વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જૈન દેરાસરો – આપણા ઉત્સવો આપણી સાંસ્કૃતિક ધરોહર

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

    Jain Temples 022023


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : અન્નાનો આવેગ – PASSION OF ANNA ( 1969 ) – EN PASSION ( Swedish )

    ભગવાન થાવરાણી

    આ શૃંખલાના દસમા અને અંતિમ હપ્તાની ફિલ્મ પહેલેથી નક્કી છે – SEVENTH SEAL – વિશ્વ સિનેમાની ઉત્કૃષ્ટતમ કૃતિઓમાંની એક. આ ઉપાંત્ય મણકામાં બર્ગમેનની કઈ ફિલ્મ લેવી એની મીઠી કશ્મકશ હતી. મેં જોયેલી અને અત્યાર સુધી સમાવિષ્ટ ન થઈ શકેલી દસેક ફિલ્મો સ્પર્ધા ! માં હતી. એ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો એ નુસખો અપનાવ્યો કે એમની નબળી લેખાતી ફિલ્મોમાંથી એક પસંદ કરવી. આમેય કોઈ મોટા સર્જકની એવી ફિલ્મ પર દ્રષ્ટિપાત કરવો હમેશા રસપ્રદ હોય જે ચૂકાઈ ગઈ હોય – અવગણિત, ઉપેક્ષિત, યોગ્ય મૂલ્યાંકન ન પામેલી કૃતિ ! બર્ગમેનની એવી ફિલ્મોમાંની એક એટલે THE TOUCH ( 1970 ) અને બીજી આજની ફિલ્મ. યાદ આવ્યું, સત્યજીત રાય વાળી શ્રેણીના પ્રથમ જ હપ્તે એમની આગંતુક ફિલ્મ વિષે લખવા બેઠો ત્યારે અનેક વિવેચકોએ લખેલું વાંચ્યું હતું કે એ એમની સૌથી  નબળી ફિલ્મોમાંની એક હતી ! એ ફિલ્મ ત્રણેક વાર જોયા – માણ્યા પછી લાગ્યું કે એ નબળી ફિલ્મ અનેક ફિલ્મકારોની શ્રેષ્ઠ ફિલ્મ કરતાં ચડિયાતી હતી .

    આજની ફિલ્મ PASSION OF ANNA ( ( 1969 ) – સ્વીડીશ નામ EN PASSION –  અન્નાનો આવેગ આવી ફિલ્મ છે.[1] બર્ગમેને પોતાની આત્મકથામાં કબૂલ્યું છે કે એમની આ ફિલ્મ એમની કારકિર્દીની ‘ યાદગાર રીતે વિચિત્ર ‘ ફિલ્મ છે ! હા, એ ક્ષતિપૂર્ણ કૃતિ છે પરંતુ ક્ષતિગ્રસ્ત બર્ગમેન અન્ય અનેક ક્ષતિરહિતો કરતાં બેહતર છે. એમની ઉણપો પણ રસપ્રદ છે.

    પ્રથમ દ્રષ્ટિએ આ ફિલ્મમાં વાર્તા જેવું કશું ન લાગે. ફિલ્મના મુખ્ય ચાર પાત્રોના આવેગો માત્ર દર્શાવાયા છે. ( ફિલ્મનું અંગ્રેજી શીર્ષક અન્નાનો આવેગ ‘ એ રીતે વ્યાજબી નથી કારણ કે ફિલ્મમાં માત્ર અન્નાની વાત નથી. લાગે છે એવું કે અમેરિકન બજારને લોભાવવા સર્જકે અન્ના નામનો ઉપયોગ કર્યો છે. ) દરેક પાત્ર વિચિત્ર છે અને એ વિચિત્રતાઓ પાછળની પૃષ્ઠભૂમિ દર્શાવતી ઘટનાઓ ફિલ્મનું હાર્દ છે. એની સમાંતરે કેટલાક એવા પ્રસંગો અને પાત્રો છે જે આપણા સંવેદનતંત્રને ઝકઝોરે ! એક રીતે આ ફિલ્મ બર્ગમેનની એ પહેલાંની બે ફિલ્મો HOUR OF THE WOLF ( 1968 ) અને SHAME ( 1968 ) સંગે એક ફિલ્મ – ત્રયી રચે છે. ત્રણેય ફિલ્મોની કથા બર્ગમેન પોતે રહેતા એ ફારો ટાપુ પર આકાર લે છે. ત્રણેયમાં એક જ કલાકાર બેલડી MAX VON SYDOW ( ઉચ્ચાર ‘ મેક્સ ફોન સિંદો ‘ ) અને LIV ULLMANN છે અને ત્રણેય મનુષ્ય સહિતના નિર્દોષ પ્રાણીઓ પરના અત્યાચારની વાત કરે છે.

    ફિલ્મના મુખ્ય પાત્રો આમ તો બે જ એટલે કે આંદ્રેયા વિંકલમેન ( મેક્સ ફોન સિંદો ) અને અન્ના ( લિવ ઉલમાન ). એમની સાથે સહપાત્રો છે ઈવા ( બીબી એંડર્સન ) અને એલિસ ( અરલેંડ જોસેફસન ). ચારેય એક ટાપુ પર રહે છે. ( આમ તો ચારેય પોતે પણ ટાપુ જેવા છે – નિતાંત એકલવાયા ! ) આંદ્રેયા પોતાના ગુનાહિત ભૂતકાળથી ભાગતો ફરતો અને પત્નીએ ત્યજી દીધેલો એકલો પોતાના ખખડધજ મકાનમાં રહે છે. એનાથી દૂર આ જ ટાપુ પર એલિસ અને ઈવા  – પરિણિત દંપતિ – પોતાના સમૃદ્ધ મકાનમાં રહે છે. ફિલ્મની નાયિકા અન્ના આ દંપતિ સાથે પારિવારિક મિત્ર તરીકે રહે છે. અન્ના તાજેતરમાં એક કાર અકસ્માતમાં પોતાના પતિ અને પુત્રને પોતાની જ ડ્રાઈવીંગની ભૂલના કારણે ગુમાવી ચૂકી છે. એની પોતાના પણ એક પગને નુકસાન થયું છે. ફિલ્મમાં વધુ એક પાત્ર યોહાન ( ERIK HELL ) પણ છે. ચારે મુખ્ય પાત્રો ગૂંચવાયેલા ચરિત્રો છે. બધા કંઈક અંશે ક્રૂર અને હિંસક પણ છે – અન્યો પ્રત્યે જ નહીં, સ્વયં પ્રત્યે પણ ! બધા જ જાતે સર્જેલા પોતપોતાના નરકમાં સબડે છે. ફિલ્મનું કથાવસ્તુ આ ચારે પાત્રોના એકમેકમાં અટવાવા વિષે છે. એ દરમિયાન ટાપુ પર થતી નિર્દોષ પ્રાણીઓની રહસ્યમય હત્યાઓ અને એમાં આંદ્રેયાના મિત્ર યોહાનના લેવાતા ભોગની કરુણ કથની પણ સમાવી લેવાઈ છે.

    ફિલ્મનું એક વિશિષ્ટ પાસું છે ફિલ્મના ચાર મુખ્ય કલાકારો દ્વારા એમના દ્વારા ભજવાતી ભૂમિકાઓનું કેમેરા સમક્ષ કરાતું વિશ્લેષણ. આ દ્રષ્યો ફિલ્મમાં થોડી-થોડી વારના અંતરે આવે છે. બર્ગમેન અદ્રષ્ય રહીને ચારેય કલાકારોને એમણે ભજવેલા પાત્રના માનસ વિષે પૂછે છે. કેટલાક વિવેચકોના મતે આ પ્રયોગ ફિલ્મની પ્રવાહિતામાં અવરોધક છે. વળી એ દર્શકોની પોતાની આગવી નિરીક્ષણ ક્ષમતાની અવહેલના રૂપ પણ કહેવાય . ગમે તે હોય, પ્રયોગ નિરાળો તો ખરો જ.

    ફિલ્મની વાર્તાની સંક્ષેપમાં વાત. ટાપુ પર એકલવાયું જીવન જીવતા અને પોતાના કલંકિત ભૂતકાળથી ભાગતા ફરતા આંદ્રેયાનો એકમાત્ર મિત્ર યોહાન છે જે પોતે પણ મજૂરીના કામ કરી એકલો જીવે છે. આંદ્રેયાની પત્ની ‘ તને આત્માનું કેંસર છે ‘ જેવો આરોપ એના પર મૂકી એને છોડીને જઈ ચૂકી છે. અન્ના આ જ ટાપુ પર પોતાના મિત્ર દંપતિ એલિસ અને ઈવા સંગે રહે છે.  એક વાર અચાનક ફોન કરવાની જરૂર પડતાં એ આંદ્રેયાના ઘરે જઈ ચડે છે. એની ફોન પરની વાત સાંભળતા આંદ્રેયાને ખબર પડે છે કે એ કોઈક આર્થિક વિટંબણામાં છે. પાછા ફરતા એ પોતાનું પર્સ આંદ્રેયાના ઘરે ભૂલી જાય છે. આંદ્રેયાનું અપરાધી માનસ એને પર્સમાંના એના પતિએ અન્નાને લખેલો પત્ર વાંચવા લલચાવે છે. પત્રમાં એને પતિએ સ્પષ્ટ લખ્યું છે કે એ બન્નેના સ્વભાવની વિસંગતિઓ જોતાં એ કોઈ પણ સંજોગોમાં અન્ના સાથે રહી શકશે નહીં.

    પર્સ પાછું આપવા જતાં આંદ્રેયાની ઓળખાણ એલિસ – ઈવા દંપતિ સાથે થાય છે. અન્ના એમની સાથે જ રહે છે. એલિસ સંપન્ન સ્થપતિ છે. એને ફોટોગ્રાફીનો પણ જબરો શોખ છે. બન્ને પતિ પત્ની વચ્ચે સુમેળ નથી. ઈવાને એક વાર ગર્ભપાત થઈ ચૂક્યો છે. હવે બાળકની ઈચ્છા નથી કારણ કે એના શબ્દોમાં ‘ બાળક ઉછેરવું એના ગજા બહારની વાત છે. ‘ એને અનિદ્રાનો રોગ છે એટલે ધોળે દિવસે ગમે તે જગાએ કાર પાર્ક કરીને અંદર સુઈ જાય છે !

    અન્ના જિદ્દી છે. એને એવો દેખાડો કરવાનો શોખ છે કે એનું લગ્નજીવન સુખી હતું. એ જિદ્દપૂર્વક પોતે માનેલા સત્યોને વળગી રહે છે. એ સ્વયંને આધ્યાત્મિક માને છે. અડધી રાતે એ દુ:સ્વપ્નોમાંથી ચીસો પાડીને જાગી જાય છે.

    એલિસના સ્ટુડિયોમાં એણે જાતે પાડેલા ફોટોગ્રાફનો સંગ્રહ છે. એ હજારો ફોટોનું વર્ગીકરણ એણે લોકોના અલગ-અલગ મૂડ પ્રમાણે કરી ખજાના જેમ સાચવ્યો છે. એ કોઈ પણ નવા માણસના ફોટા પાડવાની તક ચૂકતો નથી અને એ રીતે સંગ્રહને સમૃદ્ધ કરતો રહે છે. એ આ સંગ્રહને ‘ અર્થહીનતામાં જીવતા લોકોની પહોંચ બહારનો ખજાનો ‘ કહે છે ! એ આંદ્રેયાને આર્થિક રીતે પગભર થવા જોઈતી મદદ કરવા તૈયાર છે. એ કબૂલ કરે છે કે એની પત્ની ઈવાને ભૂતકાળમાં અન્નાના પતિ સાથે અનૈતિક સંબંધો હતા. અન્ના અને ઈવા કહેવાતા પ્રગાઢ મિત્રો છે પણ ઈવા અંદરખાનેથી અન્નાને ધિક્કારે છે.

    તક મળતાં ઈવા આંદ્રેયાના કોટેજ પર પહોંચી જાય છે, પોતાના દુખડા રોવા. પોતાના પતિથી અસંતુષ્ટ પણ એને ‘ દિલથી ચાહતી ‘ ઈવા આંદ્રેયા સંગે સહશયન કરે છે. એ જર્મન સંગીતકાર યોહાન બાખના સંગીતની શોખીન છે. એલિસ પોતે પણ એની પત્નીના ઈતર સંબંધો વિષે ચિર શંકાશીલ છે. ખુદ ઈવાના મતે  ‘ હું મારા પતિ માટે નિરર્થક છું. એને મારી જરૂર નથી. એ ભલો ને એનો વ્યવસાય અને શોખ ભલા. ‘ જતાં – જતાં એ આંદ્રેયાને અન્નાથી ચેતતા રહેવાની સલાહ આપતી જાય છે.

    ટાપુ પર છાશવારે કોઈક અજાણ્યો વિકૃત માણસ મૂંગા પ્રાણીઓ પર અત્યાચાર કરતો રહે છે. એક વાર એ આંદ્રેયાના ઘરની બહાર જ એક ગલૂડિયાંના ગળે દોરડું બાંધી લટકાવી દે છે જેને આંદ્રેયા મહામહેનતે બચાવે છે. અન્ય એક ઘટનામાં એ ઘેટાના વાડામાં આગ લગાડી ભાગી છૂટે છે જે અનેક ઘેટાના જીવતા ભૂંજાઈજવામાં પરિણમે છે. ટાપૂના લોકોને આ બધા માટે યોહાન જવાબદાર લાગે છે કારણ કે એ ‘ માનસિક રોગની સારવાર લઈ ચૂક્યો છે, એકલસૂરો છે અને પોતે કોઈ પ્રાણી પાળતો નથી ‘ !

    અન્ના અને આંદ્રેયા સાથે રહેવાનું શરુ કરે છે. બન્ને સમદુખિયા છે અને વિક્ષિપ્ત પણ. જોકે પ્રકૃતિએ બન્નેમાં આભ – જમીનનું છેટું છે. અન્ના એની આગળ એ જ ‘ પોતાના પતિ સાથેના સુખી લગ્નજીવનનું ગાણું ‘ ગાયે રાખે છે જેનાથી આંદ્રેયા ધૂંધવાય છે કારણ કે એ અન્નાની અસલિયત જાણે છે. અન્ના પોતે પતિની બેવફાઈ – એના ઈવા સાથેના સંબંધ – કઈ રીતે માફ કરી પ્રેમને બરકરાર રાખ્યો એ વાત કરવાનું પણ ચૂકતી નથી.

    યોહાનને મારી નાંખવાની નનામી ધમકી મળે છે. એણે નિર્દોષ પ્રાણીઓ પર આચરેલા અત્યાચાર સબબ. આંદ્રેયાને નવાઈ લાગે છે. એ પોતાના મિત્રને ઓળખે છે. યોહાન અને ક્રૂરતાને દૂરનો સંબંધ પણ નથી. એ એને સલામતી ખાતર ટાપુ છોડીને ચાલ્યા જવાની સલાહ આપે છે. ‘ ક્યાં જાઉં ? ‘

    આંદ્રેયા અને અન્ના એક વર્ષ ‘ ઠીક ઠીક સુમેળપૂર્વક ‘ રહે છે. ક્યારેક બન્ને વચ્ચે થતા નાના – નાના છમકલાંને બાદ કરતાં. જોકે બન્નેની આગવી પ્રકૃતિને કારણે બન્નેના આગવા મૂંઝારા પણ છે. અગાઉ લખ્યું તેમ, લિવ ઉલમાન પોતે ભજવે છે એ અન્નાના પાત્ર વિષે કહે જ છે કે ‘ એ દુનિયાને પોતાના બીબાંમાં ઢાળવા માંગે છે. એનો પોતાના જ સત્યનો આગ્રહ ભયાનક છે. પોતાના બચાવ માટે એ જૂઠનો સહારો લે છે. આસ્થાવાન હોવાની એક તકલીફ એ છે કે તમે, અન્યો પણ તમારા વાળીઆસ્થામાં વિશ્વાસ રાખે એવી અપેક્ષા રાખો છો ! મેક્સ ફોન સિંડો પણ આંદ્રેયા વિષે કહે છે કે ‘ એ ઉપરથી સંવેદનહીન છે. મારા માટે એ સંવેદનહીનતાની સંવેદના મૂર્તિમંત કરવી પડકારજનક કામ હતું. એ સ્વયંનું પોત જગતથી સંતાડી રહ્યો છે. એનું આશ્રયસ્થાન એ એક રીતે એનું કેદખાનું છે. 

