-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રાક્કથન
સુખી અંગત જીવનની માર્ગદર્શિકા
દિવ્યભાષ સી. અંજારીઆ
આ પુસ્તક મારા તમારા જેવા, નાણાંની આસપાસ ગોઠવાયેલાં રહેતાં આપણાં જીવન અને તેનાં વિવિધ પાસાંઓનું મહત્ત્વ સમજતા, પરંતુ અર્થશાસ્ત્રની પારિભાષિક આંટીઘુંટીઓથી અલ્પપરિચિત સામાન્ય લોકો માટે છે. માનવીય વ્યવહારો પરથી અર્થશાસ્ત્રના નિયમો ઘડવા ધારતા વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ માટેનું આ કોઈ વ્યાવસાયિક પુસ્તક નથી.
આ પુસ્તકનો મૂળભુત આધાર એ માન્યતા છે કે માનવ જીવન સાથે કોઈ સંબંધ ન હોય એવું અર્થશાસ્ત્ર કોઈ કામનું નથી, કે અર્થશાસ્ત્ર એ વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ તારવેલા નિયમો મુજબ માત્રનો, વિજ્ઞાન આધારીત, વિષય નથી. આર્થિક નિર્ણય પ્રક્રિયા એ એવો વ્યક્તિગત વિષય છે જેમાં આર્થિક નિયમો લોકો માટે બનાવાતા નથી પણ લોકો તે નિયમો બનાવે છે, અને બનાવતાં રહેશે તેમજ તેમનો વ્યવહારમાં ઉપયોગ પણ એ લોકો જ કરે છે તેમજ કરતાં રહેશે..
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ વ્યક્તિગત આર્થિક નિયમો તેમ જ મારા તમારા જેવાં સામાન્ય માણસોની આર્થિક નિર્ણય પ્રક્રિયા જાણવાં અને સમજવાં જોઇશે. જેટલાં આપણે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રને આધીન છીએ તેટલું આપણે તેને ઘડીએ પણ છીએ. માટે, આ પુસ્તક આપણા જેવાં બિન-અર્થશાસ્ત્રીઓ માટે છે. તે સાથે સાથે આ પુસ્તક વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓને બિનઅર્થશાસ્ત્રી – સામાન્ય – માનવીની એક મહત્ત્વનાં આર્થિક પરિબળ તરીકે નોંધ લેવાનું આગ્રહભર્યું સુચન પણ કરે છે.
આપણું જીવન, આપણી જીવનદૃષ્ટિની ફિલસૂફી, સુખની આપણી પોતાની વ્યાખ્યા, અને આપણી પોતાની અર્થવ્યવસ્થા
આપણી દરેકની જીવન જીવવા માટેની આગવી જીવનદૃષ્ટિ, ફિલસૂફી છે. નાણાંકીય કે બિનનાણાંકીય સાધનોની મદદથી યેન કેન પ્રકારેણ રીતે જીવનમાં સુખ મેળવવા માટેની ફિલસુફીની કોઈ ચાવી રજૂ કરવાનો આ પુસ્તકનો ઉપક્રમ કે આશય નથી.
આ પુસ્તકનો આશય તો અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન તેમ જ જીવનનાં અર્થશાસ્ત્રની એટલી મૂળભૂત સમજ આપવાનો છે કે જેથી આપણાં જીવનની ફિલસૂફીને અમલમાં મુકીને જીવનનાં આપણાં સુખનાં ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરવાની મંજિલના મુકામ નજદીક પહોંચવામાં આપણને મદદ મળે.
અર્થશાત્રનાં વિજ્ઞાનનું ધ્યેય
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની હાલમાં પ્રવર્તતી પદ્ધતિ માત્ર, અને જરૂર પડે તો હજુ વધુ, નાણાંકીય સાધનોની જ મદદથી જીવનનાં સુખને પ્રાપ્ત કરવાનાં ધ્યેય માટે પ્રવૃત રહે છે. પરિણામે, કદાચ આજનું અર્થશાત્ર એમ પૂર્ણધારણા પણ કરી લે છે કે સુખ પ્રાપ્તિ માત્ર નાણાં વડે જ શક્ય બની શકે. એટલે અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું ધ્યેય પણ નાણાંના નવાં નવાં સંસાધનો ઉભા કરવાનું જ રહેતું જોવા મળે છે.
આપણા જીવનનાં અર્થશાસ્ત્રનો આશય
જીવન જીવવા માટે પૈસાની જરૂર છે એ જેટલું સાચું છે તેટલું જ સાચું એ પણ છે કે જીવનમાં સુખ અને આનંદ પૈસા સિવાય પણ મળી શકે તેમ હોય છે.
જીવનનું અર્થશાસ્ત્ર એટલે આપણું જીવન અને તેની આસપાસ બનતી રોજબરોજની આર્થિક ઘટનાઓ. એ અર્થશાસ્ત્રને આપણે આપણી માન્યતાઓ, વિચારો અને વર્તણૂકો વડે મૂર્ત કરીએ છીએ. અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનથી આપણે પરિચિત હોઇએ કે ન હોઇએ, તેને જાણ્યે અજાણ્યે અનુસરતાં હોઇએ કે ન હોઇએ, અર્થશાસ્ત્રનું વિજ્ઞાન અને તેના નિયમો તેમજ તેના દ્વારા માનવ જીવનમાં સુખની, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ, શોધ આપણાં જીવનનાં અર્થશાસ્ત્રનો એક અવિભાજ્ય હિસ્સો જરૂર બની રહેતો હોય છે. પરંતુ આ નાણાંકીય અર્થશાસ્ત્રને બાજુમાં મુકીને માનવ જીવનનાં અર્થશાસ્ત્રનો મૂળભૂત આશય, આપણી પાસે કેટલા પણ પૈસા કે નાણાકીય સમૃદ્ધિ હોય તેને અલગથી રાખીને, જીવનમાં સુખની પ્રાપ્તિનો હોય છે.
વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જીવનની ફિલસૂફીનો આશય
આપણા જીવનની ફિલસુફી, પોતાના મનમાં, કે અન્યો સામે, વ્યક્ત કરેલ હોય કે ન હોય, આપણું જીવન તેને આધિન હોય જ છે. સભાનપણે કે અભાન પણે દરેક વ્યક્તિને અવિરતપણે પોતાનાં જીવનમાં સુખની શોધ રહેતી હોય છે. જીવનની એ વ્યક્તિગત ફિલસૂફી જ નક્કી કરે છે કે આપણે શું, કેટલું, કેમ અને ક્યારે કમાવું, અને એ કમાણી મદદથી, જે તે સમયે વાંછિત સુખ કેમ પ્રાપ્ત કરવું, ટકાવી રાખવું તેમજ તેમાં સતત વૃદ્ધિ થતી રહે તે પણ જોવું. આ ફિલસૂફી એ પણ નક્કી કરે છે કે એ સુખની પ્રાપ્તિ માટે કેટલી આર્થિક, અને કેટલી બિનઆર્થિક, સમૃદ્ધિ જોઇશે.
આમ, જીવનની ફિલસૂફી દરેક વ્યક્તિનાં જીવનનું – તેને પરિણામે પોતાનાં જીવનનાં આગવાં વ્યક્તિગત અર્થાશાસ્ત્રનું – ચાલક બળ બની રહે છે. સ્વાભાવિક જ છે કે જીવનનાં અર્થશાસ્ત્રનો ઓછાયો આપણી વ્યક્તિગત ફિલસૂફી, આપણાં જીવનનાં અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન વિશેના આપણા દૃષ્ટિકોણ પર પથરાયેલો જ રહે.
નાણાં ઓછાં હોય કે વધારે હોય, કે ન પણ હોય, એવા જીવનના કોઈ પણ તબક્કાના, જે તે સમય પ્રવર્તમાન સંજોગોના સંદર્ભમાં, જીવનનાં સુખની ચિરઃસ્થાયી પ્રાપ્તિ એ આ પુસ્તકનો મૂળભુત આશય છે.
પરિચય –
૧૯૬૮માં આઇ આઇ એમ , અમદાવાદથી એમ બી એનો ઉચ્ચ અભ્યાસક્રમ પુરો કર્યા પછી શ્રી દિવ્યભાષ સી. અંજારીઆએ સાત વર્ષ ભારતમાં અને તેર વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કક્ષાએ બેંકિંગ ક્ષેત્રમાં કામ કર્યું.
૧૯૮૯માં ભારતમાં પાછા આવ્યા પછી તેમણે ભારત સરકારની અને સેબીની કેપિટલ માર્કેટ્સ, મ્યુયુઅલ ફંડ્સ અને ઇન્વેસ્ટમેંટ બેંકિગના માળખાં અને નિયમન માટેની વિવિધ સમિતિઓમાં પોતાની સેવાઓ આપી. ઈંડોનેશિયામાં પણ તેમણે આ જ પ્રકારનું કામ પણ કર્યું. યુનિટ ટ્ર્સ્ટ ઑફ ઈંડિયાની યુટીઆઇ ઇન્સ્ટિટ્યુટ ઑફ કેપિટલ માર્કેટ્સની સ્થાપના કરવામાં તેમણે મહત્ત્વની કામગીરી પણ કરી.
૧૯૯૯માં તેઓ ગુજરાતમાં આવીને સ્થિર થયા. તે સમયે ગુજરાત સરકારને એક નાણાંકીય પ્રવૃત્તિઓનું કેંદ્રવર્તી મથક સ્થાપવા અંગેની સલાહ આપવાની સાથે તેનાં માળખાંની તૈયારી કરી આપી. જેનાં પરિણામ રૂપે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાંસ ટેક-સિટી લિ (ગિફ્ટ) ની સ્થાપના થઈ અને ડાયરેક્ટર તરીકે ગુજરાત સરકારના મહાત્વાકાંક્ષી પ્રક્લ્પ, ગિફ્ટ સિટી,ની વિભાવનાના વિકાસ અને પ્રારંભિક આલેખનમાં શ્રી દિવ્યભાષ સી. અંજારીઆએ પાયાની ભૂમિકા ભજવી.
