દીપક ધોળકિયા
ગુજરાતમાં ખૂણેખૂણે એક યા બીજાં કારણસર ઈસ્ટ ઇંડિયા કંપનીની હકુમત સામે અસંતોષ હતો. ગુજરાતનાં છાપાં અંગ્રેજ સરકારને વફાદાર નહોતાં અને છડેચોક ટીકા કરતાં હતાં. પંચમહાલ બાજુ દાન કે ઇનામ તરીકે મળેલી જમીનોની સર્વે ચાલતી હતી. એમાં જેની પાસે પૂરતાં કાગળિયાં ન હોય તેમની જમીનો આંચકી લેવાની જોગવાઈ હતી. ત્યાં કોળી ઠાકોરોની ૧૪૦ ઠકરાત હતી. એમની જમીનો ઝુંટવી લેવાય એવો ભય હતો. ગુજરાતના મુસલમાનોમાં ખ્રિસ્તી પાદરીઓના પગપેસારા સામે અસંતોષ હતો. અમદાવાદની લગભગ બધી મસ્જિદોમાં મૌલવીઓ નમાઝ પછી ખુત્બા પઢતાં બેધડક અંગ્રેજી રાજના આખરી દિવસોની આગાહીઓ કરતા.
રત્નાજી અને રંગાજી
અમદાવાદની જુમા મસ્જિદના મૌલવી સિરાજુદ્દીને ઘોડેસવાર દળ (ગુજરાત હૉર્સ)ના સવારો અને અમદાવાદના કેન્ટોનમેન્ટના દેશી અફસરો સમક્ષ આવું જ ભાષણ કર્યું તે પછી તરત, ૯મી જુલાઈએ ‘ગુજરાત હૉર્સ’ના સાત સવારોએ યુરોપિયનો વિરુદ્ધ બળવો પોકાર્યો. લેફ્ટેનન્ટ પિમે બાર સવારો સાથે એમનો પીછો કર્યો. રસ્તામાં કૅપ્ટન ટેલર કોળીઓની ટુકડીના ત્રણ કોળીઓ સાથે એમને મળ્યો. પિમ અને ટેલર સાત વિદ્રોહીઓની પાછળ ગયા. એ તાજપુર પાસે વિદ્રોહીઓની નજીક પહોંચી ગયા. ત્યાં સામસામે ધીંગાણું થયું. પરંતુ પિમની સાથે ગયેલા ઘોડેસવારોએ પોતાના સાથીઓ પર ગોળી ચલાવવાની સાફ ન પાડી દીધી. તે પછી ટેલરે વાટાઘાટનો રસ્તો લીધો. એ વિદ્રોહીઓ પાસે ગયો અને એમની વાતચીત ચાલતી હતી તે જ વખતે વિદ્રોહીઓએ ગોળીઓ છોડી જેમાં ટેલર ગંભીર રીતે ઘાયલ થયો, જો કે પાછળથી એ બચી ગયો. તે પછી કોળીઓના ગોળીબારમાં બે સવારો, રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોર માર્યા ગયા ગુજરાતના એ પહેલવહેલા શહીદો છે. એમના મૃત્યુ પછી બીજા પાંચ વિદ્રોહીઓએ હથિયારો હેઠાં મૂક્યાં. એમને પણ કેદ કરી લેવાયા અને ફાંસી આપી દેવાઈ. એમનાં નામ નથી મળી શક્યાં.
અપશુકન કે વિપ્લવનો સંદેશ?
૧૮૫૭ના મે મહિનામાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેની અસર મુંબઈ પ્રાંત અને, ખાસ કરીને ગુજરાતમાં પંચમહાલમાં તરત દેખાવા લાગી. કચ્છના રણમાંથી ગૂણો ભરીને મીઠું લાદીને રાજપુતાના લઈ જવાતું હતું, એમાંથી એક ગૂણ પર સિંદૂરનો મોટો ડાઘ દેખાયો. મજુરો સમજ્યા કે એ ગાયનું લોહી છે. વાત બધે ફેલાઈ ગઈ કે અંગ્રેજ સરકાર એમને ધર્મભ્રષ્ટ કરીને ખ્રિસ્તી બનાવવા માગે છે.
