પદ્મજા વસાવડા

પ્રાતઃકાલનો નિત્યક્રમ પરવારી પૂજાપાઠ કરી, મીરાંબેન રસોડામાં કામે લાગ્યા. ત્યાં જ ફોન રણક્યો. સવારમાં કોનો ફોન હશે ?” તેમ વિચારી ફોન હાથમાં લીધો. ત્યાં તો ઉષાબેનનો અવાજ .”મીરાંબેન ,એક બહુ માઠા સમાચાર છે. કલાબેન, આજે સવારના અચાનક ગુજરી ગયા. બપોરે ત્રણ વાગ્યે તેમની અંતિમ યાત્રા છે.”

” ઓહ ! અચાનક શું બની ગયું ?” મીરાંબેનનો અવાજ તરડાઈ ગયો. નીરવનો ફોન હતો કે,” મમ્મી બે દિવસ પહેલાં બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર પછી કૉમામાં જતા રહ્યા હતા અને અત્યારે વિદાય લઈ લીધી.”

“અમે તેમને ઘેર પહોંચશું. તમે આવો છો ને ?” મીરાંબેન ડૂસકાં સાથે ફોન મૂકી દીધો. અને તેમની નજર સામે ચિત્રપટની જેમ ભૂતકાળ સરવા માંડયો.

મીરાંબેન લગ્ન કરીને આવ્યા, ત્યારે કલાબેન તેમનાથી માત્ર બે વર્ષ નાના. તેથી બંને વચ્ચે કાકી ભત્રીજી કરતાં, સખીભાવ વધુ. બંને ખૂબ આનંદથી રહેતા. કલાબેન થોડા સ્પષ્ટવક્તા અને મોંફાટ ખરા. તેથી ક્યારેક કોઈને દુઃખ થાય તેવું વર્તન કરે. પરંતુ મીરાંબેનમાં તો નામ પ્રમાણે ગુણ. તેઓ કદી કોઈ વાતનો તંત ન રાખે. ત્યારબાદ કલાબેનનાં લગ્ન, ખૂબ સાધન સંપન્ન પરિવારમાં થયા. કીર્તિભાઈ પણ સરકારી ક્ષેત્રમાં સારી નોકરીમાં હતા. ધીમે ધીમે કલાબેન પણ તેમના સાસરિયાંમાં અને સંસારમાં ગૂંથાઈ ગયાં. વાર-તહેવારે પ્રસંગે ,કાકી ભત્રીજી મળતાં. અને જૂનાં સંસ્મરણો વાગોળતાં. કેટલાંક વર્ષો વીત્યા અને કીર્તિભાઈને બહુ મોટા હોદ્દા ઉપર તેમના શહેરમાં બદલી મળી. તેથી ફરી કાકી ભત્રીજી અવારનવાર મળતા. સૌથી મોટો બદલાવ જો થયો હોય , તો બંનેની આર્થિક પરિસ્થિતિમાં. કીર્તિભાઈના હોદ્દાને અનુરૂપ તેમનો સમાજમાં પણ ખૂબ મોભો હતો. અને કલાબેન પણ એક અધિકારીના પત્નીના દરજ્જે, ખૂબ જાહોજલાલીમાં રહેતા. જ્યારે મીરાંબેનની સ્થિતિ સામાન્ય મધ્યમવર્ગની હતી ,તેમ છતાં મીરાંબેનને  તે બાબતનો કદી રંજ નહોતો. કલાબેનની વર્તણૂંકમાં ક્યારેક સત્તાનું ગુમાન  ડોકિયાં કરી જતું .પરંતુ કીર્તિભાઈના વ્યવહારમાં કદી પદનો મદ ન દેખાય. તદ્દન ઊંચી માટીના માનવી !