તેઓ ગુજરાત સરકારની કેટલીક કંપનીઓમાં તેમજ ખાનગી સેક્ટરની કંપનીઓમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે તેમની સક્રિય સેવાઓ આપતા રહેવાની સાથે ગુજરાતમાં કેપિટલ માર્કેટ્સને લગતા પદ્ધતિસરના અભ્યસક્રમો વિકસાવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
૨૦૧૯માં કોવિડની મહામારી સમયે જે ફરજિયાત ઘરનિવૃતિ તેમણે ભોગવી તે અનુભવે તેમણે અંગ્રેજીમાં The Economics of Life પુસ્તક લખ્યું,જે હાલમાં પ્રકાશન પ્રકિયાના તબક્કામાં છે. હવે એ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ તેઓ તૈયાર કરી રહ્યા છે, જે વેબ ગુર્જરી પર દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે, ક્રમશઃ, પ્રકાશિત થશે.
વેબ ગુર્જરી શ્રી દિવ્યભાષ સી અંજારીઆનો વેબ ગુર્જરી પરિવારમાં સહર્ષ આવકાર કરે છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કાર્ટૂનકથા : [૧]
બીરેન કોઠારી
આ નવિન શ્રેણી શેની છે એ વિષે જણાવતાં અગાઉ તેનો અસલમાં આરંભ શી રીતે થયો એની વાત પહેલાં કરું. 2021ના ઑગષ્ટ કે સપ્ટેમ્બરમાં મુંબઈના મિત્ર રાજુ પટેલનો ફોન આવ્યો. રાજુ પટેલ ‘વારેવા’ (વાર્તા રે વાર્તા) નામના જૂથના અતિશય સક્રિય સ્થાપક સભ્ય છે. વિવિધ સ્થળોએ તેઓ વાર્તાલેખનની શિબિર યોજે છે. અમારા બન્નેમાં સામાન્ય અવયવ છે અમેરિકન હાસ્યમાસિક ‘મૅડ’ માટેનો અમાર લગાવ. અમે બન્ને ભેગા મળીને ફેસબુક પર ‘MADપૂર્વક’ નામનું એક પેજ ચલાવીએ છીએ, જેમાં આ સામયિકની વિવિધ ખાસિયતોની છણાવટ કરવાનો ઉપક્રમ હોય છે. આ કારણે ઘણી વાર અનેક મુદ્દે અને મુદ્દા વિના પણ અમારો ફોનાલાપ થતો રહે છે. ફેસબુક પર આ જ જૂથના ‘વારેવા’ (વાર્તા રે વાર્તા) નામના પૃષ્ઠનો હું સભ્ય છું, પણ વાર્તાલેખન તરફનો નૈસર્ગિક ઝુકાવ મારામાં ન હોવાથી એ પૃષ્ઠ પર મૂકાયેલી પોસ્ટ વાંચવા સિવાય મારી ખાસ ભૂમિકા હોતી નથી. દરેક પોસ્ટ વાંચી શકાય એમ પણ બનતું નથી. આ જૂથે ‘વારેવા’ નામનું, વાર્તાલેખન અને તેની ખૂબીઓની ચર્ચા કરતું સામયિક શરૂ કરવાની ઘોષણા આ જ અરસામાં કરી ત્યારે મને થયું કે ઠીક છે, વાંચીશું, પણ એમાં મારે કશું પ્રદાન કરવાનું નથી.
એ દિવસે રાજુએ ફોનમાં મને આ સામયિક વિશે વાત કરી, જે હું જાણતો જ હતો. પણ એ પછી તેમણે કહ્યું, “તમારે આ સામયિક માટે વાર્તાને લગતાં કાર્ટૂન દોરવાનાં છે.” કાર્ટૂન મારો પ્રેમ ખરો, ચિત્રો હું ચિરશિખાઉપણે દોરતો હોઉં છું, પણ કાર્ટૂન દોરવાનું? મેં કહ્યું, ‘મેં કદી કાર્ટૂન દોર્યાં નથી. મને એ ન ફાવે.’ આ સાંભળીને રાજુએ મારા માટે સુંદરકાંડ જેવા પાઠ શરૂ કર્યા. રામાયણમાં સુંદરકાંડનું આગવું મહત્ત્વ છે. પોતાની પ્રચંડ શક્તિઓને વીસરી ગયેલા હનુમાનજી સમક્ષ તેમનાં પરાક્રમોનું વર્ણન કરવામાં આવે છે. પરિણામે હનુમાનજી વિરાટ રૂપ ધારણ કરે છે અને લંકા સુધી પહોંચવા માટે દરિયો ઓળંગી જવાય એવો પ્રચંડ કૂદકો લગાવે છે. આ ગુણગાન એટલે સુંદરકાંડ.
રાજુએ કરેલા ‘સુંદરકાંડ’ જેવા પાઠનું પરિણામ એ આવ્યું કે મારે કાર્ટૂન બનાવવાં એમ નક્કી થયું. આ પ્રસ્તાવના સ્વીકાર અંગેની આનાકાનીના આરંભિક તબક્કા પછી બહુ ઝડપથી અમે બન્ને કાર્ટૂનના આઈડિયાની ચર્ચા કરવા લાગ્યા. એ પ્રાથમિક તબક્કામાં જ મેં સૂચવ્યું કે આપણે એક નિયમિત કાર્ટૂનવિભાગ ઊધઈ અંગેનાં કાર્ટૂનનો કરીએ તો? કેમ કે, પુસ્તકનો વિચાર આવે એની સાથે જ ‘મૅડ’પ્રેમીઓને ઉધઈ યાદ આવ્યા વિના રહે નહીં. રાજુએ તરત જ હા પાડી દીધી, અને કહ્યું કે એ તો કરીએ, પણ એ સિવાયનાં સામાન્ય- એટલે કે વાર્તા/સાહિત્ય વિષયક કાર્ટૂન તો કરવાનાં જ. આમ, એક અંકમાં ચારેક કાર્ટૂન મારે બનાવવાં એમ ઠર્યું. આમ, ઊધઈ અંગેનાં કાર્ટૂનો ‘ઊધઈ ઊવાચ’ શિર્ષક તળે મૂકાય અને અન્ય કાર્ટૂનો ‘વાર્તાવ્યંગ્ય’ તરીકે મૂકાય એમ નક્કી કર્યું.
થોડી વાત આ કાર્ટૂન વિશે કરવી જરૂરી છે. ‘મૅડ’ના તેમજ કાર્ટૂનોના પ્રેમી તરીકે એટલું સ્પષ્ટ હતું કે કાર્ટૂનમાં કેવળ શબ્દોથી હાસ્ય પેદા નથી કરવાનું. કાર્ટૂન મૂળભૂત રીતે દૃશ્યકળા છે, અને તેથી ચિત્રાંકનનું પણ એટલું જ મહત્ત્વ હોવું જોઈએ.
જે પ્રકારનાં ચિત્રો હું બનાવું છું એમાં લેન્ડસ્કેપ વધુ હોય છે. માનવાકૃતિઓ બનાવવામાં મારી ફાવટ ઓછી અને રુચિ પણ ખાસ નહીં. મારી આ મર્યાદાની અમે ચર્ચા કરી એ વખતે મારા મનમાં એમ હતું કે કાર્ટૂનમાં જ્યાં પણ માનવાકૃતિની જરૂર પડશે ત્યાં હું ‘સ્ટીકી ફીગર’થી કામ લઈશ. ‘સ્ટીકી ફીગર’માં આખું શરીર દોરવાની ઝંઝટ નહીં, માત્ર લીટીઓથી શરીર ચીતરી દેવાનું, અને ચહેરાના હાવભાવ દર્શાવવાથી કામ ચાલી જાય.
એ મુજબ મેં કાર્ટૂન દોર્યાં, અને મને સંતોષકારક લાગ્યાં. જેમને એ બતાવ્યાં એમને પણ સંતોષકારક જણાયાં. આમ છતાં, મને લાગ્યું કે આ રીતે હું માનવાકૃતિ દોરવાથી દૂર ભાગું એ યોગ્ય ન કહેવાય. આથી એ બાબતે થોડો મહાવરો કરીને મેં હાવભાવ સહિતની માનવાકૃતિઓ ચીતરવાનું શરૂ કર્યું. એમાં મઝા આવવા લાગી, એટલે કાર્ટૂનના મૂળભૂત પાઠ જણાવતા એક પુસ્તકમાંથી મેં થોડી ટીપ્સ મેળવી લીધી. આમ, શરૂઆતમાં ‘સ્ટીકી ફીગર્સ’ અને પછી કેરિકેચર આ કાર્ટૂનમાં દેખા દેશે.
‘વારેવા’ના ઑક્ટોબર, 2021ના સૌ પ્રથમ અંકથી લઈને તેરમા અંક સુધીની સફર તેણે સંપન્ન કરી છે અને એ દરેક અંકમાં ચચ્ચાર કાર્ટૂન પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
આ કાર્ટૂનની વિશેષતા એ છે કે તેમાં એક જ વિષય-‘સાહિત્ય’-ને આલેખવામાં આવ્યું છે.
‘વારેવા’માં પ્રકાશિત થયેલાં આ કાર્ટૂન દર મહિનાના બીજા સોમવારે ‘વેબગુર્જરી’ પર મૂકવામાં આવશે.
