શોમ અને અંજલિના પ્રેમ સંબંધથી આનંદ છાવાય છે. અંજલિની માતાનો પત્ર આવે છે જેમાં માયા અને શોમના લગ્ન થયા હતા તે રહસ્ય ખૂલે છે. હ્યુસ્ટનમાં આયુર્વેદિક સેન્ટર સંભાળતા ડોક્ટરના આંકડાઓ ખોટા છે. શોમ અને અંજલિ વચ્ચે અણબનાવ…

હવે આગળ ……

સરયૂ પરીખ


એબી સેન્ટરમાં ગંભીર વાતાવરણ હતું. દરેકના મનમાં જુદી જુદી આશંકાઓ હતી. મિટિંગ માટે ડોક્ટર રાકેશ અને ડોક્ટર અંજલિને બોલાવ્યા હતા. અંજલિ તો ગઈકાલથી જ નિસ્તેજ લાગતી હતી. સારા અને ડીનની સાથે શોમને જોઈને તેનું દિલ એક ધડકન ચૂકી ગયું. નજર મેળવ્યા વગર જ ‘હેલો’ કહીને રાકેશની બાજુની ખુરશીમાં અંજલિ બેઠી. …પોતે માયાની ફોઈની દીકરી છે તે જાણ્યા પછીનો, શોમનો ગુસ્સો તે ભૂલી નહોતી.

“એબી સેન્ટરનું કામ બરાબર ચાલે છે તે મેં સાંભળ્યું છે. ડોક્ટર રાકેશ! તમે મને જણાવશો કે દર્દી અહીં આવે પછી કઈ રીતનો નિત્યક્રમ હોય છે?” ડીને વાતની શરૂઆત કરી.

“દર્દીને તપાસીને પછી ટ્યુમરના માપ વગેરે મારી ઓફિસમાં લેવાય છે અને પછી દર્દીને ડોક્ટર અંજલિ પાસે મોકલવામાં આવે છે” …અંજલિને થયું કે આવી સામાન્ય નિત્યક્રમની વાતો કેમ કરે છે? એણે સારા સામે જોયું અને સારાએ ઇશારાથી ધીરજ રાખવા કહ્યું.

શોમે રાકેશને ત્યાં જ અટકાવી પરિણામની ફાઈલ તેની સામે ધરી. “રાકેશ તમે જુઓ કે પહેલા કોલમમાં હ્યુસ્ટન ક્લિનિકના માપ લખેલા છે. બીજા કોલમમાં ત્રણથી પાંચ દિવસના ગાળામાં જ તમે લીધેલા માપ આટલા વધારે કેમ છે?” આ સાંભળીને અંજલિની આંખો પહોળી થઈ ગઈ. તેને પરિસ્થિતિનો તરત ખ્યાલ આવી ગયો અને શોમની સામે જોઈ રહી.

શોમ રાકેશની ઉલટ તપાસમાં પરોવાયેલો હતો. અંતે રાકેશે કબૂલ કર્યું કે “હા, મેં ઊંચાં નંબર લખ્યા જેથી સંકોચાયેલ ટ્યુમરની સરખામણીનું અંતિમ પરિણામ ખુબ સરસ લાગે.”

શોમ નિઃશબ્દ, રાકેશ સામે તાકી રહ્યો. ડીન કહે, “તમે માનવસેવાના ક્ષેત્રમાં કામ કરવા આવ્યા અને આ જાતનું કર્મ? તમારી પાસે ખરા પરિણામો છે ને? તે તમારી ઓફિસમાંથી લઈ આવીએ, ચાલો. અને સારા, તમે પણ સાથે આવો.”

શોમ સાથે એકલા પડતા,  અકળામણનો ભાવ અંજલિને ઘેરી વળ્યો. બન્નેમાંથી કોને શું બોલવું તેની મૂંઝવણનો ભાર હવામાં તોળાઈ રહ્યો…શોમ અંતે બોલ્યો, “અંજલિ, ગઈકાલની મારી તોછડાઇ માટે માફ કરીશ?”

“ગઈકાલે મને બહુ દુઃખ લાગ્યું હતું, પણ અત્યારે હું કારણ સમજી શકું છું. તમે ખુબ અસ્વસ્થ હતા કારણ કે તમને લાગ્યું હતું કે હું પણ આ કાંડમાં ભળેલી છું, ખરું?” જાણે મનમાં ગણગણી, “હવે વિશ્વાસના તૂટેલા તારને કેમ જોડશું?” અંજલિના સવાલનો શોમ જવાબ આપે તે પહેલા, ડીન રાકેશને કહેતા સંભળાયા, “આ ઘડીથી તમારા બધા હક્ક રદ થાય છે. તમારા બાકીના ડોલરની ચુકવણી નહીં થાય. ઓફિસ ખાલી કરીને અત્યારે નીકળી જાવ.”

