નિસબત

ચંદુ મહેરિયા

મુંબઈના ડબ્બાવાળાઓએ શહેરના માર્ગો પર અલગ સાઈકલ લેનની માંગ કરી છે. મહાનગર મુંબઈની જીવનરેખાસમા પાંચ હજાર ડબ્બાવાળાઓ રોજ  બે લાખ વેપારીઓ અને નોકરિયાતોને તેમના ઘરેથી બપોરના ખાણાનું ટિફિન મેળવીને કાર્યસ્થળે પહોંચાડે છે. આ કામ માટે બાણું ટકા ડબ્બાવાળાઓ પર્યાવરણરક્ષક કે પૂરક એવી સાઈકલનો ઉપયોગ કરે છે. તેમાંથી ત્રેસઠ ટકા રોજનું સરેરાશ બાર કિલોમીટરનું સાઈકિલિંગ કરે છે. મુંબઈના ભરચક ટ્રાફિક વચ્ચે સમયસર પહોંચવું પડકાર છે. એટલે તે સ્વતંત્ર સાઈકલ ટ્રેક માંગે છે. જોકે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, મુંબઈમાં જમીનની ખેંચના કારણે, અલગ સાઈકલ લેનની માંગણી નકારે છે.

નીતિ આયોગનો કોરોના મહામારી પૂર્વેનો માર્ચ-૨૦૨૦નો રિપોર્ટ જણાવે છે કે આજે પણ દેશના વીસ કરોડ શ્રમિકોને તેમના કામના ઠેકાણે જવા-આવવા  દરરોજ લગભગ દસ કિલોમીટર ચાલવું પડે છે. કેમ કે સસ્તી અને સરળ ગણાતી સાઈકલ પણ તેમને પોસાતી નથી ! ભારતમાં વરસે સરેરાશ ૨.૨ કરોડ સાઈકલોનું ઉત્પાદન થાય છે. છેલ્લી ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૧૧.૧ કરોડ લોકો (૪૫ કરોડ કુટુંબો) પાસે સાઈકલ હતી. તેના પરથી લાગે છે કે દેશ સાઈકલના ઉત્પાદનમાં જેટલો અગ્રેસર છે (ચીન પછીનું બીજું સ્થાન) તેટલો વપરાશમાં નથી.

જાહેર પરિવહનમાં કોવિડના સંક્રમણનો ખતરો રહેતો હોઈ તેનાથી બચવા મહામારીના ગાળામાં સાઈકલનો વપરાશ વધ્યો હતો ખરો પણ તે કાયમી ના બની શક્યો. ૨૦૨૧માં ૧.૨ કરોડ સાઈકલો વેચાઈ તો ૨૦૨૦માં ૭૦ વરસ જૂની અને વાર્ષિક ૪૦ હજાર સાઈકલો બનાવતી એટલસ કંપની બંધ પણ થઈ ગઈ હતી. સાઈકલ ઉત્પાદકોનો આશાવાદ ૨૦૨૫ સુધીમાં વાર્ષિક પાંચ કરોડ સાઈકલોની જરૂરિયાત ઉભી થવાનો છે. તે ફળીભૂત થાય તેવી આશા સાથે એ પણ હકીકત છે કે દર એક હજારની વસ્તીએ નેધરલેન્ડમાં ૧૧૦૦, જાપાનમાં ૭૦૦, ચીનમાં ૩૦૦ જ્યારે ભારતમાં ૯૦ સાઈકલો છે.

સાઈકલ માનવચાલિત કે પગથી પેડલ મારીને ચલાવાતું પરિવહનનું હલકું અને કિફાયતી સાધન છે. તેની ખરીદી અને મરામત સસ્તી છે. તે સરળ, સામાન્ય, વિશ્વસનીય, પર્યાવરણને અનુકૂળ એવું અંગત પરિવહનનું સાધન છે.  શાળાએ જતા બાળકો માટે તે સલામત મનાય છે. એક સંશોધન મુજબ નાના શહેરોમાં કોઈપણ વાહનમાં દૈનિક સરેરાશ અઢી થી ચાર અને મધ્યમ તથા મોટા શહેરોમાં ચારથી સાત કિલોમીટરનો પ્રવાસ કરવાનો થાય છે. આ માટે ઈંધણરહિત સાઈકલ સૌથી સારું સાધન છે. તેનાથી કાર્બન ઉત્સર્જન ઉપરાંત વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણની જાળવણી થાય છે. સાઈકિલિંગ આરોગ્યની જાળવણી માટે લાભકારક છે. સાઈકલ ચલાવવી એક સારો વ્યાયામ છે. સાઈકલ ચલાવતા કલાકના ૭૦ ગ્રામ ચરબી ઘટે છે.

