અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

ગઈ સદીની અંતિમ પચીસીમાં ગુજરાતી સાહિત્યને કેટલાંક વિરલ જીવનચરિત્રો સાંપડ્યાં, જેમાં શ્રી નારાયણ દેસાઈએ પિતા મહાદેવ દેસાઈની શતાબ્દી વેળાએ અર્ધ્ય રૂપે આલેખેલું મહાદેવ દેસાઈનું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ દ્રષ્ટાંતરૂપ ચરિત્ર સાબિત થયું.

પ્રસ્તુત ચરિત્રનું આલેખન એના આલેખક નારાયણ દેસાઈ માટે બે રીતે કસોટીરૂપ છે. એક તો, એ પિતાનું ચરિત્ર તેથી તાટસ્થ્ય જાળવવું મુશ્કેલ ને પાછું એ ચરિત્ર મહાત્મા ગાંધીમાં ભળી – ઓગળી ગયેલું ચરિત્ર. મહાદેવના આલેખનમાં ઉપર તરી આવતું વ્યક્તિત્વ તો ગાંધીજીનું જ.આવા બે પડકારોની વચાળે ચરિત્રકારે ભારે નાજુકાઈ ને સાવધાનીથી આ કાર્ય પાર પાડવાની જહેમત ઉઠાવી છે ને એમાં સફળતા પ્રાપ્ત કરી છે.

માત્ર પચાસ વર્ષ જીવેલા મહાદેવના જીવનના અહીં બે ખંડ પડે છે : ગાંધીજી વિનાનાં પહેલાં પચીસ વર્ષનો પ્રથમ ખંડને ગાંધીજી સાથે ગાળેલાં બીજાં પચીસ વર્ષનો દ્વિતીય ખંડ. પ્રથમ ખંડ પછીથી ગાંધીજીમાં ઓગળનાર મહાદેવ માટે જાણે પૂર્વ તૈયારીનો કાલખંડ છે તો બીજો એ તૈયારીની ક્રમશઃ પ્રગટતી ગયેલી ફલશ્રુતિનો.

લેખકે કૃતિના પાંચ ખંડ પાડ્યા છે : સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ ને આકૃતિ. આ પાંચ ખંડમાં મહાદેવ ક્રમશઃ જીવતરના સમર્થ આરોહી સાબિત થતા રહ્યા છે.

કૃતિનો આરંભ, લેખકે મહાદેવનાં મૃત્યુથી કર્યો છે. મહાદેવના પરિવારને મહાદેવનાં મૃત્યુ અંગે જણાવતો તાર ગાંધીજીએ આ શબ્દોમાં લખાવ્યો છે : ‘મહાદેવનું મરણ તો યોગી અને દેશભક્તનું હતું. એનો શોક ન થાય.’ ૧૯૪૨માં મહાદેવ વિશે ઉચ્ચારાયેલા મહાત્માનાં આ અભિપ્રાયને પાંચ દાયકા પછી મૂલવતાં પુત્ર નહીં, પણ ચરિત્રકાર નારાયણ નોંધે છે : ‘એક યોગીની ચિંતનધારા હતી જે ગાંધીજીના ખોળામાં માથું મૂકીને પોતાની જીવનલીલા સમાપ્ત કરવા ઝંખતી હતી. બીજી દેશભક્તની ચિંતનધારા હતી જે ભારત છોડો આંદોલનમાં ‘કરેંગે યા મરેંગે’ના સૂત્રને ચરિતાર્થ કરવા મથતી હતી. બંને ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૨ના પ્રાતઃકાળે સંગમ અનુભવી રહી.’ યોગી અને દેશભક્ત મહાદેવના ખમીસનાં ખિસ્સામાંથી નીકળી ગીતની એક પ્રત અને બીજા ખિસ્સામાંથી નીકળી ફાઉન્ટેન પેન. લેખક નોંધે છે : ‘જે મહાન યજ્ઞમાં થોડી ક્ષણો પહેલાં જ મહાદેવે જીવનની આહુતિ આપી હતી તેનું મૂળ પ્રેરણાસ્ત્રોત હતી ગીતા અને એ યજ્ઞની જ્વાળાઓ પ્રગટ થઈ હતી સતત મહાદેવનાં વક્ષ:સ્થળ પર વિરાજતી આ કલમ દ્વારા … ગીતા પ્રતીક હતી મહાદેવના ચારિત્ર્યના ઊંડાણની અને કલમ પ્રતીક હતી એના વિસ્તારની.’ આ બે બિંદુ વચ્ચેની યાત્રા એ જ મહાદેવના વિરલ જીવતરનો ચોખ્ખો હિસાબ.