એક દિવસ અચાનક આ રીતે જ ફોન આવ્યો કે કીર્તિભાઈ ખુરશીમાં બેઠા હતા અને હાર્ટ એટેક આવ્યો. ત્યાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. ” ઓહ ! હું  શું વિચારમાં પડી ગઈ !! ” મીરાંબેન સ્વસ્થ થયાં. ત્યાં જ મહેશભાઈ લાઇબ્રેરીમાંથી પાછા ફર્યા. મીરાંબેનને અવાચક જોઈને તરત જ પૂછ્યું . ” શું થયું ? અને મીરાંબેન ભાંગી પડ્યાં. કલાબેનના સમાચાર આપ્યા.અને સાંભળતા જ મહેશભાઈ પણ ,”  હે ! શું  કહો છો ?” કહી ભત્રીજીના દુઃખદ અવસાનથી દ્રવી ઉઠ્યા. બંને , કલાબેનની અંતિમ યાત્રામાં જવું કે ન જવું તેની અવઢવ સાથે ભૂતકાળમાં સરી પડ્યાં.

કીર્તિભાઈના અવસાન બાદ કલાબેનને મહેશભાઈ – મીરાંબેને કાકા- કાકી તરીકે ઘણી હૂંફ આપી. ફરી સ્વસ્થ થયા. થોડા સમયમાં તેમણે તેમના દીકરા નીરવના લગ્ન લીધાં. મોટાં ઘરનાં લગ્ન. અને કલાબેન પાસે તેમના જૂના સોનાના દાગીના પણ ઘણાં. મીરાંબેનની પડોશમાં દામજીભાઈ રહે. તેમની દુકાન પણ નજીક જ હતી. અને તેમને સારો સંબંધ. તેથી કલાબેન કહે, ” કાકી, તમે મારી સાથે આવશો? કોઈ જાણીતા સોની હોય તો સારું રહે. મારું જૂનું સોનું બધું સારું છે. મારે થોડા ફેરફાર કરાવવાના છે. ” મીરાંબેનને તો કદી સોનુ ખરીદવાનો પ્રશ્ન જ ન હતો. જ્યાં આવકમાં માંડ બે છેડા ભેગા થતા હોય ! વળી મહેશભાઈ પણ હંમેશા,” અંતે તો હેમનું હેમ હોયે.” એ કહી કદી સોનાનો મોહ ન રાખે.

દામજીભાઈ સાથે કલાબહેને વાતચીત કરી. તેમના દાગીના ફેરફાર કરાવવા આપ્યા. થોડા દિવસ બાદ જ્યારે તેમના દાગીના પાછા લેવા આવ્યા, ત્યારે બધું ચકાસ્યા બાદ કલાબેન કહે,” આમાં મારું એક કડું ઓછું છે.”

દામજીભાઈ કહે. “બેન તમે મને આપ્યું જ નથી.” અને તેમાં વાત ઉગ્ર થઈ. કલાબેને તેમની પ્રતિષ્ઠાનાં બળે પોલીસ કેસ કર્યો. અને તેમાં મીરાંબેનને પણ પોલીસ કચેરીમાં બોલાવ્યા. અને તેઓ પણ આ કડાની ચોરીમાં દામજીભાઈ સાથે ભાગીદાર છે ,તેવો આક્ષેપ મુકયો.

દામજીભાઈએ પણ પોલીસને કહ્યું.” બેનની કંઈક ભૂલ થાય છે. હું આટલા વર્ષથી આ ધંધો કરું છું અને મારી પણ બજારમાં શાખ છે. એક કડાં માટે હું આવું કરું ?” પોલીસ પણ પરિસ્થિતિ પામી ગયા .તેમને કહ્યું. ” સત્તા આગળ શાણપણ નકામું .” તમે તેમને તેમના કડાંની કિંમતના પ્રમાણમાં પૈસા ચૂકવી દો. અને કેસ બંધ કરો .”દામજીભાઈ એ પણ તેમાં ડહાપણ માની, તેમ કર્યું. અને મીરાંબેનની પણ માફી માંગી. ” બેન તમારી જેવા દેવી માથે આવું આળ આવ્યું, બદલ હું તમારી માફી માગું છું.”

