સોરઠની સોડમ

ડૉ. દિનેશ વૈશ્નવ

આપણે ઇતિહાસમાં વાંચતા કે એક જમાને આઘા રે’તા લોકો હારે સંદેશાની આપલે કબૂતરો થકી થાતી. પછી મારાથી મોટી ઉંમરનાના જમાને બા’ર ગામના લોકો હારે ખબરઅંતર અને સંદેશાની આપલે મોઢામોઢ થાતી; દા.ત., કનુકાકા, તમે વંથળી જાવ છ તે મારા ચંદુમામાને કેજો હું મજામાં છું” ને જો સંદેશો ખાનગી હોય તો ઈ ચીઠીમાં મોકલાતો; દા.ત., “… લવજીકાકા, હમણાં મારે પૈસાની મોટી તાણ છે એટલે રૂ. ૨૦ ભુદરભાઈ હારે મોકલજો.” આ પછી મારી ઉંમરના લોકોના બાળપણમાં પણ મોઢામોઢ વાવડ દેવાતા, ચીઠી લખાતી ને વધુમાં એના ઘરની ડેલીમાં ટપાલી પરબીડિયું, ઇનલેન્ડ લેટર કે પોસ્ટકાર્ડ પણ નાખતો થ્યોતો. હવે આપણે ઈ ટપાલીએ નાખેલ કાગળ ઉપાડીયેં ને જો મથાળે લાલ શાઈએ “શુભ સમાચાર” એમ લખ્યું હોય તો માનવું કે કુટુંબમાં કોકનું વેવિશાળ કે લગન નક્કી થ્યાના માય સમાચાર છે ને જો ગુઢી શાઈએ “ખેદ સમાચાર’ કે “માઠા સમાચાર” લખ્યું હોય તો સમજી જાવાનું કે કુટુંબમાં કોક ગ્યું ને એના ઉઠામણે જાવાની તૈયારી કરવાની છ. ઉપરાંત મારી હારનાએ એના બાલ્યકાળે એનાં મોટાં ભાઈબેન ઉપર આવતાં પરબીડિયાંના મથાળે “પ્રેમ પત્ર” એમ લખેલ પણ વાંચ્યું હશે. બાકી ઈ જમાને પણ ફોન કે તાર તો બેચાર વરસે એકાદ વાર આવે તો આવે ને ગામડામાં તો વળી ફોનનો જવાબ દેવા પણ કોક પૈસાદાર પાડોસીને ઘેર કે ગામની પોસ્ટઑફિસે જાવું પડતું ને તાર વંચાવા ગામમાં અંગ્રેજી આવડતું હોય એવા અમલદાર કે પોસ્ટમાસ્તર આગળ જાવું પડતું. અલબત્ત, મારી હારના આજે બેય હાથની દસેય આંગળીએ “ટું ટું ટું…” સેલફોન દબાવતા પણ થઇ ગ્યા છ એટલો જમાનો આગળ વધ્યો છ.

તો સાહેબ, મારે આજ જે વાત માંડવી છ ઈ મારા બાળપણની ૧૯૫૦ના ઉતારતા દાયકાની કે જયારે મેંદરડામાં ટપાલી અમારે ઘરના આંગણે ટપાલ નાખતો ને મારાં માંની ઉંમર ત્યારે ચાલીસેકથી થોડીક જાજી હતી. હવે ઈ ઉંમરની આસપાસ ઘણા લોકોને વાંચવાના ચશ્મા આવે કે જેને “બેતાળાં” કેવાય. માંને પણ આ આવતાંતાં ને એનો અણસાર મારા પપ્પાને આવી ગ્યોતો. એનાં શરૂઆતના ચિન્હોમાં માં દોરો આખો થુંકેથી પલાળીદે પણ સોયના નાકામાં ન પરોવાય. ઈ ઘઉં, ચોખા, મગ, વ. વીંણતાં ત્યારે ઘણીવાર અનાજના દાણા ફેંકીને એના રંગની કાંકરી કે કયડુ સાચવતાં. કપાળમાં ચાંદલો વચ્ચે કરવાને બદલે ત્રાંસો કરે. બા’ર ગામથી આવતા કાગળોમાં જો મથાળાં બાંધ્યા હોય તો ઈ ખોટાં વાંચતાં. પછી જેમજેમ વખત ગ્યો એમ એનાં બેતાળાંની તકલીફ વધી જેમ કે મારી બેનની કાળી બોપટ્ટી હિંચકે પીડીતી એને નાગણી માનીને લાકડીએ ફટકારી. અંબોડે બાંધવાનું કાળું ઉન માનીને ખાટલા નીચેથી સરપનું બચ્ચું અર્થાત પડકું કે ધામણ ઉપાડ્યું. બે જુદાજુદા રંગના ચંપલ ચડાવીને મંદિરે જાય. દાળશાકના વઘારમાં વઘાણીને બદલે ધાણાજીરું ધાબડે. નયો પૈસો કે પંચીયું જમીને પડ્યાં હોય તો દેખાય નહીં અને ભગવાનને દીવો કરવા જાય તો દીવાની વાટ એક કોર હોય ને સળગતી દીવાસળી બીજી કોર. આ પરિસ્થીતીમાં માંના મોસાળેથી બ્લ્યુ શાઈમાં નાના અક્ષરે “શુભ સમાચાર” ને પછી મોટા અક્ષરે માંના પિત્રાઇનું નામ એમ મથાળું બાંધેલ ઇનલેન્ડ લેટર આવ્યો. હવે ઈ શાઈનો રંગ ને માથે વંચાણું એટલું મથાળું વાંચીને માંએ માની જ લીધું કે એનો ઈ પિત્રાઈ ઉકલી ગ્યો ને જૂનાગઢ ઉઠામણે જાવાની તૈયારી આદરી. પછી પપ્પા દવાખાનેથી આવ્યા, ઈ કાગળ વાંચ્યો ને માંને કીધું કે “ઈશ્વરલાલનો કાગળ છે કે તમારા મોટામામાના વિધુર દીકરાએ એક ત્યક્તા બ્રાહ્મણ બેનને ઘરમાં “બેસાડયાં” છ, રોટલે હવે ઈ ને એના છોકરાં સુખી છે ને ઘરમાં લાલ શાઈનો ખડિયો ઉઘાડો હતો ને મામીને “બેતાળાં” આવે છ તે ઈ ન દેખાણો ને એની ઠેસે ઢોળાઈ ગ્યો એટલે આ કાગળ ગુઢી શાઈએ લખ્યો છ.”