મહાદેવના જીવનના બે ખંડમાંનો પહેલાં પચીસ વર્ષોનો ખંડ એમનાં ઘડાતાં રહેલાં ચારિત્ર્યનો છે.  ઈશ્વરપ્રીતિના સંસ્કાર મહાદેવના લોહીના લયમાં ભળેલા છે. ગીતાકથિત ‘શ્રીમતાં શુચિતાં ગેહે’ જન્મ થયો એ મહાદેવનું સદભાગ્ય તો ખરું જ, પણ એમના મૂળમાં રહેલી ઈશ્વરશ્રદ્ધા એ જ એમને પછીના જીવનકાળમાં પ્રેર્યા – દોર્યા છે. હાઈસ્કૂલના શિક્ષણકાળમાં અડાજણ ગામના મલિન માહોલમાં એક છોકરોએ મહાદેવને કોઈ છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું પણ રાત્રે મોડું થવાથી મહાદેવે એની સાથે જવાની ના પાડી દીધી. પછીથી મહાદેવે આ અંગે મિત્ર નરહરિભાઈને કહેલું, ‘આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.’ (પૃ.૩૧) મહાદેવના મૂળમાં રહેલી આ ઈશ્વરશ્રદ્ધા પછીથી ગાંધીશ્રદ્ધામાં વિલીન થતી રહીને એ રીતે એમની આસ્તિકતાને ચોક્કસ ઘાટ આપતી રહી.

જીવનના પ્રારંભિક વળાંકોમાં મહાદેવની પ્રતિભા ઓળખાતી – પરખાતી રહી. દુર્ગાબહેન સાથે લગ્ન, દેશસેવામાં જોડાવાની લગન; એલ.એલ.બી,ની ઉપાધિ મેળવીને ૧૯૧૭માં ગાંધીજી સાથે પ્રત્યક્ષ રીતે કામગીરીમાં જોડાઈને મહાદેવ કાર્યપસંદગી માટે પ્રયત્નશીલ બનતા રહ્યા. આ ગાળાના મહાદેવ માટેનું ચરિત્રકારનું સૂક્ષ્મ અવલોકન સ્વાભાવિક રીતે જ માત્ર પુત્રનું નથી : ‘તે દરમિયાન એમણે જે ઠેકઠેકાણે કામો લીધાં, તેને આપણે થોડાં વિગતવાર જોઈશું તો આપણને દેખાઈ આવશે કે એ કામોની પસંદગી અને ફેરબદલીઓ અને છેવટે ધ્યેયની વરણી પાછળ અર્થપ્રાપ્તિ કે કીર્તિનો વિચાર એ ગૌણ હતો. અને પિતૃસેવા, પોતાની અભિવ્યક્તિ, આંતરિક વિકાસની ઝંખના અને આધ્યાત્મિક માર્ગની શોધ એ મુખ્ય પ્રેરક તત્ત્વો હતાં. પાછળથી બરાબર અડધું જીવન જે યજ્ઞમાં તેઓ આહુતિ આપવાના હતા તેનો યજ્ઞમંડપ રચવા, અને તેની વેદીને લીંપીગૂંપીને પ્રસ્તુત કરવાનાં આ ચાર વર્ષ હતાં.’(પૃ.૪૨-૪૩)

૧૯૧૫ની નવમી જાન્યુઆરીએ ભારત આવી પહોંચેલા ગાંધીજી પ્રત્યે ગોખલેજીના અભિપ્રાયથી આકર્ષાયેલા મહાદેવ અને નરહરિએ ગાંધીજીની આશ્રમવિશેની નિયમાવલિ વાંચીને લાંબો પત્ર લખ્યો તે પછીથી એમને મળ્યાને તરત મહાદેવે નરહરિને કહેલું : ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ આ હતી મહાદેવની પહેલી દીક્ષા. મહાદેવને જોતાંવેંત ગાંધીજીને એમનામાં જે દેખાયું તે એમની પ્રમાણિકતા, વફાદારી અને હોશિયારી. જેનાથી જિતાઈને ગાંધીજીએ મહાદેવને પોતામાં ભેળવવા લગભગ પ્રેમાક્રમણ જ કર્યું.

