વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ભગવાન પરશુરામ – પ્રથમ ખંડ

    પુસ્તક પરિચય

    રીટા જાની

    ગત અંકોમાં આપણે વિવિધ સાહિત્ય પ્રકારો દ્વારા મુનશીને માણ્યા. તેમની આત્મકથા દ્વારા તેમના જીવન અને લેખનના અનુભવો જાણ્યા ને માણ્યા. મુનશી ભલે એક ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ હોય પણ તેમણે વિવિધ સાહિત્યપ્રકાર પર કામ કર્યું હતું.  આજે મુનશીજીની કલમના કસબ સાથે પ્રસ્તુત છે  પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ .


    મહાભારત અને પુરાણો દ્વારા પ્રેરિત થઈ મુનશીએ પૌરાણિક વિષય પર નાટક લખ્યા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ગુજરાતી વાચકોને નાટક એટલા પસંદ નથી પડ્યાં. આથી આ મહાનાટકનો  ઉત્તરાર્ધ તેઓએ નવલકથા રૂપે જ લખ્યો. તેના બે ભાગ કર્યા: ‘લોમહર્ષીર્ણી’ અને ‘ભગવાન પરશુરામ’.

    ભગવાન પરશુરામના જીવન પર આધારિત આ નવલકથાનું કથાવસ્તુ મુનશીએ પુરાણોમાંથી લીધું છે. આ કથા દર્શાવે છે કે ઋગ્વૈદિક કાળ અને બ્રાહ્મણોમાં દર્શાવેલા કાળ વચ્ચે ફેર કેમ પડ્યો. આ પુરાણકથા એ મુનશી જેવા સમર્થ અર્વાચીન નવલકથાકારે રચેલી કૃતિ છે. મહાભારત, રામાયણ અને ભાગવતના કર્તાઓએ પણ કાલ્પનિક સામગ્રીઓ ઉમેરી છે, જે સૈકાઓ બાદ પુનિત બની રહી છે. આ નવલકથામાં પણ મુનશીએ કેટલીક કાલ્પનિક સામગ્રી ઉમેરી છે. આ કથા દ્વારા મુનશી વાચકને ઋગ્વેદની મદદથી વૈદિક અને પુરાણકાળનાં  દર્શન કરાવે છે. મુનશી પાસે અદ્ભુત સર્જનશક્તિ છે તો માનવજીવનના તેમના આદર્શો પણ કથામાં ઝળકે છે. પરશુરામ સમાન પ્રચંડ વ્યક્તિત્વના વિશિષ્ટ પ્રસંગોના મુનશીના સ્વપ્નાં અતિ સુંદર રીતે આલેખાયા છે. તેથીજ અતિ પ્રાચીન કથાવસ્તુ ધરાવતી નવલકથા આજની પેઢીને પણ વાંચનમાં જકડી રાખવા સક્ષમ છે.

    મુનશી તેમની લાક્ષણિક શૈલીમાં કથાની શરૂઆત કરે છે. દ્વારાવતીના દરિયાકિનારે સ્તબ્ધ ઊભેલી મેદની ક્ષિતિજ પરથી હાલકડોલક થતાં બાર-પંદર  વહાણો અને તેમાં આવતાં રાજા સહત્રાર્જુન અને ભાર્ગવ મહર્ષિ જમદગ્નિના પુત્ર અને મહાઅથર્વણ ઋચિકના પૌત્ર રામને સત્કારવા  રાહ જોતી હતી. જાણે વરુણદેવ સાગર પર શાસન કરતા હોય એમ પંદરેક વર્ષનો ગૌરવર્ણ, પ્રચંડ દીસતો છોકરો ડોલતા વહાણમાં પણ સ્થિર ઊભો હતો. તેના લાંબા વાળ એના ખભા પર વિસ્તરી રહ્યા હતા. નમતા પહોરના સૂર્યકિરણો એનાં શ્વેત અંગોને દેદીપ્યમાન બનાવતાં હતાં. એના મુખ પર ઉગ્રતા હતી. એકાગ્ર દૃષ્ટિએ જાણે તોફાને ચઢેલા સાગરજળને એ વશ રાખતો હોય એવો ભાસ સૌને થયો. એને જોઈ મેદનીના હૃદયમાં ડર અને આનંદની લાગણી થઇ. કારણ કે પાપાચારના યુગનો અંત થઈ શાપમુક્ત થયા હોય એમ તેમને લાગતું હતું. આશ્ચર્ય એ વાતનું હતું કે પંદર વહાણો દરિયાના કોપમાં ડોલતાં હોય તેમાંથી એક જ વહાણ નિર્ભય બને! તોફાન છતાં દેવ જેવો છોકરો તૂતક પરથી મોજાંઓને આજ્ઞા કરે! અને તે ભાર્ગવ રામ હોય! ન સમજાય એવો ધાક આ પ્રેક્ષકવૃંદમાં પ્રસર્યો. બધાંનાં ચિત્તને હરનાર બાળક, તૂતક પર પર્વત સમો નિશ્ચલ ઊભો હતો.  આમ મુનશી વાચક સમક્ષ શબ્દચિત્ર વડે સાક્ષાત પરશુરામને ખડા કરી દે છે.

    આર્યજીવનનો પ્રાત: કાળ હતો. આર્યોની મુખ્ય જાતિઓ પંજાબ, ગંગા અને યમુનાના તીરે, મથુરા અને છેક નર્મદાના તીરે વસી હતી. એ જ ખરું આર્યાવર્ત હતું. તે જ આર્યોની પવિત્ર ભૂમિ હતી. ત્યાં આર્ય સંસ્કાર ને ધર્મના સ્થાપક મહર્ષિઓ – વશિષ્ઠ ને વિશ્વામિત્ર, જમદગ્નિ ને અંગિરા, ગૌતમ ને કણ્વના આશ્રમોમાંથી નીકળતી  દિવ્ય ઋચાઓનો ધ્વનિ આર્યોના ઉત્કૃષ્ટ આત્માને શબ્દોમાં વ્યક્ત કરી રહ્યો હતો. આ ભૂમિમાં જે રાજાએ સત્તા ભોગવી તે ચક્રવર્તી; જેણે તપ આચર્યું તે ઋષિ; જેણે ઋચા ઉચ્ચારી તે મંત્રદૃષ્ટા; જે પ્રથાઓ પડી તે આચરણનું ધોરણ અને જે સંસ્કારો પ્રગટ્યા તે ધર્મ – કર્મના ફળ. વારાણસીનાં તટથી લઈને નર્મદાના તટ સુધી પ્રસરી રહેલી બીજી આર્ય જાતિઓ વિગ્રહો કરતી, રાજ્યો સ્થાપી આગળ વધતી; છતાં  પ્રેરણા અને શાંતિ માટે આર્યાવર્ત તરફ ફરતી.

    નવલકથાના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડમાં જે પાત્રો છે, જેવું સમાજજીવન છે, તેમના આંતર કલહ, તેમના પ્રશ્નો – એક યા બીજા સ્વરૂપે આજે પણ વિદ્યમાન છે એવું લાગ્યા વગર રહેતું નથી. રાજા સહત્રાર્જુન વિકરાળ અને ખંધો છે જે આજનો મદાંધ સત્તાધીશ લાગે છે. સેનાપતિ ભદ્રશ્રેણ્ય મુત્સદ્દી અને ડહાપણભરેલો હતો પણ રાજાએ તેને પદભ્રષ્ટ કર્યો હતો. આજે પણ કેટલીક વાર કાબેલ અધિકારીને રાજકારણીઓ બદલી કરીને બીજે મોકલી દે છે. તેનો નાનો પુત્ર મધુ તોફાની, ક્રોધી  હતો જે બધાને મારતો, ડરાવતો અને સ્વચ્છંદતાથી બીજા છોકરાઓને બગાડતો. એની મા રેવતી એને ફટવતી હતી. આજે પણ પુત્રપ્રેમમાં આંધળી મા કુમાર્ગે જતાં પુત્રનો પક્ષ  ક્યાં નથી લેતી? પાખંડકલામાં પ્રવીણ , આડંબર ને ખટપટથી વહેમી અને અજ્ઞાની યાદવોને વશમાં રાખતો કુક્ષિવંત ગુરુ હતો. તપ તેને સ્પર્શતું ન હતું. સારું ખાવું, પીવું ને મોજ કરવી એ તેને ગમતું. આજે પણ અભણ અને અજ્ઞાની લોકોને ભોળવીને તાગડધિન્ના કરતાં કહેવાતા ધર્મગુરુઓ નીકળી જ આવે છે ને?  પાણીની તંગી હતી અને સ્ત્રીઓ પાણી માટે મારામારી પણ કરતી. તો નિર્દોષને રંજાડતા મધુને રોકી શિક્ષા કરનાર પરશુરામ પણ હતા. ને રાજા દિવોદાસની  રૂપવાન પુત્રી લોમહર્ષીર્ણી પણ હતી. ત્યારના એક એક પાત્રને જોઈએ તો આજના સમયમાં પણ કંઇક એવા જ પાત્રો નજરે પડે છે. ત્યારે સ્વાભાવિક જ મનમાં પ્રશ્ન થાય કે જો પ્રશ્નો સરખા હોય તો ઉકેલ પણ સરખા  હોઇ શકે?

    પૌરાણિક પાત્રો એ માત્ર ઇતિહાસ નથી પણ જે તે સમયની જીવંત ક્ષણોનું રસદર્શન છે. એ ક્ષણોને આપણી દ્રષ્ટિએ નિહાળીએ , એ સમયચિત્રોના રંગ વડે આપણી સૃષ્ટિને રસસભર બનાવીએ એ પણ છે કસબ.

    નવલકથાના દ્વિતીય અને તૃતીય ખંડની વાત કરીશું આવતા અંકે….


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

     

  • પૃથ્વીલોકની વિટંબણાઓની મરકાવતી રજૂઆત

    પુસ્તક પરિચય

    પરેશ પ્રજાપતિ

    (વિનોદના વૈકુંઠમાં..: રતિલાલ બોરીસાગર)

    લેખનક્ષેત્રમાં પ્રવેશપૂર્વે રતિલાલ બોરીસાગર પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે અને  એ પછી ગૂજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે લગભગ એકવીસ વર્ષ સુધી ગૂજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં પણ કામગીરી કરી. રતિલાલ બોરીસાગરની સાહિત્યિક કારકીર્દીનો આરંભ ટૂંકી વાર્તાઓથી થયો હતો. જો કે, 1977માં તેમણે પોતાનો પ્રથમ હાસ્યસંગ્રહ ‘મરક મરક’ આપ્યો અને પહેલા પુસ્તકથી જ તેઓ હાસ્યલેખક તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. 2017માં ‘મોજમાં રે’વું રે’ અને ‘વિનોદના વૈકુંઠમાં…’ એમ એક સાથે બે પુસ્તકો પ્રકાશિત થતાં હાસ્યકેન્દ્રિત તેમના પુસ્તકોનો આંકડો ડઝને પહોંચ્યો છે. આ સિવાય તેમણે બાળસાહિત્યમાં પ્રદાન પણ આપ્યું છે. તેમણે ઘણાં સંપાદનો પણ કર્યા છે.

    પુસ્તક ‘વિનોદના વૈકુંઠમાં…’ની ટૂંકી પ્રસ્તાવનામાં રતિલાલ બોરીસાગરે પુસ્તકના નામ અંગે ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે અગાઉના પુસ્તક ‘ભજ આનન્દમ્’ની પ્રસ્તાવનાના સમાપનમાં ચંદ્રકાંત શેઠે ‘વિનોદના વૈકુંઠમાં’ શબ્દ પ્રયોજ્યો ત્યારથી તેમને આ શબ્દો ગમી ગયા હતા; જે તેમણે આ પુસ્તકના શિર્ષક તરીકે વાપર્યા છે. કવિ હરિકૃષ્ણ પાઠકે પુસ્તકની વિશદ પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ ‘પૂર્વસૂરિઓ’એ કલમ ચલાવી હોય એવા વિષયો પસંદ કરતી વખતે જોખમ રહેલું હોય છે. રતિલાલે શિખામણ, ઘડિયાળ, હિસાબ વગેરે જેવા વિષયો પસંદ કરીને આવું જોખમ ઉઠાવ્યું છે, આમ છતાં વાચકોને કશુંક નવતર પીરસી શક્યા હોવાનું પણ તેમણે નોંધ્યું છે. એ ઉપરાંત તેમણે સહર્ષ નોંધ્યું છે કે ‘કવિ’ તથા સ્ત્રી જેવા હાથવગા પાત્રથી બોરીસાગર અળગા રહ્યા છે. કવિનો ઉલ્લેખ છે પણ વિષય તરીકે નથી.