ઊધઈ ઊવાચ


વાર્તાવ્યંગ્ય


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
શ્રદ્ધાંજલિ રેખાંકનો [૧]
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah – Tribute Sketces -1
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ગઝલઃ હરદ્વાર ગોસ્વામી
કોનાં પગલે પર્વત પરથી ઝરે સુગંધી ઝરણાં રે !સાત સમંદર તરી જવાના કારણમાં છે તરણાં રે !મેં ય મને પીધો પરબારો ત્યારે સઘળી પ્યાસ બૂઝી,કોરેકોરાં લાગે તારાં વરસાદી પાથરણાં રે !દોથેદોથા સૂરજ ઊગે, તારાં ગમતાં કિરણો લઈ,વાવી દેજો ગુલાબ વચ્ચે બે ચપટી ચાંદરણાં રે !દોસ્ત ગઝલનો ભેટો થાશે એ જ ક્ષણોની મસ્તીમાં,બે ટીંપા માટે પણ જયારે માંગો નભનાં ગરણાં રે !દુશ્મનના બાળકની આંખે મેં ય કવિતા વાંચી છે,તારાં આંસુ તેં લૂછ્યાંના તને કદી સાંભરણા રે !દંતકથાની દૂંટીમાંથી સોનપરીનું મરડાવું,છાતી ઠેકી ભાગી જાતાં ત્રણસો પાંસઠ હરણાં રે !હરદ્વાર ગોસ્વામી -
ઊર્મિલ સંચારઃ પ્ર. ૫. ઋણાનુબંધ
શોમ અને અંજલિના પ્રેમ સંબંધથી આનંદ છાવાય છે. અંજલિની માતાનો પત્ર આવે છે જેમાં માયા અને શોમના લગ્ન થયા હતા તે રહસ્ય ખૂલે છે. હ્યુસ્ટનમાં આયુર્વેદિક સેન્ટર સંભાળતા ડોક્ટરના આંકડાઓ ખોટા છે. શોમ અને અંજલિ વચ્ચે અણબનાવ…
હવે આગળ ……
સરયૂ પરીખ
એબી સેન્ટરમાં ગંભીર વાતાવરણ હતું. દરેકના મનમાં જુદી જુદી આશંકાઓ હતી. મિટિંગ માટે ડોક્ટર રાકેશ અને ડોક્ટર અંજલિને બોલાવ્યા હતા. અંજલિ તો ગઈકાલથી જ નિસ્તેજ લાગતી હતી. સારા અને ડીનની સાથે શોમને જોઈને તેનું દિલ એક ધડકન ચૂકી ગયું. નજર મેળવ્યા વગર જ ‘હેલો’ કહીને રાકેશની બાજુની ખુરશીમાં અંજલિ બેઠી. …પોતે માયાની ફોઈની દીકરી છે તે જાણ્યા પછીનો, શોમનો ગુસ્સો તે ભૂલી નહોતી.
“એબી સેન્ટરનું કામ બરાબર ચાલે છે તે મેં સાંભળ્યું છે. ડોક્ટર રાકેશ! તમે મને જણાવશો કે દર્દી અહીં આવે પછી કઈ રીતનો નિત્યક્રમ હોય છે?” ડીને વાતની શરૂઆત કરી.
“દર્દીને તપાસીને પછી ટ્યુમરના માપ વગેરે મારી ઓફિસમાં લેવાય છે અને પછી દર્દીને ડોક્ટર અંજલિ પાસે મોકલવામાં આવે છે” …અંજલિને થયું કે આવી સામાન્ય નિત્યક્રમની વાતો કેમ કરે છે? એણે સારા સામે જોયું અને સારાએ ઇશારાથી ધીરજ રાખવા કહ્યું.
શોમે રાકેશને ત્યાં જ અટકાવી પરિણામની ફાઈલ તેની સામે ધરી. “રાકેશ તમે જુઓ કે પહેલા કોલમમાં હ્યુસ્ટન ક્લિનિકના માપ લખેલા છે. બીજા કોલમમાં ત્રણથી પાંચ દિવસના ગાળામાં જ તમે લીધેલા માપ આટલા વધારે કેમ છે?” આ સાંભળીને અંજલિની આંખો પહોળી થઈ ગઈ. તેને પરિસ્થિતિનો તરત ખ્યાલ આવી ગયો અને શોમની સામે જોઈ રહી.
શોમ રાકેશની ઉલટ તપાસમાં પરોવાયેલો હતો. અંતે રાકેશે કબૂલ કર્યું કે “હા, મેં ઊંચાં નંબર લખ્યા જેથી સંકોચાયેલ ટ્યુમરની સરખામણીનું અંતિમ પરિણામ ખુબ સરસ લાગે.”
શોમ નિઃશબ્દ, રાકેશ સામે તાકી રહ્યો. ડીન કહે, “તમે માનવસેવાના ક્ષેત્રમાં કામ કરવા આવ્યા અને આ જાતનું કર્મ? તમારી પાસે ખરા પરિણામો છે ને? તે તમારી ઓફિસમાંથી લઈ આવીએ, ચાલો. અને સારા, તમે પણ સાથે આવો.”
શોમ સાથે એકલા પડતા, અકળામણનો ભાવ અંજલિને ઘેરી વળ્યો. બન્નેમાંથી કોને શું બોલવું તેની મૂંઝવણનો ભાર હવામાં તોળાઈ રહ્યો…શોમ અંતે બોલ્યો, “અંજલિ, ગઈકાલની મારી તોછડાઇ માટે માફ કરીશ?”
“ગઈકાલે મને બહુ દુઃખ લાગ્યું હતું, પણ અત્યારે હું કારણ સમજી શકું છું. તમે ખુબ અસ્વસ્થ હતા કારણ કે તમને લાગ્યું હતું કે હું પણ આ કાંડમાં ભળેલી છું, ખરું?” જાણે મનમાં ગણગણી, “હવે વિશ્વાસના તૂટેલા તારને કેમ જોડશું?” અંજલિના સવાલનો શોમ જવાબ આપે તે પહેલા, ડીન રાકેશને કહેતા સંભળાયા, “આ ઘડીથી તમારા બધા હક્ક રદ થાય છે. તમારા બાકીના ડોલરની ચુકવણી નહીં થાય. ઓફિસ ખાલી કરીને અત્યારે નીકળી જાવ.”
રાકેશ બારણા પાસેથી જ પાછો ફરી ગયો. ડીન બોલ્યા, “મિસ અંજલિ, આ વાત જાણીને તમને આંચકો લાગ્યો હશે. થોડા દિવસો તમારી જવાબદારી વધી જશે પણ તમને પૂરતી મદદ મળે તેવી વ્યવસ્થા કરશું જેથી તમારા છેલ્લા મહિનાનું અહીંનું કામ સફળ રીતે પાર પાડી શકો.”
શોમના હોઠ ખુલ્યા પણ શબ્દ ન નીકળ્યા અને અંજલિ વિદાય લઈ ચાલી ગઈ. શોમે પોતાના એપાર્ટમેન્ટ પર જઈને તેની ચિંતા કરતી મમ્મીને તરત ફોન જોડ્યો.
“મા, અંજલિ નિર્દોષ છે.”
“હાં… મને તો ખાત્રી હતી. તારા ડેડી હોસ્પિટલથી આવી ગયા છે તેમને જણાવી દઈશ. તું અંજલિને મનાવી લે જે.” માહી બોલી. અંજલિ સાથે વાત કરવાની શોમે ઈચ્છા બતાવી.
“અરે બેટા, અંજલિ તો આજે સવારે જ પંડ્યાસાહેબને ઘેર શિફ્ટ થઈ ગઈ. મીસીસ પંડ્યા આવીને સામાન લઈ ગયા. મેં સમજાવી પણ અંજલિ કહે કે ‘મને હવે અહીં રહેવાનું વિચિત્ર લાગશે’.”
શોમે એક બે વખત અંજલિને ફોન કર્યો પણ સહકાર્યકર માફક વાત થતી, અને ફોન લાઈન કપાઈ જતી. એ દિવસે હોસ્ટ અને ગેસ્ટનાં માનમાં મેળાવડો હતો. શોમ, માહી અને રમેશ બેન્ક્વેટ હોલ માં દાખલ થયા અને પરિચિત ચહેરાને શોધી રહ્યાં હતાં. મુખ્ય ટેબલ પર પંડ્યા સાથે બેઠેલી અંજલિના ટેબલ પાસે આવ્યાં. અંજલિ ઊભી થઈને માહીને વળગી પડી.
“અંજલિ, ભારત પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો છે. મારા તરફથી યાદગીરી સમજી આ એક ભેટ સ્વીકારજે.” કહીને માહીએ એક નાજુક બ્રેસલેટ તેના કાંડા પર પહેરાવી દીધું.
“ઓહ! આંટી, બહુ સુંદર છે અને મારા માટે અત્યંત મૂલ્યવાન.” શોમ એ બન્ને વચ્ચેનો સ્નેહ જોઈ રહ્યો. શ્રી અને શ્રીમતી પંડ્યા, માહી અને રમેશ વાતોએ વળગ્યાં. હવે અંજલિને શોમથી દૂર ભાગવાનો કોઈ રસ્તો ન હતો કારણકે તે પણ એ જ મુખ્ય ટેબલ પર બેસવાનો હતો. કાર્યક્રમ શરૂ થયો. જમણ અને ત્યારબાદ માન સન્માનની વાતો એક પછી એક વક્તાઓ કરતાં ગયાં. વિચારોમાં ખોવાયેલ શોમ, કાર્યક્રમનો અગત્યનો ભાગ પૂરો થતાં બોલ્યો,
“અંજલિ, તું મારી સાથે બહાર આવીશ?” અને તેણે આંખો નમાવી હા ભણી. મીસીસ પંડ્યાની રજા લેતા શોમ બોલ્યો, “આંટી, અંજલિ અને હું નીકળીએ છીએ અને પછી તમારે ઘરે હું તેને મૂકી જઈશ.”
