કેપ્ટન નરેંદ્ર ફણસે

ભારતને અલવિદા કર્યા બાદ પણ હિમાલયમાં વિતાવેલા દિવસોની યાદ પુસ્તકમાં રાખેલા સ્મૃતિનાં સુગંધી પુષ્પ જેવી તાજી જ રહી. સમયનું પુસ્તક ખોલતાં આ ગુલાબની પાંખડીઓમાં રહેલી યાદગીરીની મહેક ફરીથી માનવીને લઈ જાય છે સ્મૃતિવનમાં…

આવી જ એક પાંખડીમાંથી પમરાતી ખુશબો મને લઈ ગઈ તંગધારનાં મારાં

સેક્ટર હેડક્વાર્ટરની એક ચોકી – ‘બડા ચિનાર’ પર. બડા ચિનાર અને ‘સામેવાળા’ની ચોકી વચ્ચેનુંઅંતર કેવળ ૨૦૦ ગજનું. બંને ચોકીઓની વચ્ચે કૃષ્ણગંગા નદી વહે. પુરાણોમાં અને આપણે હજી પણ તેને કૃષ્ણગંગા કહીએ, પણ પાકિસ્તાનના નકશા તેને નીલમ નદી કહે છે.

નદીના વહેણના મધ્યમાં હતી LOC – લાઈન ઑફ કન્ટ્રોલ. ૧૯૭૧ની લડાઈ બાદ બંને દેશો વચ્ચે આ LOC નક્કી કરવામાં આવી હતી. બંને દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં આ “લીટી” નકશામાં નોંધવામાં આવી અને તેના પર સહીસિક્કા થયા. જમીન પર જઈને જોઈએ તો કોઈને ખબર ન પડેકે LOC ક્યાં છે. તેના માટે તો નકશો તથા હોકાયંત્ર જ જોઈએ. મારી ચોકીથી  LOC કેવળ ૫૦ મિટર દૂર વહેતી કૃષ્ણગંગા નદીની વચ્ચોચ્ચ હતી.  ત્યાંથી પાકિસ્તાનના કબજાના કાશ્મિરનું ગામ ટોપા મુર્તુઝા દૂરથી દેખાય.

એક રાતે આ ગામમાં પેટ્રોમૅક્સની બત્તીઓનો ઝગઝગાટ જોવામાં આવ્યો. સાથે લાઉડસ્પિકર પર પોથવારી-મિરપુરી ભાષાના ગીતો સંભળાયા. પોથવારી-મિરપુરી ભાષા કાશ્મિરી ભાષા કરતાં સાવ જુદી હોય છે અને જમ્મુ વિસ્તારની ડોગરી ભાષા સાથે તેનું ઘણું સામ્ય છે.

અમને સહેજ જિજ્ઞાસા થઈ. બીજા દિવસે અમારા ગામના સરપંચને અમે આ વિશે પૂછ્યું તો તેનો જવાબ સાંભળી અમને નવાઈ લાગી.

“અરે સાહેબ, પેલા ગામનો રહેવાસી મલિક મિયાં જે કેટલાક વર્ષથી યુરોપમાં રહે છે તે રજા પર આવ્યો છે. તેણે આજુબાજુના બધા ગામવાસીઓને દાવત માટે બોલાવ્યા હતા.”

“એમ કે? શાની દાવત હતી?”

“મલીકે કોટલી શહેરની બાજુના તત્તા પાની ગામમાં નિકાહ કર્યા તેની પાર્ટી હતી.”

મને નવાઈ લાગી કે નદી પારના પરાયા મુલકમાં જે કાંઈ થતું હોય છે, તેની રજેરજની માહિતી તરત જ અહીં પહોંચી જતી હોય છે!

બડા ચિનારમાં કેટલાક મહિના ગાળ્યા બાદ મારી કંપની ૧૪૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલ ફૉર્વર્ડ ડિફન્ડેડ લોકૅલિટીમાં ગઈ. નવી જગ્યા નવો દાવ, નવા અનુભવ અને હાડ ગાળી નાખે એવી  ભૂમિમાં અનંત કાળ જેવા લાગતા બે વર્ષ રહ્યો. ત્યાર પછી સમય તેજ ગતિથી વહેવા લાગ્યો અને આ સિપાહી તેમાં તણાઈ ગયો. ફોજ છોડી લંડન ગયો જ્યાં મારા પ્રિયજનો છેલ્લા ચાર વર્ષથી મારી રાહ જોઈ રહ્યા હતા.

