વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

વાત ઘણાં વર્ષો પહેલાંની છે.  એક નાનકડાં ગામમાં રામદાસ બાબુનું ઘર. રામદાસ, એમના પત્ની, દુર્ગાદાસ અને સુરો, એમ ચાર જણનો નાનકડો આ પરિવાર.

દુર્ગાદાસ બંદોપાધ્યાયનાં નામ કે એમનાં કામથી સૌ કોઈ એમને ઓળખતાં નહીં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. તો ચાલો સૌથી પહેલાં એમનો પરિચય કરીએ. વકીલની ડીગ્રી માટે ભણતા હતા એ સમયે દુર્ગાદાસની ઉંમર વીસ વર્ષની હતી. ભણવા માટે કલકત્તા રહેવું પડતું. ઘરે પરત થવા સ્ટીમરમાં આવવું પડતું અને એ પછી પણ દસ-બાર ગાઉ ચાલવું પડતું. રસ્તોય પાછો એટલો સીધો કે સરળ નહોતો. એના કારણે દુર્ગાદાસ બહુ ઓછું ઘરે આવતા.

હવે વાત કરીએ રામદાસ બાબુના ઘરની. રામદાસ બાબુના ઘરમાં એક કાયસ્થ બાળકને આશ્રય આપેલો હતો. સૌ કહેતા કે એ બાળક ખરેખર ખૂબ હોનહાર હતો. આવો સુંદર, બુદ્ધિમાન નોકર આજ સુધી ક્યાંય કોઈએ જોયો નહોતો. રામદાસ અને એમના પત્નીનો એ લાડકો ચાકર હતો. હરિચરણ એનું નામ.

હવે વાત કરીએ હરિચરણની. ઘરના બધા કામ એ ઝટપટ આટોપી લેતો. ગાયને ચારો આપવાથી માંડીને રામબાબુની તેલ-માલિશ સુદ્ધાં એ કરી આપતો. એને કામ કરવું ગમતું. આખો દિવસ વ્યસ્ત રહીનેય એ ખુશ રહેતો અથવા એમાં જ એને ખુશી મળતી.

રામદાસના પત્ની એને કામ કરતો જોઈને ચકિત થઈ જતાં. ક્યારેક ક્યારેક એને ટોકી પણ લેતાં, “હરિ, ઘરમાં બીજા નોકરો પણ છે. તું તો હજુ બાળક છું. આટલું કામ કરવાની ક્યાં જરૂર છે?”

પણ હરિ જેનું નામ. આ બાબતમાં એ કોઈનું સાંભળતો નહીં. એનામાં એક બીજો ગુણ હતો. એને હસવુ બહુ ગમતું. એ હસીને જવાબ આપતો, “મા, અમે રહ્યાં ગરીબ. કામ તો અમારે હંમેશા કરવું જ પડશે અને આમ પણ બેસી રહીને શું મળશે?”

આમ આ સ્નેહાળ કુટુંબમાં હરિચરણને એક વર્ષ પસાર થઈ ગયું.

હવે વાત કરીએ સુરોની. સુરો રામદાસની નાની દીકરી. નાની હતી ત્યારથી સુરોને દૂધ પીવડાવવાનું કામ એટલે સૌથી અઘરી સમસ્યા. એની મા ગમે એટલો પ્રયાસ કરે, સમજાવવા કાલાવાલા કરે પણ સઘળું વ્યર્થ. પણ હા, હરિચરણની વાતોની સુરો પર જબરી અસર થતી. નાનપણથી હરિચરણ સાથે એને ઘણી આત્મિયતા કેળવાઈ હતી જે ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થતી હતી.

હવે પાછા આવીએ દુર્ગાદાસની વાત પર. આ વર્ષે એ બી.એ પાસ થઈને એ ઘરે આવ્યા હતા. મા ઘરનાં કામોમાં અત્યંત વ્યસ્ત રહેતી હતી, એની સાથે હરિચરણ પણ એટલો જ વ્યસ્ત રહેતો.

