વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
વડોદરાની સરકારી ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીની તપાસ
જગદીશ પટેલ
પરિચય:
પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર 1992થી વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અધિકારો પર કામ કરી રહ્યું છે. ભોપાલ પછી ILOએ ઘણી રાજ્ય સરકારોને ઇંડસ્ટ્રીયલ હાયજીન (IH )લેબોરેટરીની સ્થાપના કરવામાં મદદ કરી. ILOએ મૂળભૂત સાધનો પૂરા પાડયા અને સ્ટાફને તાલીમ આપી. શરૂઆતમાં સમગ્ર રાજ્ય માટે અમદાવાદમાં એક જ લેબ હતી. થોડા વર્ષો પહેલા રાજકોટ, વડોદરા અને સુરતમાં વધુ ત્રણ લેબની સ્થાપના કરવામાં આવી હતી. અમે વડોદરા ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીની કામગીરી જાણવા માટે માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી દાખલ કરી હતી. અમને જરૂરી માહિતી મેળવવામાં થોડો સમય લાગ્યો. પછી આ અહેવાલનું વિશ્લેષણ અને અહેવાલ તૈયાર કરવામાં થોડો સમય લાગ્યો. ચિંતાજનક બાબત એ છે કે, હવે ફેક્ટરી એક્ટને OHS કોડમાં ભેળવી દેવામાં આવ્યો છે અને સદર કોડમાં TLVs ની જોગવાઇ હતી તે Sch.II નાબૂદ કરી દીધો છે. બીજી તરફ IH લેબોરેટરીઓમાં હવે લગભગ કોઈ સ્ટાફ નથી જે પહેલાથી જ નબળા અમલને વધુ નબળો બનાવે છે.
કાર્યસ્થળ આરોગ્ય અને સલામતી:
કામને સ્થળે સલામતી અને આરોગ્ય એ મૂળભૂત માનવ અધિકાર છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પરના આંતરરાષ્ટ્રીય જાહેરનામામાં ક.12.2(b) અને (c) માં વ્યાવસાયિક સ્વાસ્થ્ય અંગે જોગવાઇ છે અને તે રાજ્યોએ આરોગ્યના અધિકારને સાકાર કરવા માટે પગલાં લેવા સુચવાયું છે જેમાં ઇંડસ્ટ્રીયલ હાયજીનના તમામ પાસાઓમાં સુધારણા કરવા, વ્યાવસાયીક અને અન્ય રોગોને અટકાવવા, નિયંત્રણ કરવા અને સારવાર માટે પગલાં લેવા જોગવાઇ કરે છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધીકારોની સમિતિએ કરારની ક. 12.2(b) નું અર્થઘટનમાં સલામત અને આરોગ્યપ્રદ કામ કરવાની પરિસ્થિતિઓ, કામને સ્થળે થતા અકસ્માતો અને રોગોના સંદર્ભમાં નિવારક પગલાં અને કામના વાતાવરણને કારણે સહજ થઇ શકે તેવા રોગોના કારણો શક્ય હોય તેટલા ઘટાડવાનો સ્માવેશ થાય છે. માનવ અધિકારોની સાર્વત્રિક જાહેરનામાની ક.23 દરેકને “કામની ન્યાયી અને અનુકૂળ પરિસ્થિતિઓ” પ્રાપ્ત કરવાનો અધિકાર આપે છે. ILO કામના સલામત અને આરોગ્યપ્રદ વાતાવરણના અધિકાર અને કામદારના રોજગારમાંથી ઉદ્ભવતી બીમારી, રોગ અને ઈજા સામે રક્ષણ એ બંનેને મૂળભૂત માનવ અધિકારો તરીકે સ્વીકારે છે. ILO ડીસંટ વર્કને વ્યાખ્યાયિત કરતાં કહે છે કે સુરક્ષિત અને તંદુરસ્ત કાર્ય એને કહેવાય જ્યાં કામદારોને આરોગ્યના જોખમોના સંપર્કમાં આવવાનું ન થાય. ભારતીય બંધારણના નિર્દેશક સિદ્ધાંતોમાં કામદારોને “કામની ન્યાયી અને માનવીય શરતો” આપવાની વાત કરે છે. ભારતના બંધારણની કલમ 21 જીવનનો અધિકાર સુનિશ્ચિત કરે છે. 2030 સુધીમાં ભારત, સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે, દેશના તમામ કામદરો માટે ડીસંટ વર્કનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું છે.
સંયુક્ત રાષ્ટ્ર્સંઘના ચિરંતન વિકાસ લક્ષ્યાંક (એસ.ડી.જી.)
સંયુક્ત રાષ્ટ્ર્સંઘના ચિરંતન વિકાસ લક્ષ્યાંકો પૈકી લક્ષ્યાંક 8.8 એ છે ‘શ્રમ અધિકારોનું રક્ષણ કરો અને સ્થળાંતર કામદારો, ખાસ કરીને સ્થળાંતર કરનારી મહીલાઓ અને અનિશ્ચિત રોજગારમાં રહેલા લોકો સહિત તમામ કામદારો માટે સલામત કાર્યસ્થળ અને કામને સ્થળે સુરક્ષિત વાતાવરણને પ્રોત્સાહન આપવું’. ચિરંતન વિકાસ લક્ષ્યો 2030 (SDGs) નો ઉદ્દેશ્ય ” આર્થિક કે સામાજિક સ્થિતિ લક્ષમાં લીધા વગર તમામ લોકો માટે સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાનો અને લોકો સ્વસ્થ રહે તે માટે તેમને પ્રોત્સાહન આપવાનો છે અને સૌને કામ મળે. – જેવું તેવું નહી, ડીસંટ (આપણે ઉમદા કહીશું?) કહેવાય તેવું કામ મળે તે છે. યુનાઈટેડ નેશન્સ 2030 એજન્ડા ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવા માટે, ખાસ કરીને SDG3 અને SDG8, જોખમી વ્યાવસાયિક પરિબળોના સંપર્કને ઘટાડવો અને આરોગ્યને કારણે થતા નુકસાનને ઘટાડવું અથવા તો દૂર કરવું જરુરી છે; આના માટે દેશ, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે જોખમી પરિબળોના સંપર્ક અને સ્વાસ્થ્યને થતા નુકસાન પર દેખરેખની જરૂર છે.