    આ પુસ્તકમાં કુલ ત્રેવીસ હાસ્ય લેખોમાં રતિલાલ બોરીસાગરે ઉપરોક્ત વિષયો સિવાય રોગ અને યોગ, શરદી, આત્મસ્તુતિ, મિતાહાર અને મૌન, ફોન અને પ્લાન, જૈફવયે પહોંચેલ વડીલની ડાયરી વગેરે જેવા વિષયો આલેખ્યા છે. વરિષ્ઠ નાગરિકોની એક કાયમની સમસ્યા હોય છે કે તેમનું કોઇ સાંભળતું નથી. તેની મજાની ચર્ચા શિખામણના લેખમાં કરી છે; ખરું જોતાં તેનું મૂળ કારણ સમજાવ્યું છે એમ કહેવું ઉચિત રહેશે. ઉપરાંત અમુક ઉંમરે પહોંચતાં નીરસતા અને ઘરેડમય જિંદગી તેમજ યોગ્ય વ્યવસ્થાના અભાવે યુવાનો સાથે વડીલોને પણ લાઇનોમાં ઊભા રહેવું પડે વગેરે જેવી બાબતો હાસ્યરસમાં ઝબોળાયેલી હોવાથી વાંચતી વખતે મરકાવી જાય છે.

    તેમણે સાહિત્યક્ષેત્રને પણ આવરી લીધું છે. પુસ્તક ‘વિનોદના વૈકુંઠમાં…’ માં રતિલાલ બોરીસાગરે સાહિત્યક્ષેત્રને લગતી ભ્રામક માન્યતાઓનો સુંદર ચિતાર આપ્યો છે. આ લખાણો મરક મરક હસાવે છે જરુર, પણ તે ‘હસી કાઢવા’ જેવા નથી. કારણ કે સમસ્યાઓ હોવા છતાં તેની સ્વીકૃતિને કારણે ઊભી થતી પરિસ્થિતિ પર વ્યંગ કરાયો છે. તેના પર નિરાંતે વિચાર કરવો ઘટે. જેમ કે, કેટલાંક પ્રકાશકો આજે પણ એમ જ માને છે કે પોતાના સામયિકમાં અથવા અન્ય ઠેકાણે લેખકનું લખાણ છપાય એ જ પૂરતું છે! કેટલાંક તો પુરસ્કાર આપવાનો રિવાજ ન હોવાનું ગર્વથી જણાવે છે! આમ કહેતી વખતે એ ભૂલી જાય છે કે ગમે તેવા પ્રસિદ્ધિભૂખ્યાનું પેટ પ્રસિદ્ધિથી નહીં પણ રોટલાથી ઠરે છે! સમાજના બહોળા લોકો સુધી લખાણો પહોંચે તો પ્રસિદ્ધિ મળે પણ રોટલાનું શું? તેમણે લખ્યું છે કે કાલિદાસના સમયે રાજા ભોજ હતા, જે ખોબલે સોનામહોરો આપતા હતા. પરંતું આજના જમાનામાં કોઇ ઢંગનો પુરસ્કાર પણ આપતું નથી. ‘પુરસ્કાર! પુરસ્કાર! પુરસ્કાર!’ લેખમાં પતિ- પત્નિ સંવાદમાં પત્નિ એ મતલબનું કહે છે, કે તમારી કવિતાથી દુનિયામાં આગ લગાડી શકવાની ક્ષમતા હોય, પણ તેનું આર્થિક વળતર એટલું પણ નથી કે હું ચૂલો પેટાવી શકું! આ વાચતા સમજાય છે કે અન્ય કારકીર્દીની જેમ લેખન પણ કારકીર્દી હોઇ શકે.

    તાજેતરમાં જ ફેસબુક પર રજનીકુમાર પંડ્યાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો જે ઘણો ચર્ચામાં રહ્યો હતો. પુસ્તકમાંના રતિલાલ બોરીસાગરના લખાણોમાં દ્વેષભાવને બદલે નિર્ભેળ હાસ્ય નિપજતું હોવાથી વાચક માટે ચર્ચા રસપ્રદ નીવડે છે.

    અમુક પ્રકારનાં (કૉલમ) લેખનથી મળતી પ્રસિદ્ધિનુ આયુષ્ય ટૂંકું હોય છે. ‘તું નહીં તો તારો ભાઇ’ની ઝડપે રિક્ત સ્થાનની પૂર્તિ થઇ જતી હોવા છતાં લેખકોને પોતાની લોકપ્રિયતાનો ભ્રમ કેટલો બેબુનિયાદ હોય છે તેની સુંદર વ્યંગાત્મક રજૂઆત કરવામાં આવી છે. તે જ રીતે સ્ટેજ પર વક્તાનું ઘણા બધા કિસ્સામાં માત્ર સમય પસાર કરવાં પૂરતું જ મહત્વ હોવાની સચ્ચાઇથી વાચકને રમૂજ સાથે સાચી પરિસ્થિતિથી અવગત કરાવે છે.

    વાંચનપ્રેમ વિકસાવવા માટે પુસ્તક ભેટ આપવાના ચલણ વિશે તેમણે ઘરઘાટીને પોતાનાં લખાણો વંચાવવા કેટલી મુશ્કેલીઓ ઝેલવી પડી તેનું રમૂજસભર આલેખન કર્યું છે. વાચકને મંદ મંદ હસાવવાની સાથે એ બાબત પ્રત્યે તેઓ ધ્યાન દોરે છે કે ઇતર વાંચન ગુણ આજે લોપાતો જાય છે. આ ઉપરાંત ખરીદી કરવાની કળા, યંત્રવત ભાગતી જીવનશૈલી, આળસ, જેવા વિષયો તેમણે વાચક સમક્ષ એવી રીતે મૂક્યા છે જેમાં વાચકના ચહેરા પર હળવું સ્મિત રેલાયા વિના રહે નહીં.

    પુસ્તકમાં સમાવિષ્ટ લેખોમાં સ્થૂળ હાસ્ય નથી. સાંપ્રત સમસ્યાઓ, કેટલીક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. પરંતું વ્યંગમાં ક્યાય ડંખ નથી. ‘વિનોદના વૈકુંઠમાં…’ વાંચતાં કદાચ ખડખડાટ હસવું ન આવે, પરંતું એવું ઘણું બધું છે કે વાચકનો હોઠ સળવળે અને ચહેરો મંદ હાસ્યથી ખીલી ઉઠે અને એકાદ તબક્કે મનમાં એમ થાય કે લેખકે બરાબર લખ્યું છે!

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    વિનોદના વૈકુંઠમાં.. : રતિલાલ બોરીસાગર

    પૃષ્ઠસંખ્યા : 144
    કિંમત : ₹ 130
    પ્રથમ આવૃત્તિ : 2017

    પ્રકાશક  : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
    પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-01
    વિજાણુ સંપર્ક : goorjar@yahoo.com
    વિજાણુ સરનામું : http://www.gurjarbooksonline.com


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • સંસદ અને વિધાનસભાઓમાં ઉપાધ્યક્ષનું પદ : પરંપરા અને વર્તમાન

    નિસબત

    ચંદુ મહેરિયા

    વર્તમાન સત્તરમી લોકસભા(૨૦૧૯-૨૦૨૪)ના કાર્યકાળમાં માંડ ચારસો દિવસ શેષ રહ્યા છે. પરંતુ હજુ લોકસભા ઉપાધ્યક્ષનું પદ ખાલી છે. ચૌદમી ગુજરાત વિધાનસભા(૨૦૧૭-૨૦૨૨)ના મોટાભાગના સમયગાળા દરમિયાન ઉપાધ્યક્ષનું પદ ભરવામાં આવ્યું નહોતું. લોકસભા કે વિધાનસભા ઉપાધ્યક્ષના બંધારણીય પદને ભરવામાં  થયેલો આ અભૂતપૂર્વ વિલંબ ભારતના સંસદીય ઈતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના છે. ભારતની એક થી સોળ લોકસભામાં , એક માત્ર બારમી લોકસભાને બાદ કરતાં, અધ્યક્ષની ચૂંટણી થઈ હોય તે જ સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણી  થઈ હતી. અપવાદરૂપ બારમી લોકસભાના ત્રીજા સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણી થઈ હતી. પરંતુ હાલની લોકસભાનો મોટાભાગનો સમય પૂર્ણ થઈ ગયો છે પરંતુ ઉપાધ્યક્ષની ચૂંટણી થતી નથી.

    બંધારણના અનુચ્છેદ ૮૯ અને ૯૩માં રાજ્યસભા-લોકસભા તથા અનુચ્છેદ ૧૭૮ અને ૧૮૨માં રાજ્યોની વિધાનસભા-વિધાનપરિષદના, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. સદરહુ જોગવાઈમાં જણાવેલ છે કે સંબંધિત ગૃહ શક્ય એટલી  જલદી પોતાના બે સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરશે. તે પ્રમાણે સ્પીકરની ચૂંટણી તો તુરત જ થાય છે પણ ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી બંધારણીય જોગવાઈને અનુસરીને યથાશક્ય શીઘ્ર(as soon as may be) થતી નથી.

    ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં થતા વિલંબ કે દીર્ઘ સમય સુધી પદ ન ભરવાના ઘણાં કારણો છે. આ પદ વિપક્ષને આપવાની દીર્ઘ કે સમૃધ્ધ નહીં પણ તૂટકતૂટક પરંપરા છે. આઝાદી પછીના વરસોમાં કોંગ્રેસના એકપક્ષપ્રભાવપ્રથામાં કેન્દ્ર અને રાજ્યોમાં ઉપાધ્યક્ષ તરીકે સત્તાપક્ષ એટલે કે કોંગ્રેસના સભ્યો જ ચૂંટાતા હતા. ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી પછી કેન્દ્રની સત્તામાં આવેલી જનતા પાર્ટીની સરકારે , ૧૯૭૭-૭૯ના વરસોમાં,  સૌ પ્રથમ વખત ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધ પક્ષ કોંગ્રેસને આપ્યું હતું. આ રીતે લોકસભાના સ્પીકર-ડેપ્યુટી સ્પીકરના પદ નિષ્પક્ષ હોય છે તેવી પરંપરા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    જોકે તે પછી પુન: સત્તામાં આવેલી કોંગ્રેસે તે પરંપરા આગળ ન વધારી . બાદના વરસોમાં વી.પી.સિંઘ અને અટલબિહારી વાજપાઈની બિનકોંગ્રેસી સરકારોએ પણ ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધપક્ષને આપ્યું હતું. પૂર્વે ઈન્દિરા કોંગ્રેસે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાની પરંપરા પાળી  નહોતી પરંતુ સોનિયા કોંગ્રેસે તેથી વિપરીત વલણ લીધું. હતું. ૨૦૦૪ થી ૨૦૧૪ના ડૉ.મનમોહન સિંઘના સતત બે પ્રધાનમંત્રીકાળમાં લોકસભા ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસે વિપક્ષને ફાળવ્યું હતું.

    ૨૦૧૪માં કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની  પૂર્ણ બહુમતીની સરકારે તેના પહેલા કાર્યકાળમાં વિપક્ષને બદલે સમર્થક પક્ષના સભ્યને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા. તો બીજા કાર્યકાળના લગભગ ચાર વરસો વીતવામાં છે પણ આ પદ ભર્યું નથી. એક થી સોળ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ કોંગ્રેસના ફાળે સાત, બીજેપીના ત્રણ, અન્ના દ્રમુકને બે, ઓલ પાર્ટી હિલ લીડર્સ કોન્ફરન્સને બે અને ડીએમકે તથા અકાલીદળને એક-એક વાર મળ્યું છે. કેન્દ્રના સત્તાપક્ષોએ વિપક્ષને બદલે ગઠબંધનના સાથી પક્ષને  આ પદ આપવાનું અને તે રીતે પોતાની પાસે જ રાખવાનું વલણ પણ અખત્યાર કર્યું છે.

    ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. તેમની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું બનેલું મતદાર મંડળ કરે છે. પરંતું રાજ્યસભાના ઉપાધ્યક્ષનું પદ પણ મોટેભાગે સત્તાધારી પક્ષ પાસે જ હોય છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષની મોટેભાગે બહુમતી હોતી નથી એટલે વિપક્ષની બહુમતીવાળી રાજ્યસભામાં સત્તાપક્ષ પોતાના જ સભ્યને ઉપાધ્યક્ષ બનાવે છે.

    ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધપક્ષને ફાળવવાની ઉમદા પરંપરા હવે તો ભૂતકાળ બની ગઈ છે. હાલમાં  લોકસભા ઉપાધ્યક્ષની જગ્યા લાંબા સમયથી ખાલી છે તો દેશની લગભગ એકેય વિધાનસભામાં વિપક્ષના ઉપાધ્યક્ષ નથી. આ બાબતમાં રાષ્ટ્રીય પક્ષો કે પ્રાદેશિક પક્ષો, જમણેરી પક્ષો કે ડાબેરી પક્ષો- એમ સઘળા પક્ષોનું વલણ એકસરખું જ છે. ભાજપા કે કોંગ્રેસશાસિત કોઈ રાજ્યમાં ડેપ્યુટી સ્પીકર વિરોધપક્ષના નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય બીજેપીના સમર્થનથી ડેપ્યુટી સ્પીકર તરીકે વિરાજમાન છે તો મહારાષ્ટ્રમાં નવી ગઠબંધન સરકારે આ પદ ખાલી રાખ્યું છે. દેશમાં નવી રાજનીતિ કરવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં આ પદ વિપક્ષને આપ્યું નથી. કેરળની સામ્યવાદી સરકાર હોય કે આંધ્ર, તેલંગણા, ઓડિસા, તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોની પ્રાદેશિક પક્ષોની સરકારો હોય કોઈને આ પરંપરા બરકરાર રાખવી નથી.

    ૧૯૬૭-૭૧ની ત્રીજી ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ પ્રથમવાર ત્યારના વિરોધપક્ષ સ્વતંત્ર પક્ષને ફાળવ્યું હતું. ૧૯૮૦ થી ૧૯૯૭ સુધીની છઠ્ઠી થી નવમી વિધાનસભા સુધી આ પદે વિપક્ષના સભ્ય ચૂંટાતા રહ્યા હતા. નવમી ગુજરાત વિધાનસભાના  ઉપાધ્યક્ષ પદે વિપક્ષ કોંગ્રેસના ચંદુ ડાભી હતા અને સત્તામાં બીજેપી હતી. તત્કાલીન અધ્યક્ષ હરિશ્ચંદ્ર પટેલની બીમારીને કારણે વિરોધપક્ષ કોંગ્રેસના ડેપ્યુટી સ્પીકરે કાર્યકારી સ્પીકર તરીકે બીજેપી વિરુધ્ધનું વલણ લેતાં દેશભરમાં આ પદની ભારે નામોશી થઈ હતી. આ અનુભવ પછી બીજેપીએ ક્યારેય આ પદ વિરોધપક્ષને આપ્યું નથી.અગિયારમી અને બારમી વિધાનસભાના દસ વરસના ગાળામાં ડેપ્યુટી સ્પીકરની જગ્યા ખાલી રાખવામાં આવી હતી. તે પછી થોડા થોડા વરસો માટે આ પદે બીજેપીએ પોતાના જ ધારાસભ્યને મુક્યા હતા. હાલની પંદરમી વિધાનસભાના પ્રથમ સત્રમાં અધ્યક્ષની સાથે ઉપાધ્યક્ષની પણ ચૂંટણી કરીને બંને પદ ભાજપે પોતાના હસ્તક રાખ્યા છે.

    રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની અને રાજ્યપાલ રાજ્યોના વિધાનગૃહોના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે. પરંતુ ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ અધ્યક્ષે નક્કી કરવાની હોય છે. અધ્યક્ષ વતી સત્તાધારી પક્ષના સંસદીય કાર્યમંત્રી આ માટે પહેલ કરે છે. પરંતુ સત્તાપક્ષ વિપક્ષને આ પદ ફાળવવાને બદલે તેને ખાલી રાખવાનો માર્ગ લે છે.

    બંધારણમાં ડેપ્યુટી સ્પીકરની સત્તાઓ અને ફરજો નક્કી કરવામાં આવી છે. અધ્યક્ષની ગેરહાજરીમાં તેઓ ગૃહનું સંચાલન કરે છે. તે દરમિયાન તેઓ અધ્યક્ષની સમકક્ષ સત્તાઓ ધરાવે છે. એટલે વિપક્ષના ઉપાધ્યક્ષ કાર્યકારી અધ્યક્ષ તરીકે કે ગૃહનું સંચાલન કરતાં સત્તાધારી પક્ષને માફક ના આવે તેવા નિર્ણયો લેતા હોઈ, આ પદ તટસ્થ મટી પક્ષીય બની જાય છે.

    ઉપાધ્યક્ષના ઘણા કાર્યો અધ્યક્ષના સહાયકના હોય છે પરંતુ તેઓ અધ્યક્ષના જુનિયર કે ડેપ્યુટી નથી કે તેમના તાબેદાર પણ નથી. તેથી પણ રાજકીય પક્ષોને ડેપ્યુટી સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય ખપતા નથી. આઝાદીની પોણી સદી વટાવી ગયેલા ભારતીય લોકતંત્રમાં આપણા રાજકીય પક્ષો સ્વસ્થ અને સમૃધ સંસદીય પરંપરા ઉભી કરવામાં ઉણા ઉતર્યા છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈ સાંજે

    જયેન્દ્ર શેખડીવાળા

    ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યા
    કોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા

    મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
    ને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા

    આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –
    થાય છે કેસૂર્યને પણ દર્પણો સામા મળ્યા.

    કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું:
    શ્વાસના એકાંતને એના વતન સામા મળ્યા.

    આજ બારી બહાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
    આંખને ગઇકાલના દૃશ્યો બધાં સામા મળ્યાં

    આસ્વાદ

    સુરેશ દલાલ

    જે રોજ રોજ બની એ ઘટના ન કહેવાય. જે ક્યારેક બને એ ઘટના કહેવાય. અહીં કોઈ સાંજે બનેલી ઘટનાની વાત છે. જે વાત ખુલ્લી રીતે નહીંપણ પ્રતિરૂપો દ્વારા કહેવાઈ છે. કવિતા એટલે જ પ્રતિરૂપ અને પ્રતીકની ભાષા. કોઈક સાંજે આપણા પગલાં સામા મળ્યાંએ તો બીજી પંક્તિમાં છેપણ પહેલીનો ઉઘાડ બીજી પંક્તિને બળ આપે એવો કાવ્યમય છે. આપણું મિલન એ જાણે કે કોઈક અજાણ્યા દેશમાં ફૂલ ને ફોરમ વચ્ચે શુભ દૃષ્ટિ થાય એવું. આમ પણ પ્રેમનો દેશ જાણીતો કરતાં વધારે તે અણજાણ્યો છે. જો એ વધુ પડતો જાણીતો થાય તો ‘અતિ પરિચયે અવજ્ઞા’. એથી ગાવું પડે. ‘ચાલો એકબાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો.’ કોઈ એમ પણ કહી શકે કે ફૂલ અને ફોરમ કેવી રીતે સામસામા મળી શકે પણ અદ્વૈતનો અનુભવ ત્યારે થાયજ્યારે દ્વૈત હોય અને કાવ્ય માણવામાં દલીલ કામ ન આવે. કાવ્યમાં તર્ક હોય છે પણ એ તર્કની ભાષા જુદી હોય છે.

                   કોઈ સ્વપ્નમાં મોર ચીતરેલી ક્ષણ આપી ગયું છે. સ્વપ્નમાં તો સ્વપ્નમાંપણ મોરની કેકા થઈ છે. તોયે કેકાને સાર્થકતા ત્યારે મળે જ્યારે એને ગગનની ગહેકના પડઘા મળેઆમ મોર અને ગહેકનું પણ દ્વૈત-અદ્વૈત રચાય છે. તું ન હોય ત્યારે સમય સુકકો છેસુકાયેલી નદી જેવો છેપણ તું મળે ત્યારે સમય પોતે નદી જેવો આર્દ્ર થઈ જાય છેઅને એનો પ્રવાહ એવો કે એમાં સૂર્યને પણ પોતાનું પ્રતિબિંબ સાંપડે. આમ જળ અને તેજનું અહીં અદ્વૈત રચાય છે.

                   માણસ જ્યાં સુધી બહાર હોય છેત્યાં સુધી પોતામાં નથી હોતો. ક્યાંક કોઈક ને કોઈક રીતે ડૂબવું જોઈએ. પછીયે જળની ઘૂમરીઓ હોય કે આકાશના ગુંબજ હોય. પોતાવટો ભોગવતો માણસ શ્વાસના એકાંતમાં પોતાપણાના વતનનો પ્રાંત પામી શકે છે. આમબાહ્ય અને આંતરનું અદ્વૈત રચાય છે.

                   કેટલીક વાર આપણે જોવાનું પણ જોતાં નથી અને નજીકનું પણ જોતાં નથી. કોઈક ક્ષણ અચાનક એવી ઊગે છે કે આપણી દૃષ્ટિ બહાર જુએ છે અને બહાર જે દેખાય છે તે કદાચ ગઈકાલનું જ દૃશ્ય મળે છે. ગઇકાલ કોઈ દિવસ કોઈને પાછી મળતી નથી. કોઈકે કહ્યું ‘તું કે ગમે એટલો શ્રીમંત માણસ હોય પણ એ ભૂતકાળને ખરીદી શકતો નથી. અહીં આજ અને ગઇકાલનું અદ્વૈત રચાય છે. આ ગઝલ છેપણ પ્રત્યેક સ્વતંત્ર શેરની આંતરિક સૂત્રતા એવી છે કે એ ગઝલ પણ છે અને નઝમ પણ છે. આમગઝલ અને નઝમનું અદ્વૈત રચાય છે.


    (સૌજન્ય : કાવ્યવિશ્વ – લતા હિરાણી)

  • અદભૂત જેલીલૅંડ

    વાર્તામેળો – ૫

    સુમેધા ઈશાનભાઈ મહેતા
    ઝેબર સ્કૂલ ફૉર ચિલ્ડ્રન, અમદાવાદ

    સંપર્ક :  દર્શા કિકાણી –  darsha.rajesh@gmail.com

  • ઋતુપર્ણનો વરઘોડો

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

     ‘પછી શામળિયોજી બોલિયો, તને સાંભરે રે’ એ કવિતા ભણવાને કારણે પ્રેમાનંદ કવિ છે તેનો ખ્યાલ તો હતો જ. પછી સાતમા ધોરણમાં નવલરામ પંડ્યા લિખિત તેમના વિષે એક પાઠ વાંચ્યો. તેમાં ‘તેના પેગડાંમાં પગ ઘાલે એવો કોઇ પણ ગુજરાતી કવિ જનમ્યો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ!’ આવું વાંચવામાં આવ્યું. આથી  કવિ પ્રેમાનંદ ક્યારેક ઘોડા પર બેસીને શિકાર કરવા જતા હશે એવું ચિત્ર ઉપસ્થિત થતું. પરંતુ પછી આગળ વાંચ્યું કે એ ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે રડાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. આથી તે બાળકોને હસાવીરડાવીને  રમાડનાર વડીલ જેવા લાગતા. પરંતુ મોટી ઉંમરે સમજાયું કે તે પાઠ  ‘વિવેચન’ નામનો  સાહિત્યનો એક  પ્રકાર હતો. પછી તો એ કવિ માટે નવલરામ કથિત  ‘એક રસમાંથી બીજા રસમાં આપણને ખ્યાલ ન આવે તે રીતે છટકી જતા હોવાથી પ્રેમાનંદની શૈલી ‘નહિ સાંધો નહિ રેણ’  એ વિધાનની વિદ્વાનો દ્વારા  વારંવાર થયેલી પુનરોક્તિને કારણે  જ્યારે પણ  કોઈ વાસણને રેણ કરાવવા જવાનું થતું ત્યારે રેણ કરનાર કારીગરને બદલે મને પ્રેમાનંદ અને નવલરામ એમ બન્ને પ્રત્યક્ષ થતા.

    પ્રેમાનંદ વિશેનું વિવેચન અનેક વાર મારા વાંચવામાં આવ્યા છતાં તેમની એક પણ કૃતિ પૂરેપુરી વાંચી ન હતી. મારા જેવા માતૃભાષાના પ્રેમી માટે આ બરાબર ન કહેવાય એમ લાગવાથી નળાખ્યાન પર કળશ ઢોળીને આખેઆખું વાંચી લીધું. વાંચ્યા પછી સાહિત્યના જુદા જુદા રસો સહજ રીતે નિષ્પન્ન કરવાની પ્રેમાનંદની  કુશળતા બાબતે અનેક વિદ્વાનોના મત સાથે સંમત થવું પડ્યું. તેમાંથી અહીં  માત્ર તેમના હાસ્યરસનો જ એક નમૂનો પીરસવાનો ઇરાદો છે અને તે માટે ‘નળાખ્યાન’નાં ત્રેપનમાં કડવાની 12 થી 54 સુધીની કડીઓ પસંદ કરી છે.. દમયંતીને પરણવા માટે તલપાપડ થયેલા ઋતુપર્ણ રાજાને બાહુક (મૂળે તો નળ રાજા પોતે) ટટળાવે છે તથા દુર્બળ ઘોડાનું અજોડ વર્ણન કરીને પ્રેમાનંદ ખૂબ જ કુશળતાથી હાસ્યરસ ઉત્પન્ન કરે છે. પરંતુ એ કડીઓ મૂકતા પહેલા પૂર્વભૂમિકા તરીકે નળાખ્યાનની જાણીતી કથાનું  વાચકમિત્રોને સ્મરણ કરાવવું જરૂરી લાગ્યું.

