-
ફિલસુફીભર્યા ગીતો – ૮ – तोरा मन दर्पन कहेलाये
નિરંજન મહેતા
तोरा मन दर्पन कहेलाये
भले बुरे सारे कर्मो के देखे और दिखलाये
तोरा मन दर्पन कहेलायेमन ही देवता, मन ही इश्वर मन से बड़ा न कोई
मन उजियारा जब जब फैले जग उजियारा होय
इस उजले दर्पन पर प्राणी धुल ना जमने पाए
तोरा मन दर्पन कहेलायेसुख की कलिया दुःख के कांटे मन सब का आधार
मन से कोई बात छूपी ना मन के नैन हज़ार
जग से चाहे भाग ले कोई मन से भाग ना पाए
तोरा मन दर्पन कहेलाये૧૯૬૫ની ફિલ્મ ‘કાજલ’નું આ ભક્તિગીત છે. ટાઈટલ ગીત તરીકે મુકાયેલ આ ગીત મીનાકુમારી અને દુર્ગા ખોટે પર રચાયું છે. ગીતના પ્રેરક શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સુંદર સંગીત આપ્યું છે રવિએ. મધુર ભક્તિમય સ્વર છે આશા ભોસલેનો.
આ ભક્તિગીતમાં મનને દર્પણની સાથે સરખાવાયું છે અને મનની શક્તિને ઉજાગર કરે છે. કારણ મન એ મનુષ્યના સારા અને નરસા કાર્યોને અનુભવે છે અને તે પરાવર્તિત પણ કરે છે.
મનના જુદા જુદા સ્વરૂપો છે પણ અગત્યનું છે કે તમારૂ મન જ તમારો ઈશ્વર છે. મનથી કોઈ મોટું નથી. એટલે જ મનનો પ્રકાશ જ્યારે જ્યારે પ્રસરે છે ત્યારે ત્યારે અન્યો પણ તેનો અનુભવ કરે છે. કહેવાનો ભાવાર્થ એ કે તમારા મનના સારા કર્મોની અસરથી અન્યો પણ પ્રેરિત થાય છે. આગળ તેથી કહેવાયુ છે કે આ પ્રજ્વલિત મન ઉપર પાપરૂપી કે કુકર્મરૂપી ધૂળ ન લાગવા દેતા. જેથી અન્યો પણ તેવા કર્મો કરવા ન પ્રેરાય.
મનુષ્ય માટે સુખ અને દુઃખ બધું મન પર આધારિત છે. હકીકતમાં માનવી કોઈ વાત પોતાના મનથી છૂપી નથી રાખી શકતો. .
માનવી ભલે કંટાળીને આ દુનિયાની ઝંઝાળમાંથી ભાગી છૂટવા વિચારે પણ તે તેના મનથી અલગ થઇ નથી શકતો અને તે જ્યાં જાય ત્યાં ત્યાં તેનું મન તેની સાથેને સાથે જ રહેતું હોય છે. તેથી ઝંઝાળમાંથી ભાગી છૂટવાનો કોઈ અર્થ નથી સરતો.
આમ મન એ સર્વોપરી છે. તેને અનુસરો. તમારા મનમાં સારા વિચારોને સાચવો અને બુરા વિચારોનો નાશ કરો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ભાભી (૧૯૫૭)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
અનેક ગીતો માટે ચાહકો કહેતા હોય છે કે આ ગીત ફલાણા સિવાય કોઈ ગાઈ જ ન શકે. આવું વિધાન કરવા પાછળ મુખ્ય બે કારણ હોય છે. પહેલું તો પોતાના પ્રિય ગાયક/ગાયિકા પ્રત્યેનો લગાવ. બીજું કારણ જરા સમજવા જેવું છે. ગીતો જ્યારે નિરાંતે બનતાં, એની ધૂન પાછળ મહેનત કરવામાં આવતી ત્યારે એ ધૂન ચોક્કસ ગાયકોના સ્વરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાતી. જે તે ગાયક/ગાયિકાના સ્વરની ખૂબી/મર્યાદા અનુસાર તેની ધૂન બનાવાતી. ‘સાવન’નું હંસરાજ બહલના સંગીતવાળું ગીત ‘નૈન દ્વાર સે મન મેં વો આ કે’ મુકેશ સિવાય અન્ય કોઈના સ્વરમાં કલ્પી ન શકાય, કેમ કે, મુકેશના સ્વરની મર્યાદાને એમાં વિશેષતામાં રૂપાંતરીત કરી દેવાઈ છે. આવાં બીજાં અનેક ગીતો હશે. એક સમયે એચ.એમ.વી. દ્વારા ‘વર્ઝન સોન્ગ્સ’ની રેકોર્ડ બહાર પડતી, જેમાં એક જાણીતા ગીતને અન્ય જાણીતા ગાયક દ્વારા ગાવામાં આવ્યું હોય. જેમ કે, ‘જાગતે રહો’નું ‘જિન્દગી ખ્વાબ હૈ’ મન્નાડેએ ગાયું હોય. આ સાંભળતાં સમજાય કે આ ગીત અસલમાં મુકેશને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે, આથી એક ગાયક તરીકે મન્નાડે ઉત્તમ હોવા છતાં તેઓ એને પૂરતો ન્યાય આપી શકતા નથી. આવાં બીજાં અનેક ‘વર્ઝન સોન્ગ્સ’ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.
આવું એક ‘વર્ઝન સોન્ગ’ છે ‘ચલ ઉડ જા રે પંછી’. ‘ભાભી’ ફિલ્મનું આ ગીત મહમ્મદ રફીના સ્વરમાં છે, જે ‘વર્ઝન સોન્ગ’ તરીકે તલત મહેમૂદના સ્વરમાં સાંભળવા મળે છે. તલત મહેમૂદની ગાયકી ઉત્તમ હોવા છતાં આ ગીત તેમના સ્વરમાં ફિક્કું લાગે છે, કેમ કે, અસલમાં એ ગીત રફીના સ્વરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું હતું. (તલતસાહેબના સ્વરમાં ગવાયેલું ‘ચલ ઉડ જા રે પંછી’ આ લીન્ક પર સાંભળી શકાશે.

(ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ) ૧૯૫૭માં રજૂઆત પામેલી, એ.વી.એમ. પ્રોડક્શન્સ નિર્મિત, કૃષ્ણન-પંજુ દિગ્દર્શીત ‘ભાભી’ એક સામાજિક ફિલ્મ હતી. તેમાં બલરાજ સાહની, પંઢરીબાઈ, શ્યામા, અનવર હુસેન, જગદીપ, નંદા, કે.કે. સહિત બીજા અનેક કલાકારો હતા. આ ફિલ્મનાં ગીતો, ‘એ.વી.એમ.’ની મોટા ભાગની ફિલ્મોમાં હોય છે એમ રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં હતાં, જ્યારે સંગીતકાર હતા ચિત્રગુપ્ત. ફિલ્મનાં ટાઈટલ્સમાં સહાયક સંગીતકાર તરીકે ‘દિલીપ કુમાર’નું નામ જોવા મળે છે એ આપણા દિલીપ ધોળકીયા.

(મહમ્મદ રફી અને ચિત્રગુપ્ત) ‘ભાભી’નાં કુલ નવ ગીતો હતાં, જે ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘કારે કારે બદરા’, ‘ટાઈ લગાકે માના બન ગયે જનાબ હીરો’, ‘જા રે જાદુગર દેખી તેરી જાદુગરી’ લતા મંગેશકરે ગાયેલાં એકલગીતો હતાં. ‘છુપાકર મેરી આંખોં કો’ અને ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ લતા અને મહમ્મદ રફીનાં યુગલ ગીત હતાં. ‘જવાન હો યા બુઢિયા’ મહમ્મદ રફીનું એકલ ગીત હતું, જ્યારે ‘હૈ બહુત દિનોં કી બાત’ મહમ્મદ રફી, મન્નાડે અને એસ.બલબીર દ્વારા ગવાયું હતું.

અલબત્ત, આ ફિલ્મનું સૌથી લોકપ્રિય અને ટકાઉ ગીત મહમ્મદ રફીએ ગાયેલું ‘ચલ ઉડ જા રે પંછી’ નીવડ્યું. ફિલ્મમાં તે ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે, અને એ ઉપરાંત પણ અન્ય પરિસ્થિતિમાં તેના અમુક અંતરા છે. સામાન્ય રીતે હોય છે એમ, ફિલ્મના અંતમાં તેનો ઉપયોગ થયો નથી.
‘ચલ ઉડ જા રે પંછી’ ગીતના શબ્દો આ મુજબ છે:
चल उड़ जा रे पंछी
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …खतम हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था
खतम हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था
आज यहाँ और कल हो वहाँ ये जोगीवाला फेरा था
ये तेरी जागीर नहीं थी,
ये तेरी जागीर नहीं थी, चार घडी का डेरा था
सदा रहा है इस दुनिया में किसका आब-ओ-दाना(ટાઈટલમાં અહીં સુધીનો અંતરો છે. એ પછી નીચે મુજબના અંતરા ફિલ્મની અલગ અલગ પરિસ્થિતિમાં સંભળાય છે.)
चल उड़ जा रे पंछी
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …तूने तिनका-तिनका चुन कर, नगरी एक बसाई
बारिश में तेरी भीगी पांखें, धूप में गरमी छाई
ग़म ना कर
ग़म ना कर जो तेरी मेहनत तेरे काम ना आई
अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जाना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …(વધુ એક અંતરો આ મુજબ અન્ય દૃશ્યમાં છે.)
चल उड़ जा रे पंछी…
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी…भूल जा अब वो मस्त हवा वो उड़ना डाली-डाली
भूल जा अब वो मस्त हवा वो उड़ना डाली-डाली
जग आँख की काँटा बन गई, चाल तेरी मतवाली
कौन भला उस बाग को पूछे, हो ना जिसका माली
तेरी क़िस्मत में लिखा है जीते जी मर जाना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …रोते हैं वो पँख-पखेरू साथ तेरे जो खेले
जिनके साथ लगाये तूने अरमानों के मेले
भीगी अंखियों से ही उनकी, आज दुआयें ले ले
किसको पता अब इस नगरी में कब हो तेरा आना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …આ અંતરાના અંતે મહમ્મદ રફીના આલાપ સાથે ગીત પૂરું થાય છે.