ભારતમાં કાનૂની માળખું
ભારતમાં ખાણકામ, ઉત્પાદન, બાંધકામ અને ગોદીના કામદારોની સલામતી અને આરોગ્યની સુરક્ષા માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. કામને સ્થળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009માં જાહેર કરવામાં આવી હતી જેમાં તમામ આર્થિક ક્ષેત્રોના કામદારો માટે સલામતી અને આરોગ્ય માટે કાનુની રક્ષણ પ્રદાન કરવાનું વચન આપવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષમાં આ બાબતે કોઈ પ્રગતિ થઈ નથી. સંસદે OSH કોડ પસાર કર્યો જે સલામતી અને સ્વાસ્થ્ય માટેના 14 કાયદાઓનું સ્થાન લેશે.
ઇંડસ્ટ્રીયલ હાયજીન
ઇંડસ્ટ્રીયલ હાયજીન એ વિજ્ઞાનની મહત્વની શાખા છે. ઇંડસ્ટ્રીયલ હાયજીન એ કાર્યસ્થળની પરિસ્થિતિઓની અપેક્ષા, ઓળખ, મૂલ્યાંકન અને નિયંત્રણનું વિજ્ઞાન છે જે કામદારોને ઈજા અથવા બીમારીનું કારણ બની શકે છે. ઇંડસ્ટ્રીયલ હાયજીન એન્જીનિયરિંગ નિયંત્રણો અને સારી હાઉસકીપિંગ વ્યવસ્થા દ્વારા માનવ અથવા જાહેર આરોગ્ય પર પર્યાવરણીય જોખમો અથવા કામના જોખમોના સંપર્કને દૂર કરવા અથવા ઘટાડવાનો પ્રયાસ કરે છે અને કાર્યસ્થળના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણ-મુક્ત અને આરોગ્યપ્રદ રાખે છે. ઇંડસ્ટ્રીયલ હાયજીનના ઉત્તમ ધોરણોને અમલમાં મૂકવાથી કામદારોના આયુષ્યમાં સુધારો કરવામાં, માંદગીની રજા ઘટાડવામાં અને વ્યાવસાયિક રોગોને લીધે થતી વિકલાંગતા ઘટાડવામાં મદદ મળશે.
તે શા માટે મહત્વપૂર્ણ છે:
સપ્ટેમ્બર 2021માં, રોગો અને ઇજાના કામ સંબંધિત બોજના અંદાજ પર સંયુક્ત WHO/ILO અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, દર વર્ષે ૧૯ લાખ લોકો કાર્યસ્થળ પર જોખમી પરિબળોના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે.
વૈશ્વિક સ્તરે 2016માં, વ્યાવસાયિક જોખમ અને સંબંધિત આરોગ્ય પરિણામોની 41 જોડીને કારણે ૧૮.૮ લાખ કામદારો મ્રુત્યુ પામ્યા હોવાનો અંદાજ છે. ૧૫.૨ લાખ (80.7%) મૃત્યુ વ્યવસાયજન્ય રોગોને કારણે થયા છે અને ૩.૬ લાખ (19.3%) મૃત્યુ માટે અકસ્માતને કારણે થતી ઇજાઓ જવાબદાર છે. સૌથી વધુ મૃત્યુ માટે જવાબદાર કામના લાંબા કલાકો (≥ 55 કલાક પ્રતિ સપ્તાહ) છે જે કારણે અંદાજીત 7,44,924 મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે આવે છે રજકણો, વાયુઓ અને ધૂમાડા. તે કરણે અંદાજીત 4,50,381 મૃત્યુ હતા. ફેફસાંના રોગોને કારણે સૌથી વધુ મોત – 4,50,381 – અંદાજાયા છે, ત્યારબાદ સ્ટ્રોકને કારણે 3,98,306 મૃત્યુ અને હૃદયરોગને કારણે 3,46,618 મૃત્યુ અંદાજાયા છે. આથી કામ સંબંધિત રોગોને નિયંત્રણમાં રાખવા માટે કાર્યસ્થળના વાતાવરણનું નિરિક્ષણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.
ભારતમાં કાર્યસ્થળનું નિરિક્ષણ:
હાલના કાયદા હેઠળ કાર્યસ્થળના વાતાવરણની દેખરેખ રાખવાની અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવાની ઉદ્યોગની પ્રાથમિક જવાબદારી છે. ભોપાલ ગેસ લીક પછી, ફેક્ટરી એક્ટમાં 1987માં Sch.IIનો સમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવ્યો હતો જેમાં 120 પદાર્થો માટે થ્રેશોલ્ડ મર્યાદા મૂલ્યો (સમય વેઇટેડ એવરેજ) અને ટોચમર્યાદાની સૂચિ હતી. ભાગ્યે જ આ મર્યાદા મૂલ્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે એસ્બેસ્ટોસ અને અવાજ માટે મર્યાદા મૂલ્યોમાં સુધારો કરવામાં આવ્યો છે. આટલા વર્ષોમાં સૂચિ વિસ્તૃત કરવામાં આવી ન હતી. જ્યારે ફેક્ટરી એક્ટને OSH અને વર્કિંગ કન્ડિશન કોડ, 2020માં સમાવી લેવામાં આવ્યો ત્યારે ફેક્ટરી એક્ટના આ બીજા શિડ્યુઅલને સમુળગો કાઢી નાખાવામાં આવ્યો. તકનીકી રીતે તેનો અર્થ એ છે કે હાલમાં નિર્ધારિત મર્યાદા મૂલ્યો હવે અસ્તિત્વમાં નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રીય OSH સલાહકાર બોર્ડ મર્યાદા મૂલ્યોના ભાવિ પર નિર્ણય લેશે. કાર્યસ્થળના પર્યાવરણની દેખરેખ પર કાયદો સ્પષ્ટ વલણ અપનાવે તે પહેલા થોડા વર્ષો લાગી શકે છે. આ સંદર્ભમાં જ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને જોવો જોઈએ.
