{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

પિયૂષ એમ પંડ્યા

૧૬ વર્ષની ઉમરે મુકેશ પોતાની ગાયક તરીકેની ઓળખ ઉભી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આવા જ એક પ્રયાસરૂપે તેમણે પંકજ મલ્લિકના ગીત પિયા મીલન કો જાનાની શૈલીની નકલરૂપે એક ગેરફિલ્મી ગીત ગોકુલ નગરી જાના ગાયું હતું. આ ગીતને સંગીતશોખીનોએ સ્વીકાર્યું નહીં. આગળ જતાં ૧૯૪૧ની ફિલ્મ ‘નિર્દોષ’ અને ૧૯૪૨ની ફિલ્મ ‘દુખસુખ’માં મુકેશે અભિનય કર્યો અને ગીતો પણ ગાયાં છતાં લોકોએ તેમને ન સ્વીકાર્યા. દેખાવડા હોવા છતાં તેઓ એક અભિનેતા તરીકે સફળ ન થયા.

હારીથાકીને તેમણે પાર્શ્વગાયન ક્ષેત્રે આગળ વધવાનું વિચાર્યું. તે સમયના ખ્યાતનામ અભિનેતા મોતીલાલ મુકેશના પિતરાઈ થતા હતા અને તેમણે મુકેશનો હાથ ઝાલેલો. તેમણે ૧૯૪૫ની ફિલ્મ ‘પહલી નજર’ માં મુકેશનું પાર્શ્વગાન રાખવાની માંગ કરી. ફિલ્મના નિર્માતા મઝહર ખાન આ નિષ્ફળ ગાયકને લેવાનું જોખમ ખેડવા માટે ઇચ્છુક નહોતા પણ મોતીલાલના દબાણ આગળ તેમને ઝૂકવું પડ્યું.

આ એક ખુબ મહત્વપૂર્ણ ઘટના બની રહી. મુકેશ માટે ચિંતા એ બાબતની હતી કે ખુબ જ વ્યસ્ત અને આકરા સ્વભાવ માટે જાણીતા એવા મહાન સંગીતકાર અનિલ બિશ્વાસના નિર્દેશનમાં તેમણે ગાવાનું હતું. ૧૯૪૫ના જુલાઈ મહિનાના એક વરસાદી મંગળવારે HMV સ્ટુડીઓમાં રેકોર્ડીંગ થવાનું હતું. મુકેશના પિતરાઈ અને ગાયક-અભિનેતા એવા મોતી સાગરે એ દિવસ યાદ કરતાં કહેલું, “મુકેશભૈયાને માટે એ મહત્વની તક હોવાથી અમે સૌ કુટુંબીજનો તણાવમાં હતાં.”  કારકીર્દિ માટે મોટી તક હોવાથી મુકેશની હાલત પણ એવી જ હતી. સ્ટુડીઓ જતાં પહેલાં હિંમત ભેગી કરવા તેઓ ચોપાટી ઉપર આવેલા વેલ્ની’સ બાર ( કે જે પછીથી આરામ હોટેલમાં ફેરવાઈ ગયો) ખાતે ગયા. પણ હિંમત તો દૂર રહી, પોતાની નશીલી અવસ્થામાં અનિલ બિશ્વાસનો સામનો કરવાના વિચારથી તેઓ વધુ ડરી ગયા.

દરમિયાનમાં મુકેશની બેતાબીથી રાહ જોઈ રહેલા બિશ્વાસ એકદમ તપી ગયા અને તેમણે મોતી સાગરને લબડધક્કે લીધા. ગભરાટમાં ને ગભરાટમાં સાગરે વટાણા વેરી દીધા. બિશ્વાસ તરત જ ચોપાટીએ હંકારી ગયા અને મુકેશને બારમાંથી બહાર ઢસડીને સ્ટુડીઓ સુધી ખેંચી લાવ્યા. મુકેશે તેમને વિનવ્યા કે પોતે પોતાની શ્રેષ્ઠ રજૂઆત કરી શકવાની હાલતમાં ન હોવાથી તે દિવસ માટે ગાવામાંથી મુક્તિ મળે તો સારું. બિશ્વાસે તેમને બધા વાદકોની હાજરીમાં જ લાફો ચોડી દીધો અને ઝૂડી નાખવાની ધમકી આપી. આ વાત મને ખુદ અનિલ બિશ્વાસે કહી હતી અને પછીથી મોતી સાગરે તેને અનુમોદન પણ આપ્યું હતું. છેવટે રાતના અગીયાર વાગ્યે મુકેશે ગીતનું રેકોર્ડીંગ કરાવ્યું અને તે પણ માત્ર એક જ પ્રયાસમાં! ગીત હતું રાગ દરબારીમાં નિબધ્ધ દિલ જલતા હૈ તો જલને દે. જે ફાયદો લતાને આયેગા આનેવાલા થકી થયો હતો તેવો જ ફાયદો આ ગીતથી મુકેશને થયો. તે તાત્કાલિક અસરથી પ્રસિધ્ધિના શીખરે પહોંચી ગયા અને આ ગીત તેમની ઓળખનું અભિન્ન અંગ બની રહ્યું. આ વાત યાદ કરતાં કરતાં બિશ્વાસની આંખો ભીની થઈ ગઈ હતી.