રાકેશ બારણા પાસેથી જ પાછો ફરી ગયો. ડીન બોલ્યા, “મિસ અંજલિ, આ વાત જાણીને તમને આંચકો લાગ્યો હશે. થોડા દિવસો તમારી જવાબદારી વધી જશે પણ તમને પૂરતી મદદ મળે તેવી વ્યવસ્થા કરશું જેથી તમારા છેલ્લા મહિનાનું અહીંનું કામ સફળ રીતે પાર પાડી શકો.”

શોમના હોઠ ખુલ્યા પણ શબ્દ ન નીકળ્યા અને અંજલિ વિદાય લઈ ચાલી ગઈ. શોમે પોતાના એપાર્ટમેન્ટ પર જઈને તેની ચિંતા કરતી મમ્મીને તરત ફોન જોડ્યો.

“મા, અંજલિ નિર્દોષ છે.”

“હાં… મને તો ખાત્રી હતી. તારા ડેડી હોસ્પિટલથી આવી ગયા છે તેમને જણાવી દઈશ. તું અંજલિને મનાવી લે જે.” માહી બોલી. અંજલિ સાથે વાત કરવાની શોમે ઈચ્છા બતાવી.

“અરે બેટા, અંજલિ તો આજે સવારે જ પંડ્યાસાહેબને ઘેર શિફ્ટ થઈ ગઈ. મીસીસ પંડ્યા આવીને સામાન લઈ ગયા. મેં સમજાવી પણ અંજલિ કહે કે ‘મને હવે અહીં રહેવાનું વિચિત્ર લાગશે’.”

શોમે એક બે વખત અંજલિને ફોન કર્યો પણ સહકાર્યકર માફક વાત થતી, અને ફોન લાઈન કપાઈ જતી. એ દિવસે હોસ્ટ અને ગેસ્ટનાં માનમાં મેળાવડો હતો. શોમ, માહી અને રમેશ બેન્ક્વેટ હોલ માં દાખલ થયા અને પરિચિત ચહેરાને શોધી રહ્યાં હતાં. મુખ્ય ટેબલ પર પંડ્યા સાથે બેઠેલી અંજલિના ટેબલ પાસે આવ્યાં. અંજલિ ઊભી થઈને માહીને વળગી પડી.

“અંજલિ, ભારત પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો છે. મારા તરફથી યાદગીરી સમજી આ એક ભેટ સ્વીકારજે.” કહીને માહીએ એક નાજુક બ્રેસલેટ તેના કાંડા પર પહેરાવી દીધું.

“ઓહ! આંટી, બહુ સુંદર છે અને મારા માટે અત્યંત મૂલ્યવાન.” શોમ એ બન્ને વચ્ચેનો સ્નેહ જોઈ રહ્યો. શ્રી અને શ્રીમતી પંડ્યા, માહી અને રમેશ વાતોએ વળગ્યાં. હવે અંજલિને શોમથી દૂર ભાગવાનો કોઈ રસ્તો ન હતો કારણકે તે પણ એ જ મુખ્ય ટેબલ પર બેસવાનો હતો. કાર્યક્રમ શરૂ થયો. જમણ અને ત્યારબાદ માન સન્માનની વાતો એક પછી એક વક્તાઓ કરતાં ગયાં. વિચારોમાં ખોવાયેલ શોમ, કાર્યક્રમનો અગત્યનો ભાગ પૂરો થતાં બોલ્યો,

“અંજલિ, તું મારી સાથે બહાર આવીશ?” અને તેણે આંખો નમાવી હા ભણી. મીસીસ પંડ્યાની રજા લેતા શોમ બોલ્યો, “આંટી, અંજલિ અને હું નીકળીએ છીએ અને પછી તમારે ઘરે હું તેને મૂકી જઈશ.”

“ભલે. ખુશ રહો.”

શોમની કારમાં પોતપોતાનાં વિચારોમાં ખોવાયેલા હતા. સ્વીચ ઓન કરતા કારનું કેસેટ ચાલુ થયું અને “લટ ઊલજી સુલજા જા બાલમ, હાથમે મહેંદી લગી મોરે બાલમ…” પંડિત જસરાજ ગાઈ રહ્યા હતા. અંજલિના ચહેરા પર સ્મિત આવી ગયું. “રાગ બિહાબ. હું ગોઆમાં હતી ત્યારે તેમનો પ્રોગ્રામ સાંભળવા ગયેલી. એક અદ્ભુત અનુભવ! આ રાગ અને તેમની રજૂઆત મને બહુ પસંદ છે.”

