કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
જેની ખીજ બહુ ભુંડી હોય, તેની રીજ પાછી સવાઇ સારી હોય ! બરાબર નિરીક્ષણ કરીએ તો આવા અનેક ઉદાહરણો સમાજમાં મળી આવે છે. જેનું ખીજાવું આપણને ભોં ભારે કરાવી દે, અને તેનું જ રીજાવું પાછું માલંમાલ કરી આપે ! પણ મારે તો કરવી છે માણસ સિવાયની સુક્ષ્મજીવ મધની માખીની વાત. જેનાથી મીઠું બીજું કાંઇ ન હોય એવું મીઠામાં મીઠું મધ આપણને આપનાર, ખેડૂતની જીગરજાન દોસ્ત બનીને પરાગનયનનું બહુ મોટું કામ કરનાર, પણ જો ખીજાણી હોય કે પછી તેને કોઇ કારણસર એવી શંકા પડી ગઇ હોય કે આપણે તેની વસાહત માટે ‘જોખમરૂપ’ છીએ, તો આવી જ બને આપણું ! તમે માનશો ? ભાગવા માંડે યે શું વળે ? પાંચ પાંચ કીલો મીટર સુધી પીછો છોડે નહીં આપણો બોલો !
એ કંઇ મોઢેથી કરડતી નથી. તેના પેટને છેડે આવેલ બારીક તીણી સોય જ દુશ્મનના શરીરમાં એવા દાબથી ચટકાવી દે છે, કે તે સોય દુશનના શરીરમાં જ ચોટી રહે છે, અને પોતાનું પેટ ફૂટી જાય છે. કહોને પોતે વસાહત માટે શહીદી વહોરી લે છે ! આપણે એને ખીજવવી નથી-રીજવવી છે અને લાભ લેવા છે એની પાસેથી ઘણાબધા. હવે તો ધંધાનું માધ્યમ જ એને બનાવી લેવા માંડ્યા છે કેટલાક ખેડૂતો. દૂધની ખેતી, શાકભાજીનીખેતી, ફળોની ખેતી, માછલીની ખેતી, તેમ હવે ‘મધનીખેતી’ એક નવો અભિગમ વ્યવસ્થિત આકાર લઇ રહ્યો છે.
અને ખરે જ ખેતીને સંલગ્ન એવા ગૃહઉદ્યોગ તરીકે ઉત્તમ પૂરવાર થઇ રહ્યો છે.બીજા ધંધાની સરખામણીએ મૂડી રોકાણ મામૂલી, વળી તેને માટે કોઇ ઇમારતો કે વધારાની જમીનો-કશાયની જરૂરત નહીં. આપણે ત્યાંની સ્થાનિક દેશી મધમાખીઓને ખોરાક-પાણી પૂરા પાડવાની ચિંતા કરી છે કોઇએ ? છતાં ગમે ત્યાંથી આવળ, બાવળ, આંકડા કે શેઢાપાળા ની વાડની વનસ્પતિ કે વાડીના ચારા શાકભાજીના ફૂલોમાંથી , ભીની માટી, કાદવ કે કિચડમાંથી, જ્યાંથી મળ્યો ત્યાંથી તે ખોરાક મેળવી લે છે અને એનો સ્વભાવ જ છે –સંચય કરવાનો, એ પ્રમાણે એ કર્યા કરે છે.
ઉપયોગિતા= જે ઉત્તમ દવા, ઉત્તમ ટોનિક અને ઉત્તમ ખોરાક ગણાય છે તેવું, કહોને ‘સંપૂર્ણ આહાર’ગણાય તેવું “મધ” ! જેનું બાળકો, યુવાનો અને વૃધ્ધો દરેકને આંખોની જાળવણી તથા લોહીના શુધ્ધિકરણ દ્વારા રક્તકણોની વૃધ્ધિ અને પાચનતંત્રની વ્યવસ્થિતતામાં બહુમોટું પ્રદાન રહ્યું છે તેવું મધ પૂરું પાડવા ઉપરાંત રંગકામ અને રેણકામમાં અનેકરીતે ઉપયોગી એવું કુદરતી “મીણ” પણ આપે છે.
ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કે વ્યવસ્થા કર્યા વિના માત્ર આ માખીઓની ઊઠબેસ અને અવર જવરથી જ તેના શરીર સાથેચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયનના આપમેળે થતા રહેતા બહુ મોટા કામ દ્વારા 20 થી 30 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેવું તેના તજજ્ઞોનું કહેવાનું છે.