આ દિવસોમાં મૂંઝવણ અનુભવતા મહાદેવ વિશે લેખક નોંધે છે તેમ, મહાદેવ જીવનથી નિરાશ થઈ ગયા હતા તેનું કારણ હતું તેમનો લાગણીશીલ સ્વભાવ. જેને પછીથી ગાંધીજીના ટાંકણાથી યોગ્ય ધાર મળતો રહ્યો ને મહાદેવને સ્વસ્થ મનુષ્ય બનવા ભણી દોરતો રહ્યો. ગાંધીજી સાથે ૧૯૧૭ના નવેમ્બર માસમાં જીવનનું અર્ધવર્તુળ પૂરું કરનાર મહાદેવ જોડાયા આવા એક સંકલ્પથી : ‘મારી મનોકામના તો હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું.’ની.(પૃ.૬૭)

બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ કરીને ગૃહસ્થ થયેલા મહાદેવ ભલે ક્રમશઃ મહાત્મામાં ઓગળતા રહ્યા પણ એમનો સ્વામીપ્રેમ એમની પિતૃભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ, મિત્રપ્રેમને ક્યાંય નડ્યો જણાતો નથી. મહાદેવે સંબંધમાત્રનું ઊચિત મૂલ્ય ને ગૌરવ કર્યું છે. ગાંધીજી પાસે જતી વેળા આરંભે પિતા દુભાયા છે ત્યારે મહાદેવ મન મારીને ઘેર બેસી રહેવા તૈયાર છે પણ પિતાની રજા વિના ઉપાસ્ય દેવ ભણી ધસી જવાની ઉતાવળ કરતા નથી. પુત્રવત્સલ પિતાની આજ્ઞા પછી જ મહાદેવે સ્વામી ભણી ડગ માંડ્યાં છે.

મહાદેવની પિતૃભક્તિને પ્રમાણતા ગાંધીજીએ મહાદેવના પિતા હરિભાઈને પોતાને થયેલી મહાદેવની પ્રાપ્તિનો આનંદ પત્ર દ્વારા વ્યક્ત કર્યો છે ને થોડા દિવસ પછી હરિભાઈ રેલવે સ્ટેશન પર ગાંધીજી ને મહાદેવને મળ્યા છે એ ક્ષણનું દાદા હરિભાઈની મનોદશાને પરકાયાપ્રવેશની અદ્રશ્ય શક્તિથી પ્રમાણી શકેલા લેખકે ચિત્રાત્મક અને ભાવાત્મક અભિવ્યક્તિની મદદથી સહૃદયને ભીંજવી દેતું વર્ણન કરતાં નોધ્યું છે : ‘..રેલગાડીના ડબ્બામાં બે વાક્યો પૂરતો આ વાર્તાલાપ અને દીકરાની માનસરોવરના સહસ્રદલ કમલ જેવી શોભતી મુખાકૃતિનાં દર્શન અને વાંકા વળીને પગે લાગતાં એની પીઠનો સ્પર્શ હરિભાઈ સારુ અનેક દિવસો સુધી વાગોળવાનો વિષય બની રહ્યો હશે !’ (પૃ.૯૦,૯૧)

