એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

બીજું કોઈ પોતાનાં કાર્યોની, વ્યક્તિત્વની પ્રશંસા કરે એ માનવીને હંમેશા ગમતું હોય છે. ઘણા એવું કહેતા હોય છે કે “મને પ્રશંસાની કદી પડી નથી હોતી, હું તો મારું કામ કર્યે જાઉં છું.” આવા લોકોને તેમની આ બાબતની પ્રશંસા લોકો કરે એ ગમતું હોય છે! ડૉક્ટર પણ આખરે તો માણસ જ હોય છે, એટલે આમાંથી એ બાકાત નથી હોતો. વાત એટલી જ કે કેટલું તટસ્થતાપૂર્વક લેવાય છે.

ડૉ. પરેશને ડૉક્ટર તરીકે, સર્જન તરીકે મોટેભાગે પ્રશંસા જ મળી છે, છતાં કોઈવાર અવગણના કે અપમાનનો અનુભવ પણ થયો હતો.

“ભાઈ તમે આમ અંદર ના આવી જાવ, હું દર્દીને તપાસી લઉં પછી આવો.”

“કેમ, તારે મને નથી તપાસવો?”

“તનેય તપાસીને દવા આપીશ, પણ હમણાં તું બહાર જા, આના પછી આવ.”

આવનાર ધૂંવાંપૂવાં થતો બહાર તો ગયો, પણ ફરીથી અંદર આવ્યો ત્યારે કહે,

“ડૉક્ટર, તમે મને ઓળખતા નથી, બીજો કોઈ હોત તો આનાથી (પિસ્તોલ કાઢીને) એક ધડાકે ઉડાવી દીધો હોત! મને તુંકારે બોલાવનાર હજી સુધી પાક્યો નથી.”

“ભાઈ, તમે જે કોઈ હોય તે! દર્દીની અંગત વાતો પણ જાણવી મારે જરૂરી હોય છે, તેથી હું પૂછતો હોઉં છું. બીજો દર્દી હોય તો એની પ્રાઇવસી જળવાય નહીં, એટલે મેં ના પાડી હશે! બાકી, તમે જ કહો, તમને ઉઘાડા કરીને હું તપાસતો હોઉં અને કોઈ બીજો જુએ-સાંભળે તો તમને કેવું લાગે?”

આખરે એ થોડા શાંત થયા. ડૉ. પરેશે તપાસ કરી, અને એક Minor Surgical Procedureની સલાહ આપી, પણ એ કહે કે હું બીજે જઈને ઑપરેશન કરાવીશ!

બન્યું એવું કે તેણે જ્યાં ઑપરેશન કરાવ્યું, તેનાથી એને સારું થયું નહીં, અને દુઃખાવો એટલો વધી ગયો કે એનાથી બેસાય-ઉઠાય નહીં. ફરીથી એ ડૉક્ટર પાસે પાસે આવ્યો.

“સાહેબ, હવે તમે જ કંઈક કરો.”

ડૉક્ટરે તપાસ્યું તો ખબર પડી કે Piles (Haemorrhoids)નું ઑપરેશન (સર્જિકલ) કરી, ગુદાદ્વારને સહેજ આંગળીથી ઢીલું કરવું પડે (Anal Dilatation), તે થયેલું નહીં, તેથી દુઃખાવો હતો.

“ફરીથી કમરમાં ઇન્જેક્શન આપીને નીચેનો ભાગ બેભાન કરીને જે નાનું કામ બાકી છે તે કરવું પડશે. તમને સારું થઈ જશે.”

તે તરત જ માની ગયો. અને ઑપરેશન પછી ખુશ થઈ જતાં ડૉક્ટરનો આભાર માનીને નમસ્કાર કરીને ગયો.

+                    +                 +

એક વાર ડૉ. પરેશ પોતાના કુટુંબ સાથે ફિલ્મ જોવા ગયો હતો, ત્યારે એક જાપાનીઝ બાળક દોડતો આવીને તેમના ખભા પર ચડી ગયો. શું થયું એ સમજાય એ પહેલાં એ બાળકની મમ્મી આવીને કહે,

“ડૉક્ટર, એની આંગળી છૂંદાઈ ગઈ ત્યારે તમે જ એની સારવાર કરી હતી. એના પપ્પા અત્યારે જાપાનમાં હોવાને કારણે એ એમને મિસ કરે છે. તમને જોઈને પપ્પાની યાદમાં એણે આવું કર્યું હશે, માફ કરજો!”

ડૉક્ટરના પત્નીને એવો વહેમ પડ્યો, કે એ બાળક ક્યાંક ડૉક્ટરની બીજી પત્નીનું તો નથી ને? પત્નીને સમજાવવા માટે એમણે ઘેર જઈને બાળકના ઑપરેશનનો રેકૉર્ડ બતાવવો પડેલો! છે ને મજાની વાત! બાળક પણ ડૉક્ટરને ભૂલે નહીં!

એક વાર એવું બન્યું, કે એક બહેન લોકોના દેખતાં પોતાના બે-ત્રણ મહિનાના બાળકને ડૉક્ટરના પગ આગળ મૂકી, વંદન કરીને તેમનો આભાર માનવા લાગ્યાં.

“ડૉક્ટર, તમારી સલાહથી મારા પિતાશ્રીએ મારું લગ્ન કરાવ્યું, અને જુઓ આ મારું બાળક! એને હું તમારા આશીર્વાદ માટે લાવી છું.”

ડૉ. પરેશ શરમાઈ ગયો, પણ બાળકને ઉઠાવીને એ બહેનના હાથમાં સોંપતાં કહ્યું,

“બહેન! તમારા દુઃખો જોઈને મને લાગેલું, કે તમે અંદરથી ખૂબ નિરાશ હતાં. મને એનું કારણ થોડે અંશે સમજાતાં તમારા પિતાજીને બોલાવીને મેં એ બાબતનો અણસાર આપેલો, એ જ! બાકી હું કાંઈ આટલા માનનો અધિકારી નથી!”

આવી લાગણીને શું કહેવું? એક ડૉ. તરીકે તેને સમજાયું હતું કે જિંદગીમાં ડૉક્ટર બનવાનું કેટલું મહત્ત્વ હતું! એક સાચો ડૉક્ટર તો Friend, Philosopher & Guideની ગરજ સારે છે.

આવા તો ઘણા પ્રસંગો યાદ આવે, પણ ડૉ. પરેશને પોતાની આત્મશ્લાઘા કરવી ગમતી નહીં. ડૉક્ટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખનારા દર્દીઓને બીજા દર્દીઓ કરતાં વધારે ફાયદો થતો એ એણે જોયું છે.


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.