આ ગીતમાં ફિલ્મની કથાને અનુરૂપ વિવિધ અંતરા લખાયા છે, પણ સમગ્રપણે જોઈએ તો આખું ગીત માનવજીવનની ફિલસૂફીને રજૂ કરે છે. ‘એકલા જ આવ્યા મનવા એકલા જવાના’ જેવો ભાવ સમગ્ર ગીતમાં રજૂ થયેલો જણાય છે.
એટલી નોંધ જરૂરી કે ‘ભાભી’ નામની અન્ય બે ફિલ્મો 1938માં અને 1991માં પણ રજૂઆત પામી હતી.
આ ગીતના તમામ અંતરા નીચેની લીન્કમાં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
-
પાર્કિન્સનના નિયમના કેટલાક અન્ય ઉપસિદ્ધાંતો
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત
પાર્કિન્સનનો નિયમ
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
પાર્કિન્સનના નિયમના એવા બહુ બધા ઉપસિદ્ધાંતો પણ પ્રચલિત થયા છે જેમની મેનેજમૅંટના સંદર્ભમાં બહુ ચર્ચાઓ નથી થતી. આમ થવાનું એક કારણ એ હોઈ શકે કે આવા ઉપસિદ્ધાંતો, સામાન્યપણે, કોઈ અમુક ચોક્કસ સંદર્ભમાં રચાઈ ગયા હોય.
પાર્કિન્સનના નિયમના નિયમની ચર્ચાના સમાપનમાં આપણે આવા કેટલાક અન્ય ઉપસિદ્ધાંતો પર નજર કરી લઈશું.
પાર્કિન્સનના નિયમનો આસિમોવ ઉપસિદ્ધાંત
ઇસાક આસિમોવનું મુખ્ય કાર્યક્ષેત્ર રૉબૉટિક્સ હતું અને તેના પર તેણે અનેક વાર્તાઓ પણ લખી છે. એટલે એમણે પાર્કિન્સનના નિયમના સંદર્ભમાં એમનાં પોતાના નામ સાથે જોડાયેલો ઉપસિદ્ધાંત કયા સંદર્ભમાં રચ્યો, તેને તેમનાં નામ સાથે કેમ જોડી દેવામાં આવ્યો તે વિશે ખાસ માહીતિ નથી મળતી –
દસ કલાકના સમયમાં તમારાં લક્ષ્યો પુરાં કરવા માટેની પ્રતિબધ્ધતામાં પાછળ રહી જવામાં પાંચ કલાકના સમયગાળા કરતાં બમણી શક્યતાઓ રહે છે.
પાર્કિન્સનના નિયમનો એક સીધો પ્રભાવ કામને ઢીલમાં પાડીને કામો પુરાં કરવાની માનવસહજ (કુ)ટેવ પર પડેલ જોવા મળતો હોય છે. એનું એક સિઢું પરિણામ એ આવતું હોય છે કે મોડા પડવાની સંભાવના દુર કરવા આપણે જરૂર કરતં વધારે સમય માંગી લેવાના છટકાંમાં ફસાઈ જતાં હોઈએ છીએ.
પ્રસ્તુત ઉપસિદ્ધાંત એટલે જ કદાચ એમ માની જ લે છે કે પાંચ કલાકમાં કામ પુરૂં કરી આપવાની નિયત કરાવેલી મુદ્દતમાં પણ આપણે એટલી કંઈ ગુંજાઈશ તો રાખી જ હશે. પ્રસ્તુત ઉપસિદ્ધાંત અહીં જણાવે છે કે એ ભય સાચો પડશે એમ માનીને હવે દસ કલાકની મુદ્દત માગવાથી કામ વહેલું પુરૂ કરવાની શક્યતા જેટલી જ શક્યતા કામમાં હવે બે વાર મોડા પડવાની શક્યતા વણાઈ ગઈ છે.
હોફસ્ટાડ્ટરનો ઉપસિદ્ધાંત
ચેસની રમતમાં કમ્પ્યુટર અને માનવીની સ્પર્ધાના વિષય વિશે ચર્ચાના સંદર્ભમાં ડ્ગ્લસ હૉફસ્ટાડ્ટરે તેમનાં પુસ્તક, Gödel Escher Bach: An Eternal Golden Braid, માં નોંધે છે[1] કે મશીને માણસને પાછળ રાખી દેવા માટે જે કંઇ સમય અંદાજ્યા તેના કરતાં વધારે જ સમય લાગ્યો. તેની પાછળનું કારણ એ હતું કે કમ્પ્યુટર તો પુનરાવર્તિત વિશ્લેષણની બાબતમાં વધારે સક્ષમ હોવાને કારણે તે એમાંને એમાં વધારે ઊંડું ઉતરતું જઈને આખો મામલો વધારે ને વધારે જટિલ બનાવતું ગયું. જેમ મામલો વધારે જટિલ બનતો ગયો તેમ તેનો ઉકેલ લાવવામાં વધારે ને વધારે સમય જરૂરી બનતો ગયો. તે દરમ્યાન માણસ પોતાની ભુલ સમજી ગયો અને ચાલની સરળ ગણતરીમાં પોતાની સહજ સમજને કસતો ગયો. પરિણામે કમ્પ્યુટરનું કામ વધારે મુશ્કેલ બનતું ગયું.
ખેર, પછી તો કમ્પ્યુટરે પણ પોતાની ભુલ સુધારી લીધી અને માણસને હરાવ્યો તો ખરો.
આ આખી વાત, અને ઉપસિધ્ધાંત,નો સુર જટિલ એટલું વધારે મહત્ત્વનું એવી માનવસહજ નબળાઈ તરફ ધ્યાન દોરવાનું છે. જેમ કોઈ પણ કામ પુરું કરવા માટે જરૂર કરતાં વધારે સમય હોય તો એ વધારાનો સમય માણસ પોતાની માનવ સહજ નબળાઈને વશ થઈને પહેલાં કામને જટિલ બનાવવા પ્રયત્ન કરે છે અને એક વાર કામ જટિલ બની જાય એટલે પછી તેને પુરૂં કરવામાં મોડો પડવા લાગે છે, તેમ માનવ સર્જિત મશીનો પણ એક ઢાંચામાં તે બનવીને જેનો મૂળભૂત આશય ઉપયોગ કામમાં રહેલ પુનરાવર્તિત કંટાળાને દુર કરી માનવ સર્જકતા માટે પરિસ્થિતિ સરળ બનાવી વધારે ખીલવા દેવાનો હતો તે મશીનને કામ જટિલ બનાવીને પછી ઉકેલ શોધવામાં કામે લગાડી દેવામાં આવે છે.
-
ખેલકૂદ, જિંદગી અને નેતૃત્વ વચ્ચે કેટલીક સમાંતર સમાનતાઓ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ઘણા મૅનેજમેન્ટ વ્યાવસાયિકો પોતાની કારકિર્દીમાં બહુ વધારે વ્યસ્ત થઈ જવાથી કામમાં સ્ફુર્તિ અનુભવવા નથી લાગતા ત્યારે મનને હળવું કરવા પોતાની કિશોરાવસ્થા કે યુવાવસ્થાના શોખ તરફ વળતાં હોય છે. જેમકે, શાળા કે કૉલેજ પછી અંગત કે વ્યાવસાયિક જિંદગીઓની અન્ય વ્યસ્તતાઓને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલી ટેબલ ટેનિસ, કે શતરંજ કે ક્રિકેટ જેવી રમતો ફરીથી રમવાનું શરૂ કરવું.
જ્યારે એ રમતોમાં પોતે હજુ શિખાઉ હતાં ત્યારે જો કોઈ વધારે સારો ખેલાડી કંઈક અઘરો દાવ ખેલી નાખતો ત્યારે પરસેવે રેબઝેબ થઈ જતાં એ કિશોર/ યુવાન આજે તો હર પળે એવા પડકારોનો સામનો કરી રહ્યાં હોય છે. આજે પણ તેને સામે રહેલ માતબર હરીફ સામે કોઈક વાર તેમને પીછેહઠ પણ કરવી પડતી હોય છે તો કોઈ વાર પડાકાર ઝીલી લેવાની પહેલ પણ કરવી પડતી હોય છે. આજ હવે વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો રેતી હેઠળ મોં છુપાવી લેવાથી તો નથી કરી શકાતો. હવે તો તેમણે કોઇને કોઇ પગલું લેવું જ પડતું હોય છે.
રમતની એક ખાસીયત એ પણ છે કે તેમાં હરીફ પર આપણો કોઇ કાબુ નથી હોતો. તે આગલી ચાલ શું રમશે, એ પાછળ તેની શું ગણતરી છે તે તો જ્યાં સુધી એ ચાલ નથી ચાલતો ત્યાં સુધી આપણને ખબર જ નથી હોતી. પણ, એ પણ એટલું જ સાચું છે કે એ જો કંઈ અણધાર્યું કરે છે તો, મોટા ભાગે, આપણે તરત જ એ વિશે પુરાં જોશથી આપણ યથોચિત પ્રતિભાવની દિશામાં વિચારવા લાગી જઈએ છીએ. એ પોતાની આગલી ચાલ વિશે વિચારમાં હોય ત્યારે આપણે જો આવી કોઈ પણ અણધારી પરિસ્થિતિનો વિચાર કરીને એ વિશે માનસિક રીતે તૈયાર થઈ શક્યાં હોઈએ તો આપણે પ્રતિભાવ આપવામાં બહું મુંઝાવું નથી પડતું. જીવન અને વ્યવસાયમાં પણ કંઈક એવું જ છે! આર્થિક સંજોગો, બજારની રૂખ, આસપાસ બનતી લગભગ દરેક ઘટનાઓ જેવા બાહ્ય સંજોગો પર આપણો કોઈ જ કાબુ નથી હોતો. પણ જો આપણે બદલતા સંજોગોનાં અચાનક પરિવર્તન સાથે અનુકૂલન સાધવા તૈયાર હોઇએ તો પરિવર્તન સામેની અરધી લડાઈ તો જીતવાનું ભાથું આપણે બાંધી જ લીધું હોય છે.