    એક અદ્રષ્ય દીવાલ છે બન્ને વચ્ચે. બન્નેને મુક્ત થવું છે. આંદ્રેયાને એવું લાગે છે કે સ્વમાન વગર જીવવું, નિષ્ફળતા સંગે જીવવું જેમાં બધા આપણને સલાહ આપ્યે રાખે – જાણે એમનો એ જન્મસિદ્ધ અધિકાર હોય – એ મૃત્યુથી બદતર છે. અને વળી આપણું અપમાન કરનારા આરામથી જીવે ! ( અહીં એના મિત્ર યોહાનની ટીસ છે ! ) અપમાનિત લોકો માટે સ્વતંત્રતા પણ એક પ્રકારનું ઘેન છે, બધું સહન કરી લેવાનું ઔષધ જાણે ! અને સૌથી વધુ દુખી લોકો સૌથી ઓછી ફરિયાદ કરે એનો અર્થ એ નહીં કે દુખ નથી ! 

    ફિલ્મના અંત ભાગમાં, જાણે પોતાનો આક્રોશ ઠલવતો હોય તેમ પોતાના ફળિયામાં ઝનૂનપૂર્વક કુહાડીથી લાકડા વાઢતા આંદ્રેયા સાથે ફરી એક વાર અન્ના જીભાજોડી કરે છે. એ મહેણું મારે છે કે પોતાના ભગ્ન લગ્નજીવન વિષે આંદ્રેયા એની સાથે ખોટું બોલ્યો. છૂટા થઈએ એ જ બેહતર. ગુસ્સામાં આંદ્રેયા અન્નાને બેરહમીપૂર્વક ઝૂડે છે.

    અંતિમ દ્રષ્ય. અન્ના અને આંદ્રેયા કારમાં. અન્ના કાર ચલાવે છે. આંદ્રેયા છૂટા થવાનો અને પોતાનું એકાંત પરત મેળવવાનો નિર્ણય જાહેર કરે છે. ‘ હું તારું સત્ય જાણું છું. તારા સુખી લગ્નજીવનમાં જૂઠાણાંથી તંગ આવી ગયો છું. ‘ અન્ના કાર પર સ્હેજ કાબૂ ગુમાવે છે કે તરત ‘ તું મને પણ તારા પતિની માફક મારી નાખવા માગે છે ને ! ‘ જવાબમાં અન્ના એટલું જ કહે છે કે હું તો તને નાહક ગુસ્સે કરવા બદલ માફી માંગવા ઈચ્છતી હતી !

    આંદ્રેયા કારમાંથી ઉતરી જાય છે. એ ઉતરે છે એ વિસ્તાર પાણીના ખાબોચિયાવાળો અને ઉબડખાબડ છે. અન્ના એને ઉતારીને ચુપચાપ કાર હંકારી જતી રહે છે. આંદ્રેયા હવે દરેક રીતે એકલો છે. એને ચોમેર મૃગજળ જેવો ભાસ થાય છે. ફિલ્મના આરંભમાં પોતાનું છાપરું દુરસ્ત કરતો દેખાડાયેલો આંદ્રેયા અંતે ખુદ જ વેરવિખેર થઈ જાય છે !

    સુત્રધારનો અવાજ ‘ હવેથી એ આંદ્રેયા વિંકલમેન છે.

    આ ફિલ્મ અપરિપૂર્ણ છતાં બર્ગમેનની લાક્ષણિક પદ્ધતિની સ્પષ્ટ છાપ ધરાવે છે. ફિલ્મના ત્રણ યાદગાર પ્રસંગોની વાત કરીએ.

    – દ્રષ્ય એક.  સાથે રહેતા આંદ્રેયા અને અન્ના ટીવી પર વિયેટનામના યુદ્ધમાં નિર્દોષો પરના અત્યાચારનું સાચુકલું દ્રષ્ય જુએ છે. ( આ યુદ્ધની બર્બરતાની વાત બર્ગમેન એમની ફિલ્મ PERSONA માં પણ ઉલ્લેખી ચૂક્યા છે. એ ફિલ્મમાં પણ ફિલ્મની નાયિકા એલિઝાબેથ – લિવ ઉલમાન એ બધું જોઈને માનસિક સમતુલા ગુમાવી બેસે છે. ) એક વિયેટનામી નાગરિકને ગોળીએ દેવા સૈનિકો ઢસડી જાય છે. બન્ને નિ:સહાયપણે એ જુએ છે. અચાનક બન્નેને બહાર કોઈક પંખીના પડવાનો અવાજ સંભળાય છે. એક ચકલી બહાર ઘાયલ થઈને પડી છે. અન્ના આંદ્રેયાને કહે છે ‘ એને મુક્તિ આપ પીડામાંથી ‘. આંદ્રેયા પથ્થરથી ચકલીનું માથું છુંદી નાંખે છે. અન્નાથી ઉંહકારો નીકળી જાય છે. એ મૃત ચકલીને ઉપાડી માટીમાં દાટી દે છે. ‘ અડધી રાતે એ એકલી કેમ ઉડતી હશે ? તને લાગે છે એને બચાવી શકાઈ હોત ? ‘  ‘ ના. એની ઈજા વધારે પડતી હતી.’

    – દ્રષ્ય બે.  ફિલ્મમાં અન્ના એક સ્વપ્ન જૂએ છે. એ સ્વપ્ન એટલે આ ફિલ્મ પહેલાંની અને આ ચર્ચાની શરુઆતમાં ઉલ્લેખી એ ફિલ્મ SHAME નું અંતિમ દ્રષ્ય. એ ફિલ્મમાં લિવ ઉલમાનના પાત્રનું નામ ઈવા છે. ( બર્ગમેનની અનેક ખાસિયતોમાંની આ પણ એક. એમની બધી ફિલ્મો માટે કલાકારો – કસબીઓનું ૧૮ લોકોનું એક જૂથ હતું. બધી ફિલ્મોમાં આ જ કલાકારો આઘા-પાછા થતા રહેતા. બિલકુલ એ જ રીતે એમના પાત્રોના નામો પણ અમુક ચુનંદા મુઠ્ઠીભર નામોમાંથી રહેતા ) . અન્ના ( અથવા ઈવા ) નિરાશ્રિતોને લઈ જતી એક હોડીમાં સવાર છે. એ લોકો જીવ બચાવીને ભાગી છૂટેલા લોકો છે. એમને ક્યાંક આશરો જોઈએ છે. અન્ના કોઈક અજાણી વસાહતમાં હોડીમાંથી એકલી ઊતરે છે. એને કોઈક જીવંત માણસની હુંફ જોઈએ છે. ‘ કાશ ! કોઈકના હાથ મને વીંટળાઈ વળે ‘ . કિનારા પરની ખુદ ભયભીત લાગતી એક સ્ત્રીને એ પૂછે છે ‘ હું તમારી સાથે તમારા ઘરે આવું ? ‘  ‘ ના. અમારે ત્યાં મહેમાન રાખવાની મનાઈ છે. અમે તો ઘરના તાળાં પણ બદલી નાંખ્યા છે. ‘ એ સ્ત્રી એનો પીછો છોડાવીને ભાગે છે. અન્ય એક સ્ત્રી ડોલ લઈને પાણી ભરી રહી છે. અન્ના એને પૂછ છે ‘ આ કયું સ્થળ, કયું ગામ છે ? ‘ એ સ્ત્રી પણ એને જોઈને ભાગે છે. પોતાના ઘરમાં ઘુસી બારણું વાસી દે છે. અન્ના હેબતાઈ જાય છે. આવી અને આટલી નિષ્ઠુરતા ? એ નિરાશ્રિતોની વણઝાર સંગે ચાલી જાય છે. થોડેક દૂર એક સ્ત્રી બેઠી છે. એના ચહેરા પર સૂનકાર છે. અન્ના બાજુમાં ચાલતી સ્ત્રીને પૂછે છે ‘ પેલી કોણ છે ? ‘ ‘ એના પુત્રને શૂટ કરવા લઈ ગયા છે. એ પુત્રની લાશનો કબજો મળે એની રાહ જૂએ છે. ‘ અન્ના એ સ્ત્રી નજીક જાય છે. એના ખોળામાં માથું મૂકી કહે છે  ‘ મને માફ કરો. ‘ એ સ્ત્રી એને મારીને હડધૂત કરે છે. અન્ના ઊભી થઈ ભાગે છે. રસ્તામાં મારી નંખાયેલા પેલી સ્ત્રીના પુત્રની લાશ જોઈ ચિત્કારે છે.

    – દ્રષ્ય ત્રણ.  આંદ્રેયા અને અન્ના રહે છે એ ઘરની બહાર પોલિસ વાન આવે છે. આંદ્રેયાના મિત્ર યોહાને આપઘાત કર્યો છે. એણે મૃત્યુ પહેલાં આંદ્રેયાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. પોલિસ આંદ્રેયાને એ પત્ર દેખાડવા આવી છે. એ લોકો અત્યંત વિવેકપૂર્વક આંદ્રેયાની અનુમતિ લઈ ઘરમાં પ્રવેશે છે. પત્રમાં યોહાને લખ્યાનુસાર કેટલાક લોકો એના ઘરે આવ્યા હતા. આ એ લોકો હતા જે એમ માનતા હતા કે ટાપુ પર થઈ રહેલા ‘ અબોલ પ્રાણીઓ પરના અત્યાચાર ‘ માટે યોહાન જવાબદાર હતો. એ લોકો યોહાનને સબક શિખવાડવા આવેલા. એમણે એને ઢસડ્યો, એને માર્યો, એના પર થૂંક્યા, એના પર પેશાબ કર્યો. એમણે ધરાર એને અધમૂઓ કરી એની પાસે એનો ‘ ગુનો ‘ કબૂલ કરાવ્યો. એ બેહોશ થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે ખરા અત્યાચારીઓ ચાલ્યા ગયા હતા. આ પરિસ્થિતિ, આ અપમાન સહન ન થતાં યોહાને આપઘાત કર્યો. ( ફિલ્મમાં એની આત્મહત્યા પછી પણ પ્રાણીઓ પરના આવા અત્યાચાર ચાલુ રહે છે ! )

    પત્ર વાંચીને આંદ્રેયા નિ:શબ્દ છે. આખી વાત સાંભળ્યા બાદ અન્ના પ્રાર્થનામાં નતમસ્તક છે. એના મનમાં ક્યાંક એવું છે કે યોહાનના આપઘાત માટે પણ ક્યાંક એ દોષિત છે. સમગ્ર પ્રસંગની વિશિષ્ટતા છે એ દ્રષ્યમાં સામેલ સૌની માનવતા અને શિષ્ટતા જોડેની નિસબત . આંદ્રેયા અને અન્ના તો તળ લગી વ્યથિત છે જ પરંતુ પોલિસ પણ પૂર્ણત: સંવેદનશીલ. એમના વર્તનમાં લેશમાત્ર એવું નથી લાગતું કે એ લોકો આંદ્રેયાને આમાં ‘ ફિટ ‘ કરવા માગે છે ! આંદ્રેયાના પ્રશ્ન  ‘ પત્ર મને મળશે કે ? ‘ ના જવાબમાં પણ એ લોકો પૂર્ણ શાલીનતા સાથે જવાબ વાળે છે કે ‘ તહકીકાત પૂરી થયા બાદ ચોક્કસ મળશે ‘ ! ઘરમાં અન્નાની હાજરી અંગે તો કોઈ વાત જ નહીં ! જતી વખત પણ અભિવાદન સાથે વિદાય ! સલામ છે આ સંસ્કૃતિને !

    પોલીસની વિદાય બાદ આંદ્રેયા યોહાનના પરિવારને મળે છે. એમની આગળ એક પણ શબ્દ બોલ્યા વિના દિલસોજી વ્યક્ત કરે છે. મોઢે રુમાલ ઢાંકેલા યોહાનના મૃતદેહના હાથ પર પોતાના હાથ દબાવે છે અને ચુપચાપ ચાલ્યો જાય છે !

    યાદ આવે છે ફ્રેંચ ફિલ્મસર્જક ALAIN RESNAIS ની ફિલ્મ HIROSHIMA MON AMOUR નું એક યાદગાર દ્રષ્ય. અણુબોંબના વિનાશક હુમલામાં પોતાના પરિવાર સહિત સર્વસ્વ ગુમાવી બેઠેલી બે જાપાનીઝ વૃદ્ધાઓ પડોશમાં રહે છે. એ ઘટના પછી પણ એ બન્ને રોજ મળે છે. એકબીજાની સામે બેસે છે. એક પણ શબ્દ બોલ્યા વિના એકમેકનું દુખ વહેંચે છે અને ખાસ્સો સમય આમ મૌન સંવાદ કર્યા બાદ પોતપોતાના ઘરે ચાલી જાય છે ! સંવેદનો સહભાગવાની આ કેવી અદ્ભુત રીત !

    ઘણા બધા અર્થોમાં આ ફિલ્મના ચારેય મુખ્ય પાત્રો, આપણે આ પહેલાં ચર્ચી ચૂક્યા છીએ એ ફિલ્મ PERSONA ની નાયિકા એલિઝાબેથના વિસ્તારેલા સ્વરૂપ છે. ચારેય ચરિત્રોનો એક મુખવટો છે.દરેક પાત્ર જૂઠ જીવે છે, સ્વયંને માનવીય સંબંધોની પીડાથી રક્ષવા કાજે. આંદ્રેયા પોતાની નિષ્ફળતાની વાત અન્નાને કરીને આ પીડા વેઠે છે, અન્ના પોતાના ભૂતકાળનો ઢાંકપિછોડો કરીને ! એનું પેલું સ્વપ્ન એ જ કહે છે કે અન્ય તરફ સંબંધનો હાથ લંબાવવાનો અર્થ છે તિરસ્કાર અને હિંસા પામવી. એલિસ અલિપ્તતાનો અંચળો ઓઢીને અને ઈવા પોતાની અન્યો પ્રત્યેની જવાબદારીનો ભાર વેંઢારીને આ પીડા નિમંત્રે છે. ઈવાના પાત્ર વિષે અભિનેત્રી બીબી એંડર્સન નિરીક્ષે છે કે એ શિક્ષિકા હોવી જોઈતી હતી અને એ પણ બધિરોની ! કારણ કે બધિરો એના કરતાં પણ વધુ એકલવાયા હોય ! સર્જક બર્ગમેન જે રીતે એમના ચરિત્રોને એમણે જાતે સર્જેલ નરકમાં રહેતા દેખાડે છે એ બેનમૂન છે. નાયક આંદ્રેયાની અંતિમ છબી – એની અનિર્ણયની અવસ્થા – એનું ઉદાહરણ છે.

