બીરેન કોઠારી

આ નવિન શ્રેણી શેની છે એ વિષે જણાવતાં અગાઉ તેનો અસલમાં આરંભ શી રીતે થયો એની વાત પહેલાં કરું. 2021ના ઑગષ્ટ કે સપ્ટેમ્બરમાં મુંબઈના મિત્ર રાજુ પટેલનો ફોન આવ્યો. રાજુ પટેલ ‘વારેવા’ (વાર્તા રે વાર્તા) નામના જૂથના અતિશય સક્રિય સ્થાપક સભ્ય છે. વિવિધ સ્થળોએ તેઓ વાર્તાલેખનની શિબિર યોજે છે. અમારા બન્નેમાં સામાન્ય અવયવ છે અમેરિકન હાસ્યમાસિક ‘મૅડ’ માટેનો અમાર લગાવ. અમે બન્ને ભેગા મળીને ફેસબુક પર ‘MADપૂર્વક’ નામનું એક પેજ ચલાવીએ છીએ, જેમાં આ સામયિકની વિવિધ ખાસિયતોની છણાવટ કરવાનો ઉપક્રમ હોય છે. આ કારણે ઘણી વાર અનેક મુદ્દે અને મુદ્દા વિના પણ અમારો ફોનાલાપ થતો રહે છે.  ફેસબુક પર આ જ જૂથના ‘વારેવા’ (વાર્તા રે વાર્તા) નામના પૃષ્ઠનો હું સભ્ય છું, પણ વાર્તાલેખન તરફનો નૈસર્ગિક ઝુકાવ મારામાં ન હોવાથી એ પૃષ્ઠ પર મૂકાયેલી પોસ્ટ વાંચવા સિવાય મારી ખાસ ભૂમિકા હોતી નથી. દરેક પોસ્ટ વાંચી શકાય એમ પણ બનતું નથી. આ જૂથે ‘વારેવા’ નામનું, વાર્તાલેખન અને તેની ખૂબીઓની ચર્ચા કરતું સામયિક શરૂ કરવાની ઘોષણા આ જ અરસામાં કરી ત્યારે મને થયું કે ઠીક છે, વાંચીશું, પણ એમાં મારે કશું પ્રદાન કરવાનું નથી.

એ દિવસે રાજુએ ફોનમાં મને આ સામયિક વિશે વાત કરી, જે હું જાણતો જ હતો. પણ એ પછી તેમણે કહ્યું, “તમારે આ સામયિક માટે વાર્તાને લગતાં કાર્ટૂન દોરવાનાં છે.” કાર્ટૂન મારો પ્રેમ ખરો, ચિત્રો હું ચિરશિખાઉપણે દોરતો હોઉં છું, પણ કાર્ટૂન દોરવાનું? મેં કહ્યું, ‘મેં કદી કાર્ટૂન દોર્યાં નથી. મને એ ન ફાવે.’ આ સાંભળીને રાજુએ મારા માટે સુંદરકાંડ જેવા પાઠ શરૂ કર્યા. રામાયણમાં સુંદરકાંડનું આગવું મહત્ત્વ છે. પોતાની પ્રચંડ શક્તિઓને વીસરી ગયેલા હનુમાનજી સમક્ષ તેમનાં પરાક્રમોનું વર્ણન કરવામાં આવે છે. પરિણામે હનુમાનજી વિરાટ રૂપ ધારણ કરે છે અને લંકા સુધી પહોંચવા માટે દરિયો ઓળંગી જવાય એવો પ્રચંડ કૂદકો લગાવે છે. આ ગુણગાન એટલે સુંદરકાંડ.