આઝાદી પછીના ચારેક દાયકા સુધી સાઈકલ પરિવહનનું એકમાત્ર સાધન હતું. ભારતના આરંભિક આર્થિક વિકાસમાં સાઈકલનું મહત્વનું યોગદાન છે.ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સિટ્યૂટ, ટેરી(TERI)ના અભ્યાસ મુજબ ટૂંકા અંતર માટે સાઈકલના ઉપયોગથી અર્થવ્યવસ્થામાં રૂ. ૧૮,૦૦૦ કરોડનો ફાયદો થાય છે. પેટ્રોલ કે ડિઝલચાલિત વાહનો માટે આપણે કાચા તેલની આયાત કરવી પડે છે. જો સાઈકલનો ઉપયોગ વધે તો ઈંધણની આયાત ઘટે અને વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે. એકલા લુધિયાણામાં જ સાઈકલ સંબંધિત ૪૦૦૦ લઘુ અને મધ્યમ કારખાનામાં ૧૦ લાખ લોકોને રોજી મળે છે. જો સરકાર અને સમાજ સાઈકલનો વપરાશ વધારવા કટિબધ્ધ થાય તો રોજગારીમાં ઘણો વધારો થઈ શકે તેમ છે.

સાઈકલના આટઆટલા લાભ છે તો તેનો વપરાશ કેમ વધતો નથી? એક કારણ તો ભારતના રસ્તા સાઈકલને અનુકૂળ નથી.માર્ગ અકસ્માતો માટે ૭૫ ટકા કરતાં અધિક દોષ મોટરવાહનોનો હોય છે જ્યારે સાઈકલસવારોની ભૂલ માત્ર ૬ ટકા જ હોય છે. ભારતમાં માર્ગ નિર્માણ મોટા વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. જે કેટલાક શહેરોમાં સાઈકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે તે રોજિંદા ઉપયોગ કરનારાઓના નહીં, વ્યાયામ માટે સાઈકલસવારી કરનારાઓના લાભાર્થે કર્યું છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની  સરકારે એશિયાના સૌથી લાંબા (૨૦૦ કિ.મી.) સાઈકલ પથનું લખનૌ, નોઈડા અને ગાજિયાબાદમાં નિર્માણ કર્યું હતું. તેના મૂળમાં લોકોની જરૂરિયાત કરતાં પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાઈકલને અમર કરવાનો હેતુ હતો. આજે તે બિનઉપયોગી થઈ ગયો છે.

કંપનીઓ ઈંધણચાલિત બે કે ચાર પૈડાના વાહનો માટે લોન આપે છે પરંતુ દેશના ૨૦ કરોડ લોકોને સાઈકલની જરૂર છે પરંતુ તે માટેની ખરીદશક્તિ નથી. તેમ છતાં તેમને કોઈ લોન કે સબસિડી અપાતી નથી.ઘણી રાજ્ય સરકારો શાળા છોડી જતાં કિશોરોનું પ્રમાણ ઘટાડવા મફત સાઈકલોનું વિતરણ કરે છે. તેનાથી સાઈકલનું વેચાણ વધે છે પરંતુ વપરાશ વધ્યાનું જણાતું નથી. એકવીસમી સદીના પહેલા દાયકામાં (૨૦૦૧ થી ૨૦૧૧) દેશમાં મોટરકારો અને ટુવ્હીલરની સંખ્યા અનુક્રમે ૨.૪ અને ૨.૩ ટકા વધી હતી.પરંતુ સાઈકલોની ખરીદી ૧.૩ ટકા જ વધી અને તે પણ  સરકારી ખર્ચે વિધ્યાર્થીઓને નિ:શુલ્ક સાઈકલ વિતરણને લીધે. ૨૦૧૧થી ૨૦૨૦માં ગ્રામીણ ભારતમાં સાઈકલનો ઉપયોગ ત્રણ ટકા( ૪૩ થી ૪૬ ) વધ્યો છે. પરંતુ શહેરી ભારતમાં ચાર ટકા ( ૪૬ થી ૪૨ ) ઘટ્યો છે.

