજી પણ તેઓ આ એક ગીત – અય મેરે વતન કે લોગોં – થકી ચાહકોની સ્મૃતિમાં જીવંત છે.
વિનોદ અતિશય કાબેલ સ્વરકારોમાંના એક હતા. તેમણે ‘એક થી લડકી’ (૧૯૪૯), ‘અનમોલ રતન’ (૧૯૫૦), ‘વફા’ અને ‘સબ્ઝબાગ’ (૧૯૫૦) જેવી ફિલ્મો માટે યાદગાર ગીતોનું સર્જન કર્યું. પણ ખેદની વાત તો એ છે કે નવી પેઢીના શ્રોતાઓ તેમને એક ઉછાંછળા ગીત લારા લપ્પા થકી જ જાણે છે.
એક ગાયકે ભલે ને ગમે એટલાં ગીતો ગાયાં હોય, ઘણા કિસ્સામાં જોગ એવો બને છે કે એક અને એકમાત્ર ગીત જ તેમની સમગ્ર કારકીર્દિનું ઓળખચિહ્ન બની રહે છે, જેમ કે મુકેશને માટે ‘દિલ જલતા હૈ’ છે.
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ
વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામા આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
-
બંદિશ એક, રૂપ અનેક (૯૭): “लजीले सकुचीले” नैना नंदलाल के

નીતિન વ્યાસ
“मधुराष्टकम्’ પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી ઈસવીસનની પંદરમી સદીમાં લખ્યું. સર્વાંગ સુંદર ભગવાન કૃષ્ણ ની આંખ માટે नयनं मधुरं કહી આગળ हसितं मधुरम् સાથે કડી પુરી થાય છે. પણ કવિ શ્રી લલિત કિશોરીજી એ આ नयनं मधुरं ના ગુણગાન ગાતાં એક યાદગાર પદની રચના કરી.
વૃંદાવન નિવાસી કવિ શ્રી લલિત કિશોરી દેવ નો જન્મ સાલ ૧૮૨૫, તેમનું રચેલું આ ભજન કવિતા રૂપે નંદલાલના નયનોનું વર્ણન વાંચવા જેવું છે.
लजीले, सकुचीले, सरसीले, सुरमीले से,
कटीले और कुटीले, चटकीले मटकीले हैं।रूप के लुभीले, कजरीले उनमीले, बर-
छीले, तिरछीले से फँसीले औ गँसीले हैं॥‘ललित किशोरी’ झमकीले, गरबीले मानौं,
अति ही रसीले, चमकीले औ रँगीले हैं।छबीले, छकीले, अरु नीले से, नसीले आली,
नैना नंदलाल के नचीले और नुकीले हैं॥—–
રસદર્શન. નંદલાલના નયના.
છબીલે શ્યામના નયણાનું આવું લચકદાર વર્ણન ક્યારેક જ વાંચવા મળે છે. કલ્પના કરીએ કે નિર્દોષ, આંખો જરા શરમાળ છે. ગોપી પોતાના વિશે શું વિચારશે! કદાચ એ શંકાથી, સંકોચ ભર્યાં છે. સુંદર આંખો સુરમા ભરી છે, ગોપીને કૃષ્ણની ધારદાર આંખો મીઠું દર્દ આપી રહી છે. લુચ્ચાઈ ભરી અને વળી રમતિયાળ મટકા મારે છે. લોભામણું રૂપ, આંજણ આંજેલી આંખોના કાળા રંગોમાં દ્રશ્યમાન છે, કૃષ્ણનું છબીલું શૃંગાર સાથ લોભામણું રૂપ અનન્ય છે. તીક્ષ્ણ, તીરછી નજરમાં ફસાયેલા, બંધાયેલા, કૃષ્ણના જાદુ ભર્યા નૈનોમાં ઓતપ્રોત છે.!!
‘લલિત કિશોરી’ને જાણે એ નયણા ઉમંગ ભર્યા, ગરવિલા લાગે છે. જેમાં આશા અને ઉત્સાહનું તેજ ઝબૂકે છે. અત્યંત રસીલા, દેદિપ્યમાન અને રંગીલા છે. આ વર્ણન વાંચતા સ્મિત સભર આંખો અને ઓષ્ઠોની અનાયાસ કલ્પના આવે છે.! જે નયન છબીલા, મસ્તિખોર, વાદળીમાં મોહક ચંદ્રમા સમા મદહોશી ભર્યાં છે. સહેલી, કૃષ્ણના નયન નર્તન કરતાં ઘાયલ કરનાર છે. સખીને કહે છે કે તીક્ષ્ણ નયન તેને ઘાયલ કરે છે, તો પણ તેની મસ્તીમાં પોતે મદહોશ છે. નંદલાલના નૈનાનો જાદુઈ પ્રભાવ કવિના અંતરપટ પર છવાયેલો છે.
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
આજની બંદિશ:
આ ભજન ખાસ કરીને હોળી ધુળેટીની ઉજવણી સમયે મથુરા વૃંદાવન માં બહુ મસ્તીથી ગાવામાં આવે છે:
મથુરાનાં શ્રી ગૌરવ ક્ર્ષ્ણ ગોસ્વામી મહારાજ. આ વિડિઓ વૃંદાવન, બરસાણા ધામ નો છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા પદ્મશ્રી શ્રી શેખર સેન, અધ્યક્ષ સંગીત નાટક એકેડેમી.
ગાયિકા શ્રી પ્રીતિ પ્રેરણા, અવાજ ની મીઠાશ સાંભળવા જેવી છે:
રાગશ્રી એકેડેમી, હૈદરાબાદમાં એક ભજન સંધ્યા માં આહન, યશ, અગત્સ્ય, કિરાત, સમરા અને સ્તુતિ
શ્રી સોનાલી મિત્ર દ્વારા એક પ્રસ્તુતિ
શ્રી લલિતકિશોરીદેવ – Rasik Saint of Vrindavan
કવિ લલિત કિશોરીનું મૂળ નામ કુંદનલાલ હતું. તેમના શ્રી કૃષ્ણ પ્રેમી પિતા ગોવિંદલાલ લખનવ માં રહેતા. તેઓ અવારનવાર વૃંદાવન જતા, ત્યાં તેમણે રાધા-કૃષ્ણનું મંદિર બાંધ્યું. સાલ ૧૮૪૦માં કુંદનલાલ તે મંદિરની મુલાકાતે જન્માષ્ટમી સમયે માતા પિતા અને અન્ય કુટુંબીજનો સાથે આવ્યા. પ્રસંગ પૂરો થયે સઘળું કુટુંબ લખનઉ જવા રવાના થયું. પણ કુંદનલાલતો વૃંદાવન ખાતે તે મંદિરમાં જ રહ્યા. અહીં તેમનો ભેટો સ્વામી રસિકદાસજી સાથે થયો , અને કૃષ્ણ ભક્તિમાં લીન થતા ગયા, સ્વામીજી ની આજ્ઞા માથે ચડાવી સંન્યાસ લીધો. કુંદનલાલમાંથી સ્વામી લલિત કિશોર દાસનો જન્મ થયો. તેમણે “લલિતકિશોરી” ના નામે ભગવત લીલા સંબંધિત સુંદર પદોની રચના કરી. લગભગ દસ હજાર જેટલાં પદો રચ્યા. સાલ ૧૮૭૩માં તેમનું દેહાવસાન થયું. તેમની રચનાઓ “રાસ-વિલાસ”, “અષ્ટયામ”, “સમય પ્રબંધ” ઇત્યાદિ ગ્રંથ દ્વારા પ્રકાશિત થઇ છે, તેમની રચનાઓ ઉર્દુ, ખડીબોલી તથા મારવાડી મિશ્રિત વ્રજ ભાષામાં ઉપલબ્ધ છે.વૃન્દાવન માં શ્રી લલિત નિકુંજ “શાહજી નું મંદિર” આજે પણ મોજુદ છે.
(“किशोरी” – किशोर अवस्था वाली। राधा रानी को नित्य किशोरी नाम से जाना जाता है क्योंकि वह नित्य किशोर ही रहती हैं।)
માહિતી “વ્રજ રસ” વેબસાઈટ માંથી સાદર
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વાહ ! ખરું કહેવાય – મધની ખેતી ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
જેની ખીજ બહુ ભુંડી હોય, તેની રીજ પાછી સવાઇ સારી હોય ! બરાબર નિરીક્ષણ કરીએ તો આવા અનેક ઉદાહરણો સમાજમાં મળી આવે છે. જેનું ખીજાવું આપણને ભોં ભારે કરાવી દે, અને તેનું જ રીજાવું પાછું માલંમાલ કરી આપે ! પણ મારે તો કરવી છે માણસ સિવાયની સુક્ષ્મજીવ મધની માખીની વાત. જેનાથી મીઠું બીજું કાંઇ ન હોય એવું મીઠામાં મીઠું મધ આપણને આપનાર, ખેડૂતની જીગરજાન દોસ્ત બનીને પરાગનયનનું બહુ મોટું કામ કરનાર, પણ જો ખીજાણી હોય કે પછી તેને કોઇ કારણસર એવી શંકા પડી ગઇ હોય કે આપણે તેની વસાહત માટે ‘જોખમરૂપ’ છીએ, તો આવી જ બને આપણું ! તમે માનશો ? ભાગવા માંડે યે શું વળે ? પાંચ પાંચ કીલો મીટર સુધી પીછો છોડે નહીં આપણો બોલો !
એ કંઇ મોઢેથી કરડતી નથી. તેના પેટને છેડે આવેલ બારીક તીણી સોય જ દુશ્મનના શરીરમાં એવા દાબથી ચટકાવી દે છે, કે તે સોય દુશનના શરીરમાં જ ચોટી રહે છે, અને પોતાનું પેટ ફૂટી જાય છે. કહોને પોતે વસાહત માટે શહીદી વહોરી લે છે ! આપણે એને ખીજવવી નથી-રીજવવી છે અને લાભ લેવા છે એની પાસેથી ઘણાબધા. હવે તો ધંધાનું માધ્યમ જ એને બનાવી લેવા માંડ્યા છે કેટલાક ખેડૂતો. દૂધની ખેતી, શાકભાજીનીખેતી, ફળોની ખેતી, માછલીની ખેતી, તેમ હવે ‘મધનીખેતી’ એક નવો અભિગમ વ્યવસ્થિત આકાર લઇ રહ્યો છે.

અને ખરે જ ખેતીને સંલગ્ન એવા ગૃહઉદ્યોગ તરીકે ઉત્તમ પૂરવાર થઇ રહ્યો છે.બીજા ધંધાની સરખામણીએ મૂડી રોકાણ મામૂલી, વળી તેને માટે કોઇ ઇમારતો કે વધારાની જમીનો-કશાયની જરૂરત નહીં. આપણે ત્યાંની સ્થાનિક દેશી મધમાખીઓને ખોરાક-પાણી પૂરા પાડવાની ચિંતા કરી છે કોઇએ ? છતાં ગમે ત્યાંથી આવળ, બાવળ, આંકડા કે શેઢાપાળા ની વાડની વનસ્પતિ કે વાડીના ચારા શાકભાજીના ફૂલોમાંથી , ભીની માટી, કાદવ કે કિચડમાંથી, જ્યાંથી મળ્યો ત્યાંથી તે ખોરાક મેળવી લે છે અને એનો સ્વભાવ જ છે –સંચય કરવાનો, એ પ્રમાણે એ કર્યા કરે છે.
ઉપયોગિતા= જે ઉત્તમ દવા, ઉત્તમ ટોનિક અને ઉત્તમ ખોરાક ગણાય છે તેવું, કહોને ‘સંપૂર્ણ આહાર’ગણાય તેવું “મધ” ! જેનું બાળકો, યુવાનો અને વૃધ્ધો દરેકને આંખોની જાળવણી તથા લોહીના શુધ્ધિકરણ દ્વારા રક્તકણોની વૃધ્ધિ અને પાચનતંત્રની વ્યવસ્થિતતામાં બહુમોટું પ્રદાન રહ્યું છે તેવું મધ પૂરું પાડવા ઉપરાંત રંગકામ અને રેણકામમાં અનેકરીતે ઉપયોગી એવું કુદરતી “મીણ” પણ આપે છે.
ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કે વ્યવસ્થા કર્યા વિના માત્ર આ માખીઓની ઊઠબેસ અને અવર જવરથી જ તેના શરીર સાથેચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયનના આપમેળે થતા રહેતા બહુ મોટા કામ દ્વારા 20 થી 30 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેવું તેના તજજ્ઞોનું કહેવાનું છે.
કરવાનું જાજું છે જ નહીં ! = આ તો ઝાળામાં સોનું ગણાય. કરવાનું માત્ર એટલું જ કે…………
વ્યવસ્થિત આયોજન કરી, વધુ મધ આપતી અને પાલતુ બનાવી શકાતી એપિસ ઇન્ડિકાકે એપિસ મેલીફેરા જેવી મધમાખીને આપણે ત્યાં વસાવવાની, માખીઓને બારેમાસ ઋતુ ઋતુના ફૂલો મળ્યા કરે તે રીતે ખેતીપાકોનું આયોજન કરવાનું. પછી તો આપણી અનુકૂળતા પ્રમાણે શાકભાજીના પાકો હોય, લીલાચારાના પાકો હોય, કે ફળ-ફૂલ કે વાડીની વાડમાં વસી ફૂલો આપતાં ઝાડ-છોડ હોય ! અને વાડી હોય એટલે પાણી, ભીના ધોરિયા,ક્યારા-ખામણાં અને પાણીની કુંડી તો હોવાનાં જ ?
હા, જ્યારે એક ધંધા તરીકે , પૂરક ઉદ્યોગ તરીકે સ્વિકારીને આગળ ચાલીએ છીએ ત્યારે તેના વિષેનું કેટલુંક જ્ઞાન, જાણકારી, થોડી તાલીમ અને મધમાખી સાથે કામ પાડવાનું હોઇ, થોડી હિમંત કેળવવી પડે ! આવી તાલીમ આપતી સંસ્થાઓ દ્વારા અઠવાડિયામાં કેટલીક નિપૂણતા મેળવી શકાતી હોય છે.-એ આજે અઘરું રહ્યું નથી. મેં મારી વાડીપર મધમાખીને વસવાટ કરાવવાનો અનુભવ કર્યો છે, એટલે જ કેટલીક ટુંકી વિગતો આપવાનું ઉચિત ગણ્યું છે.