હજુ એક, છેલ્લી, સરખામણી. રમતમાં બહુ વધારે રક્ષણાત્મક રૂખ અપનાવવાથી કદાચ હારથી બચી શકાય, પણ જીતની શક્યતા પણ ઘણી વાર હાથતાળી દઈ શકે છે. આપણે જેમ જેમ રક્ષણાત્મક થતાં થઈ જઈએ છીએ તેમ તેમ હરીફની આક્રમક થવાની હિંમત અને શક્યતાઓ ખુલવા લાગે છે. એ તો હવે બહુ જાણીતી વાત છે કે જોખમ વિના વધારે વળતર નથી જ મળતું. હા, આપણે ભલે આંધળો જુગાર ખેડી નાખવા જેવાં જોખમ ન લઈએ પણ ગણતરીપૂર્વકનું જોખમ લઈને થોડું વધારે વળતર મેળવાનો દૃષ્ટિકોણ તો કેળવવો જોઈએ એ બાબતે પણ ખાસ શંકાને સ્થાન નથી. જેમ, માત્ર મજા માટે રમાતી રમતમાં પણ જીતવાની ભાવના સાથે ઉતરવું જેટલી ખેલદીલી કેળવવી જોઈએ એટલી નિષ્ઠા તો રમત માટે પણ હોવી જોઈએ, તેમ જીવન કે વ્યવસાયમાં સરેરાશથી વધારે સફળ થવાની ભાવના ન કેળવવી એ હરીફાઈથી,, કમસે કમ, એક કદમ આગળ રહેવા જેટલી અગમચેતી તો છે જ !
ખેલકૂદ અને જીવન તેમ જ વ્યવસાય વચ્ચે આવી ઘણી સમાંતર સમાનતાઓ મળી આવશે, કેમકે એકંદરે તો તેમના પ્રત્યેનો અભિગમ એ જીવન જીવવાનાં આપણાં મૂલ્યોનું અરીસામાં દેખાતું આપણું ખુદનું જ પ્રતિબિંબ છે. રમતનાં મેદાનમાં અંતિમ હાર કે જીત જેટલું જ મહત્ત્વ જેટલું આપણે કેમ રમ્યાં તેનું છે તેમ જીવન અને વ્યવસાયમાં સફળતાઓને યાદ રાખવામાં, કે નિષ્ફળતાઓને ભુલાવી દેવામાં, જીવન કે વ્યવસાય પ્રતિ આપણી તત્પરતા, હકારાત્મકતા તેમજ સ્વયંસ્ફુરિતાની હાજરીનું તત્ત્વ આવશ્યક ઘટક બની રહે છે !
વિધિપૂર્વકસરના એક ખેલાડી થયા વિના પણ રમતનો માત્ર સક્રિય શોખ કેળવવાથી જીવન અને વ્યવસાયની તાણો હળવી કરવામાં મદદ મળવાની સાથે સાથે જીવન અને વ્યવસાય પ્રતિ આપણા આભિગમને વધારે દૃઢ અને અનિકૂલનક્ષમ બનાવવાની ક્ષમતા પણ કેળવાય છે.
ચાલો, મારો તો રમતનો સમય થયો એટલે હું તો આ ચાલ્યો. તમારે પણ સાથે આવવું છે?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પ્રતિબંધથી નહીં, પ્રતિબદ્ધતાથી ઊકેલવા જેવી સમસ્યા
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
શાળાના કોઈ વિદ્યાર્થીની સ્કૂલબૅગમાં શું હોય? નોટબુક, પુસ્તકો, કમ્પાસ કે લંચ બૉક્સ કે નાનીમોટી ખાદ્યચીજ હોવી સામાન્ય બાબત ગણાય. બીડી, સીગારેટ કે લાઈટર હોવું અસામાન્ય ગણાય. નશીલી દવા નીકળે એ જોખમી કહેવાય. પણ એમાં કોન્ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ જોવા મળે તો? પહેલી પ્રતિક્રિયા આઘાતની હોય. સમાજનું અધ:પતન આ હદે થઈ ગયું હોવાના વિચારો આવે. એ પછી શું? એ કેમ થયું, અને એને રોકવા શા પગલાં લેવાં એ વિશે વિચારણા કરવામાં આવે ખરી?
સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત હોય છે. નવેમ્બર, ૨૦૨૨માં કર્ણાટકની એક શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન પોતાની સાથે રાખતા હોવાની ફરિયાદને પગલે તેમની સ્કૂલબૅગો તપાસવામાં આવી. તપાસમાં ધો.૮,૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન અને વધુ પડતી રોકડ રકમ મળી આવી. પણ એ ઉપરાંત સિગારેટ, લાઈટરની સાથોસાથ કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓ મળી આવતાં શાળાના સંચાલકો આઘાત પામી ગયા. તેમણે એ વિદ્યાર્થીઓ પર કશાં પગલાં લેવાને બદલે તેમનાં માવતરને પત્ર લખીને તેમને સમજાવવાની વાત કરી.
આ ઘટના પ્રકાશમાં આવી અને થોડા સમયમાં કર્ણાટકના ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (ડી.સી.ડી.) દ્વારા એક હુકમનામું બહાર પડાયું હોવાના સમાચાર પ્રસર્યા. એ મુજબ ફાર્મસિસ્ટ અને મેડીકલ સ્ટોરને અઢારથી ઓછી વયના લોકોને કોન્ડોમ, ગર્ભનિરોધક અને એન્ટિ ડિપ્રેસન્ટ દવાઓ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લે દૈનિક ‘બેંગ્લોર મીરર’માં કર્ણાટકના ઔષધ નિયામક ભગોજી ટી. ખાનપુરેના નામે એક નિવેદન પ્રકાશિત થયું, જેમાં તેમણે કહેલું: ‘કોન્ડોમ શાળાનાં બાળકો માટે નથી. આથી પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે સગીર વયનાં બાળકોને વેચવાના નથી.’ જો કે, ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ‘ડી.સી.ડી.’ દ્વારા ચોખવટ કરવામાં આવી કે તેના દ્વારા આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. તેને બદલે વિભાગે ફાર્માસિસ્ટો સગીર વયનાં બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરે એમ જણાવ્યું છે.
આ આખો મુદ્દો અતિશય નાજુક છે. જે ઘટના પ્રકાશમાં આવી છે એ હીમશિલાની ટોચ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. યોગ્ય ઈચ્છાશક્તિ હોય તો આ મુદ્દે મહત્ત્વની ચર્ચાવિચારણા કરીને યોગ્ય નીતિ નિર્ધારીત કરી શકાય એવી સ્થિતિ છે.
શાળાના વિદ્યાર્થીઓ એટલે કે તરુણ-તરુણીઓ દ્વારા આ સાધનોનો ઉપયોગ ચિંતા પ્રેરે એવો છે, પણ તેને પગલે એ વિચારવા જેવું છે કે તેઓ આ સાધનોના યોગ્ય ઉપયોગ વિશે બરાબર માહિતગાર છે. આપણા દેશમાં જાતીય સમસ્યાઓ બાબતે કોઈ પણ સ્તરે ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી. શિક્ષણમાં જાતીય જ્ઞાનનો સમાવેશ કરવો કે ન કરવો? આ મુદ્દો સદાય ગરમાગરમ દલીલોથી ચર્ચાય છે, અને સરવાળે એમાં આગળ કશું થઈ શકતું નથી. મૂળ વાત એ છે કે વિદ્યાર્થીઓમાં શારિરીક પરિવર્તનની ઉંમર સતત ઘટતી રહી છે. એવે સમયે તેમને એ ફેરફારો વિશે વૈજ્ઞાનિક ઢબે, સુયોગ્ય જાણકારી પ્રાપ્ત થાય તો તેમની સમજણ કેળવાય. એ રીતે કેળવાયેલી સમજણ તેમના જીવનને સુખી બનાવે. પણ જાતીય સમસ્યાઓ પ્રત્યે સૂગ કેળવાયેલી રહે તો એ બીજી અનેક સમસ્યાઓરૂપે દેખા દઈ શકે.
કોઈ પણ સમસ્યાના ઊકેલ માટે પહેલાં એ સમસ્યાની વાસ્તવિકતાનો સ્વીકાર જરૂરી બની રહે છે. આપણે ત્યાં શાળામાં કે ઘરમાં જાતીય બાબતો અંગે યોગ્ય માહિતી આપવાનો શિરસ્તો સામાન્યપણે નથી. આટલી મહત્ત્વની જાણકારી, કુતૂહલવશ હોવાની વયે તરુણો અન્ય સ્રોત દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે, જે વિશ્વસનીય હોવા બાબતે શંકા હોય છે. આ કારણે સાવ શરૂઆતના તબક્કે અનેક ગેરમાન્યતાઓ તેમના મનમાં ઘર કરી જાય એવી પૂરેપૂરી શક્યતા છે.
કર્ણાટકમાં સલામત જાતીય સંબંધ માટેનાં સાધનો ખરીદવા આવતા વિદ્યાર્થીઓને સમજાવવાનું ફાર્માસિસ્ટોને જણાવવામાં આવ્યું એ કદાચ પ્રાથમિક પગલું હશે એમ માનીએ. કેમ કે, આવી મહત્ત્વની બાબત કંઈ એ સાધનો વેચતા ફાર્માસિસ્ટ પર ન છોડી શકાય. તેના માટે વિષયનિષ્ણાતો સાથે યોગ્ય ચર્ચાવિચારણા કરીને યોગ્ય શિક્ષણનીતિ ઘડવી જરૂરી છે. કમનસીબે આપણી શિક્ષણનીતિ સાવ ટૂંકી દૃષ્ટિની અને બિનવ્યવહારુ હોવાનું સતત પુરવાર થતું આવ્યું છે અને વર્તમાન સમયમાં આ બાબત તેની ચરમસીમા પર છે. દેશના આશાસ્પદ વિદ્યાર્થીઓ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે દોટ મૂકી રહ્યા છે. પશ્ચિમના વિવિધ દેશો આ વિદ્યાર્થીઓને આવકના સ્રોત તરીકે જોઈ રહ્યા છે. વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી હોય, મધ્યમ હોય કે સરેરાશ, એ હકીકત છે કે દેશમાં પ્રાપ્ત કરેલા શિક્ષણ થકી તેને ઉજ્જ્વળ ભવિષ્યની આશા નથી.