“ભલે. ખુશ રહો.”
શોમની કારમાં પોતપોતાનાં વિચારોમાં ખોવાયેલા હતા. સ્વીચ ઓન કરતા કારનું કેસેટ ચાલુ થયું અને “લટ ઊલજી સુલજા જા બાલમ, હાથમે મહેંદી લગી મોરે બાલમ…” પંડિત જસરાજ ગાઈ રહ્યા હતા. અંજલિના ચહેરા પર સ્મિત આવી ગયું. “રાગ બિહાબ. હું ગોઆમાં હતી ત્યારે તેમનો પ્રોગ્રામ સાંભળવા ગયેલી. એક અદ્ભુત અનુભવ! આ રાગ અને તેમની રજૂઆત મને બહુ પસંદ છે.”
“મારું પણ આ માનીતું છે.” શોમ બોલ્યો. હર્મન પાર્ક પાસે કાર રોકી, હાથમાં ચાવી રમાડતા તેના પ્રસન્ન ચહેરા સામે જોઈ રહ્યો. અંજલિ શરમાઈને બારણું ખોલી બહાર નીકળી ગઈ. સમી સાંજના આછા ઉજાસમાં બહુ દિવસની એકલતાથી આળા થયેલા હૈયાને શીતળ પવન મીઠો લાગ્યો. અંજલિ મનોમન પ્રાર્થના કરી રહી કે, “હે પ્રભુ, આ પળ અનંત બની જાય અને હું શોમના સાથમાં ચાલતી જ રહું.” ગહેરા વિચારમાં ચાલતાં ચાલતાં શોમ થંભી ગયો અને અંજલિને ખભે હાથ મુકી બોલ્યો, “મને કહે, તું શું વિચારે છે? આ પરાયાપણું મને પાગલ કરી દે છે. આપણે પહેલા હતા એમ જ કેમ ન થઈ શકીએ?” “હું પણ એ ચાહું છું, પણ આપણે આશંકા અને બીજા સંબંધોમાં સંપૂર્ણ સ્પષ્ટ ન થઈએ ત્યાં સુધી મારાથી કોઈ ખાત્રી આપી શકાય નહીં. માયાએ કરેલા કપટને કારણે હું તમારે યોગ્ય નથી તેવું મને લાગ્યા કરે છે.”
“પણ અમે કોઈ તને જવાબદાર નથી માનતા.”
“હું જાણું છું, પણ મારા મન પર વળગેલું આ ગીલ્ટનું કોચલું મારે જ ઉતારવાનું છે. જ્યાં સુધી પ્રમાણિકતાનો દીવો દિલમાં ન જલે ત્યાં સુધી પ્રેમનો પ્રકાશ અલ્પજીવી હોય, તે નિશ્ચિત છે.” અંજલિનો અંતરાઆત્મા માનતો નહોતો.
“તું એકાદ સપ્તાહમાં જતી રહીશ, પછી શું?” શોમ નિરાશ થઈને બોલ્યો.
“મને ખબર નથી. આવી ડામાડોળ મનઃસ્થિતિમાં કોઈ નિર્ણય લેવો શક્ય નથી.” તટસ્થ ભાવ સાથે બોલાયેલ અંજલિનું વાક્ય, બન્ને માટે આકરું હતું, શોમને માટે પીડાકારી પણ હતું. પંડ્યાસાહેબને ઘેર અંજલિને ઉતારી, અંતિમ વિદાય આપીને શોમ જતો રહ્યો.
પોતાના રૂમની ગહેરી એકલતામાં અંજલિ શોકાતુર થઈ ગઈ. શોમના સાથનો તલસાટ તેને અકળાવી રહ્યો… શોમનું ભેટ આપેલું પ્રેમ-કાવ્યોનું પુસ્તક લઈ તેણે પોતાના વક્ષઃસ્થળ પર ચાંપ્યુ, અને એક પાનું ખોલ્યું,
મનના પતંગાને સાહિને કોરથી,
અંતર આકાંક્ષા સંકોરી વિચારે…
ઓ’ મારા પ્યાર!
તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે,
જીવન સરિયામ હોત નોખે વળાંકે!અંજલિ ગુરુવારની સાંજે જવાની હતી. શોમ ઉદાસ હશે તેમ સમજીને તેના મિત્રો, સ્ટિવ અને આરી તેની ઓફિસમાં આવી ચડ્યા. “ચાલો, આપણે એક ખાસ જગ્યાએ ડિનર લેવા જવાનું છે. ત્યાં પહોંચતા કલાક લાગશે.” શોમને થોડું કામ પતાવવાનું હોવાથી, તેના મિત્રો રાહ જોતા બેઠા. શોમ જવા ઊભો થયો…ને ફોનની ઘંટડી વાગી. “ઓહ, આ લેવો પડશે…” કહી ફોન ઉપાડ્યો.
“બેટા શોમ, તારી મમ્મી બેહોશ થઈ ગઈ હતી. હમણાં ભાન આવ્યું છે તેથી હું હોસ્પિટલ લઈને આવું છું. તું Emergency entrance પાસે મળજે.” રમેશનો ગભરાયેલો અવાજ તેના મિત્રોએ પણ સાંભળ્યો અને ત્રણે મિત્રો ERની દિશામાં ઉતાવળે પગલે ગયા.
માહીને તપાસવા માટે ડોક્ટરની ટિમ તૈયાર હતી. શોમે પ્રાથમિક ચિન્હો જોઈ લીધા પછી બહાર આવીને તેના પિતા અને મિત્રો પાસે બેઠો.
રમેશે કહ્યું, “હું ઘરમાં દાખલ થયો ને માહી બોલી ‘આવી ગયા?’ અને ઢળી પડી. મને ખ્યાલ આવી ગયો કે સ્ટ્રોક કે હાર્ટએટેક નથી. હું એને બોલાવતો રહ્યો અને માનું છું કે, લગભગ ચારેક મિનિટમાં ભાનમાં આવી.” શોમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી તરત ઊઠીને એક્ઝામ રૂમમાં ગયો. પછી બહાર આવીને જણાવ્યું કે, “મમ્મીને Brain scan માટે લઈ જશે. તેથી વાર લાગશે.” મિત્રોના આગ્રહથી તેઓ કાફેટેરિયામાં ગયા અને ત્યારબાદ, સ્ટિવ અને આરિ ઘેર ગયા.
શોમની હાજરીમાં MRI લેવાયો. માહીને વ્હીલચેરમાં બહાર લઈને આવતા શોમના ગમગીન ચહેરા પરથી રમેશને ખરાબ સમાચારના એંધાણ આવી ગયા. “કાર લઈને આવું” કહીને રમેશ
ગયા. કારમાં થોડા સમયની શાંતિ લાવા રસની જેમ પથરાયેલી હતી. ઘેર આવ્યા પછી શોમે જણાવ્યું કે, “મમ્મીને Meningioma Brain Tumor છે. ટ્યુમરની ગંભીરતા તો બીજા પરિણામો આવશે પછી ખબર પડશે.” શોમ માને વ્હાલથી હિંમત આપતો બોલ્યો, “મોમ! તમે ગભરાતા નહીં. તમારો દીકરો આ વિષયમાં નિષ્ણાત છે. આનો ઉપાય છે જ અને થોડા સમયમાં તમે પાછા સંપૂર્ણ સારા થઈ જશો.”શોમને ખભે માથું ઢાળીને માહી ભીની પલકો સાથે હસી. રમેશના ચહેરા પર ચિંતાની રેખાઓ ગહેરી બની ગઈ. રાતના મોડે સુધી રમેશ સાથે વાતચીત કરી શોમે નિર્ણય લીધો હતો કે એલોપથી અને આયુર્વેદિક બંને રીતે સારવાર કરવી.
વધારાના ટેસ્ટના પરિણામ જાણવા શોમ વહેલી સવારે માહીનાં ડોક્ટરની ઓફિસમાં પહોંચી ગયો. નિરાંતનો શ્વાસ લઈ તેણે ઘરે ફોન કર્યો, “મોમ! ટ્યુમર benign છે, ફેલાયેલું નથી. મેં અહીં સર્જન સાથે વાત કરી છે અને અમે આયુર્વેદિક સારવાર પણ સાથોસાથ કરવાની યોજના કરી છે.”
“બેટા, બહુ ચિંતા નહીં કરતો…ઈશ્વરઇચ્છા પ્રમાણે થયા કરશે. પંદર મિનિટ પહેલા તારા ડેડી ત્યાં આવવા નીકળી ગયા છે. અને હાં, મોટીમાસી મારી સંભાળ લેવા ડલાસથી આવી રહ્યાં છે. બસ, ફોન મૂકું છું. અલ્લા હાફીસ.”
“મોમ, તમારી આ… બન્ને તરફના ભગવાન સાથે સારા સંબંધ રાખવાની પદ્ધતિ અજબ છે.” માહી હસી પડી. શોમ મનમાં બોલ્યો, “ઓહ! મમ્મીને ઔષધો વિષે બરાબર સમજાવવા માટે અંજલિની અહીં સખ્ત જરૂરત છે…પણ એ તો અત્યારે ભારત જવાના અડધે રસ્તે હશે.”
ડોક્ટરની ઓફિસમાં બધા પરિણામો આવી ગયા હતા અને સારવાર વિશે વાત આગળ ચાલી. શોમને થયું કે ‘ડેડી કેમ હજી નથી આવ્યા?’ ત્યાં બારણાં પર ટકોરા વાગ્યા અને, “અમે અંદર આવી શકીએ?” એ અવાજ સાંભળીને શોમ સ્તબ્ધ થઈ ગયો.