મધમાખી ની જાતો =
[1] સફેદ લીટાવાળી અને ઘેરા રંગની = આપણે ત્યાં જ્યાં અને ત્યાં ઝાડની લીલી ડાળીઓ પર, મકાનના મોભારે, કે જ્યાં ઠંડી-ગરમીનું પ્રમાણમાં નિયમન અનુભવાતુ હોય તેવી જગ્યાઓએ પૂડા બનાવી રહેનારી માખી પ્રમાણમાં ઝેરીલી અને કદમાં નાની છે, જેને આપણે દેશીમધમાખી તરીકે સંબોધીએ છીએ.
[2] નિર્ડંખ માખી = અંધારામાં નાના નાના પૂડા બનાવી રહેતી અને ખુબ જ ઓછું મધ બનાવતી આ માખીને ડંખ દેવાની સગવડ કુદરતે આપી જ નથી.
[3] રોકાવત માખી = ડુંગરાની કરાડો, ભેખડો અને જંગલોમાં ઝાડની ડાળીઓ ઉપર મોટા મોટા પૂડા બનાવી રહેનારી, ભમરા જેવી મોટી, રંગે પીળાશ પડતી અને ખુબ જ ઝેરીલી આ માખી થોડા વરસોથી સૌરાષ્ટ્રની વાડીઓ અને ગામડાંઓમાં પણ આવી પહોંચી છે અને અવાર નવાર વાડીઓમાં કામ કરતાં ખેડૂતો,મજૂરો અને ગ્રામવાસીઓને આકરા ડંખ ખુંચાડી, ક્યારેક ક્યારેક તો 108 બોલાવી દવાખાના ભેળા થવું પડે એવી પરિસ્થિતિમાં મૂકી દેતી હોય છે. એના મોટા જબ્બર પૂડામાં મધ પણ હાંડો એક ભર્યું હોય છે, પણ જેવા તેવા જ્ણનું એ કામ નથી કે સાવજના મોઢામાંથી શિકાર પાછો ખેંચી શકે – એ પૂડા માહ્યલું મધ હાથ કરી શકે – હરિ ભજો રામા….!
[4] એપિસ ઇંડિકા= આપણી દેશી મધમાખી કરતાં કદમાં બમણી મોટી, રંગ સહેજ લાલ પડતો અને અંધારામાં રહેવા ટેવાએલી હોવાં ઉપરાંત “પાલતુ” બનાવી શકાય તેવા સોજાપણાના વિશિષ્ટ ગુણવાળી આ મધમાખી છે. આપણે ઉપરોક્ત બધી માખીઓની જાતોમાંથી આ જાતને જ ધંધાનું માધ્યમ બનાવી શકીએ છીએ.
[5] એપિસ મેલીફેરા = એપિસ ઇંડિકા કરતાં પણ ઘણું વધારે મધ આપતી અને સ્વભાવે શાંત તથા તકલીફો વેઠીને પણ આવાસને વળગી રહેનારી આ માખી ઇટાલીથી આયાત કરેલી છે. કદમાં થોડી વધુ મોટી અને મધુપાલનના ધંધામાં માધ્યમ બનાવવામાં વધુ ફાવે તેવી આ મેલીફેરા માખી છે. હરિયાણા, પંજાબ, કાશ્મિર અને ઉત્તરભારતમાં કેટલાય સમયથી, અને હવે કચ્છમાં તેમ જ સૌરાષ્ટ્રમાં પણ તેને વસાવી ઉછેર શરૂ થયા છે.
મધપૂડાની રચના : તમે ‘મધપૂડા’ને ધ્યાનથી નિરખ્યો છે ક્યારેય ? ઝાડની ડાળી સાથે મીણથી રેણ કરી જાણે ટીંગાડેલ એની આખી વસાહત ! તેના બાંધકામની લાઇન લેવામાં એક આર્કીટેક એંજીનીયરને શરમાવે તેવી ત્રાંસી, ઊભી, આડી લાઇનો અને એક સરખાં ષટકોણિયા જ બધાં ખાનાં ! ષટકોણ ઘાટ શુંકામ મધમાખીએ પસંદ કર્યો હશે એની કલ્પના આવે છે ? ષટકોણ માં વધુમાં વધુ પ્રવાહી સમાય શકે બસ એ જ કારણ ! બાંધકામ આખા પૂડાનું એક સરખું જ, પણ બે વિભાગે. નીચેનો ભાગ બાળ-બચ્ચાના ઉછેર અને રહેણાક માટેનો, જ્યારે ઉપરનો ભાગ માલ સંગ્રહનો. નીચેના ષટકોણિયાં ઇંડા-બચ્ચાંના પારણિયા તરીકે ઉપયોગમાં લે અને ઉપરના ષટકોણિયામાં રોજીંદા જરૂરિયાતમાંથી બચત કરી, આકસ્મિક સંજોગોમાં કામ લાગે અને રાણીમાને તથા બચ્ચાંને ક્યારેક ખેંચ ઊભી થાય તો કામ લાગે માટે રીજર્વ જથ્થો મધ રૂપે ભરી પાછું તેનાપર મીણનું સીલ મારી દે તે વધારામાં.
આંતરિક વ્યવસ્થા = વસાહતનું બધું જ કામકાજ મધમાખીઓની આંત:પ્રેરણાથી સયંસંચાલિત છતાં બહુ જ વ્યવસ્થિત થયા કરતું હોય છે. જુદી જુદી વાતો કરવાનું અને એકબીજી માખીઓને સંજ્ઞા કરવાનું,સારા-માઠા સમાચાર દેવાનું માધ્યમ જ ગંધ અને નૃત્ય બન્નેનો ભેળો તાલમેલ છે. એતો આપણને ખબર નથી માટે તેનો બધો ગણગણાટ અને ચણભણાટ સરખો લાગે છે. હકિકતે પરાગ અને મધ શોધતી માખીઓ, આવો જથ્થો કઇ દિશામાં અને કેટલોક છે તે એકબીજીને દેખાડવા ખાસ પ્રકારનું નૃત્ય કરતી હોય છે, ક્રોધે ભરાયાનું જુદું, અને આફ્રિન થઇ રાજી રાજીને પ્રસન્ન થઇ ગઇ હોય તો તેનું વળી અલગ પ્રકારનું હોય ! તેનું ગુંજન અને નૃત્ય તેની સાથે કાયમી સહવાસ કરનારા અચૂક પારખી જતા હોય છે.
માખીઓના પ્રકાર = એક જ મધપૂડામાં શરીરના બાંધાની રીતે ત્રણ પ્રકારની માખીઓ નજરે પડે છે.
[1] રાણી માખી = કદમાં વધારે મોટી અને જુદી તરી આવે એવી આ માખી આખી વસાહતની ‘મા’ ગણાય છે. આખી વસાહતમાં રાણી એક જ હોય છે.જે આશરે પાંચેક વર્ષનું આયુષ્ય ધરાવે છે. તેના શરીરમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવતી હોય છે.એટલે જ્યાં રાણી હોય ત્યાં જ બધી માખીઓ રહેતી હોય છે. તેને ખાવામાટે ખોરાક-મધ સ્વયંસેવકોએ તૈયાર રાખેલ હોય છે. રાણીએ તો બસ ઇંડાં જ મૂક્યા કરવાનાં હોય છે. આ કામમાં રાણી જ્યારે થાક અનુભવે ત્યારે સયંસેવકો નવી રાણી તૈયાર કરવાનું આયોજન કરે છે.ઇંડામાંથી નીકળેલ ઇયળને ખાસ પ્રકારનું મોટું ઘર બનાવી દઇ, તેને સ્પેશ્યલ જાતનો ખોરાક ખવરાવી, મોટી ઇયળ બનાવી નવી રાણી તૈયાર કરે છે. નવી રાણી કોશેટા અવસ્થા છોડી, બહાર આવી, 7-10 દિવસમાં પુખ્તતા પ્રાપ્ત કરી, વસાહત છોડી સ્વેર વિહારે ઉપડી જાય છે. કેટલાક રાણીઘેલા નર બહાવરા બની પાછળ પડે છે. કોઇ એક નર રાણી સાથે શરીર સંબંધ બાંધી, રાણીને ફલિત કરી, મરણને શરણ થાય છે. હવે જીંદગી આખી રાણીને નરની જરૂર પડતી નથી. એપીસ ઇંડિકા રોજના 500 થી 1000 ઇંડા, અને મેલીફેરા તો 1500થી 2000 ઇંડા રોજના મૂકવાની ક્ષમતા ધરાવે છે.
[2] નર માખી = પૂડામાં નરમાખી તો હોય છે સાવ ઓછી જ. તેને દુશ્મનને દંશ દેવા પેટે શૂળ પણ હોતી નથી.એટલેકે સાવ જ અહિંસક અને નિરૂપદ્રવી ! પણ આળસુડાયે એટલા જ હો ! ખોરાકની શોધ કરી પોતા પૂરતું પણ કરે નહીં. રાણી માટે રાખેલો ખોરાક ખાવાલાગી જાય ત્યારે સ્વયંસેવકો પીછો કરી દૂર ભગાડી મૂકે છે.
[3] સયંસેવક માખી = સયંસેવક માખીઓ આખી વસાહતના સુત્રધારો છે.પોતે બધાં નપુસંક હોવાછતાં બધો જ કાર્યભાર નિષ્ઠાથી સંભાળે છે.મધપૂડાના બાંધકામ માટે મીણ તૈયાર કરવું, પૂડાનું બાંધકામ કરવું, ખોરાક લેવા જવું, મધ બનાવવું અને રાણી તથા બચ્ચાં માટે તેનો સંગ્રહ કરવો, નવી રાણી ક્યારે જન્માવવી, કેટલા નર પેદા કરવા અને તેના દરેકના ખોરાક, રહેઠાણની વ્યવસ્થા કરવી તથા વસાહતના દુશ્મનોની સામે જાનના જોખમે શહીદી વહોરી લઇને પણ વસાહતનું રક્ષણ કરી સલામત રાખવાનું આકરું કામ છ થી સાત માસનું જ આયુષ્ય ધરાવતા અને 15 થી 25 હજારની મોટી સંખ્યામાં એક જ વસાહતમાં સંપીને રહેતાં સયંસેવકોનું છે.
આપણી રાષ્ટ્રભક્તિ એના સાંધણમાં = શું આપને ખુંચાડી ગઇ છે ક્યારેય સ્વયંસેવક માખી એની તીણી સોય ? ઘાંયતાંય તો વગર વાંકે એ આપણો ચાળો કરતી નથી. પણ એને શંકા જાય કે તેની વસાહતમાં આપણા થકી કોઇ આફત ઊભી થઇ શકે તેમ છે, તો સપછી દેન નથી આપણા કે એના દંડમાંથી ઉગરી શકીએ ! શંકાનું સમાધાન બસ સોય જ ! આપણા શરીરના આળા ભાગો-આંખ, કાન, નાક, હોઠ પર રમ્મ …. દેતીકને એવી સોય ભરાવી દે કે એ ઝેરી કાંટો આપણા શરીરમાં જ ચોટી રહે ! એનું તો ભલેને પેટ ફૂટી જાય- વસાહતના રક્ષણ કાજ શહીદી જ વહોરી લેવાની બોલો ! તેનું પેટ ફૂટતાં એવી ગંધ છૂટે કે “ મારી મદદે આવો !” આ સંકેત બીજી માખીઓ પામી જાય અને આપણે એનાથી દૂર ન ખસી જઇએ તો ર..મ ર..મ કરતી કેટલીય માખીઓ ત્રોફાઇ જાય આપણા શરીર ઉપરે. એક ઝીણા જીવડાની પોતાની વસાહત પ્રત્યેની વફાદારી તો જૂઓ ! આપણી રાષ્ટ્રભક્તિનો તોલ તો સાંધણમાં જ જાયને એના ?
મધ કેવી રીતે બને ? = સવાર પડે. સૂર્યપ્રકાશ સર્વત્ર ફેલાય. ફૂલો માંડે ખિલવા અને સ્વયંસેવકો ફૂલની અંદર પેસી રસ માંડે ચૂસવા અને જઠરના ખાસ વિભાગમાં માંડે ધકેલવા. તેનાપર થાય કેટલીક રાસાયણિક પ્રક્રિયા અને મધ થાય તૈયાર. બસ, ઠાલવી દે મધપૂડાના ઉપરના કક્ષમાં 1 કીલો મધ બનાવવા મધમાખીને એકાદલાખ આંટાફેરા મારવા પડે ! કેવો જંગી પૂરુષાર્થ ?
આપણે લેવાની કાળજી = આ વ્યવસાયની પ્રાથમિક માહિતી તથા તાલિમ લીધાબાદ, મધમાખી ઉછેરકેંદ્ર પરથી એપિસ ઇંડિકા કે એપિસ મેલીફેરા જેવી પાલતુ માખીની પેટી વેચાતી લાવી, આપણી વાડીમાં સ્થાઇ કરીએ અને કેટલીક કાળજી લઇએ
[1] આ પાલતુ મધમાખી અંધારામાં રહી, એક જ મધુઘર [મધપેટી] માં બાજુ બાજુમાં સાત પૂડા બનાવવાની આદતવાળી છે.મધુઘરને ઝાડને છાંયડે, જમીનથી ત્રણ ફૂટ ઊંચે, વાંસના ડંડા પર સ્ટેંડ બનાવી મૂકીએ.
[2] વાંસનાં ડંડાને જમીનને અડીને એક ફૂટ ઉંચે સુધી ઘસાયેલ ઓઇલ ચોપડીએ-જેથી કીડી-મકોડાને પેટી સુધી પહોંચવાનો કે લાકડાના ડંડાને ઉધઇ લાગવાનો ભય ન રહે.
[3] દર બે-ત્રણ દિવસે પેટી ખોલી અંદર કોઇ નુકશાન કરતા કીટકના ઝાળાં નથીને તે જોઇ લઇએ.
[4] નરમાખીની સંખ્યા વધુ પડતી થઇ ગઇ હોય તો તેને પકડી લઇ દૂર મોકલી દઇએ.