કરવાનું જાજું છે જ નહીં ! = આ તો ઝાળામાં સોનું ગણાય. કરવાનું માત્ર એટલું જ કે…………
વ્યવસ્થિત આયોજન કરી, વધુ મધ આપતી અને પાલતુ બનાવી શકાતી એપિસ ઇન્ડિકાકે એપિસ મેલીફેરા જેવી મધમાખીને આપણે ત્યાં વસાવવાની, માખીઓને બારેમાસ ઋતુ ઋતુના ફૂલો મળ્યા કરે તે રીતે ખેતીપાકોનું આયોજન કરવાનું. પછી તો આપણી અનુકૂળતા પ્રમાણે શાકભાજીના પાકો હોય, લીલાચારાના પાકો હોય, કે ફળ-ફૂલ કે વાડીની વાડમાં વસી ફૂલો આપતાં ઝાડ-છોડ હોય ! અને વાડી હોય એટલે પાણી, ભીના ધોરિયા,ક્યારા-ખામણાં અને પાણીની કુંડી તો હોવાનાં જ ?
હા, જ્યારે એક ધંધા તરીકે , પૂરક ઉદ્યોગ તરીકે સ્વિકારીને આગળ ચાલીએ છીએ ત્યારે તેના વિષેનું કેટલુંક જ્ઞાન, જાણકારી, થોડી તાલીમ અને મધમાખી સાથે કામ પાડવાનું હોઇ, થોડી હિમંત કેળવવી પડે ! આવી તાલીમ આપતી સંસ્થાઓ દ્વારા અઠવાડિયામાં કેટલીક નિપૂણતા મેળવી શકાતી હોય છે.-એ આજે અઘરું રહ્યું નથી. મેં મારી વાડીપર મધમાખીને વસવાટ કરાવવાનો અનુભવ કર્યો છે, એટલે જ કેટલીક ટુંકી વિગતો આપવાનું ઉચિત ગણ્યું છે.
મધમાખી ની જાતો =
[1] સફેદ લીટાવાળી અને ઘેરા રંગની = આપણે ત્યાં જ્યાં અને ત્યાં ઝાડની લીલી ડાળીઓ પર, મકાનના મોભારે, કે જ્યાં ઠંડી-ગરમીનું પ્રમાણમાં નિયમન અનુભવાતુ હોય તેવી જગ્યાઓએ પૂડા બનાવી રહેનારી માખી પ્રમાણમાં ઝેરીલી અને કદમાં નાની છે, જેને આપણે દેશીમધમાખી તરીકે સંબોધીએ છીએ.
[2] નિર્ડંખ માખી = અંધારામાં નાના નાના પૂડા બનાવી રહેતી અને ખુબ જ ઓછું મધ બનાવતી આ માખીને ડંખ દેવાની સગવડ કુદરતે આપી જ નથી.
[3] રોકાવત માખી = ડુંગરાની કરાડો, ભેખડો અને જંગલોમાં ઝાડની ડાળીઓ ઉપર મોટા મોટા પૂડા બનાવી રહેનારી, ભમરા જેવી મોટી, રંગે પીળાશ પડતી અને ખુબ જ ઝેરીલી આ માખી થોડા વરસોથી સૌરાષ્ટ્રની વાડીઓ અને ગામડાંઓમાં પણ આવી પહોંચી છે અને અવાર નવાર વાડીઓમાં કામ કરતાં ખેડૂતો,મજૂરો અને ગ્રામવાસીઓને આકરા ડંખ ખુંચાડી, ક્યારેક ક્યારેક તો 108 બોલાવી દવાખાના ભેળા થવું પડે એવી પરિસ્થિતિમાં મૂકી દેતી હોય છે. એના મોટા જબ્બર પૂડામાં મધ પણ હાંડો એક ભર્યું હોય છે, પણ જેવા તેવા જ્ણનું એ કામ નથી કે સાવજના મોઢામાંથી શિકાર પાછો ખેંચી શકે – એ પૂડા માહ્યલું મધ હાથ કરી શકે – હરિ ભજો રામા….!