શિક્ષણમાં વ્યાપાર અને રાજકારણ બન્ને ભળે એ પછી કાગળ પર ગમે એવી ઉજ્જ્વળ દેખાતી શિક્ષણનીતિની ઘોર ખોદાતાં વાર લાગતી નથી. હજી અનેક નક્કર બાબતો અને ભાવિ આયોજનને બદલે ધર્મ, પ્રદેશ, ભાષા, જાતિ સહિતના અનેક મુદ્દે વિભાજીત કરવાનું રાજકારણ જ ચાલી રહ્યું છે અને સફળ થઈ રહ્યું છે. લોકોપયોગી કાર્યોને બદલે લોકરંજક કાર્યોની પરંપરા એવી પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે મોટા ભાગના લોકો આભાસી ગૌરવમાં કે વાસ્તવિક દ્વેષમાં રાચ્યા કરે.
કર્ણાટકની શાળામાં જે થયું એ કંઈ અપવાદ નહીં હોય.અન્ય રાજ્યોની શાળામાં પણ એ થઈ શકે. આટલા મહત્ત્વના મુદ્દાને પ્રતિબંધથી નહીં, પણ તેને પ્રતિબદ્ધ શિક્ષણ દાખલ કરીને ઉકેલવાનો પ્રયાસ થવો જોઈએ. એ અંગે વિચારવાનો, એની પહેલ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૨ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સુખનું સરનામું
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે, સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.
એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. અહીં આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ પુરેપુરી ઠલવાઇ જાય એ જરૂરી હોય છે એટલે માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી.
ત્યારબાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો. કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇના સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી.
એના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું. આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી. પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું.
“કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ. એ બાઇએ પોતાની વાત માંડી. બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”
બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એને સમજાયું કે એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.
સીધી વાત- આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝીલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
‘યે સાહિર હૈ’
પારુલ ખખ્ખર
એક પુસ્તકની વાત લઇને આવી છું. પ્રખ્યાત શાયર સાહિર લુધિયાનવીની જીવનકથા ‘મૈ સાહિર હુ’. આ પુસ્તક આમ તો આત્મકથાનક્ની શૈલીથી લખાયેલ છે પરંતુ તેના લેખક સાહિર નહી પણ. ચન્દર વર્મા અને ડો. સલમાન આબિદ છે. ૮ વર્ષના અભ્યાસ બાદ નક્કર હકિકતો અને પુરાવાઓને આધારે લખાયેલ આ દસ્તાવેજી પુસ્તક સાહિરના જીવનના ચડાવ-ઉતાર વિશે ખૂબ સરસ માહિતી આપે છે.સાહિરનો જન્મ ૮ માર્ચ ૧૯૨૧ના રોજ પંજાબના લુધિયાણા શહેરમાં થયો.એમના દાદા અને પિતા મોટા જમીનદાર હતા. ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી.શહેરના વગદાર અને ધનવાન લોકો સાથે તેમનો ઘરોબો હતો.એમના પિતા અંગ્રેજોની ગુલામીને ગર્વની બાબત સમજતા તેથી અંગ્રેજી અફસરો પણ તેમનાથી ખુશ હતા.એમણે ૧૦ લગ્નો કર્યા બાદ એક કાશ્મીરી યુવતી સરદારી બેગમ સાથે ૧૧મું લગ્ન કર્યુ,જેના ફળ સ્વરુપે તેમને પ્રથમ સંતાન સાહિર જનમ્યો.સાહિરનું મૂળ નામ ‘અબ્દુલ હઇ’ હતું. તેમનું બાળપણ જમીનદારોના બાળકો જેવું જ લાડ પ્યારમાં વિત્યું.મા બાપ વચ્ચે પહેલેથી મતભેદો તો હતા જ પરંતુ થોડા વર્ષો બાદ મનભેદ થવા લાગ્યા. પિતા એકદમ રુઢીચુસ્ત જમીનદાર જેવા અને માતા વિદ્રોહી સ્વભાવના હોવાથી તેમનું લગ્નજીવન ઝગડાઓનો અખાડો બની ગયું. સાહિરને મા પ્રત્યે અપાર વ્હાલ હતું,પિતા વારંવાર માતા પર ગુસ્સો કરતા હોવાથી તે પિતાને મનોમન નફરત કરવા લાગ્યા તેનું મન કદી પિતાને પિતાનો દરજ્જો ન આપી શક્યુ અને પિતા માત્ર જનાબ ફઝલ દીન બનીને રહી ગયા.ઝગડાઓથી તંગ આવીને સરદારી બેગમે તલાક માંગ્યા, અદાલતનો આશરો પણ લીધો અંતે તલાક મંજુર થયા. પિતાનું ઐયાશ જીવન અને ઘસાતી જતી આર્થિક પરિસ્થિતીને કારણે સાહિરની કસ્ટડી માતાને સોંપવામાં આવી.ફઝલદીને ઘણી દલિલો કરી પરંતુ ૧૦ વર્ષના સાહિરે માતા સાથે રહેવાની ઇચ્છા બતાવી ત્યારે અદાલતે ફેંસલો માતાના હકમાં આપ્યો.
મામાની અર્થિક મદદ લઇને મા દીકરો અલગ રહેવા લાગ્યાં. સાહિરનું બાળપણ રમત ગમત અને મસ્તીમાં વિતવા લાગ્યું.ભણતરમાં પણ અવ્વલ રહ્યા.સ્કૂલનાં દિવસોમાં જ તે ગઝલ અને નઝ્મો લખવા લાગ્યા હતા.તેઓ ખાવા-પીવાનાં શોખીન અને દિલદાર હોવાથી તેની આસપાસ મિત્રોની ટોળી હંમેશા રહેતી.૧૯૩૭ માં તેમણે લખેલી શાયરી તેમના શિક્ષક ફૈયાઝ હરિયાણવીને ગમી અને તેમણે સાહિરને ઉર્દુ તથા ફારસીનું શિક્ષણ આપ્યું અને કવિતા લખવાનું પ્રોત્સાહન આપ્યું.સાહિર ઇન્કલાબી વિચારોથી પ્રભાવિત હોવાથી તેમની કવિતા સામાન્ય કરતા કંઇક અલગ હતી.સમાજવાદના પુસ્તકો તે રસથી વાંચતા.ઇન્ટર પાસ કરીને તેઓ કોલેજમાં દાખલ થયા અને ત્યાં જ તેમની સાહિત્યિક અને રાજનૈતિક સફરની શરુઆત થઇ. જેમને ત્યાં સાહિત્યકારો અને રાજનેતાઓની અવરજવર રહેતી એવા આગા સાહેબને ત્યાં સાહિર નિયમિત જવા લાગ્યા. આગાસાહેબની સોબતને કારણે સાહિરમાં બગાવતના બી રોપાયા જે તેમની શાયરીમાં આજીવન દેખાયા.ધીમે ધીમે કોમ્યુનિસ્ટ પાર્ટીની ચળવળોમાં, આંદોલનોમાં ભાગ લેવા લાગ્યા.જમીનદારોનો અને સરકારનો ખેડૂતો સાથેનો દુર્વ્યવહાર જોઇ તેમનું લોહી ઉકળી જતું.મજૂરોના જલ્સામાં તેઓ પોતાની તેજાબી નઝ્મોનું પઠન કરતા.માર્કસ્ વાદ અને કોમ્યુનિસ્ટ સાહિત્યનો અભ્યાસ વધવા લાગ્યો અને તેમની કવિતાઓ લાલ રંગે રંગાવા લાગી. આમ જુઓ તો કાવ્ય અને રાજનૈતિક બન્ને પ્રવૃતિઓ એકસાથે ચાલતી હતી.લોકોને ભડકાવનારી કવિતાઓ લખવાના ગુના સબબ તે સરકારની નજરોમાં ગુનેગાર હતા. તેમના પિતા જમીનદાર હોવાની સાથે અંગ્રેજોના તરફદાર હોવાને નાતે તે પુત્રની પ્રવૃતિથી સખત નારાજ હતા.ભણવા સિવાયની પ્રવૃતિઓને કારણે તે પરીક્ષામાં બે વખત ફેઇલ થયા. માતા બધુ જાણતાં હતાં છતા ચૂપ હતાં.
સાવ નબળી આર્થિક પરિસ્થિતી હોવા છતાં સાહિરનું સપનું તો મોટા શાયર બનવાનું અને મુંબઇમાં નામ કમાવાનું હતું.એને ખબર ન હતી કે આ સપનું કઇ રીતે સાર્થક થશે, બસ એને આ સપનું સાર્થક કરવાની ધૂન હતી. મુંબઇ શબ્દનું એટલી હદે આકર્ષણ હતું કે એક વખત કેન્ટીનમાં ચાપાણી પીવા ગયા ત્યાં મેન્યુકાર્ડમાં ‘મુંબઇ ટ્રેન’નામનું પીણુ હતું તે મંગાવ્યું અને મિત્રોની મજાકનો ભોગ બન્યા.