મુકેશની એ પછીની કારકીર્દિનાં ગીતો પણ અસાધારણ લોકપ્રિયતાને વર્યાં તેનું કારણ એ હતું કે મુકેશ જનસામાન્યની લાગણી અને આકાંક્ષાઓને રજૂ કરતા હતા. લોકો સહજતાથી ગાયે જા ગીત મિલન કે (‘મેલા’ ૧૯૪૮), ઝૂમ ઝૂમ કે નાચો આજ (‘અંદાઝ’, ૧૯૪૯), આવારા હૂં (આવારા, ૧૯૫૧) અને મૈં રાહી ભટકને વાલા હૂં (‘બાદલ’, ૧૯૫૧) જેવાં ગીતો ગણગણી શકતા હતા. તેમના ઘેરા ખરજના અવાજમાં ગવાયેલાં સંવેદનાસભર યુગલગીતોમાં પ્રણયભાવ છલકતો હોય તેવું લાગતું હતું. ઉદાહરણ તરીકે ૧૯૪૭ની ફિલ્મ ‘દો દિલ’ (સુરૈયા સાથે)નું ગીત કાગજ કી મેરી નાવ, શમશાદ બેગમ સાથેનું ફિલ્મ ‘ગૃહસ્થી’(૧૯૪૮)નું તેરે નાઝ ઉઠાને કો જી ચાહતા હૈ, ફિલ્મ ‘અંજુમન’(૧૯૪૮)નું શમશાદ બેગમ સાથેનું કૈસે બતાઊં તુમ સે ઈસ દિલ કો પ્યાર ક્યું હૈ અને લતા મંગેશકર સાથે ગાયેલા ફિલ્મ ‘લાજવાબ’ (૧૯૪૮)ના ગીત જમાને કા દસતૂર હૈ યેહ પૂરાના જેવાં ગીતો ગણાવી શકાય.

મુકેશે માંડ હજારેક ગીતો ગાયાં હશે. પણ તેમના મૃત્યુના લગભગ સાડાચાર દાયકા પછી જ્યારે મુકેશને યાદ કરીએ ત્યારે તે સંખ્યાનું કોઈ જ વજૂદ નથી રહેતું. આખરે તો હ્રદયને વલોવી નાખે તેવા વેદનાભર્યા અવાજમાં દિલ જલતા હૈ તો જલને દે જ મનમાં ગૂંજવા લાગે છે, આ એ જ ગીત છે, જે ગાવા માટે વર્ષો અગાઉની એક મેઘલી રાતે મુકેશ પારાવાર મૂંઝવણમાંથી પસાર થયા હતા. આ એક જ ગીત મુકેશની યાદ ક્યારેય ધૂંધળી નહીં પડવા દે.

સંગીતની દુનિયામાં મુકેશની જેવા જ અન્ય કલાકારોનાં પણ ઉદાહરણો છે, જેમની કારકીર્દિમાં એક જ ગીત તેમને કાયમી ધોરણે યાદગાર બનાવી દેવામાં મહત્વનું પ્રદાન કરી ગયું છે.

જેમ કે ૧૯૪૨ની સાલમાં માત્ર ૧૪ વર્ષની કુમળી વયે દુનિયા છોડી ગયેલા માસ્ટર મદનને પંડીત અમરનાથે સ્વરબદ્ધ કરેલું એક ગેરફિલ્મી ગીત યું ના રહ રહ કર હમેં તરસાઈએ અમર કરી ગયું છે.

