-
ઢોળી દીધેલા દૂધ પર અફસોસની ઉજવણી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પંચોતેરના આંકડા સાથે વિવિધ બાબતોનો મેળ બેસાડવામાં આવી રહ્યો છે. આ ઉપક્રમમાં વધુ એક બાબતનો સમાવેશ કરવામાં આવ્યો, જેની પ્રસાર માધ્યમોમાં નોંધ પ્રમાણમાં ઓછી લેવાઈ એમ લાગે છે. રામસર સાઈટ તરીકે ઓળખાતા મહત્ત્વના જળપ્લાવિત વિસ્તારોમાં અગિયાર આવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો અને દેશમાં રામસર સાઈટ તરીકે ઓળખાતાં વિસ્તારોનો આંકડો પંચોતેર કરવામાં આવ્યો.

આ બાબતનું મહત્ત્વ જાણવા માટે પહેલાં જળપ્લાવિત વિસ્તાર અને રામસર સાઈટ વિશે પ્રાથમિક વિગત જાણવી આવશ્યક બની રહે. અંગ્રેજીમાં જેને ‘વેટલેન્ડ’ તરીકે ઓળખાવાય છે એવો જળપ્લાવિત વિસ્તાર એટલે પાણીથી સંપૂર્ણપણે ભરાયેલો, પાણીમાં ડૂબેલો હોય એવો વિસ્તાર. રામસર અધિવેશનમાં વ્યાખ્યાયિત થયા મુજબ જેની જમીન કાદવ કે કળણયુક્ત હોય, નીચાણવાળી ભેજવાળી જમીન કે ભેજવાળી જમીનમાં કહોવાયેલી વનસ્પતિ હોય, પાણીથી ભરપૂર હોય, ત્યાં પાણી કુદરતી રીતે એકઠું થતું હોય કે કૃત્રિમ રીતે ભરવામાં આવતું હોય એવા વિસ્તારને જળપ્લાવિત વિસ્તાર કહે છે. આ પાણી સ્થિર હોય કે વહેતું હોય, તાજુ હોય યા ઓછું ખારું કે ખારું પણ હોઈ શકે. તેમજ દરિયાઇ પાણી સહિત નાની ભરતી સમયે તેની ઉંડાઇ છ મીટરથી વધુ ન હોવી જોઇએ. આવા વિસ્તારમાં પાણી વર્ષનો મોટા ભાગનો સમય ભરાયેલું રહેતું હોય છે. આવા વિસ્તાર પર્યાવરણ માટે ખૂબ મહત્ત્વના ગણાય છે, કેમ કે, તેમાં ઉગતી વિશિષ્ટ વનસ્પતિઓ, તેમજ તેની પર અવલંબિત જીવસૃષ્ટિ એક પ્રકારની જૈવપ્રણાલિની રચના કરે છે. ઉપરાંત પૂર નિયંત્રણમાં, પાણીની ગુણવત્તાની સુધારણામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં તે અગત્યની ભૂમિકા ભજવે છે.
રામસર ઈરાનમાં આવેલું શહેર છે, જેમાં ૧૯૭૧માં એક આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું હતું. પ્રવાસી પક્ષીઓ માટેના જળપ્લાવિત વિસ્તારોને થતા નુકસાનથી ચિંતીત દેશોએ તેમાં ભાગ લીધો હતો. આ અધિવેશનનું ધ્યેય ‘જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ અને બુદ્ધિપૂર્વકના ઉપયોગમાં સ્થાનિક લોકોનો સહકાર તેમજ રાષ્ટ્રીય પગલાં તથા આંતરરાષ્ટ્રીય સહકાર, સમગ્ર વિશ્વમાં સાતત્યપૂર્ણ વિકાસની સિદ્ધિને હાંસલ કરવામાં સહયોગ’ હતું. તેમાં જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગેની સંધિ પર ભાગ લીધેલા દેશના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા. જૈવવૈવિધ્યની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા હોય એવા પ્રદેશોની આ અધિવેશન અંતર્ગત ઓળખ કરવામાં આવી અને તેના વ્યવસ્થાપન અંગેના નિયમ ઘડવામાં આવ્યા. આવાં સ્થળ ‘રામસર સાઈટ’ તરીકે ઓળખાય છે. ભારત સમગ્ર એશિયામાં સૌથી વધુ સંખ્યામાં જળપ્લાવિત વિસ્તાર ધરાવે છે, પણ તેની જાળવણી અત્યંત જરૂરી બની રહે છે. કહેવાય છે કે વિશ્વભરની પ્રજાતિઓ પૈકીની 40 ટકા પ્રજાતિઓ આ વિસ્તારમાં રહે છે અને ઉછરે છે.વેટલેન્ડ્સ ઈન્ટરનેશનલના એક અભ્યાસ અનુસાર છેલ્લા ત્રીસ વર્ષમાં દર પાંચમાંથી બે જળપ્લાવિત વિસ્તારે પોતાનું કુદરતી અસ્તિત્ત્વ ગુમાવી દીધું છે. એમાંના 40 ટકા વિસ્તારો જળચરોના જીવનને જાળવવામાં નિષ્ફળ ગયા છે. જળપ્લાવિત વિસ્તાર જોખમગ્રસ્ત હોવાનું કારણ જાણવા લાંબું વિચારવાની જરૂર નથી. સતત વધતું જતું શહેરીકરણ, ઔદ્યોગિક અને તેની સાથે માળખાકીય વિકાસ, ખેતીવાડી અને વધુ પડતી માછીમારી, લોકો દ્વારા કરવામાં આવતું દબાણ, અવૈજ્ઞાનિક ઢબે થતી જાળવણી ઉપરાંત યોગ્ય દરકાર ન લેવાવાને કારણે આમ થઈ રહ્યું છે.
એક અંદાજ મુજબ, વન કરતાં ત્રણ ગણી ઝડપે તે લુપ્ત થઈ રહ્યા છે. હવામાન પલટાને કારણે આમ બને છે, એમ એ લુપ્ત થતા રહેવાને કારણે હવામાન પલટો આવે છે. આમ આ આખું એક પ્રકારનું વિષચક્ર છે.
જળપ્લાવિત વિસ્તારોના આવા નિરાશાજનક માહોલમાં સહેજ રાજીપો અનુભવાય એવી ઘટના 2022ના ડિસેમ્બરમાં બની. નવી મુમ્બઈના ખારઘર વિસ્તારમાં આવેલા એક જળપ્લાવિત વિસ્તારને પર્યાવરણ પ્રેમીઓએ ઉગારી લીધો. આ વિસ્તાર સાતેક હેક્ટર જેટલો હતો. આ વિસ્તારમાં ખટારાના ખટારા ભરીને માટી કે અન્ય કચરો ઠલવાઈ રહ્યો હતો. તેને પગલે પર્યાવરણપ્રેમીઓએ સતર્કતા દાખવી અને નેટકનેક્ટ ફાઉન્ડેશને પર્યાવરણ મંત્રાલય, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને જાણ કરી. તેને પગલે મુંબઈ વડી અદાલતે વેટલેન્ડ્સ કમિટીની નિમણૂક કરી. સામૂહિક પ્રયાસો થકી આખરે આ વિસ્તાર બચી શક્યો. આ ઘટના ઘણી નાની, છતાં સૂચક અને આનંદ પમાડનારી છે. ભલે એ ‘નુકસાનમાં નફો’ ગણાય, પણ અનેકવિધ સરકારી આંટીઘૂંટીને પાર કરીને આખરે કશોક નક્કર નિર્ણય લઈ શકાયો એ મહત્ત્વની બાબત છે. ‘સીડકો’ (સીટી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા નિર્માણાધીન આવાસ યોજના અંતર્ગત તૈયાર થતાં મકાનોના કામ દરમિયાન નીકળતો કાટમાળ આ જમીન પર ઠાલવવામાં આવતો હતો.
દર વરસે વિશ્વભરમાં બીજી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવવામાં આવે છે. આ દિનવિશેષને ઉજવવામાં આવે છે એનો અર્થ જ એ થયો કે જળપ્લવિત વિસ્તાર અંગે જોઈએ એવી જાગૃતિ નથી. નવી મુંબઈમાં આ દિવસે યોજાયેલી એક સમૂહચર્ચામાં ‘નેટકનેક્ટ’ના સ્થાપક બી.એન.કુમારે એ બાબત ભારપૂર્વક જણાવી હતી કે પૂર્વ પ્રાથમિકથી લઈને છેક અનુસ્નાતક (કેજી થી પી.જી.) સુધીના અભ્યાસક્રમમાં પર્યાવરણનો વિષય ફરજિયાત બનાવવો જોઈએ. કમનસીબે પ્રાથમિક શાળા પછી આ વિષય ભૂલાઈ જાય છે. આમ પણ, આપણા અભ્યાસક્રમોમાંના વિષયોનું મહત્ત્વ પરીક્ષામાં ગુણ લાવવા પૂરતું જ રહી ગયું છે. પર્યાવરણ અંગેનાં જ્ઞાન તેમજ માહિતીને યોગ્ય રીતે આપવામાં આવે અને તેને ભણનારામાં તે સાચી સમજ અને જાગૃતિ કેળવી શકે તો જ એનો અર્થ સરે. સમજણ ઉગે ત્યારથી સવાર માનીને એનો આરંભ કરી દેવા જેવો છે, નહીંતર જાતે કરીને ઢોળેલા દૂધ પર અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજું કંઈ કરવાનું બાકી નહીં રહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – ભક્તિનાં અખંડ કાવ્યનો આસ્વાદ
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
ગઈ સદીની અંતિમ પચીસીમાં ગુજરાતી સાહિત્યને કેટલાંક વિરલ જીવનચરિત્રો સાંપડ્યાં, જેમાં શ્રી નારાયણ દેસાઈએ પિતા મહાદેવ દેસાઈની શતાબ્દી વેળાએ અર્ધ્ય રૂપે આલેખેલું મહાદેવ દેસાઈનું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ દ્રષ્ટાંતરૂપ ચરિત્ર સાબિત થયું.
પ્રસ્તુત ચરિત્રનું આલેખન એના આલેખક નારાયણ દેસાઈ માટે બે રીતે કસોટીરૂપ છે. એક તો, એ પિતાનું ચરિત્ર તેથી તાટસ્થ્ય જાળવવું મુશ્કેલ ને પાછું એ ચરિત્ર મહાત્મા ગાંધીમાં ભળી – ઓગળી ગયેલું ચરિત્ર. મહાદેવના આલેખનમાં ઉપર તરી આવતું વ્યક્તિત્વ તો ગાંધીજીનું જ.આવા બે પડકારોની વચાળે ચરિત્રકારે ભારે નાજુકાઈ ને સાવધાનીથી આ કાર્ય પાર પાડવાની જહેમત ઉઠાવી છે ને એમાં સફળતા પ્રાપ્ત કરી છે.માત્ર પચાસ વર્ષ જીવેલા મહાદેવના જીવનના અહીં બે ખંડ પડે છે : ગાંધીજી વિનાનાં પહેલાં પચીસ વર્ષનો પ્રથમ ખંડને ગાંધીજી સાથે ગાળેલાં બીજાં પચીસ વર્ષનો દ્વિતીય ખંડ. પ્રથમ ખંડ પછીથી ગાંધીજીમાં ઓગળનાર મહાદેવ માટે જાણે પૂર્વ તૈયારીનો કાલખંડ છે તો બીજો એ તૈયારીની ક્રમશઃ પ્રગટતી ગયેલી ફલશ્રુતિનો.
લેખકે કૃતિના પાંચ ખંડ પાડ્યા છે : સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ ને આકૃતિ. આ પાંચ ખંડમાં મહાદેવ ક્રમશઃ જીવતરના સમર્થ આરોહી સાબિત થતા રહ્યા છે.
કૃતિનો આરંભ, લેખકે મહાદેવનાં મૃત્યુથી કર્યો છે. મહાદેવના પરિવારને મહાદેવનાં મૃત્યુ અંગે જણાવતો તાર ગાંધીજીએ આ શબ્દોમાં લખાવ્યો છે : ‘મહાદેવનું મરણ તો યોગી અને દેશભક્તનું હતું. એનો શોક ન થાય.’ ૧૯૪૨માં મહાદેવ વિશે ઉચ્ચારાયેલા મહાત્માનાં આ અભિપ્રાયને પાંચ દાયકા પછી મૂલવતાં પુત્ર નહીં, પણ ચરિત્રકાર નારાયણ નોંધે છે : ‘એક યોગીની ચિંતનધારા હતી જે ગાંધીજીના ખોળામાં માથું મૂકીને પોતાની જીવનલીલા સમાપ્ત કરવા ઝંખતી હતી. બીજી દેશભક્તની ચિંતનધારા હતી જે ભારત છોડો આંદોલનમાં ‘કરેંગે યા મરેંગે’ના સૂત્રને ચરિતાર્થ કરવા મથતી હતી. બંને ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૨ના પ્રાતઃકાળે સંગમ અનુભવી રહી.’ યોગી અને દેશભક્ત મહાદેવના ખમીસનાં ખિસ્સામાંથી નીકળી ગીતની એક પ્રત અને બીજા ખિસ્સામાંથી નીકળી ફાઉન્ટેન પેન. લેખક નોંધે છે : ‘જે મહાન યજ્ઞમાં થોડી ક્ષણો પહેલાં જ મહાદેવે જીવનની આહુતિ આપી હતી તેનું મૂળ પ્રેરણાસ્ત્રોત હતી ગીતા અને એ યજ્ઞની જ્વાળાઓ પ્રગટ થઈ હતી સતત મહાદેવનાં વક્ષ:સ્થળ પર વિરાજતી આ કલમ દ્વારા … ગીતા પ્રતીક હતી મહાદેવના ચારિત્ર્યના ઊંડાણની અને કલમ પ્રતીક હતી એના વિસ્તારની.’ આ બે બિંદુ વચ્ચેની યાત્રા એ જ મહાદેવના વિરલ જીવતરનો ચોખ્ખો હિસાબ.
મહાદેવના જીવનના બે ખંડમાંનો પહેલાં પચીસ વર્ષોનો ખંડ એમનાં ઘડાતાં રહેલાં ચારિત્ર્યનો છે. ઈશ્વરપ્રીતિના સંસ્કાર મહાદેવના લોહીના લયમાં ભળેલા છે. ગીતાકથિત ‘શ્રીમતાં શુચિતાં ગેહે’ જન્મ થયો એ મહાદેવનું સદભાગ્ય તો ખરું જ, પણ એમના મૂળમાં રહેલી ઈશ્વરશ્રદ્ધા એ જ એમને પછીના જીવનકાળમાં પ્રેર્યા – દોર્યા છે. હાઈસ્કૂલના શિક્ષણકાળમાં અડાજણ ગામના મલિન માહોલમાં એક છોકરોએ મહાદેવને કોઈ છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું પણ રાત્રે મોડું થવાથી મહાદેવે એની સાથે જવાની ના પાડી દીધી. પછીથી મહાદેવે આ અંગે મિત્ર નરહરિભાઈને કહેલું, ‘આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.’ (પૃ.૩૧) મહાદેવના મૂળમાં રહેલી આ ઈશ્વરશ્રદ્ધા પછીથી ગાંધીશ્રદ્ધામાં વિલીન થતી રહીને એ રીતે એમની આસ્તિકતાને ચોક્કસ ઘાટ આપતી રહી.