અર્ધું જીવન ગાંધીને ચરણે બેસીને જીવતર સાર્થક કરનાર મહાદેવના હૃદયનો એક તંતુ આજીવન પિતા સાથે જોડાયેલો રહ્યોને પિતાને છોડવાનું દુઃખ એક કસક બનીને તેમનામાં શ્વસતું રહ્યું. પિતાનાં મૃત્યુ વેળા નરહરિભાઈને તેમણે લખ્યું : ‘ મને એમ જ થયા કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, એ મારાથી ન થયું.  આ પશ્ચાતાપ એક કાયમનો જખમ મારી જિંદગીમાં રહી જશે.’ (પૃ.૩૧૬) તો જવાહરલાલ નહેરુને પણ આ જ મતલબનો લાંબો પત્ર તેમણે પાઠવ્યો. જેના જવાહરે આપેલા ઉત્તરમાં મહાદેવને આશ્વાસન આપવાની સાથે એના ઔદાત્યનું ભારે ગૌરવ થયું છે : ‘તમારા પિતાની પાસેથી તમે સેવાનો જે પાઠ શીખ્યા તે તમે બહારની દુનિયામાં લાવ્યા છો અને તમારા અંગત ઉદાહરણ દ્વારા તમે નિઃશંક અનેક લોકો પર અસર પાડી છે. તમારા પિતા એ સામે વાંધો ઉઠાવે અથવા દેશની સેવાના તમારા વ્યાપક ક્ષેત્રને બદલે તેઓ તમારા માટે કુટુંબનું સંકુચિત ક્ષેત્ર વધારે પસંદ કરે એમ બને જ નહીં.’ (પૃ.૩૧૭) ગાંધીમાં ઓગળેલા મહાદેવે એ કાળના ભલભલા મહાનુભાવો પર એવી છાપ છોડી છે એનાં અનેક દ્રષ્ટાંતોમાંનું આ એક છે.

પત્ની દુર્ગા ને પુત્ર નારાયણને પણ મહાદેવે પોતાના પ્રેમથી ભીંજવી દીધાનાં અનેક ઉદાહરણો કૃતિનાં પૃષ્ઠોમાં આલેખાયાં છે. આવા મુલાયમ મહાદેવની ગાંધીભક્તિ હનુમાનના આદર્શમાં રસાતી જરૂર રહી છે પણ મહાદેવના આરાધ્ય દેવની ઉપાસના કેટલી કઠિન રહી છે એની ગાથા તો શીર્ષકથી માંડીને કૃતિનાં પાને પાને વેરાયેલી છે.

મહાદેવને પહેલી જ નજરે નખશિખ પારખી ગયેલા ગાંધીજીએ મહાદેવની એમની પાસે ગાળેલા કાલખંડ દરમ્યાન વધારે મનોમન ને ક્યારેક દેખીતી રીતે કોઈનેય ઈર્ષા ઉપજાવે એવી કદર કરી છે. દીનબધું એન્ડ્રુઝને ગાંધીજી કહે છે ‘એ આશ્રમથી ધન્ય થવા નહીં પણ આશ્રમને ધન્ય કરવા આવ્યા છે.’ (પૃ.૧૨૬) ગાંધીજીએ મહાદેવમાં નિહાળી પ્રસંગ પડ્યે શૂન્યવત થઈ જવાની વિરલ ક્ષમતા. જે ક્ષમતાએ કરીને તો પોતાથી તદ્દન ભિન્ન પ્રકૃતિના મહાત્મા જેવા આરાધ્યને તેઓ ઉપાસી શક્યા. મહાદેવને ગાંધીભણી મોકલતા પિતાને ‘મહાદેવ ફૂલ જેવો કોમળ છે અને ગાંધીજી સાથે કામ કરનારાને તો આકરું જીવન જીવવું પડે, એ એનાથી શી રીતે ખમાશે?’ એવો ઊઠેલો પ્રશ્ન યથાર્થ હતો. પણ મહાદેવ એ ખમી શક્યા એમનામાં રહેલી આ શક્તિથી ગાંધીભક્તિનાં શસ્ત્રથી.

પિતા મહાદેવની ગાંધીપ્રીતિને પ્રમાણતા, તેની અદબ કરતા ચરિત્રકારે એટલી જ નિર્ભયતાથી મહાદેવની ગાંધીભક્તિથી પોતાના કુટુંબજીવનમાં આવેલા વાળાઢાળાય સ્વસ્થતાથી આલેખી જાણ્યા છે. મહાદેવનાં પત્ની દુર્ગાને મહાદેવ પાસે સાબરમાટી આશ્રમમાં આવવાની માંડ રજા મળી છે ત્યારે દુર્ગાબહેને ગાંધીજીને લખેલા પત્રમાં સંયમિત રીતે ઠાલવેલો આક્રોશ એનું દ્રષ્ટાંત છે.