સી.એચ. આત્મા ઘેરો અને ખરજદાર અવાજ ધરાવતા હતા, તેઓ પોતાના આદર્શ કે.એલ. સાયગલને પગલે આગળ વધવા ઈચ્છતા હતા. પણ તેમ બન્યું નહીં.

આત્માએ કેટલાંક લોકપ્રિય ગીતો, ભજનો અને ફિલ્મી ગીતો ગાયાં હોવા છતાં તેમની કારકીર્દિને ધાર્યો ઉઠાવ ન મળ્યો. હતાશાની લાગણી સાથે ૫૨ વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. પણ તેમણે કારકીર્દિની શરૂઆતમાં ગાયેલું (ઓ.પી.નૈયરના સ્વરબદ્ધ કરેલું) એક ગેરફિલ્મી ગીત પ્રીતમ આન મીલો તેમને અમર બનાવી ગયું છે.

ઉમા દેવીની ગાયિકા તરીકેની કારકીર્દિ બહુ જ ટૂંકી રહી અને સમય જતાં ફિલ્મ બાબુલ(૧૯૫૦)થી ટૂનટૂન નામ ધારણ કરી, તેઓ હાસ્યઅભિનેત્રી તરીકે કામ કરવા લાગ્યાં. તેમણે નાટક, દર્દ, ચંદ્રલેખા અને અન્ય કેટલીક ફિલ્મો માટે ગાતો ગાયાં હતાં. પણ હજી સુધી ઉમાદેવીની ઓળખ તેમણે કારકીર્દિની શરૂઆતમાં ગાયેલા ૧૯૪૭ની ફિલ્મ દર્દના ગીત અફસાના લીખ રહી હૂં થકી બની રહી છે.

નસીબે જોર ન કર્યું હોત તો મુબારક બેગમ લગભગ ભૂલાઈ જ ગયાં હોત. ફિલ્મ ‘હમારી યાદ આયેગી’ના દિગ્દર્શક કેદાર શર્માના જણાવ્યા પ્રમાણે ફિલ્મના ટાઈટલ ગીત માટેનું રેકોર્ડીંગ લતા મંગેશકરે બે વાર રદ કરાવ્યું. આમ થવાથી અકળાયેલા શર્માને સંગીતકારના પૈસા બચાવવા માટે અન્ય ગાયિકાને લેવાની જરૂર પડી. પરિણામે લતાએ ગુમાવ્યું તે મુબારક બેગમ માટે મોટી તક બની ગયું.

તેમનું ગાયેલું તે એક ગીત કભી તનહાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી મુબારકની જીવનભરની ઓળખ બની ગયું.

લતા મંગેશકરે અસાધારણ ક્ષમતાવાન ગાયિકા તરીકે સુદીર્ઘ અને એકદમ યાદગાર કારકીર્દિ ભોગવી છે. તેમણે એવાં અગણિત યાદગાર ગીતો ગાયાં છે, જેનાથી નવી નવી પેઢીઓના શ્રોતાઓ પરીચિત ન હોય એમ બને. પણ એક એવું ગીત છે, જે સમયનાં બંધનોને વળોટી ગયું છે. એ ગીત ક્યારેય જૂનું થયું જ નથી. લતાને તેમના ભવ્ય ભૂતકાળ સાથે જોડી રાખતું એ ગીત એટલે તેમણે લગભગ ૭૪ વર્ષ પહેલાં ગાયેલું ફિલ્મ ‘મહલ’નું આયેગા આનેવાલા.

એક સમયનાં હિન્દી ફિલ્મી ગીતોનાં સામ્રાજ્ઞી અને લતા મંગેશકરના શરૂઆતના તબક્કાનાં પ્રેરણામૂર્તી નૂરજહાં આજે પણ ભુલાયાં નથી. તેમણે ભાગલા પહેલાંની ખાનદાન. વીલેજ ગર્લ, બડી મા, ઝીનત અને જૂગનુ જેવી ફિલ્મો માટે યાદગાર ગીતો ગાયાં હોવા છતાં પણ સમયના વહેણની સાથે બદલાયેલી નવી પેઢીના શ્રોતાઓ તેમને ફિલ્મ ‘અનમોલ ઘડી’ (૧૯૪૬)નાં ગીતો અને તેમાં પણ આવાઝ દે કહાં હૈ થકી જ ઓળખે છે. ૧૯૮૨માં નૂરજહાં ભાગલાનાં ૩૫ વર્ષ પછી ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે પણ આ ગીતની અપાર લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમણે તત્કાલીન ચાહકોની સાથે એકરૂપતા સાધવા માટે આવાઝ દે કહાં હૈ  છેડ્યું હતું.