[5] ક્યારેક પેટી ખોલતાં કોઇ પૂડો તૂટી ગયેલો માલુમ પડે તો તેને દોરાથી નહીં પણ લીલી વનસ્પતિના પાતળા તાતણાંથી સાંધી લઇએ, જેથી તેનાપર મધમાખી મીણનું રેણ કરી કામ ચલાવી શકે.
[6] પેટીની અંદર પૂડામાં ઉપલો-નીચલો એમ બે કક્ષ હોય છે.ઉપલા કક્ષમાં મધ ભરાય જાય એટલે જાળવીને ઉપલી નાની ફ્રેમ બદલી લઇ, સંચાથી મધ ખેરી લઇ, ખાલી ફ્રેમ પૂડો ન તૂટે તેમ પેટીમાં પાછી ગોઠવી દઇએ.
વરસ દાડે એક પેટી ૧૨ થી ૧૫ લીટર અને ઇટાલિયન માખી તો ૩૦ લીટર જેટલું મધ આપવા સક્ષમ છે.પણ તેને આવકારવાની અને વસાવવાની આપણી તૈયારી કેટલી ?
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરી કેટલી અસરકારક છે?
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
વડોદરાની સરકારી ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીની તપાસ
જગદીશ પટેલ
પરિચય:
પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર 1992થી વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અધિકારો પર કામ કરી રહ્યું છે. ભોપાલ પછી ILOએ ઘણી રાજ્ય સરકારોને ઇંડસ્ટ્રીયલ હાયજીન (IH )લેબોરેટરીની સ્થાપના કરવામાં મદદ કરી. ILOએ મૂળભૂત સાધનો પૂરા પાડયા અને સ્ટાફને તાલીમ આપી. શરૂઆતમાં સમગ્ર રાજ્ય માટે અમદાવાદમાં એક જ લેબ હતી. થોડા વર્ષો પહેલા રાજકોટ, વડોદરા અને સુરતમાં વધુ ત્રણ લેબની સ્થાપના કરવામાં આવી હતી. અમે વડોદરા ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીની કામગીરી જાણવા માટે માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી દાખલ કરી હતી. અમને જરૂરી માહિતી મેળવવામાં થોડો સમય લાગ્યો. પછી આ અહેવાલનું વિશ્લેષણ અને અહેવાલ તૈયાર કરવામાં થોડો સમય લાગ્યો. ચિંતાજનક બાબત એ છે કે, હવે ફેક્ટરી એક્ટને OHS કોડમાં ભેળવી દેવામાં આવ્યો છે અને સદર કોડમાં TLVs ની જોગવાઇ હતી તે Sch.II નાબૂદ કરી દીધો છે. બીજી તરફ IH લેબોરેટરીઓમાં હવે લગભગ કોઈ સ્ટાફ નથી જે પહેલાથી જ નબળા અમલને વધુ નબળો બનાવે છે.
કાર્યસ્થળ આરોગ્ય અને સલામતી:
કામને સ્થળે સલામતી અને આરોગ્ય એ મૂળભૂત માનવ અધિકાર છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પરના આંતરરાષ્ટ્રીય જાહેરનામામાં ક.12.2(b) અને (c) માં વ્યાવસાયિક સ્વાસ્થ્ય અંગે જોગવાઇ છે અને તે રાજ્યોએ આરોગ્યના અધિકારને સાકાર કરવા માટે પગલાં લેવા સુચવાયું છે જેમાં ઇંડસ્ટ્રીયલ હાયજીનના તમામ પાસાઓમાં સુધારણા કરવા, વ્યાવસાયીક અને અન્ય રોગોને અટકાવવા, નિયંત્રણ કરવા અને સારવાર માટે પગલાં લેવા જોગવાઇ કરે છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધીકારોની સમિતિએ કરારની ક. 12.2(b) નું અર્થઘટનમાં સલામત અને આરોગ્યપ્રદ કામ કરવાની પરિસ્થિતિઓ, કામને સ્થળે થતા અકસ્માતો અને રોગોના સંદર્ભમાં નિવારક પગલાં અને કામના વાતાવરણને કારણે સહજ થઇ શકે તેવા રોગોના કારણો શક્ય હોય તેટલા ઘટાડવાનો સ્માવેશ થાય છે. માનવ અધિકારોની સાર્વત્રિક જાહેરનામાની ક.23 દરેકને “કામની ન્યાયી અને અનુકૂળ પરિસ્થિતિઓ” પ્રાપ્ત કરવાનો અધિકાર આપે છે. ILO કામના સલામત અને આરોગ્યપ્રદ વાતાવરણના અધિકાર અને કામદારના રોજગારમાંથી ઉદ્ભવતી બીમારી, રોગ અને ઈજા સામે રક્ષણ એ બંનેને મૂળભૂત માનવ અધિકારો તરીકે સ્વીકારે છે. ILO ડીસંટ વર્કને વ્યાખ્યાયિત કરતાં કહે છે કે સુરક્ષિત અને તંદુરસ્ત કાર્ય એને કહેવાય જ્યાં કામદારોને આરોગ્યના જોખમોના સંપર્કમાં આવવાનું ન થાય. ભારતીય બંધારણના નિર્દેશક સિદ્ધાંતોમાં કામદારોને “કામની ન્યાયી અને માનવીય શરતો” આપવાની વાત કરે છે. ભારતના બંધારણની કલમ 21 જીવનનો અધિકાર સુનિશ્ચિત કરે છે. 2030 સુધીમાં ભારત, સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે, દેશના તમામ કામદરો માટે ડીસંટ વર્કનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું છે.
સંયુક્ત રાષ્ટ્ર્સંઘના ચિરંતન વિકાસ લક્ષ્યાંક (એસ.ડી.જી.)
સંયુક્ત રાષ્ટ્ર્સંઘના ચિરંતન વિકાસ લક્ષ્યાંકો પૈકી લક્ષ્યાંક 8.8 એ છે ‘શ્રમ અધિકારોનું રક્ષણ કરો અને સ્થળાંતર કામદારો, ખાસ કરીને સ્થળાંતર કરનારી મહીલાઓ અને અનિશ્ચિત રોજગારમાં રહેલા લોકો સહિત તમામ કામદારો માટે સલામત કાર્યસ્થળ અને કામને સ્થળે સુરક્ષિત વાતાવરણને પ્રોત્સાહન આપવું’. ચિરંતન વિકાસ લક્ષ્યો 2030 (SDGs) નો ઉદ્દેશ્ય ” આર્થિક કે સામાજિક સ્થિતિ લક્ષમાં લીધા વગર તમામ લોકો માટે સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાનો અને લોકો સ્વસ્થ રહે તે માટે તેમને પ્રોત્સાહન આપવાનો છે અને સૌને કામ મળે. – જેવું તેવું નહી, ડીસંટ (આપણે ઉમદા કહીશું?) કહેવાય તેવું કામ મળે તે છે. યુનાઈટેડ નેશન્સ 2030 એજન્ડા ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવા માટે, ખાસ કરીને SDG3 અને SDG8, જોખમી વ્યાવસાયિક પરિબળોના સંપર્કને ઘટાડવો અને આરોગ્યને કારણે થતા નુકસાનને ઘટાડવું અથવા તો દૂર કરવું જરુરી છે; આના માટે દેશ, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે જોખમી પરિબળોના સંપર્ક અને સ્વાસ્થ્યને થતા નુકસાન પર દેખરેખની જરૂર છે.
ભારતમાં કાનૂની માળખું
ભારતમાં ખાણકામ, ઉત્પાદન, બાંધકામ અને ગોદીના કામદારોની સલામતી અને આરોગ્યની સુરક્ષા માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. કામને સ્થળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009માં જાહેર કરવામાં આવી હતી જેમાં તમામ આર્થિક ક્ષેત્રોના કામદારો માટે સલામતી અને આરોગ્ય માટે કાનુની રક્ષણ પ્રદાન કરવાનું વચન આપવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષમાં આ બાબતે કોઈ પ્રગતિ થઈ નથી. સંસદે OSH કોડ પસાર કર્યો જે સલામતી અને સ્વાસ્થ્ય માટેના 14 કાયદાઓનું સ્થાન લેશે.
ઇંડસ્ટ્રીયલ હાયજીન
ઇંડસ્ટ્રીયલ હાયજીન એ વિજ્ઞાનની મહત્વની શાખા છે. ઇંડસ્ટ્રીયલ હાયજીન એ કાર્યસ્થળની પરિસ્થિતિઓની અપેક્ષા, ઓળખ, મૂલ્યાંકન અને નિયંત્રણનું વિજ્ઞાન છે જે કામદારોને ઈજા અથવા બીમારીનું કારણ બની શકે છે. ઇંડસ્ટ્રીયલ હાયજીન એન્જીનિયરિંગ નિયંત્રણો અને સારી હાઉસકીપિંગ વ્યવસ્થા દ્વારા માનવ અથવા જાહેર આરોગ્ય પર પર્યાવરણીય જોખમો અથવા કામના જોખમોના સંપર્કને દૂર કરવા અથવા ઘટાડવાનો પ્રયાસ કરે છે અને કાર્યસ્થળના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણ-મુક્ત અને આરોગ્યપ્રદ રાખે છે. ઇંડસ્ટ્રીયલ હાયજીનના ઉત્તમ ધોરણોને અમલમાં મૂકવાથી કામદારોના આયુષ્યમાં સુધારો કરવામાં, માંદગીની રજા ઘટાડવામાં અને વ્યાવસાયિક રોગોને લીધે થતી વિકલાંગતા ઘટાડવામાં મદદ મળશે.
તે શા માટે મહત્વપૂર્ણ છે:
સપ્ટેમ્બર 2021માં, રોગો અને ઇજાના કામ સંબંધિત બોજના અંદાજ પર સંયુક્ત WHO/ILO અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, દર વર્ષે ૧૯ લાખ લોકો કાર્યસ્થળ પર જોખમી પરિબળોના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે.
વૈશ્વિક સ્તરે 2016માં, વ્યાવસાયિક જોખમ અને સંબંધિત આરોગ્ય પરિણામોની 41 જોડીને કારણે ૧૮.૮ લાખ કામદારો મ્રુત્યુ પામ્યા હોવાનો અંદાજ છે. ૧૫.૨ લાખ (80.7%) મૃત્યુ વ્યવસાયજન્ય રોગોને કારણે થયા છે અને ૩.૬ લાખ (19.3%) મૃત્યુ માટે અકસ્માતને કારણે થતી ઇજાઓ જવાબદાર છે. સૌથી વધુ મૃત્યુ માટે જવાબદાર કામના લાંબા કલાકો (≥ 55 કલાક પ્રતિ સપ્તાહ) છે જે કારણે અંદાજીત 7,44,924 મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે આવે છે રજકણો, વાયુઓ અને ધૂમાડા. તે કરણે અંદાજીત 4,50,381 મૃત્યુ હતા. ફેફસાંના રોગોને કારણે સૌથી વધુ મોત – 4,50,381 – અંદાજાયા છે, ત્યારબાદ સ્ટ્રોકને કારણે 3,98,306 મૃત્યુ અને હૃદયરોગને કારણે 3,46,618 મૃત્યુ અંદાજાયા છે. આથી કામ સંબંધિત રોગોને નિયંત્રણમાં રાખવા માટે કાર્યસ્થળના વાતાવરણનું નિરિક્ષણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.
ભારતમાં કાર્યસ્થળનું નિરિક્ષણ:
હાલના કાયદા હેઠળ કાર્યસ્થળના વાતાવરણની દેખરેખ રાખવાની અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવાની ઉદ્યોગની પ્રાથમિક જવાબદારી છે. ભોપાલ ગેસ લીક પછી, ફેક્ટરી એક્ટમાં 1987માં Sch.IIનો સમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવ્યો હતો જેમાં 120 પદાર્થો માટે થ્રેશોલ્ડ મર્યાદા મૂલ્યો (સમય વેઇટેડ એવરેજ) અને ટોચમર્યાદાની સૂચિ હતી. ભાગ્યે જ આ મર્યાદા મૂલ્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે એસ્બેસ્ટોસ અને અવાજ માટે મર્યાદા મૂલ્યોમાં સુધારો કરવામાં આવ્યો છે. આટલા વર્ષોમાં સૂચિ વિસ્તૃત કરવામાં આવી ન હતી. જ્યારે ફેક્ટરી એક્ટને OSH અને વર્કિંગ કન્ડિશન કોડ, 2020માં સમાવી લેવામાં આવ્યો ત્યારે ફેક્ટરી એક્ટના આ બીજા શિડ્યુઅલને સમુળગો કાઢી નાખાવામાં આવ્યો. તકનીકી રીતે તેનો અર્થ એ છે કે હાલમાં નિર્ધારિત મર્યાદા મૂલ્યો હવે અસ્તિત્વમાં નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રીય OSH સલાહકાર બોર્ડ મર્યાદા મૂલ્યોના ભાવિ પર નિર્ણય લેશે. કાર્યસ્થળના પર્યાવરણની દેખરેખ પર કાયદો સ્પષ્ટ વલણ અપનાવે તે પહેલા થોડા વર્ષો લાગી શકે છે. આ સંદર્ભમાં જ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને જોવો જોઈએ.