[4] એપિસ ઇંડિકા= આપણી દેશી મધમાખી કરતાં કદમાં બમણી મોટી, રંગ સહેજ લાલ પડતો અને અંધારામાં રહેવા ટેવાએલી હોવાં ઉપરાંત “પાલતુ” બનાવી શકાય તેવા સોજાપણાના વિશિષ્ટ ગુણવાળી આ મધમાખી છે. આપણે ઉપરોક્ત બધી માખીઓની જાતોમાંથી આ જાતને જ ધંધાનું માધ્યમ બનાવી શકીએ છીએ.
[5] એપિસ મેલીફેરા = એપિસ ઇંડિકા કરતાં પણ ઘણું વધારે મધ આપતી અને સ્વભાવે શાંત તથા તકલીફો વેઠીને પણ આવાસને વળગી રહેનારી આ માખી ઇટાલીથી આયાત કરેલી છે. કદમાં થોડી વધુ મોટી અને મધુપાલનના ધંધામાં માધ્યમ બનાવવામાં વધુ ફાવે તેવી આ મેલીફેરા માખી છે. હરિયાણા, પંજાબ, કાશ્મિર અને ઉત્તરભારતમાં કેટલાય સમયથી, અને હવે કચ્છમાં તેમ જ સૌરાષ્ટ્રમાં પણ તેને વસાવી ઉછેર શરૂ થયા છે.
મધપૂડાની રચના : તમે ‘મધપૂડા’ને ધ્યાનથી નિરખ્યો છે ક્યારેય ? ઝાડની ડાળી સાથે મીણથી રેણ કરી જાણે ટીંગાડેલ એની આખી વસાહત ! તેના બાંધકામની લાઇન લેવામાં એક આર્કીટેક એંજીનીયરને શરમાવે તેવી ત્રાંસી, ઊભી, આડી લાઇનો અને એક સરખાં ષટકોણિયા જ બધાં ખાનાં ! ષટકોણ ઘાટ શુંકામ મધમાખીએ પસંદ કર્યો હશે એની કલ્પના આવે છે ? ષટકોણ માં વધુમાં વધુ પ્રવાહી સમાય શકે બસ એ જ કારણ ! બાંધકામ આખા પૂડાનું એક સરખું જ, પણ બે વિભાગે. નીચેનો ભાગ બાળ-બચ્ચાના ઉછેર અને રહેણાક માટેનો, જ્યારે ઉપરનો ભાગ માલ સંગ્રહનો. નીચેના ષટકોણિયાં ઇંડા-બચ્ચાંના પારણિયા તરીકે ઉપયોગમાં લે અને ઉપરના ષટકોણિયામાં રોજીંદા જરૂરિયાતમાંથી બચત કરી, આકસ્મિક સંજોગોમાં કામ લાગે અને રાણીમાને તથા બચ્ચાંને ક્યારેક ખેંચ ઊભી થાય તો કામ લાગે માટે રીજર્વ જથ્થો મધ રૂપે ભરી પાછું તેનાપર મીણનું સીલ મારી દે તે વધારામાં.
આંતરિક વ્યવસ્થા = વસાહતનું બધું જ કામકાજ મધમાખીઓની આંત:પ્રેરણાથી સયંસંચાલિત છતાં બહુ જ વ્યવસ્થિત થયા કરતું હોય છે. જુદી જુદી વાતો કરવાનું અને એકબીજી માખીઓને સંજ્ઞા કરવાનું,સારા-માઠા સમાચાર દેવાનું માધ્યમ જ ગંધ અને નૃત્ય બન્નેનો ભેળો તાલમેલ છે. એતો આપણને ખબર નથી માટે તેનો બધો ગણગણાટ અને ચણભણાટ સરખો લાગે છે. હકિકતે પરાગ અને મધ શોધતી માખીઓ, આવો જથ્થો કઇ દિશામાં અને કેટલોક છે તે એકબીજીને દેખાડવા ખાસ પ્રકારનું નૃત્ય કરતી હોય છે, ક્રોધે ભરાયાનું જુદું, અને આફ્રિન થઇ રાજી રાજીને પ્રસન્ન થઇ ગઇ હોય તો તેનું વળી અલગ પ્રકારનું હોય ! તેનું ગુંજન અને નૃત્ય તેની સાથે કાયમી સહવાસ કરનારા અચૂક પારખી જતા હોય છે.
માખીઓના પ્રકાર = એક જ મધપૂડામાં શરીરના બાંધાની રીતે ત્રણ પ્રકારની માખીઓ નજરે પડે છે.
