મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
‘પછી શામળિયોજી બોલિયો, તને સાંભરે રે’ એ કવિતા ભણવાને કારણે પ્રેમાનંદ કવિ છે તેનો ખ્યાલ તો હતો જ. પછી સાતમા ધોરણમાં નવલરામ પંડ્યા લિખિત તેમના વિષે એક પાઠ વાંચ્યો. તેમાં ‘તેના પેગડાંમાં પગ ઘાલે એવો કોઇ પણ ગુજરાતી કવિ જનમ્યો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ!’ આવું વાંચવામાં આવ્યું. આથી કવિ પ્રેમાનંદ ક્યારેક ઘોડા પર બેસીને શિકાર કરવા જતા હશે એવું ચિત્ર ઉપસ્થિત થતું. પરંતુ પછી આગળ વાંચ્યું કે એ ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે રડાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. આથી તે બાળકોને હસાવીરડાવીને રમાડનાર વડીલ જેવા લાગતા. પરંતુ મોટી ઉંમરે સમજાયું કે તે પાઠ ‘વિવેચન’ નામનો સાહિત્યનો એક પ્રકાર હતો. પછી તો એ કવિ માટે નવલરામ કથિત ‘એક રસમાંથી બીજા રસમાં આપણને ખ્યાલ ન આવે તે રીતે છટકી જતા હોવાથી પ્રેમાનંદની શૈલી ‘નહિ સાંધો નહિ રેણ’ એ વિધાનની વિદ્વાનો દ્વારા વારંવાર થયેલી પુનરોક્તિને કારણે જ્યારે પણ કોઈ વાસણને રેણ કરાવવા જવાનું થતું ત્યારે રેણ કરનાર કારીગરને બદલે મને પ્રેમાનંદ અને નવલરામ એમ બન્ને પ્રત્યક્ષ થતા.
પ્રેમાનંદ વિશેનું વિવેચન અનેક વાર મારા વાંચવામાં આવ્યા છતાં તેમની એક પણ કૃતિ પૂરેપુરી વાંચી ન હતી. મારા જેવા માતૃભાષાના પ્રેમી માટે આ બરાબર ન કહેવાય એમ લાગવાથી નળાખ્યાન પર કળશ ઢોળીને આખેઆખું વાંચી લીધું. વાંચ્યા પછી સાહિત્યના જુદા જુદા રસો સહજ રીતે નિષ્પન્ન કરવાની પ્રેમાનંદની કુશળતા બાબતે અનેક વિદ્વાનોના મત સાથે સંમત થવું પડ્યું. તેમાંથી અહીં માત્ર તેમના હાસ્યરસનો જ એક નમૂનો પીરસવાનો ઇરાદો છે અને તે માટે ‘નળાખ્યાન’નાં ત્રેપનમાં કડવાની 12 થી 54 સુધીની કડીઓ પસંદ કરી છે.. દમયંતીને પરણવા માટે તલપાપડ થયેલા ઋતુપર્ણ રાજાને બાહુક (મૂળે તો નળ રાજા પોતે) ટટળાવે છે તથા દુર્બળ ઘોડાનું અજોડ વર્ણન કરીને પ્રેમાનંદ ખૂબ જ કુશળતાથી હાસ્યરસ ઉત્પન્ન કરે છે. પરંતુ એ કડીઓ મૂકતા પહેલા પૂર્વભૂમિકા તરીકે નળાખ્યાનની જાણીતી કથાનું વાચકમિત્રોને સ્મરણ કરાવવું જરૂરી લાગ્યું.