બીજી ઘટના એ બની કે,ઉત્તર ભારતમાં રોટી અને કમળ ફરતાં હતાં તેમ પંચમહાલનાં બધાં ગામે છુપા વિદ્રોહીઓ એક ભટકતા કૂતરાને લઈ જતા. કૂતરાને કોણે મોકલ્યો કે ક્યાંથી આવ્યો તે તો કોઈ જાણતું નહોતું, પણ કૂતરો મધ્ય ભારતમાંથી આવ્યો હતો. એ આવ્યો ત્યારે એના ગળામાં ખાવાપીવાના સામાનની ટોકરી બાંધી હતી. એ રોટલા ગામના કૂતરાઓને ખવડાવીને લોકો ફરીથી બીજા રોટલા ટોકરીમાં ભરીને કૂતરાને ગળે બાંધી દેતા અને એને બીજા ગામની સીમમાં મોકલી દેતા. આ વિદ્રોહનો સંદેશ હતો, એમ તો ન કહી શકાય પણ એટલું ખરું, કે લોકો એમ માનવા લાગ્યા હતા કે કૂતરાનું આમ આવવું એ અપશુકન હતાં, અને મોટી આફતનો એ સંકેત હતો. ગામેથી કૂતરાને વિદાય કરીને લોકો પનોતીને વિદાય કરતા હતા.
જીવાભાઈ ઠાકોર અને ગરબડદાસ પટેલ
પંચમહાલ ૧૮૫૭ના વિપ્લવના સમયથી જ અંગ્રેજી સત્તાને પડકારવામાં આગળ રહ્યું. મધ્ય ભારતની નજીક હોવાથી વિદ્રોહીઓ માટે પંચમહાલ મહત્ત્વનું બની રહ્યું. પંચમહાલના જમીનદાર તિલેદાર ખાને આસપાસની આદિવાસી કોમોને એકઠી કરીને પાંચ હજારની ફોજ ઊભી કરી હતી. આ વિદ્રોહીઓ અંગ્રેજોનાં લશ્કરી થાણાંઓ પર હુમલા કરતા.દાહોદ, ગોધરા, લૂણાવાડા, ઝાલોદ, બારિયા, પાલ્લા, લુણાવાડાનું ખાનપુર ગામ બળવામાં મોખરે રહ્યાં. દેવગઢ બારિયામાં અંગ્રેજોની છાવણી હતી. એમાં પણ બળવાની આગ પહોંચી ચૂકી હતી. હિંદુસ્તાની સિપાઈઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને કેટલાયે તિલેદાર ખાનની ફોજમાં જોડાયા. અંગ્રેજી ફોજના વળતા હુમલામાં આવા એક સિપાઈ અમીર ખાનને તોપને નાળચે બાંધીને મોતને ઘાટે ઉતારી દેવાયા.
ખાનપુરના કોળી ઠાકોર જીવાભાઈએ પણ ૧૪૦ ઠકરાતોની નેતાગીરી સંભાળીને મોરચો માંડ્યો. જીવાભાઈ બળવાની તૈયારી કરે છે એ જાણીને ઈસ્ટ ઇંડિયા કંપનીએ લૂણાવાડામાં એક કૅપ્ટન બક્લેની આગેવાની નીચે એક બટાલિય્ન ગોઠવી દીધી. જીવાભાઈ અને એમના સાથીઓના હુમલાના જવાબમાં વળતો હુમલો કર્યો. ભીલો, આરબો, મકરાણીઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા પરંતુ અંતે બ્રિટિશ સેનાએ ખાનપુર પર કબજો કરી લીધો. આખું ગામ સળગાવી દીધું અને અસંખ્ય નિર્દોષોને પકડીને જીવતા લટકાવી દીધા. જીવાભાઈ પણ અંગ્રેજોના હાથમાં સપડાઈ ગયા. અંગ્રેજી ફોજે એમને તરત જ ગામમાં જ એક વડ પર ફાંસીએ લટકાવી દીધા. આજે પણ લોકો એ વડને ‘ફાંસિયો વડ’ કહે છે.