***

લંડનમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં કામ કર્યા બાદ મને લંડનની એક બરો કાઉન્સિલના સોશિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટમાં કમ્યૂનિટી ડેવેલપમેન્ટ ઑફિસરની નોકરી મળી. આ કામ કાઉન્સિલના સોશિયલ વર્કર્સ સાથે મળીને ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકોને મદદરૂપ થવાનું, અને સોશિયલ સર્વિસીઝ ઍક્ટ મુજબ જે જે સેવાઓ તેમને મળવી જોઈએ, તે મેળવી આપવાનું કામ હતું.

સમાજ સેવા વિભાગમાં કામ પર હાજર થયો ત્યારે મને આપવામાં આવેલ Case-loadમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. તેમની કેસ ફાઈલ્સ જોઈ રહ્યો હતો ત્યાં મારાં ટીમ લીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની ઑફિસમાં ગયો.

“તમે મિસ્ટર જીની ફાઈલ જોઈ? મિસ્ટર જીના ઘરમાં આજે અચાનક આગ લાગી. મિસેસ જી તેમાં સપડાઈ ગયાં. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. અત્યારે તેમની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. આ crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઈને મિસ્ટર જી તથા પોલીસને બને એટલી મદદ કરશો. કોઈ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટિનને મોકલીશ.” ક્રિસ્ટિન અનુભવી સોશિયલ વર્કર હતી.

તે દિવસે સવારના જ મેં મિસ્ટર જીની ફાઈલ ઉતાવળમાં જોઈ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો ત્યાં આ બનાવ બની ગયો.

ટૂંકમાં તેમની વિગત આ પ્રમાણે હતી :

નામ : મિસ્ટર અહેમદ જી (સ્પેલિંગ હતો Mr A. Jea).

ઉમર ૭૫;

પરિવારમાં પત્ની અને ૧૬ વર્ષનો પુત્ર.

અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઈલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’.

મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!

મિસ્ટર જી કાઉન્સિલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઈને જોયું તો તેમનાં કમ્પાઉન્ડમાં પોલીસની રોવર કાર હતી અને નજીકમાં ફાયર બ્રિગેડનો બંબો. હું જેવો પહોંચ્યો કે રોવરમાંથી પોલીસના સાર્જન્ટ બહાર આવ્યા અને અકસ્માતની વિગત આપતાં કહ્યું, “મિસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઈ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને પણ આની સૂચના મળી. અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા, તેમને અમે હૉસ્પિટલ પહોંચાડ્યા છે, પણ તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. અમારે તેમની સાથે વાતચીત કરી રિપોર્ટ તૈયાર કરવાનો છે. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નીનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.

પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પિટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખૂણામાં જી સાહેબ બેઠા હતા.અમને જોઈ તે ઊભા થયા. છ ફીટ ઊંચા, સફેદ દાઢી, મૂછ લગભગ મૂંડેલી, માથા પર જાળીદાર ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.

મેં તેમને અસ્સલામુ- આલેઈકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઈકૂમ અસ્સલામ કહી મને સવાલ પૂછ્યા ત્યારે હું ચકરાઈ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. વચ્ચે એકાદ’બે શબ્દ ઉર્દુ-પંજાબીના વાપરતા હતા!

કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ગડરિયા કોમના સંપર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાતસમજી શકતા હતા અને મુશ્કેલીથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલીસની કારવાઈ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ અને રાષ્ટ્રિયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ બે માનવ. તેઓ મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ  ફેરવતો રહ્યો. પોલીસ સાર્જન્ટને દયા આવી. તેઓ જલદીથી જઈ પાણીનો ગ્લાસ લઈ આવ્યા.

થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી જી સાહેબે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દીકરો હતો.

બ્રિટનમાં સ્ટિરિયોટાઈપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી.

ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઈએ. પટેલ નહીં તો શાહ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ અથવા શાહ જ ધારે.

મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા વ્યાવસાયિક સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પિટલ સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઈ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી અક્રમખાન મલિક આવી પહોંચ્યા. અક્રમખાનની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઈ તરત જણાઈ આવ્યું કે તેમને ભારતીયો પ્રત્યે વિશેષ પ્રેમભાવ નહોતો.

“તમે ઈન્ડિયન અમારા માટે કશું કરવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે તમે હિંદુઓ…..”

મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “એક્સક્યુઝ મી, પણ મારે મિસ્ટર જીને રહેવા માટે કાઉન્સિલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત  કરવા જવાનું છે. ફ્યુનરલની વ્યવસ્થા કાલે પોસ્ટમોર્ટમ બાદ કરીશું. કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સિલની હોય છે તેથી તેની વ્યવસ્થા  કરવા મારે હમણાં જ નીકળવું જોઈશે. તમે સજ્જાદને બોલાવી આપશો તો આભાર.”

અક્રમ મલિક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઈ ગયા. જુઓ, જ્યાં સુધી કાઉન્સિલના મકાનની સગવડ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર જીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઈ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલનીવાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો. તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, ‘તમારા કામમાં કોઈ ખામી રહી જાય તો વાત ‘ઠેઠ ઉપર સુધી’ જશે. તો મન લગાડીને કામ કરજો!’Colonial મનોવૃત્તિનો આ સારો નમૂનો હતો!

સોશિયલ સર્વિસીઝમાં જોડાતાં પહેલાં હું કમ્યૂનિટી ડેવેલપમેન્ટ ઑફિસર હતો. મારા કામ માટે સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો મેં ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસિંગ, ક્રૉનિકલી સિક ઍન્ડ ડિસેબલ્ડ પર્સન્સ ઍકટ જેવા કાયદાઓનું જ્ઞાન હોવાથી મારૂં કામ ઝડપથી પૂરૂં થયું.

અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વીજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઈ ગઈ.

ત્રણે’ક મહિનામાં કાઉન્સિલે  મિસ્ટર જીનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેંતેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.

એક દિવસ ઑફિસમાં તે આવ્યા. મને કહે, “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઈએ એવું મારૂં માનવું છે.મીરપુરમાં મારા નાના ભાઈની દીકરી સાથે તેના લગ્નની વાત થઈ ગઈ છે. જો લગ્ન થઈ જાય તો આ ડોસાની સેવા થશે. અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમિત મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”

“જુઓ ચાચા, સજ્જાદ મારો દીકરો હોય તો હું આટલી નાની ઉંમરે તેના લગ્ન ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.”

કાકા થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સંપર્ક ન રહ્યો.

મારૂં કામ એવું હતું કે મને મળવા આવનાર ક્લાયન્ટને પહેલેથી ઍપોઈન્ટમેન્ટ લેવી પડે. ફક્ત બુધવારે ‘ઓપન હાઉસ’ જેવી વ્યવસ્થા રાખી હતી. તે દિવસે મને મળવા આવનાર વ્યક્તિ રિસેપ્શનમાં બેસી નંબર વાર આવીને મને મળે. એક બુધવારે આઝાદ કાશ્મીર એસોસીએશનના એઅક્રમ મલિક મને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સિલર (કૉર્પોરેટરના સમકક્ષ) તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રિપોર્ટ મળ્યા છે. તમારા ડિપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમિટીનો હું મેમ્બર છું. ખેર. પેલા મિસ્ટર જી તમને હજી મળે છે કે? તમને  ખબર છે કે તેમની બીબી કુલસુમ બેગમે ખુદકુશી કરી હતી?”

આ વાતની મને તે સમયે જ જાણ થઈ હતી, પણ client confidentialityના નિયમને કારણે મેં તેનો જવાબ ન આપ્યો.

“કુલસુમ બહુ ફેશનવાળી હતી. સિનેમા, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું….”