જીવનના પ્રારંભિક વળાંકોમાં મહાદેવની પ્રતિભા ઓળખાતી – પરખાતી રહી. દુર્ગાબહેન સાથે લગ્ન, દેશસેવામાં જોડાવાની લગન; એલ.એલ.બી,ની ઉપાધિ મેળવીને ૧૯૧૭માં ગાંધીજી સાથે પ્રત્યક્ષ રીતે કામગીરીમાં જોડાઈને મહાદેવ કાર્યપસંદગી માટે પ્રયત્નશીલ બનતા રહ્યા. આ ગાળાના મહાદેવ માટેનું ચરિત્રકારનું સૂક્ષ્મ અવલોકન સ્વાભાવિક રીતે જ માત્ર પુત્રનું નથી : ‘તે દરમિયાન એમણે જે ઠેકઠેકાણે કામો લીધાં, તેને આપણે થોડાં વિગતવાર જોઈશું તો આપણને દેખાઈ આવશે કે એ કામોની પસંદગી અને ફેરબદલીઓ અને છેવટે ધ્યેયની વરણી પાછળ અર્થપ્રાપ્તિ કે કીર્તિનો વિચાર એ ગૌણ હતો. અને પિતૃસેવા, પોતાની અભિવ્યક્તિ, આંતરિક વિકાસની ઝંખના અને આધ્યાત્મિક માર્ગની શોધ એ મુખ્ય પ્રેરક તત્ત્વો હતાં. પાછળથી બરાબર અડધું જીવન જે યજ્ઞમાં તેઓ આહુતિ આપવાના હતા તેનો યજ્ઞમંડપ રચવા, અને તેની વેદીને લીંપીગૂંપીને પ્રસ્તુત કરવાનાં આ ચાર વર્ષ હતાં.’(પૃ.૪૨-૪૩)
૧૯૧૫ની નવમી જાન્યુઆરીએ ભારત આવી પહોંચેલા ગાંધીજી પ્રત્યે ગોખલેજીના અભિપ્રાયથી આકર્ષાયેલા મહાદેવ અને નરહરિએ ગાંધીજીની આશ્રમવિશેની નિયમાવલિ વાંચીને લાંબો પત્ર લખ્યો તે પછીથી એમને મળ્યાને તરત મહાદેવે નરહરિને કહેલું : ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ આ હતી મહાદેવની પહેલી દીક્ષા. મહાદેવને જોતાંવેંત ગાંધીજીને એમનામાં જે દેખાયું તે એમની પ્રમાણિકતા, વફાદારી અને હોશિયારી. જેનાથી જિતાઈને ગાંધીજીએ મહાદેવને પોતામાં ભેળવવા લગભગ પ્રેમાક્રમણ જ કર્યું.
આ દિવસોમાં મૂંઝવણ અનુભવતા મહાદેવ વિશે લેખક નોંધે છે તેમ, મહાદેવ જીવનથી નિરાશ થઈ ગયા હતા તેનું કારણ હતું તેમનો લાગણીશીલ સ્વભાવ. જેને પછીથી ગાંધીજીના ટાંકણાથી યોગ્ય ધાર મળતો રહ્યો ને મહાદેવને સ્વસ્થ મનુષ્ય બનવા ભણી દોરતો રહ્યો. ગાંધીજી સાથે ૧૯૧૭ના નવેમ્બર માસમાં જીવનનું અર્ધવર્તુળ પૂરું કરનાર મહાદેવ જોડાયા આવા એક સંકલ્પથી : ‘મારી મનોકામના તો હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું.’ની.(પૃ.૬૭)
બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ કરીને ગૃહસ્થ થયેલા મહાદેવ ભલે ક્રમશઃ મહાત્મામાં ઓગળતા રહ્યા પણ એમનો સ્વામીપ્રેમ એમની પિતૃભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ, મિત્રપ્રેમને ક્યાંય નડ્યો જણાતો નથી. મહાદેવે સંબંધમાત્રનું ઊચિત મૂલ્ય ને ગૌરવ કર્યું છે. ગાંધીજી પાસે જતી વેળા આરંભે પિતા દુભાયા છે ત્યારે મહાદેવ મન મારીને ઘેર બેસી રહેવા તૈયાર છે પણ પિતાની રજા વિના ઉપાસ્ય દેવ ભણી ધસી જવાની ઉતાવળ કરતા નથી. પુત્રવત્સલ પિતાની આજ્ઞા પછી જ મહાદેવે સ્વામી ભણી ડગ માંડ્યાં છે.
મહાદેવની પિતૃભક્તિને પ્રમાણતા ગાંધીજીએ મહાદેવના પિતા હરિભાઈને પોતાને થયેલી મહાદેવની પ્રાપ્તિનો આનંદ પત્ર દ્વારા વ્યક્ત કર્યો છે ને થોડા દિવસ પછી હરિભાઈ રેલવે સ્ટેશન પર ગાંધીજી ને મહાદેવને મળ્યા છે એ ક્ષણનું દાદા હરિભાઈની મનોદશાને પરકાયાપ્રવેશની અદ્રશ્ય શક્તિથી પ્રમાણી શકેલા લેખકે ચિત્રાત્મક અને ભાવાત્મક અભિવ્યક્તિની મદદથી સહૃદયને ભીંજવી દેતું વર્ણન કરતાં નોધ્યું છે : ‘..રેલગાડીના ડબ્બામાં બે વાક્યો પૂરતો આ વાર્તાલાપ અને દીકરાની માનસરોવરના સહસ્રદલ કમલ જેવી શોભતી મુખાકૃતિનાં દર્શન અને વાંકા વળીને પગે લાગતાં એની પીઠનો સ્પર્શ હરિભાઈ સારુ અનેક દિવસો સુધી વાગોળવાનો વિષય બની રહ્યો હશે !’ (પૃ.૯૦,૯૧)
અર્ધું જીવન ગાંધીને ચરણે બેસીને જીવતર સાર્થક કરનાર મહાદેવના હૃદયનો એક તંતુ આજીવન પિતા સાથે જોડાયેલો રહ્યોને પિતાને છોડવાનું દુઃખ એક કસક બનીને તેમનામાં શ્વસતું રહ્યું. પિતાનાં મૃત્યુ વેળા નરહરિભાઈને તેમણે લખ્યું : ‘ મને એમ જ થયા કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, એ મારાથી ન થયું. આ પશ્ચાતાપ એક કાયમનો જખમ મારી જિંદગીમાં રહી જશે.’ (પૃ.૩૧૬) તો જવાહરલાલ નહેરુને પણ આ જ મતલબનો લાંબો પત્ર તેમણે પાઠવ્યો. જેના જવાહરે આપેલા ઉત્તરમાં મહાદેવને આશ્વાસન આપવાની સાથે એના ઔદાત્યનું ભારે ગૌરવ થયું છે : ‘તમારા પિતાની પાસેથી તમે સેવાનો જે પાઠ શીખ્યા તે તમે બહારની દુનિયામાં લાવ્યા છો અને તમારા અંગત ઉદાહરણ દ્વારા તમે નિઃશંક અનેક લોકો પર અસર પાડી છે. તમારા પિતા એ સામે વાંધો ઉઠાવે અથવા દેશની સેવાના તમારા વ્યાપક ક્ષેત્રને બદલે તેઓ તમારા માટે કુટુંબનું સંકુચિત ક્ષેત્ર વધારે પસંદ કરે એમ બને જ નહીં.’ (પૃ.૩૧૭) ગાંધીમાં ઓગળેલા મહાદેવે એ કાળના ભલભલા મહાનુભાવો પર એવી છાપ છોડી છે એનાં અનેક દ્રષ્ટાંતોમાંનું આ એક છે.
પત્ની દુર્ગા ને પુત્ર નારાયણને પણ મહાદેવે પોતાના પ્રેમથી ભીંજવી દીધાનાં અનેક ઉદાહરણો કૃતિનાં પૃષ્ઠોમાં આલેખાયાં છે. આવા મુલાયમ મહાદેવની ગાંધીભક્તિ હનુમાનના આદર્શમાં રસાતી જરૂર રહી છે પણ મહાદેવના આરાધ્ય દેવની ઉપાસના કેટલી કઠિન રહી છે એની ગાથા તો શીર્ષકથી માંડીને કૃતિનાં પાને પાને વેરાયેલી છે.
મહાદેવને પહેલી જ નજરે નખશિખ પારખી ગયેલા ગાંધીજીએ મહાદેવની એમની પાસે ગાળેલા કાલખંડ દરમ્યાન વધારે મનોમન ને ક્યારેક દેખીતી રીતે કોઈનેય ઈર્ષા ઉપજાવે એવી કદર કરી છે. દીનબધું એન્ડ્રુઝને ગાંધીજી કહે છે ‘એ આશ્રમથી ધન્ય થવા નહીં પણ આશ્રમને ધન્ય કરવા આવ્યા છે.’ (પૃ.૧૨૬) ગાંધીજીએ મહાદેવમાં નિહાળી પ્રસંગ પડ્યે શૂન્યવત થઈ જવાની વિરલ ક્ષમતા. જે ક્ષમતાએ કરીને તો પોતાથી તદ્દન ભિન્ન પ્રકૃતિના મહાત્મા જેવા આરાધ્યને તેઓ ઉપાસી શક્યા. મહાદેવને ગાંધીભણી મોકલતા પિતાને ‘મહાદેવ ફૂલ જેવો કોમળ છે અને ગાંધીજી સાથે કામ કરનારાને તો આકરું જીવન જીવવું પડે, એ એનાથી શી રીતે ખમાશે?’ એવો ઊઠેલો પ્રશ્ન યથાર્થ હતો. પણ મહાદેવ એ ખમી શક્યા એમનામાં રહેલી આ શક્તિથી ગાંધીભક્તિનાં શસ્ત્રથી.
પિતા મહાદેવની ગાંધીપ્રીતિને પ્રમાણતા, તેની અદબ કરતા ચરિત્રકારે એટલી જ નિર્ભયતાથી મહાદેવની ગાંધીભક્તિથી પોતાના કુટુંબજીવનમાં આવેલા વાળાઢાળાય સ્વસ્થતાથી આલેખી જાણ્યા છે. મહાદેવનાં પત્ની દુર્ગાને મહાદેવ પાસે સાબરમાટી આશ્રમમાં આવવાની માંડ રજા મળી છે ત્યારે દુર્ગાબહેને ગાંધીજીને લખેલા પત્રમાં સંયમિત રીતે ઠાલવેલો આક્રોશ એનું દ્રષ્ટાંત છે.
ગાંધીજી સાથેના વસવાટ દરમ્યાન કોમળ પ્રકૃતિના મહાદેવની અનેક કસોટીઓ થતી રહી છે, જેમાં કંચનની જેમ મહાદેવ શુદ્ધ થઈને નીકળતા રહ્યા છે. આ કસોટીઓમાં સૌથી મોટી કસોટી ઓરિસ્સાના ડલાંગ ગામે ભરાયેલા સંમેલન પ્રસંગની છે, જે ઘટનાના પ્રકરણને લેખકે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ શીર્ષક આપીને મહાદેવનું કદાચ અંતિમ મૂલ્યાંકન કર્યું છે. આ સંમેલન જગન્નાથ પુરીની નિકટનાં સ્થળે હોવાથી એમાં કસ્તૂરબા, દુર્ગાબહેન પણ હોંશેહોશે જોડાયાં છે – પુરી મંદિરનાં દર્શનના હેતુથી. બીજી બાજુ એ મંદિર માં હરિજનોનો પ્રવેશ નિષેધ હોવાથી ગાંધીજી આ જગન્નાથને પોતાનો નાથ માનવાનો ઇન્કાર કરી દે છે. આ પ્રસંગે પત્ની દુર્ગાને પુરી દર્શનની થયેલી ઈચ્છા જોઈને મહાદેવ નોંધે છે : ‘અસ્પૃશ્યતાને એણે કદી સંઘરી નથી, હરિજનોની યથાશક્તિ સેવા કરે છે, દસ વર્ષ થયાં હરિજનેને ઘરમાં પ્રવેશ કરાવ્યો છે. હવે મંદિરપ્રવેશમાં એને શ્રદ્ધા હોય તો એને હું કેમ હલાવું ? એ પણ મારી વૃત્તિ હતી..’(પૃ.૬૭૪)
મહાદેવે પત્નીને મંદિરમાં જવા દીધાનાં વલણથી અકળાયેલા ગાંધીજીએ સંઘ સમક્ષ ઠાલવેલી વેદનાથી અકળાઈ ઊઠેલા મહાદેવને લાગ્યું કે ગાંધીજી પાસે મારું સ્થાન નથી. ને એ મતલબની ચિઠ્ઠી તેમણે મહાત્માને લખી ત્યારે અનાસક્ત ગાંધીજી પણ ક્ષણેક હલી ઊઠીને કહી બેઠા : ‘હજારો ભૂલો સહન કરીશ પણ મારાથી તમારો ત્યાગ થનાર નથી.’ (પૃ.૬૭૭) ને પછી જણાવે છે તેમ, મહાદેવનાં કવિત્વમાં તેમને કાયરતા જણાઈ છે. મહાદેવ જો ગાંધીજીનો ત્યાગ કરે તો પ્યારેલાલ ને સુશીલા નૈય્યર પણ ન જ રહે. આ બધું વિચારતાં આક્રમક શૈલીમાં ગાંધીજી જણાવે છે : ‘તમે વાચન ઓછું કરો, વિચાર વિશેષ કરો..’(પૃ.૬૭૮)
ગાંધીજીથી છૂટા પડવા અંગે મહાદેવે પત્ની દુર્ગાને નાનકડા પુત્ર નારાયણ સાથેય ચર્ચા કરી, પણ એ બંનેનો તેમને ટેકો ન મળ્યો એમાં ગાંધીજીના પ્રેમનો વિજય પણ હશે ને પતિ ને પિતામાં ગાંધીભક્તિની જ્યોતને ઝળહળતી રાખવાની ચિંતા પણ.
પછીથી સ્વસ્થ થયેલા મહાદેવે નોંધ્યું : ‘આ મારી તે કાળની લાગણી છે …. તંદ્રારહિત રહીને પચાસ પચાસ વર્ષો થયાં ધર્માચરણ કરનાર ધર્મ વધારે સમજે કે રાગદ્વેષથી ભરેલો હું ધર્મ સમજું?..’ (પૃ.૬૭૮) સાંપ્રતકાળના મહાત્મા પર પુરાણકાળનો અંશ લઈને જન્મેલા શિષ્યનો કદાચ આ અંતિમ વિજય હતો. આથી જ આ ચરિત્ર લખતીવેળા પિતાની જેમ જ સ્વસ્થ બનેલા નારાયણ ભાઈ નોંધે છે : ‘કાકાના સ્વર્ગવાસ પછી શ્રી મેઘાણીએ એમને વિશે જે લેખ લખ્યો હતો એનું મથાળું આપ્યું હતું : ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’. આ મથાળું આ પ્રસંગે શબ્દશઃ સિદ્ધ થયું હતું.’ (પૃ.૬૭૯) પ્રસ્તુત ચરિત્રનો સમગ્ર સાર આ પ્રકારે ઘટેલી આ ઘટનામાં સમાયેલો સહૃદય પણ નિહાળી શકે છે.
ગાંધીજી પાસે આવેલા મહાદેવે પોતાના પૂર્વાશ્રમમાં કેટકેટલું અર્જિત કર્યું ? સાહિત્યપ્રીતિ, અનુવાદકલા, પત્રકારિત્વની અનન્ય હેસિયત ને બીજું કંઈ કેટલુંય. મહાદેવને આ શક્તિઓથી ઓળખનારાઓનો પ્રશ્ન એક જ હતો – મહાદેવ જો ગાંધીજીમાં ભળ્યા ન હોત તો એમની પ્રતિભા જુદી જ હોત. ક્ષણેક માનવા જેવી લાગતી આ વાતને આભાસી ઠેરવતાં લેખક નોંધે છે : ‘ગાંધીજી સાથે મહાદેવ જોડાયા ન હોત તો તેઓ સારા સાહિત્યકાર, સારા ભાષાંતરકાર, વકીલ થયા હોત.. પણ વિવેકપુરુષ કિશોરલાલ મશરૂવાળાએ જેમને ‘સર્વ શુભોપમાયોગ્ય’ કહ્યા, વેરિયર એલ્વિને ગાંધીરૂપી સોક્રેટિસના પ્લેટો કહ્યા, રાજાજી જેવાએ ગાંધીજીના ‘હૃદયમ દ્વિતીયમ’ કહ્યા…એ ગાંધીજી સાથે ન જોડાયા હોત તો મહાદેવભાઈ ક્યાંથી થયા હોત ?… તેમનો અહમ ઓગળ્યો અને અસ્મિતા અનંતગણી વધી ગઈ’… ને એ ય સાચું કે મહાદેવના શૂન્યવત થવાથી ગાંધીજીની કિંમત દસ ગણી વધી ગઈ…’(પૃ.૭૦૮)
ગાંધીજીને પચીસ પચીસ વર્ષ સુધી સેવતાં સેવતાં મહાદેવભાઈએ શું ન કર્યું? ‘નવજીવન’ના તંત્રી રહ્યા, અનેક પ્રવાસો ખેડ્યા, અનેક લોકોનો સંપર્ક કર્યો, વધાર્યો ને સાચવ્યો, અનેકના હૃદયમાં સ્થાન મેળવ્યું ને એ બધાથી ઉપર ગાંધીજીની એક એક ક્ષણને સાચવતી અમૂલ્ય ડાયરીઓ આપી. ગાંધીની એક વાત પણ મહાદેવની છાની ન રહી એ અર્થમાં ગાંધીના એ અંતર્યામિય પ્રમાણિત થયા. ગાંધીજી માટે સમર્પિત થયેલા અનેક લોકોએ તેમની ઈર્ષા ન કરતાં તેમની ભક્તિ કરી.
ગાંધીને મહાદેવના ગુરુ –શિષ્યના યુગલને ડૉ. જોનસન અને બોઝવેલ, જર્મન કવિ ગટે અને એકરમેન, રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના યુગલો સાથે મૂકતાં- એ સૌ કરતાં ભિન્ન જોડકું ઘટાવીને નારાયણ ભાઈ નોંધે છે : ‘…બે ભિન્ન પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓનાં વ્યક્તિત્વ એક જીવ, બે ખોળિયાં થઈને રહે. સહેલાઈથી અદલાબદલી કરી શકાય એવું ભાષાસામ્ય હોય, સ્વતંત્ર પ્રતિભા છતાં એકનું વ્યક્તિત્વ બીજામાં વિલીન થઈ ગયું હોય, વિલીન થયેલું વ્યક્તિત્વ હોવા છતાં આગવી પ્રતિભા જરાય ઝાંખી ન પડી હોય એઈ જોડીનું ઉદાહરણ આ લેખકની જાણમાં મોહન- મહાદેવની જોડીનું એક અને અદ્વિતીય જ છે.’ (પૃ.૭૦૯)
મહાદેવે જીવનમાં બે ઈચ્છા કરી : ગેરસપ્પાનો ધોધ જોવાની ને રમણ આશ્રમમાં રહેવાની. પણ એની પૂર્તિ થવાની આગલી ક્ષણે જ એ ઈચ્છામાંથી તેઓ મુક્ત થયા – ગાંધીજીને જ ગેરસપ્પાનો ધોધ ગણીને ‘મારે તો એક જ સ્વામી બસ છે’ એવો નિશ્વય કરીને.
લેખકનું નિરીક્ષણ એ છે કે મહાદેવે તો બાપુનો પ્રભાવ શિવ થઈને પોતાની જટામાં ધાર્યો પણ બાપુ પર મહાદેવનો પ્રભાવ પડ્યો ખરો ? લેખક નોંધે છે : ‘બર્લિનના શ્રી ક્રિશ્ચિયાન બાર્તોલ્ફે એક મુલાકાતમાં આ લેખકને ભારપૂર્વક જણાવ્યું છે કે, મહાદેવનાં સંપર્કમાં આવ્યા પછી ગાંધીની ભાષામાં કોમળતાની સાથોસાથ ચોકસાઈ આવી છે.’ મહાદેવ હતા ત્યારે બાપુ કહેતા કે ‘મહાદેવે આશ્રમનું ગૌરવ વધાર્યું છે.’ અને એમના ગયા પછી કહેતા કે , ‘એમની ખોટ છ છ જણથી પુરાતી નથી.’ (પૃ.૬૯૪)
ચરિત્રકાર નારાયણને આનંદછે પિતાની ગાંધીભક્તિની ફળશ્રુતિ પિતાને સાંપડેલાં ઈચ્છામૃત્યુની પ્રાપ્તિનો. મહાદેવે સતત પ્રાર્થ્યું છે બાપુ પહેલાંનું પોતાનું મૃત્યુ. ને મહાદેવને શ્રદ્ધા છે તેમ એની પ્રાર્થના કદી તરછોડાઈ નથી. મહાદેવને મુખે આ વાત સાંભળનારાઓએ જોયું મહાદેવનું ભીષ્મ સમું વિરલ ઇચ્છામૃત્યુ. ભીષ્મને એ સાંપડ્યું એમની અવિચળ પિતૃભક્તિની ફલશ્રુતિએ તો મહાદેવને ગાંધીભક્તિની.
મહાદેવનું મૃત્યુતેના સમગ્ર જીવનનો હિસાબ પુરવાર થયું – કબીરની જેમ સ્વચ્છ ચાદર ઓઢીને ને તેને સ્વચ્છતર બનાવીને પ્રભુને સોંપીને. આથી જ તેમને અંતિમ અંજલિ આપતાં મશરૂવાળાએ લખ્યું : ‘ગાંધીજીના અવેજી બનવામાં એમના અવિકારનો કોણ ઇન્કાર કરી શકે એમ છે ? જીવતા હતા ત્યારે તો એમણે બધી વાર એમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ને મૃત્યુમાં એમના વતી ભાગ ભજવાતો હક તેઓ ખરેખર કમાયા હતા.’ (પૃ.૭૨૧)
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબએ ગુલાબની અગ્નિમાં સમર્પિત થવાનીને અગ્નિનાં તેજને સુગંધ સાંપડ્યાની વિરલ કથા છે. જે છે તો એક સદભાગી પુત્રે પોતાની સાક્ષીમાં પિતાએ આપેલી જાતની આહુતિની કથા, પણ એમાં પિતા –પુત્ર બંને ઓગળ્યા છે, દેશભક્તિમાં, સ્વાતંત્ર્યની ગાથાના એ દેશકાળમાં ને એ દેશકાળને ઘાટ આપનાર મહાત્મા ગાંધીમાં. તે થી જ આ ચરિત્રગાથા માત્ર એક વ્યક્તિની કથા ન બનતાં ઐતિહાસિક કૃતિય બની છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બેતાળાં
સોરઠની સોડમ
ડૉ. દિનેશ વૈશ્નવ

આપણે ઇતિહાસમાં વાંચતા કે એક જમાને આઘા રે’તા લોકો હારે સંદેશાની આપલે કબૂતરો થકી થાતી. પછી મારાથી મોટી ઉંમરનાના જમાને બા’ર ગામના લોકો હારે ખબરઅંતર અને સંદેશાની આપલે મોઢામોઢ થાતી; દા.ત., “કનુકાકા, તમે વંથળી જાવ છ તે મારા ચંદુમામાને કે‘જો હું મજામાં છું” ને જો સંદેશો ખાનગી હોય તો ઈ ચીઠીમાં મોકલાતો; દા.ત., “… લવજીકાકા, હમણાં મારે પૈસાની મોટી તાણ છે એટલે રૂ. ૨૦ ભુદરભાઈ હારે મોકલજો.” આ પછી મારી ઉંમરના લોકોના બાળપણમાં પણ મોઢામોઢ વાવડ દેવાતા, ચીઠી લખાતી ને વધુમાં એના ઘરની ડેલીમાં ટપાલી પરબીડિયું, ઇનલેન્ડ લેટર કે પોસ્ટકાર્ડ પણ નાખતો થ્યોતો. હવે આપણે ઈ ટપાલીએ નાખેલ કાગળ ઉપાડીયેં ને જો મથાળે લાલ શાઈએ “શુભ સમાચાર” એમ લખ્યું હોય તો માનવું કે કુટુંબમાં કોકનું વેવિશાળ કે લગન નક્કી થ્યાના માય સમાચાર છે ને જો ગુઢી શાઈએ “ખેદ સમાચાર’ કે “માઠા સમાચાર” લખ્યું હોય તો સમજી જાવાનું કે કુટુંબમાં કોક ગ્યું ને એના ઉઠામણે જાવાની તૈયારી કરવાની છ. ઉપરાંત મારી હારનાએ એના બાલ્યકાળે એનાં મોટાં ભાઈબેન ઉપર આવતાં પરબીડિયાંના મથાળે “પ્રેમ પત્ર” એમ લખેલ પણ વાંચ્યું હશે. બાકી ઈ જમાને પણ ફોન કે તાર તો બેચાર વરસે એકાદ વાર આવે તો આવે ને ગામડામાં તો વળી ફોનનો જવાબ દેવા પણ કોક પૈસાદાર પાડોસીને ઘેર કે ગામની પોસ્ટઑફિસે જાવું પડતું ને તાર વંચાવા ગામમાં અંગ્રેજી આવડતું હોય એવા અમલદાર કે પોસ્ટમાસ્તર આગળ જાવું પડતું. અલબત્ત, મારી હારના આજે બેય હાથની દસેય આંગળીએ “ટું ટું ટું…” સેલફોન દબાવતા પણ થઇ ગ્યા છ એટલો જમાનો આગળ વધ્યો છ.
તો સાહેબ, મારે આજ જે વાત માંડવી છ ઈ મારા બાળપણની ૧૯૫૦ના ઉતારતા દાયકાની કે જયારે મેંદરડામાં ટપાલી અમારે ઘરના આંગણે ટપાલ નાખતો ને મારાં માંની ઉંમર ત્યારે ચાલીસેકથી થોડીક જાજી હતી. હવે ઈ ઉંમરની આસપાસ ઘણા લોકોને વાંચવાના ચશ્મા આવે કે જેને “બેતાળાં” કેવાય. માંને પણ આ આવતાંતાં ને એનો અણસાર મારા પપ્પાને આવી ગ્યોતો. એનાં શરૂઆતના ચિન્હોમાં માં દોરો આખો થુંકેથી પલાળીદે પણ સોયના નાકામાં ન પરોવાય. ઈ ઘઉં, ચોખા, મગ, વ. વીંણતાં ત્યારે ઘણીવાર અનાજના દાણા ફેંકીને એના રંગની કાંકરી કે કયડુ સાચવતાં. કપાળમાં ચાંદલો વચ્ચે કરવાને બદલે ત્રાંસો કરે. બા’ર ગામથી આવતા કાગળોમાં જો મથાળાં બાંધ્યા હોય તો ઈ ખોટાં વાંચતાં. પછી જેમજેમ વખત ગ્યો એમ એનાં બેતાળાંની તકલીફ વધી જેમ કે મારી બેનની કાળી બોપટ્ટી હિંચકે પીડીતી એને નાગણી માનીને લાકડીએ ફટકારી. અંબોડે બાંધવાનું કાળું ઉન માનીને ખાટલા નીચેથી સરપનું બચ્ચું અર્થાત પડકું કે ધામણ ઉપાડ્યું. બે જુદાજુદા રંગના ચંપલ ચડાવીને મંદિરે જાય. દાળશાકના વઘારમાં વઘાણીને બદલે ધાણાજીરું ધાબડે. નયો પૈસો કે પંચીયું જમીને પડ્યાં હોય તો દેખાય નહીં અને ભગવાનને દીવો કરવા જાય તો દીવાની વાટ એક કોર હોય ને સળગતી દીવાસળી બીજી કોર. આ પરિસ્થીતીમાં માંના મોસાળેથી બ્લ્યુ શાઈમાં નાના અક્ષરે “શુભ સમાચાર” ને પછી મોટા અક્ષરે માંના પિત્રાઇનું નામ એમ મથાળું બાંધેલ ઇનલેન્ડ લેટર આવ્યો. હવે ઈ શાઈનો રંગ ને માથે વંચાણું એટલું મથાળું વાંચીને માંએ માની જ લીધું કે એનો ઈ પિત્રાઈ ઉકલી ગ્યો ને જૂનાગઢ ઉઠામણે જાવાની તૈયારી આદરી. પછી પપ્પા દવાખાનેથી આવ્યા, ઈ કાગળ વાંચ્યો ને માંને કીધું કે “ઈશ્વરલાલનો કાગળ છે કે તમારા મોટામામાના વિધુર દીકરાએ એક ત્યક્તા બ્રાહ્મણ બેનને ઘરમાં “બેસાડયાં” છ, રોટલે હવે ઈ ને એના છોકરાં સુખી છે ને ઘરમાં લાલ શાઈનો ખડિયો ઉઘાડો હતો ને મામીને “બેતાળાં” આવે છ તે ઈ ન દેખાણો ને એની ઠેસે ઢોળાઈ ગ્યો એટલે આ કાગળ ગુઢી શાઈએ લખ્યો છ.”
ઉઠામણાને બદલે પિત્રાઈ ભાઈ ઠરીઠામ થ્યાનો ઉપરનો બનાવ બન્યો પછી માંને પણ ક્યાંક એમ લાગ્યું કે એને આંખે ઓછું સુજે છ. એટલે પપ્પા જનરલ પટેક્ટીશ્નર તરીકે માંની આંખ તપાસવા તૈયાર હતા પણ ઘરના ભુવાને પોતાને ઘેર ન ધુણવા દે એમ માં આંખ દેખાડવા તૈયાર નો’તાં. હવે ઈ ટાણે મેંદરડાથી સૌથી નજીક આંખના ડો. જનકરાય નાણાવટી એક જ દાક્તર જૂનાગઢમાં એટલે પપ્પાએ માંને કીધું, “હાલો, જૂનાગઢ આંખ બતાવી, નંબર કઢાવી ચશ્માં લિયાવીયેં એટલે તમને જે મુશ્કેલીઓ પડે છ ઈ નહીં પડે ને આમ પણ આજ નહીં ને કાલ ચશ્માં તો લેવાં જ પડશે.” પણ મારાં માં કે જે હીમજ, હરડે, કાકચીયો ને અયૂડીસીનાં હિમાયતી એને જનકભાઈને આંખ દેખાડવાનું યોગ્ય ન લાગ્યું પણ ગામના હિંમતભાઇ હાડવૈદને આંખ દેખાડી. વૈદરાજે રોજ રાતે સૂતી વખતે ભેંસના દૂધના આંખે પોતાં મુકવાનું કીધું. આ નુસખો માંએ આદર્યો પણ સવારે તો એનામાંથી નવ દી’થી નાયા વિનાની ભરવાડણ જેવી વાસ આવે એટલે ઈ નુસખો બંધ કર્યો એટલે ઈ વૈદે જામરનો ડામર જેવો કાળો મલમ બનાવીને દીધો ને સવારે કાજળને બદલે આંજવા કીધું. ઈ મલમ પણ આંજ્યો પણ બીજે દી’ સવારે આંખના પોપચાં ચોમાસે ઓસળેલો ગોળ ડબ્બામાં ચોંટી જાય એમ ચોંટી ગ્યાં. એટલે પપ્પાએ બેય આંખની પાંપણ ભીના રૂએથી પલાળી ને પછી ઘીમેઘીમે સાફ કરીને માંની આંખ ઉઘાડી. ઈ દી’ની સાંજે માંએ હિંમતભાઇ હાડવૈદને ઘેર બોલાવીને પે’લાં ઠપકો આપ્યો કે “તમને વૈદ કોને બનાવ્યા છ તે આવી અવળચંડી દવા ચીંધો છ” ને પછી ચા પાયો.
હવે આ અરસામાં પપ્પાને કોક મારામારીના કેસમાં કોર્ટમાં જુબાની દેવા જૂનાગઢ જાવાનું થ્યું એટલે ઈ હારોહાર જનકભાઈને પણ મળ્યા ને માંની આંખની વ્યાધિ કીધી. જનકભાઈ અને અમારા પરિવાર વચ્ચે દાયકાઓ જૂનો સબંધ એટલે પે’લાં તો ઈ બેયે પેટ ભરીને ગપાટા માર્યા ને પછી જનકભાઈએ કીધું કે માંને “બેતાળાં” આવે છ. પપ્પાએ પૂછયું કે કયા નંબરના ચશ્મા લેવાં એટલે એને કીધું કે માંની આંખ જોયા વિના ચોક્કસ નંબરની તો ખબર ન પડે પણ એને જે તકલીફ છે એની ઉપરથી લાગે છ કે +૧.૫ ને ૩ નંબર વચ્ચે હશે ને સર્કલચોકમાં ખત્રી યાકૂબ – કે જે એક જ જૂનાગઢમાં ત્યારે ચશ્મા બનાવતો – ઈ ચશ્મા બનાવી દેસે. એટલે સર્કલચોકમાં ખત્રી યાકૂબને યાં મેંદરડાનો સાંજનો ખટારો ઉપડે ઈ પે’લા પપ્પા મુઠી વાળીને પુગ્યા ને કીધું કે “વાંચવાના બેતાળાં ચશ્મા આપો.” યાકૂબે ચશ્માના નંબર માગ્યા એટલે પપ્પાએ કીધું +૧.૫ ને ૩ નંબર વચ્ચે હશે એમ ડો. નાણાવટીએ કીધું છ. યાકૂબે કીધું “સાહેબ જે નંબર કે‘ ઈ બરોબર જ હોય પણ તોયે હું પાકા નંબર કાઢી દઉં છ.” પપ્પાએ કીધું, “પણ જેને ચશ્મા પે‘રવાં છ ઈ આંઈ હાજર નથી.” પણ ઈ એ હુશીયાર હતો એટલે એને કીધું, “સાહેબ, એની હાજરીની ક્યાં જરૂર છે.” એમ કહી ને ઈ એની દુકાનના ખૂણેથી +૦.૫ અને +૩ વચ્ચે છ ચશ્માની જોડ લિયવ્યો ને પપ્પાને વારાફરતી એકેક પેરાવી. દરેક જોડ પેરવાની ઈ પપ્પાને એક કાગળ વાંચવા દે ને પૂછે, “સાહેબ, આમાં શું લખ્યું છ?” એટલે પપ્પા, “ચોક્સી રૂગનાથ જાદવજી, જેતપૂરવાળા.” પછી બીજો ઇથી નાના અક્ષરે કાગળ આપે ને પૂછે, “સાહેબ, હવે આમાં?’ એટલે પપ્પા કે’, “કાપડીયા મથુરાદાસ નેમચંદ.” એમએમ કરતાં નાનામોટા અક્ષરમાં બીજા ત્રણેક કાગળું – “શેઠ નરોત્તમદાસ ધનજીભાઈની પેઢી,” “વાસણવાળા કાંતિલાલ બાબુભાઈ,” ને “હરસુખભાઇ સંઘવી ચોપડીવાળા” વંચાવ્યા. છેલ્લે યાકૂબે માંનાં “બેતાળાં”ના નંબર નક્કી કરી ને કાળી ફ્રેમની ચશ્માની જોડ પપ્પાને દીધી. મિત્રો, આજે પણ મને બતાવો બીજો ખત્રી યાકૂબ કે જે આમ સાચાખોટા પણ આજની ભાષામાં “રિમોટ્લી” ચશ્માના નંબર કાઢી દે.
ઈ રાતે પપ્પા ચશ્માની જોડ લઈને જૂનાગઢથી મેંદરડા ઘેર પાછા ફર્યા ને માંને સવારે ઈ પે’રીને ફાવે છ કે નહીં ઈ જોવાનું કીધું. સવારનાં માંએ ચશ્માં પેર્યાં ને એની ઘણીખરી અગાઉ કીધેલ તકલીફો દૂર થઇ ગઈ. પણ માં ઈ ચશ્મા અમારા ઘરના સિવાય બીજા કોઈ સામે ન પે’રતાં કે પે’રતાં શરમાતાં કારણ કે ત્યારે ગામડાઓમાં બૈરાં ચશ્મા ન પે’રતાં ને આઘેનું જે જોવાનું હોય ઈ નેજવું માંડીને જોઈ લેતાં. ઈ તો ભાઈ હવે વખતે પલટો ખાધો છ તે બૈરાંઓ મધરાતે પણ સનગ્લાસીસ માથે ટેકવીને ઘરમાં ટી.વી. જોવે છ, એના ભાયડા હારે બાધે છ કે કોકની “પ્રાથના સભામાં” મોબાઈલમાંથી ટેક્સ મેસેજેસ મોકલે છ. આવું જ ઈ જમાને પર્સોનું પણ હતું કે સ્ત્રીઓ પૈસા એની સાડીના છેડામાં બાંધતા કે એના બ્લાઉઝમાં ખોસતાં પણ આજનાં બૈરાંની જેમ પટારા જેવડાં પર્સો બગલમાં ભરાવીને ન ફરતાં. હવે આજની યુવા પેઢી તો વળી પર્સ નહીં પણ એના સેલફોનના ખીસાવાળાં કવર જ પર્સ તર્રીકે વાપરે છ કે સેલફોનમાં જ બધી બેન્ક, ક્રેડીટકાર્ડ, વ. માહિતી રાખે છ ને ખાલી હાથે જ ફરે છ. ટૂંકમાં, આજથી ચાલીસેક વરસ પે’લાં જન્મેલાને પણ ઘણું જૂની આંખે નવું જોવાનું છે તો અમારો તો સું વાંક જ છે.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ખાનગી શાળાઓ સરકારી શાળાઓથી ચઢિયાતી છે ?
નિસબત
ચંદુ મહેરિયા
બિનસરકારી સંસ્થા ‘પ્રથમ’ ૨૦૦૫થી ગ્રામીણ ભારતની પ્રાથમિક શાળાઓના બાળકોની શૈક્ષણિક યોગ્યતા માપતો સર્વે કરે છે. ‘પ્રથમ’નો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ(અસર) ૨૦૨૨ તાજેતરમાં પ્રગટ થયો છે. દેશના ૬૧૬ જિલ્લા અને ૧૯ હજાર ગામોના ૭ લાખ ગ્રામીણ બાળકોને આવરી લેતા આ સર્વેનું એક તારણ છે કે ૨૦૧૯થી ૨૦૨૨ના ચાર વરસોમાં ખાનગી શાળામાં ભણતા બાળકો ઓછા થયા છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતના ૩૫ ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હતા. પરંતુ હવે તે ઘટીને ૨૭ ટકા થતાં ૮ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું તાત્કાલિક કારણ તો કોરોના મહામારીની બાળકોના વાલીઓ પરની આર્થિક અસર ગણાવાય છે પરંતુ તે ઉપરાંતના પણ ઘણા કારણો છે.
હરિયાણાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૦૨૦-૨૧માં ૨૯.૮૩ લાખ બાળકો અભ્યાસ કરતાં હતા.પરંતુ ૨૦૨૧-૨૨માં ૧૭.૩૧ લાખ જ છે એટલે ૧૨.૫૧ લાખ બાળકો હવે ખાનગી શાળાઓમાં ભણતા નથી. ગુજરાતમાં ૨૦૨૦-૨૧માં ૨.૮૫ લાખ અને ૨૦૨૧-૨૨માં ૩.૫ લાખ બાળકોએ ખાનગી શાળા છોડી હતી. આખરે ખાનગી શાળા છોડી જતાં બાળકો જાય છે ક્યાં ? તેનો સ્વાભાવિક જવાબ તો સરકારી શાળા જ છે. આંકડાઓ પણ આ વાતની ગવાહી પૂરે છે. ‘અસર’ નો રિપોર્ટ જણાવે છે કે દેશમાં ૨૦૧૮માં ૬૫.૬ ટકા બાળકો સરકારી શાળાઓમાં હતા. ૨૦૨૨માં તે વધીને ૭૨.૯ ટકા થયા છે. છેલ્લા પાંચ વરસોમાં મહાનગર અમદાવાદની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ખાનગી શાળાઓના ૨.૧૪ લાખ બાળકો જોડાયા છે.
જો ખાનગી શાળાઓ છોડીને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે તો તેના માટે જવાબદાર પરિબળો ક્યા છે ? મહામારીમાં બેકારીને કારણે આર્થિક હાલાકી વેઠવાની આવી તેને કારણે નિમ્ન મધ્યમવર્ગના લોકોએ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળાઓમાં દાખલ કરી દીધા છે. આર્થિક ઉપરાંત ખાનગી શાળાઓએ મહામારીમાં વાલીઓનો ગુમાવેલો ભરોસો પણ કારણભૂત છે. ઓનલાઈન શિક્ષણના બહાને ખાનગી શાળાઓને બાળકોના ભણતરને બદલે તેમની ફીની વધુ ચિંતા હતી આ બાબત વાલીઓ સમજી ગયા. બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકોએ કોરોનાકાળમાં તેમના વિધ્યાર્થીઓના અભ્યાસની સવિશેષ કાળજી લીધી. ગરીબ માતાપિતાની પહોંચ ઓનલાઈન શિક્ષણ સુધી નથી તે પારખીને તેઓ વિધ્યાર્થીઓના ગામે કે ઘરે ગયા અને તેમને ભણાવ્યા. ખાનગી શિક્ષણનો મોહ રાખતા લોકોની નજરે આ બાબત ચડતાં તેઓ સરકારી શાળાઓ તરફ વળ્યા છે.એટલે સરકારી શાળાઓને તેની ઝંખવાયેલી પ્રતિષ્ઠા પાછી મળી છે.
સરકારી શાળાઓમાં વિધ્યાર્થીઓની સંખ્યા વધતાં તે ચઢિયાતી સાબિત થઈ છે, તેનું શિક્ષણ ઉત્તમ સાબિત થયું છે કે તેની શૈક્ષણિક ગુણવતા વધારે છે તેમ કહી શકાય તેમ નથી. કેમ કે જેમ બધી સરકારી શાળાઓ નકામી નથી તેમ બધી ખાનગી શાળાઓ પણ સારી નથી. સરકારી અને ખાનગી શાળાઓની તુલના કરતાં જણાય છે કે સરકારી શાળાઓનું સંચાલન સરકાર કે તેનું તંત્ર કરે છે જ્યારે ખાનગી શાળાઓનું સંચાલન વ્યક્તિ કે કોઈ ટ્રસ્ટ કરે છે.સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી સરકારી ધારાધોરણો મુજબ થાય છે એટલે સરકારી શાળાના શિક્ષકો નિયત શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને નિયત પગારધોરણ મેળવતા હોય છે. જ્યારે ખાનગી શાળાના સંચાલકોને આવા બંધનો નથી. સરકારી શાળામાં મફત કે નજીવી ફી લઈને ભણાવાય છે જ્યારે ખાનગી શાળાઓ સેવાભાવથી નહીં ધંધા તરીકે ચાલતી હોઈ મનમાની ફી લે છે. ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષણ અપાય છે જેનો ગરીબ વર્ગના વાલીઓને વાજબી કારણોસર બહુ મોહ હોય છે જ્યારે સરકારી શાળામાં સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે.
ખાનગી અને સરકારી શાળાઓ ઘણી બાબતોમાં અસમાન છે. એટલે તેમની મૂલવણી તેના આધારે કરવી જોઈએ.ખાનગી શાળાઓ પણ જાતભાતની હોય છે. તે કોઈ સમરૂપ એકમ નથી. ધનાઢ્ય વર્ગના બાળકો માટેની મોંઘી મહાનગરીય ખાનગી શાળાઓ, નાના અને મધ્યમ નગરોની ઉચ્ચ મધ્યમવર્ગના વાલીઓને પોસાય તેવી ફી લેતી ખાનગી શાળાઓ, ગ્રામીણ ક્ષેત્રોની ઓછી ફી ની ખાનગી શાળાઓ જેમ અસ્તિત્વમાં છે તેમ મહાનગરોની સરકારી સ્માર્ટ સ્કૂલ્સ અને અંતરિયાળ ગામડાઓની કશી જ સાધન-સુવિધા વગરની અતિ ગરીબ વર્ગના બાળકો ભણતા હોય તેવી સરકારી શાળાઓ પણ છે.ગવર્નમેન્ટ કે પ્રાઈવેટ શાળાઓમાં ભણતા બાળકોની સામાજિક,આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂ ને ધ્યાનમાં રાખીને પણ તુલના કરવી પડે.
૨૦૧૯-૨૦માં દેશની કુલ શાળાઓ પૈકી ૬૮.૪૮ ટકા સરકારી હતી. પરંતુ તેમાં મંજૂર થયેલા શિક્ષકોમાંથી ૫૦.૧ ટકા જ જગ્યાઓ ભરાયેલી હતી.આજે ગુજરાતની ૧૬૫૭ શાળાઓ એક જ શિક્ષક પર નભે છે. દેશમાં ૧.૨૦ લાખ સરકારી શાળાઓ એકલ શિક્ષકની છે. જો આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે નહીં. કમ્પ્યૂટર શિક્ષણ હવે જરૂરી બન્યું છે ત્યારે એ હકીકત આઘાતજનક છે કે ૨૦૧૯-૨૦માં દેશની ૧૫.૦૭ લાખ સરકારી શાળાઓમાંથી ૪.૫૧ લાખ શાળાઓમાં જ અને તે પણ માત્ર એક જ શિક્ષક કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા હતા. આ હકીકતોથી સરકારી શાળાનું શિક્ષણ ઉતરતું લાગે છે.
નવી આર્થિક નીતિને પગલે આવેલા ખાનગીકરણથી શિક્ષણ પણ બાકાત નથી. હવે શિક્ષણનું ખાનગીકરણ એ હદે વકર્યું છે કે તે વેપલો બની ગયું છે. ખાનગી શાળાઓ ઉપરાંત ખાનગી ટ્યુશનનો બોજ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વેઠવો પડે છે. ૨૦૨૨માં ધોરણ ૫ થી ૮ના ખાનગી ટ્યુશન લેતા બાળકોની રાષ્ટ્રીય ટકાવારી ૩૦.૫ ટકા હતી. ખાનગી શાળાઓથી છૂટકારો મેળવીને ખાનગી ટ્યુશનનો રાહ લેવા મજબૂર થવું પડે તેવી આ કરુણ વાસ્તવિકતા છે. એકાદ દાયકા જૂની ઓનલાઈન ટ્યુટોરિયલ કંપની બાયજુ(BYJU)ના ચાળીસેક લાખ ગ્રાહકો છે. દેશનું ૨૦૨૧-૨૨નું શાળા શિક્ષણનું બજેટ રૂ. ૫૪,૮૭૩ કરોડનું હતું પરંતુ આ એક જ કંપનીનું બજાર મૂલ્ય રૂ. ૧,૨૨,૦૦૦ કરોડનું છે. આ હાલતમાં દેશના વંચિત વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા કરવાની છે.
‘અસર’ ના સર્વે રિપોર્ટ પ્રમાણે ધોરણ ૫ના ૫૧ ટકા કે દર દસમાંથી છ વિદ્યાર્થીઓ તેમનાથી ત્રણ ધોરણ નીચા, બીજા ધોરણના સામાન્ય પુસ્તકનો એકાદ સરળ ફકરો પણ વાંચી શકતા નથી. આવી સાવ તળિયાની વાચનયોગ્યતા ધરાવતા બાળકો દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં પણ છે અને સરકારી જેટલા જ ખાનગી શાળાઓમાં પણ છે. ગરીબ અને મધ્યમ આવકના માબાપ પેટે પાટા બાંધીને પોતાના બાળકોને સારા અને સરકારી કરતાં ચઢિયાતા શિક્ષણ માટે મોંઘી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવે છે પણ તેમને નિરાશા જ સાંપડે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાવ્યાનુવાદ : माँ, जो एक नदी है / મા, જે એક નદી છે..
મૂળ કવિતાઃ ॥ माँ, जो एक नदी है ॥રાજેશ્વર વશિષ્ઠ॥ माँ, जो एक नदी है ॥
कल कल करती नदी
बाहों में चमकता मीठा जल लिए
वात्सल्य में गुनगुनाती रही
स्नेह से भरे छंद
उसके हृदय में माँ का ममत्व था!पेड़ों ने कहा प्यास लगी है माँ
हम झुलस रहे हैं सूरज के ताप से!
नदी ने पल भर सोचा और कहा —
जाओ जल,
तृप्त कर दो पेड़ों की आत्मा को!धीरे धीरे जल रिसा पाताल की ओर
और पेड़ की जड़ों तक पहुँच गया।
हरे भरे पेड़ झुक कर
नदी के पानी में झाँकने लगे
नदी को गर्व हुआ जल के स्वभाव पर!मैदान से गुज़रती नदी को देखा मनुष्य ने
उसने कुछ नहीं कहा
पर उसकी आँखों में
लिप्सा की नुकीली चमक थी!नदी के सीने पर दौड़ने लगी नावें
होने लगे शिराओं में छेद
बँधने लगे बाँध
ताकि नहरें बना कर
जल को ले जाया जा सके खेतों तक!नदी का जल होने लगा सभ्य
जल की आँखों में तैरने लगे इंसानी सपने
और नदी की आँखों में भरने लगे आँसू!जल को संभाले,
दौड़ती-हाँफती नदी के जीवन में
एक दिन ऐसा भी हुआ;
अचानक बहुत सारा जल
छोड़ कर नदी का हाथ बह निकला
किसी नई दिशा की ओर
जहाँ जीवन की विपुल
नवीन सम्भावनाएं थीं,
उसे नहीं जाना था
समुद्र के खारे जल तक!हतप्रभ हो गई माँ
पल भर के लिए ठिठक गई नदी
उसकी आँखों का जल खारा हो गया!उस उदास नदी को
समुद्र की ओर जाते हुए
एक बादल ने देखा
एक तितली ने देखा
एक भिक्षुक ने देखा!सबने कहा ठहरो!
नदी ने कुछ नहीं सुना
नदी ने कुछ नहीं कहा
बस बहती रही यंत्रवत!क्षितिज के उस पार
समुद्र ने कुछ नहीं पूछा,
उसने थकी हारी सी नदी के लिए
अपनी बाहें पसार लीं!वह जानता था
नदी का सारा जल
उसके लिए नहीं हैनदी माँ भी तो है!
સંપર્ક: rejeahwar58@gmail.com
ગુજરાતી અનુવાદ : મા, જે એક નદી છે..બકુલા ઘાસવાલામા, જે એક નદી છે..કલકલ કરતી નદી
બાહુપાશમાં ચમકતું મીઠું પાણી લઈને
વાત્સલ્યભાવે ગણગણતી રહી
સ્નેહસભર છંદે
એનામાં માનું મમત્વ હતું!વૃક્ષોએ કહ્યું કે
અમે સૂરજની ગરમીથી સેકાઈ રહ્યાં છીએ
અમને તરસ લાગી છે મા
ક્ષણભર વિચારીને નદીએ કહ્યું
જાઓ હેતાળ પાણી ,
બે તરસ્યાં વૃક્ષોના આત્માને તૃપ્ત કરો !ધીરે ધીરે જળ પાતાળ તરફ વહ્યું
અને વૃક્ષોનાં મૂળ તરફ પહોંચી ગયું .
હર્યાભર્યાં વૃક્ષો નદી તરફ વળીને
પાણીમાં જોવાં લાગ્યાં.
નદીને જળના સ્વભાવ પર ગર્વ થયો!મેદાનમાં વહેતી નદીને મનુષ્યે જોઈ
એણે કાંઈ કહ્યું નહીં
પણ એની આંખોમાં
લિપ્સાની તીવ્ર ચમક હતી !નદીની છાતી પર દોડવા લાગી હોડીઓ
એની નસોમાં પડવા લાગ્યા છેદ
બંધાવા લાગ્યા બંધ
જેથી નહેર બનાવી
જળને ખેતરો સુધી લઈ જવાય !
નદીનું જળ થઈ રહ્યું સભ્ય.જળની આંખોમાં તરવા લાગ્યા માણસ જેવાં સપનાં
અને આંખોમાં ભરાવા લાગ્યા આંસું !
દોડતી-હાંફતી નદીનાં જીવનમાં
એક દિન આમ પણ બન્યું ;
એક દિવસ ઢગલો પાણી પાછળ રાખી
નદીનો હાથ વહી નીકળ્યો
કોઈ નવી દિશા તરફ
જ્યાં જીવનની વિપુલ
નવી સંભાવના હતી ,
એને સમુદ્રનાં ખારાં જળ તરફ જવું ન હતું !હતપ્રભ થઈ ગઈ મા
ક્ષણભર અટકી ગઈ નદી.
એની આંખોનું જળ ખારું થઈ ગયું!એ ઉદાસ નદીને
સમુદ્ર તરફ જતાં
એક વાદળે જોઈ
એક પતંગિયાએ જોઈ
એક ભિક્ષુકે જોઈ.બધાંએ કહ્યું થોભી જા!
નદીએ કોઈનું સાંભળ્યું નહીં
નદીએ કાંઈ કહ્યું નહીં.
બસ, યંત્રવત્ વહેતી રહી.ક્ષિતિજને પેલે પાર
સમુદ્રે કાંઈ પૂછ્યું નહીં.
એણે થાકેલી – હારેલી નદી માટે
પોતાના હાથ ફેલાવ્યા !એ જાણતો હતો
નદીનું પૂરું પાણી
ફક્ત એને માટે નથી.
નદી માતા પણ તો છે!બકુલા ઘાસવાલાBakula Ghaswala.વલસાડ.bakula.ghaswala@gmail.comPh: 91-2632-251946Cell: +919825133626 -
સાનહોઝેથી તેનકાશી
વાંચનમાંથી ટાંચણ
– સુરેશ જાની

સાનહોઝેમાં (કેલિફોર્નિયા, અમેરિકા) અબજો ડોલરની સંપત્તિનો માલિક, શ્રીધર વેમ્બુ, ધમધમતો ધંધો છોડીને તામિલનાડુના તેનકાશીમાં સ્થાયી થયો છે. તે પોતાની આવડતનો ઉપયોગ ગામડાંઓની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક ઉન્નતિ માટે તાલીમ આપવાના સ્તૂત્ય કાર્ય માટે કરી રહ્યો છે.
એ નવાઈની વાત નથી કે, ભારત સરકારે તેને ૨૦૨૧ માં પદ્મશ્રીનો ઇલ્કાબ એનાયત કર્યો છે.
શ્રીધરનો જન્મ ૧૯૬૭માં તામિલનાડુના તાંજોર જિલાના એક નાના ગામના, મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ૧૯૮૯ માં ચેન્નાઈમાં આવેલી, IIT માંથી ઇલેક્ટ્રિકલ એન્જિ. માં સ્નાતક થયા બાદ શ્રીધર ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયો હતો. અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં આવેલ પ્રખ્યાત પ્રિન્સટન યુનિ.માંથી (આલ્બર્ટ આઈન્સ્ટાઈનની છેવટની કર્મભૂમિ) અનુસ્નાતક અને પી.એચ. ડી. પદવી તેણે પ્રાપ્ત કરી હતી.
ત્યાર બાદ સાન દિયેગોમાં ક્વોલ-કોમ નામની કમ્પનીમાં વાયરલેસ એન્જિનિયર તરીકે તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી.૧૯૯૬માં પોતાના બે ભાઈઓ સાથે તેણે AdventNet નામની સોફ્ટવેર કમ્પની સ્થાપી હતી. ૨૦૦૯ માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન રાખવામાં આવ્યું હતું. SaaS ( Software as a service) આપતી આ કંપનીને ઘણી નામના અને યશ મળ્યાં હતાં. આ નામ અને કામથી તેને ઘણી સંપત્તિની પ્રાપ્તિ પણ થઈ હતી. આપણે એ નોંધવું જોઈએ કે, ફોર્બ્સ કમ્પની દ્વારા ૨૦૨૧માં ઝોહોની કુલ નાણાંકીય અસ્કયામતની આકારણી ૨૪૪ કરોડ ડોલર આંકવામાં આવી છે.

પણ શ્રીધરના દિલમાં આનાથી સંતોષ ન હતો. દિલની આરજૂ પૂરી કરવા તેણે તામિલનાડુના તેનકાશી જિલ્લામાં આવેલ માતલમ્પરાઈ ગામને પોતાની કર્મભૂમિ બનાવી છે.
અહીં અને આન્ધ્ર પ્રદેશના રેનિગુન્ટામાં, ઝોહોના નેજા હેઠળ, રોજગાર લક્ષી સોફ્ટવેર આધારિત શિક્ષણ આપતી શાળાઓ તેણે સ્થાપી છે. આવી ઘણી શાળાઓ દેશભરમાં સ્થાપવા શ્રીધરને ઉમેદ છે.
પધશ્રીના ઈલ્કાબ ઉપરાંત ભારતના પ્રધાન મંત્રીને સલાહ આપતી National Security Council માં પણ તેની વરણી થઈ છે. દેશના શિક્ષણને નવી તરાહ આપવાની પાયાની નીતિ નક્કી કરવાના યજ્ઞ કાર્યમાં પણ તે યથોચિત ફાળો આપી રહ્યો છે.
અંગત જીવનમાં તેની પત્ની પ્રમીલા શ્રીનિવાસન, ભાઈ કુમાર અને બહેન રાધા છે.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Sridhar_Vembu
https://twitter.com/svembu?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
https://www.zoho.com/index1.html
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
લાવાના લસરકાથી લખતા કવિ દુષ્યંતકુમાર
રક્ષા શુક્લ
‘હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે. ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે’ સુપ્રસિદ્ધ શાયર દુષ્યંતકુમારની પ્રચલિત ગઝલનો અતિ પ્રચલિત આ શેર. આ ગઝલનું ફિલ્મ ‘હલ્લા બોલ’માં ફિલ્માંકન થયેલું. ફિલ્મનું કથાવસ્તુ કૈંક આ પ્રમાણે હતું. ગામડામાંથી આવેલો અશ્ફાક ફિલ્મસ્ટાર બનવાના સપનાં જુએ છે. એક સ્ટ્રીટ થીએટરમાં જોડાય છે. જે લોક જાગૃતિ લાવવા નાટકને માધ્યમ બનાવતા હતા. અશ્ફાકની મબલખ મહેનત અને સેંકડો સંઘર્ષનો સરવાળો થતા એને ફિલ્મમાં બ્રેક મળે છે. સ્ક્રીનનું નવું નામ મળે છે સલીમખાન. જોતજોતામાં સુપરસ્ટાર બની જાય છે. ચમકદમકની દુનિયામાં એ પોતાની મૂળ ઓળખ ભૂલી જાય છે. અંતમાં આત્મભાન થતા, સુપરસ્ટાર અને કોમનમેન વચ્ચેના આંતરદ્વંદ્વમાં કોમનમેન જીતે છે. સુપરસ્ટારનો અંચળો ફગાવી અશ્ફાક સામાજિક ચેતનાની મુહિમમાં લાગી જાય છે અને જનતા અને મીડિયાની મદદથી હત્યાના ગુના માટે ગુનેગારોને સજા અપાવે છે.
દુષ્યંતકુમારની અનેક ગઝલોમાં હલ્લાબોલ પડઘાય છે. એ અલ્લા બોલના નહીં પણ હલ્લા બોલના કવિ છે. કહેવાતા ખોટા રૂઢીરિવાજો સામે લાલ આંખ કરી છે. પરંપરાનાં નામે અઢારમી સદીમાં ધકેલાતા સમાજ માટે દુષ્યંતકુમાર કહે છે કે…
‘ગઝબ હૈ સચ કો સચ કહેતે નહિ વો,
કુરાનો-ઉપનિષદ ખોલે હુયે હૈ’ગઝલના આ સશક્ત અવાજને હિન્દી ગઝલના ગાલીબ કહી શકીએ એવું માતબર ખેડાણ કવિ દુષ્યંતકુમારે કર્યું છે. એની ગઝલનો એક શેર વાહ તો બીજો શેર આહ કહેવડાવે છે. ‘ન હો કમીઝ તો ઘૂટને સે પેટ ઢક લેંગે…’ કહી લાચારીને સચોટ રીતે શબ્દોમાં દુષ્યંતકુમાર જ ઢાળી શકે. આજે એમના શેર અને ગઝલોને સાહિત્ય અને રાજકીય કાર્યક્રમો સાથે જોડવામાં આવે છે. નીદા ફાઝલી દુષ્યંતકુમાર વિષે લખે છે કે ‘દુષ્યંતની દૃષ્ટિ એના યુગની નવી પેઢીના ગુસ્સા અને નાજગીથી શણગારાયેલી છે. આ ગુસ્સો અને નારાજગી એ અન્યાય અને રાજનીતિના કુકર્મોની વિરુદ્ધ નવા મિજાજનો અવાજ છે જે સમાજમાં મધ્યમવર્ગીય જુઠાણાની જગ્યાએ પછાત વર્ગનો પરિશ્રમ અને દયાનું પ્રતિનિધિત્વ કરે છે.
