ચેલેન્જ.edu
રણછોડ શાહ
મહાન કાર્યો
મહાન સ્વાર્થત્યાગ વિના
અને મહાન પુરુષાર્થ વિના
પાર પાડી શકાતાં નથી.
ગાંધીજી
માનવવસ્તીથી ફાટફાટ થતા ભારત દેશમાં દરેક જગ્યાએ સંખ્યાનું મહત્વ હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં અને ત્યાં સંખ્યાને પ્રગતિ સાથે સાંકળવાનો પ્રયત્ન થાય છે. જેમ આંકડો મોટો તેમ સફળતાનો આંક ઊંચો તેવી સમજ સમાજમાં વ્યાપી ગઈ છે. સંખ્યાબળમાં સૌને રસ છે. કદાચ લોકશાહીમાં બહુમતી શાસન કરે તેવી પદ્ધતિ હોવાથી પ્રત્યેક ક્ષેત્રે જ્યાં આંક મોટો હોય ત્યાં પ્રગતિ, સફળતા કે સિદ્ધિ તેવી માન્યતા વિકસી ચૂકી છે. ચૂંટણીમાં જે ઉમેદવારને વધારે મત મળે તે ચૂંટાયેલો જાહેર થાય છે અને તેને સફળ નેતા ગણવામાં આવે છે. તે જાહેર જીવનનાં મૂલ્યો પાળે છે કે કેમ તે તરફ કોઈ નજર પણ નાખતું નથી. તેને કારણે રાજકીય ક્ષેત્રથી ધીમે ધીમે નિષ્ઠાવાન, પ્રામાણિક અને મૂલ્ય આધારિત જીવન જીવતા લોકોએ પોતાનું મોં ફેરવી લીધું છે. ચૂંટણીમાં વિજેતા થવા માટે ગુણની (Qualities) નહીં પરંતુ બહુમતી (Quantities)ની જરૂર છે. તેવું નક્કી થતાં બાહુબલી અને સંપત્તિની રેલમછેલ કરી શકતા લોકો ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવા અને ચૂંટાવવા લાગ્યાં. અહીંયાં દોષ ઉમેદવારનો નહીં, પરંતુ તેને ચૂંટનાર મતદારોનો છે તેવી સમજણ વિકસી જ નહીં.
આપણે જેને સાચું ને શુભ માનીએ
તે જ કરવામાં
આપણું સુખ છે, આપણી શાંતિ છે,
નહીં કે બીજા કહે તે કરવામાં…
ગાંધીજી
જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તે સારી શાળા ગણાવા લાગી. શાળાની મૂલવણી તેના શૈક્ષણિક કાર્ય, શિક્ષણની પદ્ધતિ અને ગુણવત્તાયુકત શિક્ષણને આધારે થવાને બદલે સંખ્યાને આધારે થવા માંડી. શાળામાં ગુણ (Quality)નું સ્થાન જથ્થાએ (Quantity) લીધું. શાળાઓની પ્રગતિ અને સફળતાનો માપ, વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરથી નક્કી થાય તો પછી ‘શૈક્ષણિક મૂલ્યો’ અદૃશ્ય ન થાય તો જ નવાઈ !
જે ડૉકટરની ઓપીડીમાં લાઈન પડે તે સફળ ડૉકટર ગણાય છે. તે ખરેખર સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને દર્દીને રોગમુક્ત કરે છે કે તમામ દવાઓ એક સાથે આપી ગમે તે એક દવાની અસર થતાં દર્દી સારો થઈ જાય છે તે તરફ કોઈ જોતું નથી. ડૉકટર સારા છે કે નહીં, તે દિવસ દરમિયાન કેટલા દર્દીઓને તપાસે છે તેના ઉપરથી નક્કી થાય તો પછી મૂલ્યનિષ્ઠ, પ્રામાણિક અને દર્દીના સ્વાસ્થ્યની ચિંતા અને કાળજી રાખતા ડૉકટરો કયાંથી મળે?
આ જ પરિસ્થિતિ એડવોકેટ્સ બાબતે છે. કેટલા વકીલો તેમના અસીલને સત્ય કોના પક્ષે છે તે સમજાવતા હશે? સાચો કે ખોટો કેસ હાથમાં લેવાનો અને ગમે તે રીતે તેમાં જીત પ્રાપ્ત કરવામાં વકીલની સફળતાની ગણતરી થાય છે. વકીલો અસત્યને પણ સત્ય તરીકે પુરવાર કરી બતાવવામાં સફળ થાય તેમને ત્યાં લાંબી લાંબી લાઈનો ન પડે તો જ આશ્ચર્ય !
જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સરકારી ટેક્સ કેવી રીતે ઓછો ભરવો પડે તેવું સમજાવવામાં સફળ થાય તે જ ઉત્તમ સી.એ. ગણાય છે. લોકો પણ એવું જ કહે છે કે અમે તેમની પાસે શા માટે જઈએ? જો અમને માર્ગદર્શન આપી અને ટેક્સ બચાવવાની રીત શીખવી શકતા ન હોય તો તેમને શા માટે કન્સલ્ટ કરવાના? જે સી.એ.ને ત્યાં વેઈટિંગ રૂમમાં મોટી સંખ્યામાં અસીલો બેઠા હોય તે સી.એ. સફળ !
જે ઉદ્યોગપતિઓ યેનકેન પ્રકારેણ કરોડો રૂપિયાની લોન લેવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા તેઓ જ વ્યવસાયની પ્રગતિ કૂદકે અને ભૂસકે કરી શકયા છે. તેઓ બૅન્ક મેનેજરોને ખોટું ખોટું સમજાવી કરોડો રૂપિયાની લોન મેળવવામાં સફળ થાય છે. ક્યારેક કેટલાક લાંચિયા બેન્ક અધિકારીઓ ઉદ્યોગપતિ સાથે સાઠગાંઠ કરી સમાજના કરોડો રૂપિયા ડુબાડે છે. પર્યાવરણ કે અન્ય ધંધાકીય નિયમો પાળ્યા વિના બનતા મોટા ઉદ્યોગપતિઓ તરફ લોકો માનની દૃષ્ટિએ જોવાનું બંધ કરે છે ખરા? નૈતિક મૂલ્યો નહીં સ્વીકારતા ઉદ્યોગપતિનો સમાજ બહિષ્કાર ન કરી શકે?
કમનસીબે છેલ્લા થોડાક દાયકાઓમાં સફળતાના પાયામાં રહેલ મૂલ્યો, નિષ્ઠા, પ્રામાણિકતા અને રાષ્ટ્રભકિત અદૃશ્ય થઈ ગયા છે. અલબત્ત, પ્રત્યેક વ્યવસાયમાં પ્રામાણિકતાપૂર્વક આગળ વધતા વ્યવસાયિકો પણ છે. પરંતુ તેમની સંખ્યા ખૂબ થોડી છે. ગમે તેવા રસ્તા લઈ સફળ થયેલા લોકો તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલવાનો સમય તો ક્યારનોય પાકી ગયો છે. સંખ્યા (પૈસા કે માનવ)ને આધારે સફળતા માપવાને બદલે સામાજિક ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને નિર્ણય થવો જોઈએ. સામાન્ય માણસોનો અનૈતિક લોકો તરફનો દૃષ્ટિકોણ બદલાય નહીં ત્યાં સુધી સામાજિક પરિવર્તન શક્ય નથી.
આવે આવે ફરી સૌ દિવસ-રજની; એ સૂર્ય, એ ચંદ્ર ઉગે,
આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, જિંદગીઓ
આવે એક પછી,મરણ પણ મળે કેટલાં કીર્તિ મીઠાં;
રે, આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે!
સુન્દરમ્
જે સમાજ યોગ્ય માણસોને સન્માન આપતો નથી તે સમાજ પ્રગતિ કરવાને લાયક બનતો નથી. નૈતિકમૂલ્યોને કેન્દ્રસ્થ કરીને જીવનમાં પ્રગતિ કરતા લોકોને પોંખવાને બદલે સત્તા અને સંપત્તિના જોરે આગળ વધતા લોકોને પૂજવાનો રિવાજ જે સમાજમાં હોય ત્યાં સામાજિક પ્રગતિનો ગ્રાફ ઊર્ઘ્વગામી હોઈ શકે નહીં. સારાને સારા અને ખરાબને ખરાબ કહેવાની હિંમત જે પ્રજા બતાવી શકે તે આગેકૂચ કરી શકે. યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ પારખવાની શકિત જે રાષ્ટ્રમાં વિકસી નથી તે રાષ્ટ્ર આગળ વધ્યું નથી. રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવાની જવાબદારી તો કૉમનમેનની છે. સ્વાર્થમાં રાચતી ધંધાકીય વ્યકિતઓ તેમના સ્વાર્થની બહાર જોવાના નથી, કારણ કે તેઓ તો સ્વકેન્દ્રી છે. તેઓ સર્વનું હિત જોઈ શકતા નથી તેવું નથી. પરંત તેમને જોવું નથી. સ્વાર્થી લોકોને પરમાર્થી બનાવવાનું સરળ નથી. મોટાભાગના લોકો અત્યંત ઊંચી અપેક્ષાઓથી જીવન જીવતા હોય છે. તેઓ તેને લાયક કે કાબેલ છે કે નહીં તે વિચારવાને બદલે ત્યાં પહોંચવા ગમે તે રસ્તે આગળ વધવા તેયાર હોવાથી ટૂંકા રસ્તાઓ શોધે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં રાષ્ટ્રના દૃષ્ટિવંત, નિષ્ઠાવાન, પ્રામાણિક અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો જ રાષ્ટ્રનું સારું ભાવિ ૨ચી શકે. ભારતને આજે માત્ર અને માત્ર આવા ભારતીય સજ્જનોની આવશ્યકતા છે. આજે જેટલી જરૂર છે તેટલી અગાઉ ક્યારેય નહોતી. ભ્રષ્ટાચાર આચરનાર અને તેમાં સહાય કરનાર લોકો ક્યારેય તેને દૂર કરી શકશે નહીં. આ તો પ્રત્યેક ભારતીયે ઉત્તમ નાગરિક બનીને કરવાનું કાર્ય છે. ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ’નો મંત્ર અપનાવવામાં આવે તો જ પ્રામાણિકતાની પગદંડી પર પ્રયાણ શક્ય બને.
આચમન:
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય.
નરસિંહરાવ દિવેટીયા
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)