ગાંધીજી સાથેના વસવાટ દરમ્યાન કોમળ પ્રકૃતિના મહાદેવની અનેક કસોટીઓ થતી રહી છે, જેમાં કંચનની જેમ મહાદેવ શુદ્ધ થઈને નીકળતા રહ્યા છે. આ કસોટીઓમાં સૌથી મોટી કસોટી ઓરિસ્સાના ડલાંગ ગામે ભરાયેલા સંમેલન પ્રસંગની છે, જે ઘટનાના પ્રકરણને લેખકે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ શીર્ષક આપીને મહાદેવનું કદાચ અંતિમ મૂલ્યાંકન કર્યું છે. આ સંમેલન જગન્નાથ પુરીની નિકટનાં સ્થળે હોવાથી એમાં કસ્તૂરબા, દુર્ગાબહેન પણ હોંશેહોશે જોડાયાં છે – પુરી મંદિરનાં દર્શનના હેતુથી. બીજી બાજુ એ મંદિર માં હરિજનોનો પ્રવેશ નિષેધ હોવાથી ગાંધીજી આ જગન્નાથને પોતાનો નાથ માનવાનો ઇન્કાર કરી દે છે. આ પ્રસંગે પત્ની દુર્ગાને પુરી દર્શનની થયેલી ઈચ્છા જોઈને મહાદેવ નોંધે છે : ‘અસ્પૃશ્યતાને એણે કદી સંઘરી નથી, હરિજનોની યથાશક્તિ સેવા કરે છે, દસ વર્ષ થયાં હરિજનેને ઘરમાં પ્રવેશ કરાવ્યો છે. હવે મંદિરપ્રવેશમાં એને શ્રદ્ધા હોય તો એને હું કેમ હલાવું ? એ પણ મારી વૃત્તિ હતી..’(પૃ.૬૭૪)

મહાદેવે પત્નીને મંદિરમાં જવા દીધાનાં વલણથી અકળાયેલા ગાંધીજીએ સંઘ સમક્ષ ઠાલવેલી વેદનાથી અકળાઈ ઊઠેલા મહાદેવને લાગ્યું કે ગાંધીજી પાસે મારું સ્થાન નથી. ને એ મતલબની ચિઠ્ઠી તેમણે મહાત્માને લખી ત્યારે અનાસક્ત ગાંધીજી પણ ક્ષણેક હલી ઊઠીને કહી બેઠા : ‘હજારો ભૂલો સહન કરીશ પણ મારાથી તમારો ત્યાગ થનાર નથી.’ (પૃ.૬૭૭) ને પછી જણાવે છે તેમ, મહાદેવનાં કવિત્વમાં તેમને કાયરતા જણાઈ છે. મહાદેવ જો ગાંધીજીનો ત્યાગ કરે તો પ્યારેલાલ ને સુશીલા નૈય્યર પણ ન જ રહે. આ બધું વિચારતાં આક્રમક શૈલીમાં ગાંધીજી જણાવે છે : ‘તમે વાચન ઓછું કરો, વિચાર વિશેષ કરો..’(પૃ.૬૭૮)

ગાંધીજીથી છૂટા પડવા અંગે મહાદેવે પત્ની દુર્ગાને નાનકડા પુત્ર નારાયણ સાથેય ચર્ચા કરી, પણ એ બંનેનો તેમને ટેકો ન મળ્યો એમાં ગાંધીજીના પ્રેમનો વિજય પણ હશે ને પતિ ને પિતામાં ગાંધીભક્તિની જ્યોતને ઝળહળતી રાખવાની ચિંતા પણ.

પછીથી સ્વસ્થ થયેલા મહાદેવે નોંધ્યું : ‘આ મારી તે કાળની લાગણી છે …. તંદ્રારહિત રહીને પચાસ પચાસ વર્ષો થયાં ધર્માચરણ કરનાર ધર્મ વધારે સમજે કે રાગદ્વેષથી ભરેલો હું ધર્મ સમજું?..’ (પૃ.૬૭૮) સાંપ્રતકાળના મહાત્મા પર પુરાણકાળનો અંશ લઈને જન્મેલા શિષ્યનો કદાચ આ અંતિમ વિજય હતો. આથી જ આ ચરિત્ર લખતીવેળા પિતાની જેમ જ સ્વસ્થ બનેલા નારાયણ ભાઈ નોંધે છે : ‘કાકાના સ્વર્ગવાસ પછી શ્રી મેઘાણીએ એમને વિશે જે લેખ લખ્યો હતો એનું મથાળું આપ્યું હતું : ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’. આ મથાળું આ પ્રસંગે શબ્દશઃ સિદ્ધ થયું હતું.’ (પૃ.૬૭૯) પ્રસ્તુત ચરિત્રનો સમગ્ર સાર આ પ્રકારે ઘટેલી આ ઘટનામાં સમાયેલો સહૃદય પણ નિહાળી શકે છે.