    નળ રાજા સદગુણી, સુંદર અને અશ્વવિદ્યા જેવી વિદ્યાઓનો જાણકાર હોવાથી દમયંતીએ તેમની સાથે લગ્ન કર્યા અને  યુધિષ્ઠિરની જેમ સત્યવાદી હોવાથી તેમણે  જુગાર રમવું પડ્યું ને રાજપાટ ગુમાવવા  ઉપરાંત પત્ની  સાથે વનમાં ભમવું પડ્યું.  મોકો જોઇને કલિ(કલિયુગ)એ  તેમનામાં પ્રવેશ કરેલો હોવાથી તેમણે દમયંતીનો ત્યાગ કર્યો. આગળ જતા  કર્કોટક નામનો નાગ કરડવાથી તેઓ કાળા અને કુરૂપ બની ગયા. પરંતુ રૂપ બદલવાને કારણે તેમને ફાયદો એ થયો કે તેઓ પોતાનું નામ બાહુક તરીકે બદલીને ઋતુપર્ણ રાજાને ત્યાં અશ્વપાલ તરીકે ઉંચા પગારની નોકરી મેળવી શક્યા.(રાજા નળને તો કોણ નોકરીએ રાખે?)

    આ બાજુ દમયંતીની ભાળ મળતા તે સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા પોતાનાં પિતૃગૃહે પહોંચી. નળની પુન:પ્રાપ્તિ  માટે દમયંતીએ પિતા દ્વારા સ્વયંવરનું તરકટ રચાવ્યું. તે સમયે તારટપાલ કે વોટ્સેપ દ્વારા આમંત્રણ મોકલવાની વ્યવસ્થા ન હોવાથી બ્રાહ્મણ સુદેવે ઋતુપર્ણ રાજાને આમંત્રણપત્રિકા આપવા રૂબરું જવું પડ્યું. પરંતુ તે (પૂજાપાઠમાં વધારે વ્યસ્ત રહ્યો હોવાથી) આમંત્રણ પહોંચાડવામાં મોડો પડ્યો.  પરિણામે સ્વ્યંવરમાં પહોંચવા માટે સમય ઓછો રહ્યો હોવાથી ઝડપી ઘોડા દોડાવવા માટે ઋતુપર્ણે અશ્વવિદ્યાના જાણકાર એવા પોતાના કર્મચારી ‘બાહુક’ ની રથના ડ્રાઇવર તરીકે સેવા લીધી.

    આટલી પૂર્વભૂમિકા પછી આપ વાચકમિત્રો અને પ્રેમાનંદ વચ્ચેથી ખસી જઈને નળાખ્યાની આગળ જણાવ્યા પ્રમાણેની કડીઓ જ મૂકી દઉં  છું.  આ કડીઓને અંતે અઘરા લાગતા કેટલાક શબ્દોના અર્થો પણ મૂક્યા છે.

    -સભા માંહી બેઠા સહી, પરધાન બોલ્યા વચન, ‘પેલો બાહુક શે અરથે આવશે, બેઠો વણસાડે છે અન્ન? 12’

    ઋતુપર્ણ આનંદ પામિયો, મોકલ્યો સેવક; ‘ લાવ તેડી બાહુકિયાને, જાણે ગયાની તક’: 13

    શ્વાસ ભર્યો દાસ આવ્યો, અશ્વપાલકની પાસ: ‘ઊઠો ભાયા, ભૂપ તેડે, ગ્રેહવા પરાણો રાશ.’ 14

    ચાલ્યો બાહુક ચાબકો ઝાલી, મુખે તે બબડતો: આવ્યો નીચી નાડે નીરખતો, નાકે સરડકા ભરતો 15

    સભામાં સહુ હાસ્ય કરત, ‘આ રત્ન રથ ખેડન’! ઋતુપર્ણ બોલ્યા માન દેઈ, આવો દુ:ખફેડન 16

    ઘણે દિવસે કામ આવ્યું, રાખો માહરી લાજ: તમે પરણાવો દમયંતી, વૈદરભ જાવું આજ. 17

    સમુદ્ર સેવ્યો રત્ન આપે, મેં રાખ્યા એવું જાણી; આજ વૈદરભ લઈ જાઓ, તો ગ્રહુ દમયંતીનો પાણિ 18

    બાહુક વળતો બોલિયો, ફુલાવીને નાસા; ‘ આ ભિયા પરણશે દમયંતીને! અરે પાપિણી આશા! 19

    હંસકન્યા કેમ કરે વાયસશું સંકેત? નિર્લજની સાથે ન નીસરું, અમે થાઉ ફજેત, 20

    છછોરા ન થઈએ છત્રપતિ, પરપત્નીને શું તલખા? કેમ વરે વર જીવતા? એ મિથ્યા મારવા વલખાં. 21

    પુણ્યશ્લોકની પ્રેમદા, ને ભીમક તણી પુત્રી: તમો વિષયીને લજ્જા કશી? અમો પડું ઉતરી,’ 22

    રાય કેહે, ‘માહારી વતી, હયપતિ હય હાંકો; માહરે તો સર્વસ્વ ગયું, તમો જે વારે ના કહો’ 23

    બાહુક વળતો બોલિયો, ‘જાંહા હોયે સ્વયંવર અંતર નહીં સ્વામીસેવકનો, આપણ બન્યો વર’ 24

    હાસ્ય કરીને કેહે રાજા, વર તમો પ્રથમ; ભાગ્ય ભડશે  કન્યા જડશે, ત્યાં જઈએ જ્યમત્યમ’ 25

    દુબળા ઘોડા ચાર  જોડ્યા, રથ કીધો સાવધાન; શીઘ્ર ત્યાંહા શણગાર સજવા સંચર્યો રાજન 26

    રાણી કહે ઋતુપર્ણને, ‘પરહરી ઉપર પ્રેમ; ક્ષત્રી થકા  કરો ઘઘરણું, નહીં હોય અંતે ક્ષેમ .27

    પતિએ તજી તે અણસતી, કાંઈ એક ગોરી ગુધ, બાહુક વડે તે પામવી, રાય થયું ઉજળું દૂધ, 28

    સુર્યવંશી તણી શોભા તમથી ઝાંખી હોઈ’ રીસ ચડી ઋતુપર્ણને, પછે ધણિયાણી ધફોઈ. 29

    ‘અમો ભ્રમર કુસુમ કોટી સેવું, તું શું ચલાવા ચાલ? વીજળી સરખી લાવું વૈદર્ભીને, તું ને શૉકનું સાલ’ 30

    એમ કહી સભામાં આવિયો, દુંદુભિ રહ્યાં ગાજી; રીસ કરી કહ્યું બાહુકને કાં જોડ્યા દુર્બળ વાજી? 31

    કાન લુલા, ચરણે રાંટ, બગાઈ બહુ ગણગણે; અસ્થિ નીસર્યા, ત્વચા ગાઢી, ભયાનક હણહણે 32.

    ચારે ન હોયે ચાલવાના, આગળ નીચા પૂંઠે ઊંચા; ખુંધા ને ખોડે ભર્યા, બે કરડકણા બે બુચા. 33

    પવનવેગી ને પાણીપંથા, શત જોજન હીંડે ઠેઠ; એહવા ઘોડા મૂકીને, કાં જોડ્યા દૈવની વેઠ?’ 34

    બાહુક કેહે શી ચેષ્ટા માંડી? ઓળખો અશ્વની જાત? જો પુષ્ટ હયને જોતરશો તો હું નહી આવુ સંઘાથ.’; 35 અશ્વ રાખો રથ હાંકો,’ ચઢી બેઠો ભૂપાલ;  રાશ-પરાણો પછાડિયો, બાહુકને ચઢિયો કાળ 36

    આતીવાર લગે લાજ રાખી, બોલ્યો નહિ માંમૂચ; આગળથી રથ કેમ બેઠો હું પે તું તે ઊંચ?’ 37

    ઋતુપર્ણ હેઠો ઉતર્યો, વિવિધ વિનય કરતો; જાય ભૂપ પાસે, બાહુક નાસે, રથ પૂંઠે ફરતો, 38

    પ્રણિપત્ય કીધી ઋતુપર્ણે, ‘હયપતિ હઠ મૂકો; ઉપગારી જન અપરાધ માહરો , બેઠો તે હું ચૂક્યો.’ 39

    બાહુક કહે ‘જદ્યપિ રાશ ઝાલુ, બેસીએ બેહુ જોડે; તુજને હરખ પરણ્યા તણો, તેમ હુંયે ભર્યો છૌં કોડે’ 40

    સાહામસાહામાં ચક્ર ગ્રહીને, બન્યો સાથે ચઢિયાં; એડી દીધી બાહુકે, ત્યારે અશ્વ ઢળીને પડિયા. 41

    મુગટ ખસિયો રાયજીનો, માનશુકન ત્યાંહાં હુઆબાહુકે અશ્વ ઉઠાડિયા, હાંકે ને કહે ધણી-મુઆ! 42

     ‘અન્ન તેહેવા અશ્વ નિર્બળ,’ ખાંચે ખીજી ખીજી. રાય કહે ‘લોક સાંભળે, હું વિના ગાળ દો બીજી’ 43

    સુદેવ તાણી બેસાડિયો, રાય ચડાવે ડોળા; શેરીએ શેરીએ જાન જોવાં ઊભાં લોકના ટોળાં. 44

    દુર્બળ ઘોડા, દરિદ્રી બ્રાહ્મણ, જોગ્ય સારથીનો જોડો; વૈદર્ભીને વરવા પધારે ભલો ભજ્યો વરઘોડો! 45

    હાંકે ને હીંડે પાછા પાછા, જૂંસરા કાઢી નાખે; તાણી દોડે ઘર ભણી, ઊભા રહે વણરાખ્યે 46

    પુષ્ઠ ઉપર પડે પરાંણા, કરડવા પાછા ફરે, પહોળે પગે ઊભા, વારવાર મળમૂત્ર કરે. 47

    રાઉ કહે ‘હો હયપતિ, નથી વાત એકો સરવી’ બાહુક કહે ‘ચંતા ઘણી છે મારે દમયંતી વરવી’ 48

    ઘણે દોહેલે ગામ મૂક્યું, રાયે નિસાસા મૂક્યા; પૂણ્યશ્લોકે હેઠા ઉતરી કાન હૈયના ફૂંક્યા. 49

    અશ્વમંત્ર ભણ્યો ભૂપતિ,  ઇંદ્રનું ધરિયું ધ્યાન; અશ્વ ચારે  ઊડતા, ઉચ્ચૈ:શ્રવાને સમાન 50

    અવનીએ અડકે નહીં, રથ અંતરિક્ષ જાય; દોટ મુકી બેઠો બાહુક, ‘રખે પડતા રાય’ 51

    માંહોમાંહે વળગી બેઠા, ભૂપ ને બ્રાહ્મણ; રાય વિમાસે , વરે કન્યા, વરુઆમાં વશીકર્ણ! 52

    કામણગરો કાળિયો, એહેના ગુણ છે રસાળ; ત્રણ કોડીના ટાટુઆં કીધાં પંખાળ! 53

    હસી રાજા બોલિયો, થાબડી બાહુકનાં સ્કંધ; ‘તાહરે પુણ્યે માહારે થાશે. વૈદર્ભી શું સંબંધ 54-

    અઘરા શબ્દો

    વણસાડે છે=બગાડે છે. વાયસ=કાગડો,, તલખાં=તલસે છે, ભડશે=લડશે,

    એ ગોરીમાં ગુધ= એ ગોરીમાં કંઇક કહેવાપણું, ખામી, વણસાડે છે=બગાડે છે, પરાણો=પરોણો, લાકડી,

    આ ભિયા= આ ઋતુપર્ણ રાજા, છાછેરા=છીછરા, હલકા,  પરસ્ત્રીને શું તલખા=પરસ્ત્રીને શા માટે તલસવું?