નળ રાજા સદગુણી, સુંદર અને અશ્વવિદ્યા જેવી વિદ્યાઓનો જાણકાર હોવાથી દમયંતીએ તેમની સાથે લગ્ન કર્યા અને યુધિષ્ઠિરની જેમ સત્યવાદી હોવાથી તેમણે જુગાર રમવું પડ્યું ને રાજપાટ ગુમાવવા ઉપરાંત પત્ની સાથે વનમાં ભમવું પડ્યું. મોકો જોઇને કલિ(કલિયુગ)એ તેમનામાં પ્રવેશ કરેલો હોવાથી તેમણે દમયંતીનો ત્યાગ કર્યો. આગળ જતા કર્કોટક નામનો નાગ કરડવાથી તેઓ કાળા અને કુરૂપ બની ગયા. પરંતુ રૂપ બદલવાને કારણે તેમને ફાયદો એ થયો કે તેઓ પોતાનું નામ બાહુક તરીકે બદલીને ઋતુપર્ણ રાજાને ત્યાં અશ્વપાલ તરીકે ઉંચા પગારની નોકરી મેળવી શક્યા.(રાજા નળને તો કોણ નોકરીએ રાખે?)
આ બાજુ દમયંતીની ભાળ મળતા તે સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા પોતાનાં પિતૃગૃહે પહોંચી. નળની પુન:પ્રાપ્તિ માટે દમયંતીએ પિતા દ્વારા સ્વયંવરનું તરકટ રચાવ્યું. તે સમયે તારટપાલ કે વોટ્સેપ દ્વારા આમંત્રણ મોકલવાની વ્યવસ્થા ન હોવાથી બ્રાહ્મણ સુદેવે ઋતુપર્ણ રાજાને આમંત્રણપત્રિકા આપવા રૂબરું જવું પડ્યું. પરંતુ તે (પૂજાપાઠમાં વધારે વ્યસ્ત રહ્યો હોવાથી) આમંત્રણ પહોંચાડવામાં મોડો પડ્યો. પરિણામે સ્વ્યંવરમાં પહોંચવા માટે સમય ઓછો રહ્યો હોવાથી ઝડપી ઘોડા દોડાવવા માટે ઋતુપર્ણે અશ્વવિદ્યાના જાણકાર એવા પોતાના કર્મચારી ‘બાહુક’ ની રથના ડ્રાઇવર તરીકે સેવા લીધી.
આટલી પૂર્વભૂમિકા પછી આપ વાચકમિત્રો અને પ્રેમાનંદ વચ્ચેથી ખસી જઈને નળાખ્યાની આગળ જણાવ્યા પ્રમાણેની કડીઓ જ મૂકી દઉં છું. આ કડીઓને અંતે અઘરા લાગતા કેટલાક શબ્દોના અર્થો પણ મૂક્યા છે.
-સભા માંહી બેઠા સહી, પરધાન બોલ્યા વચન, ‘પેલો બાહુક શે અરથે આવશે, બેઠો વણસાડે છે અન્ન? 12’
ઋતુપર્ણ આનંદ પામિયો, મોકલ્યો સેવક; ‘ લાવ તેડી બાહુકિયાને, જાણે ગયાની તક’: 13
શ્વાસ ભર્યો દાસ આવ્યો, અશ્વપાલકની પાસ: ‘ઊઠો ભાયા, ભૂપ તેડે, ગ્રેહવા પરાણો રાશ.’ 14
ચાલ્યો બાહુક ચાબકો ઝાલી, મુખે તે બબડતો: આવ્યો નીચી નાડે નીરખતો, નાકે સરડકા ભરતો 15
સભામાં સહુ હાસ્ય કરત, ‘આ રત્ન રથ ખેડન’! ઋતુપર્ણ બોલ્યા માન દેઈ, આવો દુ:ખફેડન 16
ઘણે દિવસે કામ આવ્યું, રાખો માહરી લાજ: તમે પરણાવો દમયંતી, વૈદરભ જાવું આજ. 17