IHL ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસાયિક રોગો પર ડેટા:
ગુજરાત સરકાર દ્વારા 2020માં ડાયરેક્ટર જનરલ, ફેક્ટરી એડવાઈસ સર્વિસીસ એન્ડ લેબર ઈન્સ્ટીટ્યુટ (DGFASLI – શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની કેન્દ્ર સરકારની સંસ્થા) ને ફાઈલ કરવામાં આવેલ રીટર્ન નોંધે છે કે ઇંડસ્ટ્રીયલ હાઈજિનિસ્ટની 4 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે પરંતુ તમામ 4 ખાલી છે. રાજ્યમાં 36,426 કારખાનાં છે જેમાંથી 11352 જોખમી કારખાનાં છે (કલમ 2 સીબી હેઠળ). આ જોખમી કારખાનાઓમાં 3,59,029 કામદારો કામ કરે છે. કાયદાની કલમ 41 F માં પદાર્થોની હવામાં હાજરીની મહત્તમ મર્યાદાની જોગવાઇ છે. વર્ષ 2020માં રાજ્યએ જમા કરેલ રિટર્ન એ જણાવે છે કે સદર કલમના ઉલ્લંઘન માટે એક પણ ફેક્ટરી સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. તેનો અર્થ એવો થતો નથી કે કોઈ ફેક્ટરીએ આ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી. તેનો અર્થ એ છે કે રાજ્યએ આવા ઉલ્લંઘનો પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું નક્કી કર્યું છે. આ રિટર્નમાં રાજ્ય રજૂઆત કરે છે કે વર્ષ દરમિયાન 6 કામદારો અવાજને કારણે આવેલી બહેરાશથી (NIHL) પીડાતા જણાયા હતા જે વડોદરાની બંડી ટ્યુબિંગ કંપનીના કામદાર હતા. આ ઉપરાંત ગ્રાસિમ ઇન્ડ., અદિતિ બિરલા ઇન્સ્યુલેટર્સના 5 કામદારો પણ અવાજને કારણે આવેલી બહેરાશથી પીડાતા હોવાનું જણાયું હતું. આ એકમના અન્ય 5 કામદારો સિલિકોસિસથી પીડિત જણાયા હતા.
વર્ષ 2018માં ફાઈલ કરાયેલા રિટર્નમાં પણ આવી જ વાર્તા છે. ઇંડસ્ટ્રીયલ હાયજીનીસ્ટની મંજૂર જગ્યાઓની સંખ્યા 4 છે પરંતુ તમામ ખાલી છે. જોખમી ફેક્ટરીઓની સંખ્યા 10908 હતી અને કામદારોની સંખ્યા 426128 હતી. કલમ 41 એફના ઉલ્લંઘન માટે કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ અહેવાલ જણાવે છે કે લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ, પાદરામાં કામ કરતાં 3 કામદારો અવાજને કારણે આવેલી બહેરાશથી (NIHL) પીડાતા જોવા મળ્યા હતા.
વર્ષ 2019માં ફાઈલ કરાયેલા રિટર્નમાં પણ આવી જ વાર્તા છે. ઇંડસ્ટ્રીયલ હાયજીનીસ્ટની મંજૂર જગ્યાઓની સંખ્યા 4 છે પરંતુ તમામ ખાલી છે. જોખમી ફેક્ટરીઓની સંખ્યા 12042 હતી અને કામદારોની સંખ્યા 630031 હતી. કલમ 41 એફના ઉલ્લંઘન માટે કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ અહેવાલ જણાવે છે કે એપીકોર ફાર્મા, ધોબીકુવા, પાદરામાં કામ કરતા 10 કામદારો અવાજને કારણે આવેલી બહેરાશથી (NIHL) પીડાતા જોવા મળ્યા હતા.
આ અભ્યાસ:
ફેક્ટરી એક્ટમાં 1987માં સુધારો કરવામાં આવ્યો હતો અને Sch.II દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતમાં પ્રથમ વખત કાયદા દ્વારા ઇંડસ્ટ્રીયલ હાયજીનના મહત્વને સ્વીકારવામાં આવ્યું હતું. નવી દાખલ કરાયેલી કાનૂની જોગવાઈઓને લાગુ કરવામાં સરકારને મદદ કરવા માટે ILO આગળ આવ્યું. તેણે ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીઓ (IHL) સ્થાપવા માટે રાજ્ય સરકારોને ભંડોળ પૂરું પાડયું અને સરકારી અધિકારીઓને ઇંડસ્ટ્રીયલ હાયજીન માટે તાલીમ પૂરી પાડી. 1990માં IHLની સ્થાપના ગુજરાત સહિત અનેક ભારતીય રાજ્યોમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં શરૂઆતમાં અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને પછીથી તે વધુ ત્રણ શહેરો સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થાપિત કરવામાં આવી હતી.. છેલ્લા ઘણા વર્ષોથી તેમની પાસે લાયકાત ધરાવતા ઔદ્યોગિક હાઈજિનિસ્ટ નથી. તેમની પાસે ટેકનિશિયન છે જે પૂર્ણ સમયના સર્ટીફાઇંગ સર્જનો હેઠળ કામ કરે છે. સર્ટીફાઇંગ સર્જનો રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા નિયુક્ત તબીબી સ્નાતકો છે અને તેઓને ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય ખાતામાં (DISH) પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે છે.
અમે માહિતી અધિકાર કાયદા હેઠળ વડોદરાની ડીઆઈએસએચ ઓફિસમાં તેની ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીની કામગીરીની માહિતી મેળવવા અરજી કરી હતી. અમને જે જવાબ મળ્યો જેનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે.
ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીનું કાર્ય:
એપ્રિલ 2018ના આખા મહિના દરમિયાન તેઓએ 13 દિવસ માટે ફિલ્ડ વર્ક કર્યું જે 3 વર્ષમાં સૌથી વધુ છે. મે 2017 અને જુલાઈ 2018માં આખા મહિના દરમિયાન તેમણે કોઇ ફિલ્ડવર્ક કર્યું ન હતું. ત્રણ વર્ષોમાંથી તેઓ 2018માં વધુ સક્રિય હોય તેમ જણાય છે. જુલાઈ 2018માં કોઈ મુલાકાતો લેવાઈ ન હોવા છતાં, તેઓએ વર્ષમાં 85 દિવસ માટે ફિલ્ડ વિઝિટ કરી હતી જે 2017માં કરવામાં આવેલી 41 વિઝિટ કરતાં બમણાથી પણ વધુ છે. 2019માં તેઓએ 56 દિવસ માટે મુલાકાતો કરી હતી જે વર્ષમાં લગભગ બે મહિના જેટલું થાય. (જુઓ કોષ્ટક: 1)
કોષ્ટક: 1
વર્ષ એકમોની મુલાકાત માટે ફિલ્ડવર્કના દિવસો મુલાકાત લીધેલ એકમોની સંખ્યા મુલાકાત દરમિયાન લીધેલા કુલ નમૂના જે નમુનાઓ કાનુની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય તેવા નમૂનાઓની સંખ્યા કાનુની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય તેવા નમૂનાઓની ટકાવારી 2017 41 92 623 147 23.95% 2018 85 211 1146 86 7.5% 2019 56 172 1015 82 8.07% ત્રણ વર્ષ દરમિયાન તેમણે કોઇ એકમમાંથી સૌથી વધુ નમૂના લીધા હોય તો તે ૩ માર્ચ, ૨૦૧૭ને દિવસે. એલેંબીક લી. એપીઆઇ-૧ એકમમાંથી તેમણે ૩૪ નમૂના લીધા. (જુઓ કોષ્ટક: 2)
કોષ્ટક: 2
ક્યા પદાર્થનો નમૂનો લીધો સંખ્યા એમ.ડી.સી. 04 ઇથેનોલ 06 ટોલ્યુન 10 એસીટોન 08 આઇપીએ 04 મીથેનોલ 02 કુલ 34 3 વર્ષમાં તેઓએ 63 પદાર્થોના નમૂનાઓ તેમજ અવાજ, ગરમી અને હવાના વેગના નમૂનાઓ એકત્રિત કર્યા. ફેક્ટરી એક્ટના Sch.IIમાં 120 પદાર્થોની યાદી આપે છે જેના માટે સલામત મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જે 63 પદાર્થો માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમાંથી, કાયદાએ 32 પદાર્થો માટે મર્યાદા નિર્ધારિત કરી જ નથી છતાં નમૂના લીધાનો શો અર્થ? માત્ર 31 પદાર્થો માટે શિડ્યુલમાં મર્યાદા નિર્ધારિત છે. આ કાનુની જોગવાઈઓની મર્યાદા દર્શાવે છે. એસ્બેસ્ટોસ એ સૌથી ખતરનાક પદાર્થ અને જાણીતું કાર્સિનોજેન છે પરંતુ IHL, બરોડાએ આ 3 વર્ષમાં એક પણ નમૂનો તેના માટે એકત્રિત કર્યો નથી. તે માટે તેમની પાસે ક્ષમતા છે કે કેમ તે પણ આપણે જાણતા નથી.
વડોદરાની આસપાસ જાહેર અને ખાનગી ક્ષેત્રે અનેક મોટી કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરી, રિલાયન્સની માલિકીની પેટ્રો કેમિકલ કોમ્પ્લેક્સ, ગુજરાત રાજ્યની માલિકીની ખાતર ફેક્ટરી, આલ્કલીસ એન્ડ કેમિકલ્સ, ગુજ. નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન, ગુજરાત રાજ્યની માલિકીના ઘણા થર્મલ પાવર પ્લાન્ટ અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને અન્ય ખાનગી પાવર પ્લાંટ. આ ત્રણ વર્ષમાં IHL એ આમાંના કોઈપણ એકમોમાંથી નમૂના લેવા માટે મુલાકાત લીધી નથી. આ એકમો ઘણા ઝેરી અને કાર્સિનોજેન્સનું ઉત્પાદન અને સંવહન કરે છે. તેમની પાસે તેમના પોતાના ઇંડસ્ટ્રીયલ હાયજીન વિભાગ હોઈ શકે છે અને તેઓ કાર્યસ્થળના વાતાવરણની દેખરેખ રાખવાની કાળજી લેતા હોઈ શકે છે. પરંતુ પછી કાયદા અમલીકરણ એજન્સીની જવાબદારી શું છે? એકમાત્ર અપવાદ ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમની માલિકીનું વણકબોરી થર્મલ પાવર સ્ટેશન છે જ્યાંથી તેઓએ ક્રશીંગ વિસ્તારમાંથી કોલસાની ધૂળનો 1 નમૂનો અને બંકરના ફ્લોરમાંથી 1 નમૂનો એકત્રિત કર્યો. તેઓએ આ એકમના વિવિધ વિસ્તારોમાંથી અવાજના 16 નમૂના પણ એકત્ર કર્યા હતા. 16માંથી 8 નમૂનાઓમાં અવાજની 85 ડેસિબલની નિર્ધારિત મર્યાદાથી વધુ અવાજ જોવા મળ્યો હતો. બીજો અપવાદ વડોદરામાં આવેલ ગુજરાત રાજ્ય ખાતર નિગમનો પ્લાન્ટ છે જ્યાંથી તેઓએ બેન્ઝીનના 6 નમૂના એકત્રિત કર્યા.
અમને ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીમાં સ્ટાફની ઉપલબ્ધતા, તેમની લાયકાત, તેમની તાલીમ અને તેમની પાસેના સાધનો વિશે કોઈ જાણકારી નથી. અમે એ પણ જાણતા નથી કે સેમ્પલ એકત્ર કરવા માટે કોઈ નીતિ છે કે કેમ અને કોઈ લક્ષ્યાંક નક્કી કરાયા છે કે કેમ. અમે એ પણ જાણતા નથી કે પ્રયોગશાળાના અધિકારીને કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવાની અથવા એકમને કોઈ ચેતવણી આપવાનો અધિકાર છે કે કેમ. સામાન્ય રીતે ઓફિસના વડાને આવા અધિકાર આપેલા હોય છે. ડાયરેક્ટર, ઈન્ડ. સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા ડીજીએફએએસએલઆઈને સબમિટ કરેલા રિટર્ન પરથી સ્પષ્ટ થાય છે કે તેઓએ નિયત મર્યાદાના ઉલ્લંઘન માટે કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરી નથી.
અવાજનું નિરીક્ષણ:
ઘોંઘાટ એ તમામ પ્રકારના કાર્યસ્થળોમાં સૌથી વધુ વ્યાપકપણે જોવા મળતું પ્રદૂષણ છે. અન્ય પ્રદૂષકોની સરખામણીમાં અવાજ માપવાનું પ્રમાણમાં સરળ છે અને ઓછો સમય લે છે. અવાજ માપવા માટે પ્રયોગશાળામાં વધુ પરીક્ષણ કરવું જરૂરી નથી. કદાચ તે કારણે જે ત્રણ વર્ષની અમે માહિતી માગી હતી તે સમયગાળામાં અવાજના નમુના સૌથી વધુ લેવામાં આવ્યા છે. 3 વર્ષમાં તેઓએ નમૂનાઓ એકત્રિત કરવા માટે 481 એકમોની મુલાકાત લીધી જેમાંથી 101 એકમો (20.99%)માંથી અવાજના નમૂના એકત્રિત કરવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન તેઓએ 2740 નમૂના એકત્રિત કર્યા જેમાંથી 565 (20.62%) અવાજના હતા. (જુઓ કોષ્ટક: 3)
ત્રણ વર્ષમાં લીધેલા નમૂનાઓ પૈકી 55.75% નમુનાઓમાં અવાજનું પ્રમાણ 85 ડીબીથી વધારે જોવા મળ્યું હતું. (અવાજ માટે TLV TWA 2016 માં 90 dB થી ઘટાડીને 85 dB કરવામાં આવી હતી. (જુઓ કોષ્ટક 3-A)
13 એકમોમાંથી વિભાગે અવાજના નમૂના બે વખત એકત્ર કર્યા. બીજી મુલાકાત દરમિયાન ઘોંઘાટનું સ્તર સુધર્યું હતું કે કેમ તે જોવા માટે અમે બે વર્ષ દરમિયાન અવાજના સ્તરની તુલના કરી છે. 3 એકમોમાંથી 13માંથી બંને સમયે અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદામાં હતું. બાકીના 10 એકમોમાંથી 4 એકમોમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે 6 એકમોમાં કોઈ સુધારો થયો ન હતો અથવા પરિસ્થિતિ વધુ વણસી હતી.
