ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

અનેક ગીતો માટે ચાહકો કહેતા હોય છે કે આ ગીત ફલાણા સિવાય કોઈ ગાઈ જ ન શકે. આવું વિધાન કરવા પાછળ મુખ્ય બે કારણ હોય છે. પહેલું તો પોતાના પ્રિય ગાયક/ગાયિકા પ્રત્યેનો લગાવ. બીજું કારણ જરા સમજવા જેવું છે. ગીતો જ્યારે નિરાંતે બનતાં, એની ધૂન પાછળ મહેનત કરવામાં આવતી ત્યારે એ ધૂન ચોક્કસ ગાયકોના સ્વરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાતી. જે તે ગાયક/ગાયિકાના સ્વરની ખૂબી/મર્યાદા અનુસાર તેની ધૂન બનાવાતી. ‘સાવન’નું હંસરાજ બહલના સંગીતવાળું ગીત ‘નૈન દ્વાર સે મન મેં વો આ કે’ મુકેશ સિવાય અન્ય કોઈના સ્વરમાં કલ્પી ન શકાય, કેમ કે, મુકેશના સ્વરની મર્યાદાને એમાં વિશેષતામાં રૂપાંતરીત કરી દેવાઈ છે. આવાં બીજાં અનેક ગીતો હશે. એક સમયે એચ.એમ.વી. દ્વારા ‘વર્ઝન સોન્ગ્સ’ની રેકોર્ડ બહાર પડતી, જેમાં એક જાણીતા ગીતને અન્ય જાણીતા ગાયક દ્વારા ગાવામાં આવ્યું હોય. જેમ કે, ‘જાગતે રહો’નું ‘જિન્દગી ખ્વાબ હૈ’ મન્નાડેએ ગાયું હોય. આ સાંભળતાં સમજાય કે આ ગીત અસલમાં મુકેશને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે, આથી એક ગાયક તરીકે મન્નાડે ઉત્તમ હોવા છતાં તેઓ એને પૂરતો ન્યાય આપી શકતા નથી. આવાં બીજાં અનેક ‘વર્ઝન સોન્ગ્સ’ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.

આવું એક ‘વર્ઝન સોન્ગ’ છે ‘ચલ ઉડ જા રે પંછી’. ‘ભાભી’ ફિલ્મનું આ ગીત મહમ્મદ રફીના સ્વરમાં છે, જે ‘વર્ઝન સોન્ગ’ તરીકે તલત મહેમૂદના સ્વરમાં સાંભળવા મળે છે. તલત મહેમૂદની ગાયકી ઉત્તમ હોવા છતાં આ ગીત તેમના સ્વરમાં ફિક્કું લાગે છે, કેમ કે, અસલમાં એ ગીત રફીના સ્વરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું હતું. (તલતસાહેબના સ્વરમાં ગવાયેલું ‘ચલ ઉડ જા રે પંછી’ આ લીન્‍ક પર સાંભળી શકાશે.

(ગીતકાર રાજેન્‍દ્ર કૃષ્ણ)

 

૧૯૫૭માં રજૂઆત પામેલી, એ.વી.એમ. પ્રોડક્શન્સ નિર્મિત, કૃષ્ણન-પંજુ દિગ્દર્શીત ‘ભાભી’ એક સામાજિક ફિલ્મ હતી. તેમાં બલરાજ સાહની, પંઢરીબાઈ, શ્યામા, અનવર હુસેન, જગદીપ, નંદા, કે.કે. સહિત બીજા અનેક કલાકારો હતા. આ ફિલ્મનાં ગીતો, ‘એ.વી.એમ.’ની મોટા ભાગની ફિલ્મોમાં હોય છે એમ રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં હતાં, જ્યારે સંગીતકાર હતા ચિત્રગુપ્ત. ફિલ્મનાં ટાઈટલ્સમાં સહાયક સંગીતકાર તરીકે ‘દિલીપ કુમાર’નું નામ જોવા મળે છે એ આપણા દિલીપ ધોળકીયા.