ક્રમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com -
ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૩
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩ – અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮) તાલીમથી ઢોલકના વાદક હોવાની સાથે સાથે તેમની સંગીતની આગવી આંતરસુઝને કારણે લોકસંગીતનાં ડફ અને મટકા જેવાં તાલવાદ્યોની પણ તેમને સહજ ફાવટ હતી. વળી, નાનપણમાં પિતા સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજર રહેવાનો લાભ તેમને મળતો રહ્યો, જેને પણ સંગીતની તેમની સમજને તાલની સાથે સુરાવલીનાં માધુર્યની પાસાં સુધી આપોઆપ વિસ્તારી. ૧૯૨૪માં મુંબઈ આવ્યા પછીનાં આઠ વર્ષોનો તેમનો સંઘર્ષ તેમનામાં સંગીતનાં નૈસર્ગિક હીરને તરાસવામાં ઉપકારક પણ નીવડ્યો. ફિલ્મજગતની નિયતિ અને વરવી વાસ્તવિકતાઓએ ગુલામ મોહમ્મદનાં હીરની સાચી પરખ કરવામાં ભલે કંજૂસી કરી પણ તેમણે રચેલ ૩૭ જેટલી ફિલ્મોનાં સંગીતને સમયની ગર્તામાં સાવ વિલીન કરી દેવામાં કામયાબી તો ન જ મેળવી.આવા બહુમુખી પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલીન મહિનામાં તેમણે રચેલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે. તદનુસાર સમયે સમયે તેમણે જ એજે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ ગીતોને વાચા આપી તેને કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે
વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં, અને
વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં
કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
આજે હવે વર્ષ ૧૯૫૩માં રજુ થયેલી તેમની સંગીતબધ્ધ કરેલી પાંચ ફિલ્મો – દિલ-એ-નાદાન, ગૌહર, હજ઼ાર રાતેં, લૈલામજનુ અને રેલકા ડિબ્બા-નાં કેટલાંક ગીતો સાંભળીશું.
જગજીત કૌર – ચંદા ગાયે રાગની છમ છમ બરસે ચાંદની, મસ્ત જિયા લહરાયે મોરા મસ્ત જિયા લહરાયે – દિલ -એ – નાદાન (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
આનંદના ભાવનાં આ ગીતમાં જગજીત કૌરના સ્વરને ગુલામ મોહમ્મદે કેટલી આકર્ષક રીતે રજુ કર્યો છે!
આ ફિલ્મમાં જગજિત કૌરનું એક કરૂણ ભાવનું સૉલો – ખામોશ જિંદગીકો એક અફસાના મિલ ગયા – પણ છે, જે જગજિત કૌરનાં શ્રેષ્ઠ ગીતો પૈકી એકનું સ્થાન ધરાવે છે.
સુધા મલ્હોત્રા – ન વો હમારે, ન દિલ હમારા. કહીં ભી અપના નહીં ઠીકાના – દિલ -એ – નાદાન (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ગુલામ મોહમ્મદે હિંમતભરી પ્રયોગશીલતા દાખવીને સુધા મલ્હોત્રાના સ્વરમાં પણ સ્વતંત્ર સૉલો ગીત મુક્યું છે. ગીતની બાંધણી અને વાદ્યસજ્જામાં પણ તેમણે અલગ જ કેડી કોતરી છે.
આશા ભોસલે – લીજો બાબુલ હમારા સલામ રે, હમ તો જાતે હૈ સાજન કે ગામ રે – દિલ -એ – નાદાન (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
અહીં ગુલામ ઓહમ્મદે આશા ભોસલેને તેમની કારકિર્દીના સંઘર્ષના સમયમાં તક આપી છે. કન્યા વિદાયની પરંપરાગત ધુનનો પ્રયોગ પણ ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાનો એક વધારે પુરાવો છે.
તલત મહમુદ – યે રાત સુહાની રાત નહીં, અય ચાંદ સિતારો સો જાઓ – દિલ -એ – નાદાન (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
તલત મહમુદ ઊંચા સપ્તકમાં પણ ગીતની કરૂણા કેટલી અસરકારક રીતે રજુ કરી રહ્યા છે.
આશા ભોસલે, મોહમ્મદ રફી – હૌલે હૌલે ધીરે ધીરે …. દિલ મેરા લેકે ચલે – ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાના ખજાનાંમાં અથાગ રત્નો ભર્યાં પડ્યં છે. ગીતની બાંધણીમાં જેટલી નવીનતા છે તેટલું જ માધુર્ય પણ છે.
શમશાદ બેગમ – સાવન મેં યાદ તેરી આયે જબ પિયા, હો દેખો જી કાલી ઘટા બરસ બરસ જાયે – ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
શ્રાવણની કાળી ઘટાઓ કવિઓ માટે એક પ્રિય વિષય છે. ગુલામ મોહમ્મમ્દ અહીં શમશાદ બેગમના સ્વરની ખુબીનો પુરેપુરો ઉપયોગ કરીને મૌસમની તાજગીને ઝીલી લે છે.
સુધા મલ્હોત્રા, શમશાદ બેગમ – સૈંયા તોરે પૈયાં પડું આ જા રે, મેરે મનકી અગન બુજા જા રે – ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ઢોલકના તાલ પર બે સખીઓ અને તેમનાં મિત્રવૃંદના યૌવન સભર ભાવોને ગુલામ મોહમ્મદ તાદૃશ કરી રહે છે.
મોહમ્મદ રફી – જરા સંભલ કે બેટા જમુરા તુ નાચ મૈં છેડૂં તમુરા – હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
દેખીતી રીતે તો મદારી વાંદરાનો નાચ કરાવતો હોય ત્યારે જે શૈલીમાં ગીત ગાતો હોય છે તે ધુન પર ગુલામ મોહમ્મદે પસંદગી ઉતારી છે, પરંતુ મોહમ્મદ રફીના સ્વરને અલગ જ મુડમાં રજુ કરેલ છે.
શમશાદ બેગમ, મોહમ્મદ રફી – રાજા જી રાજા જી તુમ મેરી કહાની ક્યા જાનો, મૈં હું ક્યા તુમ ભલા દિલકી બાતેં પુરાની ક્યા જાનો – હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
આમ તો બે પ્રેમીઓ વચ્ચે પ્રેમાલાપનું યુગલ ગીત છે, પરંતુ ગીતની રચનામાં પ્રયોગો કરીને ગુલામ મોહમ્મદ અનોખો અંદાજ લાવે છે અને સાથે ઢોલકના ઉપયોગને હાર્મોનિયમન ટુકડાઓનો સંગાથ કરીને ગીતને નાવીન્યસભર તાજગી બક્ષે છે.
મોહમ્મદ રફી – મિલનેકી હસરતમેં બેતાબી કે સાથ, રહ ગયા ફૈલાકે દો હાથ, ફૂલ દો દિન હંસ કે જી બહલા ગયે ઔર યે ગમસે બીન ખીલે મુરઝા ગયે – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
બેકગ્રાઉંડમાં ગવાતાં આ ગીતમાં મોહમ્મદ રફીને ગુલામ મોહમ્મદે રફીને હવે અઢી સપ્તકમાં ઉપરનીચે વહેતા સુરના તેમના જાણીતા અંદાજમાં રજુ કરેલ છે.
લૈલા મજનુમાં મોહમ્મદ રફીના અન્ય બે ગીતો પણ છે. તે જ રીતે આશા ભોસલે તેમ જ શમશાદ બેગમનાં સ્વરોમાં પણ ગીતો છે. આ બધાં ગીતોને પુરતો ન્યાય તો લૈલા મજનુનાં બધાં ગીતોને સાંભળવા લઈએ તો કરી શકાય તેમ છે.
મોહમ્મદ રફી, ખાન મસ્તાના – બુલબુલમેં હૈ નગમે તેરે ગુલમેં તેરી બુ હૈ, હર સાયે મેં તેરા નુર હૈ હર ચિજ મેં તુ હી તુ હૈ – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
કવ્વાલી થાટમાં રચાયેલાં આ ગીતમાં આમ તો ક઼ૈસ (મજનુ)ની લૈલાના દિદારની તડપ છે, પણ સુફી રચનાઓમાં જોવા મળતું હોય છે તેમ પરવર દિગારનાં દર્શનની પણ તડપ અનુભવી શકાય છે.
મોહમ્મદ રફી, તલત મહમૂદ – ભર દે જોલી અલ્લા નામ ભર દે જોલી અલ્લા નામ, સભીકી ખૈર માયી બાબાકી ખૈર તેરે બના દે બીગડે કામ – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ભિક્ષુકોની એક ટુકડી ઈશ્વરની ભક્તિના ભાવ સાથે ભિક્ષા માગવા નીકળ્યા છે, મુખડા અને પહેલા અંતરામાં તો મોહમ્મદ રફી અને તલત મહમૂદ બીજા બીજા કલાકારો માટે સ્વર આપે છે, પરંતુ બીજા અંતરામાં (૧.૫૯થી) પરદા પર ભિક્ષુકો સાથે કૈસ પણ દેખાય છે જે હવે ફિલ્મમાં વ્યાપકપણે પ્રયોજાયેલ તેના માટેના તલત મહમુદના સ્વરમાં ખૈરાત વહેંચતી લૈલા (નુતન) પાસે એક જલવાની ખૈરાત માગે છે.
નૈના (૧૯૫૩)નાં ૪ ગીતો મન્ના ડે એ અને ત્રણ ગીતો ગુલામ મોહમ્મદે સંગીતબધ્ધ કરેલ છે.