કોષ્ટક 3
અવાજના પ્રમાણ પર દેખરેખ
વર્ષ કુલ કેટલા એકમમાંથી નમૂના લીધા અવાજના નમૂના લીધા હોય તેવા એકમોની સંખ્યા કેટલા ટકા એકમોમાંથી અવાજના નમૂના લીધા કુલ કેટલા નમૂના લીધા અવાજના કેટલા નમૂના લીધા કુલ નમુનામાંથી અવાજના નમૂનાના ટકા 2017 168 34 20.23 0623 226 36.27 2018 213 39 18.30 1102 196 17.78 2019 092 33 35.86 1015 157 15.46 Total 481 101 20.99 2740 565 20.62 કોષ્ટક 3-અ
અવાજના પ્રમાણ પર દેખરેખ
વર્ષ અવાજના નમૂના લીધા હોય તેવા એકમોની સંખ્યા અવાજના કેટલા નમૂના લીધા કાનુની મર્યાદા કરતાં વધુ અવાજ હોય તેવ નમૂનાની સંખ્યા કાનુની મર્યાદા કરતાં વધુ અવાજ હોય તેવ નમૂનાના ટકા New Repeat 2017 34 00 226 147 65.04 2018 38 01 196 086 43.87 2019 21 12 157 082 52.22 Sub Total 88 13 565 315 55.75% Total 101 કોષ્ટક 3 -બ
એક જ એકમમાંથી ફરીફરીને લીધેલા અવાજના નમૂના
નં. એકમનું નામ 2017 2018 2019 ૧ કંટેમપરરી ટારગેટ 86 નમૂના લીધા નથી 85.1 2 ગોયેલ સાયંટીફીક 85.2/86.8 નમૂના લીધા નથી 85 3 ઇનવાક કાસ્ટ નમૂના લીધા નથી 88 85.1 4 શ્રી જગદંબા કોટન 94.3/95.9/86.2 નમૂના લીધા નથી 93.1/94.1 5 યુનીવર્સલ મેટલ 87 નમૂના લીધા નથી 85.1 6 અગ્રવાલ કોટસ્પીન નમૂના લીધા નથી 88 89/90 7 બેરીંગ ઉત્પાદન નમૂના લીધા નથી કાનૂની મર્યાદામાં કાનૂની મર્યાદામાં 8 એલ્મેક્સ ક્ન્ટૉર્લ નમૂના લીધા નથી કાનૂની મર્યાદામાં કાનૂની મર્યાદામાં 9 કોસ્મોસ નમૂના લીધા નથી કાનૂની મર્યાદામાં કાનૂની મર્યાદામાં 10 આર.કે,નેચરલ ફાઇબર નમૂના લીધા નથી 87 89/92 11 સાવન એંજી નમૂના લીધા નથી 89.2/102.2/86.1/85.4 86.2/87.7/85.4/89.1 12 વીજય ટેંક્સ એંડ વેસલ્સ 85.2/85.4 91/102.4/88.5 નમૂના લીધા નથી 13 બરોડા હાઇટેક 85.2/85.4/91.3/95.4/85.4/85.8 86.3 નમૂના લીધા નથી અવાજ માટે નિર્ધારીત કાનૂની મર્યાદાનું ઉલ્લંઘન
કોષ્ટક 3-ક
Year એવા એકમોની સંખ્યા જ્યાં અવાજનું પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં વધુ હતું. અવાજના નમુનાઓની સંખ્યા જેમાં અવાજનું પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં વધુ હતું. 2017 32 149 2018 28 086 2019 28 082 Total 88 317 ગુજરાત ફેક્ટરી નિયમોના ફેક્ટરી એક્ટ નિયમ 104 ની કલમ 89 હેઠળ માલિકોએ પોતાના કારખાનાના કામદારો પૈકી કોઇને વ્યાવસાયિક રોગ થયો હોય તો તેની સુચના ફોર્મ નં.૨૨માં ડાયરેક્ટર, ઇંડસ્ટ્રીયલ સેફ્ટી એંડ હેલ્થની કચેરીને આપવાની હોય છે
અમારી RTI અરજીના જવાબમાં અમને ફોર્મ 22 ની નકલો આપવામાં આવી હતી. અમને ફોર્મ 22 ની 92 નકલો પ્રાપ્ત થઈ હતી જે પુષ્ટિ કરે છે કે ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા 92 કામદારો અમુક અંશે સાંભળવાની ખોટથી પીડાતા જણાયા હતા.
શ્રમ અને રોજગાર મંત્રાલય, ગુજરાત સરકારને દર વર્ષે GDFASLI ને રિટર્ન સબમિટ કરવું જરૂરી છે અને તે સબમિશન તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અમે FAS સબમિશનમાંથી પણ કેટલીક માહિતી એકત્રિત કરી છે.
વિગતો નીચે મુજબ છે.
કોષ્ટક ૩ ખ
નં. એકમનું નામ સરનામું ઉત્પાદન વર્ષ અવાજના કેટલા નમૂના લીધા, તેનું મુલ્ય અને તારીખ અવાજને કારણે બહેરાશથી પીડાતા કામદારોની સંખ્યા 1 રત્નવીર સ્ટેઇનલેસ પ્રોડક્ટસ પ્રા.લી. જીઆઇડીસી મંજુસર સાવલી એન્જીનીયરીંગ 2014 2-95.2/96.8 on 04/10/2018 44 2 ગોયેલ સાયન્ટીફીકવર્ક્સ લી. સરદાર એસ્ટેટ, આજવા રોડ, વડોદરા કાચના સાધનો 2014 2 samples-85.5/86.8 on 15/07/2017 34 3 બાંકો એલ્યુમિનિયમ લી ભાયલી રેલ્વે સ્ટેશન પાસે, બીલ, પાદરા રોડ,વડોદરા એલ્યુમિનિયમ એક્સ્ટ્રુસન 2014 7-77.5/92.5/86.1/87.3/82.3/91.3 /103.2 on 14/02/19
10 4 ફીલીપ્સ ઇન્ડિયા લી. (વડોદરા લાઇટ ફેક્ટરી) વડોદરા – જંબુસર હાઇવે જીએલએસ ગોળા, ફ્લુરોસંટ ટ્યુબલાઇટ અને કાચના ગોળાનું ઉત્પાદન 2014 ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા 04 5 બંડી ઇંડીયા લી જીઆઇડીસી, મકરપુરા ડબલ કોટેડ નાના વ્યાસની સ્ટીલ ટ્યુબનું ઉત્પાદન 2020 ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા 06 6 ગ્રાસીમ ઇંડ.લી. –અદીતી બીરલા ઇંસ્યુલેટર્સ પોસ્ટઃ મગાસર, તા.હાલોલ, જીઃ પંચમહાલ સીરામીક ઇંસ્યુલેટર 2020 ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા 05 7 લક્ષ્મી ઇંડ. લી એફ્લુઅંટ ચેનલ રોડ એક્લબારા,પાદરા, જી.વડોદરા 2018 ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા 03 8 એપિકોર ફાર્મા ધોબીકુવા, તા.પાદરા, જી. વડોદરા 2019 ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા 10 હવે, ઉપરના કોષ્ટકમાંની માહિતીને સમજવા માટે રત્નવીર સ્ટેઇનલેસ પ્રોડક્ટસ પ્રા.લી.નો કેસ લો. 2014 માં DISH ને આ ફેક્ટરીના 44 કામદારો અવાજ પ્રેરિત બહેરાશથી પીડાતા જણાયા હતા અને જ્યારે તેઓ 2018માં ફરીથી ફેક્ટરીની મુલાકાત લે છે, ત્યારે કાનૂની મર્યાદાના ઉલ્લંઘનમાં, અવાજનું સ્તર હજી પણ 96.8 dB જેટલું ઊંચું છે. સવાલ એ છે કે 2014માં જ્યારે NIHLના આટલા મોટા પ્રમાણમાં કેસ નોંધાયા ત્યારે ફેક્ટરી સામે શું પગલાં લેવામાં આવ્યા? જો કોઈ પગલાં લેવામાં આવ્યા હોત અને તે પગલાં અસરકારક હોત, તો 2018માં તેઓએ લીધેલા બંને નમૂનાઓમાં અવાજની આવા ઉંચા પ્રમાણની નોંધ થઇ ન હોત. તે સ્પષ્ટ છે કે કાં તો કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અથવા પગલાં અસરકારક ન હતા. અમારું માનવું છે કે વર્ષ 2014થી 2018 વચ્ચેના વર્ષોમાં ઊંચો અવાજ ચાલુ રહ્યો હતો અને તેના કારણે કેટલાક વધુ કામદારો બહેરાશનો ભોગ બન્યા હોઈ શકે છે પરંતુ 2014 પછી બહેરાશના વધુ બનાવ અંગે સાંભળવા મળતું નથી. આ સૌથી આશ્ચર્યજનક છે. અમે 2014 પહેલાના અવાજના સ્તરને પણ જાણતા નથી જે કારણે 44 કામદારો બહેરાશનો ભોગ બન્યા હતા. શું તે સ્તર 2018ના સ્તરો કરતા વધારે હતું? અમારી પાસે વિગતો પણ નથી કે કયા મશીનો આટલા ઘોંઘાટવાળા છે અને વધુ અવાજનું કારણ શું છે? આ 44 કામદારોની બહેરાશનું સ્તર શું હતું? તેઓ કયા વય જૂથમાં હતા? તેમને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા કે નહીં? શું તેઓ વળતર માટેના તેમના અધિકારો વિશે જાણતા હતા? શું તેઓએ વળતરનો દાવો કર્યો હતો? જો દાવો કરવામાં આવ્યો હોય, તો દાવાની નિયતિ શું હતી? શું તેઓએ આ ફેક્ટરીમાં કેટલા સમય સુધી અને કયા વિભાગમાં તેમની નોકરી ચાલુ રાખી છે? આ સવાલોના જવાબ વધુ સંશોધન માગે છે.
ગોયલ સાયન્ટિફિક ગ્લાસ વર્ક્સ લિમિટેડનો પણ આવો જ કિસ્સો છે. 2014માં ફેક્ટરીમાં બહેરાશના 34 કેસ નોંધાયા હતા જે દર્શાવે છે કે પીડિતોને લાંબા સમય સુધી ઉંચા અવાજનો સામનો કરવો પડયો હતો. 2017માં જ્યારે નમૂના લેવામાં આવ્યા ત્યારે અવાજ 86.8 dB જેટલો ઊંચો હતો પરંતુ 2014 પછી બહેરાશના કોઈ કેસ નોંધાયા નથી. રત્નવીર સંદર્ભે જે પ્રશ્નો ઉભા થયા તે અહીં પણ ઉઠાવી શકાય છે.
બેન્કો એલ્યુમિનિયમ લિમિટેડમાં 2014માં ફેક્ટરી દ્વારા બહેરાશના 10 કેસ નોંધવામાં આવ્યા હતા અને 2019માં નોંધાયેલ અવાજ 103.2 dB છે. ફરીથી તમે રત્નવીર, ગોયલ સાયન્ટિફિક અને બેન્કો એલ્યુમિનિયમ વચ્ચે સમાનતા જોઇ શકો છો.
પરંતુ સમાનતા અહીં અટકે છે. ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડ (વડોદરા લાઇટ ફેક્ટરી)માં 2014માં અવાજને કારણૅ આવેલી બહેરાશના 4 બનાવ નોંધાયા હતા પરંતુ ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીએ 2017, 2018 અથવા 2019 દરમિયાન કોઈ નમૂનાઓ લીધા ન હતા. ખબર નથી કેમ.
હવે, ઉપલબ્ધ આંકડાઓ પરથી અમને જાણવા મળ્યું છે કે 2014માં બહેરાશના 92 કેસ, 2018માં 3, 2019માં 10 અને 2020માં 11 કેસ નોંધાયા છે. 3 વર્ષ માટે – 2015, 16 અને 2017 – કોઈ કેસ નોંધાયા નથી. 2014માં 92 કેસ નોંધાયા તેનું કારણ શું છે? શું કોઈ રાજકીય કારણો છે? શું એવો કોઈ વ્યક્તિગત ઉત્સાહી અધિકારી હતો જેણે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી કેટલીક ફેક્ટરીઓને બહેરાશના બનાવ નોંધવા મજબુર કર્યા? આગામી ત્રણ વર્ષ સુધી કેસ કેમ નહીં?
જો કે, સ્પષ્ટ છે કે, વ્યાવસાયિક રોગોને ઓળખવા અંગેની રાજ્યની નીતિ ઘણી નબળી જણાય છે. કેસોને ઓળખવા માટે માનવ સંસાધન જરૂરી છે.
હવે ચાલો જોઈએ કે આ 116 કામદારો કોણ હતા જેઓ બહેરાશથી પીડિત હતા. રત્નવીરે બહેરાશના 44 કેસ નોંધ્યા. તે તમામ ઓપરેટરો હતા. ઓપરેટરો પૈકી એક જુનિયર ઓપરેટર હતો. 44 માંથી 31-40 વર્ષની વયના 30 કામદાર હતા. સૌથી નાની ઉંમર 26 વર્ષની હતી. પ્રશ્ન એ છે કે આ યુવાને આટલી નાની ઉંમરે બહેરા થવા માટે કેટલા સમય સુધી વધુ અવાજમાં કામ કર્યું હશે?
કોષ્ટક 3 ગ
વયજુથ બહેરાશનો ભોગ બનનારની સંખ્યા હોદ્દો 26 – 30 06 તમામ ઓપરેટર 31 – 35 15 તમામ ઓપરેટર 36 – 40 15 તમામ ઓપરેટર તે પૈકી એક જુનીયર 41 – 46 07 તમામ ઓપરેટર ઉંમરની માહીતી નથી 01 ઓપરેટર Total 44 ગોયલ સાયન્ટિફિકે બહેરાશના 34 કેસ નોંધ્યા છે. 13 હેલ્પર હતા, 15 ગ્લાસ બ્લોઅર હતા. બાકીનામાં પ્રોડક્શન ઈન્ચાર્જ, જનરલ મેનેજર, Q.C. સહાયક., ઇલેક્ટ્રિશિયન, ડ્રાઇવર અને ગ્રાઇન્ડર હતા. જો જનરલ મેનેજર અથવા પ્રોડક્શન ઈન્ચાર્જ જેવા ઉચ્ચ હોદ્દા પરના લોકો પણ બહેરાશથી પીડિત જોવા મળતા હોય, તો તેની ઉંડી તપાસની જરૂર છે અને પ્રશ્નો ઉભા થાય છે. બહેરા બનનાર સૌથી યુવાન 21 વર્ષનો હેલ્પર હતો જ્યારે સૌથી વૃદ્ધ 60 વર્ષનો ગ્રાઇન્ડર હતો. 31-40 વય જૂથમાં 15 પીડિતો છે, જે સૌથી વધુ સંવેદનશીલ વય જૂથ છે. શું તેમની કોઈ નિવૃત્તિ વય છે? અમે જાણતા નથી. ઉપલબ્ધ ડેટા પરથી એવું લાગે છે કે ગ્લાસ બ્લોઅર ઉંચા અવાજના સંપર્કમાં આવે છે. શું તેમના સંપર્કમાં ઘટાડો કરવા માટે કોઈ તકનીક નથી?
