ગિજુભાઈ બધેકા

ખાખરો એટલે પ્રશ્નોરા નાગર ગૃહસ્થોનાં બાળકો સવારે ઊઠીને દૂધમાં બાંધીને કરેલી ટાઢી રોટલી ખાય છે તે નહિ. ખાખરો એટલે ચૂરમું બનાવવા માટે બ્રાહ્મણો ઘઉંના લોટની મોટી જાડી બાટી બનાવે છે તે પણ નહિ. ખાખરો એટલે માર પણ નહિ. પરંતુ ખાખરો એટલે એક જાતનું ઝાડ.

ખાખરાનું સંસ્કૃત નામ છે પલાશ. ઋષિમુનિઓ આ પલાશ એટલે ખાખરાનાં પાતળાં લાકડાંની સમિધ કરતા. સમિધ એટલે યજ્ઞકુંડમાં હોમવાનાં લાકડાં. હજી પણ યજ્ઞ કરનારાઓ ખાખરાની સમિધ એકઠી કરે છે અને યજ્ઞકુંડમાં હોમે છે.

બ્રાહ્મણોનાં બાળકોને જનોઈ દે છે ત્યારે ખાખરાની ડાળીનો દંડ કરે છે, ને તે દંડ ઉપર ભિક્ષા બાંધે છે. સંન્યાસીઓ પણ ખાખરાની ડાળીનો દંડ ધારણ કરે છે.

ખાખરાનું ઝાડ નહિ બહુ ઊંચું, નહિ બહુ નીચું, એવું થાય છે. ઝાડનાં પાંદડાં ગુંદાનાં પાંદડાં જેવાં અને જેવડાં થાય છે. બ્રાહ્મણો ખાખરાનાં અને ગુંદાનાં પાંદડાંનાં પડિયાપતરાવાળાં કરે છે, ને તેમાં લાડુ જમે છે.

ખાખરાનું ઝાડ રૂપાળું નથી પણ તેનાં ફૂલ બહુ રૂપાળાં છે. ખાખરાનાં ફૂલ એટલે કેસૂડાં.

જ્યારે ખાખરા ઉપર કેસૂડાં આવે છે ત્યારે ખાખરાની સુરત બદલાઇ જાય છે. કેસરી રંગનાં ફૂલોથી ખાખરો ઢંકાઈ જાય છે. જાણે કેસરી વાઘા સજેલો કોઇ રસિયો ! સૂરજના તડકામાં દૂરથી કેસૂડાં એવાં લોભામણાં લાગે છે કે પાસે ગયા વિના અને લીધા વિના રહેવાય જ નહિ.

અને કેવાં સુંદર એ ફૂલો ! જોતાં આંખો ધરાય જ નહિ. અને એની કળીઓ ! જામે મખમલની બનેલી ! ફૂલોની ઘેરી લીલી કાળી પાંખડીઓ અને કળીઓ કેસૂડાને બમણો શણગારે છે; કેસરિયા રંગને બમણો દિપાવે છે. એની મખમલ જેવી સુંવાળપ જાણે છેક નાનાં છોકરાંની આંગળીઓ અને હથેળીઓ ! નાનાં છોકરાંઓ તો એના ઉપર હાથ ફેરવી ફેરવીને થાકે જ નહિ. કેસૂડાંને પાણીમાં નાખીએ તો પાણી કેસરી રંગનું થાય. છોકરાંઓ કેસૂડાંના પાણીમાં કપડા રંગી કેસરિયાં કરે છે. હોળીમાં છોકરાંઓ કેસૂડાંનું પાણી એકબીજા પર છાંટીને મજા કરે છે. હોળીટાણે હવેલીઓમાં કેસૂડાંના પાણીની પિચકારીઓ ઉડાડે છે. કેસૂડાંના પાણીથી છેક નાના બાળકોને નવરાવવાથી તેને ગરમી લાગતી નથી. રજપૂતો કેસરિયાં કરતા એટલે કે તેઓ લડવા અને મરવા માટે આખરના નિકળી જતા. તે વખતે તેઓ કેસૂડાંના પાણીથી કપડાં કેસરિયાં કરતા હશે. કેસરી વાઘા સજીને વરરાજા જેવા બનીને તેઓ મેદાને પડતા હશે. કેસરીસિંહ એમ આપણે કહીએ છીએ તેનો અર્થ એવો તો નહિ હોય કે તેનો રંગ કેસરી-કેસૂડાંના પાણી જેવો છે ? કોણ જાણે, જેમ હોય તેમ ખરું. કોઈ કોઈ ઠેકાણે ખાખરાનાં વન હોય છે. જ્યારે એ વનના ખાખરા ઉપર કેસૂડાં બેસે છે ત્યારે વનવગડો કેસરી ફૂલ-બાગ બની રહે છે. વનની સઘળી શોભા ખાખરા ઉપર આવીને વસે છે, એટલું બધું એ રળિયામણું લાગે છે.


માહિતી સ્રોત : વિકિસ્રોત