“મારું પણ આ માનીતું છે.” શોમ બોલ્યો. હર્મન પાર્ક પાસે કાર રોકી, હાથમાં ચાવી રમાડતા તેના પ્રસન્ન ચહેરા સામે જોઈ રહ્યો. અંજલિ શરમાઈને બારણું ખોલી બહાર નીકળી ગઈ. સમી સાંજના આછા ઉજાસમાં બહુ દિવસની એકલતાથી આળા થયેલા હૈયાને શીતળ પવન મીઠો લાગ્યો. અંજલિ મનોમન પ્રાર્થના કરી રહી કે, “હે પ્રભુ, આ પળ અનંત બની જાય અને હું શોમના સાથમાં ચાલતી જ રહું.”  ગહેરા વિચારમાં ચાલતાં ચાલતાં શોમ થંભી ગયો અને અંજલિને ખભે હાથ મુકી બોલ્યો, “મને કહે, તું શું વિચારે છે? આ પરાયાપણું મને પાગલ કરી દે છે. આપણે પહેલા હતા એમ જ કેમ ન થઈ શકીએ?” “હું પણ એ ચાહું છું, પણ આપણે આશંકા અને બીજા સંબંધોમાં સંપૂર્ણ સ્પષ્ટ ન થઈએ ત્યાં સુધી મારાથી કોઈ ખાત્રી આપી શકાય નહીં. માયાએ કરેલા કપટને કારણે હું તમારે યોગ્ય નથી તેવું મને લાગ્યા કરે છે.”

“પણ અમે કોઈ તને જવાબદાર નથી માનતા.”

“હું જાણું છું, પણ મારા મન પર વળગેલું આ ગીલ્ટનું કોચલું મારે જ ઉતારવાનું છે. જ્યાં સુધી પ્રમાણિકતાનો દીવો દિલમાં ન જલે ત્યાં સુધી પ્રેમનો પ્રકાશ અલ્પજીવી હોય, તે નિશ્ચિત છે.” અંજલિનો અંતરાઆત્મા માનતો નહોતો.

“તું એકાદ સપ્તાહમાં જતી રહીશ, પછી શું?” શોમ નિરાશ થઈને બોલ્યો.

“મને ખબર નથી. આવી ડામાડોળ મનઃસ્થિતિમાં કોઈ નિર્ણય લેવો શક્ય નથી.” તટસ્થ ભાવ સાથે બોલાયેલ અંજલિનું વાક્ય, બન્ને માટે આકરું હતું, શોમને માટે પીડાકારી પણ હતું. પંડ્યાસાહેબને ઘેર અંજલિને ઉતારી, અંતિમ વિદાય આપીને શોમ જતો રહ્યો.

પોતાના રૂમની ગહેરી એકલતામાં અંજલિ શોકાતુર થઈ ગઈ. શોમના સાથનો તલસાટ તેને અકળાવી રહ્યો… શોમનું ભેટ આપેલું પ્રેમ-કાવ્યોનું પુસ્તક લઈ તેણે પોતાના વક્ષઃસ્થળ પર ચાંપ્યુ, અને એક પાનું ખોલ્યું,

મનના  પતંગાને  સાહિને કોરથી,
અંતર  આકાંક્ષા  સંકોરી  વિચારે…
ઓ’ મારા પ્યાર!
તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે,
જીવન સરિયામ હોત નોખે વળાંકે!

અંજલિ ગુરુવારની સાંજે જવાની હતી. શોમ ઉદાસ હશે તેમ સમજીને તેના મિત્રો, સ્ટિવ અને આરી તેની ઓફિસમાં આવી ચડ્યા. “ચાલો, આપણે એક ખાસ જગ્યાએ ડિનર લેવા જવાનું છે. ત્યાં પહોંચતા કલાક લાગશે.” શોમને થોડું કામ પતાવવાનું હોવાથી, તેના મિત્રો રાહ જોતા બેઠા. શોમ જવા ઊભો થયો…ને ફોનની ઘંટડી વાગી. “ઓહ, આ લેવો પડશે…” કહી ફોન ઉપાડ્યો.

“બેટા શોમ, તારી મમ્મી બેહોશ થઈ ગઈ હતી. હમણાં ભાન આવ્યું છે તેથી હું હોસ્પિટલ લઈને આવું છું. તું Emergency entrance પાસે મળજે.” રમેશનો ગભરાયેલો અવાજ તેના મિત્રોએ પણ સાંભળ્યો અને ત્રણે મિત્રો ERની દિશામાં ઉતાવળે પગલે ગયા.