IHL ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસાયિક રોગો પર ડેટા:
ગુજરાત સરકાર દ્વારા 2020માં ડાયરેક્ટર જનરલ, ફેક્ટરી એડવાઈસ સર્વિસીસ એન્ડ લેબર ઈન્સ્ટીટ્યુટ (DGFASLI – શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની કેન્દ્ર સરકારની સંસ્થા) ને ફાઈલ કરવામાં આવેલ રીટર્ન નોંધે છે કે ઇંડસ્ટ્રીયલ હાઈજિનિસ્ટની 4 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે પરંતુ તમામ 4 ખાલી છે. રાજ્યમાં 36,426 કારખાનાં છે જેમાંથી 11352 જોખમી કારખાનાં છે (કલમ 2 સીબી હેઠળ). આ જોખમી કારખાનાઓમાં 3,59,029 કામદારો કામ કરે છે. કાયદાની કલમ 41 F માં પદાર્થોની હવામાં હાજરીની મહત્તમ મર્યાદાની જોગવાઇ છે. વર્ષ 2020માં રાજ્યએ જમા કરેલ રિટર્ન એ જણાવે છે કે સદર કલમના ઉલ્લંઘન માટે એક પણ ફેક્ટરી સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. તેનો અર્થ એવો થતો નથી કે કોઈ ફેક્ટરીએ આ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી. તેનો અર્થ એ છે કે રાજ્યએ આવા ઉલ્લંઘનો પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું નક્કી કર્યું છે. આ રિટર્નમાં રાજ્ય રજૂઆત કરે છે કે વર્ષ દરમિયાન 6 કામદારો અવાજને કારણે આવેલી બહેરાશથી (NIHL) પીડાતા જણાયા હતા જે વડોદરાની બંડી ટ્યુબિંગ કંપનીના કામદાર હતા. આ ઉપરાંત ગ્રાસિમ ઇન્ડ., અદિતિ બિરલા ઇન્સ્યુલેટર્સના 5 કામદારો પણ અવાજને કારણે આવેલી બહેરાશથી પીડાતા હોવાનું જણાયું હતું. આ એકમના અન્ય 5 કામદારો સિલિકોસિસથી પીડિત જણાયા હતા.
વર્ષ 2018માં ફાઈલ કરાયેલા રિટર્નમાં પણ આવી જ વાર્તા છે. ઇંડસ્ટ્રીયલ હાયજીનીસ્ટની મંજૂર જગ્યાઓની સંખ્યા 4 છે પરંતુ તમામ ખાલી છે. જોખમી ફેક્ટરીઓની સંખ્યા 10908 હતી અને કામદારોની સંખ્યા 426128 હતી. કલમ 41 એફના ઉલ્લંઘન માટે કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ અહેવાલ જણાવે છે કે લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ, પાદરામાં કામ કરતાં 3 કામદારો અવાજને કારણે આવેલી બહેરાશથી (NIHL) પીડાતા જોવા મળ્યા હતા.
વર્ષ 2019માં ફાઈલ કરાયેલા રિટર્નમાં પણ આવી જ વાર્તા છે. ઇંડસ્ટ્રીયલ હાયજીનીસ્ટની મંજૂર જગ્યાઓની સંખ્યા 4 છે પરંતુ તમામ ખાલી છે. જોખમી ફેક્ટરીઓની સંખ્યા 12042 હતી અને કામદારોની સંખ્યા 630031 હતી. કલમ 41 એફના ઉલ્લંઘન માટે કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ અહેવાલ જણાવે છે કે એપીકોર ફાર્મા, ધોબીકુવા, પાદરામાં કામ કરતા 10 કામદારો અવાજને કારણે આવેલી બહેરાશથી (NIHL) પીડાતા જોવા મળ્યા હતા.
આ અભ્યાસ:
ફેક્ટરી એક્ટમાં 1987માં સુધારો કરવામાં આવ્યો હતો અને Sch.II દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતમાં પ્રથમ વખત કાયદા દ્વારા ઇંડસ્ટ્રીયલ હાયજીનના મહત્વને સ્વીકારવામાં આવ્યું હતું. નવી દાખલ કરાયેલી કાનૂની જોગવાઈઓને લાગુ કરવામાં સરકારને મદદ કરવા માટે ILO આગળ આવ્યું. તેણે ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીઓ (IHL) સ્થાપવા માટે રાજ્ય સરકારોને ભંડોળ પૂરું પાડયું અને સરકારી અધિકારીઓને ઇંડસ્ટ્રીયલ હાયજીન માટે તાલીમ પૂરી પાડી. 1990માં IHLની સ્થાપના ગુજરાત સહિત અનેક ભારતીય રાજ્યોમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં શરૂઆતમાં અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને પછીથી તે વધુ ત્રણ શહેરો સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થાપિત કરવામાં આવી હતી.. છેલ્લા ઘણા વર્ષોથી તેમની પાસે લાયકાત ધરાવતા ઔદ્યોગિક હાઈજિનિસ્ટ નથી. તેમની પાસે ટેકનિશિયન છે જે પૂર્ણ સમયના સર્ટીફાઇંગ સર્જનો હેઠળ કામ કરે છે. સર્ટીફાઇંગ સર્જનો રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા નિયુક્ત તબીબી સ્નાતકો છે અને તેઓને ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય ખાતામાં (DISH) પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે છે.