[1] રાણી માખી = કદમાં વધારે મોટી અને જુદી તરી આવે એવી આ માખી આખી વસાહતની ‘મા’ ગણાય છે. આખી વસાહતમાં રાણી એક જ હોય છે.જે આશરે પાંચેક વર્ષનું આયુષ્ય ધરાવે છે. તેના શરીરમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવતી હોય છે.એટલે જ્યાં રાણી હોય ત્યાં જ બધી માખીઓ રહેતી હોય છે. તેને ખાવામાટે ખોરાક-મધ સ્વયંસેવકોએ તૈયાર રાખેલ હોય છે. રાણીએ તો બસ ઇંડાં જ મૂક્યા કરવાનાં હોય છે. આ કામમાં રાણી જ્યારે થાક અનુભવે ત્યારે સયંસેવકો નવી રાણી તૈયાર કરવાનું આયોજન કરે છે.ઇંડામાંથી નીકળેલ ઇયળને ખાસ પ્રકારનું મોટું ઘર બનાવી દઇ, તેને સ્પેશ્યલ જાતનો ખોરાક ખવરાવી, મોટી ઇયળ બનાવી નવી રાણી તૈયાર કરે છે. નવી રાણી કોશેટા અવસ્થા છોડી, બહાર આવી, 7-10 દિવસમાં પુખ્તતા પ્રાપ્ત કરી, વસાહત છોડી સ્વેર વિહારે ઉપડી જાય છે. કેટલાક રાણીઘેલા નર બહાવરા બની પાછળ પડે છે. કોઇ એક નર રાણી સાથે શરીર સંબંધ બાંધી, રાણીને ફલિત કરી, મરણને શરણ થાય છે. હવે જીંદગી આખી રાણીને નરની જરૂર પડતી નથી. એપીસ ઇંડિકા રોજના 500 થી 1000 ઇંડા, અને મેલીફેરા તો 1500થી 2000 ઇંડા રોજના મૂકવાની ક્ષમતા ધરાવે છે.
[2] નર માખી = પૂડામાં નરમાખી તો હોય છે સાવ ઓછી જ. તેને દુશ્મનને દંશ દેવા પેટે શૂળ પણ હોતી નથી.એટલેકે સાવ જ અહિંસક અને નિરૂપદ્રવી ! પણ આળસુડાયે એટલા જ હો ! ખોરાકની શોધ કરી પોતા પૂરતું પણ કરે નહીં. રાણી માટે રાખેલો ખોરાક ખાવાલાગી જાય ત્યારે સ્વયંસેવકો પીછો કરી દૂર ભગાડી મૂકે છે.
[3] સયંસેવક માખી = સયંસેવક માખીઓ આખી વસાહતના સુત્રધારો છે.પોતે બધાં નપુસંક હોવાછતાં બધો જ કાર્યભાર નિષ્ઠાથી સંભાળે છે.મધપૂડાના બાંધકામ માટે મીણ તૈયાર કરવું, પૂડાનું બાંધકામ કરવું, ખોરાક લેવા જવું, મધ બનાવવું અને રાણી તથા બચ્ચાં માટે તેનો સંગ્રહ કરવો, નવી રાણી ક્યારે જન્માવવી, કેટલા નર પેદા કરવા અને તેના દરેકના ખોરાક, રહેઠાણની વ્યવસ્થા કરવી તથા વસાહતના દુશ્મનોની સામે જાનના જોખમે શહીદી વહોરી લઇને પણ વસાહતનું રક્ષણ કરી સલામત રાખવાનું આકરું કામ છ થી સાત માસનું જ આયુષ્ય ધરાવતા અને 15 થી 25 હજારની મોટી સંખ્યામાં એક જ વસાહતમાં સંપીને રહેતાં સયંસેવકોનું છે.