કોલેજમાં તેમની સાથે એક પોલીટીકલ લીડરની દીકરી ભણતી હતી. મહીંદર ચૌધરી નામની આ શરબતી આંખોવાળી સાધારણ દેખાવની છોકરી પર સાહિરનું દિલ ફિદા થઇ ગયું.બન્નેના દિલના તાર સાથે રણઝણવા લાગ્યા પરંતુ ટી.બી.ની બીમારીને કારણે મહીંદર અકાળે મૃત્યુ પામી.સાહિરની પહેલો પ્રેમ ખામોશ થઇ ગયો અને તમામ સંવેદનાઓ મુરઝાઇ ગઇ. એક અંતહીન ખાલિપો જીવનમાં છવાઇ ગયો. મહીંદરની તસ્વીર સામે બેસીને ગુમસુમ રહેવા લાગ્યા, તેમની ઉદાસીનો પડછાયો તેમની નઝ્મોમાં દેખાવા લાગ્યો.
અંતે ‘દુઃખનું ઓસડ દહાડા’ એ ન્યાયે સાહિરનાં ઝખ્મોને કળ વળી ન વળી ત્યાં જ પોતાની સાથે કોલેજમાં ભણતી એક કમસીન કન્યા પર સાહિરના દિલનો કળશ ઢોળાયો. સાહિર તો એની આગળ પાછળ ફરવા લાગ્યા. સતત એની નજરમાં રહેવાની કોશીશ કરવા લાગ્યા. કમનસીબે એ છોકરીએ એના પિતાને ફરિયાદ કરી અને સાહિર એના પિતાની નજરમાં આવી ગયા.તેમણે ઘણી ખરી ખોટી સાંભળાવી કે હવે પછી આવી હરકતો કરીશ તો અંજામ સારો નહી આવે.અલબત સાહિરનો ઇરાદો તો ચાહતનો હતો હેરાનગતિનો હરગીઝ નહી. પણ ખૈર…એ પ્રકરણ ત્યાં જ પુરુ થયું.
લગભગ ૧૯૩૯ની સાલમાં સાહિરના દિલ પર ફરીથી પ્રેમનો હુમલો થયો. ઇશર કૌર નામની એક શીખ છોકરી પર સાહિર દિલ હારી બેઠાં.તે સાહિરની કોલેજમાં ભણતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી.તેની વાત ચીત, દેખાવ, હસવું બોલવું બધું જ સુંદર હતું.શરુઆતની આનાકાની પછી ઇશર કૌર પણ સાહિરને દિલ દઇ બેઠી. તેમના પ્રેમની વાત આગના ધુમાડાની જેમ આખી કોલેજમાં પ્રસરી ગઇ.તેમની ખાનગી મુલાકાતોની માહિતી પ્રીન્સીપાલ સુધી પહોંચી. તેમણે સાહિરને બોલાવીને સમજાવ્યા અને સાહિરે શરમના માર્યા કોલેજ છોડી દીધી જ્યારે ઇશર કૌરે બદનામીને કારણે કોલેજ છોડવી પડી.
સાહિર લાહોર ચાલ્યા ગયા ત્યાં પણ તેમની આંદોલનકારી પ્રવૃતિઓ ચાલુ જ હતી.ત્યાંની કોલેજમાં થી પણ તેમને ખેડૂતો અને મજુરોને ઉશ્કેરનારા લખાણ અને આંદોલનકારી પ્રવૃતિઓને કારણે કાઢી મુકવામાં આવ્યા.આમ પણ હવે સાહિરને ભણતરમાં રસ ન હતો તેમ છતા ૧૯૪૨માં ફરી એક વખત અન્ય કોલેજમાં દાખલ થયા. આર્થિક હાલત સાવ નબળી અને પાંખી હાજરીને કારણે પરીક્ષા આપી શકે તેમ ન હોવાથી તેમણે કાયમ માટે ભણતરને રામ રામ કરી દીધા. આ તરફ ઇશર કૌર સાથે પત્રવ્યવહાર ચાલુ હોવાથી બે હૈયા એકબીજા માટે ઝુરતા હતા પરંતુ સંજોગો સાથ આપતા ન હતા. એક દિવસ ઇશર કૌર માબાપ સામે બળવો કરીને ઘર છોડીને સાહિર પાસે લાહોર આવી ગયા. સાહિર તો અચંબો પામી ગયા શું કરવું તે સુઝતું ન હતું. સાહિરે ઇશર ને સમજાવ્યા કે ‘અત્યારે હું આપણા બન્નેનો આર્થિક બોજો ઉઠાવી શકવા સક્ષમ નથી, વળી મારી આંદોલનકારી પ્રવૃતિઓને કારણે હું આમ પણ પોલીસની નજરોમાં ગુનેગાર છું. જો તને મારી પાસે રાખી લઉ તો તને ભગાડી મૂકવાના ગુના સબબ મને અંદર કરી દેવામાં આવે.તારું જીવન વેરવિખેર થઇ જાય માટે થોડો સમય આપ મને હું બધું સરખું થાય પછી સામેથી તારો હાથ માંગવા આવીશ.’ પરંતુ ઇશર કૌર ન માન્યા અને વહેલી સવારે ઘરે જવાને બદલે સીધા મુંબઇ ચાલ્યા ગયા ત્યાં જ કોઇ ઓળખીતા સાથે લગ્ન કરીને સ્થિર થયા.ફરી એકવખત સાહિરનો પ્રેમ નાકામ રહ્યો.ઘણો સમય ઉદાસીમાં કાઢ્યા પછી કલમ હાથમાં લીધી અને કવિતાને દવા બનાવી પોતાનું દર્દ હળવું કરવા લાગ્યા.
૧૯૪૨માં સાહિરની મુલાકાત અમૃતા પ્રીતમ નામની પંજાબી કવયિત્રી સાથે એક મુશાયરા દરમ્યાન થઇ.આમ તો બન્ને એકબીજાની કલમથી વાકેફ હતા પરંતુ પ્રથમ વખત રુબરુ મળવાનું થયું.અમૃતા સાહિરથી ખૂબ પ્રભાવિત થયા ત્યારે સાહિર વિચારે છે કે આ મારા શબ્દો, મારા સંવેદનો અને અભિવ્યક્તિનો જાદૂ હશે બાકી આ શિતળાના ડાઘ વાળો ચહેરો તો કોણ પસંદ કરે ! અમૃતા દેખાવમાં ખૂબ જ આકર્ષક હતા કોઇપણ તેની પાછળ ઘેલું થઇ જાય તો સાહિરની શી વિસાત ! બન્નેની મૈત્રી રંગ લાવવા લાગી બન્ને એકબીજા તરફ આકર્ષાયા અને બન્નેની કલમમાંથી મેઘધનુષી રંગો રેલાવા લાગ્યા.બન્ને એ પોતાની લાગણી બોલીને ક્યારેય વ્યક્ત ન કરી બસ મૌનની ભાષામાં બન્નેનો આત્મા વાતો કરતો હતો.બન્ને એ પત્રો, કવિતાઓ,વાર્તાઓ દ્વારા એકબીજા માટે ખૂબ લખ્યું.
ખિસ્સામાં એક ફદિયું ન હતું પણ સપના તો આકાશને આંબવાના હતા તેથી તેમણે ઉર્દુ સામયિકોમાં કવિતાઓ મોકલવાની શરુ કરી. તેમની કવિતાઓનો જાદૂ એવો હતો કે સાહિત્ય જગતમાં તેની એક ઓળખ બનવા માંડી.સાથે સાથે થોડી આવક પણ ચાલુ થઇ.સમયનું ચક્ર ફરવા લાગ્યું અને સાહિરના નસીબ આડેનું પાંદડુ જરાક ખસ્યું.૧૯૪૩માં ‘પ્રીતલડી’ નામના ઉર્દુ સામયિકના તંત્રીએ સાહિરની કવિતાઓનું પુસ્તક છાપવાની હામી ભરી. સાવ મામુલી કાગળ પર છપાયેલી અને સાવ સસ્તી કિંમતની ‘તલ્ખિયાં’ નામની એ ચોપડી સાહિર માટે બેશકિંમતી ખજાનો હતો. આ પુસ્તકના નામનો અર્થ ભલે ‘કડવાશ’ થતો હતો પણ એના મીઠા ફળ સાહિરને ચાખવા મળ્યા. સાહિત્ય જગતમાં સાહિરની એક અલગ ઓળખ સ્થાપિત થઇ. આ પુસ્તકને ખૂબ પ્રસિદ્ધિ મળી. સાહિરની તેજાબી શાયરી વાંચીને યુવાનો વારી ગયા. સાહિરને ‘નૌ જવાનો કી આવાઝ’ કહીને બિરદાવવામાં આવ્યા કારણકે આ પુસ્તકની કવિતાઓ યુવાનોની નાડ પારખીને લખાયેલી હતી.
આ તરફ અમૃતા સાથેનો લગાવ વધી રહ્યો હતો અને આ તરફ ‘તલ્ખિયાં’ની લોકપ્રિયતાને કારણે સાહિરને અનેક મુશાયરાઓ માટે આમંત્રણ મળવા લગ્યા.મુશાયરાની સફળતાને કારણે પુસ્તક પણ ધૂમ વેચાઇ રહ્યું હતું.સાહિરના જીવનમાં એક ગુલાબી પડાવ આવ્યો હતો. સાહિરના તપતા હૃદય પર એક શીતળ છંટકાવ થઇ રહ્યો હતો. અમૃતાનો પ્રેમ અને કવિતાની સફળતાથી સાહિર ખુબ ખુશ હતા.
૧૯૪૪માં એક મશહુર સામયિકના સંપાદક તરીકે સાહિરને કામ મળ્યું. આ મેગેઝિનમાં સાહિરના લેખો અને કવિતા છપાવાના કારણે તેમની લોકપ્રિયતા વધવા લાગી તે ઉપરાંત સંપાદક હોવાને નાતે જાણીતા કવિઓના પરિચયમાં આવવાનુ થતું રહ્યું.સાહિર ધીમેધીમે પ્રથમ હરોળના સાહિત્યકાર તરીકે ઓળખાવા લાગ્યા. આ ગાળામાં ‘તલ્ખિયાં’માં છપાયેલી તાજમહલ નામની નઝ્મને કારણે સાહિર ખૂબ ચર્ચામાં રહ્યા.આ નઝ્મ ગરીબ, બેરોજગાર,નાકામ,લાચાર,નિરાશ અને પ્રેમના અભાવથી પીડાતા લોકોના દિલનો અવાજ સાબિત થઇ હતી. પરંતુ અમુક જુનવાણી અને રુઢીચુસ્ત વિચારો ધરાવનાર લોકોએ આ નઝ્મના વિરોધમાં ખૂબ હોબાળો મચાવ્યો. એક તરફ આ નઝ્મના ચાહકો અને એક તરફ વિરોધીઓ સામેસામે થઇ ગયા હતા અને સાહિર શાંતિથી આ તમાશો જોઇ રહ્યા હતા. એમણે વિચાર્યુ કે ચાલો આ રીતે પણ પ્રસિદ્ધિ તો મળી રહી છે!