સાઈકલનો ઈતિહાસ લગભગ બસો-અઢીસો વરસોનો છે. ભારતમાં સાઈકલ અંગ્રેજોની દેન છે. ઈ.સ. ૧૯૧૦માં અંગ્રેજોએ ઈંગ્લેન્ડથી ૩૫,૦૦૦ સાઈકલો મંગાવીને વેચી હતી. ઈ.સ. ૧૯૪૨માં મુંબઈમાં હિંદ સાઈકલનું સૌ પ્રથમ નિર્માણ થયું હતું. વરસો સુધી હીરો કંપનીની સાઈકલો સાઈકલનો પર્યાય મનાતી હતી. હીરો કંપનીના માલિક મુંજાલ પરિવાર છે. તેની બીજી પેઢીના સુનીલકાન્ત  મુંજાલ લિખિત કિતાબ ‘ધ મેકિંગ ઓફ હીરો’માં જણાવ્યા પ્રમાણે ભાગલા પૂર્વે પાકિસ્તાન છોડી ભારત આવી વસેલા મુંજાલપરિવારે મૂળે પાકિસ્તાનના કરીમ દીનની સાઈકલની ગાદીઓ બનાવતી કંપનીનું નામ હીરો મેળવ્યું હતું અને પછીથી તેમણે એ જ નામે સાઈકલોનું ઉત્પાદન કર્યું છે.

દુનિયાના અન્ય દેશોમાં જેટલો સાઈકલનો ઉપયોગ અને આકર્ષણ છે તેટલો  ભારતમાં નથી. નેધરલેન્ડમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. રાજધાની એમ્સટર્ડમમાં તો  અંગત પરિવહન માટે માત્ર સાઈકલના જ ઉપયોગની મંજૂરી છે. તેલસમૃધ હોવા છતાં સંયુક્ત અરબ અમિરાતે દુબઈમાં  સાઈકિલિંગ માટે ૯૫ કિ.મી લાંબો ઈનડોર સુપર હાઈવે બનાવ્યો છે. ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં સૌથી લાંબો સાઈકલ ટ્રેક વિકસિત થઈ રહ્યો છે.

ભારતની સામજિક-આર્થિક સ્થિતિ સાઈકલના ઉપયોગને માફક આવે તેવી છે. સાઈકલ મહિલામુક્તિનુ વિરાટ કદમ છે. પરંતુ રસ્તા તેને અનુરૂપ નથી. સાઈકલ માટે  પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ, રસ્તા પરના ખાડા, વરસાદનું પાણી, રસ્તાની મરામતના ધાંધિયા અને બંધ સ્ટ્રીટલાઈટ પણ સાઈકલના વપરાશને અવરોધે છે. ખતરનાક વાયુ પ્રદૂષણથી બચવા માટે સાઈકલનું ચલણ વધારવું જોઈએ.. દૂધવાળા, ફેરિયા, છાપાવાળા અને ટપાલીઓએ ભલે હવે સાઈકલોને બદલે મોટરસાઈકલો વાપરવા માંડી હોય, ઓછી કે મધ્યમ આવકના વ્યવસાયીઓ માટે સાઈકલ આજેય જીવિકોપાર્જનનું સાધન બની શકે છે.

૨૦૧૮થી દર વરસની ત્રીજી જૂનનો દિવસ વિશ્વ સાઈકલ દિવસ તરીકે મનાવાયા  છે. તેનો ઉદ્દેશ રાષ્ટ્રના વિકાસમાં સાઈકલનું મહત્વ સ્થાપિત કરી તેની સામેલગીરી અને વપરાશ વધારવાનો છે. પણ સાઈકલ દિનની ઉજવણી સાઈક્લોથોન કે સાઈકિલિંગની સ્પર્ધામાં સમેટાઈ ગઈ છે.

૨૦૧૬ની રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિમાં સાઈકલ જેવા બિનમોટરવાહનના ઉપયોગમાં વૃધ્ધિ પર ભાર મુકાયો છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશનમાં સાઈકલ ટ્રેકના નિર્માણને પ્રાધાન્ય અપાયું છે. ૨૦૧૯માં સાઈકલ ઉધ્યોગના વિકાસ માટે સરકારે વિકાસ પરિષદ સ્થાપીને વૈશ્વિક માપદંડો મુજબની સાઈકલોનું ઉત્પાદન કરવાનું  નક્કી કર્યું છે. આ સઘળા પ્રયાસો સાઈકલને સાર્વજનિક પરિવહનનો વિકલ્પ બનાવવા અને સાઈકલનો ઉપયોગ વધારવા માટેના છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.