મીના કપૂર – બરબાદીયોંને હોશસે બેગાના કર દિયા, અબ આંસુઓંકો દર્દ કા ફસાના કર દિયા – નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ
દેખીતી રીતે હિંદી ફિલ્મની મસાલા ફોર્મ્યુલા મુજબનું પ્રેમભગ્ન હીરોઇન દ્વારા ગવાતું કરૂણ ભાવનાં ગીતને મીના કપૂરનો સ્વર અને માધુર્યપ્રચુર લય્માં મુખડો કે અંતરાની પહેલી પંક્તિને સાવ ધીમા તાલમાં મુકીને ગુલામ મોહમ્મદે કેટલા બધા પ્રયોગો કરી બતાવ્યા છે.
ગીતા દત્ત – દિલ ઉનકો દે દિયા….. દિલકા માલિક જાન કે – નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ
ગુલામ મોહમ્મદ પ્રેમના એકરારને પણ ગીતની બાંધણીમાં નવીનતાની સાથે ગીતા દત્તના સ્વરની મદદથી તેમની પ્રયોગશીલતાનું હજુ એક નવું પાસું રજુ કરે છે.
૧૯૫૩માં રીલીઝ થયેલી શમ્મી કપૂરની ત્રણેય ફિલ્મો – ઠોકર, લૈલા મજનુ અને રેલ કા ડીબ્બા – ટિકીટબારીની સફળતાના અનુક્રમે ૨૧, ૨૨ અને ૧૯મા ક્રમે ટ્રેનના છેલ્લા ડબ્બાઓ જેવી હાલતમાં હતી.
શમશાદ બેગમ – છમ છમાછમ પાયલ બાજે, નાચે મોરા મન, ચંદાસે ગવાહી લે લે તુ મેરે સાજન હો – રેલ કા ડીબ્બા (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
૧૯૫૩માં ગુલામ મોહમ્મદે મધુબાલા માઅટે શમશાદ બેગમનો સ્વર કેમ પસંદ કર્યો હશે તે જાણવા જેવી ઘટના કહેવાય.
પર્દા પર ગીતને પુરો ન્યાય કરવા મધુબાલાએ પુરી કોશીશ કરી છે, પણ એકંદરે ગીત ધારી અસર ઉપજાવવામાં ઉણું પડતું અનુભવાય છે.
મોહમ્મદ રફી, ગાંધારી – દુનિયા જવાન હૈ દિલ મહેરબાન હૈ, ઐસેમેં સજન મિલ જાયે સનમ સનમ મેરી કસમ – રેલ કા ડીબ્બા (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
શેરીમાં પોતાની કરતબ બતાવતાં કળાકારોના ગીતોને અનુરૂપ ગીતની રચના કરાઈ છે.
શમશાદ બેગમ, મોહમ્મદ રફી – લા દે મોહે બાલમા આસમની ચુડીયાં જી આસમાની ચુડીયાં – રેલ કા ડીબ્બા (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
લોક ગીતની ધુનને ગુલામ મોહમ્મદે પોતાની રીતે સજાવીને બે પ્રેમીઓની મજાક મસ્તીનાં અઠખેલીનાં ગીતમાં સજાવી દીધેલ છે
આજના અંકની સમાપ્તિ કરતાં પહેલાં ૧૯૫૩નાં વર્ષમાં ગુલામ મોહમ્મદે તલત મહમુદનાં ખુબ જ લોકચાન અમેળવેલ, અને તલત મહમુદનામ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે એવાં ગીતોને યાદ કરવાં આવસ્યક બની રહે. એ ગીતો હતાં –
ઝિંદગી દેનેવાલે સુન, જો ખુશી સે ચોટ ખાયે, મુહોબ્બતકી ધુન બેક઼રારોસે પુછો (જગજિત કૌર અને સુધા મલ્હોત્રા સાથે) (ત્રણેય ગીત ફિલ્મ(દિલ – એ – નાદાન) ચલ દિયા કારવાં લુટ ગયે હમ યહાં, આસમાનવાલે તેરી દુનિયાસે જી ભર ગયા (લત મંગેશકર સાથે) (બન્ને ગીત ‘લૈલા મજનુ’ માટે)
આટઆટલાં સફળ ગીતો આપવા છતાં આ ફિલ્મો ટિકિટબારી પર પિટાઈ ગઇ અને તેની સાથે ગુલામ મોહમ્મદની કારકિર્દીને પણ પીટતી ગઈ એ નસીબની વક્રતા જ ગણીએ!
ગુલામ મોહમ્મદની કારકિર્દીના ખજાનાની આપણી ખોજ તો હજુ પણ ચાલુ જ છે…..
-
મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
વનવૃક્ષો : ખાખરો

ખાખરો એટલે પ્રશ્નોરા નાગર ગૃહસ્થોનાં બાળકો સવારે ઊઠીને દૂધમાં બાંધીને કરેલી ટાઢી રોટલી ખાય છે તે નહિ. ખાખરો એટલે ચૂરમું બનાવવા માટે બ્રાહ્મણો ઘઉંના લોટની મોટી જાડી બાટી બનાવે છે તે પણ નહિ. ખાખરો એટલે માર પણ નહિ. પરંતુ ખાખરો એટલે એક જાતનું ઝાડ.
ખાખરાનું સંસ્કૃત નામ છે પલાશ. ઋષિમુનિઓ આ પલાશ એટલે ખાખરાનાં પાતળાં લાકડાંની સમિધ કરતા. સમિધ એટલે યજ્ઞકુંડમાં હોમવાનાં લાકડાં. હજી પણ યજ્ઞ કરનારાઓ ખાખરાની સમિધ એકઠી કરે છે અને યજ્ઞકુંડમાં હોમે છે.બ્રાહ્મણોનાં બાળકોને જનોઈ દે છે ત્યારે ખાખરાની ડાળીનો દંડ કરે છે, ને તે દંડ ઉપર ભિક્ષા બાંધે છે. સંન્યાસીઓ પણ ખાખરાની ડાળીનો દંડ ધારણ કરે છે.
ખાખરાનું ઝાડ નહિ બહુ ઊંચું, નહિ બહુ નીચું, એવું થાય છે. ઝાડનાં પાંદડાં ગુંદાનાં પાંદડાં જેવાં અને જેવડાં થાય છે. બ્રાહ્મણો ખાખરાનાં અને ગુંદાનાં પાંદડાંનાં પડિયાપતરાવાળાં કરે છે, ને તેમાં લાડુ જમે છે.
ખાખરાનું ઝાડ રૂપાળું નથી પણ તેનાં ફૂલ બહુ રૂપાળાં છે. ખાખરાનાં ફૂલ એટલે કેસૂડાં.
જ્યારે ખાખરા ઉપર કેસૂડાં આવે છે ત્યારે ખાખરાની સુરત બદલાઇ જાય છે. કેસરી રંગનાં ફૂલોથી ખાખરો ઢંકાઈ જાય છે. જાણે કેસરી વાઘા સજેલો કોઇ રસિયો ! સૂરજના તડકામાં દૂરથી કેસૂડાં એવાં લોભામણાં લાગે છે કે પાસે ગયા વિના અને લીધા વિના રહેવાય જ નહિ.
અને કેવાં સુંદર એ ફૂલો ! જોતાં આંખો ધરાય જ નહિ. અને એની કળીઓ ! જામે મખમલની બનેલી ! ફૂલોની ઘેરી લીલી કાળી પાંખડીઓ અને કળીઓ કેસૂડાને બમણો શણગારે છે; કેસરિયા રંગને બમણો દિપાવે છે. એની મખમલ જેવી સુંવાળપ જાણે છેક નાનાં છોકરાંની આંગળીઓ અને હથેળીઓ ! નાનાં છોકરાંઓ તો એના ઉપર હાથ ફેરવી ફેરવીને થાકે જ નહિ. કેસૂડાંને પાણીમાં નાખીએ તો પાણી કેસરી રંગનું થાય. છોકરાંઓ કેસૂડાંના પાણીમાં કપડા રંગી કેસરિયાં કરે છે. હોળીમાં છોકરાંઓ કેસૂડાંનું પાણી એકબીજા પર છાંટીને મજા કરે છે. હોળીટાણે હવેલીઓમાં કેસૂડાંના પાણીની પિચકારીઓ ઉડાડે છે. કેસૂડાંના પાણીથી છેક નાના બાળકોને નવરાવવાથી તેને ગરમી લાગતી નથી. રજપૂતો કેસરિયાં કરતા એટલે કે તેઓ લડવા અને મરવા માટે આખરના નિકળી જતા. તે વખતે તેઓ કેસૂડાંના પાણીથી કપડાં કેસરિયાં કરતા હશે. કેસરી વાઘા સજીને વરરાજા જેવા બનીને તેઓ મેદાને પડતા હશે. કેસરીસિંહ એમ આપણે કહીએ છીએ તેનો અર્થ એવો તો નહિ હોય કે તેનો રંગ કેસરી-કેસૂડાંના પાણી જેવો છે ? કોણ જાણે, જેમ હોય તેમ ખરું. કોઈ કોઈ ઠેકાણે ખાખરાનાં વન હોય છે. જ્યારે એ વનના ખાખરા ઉપર કેસૂડાં બેસે છે ત્યારે વનવગડો કેસરી ફૂલ-બાગ બની રહે છે. વનની સઘળી શોભા ખાખરા ઉપર આવીને વસે છે, એટલું બધું એ રળિયામણું લાગે છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
હું મીઠડી ચકલી, મને પાછી લાવોને: વિશ્વ ચકલી દિવસ!
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ઘર ચકલીને જોઈ ન હોય તેવું બને પણ તેને જોઈને ઓળખે નહિ તેવું ન બને. લગભગ આખા વિશ્વમાં જોવા મળતી ચકલી ઘણા વર્ષોથી દુર્લભ થઇ ગઈ છે. એક સમયે કુટુંબનો ભાગ ગણાતી ચકલીથી માનવી રિસાઈ ગયો છે અને ચકલીને નામશેષ થવા દેવા જઈ રહ્યો છે.