અમૃતા-સાહિરના પ્રેમનો આ સુવર્ણયુગ હતો. એમની મુલાકાતોનો સિલસિલો વધી રહ્યો હતો. સાહિરના ગયા પછી અમૃતા રૂમ બંધ કરીને સહિરની અડધી પીધેલ સિગરેટને ફરી સળગાવીને પીતા.એના ધુમાડામાં સાહિરની છાયાને શોધવાનો પ્રયત્ન કરતા.સાહિર માટે એમણે ‘સુનેહડે’ અર્થાત ‘સંદેશાઓ’ નામનો કાવ્યસંગ્રહ લખ્યો. ‘આખરી ખત’ નામની વાર્તા લખી.અમૃતા પર સાહિરની દિવાનગી એ હદે છવાયેલી હતી કે પોતાની ગર્ભાવસ્થા દરમ્યાન એમણે સાહિર જેવું સંતાન મેળવા માટે સતત સાહિરનું ચિંતન મનન કર્યુ અને ઇશ્વરે જાણે ચમત્કાર કર્યો હોય એમ દીકરો નવરોઝ અદ્દલ સાહિરની શક્લ સુરત સાથે જનમ્યો.અને અમૃતાને પોતે ઇશ્વર હોવાનો અહેસાસ થઇ આવ્યો એમણે વિચાર્યુ મારી ગમતી દુનિયાનું મે જાતે સર્જન કર્યુ છે.અલબત નવરોઝનો ચહેરો પોતાના જેવો જ છે એ જાણ્યા પછી સાહિર હસીને બોલ્યા હતા ’પૂઅર ચોઇસ’
૧૯૪૬માં સાહિરને ફરી મુંબઇ સાદ પાડવા લાગ્યું. ફિલ્મી ગીતો લખવા માટે કલમ ફરી સળવળી અને તે મુંબઇ ચાલ્યા ગયા.સાહિરને એમ હતું કે મારી આવડી પ્રસિદ્ધિને કારણે, મારા પુસ્તકની સફળતાને કારણે મને ચપટી વગાડતા કામ મળી જશે. પરંતુ દિલ્લી અભી દૂર થી. સાહિરના નસીબમાં પ્રોડ્યુસરોની ઓફીસના ધક્કા જ લખાયેલા હતા. પેટમાં ભુખ, ખિસ્સામાં ખાલિપો અને કલમમાં તલબ દોડતી હતી પરંતુ કિસ્મત હજું સાથ આપવા રાજી ન હતું.આ સમયમાં મુબઇ નસીબ અજમાવવા સાહિરના ઘણા મિત્રો,સંબધીઓ પણ લુધિયાણાથી આવ્યા હતા. એમાં બે બહેનો હતી ખાદિજા અને હાજરા.. બે ચાર મુલાકાત બાદ સાહિર સાહેબ તાત્કાલિક ધોરણે હાજિરાના પ્રેમમાં પડી ગયા.હાજિરા પણ દિલ દઇ બેઠી હોવાથી સાહિરને પોતાના માબાપ સાથે મુલાકાત કરાવવા લઇ ગઇ. માબાપની રાજી ખુશીથી બન્નેની સગાઇ કરવામાં આવી. થોડા સમય બાદ અમુક કારણોસર આ સગાઇ ટૂટી ગઇ અને સાહિર ફરી એકલા પડી ગયા.
૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે સાહિર મુંબઇ હતા અને એમના માતા લુધિયાણામાં હતા તેથી ભારેલા અગ્નિ જેવા વાતાવરણમાં સહિરને માતાની ચિંતા થવા લગી. તે માતા પાસે પહોંચવા ઉતાવળા થયા.અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ દિલ્લી પહોંચી શકાયું. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે મિત્રોની મદદથી માતા સહીસલામત લાહોર પહોંચી ગયા છે.પોતે પણ અથડાતા કૂટાતા લાહોર પહોંચ્યા પરંતુ મુશ્કેલીઓએ હજુ પીછો છોડ્યો ન હતો. ત્યાં તેમણે સાવ બિસ્માર હાલતમાં પડેલા મકાનમાં નિરાશ્રિતોની જેમ રહેવું પડ્યું.ખિસ્સા હજુ યે ખાલી જ હતા.અમુક વખત તો આખો દિવસ માત્ર સિગરેટ પીને જ ચલાવી લેવું પડતું હતું. ઇશ્વરને દયા આવી હોય તેમ એક મેગેઝિનના સંપાદક તરીકે કામ મળ્યું અને ઘર ચાલવા લાગ્યું. મુંબઇનું સપનુ હજુ યે લીલુછમ હતું.
૧૯૪૮માં સાહિર એ સપનાને સાચુ કરવા ફરી મુંબઇ આવી ગયા પરંતુ ભાગલા પછીની ડહોળાયેલી સ્થિતિમાં લેખકો અને કવિઓની બજારમાં મંદી હતી.માતાના ઘરેણા વેંચીને તેમણે ગુજરાન ચલાવ્યુ પરંતુ મુંબઇ છોડ્યું નહીં..સ્ટુડિયોના ધક્કા ખાવા એ તેમની રોજનીશીમાં લખાઇ ગયું હતું. ડાઇરેક્ટરો અને પ્રોડ્યુસરોની ઓફીસ એ સાહિર માટે મક્કા મદિનાની યાત્રા સમાન બની ગઇ હતી. બધા તેમની કલાના, શાયરીના આશિક હતા પરંતુ ફિલ્મી ગીતો લખવા એ સાહિરનું કામ નથી તેવું માનતા હતા. સાહિરની તેજબી નઝ્મો અને અઘરી ઉર્દુ રચનાઓને કારણે ફિલ્મી જગતમાં આવી છાપ પડી હતી.સારો શાયર સારા ફિલ્મી ગીતો ન લખી શકે તો ફિલ્મ ફ્લોપ જવાનો ભય રહે અને આવુ જોખમ કોણ ખેડે?
ભલે સફળતા તેમનાથી દૂર હતી તોયે હિંમત હાર્યા વગર સાહિર લખતા રહ્યા.સાહિરે લખેલા ફિલ્મી ગીતો અન્ય ગીતકાર ખરીદીને પોતાના નામે ફિલ્મોમાં આપવા લાગ્યા. સાહિરને આવા ગીતો લખવા માટે એક ગીતના ૫૦૦ રુપિયા મળતા હતા જે સાહિર માટે બહુ જરુરી હતા.મુંબઇ આવ્યાને દોઢ વર્ષ થવા આવ્યું હતું પરંતુ મંઝિલ હજું દૂર હતી.આ કપરા કાળમાં તેમની માતાએ સાહિરને ખૂબ સહકાર અને હૂંફ આપી છે,માતાનો સાથ ન હોત તો સાહિર ભાંગી પડ્યા હોત. આખરે ઇશ્વરે તેમની આરઝૂ સાંભળી અને ‘નૌજવાન’ ફિલ્મ માટે તેમને ગીતો લખવાનો ચાન્સ મળ્યો. ધીમે ધીમે એમના ગીતો લોકપ્રિય થવા લાગ્યા તેથી અન્ય ફિલ્મો માટે કામ મળવા લાગ્યું.સાહિરના ગીતો એક અલગ મિજાજ લઇને આવ્યા હતા જે લોકો માટે સાવ નવતર જ હતા. એક પછી એક ફિલ્મો હીટ જવા લાગી અને સાહિરની ગાડી પૂરપાટ દોડવા લાગી. સાહિરનો સિતારો કિસ્મતના આસમાનમાં બરાબર ચમકી ગયો. ચારેબાજુથી પ્રસંશાના ફૂલો વરસવા લાગ્યા અનેક મુશાયરા માટે આમંત્રણ મળવા લાગ્યા.જ્યાં પહોંચવાનું સાહિરે નાનપણથી સપનું જોયુ હતું તે જગ્યા પર સાહિર પહોંચી ગયા હતા.
હવે આકાશ આખુ સાહિરની મુઠ્ઠીમાં હતું. તે મુંબઇ અને ફિલમ ઇન્ડસ્ટ્રીને બરાબર ઓળખી ગયા હતા. તેમનું સજ્જડપણે માનવું હતું કે મુંબઇ એક મોટુ બજાર છે. અહીંયા દરેક વસ્તુ પોતાની કિંમત ધરાવે છે. વસ્તુ હોય કે કલા બધુ જ અહીંયા વેચાય છે.બસ..તમારે કાબેલ સેલ્સમેન બનવું પડે છે. તમારો સિક્કો તમારે જ ચલાવવો પડે છે.અપાર સંઘર્ષ અને મહેનતના પરિપાક રુપે મળેલી સફળતા સાહિરને એ જગ્યા પર લઇ ગઇ જ્યાં ખુદ્દારી અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા રહી જવા પામી હતી.
સફળાતાના એ દૌરમાં સાહિરની અંદર એક સાથે બે સાહિર શ્વસી રહ્યા હતા, એક કે જે સફળાતાના નશાને માણી રહ્યો હતો અને બીજો કે જે નિતાંત એકલતાથી પીડાતો શરાબ અને સિગરેટની સોબતમાં સુખ શોધી રહ્યો હતો. આ સમયગાળા દરમ્યાન સાહિરની મુલાકાત નવીસવી ગાયિકા સુધા મલ્હોત્રા સાથે થઇ.પોતાની ઓળખાણથી સાહિરે સુધાને ફિલ્મોમાં કામ અપાવ્યું.સુધાની ગાયકી અને નસીબની યારીને કારણે સુધા સફળ થવા લાગ્યા. બન્ને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા પરંતુ સાહિર પોતાના સ્વભાવ મુજબ પોતાની લાગણીઓ સ્પષ્ટ જાહેર ન કરી શક્યા અને આ સંબંધ પણ અકાળે મુરઝાઇ ગયો. નિયતિએ કદાચ સાહિરના નસીબમાં એકલતા લખી રાખી હતી. સુધા કોઇ અન્ય સાથે પરણી ગઇ સાહિર ભાંગી પડ્યા. એક પાર્ટીમાં નવીનવેલી દુલ્હન સુધાને જોઇને સાહિરે નઝ્મ લખી ‘ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો’
સાહિરે પોતાના જીવનકાળ દરમ્યાન લગભગ ૨૦૦ ફિલ્મી ગીતો લખ્યા. તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. ‘તલ્ખિયાં ‘ , ગાતા જાયે બનજારા’ ,’ આઓ કોઇ ખ્વાબ બુને’. તેમને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા. તેમને દેશનો સન્માનીય ખિતાબ ‘પદ્મશ્રી’ પણ મળ્યો.
૧૯૬૦નો એ સમય જ્યારે સફળતા સાહિરના પગ ચુમતી હતી ત્યારે ચાહકોનાં હજારો પત્રો સાહિર માટે આવતા. એવા જ કોઇ પત્ર હાથમાં લેવા જતા અંદરથી એક બેહદ ખુબસુરત છોકરીનો ફોટો જોઇ સાહિર મોહી પડ્યા. પેલા પત્રનો જવાબ આપ્યો અને પત્રોનો સિલસિલો શરુ થયો. બન્નેવચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો.એ સ્ત્રી પરણેલી હતી, એક બાળકની માતા હતી. તે પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહી હતી પરંતુ સાહિરના પ્રેમને કારણે બધું છોડીને સાહિરને પરણવા તૈયાર થઇ ગઇ. ખુદ એ સ્ત્રીનો પતિ જ પત્નિની ખુશી માટે આ લગ્ન માટે રાજી થયો હતો. કાજીને બોલાવવા પણ તે જ ગયો. નસીબજોગે કાજી સાહેબ બહારગામ હોવાથી એ દિવસે શાદી ન થઇ શકી અને પછી ક્યારેય ન થઇ શકી..સાહિરનો વધુ એક પ્રેમ નાકામ બન્યો અને સાહિર ફરી એકલા પડ્યા.
સફળતાના આ સમયમાં સાહિરે પોતાની કિંમતે ગીતો લખવાના શરુ કર્યા. સંગીતકાર કરતા ૨૦૦૦૦ રુપિયા વધુ લઇને લખવાની શર્તો મુકવા લાગ્યા.આકાશવાણી પર વાગતા ગીતોમાં ગાયક અને સંગીતકારની સાથે ગીતકારનું નામ પણ શામેલ કરાવ્યું.સંગીત કંપનીઓ પાસેથી રોયલ્ટી લેવા લાગ્યા.પોતાના લખેલા ગીતમાં ક્યાંય પણ એક અક્ષરનો ફેરફાર પણ તે કરવાનો ઇન્કાર કરી દેતા. લોકોને આ બધુ અભિમાનનો અતિરેક હોય તેવું લાગતું પરંતુ સફળ માણસના કદમ ચુમવા ભીડ લાગતી હોય છે. જો કે સાહિર મિત્રોની બાબતમાં બહુ જ દિલદાર રહ્યા છે. ઓળખીતા અને જરુરિયાત વાળા લોકોને તેમણે ઉદાર દિલે તન-મન-ધનથી મદદ કરી છે.પોતાના ખિસ્સા ખાલી કરીને પણ તે અન્યને મદદ કરતા. તેના ઘરના અને દિલના દરવાજા બધા માટે હમેંશા ખુલ્લા રહેતા.જેટલા સારા ગીતકાર હતા એટલા જ સારા માણસ પણ હતા.
આ ચમક દમક લગલગાટ એક દાયકો ચાલ્યો. ધીમે ધીમે સાહિરનો સિતારો નબળો પડવા લાગ્યો. શરાબ અને સિગરેટના સેવનને કારણે હૃદયરોગનો હુમલો આવી ગયો. ૩૧ જુલાઇ ૧૯૭૬ના ગોઝારા દિવસે સાહિરની એકમાત્ર કરીબી સ્ત્રી એની માતા સરદારી બેગમ અલ્લાહને પ્યારી થઇ ગઇ. આ ઘટનાનો સાહિરને બહુ મોટો ધક્કો લાગ્યો. તે સાવ ભાંગી પડ્યા. આ આઘાતને કારણે તેનું હૃદય સાવ નબળુ પડી ગયું. ડોકટરે શરાબની મનાઇ ફરમાવી દીધી. અને સાહિર માટે જીવવું જાણે મુશ્કેલ થઇ ગયું. ‘પરછાઇ’ નામના આલિશાન બંગલામાં સાહિર પોતાની એકમાત્ર આજીવન વફાદાર રહેનારી એકલતા સાથે જીવવા લાગ્યા. કલમ અને આંગળીનો સાથ છુટી ગયો હતો. આસપાસ માખીઓની જેમ વળગેલા રહેતા મિત્રો ક્યાંક ગાયબ થઇ ગયા હતા. સાહિરનો સ્વભાવ ચિડીયો થવા લાગ્યો અને બધા જ તેનાથી દૂર જવા લાગ્યા.સાહિર સાવ એકલા અટૂલા માતાની યાદમા અને સિગરેટના સાથમાં જલતા રહ્યા. સફળતાની ચકાચૌંધ આખરે એકલતાના અંધારામાં ડૂબવા લાગી.
૨૫ ઓક્ટોબર ૧૯૮૦ની એક સાંજે તે પોતાના ડોકટર મિત્રની તબિયત જોવા તેમના ઘરે ગયા. બન્ને એ ખૂબ વાતો કરી પણ મન ભારે હતું એટલે હળવા થવા શતરંજની રમત રમવા બેઠા.રમત હજુ અધુરી હતી અને સાહિર પર અચાનક હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો. જીવનની ચોપાટ પરની બાજી સંકેલીને સાહિર નામનો ખેલાડી ઉઠવા લાગ્યો જતા જતા ડોકટરને કહેવા લાગ્યો
‘ડોકટર કપૂર….મારે મરવું નથી
ચહેરા પર ભલે શિતળાના ડાઘ છે…તો પણ જીંદગી ખુબસુરત છે ડોકટર’
અંતે સાહિરનો ઇલાજ કરનારા ડોકટરની હાજરીમાં જ સાહિર આ ફાની જગતને અલવિદા કહી ચાલી નીકળ્યા.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૪) – માન-અપમાનો ડૉક્ટરની જિંદગીનો અમૂલ્ય હિસ્સો છે
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.બીજું કોઈ પોતાનાં કાર્યોની, વ્યક્તિત્વની પ્રશંસા કરે એ માનવીને હંમેશા ગમતું હોય છે. ઘણા એવું કહેતા હોય છે કે “મને પ્રશંસાની કદી પડી નથી હોતી, હું તો મારું કામ કર્યે જાઉં છું.” આવા લોકોને તેમની આ બાબતની પ્રશંસા લોકો કરે એ ગમતું હોય છે! ડૉક્ટર પણ આખરે તો માણસ જ હોય છે, એટલે આમાંથી એ બાકાત નથી હોતો. વાત એટલી જ કે કેટલું તટસ્થતાપૂર્વક લેવાય છે.
ડૉ. પરેશને ડૉક્ટર તરીકે, સર્જન તરીકે મોટેભાગે પ્રશંસા જ મળી છે, છતાં કોઈવાર અવગણના કે અપમાનનો અનુભવ પણ થયો હતો.
“ભાઈ તમે આમ અંદર ના આવી જાવ, હું દર્દીને તપાસી લઉં પછી આવો.”
“કેમ, તારે મને નથી તપાસવો?”
“તનેય તપાસીને દવા આપીશ, પણ હમણાં તું બહાર જા, આના પછી આવ.”
આવનાર ધૂંવાંપૂવાં થતો બહાર તો ગયો, પણ ફરીથી અંદર આવ્યો ત્યારે કહે,
“ડૉક્ટર, તમે મને ઓળખતા નથી, બીજો કોઈ હોત તો આનાથી (પિસ્તોલ કાઢીને) એક ધડાકે ઉડાવી દીધો હોત! મને તુંકારે બોલાવનાર હજી સુધી પાક્યો નથી.”
“ભાઈ, તમે જે કોઈ હોય તે! દર્દીની અંગત વાતો પણ જાણવી મારે જરૂરી હોય છે, તેથી હું પૂછતો હોઉં છું. બીજો દર્દી હોય તો એની પ્રાઇવસી જળવાય નહીં, એટલે મેં ના પાડી હશે! બાકી, તમે જ કહો, તમને ઉઘાડા કરીને હું તપાસતો હોઉં અને કોઈ બીજો જુએ-સાંભળે તો તમને કેવું લાગે?”
આખરે એ થોડા શાંત થયા. ડૉ. પરેશે તપાસ કરી, અને એક Minor Surgical Procedureની સલાહ આપી, પણ એ કહે કે હું બીજે જઈને ઑપરેશન કરાવીશ!
બન્યું એવું કે તેણે જ્યાં ઑપરેશન કરાવ્યું, તેનાથી એને સારું થયું નહીં, અને દુઃખાવો એટલો વધી ગયો કે એનાથી બેસાય-ઉઠાય નહીં. ફરીથી એ ડૉક્ટર પાસે પાસે આવ્યો.
“સાહેબ, હવે તમે જ કંઈક કરો.”