    ફિલ્મમાં નાયકનું પાત્ર ભજવતા અને બર્ગમેનના કલાકાર-વર્તુળનું અભિન્ન અંગ એવા મેક્સ ફોન સિંદોએ બર્ગમેનની ૧૧ સહિત કુલ દોઢ સો ફિલ્મોમાં કામ કરીને ૨૦૨૦ માં વિદાય લીધી. આપણે આ શ્રેણીના હવે પછીના અંતિમ હપ્તામાં અવલોકીશું એ SEVENTH SEAL માં પણ એ જ નાયક છે. ફિલ્મના અન્ય કલાકારો લિવ ઉલમાન, બીબી એંડર્સન અને અરલેંડ જોસેફસન વિષે અગાઉના હપતાઓમાં વાંચી ચૂક્યા છીએ.

    આ ફિલ્મ માટે બર્ગમેનને ૧૯૭૦ નો નેશનલ સોસાયટી ઓફ ફિલ્મ ક્રીટીક્સ નો શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો હતો.

    ફિલ્મના સિનેમા।ોગ્રાફર એ જ જૂના અને જાણીતા સ્વેન નિકવીસ્ટ . અત્યાર સુધી ચર્ચેલી મોટા ભાગની ફિલ્મોના એ જ કેમેરામેન. એમણે ૧૯૯૧ માં THE OX નામની સુંદર ફિલ્મ દિગ્દર્શિત પણ કરેલી.

    આ ફિલ્મના મૂળ બર્ગમેનની આ પહેલાંની ફિલ્મ SHAME માં છે. એ ફિલ્મનું શૂટીંગ પૂરું થયા બાદ ફારો ટાપુના કાયદા અનુસાર ફિલ્મના શૂટીંગ માટે ખાસ બનાવાયેલું મકાન તોડી પાડવું જરૂરી હતું પણ બર્ગમેનને એ મકાનનું વળગણ થઈ ગયેલું. એમણે એમ કહીને એને રહેવા દેવાની મંજૂરી લીધી કે ત્યાં એક અન્ય ફિલ્મનું શૂટીંગ હજી કરવાનું છે. એ પછી એમણે આ ફિલ્મની પટકથા લખી અને શૂટીંગ પણ ચાલુ કર્યું.

    આ ફિલ્મ એક સૌંદર્યસભર પરંતુ સંકીર્ણ કલાકૃતિ છે. જેમને પુખ્ત માનવીય સંબંધો સાથે નિસબત છે એમના માટેનો ખોરાક. ભલે એમાં બર્ગમેનની શ્રેષ્ઠ કૃતિઓ જેવી સ્પર્શની હળવાશ અને સરળ પ્રવાહિતા નથી પણ એ ઊંડાણમય સર્જન નિશ્ચિતપણે છે.

    [1] https://youtu.be/Riu8HRcFiAc


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ઊર્મિલ સંચાર : પ્રકરણ ૪. કસોટી

    શોમનું સારવાર કેન્સર માટે એલોપથી અને આયુર્વેદનાં સમન્વયનું કામ આગળ વધતા ભારતથી બે ડોક્ટરોનું આગમન થયું. શોમ પહેલી મુલાકાતમાં જ અંજલિ તરફ આકર્ષિત થાય છે. આપસમાં પહેલી પહેલી પ્રિતનો ઉછાળ અનુભવે છે.

    આગળ વાંચો પ્ર.૪..

    સરયૂ પરીખ 


    અંજલિ અને શોમ જમણ પૂરું કરી, હાથમાં હાથ લઇ કર સ્પર્શનો આનંદ માણતા સરોવરના કિનારે મીઠી વાતોમાં ખોવાયેલાં હતા. અંજલિ પાસે વાતોનો ખજાનો હતો અને શોમ તેના ચહેરાના ભાવ જોવામાં મશગુલ હતો. પરંતુ, વચ્ચે તેમના કામની વાતો ટપકી ન પડે એ શક્ય નહોતું…અને એ વાતના દોરને પકડી શોમ બોલ્યો, “આપણી પાસે પૂરતા આંકડા ભેગા થયા છે. આયુર્વેદિક સારવાર વિષે લેખ પ્રસિદ્ધ કરવાનો સમય આવી ગયો છે. હવે આંકડા ઝીણવટથી તપાસવાનું કાલથી શરૂ કરી દઈશ. આજકાલમાં વૈદ્યજીને પણ ગોઆ ફોન કરવો છે.”

    “મને ખાત્રી છે કે આંકડાઓ બરાબર જ હશે.” અંજલિ બોલી અને તેઓ કાર તરફ વળ્યાં. ઘરમાં દાખલ થઈ, લાઈટ ચાલુ કર્યા વગર જ એક આહ્લાદક આશ્લેષમાં વીંટાયાં. સહજ વ્હાલ કરી અલગ થયાં હતાં ત્યાં જ ગરાજ ડોર ખોલવાનો અવાજ આવ્યો. એકદમ અજવાળું થતા અંજલિની નજર પડી… ‘અરે! લિપસ્ટિક!’ કહી, શોમના ચહેરા પરથી લાલ રંગ લૂછ્યો.

    “શું વાત છે? શનિવારે અમારો પ્રિન્સ અહીં?” મશ્કરી ભર્યા સવાલથી શોમ મૂંઝાઈ ગયો.

    “આંટી, અમે ડિનર લેવા ગયા હતા.” અંજલિએ સાચો જવાબ આપી દીધો. ચારેય જણા બેઠક રૂમમાં જઈને બેઠા.

    “અંજલિ, તો સાથે એ પણ કહી દે કે શું ચાલી રહ્યું છે? અમને તો કંઈક ગુપ્ત સંચાર હોય તેમ લાગે છે.” હવે અંજલિ શરમાઈ ગઈ. “કોફી બનાવું” કહી રસોડા તરફ સરી ગઈ. માતા-પિતા પ્રશ્નાર્થ ભરી નજરે શોમની સામે જોઈ રહ્યાં.

    “હા, અમે એકબીજાને પસંદ કરીએ છીએ.” જાણે શોમના ચહેરા પરની હસતી રેખાઓ બોલી ઊઠી.

    “ઓહ, મારી પ્રાર્થના સફળ થઈ, શુકર અલ્લા!” માહી ભાવવિભોર થઈ ગઈ.

    કોફીની ટ્રે મૂકતાં અંજલિ બોલી, “એક વિચિત્ર વાત સાંભળી. મારી સાથે કામ કરતા ડો. રાકેશે કોઈ કત્રીના નામની અમેરિકન છોકરી સાથે સગાઈ કરી. ખબર નહીં, રાકેશનો અહીં રહી પડવાનો ઇરાદો હશે!” અંજલિની વાત સાંભળી ત્રણેને માયાની યાદ આવી ગઈ. કોફીને ન્યાય આપી શોમ જવા માટે ઊભો થયો  અને અંજલિ તેની સાથે બારણા નજીક ગઈ. ધીમા અવાજે શોમ બોલ્યો, “મારે એક વાત જણાવવાની છે.”

    “મને ખ્યાલ છે કે આંટી મુસ્લિમ છે.” અંજલિએ તેનો હાથ પકડ્યો.

    “ના, એક બીજી અગત્યની વાત છે…અત્યારે મોડું થઈ ગયું છે તેથી આગલી મુલાકાતમાં કહીશ.” શોમ અંજલિના હાથને ચૂમીને ધીમે પગલે જતો રહ્યો અને એ અપલક પ્રેમભરી નજરે જોતી રહી.

    ‘કેન્સરના દર્દીઓની આયુર્વેદિક સારવાર’ વિષય પર લેખ લખવાની શોમે તડામાર તૈયારીઓ શરૂ કરી. પ્રથમ હ્યુસ્ટન ક્લિનિકમાં ટ્યુમરનું માપ અને ત્યાંની સારવારના પરિણામ. ત્યાર બાદ એબી સેંટરના પરિણામનો ચાર્ટ, જે સારા લઈ આવી હતી તે જોઈને શોમને થયું, ‘વાહ! બહુ સરસ કામ થયું છે. ગ્રાફ પણ બહુ આશાસ્પદ છે.’ અંજલિ અને શોમના પ્રેમ પ્રવાહને જાણે ઉત્તમ પરિણામોથી વેગ મળ્યો. તેમનું મગજ ક્યાંક વ્યસ્ત રહેતું અને દિલ એકબીજા માટે ધડકતું…કેવા આહ્લાદક સ્વપ્નોના સાગરમાં સ્વૈર વિહાર કરી રહ્યા હતા.

    પંદરેક દિવસો પછી સમય મળતાં શોમે ઝીણી નજરે સેન્ટરના ચાર્ટ તપાસ્યા. જોયું તો હ્યુસ્ટન ક્લિનિક કરતાં સેંટરમાં નોંધેલાં ટ્યુમરના પ્રારંભિક માપ મોટાં હતાં. શોમે વિચાર્યું કે એકાદ સપ્તાહમાં દરદીના ટ્યુમરના માપમાં આટલો ફેર શક્ય નથી, કદાચ એક દર્દીના ચાર્ટમાં ભૂલ હશે. પછી શોમે દરેક દર્દી વિશે ચકાસણી કરી…અને આ શું? શોમને તેની પાછળનો આશય સમજાતા કમકમાટી થઈ…ટ્યુમરનું પ્રાથમિક માપ મોટું નોધ્યું, જેથી સારવાર પછી સંકોચાયેલ ટ્યુમરના માપની સરખામણીમાં મોટો તફાવત બતાવી શકાય! …આયુર્વેદિક ટીમ છેતરપિંડી કરી રહી છે!! એકદમ અકળાઈને શોમ ઊભો થઈ ગયો અને અચોક્કસ ઝડપથી ક્યાંક જવા નીકળી ગયો. “કોની સાથે વાત કરું?”

    અંજલિ તે સાંજે સેન્ટરથી જોષીનિવાસ પર આવીને માહી સાથે બેસીને વાતો કરી રહી હતી. રમેશ મેઇલ લઈને આવ્યા અને કહે, “અંજલિ તારો કાગળ.”

    “અરે વાહ! મમ્મીએ વળતી ટપાલે જ જવાબ મોકલી આપ્યો છે.” કહીને કવર ખોલીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું. “વ્હાલી દીકરી, તને આઘાત લાગે તેવી વાત લખી રહી છું. તને યાદ છે? લગભગ અઢી વર્ષ પહેલાં હું નાનામામાને ઘેર મુંબઈ ગઈ હતી. ત્યાં મેં અમેરિકાથી આવેલા ડોક્ટર વિશે જાહેરાત જોઈ તારા માટે વાત છેડી હતી, પણ આગળ વાત વધી નહોતી તેથી મેં તને જણાવ્યું નહોતું… ત્યારબાદ ભત્રીજી માયાના લગ્ન થયાં એ વાતની તને ખબર છે. તે આ જ વ્યક્તિ, શોમ, જેની સાથે માયાના લગ્ન થયેલાં. મને ખબર નહોતી કે અમેરિકામાં તેઓ ક્યાં રહેતા હતા. મેં પછીથી માયાનાં સમાચાર ભાઈને પૂછ્યાં તો તેમણે છેડાઈને કહ્યું હતું કે ‘માયા અમારા માટે મરી ગઈ છે.’ કારણ ખબર નથી કે શું થયું હતું, પણ માયાના લગ્ન શોમ સાથે થયેલા તે હકીકત છે…”

    અંજલિનો લડખડાતો અવાજ અટકી ગયો અને માહીની સામે બાવરી આંખે જોઈ રહી. તેના ચહેરાના ભાવ જોઈ, લખેલી વાત સત્ય છે તેમ ખ્યાલ આવતાં, તેની આંખોમાં આંસુંનાં તોરણ બંધાયા.

    માહી અંજલિનો હાથ પંપાળતાં બોલી, “શોમ તને જણાવવાનો જ હતો. માયાએ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા એ છલ કરેલું, અને અહીં આવીને તરત તેના પતિ સાથે જતી રહી હતી.”

    “એ ક્યાં છે? તમે કોઈ કાનૂની પગલાં ન લીધા?”

    “ગુસ્સો તો બહુ આવેલો. પણ દરેક જણ પોતાના કાર્મિક સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે, તેવું આ પરિવારનું માનવું છે. અંતમાં, શોમનો નિર્ણય હતો કે ડિવોર્સ આપી એ ‘ટ્યુમર’નો ત્વરિત નિકાલ કરી દેવો.” રમેશ ગમગીની સાથ બોલ્યા.

    બારણાંમાં ચાવી ફરવાનો અવાજ આવ્યો. “કોણ શોમ? આજે ગુરુવારે?” એ સાંભળતાં અંજલિ કાગળ લઈ પોતાના રૂમમાં દોડી ગઈ. શોમ જલ્દીથી અંદર આવી રમેશની પાસે જઈ, ચારે બાજુ અછડતી નજર નાખીને ગંભીરતાથી બોલ્યો, “ડેડી, અંદર ચાલો, મારે ખાસ વાત કરવાની છે.” નવાઈ પામીને માહી પિતા-પુત્રને માસ્ટર બેડરૂમ તરફ જતા જોઈ રહી.

    રમેશને એબી સેન્ટરના ખોટા આંકડાની વાત કરતા, અંજલિ પણ એમાં સામેલ હશે, એ ભયથી શોમ વધુ અસ્વસ્થ થઈ ગયો. “ડેડ, ફરી વખત મારો ભરોસો તૂટશે તે હું સહન નહીં કરી શકું,” શોમ ગળગળો થઈ બોલ્યો.

    “બેટા! પહેલા જરા શાંત થઈને વિચાર કર. તારી ચકાસણી બરાબર છે ને? બીજું, આ કામ કરવા પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ કર? આપણે અંજલિને જાણીએ છીએ તે પરથી લાગે છે કે તે અજાણ હોઈ શકે.”

    “આ વિષે ઊંડી તપાસ કરવી પડશે. મારી પ્રમાણિકતા અને સન્માનનો સવાલ છે.” શોમ બોલતો હતો ત્યાં બહારથી ‘રમેશ તમારો જરૂરી ફોન છે’ તેમ માહીએ કહ્યું.

    “શોમ, ધીરજથી દરેક પગલું ભરજે.” કહી રમેશે નાછૂટકે ફોન ઉપાડ્યો. શોમ બહાર આવી, સ્ટવ પાસે માહી કામ કરી રહી હતી તેની બાજુમાં જઈને ઊભો રહ્યો. “બેટા! તું ઠીક છે ને? જમીને જઈશ ને?” શોમે ના કહેવા માથું હલાવ્યું અને જવા માટે પગ ઉપાડ્યો.

    “તું જાય એ પહેલા એક વાત…માયા અંજલિના મામાની દીકરી બહેન છે.”

    “ખરેખર?” શોમના મનમાં કડવાહટ વધી ગઈ. “છળકપટ તેમનો પારિવારિક ધંધો લાગે છે.”

    “એટલે તમે શું કહેવા માંગો છો? કહો તો ખરા!!” પાછળથી અંજલિનો તીક્ષ્ણ અવાજ આવ્યો.

    શોમ તેની સામે ફર્યો અને બન્નેની ક્રોધિત આંખો એકબીજાને તાકી રહી. તેના હોઠ ફરક્યા પણ તેને દબાવીને શોમ બોલ્યો, “કહીશ, જરૂર કહીશ, પણ આજે નહીં,” કહીને ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. અંજલિ તેના રૂમમાં જતી રહી, અને માહીના પગ શક્તિહીન થઈ ગયા હોય તેમ એ ખુરશી પર બેસી પડી.

    બીજે દિવસે સવારે અંજલિએ સેન્ટર પહોંચીને જોયું તો, હ્યુસ્ટન ક્લિનિક અને એબી સેંટર વચ્ચે કડી તરીકેની ફરજ બજાવતી, સારા અને બીજા એક ડોક્ટર, આગળની ઓફિસમાં કર્મચારીઓ સાથે વાત કરતા હતા. અંજલિ પોતાની ઓફિસમાં જઈ કામે લાગી ગઈ. બે કલાક પછી સારા તેને મળવા આવી અને સામાન્ય વાતચીત તેમજ દિનચર્યા વિશે વાત કરીને જતી રહી.

    સારાએ આપેલી માહિતી પ્રમાણે, રાકેશ જ ટ્યુમરનાં માપના આંકડા બદલવા માટે જવાબદાર હતો અને અંજલિને તે વિષે ખબર નથી, એ સ્પષ્ટ થતું હતું. શોમના ચહેરા પરથી ચિંતાની વાદળી ગાયબ થઈ ગઈ. સારાએ આગળ કહ્યું, “રાકેશ ઓફિસમાં આવ્યો તે પહેલાં, મેં ઝીણવટથી તપાસ કરી તો એક ફાઈલમાં સાચા માપ લખ્યાં હતાં.” આ સાંભળીને શોમ ઉત્સાહ સાથ બોલ્યો, “હાશ, આપણો પ્રોજેક્ટ બચી ગયો… સારા! બપોરે બે વાગે, ડીનની હાજરીમાં એબી સેન્ટર પર મીટીંગ છે તેમ બન્ને ડોક્ટર્સને જણાવી દેશો.” અને નવી ઉર્જા સાથે તે કામમાં વ્યસ્ત થઈ ગયો. અચાનક વિચાર ઝબક્યો… વૈદ્યજી સાથે વાત કરું. ગોઆ કોલ કરવા માટે જરા મોડું તો હતું, પણ એ પોતાને રોકી ન શક્યો અને વૈદ્ય ભાણજીનો નંબર જોડ્યો.

    “હાં શોમ, હું તારા ફોનની રાહ જોતો હતો. અંજલિનો ફોન આવ્યો હતો. તે બહુ અસ્વસ્થ હતી. તેની પિત્રાઈ બહેન માયા સાથે તારા લગ્ન થયેલા હતાં એ બાબત પર તું અંજલિ પર કેમ ગુસ્સે થઈ ગયો?”

    શોમે જવાબ આપ્યો, “હું દિલગીર છું…બાબા! હવે, હું જે તથ્ય તમને કહેવાનો છું, તે જાણીને તમને અહીંની પરિસ્થિતિનો બરાબર ખ્યાલ આવશે.” વૈદ્યજી પોતાના વિદ્યાર્થી રાકેશના કપટ વિશે સાંભળીને, વ્યથિત થઈ ગયા. “એ મહત્વાકાંક્ષી છે પણ આટલી નીચી કક્ષાનું કામ કરશે એવી મને અપેક્ષા નહોતી. તમે ત્યાંના નિયમ મુજબ કાર્યવાહી કરશો અને અહીં હું તેના કુકર્મ માટે યોગ્ય કાર્યવાહી કરીશ.”

    “હવે એકાદ કલાકમાં જ મિટિંગ છે જ્યાં આ વાત જાહેર થશે. મને આવી સ્થિતિ કેમ સંભાળવી તેનો અનુભવ નથી.” શોમને પોતાની વિચલિત મનોદશા પર ભરોસો નહોતો.

    “તારા વિચારોને પરખ અને તટસ્થ ભાવથી આ સમયે કોણ સૌથી અગત્યનું છે, તે નક્કી કર.” વૈદજીનો શાંત અવાજ તેને માર્ગદર્શન આપી રહ્યો હતો.

    “મારા દર્દીઓ સૌથી વધારે અગત્યના છે. તેમની સલામતી અગ્રગણ્ય સમજીને નિર્ણય લેવો જોઈએ.” પછી અચકાઈને શોમ બોલ્યો, “પણ બાબા, હું અંજલિને કેવી રીતે મનાવીશ? એ સમયે તે માયાની બહેન છે અને કામમાં કપટી છે, એવી માન્યતાને લીધે તેનું અપમાન કરી બેઠો.”

    “તારો પ્રકોપ સમજી શકું છું. પરંતુ તારાથી જે કટુ વચન બોલાઈ ગયા તે ક્રોધનું પરિણામ છે. ક્રોધ અને પુણ્યપ્રકોપમાં એ જ તફાવત છે. ક્રોધમાં આપણી ઇન્દ્રિયો પર કાબૂ ગુમાવી બેસીએ છીએ અને અયોગ્ય વર્તાવ થઈ જાય છે. જ્યારે પુણ્યપ્રકોપમાં તમે ઉત્તેજિત થાવ પણ બેકાબૂ નહીં… જેમકે ગુરૂનો પુણ્યપ્રકોપ શિષ્યને સાચા માર્ગ તરફ વાળવા શક્તિમાન છે. માતાનો પુણ્યપ્રકોપ બાળકને કેળવણી આપે છે. પરંતુ ક્રોધનું પરિણામ ભાગ્યે જ કલ્યાણકારી હોય છે. શોમ! મને તારી વિવેક બુદ્ધિ પર વિશ્વાસ છે. હું તને શુભેચ્છા પાઠવીને વિરમું છું.”

    ક્રોધ અને પુણ્યપ્રકોપ

    ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલસમજણને પોઢાડે,
    પરજાયા ને અંગતને પણ, ઉગ્ર આંચ  રંજાડે.

    મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
    શ્રધ્ધા નિષ્ઠા મુખ ફેરવી અબુધ  થઈને  નાસે.
    લાગણીઓ કકળતી  બેસે આત્મદયાની  આડે,
    ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા  પ્રેરે.

    ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે,
    વૃત્તિ  લેતી  રોષને વશમાં  આવેશોને  નાથે.
    પુણ્યપ્રકોપે  ઉજ્વલ   જ્વાલા  ઉર્જાને જગાડે,
    પ્રજ્ઞાચક્ષુ    ખોલી  મારગ  અનેકનાં  ઉજાળે.

    અંગારા ના હસ્તે લઈએ; જ્યોત કામમાં લઈએ,
    જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.

    ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે. વિવેકબુદ્ધિ સાથે, જાગૃત અને તટસ્થ ભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ, પાઠ શીખવે છે.  જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો.


    ક્રમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • જ્ઞાન વન વે એમનું

    વ્યંગ્ય કવન

    મસ્ત હબીબ સારોદી

    જ્ઞાન વન વે એમનું છે, પ્હોંચ પણ કેવી અસીમ !

    આ તરફ સુરતથી ઉધના આ તરફ સુરતથી કીમ.

     

    થોટ’ તકવાદી અહર્નિશ, સ્વાર્થનિષ્ઠ રંગીન થીમ

    કયાંક તંત્રીમોલ્વી છે, ક્યાંક શાયર કે હકીમ.

     

    દૂર તે દિવસ નથી જોશો છતી આંખે તમે,

    એક વ્યક્તિ પંચ જેવી એક વ્યક્તિનીયે ટીમ.

     

    એમનો ભાષા ઉપર કાબૂ છે કેવો સાંભળો,

    ફેરવે છે શબ્દ એ રીતે ગદા જાણે કે ભીમ.

     

    ગામ કરતાં શહેર એથી તો પસંદ છે એમને,

    છાશ ત્યાં પીતા અહીં ખાવા મળે છે આઈસક્રીમ !

     

    તો ભલા ક્યાંથી એ હૂરના ચાહક બને !

    ડાયરીમા મનની જ્યાં નોંધાઇ નર્ગિસ કે નસીમ !

     

    મસ્જિદોમાં પણ સલામત કયાં છે જોડા કોઈના,

    આ દશા બંદાની તારાહે ખુદાવંદે કરીમ !

     

    આજ’મુલ્લા’ને મળ્યાની છાપ શી મન પર પડી,

    ભાસ કંઈ એવો થયો, જાણે જગતભરનાં યતીમ !

  • ‘કોઈ’ શબ્દવાળા ગીતો -૧ – कोई …. है

    નિરંજન મહેતા

    ‘કોઈ’ શબ્દ સાંભળતા જ લાગે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિ માટે વપરાયો છે. હિંદી ફિલ્મના ગીતોમાં પણ આ સંદર્ભમાં ગીતો આવ્યા છે જેમાના થોડાક આ શ્રેણીમાં રજુ કરૂ છું. અગણિત ગીતો હોવાથી આ ચાર ભાગની શ્રેણી છે.

    સૌ પ્રથમ ૧૯૪૯ની ફિલ્મ ‘બડી બહેન’નું ગીત જોઈએ. આ એક છેડછાડભર્યું ગીત છે.

    चुप चुप खड़े हो जरूर कोई बात है
    पहेली मुलाक़ात है जी पहेली मुलाक़ात है

    રહેમાન અને સુરૈયાને ગુપચુપ ઉભેલા જોઈ કેટલીક મહિલાઓ આ ગીત ગાય છે. ગીતકાર કમર જલાલાબાદી અને સંગીતકાર હુસ્નલાલ ભગતરામ. ગાયિકાઓ પ્રેમલતા અને લતાજી.

    ૧૯૪૯ની અન્ય ફિલ્મ ‘અંદાઝ’નું આ ગીત ઉલ્હાસનાં ભાવો દર્શાવે છે.

    कोई मेरे दिल में ख़ुशी बन के आया
    अँधेरा था घर रौशनी बन के आया

    દિલીપકુમારને યાદ કરતી નરગીસ પર આ ગીત રચાયું છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે લતાજીનો.

    ૧૯૫૦ની ફિલ્મ ‘આરઝુ’નું આ ગીત દર્દભર્યું ગીત છે.

    ऐ दिल मुझे ऐसी जगा ले चल जहा कोई न हो

    લાગે છે પ્રેમમાં નાસીપાસ દિલીપકુમાર આ ગીત દ્વારા પોતાની વ્યથા દર્શાવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે અનીલ બિશ્વાસે. તલતનો હલકભર્યો સ્વર.

    ૧૯૫૦ની વધુ એક ફિલ્મ ‘સરગમ’નું ગીત એક પાર્ટી ગીત છે.

    तस्वीर यार दिल से मिटाई ना गई
    ……………
    कोई किसी का दीवाना ना बने

    વેદનાભર્યાં આ ગીતના કલાકાર છે રેહાના સુલતાન. ગીતકાર છે પ્યારેલાલ સંતોષી અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. સ્વર છે લતાજીનો.

    ૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના આ ગીતમાં ભારતભૂષણનાં અવાજને સાંભળીને મીનાકુમારીની સખીઓ તેની છેડતી કરે છે આ સમૂહગીત દ્વારા.

    दूर कोई गाये
    धून ये सुनाए

    ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર આપ્યો છે શમશાદ બેગમ અને લતાજીએ.

    ૧૯૫૨ની અન્ય ફિલ્મ ‘નૌબહાર’નું આ ગીત મીરાબાઈનું પ્રખ્યાત ભજન છે.

    ऐ री मै तो प्रेम दीवानी
    मेरे दर्द न जाने कोई

    આ ભજનને શૈલેન્દ્રએ મઠાર્યું છે અને સંગીત આપ્યું છે રોશને. આ ગીત જુદા જુદા પ્રસંગે અને જુદી જુદી પરિસ્થિતિમાં એકથી વધુ વાર દર્શાવાયું છે જેમાં કલાકારો છે નલીની જયવંત અને અશોકકુમાર. સ્વર છે લતાજીનો. ગીતમાં અંતરામાં પણ કોઈ શબ્દ આવે છે.

    ૧૯૫૪ની ફિલ્મ ‘અમર’નું ગીત કટાક્ષભર્યું છે જે એક પાર્ટી ગીત છે.

    ना शिकवा है कोई ना कोई गिला है
    सलामत रहे तू ये मेरी दुआ है

    દિલીપકુમારને ઉદ્દેશીને આ ગીત મધુબાલા પિયાનો વગાડતા ગાય છે. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર આપ્યો છે લતાજીએ.

    ૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નું આ ગીત પ્રાર્થના ગીત છે.

    तू प्यार का सागर है
    तेरी एक बूंद के प्यासे हम
    ………..
    कोई क्या जाने कहां है सीमा
    उलज़न आन पडी

    બલરાજ સહાની પર રચાયેલ આ પ્રાર્થનાના શબ્દો શૈલેન્દ્રના છે અને સંગીત શંકર જયકીસનનું. મધુર સ્વર મન્નાડેનો.

    ૧૯૫૬ની ફિલ્મ ‘અનુરાગ’નું ગીત એક ઓડીઓ છે.

    कोई दिल में है कोई नजर में
    मोहब्बत के सपने

    ઓડીઓ હોવાને કારણે ગીતની વધુ માહિતી નથી પણ ફિલ્મમાં મુકેશ કલાકાર છે એટલે આ ગીત તેમની ઉપર રચાયું હોઈ શકે. ગીતકાર છે કૈફ ઈર્ફાની અને સંગીત તેમ જ સ્વર છે મુકેશના.

    ૧૯૫૭ની ફિલ્મ ‘ચંપાકલી’નું ગીત એક વિરહગીત છે.

    छुप गया कोई रे दूर से पुकार के
    दर्द अनोखे हाय डे गया प्यार के

    ભારતભૂષણની યાદમાં ગાતી સુચિત્રા સેન પર આ ગીત રચાયું છે. શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે હેમંતકુમારનું. ગાયિકા લતાજી.

    ૧૯૫૭ની અન્ય ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહિ’ એક અનાથ બાળકની વ્યથા રજુ કરતુ ગીત છે.

    मालिक तेरे जहाँ में कितनी बड़ी जहाँ में
    कोई नहीं हमारा कोई नहीं हमारा

    ગીતના કલાકાર છે માસ્ટર રોમી અને શબ્દો છે શૈલેન્દ્રના. સંગીત છે દત્તારામ વાડકરનું અને સ્વર છે સુધા મલ્હોત્રાનો.

    ૧૯૫૯ની ફિલ્મ ‘ગુંજ ઊઠી શેહનાઈ’નું ગીત પણ એક વ્યથાપૂર્ણ ગીત છે.

    कह दो कोई न करे यहाँ प्यार
    इस में खुशिया है कम बेशुमार है गम

    પ્રેમભંગ રાજેન્દ્રકુમાર આ ગીત દ્વારા પોતાની વ્યથા રજુ કરે છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત વસંત દેસાઈનું. સ્વર છે રફીસાહેબનો. સાથી કલાકાર અમિતા.

    ૧૯૬૦ની ફિલ્મ ‘કોહિનૂર’નું ગીત એક પ્રેમીયુગલની ભાવનાને વ્યક્ત કરે છે

    कोई प्यार की देखे जादूगरी
    गुलफाम को मिल गयी शब्ज परी

    ઘોડેસવાર દિલીપકુમાર અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર આપ્યો છે રફીસાહેબ અને લતાજીએ.

    ૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘બમ્બઈ કા બાબુ’નું આ ગીત પાર્શ્વગીત છે.

    चल री सजनी अब क्या रोये
    कजरा ना बहे जाए रोते रोते

    સુચિત્રા સેનના લગ્ન વખતે વિદાય પ્રસંગે દેવઆનંદ આ ગીત દ્વારા તેને વિદાય આપે છે. શબ્દો છે મજરૂહ સુલ્તાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું.  ગાયક મુકેશ.

    આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જે વ્યથાપૂર્ણ ગીત છે.

    साथी न कोई मंजिल
    दिया है आ कोई महफ़िल

    દેવઆનંદ આ ગીત દ્વારા પોતાની વ્યથા ઉજાગર કરે છે, શબ્દો છે મજરૂહ સુલ્તાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું.  ગાયક રફીસાહેબ.