બેન્કો એલ્યુમિનિયમે NIHLના 10 કેસ નોંધ્યા છે. સૌથી નાનો 20 વર્ષનો ઓપરેટર હતો જ્યારે સૌથી મોટો 53 વર્ષનો ઓપરેટર હતો. 10માંથી 5 ઓપરેટર, 4 હેલ્પર અને એક વર્કર હતા. અહીં વય જૂથ જે સૌથી વધુ સંવેદનશીલ છે તે 46-50 છે. 2019માં જ્યારે અવાજનું સ્તર માપવામાં આવ્યું ત્યારે તે 103.2 હતું. હજુ બીજા કેટલાને અસર થઈ હશે?
ફિલીપ્સ ઇન્ડિયા લી. માં બહેરાશના 4 કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી નાનો 32 વર્ષનો સુપરવાઈઝર હતો અને સૌથી મોટો 52 વર્ષનો કાર્યકર હતો. બાકીના બે અનુક્રમે 34 અને 42 વર્કર અને ટેકનિશિયન હતા. 2017, 2018 અને 2019 માં અવાજનું કોઈ સ્તર માપવામાં આવ્યું ન હતું.
2017, 2018 અને 2019માં નોંધાયેલા બહેરાશના 24 કેસોની અમારી પાસે કોઈ માહિતી નથી.
આ 116માંથી કેટલા કાયમી કર્મચારીઓ હતા અને કેટલા કોન્ટ્રાક્ટ કામદારો હતા? દલિત, ઓબીસી અને ઉચ્ચ જાતિના કેટલા હતા? આંતરરાજ્ય સ્થળાંતર કરનારા, રાજ્યના આંતરરાજ્ય સ્થળાંતર કરનારા અને સ્થાનિક કેટલા હતા? કેટલાએ તે પછી નોકરી ચાલુ રાખી અને કેટલાએ છોડી? આજે તેમની શી સ્થિતિ હશે?
આ લેખ વાંચીને કોઇ આ સવાલોના જવાબ શોધવા પ્રેરાય તેવી આશા રાખું.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M – +91 9426486855
-
ગુજરાતમાં, ગુજરાતીમાં થઈને વિસરાઈ ગયેલી એક ચર્ચા અંગ્રેજીમાં…
બીરેન કોઠારી
અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોના અનુવાદ થતા રહ્યા છે. સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઓછા. આવામાં કોઈ પુસ્તકને બદલે ચોક્કસ વિષય આધારિત લેખોનો અનુવાદ થાય તો નવાઈ લાગે. પણ વિષય જ એવો રસપ્રદ છે!
‘કુમાર’નું ગુજરાતી સામયિક જગતમાં એક સમયે આગવું સ્થાન હતું. ગુજરાતની બે-ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરમાં આ સામયિકની ભૂમિકા મહત્ત્વની બની રહી. અનેકાનેક વિષયો આ સામયિકમાં આલેખાતા. ખાસ કરીને બચુભાઈ રાવતના સંપાદક તરીકેના સમયગાળામાં આ સામયિકે આગવાં શીખર સર કર્યાં.
તેમાં વાચકોની સામેલગીરી સક્રિયપણે રહેતી. ‘વાચકો લખે છે’ વિભાગમાં ઘણી વાર ‘કુમાર’માં પ્રકાશિત લેખોની પૂરક વિગતો વાચકો પૂરી પાડતા.
૧૯૫૯થી ૧૯૬૪ અરસામાં તેમાં એક વિશિષ્ટ ચર્ચા ચાલતી રહી. ‘કુમાર’માં પ્રકાશિત થયેલા છ લેખોની ફરતે ચર્ચા થતી રહી, જેમાં અનેક વાચકોએ પોતાની રીતે ભાગ લીધો. આ ચર્ચામાં એક છેડે હતા કરાચીના કળાપ્રેમી સજ્જન ફિરોઝશા મહેતા, અને બીજી બાજુ હતા વડોદરાના કળાકાર, તસવીરકાર અને કળા વિદ્યાલયના પ્રાધ્યાપક જ્યોતિ ભટ્ટ.
આખી ચર્ચાનો મૂળ વિષય હતો કળામાં આધુનિકવાદ (Modernism) અથવા તો આધુનિક કળા (Modern Art). યુરોપનાં વિવિધ કળા સંગ્રહાલયોની મુલાકાત લઈ ચૂકેલા કળારસિક સજ્જન ફિરોઝશાએ ‘મોડર્નિઝમ’ને ‘સાડાપાંચિયો’ (સાડા પાંચ અક્ષરનો બનેલો શબ્દ) તરીકે સંબોધીને મૌલિકતા, નવિનતા અને અનન્યતાને નામે ચાલી રહેલી શૈલીની ટીકા કરી હતી અને આ રોગને ‘શૈલીઘેલછા’ તરીકે ઓળખાવ્યો હતો. પોતાની ટીકાના સમર્થનમાં તેમણે અનેક ઉદાહરણો ટાંક્યાં હતાં. Modernismને તેમણે Murdersim ગણાવ્યું હતું.
જ્યોતિ ભટ્ટે એવી દલીલ રજૂ કરી હતી કે આધુનિકતા કંઈ આજકાલની દેન નથી. એ તો કળાનાં મૂળભૂત મૂલ્યો સાથે પહેલેથી જ સંબંધિત છે. માત્ર ને માત્ર મુદ્દા આધારિત આ ચર્ચામાં અનેક વાચકો પણ ભાગ લેતા રહ્યા. જ્યોતિ ભટ્ટે અત્યંત સકારાત્મક રીતે પોતાના મુદ્દાઓને વિસ્તારીત કરીને સચિત્ર સમજાવ્યા. છ અંકમાં પ્રકાશિત લેખો પર થયેલી આ ચર્ચા આટલા લાંબા અંતરાલ સુધી ચાલતી રહે એ સૂચવે છે કે એમાંથી કેવું નવનીત નીતર્યું હશે.

(કળામાં વિ-ચિત્રતા સર્જાવાનું એક કારણ ‘રજૂઆત’ છે. એટલે કે પદાર્થને ક્યાંથી જુઓ છો એ મુજબ એ દેખાય અને ત્યારે એનું સ્વરૂપ વિકૃત થાય. આ બાબતની જ્યોતિ ભટ્ટ દ્વારા ઉદાહરણ સહિત સમજૂતિ) મહેમદાવાદનિવાસી મિત્ર વાસવી ઓઝા વડોદરામાં કળાશિક્ષણ પામીને, હૈદરાબાદ ખાતે પીએચ.ડી. કર્યા પછી બંગલૂરુમાં સંશોધન અને કળાશિક્ષણ સાથે સંકળાયેલાં છે. તેમણે ‘કુમાર’ના અંકોમાંની આ સામગ્રીને ખંતપૂર્વક એકઠી કરી. તેને સંકલિત કરી. તેનો અંગ્રેજી અનુવાદ કરીને એક જુદા જ વાચકવર્ગ સમક્ષ એ રજૂ કરવાનું નક્કી કર્યું. તેના આ પ્રયાસને Reliable copy નામના પ્રકાશકે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કર્યો.

(પુસ્તકના અંદરના પાનની એક ઝલક) ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ વડોદરા ખાતે આ પુસ્તકના વિમોચન નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજાયો. આમ, એક ગુજરાતી સામયિકમાં ધરબાઈ ગયેલી અનોખી વિગતો લોકોની સમક્ષ આવી. ફિરોઝશા મહેતા અને જ્યોતિ ભટ્ટના લેખો ઉપરાંત વાચકોના પત્રોને પણ આ પુસ્તકમાં સમાવાયા છે.

અત્યંત સુઘડ, નયનરમ્ય લેઆઉટ અને ડિઝાઈનવાળા આ પુસ્તકમાં કળારસિકો માટે મહત્ત્વની કહી શકાય એવી વિગતોને ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં સુદ્ધાં ભૂલાઈ ગયેલા ‘કુમાર’માંના આ વિષયને ગુજરાતી ઉપરાંતના વાચકો સુધી લઈ જવા બદલ વાસવી અને પ્રકાશક અભિનંદનને પાત્ર છે.
(પુસ્તકની વિગત: Modernism/Murderism: The Modern Art Debate in Kumar
Jyoti Bhatt, Pherozeshah Rustomji Mehta, and the readers of Kumar
Translated by Vasvi Oza, ₹ 950)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિચિત જગતની સમાંતરે બીજું જગત
મંજૂષા
વીનેશ અંતાણી
આપણા પરિચિત જગતની સમાંતરે બીજું એક જગત આવેલું હોય છે. ક્યારેક અકસ્માતે આપણને એની ઝલક મળી જાય છે, પરંતુ એ શું છે તે આપણે સમજી શકતાં નથી.
જાપાનના સુપ્રસિદ્ધ લેખક હારુકી મુરાકામીની ૨૦૧૮ના વર્ષમાં પ્રકાશિત થયેલી નવલકથા ‘કિલિન્ગ કોમેન્ડેટર’ના એક અંશ ‘વિન્ડ કેવ’માં કથાનાયક વર્ષો પહેલાં મૃત્યુ પામેલી એની નાની બહેનના અવસાનની વેદના ભૂલી શક્યો નથી તે વાત કેન્દ્રમાં છે. મુરાકામીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું: ‘આપણા ભાવજગત પર થયેલા જખમ ત્રણ પ્રકારના હોય છે. એક બહુ જલદી રુઝાઈ જાય છે, બીજાને થોડી વાર લાગે છે, જ્યારે ત્રીજા પ્રકારના જખમ જિંદગીભર આપણી સાથે રહે છે.’

Killing-commendatore by PhongLinh198 ‘વિન્ડ કેવ’ની વાર્તા આ પ્રમાણે છે. ભાઈ પંદર વર્ષનો હતો ત્યારે એનાથી ત્રણ વર્ષ નાની બહેન કોમિચિ મૃત્યુ પામી હતી. એને જન્મથી જ હાર્ટનો પ્રોબ્લેમ હતો. ભાઈને કોમિચિની ખૂબ ચિંતા રહેતી. એ એને બચાવી લેવા પોતાનો જીવ દેવા પણ તૈયાર હતો. કોમિચિ બાર વર્ષની થઈ ત્યારે એની તબિયત બગડી અને એ અવસાન પામી. એને સુંદર પોશાક પહેરાવીને કોફીનમાં મૂકવામાં આવી તે એનું છેલ્લું દર્શન હતું. એના મોઢા પર મૃત્યુની કોઈ નિશાની નહોતી, જાણે એ શાંતિથી સૂતી હોય અને જરાક જેટલી ઢંઢોળતાં બેઠી થઈ જશે.
કોમિચિને સાંકડા કોફીનમાં મૂકી તે ભાઈને ગમ્યું નહોતું. એને લાગે છે કે બહેનના શરીરને વિશાળ મેદાનમાં મૂકવું જોઈતું હતું. આજુબાજુ લીલું ઘાસ ઊગ્યું હોય અને હવામાં ફૂલોની સુગંધ આવતી હોય. બહેનની યાદ જીવતી રાખવા માટે ભાઈ એનાં ચિત્રો બનાવતો રહે છે અને કલ્પના કરતો રહે છે કે એ જીવતી હોત તો એણે કેવી સુંદર જિંદગી વિતાવી હોત.
એ કોમિચિની અંતિમક્રિયા જોઈ શક્યો ન હતો. દૂર ખસી ગયો હતો. સ્મશાનમાં બાંકડા પર એકલો બેસીને ખૂબ રડ્યો હતો. તે સમયે એને બે વર્ષ પહેલાં બનેલી એક ઘટના યાદ આવે છે. તે વખતે એની ઉંમર તેર વર્ષની હતી અને કોમિચી દસ વર્ષની. ભાઈબહેન જાપાનના માઉન્ટ ફૂજીમાં રહેતા મામા પાસે ગયાં હતાં. મામા એમને ફૂજી પર્વતમાં આવેલી વિન્ડ કેવ જોવા લઈ ગયા હતા. મામાએ સમજાવ્યું હતું કે ગુફાઓ બે પ્રકારની હોય છે – વિશાળ અને સાંકડી. વિશાળ ગુફામાં માણસો અંદર જઈ શકે છે, સાંકડી ગુફાનું પ્રવેશદ્વાર બહુ જ સાંકડું હોવાથી એમાં પ્રવેશ કરી શકાતો નથી. મામા અગાઉ ઘણી વાર ગુફામાં જઈ આવ્યા હતા એથી ભાઈબહેન એકલાં ગુફામાં ગયાં. ફલેશ લાઇટ સાથે હતી. આગળ જતાં ગુફાની છત નીચી થતી ગઈ. તે કારણે એમને વાંકાં વળીને ચાલવું પડ્યું હતું. ઠંડી વધી ગઈ હતી. ભાઈએ કોમિચિનો હાથ પકડી રાખ્યો હતો. બહુ અંદર ગયાં પછી કોમિચિએ ગુફાના ખડકમાં એક સાંકડી ગુફાનું સસલાના દર જેવું પ્રવેશદ્વાર જોયું. કોમિચિએ લુઇસ કેરોલની ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’ વાર્તા બહુ વાર વાંચી હતી. એમાં એલિસ નામની છોકરી અકસ્માતે સસલાના દર જેવી સાંકડી જગ્યાની પેલી બાજુ આવેલા વિસ્મયકારી પ્રદેશમાં પહોંચી જાય છે. કોમિચિ માનતી હતી કે એલિસનો વિસ્મયકારી પ્રદેશ વાર્તાકારની કલ્પના નથી, વાસ્તવમાં પણ એવી જગ્યા હોય છે.