    જે વારે ના કોહો = જ્યારે ના કહેશો, ઘઘરણુ=નાતરુ, પુનર્લગ્ન ધફોઈ= મારીને, ફટકારીને,

    પુષ્ટ હય=મજબૂત ઘોડા, માંમૂચ=અસ્પષ્ટ, ધણી-મૂઆ= જેનો ધણી મરી ગયો છે (બાહુકે આ રીતે ઋતુપર્ણને ગાળ દીધી.) ખાંચે= ખચકાય, પ્રણિપત્ય= વિનંતિજૂંસરા= ધુંસરી


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મિસ્ટર ‘જી’

    કેપ્ટન નરેંદ્ર ફણસે

    ભારતને અલવિદા કર્યા બાદ પણ હિમાલયમાં વિતાવેલા દિવસોની યાદ પુસ્તકમાં રાખેલા સ્મૃતિનાં સુગંધી પુષ્પ જેવી તાજી જ રહી. સમયનું પુસ્તક ખોલતાં આ ગુલાબની પાંખડીઓમાં રહેલી યાદગીરીની મહેક ફરીથી માનવીને લઈ જાય છે સ્મૃતિવનમાં…

    આવી જ એક પાંખડીમાંથી પમરાતી ખુશબો મને લઈ ગઈ તંગધારનાં મારાં

    સેક્ટર હેડક્વાર્ટરની એક ચોકી – ‘બડા ચિનાર’ પર. બડા ચિનાર અને ‘સામેવાળા’ની ચોકી વચ્ચેનુંઅંતર કેવળ ૨૦૦ ગજનું. બંને ચોકીઓની વચ્ચે કૃષ્ણગંગા નદી વહે. પુરાણોમાં અને આપણે હજી પણ તેને કૃષ્ણગંગા કહીએ, પણ પાકિસ્તાનના નકશા તેને નીલમ નદી કહે છે.

    નદીના વહેણના મધ્યમાં હતી LOC – લાઈન ઑફ કન્ટ્રોલ. ૧૯૭૧ની લડાઈ બાદ બંને દેશો વચ્ચે આ LOC નક્કી કરવામાં આવી હતી. બંને દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં આ “લીટી” નકશામાં નોંધવામાં આવી અને તેના પર સહીસિક્કા થયા. જમીન પર જઈને જોઈએ તો કોઈને ખબર ન પડેકે LOC ક્યાં છે. તેના માટે તો નકશો તથા હોકાયંત્ર જ જોઈએ. મારી ચોકીથી  LOC કેવળ ૫૦ મિટર દૂર વહેતી કૃષ્ણગંગા નદીની વચ્ચોચ્ચ હતી.  ત્યાંથી પાકિસ્તાનના કબજાના કાશ્મિરનું ગામ ટોપા મુર્તુઝા દૂરથી દેખાય.

    એક રાતે આ ગામમાં પેટ્રોમૅક્સની બત્તીઓનો ઝગઝગાટ જોવામાં આવ્યો. સાથે લાઉડસ્પિકર પર પોથવારી-મિરપુરી ભાષાના ગીતો સંભળાયા. પોથવારી-મિરપુરી ભાષા કાશ્મિરી ભાષા કરતાં સાવ જુદી હોય છે અને જમ્મુ વિસ્તારની ડોગરી ભાષા સાથે તેનું ઘણું સામ્ય છે.

    અમને સહેજ જિજ્ઞાસા થઈ. બીજા દિવસે અમારા ગામના સરપંચને અમે આ વિશે પૂછ્યું તો તેનો જવાબ સાંભળી અમને નવાઈ લાગી.

    “અરે સાહેબ, પેલા ગામનો રહેવાસી મલિક મિયાં જે કેટલાક વર્ષથી યુરોપમાં રહે છે તે રજા પર આવ્યો છે. તેણે આજુબાજુના બધા ગામવાસીઓને દાવત માટે બોલાવ્યા હતા.”

    “એમ કે? શાની દાવત હતી?”

    “મલીકે કોટલી શહેરની બાજુના તત્તા પાની ગામમાં નિકાહ કર્યા તેની પાર્ટી હતી.”

    મને નવાઈ લાગી કે નદી પારના પરાયા મુલકમાં જે કાંઈ થતું હોય છે, તેની રજેરજની માહિતી તરત જ અહીં પહોંચી જતી હોય છે!

    બડા ચિનારમાં કેટલાક મહિના ગાળ્યા બાદ મારી કંપની ૧૪૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલ ફૉર્વર્ડ ડિફન્ડેડ લોકૅલિટીમાં ગઈ. નવી જગ્યા નવો દાવ, નવા અનુભવ અને હાડ ગાળી નાખે એવી  ભૂમિમાં અનંત કાળ જેવા લાગતા બે વર્ષ રહ્યો. ત્યાર પછી સમય તેજ ગતિથી વહેવા લાગ્યો અને આ સિપાહી તેમાં તણાઈ ગયો. ફોજ છોડી લંડન ગયો જ્યાં મારા પ્રિયજનો છેલ્લા ચાર વર્ષથી મારી રાહ જોઈ રહ્યા હતા.

    ***

    લંડનમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં કામ કર્યા બાદ મને લંડનની એક બરો કાઉન્સિલના સોશિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટમાં કમ્યૂનિટી ડેવેલપમેન્ટ ઑફિસરની નોકરી મળી. આ કામ કાઉન્સિલના સોશિયલ વર્કર્સ સાથે મળીને ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકોને મદદરૂપ થવાનું, અને સોશિયલ સર્વિસીઝ ઍક્ટ મુજબ જે જે સેવાઓ તેમને મળવી જોઈએ, તે મેળવી આપવાનું કામ હતું.

    સમાજ સેવા વિભાગમાં કામ પર હાજર થયો ત્યારે મને આપવામાં આવેલ Case-loadમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. તેમની કેસ ફાઈલ્સ જોઈ રહ્યો હતો ત્યાં મારાં ટીમ લીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની ઑફિસમાં ગયો.

    “તમે મિસ્ટર જીની ફાઈલ જોઈ? મિસ્ટર જીના ઘરમાં આજે અચાનક આગ લાગી. મિસેસ જી તેમાં સપડાઈ ગયાં. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. અત્યારે તેમની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. આ crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઈને મિસ્ટર જી તથા પોલીસને બને એટલી મદદ કરશો. કોઈ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટિનને મોકલીશ.” ક્રિસ્ટિન અનુભવી સોશિયલ વર્કર હતી.

    તે દિવસે સવારના જ મેં મિસ્ટર જીની ફાઈલ ઉતાવળમાં જોઈ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો ત્યાં આ બનાવ બની ગયો.

    ટૂંકમાં તેમની વિગત આ પ્રમાણે હતી :

    નામ : મિસ્ટર અહેમદ જી (સ્પેલિંગ હતો Mr A. Jea).

    ઉમર ૭૫;

    પરિવારમાં પત્ની અને ૧૬ વર્ષનો પુત્ર.

    અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઈલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’.

    મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!

    મિસ્ટર જી કાઉન્સિલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઈને જોયું તો તેમનાં કમ્પાઉન્ડમાં પોલીસની રોવર કાર હતી અને નજીકમાં ફાયર બ્રિગેડનો બંબો. હું જેવો પહોંચ્યો કે રોવરમાંથી પોલીસના સાર્જન્ટ બહાર આવ્યા અને અકસ્માતની વિગત આપતાં કહ્યું, “મિસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઈ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને પણ આની સૂચના મળી. અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા, તેમને અમે હૉસ્પિટલ પહોંચાડ્યા છે, પણ તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. અમારે તેમની સાથે વાતચીત કરી રિપોર્ટ તૈયાર કરવાનો છે. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નીનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.

    પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પિટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખૂણામાં જી સાહેબ બેઠા હતા.અમને જોઈ તે ઊભા થયા. છ ફીટ ઊંચા, સફેદ દાઢી, મૂછ લગભગ મૂંડેલી, માથા પર જાળીદાર ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.

    મેં તેમને અસ્સલામુ- આલેઈકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઈકૂમ અસ્સલામ કહી મને સવાલ પૂછ્યા ત્યારે હું ચકરાઈ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. વચ્ચે એકાદ’બે શબ્દ ઉર્દુ-પંજાબીના વાપરતા હતા!

    કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ગડરિયા કોમના સંપર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાતસમજી શકતા હતા અને મુશ્કેલીથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલીસની કારવાઈ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ અને રાષ્ટ્રિયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ બે માનવ. તેઓ મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ  ફેરવતો રહ્યો. પોલીસ સાર્જન્ટને દયા આવી. તેઓ જલદીથી જઈ પાણીનો ગ્લાસ લઈ આવ્યા.

    થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી જી સાહેબે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દીકરો હતો.

    બ્રિટનમાં સ્ટિરિયોટાઈપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી.

    ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઈએ. પટેલ નહીં તો શાહ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ અથવા શાહ જ ધારે.

    મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા વ્યાવસાયિક સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પિટલ સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઈ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી અક્રમખાન મલિક આવી પહોંચ્યા. અક્રમખાનની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઈ તરત જણાઈ આવ્યું કે તેમને ભારતીયો પ્રત્યે વિશેષ પ્રેમભાવ નહોતો.

    “તમે ઈન્ડિયન અમારા માટે કશું કરવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે તમે હિંદુઓ…..”

    મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “એક્સક્યુઝ મી, પણ મારે મિસ્ટર જીને રહેવા માટે કાઉન્સિલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત  કરવા જવાનું છે. ફ્યુનરલની વ્યવસ્થા કાલે પોસ્ટમોર્ટમ બાદ કરીશું. કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સિલની હોય છે તેથી તેની વ્યવસ્થા  કરવા મારે હમણાં જ નીકળવું જોઈશે. તમે સજ્જાદને બોલાવી આપશો તો આભાર.”

    અક્રમ મલિક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઈ ગયા. જુઓ, જ્યાં સુધી કાઉન્સિલના મકાનની સગવડ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર જીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઈ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલનીવાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો. તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, ‘તમારા કામમાં કોઈ ખામી રહી જાય તો વાત ‘ઠેઠ ઉપર સુધી’ જશે. તો મન લગાડીને કામ કરજો!’Colonial મનોવૃત્તિનો આ સારો નમૂનો હતો!

    સોશિયલ સર્વિસીઝમાં જોડાતાં પહેલાં હું કમ્યૂનિટી ડેવેલપમેન્ટ ઑફિસર હતો. મારા કામ માટે સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો મેં ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસિંગ, ક્રૉનિકલી સિક ઍન્ડ ડિસેબલ્ડ પર્સન્સ ઍકટ જેવા કાયદાઓનું જ્ઞાન હોવાથી મારૂં કામ ઝડપથી પૂરૂં થયું.

    અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વીજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઈ ગઈ.

    ત્રણે’ક મહિનામાં કાઉન્સિલે  મિસ્ટર જીનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેંતેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.

    એક દિવસ ઑફિસમાં તે આવ્યા. મને કહે, “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઈએ એવું મારૂં માનવું છે.મીરપુરમાં મારા નાના ભાઈની દીકરી સાથે તેના લગ્નની વાત થઈ ગઈ છે. જો લગ્ન થઈ જાય તો આ ડોસાની સેવા થશે. અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમિત મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”

    “જુઓ ચાચા, સજ્જાદ મારો દીકરો હોય તો હું આટલી નાની ઉંમરે તેના લગ્ન ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.”

    કાકા થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સંપર્ક ન રહ્યો.

    મારૂં કામ એવું હતું કે મને મળવા આવનાર ક્લાયન્ટને પહેલેથી ઍપોઈન્ટમેન્ટ લેવી પડે. ફક્ત બુધવારે ‘ઓપન હાઉસ’ જેવી વ્યવસ્થા રાખી હતી. તે દિવસે મને મળવા આવનાર વ્યક્તિ રિસેપ્શનમાં બેસી નંબર વાર આવીને મને મળે. એક બુધવારે આઝાદ કાશ્મીર એસોસીએશનના એઅક્રમ મલિક મને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સિલર (કૉર્પોરેટરના સમકક્ષ) તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

    “તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રિપોર્ટ મળ્યા છે. તમારા ડિપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમિટીનો હું મેમ્બર છું. ખેર. પેલા મિસ્ટર જી તમને હજી મળે છે કે? તમને  ખબર છે કે તેમની બીબી કુલસુમ બેગમે ખુદકુશી કરી હતી?”

    આ વાતની મને તે સમયે જ જાણ થઈ હતી, પણ client confidentialityના નિયમને કારણે મેં તેનો જવાબ ન આપ્યો.

    “કુલસુમ બહુ ફેશનવાળી હતી. સિનેમા, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું….”

    “મિસ્ટર મલિક, આય ઍમ સૉરી, પણ આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે…”

    “ઓ.કે. કશો વાંધો નહીં. મને થયું કે અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઈએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી લાઈફ- સ્ટાઈલ જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો તમને ખ્યાલ આવે. હવે જુઓ,મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. પાંચ વારની નમાઝ, કરવામાં અને સાદગી ભર્યું જીવન જીવવામાં માને. તેવામાં તેમનાં પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડો થતો અંતે….” કહી કાઉન્સિલર સાહેબ ઘડિયાળ સામે જોઈ ઊભા થયા અને અગત્યની મીટિંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા. સાંસ્કૃતિક વાત કરવાને બહાને તેઓ કૂથલી કરીને ચાલ્યા ગયા!

    આ વાતને ચાર-પાંચ મહિના થઈ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા હું બહાર નીકળતો હતો ત્યાં મેં સજ્જાદને રીસેપ્શનમા જોયો.

    “ઓહ મિસ્ટર પટેલ, આય ઍમ સૉરી કે એપૉઈન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. આ તમારા માટે લાવ્યો છું,” કહી તેણે મને ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારાં લગ્ન થઈ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.” સજ્જાદ અસ્ખલિત અંગ્રેજી બોલતો હતો.

    ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનિસ્ટને આપ્યો. અમારી ઑફિસમાં મદદ માટે આવતી બહેનોનાંબાળકોને આવી ‘ગિફ્ટ’ વહેંચાતી. હું સજ્જાદને ઈન્ટરવ્યૂ રૂમમાં લઈ ગયો.

    “શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”

    “મારી પત્ની પરવીન હાઈસ્કૂલ સુધી ભણી છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. અમારા ઘરમાં ડૅડી અને પરવીન  સાથે રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. ડૅડીને પરવીનનાં વર્તનમાં મારાં મમી દેખાય છે અને તેઓ અત્યંત દુ:ખી છે. પરવીન પણ ખુશ નથી.”

    “તારા ડૅડી બે-ત્રણ મહિના તારા મોટા ભાઈ વાજીદને ઘેર અને ત્રણે’ક મહિના તારે ત્યાં વારાફરતી રહે તો કોઈ ફેર પડે ખરો?”

    “વાજીદ મારો ભાઈ નથી. એ તો અમારા ગામના મુખીનો નાનો દીકરો છે. ડૅડીએ અહીં બ્રિટન આવવા માટે મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેનીસાથે કોઈ સંબંધ નથી. બ્રિટન આવી રહેલા મીરપુરી પરિવારોમાં આવી બાબતો સામાન્ય હતી.

    “સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઈશું કોઈ હલ નીકળે છે કે કેમ..”

    સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઈ.
બીજા કે ત્રીજા બુધવારે મારા ઓપન હાઉસમાં મિસ્ટર જી આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.

    “ક્યા કરૂં પટેલ સા’બ? છોકરીની ચાલ ઢાલથી હું બહુ પરેશાન છું. એના બનેવીનો લંડનમાં બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા ડિઝાઈનર સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઈએ. મારાથી આ જોવાતું નથી. હું વતન પાછો જાઉં છું. જિંદગીના છેલ્લા દિવસ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”

    ટોપા મુર્તુઝા! તત્તા પાની! તંગધાર! કૃષ્ણગંગા!

    મારા મગજમાં ‘બ્લીપ્’ થઈ. મારા અંતર્મનના એક પડમાં છુપાયેલી યાદ અચાનક બહાર આવી ગઈ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઈન ઑફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઈ જોઈ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા.

    “ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તત્તાપાની ગામનાં તો નહોતાં?”

    આશ્ચર્યની નજરે મારી તરફ જોઈ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”

    “ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે કહી હતી ના તો અહેમદ મલિક – ઉર્ફ મિસ્ટર જીએ. વર્ષો પહેલાં વાત કહેનાર હતો મારી બડા ચિનાર ચોકી પાસેના ગામનો મુખી ગુલામ હૈદર.

    કલ્પના કરતાં સત્ય કેટલું અદ્ભૂત હોય છે!


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • લાગણીનું વાવેતર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સંબંધો કેવા ખોખલા અને સાવ ઉપરની સપાટીના થઈ ગયા છે કે જેને મનથી નહીં પણ ધનથી તોળવમાં આવે છે. સંવેદનાઓ જડ થઈ ગઈ છે. ભાવનાઓની જમીન એટલી ખારાશવાળી, એટલી સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે કે હવે અહીં લાગણીઓનાં વાવેતર વ્યર્થ છે.

    આવા તો કેટલાય વિચારો મારાં મનને વ્યથિત કરી ગયાં.

    ઝાંસીથી સુનિલકાકાનો ફોન હતો, ”ગુડિયા, એક ખરાબ સમાચાર છે. આપણો નિકી-નિખીલ આપણી વચ્ચે રહ્યો નથી.”

    ખરાબ સમાચાર શબ્દ સાંભળીને મારું હ્રદય એક ધબકાર ચૂકી ગયું હતું પણ ખબર આટલી ખરાબ હશે એવી કલ્પના નહોતી. હવે કંઈ હું ગુડિયા રહી નહોતી. બે છોકરાઓની મા હતી અને તેમ છતાં આ ખરાબ શબ્દનો અર્થ અત્યારે મને સમજાતો નહોતો. નિકીકાકાના આ સામાચાર!  નિકીકાકાનો ગોરો ચીટ્ટો ચહેરો હવે નજરથી ઓઝલ થઈ ગયો એ સ્વીકારવા મન કોઈ રીતે તૈયાર નહોતું પણ, સ્વીકારવું જ રહ્યું. મને સ્વસ્થ થતા ઘણી વાર લાગી.

    “આ ક્યારે થયું? અને નિકીકાકાને શું થયું હતુ?” માંડ મારો અવાજ નીકળ્યો.

    “કોણ જાણે, કદાચ નવ કે દસમી તારીખે થયું હશે. આ ભારત અને અમેરિકા, કેનેડાના સમય અંતર અને તારીખોનું મને ઝાઝું ધ્યાન નથી રહેતું. મેસિવ હાર્ટ અટૅક હશે.”

    “પણ એવી કોઈ હિસ્ટ્રી તો નહોતી.”

    “હા નહોતી, પણ લાગે છે કે પહેલો અટૅક હતો. આ તો સારું થયું કે એણે અમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો નહીં તો કોઈને ખબર ના પડત અને રૂમમાં લાશ પડી પડી સડતી રહેત.”

    લાશ? અરે! છ ફૂટની ઊંચાઈ ધરાવતા નિકીકાકા હવે લાશ બની ગયા! મારો જીવ કકળી ઊઠ્યો.

    “હવે? “ મારાથી પૂછાઈ ગયું.

    “હવે શું, બૉડિ મૉર્ગમાં પડ્યું છે.”

    આ બૉડિ શબ્દ વાગ્યો પણ, મન પરથી એ શબ્દ ખંખેરીને પૂછ્યું, “ના મારા કહેવાનો મતલબ એ હતો કે હવે શું કરવાનું છે?”

    “કરવાનું શું, તારા સુશીલકાકાનેય ફોન કર્યો છે, જોઈએ હવે શું કરી શકાય છે.”

    કાકા મારી સાથે વાત કરતા હતા ત્યારે પાછળથી કાકી એમની હૈયા વરાળ ઠાલવતાં હતાં. કાકી કહેતાં હતાં કે, જો એમના દીકરા રાહુલને નિકીકાકા એમની સાથે કેનેડા લઈ ગયા હોત અને કંઈક ઠેકાણું પાડીને એમની સાથે રાખ્યો હોત તો એમની છેલ્લી ક્ષણોમાં રાહુલ એમનું ધ્યાન રાખી શક્યો હોત. મૂળ વાત એ હતી કે,રાહુલની ફિતરત જોઈને કોઈ એની જવાબદારી લેવા તૈયાર નહોતું.

    કાકા-કાકીનો વાદ વિવાદ આગળ વધે એ પહેલાં કાકાએ ફોન મૂકી દીધો. ફોન મૂકાયો અને હું રડી પડી.

    આ નિકીકાકા નામ પણ મેં આપેલું. નાની હતી ત્યારે નિખીલકાકા બોલતા ફાવે નહીં એટલે નિકીકાકા કહેવાનું શરૂ કર્યું અને બસ, ત્યારથી પરિવારમાં સૌ  એમને નિકી કે નિકીકાકાના નામથી બોલાવવા માંડ્યા.

    આજે એ સૌના લાડીલા નિકીકાકા રહ્યા નથી એ વાત સ્વીકારવા હજુ મારું મન તૈયાર નહોતું. બીજા દિવસે સુનિલકાકા સાથે વાત થઈ તો એમનો અત્યંત ઠંડો પ્રતિસાદ સાંભળીને હું ઠરી ગઈ.

    “કોણ જાય કેનેડા સુધી? અને બૉડિ અહીં લઈ આવવામાં પણ પૂરા દોઢ- બે લાખ જેટલો ખર્ચો થાય છે એનો ભાર કોણ લેશે એ વિચાર્યું છે ગુડિયા? કોઈ વ્યવસ્થા વિચારી લઈશું. તારી કાકીના દૂરના સગા છે એમને જવાબદારી સોંપી શકાય તો એ શક્યતા વિચારી લઈશું.”

    કાકાની વાતનો સૂર કંઈક એવો હતો કે એ તો દિલ્હીમાં માંડ બે છેડા ભેગા કરી શકતા હતા ત્યાં આ ભાર એ કેવી રીતે વેઠી શકે અને સુશીલકાકા જો પૈસા આપવા તૈયાર થાય તો ત્યાંય કાકીની કચકચ શરૂ થઈ જાય. કાકાના મતે આ વેસ્ટ ઑફ મની, ફાલતુ ખર્ચ હતો. કાકાનો એક એક શબ્દ તેજ ધારવાળા ચાકૂની જેમ મને આરપાર છોલતો રહ્યો. નિકીકાકાના અવસાનથી જેટલું દુઃખ થયું હતું એનાથી ઘણું વધારે દુઃખ મને આ શબ્દોથી થતું હતું.

    આ એ જ સૌ હતા જેમના માટે નિકીકાકા પ્રતિ એક વર્ષ દોડી દોડીને અહીં આવતા હતા. આ સૌના પ્રત્યેના પ્રેમને લઈને નિકીકાકા જેટલી વાર આવતા એટલી વાર અઢળક ડૉલર ખર્ચીને કેટલીય વસ્તુઓ લાવતા, નિકીકાકા આવતા એટલી વાર ભેટરૂપી ખુશીઓનો ખજાનો ખોલી દેતા. એમના આ ખજાનાનો લાભ પરિવારના સૌને મળતો. અમારા સૌનાં ઘરમાં જેટલી કિમતી ચીજ-વસ્તુઓ દેખાય, એ બધી જ નિકીકાકાની આપેલી હતી.

    કેટલી વાર હું કાકાને કહેતી કે આટલી દિલદારી પણ નહીં સારી. એકલા જીવ હતા, એમના બુઢાપા માટે પણ કંઈક બચાવવું જોઈએ ને? ત્યારે એ હસીને કહેતા કે એમના બુઢાપાની જવાબદારી ત્યાંની ગવર્મેન્ટની છે. અત્યારે એમને મોજથી જીવવું છે. અને દર વર્ષે એ એટલે દોડીને આવતા કે એમના ભાઈ-ભાભી સિવાય હવેની અમારી પેઢી પણ એમને પ્રેમથી યાદ રાખે.

    નિકીકાકાની વિચારધારા સૌ કરતા જુદી હતી. એમને માત્ર એમના માટે નહીં સૌ માટે જીવવું હતું. એમને સૌને કંઈક આપીને સામે માત્ર સૌનો પ્રેમ જોઈતો હતો.  કંઈક લઈને આવે તો દર વર્ષે સૌ એમની રાહ જુવે ને બાકી ખાલી હાથ આવેલા મહેમાનને મળતો આવકાર પણ અધૂરો હોય.