અમે માહિતી અધિકાર કાયદા હેઠળ વડોદરાની ડીઆઈએસએચ ઓફિસમાં તેની ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીની કામગીરીની માહિતી મેળવવા અરજી કરી હતી. અમને જે જવાબ મળ્યો જેનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે.
ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીનું કાર્ય:
એપ્રિલ 2018ના આખા મહિના દરમિયાન તેઓએ 13 દિવસ માટે ફિલ્ડ વર્ક કર્યું જે 3 વર્ષમાં સૌથી વધુ છે. મે 2017 અને જુલાઈ 2018માં આખા મહિના દરમિયાન તેમણે કોઇ ફિલ્ડવર્ક કર્યું ન હતું. ત્રણ વર્ષોમાંથી તેઓ 2018માં વધુ સક્રિય હોય તેમ જણાય છે. જુલાઈ 2018માં કોઈ મુલાકાતો લેવાઈ ન હોવા છતાં, તેઓએ વર્ષમાં 85 દિવસ માટે ફિલ્ડ વિઝિટ કરી હતી જે 2017માં કરવામાં આવેલી 41 વિઝિટ કરતાં બમણાથી પણ વધુ છે. 2019માં તેઓએ 56 દિવસ માટે મુલાકાતો કરી હતી જે વર્ષમાં લગભગ બે મહિના જેટલું થાય. (જુઓ કોષ્ટક: 1)
કોષ્ટક: 1
વર્ષ | એકમોની મુલાકાત માટે ફિલ્ડવર્કના દિવસો | મુલાકાત લીધેલ એકમોની સંખ્યા | મુલાકાત દરમિયાન લીધેલા કુલ નમૂના | જે નમુનાઓ કાનુની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય તેવા નમૂનાઓની સંખ્યા | કાનુની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય તેવા નમૂનાઓની ટકાવારી |
2017 | 41 | 92 | 623 | 147 | 23.95% |
2018 | 85 | 211 | 1146 | 86 | 7.5% |
2019 | 56 | 172 | 1015 | 82 | 8.07% |
ત્રણ વર્ષ દરમિયાન તેમણે કોઇ એકમમાંથી સૌથી વધુ નમૂના લીધા હોય તો તે ૩ માર્ચ, ૨૦૧૭ને દિવસે. એલેંબીક લી. એપીઆઇ-૧ એકમમાંથી તેમણે ૩૪ નમૂના લીધા. (જુઓ કોષ્ટક: 2)
કોષ્ટક: 2
ક્યા પદાર્થનો નમૂનો લીધો | સંખ્યા |
એમ.ડી.સી. | 04 |
ઇથેનોલ | 06 |
ટોલ્યુન | 10 |
એસીટોન | 08 |
આઇપીએ | 04 |
મીથેનોલ | 02 |
કુલ | 34 |
3 વર્ષમાં તેઓએ 63 પદાર્થોના નમૂનાઓ તેમજ અવાજ, ગરમી અને હવાના વેગના નમૂનાઓ એકત્રિત કર્યા. ફેક્ટરી એક્ટના Sch.IIમાં 120 પદાર્થોની યાદી આપે છે જેના માટે સલામત મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જે 63 પદાર્થો માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમાંથી, કાયદાએ 32 પદાર્થો માટે મર્યાદા નિર્ધારિત કરી જ નથી છતાં નમૂના લીધાનો શો અર્થ? માત્ર 31 પદાર્થો માટે શિડ્યુલમાં મર્યાદા નિર્ધારિત છે. આ કાનુની જોગવાઈઓની મર્યાદા દર્શાવે છે. એસ્બેસ્ટોસ એ સૌથી ખતરનાક પદાર્થ અને જાણીતું કાર્સિનોજેન છે પરંતુ IHL, બરોડાએ આ 3 વર્ષમાં એક પણ નમૂનો તેના માટે એકત્રિત કર્યો નથી. તે માટે તેમની પાસે ક્ષમતા છે કે કેમ તે પણ આપણે જાણતા નથી.
વડોદરાની આસપાસ જાહેર અને ખાનગી ક્ષેત્રે અનેક મોટી કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરી, રિલાયન્સની માલિકીની પેટ્રો કેમિકલ કોમ્પ્લેક્સ, ગુજરાત રાજ્યની માલિકીની ખાતર ફેક્ટરી, આલ્કલીસ એન્ડ કેમિકલ્સ, ગુજ. નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન, ગુજરાત રાજ્યની માલિકીના ઘણા થર્મલ પાવર પ્લાન્ટ અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને અન્ય ખાનગી પાવર પ્લાંટ. આ ત્રણ વર્ષમાં IHL એ આમાંના કોઈપણ એકમોમાંથી નમૂના લેવા માટે મુલાકાત લીધી નથી. આ એકમો ઘણા ઝેરી અને કાર્સિનોજેન્સનું ઉત્પાદન અને સંવહન કરે છે. તેમની પાસે તેમના પોતાના ઇંડસ્ટ્રીયલ હાયજીન વિભાગ હોઈ શકે છે અને તેઓ કાર્યસ્થળના વાતાવરણની દેખરેખ રાખવાની કાળજી લેતા હોઈ શકે છે. પરંતુ પછી કાયદા અમલીકરણ એજન્સીની જવાબદારી શું છે? એકમાત્ર અપવાદ ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમની માલિકીનું વણકબોરી થર્મલ પાવર સ્ટેશન છે જ્યાંથી તેઓએ ક્રશીંગ વિસ્તારમાંથી કોલસાની ધૂળનો 1 નમૂનો અને બંકરના ફ્લોરમાંથી 1 નમૂનો એકત્રિત કર્યો. તેઓએ આ એકમના વિવિધ વિસ્તારોમાંથી અવાજના 16 નમૂના પણ એકત્ર કર્યા હતા. 16માંથી 8 નમૂનાઓમાં અવાજની 85 ડેસિબલની નિર્ધારિત મર્યાદાથી વધુ અવાજ જોવા મળ્યો હતો. બીજો અપવાદ વડોદરામાં આવેલ ગુજરાત રાજ્ય ખાતર નિગમનો પ્લાન્ટ છે જ્યાંથી તેઓએ બેન્ઝીનના 6 નમૂના એકત્રિત કર્યા.