સમુદ્ર સેવ્યો રત્ન આપે, મેં રાખ્યા એવું જાણી; આજ વૈદરભ લઈ જાઓ, તો ગ્રહુ દમયંતીનો પાણિ 18
બાહુક વળતો બોલિયો, ફુલાવીને નાસા; ‘ આ ભિયા પરણશે દમયંતીને! અરે પાપિણી આશા! 19
હંસકન્યા કેમ કરે વાયસશું સંકેત? નિર્લજની સાથે ન નીસરું, અમે થાઉ ફજેત, 20
છછોરા ન થઈએ છત્રપતિ, પરપત્નીને શું તલખા? કેમ વરે વર જીવતા? એ મિથ્યા મારવા વલખાં. 21
પુણ્યશ્લોકની પ્રેમદા, ને ભીમક તણી પુત્રી: તમો વિષયીને લજ્જા કશી? અમો પડું ઉતરી,’ 22
રાય કેહે, ‘માહારી વતી, હયપતિ હય હાંકો; માહરે તો સર્વસ્વ ગયું, તમો જે વારે ના કહો’ 23
બાહુક વળતો બોલિયો, ‘જાંહા હોયે સ્વયંવર અંતર નહીં સ્વામીસેવકનો, આપણ બન્યો વર’ 24
હાસ્ય કરીને કેહે રાજા, વર તમો પ્રથમ; ભાગ્ય ભડશે કન્યા જડશે, ત્યાં જઈએ જ્યમત્યમ’ 25
દુબળા ઘોડા ચાર જોડ્યા, રથ કીધો સાવધાન; શીઘ્ર ત્યાંહા શણગાર સજવા સંચર્યો રાજન 26
રાણી કહે ઋતુપર્ણને, ‘પરહરી ઉપર પ્રેમ; ક્ષત્રી થકા કરો ઘઘરણું, નહીં હોય અંતે ક્ષેમ .27
પતિએ તજી તે અણસતી, કાંઈ એક ગોરી ગુધ, બાહુક વડે તે પામવી, રાય થયું ઉજળું દૂધ, 28
સુર્યવંશી તણી શોભા તમથી ઝાંખી હોઈ’ રીસ ચડી ઋતુપર્ણને, પછે ધણિયાણી ધફોઈ. 29
‘અમો ભ્રમર કુસુમ કોટી સેવું, તું શું ચલાવા ચાલ? વીજળી સરખી લાવું વૈદર્ભીને, તું ને શૉકનું સાલ’ 30
એમ કહી સભામાં આવિયો, દુંદુભિ રહ્યાં ગાજી; રીસ કરી કહ્યું બાહુકને કાં જોડ્યા દુર્બળ વાજી? 31
કાન લુલા, ચરણે રાંટ, બગાઈ બહુ ગણગણે; અસ્થિ નીસર્યા, ત્વચા ગાઢી, ભયાનક હણહણે 32.
ચારે ન હોયે ચાલવાના, આગળ નીચા પૂંઠે ઊંચા; ખુંધા ને ખોડે ભર્યા, બે કરડકણા બે બુચા. 33
પવનવેગી ને પાણીપંથા, શત જોજન હીંડે ઠેઠ; એહવા ઘોડા મૂકીને, કાં જોડ્યા દૈવની વેઠ?’ 34
બાહુક કેહે શી ચેષ્ટા માંડી? ઓળખો અશ્વની જાત? જો પુષ્ટ હયને જોતરશો તો હું નહી આવુ સંઘાથ.’; 35 અશ્વ રાખો રથ હાંકો,’ ચઢી બેઠો ભૂપાલ; રાશ-પરાણો પછાડિયો, બાહુકને ચઢિયો કાળ 36
આતીવાર લગે લાજ રાખી, બોલ્યો નહિ માંમૂચ; આગળથી રથ કેમ બેઠો હું પે તું તે ઊંચ?’ 37
ઋતુપર્ણ હેઠો ઉતર્યો, વિવિધ વિનય કરતો; જાય ભૂપ પાસે, બાહુક નાસે, રથ પૂંઠે ફરતો, 38
પ્રણિપત્ય કીધી ઋતુપર્ણે, ‘હયપતિ હઠ મૂકો; ઉપગારી જન અપરાધ માહરો , બેઠો તે હું ચૂક્યો.’ 39