સાહિત્યની દુનિયામાં દુષ્યંતકુમારે પદાર્પણ કર્યું તે સમયમાં ગઝલો પર ભોપાલના બે પ્રગતિશીલ શાયરો તાજ ભોપાલી અને કૈફ ભોપાલીનું રાજ હતું. હિન્દીમાં અજ્ઞેયજી તથા ગજાનન માધવ મુક્તિબોધની અટપટી અને અઘરી કવિતાની બોલબાલા હતી ત્યારે આમ આદમીની સીધી હૃદયને સ્પર્શતી રચનાઓ દ્વારા દુષ્યંતજીએ અપાર ખ્યાતી મેળવી. હિન્દીના ડૉ. કુમાર વિશ્વાસ જેવા નવોદિત કવિઓ માટે તેઓ પ્રેરણારૂપ છે. માઈલસ્ટોન સમાન એમની હિન્દી ગઝલોની મૌલિક મુદ્રા ત્યારે કબુલવી પડે જ્યારે દુષ્યંત પહેલાંની ગઝલો અને દુષ્યંત પછીની ગઝલો એ રીતે તુલનાત્મક અધ્યયન થાય.
ગઝલને ઘર બનાવનાર આ કવિએ ગઝલ ઉપરાંત ગીત, નાટક, નવલકથા વગેરે જેવી અન્ય વિધાઓમાં પણ કામ કર્યું છે. પરંતુ ગઝલોની અનન્ય લોકાપ્રિયતાએ બીજી વિધાઓને પરદા પાછળ રાખી દીધી. સૂર્ય કા સ્વાગત, આવાઝો કે ઘેરે, જલતે હુએ વન કા વસંત વગેરે એમના કાવ્યસંગ્રહો છે. દુષ્યંતકુમાર કોઈપણ કાળમાં પ્રસ્તુત એવા કાળજયી કવિ છે. એનો સ્વર સડકથી સંસદ સુધી ગૂંજે છે. એ વાસ્તવિક જીવનમાં ખુબ સહજ અને મનમોજી વ્યક્તિ હતા.
તેઓ શરૂઆતમાં ‘પરદેશી’ના નામથી લેખન કરતા. ગઝલના ગામમાં દુષ્યંતકુમાર પોતાને લોકપ્રિયતાના સૌથી ઉચ્ચ શિખર પર સ્થાપિત કરી શક્યા અને ગઝલસમ્રાટની ઉપાધિ પામી શક્યા એના કારણમાં કહી શકાય કે તેમણે એક તરફ ગઝલને તેના યુગના ધબકારા સાથે જોડી હતી અને બીજી તરફ તેને અભિવ્યક્તિની નવીનતા આપી હતી જે આશ્ચર્યજનક હતું. સાહિત્યમાં કોઈ વાત રજૂ કરવાની જે છટા કે વ્યક્તિગત શૈલી હોય છે, અભિવ્યક્તિની અનોખી અને નિરાળી આવડત હોય છે એ જ ચમત્કાર કરી બતાવે છે. આ કેવળ શબ્દો દ્વારા શક્ય નથી. કારણ કે શબ્દો તો મોટાભાગે એ જ હોય છે. જે સાહિત્યકાર પોતાની રીતે પ્રયોજે છે. પરંતુ કલમની શ્રીમંતાઈ જેને મળી હોય એ કલાકાર આ જ શબ્દોને એક નવા અને નોખા અંદાઝમાં પેશ કરી પોતાની એક અલગ છાપ ભાવકો પર છોડે છે અને અમર સાહિત્ય પીરસી જાય છે. દુષ્યંતકુમારમાં આ હુનર અસાધારણ હતો. એટલે જ એની ગઝલોનો પ્રભાવ અમિટ રહ્યો. તેના ગઝલસંગ્રહ ‘સાયે મેં ધૂપ’ની કેટલીયે આવૃત્તિ છપાઈ ચૂકી છે. ગઝલપ્રેમીઓની જીભ પર આજે સૌથી વધુ દુષ્યંતકુમારના શેર રમતા હોય છે. દુષ્યંતકુમારે રોમેન્ટિક કવિતા લખી છે પરંતુ એમાં પણ વિદ્રોહ જોવા મળે છે. એમાં કોઈ ટીપીકલ શબ્દોની સાજસજ્જાનો મેકઅપ હોતો નથી. એ લખે છે…
‘તુ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કીસી પુલ સા થરથરાતા હું.
એક જંગલ હૈ તેરી આંખો મેં,
મૈં જહાં રાહ ભૂલ જાતા હું.’ભારત સરકારે ૨૦૦૯માં દુષ્યંતકુમારના ફોટા સાથેની ટપાલટીકીટ બહાર પાડેલી. ૧ સપ્ટેમ્બર, ૧૯૩૩માં જન્મી ૩૦ ડીસેમ્બર, ૧૯૭૫માં ચીર નિદ્રામાં પોઢેલા આ કવિ ૪૨ વર્ષના ટૂંકા ગાળામાં સાહિત્યમાં એવું અદભૂત પ્રદાન કરી ગયા કે આજે વર્ષો પછી પણ એ લાખો દિલોમાં વાસ કરે છે. લાઘવ એ કવિતાનો વિશેષ છે જે એમણે કવનની જેમ જીવનમાં પણ ઉતાર્યો હોય તેમ લાગે છે. ગાંધીજીના જન્મદિવસ પર દુષ્યંતકુમારે લખ્યું કે...
મૈં ફિર જનમ લૂંગા
ફિર મૈં
ઇસી જગહ આઉંગા
ઉચટતી નિગાહોં કી ભીડ઼ મેં
અભાવોં કે બીચ
લોગોં કી ક્ષત-વિક્ષત પીઠ સહલાઊઁગા
લઁગડ઼ાકર ચલતે હુએ પાવોં કો
કંધા દૂઁગા
ગિરી હુઈ પદ-મર્દિત પરાજિત વિવશતા કો
બાઁહોં મેં ઉઠાઊઁગાકાશ, ગાંધીજી માટે લખેલા શબ્દો એમણે પોતાના માટે જ લખ્યા હોત તો એક જુઠી આશાને પણ આપણે હૃદયના એક ખૂણે ઉછેર્યા કરત કે ફરી એકવાર આ નોખી માટીનો કવિ આપણી સંવેદનાને વાચા આપશે… ફરી એના શબ્દોરૂપી ઘા બાજરિયાથી કોઈના ઘા રુઝાશે, કોઈની પીડાનો મોક્ષ થશે.
દુષ્યંતકુમાર અને અમિતાભના પિતા ડૉ. હરિવંશરાય બચ્ચન વચ્ચે ઘણો પ્રેમ હતો. ‘દીવાર’ ફિલ્મમાં તેમણે અમિતાભની તુલના સુપરસ્ટાર શશી કપૂર અને શત્રુઘ્ન સિન્હા સાથે પણ કરી હતી. દુષ્યંતકુમારે અમિતાભને લખેલા પત્રમાં કહેલું ‘તને યાદ નહીં હોય પણ અલ્હાબાદમાં દુષ્યંતકુમાર નામનો એક નૌજવાન ઘણીવાર બચ્ચનસાહેબને મળવા આવતો ત્યારે તું ખૂબ નાનો હતો. મને શું ખબર કે એમના એક સંતાનનું કદ એટલું ઊંચું થઈ જશે કે હું એને પત્ર લખીશ અને એનો પ્રશંશક બની જઈશ.’ આ દુર્લભ પત્ર ૨૦૧૩માં દુષ્યંતકુમારની પત્ની રાજેશ્વરી ત્યાગીએ તેના જ નામથી સ્થાપિત સંગ્રહાલયને સોંપી દીધો છે.
‘કાશ, મૈ ભગવાન હોતા’ કાવ્યમાં કવિ નીર્ધનની સઘળી પીડાને હરી લેવા માગે છે. આમ માનવીની પીડા જોઇને, અનુભવીને દુષ્યંતકુમાર એ માનવી સમાંતર પીડા અનુભવતા હોવા જોઈએ. એમને તમાશો જોઇને મૂંગા બેસી રહેતા લોકો સામે સખત ચીડ હતી. એ કહે છે કે…
લહું-લુહાન નજારો કા જીક્ર આયા તો,
શરીફ લોગ ઉઠે દુર જા કે બૈઠ ગયે’આપણા સમાજની વિટંબણા જ એ છે કે સજ્જનો મૌન છે. સ્વાતન્ત્ર્યોતર ભારતના કોમન મેનની યાતના, નેતાઓના ડબલ ચહેરા અને ચારિત્રપતન જોઇને દુષ્યંતકુમાર સ્તબ્ધ અને ત્રસ્ત હતા. ‘વહ આદમી નહિ હૈ, મુકંબલ બયાન હૈ, માથે પે ઉસકે ચોટ કા ગહરા નિશાન હૈ.’ એવું કહેતા દુષ્યંતકુમાર ‘માથાની ચોટ’વાળા માણસને જ ‘મુકંબલ બયાન’ બતાવીને પોતે કંઈ ન કહેતા બધું જ કહી દે છે. કવિ પોતે તો આટલો ઈશારો કરીને દૂર જઈને ઊભા રહી જાય છે. આ છે શબ્દો પરની એમની દાદાગીરી ! અન્યાય સામે અવાજ ઉઠાવવા એ સતત કહેતા પણ પછી એ લખે છે કે ‘ઈસ શહર મેં તો કોઈ બારાત હો યા વારદાત,
અબ કિસી ભી બાત પર ખુલતી નહિ હૈ ખિડકીયા’ ગમે તેવી લોહીઝાણ પરિસ્થિતિમાં પણ સૌના હોઠ સીવાયેલા હોય છે. એ લખે છે કે.. ‘મેરે દિલ પે હાથ રખ્ખો, મેરી બેબસી કો સમજો, મૈ ઇધર સે બન રહા હું, મૈ ઇધર સે ઢહ રહા હું ..’પ્રજાના જ પૈસે તાગડધીન્ના કરી શોષણ કરનાર નેતા એ જ લાચાર આમ આદમી સામે કરગરીને વોટ માગે છે.. ત્યારે કવિ કહે છે કે…
‘ઉનકી અપીલ હૈ કી ઉન્હે હમ મદદ કરે,
ચાકુ કી પસલીયો સે ગુઝારીશ તો દેખીયે.’પ્રજાના અવાજને આક્રોશમાં દર્શાવતા કવિ કહે છે કે નેતાઓ માટે પ્રજા જાણે રમકડું છે…‘જિસ તરહ ચાહો બજાઓ ઇસ સભા મેં, હમ નહી હૈ આદમી, હમ ઝુનઝુને હૈ.’ ચુંટણી ટાણે વાયદાના વેપાર કરે ‘ને કામ પતે તો ગુમ…માણસનો ઉપયોગ કરી પળવારમાં દૂધમાંથી માખીની જેમ ફેંકી દે છે. દુષ્યંતકુમારની આ પંક્તિઓને યાદ ન કરીએ તો કૈક ખૂટતું લાગશે …‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહિ, મેરી કોશિશ યે હૈ કી એ સુરત બદલની ચાહિયે ….મેરે સીને મેં નહિ તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહિયે …”
દુષ્યંતકુમાર અભિનંદનના સાવ વિરોધી હતા. કોઈ લેખકને શું જુદો છે ? એને પાંખો લાગેલી હોય છે ? તેઓ માનતા કે અભિનંદન સ્વતંત્રતાના બાધક છે. એનાથી અમુક વર્ગને જ પ્રાધાન્ય મળે છે જે ખોટું છે. કોઈ પારિવારિક સંબંધ ન હોવા છતાં એક કારકૂન જિંદગીના મુલ્યવાન વર્ષો નિષ્ઠાપૂર્વક ફાઈલો પાછળ હોમી દે છે તો એનું અભિવાદન થવું જોઈએ. એક સોની, મોચી કે દરજીનું, મજૂર કે મહેતરનું પણ થવું જોઈએ જેમણે મહત્વપૂર્ણ સામાજિક ભૂમિકા નિભાવી હોય છે. અંતમાં આ અદભુત કવિની આ મહેચ્છા તો જુઓ…ઉદ્દાત ભાવના તો જુઓ. એ જાણે ભાવકને કહે છે…
જા, તેરે સ્વપ્ન બડે હોં.
ભાવના કી ગોદ સે ઉતર કર
જલ્દ પૃથ્વી પર ચલના શીખે
હંસે, મુસ્કુરાયે, ગાયે..
હર દીયે કી રોશની દેખ કર લલચાયે
ઉંગલી જલાયે
અપને પાંવ પર ખડે હોં
જા, તેરે સ્વપ્ન બડે હોં.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
-
રાજાનો હાથી
વલીભાઈ મુસા
આઝાદી પહેલાંનાં દેશી રજવાડાં પૈકીના એક રજવાડાની આ વાત છે. એ વર્ષે દુષ્કાળ પડ્યો. ખેડૂતવર્ગ દુ:ખી હતો. અનાજ અને ઘાસચારાની તંગી સાથે ગમે તે રીતે આગામી ચોમાસા સુધી દિવસો પસાર કરવાના હતા. રાજા પણ દુ:ખી હતો; પ્રજાના દુ:ખે નહિ, પણ પોતાના દુ:ખે. મહેલના ભંડારમાં અનાજ તો ઘણું હતું, પણ લશ્કરનાં પ્રાણીઓને શું ખવડાવવું તેની વિમાસણ હતી. મંત્રીઓને ઉપાય બતાવવા બોલાવ્યા. બધા મંત્રીઓને આપસમાં ચર્ચા કરવાની જરૂર પણ ન પડી અને બધાયે એક જ અવાજે કહી દીધું, ‘રાજ્યના દરેક ગામને એક એક પ્રાણીની જવાબદારી સોંપી દેવામાં આવે. વરસાદ થયેથી એ પ્રાણીઓને પાછાં મંગાવી લઈશું.’
‘શાબાશ છે, બધાને. મને આ કેમ ન સૂઝ્યું?’ રાજા ઉવાચ.
* * *
બીજા દિવસે લશ્કરના સિપાઈઓએ ગામેગામે હાથીઘોડા પહોંચાડી દીધા. સત્તા આગળ શાણપણ નકામું ન્યાયે બિચારા ખેડૂતોએ મનેકમને રાજાની આજ્ઞા માથે ચઢાવી. પરંતુ એક ગામના આગેવાને નમ્રતાપૂર્વક સેનાપતિને જણાવ્યું કે ‘દુષ્કાળ રાજાના મહેલ પૂરતો મયાદિત નથી, અમારે પણ દુષ્કાળ છે. તમારા હાથીને અમારે શું ખવડાવવું, જ્યાં અમારાં ઢોરઢાંખર મરી રહ્યાં હોય?’
’એ તમારે જોવાનું છે. અમે તો રાજાના હૂકમનું પાલન કરી રહ્યા છીએ અને તમારે પણ તેમના હૂકમનું પાલન કરવું જોઈએ.’
‘ભલે. ગામના પાદરે હાથીને બાંધી દો. અમારા આખા ગામની જવાબદારી છે. વારા પ્રમાણે સૌ કોઈ હાથીને ઘાસચારો અને દાણ નિરશે અને પાણી પણ પાશે. પાદરેથી પસાર થતા દરેક ગ્રામજન તેને પંપાળશે અને વ્હાલ પણ કરશે.’
* * *
સેનાપતિના ગયા પછી પેલા આગેવાને ગામના પાદરે ગ્રામસભા બોલાવી. આગેવાને ઉપાય સૂચવ્યો કે આપણે બાજુના રાજ્યના રાજાને આ હાથી વેચી દઈએ અને એ જ જગ્યાએ મોટા તગડા કોળ ઉંદરને બાંધી દઈએ. બધાંએ તેને દૂધ આપવાનું, ઘી ચોપડેલા રોટલા ખવડાવવાના અને શક્ય તેટલો વધારે તેને અઠ્ઠોકઠ્ઠો બનાવવાનો. સેનાપતિ જ્યારે હાથી લેવા આવે ત્યારે છોકરાં સહિત આખા ગામે હું તમને કહું તે પ્રમાણે દરેકે બોલવાનું અને કોઈનો જવાબ જુદો ન પડવો જોઈએ. બધાંએ આગેવાનની વાત કબૂલ રાખી અને હાથીને જોડેના રાજ્યના રાજાને વેચી દીધો. તેનાં જે નાણાં આવ્યાં તે નગરશેઠના ત્યાં અનામત મૂકી દીધાં.