માહીને તપાસવા માટે ડોક્ટરની ટિમ તૈયાર હતી. શોમે પ્રાથમિક ચિન્હો જોઈ લીધા પછી બહાર આવીને તેના પિતા અને મિત્રો પાસે બેઠો.

રમેશે કહ્યું, “હું ઘરમાં દાખલ થયો ને માહી બોલી ‘આવી ગયા?’ અને ઢળી પડી. મને ખ્યાલ આવી ગયો કે સ્ટ્રોક કે હાર્ટએટેક નથી. હું એને બોલાવતો રહ્યો અને માનું છું કે, લગભગ ચારેક મિનિટમાં ભાનમાં આવી.” શોમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી તરત ઊઠીને એક્ઝામ રૂમમાં ગયો. પછી બહાર આવીને જણાવ્યું કે, “મમ્મીને Brain scan માટે લઈ જશે. તેથી વાર લાગશે.” મિત્રોના આગ્રહથી તેઓ કાફેટેરિયામાં ગયા અને ત્યારબાદ, સ્ટિવ અને આરિ ઘેર ગયા.

શોમની હાજરીમાં MRI લેવાયો. માહીને વ્હીલચેરમાં બહાર લઈને આવતા શોમના ગમગીન ચહેરા પરથી રમેશને ખરાબ સમાચારના એંધાણ આવી ગયા. “કાર લઈને આવું” કહીને રમેશ
ગયા. કારમાં થોડા સમયની શાંતિ લાવા રસની જેમ પથરાયેલી હતી. ઘેર આવ્યા પછી શોમે જણાવ્યું કે, “મમ્મીને Meningioma Brain Tumor છે. ટ્યુમરની ગંભીરતા તો બીજા પરિણામો આવશે પછી ખબર પડશે.” શોમ માને વ્હાલથી હિંમત આપતો બોલ્યો, “મોમ! તમે ગભરાતા નહીં. તમારો દીકરો આ વિષયમાં નિષ્ણાત છે. આનો ઉપાય છે જ અને થોડા સમયમાં તમે પાછા સંપૂર્ણ સારા થઈ જશો.”

શોમને ખભે માથું ઢાળીને માહી ભીની પલકો સાથે હસી. રમેશના ચહેરા પર ચિંતાની રેખાઓ ગહેરી બની ગઈ. રાતના મોડે સુધી રમેશ સાથે વાતચીત કરી શોમે નિર્ણય લીધો હતો કે એલોપથી અને આયુર્વેદિક બંને રીતે સારવાર કરવી.

વધારાના ટેસ્ટના પરિણામ જાણવા શોમ વહેલી સવારે માહીનાં ડોક્ટરની ઓફિસમાં પહોંચી ગયો. નિરાંતનો શ્વાસ લઈ તેણે ઘરે ફોન કર્યો, “મોમ! ટ્યુમર benign છે, ફેલાયેલું નથી. મેં અહીં સર્જન સાથે વાત કરી છે અને અમે આયુર્વેદિક સારવાર પણ સાથોસાથ કરવાની યોજના કરી છે.”

“બેટા, બહુ ચિંતા નહીં કરતો…ઈશ્વરઇચ્છા પ્રમાણે થયા કરશે. પંદર મિનિટ પહેલા તારા ડેડી ત્યાં આવવા નીકળી ગયા છે. અને હાં, મોટીમાસી મારી સંભાળ લેવા ડલાસથી આવી રહ્યાં છે. બસ, ફોન મૂકું છું. અલ્લા હાફીસ.”

“મોમ, તમારી આ… બન્ને તરફના ભગવાન સાથે સારા સંબંધ રાખવાની પદ્ધતિ અજબ છે.” માહી હસી પડી. શોમ મનમાં બોલ્યો, “ઓહ! મમ્મીને ઔષધો વિષે બરાબર સમજાવવા માટે અંજલિની અહીં સખ્ત જરૂરત છે…પણ એ તો અત્યારે ભારત જવાના અડધે રસ્તે હશે.”

ડોક્ટરની ઓફિસમાં બધા પરિણામો આવી ગયા હતા અને સારવાર વિશે વાત આગળ ચાલી. શોમને થયું કે ‘ડેડી કેમ હજી નથી આવ્યા?’ ત્યાં બારણાં પર ટકોરા વાગ્યા અને, “અમે અંદર આવી શકીએ?” એ અવાજ સાંભળીને શોમ સ્તબ્ધ થઈ ગયો.


ક્રમશઃ


સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com