ફિર દેખો યારોં

બીરેન કોઠારી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પંચોતેરના આંકડા સાથે વિવિધ બાબતોનો મેળ બેસાડવામાં આવી રહ્યો છે. આ ઉપક્રમમાં વધુ એક બાબતનો સમાવેશ કરવામાં આવ્યો, જેની પ્રસાર માધ્યમોમાં નોંધ પ્રમાણમાં ઓછી લેવાઈ એમ લાગે છે. રામસર સાઈટ તરીકે ઓળખાતા મહત્ત્વના જળપ્લાવિત વિસ્તારોમાં અગિયાર આવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો અને દેશમાં રામસર સાઈટ તરીકે ઓળખાતાં વિસ્તારોનો આંકડો પંચોતેર કરવામાં આવ્યો.

આ બાબતનું મહત્ત્વ જાણવા માટે પહેલાં જળપ્લાવિત વિસ્તાર અને રામસર સાઈટ વિશે પ્રાથમિક વિગત જાણવી આવશ્યક બની રહે. અંગ્રેજીમાં જેને ‘વેટલેન્‍ડ’ તરીકે ઓળખાવાય છે એવો જળપ્લાવિત વિસ્તાર એટલે પાણીથી સંપૂર્ણપણે ભરાયેલો, પાણીમાં ડૂબેલો હોય એવો વિસ્તાર. રામસર અધિવેશનમાં વ્યાખ્યાયિત થયા મુજબ જેની જમીન કાદવ કે કળણયુક્ત હોય, નીચાણવાળી ભેજવાળી જમીન કે ભેજવાળી જમીનમાં કહોવાયેલી વનસ્પતિ હોય, પાણીથી ભરપૂર હોય, ત્યાં પાણી કુદરતી રીતે એકઠું થતું હોય કે કૃત્રિમ રીતે ભરવામાં આવતું હોય એવા વિસ્તારને જળપ્લાવિત વિસ્તાર કહે છે. આ પાણી સ્થિર હોય કે વહેતું હોય, તાજુ હોય યા ઓછું ખારું કે ખારું પણ હોઈ શકે. તેમજ દરિયાઇ પાણી સહિત નાની ભરતી સમયે તેની ઉંડાઇ છ મીટરથી વધુ ન હોવી જોઇએ. આવા વિસ્તારમાં પાણી વર્ષનો મોટા ભાગનો સમય ભરાયેલું રહેતું હોય છે. આવા વિસ્તાર પર્યાવરણ માટે ખૂબ મહત્ત્વના ગણાય છે, કેમ કે, તેમાં ઉગતી વિશિષ્ટ વનસ્પતિઓ, તેમજ તેની પર અવલંબિત જીવસૃષ્ટિ એક પ્રકારની જૈવપ્રણાલિની રચના કરે છે. ઉપરાંત પૂર નિયંત્રણમાં, પાણીની ગુણવત્તાની સુધારણામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં તે અગત્યની ભૂમિકા ભજવે છે.

રામસર ઈરાનમાં આવેલું શહેર છે, જેમાં ૧૯૭૧માં એક આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું હતું. પ્રવાસી પક્ષીઓ માટેના જળપ્લાવિત વિસ્તારોને થતા નુકસાનથી ચિંતીત દેશોએ તેમાં ભાગ લીધો હતો. આ અધિવેશનનું ધ્યેય ‘જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ અને બુદ્ધિપૂર્વકના ઉપયોગમાં સ્થાનિક લોકોનો સહકાર તેમજ રાષ્ટ્રીય પગલાં તથા આંતરરાષ્ટ્રીય સહકાર, સમગ્ર વિશ્વમાં સાતત્યપૂર્ણ વિકાસની સિદ્ધિને હાંસલ કરવામાં સહયોગ’ હતું. તેમાં જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગેની સંધિ પર ભાગ લીધેલા દેશના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા. જૈવવૈવિધ્યની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા હોય એવા પ્રદેશોની આ અધિવેશન અંતર્ગત ઓળખ કરવામાં આવી અને તેના વ્યવસ્થાપન અંગેના નિયમ ઘડવામાં આવ્યા. આવાં સ્થળ  ‘રામસર સાઈટ’ તરીકે ઓળખાય છે. ભારત સમગ્ર એશિયામાં સૌથી વધુ સંખ્યામાં જળપ્લાવિત વિસ્તાર ધરાવે છે, પણ તેની જાળવણી અત્યંત જરૂરી બની રહે છે. કહેવાય છે કે વિશ્વભરની પ્રજાતિઓ પૈકીની 40 ટકા પ્રજાતિઓ આ વિસ્તારમાં રહે છે અને ઉછરે છે.