* * *
બધાંના નસીબે ચોમાસું બેસતાં જ સારો વરસાદ થયો. સેનાપતિ ચારેક સિપાઈઓ સાથે હાથીનો કબજો લેવા આવ્યો. આખું ગામ પાદરે એકઠું થઈ ગયું. આગેવાને કહ્યું, ‘સારો વરસાદ થઈ ગયો છે એટલે અમે તો તમારી રાહ જ જોતા હતા. લ્યો બાપલિયા, તમારા હાથીને સંભાળી લ્યો.’ એમ કહીને તેમણે પેલા કહેવાતા હાથી તરફ આંગળી ચીંધી.
‘એ પટલિયા, કાંઈ ભાંગ પીધી છે કે શું? મને મૂર્ખ ન સમજતા. અમારો હાથી ક્યાં છે?’
‘અરે સાહેબ, આ જ તો હાથી છે.’
સેનાપતિએ એક માજીને પૂછ્યું, ‘માજી, આ કાકાની ચસકી છે. તમે જ કહો કે આ કોળ ઉંદર છે કે હાથી?’
’શાયબ, આવો ગાંડો સવાલ કેમ પૂછો છો? હાથી જ છે તો વળી!’
સેનાપતિ અકળાયો અને બોલ્યો, ‘માજી, આટલાં વરહ ક્યાં કાઢ્યાં? તમને ઉંદરને હાથી કહેતાં શરમ ન આવી? હાથી તો કેટલો મોટો હોય, તેનું તમને ભાન છે કે નહિ?’
માજી પેલા આગેવાન તરફ ફરીને બોલ્યાં, ‘પરથીભાઈ, હાથી કેમ નાનો થઈ ગયો તે આ સાહેબને સમજાવો.’
પરથીકાકાએ કહ્યું, ’સેનાપતિ સાહેબ, યાદ કરો કે તમે હાથી સોંપવા આવ્યા હતા ત્યારે મેં નહોતું કહ્યું કે પાદરેથી પસાર થતા દરેક ગ્રામજન તેને પંપાળશે અને વ્હાલ પણ કરશે. સાહેબ, આવડું મોટું ગામ અને દરેક જણ રોજ બેત્રણ વખત હાથીને પંપાળે પછી ઘસાઈ ઘસાઈને નાનો જ થઈ જાય ને!’
‘બે ઘડી તમારી વાત માની લઈએ, પણ જરા તમે કહેશો કે તેની સૂંઢ ક્યાં ગઈ? પણ હા, તમે જવાબ ન આપતા, આ છોકરાને પૂછું છું.’
છોકરાએ જવાબ આપ્યો, ‘એ તો સાહેબ, અમે બધા છોકરા સૂંઢ પકડીને હીંચતા હતા; એટલે બેએક મહિનામાં સૂંઢ નીકળી ગઈ હતી!’
સૈનિકો ખડખડાટ હસી પડ્યા. સેનાપતિએ ગુસ્સામાં ‘ખામોશ’ કહ્યું અને પેલા ભોંઠા પડ્યા.
સેનાપતિએ ધમકીભર્યા અવાજે ઘૂમટો તાણીને ઊભેલી એક યુવાન સ્ત્રીને પૂછ્યું, ‘બહેન, તમે જવાબ આપશો કે હાથીની પૂંછડી તો ટૂંકી હોય અને આને તો લાંબી છે!’
પેલી બહેને જવાબ આપ્યો કે ‘છોકરાં હાથીની પૂંછડી પકડીને ખેંચતાં હતાં ત્યારે મેં કહેલું કે નખોદિયાંઓ તેની સૂંઢની જેમ તેની પૂંછડીને પણ ખેંચી કાઢશો તો બિચારો બાંડિયો લાગશે અને રાજાસાહેબ ગુસ્સે થશે. પરંતુ તમારા હાથીની પૂંછડી એવી તો મજબૂત નીકળી કે તે લાંબી થઈ ખરી, પણ મૂળમાંથી તૂટી નહિ.’
સેનાપતિ તો ગુસ્સામાં આવીને માથાના વાળ પીંખતા કહ્યું, ‘આખું ગામ સંગઠિત થઈ ગયું છે. એ બુઢ્ઢા, તમે લોકોએ હાથીને વેચી માર્યો લાગે છે. તમને ખબર છે કે તમારા ઉપર રાજદ્રોહનો ગુનો લાગશે અને તેની સજા ફાંસી જ છે.’
‘જુઓ સાહેબ, મને બુઢ્ઢો કહીને અપમાનિત કરશો નહિ. હું આ ગામનો મુખી છું. મને એરેસ્ટ કરીને રાજાસાહેબ સામે ઊભો કરી દો. હું તેમને જવાબ આપીશ. તમે અમારા આખા ગામને ખોટું સાબિત કરી રહ્યા છો. અમારે નાછૂટકે તમારા વિરુદ્ધ અમારી બદનક્ષી માટે રાજાસાહેબને ફરિયાદ કરવી પડશે.’
* * *
રાજાનો દરબાર નગરજનોથી ખીચોખીચ ભરાયેલો હતો. રાજાએ પરથીકાકાને કહ્યું કે, ‘તમે સાચેસાચું કહી દેશો તો તમને કોઈ સજા કરવામાં નહિ આવે. વળી તમે હાથીનું શું કર્યું, વેચી માર્યો?’
’હા, હજુર. અમે પહેલા દિવસે જ બાજુના રાજ્યના રાજાને એ હાથી વેચી દીધો હતો અને તેનાં નાણાં અમારા નગરશેઠને સહીસલામત અનામત તરીકે સોંપી દીધાં હતાં. એ શેઠ સાહેબ હાલ એ નાણાં સાથે લઈને જ આવ્યા છે. આપ હૂકમ કરો અને તરત જ એ નાણાં આપને સોંપી દઈશું.’
’હવે તમે મને જવાબ આપશો કે તમારે આમ કેમ કરવું પડ્યું?’
‘આપ નામદાર સેનાપતિ સાહેબને પૂછો કે તેઓ હાથી સોંપવા આવ્યા, ત્યારે અમે શું કહ્યું હતું?
સેનાપતિએ કહ્યું, ‘હા નામદાર. એમણે કહેલું દુષ્કાળની અસર આખા રાજ્યમાં છે. અમારાં ઢોર ઘાસચારા વગર મરી રહ્યાં હોય, ત્યાં અમે હાથીને ક્યાંથી ખવડાવી શકીશું?’
રાજાએ ચુકાદો આપતાં કહ્યું કે ‘મુખીની વાત સાચી છે. અમારે પ્રજાજનોને આવી ફરજ પાડવી જોઈતી ન હતી. મુખીને અને ગામને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. હાથી વેચતાં ઉપજેલાં નાણાં ગામને બક્ષિસ કરવામાં આવે છે, જેનો તે સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરી શકે છે, દરબારના વિસર્જનની જાહેરાત કરવામાં આવે છે.’
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે -
બાણશૈયા
પદ્મજા વસાવડા
પ્રાતઃકાલનો નિત્યક્રમ પરવારી પૂજાપાઠ કરી, મીરાંબેન રસોડામાં કામે લાગ્યા. ત્યાં જ ફોન રણક્યો. સવારમાં કોનો ફોન હશે ?” તેમ વિચારી ફોન હાથમાં લીધો. ત્યાં તો ઉષાબેનનો અવાજ .”મીરાંબેન ,એક બહુ માઠા સમાચાર છે. કલાબેન, આજે સવારના અચાનક ગુજરી ગયા. બપોરે ત્રણ વાગ્યે તેમની અંતિમ યાત્રા છે.”
” ઓહ ! અચાનક શું બની ગયું ?” મીરાંબેનનો અવાજ તરડાઈ ગયો. નીરવનો ફોન હતો કે,” મમ્મી બે દિવસ પહેલાં બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર પછી કૉમામાં જતા રહ્યા હતા અને અત્યારે વિદાય લઈ લીધી.”
“અમે તેમને ઘેર પહોંચશું. તમે આવો છો ને ?” મીરાંબેન ડૂસકાં સાથે ફોન મૂકી દીધો. અને તેમની નજર સામે ચિત્રપટની જેમ ભૂતકાળ સરવા માંડયો.
મીરાંબેન લગ્ન કરીને આવ્યા, ત્યારે કલાબેન તેમનાથી માત્ર બે વર્ષ નાના. તેથી બંને વચ્ચે કાકી ભત્રીજી કરતાં, સખીભાવ વધુ. બંને ખૂબ આનંદથી રહેતા. કલાબેન થોડા સ્પષ્ટવક્તા અને મોંફાટ ખરા. તેથી ક્યારેક કોઈને દુઃખ થાય તેવું વર્તન કરે. પરંતુ મીરાંબેનમાં તો નામ પ્રમાણે ગુણ. તેઓ કદી કોઈ વાતનો તંત ન રાખે. ત્યારબાદ કલાબેનનાં લગ્ન, ખૂબ સાધન સંપન્ન પરિવારમાં થયા. કીર્તિભાઈ પણ સરકારી ક્ષેત્રમાં સારી નોકરીમાં હતા. ધીમે ધીમે કલાબેન પણ તેમના સાસરિયાંમાં અને સંસારમાં ગૂંથાઈ ગયાં. વાર-તહેવારે પ્રસંગે ,કાકી ભત્રીજી મળતાં. અને જૂનાં સંસ્મરણો વાગોળતાં. કેટલાંક વર્ષો વીત્યા અને કીર્તિભાઈને બહુ મોટા હોદ્દા ઉપર તેમના શહેરમાં બદલી મળી. તેથી ફરી કાકી ભત્રીજી અવારનવાર મળતા. સૌથી મોટો બદલાવ જો થયો હોય , તો બંનેની આર્થિક પરિસ્થિતિમાં. કીર્તિભાઈના હોદ્દાને અનુરૂપ તેમનો સમાજમાં પણ ખૂબ મોભો હતો. અને કલાબેન પણ એક અધિકારીના પત્નીના દરજ્જે, ખૂબ જાહોજલાલીમાં રહેતા. જ્યારે મીરાંબેનની સ્થિતિ સામાન્ય મધ્યમવર્ગની હતી ,તેમ છતાં મીરાંબેનને તે બાબતનો કદી રંજ નહોતો. કલાબેનની વર્તણૂંકમાં ક્યારેક સત્તાનું ગુમાન ડોકિયાં કરી જતું .પરંતુ કીર્તિભાઈના વ્યવહારમાં કદી પદનો મદ ન દેખાય. તદ્દન ઊંચી માટીના માનવી !
એક દિવસ અચાનક આ રીતે જ ફોન આવ્યો કે કીર્તિભાઈ ખુરશીમાં બેઠા હતા અને હાર્ટ એટેક આવ્યો. ત્યાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. ” ઓહ ! હું શું વિચારમાં પડી ગઈ !! ” મીરાંબેન સ્વસ્થ થયાં. ત્યાં જ મહેશભાઈ લાઇબ્રેરીમાંથી પાછા ફર્યા. મીરાંબેનને અવાચક જોઈને તરત જ પૂછ્યું . ” શું થયું ? અને મીરાંબેન ભાંગી પડ્યાં. કલાબેનના સમાચાર આપ્યા.અને સાંભળતા જ મહેશભાઈ પણ ,” હે ! શું કહો છો ?” કહી ભત્રીજીના દુઃખદ અવસાનથી દ્રવી ઉઠ્યા. બંને , કલાબેનની અંતિમ યાત્રામાં જવું કે ન જવું તેની અવઢવ સાથે ભૂતકાળમાં સરી પડ્યાં.
કીર્તિભાઈના અવસાન બાદ કલાબેનને મહેશભાઈ – મીરાંબેને કાકા- કાકી તરીકે ઘણી હૂંફ આપી. ફરી સ્વસ્થ થયા. થોડા સમયમાં તેમણે તેમના દીકરા નીરવના લગ્ન લીધાં. મોટાં ઘરનાં લગ્ન. અને કલાબેન પાસે તેમના જૂના સોનાના દાગીના પણ ઘણાં. મીરાંબેનની પડોશમાં દામજીભાઈ રહે. તેમની દુકાન પણ નજીક જ હતી. અને તેમને સારો સંબંધ. તેથી કલાબેન કહે, ” કાકી, તમે મારી સાથે આવશો? કોઈ જાણીતા સોની હોય તો સારું રહે. મારું જૂનું સોનું બધું સારું છે. મારે થોડા ફેરફાર કરાવવાના છે. ” મીરાંબેનને તો કદી સોનુ ખરીદવાનો પ્રશ્ન જ ન હતો. જ્યાં આવકમાં માંડ બે છેડા ભેગા થતા હોય ! વળી મહેશભાઈ પણ હંમેશા,” અંતે તો હેમનું હેમ હોયે.” એ કહી કદી સોનાનો મોહ ન રાખે.
દામજીભાઈ સાથે કલાબહેને વાતચીત કરી. તેમના દાગીના ફેરફાર કરાવવા આપ્યા. થોડા દિવસ બાદ જ્યારે તેમના દાગીના પાછા લેવા આવ્યા, ત્યારે બધું ચકાસ્યા બાદ કલાબેન કહે,” આમાં મારું એક કડું ઓછું છે.”
દામજીભાઈ કહે. “બેન તમે મને આપ્યું જ નથી.” અને તેમાં વાત ઉગ્ર થઈ. કલાબેને તેમની પ્રતિષ્ઠાનાં બળે પોલીસ કેસ કર્યો. અને તેમાં મીરાંબેનને પણ પોલીસ કચેરીમાં બોલાવ્યા. અને તેઓ પણ આ કડાની ચોરીમાં દામજીભાઈ સાથે ભાગીદાર છે ,તેવો આક્ષેપ મુકયો.
દામજીભાઈએ પણ પોલીસને કહ્યું.” બેનની કંઈક ભૂલ થાય છે. હું આટલા વર્ષથી આ ધંધો કરું છું અને મારી પણ બજારમાં શાખ છે. એક કડાં માટે હું આવું કરું ?” પોલીસ પણ પરિસ્થિતિ પામી ગયા .તેમને કહ્યું. ” સત્તા આગળ શાણપણ નકામું .” તમે તેમને તેમના કડાંની કિંમતના પ્રમાણમાં પૈસા ચૂકવી દો. અને કેસ બંધ કરો .”દામજીભાઈ એ પણ તેમાં ડહાપણ માની, તેમ કર્યું. અને મીરાંબેનની પણ માફી માંગી. ” બેન તમારી જેવા દેવી માથે આવું આળ આવ્યું, બદલ હું તમારી માફી માગું છું.”
આ બનાવથી આટલા વર્ષોના મધુરા સંબંધ ઉપર પાણી ફરી વળ્યું. મહેશભાઈ અને મીરાંબેનને ઘેરો આઘાત લાગ્યો. તેમના પુત્રો, વિશાલ અને રાહુલનું યુવા લોહી પણ ઉકળી ઉઠ્યુ .પરંતુ મહેશભાઈ અને મીરાંબેનની સહિષ્ણુતાએ તેમને શાંત પાડ્યા. નીરવના લગ્ન પણ રંગેચંગે ઊજવાઈ ગયા. કલાબેનને ગેરહાજરી માત્ર નિકટના સગા કાકા -કાકીની જ રહી. નીરવના લગ્નને એક માસ પણ પૂરો ન થયો ,ત્યાં આ દુઃખદ સમાચાર જાણી દરેકને આંચકો લાગ્યો !