અમને ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીમાં સ્ટાફની ઉપલબ્ધતા, તેમની લાયકાત, તેમની તાલીમ અને તેમની પાસેના સાધનો વિશે કોઈ જાણકારી નથી. અમે એ પણ જાણતા નથી કે સેમ્પલ એકત્ર કરવા માટે કોઈ નીતિ છે કે કેમ અને કોઈ લક્ષ્યાંક નક્કી કરાયા છે કે કેમ. અમે એ પણ જાણતા નથી કે પ્રયોગશાળાના અધિકારીને કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવાની અથવા એકમને કોઈ ચેતવણી આપવાનો અધિકાર છે કે કેમ. સામાન્ય રીતે ઓફિસના વડાને આવા અધિકાર આપેલા હોય છે. ડાયરેક્ટર, ઈન્ડ. સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા ડીજીએફએએસએલઆઈને સબમિટ કરેલા રિટર્ન પરથી સ્પષ્ટ થાય છે કે તેઓએ નિયત મર્યાદાના ઉલ્લંઘન માટે કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરી નથી.
અવાજનું નિરીક્ષણ:
ઘોંઘાટ એ તમામ પ્રકારના કાર્યસ્થળોમાં સૌથી વધુ વ્યાપકપણે જોવા મળતું પ્રદૂષણ છે. અન્ય પ્રદૂષકોની સરખામણીમાં અવાજ માપવાનું પ્રમાણમાં સરળ છે અને ઓછો સમય લે છે. અવાજ માપવા માટે પ્રયોગશાળામાં વધુ પરીક્ષણ કરવું જરૂરી નથી. કદાચ તે કારણે જે ત્રણ વર્ષની અમે માહિતી માગી હતી તે સમયગાળામાં અવાજના નમુના સૌથી વધુ લેવામાં આવ્યા છે. 3 વર્ષમાં તેઓએ નમૂનાઓ એકત્રિત કરવા માટે 481 એકમોની મુલાકાત લીધી જેમાંથી 101 એકમો (20.99%)માંથી અવાજના નમૂના એકત્રિત કરવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન તેઓએ 2740 નમૂના એકત્રિત કર્યા જેમાંથી 565 (20.62%) અવાજના હતા. (જુઓ કોષ્ટક: 3)
ત્રણ વર્ષમાં લીધેલા નમૂનાઓ પૈકી 55.75% નમુનાઓમાં અવાજનું પ્રમાણ 85 ડીબીથી વધારે જોવા મળ્યું હતું. (અવાજ માટે TLV TWA 2016 માં 90 dB થી ઘટાડીને 85 dB કરવામાં આવી હતી. (જુઓ કોષ્ટક 3-A)
13 એકમોમાંથી વિભાગે અવાજના નમૂના બે વખત એકત્ર કર્યા. બીજી મુલાકાત દરમિયાન ઘોંઘાટનું સ્તર સુધર્યું હતું કે કેમ તે જોવા માટે અમે બે વર્ષ દરમિયાન અવાજના સ્તરની તુલના કરી છે. 3 એકમોમાંથી 13માંથી બંને સમયે અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદામાં હતું. બાકીના 10 એકમોમાંથી 4 એકમોમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે 6 એકમોમાં કોઈ સુધારો થયો ન હતો અથવા પરિસ્થિતિ વધુ વણસી હતી.
