દીપક ધોળકિયા

મહારાષ્ટ્રમાં ૧૮૫૭ના બળવાનાં મુખ્ય ત્રણ કેન્દ્ર રહ્યાં – સાતારા, કોલ્હાપુર અને ખાનદેશ. ખાનદેશમાં ભીલો અંગ્રેજોની સામે પડ્યા તો સાતારા અને કોલ્હાપુરમાં વિદ્રોહની નેતાગીરી છત્રપતિ શિવાજીના વારસોના હાથમાં હતી. પરંતુ, બીજી ઘણી જગ્યાએ લોકોએ પોતાનો રોષ દેખાડીને અંગ્રેજોને થકવ્યા.

નાશિક જિલ્લાના પેઠ રાજ્યમાં રાજા ભગવંતરાવ  નીલકંઠરાવે લોકોને વિદ્રોહ માટે એકઠા કર્યા. ૧૮૫૭ની છઠ્ઠી ડિસેમ્બરે કોળીઓએ બજારમાં લૂંટફાટ કરીને ખજાનો લૂંટી લીધો અને જંગલમાં નાસી છૂટ્યા. અંગ્રેજી ફોજ એમની પૂંઠે પડી, એમાં કેટલાયે પકડાઈ ગયા. એમને તરીપાર કરી દીધા અને એમના નેતા પેઠના રાજા ભગવંતરાવને ફાંસી આપવામાં આવી.

એના પછી તરત ૨૧મી જાન્યુઆરીએ નાશિક શહેર પોતે જ બળવામાં કૂદી પડ્યું. નાંદગાંવના ભીલો સાથે અંગ્રેજી ફોજની ભારે લડાઈ થઈ. કંપનીની ફોજે ભીલો પર હુમલા કરીને કેટલાયને કેદ કર્યા અને કેટલાયને ફાંસી દઈ દીધી.

એ જ રીતે, ઔરંગાબાદમાં પણ અંગ્રેજી સેના છોડીને ઘણા સિપાઈઓ વિદ્રોહીઓ સાથે જોડાયા. એમાં ઘોડેસવાર દળમાં મુસલમાન સિપાઈઓની ખાનગીમાં ચાલતી પ્રવૃત્તિ અંગ્રેજી ફોજને શંકાસ્પદ લાગી. એમણે બળવો થાય તે પહેલાં જ એમની પકડી લીધા અને તરત ફાંસી આપી દીધી.

નાગપુરના વિદ્રોહીઓને લખનઉ  અને કાનપુરના વિદ્રોહીઓની મદદ મળી.  ૧૮૫૭ની ૧૩મી જૂન ખુલ્લા બળવા માટે નક્કી કરવામાં આવી. રાતે ૧૨ વાગ્યે મનોરંજન માટેના રંગબેરંગી ફુક્કા ચડાવીને જાહેરાત કરી દેવાઈ. એ સંકેત મળતાં તરત જ સીતાબર્ડીની રેસિડેંસીના સિપાઈઓ હુમલો કરવાના હતા, પરંતુ   કંપનીને આ બાતમી પહેલાં જ મળી ગઈ. એને વિદ્રોહીઓને પકડી લીધા કેટલાયને જનમટીપની સ્જા થઈ અને ઘણાને ફાંસીએ લટકાવી દેવાયા.

મુધોળમાં બેરડ કોમે વિદ્રોહ કર્યો. ૧૮૫૭માં સરકારે લોકોને પોતાનાં હથિયારો જમા કરાવી દેવાનો આદેશ આપ્યો. સરકારી જાહેરાતમાં એમ પણ કહ્યું કે જેમની પાસે સ્વબચાવ માટે કોઈ હથિયાર હશે તો એનું લાઇસન્સ આપવામાં આવશે. બેરડ કોમ શસ્ત્રો આપવા નહોતી માગતી. કોમના મુખીએ જવાબી હુકમ બહાર પાડ્યો કે હથિયાર જમા કરાવનારને ગદ્દાર માનવામાં આવશે. તે પછી પાંચસો જેટલા બેરડ એકઠા થયા. પણ પોલિટિકલ એજન્ટ સુધી આ ખબર પહોંચી ગઈ. સ્થિતિની તપાસ કરીને સેના પાછી ફરી પરંતુ રાતના અંધારામાં ફોજની ટુકડી રાતે પાછી આવી.  એ વખતે બેરડો ઊંઘતા ઝડપાયા અને એમને તરત પકડીને ફાંસી આપી દેવાઈ.

ખાનદેશ

આજે આ નામ નથી રહ્યું પણ મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે સાતપુડા પર્વતની હારમાળા પાસે આવેલો પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાતો. એનો થોડો ભાગ આજના મધ્યપ્રદેશમાં પણ હતો. બ્રિટિશ શાસન દરમિયાન એના પૂર્વ ખાનદેશ અને પશ્ચિમ ખાનદેશ એવા બે ભાગ પાડવામાં આવ્યા. મુંબઈ દ્વિભાષી રાજ્ય બન્યું ત્યારે પૂર્વ ખાનદેશની જગ્યાએ જળગાંવ જિલ્લો અને પશ્ચિમ ખાનદેશની જગ્યાએ ધૂળે જિલ્લો એમ બે જિલ્લા બનાવાયા. અહીં પર્વતવાસી ભીલોની મુખ્ય વસ્તી હતી.