    ૧૯૬૦ની વધુ એક ફિલ્મ ‘છલિયા’નું ગીત પણ દર્દભર્યું છે.

    मेरे टूटे हुए दिल से
    कोई तो आज ये पूछे
    के तेरा हाल क्या है
    के तेरा हाल क्या है

    રાજકપૂર પર રચાયેલ આ ગીત મુકેશના સ્વરમાં છે જેના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું.

    ૧૯૬૦ પછીના ગીત ભાગ બેમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૫) – કળવાદ્યો : પિયાનો (૨)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    પિયાનો તેના ભવ્ય દેખાવ અને વિશિષ્ટ અવાજને લઈને વાદકોમાં અને વાદ્યસંગીતના ચાહકોની પસંદગીમાં શાશ્વત ધોરણે ઊંચું સ્થાન ધરાવે છે. પિયાનો વિશેની પહેલી કડીમાં કેટલાંક ગીતો માણ્યા પછી બીજી કડીમાં વધુ ગીતો સાંભળીએ. આ કડીની શરૂઆત કરીએ એક વરિષ્ઠ પિયાનોવાદક બ્રાયન સેલીસે વગાડેલી બે યાદગાર ફિલ્મી ગીતોની ધૂનથી.

    સચીન દેવ બર્મનના સંગીતનિર્દેશનમાં બનેલા ફિલ્મ ગાઈડ(૧૯૬૪)ના શાસ્ત્રીય ગીતની ધૂન….

    ફિલ્મ બ્રહ્મચારી(૧૯૬૮)ના શંકર-જયકિશનના સંગીતમઢ્યા ગીતની ધૂન….

    આ બન્ને ક્લીપ્સ ધ્યાનથી માણતાં ખ્યાલ આવશે કે બ્રાયન સેલીસની આંગળીઓ વાદ્યની કળો ઉપર કોઈ બેલે નૃત્યાંગનાની સ્ફૂર્તીથી ફરી રહી છે! પેઢીઓથી ચાલી આવતી માન્યતા કે કલાકારની આંગળીઓ લાંબી અને પાતળી હોવી જોઈએ, તેને માટે આ કલાકાર એક પડકાર છે. સાથે સાથે પિયાનોના સૂરનો પણ શ્રોતાઓને ખ્યાલ આવશે.

    હવે કેટલાંક પિયાનોપ્રધાન ફિલ્મી ગીતો….

    નૌશાદના સ્વરનિયોજનમાં બનેલાં ફિલ્મ ‘બાબુલ’ (૧૯૫૦)નાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. પ્રસ્તુત ગીતના પૂર્વાલાપ/Preludeમાં ખુબ જ કર્ણપ્રિય પિયાનોવાદન છે.

    શંકર-જયકિશને ફિલ્મ ‘કઠપૂતલી’ (૧૯૫૭) માટે બનાવેલા ગીતમાં યાદગાર પિયાનોવાદન સાંભળવા મળે છે.

    ૧૯૬૩માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ગુમરાહ’માં રવિનું સંગીતનિર્દેશન હતું. તે ફિલ્મનું પિયાનોપ્રધાન ગીત સાંભળીએ.

    શંકર-જયકિશને રાજકપૂરની ફિલ્મો માટે બનાવેલાં મોટા ભાગનાં ગીતોમાં બહોળા વાદ્યવૃંદનો સમાવેશ રહેતો હતો. પણ એવાં ગીતોમાં એક ચોક્કસ વાદ્યનો ઉપયોગ એવી રીતે કરાયો હોય કે સમગ્ર ગીત ઉપર તેનો પ્રભાવ જણાઈ આવે. ફિલ્મ ‘સંગમ’(૧૯૬૪)ના પ્રસ્તુત ગીતમાં પિયાનોની હાજરી અન્ય વાજીંત્રો ઉપર હાવી થઈ જતી અનુભવી શકાય છે.

    ૧૯૬૪માં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શગૂન’માં સંગીતકાર ખય્યામે યાદગાર ગીતો આપ્યાં હતાં. તે પૈકીના જગજીત કૌરે ગાયેલા આ ગીતમાં પિયાનોની હાજરી સતત અનુભવાતી રહે છે.

    ફિલ્મ ‘લવ ઈન ટોકયો’ (૧૯૬૬)ના પ્રસ્તુત ગીતમાં લતા મંગેશકરની ગાયકી વધારે પ્રભાવશાળી છે કે પિયાનોવાદન તે નક્કી કરવું અઘરું છે. સ્વરનિયોજન શંકર-જયકિશનનું છે.

    ૧૯૬૭ની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ના નૌશાદના નિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીતમાં પિયાનોનો રોચક પ્રયોગ થયો છે.

    શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં બનેલા ફિલ્મ ‘બ્રહ્મચારી’ (૧૯૬૮)ના પ્રસ્તુત ગીતમાં વૈવિધ્યપૂર્ણ વાદ્યવૃંદ અને કોરસની જમાવટ વચ્ચે પિયાનોનો આગવો પ્રભાવ જણાઈ આવે છે.

    https://youtu.be/hBxp3O0PNE4
    ૧૯૬૯ની ફિલ્મ ‘વિશ્વાસ’ના આ ગીતમાં સમયસમયે પિયાનોના અંશ સંભળાયા કરે છે. સંગીત કલ્યાણજી-આણંદજીનું છે.

    અગાઉ જણાવ્યા મુજબ ૧૯૭૦માં ઈલેક્ટ્રોનીક કળવાદ્યોના આગમન પછી મૂળ પિયાનોના વાદનને સમાવતાં ગીતો ભાગ્યે જ સાંભળવા મળ્યાં છે. પણ, સુખદ અપવાદરૂપે અત્યારના સમયના કેટલાક સંગીતકારોએ તેનો ઉપયોગ કર્યો છે, ઉદાહરણરૂપે ત્રણ ગીતો માણીએ.

    રાહુલ દેવ બર્મનના નિર્દેશનમાં સ્વરબદ્ધ થયેલા ફિલ્મ ‘મુક્તિ’ (૧૯૭૭)ના આ ગીતમાં પિયાનો આંશિક રીતે જ વાગે છે પણ તે ટૂકડાઓ ખુબ જ કર્ણપ્ર્રિય છે.

    ૧૯૮૫ની ફિલ્મ ‘મેરી જંગ’ના પ્રસ્તુત ગીત માટે લક્ષ્મીકાંત-પ્યારેલાલે અસલ પિયાનોનો આગ્રહ રાખ્યો હતો.

    https://www.youtube.com/watch?v=hYPktmwYA-g
    ૨૦૧૮ની ફિલ્મ ‘અંધાધૂન’માં નાયકને પિયાનોની મરમ્મત કરનાર વ્યવસાયિક તરીકે રજૂ કર્યો છે. પિયાનોને તો ફિલ્મની વાર્તાનું એક પાત્ર હોય તે રીતે ઉપસાવ્યો છે. અમિત ત્રીવેદીએ બનાવેલી તર્જ ઉપર બનેલું એક ગીત માણીએ, જેની શરૂઆત જ પિયાનોવાદનથી થાય છે.

    આજના સમયમાં બેશક, ફિલ્મી વાદ્યવૃંદોમાં પિયાનોનું ચલણ ઓછું થઈ ગયું છે. પણ, તેના ભવ્ય દેખાવ અને અતિશય પ્રભાવશાળી સ્વરને લીધે હજી પણ પિયાનોનો પ્રભાવ સહેજેય ઓછો થયો નથી તેની પ્રતીતિ આ ગીતથી થાય છે. આવનારા સમયમાં પણ ચાહકોના મનમાં પિયાનોનું ચોક્કસ સ્થાન બન્યું રહે તેને માટેનાં કારણો મળતાં જ રહેશે એવી આશા રાખીએ.

    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • બાળ ગગન વિહાર – મણકો ૨૧ – વાત અમારા વેલેન્ટીનોની

    શૈલા મુન્શા

    ત્રણ વર્ષનો વેલેન્ટીનો આમ તો વર્ષના અંતમાં મારા ક્લાસમા આવ્યો હતો. ગોરો મજાનો અને રેશમી સોનેરી ઝુલ્ફા વાળો, પરાણે વહાલ કરવાનુ મન થાય એવો. થોડું થોડું બોલતા શીખ્યો હતો. મમ્મીની ગોદ છોડી પહેલીવાર અજાણ્યા બાળકો અને સ્કૂલના વાતાવરણમાં આવ્યો હતો. પહેલે દિવસે જ રડ્યો નહિ, પણ જરા ડઘાયેલો રહ્યો. ધીરે ધીરે બધા સાથે હળવા ભળવા માંડ્યો.
    વાચા ઊઘડી અને બધી પ્રવૃતિમાં ભાગ લેવા માંડ્યો. રમતનુ મેદાન એની પ્રિય જગ્યા. એકવાર ત્યાં ગયા કે એને પાછો લાવવો મુશ્કેલ. મીસ બર્ક(ટીચર) ઊંચી ને હાડપાડ. ગલુડિયાની જેમ એને બગલમાં ઘાલી અંદર લઈ આવે.
    ઓક્ટોબર મહિનો આવ્યો અને વાતાવરણમાં થોડો ફરક પડવા માંડ્યો. ક્યારેક વહેલી સવારે થોડી ઠંડીનો અનુભવ થાય. વેલેન્ટીનોની મમ્મી એને જાત જાતના સરસ મજાના સ્વેટર રોજ પહેરાવે.
    એ દિવસે સવારે જ્યારે વેલેન્ટીનો આવ્યો ત્યારે એના સ્વેટર પર એક ટ્રેનના એંજીનનુ ચિત્ર હતું. બસમાંથી જેવો બહાર આવ્યો અને અમે ક્લાસ તરફ જતા હતા કે તરત એણે પોતાના સ્વેટર તરફ આંગળી કરી થોમસ થોમસ કહેવા માંડ્યો.
    પહેલા તો મને સમજ જ ના પડી કે એ કહેવા શું માગે છે, પણ જ્યારે ધ્યાનથી એના સ્વેટર પર જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ થોમસ એંજીન જે નાના બાળકોનો કાર્ટૂન શો આવતો હોય છે એની વાત કરતો હતો.
    એની મમ્મી જરૂર એને આ કાર્ટૂન શો ઘરે બતાવતી હશે. વેલેન્ટીનો એટલો હોશિયાર છે કે એના બાળ મગજમાં એ વાત યાદ રહી ગઈ હશે અને એંન્જીન વાળું સ્વેટર બતાવી અમને કહેવા માંગતો હતો કે અહીં પણ આ કાર્ટૂન શો એને જોવો છે.
    અમેરિકામાં મેં જોયું છે કે માતા પિતા બાળક જન્મતા ની સાથે જ એને રાતે કાંઈ ને કાંઈ સરસ વાંચી સંભળાવે ને બાળક ની યાદશક્તિ વિકસવામાં એ ખૂબ મદદરૂપ થાય.
    ભલે બાળક માનસિક રીતે પુરો વિકસિત ના હોય તો પણ એ બાળકો સાથે વાત કરવાથી એમને એક ની એક વસ્તુ રોજ કરાવવાથી એમની માનસિક પરિસ્થિતિમાં જરૂર સુધારો થાય છે.
    વેલેન્ટીનો જેમ ક્લાસમાં જુનો થવા માંડ્યો, મતલબ કે એને સ્કૂલમાં દાખલ થયે થોડા મહિના થયા અને ભાઈ નો અસલી રંગ દેખાવા માંડ્યો.
    વેલેન્ટીનો ને જોતાં જ બધાને વહાલ ઉપજે એવો સરસ ગોરો ને ગઠિયો બાળક, એટલે અમે જ નહિ પણ જતાં આવતાં બધા જ શિક્ષકો એને વહાલ કરે. આવ્યો ત્યારે માંડ ત્રણ વર્ષનો એટલે બીજા બાળકોની સરખામણીમાં નાનો પણ લાગે. ઘરમાં પણ નાનો ભાઈ એટલે મમ્મી પણ કદાચ વધારે લાડ લડાવતી હશે એટલે ક્લાસમાં એની જીદ વધવા માંડી. એનુ ધાર્યું ના થાય તો ખૂણામાં ભરાઈ જાય અને એને બોલાવવાની કોશિશ કરીએ તો ભાઈ જોરથી ભેંકડો તાણે. ઊભો કરવા જઈએ તો પગ વાળી દે. આટલા નાના બાળકને તમે બીજું શું કરી શકો?
    ઘણી વસ્તુ બાળકો એકબીજાના અનુકરણે શીખતા હોય છે અને તોફાન તો જરૂર બીજાનુ જોઈ અનુકરણ કરતા હોય છે. વેલેન્ટીનો પણ જ્યારે ટેબલ નીચે ભરાવા માંડ્યો, ક્લાસમાં બધા જ્યારે કલર કરતા હોય ત્યારે કલર કરવાને બદલે ક્રેયોનના ટુકડા કરવા માંડ્યો અને એને રોકવાની કોશિશ કરીએ તો રડીને પોતાની જીદ પુરી કરવા માંડ્યો ત્યારે અમારે એને ક્લાસના નિયમો સમજાવવા એની મમ્મીની મદદ લેવી પડી. મમ્મી પણ તરત તૈયાર થઈ ગઈ કારણ વેલેન્ટીનો સવારે સ્કૂલમાં આવતાં પણ ઘણુ નાટક કરે, તૈયાર જ ના થાય બસ મીસ કરે અને મમ્મીને નાઈટ ડ્રેસમાં જ સ્કૂલે લાવવો પડે. એની બેગમાં યુનિફોર્મ હોય અને અમે એક જ વાર કહીએ “Velentino come and change your night dress other wise you won’t get your toys” અને ભાઈ તરત તૈયાર થઈ જાય કારણ એને ખબર હોય કે અહીં એની જીદ નહિ ચાલે.
    અમેરિકામાં બધી જ વાતમાં “counseling” નુ જબરું તુત છે. અહીં વાતવાતમાં લોકો એકબીજા પર દાવો ઠોકી દેતા હોય છે એટલે કોઈ પોતાના પર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
    અમેરિકામાં બાળક જન્મે ત્યારથી એના જાતજાતના ટેસ્ટ થતા હોય છે, અને ટેસ્ટના પરિણામ પ્રમાણે બાળક તંદુરસ્ત છે કે કઈ ખામી છે અને એનો ઉપાય શું તે નક્કી થતું હોય છે. અમારા ક્લાસમાં બાળક જ્યારે ત્રણ વર્ષનુ થાય ને દાખલ થાય ત્યારે એ સામાન્ય પણ હોઈ શકે અથવા મંદ-બુધ્ધિ પણ હોઈ શકે. વેલેન્ટીનો જેવા બાળકમાં કદાચ બીજી કોઈ ખામી ન હોય પણ વધુ પડતા લાડનુ પરિણામ પણ હોઈ શકે, માટે જ મમ્મી પપ્પાને સ્કૂલમાં બોલાવી શિક્ષક અને સ્કૂલના કાઉન્સિલર ભેગા થઈ સમસ્યા નો હલ લાવવાનો પ્રયત્ન કરે.
    મારા મતે અને કદાચ મારી અડધી જીંદગી મેં ભારતમાં શિક્ષિકા તરીકે કામ કર્યું છે એટલે મારો અભિપ્રાય ઘણી વાર આ બાબતમાં જુદો પડતો હોય છે. મારા મતે બાળકને અમુક નિયમ અને શિસ્તનુ પાલન કરવાની ટેવ ઘર થી શરૂ થવી જોઈએ અને સ્કૂલમાં જ્યારે એ શિસ્ત બાળકને શીખવાડવામાં આવે તો માતા પિતાએ એમાં આડખીલી રૂપ ના થવું જોઈએ.
    અમારા સારા નસીબે વેલેન્ટીનો ની મમ્મી ઘણી સમજુ નીવડી અને પુરો સાથ સહકાર આપવાની તૈયારી બતાવી, ને ઘરમાં પણ એ શિસ્ત જાળવવાની ખાત્રી આપી.
    બાકી વેલેન્ટિનો જેવા બાળક સાથે કડક થવું જ અઘરૂં છે. ગમે તેટલું તોફાન કર્યું હોય પણ તમારી સામે જોઈ એવું મીઠડું હસી પડે કે તમારો ગુસ્સો બરફની જેમ પીગળી જાય ને એને વહાલ કરવાનુ મન થઈ જાય. દુનિયાના બધા બાળકોમાં આ ખૂબી છે. બાળકના એ નિર્દોષ હાસ્યમાં ભલભલા દુઃખ હરણ કરવાનુ અમોઘ શસ્ત્ર છે, અને મને એ વાત નો ખૂબ આનંદ છે કે હું આવા બાળકો સાથે કામ કરી એમને મદદરૂપ થવા મારાથી બનતો પ્રયત્ન કરૂં છું.
    આગળ જતાં વેલેન્ટીનો જરુર સામાન્ય બાળકોના ક્લાસમાં જશે એની મને પુરી ખાત્રી છે અને ખૂબ પ્રગતિ કરશે.