કોષ્ટક 3
અવાજના પ્રમાણ પર દેખરેખ
વર્ષ | કુલ કેટલા એકમમાંથી નમૂના લીધા | અવાજના નમૂના લીધા હોય તેવા એકમોની સંખ્યા | કેટલા ટકા એકમોમાંથી અવાજના નમૂના લીધા | કુલ કેટલા નમૂના લીધા | અવાજના કેટલા નમૂના લીધા | કુલ નમુનામાંથી અવાજના નમૂનાના ટકા |
2017 | 168 | 34 | 20.23 | 0623 | 226 | 36.27 |
2018 | 213 | 39 | 18.30 | 1102 | 196 | 17.78 |
2019 | 092 | 33 | 35.86 | 1015 | 157 | 15.46 |
Total | 481 | 101 | 20.99 | 2740 | 565 | 20.62 |
કોષ્ટક 3-અ
અવાજના પ્રમાણ પર દેખરેખ
વર્ષ | અવાજના નમૂના લીધા હોય તેવા એકમોની સંખ્યા | અવાજના કેટલા નમૂના લીધા | કાનુની મર્યાદા કરતાં વધુ અવાજ હોય તેવ નમૂનાની સંખ્યા | કાનુની મર્યાદા કરતાં વધુ અવાજ હોય તેવ નમૂનાના ટકા | |
New | Repeat | ||||
2017 | 34 | 00 | 226 | 147 | 65.04 |
2018 | 38 | 01 | 196 | 086 | 43.87 |
2019 | 21 | 12 | 157 | 082 | 52.22 |
Sub Total | 88 | 13 | 565 | 315 | 55.75% |
Total | 101 |
કોષ્ટક 3 -બ
એક જ એકમમાંથી ફરીફરીને લીધેલા અવાજના નમૂના
નં. | એકમનું નામ | 2017 | 2018 | 2019 |
૧ | કંટેમપરરી ટારગેટ | 86 | નમૂના લીધા નથી | 85.1 |
2 | ગોયેલ સાયંટીફીક | 85.2/86.8 | નમૂના લીધા નથી | 85 |
3 | ઇનવાક કાસ્ટ | નમૂના લીધા નથી | 88 | 85.1 |
4 | શ્રી જગદંબા કોટન | 94.3/95.9/86.2 | નમૂના લીધા નથી | 93.1/94.1 |
5 | યુનીવર્સલ મેટલ | 87 | નમૂના લીધા નથી | 85.1 |
6 | અગ્રવાલ કોટસ્પીન | નમૂના લીધા નથી | 88 | 89/90 |
7 | બેરીંગ ઉત્પાદન | નમૂના લીધા નથી | કાનૂની મર્યાદામાં | કાનૂની મર્યાદામાં |
8 | એલ્મેક્સ ક્ન્ટૉર્લ | નમૂના લીધા નથી | કાનૂની મર્યાદામાં | કાનૂની મર્યાદામાં |
9 | કોસ્મોસ | નમૂના લીધા નથી | કાનૂની મર્યાદામાં | કાનૂની મર્યાદામાં |
10 | આર.કે,નેચરલ ફાઇબર | નમૂના લીધા નથી | 87 | 89/92 |
11 | સાવન એંજી | નમૂના લીધા નથી | 89.2/102.2/86.1/85.4 | 86.2/87.7/85.4/89.1 |
12 | વીજય ટેંક્સ એંડ વેસલ્સ | 85.2/85.4 | 91/102.4/88.5 | નમૂના લીધા નથી |
13 | બરોડા હાઇટેક | 85.2/85.4/91.3/95.4/85.4/85.8 | 86.3 | નમૂના લીધા નથી |
અવાજ માટે નિર્ધારીત કાનૂની મર્યાદાનું ઉલ્લંઘન
કોષ્ટક 3-ક
Year | એવા એકમોની સંખ્યા જ્યાં અવાજનું પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં વધુ હતું. | અવાજના નમુનાઓની સંખ્યા જેમાં અવાજનું પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં વધુ હતું. |
2017 | 32 | 149 |
2018 | 28 | 086 |
2019 | 28 | 082 |
Total | 88 | 317 |
ગુજરાત ફેક્ટરી નિયમોના ફેક્ટરી એક્ટ નિયમ 104 ની કલમ 89 હેઠળ માલિકોએ પોતાના કારખાનાના કામદારો પૈકી કોઇને વ્યાવસાયિક રોગ થયો હોય તો તેની સુચના ફોર્મ નં.૨૨માં ડાયરેક્ટર, ઇંડસ્ટ્રીયલ સેફ્ટી એંડ હેલ્થની કચેરીને આપવાની હોય છે
અમારી RTI અરજીના જવાબમાં અમને ફોર્મ 22 ની નકલો આપવામાં આવી હતી. અમને ફોર્મ 22 ની 92 નકલો પ્રાપ્ત થઈ હતી જે પુષ્ટિ કરે છે કે ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા 92 કામદારો અમુક અંશે સાંભળવાની ખોટથી પીડાતા જણાયા હતા.
શ્રમ અને રોજગાર મંત્રાલય, ગુજરાત સરકારને દર વર્ષે GDFASLI ને રિટર્ન સબમિટ કરવું જરૂરી છે અને તે સબમિશન તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અમે FAS સબમિશનમાંથી પણ કેટલીક માહિતી એકત્રિત કરી છે.
વિગતો નીચે મુજબ છે.