જીવાભાઈના સાથી હતા સાણંદના મુખી ગરબડદાસ પટેલ. ખાનપુરને કચડી નાખીને ગોરાઓની સેના આણંદની લોટિયા ભાગોળે આવી પહોંચી. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી. જીવાભાઈના સમાચાર મળતાં ગરબડદાસે બદલો લેવાનું નક્કી કરી લીધું. એ જ દિવસે એમનાં લગ્ન થયાં હતાં પણ સુહાગ રાત મનાવવાને બદલે એ એમના લડાયક સાથીઓ છાનામાના છાવણીમાં ઘુસી ગયા અને અશ્વદળના ઘોડાઓના પૂંછડાં કાપી લીધાં. અંગ્રેજોનું આ અપમાન હતું. હવે ગરબડદાસ અને અંગ્રેજો સામસામે આવી ગયા. ગરબડદાસ પકડાઈ ગયા. જીવાભાઈ અને ગરબડદાસ સાથે અમીર ખાન જેવા બીજા સિપાઈઓ બાપુજી પટેલ, કૃષ્ણરામ દવે અને માલોજી જોશી પણ ફોજ છોડીને જોડાયા હતા. અંગ્રેજો આવા સિપાઈઓ સાથે વધારે ક્રૂરતાથી વર્તતા. આ ત્રણેયને તરત તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા. ગરબડદાસ સામે કેસ ચલાવીને કાળા પાણીની સજા આપીને આંદામાન મોકલી દેવાયા. ત્યાં જ એમનું ૧૮૬૦માં મૃત્યુ થઈ ગયું.
અમદાવાદમાં બળવાનો મોટો પ્રયાસ નિષ્ફળ
૧૮૫૭ના સપ્ટેમ્બરમાં દેશી સિપાઈઓની બે બટાલિયનો હતી – ગ્રેનેડિયરોની બીજી રેજિમેન્ટ અને સાતમી નૅટિવ ઇન્ફન્ટ્રી. આ બન્ને વચ્ચે સારા સંબંધ નહોતા. એક રાતે ગ્રેનેડિયરોની રેજિમેન્ટનો કૅપ્ટન મ્યૂટર ચોકી પહેરાની ડ્યૂટી પર હતો. એ સાતમી ઇન્ફ્ન્ટ્રીના ભંડાર (ક્વાર્ટર ગાર્ડ) પાસે પહોંચ્યો ત્યારે સંત્રીએ એની પાસે પાસવર્ડ માગ્યો. મ્યૂટર પાસવર્ડ જાણતો નહોતો એટલે એ વખતે તો એ પાછો ચાલ્યો ગયો પણ ગ્રેનેડિયરોની એક ટુકડી સાથે પાછો આવ્યો અને સંત્રીને કેદ કર્યો. બીજા દિવસે જનરલ રૉબર્ટ્સ પાસે આ વાત પહોંચી કે તરત એણે મ્યૂટરની ધરપકડ કરી અને સંત્રીને છોડી મૂક્યો. આ ઘટનાને કારણે બન્ને દળો વચ્ચે શત્રુતાની ભાવના વધારે સતેજ બની.
બળવાખોરોની યોજના એવી હતી કે બન્ને દળો અને આર્ટિલરી સાથે મળીને બળવો કરે. પરંતુ એમને એકબીજાનો વિશ્વાસ નહોતો. આર્ટિલરીના દેશી અફસરો તૈયાર નહોતા. સપ્ટેમ્બરની ૧૪મીની મધરાતે ગ્રેનેડિયરો પોતાના પરેડ ગ્રાઉંડમાં ભરી બંદૂકો સાથે આવ્યા. તોપો પણ બહાર લઈ આવ્યા. ગ્રેનેડિયરોનો એક દેશી અફસર એક ટુકડી લઈને એનો કબજો લેવા ગયો પણ આર્ટિલરીના સુબેદારે ના પાડી અને ઉલટું, એમના જ પર ફાયરિંગ કરવાની ધમકી આપી. આથી ગ્રેનેડિયરનો અફસર પાછો વળી ગયો. એની સાથેના સિપાઈઓ નિરાશ થઈ ગયા અને બીકના માર્યા પોતાનાં શસ્ત્રો ફેંકીને ભાગી છૂટ્યા. આ બાજુ, પરેડ ગ્રાઉંડમાં બીજા સિપાઈઓ બંદૂકોની રાહ જોતા હતા પણ આર્ટિલરીની છાવણીમાં ભાગદોડ જોઈને એમને શંકા પડી અને ભાગી છૂટ્યા. પરેડ ગ્રાઉંડ પર એકવીસ ભરેલી બંદૂકો મળી. આખી રેજિમેન્ટ ગુનેગાર હોવા છતાં માત્ર બંદૂકો જેમના નામે ચડેલી હતી એમને કોર્ટ માર્શલ કરીને બધાની હાજરીમાં ૨૧ સિપાઈઓને ફાંસીએ લટકાવી દેવાયા.