રાજુએ કરેલા ‘સુંદરકાંડ’ જેવા પાઠનું પરિણામ એ આવ્યું કે મારે કાર્ટૂન બનાવવાં એમ નક્કી થયું. આ પ્રસ્તાવના સ્વીકાર અંગેની આનાકાનીના આરંભિક તબક્કા પછી બહુ ઝડપથી અમે બન્ને કાર્ટૂનના આઈડિયાની ચર્ચા કરવા લાગ્યા. એ પ્રાથમિક તબક્કામાં જ મેં સૂચવ્યું કે આપણે એક નિયમિત કાર્ટૂનવિભાગ ઊધઈ અંગેનાં કાર્ટૂનનો કરીએ તો? કેમ કે, પુસ્તકનો વિચાર આવે એની સાથે જ ‘મૅડ’પ્રેમીઓને ઉધઈ યાદ આવ્યા વિના રહે નહીં. રાજુએ તરત જ હા પાડી દીધી, અને કહ્યું કે એ તો કરીએ, પણ એ સિવાયનાં સામાન્ય- એટલે કે વાર્તા/સાહિત્ય વિષયક કાર્ટૂન તો કરવાનાં જ. આમ, એક અંકમાં ચારેક કાર્ટૂન મારે બનાવવાં એમ ઠર્યું. આમ, ઊધઈ અંગેનાં કાર્ટૂનો ‘ઊધઈ ઊવાચ’ શિર્ષક તળે મૂકાય અને અન્ય કાર્ટૂનો ‘વાર્તાવ્યંગ્ય’ તરીકે મૂકાય એમ નક્કી કર્યું.

થોડી વાત આ કાર્ટૂન વિશે કરવી જરૂરી છે. ‘મૅડ’ના તેમજ કાર્ટૂનોના પ્રેમી તરીકે એટલું સ્પષ્ટ હતું કે કાર્ટૂનમાં કેવળ શબ્દોથી હાસ્ય પેદા નથી કરવાનું. કાર્ટૂન મૂળભૂત રીતે દૃશ્યકળા છે, અને તેથી ચિત્રાંકનનું પણ એટલું જ મહત્ત્વ હોવું જોઈએ.

જે પ્રકારનાં ચિત્રો હું બનાવું છું એમાં લેન્‍ડસ્કેપ વધુ હોય છે. માનવાકૃતિઓ બનાવવામાં મારી ફાવટ ઓછી અને રુચિ પણ ખાસ નહીં. મારી આ મર્યાદાની અમે ચર્ચા કરી એ વખતે મારા મનમાં એમ હતું કે કાર્ટૂનમાં જ્યાં પણ માનવાકૃતિની જરૂર પડશે ત્યાં હું ‘સ્ટીકી ફીગર’થી કામ લઈશ. ‘સ્ટીકી ફીગર’માં આખું શરીર દોરવાની ઝંઝટ નહીં, માત્ર લીટીઓથી શરીર ચીતરી દેવાનું, અને ચહેરાના હાવભાવ દર્શાવવાથી કામ ચાલી જાય.

એ મુજબ મેં કાર્ટૂન દોર્યાં, અને મને સંતોષકારક લાગ્યાં. જેમને એ બતાવ્યાં એમને પણ સંતોષકારક જણાયાં. આમ છતાં, મને લાગ્યું કે આ રીતે હું માનવાકૃતિ દોરવાથી દૂર ભાગું એ યોગ્ય ન કહેવાય. આથી એ બાબતે થોડો મહાવરો કરીને મેં હાવભાવ સહિતની માનવાકૃતિઓ ચીતરવાનું શરૂ કર્યું. એમાં મઝા આવવા લાગી, એટલે કાર્ટૂનના મૂળભૂત પાઠ જણાવતા એક પુસ્તકમાંથી મેં થોડી ટીપ્સ મેળવી લીધી. આમ, શરૂઆતમાં ‘સ્ટીકી ફીગર્સ’ અને પછી કેરિકેચર આ કાર્ટૂનમાં દેખા દેશે.

‘વારેવા’ના ઑક્ટોબર, 2021ના સૌ પ્રથમ અંકથી લઈને તેરમા અંક સુધીની સફર તેણે સંપન્ન કરી છે અને એ દરેક અંકમાં ચચ્ચાર કાર્ટૂન પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

આ  કાર્ટૂનની વિશેષતા એ છે કે તેમાં એક જ વિષય-‘સાહિત્ય’-ને આલેખવામાં આવ્યું છે.

‘વારેવા’માં પ્રકાશિત થયેલાં આ કાર્ટૂન દર મહિનાના બીજા સોમવારે ‘વેબગુર્જરી’ પર મૂકવામાં આવશે.

ઊધઈ ઊવાચ

વાર્તાવ્યંગ્ય

 

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)