આપણી રાષ્ટ્રભક્તિ એના સાંધણમાં = શું આપને ખુંચાડી ગઇ છે ક્યારેય સ્વયંસેવક માખી એની તીણી સોય ? ઘાંયતાંય તો વગર વાંકે એ આપણો ચાળો કરતી નથી. પણ એને શંકા જાય કે તેની વસાહતમાં આપણા થકી કોઇ આફત ઊભી થઇ શકે તેમ છે, તો સપછી દેન નથી આપણા કે એના દંડમાંથી ઉગરી શકીએ ! શંકાનું સમાધાન બસ સોય જ ! આપણા શરીરના આળા ભાગો-આંખ, કાન, નાક, હોઠ પર રમ્મ …. દેતીકને એવી સોય ભરાવી દે કે એ ઝેરી કાંટો આપણા શરીરમાં જ ચોટી રહે ! એનું તો ભલેને પેટ ફૂટી જાય- વસાહતના રક્ષણ કાજ શહીદી જ વહોરી લેવાની બોલો ! તેનું પેટ ફૂટતાં એવી ગંધ છૂટે કે “ મારી મદદે આવો !” આ સંકેત બીજી માખીઓ પામી જાય અને આપણે એનાથી દૂર ન ખસી જઇએ તો ર..મ ર..મ કરતી કેટલીય માખીઓ ત્રોફાઇ જાય આપણા શરીર ઉપરે. એક ઝીણા જીવડાની પોતાની વસાહત પ્રત્યેની વફાદારી તો જૂઓ ! આપણી રાષ્ટ્રભક્તિનો તોલ તો સાંધણમાં જ જાયને એના ?
મધ કેવી રીતે બને ? = સવાર પડે. સૂર્યપ્રકાશ સર્વત્ર ફેલાય. ફૂલો માંડે ખિલવા અને સ્વયંસેવકો ફૂલની અંદર પેસી રસ માંડે ચૂસવા અને જઠરના ખાસ વિભાગમાં માંડે ધકેલવા. તેનાપર થાય કેટલીક રાસાયણિક પ્રક્રિયા અને મધ થાય તૈયાર. બસ, ઠાલવી દે મધપૂડાના ઉપરના કક્ષમાં 1 કીલો મધ બનાવવા મધમાખીને એકાદલાખ આંટાફેરા મારવા પડે ! કેવો જંગી પૂરુષાર્થ ?
આપણે લેવાની કાળજી = આ વ્યવસાયની પ્રાથમિક માહિતી તથા તાલિમ લીધાબાદ, મધમાખી ઉછેરકેંદ્ર પરથી એપિસ ઇંડિકા કે એપિસ મેલીફેરા જેવી પાલતુ માખીની પેટી વેચાતી લાવી, આપણી વાડીમાં સ્થાઇ કરીએ અને કેટલીક કાળજી લઇએ
[1] આ પાલતુ મધમાખી અંધારામાં રહી, એક જ મધુઘર [મધપેટી] માં બાજુ બાજુમાં સાત પૂડા બનાવવાની આદતવાળી છે.મધુઘરને ઝાડને છાંયડે, જમીનથી ત્રણ ફૂટ ઊંચે, વાંસના ડંડા પર સ્ટેંડ બનાવી મૂકીએ.
[2] વાંસનાં ડંડાને જમીનને અડીને એક ફૂટ ઉંચે સુધી ઘસાયેલ ઓઇલ ચોપડીએ-જેથી કીડી-મકોડાને પેટી સુધી પહોંચવાનો કે લાકડાના ડંડાને ઉધઇ લાગવાનો ભય ન રહે.
[3] દર બે-ત્રણ દિવસે પેટી ખોલી અંદર કોઇ નુકશાન કરતા કીટકના ઝાળાં નથીને તે જોઇ લઇએ.
[4] નરમાખીની સંખ્યા વધુ પડતી થઇ ગઇ હોય તો તેને પકડી લઇ દૂર મોકલી દઇએ.
[5] ક્યારેક પેટી ખોલતાં કોઇ પૂડો તૂટી ગયેલો માલુમ પડે તો તેને દોરાથી નહીં પણ લીલી વનસ્પતિના પાતળા તાતણાંથી સાંધી લઇએ, જેથી તેનાપર મધમાખી મીણનું રેણ કરી કામ ચલાવી શકે.
[6] પેટીની અંદર પૂડામાં ઉપલો-નીચલો એમ બે કક્ષ હોય છે.ઉપલા કક્ષમાં મધ ભરાય જાય એટલે જાળવીને ઉપલી નાની ફ્રેમ બદલી લઇ, સંચાથી મધ ખેરી લઇ, ખાલી ફ્રેમ પૂડો ન તૂટે તેમ પેટીમાં પાછી ગોઠવી દઇએ.
વરસ દાડે એક પેટી ૧૨ થી ૧૫ લીટર અને ઇટાલિયન માખી તો ૩૦ લીટર જેટલું મધ આપવા સક્ષમ છે.પણ તેને આવકારવાની અને વસાવવાની આપણી તૈયારી કેટલી ?
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com