દુર્ગાદાસે હરિચરણને પહેલી વાર જોયો. હરિચરણ વિશે માને સવાલ કરતા, માએ તો હરિચરણ માટે પ્રસંશાનાં પુષ્પો જ વેરવાના બાકી રાખ્યા, “એક કાયસ્થનો દીકરો છે. મા-બાપ નથી એટલે તારા પિતાએ એને અહીં રાખ્યો છે. સ્વભાવે શાંત અને પ્રકૃતિથી ઉદ્યમી છે. મા-બાપ નથી એટલે આ નાના બાળક પર મને અપાર સ્નેહ આવે છે.”

બસ ત્યારથી આ ઉદ્યમી બાળકનાં કામમાં બીજા અન્ય કામનો ઉમેરો થતો ગયો. દુર્ગાદાસને સ્નાન કરાવવાનું, આવશ્યકતા અનુસાર ઘડાં ભરીભરીને પાણી લાવવાનું, સમયસર પાન, હુક્કાનો પ્રબંધ કરવાનું, વગેરે વગેરે. કામ ઘણું વધી ગયું તેમ છતાં એ જરાય અકળાતો કે થાકતો નહીં.

દુર્ગાદાસને એ ઘણો હોશિયાર લાગ્યો. હવે તો દુર્ગાદાસને હરિચરણ સિવાય કોઈનું કામ પસંદ નહોતું આવતું. ઘણીવાર એમને વિચાર આવતો કે ક્યાંનું પાણી ક્યાં વહી જાય છે! કોના કિસ્મતમાં શું લખ્યું છે કોણ જાણે છે, નહીંતર આવો હોશિયાર બાળક માત્ર જીવનભર સેવક બની રહે?

એક દિવસની વાત છે. દુર્ગાદાસને એક ભવ્ય રાત્રી ભોજનનું નિમંત્રણ મળ્યું હતું. ઘરે જમવાનું નહોતું, રાત્રે આવતા મોડું થવાનું હતું એ વાત નિશ્ચિત હતી એટલે હરિચરણને ઘરનાં કામ પતાવીને એમની પથારી વ્યવસ્થિત કરવાનું કહીને એ ચાલ્યા ગયા. દુર્ગાદાસના પત્ની પીયર ગયા હોવાથી દુર્ગાદાસ બેઠક ખંડમાં સૂતા હતા. રાત્રે સૂવાના સમયે હરિચરણ એમના પગ દબાવી આપતો. દુર્ગાદાસ ઘેરી નિંદમાં સરી જાય એ પછી હરિ સૂવા જતો.

હવે વળી આવશે હરિચરણની વાત-

એ દિવસે સાંજથી હરિચરણને માથાના દુ;ખાવો શરૂ થઈ ગયો હતો. પહેલાં પણ આવું બનતું એટલે હરિને ખ્યાલ તો આવી ગયો કે હવે એને તાવ આવશે. એ દુર્ગાદાસની રાહ જોઈને વધુ સમય બેસી ન શક્યો. તાવ વધતા એને એ પણ ધ્યાનમાં ન આવ્યું કે છોટે બાબુની પથારી કરવાની રહી ગઈ છે અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો.

સૌનું રાત્રી ભોજન સમાપ્ત થતાં રામદાસના પત્ની હરિને જોવા આવ્યાં. એને ઊંઘતો જોયો, જગાડવાનો પ્રયાસ કરતાં, સમજાયું કે હરિનું શરીર તાવથી ઘખી રહ્યું હતું. એને ખલેલ પહોંચાડ્યાં વગર એ ચાલ્યાં ગયાં.

રાત્રીનો બીજો પ્રહર થતા દુર્ગાદાસ બાબુ ઘરે આવ્યા. જોયું તો બેઠક ખંડમાં પથારી તૈયાર નહોતી. થાકના લીધે દુઃખતા પગ હરિ દબાવી આપશે અને પોતે સુખનિંદ્રામાં સરી જશે એવા વિચારોથી ઘેરાયેલા દુર્ગાદાસે હરિના નામની બૂમ મારી. તાવથી પીડિત હરિ તો બેશુદ્ધની જેમ સૂતો હતો, એ ક્યાંથી સાંભળે? દુર્ગાબાબુને જઈને એના વાળ પકડીને બેઠો કરવા પ્રયત્ન કર્યો પણ તાવના લીધે બેસવાનીય તાકાત ગુમાવી બેઠેલો હરિ પથારીમાં ઢળી પડ્યો. હવે દુર્ગાદાસનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. હિતઅહિતના ભાન વગર પહેરેલાં જૂતાં સાથે એમણે હરિની પીઠ પર લાત મારી.

“જનાબ મઝાથી સૂઈ રહ્યા છે. મારી પથારી કોણ હું કરીશ??” કહીને હાથમાં પકડેલી નેતરની સોટીથી હરિની પીઠ પર બે-ત્રણ સાટકા મારી દીધા.

પરાણે બેઠા થયેલા હરિએ દુર્ગાદાસના પગ દબાવી આપ્યા. પણ પગ દબાવતા એની આંખમાંથી બે-ચાર આંસુ દુર્ગાદાસના પગ પર સરી પડ્યા. ગરમ ગરમ આંસુના એ ટીપાની ગરમીથી દુર્ગાદાસને હરિની હાલત સમજાઈ. આમ તો એ પણ હરિને પ્રેમ કરતા હતા. હરિની નમ્ર પ્રકૃતિને લીધે એ સૌનું પ્રિય પાત્ર હતું. છેલ્લા એક મહિનાની ઘનિષ્ટતાના લીધે હરિ દુર્ગાદાસને અધિક પ્રિય બની રહ્યો હતો.

રાત્રે કેટલીય વાર દુર્ગાબાબુને વિચાર આવ્યો કે, એક વાર ઊભા થઈને હરિચરણને કેટલી ચોટ પહોંચી છે એ જોઈ આવે. મારના લીધે સોજો ચઢ્યો હોય તો એ જોઈ આવે. કેટલીય વાર મન થયું કે તાવ ઉતર્યો છે કે નહીં એ પૂછી આવે. હવે એમને પોતાના અઘટિત વર્તન પર શરમ આવતી હતી.

સવારે ઊઠીને હરિચરણ પાણી લઈ આવ્યો. તમાકુ ભરીને હુક્કો સજાવી આપ્યો. ત્યારે પણ દુર્ગાબાબુને થયું કે એની ખબર પૂછે. સોટીના મારથી લોહી ઝમી આવ્યું હોય કે જૂતાંનાં મારથી સોજો ચઢી આવ્યો હોય તો એ જોઈ લેવાનુંય મન થયું.  માંડ તેર વર્ષના એ બાળકને પોતાની પાસે લઈને વહાલથી એની પીઠ પર હાથ પસરાવવાનું મન થયું પણ સંકોચના લીધે ન કરી શક્યા.

દિવસ ચઢતા ઘરના દૈનિક કાર્યોમાં સૌ અટવાઈ ગયાં. ત્યારે નવ વાગે એક તાર આવ્યો કે દુર્ગાદાસના પત્ની કલકત્તામાં બીમાર છે. દુર્ગાબાબુ વ્યથિત થઈ ગયા. કલકત્તા જવા ગાડીમાં બેસવા જતા હરિચરણ યાદ આવ્યો. અજાણતા એને કેવું દુઃખ પહોંચાડ્યું હતું એનો વિચાર આવતા જાતને ઠાલું આશ્વાસન આપ્યું, “ઈશ્વર પ્રાયશ્ચિત કરવાની તક આપશે તો એ વ્યર્થ નહીં જવા દે.”

આ વાતને એક મહિનો પસાર થઈ ગયો. દુર્ગાબાબુની પત્ની સંપૂર્ણ સાજી થઈ ગઈ. દુર્ગાબાબુને હાંશ થઈ. એમના માટે આ રાહત અને આનંદની વાત હતી, ત્યારે જ એમના ઘરેથી એક પત્ર આવ્યો,

“તમને જણાવતા ઘણું દુઃખ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી જ્વરથી પીડાતો હરિચરણ ગઈ કાલે સવારે મૃત્યુ પામ્યો છે. મરતાં પહેલાં કેટલીય વાર તમને જોવાની એણે ઇચ્છા દર્શાવી હતી.”

આહ! બિચારો મા-બાપ વિનાનો અનાથ છોકરો. સમાચારથી વ્યથિત દુર્ગાદાસે હાથમાં પકડેલા એ કાગળના ટુકડા ટુકડા કરીને ફેંકી દીધા.

કારણ? હવે આમાં બીજું શું કરી શકાય કે કરવાનું પણ શું હોય?


શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની વાર્તા ‘હરિચરણ’ને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.