વલીભાઈ મુસા
આઝાદી પહેલાંનાં દેશી રજવાડાં પૈકીના એક રજવાડાની આ વાત છે. એ વર્ષે દુષ્કાળ પડ્યો. ખેડૂતવર્ગ દુ:ખી હતો. અનાજ અને ઘાસચારાની તંગી સાથે ગમે તે રીતે આગામી ચોમાસા સુધી દિવસો પસાર કરવાના હતા. રાજા પણ દુ:ખી હતો; પ્રજાના દુ:ખે નહિ, પણ પોતાના દુ:ખે. મહેલના ભંડારમાં અનાજ તો ઘણું હતું, પણ લશ્કરનાં પ્રાણીઓને શું ખવડાવવું તેની વિમાસણ હતી. મંત્રીઓને ઉપાય બતાવવા બોલાવ્યા. બધા મંત્રીઓને આપસમાં ચર્ચા કરવાની જરૂર પણ ન પડી અને બધાયે એક જ અવાજે કહી દીધું, ‘રાજ્યના દરેક ગામને એક એક પ્રાણીની જવાબદારી સોંપી દેવામાં આવે. વરસાદ થયેથી એ પ્રાણીઓને પાછાં મંગાવી લઈશું.’
‘શાબાશ છે, બધાને. મને આ કેમ ન સૂઝ્યું?’ રાજા ઉવાચ.
* * *
બીજા દિવસે લશ્કરના સિપાઈઓએ ગામેગામે હાથીઘોડા પહોંચાડી દીધા. સત્તા આગળ શાણપણ નકામું ન્યાયે બિચારા ખેડૂતોએ મનેકમને રાજાની આજ્ઞા માથે ચઢાવી. પરંતુ એક ગામના આગેવાને નમ્રતાપૂર્વક સેનાપતિને જણાવ્યું કે ‘દુષ્કાળ રાજાના મહેલ પૂરતો મયાદિત નથી, અમારે પણ દુષ્કાળ છે. તમારા હાથીને અમારે શું ખવડાવવું, જ્યાં અમારાં ઢોરઢાંખર મરી રહ્યાં હોય?’
’એ તમારે જોવાનું છે. અમે તો રાજાના હૂકમનું પાલન કરી રહ્યા છીએ અને તમારે પણ તેમના હૂકમનું પાલન કરવું જોઈએ.’
‘ભલે. ગામના પાદરે હાથીને બાંધી દો. અમારા આખા ગામની જવાબદારી છે. વારા પ્રમાણે સૌ કોઈ હાથીને ઘાસચારો અને દાણ નિરશે અને પાણી પણ પાશે. પાદરેથી પસાર થતા દરેક ગ્રામજન તેને પંપાળશે અને વ્હાલ પણ કરશે.’
* * *
સેનાપતિના ગયા પછી પેલા આગેવાને ગામના પાદરે ગ્રામસભા બોલાવી. આગેવાને ઉપાય સૂચવ્યો કે આપણે બાજુના રાજ્યના રાજાને આ હાથી વેચી દઈએ અને એ જ જગ્યાએ મોટા તગડા કોળ ઉંદરને બાંધી દઈએ. બધાંએ તેને દૂધ આપવાનું, ઘી ચોપડેલા રોટલા ખવડાવવાના અને શક્ય તેટલો વધારે તેને અઠ્ઠોકઠ્ઠો બનાવવાનો. સેનાપતિ જ્યારે હાથી લેવા આવે ત્યારે છોકરાં સહિત આખા ગામે હું તમને કહું તે પ્રમાણે દરેકે બોલવાનું અને કોઈનો જવાબ જુદો ન પડવો જોઈએ. બધાંએ આગેવાનની વાત કબૂલ રાખી અને હાથીને જોડેના રાજ્યના રાજાને વેચી દીધો. તેનાં જે નાણાં આવ્યાં તે નગરશેઠના ત્યાં અનામત મૂકી દીધાં.
* * *
બધાંના નસીબે ચોમાસું બેસતાં જ સારો વરસાદ થયો. સેનાપતિ ચારેક સિપાઈઓ સાથે હાથીનો કબજો લેવા આવ્યો. આખું ગામ પાદરે એકઠું થઈ ગયું. આગેવાને કહ્યું, ‘સારો વરસાદ થઈ ગયો છે એટલે અમે તો તમારી રાહ જ જોતા હતા. લ્યો બાપલિયા, તમારા હાથીને સંભાળી લ્યો.’ એમ કહીને તેમણે પેલા કહેવાતા હાથી તરફ આંગળી ચીંધી.
‘એ પટલિયા, કાંઈ ભાંગ પીધી છે કે શું? મને મૂર્ખ ન સમજતા. અમારો હાથી ક્યાં છે?’
‘અરે સાહેબ, આ જ તો હાથી છે.’
સેનાપતિએ એક માજીને પૂછ્યું, ‘માજી, આ કાકાની ચસકી છે. તમે જ કહો કે આ કોળ ઉંદર છે કે હાથી?’
’શાયબ, આવો ગાંડો સવાલ કેમ પૂછો છો? હાથી જ છે તો વળી!’
સેનાપતિ અકળાયો અને બોલ્યો, ‘માજી, આટલાં વરહ ક્યાં કાઢ્યાં? તમને ઉંદરને હાથી કહેતાં શરમ ન આવી? હાથી તો કેટલો મોટો હોય, તેનું તમને ભાન છે કે નહિ?’