ગાંધીજી પાસે આવેલા મહાદેવે પોતાના પૂર્વાશ્રમમાં કેટકેટલું અર્જિત કર્યું ? સાહિત્યપ્રીતિ, અનુવાદકલા, પત્રકારિત્વની અનન્ય હેસિયત ને બીજું કંઈ કેટલુંય. મહાદેવને આ શક્તિઓથી ઓળખનારાઓનો પ્રશ્ન એક જ હતો – મહાદેવ જો ગાંધીજીમાં ભળ્યા ન હોત તો એમની પ્રતિભા જુદી જ હોત. ક્ષણેક માનવા જેવી લાગતી આ વાતને આભાસી ઠેરવતાં લેખક નોંધે છે : ‘ગાંધીજી સાથે મહાદેવ જોડાયા ન હોત તો તેઓ સારા સાહિત્યકાર, સારા ભાષાંતરકાર, વકીલ થયા હોત.. પણ વિવેકપુરુષ કિશોરલાલ મશરૂવાળાએ જેમને ‘સર્વ શુભોપમાયોગ્ય’ કહ્યા, વેરિયર એલ્વિને ગાંધીરૂપી સોક્રેટિસના પ્લેટો કહ્યા, રાજાજી જેવાએ ગાંધીજીના ‘હૃદયમ દ્વિતીયમ’ કહ્યા…એ ગાંધીજી સાથે ન જોડાયા હોત તો મહાદેવભાઈ ક્યાંથી થયા હોત ?… તેમનો અહમ ઓગળ્યો અને અસ્મિતા અનંતગણી વધી ગઈ’… ને એ ય સાચું કે મહાદેવના શૂન્યવત થવાથી ગાંધીજીની કિંમત દસ ગણી વધી ગઈ…’(પૃ.૭૦૮)

ગાંધીજીને પચીસ પચીસ વર્ષ સુધી સેવતાં સેવતાં મહાદેવભાઈએ શું ન કર્યું? ‘નવજીવન’ના તંત્રી રહ્યા, અનેક પ્રવાસો ખેડ્યા, અનેક લોકોનો સંપર્ક કર્યો, વધાર્યો ને સાચવ્યો, અનેકના હૃદયમાં સ્થાન મેળવ્યું ને એ બધાથી ઉપર ગાંધીજીની એક એક ક્ષણને સાચવતી અમૂલ્ય ડાયરીઓ આપી. ગાંધીની એક વાત પણ મહાદેવની છાની ન રહી એ અર્થમાં ગાંધીના એ અંતર્યામિય પ્રમાણિત થયા. ગાંધીજી માટે સમર્પિત થયેલા અનેક લોકોએ તેમની ઈર્ષા ન કરતાં તેમની ભક્તિ કરી.

ગાંધીને મહાદેવના ગુરુ –શિષ્યના યુગલને ડૉ. જોનસન અને બોઝવેલ, જર્મન કવિ ગટે અને એકરમેન,  રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના યુગલો સાથે મૂકતાં- એ સૌ કરતાં ભિન્ન જોડકું ઘટાવીને નારાયણ ભાઈ નોંધે છે : ‘…બે ભિન્ન પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓનાં વ્યક્તિત્વ એક જીવ, બે ખોળિયાં થઈને રહે. સહેલાઈથી અદલાબદલી કરી શકાય એવું ભાષાસામ્ય હોય, સ્વતંત્ર પ્રતિભા છતાં એકનું વ્યક્તિત્વ બીજામાં વિલીન થઈ ગયું હોય, વિલીન થયેલું વ્યક્તિત્વ હોવા છતાં આગવી પ્રતિભા જરાય ઝાંખી ન પડી હોય એઈ જોડીનું ઉદાહરણ આ લેખકની જાણમાં મોહન- મહાદેવની જોડીનું એક અને અદ્વિતીય જ છે.’ (પૃ.૭૦૯)