ભારતીય ફિલ્મસંગીતની દુનિયાના બેતાજ બાદશાહ કે.એલ. સાયગલ ૧૯૩૪ની ફિલ્મ ‘ચંડીદાસ’ને મળેલી સફળતા પછી એકમતે અસાધારણ કક્ષાના ગાયક તરીકે ગણાવા લાગ્યા. તેમની પછીના સમયમાં આવેલા ખ્યાતનામ ગાયકોમાંના મોટા ભાગનાઓ માટે તેઓ આદર્શરૂપ બની રહ્યા. પોતાના અદ્વીતીય અવાજ અને પ્રીત મેં હૈ જીવન જોખોમ, બાબુલ મોરા, સો જા રાજકુમારી તેમ જ અય કાતિબ એ તકદીર જેવાં ગીતોની અમાપ લોકપ્રિયતાએ તેમને દૈવી આભા આપી દીધી હતી. વિતેલા સમયના ખંડેરમાં સાયગલની ગાયક તરીકેની મહાનતા ઢબૂરાઈ ગઈ છે તે દુખદ વાત છે. ચાહકોની આનુષંગીક પેઢી તો સાયગલને તેમણે પોતાની કારકીર્દિના અંતભાગમાં નાદુરસ્ત અવસ્થામાં ગાયેલા ફિલ્મ ‘શાહજહાં’(૧૯૪૬)ના ગીત જબ દિલ હી તૂટ ગયા થકી જ જાણે છે.

ફિલ્મી સંગીતના તખ્તાને રોશન કરી જનારા સ્વરકારોમાં ખેમચંદ પ્રકાશ આગવું સ્થાન ધરાવતા હતા. તેમના નિર્દેશનમાં ખુરશીદ(‘પરદેસી’ – ૧૯૪૧, ‘તાનસેન’ – ૧૯૪૩) અને અમીરબાઈ( ‘ભરથરી’ – ૧૯૪૪, ‘સીંદૂર’ – ૧૯૪૭) જેવી ૧૯૪૦ના અરસાની સૌથી વ્યસ્ત ગાયિકાઓએ પોતાનાં યાદગાર ગીતો આપ્યાં છે. ૧૯૪૩ની ફિલ્મ ‘તાનસેન’ના ગીત બિના પંખ પંછી હૂં મૈં માટે તેમણે સાયગલના ખરજદાર અવાજને તીવ્ર ગાયકીમાં એવી રીતે પલોટ્યો કે તેમાંથી દર્દભર્યા રૂદનનો અહેસાસ અનુભવાય. નૌશાદે તેમના સહાયક તરીકે રહીને પોતાની સર્જકતા  મઠારી. ખેમચંદ પ્રકાશે જ કિશોરકુમારને ફિલ્મ ‘ઝીદ્દી’ માટે પાર્શ્વગાયક તરીકે પહેલી તક આપી. લતા મંગેશકરને પ્રસિદ્ધ કરવામાં પણ તેમનું પ્રદાન છે.

તેમના મૃત્યુ પછી ૩૭ વર્ષે ૧૯૮૭ની સાલમાં એક જાણીતા ફિલ્મ સામયિક માટે મેં ખેમચંદ પ્રકાશની જીવની  ઉપર એક લેખ તૈયાર કર્યો. તરત જ તેના તંત્રી રૌફ અહમદે કહ્યું કે આ કોઈ નહીં વાંચે, કેમ કે નવી પેઢીના વાચકોએ તેમનું નામ પણ નહીં સાંભળ્યું હોય. તેમણે ચતુરાઈપૂર્વક તે લેખને બદલીને ‘આયેગા આનેવાલાના સર્જક’ તરીકે રજૂ કર્યો અને તે યુક્તિ કામ કરી ગઈ, કારણ કે જે ગીતે લતા મંગેશકરને પ્રસિદ્ધિ અપાવી હતી તે ખેમચંદ પ્રકાશના ૧૯૫૦ની સાલમાં ૪૨ વર્ષની વયે થયેલા મૃત્યુ પછી પણ જીવંત હતું.