કોમિચિ તે સાંકડી ગુફામાં અંદર જવાની હઠ કરે છે. એને એમ જ છે કે એની પાછળ પેલી વાર્તામાં વર્ણવ્યો છે તેવો વિસ્મયકારી પ્રદેશ આવેલો હશે. એ દૂબળી-પાતળી હોવાથી અત્યંત સાંકડા પ્રવેશદ્વારમાંથી અંદર ઘૂસી શકે છે. ભાઈ માટે તે શક્ય નથી. સાંકડી ગુફામાં પ્રવેશ કરતી કોમિચિ જાણે ધીરેધીરે ગાયબ થઈ રહી હતી. ઘણો સમય વીત્યા પછી પણ એ પાછી આવતી નથી. ભાઈને ચિંતા થાય છે. એ એના નામની બૂમો પાડતો રહે છે, પરંતુ અંદરથી જવાબ આવતો નથી. ડર લાગે છે કે એ હવે ક્યારેય પાછી આવશે નહીં. બહુ વાર પછી એનું માથું બહાર આવે છે, પછી આખું શરીર.
ઉત્તેજિત કોમિચિ કહે છે કે એ સાંકડા માર્ગમાંથી ગુફામાં ખૂબ ઊંડે સુધી પહોંચી ત્યાં એણે વિશાળ વર્તુળાકાર જેવી જગ્યા જોઈ. કોમિચિને લાગે છે કે એ જગ્યા એના માટે જ બનાવવામાં આવી હતી. કહે છે: ‘ત્યાં અપૂર્વ શાંતિ હતી. એટલું ગાઢ અંધારું હતું કે હું એને મારા હાથમાં પકડી શકું. મારું આખું શરીર અંધારામાં અલોપ થઈ ગયું હતું.’
વર્ષો પછી પણ ભાઈ એ વાત ભૂલી શક્યો ન હતો. એ વિચારે છે: કદાચ કોમિચિ પેલી ગુફામાં પ્રવેશી તે દિવસે જ એણે આ દુનિયા છોડી દીધી હતી. માત્ર હું માનતો હતો કે એ જીવે છે. એ સાંકડી ગુફાની અંદર આવેલા મૃત્યુલોકને જીવતાંજીવ અગાઉથી જોઈ આવી હતી.
‘વિન્ડ કેવ’ કથાના સર્જક હારુકી મુરાકામી કહે છે: ‘જીવન વિશે મારો બેઝિક ખ્યાલ છે કે આપણા પરિચિત જગતની સમાંતરે બીજું એક જગત આવેલું હોય છે. એ જગતનું માળખું કે એનો અર્થ શબ્દોમાં સમજાવી શકાતાં નથી, પરંતુ એ હોય છે. ક્યારેક અકસ્માતે આપણને એની ઝલક મળી જાય છે, પરંતુ એ શું છે તે આપણે સમજી શકતાં નથી.’
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
(૧૧૭) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૩ (આંશિક ભાગ –૩)
દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ
(શેર ૭ થી ૯)
(શેર ૪ થી ૬ થી આગળ)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)હર–બુન–એ–મૂ સે દમ-એ–જ઼િક્ર ન ટપકે ખ઼ૂઁ નાબ
હમજ઼ા કા ક઼િસ્સા હુઆ ઇશ્ક઼ કા ચર્ચા ન હુઆ (૭)[હર-બુન-એ-મૂ= દરેક બાલનો છેડો; દમ-એ-જ઼િક્ર= દમેદમનું રટણ; ખ઼ૂઁ= ખૂન; નાબ= શુદ્ધ, ચોખ્ખું; હમજ઼ા= સિંહ, બહાદુર, હજરત મહંમદ (સ.અ.વ.)ના કાકા]
રસદર્શન :
ગ઼ાલિબનો આ એક તલ્મીહ શબ્દયુક્ત શેર છે. જેમાં કોઈ ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તે શબ્દને તલ્મીહ કહે છે. આ શેરમાં ‘હમઝા’ તલ્મીહ શબ્દ છે. આવા શબ્દ વિષેની જાણકારી મેળવવામાં ન આવે ત્યાં સુધી એવો શેર સારી રીતે સમજાય નહિ. હમઝા હજરત મહંમદ (સ.અ.વ.)ના કાકા હતા અને તેઓ અમીર હમઝા તરીકે પણ ઓળખાતા હતા. તેઓ હજરત મહંમદ સાહેબને વિરોધીઓ સામે સાથ આપ્યો હતો. એક સ્વબચાવ માટેના યુદ્ધમાં તેઓ માર્યા ગયા હતા. વિરોધીઓના પક્ષની એક ઔરતે અમીર હમઝાના મૃતદેહને ચીરીને તેમનું કલેજું ચાવ્યું હતું અને આંતરડાંઓનો હાર બનાવીને પહેર્યો હતો. અગાઉના કોઈક યુદ્ધમાં અમીર હમઝાના હાથે પેલી ઔરતના ભાઈ અને પિતા માર્યા ગયા હતા તેના વેરની વસુલાત રૂપે તેણીએ ઉપરોક્ત હિચકારું કૃત્ય કર્યું હતું.
બીજું કે શેરના પ્રથમ મિસરામાં સાહિત્યના અતિશયોક્તિ અલંકારમાં વર્ણવાતી એક રૂઢિગત વાત એમ છે કે કોઈ પ્રેમીને પોતાનો પ્રેમ પામતાં જે કંઈ યાતનાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તેની દાસ્તાન રજૂ કરનાર કે સાંભળનારને એટલું બધું દર્દ આપતી હોય છે કે જાણે કે તેમના શરીરના બાલના છેડેથી લોહી ટપકવા માંડે! શરીરશાસ્ત્ર પ્રમાણે શરીર ઉપરના બાલ તેમનાં મૂળ થકી લોહીનું પોષણ તો જરૂર મેળવે, પણ શરીરની લોહીની નસોની જેમ બાલમાં લોહીનું વહન તો ન જ થાય. પરંતુ અહીં સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં સમજવું પડે કે બાલના છેડાઓમાંથી લોહી ટપકે છે.
આટલું સમજી લીધા પછી આપણે શેર ઉપર આવીએ. અહીં માશૂકને તેની માશૂકાનો પ્રેમ મેળવવામાં જે કંઈ કષ્ટ વેઠ્યું પડ્યું હતું તેનું બયાન કરતાં માથા અને શરીર ઉપરના બાલોમાંથી લોહી ટપકવા માંડે તેવી તે દર્દનાક હકીકત હોવા છતાં શ્રોતાઓ ઉપર તેની કોઈ અસર ન થાય તે માશૂકના મતે દુ:ખદ બાબત છે. મહેફિલમાં એકત્ર થયેલા માણસો ઉપર માશૂકની કરુણ કથનીનીની ધારી અસર થવી જોઈતી હતી અને માશૂકના ઈશ્ક અંગેની પૂછપરછ કે ચર્ચાઓ પણ થવી જોઈતી હતી. પરંતુ અફસોસ કે હમઝાના કિસ્સાને તો લોકોએ યાદ કર્યો, પણ માશૂકના ઈશ્કની દર્દભરી યાતનાઓ પરત્વે તો સૌ કોઈએ મૌન જ સેવ્યું. અહીં વ્યતિરેક અલંકાર બને છે જેમાં માશૂકના ઈશ્કની વેદનાઓને અમીર હમઝા સાથે થયેલા દુર્વ્યવહાર કરતાં ચડિયાતી બતાવાઈ છે. અહીં માશૂકનું માનવું છે કે અમીર હમઝાને તો શારીરિક યાતનાઓ વેઠવી પડી હતી અને તેમના માર્યા જવા સાથે જ એ યાતનાઓનો અંત આવી ગયો હતો. પરંતુ માશૂકને તો તેમના ઈશ્ક સબબે જે કોઈ મનોયાતનાઓ વેઠવી પડી છે તે તો પોતે જીવિત હોઈ જીવનભર દુ:ખ આપ્યા કરશે. આમ આ શેર મુજબ માશૂકના ઈશ્કની દાસ્તાન હમઝાના કિસ્સા કરતાં વધુ હૃદયદ્રાવક ગણાવી જોઈએ તેવું માશૂકને મન અપેક્ષિત છે.
ક઼તરા મેં દજલા દિખાઈ ન દે ઔર જુજ઼્વ મેં કુલ
ખેલ લડ઼કોં કા હુઆ દીદા–એ–બીના ન હુઆ (૮)[દજલા (Dijla)= નદી [દજલા એ ટાઈગ્રીસ (Tigris) નદીનું અન્ય ઓળખ નામ છે, જેને અહીં સામાન્ય અર્થમાં નદી માટે પ્રયોજવામાં આવેલ છે.]; જુજ઼્વ= કણ; કુલ= સંપૂર્ણ; દીદા-એ-બીના= નજરે ચઢવું, આંખે દેખાવું]
રસદર્શન :
આ શેરને ચર્ચાની એરણે લેતાં પહેલાં આપણે સૌ આપણા માધ્યમિક શિક્ષણને યાદ કરીએ તો ભૂમિતિમાં કેટલાક પ્રમેયો કોઈક પૂર્વધારણા મૂકીને સિદ્ધ કરવા માટે આગળ વધતા હતા અને છેવટે ખંડ = સમગ્ર એવું સમીકરણ આવતું હતું. ત્યાર પછી આપણે દલીલ આપતા હતા કે ખંડ સમગ્રની બરાબર થઈ શકે નહિ, માટે ‘આપણી ધારણા ખોટી છે’ એમ લખીને પ્રમેય પૂરો કરતા હતા. ગ઼ાલિબ આ શેરમાં ખંડ અને સમગ્રની વાત તો કરે છે, પણ તેનો નજરિયો કંઈક જુદો જ છે. અગાઉ ઉલ્લેખાયું તે મેથેમેટિક્સ હતું, તો અહીં સાહિત્ય છે. અહીં ગ઼ાલિબ પાણીના ટીપામાં નદી અને કણમાં સંપૂર્ણતાને સમજવાની વાત કરે છે. વળી આપણે વિજ્ઞાન ઉપર આવીએ તો નદીના પાણી અને પાણીના બિંદુનું બંધારણ તો એક સમાન H2O જ છે; પણ ટીપું એ ખંડ છે, જ્યારે નદી સમગ્ર છે. આમ ખંડ સમગ્રની બરાબર થઈ શકે નહિ.
પરંતુ ગ઼ાલિબ જુદા દૃષ્ટિકોણથી વિચારતાં કહે છે કે પાણીના બિંદુ અને સિંધુ જથ્થાની રીતે ભલે ભિન્ન લાગે, પણ તાત્ત્વિક રીતે જોતાં એ સમાન જ છે. આમ નાના કે મોટા પદાર્થોની જેમ નાની કે મોટી વ્યક્તિઓને પણ સમાન ગણવાં જોઈએ. આ માટે ગ઼ાલિબ પહેલા મિસરામાં કતરા (ટીપું) અને દજલા (નદી) તથા જુજ્વ (કણ) અને કુલ (સંપૂર્ણ)નાં દૃષ્ટાંતો આપીને બીજા મિસરામાં વ્યંગમાં કહે છે કે જો જોનારની આવી દૂરગામી અને વિશાળ દૃષ્ટિ ન હોય તો પછી એ તો નાનાં છોકરાંના ખેલ જેવું સાબિત થશે, નહિ કે આંખથી સ્પષ્ટ પરખાય તેવું હકીકતી! નાનાં છોકરાંમાં તેમની અપરિપક્વતાના કારણે તેમની રમતોમાં કે તેમના દૃષ્ટિકોણમાં વાસ્તવિકતાઓ, ગંભીરતાઓ અને ઊંડાણનો અભાવ હોય છે તેથી તેમનામાં મોટેરાંઓ જેવી સમજની અપેક્ષા રાખવી વ્યર્થ છે. આમ ગ઼ાલિબ પરોક્ષ રીતે વિશાળ દૃષ્ટિ ન ધરાવતાં મોટેરાંને નાનાં છોકરાં જેવાં ગણાવે છે. ગુજરાતી ભક્તકવિ નરસિંહ મહેતા પણ પોતાના એક પદમાં ઈશ્વરના સર્વવ્યાપીપણાને સમજાવતાં કહે છે, ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’. આમ ગ઼ાલિબ બીજમાં વૃક્ષ જોવાની જેમ જ બિંદુમાં સિંધુ અને કણમાં મણ જોવાની વાત ચર્ચે છે.
થી ખ઼બર ગર્મ કિ ‘ગ઼ાલિબ‘ કે ઉડ઼ેંગે પુર્જ઼ે
દેખને હમ ભી ગએ થે પ તમાશા ન હુઆ (૯)[પુર્જ઼ે= ટુકડા; પ= પણ; ગર્મ ખ઼બર= તાજી ખબર, સનસનીખેજ ખબર; ઉડ઼ેંગે પુર્જ઼ે= જાહેરમાં ઉધડો લેવાવો]
રસદર્શન :
ગ઼ઝલનો આ મક્તા શેર છે, જે રમૂજી પણ છે અને તેમાં રહેલા વ્યંગની વિચારણા માગી લે તેવો પણ છે. વળી અહીં ગ઼ાલિબ બેવડી ભૂમિકા (Double Role) ભજવતા લાગે છે, પણ તે ચાલાકી પૂર્વક ધારેલો તમાશો ન થયો હોવાનું જણાવીને ડુપ્લીકેટ (!) ગ઼ાલિબની ઉપસ્થિતિને દર્શાવવાનું ટાળે પણ છે. ગ઼ાલિબ કહે છે એવી સનસનીખેજ ખબર હતી કે આજે ચોરાહા ઉપર જાહેરમાં અને લોકોની ઉપસ્થિતિમાં તેમનો ઉધડો લેવાવાનો છે. (શરીરના પુર્જા-અવયવો ઊડવા એ રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે કોઈનો જાહેરમાં ઉધડો લેવાવો.). હવે બીજા મિસરામાં ગ઼ાલિબ જાણે કે મલકતા મુખે કહેતા હોય તેમ જણાવે છે કે ‘અમે પણ તે તમાશો જોવા ગયા હતા, પણ તમાશો થયો જ નહિ!’