કોષ્ટક ૩ ખ
નં. | એકમનું નામ | સરનામું | ઉત્પાદન | વર્ષ | અવાજના કેટલા નમૂના લીધા, તેનું મુલ્ય અને તારીખ | અવાજને કારણે બહેરાશથી પીડાતા કામદારોની સંખ્યા |
1 | રત્નવીર સ્ટેઇનલેસ પ્રોડક્ટસ પ્રા.લી. | જીઆઇડીસી મંજુસર સાવલી | એન્જીનીયરીંગ
|
2014 | 2-95.2/96.8 on 04/10/2018 | 44 |
2 | ગોયેલ સાયન્ટીફીકવર્ક્સ લી. | સરદાર એસ્ટેટ, આજવા રોડ, વડોદરા | કાચના સાધનો
|
2014 | 2 samples-85.5/86.8 on 15/07/2017
|
34 |
3 | બાંકો એલ્યુમિનિયમ લી | ભાયલી રેલ્વે સ્ટેશન પાસે, બીલ, પાદરા રોડ,વડોદરા | એલ્યુમિનિયમ એક્સ્ટ્રુસન
|
2014 | 7-77.5/92.5/86.1/87.3/82.3/91.3 /103.2
on 14/02/19 |
10 |
4 | ફીલીપ્સ ઇન્ડિયા લી. (વડોદરા લાઇટ ફેક્ટરી) | વડોદરા – જંબુસર હાઇવે | જીએલએસ ગોળા, ફ્લુરોસંટ ટ્યુબલાઇટ અને કાચના ગોળાનું ઉત્પાદન | 2014 | ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા | 04 |
5 | બંડી ઇંડીયા લી | જીઆઇડીસી, મકરપુરા | ડબલ કોટેડ નાના વ્યાસની સ્ટીલ ટ્યુબનું ઉત્પાદન | 2020 | ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા | 06 |
6 | ગ્રાસીમ ઇંડ.લી. –અદીતી બીરલા ઇંસ્યુલેટર્સ
|
પોસ્ટઃ મગાસર, તા.હાલોલ, જીઃ પંચમહાલ | સીરામીક ઇંસ્યુલેટર | 2020 | ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા | 05 |
7 | લક્ષ્મી ઇંડ. લી | એફ્લુઅંટ ચેનલ રોડ એક્લબારા,પાદરા, જી.વડોદરા | 2018 | ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા | 03 | |
8 | એપિકોર ફાર્મા | ધોબીકુવા, તા.પાદરા, જી. વડોદરા | 2019 | ૨૦૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન અવાજના કોઇ નમૂના લેવામાં આવ્યા ન હતા | 10 | |
હવે, ઉપરના કોષ્ટકમાંની માહિતીને સમજવા માટે રત્નવીર સ્ટેઇનલેસ પ્રોડક્ટસ પ્રા.લી.નો કેસ લો. 2014 માં DISH ને આ ફેક્ટરીના 44 કામદારો અવાજ પ્રેરિત બહેરાશથી પીડાતા જણાયા હતા અને જ્યારે તેઓ 2018માં ફરીથી ફેક્ટરીની મુલાકાત લે છે, ત્યારે કાનૂની મર્યાદાના ઉલ્લંઘનમાં, અવાજનું સ્તર હજી પણ 96.8 dB જેટલું ઊંચું છે. સવાલ એ છે કે 2014માં જ્યારે NIHLના આટલા મોટા પ્રમાણમાં કેસ નોંધાયા ત્યારે ફેક્ટરી સામે શું પગલાં લેવામાં આવ્યા? જો કોઈ પગલાં લેવામાં આવ્યા હોત અને તે પગલાં અસરકારક હોત, તો 2018માં તેઓએ લીધેલા બંને નમૂનાઓમાં અવાજની આવા ઉંચા પ્રમાણની નોંધ થઇ ન હોત. તે સ્પષ્ટ છે કે કાં તો કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અથવા પગલાં અસરકારક ન હતા. અમારું માનવું છે કે વર્ષ 2014થી 2018 વચ્ચેના વર્ષોમાં ઊંચો અવાજ ચાલુ રહ્યો હતો અને તેના કારણે કેટલાક વધુ કામદારો બહેરાશનો ભોગ બન્યા હોઈ શકે છે પરંતુ 2014 પછી બહેરાશના વધુ બનાવ અંગે સાંભળવા મળતું નથી. આ સૌથી આશ્ચર્યજનક છે. અમે 2014 પહેલાના અવાજના સ્તરને પણ જાણતા નથી જે કારણે 44 કામદારો બહેરાશનો ભોગ બન્યા હતા. શું તે સ્તર 2018ના સ્તરો કરતા વધારે હતું? અમારી પાસે વિગતો પણ નથી કે કયા મશીનો આટલા ઘોંઘાટવાળા છે અને વધુ અવાજનું કારણ શું છે? આ 44 કામદારોની બહેરાશનું સ્તર શું હતું? તેઓ કયા વય જૂથમાં હતા? તેમને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા કે નહીં? શું તેઓ વળતર માટેના તેમના અધિકારો વિશે જાણતા હતા? શું તેઓએ વળતરનો દાવો કર્યો હતો? જો દાવો કરવામાં આવ્યો હોય, તો દાવાની નિયતિ શું હતી? શું તેઓએ આ ફેક્ટરીમાં કેટલા સમય સુધી અને કયા વિભાગમાં તેમની નોકરી ચાલુ રાખી છે? આ સવાલોના જવાબ વધુ સંશોધન માગે છે.
ગોયલ સાયન્ટિફિક ગ્લાસ વર્ક્સ લિમિટેડનો પણ આવો જ કિસ્સો છે. 2014માં ફેક્ટરીમાં બહેરાશના 34 કેસ નોંધાયા હતા જે દર્શાવે છે કે પીડિતોને લાંબા સમય સુધી ઉંચા અવાજનો સામનો કરવો પડયો હતો. 2017માં જ્યારે નમૂના લેવામાં આવ્યા ત્યારે અવાજ 86.8 dB જેટલો ઊંચો હતો પરંતુ 2014 પછી બહેરાશના કોઈ કેસ નોંધાયા નથી. રત્નવીર સંદર્ભે જે પ્રશ્નો ઉભા થયા તે અહીં પણ ઉઠાવી શકાય છે.
બેન્કો એલ્યુમિનિયમ લિમિટેડમાં 2014માં ફેક્ટરી દ્વારા બહેરાશના 10 કેસ નોંધવામાં આવ્યા હતા અને 2019માં નોંધાયેલ અવાજ 103.2 dB છે. ફરીથી તમે રત્નવીર, ગોયલ સાયન્ટિફિક અને બેન્કો એલ્યુમિનિયમ વચ્ચે સમાનતા જોઇ શકો છો.
પરંતુ સમાનતા અહીં અટકે છે. ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડ (વડોદરા લાઇટ ફેક્ટરી)માં 2014માં અવાજને કારણૅ આવેલી બહેરાશના 4 બનાવ નોંધાયા હતા પરંતુ ઇંડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીએ 2017, 2018 અથવા 2019 દરમિયાન કોઈ નમૂનાઓ લીધા ન હતા. ખબર નથી કેમ.