૧૯૩૯ની ફિલ્મ ‘કંગન’થી કારકીર્દિ  શરૂ કરનારા કવિ પ્રદીપના જીવનમાં પણ એક ગીતનો મહત્વનો ફાળો છે. તેમણે ગીતોમાં શુદ્ધ હિન્દીના ઉપયોગને જોર આપ્યું. વળી તેઓ ગીતોમાં દેશપ્રેમની લાગણીને ચૂક્યા વગર વ્યક્ત કરતા હતા. તેમની ઘટનાસભર કારકીર્દિના એક મુકામ ઉપર પ્રદીપને ૧૯૬૨ના ચીની આક્રમણથી હતાશ થઈ ગયેલા લોકોની લાગણીને મલમ લગાડવાનું કામ સોંપવામાં આવ્યું.

પ્રદીપે અય મેરે વતન કે લોગોં લખ્યું, જેને સી.રામચંદ્રે સ્વરબદ્ધ કર્યું અને લતા મંગેશકરે ગાયું, શ્રોતાઓને ગાયકી તેમ જ સ્વરબાંધણી કરતાં પણ ગીતના સંવેદનાથી ભરપૂર શબ્દો સ્પર્શી ગયા અને નેહરુની આંખોમાં તો આંસુ આવી ગયાં.! આ ગીતની અપાર લોકપ્રિયતાને લીધે લતા મંગેશકરે જ્યારે જ્યારે તક ઉભી થાય ત્યારે તે અનિવાર્યપણે ગાવાની ફરજ પડતી હતી. લતાની કીર્તિમાં આ ગીતે ઉમેરો કરી આપ્યો, પણ પ્રદીપના પ્રદાનની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી હશે. તેમને થયેલા અન્યાયનું સાટું વાળવું હોય તેમ ૧૯૯૭માં લતાએ તેમનું ઋણ ચુકવવાની ચેષ્ટારૂપે પ્રદીપને એક લાખ રુપીયા અર્પણ કર્યા.

એક આગળ પડતા ગુજરાતી દૈનીક્માં નોંધ લેવાઈ કે લતા મંગેશકરે ‘દિવંગત કવિ પ્રદીપ’નાં કુટુંબીજનોને એક લાખ રૂપીયા અર્પણ કર્યા. કવિ તો જીવતા હતા અને ચેક તેમણે સદેહે સ્વીકાર્યો હતો! આથી તેમનાં કુટુંબીઓએ આવા ગેરમાર્ગે દોરતા સમાચાર સામે આક્રોશ ઠાલવ્યો. ચોખવટ કરતાં છાપાના અધિષ્ઠાતાઓએ કહ્યું કે કવિ છેલ્લાં ૨૦ વરસથી નિવૃત્ત જીવન ગાળતા હોવાથી તેઓ હયાત નહીં હોય તેમ માની લેવાયું હતું. હા, તેમણે પ્રદીપ કોણ હતા એમ ન પૂછ્યું એટલો તેમનો આભાર!

પ્રદીપની કવિ તરીકેની કારકીર્દિ ચાર ઘટનાસભર દાયકામાં ફેલાયેલી છે. તેમ છતાં ૧૯૯૮માં તેમના અવસાન પછી હજી પણ તેઓ આ એક ગીત – અય મેરે વતન કે લોગોં – થકી ચાહકોની સ્મૃતિમાં જીવંત છે.

વિનોદ અતિશય કાબેલ સ્વરકારોમાંના એક હતા. તેમણે ‘એક થી લડકી’ (૧૯૪૯), ‘અનમોલ રતન’ (૧૯૫૦), ‘વફા’ અને ‘સબ્ઝબાગ’ (૧૯૫૦) જેવી ફિલ્મો માટે યાદગાર ગીતોનું સર્જન કર્યું. પણ ખેદની વાત તો એ છે કે નવી પેઢીના શ્રોતાઓ તેમને એક ઉછાંછળા ગીત લારા લપ્પા થકી જ જાણે છે.

એક ગાયકે ભલે ને ગમે એટલાં ગીતો ગાયાં હોય, ઘણા કિસ્સામાં જોગ એવો બને છે કે એક અને એકમાત્ર ગીત જ તેમની સમગ્ર કારકીર્દિનું ઓળખચિહ્ન બની રહે છે, જેમ કે મુકેશને માટે ‘દિલ જલતા હૈ’ છે.

 નોંધ :

          –   તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ

વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામા આવે.

–  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com