    દુનિયામાં એક માત્ર માનું ઘર જ એવું હોય જ્યાં માણસ કોઈ બેધડક જઈ શકે. દીકરો બહારગામથી આવે ત્યારે એની હાજરી માત્રથી મા રાજી થઈ જાય છે બાકી પિતાના પ્રેમમાં પણ થોડીક અપેક્ષા તો હોય છે. નિકીકાકાને દાદીની યાદ બહુ આવતી. દાદી મરી ગયાં પછી એ મારી મમ્મીમાં એમની માની ઝલક જોતાં. મમ્મીનાં અવસાન પછી એ મારામાં મમ્મીની છબી શોધતા. આમ એ અને હું, બંને એકબીજા સાથે કોઈ અજબ સ્નેહથી બંધાયેલા હતાં. અને એટલે જ હું કાકાના અવસાનથી અત્યંત વ્યથિત હતી.

    કાકા જેટલી વાર દિલ્હી આવતા એટલી વાર ભોપાલ મારા ઘરે બે-ચાર દિવસ માટે અવશ્ય આવતા. કાકા આવવાના હોય ત્યારે મારા ઘરમાં જાણે દિવાળી આવવાની હોય એવી તૈયારી થતી. ઘરમાં દરેક ચીજ હું નવી લઈ આવતી. મારા આનંદનો પાસ મારા ઘરના ખૂણે ખૂણે છલકાતો.

    ક્યારેક મારા પતિ મારી મજાક કરતા કહેતા, “ભોપાલમાં એક માત્ર તારા માટે જ કાકા આવે છે? “

    મને મળવા ઉપરાંત એક બીજુ આકર્ષણ પણ હતું જેના માટે એ ભોપાલ આવતા એવું મારા પતિદેવનું માનવું હતું. વાત એમની સાચી હતી. મારા સિવાય એક બીજી વ્યક્તિ પણ હતી જેના માટે કાકા આવતા.

    એ વ્યક્તિ એટલે શેફાલી દાસગુપ્તા. એ કાકાની સાથે કૉલેજમાં ભણતી હતી અને આજે એક મોટા આઈ.એસ. ઑફિસરની પત્ની હતી.

    કાકાની નજરે પરફેક્શનનું જો કોઈ દૃષ્ટાંત હોય તો એમાં શેફાલી દાસગુપ્તાનું નામ સૌથી ટોચ પર આવે. અપ્રતિમ સુંદરતાની સાથે બુદ્ધિનો સમન્વય બહુ ઓછા લોકોમાં હોય જે શેફાલી દાસગુપ્તામાં હતો. એમની ડ્રેસસેન્સ, હેરસ્ટાઈલ, અભિજાત્યપણું, સંસ્કારિતા, એમની ઘર સજાવટ, બધું જ અલ્ટિમેટ હતું.

    હું હંમેશા વિચારતી કે કાકાએ લગ્ન ન કર્યા એ સારું થયું નહીંતર કાકીને જીવનભર શેફાલી આંટીની પ્રશસ્તિ સાંભળ્યા કરવી પડત. ક્યારેક વિચારતી કે કાકાને લગ્ન ન કર્યા એનું કારણ શેફાલી આંટી જ હોવા જોઈએ.

    કાકા જ્યારે ભોપાલ આવતા ત્યારે મારે પણ કમને એમની સાથે શેફાલી આંટીના ત્યાં જવું પડતું. કાકા એમના માટે પણ ઘણી કિંમતી ભેટ લઈ આવતા.

    “Wow, how cute, simply marvelous કહીને જે રીતે શેફાલી આંટી એ સ્વીકારતા એ જોઈને જાણે કાકા ધન્ય ધન્ય બની જતા. કાકાને લીધે મારે એમને જમવા બોલાવા પડતા અને વળતા વ્યહવારે એ અમને જમવા બોલાવતાં, પણ બંને વખતે એમના ચહેરા પરની ઉપેક્ષા મારા ધ્યાન બહાર ન જતી. અમારા અને એમના આર્થિક, સામાજિક સ્તરમાં ઘણું અંતર હતું, પણ કાકા તો એમનામાં જ મસ્ત હતા.

    શેફાલી આંટીને કાકાના નિધનના સમાચાર આપવા જોઈએ એવો વિચાર આવતા મેં એમને ફોન કર્યો. નિકીકાકા આવે એટલી વાર મળવા છતાં આજે એમને મારી ઓળખાણ આપવી પડી. નિકીકાકા સાથે એમની નિકટતાનો ઉપરછલ્લો આંચળો સરી ગયો. વાતની શરૂઆત કેવી રીતે કરું અને સમાચાર સાંભળીને એમના પ્રત્યાઘાત કેવા હશે એના વિચારે હું ક્ષણભર અચકાઈ. પણ એ સમયે ફોનમાં એમના ઘરમાં પાર્ટીનો શોરબકોર મને સંભળાતો હતો એટલે એ ક્ષણે વાત કરવી યોગ્ય ન લાગતા, મેં બીજા દિવસે ફોન કર્યો

    “આંટી બીઝી નથી ને?”

    “અરે! બીઝી શું? ક્લબ જવા નીકળતી હતી. સાહેબ તો ગાડીમાં જઈને મારી રાહ જોતા બેઠા છે. બહુ શોખ છે એમને આવો બધો. જો ને કાલે પણ બસ ખાસ કોઈ કારણ વગર પાર્ટી રાખી જ ને? પણ બોલ શું હતું? નિખીલ રાયજાદા આવ્યા છે?”

    “આંટી, સમાચાર નિકીકાકાના,મતલબ નિખીલ રાયજાદાના જ છે. Nikikaka is no more now. નવમી તારીખે મૉન્ટ્રીયલમાં એમનું નિધન થયું.”

    “ઓહ, બીમાર હતા?” સાવ સપાટ અવાજે એમણે પૂછી લીધું”

    “હા, મેસિવ હાર્ટ અટૅક.”

    “So sad,He was all alone there right?”

    “જી.”

    પાછળથી અવાજ સંભળાતા એમને કોઈને કીધું, રામસીંગ, સાહેબને જરા જઈને કહો કે મેમસા’બ આવે છે. એ મને સંભળયું. ફરી મારી સાથે વાતનો તંતુ જોડતા જરા ઉતાવળે બોલ્યા,

    “આ જો ને છોકરાંઓ હોર્ન પર હોર્ન મારે છે. મારે જવું પડશે તો આપણે ફરી ક્યારેક વાત કરીશું? તારા અંકલ,  He is so impatient and yes convey my heartfelt condolence to your family.”

    મને કહેવાનું મન તો થયું કે આંટી તમે નિખીલ રાયજાદાના સન્માન માટે એક દિવસ ક્લબમાં જવાનું ટાળી ન શકો? એટલો તો એમનો હક બને છે પણ એ પહેલાં તો સામેથી એમણે ફોન મૂકી દીધો.

    હું જાણું છું  કે હવે આ નંબર પર ક્યારેય વાત થવાની નથી. ફોનનું રિસીવર મૂકતાં મારાથી બોલાઈ ગયું,

    “નિકીકાકા, જીવનભર તમે લાગણીના વાવેતર કરવાનો પ્રયાસ કર્યો પણ આજે લાગે છે કે તમે ઊસર જમીન પર જ વાવેતર કર્યું. ક્યાંયથી કોઈ અંકુર ફૂટ્યા નહીં”

    મારા માટે નિકીકાકાના નિધન જેટલી આ દુઃખન ઘટના હતી.


    માલતી જોશી લિખિત ‘ઉસરમેં બીજ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૩) : નૂરજહાં, લતા અને દેશવિભાજન

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    દેશના ભાગલા પછી નૂરજહાં પાકિસ્તાન ચાલ્યાં ન ગયાં હોત તો હિન્દી ફિલ્મસંગીતની દુનિયાનું કલેવર કેવું બન્યું હોત? આ સવાલનો જવાબ માત્ર તર્ક કરીને આપી શકાય તેમ છે. પણ આ બાબતે કોઈ પણ સમજૂતીને વાજબી ઠેરાવવા માટે ભાગલા પછીના હિન્દી ફિલ્મ સંગીતના ફલક ઉપર લતા મંગેશકરનું શું સ્થાન હતું તેને ધ્યાને લેવું જરૂરી છે.

    અહીં બન્ને ગાયિકાઓ વચ્ચેની સરખામણી અનિવાર્ય બની રહે છે. નૂરજહાં પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને હતાં. એવું સ્થાન કે લતાએ પણ તેમની પાસેથી પ્રેરણા મેળવવી પડે. તેવા ગુલામ હૈદર પાસે ગાયકીની કસોટી આપતી વેળાએ લતાએ પોતે નૂરજહાંથી બહેતર તો નહીં, પણ કમ સે કમ તેમની જેવું ગાઈ શકે છે તેમ બતાવવા માટે તેમનું ગાયેલું ફિલ્મ ‘ઝીનત’(૧૯૪૫)નું ગીત બુલબુલા મત રો યહાં ગાયું હતું. આગળ જતાં બન્નેએ પોતપોતાના દેશમાં ટોચનું સ્થાન ભોગવ્યું. ૧૯૪૭ પછી અને ખાસ તો ફિલ્મી સંગીતના બદલાયેલા માહોલમાં તેઓ સામસામાં હોવાની કલ્પના રોચક છે.

    ભાગલા પહેલાંના સમયગાળામાં નૂરજહાંના સિક્કા પડતા હતા ત્યારે ભારેખમ અવાજોનું ચલણ હતું. ૧૯૪૦ના દશકમાં જોશીલી પંજાબી ધૂનોના ચલણની શરૂઆત થઈ તે અરસામાં શમશાદ બેગમ (લૌટ ગયી પાપન અંધીયારી, ફિલ્મ ખજાનચી-૧૯૪૧) અને નૂરજહાં ( મેરે લીયે જહાન મેં ચૈન હૈ ના કરાર હૈ, ફિલ્મ ખાનદાન-૧૯૪૨) જેવા અવાજો તેવાં ગીતોમાં બંધબેસતા હતા.

    નૂરજહાંના અવાજમાં લાગણી વ્યક્ત કરવાની અને સ્વરોની બારીકીને ગુંથી લેવાની ક્ષમતા હતી. આમ હોવાથી તેમનાં ગાયેલાં ગીતો લાંબા સમય સુધી લોકપ્રિય બની રહેતાં હતાં(દીયા જલાકર આપ બુઝાયા, ફિલ્મ બડી મા-૧૯૪૫). આ ગીતના અંતરામાં કીસી તરાહ સે મહોબત મેં ચૈન પા ના સકે અને ઉપર ઉલ્લેખ થયો છે તે ફિલ્મ ઝીનતના ગીત બુલબુલા મત રોના અંતરામાં આંસુ બહાના હૈ મના જેવા શબ્દો છેડાય છે ત્યારે તેની અસરથી અભિભૂત થયેલા ભાવકને તે અંદરથી સ્પર્શી જાય છે. નૂરજહાંના અવાજમાં ફિલ્મ ‘ગાંવ કી ગોરી’(૧૯૪૯)ના ગીત બૈઠી હૂં તેરી યાદ કા લેકર કે સહારા અને લતાએ ગાયેલા ફિલ્મ ‘લાહોર’ના ગીત તૂટે હૂએ અરમાનોં કી એક દુનિયા બસાયે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે કે  ભાવઅભિવ્યક્તિ અને સ્વરફંગોળ બાબતે નૂરજહાં લતાથી આગળ નીકળી જાય છે.

    બન્ને ગીતો એક જ સાંગીતિક બીબામાં ઢાળવામાં આવેલાં હોય તેમ લાગે છે. લતાએ પોતાનું ગીત ખુબ જ સારું ગાયું છે પણ તેની ગાયકી નૂરજહાંના બૈઠી હૂં તેરી યાદ કા’  જેવી અસર છોડી શકતી નથી. આથી લોકપ્રિયતામાં પણ તેનીથી પાછળ રહી જાય છે.

    સવાલ એ છે કે નૂરજહાંએ પાકિસ્તાન ન જવાનો નિર્ણય કર્યો હોત તો પરિસ્થિતિ શું હોત? શું તેમની ઉપસ્થિતિને લીધે લતાના ભારતની શ્રેષ્ઠ ગાયિકા તરીકેના પ્રાદુર્ભાવ પર અવરોધક અસર પડી હોત? મારો ભારપૂર્વકનો જવાબ છે, ના!

    એ હકીકત છે કે દત્તા કોરેગાંવકર, શ્યામસુંદર અને નૌશાદ જેવા કલ્પનાશીલ સર્જકોએ તેમની ચોક્કસ ધૂનો માટે નૂરજહાંના અવાજનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હોત. વળી ચંદુલાલ શાહ અને શશધર મુકરજી જેવા નિર્માતાઓ ખુરશીદ અને અમીરબાઈની અવેજીમાં લતાના નાની છોકરી જેવા અવાજને લેતાં ખચકાતા હતા.