માજી પેલા આગેવાન તરફ ફરીને બોલ્યાં, ‘પરથીભાઈ, હાથી કેમ નાનો થઈ ગયો તે આ સાહેબને સમજાવો.’
પરથીકાકાએ કહ્યું, ’સેનાપતિ સાહેબ, યાદ કરો કે તમે હાથી સોંપવા આવ્યા હતા ત્યારે મેં નહોતું કહ્યું કે પાદરેથી પસાર થતા દરેક ગ્રામજન તેને પંપાળશે અને વ્હાલ પણ કરશે. સાહેબ, આવડું મોટું ગામ અને દરેક જણ રોજ બેત્રણ વખત હાથીને પંપાળે પછી ઘસાઈ ઘસાઈને નાનો જ થઈ જાય ને!’
‘બે ઘડી તમારી વાત માની લઈએ, પણ જરા તમે કહેશો કે તેની સૂંઢ ક્યાં ગઈ? પણ હા, તમે જવાબ ન આપતા, આ છોકરાને પૂછું છું.’
છોકરાએ જવાબ આપ્યો, ‘એ તો સાહેબ, અમે બધા છોકરા સૂંઢ પકડીને હીંચતા હતા; એટલે બેએક મહિનામાં સૂંઢ નીકળી ગઈ હતી!’
સૈનિકો ખડખડાટ હસી પડ્યા. સેનાપતિએ ગુસ્સામાં ‘ખામોશ’ કહ્યું અને પેલા ભોંઠા પડ્યા.
સેનાપતિએ ધમકીભર્યા અવાજે ઘૂમટો તાણીને ઊભેલી એક યુવાન સ્ત્રીને પૂછ્યું, ‘બહેન, તમે જવાબ આપશો કે હાથીની પૂંછડી તો ટૂંકી હોય અને આને તો લાંબી છે!’
પેલી બહેને જવાબ આપ્યો કે ‘છોકરાં હાથીની પૂંછડી પકડીને ખેંચતાં હતાં ત્યારે મેં કહેલું કે નખોદિયાંઓ તેની સૂંઢની જેમ તેની પૂંછડીને પણ ખેંચી કાઢશો તો બિચારો બાંડિયો લાગશે અને રાજાસાહેબ ગુસ્સે થશે. પરંતુ તમારા હાથીની પૂંછડી એવી તો મજબૂત નીકળી કે તે લાંબી થઈ ખરી, પણ મૂળમાંથી તૂટી નહિ.’
સેનાપતિ તો ગુસ્સામાં આવીને માથાના વાળ પીંખતા કહ્યું, ‘આખું ગામ સંગઠિત થઈ ગયું છે. એ બુઢ્ઢા, તમે લોકોએ હાથીને વેચી માર્યો લાગે છે. તમને ખબર છે કે તમારા ઉપર રાજદ્રોહનો ગુનો લાગશે અને તેની સજા ફાંસી જ છે.’
‘જુઓ સાહેબ, મને બુઢ્ઢો કહીને અપમાનિત કરશો નહિ. હું આ ગામનો મુખી છું. મને એરેસ્ટ કરીને રાજાસાહેબ સામે ઊભો કરી દો. હું તેમને જવાબ આપીશ. તમે અમારા આખા ગામને ખોટું સાબિત કરી રહ્યા છો. અમારે નાછૂટકે તમારા વિરુદ્ધ અમારી બદનક્ષી માટે રાજાસાહેબને ફરિયાદ કરવી પડશે.’
* * *
રાજાનો દરબાર નગરજનોથી ખીચોખીચ ભરાયેલો હતો. રાજાએ પરથીકાકાને કહ્યું કે, ‘તમે સાચેસાચું કહી દેશો તો તમને કોઈ સજા કરવામાં નહિ આવે. વળી તમે હાથીનું શું કર્યું, વેચી માર્યો?’
’હા, હજુર. અમે પહેલા દિવસે જ બાજુના રાજ્યના રાજાને એ હાથી વેચી દીધો હતો અને તેનાં નાણાં અમારા નગરશેઠને સહીસલામત અનામત તરીકે સોંપી દીધાં હતાં. એ શેઠ સાહેબ હાલ એ નાણાં સાથે લઈને જ આવ્યા છે. આપ હૂકમ કરો અને તરત જ એ નાણાં આપને સોંપી દઈશું.’
’હવે તમે મને જવાબ આપશો કે તમારે આમ કેમ કરવું પડ્યું?’
‘આપ નામદાર સેનાપતિ સાહેબને પૂછો કે તેઓ હાથી સોંપવા આવ્યા, ત્યારે અમે શું કહ્યું હતું?
સેનાપતિએ કહ્યું, ‘હા નામદાર. એમણે કહેલું દુષ્કાળની અસર આખા રાજ્યમાં છે. અમારાં ઢોર ઘાસચારા વગર મરી રહ્યાં હોય, ત્યાં અમે હાથીને ક્યાંથી ખવડાવી શકીશું?’
રાજાએ ચુકાદો આપતાં કહ્યું કે ‘મુખીની વાત સાચી છે. અમારે પ્રજાજનોને આવી ફરજ પાડવી જોઈતી ન હતી. મુખીને અને ગામને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. હાથી વેચતાં ઉપજેલાં નાણાં ગામને બક્ષિસ કરવામાં આવે છે, જેનો તે સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરી શકે છે, દરબારના વિસર્જનની જાહેરાત કરવામાં આવે છે.’
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે