ભગવાન થાવરાણી

આ શૃંખલાના દસમા અને અંતિમ હપ્તાની ફિલ્મ પહેલેથી નક્કી છે – SEVENTH SEAL – વિશ્વ સિનેમાની ઉત્કૃષ્ટતમ કૃતિઓમાંની એક. આ ઉપાંત્ય મણકામાં બર્ગમેનની કઈ ફિલ્મ લેવી એની મીઠી કશ્મકશ હતી. મેં જોયેલી અને અત્યાર સુધી સમાવિષ્ટ ન થઈ શકેલી દસેક ફિલ્મો સ્પર્ધા ! માં હતી. એ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો એ નુસખો અપનાવ્યો કે એમની નબળી લેખાતી ફિલ્મોમાંથી એક પસંદ કરવી. આમેય કોઈ મોટા સર્જકની એવી ફિલ્મ પર દ્રષ્ટિપાત કરવો હમેશા રસપ્રદ હોય જે ચૂકાઈ ગઈ હોય – અવગણિત, ઉપેક્ષિત, યોગ્ય મૂલ્યાંકન ન પામેલી કૃતિ ! બર્ગમેનની એવી ફિલ્મોમાંની એક એટલે THE TOUCH ( 1970 ) અને બીજી આજની ફિલ્મ. યાદ આવ્યું, સત્યજીત રાય વાળી શ્રેણીના પ્રથમ જ હપ્તે એમની આગંતુક ફિલ્મ વિષે લખવા બેઠો ત્યારે અનેક વિવેચકોએ લખેલું વાંચ્યું હતું કે એ એમની સૌથી  નબળી ફિલ્મોમાંની એક હતી ! એ ફિલ્મ ત્રણેક વાર જોયા – માણ્યા પછી લાગ્યું કે એ નબળી ફિલ્મ અનેક ફિલ્મકારોની શ્રેષ્ઠ ફિલ્મ કરતાં ચડિયાતી હતી .

આજની ફિલ્મ PASSION OF ANNA ( ( 1969 ) – સ્વીડીશ નામ EN PASSION –  અન્નાનો આવેગ આવી ફિલ્મ છે.[1] બર્ગમેને પોતાની આત્મકથામાં કબૂલ્યું છે કે એમની આ ફિલ્મ એમની કારકિર્દીની ‘ યાદગાર રીતે વિચિત્ર ‘ ફિલ્મ છે ! હા, એ ક્ષતિપૂર્ણ કૃતિ છે પરંતુ ક્ષતિગ્રસ્ત બર્ગમેન અન્ય અનેક ક્ષતિરહિતો કરતાં બેહતર છે. એમની ઉણપો પણ રસપ્રદ છે.

પ્રથમ દ્રષ્ટિએ આ ફિલ્મમાં વાર્તા જેવું કશું ન લાગે. ફિલ્મના મુખ્ય ચાર પાત્રોના આવેગો માત્ર દર્શાવાયા છે. ( ફિલ્મનું અંગ્રેજી શીર્ષક અન્નાનો આવેગ ‘ એ રીતે વ્યાજબી નથી કારણ કે ફિલ્મમાં માત્ર અન્નાની વાત નથી. લાગે છે એવું કે અમેરિકન બજારને લોભાવવા સર્જકે અન્ના નામનો ઉપયોગ કર્યો છે. ) દરેક પાત્ર વિચિત્ર છે અને એ વિચિત્રતાઓ પાછળની પૃષ્ઠભૂમિ દર્શાવતી ઘટનાઓ ફિલ્મનું હાર્દ છે. એની સમાંતરે કેટલાક એવા પ્રસંગો અને પાત્રો છે જે આપણા સંવેદનતંત્રને ઝકઝોરે ! એક રીતે આ ફિલ્મ બર્ગમેનની એ પહેલાંની બે ફિલ્મો HOUR OF THE WOLF ( 1968 ) અને SHAME ( 1968 ) સંગે એક ફિલ્મ – ત્રયી રચે છે. ત્રણેય ફિલ્મોની કથા બર્ગમેન પોતે રહેતા એ ફારો ટાપુ પર આકાર લે છે. ત્રણેયમાં એક જ કલાકાર બેલડી MAX VON SYDOW ( ઉચ્ચાર ‘ મેક્સ ફોન સિંદો ‘ ) અને LIV ULLMANN છે અને ત્રણેય મનુષ્ય સહિતના નિર્દોષ પ્રાણીઓ પરના અત્યાચારની વાત કરે છે.

