નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

આશા વીરેન્દ્ર

આખા નારાયણ આશ્રમમાં ગમે ત્યાં ઊભીને નજર કરીએ તો ચારે તસૂ ૩૬૦  પૂરા કે અડધા પડધાં  બરફથી ઢંકાયેલાં શિખરોનાં જ દર્શન થાય.

કોઈ પિતાના ફેલાયેલા, સશક્ત અને માયાળુ બાહુઓ વચ્ચે નિશ્ચિંત પોઢેલાં શિશુની જેમ નાગાધિરાજની શીતળ છાયા વચ્ચે પલાંઠી વાળીને બેઠેલા નારાયણ આશ્રમ સાથે પ્રેમમાં પડી જવાય એ દૃશ્ય હતું. આશ્રમની રમણીયતા, પવિત્રતા અને નીરવતા અમારી કલ્પના કરતાં ક્યાંય એટલી ચઢિયાતી હતી કે મનના બધા ઉતાપ અને સંતાપ શમી જાય. રહેવાની સાવ સાદી અને સ્વચ્છ સગવડમાં આશ્રમમાં જ પ્રાકૃતિક રીતે ઉગાડેલાં તાજાં શાકભાજી, અને ત્યાંની ગાયોનાં ઘી-દૂધના ઉપયોગથી બનતું સ્વાદિષ્ટ ભોજન ઉદરાગ્નિને જેટલાં તૃપ્ત કરતાં જ હતાં તેટલી જ એ ભોજનને બનાવનારાંઓની અને અંતરના પ્રેમપૂર્વકના આગ્રહથી જમાડનારાંઓની લાગણી હૈયાંને પણ તરબતર કરતી હતી.

સાવ નજીક આવેલાં નેપાળનાં સ્થાપત્યની અસર આશ્રમમાં આવેલાં મંદિરની બાંધણીમાં વરતાતી હતી.

કોઈ તડક – ભડક કે આડંબર વિનાનું , સાદું, સીધું, લાક્ડાનાં કોતરકામવાળું  મંદિર – મંદિરમાં બિરાજતી, શાંત મુખમુદ્રાથી ઓપતી સૂર્યનારાયણની મૂર્તિ સામે પલાંઠીને મારીને સામે બેસી જાય તો ભલભલા નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે એવાં અહીં સ્પંદનો હતાં. અહીં નહોતો ટીવીનો ટકટકારો કે નહોતી મોબાઈલની માથાકૂટ. ચોમેર પથરાયેલી પ્રકૃતિની સુંદરતા સાથે એકાકાર થઈને જાત ઓગાળી નાખવાની ભરપૂર તક હતી. પછી તો જેવી જેની પાત્રતા ! આ બધું ઝીલવામાં પનો જ્યારે ટુંકો પડે ત્યારે માત્ર એટલુંજ કહેવાપણું રહે કે ‘બહોત દિયા દેનેવાલેને તુજકો, આંચલ હી ન સમાયે તો ક્યા કીજે ?’.

સાંજે સાડા છથી સાત મંદિરમાં પ્રભુ ભક્તિ અને ભજન – કીર્તનનો સમય. અહીં ત્રણ દિવસ રહેવાનું થયું અમે બધાં હોંશે હોંશ એ ગાયન – શ્રવણમાં જોડાયાં. મંદિરના પુજારીજીના બુલંદ સ્વરમાં કબીરના દોહા  અને પદો સાંભળતાં એક અનોખી જ અનુભૂતિ જ થતી હતી. તો વળી આશ્રમનાં મેનેજર પ્રતાપસિંહ રાણાનાં ધર્મપત્ની, બિમલાદેવી,નાં પહાડી લહેકાવાળા કંઠે બેફિકર, બેખબર ભક્તિભાવભર્યું ભજન ‘લગન યુમ સે લગા બૈઠે, જો હોગા દેખા જાયેગા’  મીરાંના સમર્પિત ભાવભર્યાં ભજનોની યાદ અપાવતું હતું.

અહીંના અમારા નિવાસના પહેલે દિવસે આશ્રમની અંદરથી જ કૈલાસ – માનસરોવરના રસ્તે ટ્રેકીંગ રસિયાઓને ટ્રેકીંગ કરવા મળ્યું. બીજા દિવસે.  જેમને જવું હતું એ બધાને મૅનેજર પ્રતાપસિંહ ભોમિયા બનીને ઘણું કપરું ચઢાણ ધરાવતા નારાયણપીઠના રસ્તે દોરી ગયા. જે ન જઈ શક્યાં એમને માટે મનભરીને પ્રકૃતિને માણવાનો અથવા તો નાનકડી, સુવ્યવસ્થિત લાયબ્રેરીમાં વાંચન કરવાનો કે પછી મંદિરમાં જઈને મૌનમાં સરી પડવાનો એવા અનેક જુદા જુદા વિકલ્પો હતા.  દરેકે પોતપોતાને અનુકૂળ આવે તે રીતે જીવનમાં ભાગ્યે જ મળી રહેતી આ અલભ્ય તકને સાર્થક કરી લેવાનો પ્રયત્ન કર્યો.

નારાયણ સ્વામીએ સ્થાપેલ અને સ્વામી તદ્રૂપાનંદજીએ  સંવર્ધિત કરેલ આ નારાયણ આશ્રમની પવિત્ર, નિર્મળ ખુશ્બુ મનમાં ભરીને આ સ્થળને અમે અલવિદા કહીને અમે મુંશીયારી પહોંચવાનો વળતો પ્રવાસ શરૂ કર્યો.


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.