ડૉક્ટરે તપાસ્યું તો ખબર પડી કે Piles (Haemorrhoids)નું ઑપરેશન (સર્જિકલ) કરી, ગુદાદ્વારને સહેજ આંગળીથી ઢીલું કરવું પડે (Anal Dilatation), તે થયેલું નહીં, તેથી દુઃખાવો હતો.
“ફરીથી કમરમાં ઇન્જેક્શન આપીને નીચેનો ભાગ બેભાન કરીને જે નાનું કામ બાકી છે તે કરવું પડશે. તમને સારું થઈ જશે.”
તે તરત જ માની ગયો. અને ઑપરેશન પછી ખુશ થઈ જતાં ડૉક્ટરનો આભાર માનીને નમસ્કાર કરીને ગયો.
+ + +
એક વાર ડૉ. પરેશ પોતાના કુટુંબ સાથે ફિલ્મ જોવા ગયો હતો, ત્યારે એક જાપાનીઝ બાળક દોડતો આવીને તેમના ખભા પર ચડી ગયો. શું થયું એ સમજાય એ પહેલાં એ બાળકની મમ્મી આવીને કહે,
“ડૉક્ટર, એની આંગળી છૂંદાઈ ગઈ ત્યારે તમે જ એની સારવાર કરી હતી. એના પપ્પા અત્યારે જાપાનમાં હોવાને કારણે એ એમને મિસ કરે છે. તમને જોઈને પપ્પાની યાદમાં એણે આવું કર્યું હશે, માફ કરજો!”
ડૉક્ટરના પત્નીને એવો વહેમ પડ્યો, કે એ બાળક ક્યાંક ડૉક્ટરની બીજી પત્નીનું તો નથી ને? પત્નીને સમજાવવા માટે એમણે ઘેર જઈને બાળકના ઑપરેશનનો રેકૉર્ડ બતાવવો પડેલો! છે ને મજાની વાત! બાળક પણ ડૉક્ટરને ભૂલે નહીં!
એક વાર એવું બન્યું, કે એક બહેન લોકોના દેખતાં પોતાના બે-ત્રણ મહિનાના બાળકને ડૉક્ટરના પગ આગળ મૂકી, વંદન કરીને તેમનો આભાર માનવા લાગ્યાં.
“ડૉક્ટર, તમારી સલાહથી મારા પિતાશ્રીએ મારું લગ્ન કરાવ્યું, અને જુઓ આ મારું બાળક! એને હું તમારા આશીર્વાદ માટે લાવી છું.”
ડૉ. પરેશ શરમાઈ ગયો, પણ બાળકને ઉઠાવીને એ બહેનના હાથમાં સોંપતાં કહ્યું,
“બહેન! તમારા દુઃખો જોઈને મને લાગેલું, કે તમે અંદરથી ખૂબ નિરાશ હતાં. મને એનું કારણ થોડે અંશે સમજાતાં તમારા પિતાજીને બોલાવીને મેં એ બાબતનો અણસાર આપેલો, એ જ! બાકી હું કાંઈ આટલા માનનો અધિકારી નથી!”
આવી લાગણીને શું કહેવું? એક ડૉ. તરીકે તેને સમજાયું હતું કે જિંદગીમાં ડૉક્ટર બનવાનું કેટલું મહત્ત્વ હતું! એક સાચો ડૉક્ટર તો Friend, Philosopher & Guideની ગરજ સારે છે.
આવા તો ઘણા પ્રસંગો યાદ આવે, પણ ડૉ. પરેશને પોતાની આત્મશ્લાઘા કરવી ગમતી નહીં. ડૉક્ટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખનારા દર્દીઓને બીજા દર્દીઓ કરતાં વધારે ફાયદો થતો એ એણે જોયું છે.
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ભારતની જેલો : કારાવાસ, કેદખાનું, સુધારગૃહ…
નિસબત
ચંદુ મહેરિયા
ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેમના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો.. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે.
ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે પરંતુ તેમાં ૧૪૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં, નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃધ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.
જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડોકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામમાત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ- પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા , ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે.
જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે. જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતાં. તેમાંથી ૧૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતાં.એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.
દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે.પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ.ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જોકે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચાકામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે.
જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવા કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્યપ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે,” જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય( અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે.તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.
૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણા રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટાભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જોકે ૨૦૧૬ની આદર્શ જેલ નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના અધારે રસોડાની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં. પરંતુ આ બાબતનો ભાગ્યેજ અમલ થાય છે. અરે જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે.
ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્વના કાર્યો કર્યા હતા. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવા કાર્યો કરવાના રહે છે.
જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભયપક્ષોએ પાલન કરવું જોઈએ. શંકાના અધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું..જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નારાયણ આશ્રમ
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
આખા નારાયણ આશ્રમમાં ગમે ત્યાં ઊભીને નજર કરીએ તો ચારે તસૂ ૩૬૦૦ પૂરા કે અડધા પડધાં બરફથી ઢંકાયેલાં શિખરોનાં જ દર્શન થાય.

કોઈ પિતાના ફેલાયેલા, સશક્ત અને માયાળુ બાહુઓ વચ્ચે નિશ્ચિંત પોઢેલાં શિશુની જેમ નાગાધિરાજની શીતળ છાયા વચ્ચે પલાંઠી વાળીને બેઠેલા નારાયણ આશ્રમ સાથે પ્રેમમાં પડી જવાય એ દૃશ્ય હતું. આશ્રમની રમણીયતા, પવિત્રતા અને નીરવતા અમારી કલ્પના કરતાં ક્યાંય એટલી ચઢિયાતી હતી કે મનના બધા ઉતાપ અને સંતાપ શમી જાય. રહેવાની સાવ સાદી અને સ્વચ્છ સગવડમાં આશ્રમમાં જ પ્રાકૃતિક રીતે ઉગાડેલાં તાજાં શાકભાજી, અને ત્યાંની ગાયોનાં ઘી-દૂધના ઉપયોગથી બનતું સ્વાદિષ્ટ ભોજન ઉદરાગ્નિને જેટલાં તૃપ્ત કરતાં જ હતાં તેટલી જ એ ભોજનને બનાવનારાંઓની અને અંતરના પ્રેમપૂર્વકના આગ્રહથી જમાડનારાંઓની લાગણી હૈયાંને પણ તરબતર કરતી હતી.

સાવ નજીક આવેલાં નેપાળનાં સ્થાપત્યની અસર આશ્રમમાં આવેલાં મંદિરની બાંધણીમાં વરતાતી હતી.

કોઈ તડક – ભડક કે આડંબર વિનાનું , સાદું, સીધું, લાક્ડાનાં કોતરકામવાળું મંદિર – મંદિરમાં બિરાજતી, શાંત મુખમુદ્રાથી ઓપતી સૂર્યનારાયણની મૂર્તિ સામે પલાંઠીને મારીને સામે બેસી જાય તો ભલભલા નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે એવાં અહીં સ્પંદનો હતાં. અહીં નહોતો ટીવીનો ટકટકારો કે નહોતી મોબાઈલની માથાકૂટ. ચોમેર પથરાયેલી પ્રકૃતિની સુંદરતા સાથે એકાકાર થઈને જાત ઓગાળી નાખવાની ભરપૂર તક હતી. પછી તો જેવી જેની પાત્રતા ! આ બધું ઝીલવામાં પનો જ્યારે ટુંકો પડે ત્યારે માત્ર એટલુંજ કહેવાપણું રહે કે ‘બહોત દિયા દેનેવાલેને તુજકો, આંચલ હી ન સમાયે તો ક્યા કીજે ?’.

સાંજે સાડા છથી સાત મંદિરમાં પ્રભુ ભક્તિ અને ભજન – કીર્તનનો સમય. અહીં ત્રણ દિવસ રહેવાનું થયું અમે બધાં હોંશે હોંશ એ ગાયન – શ્રવણમાં જોડાયાં. મંદિરના પુજારીજીના બુલંદ સ્વરમાં કબીરના દોહા અને પદો સાંભળતાં એક અનોખી જ અનુભૂતિ જ થતી હતી. તો વળી આશ્રમનાં મેનેજર પ્રતાપસિંહ રાણાનાં ધર્મપત્ની, બિમલાદેવી,નાં પહાડી લહેકાવાળા કંઠે બેફિકર, બેખબર ભક્તિભાવભર્યું ભજન ‘લગન યુમ સે લગા બૈઠે, જો હોગા દેખા જાયેગા’ મીરાંના સમર્પિત ભાવભર્યાં ભજનોની યાદ અપાવતું હતું.

અહીંના અમારા નિવાસના પહેલે દિવસે આશ્રમની અંદરથી જ કૈલાસ – માનસરોવરના રસ્તે ટ્રેકીંગ રસિયાઓને ટ્રેકીંગ કરવા મળ્યું. બીજા દિવસે. જેમને જવું હતું એ બધાને મૅનેજર પ્રતાપસિંહ ભોમિયા બનીને ઘણું કપરું ચઢાણ ધરાવતા નારાયણપીઠના રસ્તે દોરી ગયા. જે ન જઈ શક્યાં એમને માટે મનભરીને પ્રકૃતિને માણવાનો અથવા તો નાનકડી, સુવ્યવસ્થિત લાયબ્રેરીમાં વાંચન કરવાનો કે પછી મંદિરમાં જઈને મૌનમાં સરી પડવાનો એવા અનેક જુદા જુદા વિકલ્પો હતા. દરેકે પોતપોતાને અનુકૂળ આવે તે રીતે જીવનમાં ભાગ્યે જ મળી રહેતી આ અલભ્ય તકને સાર્થક કરી લેવાનો પ્રયત્ન કર્યો.
નારાયણ સ્વામીએ સ્થાપેલ અને સ્વામી તદ્રૂપાનંદજીએ સંવર્ધિત કરેલ આ નારાયણ આશ્રમની પવિત્ર, નિર્મળ ખુશ્બુ મનમાં ભરીને આ સ્થળને અમે અલવિદા કહીને અમે મુંશીયારી પહોંચવાનો વળતો પ્રવાસ શરૂ કર્યો.
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