“મિસ્ટર મલિક, આય ઍમ સૉરી, પણ આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે…”

“ઓ.કે. કશો વાંધો નહીં. મને થયું કે અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઈએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી લાઈફ- સ્ટાઈલ જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો તમને ખ્યાલ આવે. હવે જુઓ,મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. પાંચ વારની નમાઝ, કરવામાં અને સાદગી ભર્યું જીવન જીવવામાં માને. તેવામાં તેમનાં પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડો થતો અંતે….” કહી કાઉન્સિલર સાહેબ ઘડિયાળ સામે જોઈ ઊભા થયા અને અગત્યની મીટિંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા. સાંસ્કૃતિક વાત કરવાને બહાને તેઓ કૂથલી કરીને ચાલ્યા ગયા!

આ વાતને ચાર-પાંચ મહિના થઈ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા હું બહાર નીકળતો હતો ત્યાં મેં સજ્જાદને રીસેપ્શનમા જોયો.

“ઓહ મિસ્ટર પટેલ, આય ઍમ સૉરી કે એપૉઈન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. આ તમારા માટે લાવ્યો છું,” કહી તેણે મને ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારાં લગ્ન થઈ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.” સજ્જાદ અસ્ખલિત અંગ્રેજી બોલતો હતો.

ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનિસ્ટને આપ્યો. અમારી ઑફિસમાં મદદ માટે આવતી બહેનોનાંબાળકોને આવી ‘ગિફ્ટ’ વહેંચાતી. હું સજ્જાદને ઈન્ટરવ્યૂ રૂમમાં લઈ ગયો.

“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”

“મારી પત્ની પરવીન હાઈસ્કૂલ સુધી ભણી છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. અમારા ઘરમાં ડૅડી અને પરવીન  સાથે રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. ડૅડીને પરવીનનાં વર્તનમાં મારાં મમી દેખાય છે અને તેઓ અત્યંત દુ:ખી છે. પરવીન પણ ખુશ નથી.”

“તારા ડૅડી બે-ત્રણ મહિના તારા મોટા ભાઈ વાજીદને ઘેર અને ત્રણે’ક મહિના તારે ત્યાં વારાફરતી રહે તો કોઈ ફેર પડે ખરો?”

“વાજીદ મારો ભાઈ નથી. એ તો અમારા ગામના મુખીનો નાનો દીકરો છે. ડૅડીએ અહીં બ્રિટન આવવા માટે મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેનીસાથે કોઈ સંબંધ નથી. બ્રિટન આવી રહેલા મીરપુરી પરિવારોમાં આવી બાબતો સામાન્ય હતી.

“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઈશું કોઈ હલ નીકળે છે કે કેમ..”

સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઈ.
બીજા કે ત્રીજા બુધવારે મારા ઓપન હાઉસમાં મિસ્ટર જી આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.

“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરીની ચાલ ઢાલથી હું બહુ પરેશાન છું. એના બનેવીનો લંડનમાં બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા ડિઝાઈનર સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઈએ. મારાથી આ જોવાતું નથી. હું વતન પાછો જાઉં છું. જિંદગીના છેલ્લા દિવસ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”

ટોપા મુર્તુઝા! તત્તા પાની! તંગધાર! કૃષ્ણગંગા!

મારા મગજમાં ‘બ્લીપ્’ થઈ. મારા અંતર્મનના એક પડમાં છુપાયેલી યાદ અચાનક બહાર આવી ગઈ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઈન ઑફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઈ જોઈ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા.

“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તત્તાપાની ગામનાં તો નહોતાં?”

આશ્ચર્યની નજરે મારી તરફ જોઈ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”

“ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે કહી હતી ના તો અહેમદ મલિક – ઉર્ફ મિસ્ટર જીએ. વર્ષો પહેલાં વાત કહેનાર હતો મારી બડા ચિનાર ચોકી પાસેના ગામનો મુખી ગુલામ હૈદર.

કલ્પના કરતાં સત્ય કેટલું અદ્ભૂત હોય છે!


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com