૦૦૦
ગાયકવાડ અંગ્રેજો વિરુદ્ધ
વડોદરાનું ગાયકવાડી રાજ્ય ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ જ હતું પણ એને અંગ્રેજોની જરૂર પણ હતી. મહારાવના પિતાની બીજી પત્નીના પુત્ર એટલે કે મહારાવના અર્ધ-ભાઈ ગોવિંદરાવ (ઉર્ફે બાપુ ગાયકવાડ)ને મહારાવ વિરુદ્ધ કાવતરું કરવા બદ વડોદરામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ અમદાવાદમાં શાહીબાગમાં રહેતો હતો. બાપુ ગાયકવાડે મહારાવના બીજા ભાઈ મલ્હારરાવ સાથે મળીને યુરોપિયનોનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી. વડોદરા, અમદાવાદ અને ખેડામાં યુરોપિયનોની કતલ કરીને સાતારાના રાજાને નામે નવું રાજ્ય બનાવવાનું એમણે ધાર્યું હતું. બાપુનું કામ અમદાવાદમાં લશ્કરમાં અસંતોષ ફેલાવવાનું હતું. દરરોજ રાતે દેશી અફસરો બાપુને ઘરે મળતા. બાપુ અને મલ્હારરાવનો ત્રીજો સાથી ભોંસલે રાજા હતો. એને ખેડા જિલ્લો સોંપાયો હતો. એનો સાથી હતો ઝવેરી ન્યાલચંદ. એ બન્નેનું કામ ખેડા જિલ્લામાં ઠાકોરો અને પટેલોને તૈયાર કરવાનું હતું. એમને ઠાકોરોએ સહકારની ખાતરી આપી. ઉમેટાના ઠાકોરે તો પોતાના કિલ્લા પર તોપો પણ ગોઠવી દીધી કે જેથી અંગ્રેજ ફોજ હુમલો કરે તો બચાવ કરી શકાય. કડી પરગણામાં સિપાઈઓની ભરતી માટે એમણે મગનલાલ નામના એક માણસને મોકલ્યો, એણે બે હજારનું પાયદળ અને દોઢસોનું ઘોડેસવાર દળ લોદરા ગામ પાસે ગોઠવ્યું. મહી કાંઠે પ્રતાપપુર ગામ નજીક ખેડાના ઠાકોરે પોતાનું લશ્કર ગોઠવી દીધું. એ વડોદરાથી આઠ કિલોમીટર દૂર ચોક તળાવ સુધી આવ્યા. ૧૬મી ઑક્ટોબરની રાતે યુરોપિયન છાવણી પર હુમલો કરવાની બધી તૈયારી હતી. અંગ્રેજી ફોજના દેશી સિપાઈઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે હુમલો થાય ત્યારે દેશી સિપાઈઓ ખાલી કારતૂસો વાપરવાના હતા.
છેક ૧૫મી ઑક્ટોબરે આ ખબર મળતાં ઍશબર્નર એની ટુકડી સાથે વિદ્રોહીઓ સામે મેદાને ઊતર્યો. કમનસીબે, વિદ્રોહીઓમાં શિસ્તનો અભાવ હતો અને ઍશબર્નરને જોતાં જ વિદ્રોહીઓના સૈનિકો એક પણ ગોળી છોડ્યા વિના પોતપોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા. નવ્વાણું જણ મહીની કોતરોમાંથી પકડાયા. આમાંથી દસ મુખ્ય હતા એમને તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, નવને દેશવટો આપી દેવાયો અને બાકીનાને માફી આપવામાં આવી.
બીજી બાજુ, અમદાવાદનો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મેજર ઍગર કોળીઓની ટુકડી લઈને લોદરા તરફ નીકળ્યો. થોડી ચકમક ઝરી તે પછી મગનલાલ ભાગી છૂટ્યા પણ થોડા દિવસમાં પકડાઈ ગયા. એમને અને બીજા બે વિદ્રોહીઓને વેજાપુર પાસે તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, બીજા ત્રણને ફાંસી અપાઈ.