આ શેરના ઉપરોક્ત અર્થઘટનથી શેર તમામ થતો નથી, કેમ કે અહીં ‘ગ઼ાલિબનો શા માટે ઉધડો લેવાવાનો છે તે અધ્યાહાર છે. ભાવકે કલ્પના કરવાની રહે છે કે ગ઼ાલિબ એવા કયા ગુનામાં સપડાયા હશે અથવા તેમની શી ભૂલ થઈ હશે કે જેના કારણે જાહેરમાં તેમની ઈજ્જતના ધજાગરા ઊડવાના છે. આમાં ગ઼ાલિબને જાહેરમાં બદનામ કરવાનો મલિન ઈરાદો ધરાવતા ઈસમો કે ઈસમ ત્રણ પ્રકારના હોઈ શકે. (૧) ગ઼ાલિબના હરીફ શાયરો (૨) ગ઼ાલિબની માશૂકા (૩) લેણદારો. આ ત્રણેય પ્રકારના સંભવિત ઈસમોનાં ગ઼ાલિબને બદનામ કરવાનાં કારણો જુદાં જુદાં હોઈ શકે, પણ આપણે તેમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. અહીં શાયરની કલ્પનામાં મઢાયેલો આ શેર છે અને શાયરના કહેવાના અંદાજમાં રહેલી વિશિષ્ઠતાને જ આપણે સમજવાની છે અને માણવાની છે.
(સંપૂર્ણ)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે
-
સાઈકલના ઉત્પાદનમાં અગ્રેસર ભારત વપરાશમાં પાછળ છે.
નિસબત
ચંદુ મહેરિયા
મુંબઈના ડબ્બાવાળાઓએ શહેરના માર્ગો પર અલગ સાઈકલ લેનની માંગ કરી છે. મહાનગર મુંબઈની જીવનરેખાસમા પાંચ હજાર ડબ્બાવાળાઓ રોજ બે લાખ વેપારીઓ અને નોકરિયાતોને તેમના ઘરેથી બપોરના ખાણાનું ટિફિન મેળવીને કાર્યસ્થળે પહોંચાડે છે. આ કામ માટે બાણું ટકા ડબ્બાવાળાઓ પર્યાવરણરક્ષક કે પૂરક એવી સાઈકલનો ઉપયોગ કરે છે. તેમાંથી ત્રેસઠ ટકા રોજનું સરેરાશ બાર કિલોમીટરનું સાઈકિલિંગ કરે છે. મુંબઈના ભરચક ટ્રાફિક વચ્ચે સમયસર પહોંચવું પડકાર છે. એટલે તે સ્વતંત્ર સાઈકલ ટ્રેક માંગે છે. જોકે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, મુંબઈમાં જમીનની ખેંચના કારણે, અલગ સાઈકલ લેનની માંગણી નકારે છે.
નીતિ આયોગનો કોરોના મહામારી પૂર્વેનો માર્ચ-૨૦૨૦નો રિપોર્ટ જણાવે છે કે આજે પણ દેશના વીસ કરોડ શ્રમિકોને તેમના કામના ઠેકાણે જવા-આવવા દરરોજ લગભગ દસ કિલોમીટર ચાલવું પડે છે. કેમ કે સસ્તી અને સરળ ગણાતી સાઈકલ પણ તેમને પોસાતી નથી ! ભારતમાં વરસે સરેરાશ ૨.૨ કરોડ સાઈકલોનું ઉત્પાદન થાય છે. છેલ્લી ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૧૧.૧ કરોડ લોકો (૪૫ કરોડ કુટુંબો) પાસે સાઈકલ હતી. તેના પરથી લાગે છે કે દેશ સાઈકલના ઉત્પાદનમાં જેટલો અગ્રેસર છે (ચીન પછીનું બીજું સ્થાન) તેટલો વપરાશમાં નથી.
જાહેર પરિવહનમાં કોવિડના સંક્રમણનો ખતરો રહેતો હોઈ તેનાથી બચવા મહામારીના ગાળામાં સાઈકલનો વપરાશ વધ્યો હતો ખરો પણ તે કાયમી ના બની શક્યો. ૨૦૨૧માં ૧.૨ કરોડ સાઈકલો વેચાઈ તો ૨૦૨૦માં ૭૦ વરસ જૂની અને વાર્ષિક ૪૦ હજાર સાઈકલો બનાવતી એટલસ કંપની બંધ પણ થઈ ગઈ હતી. સાઈકલ ઉત્પાદકોનો આશાવાદ ૨૦૨૫ સુધીમાં વાર્ષિક પાંચ કરોડ સાઈકલોની જરૂરિયાત ઉભી થવાનો છે. તે ફળીભૂત થાય તેવી આશા સાથે એ પણ હકીકત છે કે દર એક હજારની વસ્તીએ નેધરલેન્ડમાં ૧૧૦૦, જાપાનમાં ૭૦૦, ચીનમાં ૩૦૦ જ્યારે ભારતમાં ૯૦ સાઈકલો છે.

સાઈકલ માનવચાલિત કે પગથી પેડલ મારીને ચલાવાતું પરિવહનનું હલકું અને કિફાયતી સાધન છે. તેની ખરીદી અને મરામત સસ્તી છે. તે સરળ, સામાન્ય, વિશ્વસનીય, પર્યાવરણને અનુકૂળ એવું અંગત પરિવહનનું સાધન છે. શાળાએ જતા બાળકો માટે તે સલામત મનાય છે. એક સંશોધન મુજબ નાના શહેરોમાં કોઈપણ વાહનમાં દૈનિક સરેરાશ અઢી થી ચાર અને મધ્યમ તથા મોટા શહેરોમાં ચારથી સાત કિલોમીટરનો પ્રવાસ કરવાનો થાય છે. આ માટે ઈંધણરહિત સાઈકલ સૌથી સારું સાધન છે. તેનાથી કાર્બન ઉત્સર્જન ઉપરાંત વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણની જાળવણી થાય છે. સાઈકિલિંગ આરોગ્યની જાળવણી માટે લાભકારક છે. સાઈકલ ચલાવવી એક સારો વ્યાયામ છે. સાઈકલ ચલાવતા કલાકના ૭૦ ગ્રામ ચરબી ઘટે છે.
આઝાદી પછીના ચારેક દાયકા સુધી સાઈકલ પરિવહનનું એકમાત્ર સાધન હતું. ભારતના આરંભિક આર્થિક વિકાસમાં સાઈકલનું મહત્વનું યોગદાન છે.ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સિટ્યૂટ, ટેરી(TERI)ના અભ્યાસ મુજબ ટૂંકા અંતર માટે સાઈકલના ઉપયોગથી અર્થવ્યવસ્થામાં રૂ. ૧૮,૦૦૦ કરોડનો ફાયદો થાય છે. પેટ્રોલ કે ડિઝલચાલિત વાહનો માટે આપણે કાચા તેલની આયાત કરવી પડે છે. જો સાઈકલનો ઉપયોગ વધે તો ઈંધણની આયાત ઘટે અને વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે. એકલા લુધિયાણામાં જ સાઈકલ સંબંધિત ૪૦૦૦ લઘુ અને મધ્યમ કારખાનામાં ૧૦ લાખ લોકોને રોજી મળે છે. જો સરકાર અને સમાજ સાઈકલનો વપરાશ વધારવા કટિબધ્ધ થાય તો રોજગારીમાં ઘણો વધારો થઈ શકે તેમ છે.
સાઈકલના આટઆટલા લાભ છે તો તેનો વપરાશ કેમ વધતો નથી? એક કારણ તો ભારતના રસ્તા સાઈકલને અનુકૂળ નથી.માર્ગ અકસ્માતો માટે ૭૫ ટકા કરતાં અધિક દોષ મોટરવાહનોનો હોય છે જ્યારે સાઈકલસવારોની ભૂલ માત્ર ૬ ટકા જ હોય છે. ભારતમાં માર્ગ નિર્માણ મોટા વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. જે કેટલાક શહેરોમાં સાઈકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે તે રોજિંદા ઉપયોગ કરનારાઓના નહીં, વ્યાયામ માટે સાઈકલસવારી કરનારાઓના લાભાર્થે કર્યું છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સરકારે એશિયાના સૌથી લાંબા (૨૦૦ કિ.મી.) સાઈકલ પથનું લખનૌ, નોઈડા અને ગાજિયાબાદમાં નિર્માણ કર્યું હતું. તેના મૂળમાં લોકોની જરૂરિયાત કરતાં પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાઈકલને અમર કરવાનો હેતુ હતો. આજે તે બિનઉપયોગી થઈ ગયો છે.
કંપનીઓ ઈંધણચાલિત બે કે ચાર પૈડાના વાહનો માટે લોન આપે છે પરંતુ દેશના ૨૦ કરોડ લોકોને સાઈકલની જરૂર છે પરંતુ તે માટેની ખરીદશક્તિ નથી. તેમ છતાં તેમને કોઈ લોન કે સબસિડી અપાતી નથી.ઘણી રાજ્ય સરકારો શાળા છોડી જતાં કિશોરોનું પ્રમાણ ઘટાડવા મફત સાઈકલોનું વિતરણ કરે છે. તેનાથી સાઈકલનું વેચાણ વધે છે પરંતુ વપરાશ વધ્યાનું જણાતું નથી. એકવીસમી સદીના પહેલા દાયકામાં (૨૦૦૧ થી ૨૦૧૧) દેશમાં મોટરકારો અને ટુવ્હીલરની સંખ્યા અનુક્રમે ૨.૪ અને ૨.૩ ટકા વધી હતી.પરંતુ સાઈકલોની ખરીદી ૧.૩ ટકા જ વધી અને તે પણ સરકારી ખર્ચે વિધ્યાર્થીઓને નિ:શુલ્ક સાઈકલ વિતરણને લીધે. ૨૦૧૧થી ૨૦૨૦માં ગ્રામીણ ભારતમાં સાઈકલનો ઉપયોગ ત્રણ ટકા( ૪૩ થી ૪૬ ) વધ્યો છે. પરંતુ શહેરી ભારતમાં ચાર ટકા ( ૪૬ થી ૪૨ ) ઘટ્યો છે.
સાઈકલનો ઈતિહાસ લગભગ બસો-અઢીસો વરસોનો છે. ભારતમાં સાઈકલ અંગ્રેજોની દેન છે. ઈ.સ. ૧૯૧૦માં અંગ્રેજોએ ઈંગ્લેન્ડથી ૩૫,૦૦૦ સાઈકલો મંગાવીને વેચી હતી. ઈ.સ. ૧૯૪૨માં મુંબઈમાં હિંદ સાઈકલનું સૌ પ્રથમ નિર્માણ થયું હતું. વરસો સુધી હીરો કંપનીની સાઈકલો સાઈકલનો પર્યાય મનાતી હતી. હીરો કંપનીના માલિક મુંજાલ પરિવાર છે. તેની બીજી પેઢીના સુનીલકાન્ત મુંજાલ લિખિત કિતાબ ‘ધ મેકિંગ ઓફ હીરો’માં જણાવ્યા પ્રમાણે ભાગલા પૂર્વે પાકિસ્તાન છોડી ભારત આવી વસેલા મુંજાલપરિવારે મૂળે પાકિસ્તાનના કરીમ દીનની સાઈકલની ગાદીઓ બનાવતી કંપનીનું નામ હીરો મેળવ્યું હતું અને પછીથી તેમણે એ જ નામે સાઈકલોનું ઉત્પાદન કર્યું છે.
દુનિયાના અન્ય દેશોમાં જેટલો સાઈકલનો ઉપયોગ અને આકર્ષણ છે તેટલો ભારતમાં નથી. નેધરલેન્ડમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. રાજધાની એમ્સટર્ડમમાં તો અંગત પરિવહન માટે માત્ર સાઈકલના જ ઉપયોગની મંજૂરી છે. તેલસમૃધ હોવા છતાં સંયુક્ત અરબ અમિરાતે દુબઈમાં સાઈકિલિંગ માટે ૯૫ કિ.મી લાંબો ઈનડોર સુપર હાઈવે બનાવ્યો છે. ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં સૌથી લાંબો સાઈકલ ટ્રેક વિકસિત થઈ રહ્યો છે.
ભારતની સામજિક-આર્થિક સ્થિતિ સાઈકલના ઉપયોગને માફક આવે તેવી છે. સાઈકલ મહિલામુક્તિનુ વિરાટ કદમ છે. પરંતુ રસ્તા તેને અનુરૂપ નથી. સાઈકલ માટે પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ, રસ્તા પરના ખાડા, વરસાદનું પાણી, રસ્તાની મરામતના ધાંધિયા અને બંધ સ્ટ્રીટલાઈટ પણ સાઈકલના વપરાશને અવરોધે છે. ખતરનાક વાયુ પ્રદૂષણથી બચવા માટે સાઈકલનું ચલણ વધારવું જોઈએ.. દૂધવાળા, ફેરિયા, છાપાવાળા અને ટપાલીઓએ ભલે હવે સાઈકલોને બદલે મોટરસાઈકલો વાપરવા માંડી હોય, ઓછી કે મધ્યમ આવકના વ્યવસાયીઓ માટે સાઈકલ આજેય જીવિકોપાર્જનનું સાધન બની શકે છે.
૨૦૧૮થી દર વરસની ત્રીજી જૂનનો દિવસ વિશ્વ સાઈકલ દિવસ તરીકે મનાવાયા છે. તેનો ઉદ્દેશ રાષ્ટ્રના વિકાસમાં સાઈકલનું મહત્વ સ્થાપિત કરી તેની સામેલગીરી અને વપરાશ વધારવાનો છે. પણ સાઈકલ દિનની ઉજવણી સાઈક્લોથોન કે સાઈકિલિંગની સ્પર્ધામાં સમેટાઈ ગઈ છે.
૨૦૧૬ની રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિમાં સાઈકલ જેવા બિનમોટરવાહનના ઉપયોગમાં વૃધ્ધિ પર ભાર મુકાયો છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશનમાં સાઈકલ ટ્રેકના નિર્માણને પ્રાધાન્ય અપાયું છે. ૨૦૧૯માં સાઈકલ ઉધ્યોગના વિકાસ માટે સરકારે વિકાસ પરિષદ સ્થાપીને વૈશ્વિક માપદંડો મુજબની સાઈકલોનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. આ સઘળા પ્રયાસો સાઈકલને સાર્વજનિક પરિવહનનો વિકલ્પ બનાવવા અને સાઈકલનો ઉપયોગ વધારવા માટેના છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