બાહુક કહે ‘જદ્યપિ રાશ ઝાલુ, બેસીએ બેહુ જોડે; તુજને હરખ પરણ્યા તણો, તેમ હુંયે ભર્યો છૌં કોડે’ 40
સાહામસાહામાં ચક્ર ગ્રહીને, બન્યો સાથે ચઢિયાં; એડી દીધી બાહુકે, ત્યારે અશ્વ ઢળીને પડિયા. 41
મુગટ ખસિયો રાયજીનો, માનશુકન ત્યાંહાં હુઆબાહુકે અશ્વ ઉઠાડિયા, હાંકે ને કહે ધણી-મુઆ! 42
‘અન્ન તેહેવા અશ્વ નિર્બળ,’ ખાંચે ખીજી ખીજી. રાય કહે ‘લોક સાંભળે, હું વિના ગાળ દો બીજી’ 43
સુદેવ તાણી બેસાડિયો, રાય ચડાવે ડોળા; શેરીએ શેરીએ જાન જોવાં ઊભાં લોકના ટોળાં. 44
દુર્બળ ઘોડા, દરિદ્રી બ્રાહ્મણ, જોગ્ય સારથીનો જોડો; વૈદર્ભીને વરવા પધારે ભલો ભજ્યો વરઘોડો! 45
હાંકે ને હીંડે પાછા પાછા, જૂંસરા કાઢી નાખે; તાણી દોડે ઘર ભણી, ઊભા રહે વણરાખ્યે 46
પુષ્ઠ ઉપર પડે પરાંણા, કરડવા પાછા ફરે, પહોળે પગે ઊભા, વારવાર મળમૂત્ર કરે. 47
રાઉ કહે ‘હો હયપતિ, નથી વાત એકો સરવી’ બાહુક કહે ‘ચંતા ઘણી છે મારે દમયંતી વરવી’ 48
ઘણે દોહેલે ગામ મૂક્યું, રાયે નિસાસા મૂક્યા; પૂણ્યશ્લોકે હેઠા ઉતરી કાન હૈયના ફૂંક્યા. 49
અશ્વમંત્ર ભણ્યો ભૂપતિ, ઇંદ્રનું ધરિયું ધ્યાન; અશ્વ ચારે ઊડતા, ઉચ્ચૈ:શ્રવાને સમાન 50
અવનીએ અડકે નહીં, રથ અંતરિક્ષ જાય; દોટ મુકી બેઠો બાહુક, ‘રખે પડતા રાય’ 51
માંહોમાંહે વળગી બેઠા, ભૂપ ને બ્રાહ્મણ; રાય વિમાસે , વરે કન્યા, વરુઆમાં વશીકર્ણ! 52
કામણગરો કાળિયો, એહેના ગુણ છે રસાળ; ત્રણ કોડીના ટાટુઆં કીધાં પંખાળ! 53
હસી રાજા બોલિયો, થાબડી બાહુકનાં સ્કંધ; ‘તાહરે પુણ્યે માહારે થાશે. વૈદર્ભી શું સંબંધ 54-
અઘરા શબ્દો
વણસાડે છે=બગાડે છે. વાયસ=કાગડો,, તલખાં=તલસે છે, ભડશે=લડશે,
એ ગોરીમાં ગુધ= એ ગોરીમાં કંઇક કહેવાપણું, ખામી, વણસાડે છે=બગાડે છે, પરાણો=પરોણો, લાકડી,
આ ભિયા= આ ઋતુપર્ણ રાજા, છાછેરા=છીછરા, હલકા, પરસ્ત્રીને શું તલખા=પરસ્ત્રીને શા માટે તલસવું?
જે વારે ના કોહો = જ્યારે ના કહેશો, ઘઘરણુ=નાતરુ, પુનર્લગ્ન ધફોઈ= મારીને, ફટકારીને,
પુષ્ટ હય=મજબૂત ઘોડા, માંમૂચ=અસ્પષ્ટ, ધણી-મૂઆ= જેનો ધણી મરી ગયો છે (બાહુકે આ રીતે ઋતુપર્ણને ગાળ દીધી.) ખાંચે= ખચકાય, પ્રણિપત્ય= વિનંતિ, જૂંસરા= ધુંસરી
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.