*ચકલી/ हिंदी: चिड़िया / संस्कृत: गोरैया મરાઠી: ચીમની/ House Sparrow / Passer domesticus*
કદ: ૬ ઇંચ – ૧૫ સે.મી, આયુષ્ય: ૬ વર્ષ સુધી, ખોરાક: ૨ થી ૪ ગ્રામ, ઈંડા: ૪ થી ૫, રંગ: માદા: ગ્રે કલર – નર: ચમકીલો ગ્રે અને કથ્થાઈ પટ્ટા, વજન: ૩૦ ગ્રામ સુધીના, તેને નામશેષ ન થવા દેવા માટે ભેખ ધરીને બેઠેલા લોકો ઘણી મહેનત કરી રહયા છે. જયાં પહેલા ચકલી દેખાતી બંધ થઇ ગઈ હતી ત્યાં આજે ચકલી જોવા મળી પણ રહી છે પરંતુ આટલા ઓછા લોકોની સરાહનીય કામગીરીમાંથી શીખી, સાથ આપીને દરેક જગ્યાએ ભૂતકાળની જેમ ચકલીની વસ્તી વધારવી ઘણી અઘરી નથી.
દરેક માનવી પોતાનું યોગદાન આપે અને જે લોકો કામ કરે છે તેને સાથ આપે તો ચકલીની વસ્તી વધારવી મુશ્કેલ વાત નથી. તેના માટે ધીરજ રાખી નિયમિત રીતે થોડો સમય અને મામૂલી ખર્ચ કરીએ તો હાલ જે ચકલી ઘણી બધી જગ્યાએ જોવા મળતી થઇ છે તે રીતે બધે તે જોવા મળી શકે છે.
સમાજ દ્વારા સામુહિક રીતે મહેનતની જરૂર છે. બસ માણસની દ્રઢ ઈચ્છાશક્તિ, બીજા જે લોકો ચકલી બચાવો અભિયાનમાં કામ કરે છે તેમને સહકાર આપે, પોતાની આસપાસ શક્ય હોય તેટલા માળા લગાવે, લગાવેલા માળાનું જરૂર પડે તો નાનું – મોટું ધ્યાન રાખે, પોતાના ઘરની આસપાસ દાણા (બાજરી ૫૦%- ચોખા ૨૫% – કાંગ- ૨૫% અને અનુકૂળ હોય તો ૨૫% પૌષ્ટિક કાંગ ઉમેરી ૨૫% બાજરી ૨૫% કરવી) અને પાણી રાખે જેથી નહિવત ખર્ચે પક્ષીઓને પાયાની જરૂરિયાત મળી રહે. જુના પેકિંગના બોક્સમાંથી માળા બનાવી મુકવા જોઈએ. આ ખુબ નાની દેખાતી જાગૃતતા ઘણું મોટું કામ કરી આપશે.
આપણે દર વર્ષે ૨૦ માર્ચ વિશ્વચકલી દિવસ ઉજવીને ચકલીને યાદ નહિ કરવી પડે.આપણી સવાર સુધારશે.માનવી જો આટલું યોગદાન આપે તો ચકલી નામશેષ નહિ થાય તે ખાતરીની વાત છે. આ વિશ્વાસ ચકલીની સંખ્યા વધારવાના આજ સુધીના પ્રયત્નની સફળતાના આધારે આશા જગાડે છે. આવા માનવીય પ્રયાસોમાં જાગ્રૃત બની ક્લાઈમેટ ચેઇન્જના સખતાઈ ભર્યા પ્રશ્નોનો સામનો કરવામાં રૂઝ આપનાર , સુધારનાર પ્રયત્નોમાં પ્રતિભાવશીલ આગવું યોગદાન દરેકે આપવું રહ્યું.
પરંતુ આજના સમયમાં ચકલી અને બીજા સામાન્ય રીતે માનવીની આસપાસ વસતા પક્ષીઓ માટે માળો ગૂંથવા જગ્યા, માળામાં ભરવા માટે ઘાસ અને તણખણા, બેસવા અને આરામ કરવા માટે તેમજ કુદરતી ખોરાક માટે છોડ અને વૃક્ષ નથી મળતા. અસહ્ય ગરમીમાં પીવાનું પાણી કે ખોરાક માટે દાણા નથી મળતા.
જે મળે છે તેમાં બગીચા અને ખેતરમાં જંતુનાશક/ પેસ્ટીસાઇડથી મરેલા જીવલેણ જીવડાં, કોંક્રિટના જંગલ જેમાં જીવવું દોહ્યલું થઇ જાય છે. સફાઈ માટે તોડી પડાતા માંડમાંડ સફળ થયેલા માળાથી કમોત મળે છે. સાથેસાથે ખુલ્લામાં રહેતા પક્ષીઓને અવાજ અને હવાનું પ્રદુષણ ભારે તકલીફ આપે છે.
માળો બાંધવા કોઈ જગ્યા ન મળતી હોઈ, કોઈપણ ભયજનક જગ્યાએ માળો બનાવી લેવા માટે મજબુર થઇ જાય છે અને ચારરસ્તા વચ્ચે, ભારે ગરમીમાં ટ્રાફિકની સિગ્નલ લાઇટની બખોલમાં માળા જોવા મળે છે. તેવી રીતે હાઇવે ઉપર માથાના ગરમીના રક્ષણ માટે વેચાતી કેપની બખોલમાં ઘાસ – તણખણા ભરી માળા બનાવેલા જોવા મળે છે જે જોઈને મનમાં ગ્લાનિ ઉભી થઇ જાય છે.
આધુનિક સમયમાં માનવીની પાસે પક્ષી વિશેની સામાન્ય માહિતી પણ નથી હોતી અને માનવી સહઅસ્તિત્વમા જીવતાં બધા જીવ માટે સંવેદનશીલતા ઘુમાવી બેઠો છે.

વરસોવરસ માનવી વધારે અને વધારે ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે. સર્વત્ર વિકાસની ડોટ લાગેલી છે અને માનવી પ્રકૃતિથી વિમુખ થઇ ગયો છે. આજના સમયમાં સર્વત્ર દુઃખદ પરિસ્થિતિ ઉભી થઇ છે. ભાગદોડ ભર્યા જીવનમાં પોતાને કે કુટુંબ સાથે જીવવા માટે સમય નથી રહેતો તો તેવા સંજોગોમાં માનવીની પોતાની આસપાસના બધા જીવ માટે ક્યાંથી સમય કાઢે કે ધ્યાન આપે.
પ્રકૃતિની રચનામાં દરેક જીવ પોતાનું એક આગવું સ્થાન અને પોતાની આગવી ભૂમિકા લઈને જન્મેલા છે. વિકાસ સાથે કુદરતની સંપૂર્ણ શૃંખલા ખોરવાઈ ગઈ છે જેના કારણે અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.
ચકલી જેવા જીવ ઈયળ, જીવાત, મચ્છરના ઈંડા વગેરે ખાઈ જાય છે અને હાલના સમયમાં ચકલી જેવા જીવ ન હોવાના કારણે મચ્છર વગેરેના શરીરમાં રહેતા વાયરસ સક્ષમ થઇ બધા માટે અનેક રોગ ઉભા કરી રહયા છે. બાયોડાઇવર્સીટી વિજ્ઞાન કહે છે કે જો તમારી આસપાસ ચકલી ન હોય તો તમે એક તંદુરસ્ત વાતાવરણમાં/ ઈકો સિસ્ટમમાં નથી રહેતા!
દિવસે દિવસે એક નવો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. ચકલીની જેવીજ પરિસ્થિતિ બીજા બધા પક્ષીની પણ થઇ રહી છે અને કબૂતર સિવાય બધા પક્ષીની સંખ્યા ઘટી રહી છે. બીજા પક્ષીઓને પણ આધુનિક સિમેન્ટ કોન્ટ્રિકના જંગલમાં જીવવું દોહ્યલું થઇ ગયું છે. તેમને માળો, માળાના ઘાસ તેમજ તણખણા અને દાણા – પાણી વગેરે પાયાની જરૂરિયાત મળી રહયા નથી .
ચકલી માટે લગાવેલા માળામાં બીજા નાના પક્ષી પોતાનો માળો બનાવી રહયા છે. ટપસીયું/ Indian Silverbill, દૈયડ/ Magpie Robin, બુલબુલ, દેવ ચકલી/ Indian Robin, કાબર/ Myna વગેરે નિયમિત રીતે ચકલી માટે લગાવેલો માળો ઉપયોગમાં લેતા જોવા મળે છે અને તે સંજોગોમાં ચકલીને માટે મુકેલો માળો ચકલીને નથી મળતો અને તો હવે કરવું શું?
જે લોકો ચકલીની સંખ્યા વધારવા માટે કામ કરી રહયા છે તેઓ બીજા પક્ષીઓ માટે પણ જરૂરી માપના વધારે માળા મૂકી રહયા છે જે આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે.
ચકલીને નામશેષ થતી અટકાવવા માટે અને પર્યાવરણના જતન માટે પ્રજામાં સામુહિક ક્લચર વિકસાવવું પડે. પર્યાવરણથી અલિપ્ત રહી જીવન જીવવું શક્ય નથી.
સભાનાવસ્થામાં સ્વ, સર્વે અને સદાય માટે આજની શિક્ષિત પ્રજાને જાગૃત થવાની જરૂર છે.