કચવાતે હૈયે અને ભારે પગલે, મહેશભાઈ અને મીરાંબેન કલાબેનની અંતિમક્રિયા સમયે પહોંચ્યાં. દરેકની નજર તેમને વીંધી નાખતી હતી .એક બહેને તો મીરાંબેનને જોઈને, બાજુમાં બેઠેલા બહેનને કહ્યું પણ ખરું.” કલાબેનનુ કડું ચોરી લીધું હતું ને ,એ આ કલાબેનના કાકી છે. ”
અને મીરાંબેનના પગ નીચેથી,જાણે જમીન સરકી ગઈ ! પ્રસંગની ગંભીરતા સમજ, તેઓ સદ્ગતને વંદન કરી પાછા ફર્યાં .પરંતુ તેમના હૃદયમાં જીવનભરનો કાંટો ખૂંચી ગયો.
કલાબેનના મૃત્યુબાદની અંત્યેષ્ટિ પત્યા બાદ ,થોડા દિવસ થયા અને અચાનક તેમનો પુત્ર નીરવ અને પુત્રવધૂ નિશા મહેશભાઈને ઘેર આવ્યા. તેમને આવેલા જોઈ, ગુસ્સે થવું કે આવકારવા તે વિચારતા હતા, ત્યાં જ બંને આવીને પગે લાગ્યા. અને કહે કે,” અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મમ્મીનાં ગયા પછી અમે મમ્મીનો કબાટ ગોઠવતા હતા તેમાંથી મમ્મીની ડાયરી મળી. તેમણે છેલ્લાં પાનાં ઉપર લખ્યું છે.” આજે હું કબાટ સાફ કરતી હતી ત્યાં મને પેલું ખોવાયેલું કડું મળ્યું છે. મને આજે મારી જાત પર તિરસ્કાર આવે છે, કે મેં મારી સંપત્તિના મદને કારણે, મારા નરસિંહ મહેતા જેવા કાકા અને દેવી જેવા કાકી ઉપર આટલું મોટું આળ મૂક્યું ! કાલે જ તેમની પાસે જઈને માફી માંગી લઈશ .”
“પણ એ લખ્યાં પછી જ તેમનું બ્લડપ્રેશર ઘણું વધી ગયું હશે અને બાથરૂમમાં જ પડી ગયાં. અમને કાંઈ કહી શક્યા ન હતા. તમને એટલી જ વિનંતી કરીએ છીએ કે જો તમે હૃદયપૂર્વક માફી આપશો તો મમ્મીના સદ્ગત્ આત્માને શાંતિ મળશે.
આ સાંભળતાં જ મીરાંબેનનાં ધ્રુસ્કાંનો પાર ન રહ્યો. ઈશ્વરે પોતાની હયાતીમાં જ તેમને નિર્દોષ સાબિત કર્યા ! પણ જો કલાબેન હયાત હોત તો બંને પરસ્પર ભેટીને માફ કરી શક્યા હોત !
મીરાંબેનના હૃદયમાં એક જ પ્રશ્ન વારંવાર ઊઠે છે કે સમાજને આ સત્ય કોણ કહેશે ??
-
પ્રમોશન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આજે શામનાથનું ઘર આખો દિવસ જાણે ધાંધલથી ધમધમતું રહ્યું. શામનાથની પત્ની સાંજની મિજબાનીની તૈયારીમાંથી માંડ પરવાર્યા હતાં. શામનાથ પણ અજંપામાં આમથી તેમ, એક રૂમમાંથી બીજા રૂમમાં વ્યર્થ આંટા મારતા રહ્યા.
અંતે સાંજના પાંચેક વાગ્યા સુધીમાં બધી તૈયારી સંપૂર્ણ થઈ. પાછળ બહારની ઓસરીમાં ટેબલ, ખુરશી, ફૂલદાની, વગેરે ગોઠવાઈ રહ્યું હતું. અચાનક શામનાથના મનમાં માનો વિચાર આવ્યો અને એ આંટા મારતા અટકી ગયા.
“મા….એનું શું કરીશું?”
“એમને એમની સખીના ત્યાં મોકલી દઈએ. ભલે કાલ સુધી ત્યાં રહેતાં.” વ્યવહારદક્ષ પત્નીએ રસ્તો કાઢ્યો.
“ના ભઈ ના, હું નથી ઇચ્છતો કે એ ડોસીની આપણાં ઘરમાં ફરી આવનજાવન શરૂ થાય. એનાં કરતાં માને કહી દઈએ કે મહેમાન આવે એ પહેલાં જમીને પાછળની કોઠીમાં જતી રહે.”
“હા, પણ એ ઊંઘી ગયાં તો એમના નસકોરાં બહાર સુધી સંભળાશે એનું શું?” શામનાથ કરતા પત્ની વધુ ચોક્કસ હતી.
“એને કહી દઈશું કે ઊંઘવાના બદલે ખુરશીમાં બેઠી રહે. કોઠી બંધ કરીને બહારથી તાળું મારી દઈશું.”
વાત જાણે એમ હતી કે શામનાથે એમના ચીફને આજે દાવત પર બોલાવ્યા હતા. આ બધું કરવા પાછળનો આશય પ્રમોશનનો હતો. ચીફ મહેમાનગતિ માણીને ખુશ થાય તો પ્રમોશન પાક્કું હતું.
પણ આખી વાતમાં મા નડતી હતી. ઘરમાં વચ્ચે ન નડે એટલે સાંજ પડે પાછળની ઓસરીમાં એ બેસતી પણ આજે એની એ ટેવ નડવાની હતી. બીમારીમાંથી ઊઠ્યા પછી એનાં નસકોરાંનો અવાજ વધુ મોટો થતો જતો હતો એ પણ નડવાનો હતો. જે આજે કોઈ હિસાબે ચલાવી લેવાય એમ નહોતો.
ચીફની સાથે અન્ય આઠ-દસ ઑફિસર અને એમની પત્નીઓ પણ હશે. ભૂલથી પણ જો મા કોઈની નજરે ચઢી તો શું ઇજ્જત રહેશે એની ફડક શામનાથને સતાવતી હતી.
“આજે તું વહેલી જમી લેજે. ઓસરીમાં એક ખૂણે ખુરશી નાખીને બેસી રહેજે. પગ નીચે લટકતાં રાખીને બેસજે, આ આમ પગ ઉપર લઈને બેસે છે એમ ના બેસતી પાછી. રાતનો સમય થાય ત્યારે પાછળની કોઠીમાં જતી રહેજે અને ત્યાંય બેસી રહેજે, તારા નસકોરાંનો અવાજ બહાર ના આવે એટલે જાગતી રહેજે, ઊંઘતી નહીં. અને હા, આ તારી ખટક ખટક કરતી પાવડીઓ પહેરીને ચાલીશ નહીં. એને તો એક દિવસ હું ફેંકી જ દેવાનો છું. બીજી વાત, કપડાં કયા પહેરીશ?”
“તું કહીશ એ પહેરીશ બેટા.” ઘરમાં ચાલતી ધમાલ પરથી સમજી ગયેલી મા પાસે શરણાગતિ સિવાય બીજો રસ્તો નહોતો.
આજની બધી વ્યવસ્થા શામનાથે પોતાને હસ્તક રાખી હતી. શું રસોઈ બનાવવી, ક્યાં શું ગોઠવવું, બારી પર કયા રંગના પરદા લગાવવાનાથી માંડીને પત્નીએ શું પહેરવાનું, એ બધી ચીવટ એમણે રાખી હતી. માને પણ જરા ઢંગના સફેદ કુરતા-પાયજામાની સાથે ચૂડીઓ પહેરવાનું કહી દીધું. મા પાસે શું હતું એની શામનાથને ક્યાં ખબર હતી? બસ કહી દીધું.
“ચૂડી ક્યાંથી લાવું? તને ખબર તો છે કે બધા દાગીના તો તારા ભણતર પાછળ વેચાઈ ગયા છે.”
શામનાથને તીરની જેમ આ શબ્દો વાગ્યા પણ ઉપરથી કડકાઈ બતાવતા બોલ્યા, “વળી પાછો ક્યાં આ નવો રાગ છેડ્યો? દાગીના નથી એમ સીધે સીધું કહી દેવાનું અને એ વેચ્યાં તો નકામા તો નથી ગયાં ને? કંઈક બનીને આવ્યો છું.”
મા લાચાર હતી. પણ બધું સમજતી હતી. અંતે તો દીકરાના પ્રમોશનની વાત હતી ને?
“અને હા, જો સાહેબ આવે ત્યારે શાંતિથી, સરખી રીતે સમજીને જવાબ આપજે. પૂતળું બનીને બેસી ના રહેતી.”
“એના કરતાં પહેલેથી તારા સાહેબને કહી દેજે ને કે મા અભણ છે, એ કંઈ સમજતી કે જાણતી નથી એટલે કશું પૂછે જ નહીં.” ગરીબડી મા વધુ ગભરાઈ. ઑફિસરને જોઈને તો અમસ્તોય એને સંકોચ થતો અને આ તો પાછો અમેરિકન ઑફિસર. ભૂલથીય ભૂલ થઈ જાય તો દીકરાનું પ્રમોશન રોકાય.
ઢગલાબંધ સૂચનાઓ આપીને શામનાથ તૈયાર થવા ચાલ્યા અને મા મ્હોં વકાસીને જોઈ રહી.
*******
એક પછી એક મહેમાનો આવવા લાગ્યાં. પાર્ટીનો દોર શરૂ થયો. જામ પર જામ ખાલી થતાં રહ્યાં. અંતે જમવાનો સમય થયો અને શામનાથે મહેમાનોને પાછળ ઓસરી તરફ દોર્યા. એ તરફ જતા એમનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
સૂચના આપ્યા પછીય મા કોઠરીમાં જવાના બદલે પગ ખુરશીની ઉપર ચઢાવીને બેઠી હતી. આછી ઊંઘમાં સરી ગયેલી માનું માથું ડાબે-જમણે ઝૂલતું હતું. અધ ખુલ્લા મ્હોંમાંથી નસકોરાંનો અવાજ આવી રહ્યો હતો. થોડા ઘણાં રહી ગયેલા વાળને બાંધ્યા પછી પણ છૂટીને વિખેરાઈ ગયા હતા.
એ જોઈને ક્રુધ્ધ થયેલા શામનાથને થયું કે માને એક ધક્કે ઊઠાડી દે પણ મહેમાનોની હાજરીમાં એમ કરવાથી એમની શોભા ઓછી થતી હતી.
માને આવી સ્થિતિમાં જોઈને અન્ય ઑફિસરની પત્નીઓ હસી પડી. ત્યાંથી પસાર થતાં ચીફથી બોલાઈ ગયું, “Poor dear.” શામનાથ ક્ષોભથી સંકોચાઇ ગયા.
અવાજથી હડબડાઈને જાગી ગયેલી મા દીકરા કરતાંય વધુ ભોંઠપ અનુભવી રહી. જાતને માંડ સંભાળતી એ ઊભી થઈ પણ પગ ડગમગી ગયાં. હાથ ધ્રુજવા માંડ્યા. ચીફના નમસ્તેનો જવાબ ના આપી શકી. બોલવાના ફાકા પડવા માંડ્યા.
“હાઉ ડૂ યુ ડૂ.” ચીફે સલૂકાઈથી પૂછ્યું.
શામનાથે શીખવાડ્યું એમ બોલવા ગઈ, “હો ડૂ યુ ડૂ.” .
વળી હસાહસ અને શામનાથન કાપો તો લોહી ના નીકળે એવી દશામાં આવી ગયા.
“મારી મા ગામડાની છે. ઉંમરભર ગામમાં રહી છે એટલે તમારાથી શરમાય છે.” શામનાથે ગળાની નીચે માંડ થૂંક ઉતારતા બોલ્યા.
સાંભળીને ચીફ ખુશ ખુશ.
“અરે, મને ગામડાના લોકો બહુ ગમે, તમારી મા ગીતો ગાતી હશે, નાચતી પણ હશે ને?”
ભોંઠપ અનુભવતા શામનાથ માટે આ તો એક પછી એક આંચકા હતાં. ચીફની ઇચ્છા, ફરમાઈશને કેમ ટાળી શકાય? ચીફની ખુશી પર પ્રમોશનનો આધાર હતો. કચવાતા મને માને ગીત ગાવા કહ્યું.
માએ જે આવડ્યું એ, જેવું આવડ્યું એ ગીત ગાયું. ઑફિસરની પત્નીઓ ખુશ. ચીફ તો તાળીઓ પાડતા અટકતા નહોતા. માનો તો ભારે વટ પડી ગયો. એ જોઈને શામનાથની ચીઢ પ્રસન્નતામાં પલટાવા માંડી. ખુશીથી ચહેરો ખીલી ઊઠ્યો.
હવે ચીફને પંજાબની હસ્તકલા વિશે જાણવાની ઇચ્છા થઈ. બહુ રાજીખુશીથી શામનાથે પંજાબી હસ્તકલાના વિવિધ સેટ ચીફને ભેટ આપવાની તૈયારી દર્શાવી પણ ચીફને ઘરની સ્ત્રીઓએ સ્વહસ્તે બનાવેલી ચીજોમાં રસ હતો. માએ સ્વહસ્તે ફૂલોનું ભરત ભરેલી જૂનું થઈ ગયેલું ફુલકારી કામ બતાવ્યું. ચીફને એ ફુલકારી કામ બહુ ગમ્યું.
શામનાથે મા તરફથી ફુલકારી કામ કરેલી ભેટ ચીફને આપવાની રાજીખુશીથી સંમતિ આપી પછી, ભલેને માને આંખે ઓછું દેખાય કે કોઈ તકલીફ પડે એની શામનાથને ક્યાં ચિંતા હતી? અત્યારે તો મહત્વનું હતું એમનું પ્રમોશન. શામનાથે માની લીધું કે મા દીકરા માટે આટલું તો કરે જ ને!
હવે મહેમાનો જમવાના ટેબલ તરફ ગયાં. મા આસ્તેથી પાછળની કોઠરીમાં સરી ગઈ. દરવાજો બંધ કરીને રડી પડી. રખેને એની કોઈ ભૂલથી દીકરાની નોકરી, પ્રમોશનમાં કોઈ બાધ ન આવે એના માટે ઈશ્વરને પ્રાર્થી રહી.
મોડી રાત્રે સૌ વેરાયા. અડધી રાત્રે એના રૂમનો દરવાજો ખખડ્યો. નશામાં ઝૂલતા શામનાથ આવીને માને વળગી પડ્યા.
આજ સુધી જે મા દીઠી સહન નહોતી થતી એ મા આજે અતિ મહત્વની બની ગઈ. આજ સુધી હરદ્વાર જવા માંગતી માને હવે તો કોઈ કાળે હરદ્વાર જવા દેવાય એમ હતી નહીં કારણકે મા ચીફ માટે જે ફુલકારી કામ કરવાની હતી એ જોવા ચીફ આવતા રહેવાના હતા.
પ્રમોશનનો આધાર ચીફના રાજીપા પર હતો ને!
ભીષ્મ સાહનીની ‘चीफ की दावत’ વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