હવે, ઉપલબ્ધ આંકડાઓ પરથી અમને જાણવા મળ્યું છે કે 2014માં બહેરાશના 92 કેસ, 2018માં 3, 2019માં 10 અને 2020માં 11 કેસ નોંધાયા છે. 3 વર્ષ માટે – 2015, 16 અને 2017 – કોઈ કેસ નોંધાયા નથી. 2014માં 92 કેસ નોંધાયા તેનું કારણ શું છે? શું કોઈ રાજકીય કારણો છે? શું એવો કોઈ વ્યક્તિગત ઉત્સાહી અધિકારી હતો જેણે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી કેટલીક ફેક્ટરીઓને બહેરાશના બનાવ નોંધવા મજબુર કર્યા? આગામી ત્રણ વર્ષ સુધી કેસ કેમ નહીં?
જો કે, સ્પષ્ટ છે કે, વ્યાવસાયિક રોગોને ઓળખવા અંગેની રાજ્યની નીતિ ઘણી નબળી જણાય છે. કેસોને ઓળખવા માટે માનવ સંસાધન જરૂરી છે.
હવે ચાલો જોઈએ કે આ 116 કામદારો કોણ હતા જેઓ બહેરાશથી પીડિત હતા. રત્નવીરે બહેરાશના 44 કેસ નોંધ્યા. તે તમામ ઓપરેટરો હતા. ઓપરેટરો પૈકી એક જુનિયર ઓપરેટર હતો. 44 માંથી 31-40 વર્ષની વયના 30 કામદાર હતા. સૌથી નાની ઉંમર 26 વર્ષની હતી. પ્રશ્ન એ છે કે આ યુવાને આટલી નાની ઉંમરે બહેરા થવા માટે કેટલા સમય સુધી વધુ અવાજમાં કામ કર્યું હશે?
કોષ્ટક 3 ગ
વયજુથ | બહેરાશનો ભોગ બનનારની સંખ્યા | હોદ્દો |
26 – 30 | 06 | તમામ ઓપરેટર |
31 – 35 | 15 | તમામ ઓપરેટર |
36 – 40 | 15 | તમામ ઓપરેટર તે પૈકી એક જુનીયર |
41 – 46 | 07 | તમામ ઓપરેટર |
ઉંમરની માહીતી નથી | 01 | ઓપરેટર |
Total | 44 |
ગોયલ સાયન્ટિફિકે બહેરાશના 34 કેસ નોંધ્યા છે. 13 હેલ્પર હતા, 15 ગ્લાસ બ્લોઅર હતા. બાકીનામાં પ્રોડક્શન ઈન્ચાર્જ, જનરલ મેનેજર, Q.C. સહાયક., ઇલેક્ટ્રિશિયન, ડ્રાઇવર અને ગ્રાઇન્ડર હતા. જો જનરલ મેનેજર અથવા પ્રોડક્શન ઈન્ચાર્જ જેવા ઉચ્ચ હોદ્દા પરના લોકો પણ બહેરાશથી પીડિત જોવા મળતા હોય, તો તેની ઉંડી તપાસની જરૂર છે અને પ્રશ્નો ઉભા થાય છે. બહેરા બનનાર સૌથી યુવાન 21 વર્ષનો હેલ્પર હતો જ્યારે સૌથી વૃદ્ધ 60 વર્ષનો ગ્રાઇન્ડર હતો. 31-40 વય જૂથમાં 15 પીડિતો છે, જે સૌથી વધુ સંવેદનશીલ વય જૂથ છે. શું તેમની કોઈ નિવૃત્તિ વય છે? અમે જાણતા નથી. ઉપલબ્ધ ડેટા પરથી એવું લાગે છે કે ગ્લાસ બ્લોઅર ઉંચા અવાજના સંપર્કમાં આવે છે. શું તેમના સંપર્કમાં ઘટાડો કરવા માટે કોઈ તકનીક નથી?
બેન્કો એલ્યુમિનિયમે NIHLના 10 કેસ નોંધ્યા છે. સૌથી નાનો 20 વર્ષનો ઓપરેટર હતો જ્યારે સૌથી મોટો 53 વર્ષનો ઓપરેટર હતો. 10માંથી 5 ઓપરેટર, 4 હેલ્પર અને એક વર્કર હતા. અહીં વય જૂથ જે સૌથી વધુ સંવેદનશીલ છે તે 46-50 છે. 2019માં જ્યારે અવાજનું સ્તર માપવામાં આવ્યું ત્યારે તે 103.2 હતું. હજુ બીજા કેટલાને અસર થઈ હશે?
ફિલીપ્સ ઇન્ડિયા લી. માં બહેરાશના 4 કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી નાનો 32 વર્ષનો સુપરવાઈઝર હતો અને સૌથી મોટો 52 વર્ષનો કાર્યકર હતો. બાકીના બે અનુક્રમે 34 અને 42 વર્કર અને ટેકનિશિયન હતા. 2017, 2018 અને 2019 માં અવાજનું કોઈ સ્તર માપવામાં આવ્યું ન હતું.
2017, 2018 અને 2019માં નોંધાયેલા બહેરાશના 24 કેસોની અમારી પાસે કોઈ માહિતી નથી.
આ 116માંથી કેટલા કાયમી કર્મચારીઓ હતા અને કેટલા કોન્ટ્રાક્ટ કામદારો હતા? દલિત, ઓબીસી અને ઉચ્ચ જાતિના કેટલા હતા? આંતરરાજ્ય સ્થળાંતર કરનારા, રાજ્યના આંતરરાજ્ય સ્થળાંતર કરનારા અને સ્થાનિક કેટલા હતા? કેટલાએ તે પછી નોકરી ચાલુ રાખી અને કેટલાએ છોડી? આજે તેમની શી સ્થિતિ હશે?
આ લેખ વાંચીને કોઇ આ સવાલોના જવાબ શોધવા પ્રેરાય તેવી આશા રાખું.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M – +91 9426486855