(મહમ્મદ રફી અને ચિત્રગુપ્ત)

‘ભાભી’નાં કુલ નવ ગીતો હતાં, જે ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘કારે કારે બદરા’, ‘ટાઈ લગાકે માના બન ગયે જનાબ હીરો’, ‘જા રે જાદુગર દેખી તેરી જાદુગરી’ લતા મંગેશકરે ગાયેલાં એકલગીતો હતાં. ‘છુપાકર મેરી આંખોં કો’ અને ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ લતા અને મહમ્મદ રફીનાં યુગલ ગીત હતાં. ‘જવાન હો યા બુઢિયા’ મહમ્મદ રફીનું એકલ ગીત હતું, જ્યારે ‘હૈ બહુત દિનોં કી બાત’ મહમ્મદ રફી, મન્નાડે અને એસ.બલબીર દ્વારા ગવાયું હતું.

અલબત્ત, આ ફિલ્મનું સૌથી લોકપ્રિય અને ટકાઉ ગીત મહમ્મદ રફીએ ગાયેલું ‘ચલ ઉડ જા રે પંછી’ નીવડ્યું. ફિલ્મમાં તે ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે, અને એ ઉપરાંત પણ અન્ય પરિસ્થિતિમાં તેના અમુક અંતરા છે. સામાન્ય રીતે હોય છે એમ, ફિલ્મના અંતમાં તેનો ઉપયોગ થયો નથી.

‘ચલ ઉડ જા રે પંછી’ ગીતના શબ્દો આ મુજબ છે:

चल उड़ जा रे पंछी
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …

खतम हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था
खतम हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था
आज यहाँ और कल हो वहाँ ये जोगीवाला फेरा था
ये तेरी जागीर नहीं थी,
ये तेरी जागीर नहीं थी, चार घडी का डेरा था
सदा रहा है इस दुनिया में किसका आब-ओ-दाना

(ટાઈટલમાં અહીં સુધીનો અંતરો છે. એ પછી નીચે મુજબના અંતરા ફિલ્મની અલગ અલગ પરિસ્થિતિમાં સંભળાય છે.)

चल उड़ जा रे पंछी
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …

तूने तिनका-तिनका चुन कर, नगरी एक बसाई
बारिश में तेरी भीगी पांखें, धूप में गरमी छाई
ग़म ना कर
ग़म ना कर जो तेरी मेहनत तेरे काम ना आई
अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जाना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …

(વધુ એક અંતરો આ મુજબ અન્ય દૃશ્યમાં છે.)

चल उड़ जा रे पंछी…
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी…

भूल जा अब वो मस्त हवा वो उड़ना डाली-डाली
भूल जा अब वो मस्त हवा वो उड़ना डाली-डाली
जग आँख की काँटा बन गई, चाल तेरी मतवाली
कौन भला उस बाग को पूछे, हो ना जिसका माली
तेरी क़िस्मत में लिखा है जीते जी मर जाना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …

रोते हैं वो पँख-पखेरू साथ तेरे जो खेले
जिनके साथ लगाये तूने अरमानों के मेले
भीगी अंखियों से ही उनकी, आज दुआयें ले ले
किसको पता अब इस नगरी में कब हो तेरा आना
चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना
चल उड़ जा रे पंछी …

આ અંતરાના અંતે મહમ્મદ રફીના આલાપ સાથે ગીત પૂરું થાય છે.

આ ગીતમાં ફિલ્મની કથાને અનુરૂપ વિવિધ અંતરા લખાયા છે, પણ સમગ્રપણે જોઈએ તો આખું ગીત માનવજીવનની ફિલસૂફીને રજૂ કરે છે. ‘એકલા જ આવ્યા મનવા એકલા જવાના’ જેવો ભાવ સમગ્ર ગીતમાં રજૂ થયેલો જણાય છે.

એટલી નોંધ જરૂરી કે ‘ભાભી’ નામની અન્ય બે ફિલ્મો 1938માં અને 1991માં પણ રજૂઆત પામી હતી.

આ ગીતના તમામ અંતરા નીચેની લીન્કમાં સાંભળી શકાશે.

https://youtu.be/XH_kWzpQ8E0


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)