    પણ, ઘણાં પરિબળોએ લતાને અનુકુળતા કરી આપી. એક હતું પાર્શ્વગાનનો ઉદય. નૂરજહાં માત્ર પોતાને માટે જ ગાતાં હતાં. આથી તેમને એવી જ ફિલ્મોમાં ગાવાની તક મળત, જેમાં તેમની ભૂમિકા હોય. બીજું કારણ હતું બદલાઈ રહેલો માહોલ. સ્વાતંત્ર્ય પછી બીજા વિશ્વયુધ્ધ અને દેશના ભાગલાને લીધે સામાજિક અને આર્થિક તખતો ઝડપથી બદલાવા લાગ્યો. ફિલ્મો અને ફિલ્મી સંગીત ઉપર વેગીલા જીવનપ્રવાહોની અસર વર્તાવા લાગી. ફિલ્મ બરસાતનું ગીત જીયા બેકરાર હૈ આ બાબતને સ્પષ્ટપણે દર્શાવે છે. તે જ સમયગાળામાં શંકર-જયકિશન(બરસાત-૧૯૪૯), રોશન (હમલોગ-૧૯૫૧), મદન મોહન (અદા-૧૯૫૧) અને હેમંતકુમાર (નાગીન-૧૯૫૪) જેવા સંગીતકારો મેદાનમાં આવ્યા, જેઓ લતાના અવાજનો ભારપૂર્વક આગ્રહ રાખતા હતા. અગાઉના પંજાબી સંગીતકારો કરતાં આ બધા અલગ પશ્ચાદભૂમિમાંથી આવતા હતા અને તેમનાં પસંદગીનાં ધારાધોરણો પણ જુદાં હતાં.

    આગળ.. શંકર, સી.રામચંદ્ર, મદનમોહન
    પાછળ.. રોશન, અનિલ બીશ્વાસ, હેમંતકુમાર, મહંમદ શફી, નૌશાદ

    બિનપંજાબી સંગીતનિર્દેશકો માટે લતાનો માધુર્યથી ભરપૂર, તાલિમબદ્ધ અને ત્રણેય સપ્તકોમાં વિસ્તરી શકે તેવો અવાજ ઈશ્વરી વરદાનથી કમ નહોતો. નૂરજહાંના માર્ગદર્શક ગુલામ હૈદરે પણ ફિલ્મ પદ્મીની(૧૯૪૮)ના ગીત બેદર્દ તેરે દર્દ કો સીને સે લગા કે માટે લતાના પાતળા અવાજનો ઉપયોગ કરીને પોતાની બહુમુખિતા પ્રસ્થાપિત કરી હતી.

    એવું ધારી લઈએ કે નૌશાદે ફિલ્મ અંદાઝ (૧૯૪૯)નાં ગીતો તોડ દીયા દિલ મેરા અને ઉઠાયે જા ઉન કે સીતમ ની ધૂનો નૂરજહાંની આભામાં રહીને બનાવી હશે. લતાએ આ ગીતોને અન્ય કોઈ જ ન ગાઈ શકે  એવાં ગાયાં. આગળ જતાં ચંદા રે જા રે જા રે (ઝીદ્દી-૧૯૪૮), મેરે લીયે વોહ ગમ એ ઇંતેજાર છોડ ગયે (અનોખા પ્યાર-૧૯૪૮), (મહલ-૧૯૪૯), કૌન સૂને ફરીયાદ હમારી (દુલારી- ૧૯૪૯) અને દિલ હી તો હૈ તડપ ગયા (આધી રાત-૧૯૫૦) જેવાં લાગણીપ્રચૂર ગીતો વિશે વિચારીએ તો સ્વીકારવું પડે કે સમયસમયે લતાએ જે અસર ઉભી કરી છે તે નૂરજહાં કદાચ ન કરી શક્યાં હોત.

    પાછળ ફરી ને જોઈએ તો નૂરજહાંની વિદાય બહુ મોટી ખોટરૂપ બની રહી છે. લતાએ ગાયેલાં અસંખ્ય ગીતો પણ નૂરજહાંના પ્રમાણમાં નાનકડા પ્રદાનની યાદ મીટાવી શક્યાં નથી. નૂરજહાંએ પોતાના હ્રદયની વાત માની, તેમના માનીતા સંગીતકારો તેની રાહ જોઈ રહ્યા હતા એવા લાહોર જવાનું તેમણે   નક્કી કર્યું એ તેમની નિયતીએ સૂઝાડ્યું હતું. ત્યાં તેમનું એકચક્રી સામ્રાજ્ય જામવાનું હતું, જો નૂરજહાં ભારતમાં રોકાઈ ગયાં હોત અને અન્ય અભિનેત્રીઓ માટે પાર્શ્વગાન કરવાનું સ્વીકારત તો પણ તે લાંબું ટકી ન શક્યાં હોત. સમયના બદલાવ અને નવા નવા સંગીતકારોના આગમન સાથે સીનેસંગીતનો તખતો પણ બદલાઈ રહ્યો હતો. તેમની કાબેલિયત માટે અનુકૂળ વાતવરણ નહોતું રહ્યું. લતાના ઉદય માટે એકદમ યોગ્ય સમય પાકી ગયો હતો.

    નોંધ :

         –   તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે.    

             તેનો કોઈ જ વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામા આવે.

           –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠરી


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

  • બંદિશ એક, રૂપ અનેક : (૯૬): “बरसन लागी रे बदरिया “

     

    નીતિન વ્યાસ

    કજરી બનારસ અને પૂર્વી ઉત્તરપ્રદેશનો પ્રસિદ્ધ લોકગીતનો  પ્રકાર છેઃ આ ગીતો મુખ્યત્વે શ્રાવણ માસમાં ગવાય છે. આ મહિનામાં આકાશમાં આચ્છાદિત વાદળોની કાલિમા, જે કાજળ જેવી કાળી હોય છે તે પરથી તેનું નામાભિધાન થયાનું જણાય છે. પૂર્વી ભારતમાં ભાદરવા કૃષ્ણ ત્રીજને કજરી ત્રીજ કહેવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે. કજરીમાં વર્ષાઋતુમાં નાયિકાનું વિરહવર્ણન અને રાધાકૃષ્ણની લીલાઓનું વર્ણન અધિક થયું છે. બનારસ અને મીરજાપુરની કજરી ખૂબ પ્રસિદ્ધ છે.

    સહુ પ્રથમ કજરી ગીત આજથી ૧૫૦–૨૦૦ વર્ષ પહેલાં થયેલા ભોજપુરી સંત કવિઓમાં – ખાસ કરીને લક્ષ્મી સખીની રચનાઓ રૂપે કજરી ગીતપ્રકાર પ્રાપ્ત થાય છે. મીરજાપુરમાં કજરી ગીતોની સ્પર્ધા યોજાય છે, જેમાં સ્ત્રીઓની સાથે પુરુષો પણ ભાગ લેતા હોય છે. ગવૈયાઓ બે જૂથોમાં વહેંચાઈ જઈને ગીતો ગાય છે. એક દળની વ્યક્તિ પ્રશ્ન કરે છે અને બીજા દળની વ્યક્તિ એનો ઉત્તર આપે છે. આ ક્રમ ક્યારેક આખી રાત સુધી ચાલતો રહે છે. કજરીમાં હૃદયવિદારક કરુણ રસની સાથોસાથ શૃંગાર રસનું પણ મધુર નિષ્પત્તિ હોય છે. કજરીનો લય મીઠો, મધુર અને મનમોહક હોય છે, જેને સાંભળીને શ્રોતાઓ મુગ્ધ થઈ જાય છે. હિંદી ફિલ્મોમાં કજરી ગીતોના પ્રવેશ પછી આ ગીતપ્રકાર ખૂબ લોકપ્રિય થયો છે. કજરીના દૃષ્ટાંત રૂપે શૈલેન્દ્રનું રચેલ, આશા ભોંસલેએ ગાયેલ અને રાગ પીલુમાં ઢાળેલ કજરી ગીત – અબ કે બરસ ભેજ ભૈયાકો બાબુલ, શ્રાવનકો બીજો બુલાય રે – અત્યંત પ્રસિદ્ધ છે.

    કજરીના ગાયકોના ચાર અખાડા પ્રસિદ્ધ છે: (1) પંડિત શિવદાસ માલવીય અખાડા, (2) જહાંગીર અખાડા,(3) વૈરાગી અખાડા અને (4) અક્કડ અખાડા.

    આ અખાડાઓની રમઝટ મુખ્યત્વે બનારસ, બલિયા, ચંદૌલી અને જૌનપુર જિલ્લાઓમાં નિહાળવા મળે છે.

                                                                                                                                            — પ્રવીણચંદ્ર પરીખ (સૌજન્યઃ Gujarati Vishvakosh)

    વર્ષાઋતુ માં આકાશમાં  ઘેરાતાં વાદળો અને સરવાણીનો મંદ મંદ અવાજ નાયિકાને આનંદ વીભોર કરેછે અને સાથે એક વેદના પણ અનુભવે છે. “સાવન કી ઋતુ આયી સજનીયા….. પ્રીતમ ઘર નહિ આયે” અહીં વિરહની વાત છે  બનારસ બાજુની કજરીમાં  મહદ અંશે કૃષ્ણ, રાધા અને ગોપીઓની વાત આવે છે. જયારે લખનઉ માં બાલમ, સાજન વગેરે નો ઉલ્લેખ સાંભળવા મળેછે. આજની બંદિશમાં આ બધું સામેલ છે.

    પ્રથમ સાંભળીએ શ્રીમતી ગિરિજાદેવી સાથે પંડિત રવિ કીચલુ “बरसन लागी रे बदरिया रूम झूम के” રાગ હિંડોળ

    બનારસના  પંડિત શ્રી છન્નાલાલ મિશ્રા આ કજરી સમજાવતાં

    આ કજરીની મજા કથ્થક સાથે માણીયે, કલાકાર છે ઈશ્વરી અને અપૂર્વા દેશપાંડે

    ઉસ્તાદ અમીર ખાં રાગ મિયાં મલ્હારમાં બંદિશ

    સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી રોશનારા બેગમ, રાગ મિયાં મલ્હાર “બરસન લાગી”.

    પતીયાલા ઘરના, શ્રીમતી લક્ષ્મી શંકર, એક સમયે મહાત્મા ગાંધીના “હરિજન” માં સહતંત્રી હતા. તેઓ પંડિત રવિશંકરનાં લઘુબંધુ રાજેન્દ્ર શંકરનાં પત્ની.

    શ્રી કૌશિકી ચક્રવર્તીના સુમધુર અવાજમાં આ કજરી

    https://youtu.be/OhCY_TTQFZU
    બનારસ ઘરના ગાયિકા અબીરા મુખરજી સાથે શરણાઈ અને સારંગી

    બનારસના ડો. સોમા ઘોષ, શબ્દો છે: “बरसन लागी रे बदरिया सावन की, मोरी सारी चुनरिया बिग गयी II

    સંગીતા બેનરજી, કજરી રાગ હિંડોળ

    ઉસ્તાદ બરકતઅલી ખાં , દાદરા

    “बरसन लागी सावन बुंदिया राजा
    तुम बिन लागे मोरा जिया II”

    રાગ મિશ્ર પીલુ, ગાયિકા શ્રી અશ્વિની ભીડે

    बरसन लागी सावन बुंदिया
    प्यारे बिन लागेना मोरी अखियाँ II

    શ્રી સયાલી પ્રભુની સરસ નૃત્ય પ્રસ્તુતિ

    સિંગાપુરના શ્રી સુનેના ગુપ્તા નું કથ્થક

    શ્રી શ્વેતા સારસ્વત નું કથ્થક

    હવે સાંભળીયે પિયાનો સંગાથે પંડિત ગણેશ પ્રસાદ મિશ્ર

    રાગ મિશ્ર પીલુ માં ઠૂમરી, ગાયક શ્રી જાવેદ અલી

    સુપ્રસિધ્ધ ગાયિકા શ્રી માલિની અવસથી

    અંતમાં શ્રી મીરાંબાઈ નું ભજન યાદ કરીયે:

    ” મીરાંબાઈ” ચિત્રકાર કલાગુરુ શ્રી રવિશંકર

    बरसे बदरिया सावन की।
    सावन की मन भावन की॥

    सावन में उमंगयो मेरो मनवा। 
    झनक सुनी हरि आवन की॥

    उमड़ घुमड़ चहुँ देस से आयो। 
    दामिनी धमके झर लावन की॥

    नन्हे नन्हे बूंदन मेघा बरसे।   
    शीतल पवन सुहावन की॥

    मीरा के प्रभु गिरिधर नगर।
    आनंद मंगल गावन की॥


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.