ફિલ્મના મુખ્ય પાત્રો આમ તો બે જ એટલે કે આંદ્રેયા વિંકલમેન ( મેક્સ ફોન સિંદો ) અને અન્ના ( લિવ ઉલમાન ). એમની સાથે સહપાત્રો છે ઈવા ( બીબી એંડર્સન ) અને એલિસ ( અરલેંડ જોસેફસન ). ચારેય એક ટાપુ પર રહે છે. ( આમ તો ચારેય પોતે પણ ટાપુ જેવા છે – નિતાંત એકલવાયા ! ) આંદ્રેયા પોતાના ગુનાહિત ભૂતકાળથી ભાગતો ફરતો અને પત્નીએ ત્યજી દીધેલો એકલો પોતાના ખખડધજ મકાનમાં રહે છે. એનાથી દૂર આ જ ટાપુ પર એલિસ અને ઈવા  – પરિણિત દંપતિ – પોતાના સમૃદ્ધ મકાનમાં રહે છે. ફિલ્મની નાયિકા અન્ના આ દંપતિ સાથે પારિવારિક મિત્ર તરીકે રહે છે. અન્ના તાજેતરમાં એક કાર અકસ્માતમાં પોતાના પતિ અને પુત્રને પોતાની જ ડ્રાઈવીંગની ભૂલના કારણે ગુમાવી ચૂકી છે. એની પોતાના પણ એક પગને નુકસાન થયું છે. ફિલ્મમાં વધુ એક પાત્ર યોહાન ( ERIK HELL ) પણ છે. ચારે મુખ્ય પાત્રો ગૂંચવાયેલા ચરિત્રો છે. બધા કંઈક અંશે ક્રૂર અને હિંસક પણ છે – અન્યો પ્રત્યે જ નહીં, સ્વયં પ્રત્યે પણ ! બધા જ જાતે સર્જેલા પોતપોતાના નરકમાં સબડે છે. ફિલ્મનું કથાવસ્તુ આ ચારે પાત્રોના એકમેકમાં અટવાવા વિષે છે. એ દરમિયાન ટાપુ પર થતી નિર્દોષ પ્રાણીઓની રહસ્યમય હત્યાઓ અને એમાં આંદ્રેયાના મિત્ર યોહાનના લેવાતા ભોગની કરુણ કથની પણ સમાવી લેવાઈ છે.

ફિલ્મનું એક વિશિષ્ટ પાસું છે ફિલ્મના ચાર મુખ્ય કલાકારો દ્વારા એમના દ્વારા ભજવાતી ભૂમિકાઓનું કેમેરા સમક્ષ કરાતું વિશ્લેષણ. આ દ્રષ્યો ફિલ્મમાં થોડી-થોડી વારના અંતરે આવે છે. બર્ગમેન અદ્રષ્ય રહીને ચારેય કલાકારોને એમણે ભજવેલા પાત્રના માનસ વિષે પૂછે છે. કેટલાક વિવેચકોના મતે આ પ્રયોગ ફિલ્મની પ્રવાહિતામાં અવરોધક છે. વળી એ દર્શકોની પોતાની આગવી નિરીક્ષણ ક્ષમતાની અવહેલના રૂપ પણ કહેવાય . ગમે તે હોય, પ્રયોગ નિરાળો તો ખરો જ.

ફિલ્મની વાર્તાની સંક્ષેપમાં વાત. ટાપુ પર એકલવાયું જીવન જીવતા અને પોતાના કલંકિત ભૂતકાળથી ભાગતા ફરતા આંદ્રેયાનો એકમાત્ર મિત્ર યોહાન છે જે પોતે પણ મજૂરીના કામ કરી એકલો જીવે છે. આંદ્રેયાની પત્ની ‘ તને આત્માનું કેંસર છે ‘ જેવો આરોપ એના પર મૂકી એને છોડીને જઈ ચૂકી છે. અન્ના આ જ ટાપુ પર પોતાના મિત્ર દંપતિ એલિસ અને ઈવા સંગે રહે છે.  એક વાર અચાનક ફોન કરવાની જરૂર પડતાં એ આંદ્રેયાના ઘરે જઈ ચડે છે. એની ફોન પરની વાત સાંભળતા આંદ્રેયાને ખબર પડે છે કે એ કોઈક આર્થિક વિટંબણામાં છે. પાછા ફરતા એ પોતાનું પર્સ આંદ્રેયાના ઘરે ભૂલી જાય છે. આંદ્રેયાનું અપરાધી માનસ એને પર્સમાંના એના પતિએ અન્નાને લખેલો પત્ર વાંચવા લલચાવે છે. પત્રમાં એને પતિએ સ્પષ્ટ લખ્યું છે કે એ બન્નેના સ્વભાવની વિસંગતિઓ જોતાં એ કોઈ પણ સંજોગોમાં અન્ના સાથે રહી શકશે નહીં.

પર્સ પાછું આપવા જતાં આંદ્રેયાની ઓળખાણ એલિસ – ઈવા દંપતિ સાથે થાય છે. અન્ના એમની સાથે જ રહે છે. એલિસ સંપન્ન સ્થપતિ છે. એને ફોટોગ્રાફીનો પણ જબરો શોખ છે. બન્ને પતિ પત્ની વચ્ચે સુમેળ નથી. ઈવાને એક વાર ગર્ભપાત થઈ ચૂક્યો છે. હવે બાળકની ઈચ્છા નથી કારણ કે એના શબ્દોમાં ‘ બાળક ઉછેરવું એના ગજા બહારની વાત છે. ‘ એને અનિદ્રાનો રોગ છે એટલે ધોળે દિવસે ગમે તે જગાએ કાર પાર્ક કરીને અંદર સુઈ જાય છે !

અન્ના જિદ્દી છે. એને એવો દેખાડો કરવાનો શોખ છે કે એનું લગ્નજીવન સુખી હતું. એ જિદ્દપૂર્વક પોતે માનેલા સત્યોને વળગી રહે છે. એ સ્વયંને આધ્યાત્મિક માને છે. અડધી રાતે એ દુ:સ્વપ્નોમાંથી ચીસો પાડીને જાગી જાય છે.

એલિસના સ્ટુડિયોમાં એણે જાતે પાડેલા ફોટોગ્રાફનો સંગ્રહ છે. એ હજારો ફોટોનું વર્ગીકરણ એણે લોકોના અલગ-અલગ મૂડ પ્રમાણે કરી ખજાના જેમ સાચવ્યો છે. એ કોઈ પણ નવા માણસના ફોટા પાડવાની તક ચૂકતો નથી અને એ રીતે સંગ્રહને સમૃદ્ધ કરતો રહે છે. એ આ સંગ્રહને ‘ અર્થહીનતામાં જીવતા લોકોની પહોંચ બહારનો ખજાનો ‘ કહે છે ! એ આંદ્રેયાને આર્થિક રીતે પગભર થવા જોઈતી મદદ કરવા તૈયાર છે. એ કબૂલ કરે છે કે એની પત્ની ઈવાને ભૂતકાળમાં અન્નાના પતિ સાથે અનૈતિક સંબંધો હતા. અન્ના અને ઈવા કહેવાતા પ્રગાઢ મિત્રો છે પણ ઈવા અંદરખાનેથી અન્નાને ધિક્કારે છે.

તક મળતાં ઈવા આંદ્રેયાના કોટેજ પર પહોંચી જાય છે, પોતાના દુખડા રોવા. પોતાના પતિથી અસંતુષ્ટ પણ એને ‘ દિલથી ચાહતી ‘ ઈવા આંદ્રેયા સંગે સહશયન કરે છે. એ જર્મન સંગીતકાર યોહાન બાખના સંગીતની શોખીન છે. એલિસ પોતે પણ એની પત્નીના ઈતર સંબંધો વિષે ચિર શંકાશીલ છે. ખુદ ઈવાના મતે  ‘ હું મારા પતિ માટે નિરર્થક છું. એને મારી જરૂર નથી. એ ભલો ને એનો વ્યવસાય અને શોખ ભલા. ‘ જતાં – જતાં એ આંદ્રેયાને અન્નાથી ચેતતા રહેવાની સલાહ આપતી જાય છે.

ટાપુ પર છાશવારે કોઈક અજાણ્યો વિકૃત માણસ મૂંગા પ્રાણીઓ પર અત્યાચાર કરતો રહે છે. એક વાર એ આંદ્રેયાના ઘરની બહાર જ એક ગલૂડિયાંના ગળે દોરડું બાંધી લટકાવી દે છે જેને આંદ્રેયા મહામહેનતે બચાવે છે. અન્ય એક ઘટનામાં એ ઘેટાના વાડામાં આગ લગાડી ભાગી છૂટે છે જે અનેક ઘેટાના જીવતા ભૂંજાઈજવામાં પરિણમે છે. ટાપૂના લોકોને આ બધા માટે યોહાન જવાબદાર લાગે છે કારણ કે એ ‘ માનસિક રોગની સારવાર લઈ ચૂક્યો છે, એકલસૂરો છે અને પોતે કોઈ પ્રાણી પાળતો નથી ‘ !

અન્ના અને આંદ્રેયા સાથે રહેવાનું શરુ કરે છે. બન્ને સમદુખિયા છે અને વિક્ષિપ્ત પણ. જોકે પ્રકૃતિએ બન્નેમાં આભ – જમીનનું છેટું છે. અન્ના એની આગળ એ જ ‘ પોતાના પતિ સાથેના સુખી લગ્નજીવનનું ગાણું ‘ ગાયે રાખે છે જેનાથી આંદ્રેયા ધૂંધવાય છે કારણ કે એ અન્નાની અસલિયત જાણે છે. અન્ના પોતે પતિની બેવફાઈ – એના ઈવા સાથેના સંબંધ – કઈ રીતે માફ કરી પ્રેમને બરકરાર રાખ્યો એ વાત કરવાનું પણ ચૂકતી નથી.

યોહાનને મારી નાંખવાની નનામી ધમકી મળે છે. એણે નિર્દોષ પ્રાણીઓ પર આચરેલા અત્યાચાર સબબ. આંદ્રેયાને નવાઈ લાગે છે. એ પોતાના મિત્રને ઓળખે છે. યોહાન અને ક્રૂરતાને દૂરનો સંબંધ પણ નથી. એ એને સલામતી ખાતર ટાપુ છોડીને ચાલ્યા જવાની સલાહ આપે છે. ‘ ક્યાં જાઉં ? ‘

આંદ્રેયા અને અન્ના એક વર્ષ ‘ ઠીક ઠીક સુમેળપૂર્વક ‘ રહે છે. ક્યારેક બન્ને વચ્ચે થતા નાના – નાના છમકલાંને બાદ કરતાં. જોકે બન્નેની આગવી પ્રકૃતિને કારણે બન્નેના આગવા મૂંઝારા પણ છે. અગાઉ લખ્યું તેમ, લિવ ઉલમાન પોતે ભજવે છે એ અન્નાના પાત્ર વિષે કહે જ છે કે ‘ એ દુનિયાને પોતાના બીબાંમાં ઢાળવા માંગે છે. એનો પોતાના જ સત્યનો આગ્રહ ભયાનક છે. પોતાના બચાવ માટે એ જૂઠનો સહારો લે છે. આસ્થાવાન હોવાની એક તકલીફ એ છે કે તમે, અન્યો પણ તમારા વાળીઆસ્થામાં વિશ્વાસ રાખે એવી અપેક્ષા રાખો છો ! મેક્સ ફોન સિંડો પણ આંદ્રેયા વિષે કહે છે કે ‘ એ ઉપરથી સંવેદનહીન છે. મારા માટે એ સંવેદનહીનતાની સંવેદના મૂર્તિમંત કરવી પડકારજનક કામ હતું. એ સ્વયંનું પોત જગતથી સંતાડી રહ્યો છે. એનું આશ્રયસ્થાન એ એક રીતે એનું કેદખાનું છે. 

એક અદ્રષ્ય દીવાલ છે બન્ને વચ્ચે. બન્નેને મુક્ત થવું છે. આંદ્રેયાને એવું લાગે છે કે સ્વમાન વગર જીવવું, નિષ્ફળતા સંગે જીવવું જેમાં બધા આપણને સલાહ આપ્યે રાખે – જાણે એમનો એ જન્મસિદ્ધ અધિકાર હોય – એ મૃત્યુથી બદતર છે. અને વળી આપણું અપમાન કરનારા આરામથી જીવે ! ( અહીં એના મિત્ર યોહાનની ટીસ છે ! ) અપમાનિત લોકો માટે સ્વતંત્રતા પણ એક પ્રકારનું ઘેન છે, બધું સહન કરી લેવાનું ઔષધ જાણે ! અને સૌથી વધુ દુખી લોકો સૌથી ઓછી ફરિયાદ કરે એનો અર્થ એ નહીં કે દુખ નથી ! 

ફિલ્મના અંત ભાગમાં, જાણે પોતાનો આક્રોશ ઠલવતો હોય તેમ પોતાના ફળિયામાં ઝનૂનપૂર્વક કુહાડીથી લાકડા વાઢતા આંદ્રેયા સાથે ફરી એક વાર અન્ના જીભાજોડી કરે છે. એ મહેણું મારે છે કે પોતાના ભગ્ન લગ્નજીવન વિષે આંદ્રેયા એની સાથે ખોટું બોલ્યો. છૂટા થઈએ એ જ બેહતર. ગુસ્સામાં આંદ્રેયા અન્નાને બેરહમીપૂર્વક ઝૂડે છે.

અંતિમ દ્રષ્ય. અન્ના અને આંદ્રેયા કારમાં. અન્ના કાર ચલાવે છે. આંદ્રેયા છૂટા થવાનો અને પોતાનું એકાંત પરત મેળવવાનો નિર્ણય જાહેર કરે છે. ‘ હું તારું સત્ય જાણું છું. તારા સુખી લગ્નજીવનમાં જૂઠાણાંથી તંગ આવી ગયો છું. ‘ અન્ના કાર પર સ્હેજ કાબૂ ગુમાવે છે કે તરત ‘ તું મને પણ તારા પતિની માફક મારી નાખવા માગે છે ને ! ‘ જવાબમાં અન્ના એટલું જ કહે છે કે હું તો તને નાહક ગુસ્સે કરવા બદલ માફી માંગવા ઈચ્છતી હતી !

આંદ્રેયા કારમાંથી ઉતરી જાય છે. એ ઉતરે છે એ વિસ્તાર પાણીના ખાબોચિયાવાળો અને ઉબડખાબડ છે. અન્ના એને ઉતારીને ચુપચાપ કાર હંકારી જતી રહે છે. આંદ્રેયા હવે દરેક રીતે એકલો છે. એને ચોમેર મૃગજળ જેવો ભાસ થાય છે. ફિલ્મના આરંભમાં પોતાનું છાપરું દુરસ્ત કરતો દેખાડાયેલો આંદ્રેયા અંતે ખુદ જ વેરવિખેર થઈ જાય છે !

સુત્રધારનો અવાજ ‘ હવેથી એ આંદ્રેયા વિંકલમેન છે.

આ ફિલ્મ અપરિપૂર્ણ છતાં બર્ગમેનની લાક્ષણિક પદ્ધતિની સ્પષ્ટ છાપ ધરાવે છે. ફિલ્મના ત્રણ યાદગાર પ્રસંગોની વાત કરીએ.

– દ્રષ્ય એક.  સાથે રહેતા આંદ્રેયા અને અન્ના ટીવી પર વિયેટનામના યુદ્ધમાં નિર્દોષો પરના અત્યાચારનું સાચુકલું દ્રષ્ય જુએ છે. ( આ યુદ્ધની બર્બરતાની વાત બર્ગમેન એમની ફિલ્મ PERSONA માં પણ ઉલ્લેખી ચૂક્યા છે. એ ફિલ્મમાં પણ ફિલ્મની નાયિકા એલિઝાબેથ – લિવ ઉલમાન એ બધું જોઈને માનસિક સમતુલા ગુમાવી બેસે છે. ) એક વિયેટનામી નાગરિકને ગોળીએ દેવા સૈનિકો ઢસડી જાય છે. બન્ને નિ:સહાયપણે એ જુએ છે. અચાનક બન્નેને બહાર કોઈક પંખીના પડવાનો અવાજ સંભળાય છે. એક ચકલી બહાર ઘાયલ થઈને પડી છે. અન્ના આંદ્રેયાને કહે છે ‘ એને મુક્તિ આપ પીડામાંથી ‘. આંદ્રેયા પથ્થરથી ચકલીનું માથું છુંદી નાંખે છે. અન્નાથી ઉંહકારો નીકળી જાય છે. એ મૃત ચકલીને ઉપાડી માટીમાં દાટી દે છે. ‘ અડધી રાતે એ એકલી કેમ ઉડતી હશે ? તને લાગે છે એને બચાવી શકાઈ હોત ? ‘  ‘ ના. એની ઈજા વધારે પડતી હતી.’

– દ્રષ્ય બે.  ફિલ્મમાં અન્ના એક સ્વપ્ન જૂએ છે. એ સ્વપ્ન એટલે આ ફિલ્મ પહેલાંની અને આ ચર્ચાની શરુઆતમાં ઉલ્લેખી એ ફિલ્મ SHAME નું અંતિમ દ્રષ્ય. એ ફિલ્મમાં લિવ ઉલમાનના પાત્રનું નામ ઈવા છે. ( બર્ગમેનની અનેક ખાસિયતોમાંની આ પણ એક. એમની બધી ફિલ્મો માટે કલાકારો – કસબીઓનું ૧૮ લોકોનું એક જૂથ હતું. બધી ફિલ્મોમાં આ જ કલાકારો આઘા-પાછા થતા રહેતા. બિલકુલ એ જ રીતે એમના પાત્રોના નામો પણ અમુક ચુનંદા મુઠ્ઠીભર નામોમાંથી રહેતા ) . અન્ના ( અથવા ઈવા ) નિરાશ્રિતોને લઈ જતી એક હોડીમાં સવાર છે. એ લોકો જીવ બચાવીને ભાગી છૂટેલા લોકો છે. એમને ક્યાંક આશરો જોઈએ છે. અન્ના કોઈક અજાણી વસાહતમાં હોડીમાંથી એકલી ઊતરે છે. એને કોઈક જીવંત માણસની હુંફ જોઈએ છે. ‘ કાશ ! કોઈકના હાથ મને વીંટળાઈ વળે ‘ . કિનારા પરની ખુદ ભયભીત લાગતી એક સ્ત્રીને એ પૂછે છે ‘ હું તમારી સાથે તમારા ઘરે આવું ? ‘  ‘ ના. અમારે ત્યાં મહેમાન રાખવાની મનાઈ છે. અમે તો ઘરના તાળાં પણ બદલી નાંખ્યા છે. ‘ એ સ્ત્રી એનો પીછો છોડાવીને ભાગે છે. અન્ય એક સ્ત્રી ડોલ લઈને પાણી ભરી રહી છે. અન્ના એને પૂછ છે ‘ આ કયું સ્થળ, કયું ગામ છે ? ‘ એ સ્ત્રી પણ એને જોઈને ભાગે છે. પોતાના ઘરમાં ઘુસી બારણું વાસી દે છે. અન્ના હેબતાઈ જાય છે. આવી અને આટલી નિષ્ઠુરતા ? એ નિરાશ્રિતોની વણઝાર સંગે ચાલી જાય છે. થોડેક દૂર એક સ્ત્રી બેઠી છે. એના ચહેરા પર સૂનકાર છે. અન્ના બાજુમાં ચાલતી સ્ત્રીને પૂછે છે ‘ પેલી કોણ છે ? ‘ ‘ એના પુત્રને શૂટ કરવા લઈ ગયા છે. એ પુત્રની લાશનો કબજો મળે એની રાહ જૂએ છે. ‘ અન્ના એ સ્ત્રી નજીક જાય છે. એના ખોળામાં માથું મૂકી કહે છે  ‘ મને માફ કરો. ‘ એ સ્ત્રી એને મારીને હડધૂત કરે છે. અન્ના ઊભી થઈ ભાગે છે. રસ્તામાં મારી નંખાયેલા પેલી સ્ત્રીના પુત્રની લાશ જોઈ ચિત્કારે છે.

– દ્રષ્ય ત્રણ.  આંદ્રેયા અને અન્ના રહે છે એ ઘરની બહાર પોલિસ વાન આવે છે. આંદ્રેયાના મિત્ર યોહાને આપઘાત કર્યો છે. એણે મૃત્યુ પહેલાં આંદ્રેયાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. પોલિસ આંદ્રેયાને એ પત્ર દેખાડવા આવી છે. એ લોકો અત્યંત વિવેકપૂર્વક આંદ્રેયાની અનુમતિ લઈ ઘરમાં પ્રવેશે છે. પત્રમાં યોહાને લખ્યાનુસાર કેટલાક લોકો એના ઘરે આવ્યા હતા. આ એ લોકો હતા જે એમ માનતા હતા કે ટાપુ પર થઈ રહેલા ‘ અબોલ પ્રાણીઓ પરના અત્યાચાર ‘ માટે યોહાન જવાબદાર હતો. એ લોકો યોહાનને સબક શિખવાડવા આવેલા. એમણે એને ઢસડ્યો, એને માર્યો, એના પર થૂંક્યા, એના પર પેશાબ કર્યો. એમણે ધરાર એને અધમૂઓ કરી એની પાસે એનો ‘ ગુનો ‘ કબૂલ કરાવ્યો. એ બેહોશ થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે ખરા અત્યાચારીઓ ચાલ્યા ગયા હતા. આ પરિસ્થિતિ, આ અપમાન સહન ન થતાં યોહાને આપઘાત કર્યો. ( ફિલ્મમાં એની આત્મહત્યા પછી પણ પ્રાણીઓ પરના આવા અત્યાચાર ચાલુ રહે છે ! )

પત્ર વાંચીને આંદ્રેયા નિ:શબ્દ છે. આખી વાત સાંભળ્યા બાદ અન્ના પ્રાર્થનામાં નતમસ્તક છે. એના મનમાં ક્યાંક એવું છે કે યોહાનના આપઘાત માટે પણ ક્યાંક એ દોષિત છે. સમગ્ર પ્રસંગની વિશિષ્ટતા છે એ દ્રષ્યમાં સામેલ સૌની માનવતા અને શિષ્ટતા જોડેની નિસબત . આંદ્રેયા અને અન્ના તો તળ લગી વ્યથિત છે જ પરંતુ પોલિસ પણ પૂર્ણત: સંવેદનશીલ. એમના વર્તનમાં લેશમાત્ર એવું નથી લાગતું કે એ લોકો આંદ્રેયાને આમાં ‘ ફિટ ‘ કરવા માગે છે ! આંદ્રેયાના પ્રશ્ન  ‘ પત્ર મને મળશે કે ? ‘ ના જવાબમાં પણ એ લોકો પૂર્ણ શાલીનતા સાથે જવાબ વાળે છે કે ‘ તહકીકાત પૂરી થયા બાદ ચોક્કસ મળશે ‘ ! ઘરમાં અન્નાની હાજરી અંગે તો કોઈ વાત જ નહીં ! જતી વખત પણ અભિવાદન સાથે વિદાય ! સલામ છે આ સંસ્કૃતિને !

પોલીસની વિદાય બાદ આંદ્રેયા યોહાનના પરિવારને મળે છે. એમની આગળ એક પણ શબ્દ બોલ્યા વિના દિલસોજી વ્યક્ત કરે છે. મોઢે રુમાલ ઢાંકેલા યોહાનના મૃતદેહના હાથ પર પોતાના હાથ દબાવે છે અને ચુપચાપ ચાલ્યો જાય છે !

યાદ આવે છે ફ્રેંચ ફિલ્મસર્જક ALAIN RESNAIS ની ફિલ્મ HIROSHIMA MON AMOUR નું એક યાદગાર દ્રષ્ય. અણુબોંબના વિનાશક હુમલામાં પોતાના પરિવાર સહિત સર્વસ્વ ગુમાવી બેઠેલી બે જાપાનીઝ વૃદ્ધાઓ પડોશમાં રહે છે. એ ઘટના પછી પણ એ બન્ને રોજ મળે છે. એકબીજાની સામે બેસે છે. એક પણ શબ્દ બોલ્યા વિના એકમેકનું દુખ વહેંચે છે અને ખાસ્સો સમય આમ મૌન સંવાદ કર્યા બાદ પોતપોતાના ઘરે ચાલી જાય છે ! સંવેદનો સહભાગવાની આ કેવી અદ્ભુત રીત !

ઘણા બધા અર્થોમાં આ ફિલ્મના ચારેય મુખ્ય પાત્રો, આપણે આ પહેલાં ચર્ચી ચૂક્યા છીએ એ ફિલ્મ PERSONA ની નાયિકા એલિઝાબેથના વિસ્તારેલા સ્વરૂપ છે. ચારેય ચરિત્રોનો એક મુખવટો છે.દરેક પાત્ર જૂઠ જીવે છે, સ્વયંને માનવીય સંબંધોની પીડાથી રક્ષવા કાજે. આંદ્રેયા પોતાની નિષ્ફળતાની વાત અન્નાને કરીને આ પીડા વેઠે છે, અન્ના પોતાના ભૂતકાળનો ઢાંકપિછોડો કરીને ! એનું પેલું સ્વપ્ન એ જ કહે છે કે અન્ય તરફ સંબંધનો હાથ લંબાવવાનો અર્થ છે તિરસ્કાર અને હિંસા પામવી. એલિસ અલિપ્તતાનો અંચળો ઓઢીને અને ઈવા પોતાની અન્યો પ્રત્યેની જવાબદારીનો ભાર વેંઢારીને આ પીડા નિમંત્રે છે. ઈવાના પાત્ર વિષે અભિનેત્રી બીબી એંડર્સન નિરીક્ષે છે કે એ શિક્ષિકા હોવી જોઈતી હતી અને એ પણ બધિરોની ! કારણ કે બધિરો એના કરતાં પણ વધુ એકલવાયા હોય ! સર્જક બર્ગમેન જે રીતે એમના ચરિત્રોને એમણે જાતે સર્જેલ નરકમાં રહેતા દેખાડે છે એ બેનમૂન છે. નાયક આંદ્રેયાની અંતિમ છબી – એની અનિર્ણયની અવસ્થા – એનું ઉદાહરણ છે.

ફિલ્મમાં નાયકનું પાત્ર ભજવતા અને બર્ગમેનના કલાકાર-વર્તુળનું અભિન્ન અંગ એવા મેક્સ ફોન સિંદોએ બર્ગમેનની ૧૧ સહિત કુલ દોઢ સો ફિલ્મોમાં કામ કરીને ૨૦૨૦ માં વિદાય લીધી. આપણે આ શ્રેણીના હવે પછીના અંતિમ હપ્તામાં અવલોકીશું એ SEVENTH SEAL માં પણ એ જ નાયક છે. ફિલ્મના અન્ય કલાકારો લિવ ઉલમાન, બીબી એંડર્સન અને અરલેંડ જોસેફસન વિષે અગાઉના હપતાઓમાં વાંચી ચૂક્યા છીએ.

આ ફિલ્મ માટે બર્ગમેનને ૧૯૭૦ નો નેશનલ સોસાયટી ઓફ ફિલ્મ ક્રીટીક્સ નો શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મના સિનેમા।ોગ્રાફર એ જ જૂના અને જાણીતા સ્વેન નિકવીસ્ટ . અત્યાર સુધી ચર્ચેલી મોટા ભાગની ફિલ્મોના એ જ કેમેરામેન. એમણે ૧૯૯૧ માં THE OX નામની સુંદર ફિલ્મ દિગ્દર્શિત પણ કરેલી.

આ ફિલ્મના મૂળ બર્ગમેનની આ પહેલાંની ફિલ્મ SHAME માં છે. એ ફિલ્મનું શૂટીંગ પૂરું થયા બાદ ફારો ટાપુના કાયદા અનુસાર ફિલ્મના શૂટીંગ માટે ખાસ બનાવાયેલું મકાન તોડી પાડવું જરૂરી હતું પણ બર્ગમેનને એ મકાનનું વળગણ થઈ ગયેલું. એમણે એમ કહીને એને રહેવા દેવાની મંજૂરી લીધી કે ત્યાં એક અન્ય ફિલ્મનું શૂટીંગ હજી કરવાનું છે. એ પછી એમણે આ ફિલ્મની પટકથા લખી અને શૂટીંગ પણ ચાલુ કર્યું.

આ ફિલ્મ એક સૌંદર્યસભર પરંતુ સંકીર્ણ કલાકૃતિ છે. જેમને પુખ્ત માનવીય સંબંધો સાથે નિસબત છે એમના માટેનો ખોરાક. ભલે એમાં બર્ગમેનની શ્રેષ્ઠ કૃતિઓ જેવી સ્પર્શની હળવાશ અને સરળ પ્રવાહિતા નથી પણ એ ઊંડાણમય સર્જન નિશ્ચિતપણે છે.

[1] https://youtu.be/Riu8HRcFiAc


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.