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
કોઈનો લાડકવાયો – (૧૯) – મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૧) – ખાનદેશ
દીપક ધોળકિયા
મહારાષ્ટ્રમાં ૧૮૫૭ના બળવાનાં મુખ્ય ત્રણ કેન્દ્ર રહ્યાં – સાતારા, કોલ્હાપુર અને ખાનદેશ. ખાનદેશમાં ભીલો અંગ્રેજોની સામે પડ્યા તો સાતારા અને કોલ્હાપુરમાં વિદ્રોહની નેતાગીરી છત્રપતિ શિવાજીના વારસોના હાથમાં હતી. પરંતુ, બીજી ઘણી જગ્યાએ લોકોએ પોતાનો રોષ દેખાડીને અંગ્રેજોને થકવ્યા.
નાશિક જિલ્લાના પેઠ રાજ્યમાં રાજા ભગવંતરાવ નીલકંઠરાવે લોકોને વિદ્રોહ માટે એકઠા કર્યા. ૧૮૫૭ની છઠ્ઠી ડિસેમ્બરે કોળીઓએ બજારમાં લૂંટફાટ કરીને ખજાનો લૂંટી લીધો અને જંગલમાં નાસી છૂટ્યા. અંગ્રેજી ફોજ એમની પૂંઠે પડી, એમાં કેટલાયે પકડાઈ ગયા. એમને તરીપાર કરી દીધા અને એમના નેતા પેઠના રાજા ભગવંતરાવને ફાંસી આપવામાં આવી.
એના પછી તરત ૨૧મી જાન્યુઆરીએ નાશિક શહેર પોતે જ બળવામાં કૂદી પડ્યું. નાંદગાંવના ભીલો સાથે અંગ્રેજી ફોજની ભારે લડાઈ થઈ. કંપનીની ફોજે ભીલો પર હુમલા કરીને કેટલાયને કેદ કર્યા અને કેટલાયને ફાંસી દઈ દીધી.
એ જ રીતે, ઔરંગાબાદમાં પણ અંગ્રેજી સેના છોડીને ઘણા સિપાઈઓ વિદ્રોહીઓ સાથે જોડાયા. એમાં ઘોડેસવાર દળમાં મુસલમાન સિપાઈઓની ખાનગીમાં ચાલતી પ્રવૃત્તિ અંગ્રેજી ફોજને શંકાસ્પદ લાગી. એમણે બળવો થાય તે પહેલાં જ એમની પકડી લીધા અને તરત ફાંસી આપી દીધી.
નાગપુરના વિદ્રોહીઓને લખનઉ અને કાનપુરના વિદ્રોહીઓની મદદ મળી. ૧૮૫૭ની ૧૩મી જૂન ખુલ્લા બળવા માટે નક્કી કરવામાં આવી. રાતે ૧૨ વાગ્યે મનોરંજન માટેના રંગબેરંગી ફુક્કા ચડાવીને જાહેરાત કરી દેવાઈ. એ સંકેત મળતાં તરત જ સીતાબર્ડીની રેસિડેંસીના સિપાઈઓ હુમલો કરવાના હતા, પરંતુ કંપનીને આ બાતમી પહેલાં જ મળી ગઈ. એને વિદ્રોહીઓને પકડી લીધા કેટલાયને જનમટીપની સ્જા થઈ અને ઘણાને ફાંસીએ લટકાવી દેવાયા.
મુધોળમાં બેરડ કોમે વિદ્રોહ કર્યો. ૧૮૫૭માં સરકારે લોકોને પોતાનાં હથિયારો જમા કરાવી દેવાનો આદેશ આપ્યો. સરકારી જાહેરાતમાં એમ પણ કહ્યું કે જેમની પાસે સ્વબચાવ માટે કોઈ હથિયાર હશે તો એનું લાઇસન્સ આપવામાં આવશે. બેરડ કોમ શસ્ત્રો આપવા નહોતી માગતી. કોમના મુખીએ જવાબી હુકમ બહાર પાડ્યો કે હથિયાર જમા કરાવનારને ગદ્દાર માનવામાં આવશે. તે પછી પાંચસો જેટલા બેરડ એકઠા થયા. પણ પોલિટિકલ એજન્ટ સુધી આ ખબર પહોંચી ગઈ. સ્થિતિની તપાસ કરીને સેના પાછી ફરી પરંતુ રાતના અંધારામાં ફોજની ટુકડી રાતે પાછી આવી. એ વખતે બેરડો ઊંઘતા ઝડપાયા અને એમને તરત પકડીને ફાંસી આપી દેવાઈ.
ખાનદેશ
આજે આ નામ નથી રહ્યું પણ મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે સાતપુડા પર્વતની હારમાળા પાસે આવેલો પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાતો. એનો થોડો ભાગ આજના મધ્યપ્રદેશમાં પણ હતો. બ્રિટિશ શાસન દરમિયાન એના પૂર્વ ખાનદેશ અને પશ્ચિમ ખાનદેશ એવા બે ભાગ પાડવામાં આવ્યા. મુંબઈ દ્વિભાષી રાજ્ય બન્યું ત્યારે પૂર્વ ખાનદેશની જગ્યાએ જળગાંવ જિલ્લો અને પશ્ચિમ ખાનદેશની જગ્યાએ ધૂળે જિલ્લો એમ બે જિલ્લા બનાવાયા. અહીં પર્વતવાસી ભીલોની મુખ્ય વસ્તી હતી.આમ તો ૧૮૧૮થી જ ત્યાં વિદ્રોહ જેવી હાલત હતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોમાંથી એમને હાંકી કાઢીને જમીનો આંચકી લીધી હતી. ૪૦ વર્ષના સંઘર્ષ પછી આખા દેશમાં ૧૮૫૭માં બળવાની આગ ભભૂકી ઊઠી ત્યારે ભીલો પણ પોતાના અન્યાયનો બદલો લેવા માટે અંગ્રેજો સામે કૂદી પડ્યા. ભીલોએ જુદા જુદા ઠેકાણે હુમલા કર્યા. જ્યાં હુમલા થયા તે સ્વયંભૂ હતા એટલે કે કેન્દ્રીય નેતા વિના જેમણે અંગ્રેજો સામે બાથ ભીડીને પોતાના પ્રાણોની આહુતિ આપી. આવા પચાસેક નેતાઓ હતા, જેમાંથી અમુક નામ બહુ પ્રખ્યાત થયાં, જેમ કે, ભગોજી નાયક, ભીમા નાયક, ખાજા (કાજી સિંઘ) નાયક, કનૈયા, ચિલ્યા, રામ, સંભાજી, દશરથ વગેરે અનેક નામો મળે છે.

૧૮૫૭ના સપ્ટેમ્બરમાં બે ભાઈઓ, ભીમા નાયક અને ખાજા નાયકે બળવાનું એલાન કર્યું અને અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પાડી. ભીમાએ તો પોલીસને સરકારની નોકરી છોડીને વિદ્રોહમાં જોડાવા છડેચોક આહ્વાન કર્યું. એનો પ્રભાવ એટલો બધો વધતો જતો હતો કે એને પકડવા માટે સરકારે મોટું ઇનામ જાહેર કર્યું. ૧૮૫૮ની ૧૧મી ઍપ્રિલે ભીલો અને અંગ્રેજી ફોજ વચ્ચે અંબપાણી પાસે લોહિયાળ જંગ ખેલાયો. પણ ભીલો પાસે બંદુકો નહોતી. અંગ્રેજોએ બે બાજુથી એમને ઘેરી લીધા. આમ છતાં ફોજના ૧૬ સિપાઈઓ માર્યા ગયા અને ૪૫ જખમી થયા. જો કે ભીલોએ પણ ભારે ખુવારી વેઠી. અંતે ફોજે એ બધાંને કેદી બનાવ્યાં. ખાજા નાયકના પુત્ર પોલડ સિંઘનું આ લડાઈમાં મૃત્યુ થયું. આમાં ખાજા અને ભીમા નાયકનાં કુટુંબોની સ્ત્રીઓ પણ હતી. બધાં મળીને એમની સાથે ૪૬૦ જેટલી સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. ફોજે એ બધાંને પકડી લીધાં.
આ વીરાંગનાઓ શત્રુ સામે ઝૂઝતા વીરોને ખોરાક-પાણી અને હથિયારો આપીને મદદ કરતી હતી. અંગ્રેજ સરકારે ભીમા અને ખાજા નાયક અને બીજા ભીલો શરણે આવે તે માટે જેલમાં એમની સ્ત્રીઓ પર સિતમ કર્યા. એમાં ખાજા સિંઘની પુત્રવધૂ અને શહીદ પોલડ સિંઘની પત્નીનું મોત થયું. ખાજા નાયકે આમ છતાં શરણાગતી ન સ્વીકારી. અંતે એના એક સાથીને ફોડીને અંગ્રેજોએ એનો શિરચ્છેદ કરાવ્યો.
બીજી બાજુ સાતમાળામાં ભગોજી નાયકે વિદ્રોહની આહલેક જગાવી. ભગોજી અને ખાજા નાયક એકબીજાના સંપર્કમાં હતા. એમણે જે સાહસ દેખાડ્યું તેની સભ્ય લોકોના ઇતિહાસમાં નોંધ નથી લેવાઈ.
સાતારા અને કોલ્હાપુરની વાત હવે પછી.
૦૦૦
સંદર્ભઃ
૧. http://ruralsouthasia.org/wp-content/uploads/2021/05/Article_II_-Ojas-Borse_Final.pdf RURAL SOUTH ASIAN STUDIES, Vol. III, No. 3, 2017 Contribution of Bhil Adivasis of Khandesh in the Revolt of 1857 Ojas Borse.
૨. https://www.adda247.com/mr/jobs/revolt-of-1857-in-india-and-maharashtra/
https://cultural.maharashtra.gov.in/english/gazetteer/VOL-I/PAGE_177_194.pdf
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