    આ બાળકો મારા જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર કરે છે અને વધુને વધુ એમની ઉન્નતિનો એક અંશ બનવાની પ્રેરણા આપે છે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

     

  • પ્રામાણિકતાની પગદંડી પર પ્રયાણ

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    મહાન કાર્યો
    મહાન સ્વાર્થત્યાગ વિના
    અને મહાન પુરુષાર્થ વિના
    પાર પાડી શકાતાં નથી.

    ગાંધીજી

    માનવવસ્તીથી ફાટફાટ થતા ભારત દેશમાં દરેક જગ્યાએ સંખ્યાનું મહત્વ હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં અને ત્યાં સંખ્યાને પ્રગતિ સાથે સાંકળવાનો પ્રયત્ન થાય છે. જેમ આંકડો મોટો તેમ સફળતાનો આંક ઊંચો તેવી સમજ સમાજમાં વ્યાપી ગઈ છે. સંખ્યાબળમાં સૌને રસ છે. કદાચ લોકશાહીમાં બહુમતી શાસન કરે તેવી પદ્ધતિ હોવાથી પ્રત્યેક ક્ષેત્રે જ્યાં આંક મોટો હોય ત્યાં પ્રગતિ, સફળતા કે સિદ્ધિ તેવી માન્યતા વિકસી ચૂકી છે. ચૂંટણીમાં જે ઉમેદવારને વધારે મત મળે તે ચૂંટાયેલો જાહેર થાય છે અને તેને સફળ નેતા ગણવામાં આવે છે. તે જાહેર જીવનનાં મૂલ્યો પાળે છે કે કેમ તે તરફ કોઈ નજર પણ નાખતું નથી. તેને કારણે રાજકીય ક્ષેત્રથી ધીમે ધીમે નિષ્ઠાવાન, પ્રામાણિક અને મૂલ્ય આધારિત જીવન જીવતા લોકોએ પોતાનું મોં ફેરવી લીધું છે. ચૂંટણીમાં વિજેતા થવા માટે ગુણની (Qualities) નહીં પરંતુ બહુમતી (Quantities)ની જરૂર છે. તેવું નક્કી થતાં બાહુબલી અને સંપત્તિની રેલમછેલ કરી શકતા લોકો ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવા અને ચૂંટાવવા લાગ્યાં. અહીંયાં દોષ ઉમેદવારનો નહીં, પરંતુ તેને ચૂંટનાર મતદારોનો છે તેવી સમજણ વિકસી જ નહીં.

    આપણે જેને સાચું ને શુભ માનીએ
    તે જ કરવામાં
    આપણું સુખ છે, આપણી શાંતિ છે,
    નહીં કે બીજા કહે તે કરવામાં…

    ગાંધીજી

    જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તે સારી શાળા ગણાવા લાગી. શાળાની મૂલવણી તેના શૈક્ષણિક કાર્ય, શિક્ષણની પદ્ધતિ અને ગુણવત્તાયુકત શિક્ષણને આધારે થવાને બદલે સંખ્યાને આધારે થવા માંડી. શાળામાં ગુણ (Quality)નું સ્થાન જથ્થાએ (Quantity) લીધું. શાળાઓની પ્રગતિ અને સફળતાનો માપ, વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરથી નક્કી થાય તો પછી ‘શૈક્ષણિક મૂલ્યો’ અદૃશ્ય ન થાય તો જ નવાઈ !

    જે ડૉકટરની ઓપીડીમાં લાઈન પડે તે સફળ ડૉકટર ગણાય છે. તે ખરેખર સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને દર્દીને રોગમુક્ત કરે છે કે તમામ દવાઓ એક સાથે આપી ગમે તે એક દવાની અસર થતાં દર્દી સારો થઈ જાય છે તે તરફ કોઈ જોતું નથી. ડૉકટર સારા છે કે નહીં, તે દિવસ દરમિયાન કેટલા દર્દીઓને તપાસે છે તેના ઉપરથી નક્કી થાય તો પછી મૂલ્યનિષ્ઠ, પ્રામાણિક અને દર્દીના સ્વાસ્થ્યની ચિંતા અને કાળજી રાખતા ડૉકટરો કયાંથી મળે?

    આ જ પરિસ્થિતિ એડવોકેટ્સ બાબતે છે. કેટલા વકીલો તેમના અસીલને સત્ય કોના પક્ષે છે તે સમજાવતા હશે? સાચો કે ખોટો કેસ હાથમાં લેવાનો અને ગમે તે રીતે તેમાં જીત પ્રાપ્ત કરવામાં વકીલની સફળતાની ગણતરી થાય છે. વકીલો અસત્યને પણ સત્ય તરીકે પુરવાર કરી બતાવવામાં સફળ થાય તેમને ત્યાં લાંબી લાંબી લાઈનો ન પડે તો જ આશ્ચર્ય !

    જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સરકારી ટેક્સ કેવી રીતે ઓછો ભરવો પડે તેવું સમજાવવામાં સફળ થાય તે જ ઉત્તમ સી.એ. ગણાય છે. લોકો પણ એવું જ કહે છે કે અમે તેમની પાસે શા માટે જઈએ? જો અમને માર્ગદર્શન આપી અને ટેક્સ બચાવવાની રીત શીખવી શકતા ન હોય તો તેમને શા માટે કન્સલ્ટ કરવાના? જે સી.એ.ને ત્યાં વેઈટિંગ રૂમમાં મોટી સંખ્યામાં અસીલો બેઠા હોય તે સી.એ. સફળ !

    જે ઉદ્યોગપતિઓ યેનકેન પ્રકારેણ કરોડો રૂપિયાની લોન લેવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા તેઓ જ વ્યવસાયની પ્રગતિ કૂદકે અને ભૂસકે કરી શકયા છે. તેઓ બૅન્ક મેનેજરોને ખોટું ખોટું સમજાવી કરોડો રૂપિયાની લોન મેળવવામાં સફળ થાય છે. ક્યારેક કેટલાક લાંચિયા બેન્ક અધિકારીઓ ઉદ્યોગપતિ સાથે સાઠગાંઠ કરી સમાજના કરોડો રૂપિયા ડુબાડે છે. પર્યાવરણ કે અન્ય ધંધાકીય નિયમો પાળ્યા વિના બનતા મોટા ઉદ્યોગપતિઓ તરફ લોકો માનની દૃષ્ટિએ જોવાનું બંધ કરે છે ખરા? નૈતિક મૂલ્યો નહીં સ્વીકારતા ઉદ્યોગપતિનો સમાજ બહિષ્કાર ન કરી શકે?

    કમનસીબે છેલ્લા થોડાક દાયકાઓમાં સફળતાના પાયામાં રહેલ મૂલ્યો, નિષ્ઠા, પ્રામાણિકતા અને રાષ્ટ્રભકિત અદૃશ્ય થઈ ગયા છે. અલબત્ત, પ્રત્યેક વ્યવસાયમાં પ્રામાણિકતાપૂર્વક આગળ વધતા વ્યવસાયિકો પણ છે. પરંતુ તેમની સંખ્યા ખૂબ થોડી છે. ગમે તેવા રસ્તા લઈ સફળ થયેલા લોકો તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલવાનો સમય તો ક્યારનોય પાકી ગયો છે. સંખ્યા (પૈસા કે માનવ)ને આધારે સફળતા માપવાને બદલે સામાજિક ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને નિર્ણય થવો જોઈએ. સામાન્ય માણસોનો અનૈતિક લોકો તરફનો દૃષ્ટિકોણ બદલાય નહીં ત્યાં સુધી સામાજિક પરિવર્તન શક્ય નથી.

    આવે આવે ફરી સૌ દિવસ-રજની; એ સૂર્ય, એ ચંદ્ર ઉગે,
    આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, જિંદગીઓ
    આવે એક પછી,મરણ પણ મળે કેટલાં કીર્તિ મીઠાં;
    રે, આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે!

    સુન્‍દરમ્‍

     

    જે સમાજ યોગ્ય માણસોને સન્માન આપતો નથી તે સમાજ પ્રગતિ કરવાને લાયક બનતો નથી. નૈતિકમૂલ્યોને કેન્દ્રસ્થ કરીને જીવનમાં પ્રગતિ કરતા લોકોને પોંખવાને બદલે સત્તા અને સંપત્તિના જોરે આગળ વધતા લોકોને પૂજવાનો રિવાજ જે સમાજમાં હોય ત્યાં સામાજિક પ્રગતિનો ગ્રાફ ઊર્ઘ્વગામી હોઈ શકે નહીં. સારાને સારા અને ખરાબને ખરાબ કહેવાની હિંમત જે પ્રજા બતાવી શકે તે આગેકૂચ કરી શકે. યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ પારખવાની શકિત જે રાષ્ટ્રમાં વિકસી નથી તે રાષ્ટ્ર આગળ વધ્યું નથી. રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવાની જવાબદારી તો કૉમનમેનની છે. સ્વાર્થમાં રાચતી ધંધાકીય વ્યકિતઓ તેમના સ્વાર્થની બહાર જોવાના નથી, કારણ કે તેઓ તો સ્વકેન્દ્રી છે. તેઓ સર્વનું હિત જોઈ શકતા નથી તેવું નથી. પરંત તેમને જોવું નથી. સ્વાર્થી લોકોને પરમાર્થી બનાવવાનું સરળ નથી. મોટાભાગના લોકો અત્યંત ઊંચી અપેક્ષાઓથી જીવન જીવતા હોય છે. તેઓ તેને લાયક કે કાબેલ છે કે નહીં તે વિચારવાને બદલે ત્યાં પહોંચવા ગમે તે રસ્તે આગળ વધવા તેયાર હોવાથી ટૂંકા રસ્તાઓ શોધે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં રાષ્ટ્રના દૃષ્ટિવંત, નિષ્ઠાવાન, પ્રામાણિક અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો જ રાષ્ટ્રનું સારું ભાવિ ૨ચી શકે. ભારતને આજે માત્ર અને માત્ર આવા ભારતીય સજ્જનોની આવશ્યકતા છે. આજે જેટલી જરૂર છે તેટલી અગાઉ ક્યારેય નહોતી. ભ્રષ્ટાચાર આચરનાર અને તેમાં સહાય કરનાર લોકો ક્યારેય તેને દૂર કરી શકશે નહીં. આ તો પ્રત્યેક ભારતીયે ઉત્તમ નાગરિક બનીને કરવાનું કાર્ય છે. ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ’નો મંત્ર અપનાવવામાં આવે તો જ પ્રામાણિકતાની પગદંડી પર પ્રયાણ શક્ય બને.

    આચમન:
    ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
    દૂર નજર છો ન જાય;
    દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
    એક ડગલું બસ થાય,
    મારે એક ડગલું બસ થાય.

    નરસિંહરાવ દિવેટીયા


    (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


    (પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)

     

  • કોઈનો લાડકવાયો -(૧૮) ૧૮૫૭: ગુજરાતના શહીદો

    દીપક ધોળકિયા

    ગુજરાતમાં ખૂણેખૂણે એક યા બીજાં કારણસર ઈસ્ટ ઇંડિયા કંપનીની હકુમત સામે અસંતોષ હતો. ગુજરાતનાં છાપાં અંગ્રેજ સરકારને વફાદાર નહોતાં અને છડેચોક ટીકા કરતાં હતાં. પંચમહાલ બાજુ દાન કે ઇનામ તરીકે મળેલી જમીનોની સર્વે ચાલતી હતી. એમાં જેની પાસે પૂરતાં કાગળિયાં ન હોય તેમની જમીનો આંચકી લેવાની જોગવાઈ હતી. ત્યાં કોળી ઠાકોરોની ૧૪૦ ઠકરાત હતી. એમની જમીનો ઝુંટવી લેવાય એવો ભય હતો.  ગુજરાતના મુસલમાનોમાં ખ્રિસ્તી પાદરીઓના પગપેસારા સામે અસંતોષ હતો. અમદાવાદની લગભગ બધી મસ્જિદોમાં મૌલવીઓ નમાઝ પછી ખુત્બા પઢતાં બેધડક અંગ્રેજી રાજના આખરી દિવસોની આગાહીઓ કરતા.

    રત્નાજી અને રંગાજી

    અમદાવાદની જુમા મસ્જિદના મૌલવી સિરાજુદ્દીને ઘોડેસવાર દળ (ગુજરાત હૉર્સ)ના સવારો અને અમદાવાદના કેન્ટોનમેન્ટના દેશી અફસરો સમક્ષ આવું જ ભાષણ કર્યું તે પછી તરત, ૯મી જુલાઈએ ‘ગુજરાત હૉર્સ’ના સાત સવારોએ યુરોપિયનો વિરુદ્ધ બળવો પોકાર્યો.  લેફ્ટેનન્ટ પિમે બાર સવારો સાથે એમનો પીછો કર્યો. રસ્તામાં કૅપ્ટન ટેલર કોળીઓની ટુકડીના ત્રણ કોળીઓ સાથે એમને મળ્યો. પિમ અને ટેલર સાત વિદ્રોહીઓની પાછળ ગયા. એ તાજપુર પાસે વિદ્રોહીઓની નજીક પહોંચી ગયા. ત્યાં સામસામે ધીંગાણું થયું. પરંતુ પિમની સાથે ગયેલા ઘોડેસવારોએ પોતાના સાથીઓ પર ગોળી ચલાવવાની સાફ ન પાડી દીધી. તે પછી ટેલરે વાટાઘાટનો રસ્તો લીધો. એ વિદ્રોહીઓ પાસે ગયો અને એમની વાતચીત ચાલતી હતી તે જ વખતે વિદ્રોહીઓએ ગોળીઓ છોડી જેમાં ટેલર ગંભીર રીતે ઘાયલ થયો, જો કે પાછળથી એ બચી ગયો. તે પછી કોળીઓના ગોળીબારમાં બે સવારો,  રત્નાજી ઠાકોર અને  રંગાજી ઠાકોર માર્યા ગયા ગુજરાતના એ પહેલવહેલા શહીદો છે. એમના મૃત્યુ પછી  બીજા પાંચ  વિદ્રોહીઓએ હથિયારો હેઠાં મૂક્યાં.  એમને પણ કેદ કરી લેવાયા અને ફાંસી આપી દેવાઈ. એમનાં નામ નથી મળી શક્યાં.