ઉઠામણાને બદલે પિત્રાઈ ભાઈ ઠરીઠામ થ્યાનો ઉપરનો બનાવ બન્યો પછી માંને પણ ક્યાંક એમ લાગ્યું કે એને આંખે ઓછું સુજે છ. એટલે પપ્પા જનરલ પટેક્ટીશ્નર તરીકે માંની આંખ તપાસવા તૈયાર હતા પણ ઘરના ભુવાને પોતાને ઘેર ન ધુણવા દે એમ માં આંખ દેખાડવા તૈયાર નો’તાં. હવે ઈ ટાણે મેંદરડાથી સૌથી નજીક આંખના ડો. જનકરાય નાણાવટી એક જ દાક્તર જૂનાગઢમાં એટલે પપ્પાએ માંને કીધું, હાલો, જૂનાગઢ આંખ બતાવી, નંબર કઢાવી ચશ્માં લિયાવીયેં એટલે તમને જે મુશ્કેલીઓ પડે છ ઈ નહીં પડે ને આમ પણ આજ નહીં ને કાલ ચશ્માં તો લેવાં જ પડશે.” પણ મારાં માં કે જે હીમજ, હરડે, કાકચીયો ને અયૂડીસીનાં હિમાયતી એને જનકભાઈને આંખ દેખાડવાનું યોગ્ય ન લાગ્યું પણ ગામના હિંમતભાઇ હાડવૈદને આંખ દેખાડી. વૈદરાજે રોજ રાતે સૂતી વખતે ભેંસના દૂધના આંખે પોતાં મુકવાનું કીધું. આ નુસખો માંએ આદર્યો પણ સવારે તો એનામાંથી નવ દી’થી નાયા વિનાની ભરવાડણ જેવી વાસ આવે એટલે ઈ નુસખો બંધ કર્યો એટલે ઈ વૈદે જામરનો ડામર જેવો કાળો મલમ બનાવીને દીધો ને સવારે કાજળને બદલે આંજવા કીધું. ઈ મલમ પણ આંજ્યો પણ બીજે દી’ સવારે આંખના પોપચાં ચોમાસે ઓસળેલો ગોળ ડબ્બામાં ચોંટી જાય એમ ચોંટી ગ્યાં. એટલે પપ્પાએ બેય આંખની પાંપણ ભીના રૂએથી પલાળી ને પછી ઘીમેઘીમે સાફ કરીને માંની આંખ ઉઘાડી. ઈ દી’ની સાંજે માંએ હિંમતભાઇ હાડવૈદને ઘેર બોલાવીને પે’લાં ઠપકો આપ્યો કે “તમને વૈદ કોને બનાવ્યા છ તે આવી અવળચંડી દવા ચીંધો છ” ને પછી ચા પાયો.

હવે આ અરસામાં પપ્પાને કોક મારામારીના કેસમાં કોર્ટમાં જુબાની દેવા જૂનાગઢ જાવાનું થ્યું એટલે ઈ હારોહાર જનકભાઈને પણ મળ્યા ને માંની આંખની વ્યાધિ કીધી. જનકભાઈ અને અમારા પરિવાર વચ્ચે દાયકાઓ જૂનો સબંધ એટલે પે’લાં તો ઈ બેયે પેટ ભરીને ગપાટા માર્યા ને પછી જનકભાઈએ કીધું કે માંને “બેતાળાં” આવે છ. પપ્પાએ પૂછયું કે કયા નંબરના ચશ્મા લેવાં એટલે એને કીધું કે માંની આંખ જોયા વિના ચોક્કસ નંબરની તો ખબર ન પડે પણ એને જે તકલીફ છે એની ઉપરથી લાગે છ કે +૧.૫ ને ૩ નંબર વચ્ચે હશે ને સર્કલચોકમાં ખત્રી યાકૂબ – કે જે એક જ જૂનાગઢમાં ત્યારે ચશ્મા બનાવતો – ઈ ચશ્મા બનાવી દેસે. એટલે સર્કલચોકમાં ખત્રી યાકૂબને યાં મેંદરડાનો સાંજનો ખટારો ઉપડે ઈ પે’લા પપ્પા મુઠી વાળીને પુગ્યા ને કીધું કે “વાંચવાના બેતાળાં ચશ્મા આપો.” યાકૂબે ચશ્માના નંબર માગ્યા એટલે પપ્પાએ કીધું +૧.૫ ને ૩ નંબર વચ્ચે હશે એમ ડો. નાણાવટીએ કીધું છ. યાકૂબે કીધું “સાહેબ જે નંબર કેઈ બરોબર જ હોય પણ તોયે હું પાકા નંબર કાઢી દઉં છ.” પપ્પાએ કીધું, પણ જેને ચશ્મા પેરવાં છ ઈ આંઈ હાજર નથી.” પણ ઈ એ હુશીયાર હતો એટલે એને કીધું, સાહેબ, એની હાજરીની ક્યાં જરૂર છે.” એમ કહી ને ઈ એની દુકાનના ખૂણેથી +૦.૫ અને +૩ વચ્ચે છ ચશ્માની જોડ લિયવ્યો ને પપ્પાને વારાફરતી એકેક પેરાવી. દરેક જોડ પેરવાની ઈ પપ્પાને એક કાગળ વાંચવા દે ને પૂછે, “સાહેબ, આમાં શું લખ્યું છ?” એટલે પપ્પા, “ચોક્સી રૂગનાથ જાદવજી, જેતપૂરવાળા.” પછી બીજો ઇથી નાના અક્ષરે કાગળ આપે ને પૂછે, સાહેબ, હવે આમાં?’ એટલે પપ્પા કે’, “કાપડીયા મથુરાદાસ નેમચંદ.” એમએમ કરતાં નાનામોટા અક્ષરમાં બીજા ત્રણેક કાગળું – “શેઠ નરોત્તમદાસ ધનજીભાઈની પેઢી,” “વાસણવાળા કાંતિલાલ બાબુભાઈ,” ને “હરસુખભાઇ સંઘવી ચોપડીવાળા” વંચાવ્યા. છેલ્લે યાકૂબે માંનાં “બેતાળાં”ના નંબર નક્કી કરી ને કાળી ફ્રેમની ચશ્માની જોડ પપ્પાને દીધી. મિત્રો, આજે પણ મને બતાવો બીજો ખત્રી યાકૂબ કે જે આમ સાચાખોટા પણ આજની ભાષામાં “રિમોટ્લી” ચશ્માના નંબર કાઢી દે.

ઈ રાતે પપ્પા ચશ્માની જોડ લઈને જૂનાગઢથી મેંદરડા ઘેર પાછા ફર્યા ને માંને સવારે ઈ પે’રીને ફાવે છ કે નહીં ઈ જોવાનું કીધું. સવારનાં માંએ ચશ્માં પેર્યાં ને એની ઘણીખરી અગાઉ કીધેલ તકલીફો દૂર થઇ ગઈ. પણ માં ઈ ચશ્મા અમારા ઘરના સિવાય બીજા કોઈ સામે ન પે’રતાં કે પે’રતાં શરમાતાં કારણ કે ત્યારે ગામડાઓમાં બૈરાં ચશ્મા ન પે’રતાં ને આઘેનું જે જોવાનું હોય ઈ નેજવું માંડીને જોઈ લેતાં. ઈ તો ભાઈ હવે વખતે પલટો ખાધો છ તે બૈરાંઓ મધરાતે પણ સનગ્લાસીસ માથે ટેકવીને ઘરમાં ટી.વી. જોવે છ, એના ભાયડા હારે બાધે છ કે કોકની “પ્રાથના સભામાં” મોબાઈલમાંથી ટેક્સ મેસેજેસ મોકલે છ. આવું જ ઈ જમાને પર્સોનું પણ હતું કે સ્ત્રીઓ પૈસા એની સાડીના છેડામાં બાંધતા કે એના બ્લાઉઝમાં ખોસતાં પણ આજનાં બૈરાંની જેમ પટારા જેવડાં પર્સો બગલમાં ભરાવીને ન ફરતાં. હવે આજની યુવા પેઢી તો વળી પર્સ નહીં પણ એના સેલફોનના ખીસાવાળાં કવર જ પર્સ તર્રીકે વાપરે છ કે સેલફોનમાં જ બધી બેન્ક, ક્રેડીટકાર્ડ, વ. માહિતી રાખે છ ને ખાલી હાથે જ ફરે છ. ટૂંકમાં, આજથી ચાલીસેક વરસ પે’લાં જન્મેલાને પણ ઘણું જૂની આંખે નવું જોવાનું છે તો અમારો તો સું વાંક જ છે.


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.