આ બનાવથી આટલા વર્ષોના મધુરા સંબંધ ઉપર પાણી ફરી વળ્યું. મહેશભાઈ અને મીરાંબેનને ઘેરો આઘાત લાગ્યો. તેમના પુત્રો, વિશાલ અને રાહુલનું  યુવા લોહી પણ ઉકળી ઉઠ્યુ .પરંતુ મહેશભાઈ અને મીરાંબેનની સહિષ્ણુતાએ તેમને શાંત પાડ્યા. નીરવના લગ્ન પણ રંગેચંગે ઊજવાઈ ગયા. કલાબેનને ગેરહાજરી માત્ર નિકટના સગા કાકા -કાકીની જ રહી. નીરવના લગ્નને એક માસ પણ પૂરો ન થયો ,ત્યાં આ દુઃખદ સમાચાર જાણી દરેકને આંચકો લાગ્યો !

કચવાતે હૈયે અને ભારે પગલે, મહેશભાઈ અને મીરાંબેન કલાબેનની અંતિમક્રિયા સમયે પહોંચ્યાં. દરેકની નજર તેમને વીંધી નાખતી હતી .એક બહેને તો મીરાંબેનને જોઈને, બાજુમાં બેઠેલા બહેનને કહ્યું પણ ખરું.” કલાબેનનુ‌ કડું ચોરી લીધું હતું ને ,એ આ કલાબેનના કાકી છે. ”

અને મીરાંબેનના પગ નીચેથી,જાણે જમીન સરકી ગઈ !  પ્રસંગની ગંભીરતા સમજ, તેઓ સદ્ગતને વંદન કરી પાછા ફર્યાં .પરંતુ તેમના હૃદયમાં જીવનભરનો કાંટો ખૂંચી ગયો.

કલાબેનના મૃત્યુબાદની અંત્યેષ્ટિ પત્યા બાદ ,થોડા દિવસ થયા અને અચાનક તેમનો પુત્ર નીરવ અને પુત્રવધૂ નિશા મહેશભાઈને ઘેર આવ્યા.  તેમને આવેલા જોઈ, ગુસ્સે થવું કે આવકારવા તે વિચારતા હતા, ત્યાં જ બંને આવીને પગે લાગ્યા. અને કહે કે,” અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મમ્મીનાં ગયા પછી અમે મમ્મીનો કબાટ ગોઠવતા હતા તેમાંથી મમ્મીની ડાયરી મળી. તેમણે છેલ્લાં પાનાં ઉપર લખ્યું છે.” આજે હું કબાટ સાફ કરતી હતી ત્યાં મને પેલું ખોવાયેલું કડું મળ્યું છે.  મને આજે મારી જાત પર તિરસ્કાર આવે છે, કે મેં મારી સંપત્તિના મદને કારણે, મારા નરસિંહ મહેતા જેવા કાકા અને દેવી જેવા કાકી ઉપર આટલું મોટું આળ મૂક્યું ! કાલે જ તેમની પાસે જઈને માફી માંગી લઈશ .”

“પણ એ લખ્યાં પછી જ તેમનું બ્લડપ્રેશર ઘણું વધી ગયું હશે અને બાથરૂમમાં જ પડી ગયાં. અમને કાંઈ કહી શક્યા ન હતા. તમને એટલી જ વિનંતી કરીએ છીએ કે જો તમે હૃદયપૂર્વક માફી આપશો તો મમ્મીના સદ્ગત્ આત્માને શાંતિ મળશે.

આ સાંભળતાં જ મીરાંબેનનાં ધ્રુસ્કાંનો પાર ન રહ્યો. ઈશ્વરે પોતાની હયાતીમાં જ તેમને નિર્દોષ સાબિત કર્યા ! પણ જો કલાબેન હયાત હોત તો બંને પરસ્પર ભેટીને માફ કરી શક્યા હોત !

મીરાંબેનના હૃદયમાં એક જ પ્રશ્ન વારંવાર ઊઠે છે કે સમાજને આ સત્ય કોણ કહેશે ??