૧૮૫૭ની ઘટનાઓમાં ઓછામાં ઓછા દસ હજાર માણસોને અંગ્રેજ સરકારે મારી નાખ્યા. અસંખ્ય લાશો દિવસો સુધી ઝાડો પાર ઝૂલતી રહી. કેટલાંય ગામો તદ્દન ખેદાનમેદાન થઈ ગયાં.
આમાંથી મોટા ભાગે સિપાઈઓનાં ગણ્યાંગાંઠ્યાં નામ મળ્યાં છે એમનો ઉલ્લેખ કરી લઈએ. (ઉપર અમીર ખાન, બાપુજી પટેલ. કૃષ્ણરામ દવે અને માલોજી જોશીને તોપને મોંએ બાંધીને મારી નાખ્યાનું જણાવી દીધું છે. તે ઉપરાંત -)
- રામ નારાયણ વડોદરામાં કંપનીની ૬૬મી રેજિમેંટમાં વિદ્રોહ કરીને ભાગ્યા હતા. એમની યોજના વડોદરા અને અમદાવાદ કબજે કરવાની હતી પણ તે પહેલાં જ પકડાઈ ગયા અને એમને ફાંસી આપી દેવાઈ.
બહુ ઘણા લોકોને આંદામાન મોકલી દેવાયા જે બધા ત્યાં જેલમાં થતા ભયંકર અત્યાચારોને કારણે થોડા જ વખતમાં મૃત્યુ પામ્યા. નીચે નામો આપ્યાં છે એમની આંદામાન પહોંચવાની તારીખ અને મૃત્યુની તારીખ જોતાં અનુમાન કરી શકાય કે અત્યાચારોનો ભોગ બનીને ટપોટપ મરતા હોવા જોઈએ.અહીં માત્ર ગુજરાતની સ્થિતિ દેખાડી છે પણ આખા દેશમાંથી અસંખ્ય લોકોને આંદામાન મોકલી દેવાયા હતા. .ઉપર ગરબડદાસ પટેલનો ઉલ્લેખ આવી ગયો છે. આ શહીદોનાં નામ, આંદામાન ગયાની તારીખ અને મૃત્યુ
- સિપાઈ બોહોર્ત (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). માર્ચ ૧૮૫૯,મૃત્યુ ૩ જૂને.
- સિપાઈ બુરહાનુદ્દીન. ઍપ્રિલ ૫૮, મૃત્યુ ૭ જૂન
- સિપાઈ બૂરખા (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). જૂન ૧૮૫૮, મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮
- સિપાઈ બૂર્ઝૂ (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). જૂન ૧૮૫૮, મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮ (આ બન્ને સિપાઈઓની તારીખો એક જ છે, માત્ર પિતાઓનાં નામ જુદાં હોવાથી અલગ પડે છે).
- સિપાઈ બુલ્દીન. ઍપ્રિલ ૧૮૫૮. મૃત્યુ ૧૩ સપ્ટેંબર ૧૮૫૮.
- સિપાઈ ઈનામ ખાન. ૧૮૫૮માં આંદામાન મૃત્યુ ૧૮૫૯.
- સિપાઈ ઝહૂર ગુરાડિયા. જુલાઈ ૧૮૫૮, મૃત્યુ નવેંબર ૧૮૫૮.
- સિપાઈ મુસ્કીન ૧૮૫૮,મૃત્યુ ઑક્ટોબર ૧૮૫૯.
- નાદીર શાહ માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૧૨ ઍપ્રિલ૧૮૫૯.
- ઉંમર ખાન (વડોદરા) આંદામાનમાં મૃત્યુ.
- પોહ સિંહ.ઍપ્રિલ ૧૮૫૮ ,મૃત્યુ ૧૦ ડિસેંબર ૧૮૫૮.
- રજ્જુત (રજત?રજબ?). માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૩ મે ૧૮૫૯.
- મનજી. માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૩ મે ૧૮૫૯.
- સોર્બાતા (?) માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૬ જૂન ૧૮૫૯.
- સોમપાલ પાંડે. ઍપ્રિલ ૧૮૫૮, મૃત્યુ ૩૦ ઑગસ્ટ ૧૮૫૮.
- ઉપદારુત સિંહ (? – ઉપેન્દર?) ઍપ્રિલ ૧૮૫૮. ૧૯ ઑક્ટોબર ૧૮૫૮.
- શાદા (સહદા, શૈદા?) માર્ચ ૧૮૫૯, ૨૫ મે ૧૮૫૯.