વેટલેન્‍ડ્સ ઈન્ટરનેશનલના એક અભ્યાસ અનુસાર છેલ્લા ત્રીસ વર્ષમાં દર પાંચમાંથી બે જળપ્લાવિત વિસ્તારે પોતાનું કુદરતી અસ્તિત્ત્વ ગુમાવી દીધું છે. એમાંના 40 ટકા વિસ્તારો જળચરોના જીવનને જાળવવામાં નિષ્ફળ ગયા છે. જળપ્લાવિત વિસ્તાર જોખમગ્રસ્ત હોવાનું કારણ જાણવા લાંબું વિચારવાની જરૂર નથી. સતત વધતું જતું શહેરીકરણ, ઔદ્યોગિક અને તેની સાથે માળખાકીય વિકાસ, ખેતીવાડી અને વધુ પડતી માછીમારી, લોકો દ્વારા કરવામાં આવતું દબાણ, અવૈજ્ઞાનિક ઢબે થતી જાળવણી  ઉપરાંત યોગ્ય દરકાર ન લેવાવાને કારણે આમ થઈ રહ્યું છે.

એક અંદાજ મુજબ, વન કરતાં ત્રણ ગણી ઝડપે તે લુપ્ત થઈ રહ્યા છે. હવામાન પલટાને કારણે આમ બને છે, એમ એ લુપ્ત થતા રહેવાને કારણે હવામાન પલટો આવે છે. આમ આ આખું એક પ્રકારનું વિષચક્ર છે.

જળપ્લાવિત વિસ્તારોના આવા નિરાશાજનક માહોલમાં સહેજ રાજીપો અનુભવાય એવી ઘટના 2022ના ડિસેમ્બરમાં બની. નવી મુમ્બઈના ખારઘર વિસ્તારમાં આવેલા એક જળપ્લાવિત વિસ્તારને પર્યાવરણ પ્રેમીઓએ ઉગારી લીધો. આ વિસ્તાર સાતેક હેક્ટર જેટલો હતો. આ વિસ્તારમાં ખટારાના ખટારા ભરીને માટી કે અન્ય કચરો ઠલવાઈ રહ્યો હતો. તેને પગલે પર્યાવરણપ્રેમીઓએ સતર્કતા દાખવી અને નેટકનેક્‍ટ ફાઉન્‍ડેશને પર્યાવરણ મંત્રાલય, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને જાણ કરી. તેને પગલે મુંબઈ વડી અદાલતે વેટલેન્‍ડ્સ કમિટીની નિમણૂક કરી. સામૂહિક પ્રયાસો થકી આખરે આ વિસ્તાર બચી શક્યો. આ ઘટના ઘણી નાની, છતાં સૂચક અને આનંદ પમાડનારી છે. ભલે એ ‘નુકસાનમાં નફો’ ગણાય, પણ અનેકવિધ સરકારી આંટીઘૂંટીને પાર કરીને આખરે કશોક નક્કર નિર્ણય લઈ શકાયો એ મહત્ત્વની બાબત છે. ‘સીડકો’ (સીટી એન્‍ડ ઈન્‍ડસ્ટ્રીઅલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન) દ્વારા નિર્માણાધીન આવાસ યોજના અંતર્ગત તૈયાર થતાં મકાનોના કામ દરમિયાન નીકળતો કાટમાળ આ જમીન પર ઠાલવવામાં આવતો હતો.

દર વરસે વિશ્વભરમાં બીજી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્‍ડ ડે’ ઉજવવામાં આવે છે. આ દિનવિશેષને ઉજવવામાં આવે છે એનો અર્થ જ એ થયો કે જળપ્લવિત વિસ્તાર અંગે જોઈએ એવી જાગૃતિ નથી. નવી મુંબઈમાં આ દિવસે યોજાયેલી એક સમૂહચર્ચામાં ‘નેટકનેક્ટ’ના સ્થાપક બી.એન.કુમારે એ બાબત ભારપૂર્વક જણાવી હતી કે પૂર્વ પ્રાથમિકથી લઈને છેક અનુસ્નાતક (કેજી થી પી.જી.) સુધીના અભ્યાસક્રમમાં પર્યાવરણનો વિષય ફરજિયાત બનાવવો જોઈએ. કમનસીબે પ્રાથમિક શાળા પછી આ વિષય ભૂલાઈ જાય છે. આમ પણ, આપણા અભ્યાસક્રમોમાંના વિષયોનું મહત્ત્વ પરીક્ષામાં ગુણ લાવવા પૂરતું જ રહી ગયું છે. પર્યાવરણ અંગેનાં જ્ઞાન તેમજ માહિતીને યોગ્ય રીતે આપવામાં આવે અને તેને ભણનારામાં તે સાચી સમજ અને જાગૃતિ કેળવી શકે તો જ એનો અર્થ સરે. સમજણ ઉગે ત્યારથી સવાર માનીને એનો આરંભ કરી દેવા જેવો છે, નહીંતર જાતે કરીને ઢોળેલા દૂધ પર અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજું કંઈ કરવાનું બાકી નહીં રહે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)