આમ તો ૧૮૧૮થી જ ત્યાં વિદ્રોહ જેવી હાલત હતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોમાંથી એમને હાંકી કાઢીને જમીનો આંચકી લીધી હતી. ૪૦ વર્ષના સંઘર્ષ પછી આખા દેશમાં ૧૮૫૭માં બળવાની આગ ભભૂકી ઊઠી ત્યારે ભીલો પણ પોતાના અન્યાયનો બદલો લેવા માટે અંગ્રેજો સામે કૂદી પડ્યા. ભીલોએ જુદા જુદા ઠેકાણે હુમલા કર્યા.  જ્યાં હુમલા થયા તે સ્વયંભૂ હતા એટલે કે કેન્દ્રીય નેતા વિના જેમણે અંગ્રેજો સામે બાથ ભીડીને પોતાના પ્રાણોની આહુતિ આપી. આવા પચાસેક નેતાઓ હતા, જેમાંથી અમુક નામ બહુ પ્રખ્યાત થયાં, જેમ કે, ભગોજી નાયક, ભીમા નાયક, ખાજા (કાજી સિંઘ) નાયક, કનૈયા, ચિલ્યા, રામ, સંભાજી, દશરથ વગેરે અનેક નામો મળે છે.

૧૮૫૭ના સપ્ટેમ્બરમાં બે ભાઈઓ, ભીમા નાયક અને ખાજા નાયકે બળવાનું એલાન કર્યું અને અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પાડી. ભીમાએ તો પોલીસને સરકારની નોકરી છોડીને વિદ્રોહમાં જોડાવા છડેચોક આહ્વાન કર્યું. એનો પ્રભાવ એટલો બધો વધતો જતો હતો કે એને પકડવા માટે સરકારે મોટું ઇનામ જાહેર કર્યું. ૧૮૫૮ની ૧૧મી ઍપ્રિલે ભીલો અને  અંગ્રેજી ફોજ વચ્ચે અંબપાણી પાસે લોહિયાળ જંગ ખેલાયો. પણ ભીલો પાસે બંદુકો નહોતી. અંગ્રેજોએ બે  બાજુથી એમને ઘેરી લીધા. આમ છતાં ફોજના ૧૬ સિપાઈઓ માર્યા ગયા અને ૪૫ જખમી થયા. જો કે ભીલોએ પણ ભારે ખુવારી વેઠી. અંતે ફોજે એ બધાંને કેદી બનાવ્યાં. ખાજા નાયકના પુત્ર પોલડ સિંઘનું આ લડાઈમાં મૃત્યુ થયું. આમાં ખાજા અને ભીમા નાયકનાં કુટુંબોની સ્ત્રીઓ પણ હતી. બધાં મળીને એમની સાથે ૪૬૦ જેટલી સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. ફોજે એ બધાંને પકડી લીધાં.

આ વીરાંગનાઓ શત્રુ સામે ઝૂઝતા વીરોને ખોરાક-પાણી અને હથિયારો આપીને મદદ કરતી હતી. અંગ્રેજ સરકારે ભીમા અને ખાજા નાયક અને બીજા ભીલો શરણે આવે તે માટે જેલમાં એમની સ્ત્રીઓ પર સિતમ કર્યા. એમાં ખાજા સિંઘની પુત્રવધૂ અને શહીદ પોલડ સિંઘની પત્નીનું મોત થયું. ખાજા નાયકે આમ છતાં શરણાગતી ન સ્વીકારી. અંતે એના એક સાથીને ફોડીને અંગ્રેજોએ એનો શિરચ્છેદ કરાવ્યો.

બીજી બાજુ સાતમાળામાં ભગોજી નાયકે વિદ્રોહની આહલેક જગાવી. ભગોજી અને ખાજા નાયક એકબીજાના સંપર્કમાં હતા. એમણે જે સાહસ દેખાડ્યું તેની સભ્ય લોકોના ઇતિહાસમાં નોંધ નથી લેવાઈ.

સાતારા અને કોલ્હાપુરની વાત હવે પછી.

૦૦૦

સંદર્ભઃ

૧. http://ruralsouthasia.org/wp-content/uploads/2021/05/Article_II_-Ojas-Borse_Final.pdf RURAL SOUTH ASIAN STUDIES, Vol. III, No. 3, 2017  Contribution of Bhil Adivasis of Khandesh in the Revolt of 1857  Ojas Borse.

૨. https://www.adda247.com/mr/jobs/revolt-of-1857-in-india-and-maharashtra/

https://cultural.maharashtra.gov.in/english/gazetteer/VOL-I/PAGE_177_194.pdf


દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી