શોમનું સારવાર કેન્સર માટે એલોપથી અને આયુર્વેદનાં સમન્વયનું કામ આગળ વધતા ભારતથી બે ડોક્ટરોનું આગમન થયું. શોમ પહેલી મુલાકાતમાં જ અંજલિ તરફ આકર્ષિત થાય છે. આપસમાં પહેલી પહેલી પ્રિતનો ઉછાળ અનુભવે છે.
આગળ વાંચો પ્ર.૪..
સરયૂ પરીખ
અંજલિ અને શોમ જમણ પૂરું કરી, હાથમાં હાથ લઇ કર સ્પર્શનો આનંદ માણતા સરોવરના કિનારે મીઠી વાતોમાં ખોવાયેલાં હતા. અંજલિ પાસે વાતોનો ખજાનો હતો અને શોમ તેના ચહેરાના ભાવ જોવામાં મશગુલ હતો. પરંતુ, વચ્ચે તેમના કામની વાતો ટપકી ન પડે એ શક્ય નહોતું…અને એ વાતના દોરને પકડી શોમ બોલ્યો, “આપણી પાસે પૂરતા આંકડા ભેગા થયા છે. આયુર્વેદિક સારવાર વિષે લેખ પ્રસિદ્ધ કરવાનો સમય આવી ગયો છે. હવે આંકડા ઝીણવટથી તપાસવાનું કાલથી શરૂ કરી દઈશ. આજકાલમાં વૈદ્યજીને પણ ગોઆ ફોન કરવો છે.”
“મને ખાત્રી છે કે આંકડાઓ બરાબર જ હશે.” અંજલિ બોલી અને તેઓ કાર તરફ વળ્યાં. ઘરમાં દાખલ થઈ, લાઈટ ચાલુ કર્યા વગર જ એક આહ્લાદક આશ્લેષમાં વીંટાયાં. સહજ વ્હાલ કરી અલગ થયાં હતાં ત્યાં જ ગરાજ ડોર ખોલવાનો અવાજ આવ્યો. એકદમ અજવાળું થતા અંજલિની નજર પડી… ‘અરે! લિપસ્ટિક!’ કહી, શોમના ચહેરા પરથી લાલ રંગ લૂછ્યો.
“શું વાત છે? શનિવારે અમારો પ્રિન્સ અહીં?” મશ્કરી ભર્યા સવાલથી શોમ મૂંઝાઈ ગયો.
“આંટી, અમે ડિનર લેવા ગયા હતા.” અંજલિએ સાચો જવાબ આપી દીધો. ચારેય જણા બેઠક રૂમમાં જઈને બેઠા.
“અંજલિ, તો સાથે એ પણ કહી દે કે શું ચાલી રહ્યું છે? અમને તો કંઈક ગુપ્ત સંચાર હોય તેમ લાગે છે.” હવે અંજલિ શરમાઈ ગઈ. “કોફી બનાવું” કહી રસોડા તરફ સરી ગઈ. માતા-પિતા પ્રશ્નાર્થ ભરી નજરે શોમની સામે જોઈ રહ્યાં.
“હા, અમે એકબીજાને પસંદ કરીએ છીએ.” જાણે શોમના ચહેરા પરની હસતી રેખાઓ બોલી ઊઠી.
“ઓહ, મારી પ્રાર્થના સફળ થઈ, શુકર અલ્લા!” માહી ભાવવિભોર થઈ ગઈ.
કોફીની ટ્રે મૂકતાં અંજલિ બોલી, “એક વિચિત્ર વાત સાંભળી. મારી સાથે કામ કરતા ડો. રાકેશે કોઈ કત્રીના નામની અમેરિકન છોકરી સાથે સગાઈ કરી. ખબર નહીં, રાકેશનો અહીં રહી પડવાનો ઇરાદો હશે!” અંજલિની વાત સાંભળી ત્રણેને માયાની યાદ આવી ગઈ. કોફીને ન્યાય આપી શોમ જવા માટે ઊભો થયો અને અંજલિ તેની સાથે બારણા નજીક ગઈ. ધીમા અવાજે શોમ બોલ્યો, “મારે એક વાત જણાવવાની છે.”
“મને ખ્યાલ છે કે આંટી મુસ્લિમ છે.” અંજલિએ તેનો હાથ પકડ્યો.
“ના, એક બીજી અગત્યની વાત છે…અત્યારે મોડું થઈ ગયું છે તેથી આગલી મુલાકાતમાં કહીશ.” શોમ અંજલિના હાથને ચૂમીને ધીમે પગલે જતો રહ્યો અને એ અપલક પ્રેમભરી નજરે જોતી રહી.
‘કેન્સરના દર્દીઓની આયુર્વેદિક સારવાર’ વિષય પર લેખ લખવાની શોમે તડામાર તૈયારીઓ શરૂ કરી. પ્રથમ હ્યુસ્ટન ક્લિનિકમાં ટ્યુમરનું માપ અને ત્યાંની સારવારના પરિણામ. ત્યાર બાદ એબી સેંટરના પરિણામનો ચાર્ટ, જે સારા લઈ આવી હતી તે જોઈને શોમને થયું, ‘વાહ! બહુ સરસ કામ થયું છે. ગ્રાફ પણ બહુ આશાસ્પદ છે.’ અંજલિ અને શોમના પ્રેમ પ્રવાહને જાણે ઉત્તમ પરિણામોથી વેગ મળ્યો. તેમનું મગજ ક્યાંક વ્યસ્ત રહેતું અને દિલ એકબીજા માટે ધડકતું…કેવા આહ્લાદક સ્વપ્નોના સાગરમાં સ્વૈર વિહાર કરી રહ્યા હતા.
પંદરેક દિવસો પછી સમય મળતાં શોમે ઝીણી નજરે સેન્ટરના ચાર્ટ તપાસ્યા. જોયું તો હ્યુસ્ટન ક્લિનિક કરતાં સેંટરમાં નોંધેલાં ટ્યુમરના પ્રારંભિક માપ મોટાં હતાં. શોમે વિચાર્યું કે એકાદ સપ્તાહમાં દરદીના ટ્યુમરના માપમાં આટલો ફેર શક્ય નથી, કદાચ એક દર્દીના ચાર્ટમાં ભૂલ હશે. પછી શોમે દરેક દર્દી વિશે ચકાસણી કરી…અને આ શું? શોમને તેની પાછળનો આશય સમજાતા કમકમાટી થઈ…ટ્યુમરનું પ્રાથમિક માપ મોટું નોધ્યું, જેથી સારવાર પછી સંકોચાયેલ ટ્યુમરના માપની સરખામણીમાં મોટો તફાવત બતાવી શકાય! …આયુર્વેદિક ટીમ છેતરપિંડી કરી રહી છે!! એકદમ અકળાઈને શોમ ઊભો થઈ ગયો અને અચોક્કસ ઝડપથી ક્યાંક જવા નીકળી ગયો. “કોની સાથે વાત કરું?”
અંજલિ તે સાંજે સેન્ટરથી જોષીનિવાસ પર આવીને માહી સાથે બેસીને વાતો કરી રહી હતી. રમેશ મેઇલ લઈને આવ્યા અને કહે, “અંજલિ તારો કાગળ.”
“અરે વાહ! મમ્મીએ વળતી ટપાલે જ જવાબ મોકલી આપ્યો છે.” કહીને કવર ખોલીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું. “વ્હાલી દીકરી, તને આઘાત લાગે તેવી વાત લખી રહી છું. તને યાદ છે? લગભગ અઢી વર્ષ પહેલાં હું નાનામામાને ઘેર મુંબઈ ગઈ હતી. ત્યાં મેં અમેરિકાથી આવેલા ડોક્ટર વિશે જાહેરાત જોઈ તારા માટે વાત છેડી હતી, પણ આગળ વાત વધી નહોતી તેથી મેં તને જણાવ્યું નહોતું… ત્યારબાદ ભત્રીજી માયાના લગ્ન થયાં એ વાતની તને ખબર છે. તે આ જ વ્યક્તિ, શોમ, જેની સાથે માયાના લગ્ન થયેલાં. મને ખબર નહોતી કે અમેરિકામાં તેઓ ક્યાં રહેતા હતા. મેં પછીથી માયાનાં સમાચાર ભાઈને પૂછ્યાં તો તેમણે છેડાઈને કહ્યું હતું કે ‘માયા અમારા માટે મરી ગઈ છે.’ કારણ ખબર નથી કે શું થયું હતું, પણ માયાના લગ્ન શોમ સાથે થયેલા તે હકીકત છે…”
અંજલિનો લડખડાતો અવાજ અટકી ગયો અને માહીની સામે બાવરી આંખે જોઈ રહી. તેના ચહેરાના ભાવ જોઈ, લખેલી વાત સત્ય છે તેમ ખ્યાલ આવતાં, તેની આંખોમાં આંસુંનાં તોરણ બંધાયા.
માહી અંજલિનો હાથ પંપાળતાં બોલી, “શોમ તને જણાવવાનો જ હતો. માયાએ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા એ છલ કરેલું, અને અહીં આવીને તરત તેના પતિ સાથે જતી રહી હતી.”
“એ ક્યાં છે? તમે કોઈ કાનૂની પગલાં ન લીધા?”
“ગુસ્સો તો બહુ આવેલો. પણ દરેક જણ પોતાના કાર્મિક સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે, તેવું આ પરિવારનું માનવું છે. અંતમાં, શોમનો નિર્ણય હતો કે ડિવોર્સ આપી એ ‘ટ્યુમર’નો ત્વરિત નિકાલ કરી દેવો.” રમેશ ગમગીની સાથ બોલ્યા.
બારણાંમાં ચાવી ફરવાનો અવાજ આવ્યો. “કોણ શોમ? આજે ગુરુવારે?” એ સાંભળતાં અંજલિ કાગળ લઈ પોતાના રૂમમાં દોડી ગઈ. શોમ જલ્દીથી અંદર આવી રમેશની પાસે જઈ, ચારે બાજુ અછડતી નજર નાખીને ગંભીરતાથી બોલ્યો, “ડેડી, અંદર ચાલો, મારે ખાસ વાત કરવાની છે.” નવાઈ પામીને માહી પિતા-પુત્રને માસ્ટર બેડરૂમ તરફ જતા જોઈ રહી.
રમેશને એબી સેન્ટરના ખોટા આંકડાની વાત કરતા, અંજલિ પણ એમાં સામેલ હશે, એ ભયથી શોમ વધુ અસ્વસ્થ થઈ ગયો. “ડેડ, ફરી વખત મારો ભરોસો તૂટશે તે હું સહન નહીં કરી શકું,” શોમ ગળગળો થઈ બોલ્યો.
“બેટા! પહેલા જરા શાંત થઈને વિચાર કર. તારી ચકાસણી બરાબર છે ને? બીજું, આ કામ કરવા પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ કર? આપણે અંજલિને જાણીએ છીએ તે પરથી લાગે છે કે તે અજાણ હોઈ શકે.”
“આ વિષે ઊંડી તપાસ કરવી પડશે. મારી પ્રમાણિકતા અને સન્માનનો સવાલ છે.” શોમ બોલતો હતો ત્યાં બહારથી ‘રમેશ તમારો જરૂરી ફોન છે’ તેમ માહીએ કહ્યું.
“શોમ, ધીરજથી દરેક પગલું ભરજે.” કહી રમેશે નાછૂટકે ફોન ઉપાડ્યો. શોમ બહાર આવી, સ્ટવ પાસે માહી કામ કરી રહી હતી તેની બાજુમાં જઈને ઊભો રહ્યો. “બેટા! તું ઠીક છે ને? જમીને જઈશ ને?” શોમે ના કહેવા માથું હલાવ્યું અને જવા માટે પગ ઉપાડ્યો.
“તું જાય એ પહેલા એક વાત…માયા અંજલિના મામાની દીકરી બહેન છે.”
“ખરેખર?” શોમના મનમાં કડવાહટ વધી ગઈ. “છળકપટ તેમનો પારિવારિક ધંધો લાગે છે.”
“એટલે તમે શું કહેવા માંગો છો? કહો તો ખરા!!” પાછળથી અંજલિનો તીક્ષ્ણ અવાજ આવ્યો.
શોમ તેની સામે ફર્યો અને બન્નેની ક્રોધિત આંખો એકબીજાને તાકી રહી. તેના હોઠ ફરક્યા પણ તેને દબાવીને શોમ બોલ્યો, “કહીશ, જરૂર કહીશ, પણ આજે નહીં,” કહીને ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. અંજલિ તેના રૂમમાં જતી રહી, અને માહીના પગ શક્તિહીન થઈ ગયા હોય તેમ એ ખુરશી પર બેસી પડી.
બીજે દિવસે સવારે અંજલિએ સેન્ટર પહોંચીને જોયું તો, હ્યુસ્ટન ક્લિનિક અને એબી સેંટર વચ્ચે કડી તરીકેની ફરજ બજાવતી, સારા અને બીજા એક ડોક્ટર, આગળની ઓફિસમાં કર્મચારીઓ સાથે વાત કરતા હતા. અંજલિ પોતાની ઓફિસમાં જઈ કામે લાગી ગઈ. બે કલાક પછી સારા તેને મળવા આવી અને સામાન્ય વાતચીત તેમજ દિનચર્યા વિશે વાત કરીને જતી રહી.
સારાએ આપેલી માહિતી પ્રમાણે, રાકેશ જ ટ્યુમરનાં માપના આંકડા બદલવા માટે જવાબદાર હતો અને અંજલિને તે વિષે ખબર નથી, એ સ્પષ્ટ થતું હતું. શોમના ચહેરા પરથી ચિંતાની વાદળી ગાયબ થઈ ગઈ. સારાએ આગળ કહ્યું, “રાકેશ ઓફિસમાં આવ્યો તે પહેલાં, મેં ઝીણવટથી તપાસ કરી તો એક ફાઈલમાં સાચા માપ લખ્યાં હતાં.” આ સાંભળીને શોમ ઉત્સાહ સાથ બોલ્યો, “હાશ, આપણો પ્રોજેક્ટ બચી ગયો… સારા! બપોરે બે વાગે, ડીનની હાજરીમાં એબી સેન્ટર પર મીટીંગ છે તેમ બન્ને ડોક્ટર્સને જણાવી દેશો.” અને નવી ઉર્જા સાથે તે કામમાં વ્યસ્ત થઈ ગયો. અચાનક વિચાર ઝબક્યો… વૈદ્યજી સાથે વાત કરું. ગોઆ કોલ કરવા માટે જરા મોડું તો હતું, પણ એ પોતાને રોકી ન શક્યો અને વૈદ્ય ભાણજીનો નંબર જોડ્યો.
“હાં શોમ, હું તારા ફોનની રાહ જોતો હતો. અંજલિનો ફોન આવ્યો હતો. તે બહુ અસ્વસ્થ હતી. તેની પિત્રાઈ બહેન માયા સાથે તારા લગ્ન થયેલા હતાં એ બાબત પર તું અંજલિ પર કેમ ગુસ્સે થઈ ગયો?”
શોમે જવાબ આપ્યો, “હું દિલગીર છું…બાબા! હવે, હું જે તથ્ય તમને કહેવાનો છું, તે જાણીને તમને અહીંની પરિસ્થિતિનો બરાબર ખ્યાલ આવશે.” વૈદ્યજી પોતાના વિદ્યાર્થી રાકેશના કપટ વિશે સાંભળીને, વ્યથિત થઈ ગયા. “એ મહત્વાકાંક્ષી છે પણ આટલી નીચી કક્ષાનું કામ કરશે એવી મને અપેક્ષા નહોતી. તમે ત્યાંના નિયમ મુજબ કાર્યવાહી કરશો અને અહીં હું તેના કુકર્મ માટે યોગ્ય કાર્યવાહી કરીશ.”
“હવે એકાદ કલાકમાં જ મિટિંગ છે જ્યાં આ વાત જાહેર થશે. મને આવી સ્થિતિ કેમ સંભાળવી તેનો અનુભવ નથી.” શોમને પોતાની વિચલિત મનોદશા પર ભરોસો નહોતો.
“તારા વિચારોને પરખ અને તટસ્થ ભાવથી આ સમયે કોણ સૌથી અગત્યનું છે, તે નક્કી કર.” વૈદજીનો શાંત અવાજ તેને માર્ગદર્શન આપી રહ્યો હતો.
“મારા દર્દીઓ સૌથી વધારે અગત્યના છે. તેમની સલામતી અગ્રગણ્ય સમજીને નિર્ણય લેવો જોઈએ.” પછી અચકાઈને શોમ બોલ્યો, “પણ બાબા, હું અંજલિને કેવી રીતે મનાવીશ? એ સમયે તે માયાની બહેન છે અને કામમાં કપટી છે, એવી માન્યતાને લીધે તેનું અપમાન કરી બેઠો.”
“તારો પ્રકોપ સમજી શકું છું. પરંતુ તારાથી જે કટુ વચન બોલાઈ ગયા તે ક્રોધનું પરિણામ છે. ક્રોધ અને પુણ્યપ્રકોપમાં એ જ તફાવત છે. ક્રોધમાં આપણી ઇન્દ્રિયો પર કાબૂ ગુમાવી બેસીએ છીએ અને અયોગ્ય વર્તાવ થઈ જાય છે. જ્યારે પુણ્યપ્રકોપમાં તમે ઉત્તેજિત થાવ પણ બેકાબૂ નહીં… જેમકે ગુરૂનો પુણ્યપ્રકોપ શિષ્યને સાચા માર્ગ તરફ વાળવા શક્તિમાન છે. માતાનો પુણ્યપ્રકોપ બાળકને કેળવણી આપે છે. પરંતુ ક્રોધનું પરિણામ ભાગ્યે જ કલ્યાણકારી હોય છે. શોમ! મને તારી વિવેક બુદ્ધિ પર વિશ્વાસ છે. હું તને શુભેચ્છા પાઠવીને વિરમું છું.”
ક્રોધ અને પુણ્યપ્રકોપ
ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલ, સમજણને પોઢાડે,
પરજાયા ને અંગતને પણ, ઉગ્ર આંચ રંજાડે.
મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
શ્રધ્ધા નિષ્ઠા મુખ ફેરવી અબુધ થઈને નાસે.
લાગણીઓ કકળતી બેસે આત્મદયાની આડે,
ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા પ્રેરે.
ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે,
વૃત્તિ લેતી રોષને વશમાં આવેશોને નાથે.
પુણ્યપ્રકોપે ઉજ્વલ જ્વાલા ઉર્જાને જગાડે,
પ્રજ્ઞાચક્ષુ ખોલી મારગ અનેકનાં ઉજાળે.
અંગારા ના હસ્તે લઈએ; જ્યોત કામમાં લઈએ,
જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.
ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે. વિવેકબુદ્ધિ સાથે, જાગૃત અને તટસ્થ ભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ, પાઠ શીખવે છે. જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો.
ક્રમશઃ