મહાદેવે જીવનમાં બે ઈચ્છા કરી : ગેરસપ્પાનો ધોધ જોવાની ને રમણ આશ્રમમાં રહેવાની. પણ એની પૂર્તિ થવાની આગલી ક્ષણે જ એ ઈચ્છામાંથી તેઓ મુક્ત થયા – ગાંધીજીને જ ગેરસપ્પાનો ધોધ ગણીને ‘મારે તો એક જ સ્વામી બસ છે’ એવો નિશ્વય કરીને.

લેખકનું નિરીક્ષણ એ છે કે મહાદેવે તો બાપુનો પ્રભાવ શિવ થઈને પોતાની જટામાં ધાર્યો પણ બાપુ પર મહાદેવનો પ્રભાવ પડ્યો ખરો ? લેખક નોંધે છે : ‘બર્લિનના શ્રી ક્રિશ્ચિયાન બાર્તોલ્ફે એક મુલાકાતમાં આ લેખકને ભારપૂર્વક જણાવ્યું છે કે, મહાદેવનાં સંપર્કમાં આવ્યા પછી ગાંધીની ભાષામાં કોમળતાની સાથોસાથ ચોકસાઈ આવી છે.’ મહાદેવ હતા ત્યારે બાપુ કહેતા કે ‘મહાદેવે આશ્રમનું ગૌરવ વધાર્યું છે.’ અને એમના ગયા પછી કહેતા કે , ‘એમની ખોટ છ છ જણથી પુરાતી નથી.’ (પૃ.૬૯૪)

ચરિત્રકાર નારાયણને આનંદછે પિતાની ગાંધીભક્તિની ફળશ્રુતિ પિતાને સાંપડેલાં ઈચ્છામૃત્યુની પ્રાપ્તિનો. મહાદેવે સતત પ્રાર્થ્યું છે બાપુ પહેલાંનું પોતાનું મૃત્યુ. ને મહાદેવને શ્રદ્ધા છે તેમ એની પ્રાર્થના કદી તરછોડાઈ નથી. મહાદેવને મુખે આ વાત સાંભળનારાઓએ જોયું મહાદેવનું ભીષ્મ સમું વિરલ ઇચ્છામૃત્યુ. ભીષ્મને એ સાંપડ્યું એમની અવિચળ પિતૃભક્તિની ફલશ્રુતિએ તો મહાદેવને ગાંધીભક્તિની.

મહાદેવનું મૃત્યુતેના સમગ્ર જીવનનો હિસાબ પુરવાર થયું – કબીરની જેમ સ્વચ્છ ચાદર ઓઢીને ને તેને સ્વચ્છતર બનાવીને પ્રભુને સોંપીને. આથી જ તેમને અંતિમ અંજલિ આપતાં મશરૂવાળાએ લખ્યું : ‘ગાંધીજીના અવેજી બનવામાં એમના અવિકારનો કોણ ઇન્કાર કરી શકે એમ છે ? જીવતા હતા ત્યારે તો એમણે બધી વાર એમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ને મૃત્યુમાં એમના વતી ભાગ ભજવાતો હક તેઓ ખરેખર કમાયા હતા.’ (પૃ.૭૨૧)

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબએ ગુલાબની અગ્નિમાં સમર્પિત થવાનીને અગ્નિનાં તેજને સુગંધ સાંપડ્યાની વિરલ કથા છે. જે છે તો એક સદભાગી પુત્રે પોતાની સાક્ષીમાં પિતાએ આપેલી જાતની આહુતિની કથા, પણ એમાં પિતા –પુત્ર બંને ઓગળ્યા છે, દેશભક્તિમાં, સ્વાતંત્ર્યની ગાથાના એ દેશકાળમાં ને એ દેશકાળને ઘાટ આપનાર મહાત્મા ગાંધીમાં. તે થી જ આ ચરિત્રગાથા માત્ર એક વ્યક્તિની કથા ન બનતાં ઐતિહાસિક કૃતિય બની છે.


 સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.