    અપશુકન કે વિપ્લવનો સંદેશ?

    ૧૮૫૭ના મે મહિનામાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેની અસર મુંબઈ પ્રાંત અને, ખાસ કરીને ગુજરાતમાં પંચમહાલમાં તરત દેખાવા લાગી. કચ્છના રણમાંથી ગૂણો ભરીને મીઠું લાદીને રાજપુતાના લઈ જવાતું હતું, એમાંથી એક ગૂણ પર સિંદૂરનો મોટો ડાઘ દેખાયો. મજુરો સમજ્યા કે એ ગાયનું લોહી છે. વાત બધે ફેલાઈ ગઈ કે અંગ્રેજ સરકાર એમને ધર્મભ્રષ્ટ કરીને ખ્રિસ્તી બનાવવા માગે છે.

    બીજી ઘટના એ બની કે,ઉત્તર ભારતમાં રોટી અને કમળ ફરતાં હતાં તેમ પંચમહાલનાં બધાં ગામે છુપા વિદ્રોહીઓ એક ભટકતા કૂતરાને લઈ જતા. કૂતરાને કોણે મોકલ્યો કે ક્યાંથી આવ્યો તે તો કોઈ જાણતું નહોતું, પણ કૂતરો મધ્ય ભારતમાંથી આવ્યો હતો. એ આવ્યો ત્યારે એના ગળામાં ખાવાપીવાના સામાનની ટોકરી બાંધી હતી. એ રોટલા ગામના કૂતરાઓને ખવડાવીને લોકો ફરીથી બીજા રોટલા ટોકરીમાં ભરીને કૂતરાને ગળે બાંધી દેતા અને એને બીજા ગામની સીમમાં મોકલી દેતા. આ વિદ્રોહનો સંદેશ હતો, એમ તો ન કહી શકાય પણ એટલું ખરું, કે લોકો એમ માનવા લાગ્યા હતા કે કૂતરાનું આમ આવવું એ અપશુકન હતાં, અને મોટી આફતનો એ સંકેત હતો. ગામેથી કૂતરાને વિદાય કરીને લોકો પનોતીને વિદાય કરતા હતા.

    જીવાભાઈ ઠાકોર અને ગરબડદાસ પટેલ

    પંચમહાલ ૧૮૫૭ના વિપ્લવના સમયથી જ અંગ્રેજી સત્તાને પડકારવામાં આગળ રહ્યું. મધ્ય ભારતની નજીક હોવાથી વિદ્રોહીઓ માટે પંચમહાલ મહત્ત્વનું બની રહ્યું. પંચમહાલના જમીનદાર તિલેદાર ખાને આસપાસની આદિવાસી કોમોને એકઠી કરીને પાંચ હજારની ફોજ ઊભી કરી હતી. આ વિદ્રોહીઓ અંગ્રેજોનાં  લશ્કરી થાણાંઓ પર હુમલા કરતા.દાહોદ, ગોધરા, લૂણાવાડા, ઝાલોદ, બારિયા, પાલ્લા, લુણાવાડાનું ખાનપુર ગામ બળવામાં મોખરે રહ્યાં.  દેવગઢ બારિયામાં અંગ્રેજોની છાવણી હતી. એમાં પણ બળવાની આગ પહોંચી ચૂકી હતી. હિંદુસ્તાની સિપાઈઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને કેટલાયે તિલેદાર ખાનની ફોજમાં જોડાયા. અંગ્રેજી ફોજના વળતા હુમલામાં આવા એક સિપાઈ અમીર ખાનને  તોપને નાળચે બાંધીને મોતને ઘાટે ઉતારી દેવાયા.

    ખાનપુરના કોળી ઠાકોર જીવાભાઈએ પણ ૧૪૦ ઠકરાતોની નેતાગીરી સંભાળીને મોરચો માંડ્યો. જીવાભાઈ બળવાની તૈયારી કરે છે એ જાણીને ઈસ્ટ ઇંડિયા કંપનીએ લૂણાવાડામાં એક કૅપ્ટન બક્લેની આગેવાની નીચે એક બટાલિય્ન ગોઠવી દીધી. જીવાભાઈ અને એમના સાથીઓના હુમલાના જવાબમાં વળતો હુમલો કર્યો.  ભીલો, આરબો, મકરાણીઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા પરંતુ અંતે બ્રિટિશ સેનાએ ખાનપુર પર કબજો કરી લીધો. આખું ગામ સળગાવી દીધું અને અસંખ્ય નિર્દોષોને પકડીને જીવતા લટકાવી દીધા.  જીવાભાઈ પણ અંગ્રેજોના હાથમાં સપડાઈ ગયા. અંગ્રેજી ફોજે એમને તરત જ ગામમાં જ એક વડ પર ફાંસીએ લટકાવી દીધા. આજે પણ લોકો એ વડને ‘ફાંસિયો વડ’ કહે છે.

    જીવાભાઈના સાથી હતા સાણંદના મુખી ગરબડદાસ પટેલ. ખાનપુરને કચડી નાખીને ગોરાઓની સેના આણંદની લોટિયા ભાગોળે આવી પહોંચી. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી.  જીવાભાઈના સમાચાર મળતાં ગરબડદાસે બદલો લેવાનું નક્કી કરી લીધું.  એ જ  દિવસે એમનાં લગ્ન થયાં હતાં  પણ સુહાગ રાત મનાવવાને બદલે  એ એમના લડાયક સાથીઓ છાનામાના છાવણીમાં ઘુસી ગયા અને અશ્વદળના ઘોડાઓના પૂંછડાં કાપી લીધાં. અંગ્રેજોનું આ અપમાન હતું. હવે ગરબડદાસ અને અંગ્રેજો સામસામે આવી ગયા. ગરબડદાસ પકડાઈ ગયા. જીવાભાઈ અને ગરબડદાસ સાથે અમીર ખાન જેવા બીજા સિપાઈઓ બાપુજી પટેલ, કૃષ્ણરામ દવે અને માલોજી જોશી પણ ફોજ છોડીને  જોડાયા હતા. અંગ્રેજો  આવા સિપાઈઓ સાથે વધારે ક્રૂરતાથી વર્તતા. આ ત્રણેયને  તરત તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા. ગરબડદાસ સામે કેસ ચલાવીને કાળા પાણીની સજા આપીને આંદામાન મોકલી દેવાયા. ત્યાં જ એમનું ૧૮૬૦માં મૃત્યુ થઈ ગયું.

    અમદાવાદમાં બળવાનો મોટો પ્રયાસ નિષ્ફળ

    ૧૮૫૭ના સપ્ટેમ્બરમાં દેશી સિપાઈઓની  બે બટાલિયનો હતી – ગ્રેનેડિયરોની બીજી રેજિમેન્ટ અને સાતમી નૅટિવ ઇન્ફન્ટ્રી. આ બન્ને વચ્ચે સારા સંબંધ નહોતા. એક રાતે ગ્રેનેડિયરોની રેજિમેન્ટનો કૅપ્ટન મ્યૂટર ચોકી પહેરાની ડ્યૂટી પર હતો. એ સાતમી ઇન્ફ્ન્ટ્રીના ભંડાર (ક્વાર્ટર ગાર્ડ) પાસે પહોંચ્યો ત્યારે સંત્રીએ એની પાસે પાસવર્ડ માગ્યો. મ્યૂટર પાસવર્ડ જાણતો નહોતો એટલે એ વખતે તો એ પાછો ચાલ્યો ગયો પણ ગ્રેનેડિયરોની એક ટુકડી સાથે પાછો આવ્યો અને સંત્રીને કેદ કર્યો. બીજા દિવસે જનરલ રૉબર્ટ્સ પાસે આ વાત પહોંચી કે તરત એણે મ્યૂટરની ધરપકડ કરી અને સંત્રીને છોડી મૂક્યો. આ ઘટનાને કારણે બન્ને દળો વચ્ચે શત્રુતાની ભાવના વધારે સતેજ બની.

    બળવાખોરોની યોજના એવી હતી કે બન્ને દળો અને આર્ટિલરી સાથે મળીને બળવો કરે. પરંતુ એમને એકબીજાનો વિશ્વાસ નહોતો. આર્ટિલરીના દેશી અફસરો તૈયાર નહોતા. સપ્ટેમ્બરની ૧૪મીની મધરાતે ગ્રેનેડિયરો પોતાના પરેડ ગ્રાઉંડમાં ભરી બંદૂકો સાથે આવ્યા. તોપો પણ બહાર લઈ આવ્યા. ગ્રેનેડિયરોનો એક દેશી અફસર એક ટુકડી લઈને એનો કબજો લેવા ગયો પણ આર્ટિલરીના સુબેદારે ના પાડી અને ઉલટું, એમના જ પર ફાયરિંગ કરવાની ધમકી આપી. આથી ગ્રેનેડિયરનો અફસર પાછો વળી ગયો. એની સાથેના સિપાઈઓ નિરાશ થઈ ગયા અને બીકના માર્યા પોતાનાં શસ્ત્રો ફેંકીને ભાગી છૂટ્યા. આ બાજુ, પરેડ ગ્રાઉંડમાં બીજા સિપાઈઓ બંદૂકોની રાહ જોતા હતા પણ આર્ટિલરીની છાવણીમાં ભાગદોડ જોઈને એમને શંકા પડી અને ભાગી છૂટ્યા. પરેડ ગ્રાઉંડ પર એકવીસ ભરેલી બંદૂકો મળી. આખી રેજિમેન્ટ ગુનેગાર હોવા છતાં માત્ર બંદૂકો જેમના નામે ચડેલી હતી એમને કોર્ટ માર્શલ કરીને બધાની હાજરીમાં ૨૧ સિપાઈઓને ફાંસીએ લટકાવી દેવાયા.

    ૦૦૦

    ગાયકવાડ અંગ્રેજો વિરુદ્ધ

    વડોદરાનું ગાયકવાડી રાજ્ય ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ જ હતું પણ એને અંગ્રેજોની જરૂર પણ હતી. મહારાવના પિતાની બીજી પત્નીના પુત્ર એટલે કે મહારાવના અર્ધ-ભાઈ ગોવિંદરાવ (ઉર્ફે બાપુ ગાયકવાડ)ને મહારાવ વિરુદ્ધ કાવતરું કરવા બદ વડોદરામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ અમદાવાદમાં શાહીબાગમાં રહેતો હતો. બાપુ ગાયકવાડે મહારાવના બીજા ભાઈ મલ્હારરાવ સાથે મળીને યુરોપિયનોનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી. વડોદરા, અમદાવાદ અને ખેડામાં યુરોપિયનોની કતલ કરીને સાતારાના રાજાને નામે નવું રાજ્ય બનાવવાનું એમણે ધાર્યું હતું. બાપુનું કામ અમદાવાદમાં લશ્કરમાં અસંતોષ ફેલાવવાનું હતું. દરરોજ રાતે દેશી અફસરો બાપુને ઘરે મળતા. બાપુ અને મલ્હારરાવનો ત્રીજો સાથી ભોંસલે રાજા હતો. એને ખેડા જિલ્લો સોંપાયો હતો. એનો સાથી હતો ઝવેરી ન્યાલચંદ. એ બન્નેનું કામ ખેડા જિલ્લામાં ઠાકોરો અને પટેલોને તૈયાર કરવાનું હતું. એમને ઠાકોરોએ સહકારની ખાતરી આપી. ઉમેટાના ઠાકોરે તો પોતાના કિલ્લા પર તોપો પણ ગોઠવી દીધી કે જેથી અંગ્રેજ ફોજ હુમલો કરે તો બચાવ કરી શકાય. કડી પરગણામાં સિપાઈઓની ભરતી માટે એમણે મગનલાલ નામના એક માણસને મોકલ્યો, એણે બે હજારનું પાયદળ અને દોઢસોનું ઘોડેસવાર દળ લોદરા ગામ પાસે ગોઠવ્યું. મહી કાંઠે પ્રતાપપુર ગામ નજીક ખેડાના ઠાકોરે પોતાનું લશ્કર ગોઠવી દીધું. એ વડોદરાથી આઠ કિલોમીટર દૂર ચોક તળાવ સુધી આવ્યા. ૧૬મી ઑક્ટોબરની રાતે યુરોપિયન છાવણી પર હુમલો કરવાની બધી તૈયારી હતી. અંગ્રેજી ફોજના દેશી સિપાઈઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે હુમલો થાય ત્યારે દેશી સિપાઈઓ ખાલી કારતૂસો વાપરવાના હતા.

    છેક ૧૫મી ઑક્ટોબરે આ ખબર મળતાં ઍશબર્નર એની ટુકડી સાથે વિદ્રોહીઓ સામે મેદાને ઊતર્યો.  કમનસીબે, વિદ્રોહીઓમાં શિસ્તનો અભાવ હતો અને ઍશબર્નરને જોતાં જ વિદ્રોહીઓના સૈનિકો એક પણ ગોળી છોડ્યા વિના પોતપોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા. નવ્વાણું જણ મહીની કોતરોમાંથી પકડાયા. આમાંથી દસ મુખ્ય હતા એમને તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, નવને દેશવટો આપી દેવાયો અને બાકીનાને માફી આપવામાં આવી.

    બીજી બાજુ, અમદાવાદનો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મેજર ઍગર કોળીઓની ટુકડી લઈને લોદરા તરફ નીકળ્યો. થોડી ચકમક ઝરી તે પછી મગનલાલ ભાગી છૂટ્યા પણ થોડા દિવસમાં પકડાઈ ગયા. એમને અને બીજા બે વિદ્રોહીઓને વેજાપુર પાસે તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, બીજા ત્રણને ફાંસી અપાઈ.

    ૧૮૫૭ની ઘટનાઓમાં ઓછામાં ઓછા દસ હજાર માણસોને અંગ્રેજ સરકારે મારી નાખ્યા. અસંખ્ય લાશો દિવસો સુધી ઝાડો પાર ઝૂલતી રહી. કેટલાંય ગામો તદ્દન ખેદાનમેદાન થઈ ગયાં.

    આમાંથી મોટા ભાગે સિપાઈઓનાં ગણ્યાંગાંઠ્યાં નામ મળ્યાં છે એમનો ઉલ્લેખ કરી લઈએ. (ઉપર અમીર ખાન, બાપુજી પટેલ. કૃષ્ણરામ દવે અને માલોજી જોશીને તોપને મોંએ બાંધીને મારી નાખ્યાનું જણાવી દીધું છે. તે ઉપરાંત -)

    • રામ નારાયણ વડોદરામાં કંપનીની ૬૬મી રેજિમેંટમાં વિદ્રોહ કરીને ભાગ્યા હતા. એમની યોજના વડોદરા અને અમદાવાદ કબજે કરવાની હતી પણ તે પહેલાં જ પકડાઈ ગયા અને એમને ફાંસી આપી દેવાઈ.

    બહુ ઘણા લોકોને આંદામાન મોકલી દેવાયા જે બધા ત્યાં જેલમાં થતા ભયંકર અત્યાચારોને કારણે થોડા જ વખતમાં મૃત્યુ પામ્યા. નીચે નામો આપ્યાં છે એમની આંદામાન પહોંચવાની તારીખ અને મૃત્યુની તારીખ જોતાં અનુમાન કરી શકાય કે અત્યાચારોનો ભોગ બનીને ટપોટપ મરતા હોવા જોઈએ.અહીં માત્ર ગુજરાતની સ્થિતિ દેખાડી છે પણ આખા દેશમાંથી અસંખ્ય લોકોને આંદામાન મોકલી દેવાયા હતા. .ઉપર ગરબડદાસ પટેલનો ઉલ્લેખ આવી ગયો છે. આ શહીદોનાં નામ, આંદામાન ગયાની તારીખ અને મૃત્યુ

    • સિપાઈ બોહોર્ત (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). માર્ચ ૧૮૫૯,મૃત્યુ ૩ જૂને.
    • સિપાઈ બુરહાનુદ્દીન. ઍપ્રિલ ૫૮, મૃત્યુ ૭ જૂન
    • સિપાઈ બૂરખા (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). જૂન ૧૮૫૮, મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮
    • સિપાઈ બૂર્ઝૂ (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). જૂન ૧૮૫૮, મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮ (આ બન્ને સિપાઈઓની તારીખો એક જ છે, માત્ર પિતાઓનાં નામ જુદાં હોવાથી અલગ પડે છે).
    • સિપાઈ બુલ્દીન. ઍપ્રિલ ૧૮૫૮. મૃત્યુ ૧૩ સપ્ટેંબર ૧૮૫૮.
    • સિપાઈ ઈનામ ખાન. ૧૮૫૮માં આંદામાન મૃત્યુ ૧૮૫૯.
    • સિપાઈ ઝહૂર ગુરાડિયા. જુલાઈ ૧૮૫૮, મૃત્યુ નવેંબર ૧૮૫૮.
    • સિપાઈ મુસ્કીન ૧૮૫૮,મૃત્યુ ઑક્ટોબર ૧૮૫૯.
    • નાદીર શાહ માર્ચ ૧૮૫૯,  મૃત્યુ ૧૨ ઍપ્રિલ૧૮૫૯.
    • ઉંમર ખાન (વડોદરા) આંદામાનમાં મૃત્યુ.
    • પોહ સિંહ.ઍપ્રિલ ૧૮૫૮ ,મૃત્યુ ૧૦ ડિસેંબર ૧૮૫૮.
    • રજ્જુત (રજત?રજબ?). માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૩ મે ૧૮૫૯.
    • મનજી. માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૩ મે ૧૮૫૯.
    • સોર્બાતા (?) માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૬ જૂન  ૧૮૫૯.
    • સોમપાલ પાંડે. ઍપ્રિલ ૧૮૫૮, મૃત્યુ ૩૦ ઑગસ્ટ ૧૮૫૮.
    • ઉપદારુત સિંહ (? – ઉપેન્દર?) ઍપ્રિલ ૧૮૫૮. ૧૯ ઑક્ટોબર ૧૮૫૮.
    • શાદા (સહદા, શૈદા?) માર્ચ ૧૮૫૯,  ૨૫ મે ૧૮૫૯.
    • સિપાઈ ગંગાસિંહ. ઊસર સિહ અને જલારામ પંડિત ઍપ્રિલ ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા. તરત જ એમણે ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયા. ૧૮મી મેના રોજ ત્રણેયને ફાંસી આપી દેવાઈ.

    વડોદરાના ગાયકવાડી રાજ્યમાંથી

    • ગોપાલકૃષ્ણ, મુરલીધર બાપુજી અને શંભુ દોલત રામ. આંદામાનમાં મૃત્યુ.
    • અંગદ સિંહ, પ્રાણ શંકર ભગવાન દાજી, બાપુ રાવ કાશીનાથ અને .લક્ષ્મીરામ નારાયણ દરેકને ૧૪ વર્ષનો કારાવાસ. બધા જેલમાં જ મૃત્યુ પામ્યા
    • કૃષ્ણ જગન્નાથ ભટ્ટ (વડોદરા) સાત વર્ષની કેદ (જેલમાં મૃત્યુ. કેટલાંક વર્ષ જાહેર કરાયું).
    • રામચંદ્ર નારાયણ (વડોદરા) દસ વર્ષની કેદ (જેલમાં મૃત્યુ.કેટલાંક વર્ષ પછી જાહેર કરાયું).
    • બહાઉલ (પિતા દુલ્લા? અબ્દુલ્લા?). એમના વિશે કંઈ માહિતી નથી મળતી.

    નાયકડા ભીલોનો વિદ્રોહ

    ૧૮૫૭ની મુખ્ય ઘટનાઓ પછી એકાદ વર્ષ ગુજરાતમાં શાંતિ રહી. પરંતુ ઑક્ટોબર ૧૮૫૮માં પંચમહાલમાં નાયકડા ભીલોએ બળવો પોકાર્યો. નાયકડા ભીલો પંચમહાલના વાસી. નાયકડા ભીલોનો વિદ્રોહ અંગ્રેજ સરકારની જંગલ નીતિ સામે હતો. જાંબુઘોડા બળવાનું અગત્યનું કેંદ્ર રહ્યું. રૂપસિંહ નાયક અને કેવળ નાયકના હાથમાં વિદ્રોહની કમાન રહી. રૂપસિંહ અથવા રૂપો નાયક ઝીંઝરી ગામની જાગીરનો વારસ હતો. રૂપસિંહ અને કેવળે નાયક ભીલોને એકઠા કર્યા અને ઑક્ટોબર ૧૮૫૮માં નારુકોટનું થાણું લૂંટ્યું અને કૅપ્ટન બૅટ્સની ટુકડી પર હુમલો કર્યો. બે દિવસ સુધી નાયકડાઓનું વર્ચસ્વ રહ્યું. ચાંપાનેર અને નારુકોટ વચ્ચેના પ્રદેશ પર પણ રૂપસિંહનો કબજો સ્થપાયો. મકરાણીઓ વિદ્રોહમાં નાયકડા ભીલો સાથે રહીને લડ્યા. જો કે રિચર્ડ બૉર્નરની લશ્કરી ટુકડી સામે એમનો પરાજય થયો અને રૂપસિંહને શસ્ત્રો હેઠાં મૂકવાની ફરજ પડી.

    સંદર્ભઃ

    આ લેખ તૈયાર કરવામાં મેં ફેબ્રુઆરીના લેખમાં દર્શાવેલા સંદર્ભ ગ્રંથો ઉપરાંત અહીં દર્શાવેલા સ્રોતોનો  અને મારી આ પહેલાંની શ્રેણીના લેખો (ભાગ ૨ પ્રકરણ ૧૯ અને ૨૦)નો પણ ઉપયોગ કર્યો છે. સૌનો આભાર.

    1. https://kolistan.blogspot.com/2018/10/thakor-caste-thakore-history.html?view=sidebar
    2. https://kolistan.blogspot.com/2017/09/koli-uprising-in-khanpur-gujarat.html?m=1
    3. https://gujarativishwakosh.org
    4. https://gujarattimesusa.com

    વ્યક્તિગત વિશેષ આભાર

    1. https://www.facebook.com/groups/478883392293060/posts/769998766514853/

    (વિપુલ સાવલિયા) રત્નાજી-રંગાજીના સ્મારક સ્થળની તસવીર પણ આ સંદર્ભ સુત્ર પરથી લીધી છે.

    1. https://www.facebook.com/gujjulalo/photos/a.831042730389419/1829149693912046/?type=3 (ગુજરાતી લાલો)

    તે ઉપરાંત મારી શ્રેણી ભારતઃ ગુલામી અને સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ભાગ -૨ પ્રકરણ ૧૯ – ૨૦માંથી (Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
    બ્લૉગ સરનામું: મારી બારી

  • એ પહેલ આવકાર્ય છે, પણ પર્યાપ્ત નથી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ટેક્નોલોજી આપણા જીવનમાં ગમે એટલા ભૌતિક ફેરફાર લાવે, માનસિકતાને એ ભાગ્યે જ બદલી શકે છે. ઘણી વાર તો એમ લાગે કે માણસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાની માનસિકતાનો વિકાસ કરવાને બદલે તેને વધુ ને વધુ સંકુચિત કરી રહ્યો છે. જૂની, પરંપરાગત ગેરમાન્યતાઓ તે ઝટ છોડી શકતો નથી.

    કેરળના મુખ્ય પ્રધાન પી.વિજયન દ્વારા ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ઘોષણા કરવામાં આવી કે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની વિદ્યાર્થીનીઓને માસિકધર્મના દિવસો દરમિયાન રજા આપવામાં આવશે. આ અગાઉ કોચીન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્‍ડ ટેક્નોલોજી દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને આ રજા આપવાનું જાહેર કરાયું હતું. અલબત્ત, એ માટે વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજયને આ સરકારી ઘોષણાને ‘સ્ત્રી-પુરુષ સમાનતાયુક્ત સમાજ રચવાની પ્રતિબદ્ધતા’ હોવાનું ગણાવ્યું હતું.

    આ ઘોષણા આવકારદાયક છે, કેમ કે, હજી ભારતીય સમાજમાં માસિકધર્મના મુદ્દે જોઈએ એટલી ચર્ચા થતી નથી. ટી.વી. કે અખબાર જેવાં માધ્યમો પર દર્શાવાતી સેનીટરી નેપકીનની જાહેરખબરોમાં મહિલાને ‘આઝાદી’ અપાવવાનો દાવો કરવામાં આવે છે, પણ એ આઝાદી મુખ્યત્વે માસિક સમયની ‘ઝંઝટ’થી હોય છે. મહિલાઓની મૂળભૂત જરૂરિયાત કહી શકાય એવી આ સુવિધા સહજપણે સુલભ હોવી જોઈએ. તેને બદલે એને આવી ભવ્યતા બક્ષવામાં આવે એ દર્શાવે છે કે આ બાબત હજી એટલી સહજસ્વીકૃત નથી બની! ‘સ્વીગી’, ‘ઝોમેટો’ કે અમુક ગણીગાંઠી કંપનીઓ પોતાની મહિલા કર્મચારીઓ માટે માસિકધર્મ માટેની રજા જાહેર કરે એ હજી સમાચારનો વિષય બને છે.

    સ્ત્રી-પુરુષની સમાનતાવાળા સમાજની રચના કરવા તરફનું આ પગલું હોય તો હજી અનેક મુદ્દા ચર્ચવાના ઊભા રહે છે. આવી ઘોષણા અને તેનો અમલ સ્ત્રી-પુરુષ અસમાનતાની ખાઈને વધુ પહોળી કરે એવી શક્યતા નકારી શકાય નહીં. આ શક્યતા પાયાવિહોણી નથી, કેમ કે, દક્ષિણ કોરિયા અને જાપાનમાં આવી રજા આપતો કાયદો અમલમાં છે. આમ છતાં, સર્વેક્ષણ સૂચવે છે કે આ દેશોમાં આવી રજાઓ ભોગવતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ? માસિકસ્રાવ સાથે સંકળાયેલી સૂગ.

    મહિલાઓને આવી રજાઓ ફરજિયાત આપવાની થાય એવા સંજોગોમાં રજાઓ સાથે સંકળાયેલું આર્થિક તેમજ ઉત્પાદકતાનું પાસું પણ ગણનામાં લેવાનું આવે. તેને કારણે કાર્યસ્થળે મહિલાઓની પસંદગીમાં તેમને પ્રાધાન્ય ઓછું મળે એ શક્યતા નકારી શકાય એમ નથી.

    મહિલાઓની નિયમીત દેહધાર્મિક પ્રક્રિયા એવા માસિકધર્મ માટે ખાસ રજાની શ્રેણી ઉભી કરવાથી એ તબીબી મુદ્દો બને, અને તે ‘રોગ’ કે ‘બિમારી’ ગણાય. આથી ઘણી મહિલાઓ એવી ગેરમાન્યતાનો શિકાર બની શકે કે આ સમયગાળો ‘મુશ્કેલ અને દર્દનાક’ બની રહે કે જેમાં પોતે કામ નહીં કરી શકે. આવી ગેરમાન્યતાનો પ્રસાર કરવામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓની ભૂમિકા મહત્ત્વની બની રહે. અમુકતમુક પ્રકારના ‘ખાસ’ સેનીટરી નેપકીન યા અન્ય પૂરક ઘટકો ધરાવતાં ઔષધોનું આખું બજાર તેઓ ઊભું કરી શકે.

    એ હકીકત છે કે પ્રત્યેક મહિલાનું માસિકધર્મનું ચક્ર આગવું હોય છે. એમ બની શકે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેને સતત અસુખ ન પણ અનુભવાય અને અમુક સમયગાળા પૂરતું દર્દ થાય કે અસુખ અનુભવાય. આવા અસુખ કે તેનાથી પેદા થતી અસુવિધાને અવગણી શકાય નહીં.

    રજાનું પગલું આવકાર્ય છે, આવશ્યક છે, પણ પર્યાપ્ત નથી. મહિલાઓ માટે કાર્યસ્થળની સ્થિતિમાં સુધારો થાય એ જરૂરી છે. આપણા દેશમાં હજી આ બાબત શુદ્ધતા, પવિત્રતા અને ધર્મ સાથે સંકળાયેલી છે. આ ગેરમાન્યતા એટલી હદે વ્યાપક છે કે ખુદ સ્ત્રીઓ પણ એમ માનતી થઈ જાય છે. સાથોસાથ એ અતિશય અંગત બાબત છે. આવા સંજોગોમાં મહિલા માસિકધર્મમાં હોવાની જાણ થાય તો એની સાથે સૂક્ષ્મ ભેદભાવ આચરવામાં આવે એ શક્યતા રહે છે.

    પ્રમાણમાં પછાત ગણાતા બિહાર રાજ્યમાં છેક 1992માં મહિલાઓ માટે માસિકધર્મની રજાનો કાયદો અમલી છે એ જાણીને નવાઈ લાગે. અલબત્ત, એ મેળવવા માટે તત્કાલીન મહિલા સરકારી કર્મચારીઓએ બે-ત્રણ મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ આના વિરોધમાં હતા. એ વખતે દેખાવ કરનાર મહિલાઓને તેમના પતિઓ દ્વારા કહેવામાં આવતું કે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર નથી, અને તેમના વતી પુરુષો દેખાવ કરશે, જેથી મહિલાઓ ઘર સંભાળી શકે. આમ છતાં, પોતાનું યુદ્ધ પોતે જ લડવું પડશે એવી શ્રદ્ધા ધરાવતી મહિલાઓ મોરચે અડીખમ રહી અને હકારાત્મક પરિણામ મેળવી શકી. જો કે, ત્રણ દિવસની રજાઓની તેમની માગણીના બદલામાં તેમને બે દિવસની રજા જ મળી શકી.

    આખી ચર્ચાનો સાર એટલો કે માસિકધર્મ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની જાહેર અને સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. આ ગાળા દરમિયાન થતી તકલીફો વિશે ખૂલીને વાત થાય અને વધુ ને વધુ લોકો તેના વિશે જાણે એ મહત્ત્વનું છે. તેની સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ આ રીતે જ કાળક્રમે દૂર થઈ શકશે. કાર્યસ્થળની સુવિધાઓમાં અને સ્થિતિમાં સુધારણા કાયદાથી આવે એને બદલે સમજણથી આવે એ વધુ ઈચ્છનીય ગણાય. આ બાબતે સરકારી કાર્યાલય કે એકમોમાં પહેલ થાય એ સૌથી આવકાર્ય ગણાય. એમ થાય તો સરકાર ખાનગી એકમોને પણ ફરજ પાડી શકે. શાળા કક્ષાએથી આ અંગે જાગૃતિ લાવવાનું કામ કરવા જેવું છે.

    વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ માસિકધર્મ અંગેની અને બીજી અનેક આવી ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવે તો એ એનો સાચો ઉપયોગ ગણાશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬  – ૦૨ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)