- સિપાઈ ગંગાસિંહ. ઊસર સિહ અને જલારામ પંડિત ઍપ્રિલ ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા. તરત જ એમણે ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયા. ૧૮મી મેના રોજ ત્રણેયને ફાંસી આપી દેવાઈ.
વડોદરાના ગાયકવાડી રાજ્યમાંથી
- ગોપાલકૃષ્ણ, મુરલીધર બાપુજી અને શંભુ દોલત રામ. આંદામાનમાં મૃત્યુ.
- અંગદ સિંહ, પ્રાણ શંકર ભગવાન દાજી, બાપુ રાવ કાશીનાથ અને .લક્ષ્મીરામ નારાયણ દરેકને ૧૪ વર્ષનો કારાવાસ. બધા જેલમાં જ મૃત્યુ પામ્યા
- કૃષ્ણ જગન્નાથ ભટ્ટ (વડોદરા) સાત વર્ષની કેદ (જેલમાં મૃત્યુ. કેટલાંક વર્ષ જાહેર કરાયું).
- રામચંદ્ર નારાયણ (વડોદરા) દસ વર્ષની કેદ (જેલમાં મૃત્યુ.કેટલાંક વર્ષ પછી જાહેર કરાયું).
- બહાઉલ (પિતા દુલ્લા? અબ્દુલ્લા?). એમના વિશે કંઈ માહિતી નથી મળતી.
નાયકડા ભીલોનો વિદ્રોહ
૧૮૫૭ની મુખ્ય ઘટનાઓ પછી એકાદ વર્ષ ગુજરાતમાં શાંતિ રહી. પરંતુ ઑક્ટોબર ૧૮૫૮માં પંચમહાલમાં નાયકડા ભીલોએ બળવો પોકાર્યો. નાયકડા ભીલો પંચમહાલના વાસી. નાયકડા ભીલોનો વિદ્રોહ અંગ્રેજ સરકારની જંગલ નીતિ સામે હતો. જાંબુઘોડા બળવાનું અગત્યનું કેંદ્ર રહ્યું. રૂપસિંહ નાયક અને કેવળ નાયકના હાથમાં વિદ્રોહની કમાન રહી. રૂપસિંહ અથવા રૂપો નાયક ઝીંઝરી ગામની જાગીરનો વારસ હતો. રૂપસિંહ અને કેવળે નાયક ભીલોને એકઠા કર્યા અને ઑક્ટોબર ૧૮૫૮માં નારુકોટનું થાણું લૂંટ્યું અને કૅપ્ટન બૅટ્સની ટુકડી પર હુમલો કર્યો. બે દિવસ સુધી નાયકડાઓનું વર્ચસ્વ રહ્યું. ચાંપાનેર અને નારુકોટ વચ્ચેના પ્રદેશ પર પણ રૂપસિંહનો કબજો સ્થપાયો. મકરાણીઓ વિદ્રોહમાં નાયકડા ભીલો સાથે રહીને લડ્યા. જો કે રિચર્ડ બૉર્નરની લશ્કરી ટુકડી સામે એમનો પરાજય થયો અને રૂપસિંહને શસ્ત્રો હેઠાં મૂકવાની ફરજ પડી.
સંદર્ભઃ
આ લેખ તૈયાર કરવામાં મેં ૯ ફેબ્રુઆરીના લેખમાં દર્શાવેલા સંદર્ભ ગ્રંથો ઉપરાંત અહીં દર્શાવેલા સ્રોતોનો અને મારી આ પહેલાંની શ્રેણીના લેખો (ભાગ ૨ પ્રકરણ ૧૯ અને ૨૦)નો પણ ઉપયોગ કર્યો છે. સૌનો આભાર.
- https://kolistan.blogspot.com/2018/10/thakor-caste-thakore-history.html?view=sidebar
- https://kolistan.blogspot.com/2017/09/koli-uprising-in-khanpur-gujarat.html?m=1
- https://gujarativishwakosh.org
- https://gujarattimesusa.com
વ્યક્તિગત વિશેષ આભાર
(વિપુલ સાવલિયા) રત્નાજી-રંગાજીના સ્મારક સ્થળની તસવીર પણ આ સંદર્ભ સુત્ર પરથી લીધી છે.
તે ઉપરાંત મારી શ્રેણી ભારતઃ ગુલામી અને સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ભાગ -૨ પ્રકરણ ૧૯ – ૨૦માંથી (Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી