વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પ્રતિબંધથી નહીં, પ્રતિબદ્ધતાથી ઊકેલવા જેવી સમસ્યા

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શાળાના કોઈ વિદ્યાર્થીની સ્કૂલબૅગમાં શું હોય? નોટબુક, પુસ્તકો, કમ્પાસ કે લંચ બૉક્સ કે નાનીમોટી ખાદ્યચીજ હોવી સામાન્ય બાબત ગણાય. બીડી, સીગારેટ કે લાઈટર હોવું અસામાન્ય ગણાય. નશીલી દવા નીકળે એ જોખમી કહેવાય. પણ એમાં કોન્‍ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ જોવા મળે તો? પહેલી પ્રતિક્રિયા આઘાતની હોય. સમાજનું અધ:પતન આ હદે થઈ ગયું હોવાના વિચારો આવે. એ પછી શું? એ કેમ થયું, અને એને રોકવા શા પગલાં લેવાં એ વિશે વિચારણા કરવામાં આવે ખરી?

    સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત હોય છે. નવેમ્બર, ૨૦૨૨માં કર્ણાટકની એક શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન પોતાની સાથે રાખતા હોવાની ફરિયાદને પગલે તેમની સ્કૂલબૅગો તપાસવામાં આવી. તપાસમાં ધો.૮,૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન અને વધુ પડતી રોકડ રકમ મળી આવી. પણ એ ઉપરાંત સિગારેટ, લાઈટરની સાથોસાથ કોન્‍ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓ મળી આવતાં શાળાના સંચાલકો આઘાત પામી ગયા. તેમણે એ વિદ્યાર્થીઓ પર કશાં પગલાં લેવાને બદલે તેમનાં માવતરને પત્ર લખીને તેમને સમજાવવાની વાત કરી.

    આ ઘટના પ્રકાશમાં આવી અને થોડા સમયમાં કર્ણાટકના ડ્રગ કન્‍ટ્રોલ ડિપાર્ટમેન્‍ટ (ડી.સી.ડી.) દ્વારા એક હુકમનામું બહાર પડાયું હોવાના સમાચાર પ્રસર્યા. એ મુજબ ફાર્મસિસ્ટ અને  મેડીકલ સ્ટોરને અઢારથી ઓછી વયના લોકોને કોન્‍ડોમ, ગર્ભનિરોધક અને એન્‍ટિ ડિપ્રેસન્‍ટ દવાઓ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લે દૈનિક ‘બેંગ્લોર મીરર’માં કર્ણાટકના ઔષધ નિયામક ભગોજી ટી. ખાનપુરેના નામે એક નિવેદન પ્રકાશિત થયું, જેમાં તેમણે કહેલું: ‘કોન્‍ડોમ શાળાનાં બાળકો માટે નથી. આથી પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે સગીર વયનાં બાળકોને વેચવાના નથી.’ જો કે, ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ‘ડી.સી.ડી.’ દ્વારા ચોખવટ કરવામાં આવી કે તેના દ્વારા આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. તેને બદલે વિભાગે ફાર્માસિસ્ટો સગીર વયનાં બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરે એમ જણાવ્યું છે.

    આ આખો મુદ્દો અતિશય નાજુક છે. જે ઘટના પ્રકાશમાં આવી છે એ હીમશિલાની ટોચ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. યોગ્ય ઈચ્છાશક્તિ હોય તો આ મુદ્દે મહત્ત્વની ચર્ચાવિચારણા કરીને યોગ્ય નીતિ નિર્ધારીત કરી શકાય એવી સ્થિતિ છે.

    શાળાના વિદ્યાર્થીઓ એટલે કે તરુણ-તરુણીઓ દ્વારા આ સાધનોનો ઉપયોગ ચિંતા પ્રેરે એવો છે, પણ તેને પગલે એ વિચારવા જેવું છે કે તેઓ આ સાધનોના યોગ્ય ઉપયોગ વિશે બરાબર માહિતગાર છે. આપણા દેશમાં જાતીય સમસ્યાઓ બાબતે કોઈ પણ સ્તરે ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી. શિક્ષણમાં જાતીય જ્ઞાનનો સમાવેશ કરવો કે ન કરવો? આ મુદ્દો સદાય ગરમાગરમ દલીલોથી ચર્ચાય છે, અને સરવાળે એમાં આગળ કશું થઈ શકતું નથી. મૂળ વાત એ છે કે વિદ્યાર્થીઓમાં શારિરીક પરિવર્તનની ઉંમર સતત ઘટતી રહી છે. એવે સમયે તેમને એ ફેરફારો વિશે વૈજ્ઞાનિક ઢબે, સુયોગ્ય જાણકારી પ્રાપ્ત થાય તો તેમની સમજણ કેળવાય. એ રીતે કેળવાયેલી સમજણ તેમના જીવનને સુખી બનાવે. પણ જાતીય સમસ્યાઓ પ્રત્યે સૂગ કેળવાયેલી રહે તો એ બીજી અનેક સમસ્યાઓરૂપે દેખા દઈ શકે.

    કોઈ પણ સમસ્યાના ઊકેલ માટે પહેલાં એ સમસ્યાની વાસ્તવિકતાનો સ્વીકાર જરૂરી બની રહે છે. આપણે ત્યાં શાળામાં કે ઘરમાં જાતીય બાબતો અંગે યોગ્ય માહિતી આપવાનો શિરસ્તો સામાન્યપણે નથી. આટલી મહત્ત્વની જાણકારી, કુતૂહલવશ હોવાની વયે તરુણો અન્ય સ્રોત દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે, જે વિશ્વસનીય હોવા બાબતે શંકા હોય છે. આ કારણે સાવ શરૂઆતના તબક્કે અનેક ગેરમાન્યતાઓ તેમના મનમાં ઘર કરી જાય એવી પૂરેપૂરી શક્યતા છે.

    કર્ણાટકમાં સલામત જાતીય સંબંધ માટેનાં સાધનો ખરીદવા આવતા વિદ્યાર્થીઓને સમજાવવાનું ફાર્માસિસ્ટોને જણાવવામાં આવ્યું એ કદાચ પ્રાથમિક પગલું હશે એમ માનીએ. કેમ કે, આવી મહત્ત્વની બાબત કંઈ એ સાધનો વેચતા ફાર્માસિસ્ટ પર ન છોડી શકાય. તેના માટે વિષયનિષ્ણાતો સાથે યોગ્ય ચર્ચાવિચારણા કરીને યોગ્ય શિક્ષણનીતિ ઘડવી જરૂરી છે. કમનસીબે આપણી શિક્ષણનીતિ સાવ ટૂંકી દૃષ્ટિની અને બિનવ્યવહારુ હોવાનું સતત પુરવાર થતું આવ્યું છે અને વર્તમાન સમયમાં આ બાબત તેની ચરમસીમા પર છે. દેશના આશાસ્પદ વિદ્યાર્થીઓ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે દોટ મૂકી રહ્યા છે. પશ્ચિમના વિવિધ દેશો આ વિદ્યાર્થીઓને આવકના સ્રોત તરીકે જોઈ રહ્યા છે. વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી હોય, મધ્યમ હોય કે સરેરાશ, એ હકીકત છે કે દેશમાં પ્રાપ્ત કરેલા શિક્ષણ થકી તેને ઉજ્જ્વળ ભવિષ્યની આશા નથી.

    શિક્ષણમાં વ્યાપાર અને રાજકારણ બન્ને ભળે એ પછી કાગળ પર ગમે એવી ઉજ્જ્વળ દેખાતી શિક્ષણનીતિની ઘોર ખોદાતાં વાર લાગતી નથી. હજી અનેક નક્કર બાબતો અને ભાવિ આયોજનને બદલે ધર્મ, પ્રદેશ, ભાષા, જાતિ સહિતના અનેક મુદ્દે વિભાજીત કરવાનું રાજકારણ જ ચાલી રહ્યું છે અને સફળ થઈ રહ્યું છે. લોકોપયોગી કાર્યોને બદલે લોકરંજક કાર્યોની પરંપરા એવી પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે મોટા ભાગના લોકો આભાસી ગૌરવમાં કે વાસ્તવિક દ્વેષમાં રાચ્યા કરે.

    કર્ણાટકની શાળામાં જે થયું એ કંઈ અપવાદ નહીં હોય.અન્ય રાજ્યોની શાળામાં પણ એ થઈ શકે.  આટલા મહત્ત્વના મુદ્દાને પ્રતિબંધથી નહીં, પણ તેને પ્રતિબદ્ધ શિક્ષણ દાખલ કરીને ઉકેલવાનો પ્રયાસ થવો જોઈએ. એ અંગે વિચારવાનો, એની પહેલ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૨ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સુખનું સરનામું

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે,  સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.

    એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. અહીં આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ પુરેપુરી ઠલવાઇ જાય એ જરૂરી હોય છે એટલે માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી.

    ત્યારબાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો. કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇના સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી.

    એના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું.  આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી. પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું.

    “કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ. એ બાઇએ પોતાની વાત માંડી. બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”

    બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એને સમજાયું કે એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.

    સીધી વાત- આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝીલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘યે સાહિર હૈ’

    પારુલ ખખ્ખર

    એક પુસ્તકની વાત લઇને આવી છું. પ્રખ્યાત શાયર સાહિર લુધિયાનવીની જીવનકથા ‘મૈ સાહિર હુ’. આ પુસ્તક આમ તો આત્મકથાનક્ની શૈલીથી લખાયેલ છે પરંતુ તેના લેખક સાહિર નહી પણ. ચન્દર વર્મા અને ડો. સલમાન આબિદ છે. ૮ વર્ષના અભ્યાસ બાદ નક્કર હકિકતો અને પુરાવાઓને આધારે લખાયેલ આ દસ્તાવેજી પુસ્તક સાહિરના જીવનના ચડાવ-ઉતાર વિશે ખૂબ સરસ માહિતી આપે છે.

    સાહિરનો જન્મ ૮ માર્ચ ૧૯૨૧ના રોજ પંજાબના લુધિયાણા શહેરમાં થયો.એમના દાદા અને પિતા મોટા જમીનદાર હતા. ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી.શહેરના વગદાર અને ધનવાન લોકો સાથે તેમનો ઘરોબો હતો.એમના પિતા અંગ્રેજોની ગુલામીને ગર્વની બાબત સમજતા તેથી અંગ્રેજી અફસરો પણ તેમનાથી ખુશ હતા.એમણે ૧૦ લગ્નો કર્યા બાદ એક કાશ્મીરી યુવતી સરદારી બેગમ સાથે ૧૧મું લગ્ન કર્યુ,જેના ફળ સ્વરુપે તેમને પ્રથમ સંતાન સાહિર જનમ્યો.સાહિરનું મૂળ નામ ‘અબ્દુલ હઇ’ હતું. તેમનું બાળપણ જમીનદારોના બાળકો જેવું જ લાડ પ્યારમાં વિત્યું.મા બાપ વચ્ચે પહેલેથી મતભેદો તો હતા જ પરંતુ થોડા વર્ષો બાદ મનભેદ થવા લાગ્યા. પિતા એકદમ રુઢીચુસ્ત જમીનદાર જેવા અને માતા વિદ્રોહી સ્વભાવના હોવાથી તેમનું લગ્નજીવન ઝગડાઓનો અખાડો બની ગયું. સાહિરને મા પ્રત્યે અપાર વ્હાલ હતું,પિતા વારંવાર માતા પર ગુસ્સો કરતા હોવાથી તે પિતાને મનોમન નફરત કરવા લાગ્યા તેનું મન કદી પિતાને પિતાનો દરજ્જો ન આપી શક્યુ અને પિતા માત્ર જનાબ ફઝલ દીન બનીને રહી ગયા.ઝગડાઓથી તંગ આવીને સરદારી બેગમે તલાક માંગ્યા, અદાલતનો આશરો પણ લીધો અંતે તલાક મંજુર થયા. પિતાનું ઐયાશ જીવન અને ઘસાતી જતી આર્થિક પરિસ્થિતીને કારણે સાહિરની કસ્ટડી માતાને સોંપવામાં આવી.ફઝલદીને ઘણી દલિલો કરી પરંતુ ૧૦ વર્ષના સાહિરે માતા સાથે રહેવાની ઇચ્છા બતાવી ત્યારે અદાલતે ફેંસલો માતાના હકમાં આપ્યો.

    મામાની અર્થિક મદદ લઇને મા દીકરો અલગ રહેવા લાગ્યાં. સાહિરનું બાળપણ રમત ગમત અને મસ્તીમાં વિતવા લાગ્યું.ભણતરમાં પણ અવ્વલ રહ્યા.સ્કૂલનાં દિવસોમાં જ તે ગઝલ અને નઝ્મો લખવા લાગ્યા હતા.તેઓ ખાવા-પીવાનાં શોખીન અને દિલદાર હોવાથી તેની આસપાસ મિત્રોની ટોળી હંમેશા રહેતી.૧૯૩૭ માં તેમણે લખેલી શાયરી તેમના શિક્ષક ફૈયાઝ હરિયાણવીને ગમી અને તેમણે સાહિરને ઉર્દુ તથા ફારસીનું શિક્ષણ આપ્યું અને કવિતા લખવાનું પ્રોત્સાહન આપ્યું.સાહિર ઇન્કલાબી વિચારોથી પ્રભાવિત હોવાથી તેમની કવિતા સામાન્ય કરતા કંઇક અલગ હતી.સમાજવાદના પુસ્તકો તે રસથી વાંચતા.ઇન્ટર પાસ કરીને તેઓ કોલેજમાં દાખલ થયા અને ત્યાં જ તેમની સાહિત્યિક અને રાજનૈતિક સફરની શરુઆત થઇ. જેમને ત્યાં સાહિત્યકારો અને રાજનેતાઓની અવરજવર રહેતી એવા આગા સાહેબને ત્યાં સાહિર નિયમિત જવા લાગ્યા. આગાસાહેબની સોબતને કારણે સાહિરમાં બગાવતના બી રોપાયા જે તેમની શાયરીમાં આજીવન દેખાયા.ધીમે ધીમે કોમ્યુનિસ્ટ પાર્ટીની ચળવળોમાં, આંદોલનોમાં ભાગ લેવા લાગ્યા.જમીનદારોનો અને સરકારનો ખેડૂતો સાથેનો દુર્વ્યવહાર જોઇ તેમનું લોહી ઉકળી જતું.મજૂરોના જલ્સામાં તેઓ પોતાની તેજાબી નઝ્મોનું પઠન કરતા.માર્કસ્ વાદ અને કોમ્યુનિસ્ટ સાહિત્યનો અભ્યાસ વધવા લાગ્યો અને તેમની કવિતાઓ લાલ રંગે રંગાવા લાગી. આમ જુઓ તો કાવ્ય અને રાજનૈતિક બન્ને પ્રવૃતિઓ એકસાથે ચાલતી હતી.લોકોને ભડકાવનારી કવિતાઓ લખવાના ગુના સબબ તે સરકારની નજરોમાં ગુનેગાર હતા. તેમના પિતા જમીનદાર હોવાની સાથે અંગ્રેજોના તરફદાર હોવાને નાતે તે પુત્રની પ્રવૃતિથી સખત નારાજ હતા.ભણવા સિવાયની  પ્રવૃતિઓને કારણે તે પરીક્ષામાં બે વખત ફેઇલ થયા. માતા બધુ જાણતાં હતાં છતા ચૂપ હતાં.

    સાવ નબળી આર્થિક પરિસ્થિતી હોવા છતાં સાહિરનું સપનું તો મોટા શાયર બનવાનું અને મુંબઇમાં નામ કમાવાનું હતું.એને ખબર ન હતી કે આ સપનું કઇ રીતે સાર્થક થશે, બસ એને આ સપનું સાર્થક કરવાની ધૂન હતી. મુંબઇ શબ્દનું એટલી હદે આકર્ષણ હતું કે એક વખત કેન્ટીનમાં ચાપાણી પીવા ગયા ત્યાં મેન્યુકાર્ડમાં ‘મુંબઇ ટ્રેન’નામનું પીણુ હતું તે મંગાવ્યું અને મિત્રોની મજાકનો ભોગ બન્યા.

    કોલેજમાં તેમની સાથે એક પોલીટીકલ લીડરની દીકરી ભણતી હતી. મહીંદર ચૌધરી નામની આ શરબતી આંખોવાળી સાધારણ દેખાવની છોકરી પર સાહિરનું દિલ ફિદા થઇ ગયું.બન્નેના દિલના તાર સાથે રણઝણવા લાગ્યા પરંતુ ટી.બી.ની બીમારીને કારણે મહીંદર અકાળે મૃત્યુ પામી.સાહિરની પહેલો પ્રેમ ખામોશ થઇ ગયો અને તમામ સંવેદનાઓ મુરઝાઇ ગઇ. એક અંતહીન ખાલિપો જીવનમાં છવાઇ ગયો. મહીંદરની તસ્વીર સામે બેસીને ગુમસુમ રહેવા લાગ્યા, તેમની ઉદાસીનો પડછાયો તેમની નઝ્મોમાં દેખાવા લાગ્યો.

    અંતે ‘દુઃખનું ઓસડ દહાડા’ એ ન્યાયે સાહિરનાં ઝખ્મોને કળ વળી ન વળી ત્યાં જ પોતાની સાથે  કોલેજમાં ભણતી એક કમસીન કન્યા પર સાહિરના દિલનો કળશ ઢોળાયો. સાહિર તો એની આગળ પાછળ ફરવા લાગ્યા. સતત એની નજરમાં રહેવાની કોશીશ કરવા લાગ્યા. કમનસીબે એ છોકરીએ એના પિતાને ફરિયાદ કરી અને સાહિર એના પિતાની નજરમાં આવી ગયા.તેમણે  ઘણી ખરી ખોટી સાંભળાવી કે હવે પછી આવી હરકતો કરીશ તો અંજામ સારો નહી આવે.અલબત સાહિરનો ઇરાદો તો ચાહતનો હતો હેરાનગતિનો હરગીઝ નહી. પણ ખૈર…એ પ્રકરણ ત્યાં જ પુરુ થયું.

    લગભગ ૧૯૩૯ની સાલમાં સાહિરના દિલ પર ફરીથી પ્રેમનો હુમલો થયો. ઇશર કૌર નામની એક શીખ છોકરી પર સાહિર દિલ હારી બેઠાં.તે સાહિરની કોલેજમાં ભણતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી.તેની વાત ચીત, દેખાવ, હસવું બોલવું બધું જ સુંદર હતું.શરુઆતની આનાકાની પછી ઇશર કૌર પણ સાહિરને દિલ દઇ બેઠી. તેમના પ્રેમની વાત આગના ધુમાડાની જેમ આખી કોલેજમાં પ્રસરી ગઇ.તેમની ખાનગી મુલાકાતોની માહિતી પ્રીન્સીપાલ સુધી પહોંચી. તેમણે સાહિરને બોલાવીને સમજાવ્યા અને સાહિરે શરમના માર્યા કોલેજ છોડી દીધી જ્યારે ઇશર કૌરે બદનામીને કારણે કોલેજ છોડવી પડી.

    સાહિર લાહોર ચાલ્યા ગયા ત્યાં પણ તેમની આંદોલનકારી પ્રવૃતિઓ ચાલુ જ હતી.ત્યાંની કોલેજમાં થી પણ તેમને ખેડૂતો અને મજુરોને ઉશ્કેરનારા લખાણ અને આંદોલનકારી પ્રવૃતિઓને કારણે કાઢી મુકવામાં આવ્યા.આમ પણ હવે સાહિરને ભણતરમાં રસ ન હતો તેમ છતા ૧૯૪૨માં ફરી એક વખત અન્ય કોલેજમાં દાખલ થયા. આર્થિક હાલત સાવ નબળી અને પાંખી હાજરીને કારણે પરીક્ષા આપી શકે તેમ ન હોવાથી તેમણે કાયમ માટે ભણતરને રામ રામ કરી દીધા. આ તરફ ઇશર કૌર સાથે પત્રવ્યવહાર  ચાલુ હોવાથી બે હૈયા એકબીજા માટે ઝુરતા હતા પરંતુ સંજોગો સાથ આપતા ન હતા. એક દિવસ ઇશર કૌર માબાપ સામે બળવો કરીને ઘર છોડીને સાહિર પાસે લાહોર આવી ગયા. સાહિર તો અચંબો પામી ગયા શું કરવું તે સુઝતું ન હતું. સાહિરે ઇશર ને સમજાવ્યા કે ‘અત્યારે હું આપણા બન્નેનો આર્થિક બોજો ઉઠાવી શકવા સક્ષમ નથી, વળી મારી આંદોલનકારી પ્રવૃતિઓને કારણે હું આમ પણ પોલીસની નજરોમાં ગુનેગાર છું. જો તને મારી પાસે રાખી લઉ તો તને ભગાડી મૂકવાના ગુના સબબ મને અંદર કરી દેવામાં આવે.તારું જીવન વેરવિખેર થઇ જાય માટે થોડો સમય આપ મને હું બધું સરખું થાય પછી સામેથી તારો હાથ માંગવા આવીશ.’ પરંતુ ઇશર કૌર ન માન્યા અને વહેલી સવારે ઘરે જવાને બદલે સીધા મુંબઇ ચાલ્યા ગયા ત્યાં જ કોઇ ઓળખીતા સાથે લગ્ન કરીને સ્થિર થયા.ફરી એકવખત સાહિરનો પ્રેમ નાકામ રહ્યો.ઘણો સમય ઉદાસીમાં કાઢ્યા પછી કલમ હાથમાં લીધી અને કવિતાને દવા બનાવી પોતાનું દર્દ હળવું કરવા લાગ્યા.

    ૧૯૪૨માં સાહિરની મુલાકાત અમૃતા પ્રીતમ નામની પંજાબી કવયિત્રી સાથે એક મુશાયરા દરમ્યાન થઇ.આમ તો બન્ને એકબીજાની કલમથી વાકેફ હતા પરંતુ પ્રથમ વખત રુબરુ મળવાનું થયું.અમૃતા સાહિરથી ખૂબ પ્રભાવિત થયા ત્યારે સાહિર વિચારે છે કે આ મારા શબ્દો, મારા સંવેદનો અને અભિવ્યક્તિનો જાદૂ હશે બાકી આ શિતળાના ડાઘ વાળો ચહેરો તો કોણ પસંદ કરે ! અમૃતા દેખાવમાં ખૂબ જ આકર્ષક હતા કોઇપણ તેની પાછળ ઘેલું થઇ જાય તો સાહિરની શી વિસાત ! બન્નેની મૈત્રી રંગ લાવવા લાગી બન્ને એકબીજા તરફ આકર્ષાયા અને બન્નેની કલમમાંથી મેઘધનુષી રંગો રેલાવા લાગ્યા.બન્ને એ પોતાની લાગણી બોલીને ક્યારેય વ્યક્ત ન કરી બસ મૌનની ભાષામાં બન્નેનો આત્મા વાતો કરતો હતો.બન્ને એ પત્રો, કવિતાઓ,વાર્તાઓ દ્વારા એકબીજા માટે ખૂબ લખ્યું.

    ખિસ્સામાં એક ફદિયું ન હતું પણ સપના તો આકાશને આંબવાના હતા તેથી તેમણે ઉર્દુ સામયિકોમાં કવિતાઓ મોકલવાની શરુ કરી. તેમની કવિતાઓનો જાદૂ એવો હતો કે સાહિત્ય જગતમાં તેની એક ઓળખ બનવા માંડી.સાથે સાથે થોડી આવક પણ ચાલુ થઇ.સમયનું ચક્ર ફરવા લાગ્યું અને સાહિરના નસીબ આડેનું પાંદડુ જરાક ખસ્યું.૧૯૪૩માં ‘પ્રીતલડી’ નામના ઉર્દુ સામયિકના તંત્રીએ સાહિરની કવિતાઓનું પુસ્તક છાપવાની હામી ભરી. સાવ મામુલી કાગળ પર છપાયેલી અને સાવ સસ્તી કિંમતની ‘તલ્ખિયાં’ નામની એ ચોપડી સાહિર માટે બેશકિંમતી ખજાનો હતો. આ પુસ્તકના નામનો અર્થ ભલે ‘કડવાશ’ થતો હતો પણ એના મીઠા ફળ સાહિરને ચાખવા મળ્યા. સાહિત્ય જગતમાં સાહિરની એક અલગ ઓળખ સ્થાપિત થઇ. આ પુસ્તકને ખૂબ પ્રસિદ્ધિ મળી. સાહિરની તેજાબી શાયરી વાંચીને યુવાનો વારી ગયા. સાહિરને ‘નૌ જવાનો કી આવાઝ’ કહીને બિરદાવવામાં આવ્યા કારણકે આ પુસ્તકની કવિતાઓ યુવાનોની નાડ પારખીને લખાયેલી હતી.

    આ તરફ અમૃતા સાથેનો લગાવ વધી રહ્યો હતો અને આ તરફ ‘તલ્ખિયાં’ની લોકપ્રિયતાને કારણે સાહિરને અનેક મુશાયરાઓ માટે આમંત્રણ મળવા લગ્યા.મુશાયરાની સફળતાને કારણે પુસ્તક પણ ધૂમ વેચાઇ રહ્યું હતું.સાહિરના જીવનમાં એક ગુલાબી પડાવ આવ્યો હતો. સાહિરના તપતા હૃદય પર એક શીતળ છંટકાવ થઇ રહ્યો હતો. અમૃતાનો પ્રેમ અને કવિતાની સફળતાથી સાહિર ખુબ ખુશ હતા.

    ૧૯૪૪માં એક મશહુર સામયિકના સંપાદક તરીકે સાહિરને કામ મળ્યું. આ મેગેઝિનમાં સાહિરના લેખો અને કવિતા છપાવાના કારણે તેમની લોકપ્રિયતા વધવા લાગી તે ઉપરાંત સંપાદક હોવાને નાતે જાણીતા કવિઓના પરિચયમાં આવવાનુ થતું રહ્યું.સાહિર ધીમેધીમે પ્રથમ હરોળના સાહિત્યકાર તરીકે ઓળખાવા લાગ્યા. આ ગાળામાં ‘તલ્ખિયાં’માં છપાયેલી તાજમહલ નામની નઝ્મને કારણે સાહિર ખૂબ ચર્ચામાં રહ્યા.આ નઝ્મ ગરીબ, બેરોજગાર,નાકામ,લાચાર,નિરાશ અને પ્રેમના અભાવથી પીડાતા લોકોના દિલનો અવાજ સાબિત થઇ હતી. પરંતુ અમુક જુનવાણી અને રુઢીચુસ્ત વિચારો ધરાવનાર લોકોએ આ નઝ્મના વિરોધમાં ખૂબ હોબાળો મચાવ્યો. એક તરફ આ નઝ્મના ચાહકો અને એક તરફ વિરોધીઓ સામેસામે થઇ ગયા હતા અને સાહિર શાંતિથી આ તમાશો જોઇ રહ્યા હતા. એમણે વિચાર્યુ કે ચાલો આ રીતે પણ પ્રસિદ્ધિ તો મળી રહી છે!

    અમૃતા-સાહિરના પ્રેમનો આ સુવર્ણયુગ હતો. એમની મુલાકાતોનો સિલસિલો વધી રહ્યો હતો. સાહિરના ગયા પછી અમૃતા રૂમ બંધ કરીને સહિરની અડધી પીધેલ સિગરેટને ફરી સળગાવીને પીતા.એના ધુમાડામાં સાહિરની છાયાને શોધવાનો પ્રયત્ન કરતા.સાહિર માટે એમણે ‘સુનેહડે’ અર્થાત ‘સંદેશાઓ’ નામનો કાવ્યસંગ્રહ લખ્યો. ‘આખરી ખત’ નામની વાર્તા લખી.અમૃતા પર સાહિરની દિવાનગી એ હદે છવાયેલી હતી કે પોતાની ગર્ભાવસ્થા દરમ્યાન એમણે સાહિર જેવું સંતાન મેળવા માટે સતત સાહિરનું ચિંતન મનન કર્યુ અને ઇશ્વરે જાણે ચમત્કાર કર્યો હોય એમ દીકરો નવરોઝ અદ્દલ સાહિરની શક્લ સુરત સાથે જનમ્યો.અને અમૃતાને પોતે ઇશ્વર હોવાનો અહેસાસ થઇ આવ્યો એમણે વિચાર્યુ મારી ગમતી દુનિયાનું મે જાતે સર્જન કર્યુ છે.અલબત નવરોઝનો ચહેરો પોતાના જેવો જ છે એ જાણ્યા પછી સાહિર હસીને બોલ્યા હતા ’પૂઅર ચોઇસ’

    ૧૯૪૬માં સાહિરને ફરી મુંબઇ સાદ પાડવા લાગ્યું. ફિલ્મી ગીતો લખવા માટે કલમ ફરી સળવળી અને તે મુંબઇ ચાલ્યા ગયા.સાહિરને એમ હતું કે મારી આવડી પ્રસિદ્ધિને કારણે, મારા પુસ્તકની સફળતાને કારણે મને ચપટી વગાડતા કામ મળી જશે. પરંતુ દિલ્લી અભી દૂર થી. સાહિરના નસીબમાં પ્રોડ્યુસરોની ઓફીસના ધક્કા જ લખાયેલા હતા. પેટમાં ભુખ, ખિસ્સામાં ખાલિપો અને કલમમાં તલબ દોડતી હતી પરંતુ કિસ્મત હજું સાથ આપવા રાજી ન હતું.આ સમયમાં મુબઇ નસીબ અજમાવવા સાહિરના ઘણા મિત્રો,સંબધીઓ પણ લુધિયાણાથી આવ્યા હતા. એમાં બે બહેનો હતી ખાદિજા અને હાજરા.. બે ચાર મુલાકાત બાદ સાહિર સાહેબ તાત્કાલિક ધોરણે હાજિરાના પ્રેમમાં પડી ગયા.હાજિરા પણ દિલ દઇ બેઠી હોવાથી સાહિરને પોતાના માબાપ સાથે મુલાકાત કરાવવા લઇ ગઇ. માબાપની રાજી ખુશીથી બન્નેની સગાઇ કરવામાં આવી. થોડા સમય બાદ અમુક કારણોસર આ સગાઇ ટૂટી ગઇ અને સાહિર ફરી એકલા પડી ગયા.

    ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે સાહિર મુંબઇ હતા અને એમના માતા લુધિયાણામાં હતા તેથી ભારેલા અગ્નિ જેવા વાતાવરણમાં સહિરને માતાની ચિંતા થવા લગી. તે માતા પાસે પહોંચવા ઉતાવળા થયા.અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ દિલ્લી પહોંચી શકાયું. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે મિત્રોની મદદથી માતા સહીસલામત લાહોર પહોંચી ગયા છે.પોતે પણ અથડાતા કૂટાતા લાહોર પહોંચ્યા પરંતુ મુશ્કેલીઓએ હજુ પીછો છોડ્યો ન હતો. ત્યાં તેમણે સાવ બિસ્માર હાલતમાં પડેલા મકાનમાં નિરાશ્રિતોની જેમ રહેવું પડ્યું.ખિસ્સા હજુ યે ખાલી જ હતા.અમુક વખત તો આખો દિવસ માત્ર સિગરેટ પીને જ ચલાવી લેવું પડતું હતું. ઇશ્વરને દયા આવી હોય તેમ એક મેગેઝિનના સંપાદક તરીકે કામ મળ્યું અને ઘર ચાલવા લાગ્યું. મુંબઇનું સપનુ હજુ યે લીલુછમ હતું.

    ૧૯૪૮માં સાહિર એ સપનાને સાચુ કરવા ફરી મુંબઇ આવી ગયા પરંતુ ભાગલા પછીની ડહોળાયેલી સ્થિતિમાં લેખકો અને કવિઓની બજારમાં મંદી હતી.માતાના ઘરેણા વેંચીને તેમણે ગુજરાન ચલાવ્યુ પરંતુ મુંબઇ છોડ્યું નહીં..સ્ટુડિયોના ધક્કા ખાવા એ તેમની રોજનીશીમાં લખાઇ ગયું હતું. ડાઇરેક્ટરો અને પ્રોડ્યુસરોની ઓફીસ એ સાહિર માટે મક્કા મદિનાની યાત્રા સમાન બની ગઇ હતી. બધા તેમની કલાના, શાયરીના આશિક હતા પરંતુ ફિલ્મી ગીતો લખવા એ સાહિરનું કામ નથી તેવું માનતા હતા. સાહિરની તેજબી નઝ્મો અને અઘરી ઉર્દુ રચનાઓને કારણે ફિલ્મી જગતમાં આવી છાપ પડી હતી.સારો શાયર સારા ફિલ્મી ગીતો ન લખી શકે તો ફિલ્મ ફ્લોપ જવાનો ભય રહે અને આવુ જોખમ કોણ ખેડે?

    ભલે સફળતા તેમનાથી દૂર હતી તોયે હિંમત હાર્યા વગર સાહિર લખતા રહ્યા.સાહિરે લખેલા ફિલ્મી ગીતો અન્ય ગીતકાર ખરીદીને પોતાના નામે ફિલ્મોમાં આપવા લાગ્યા. સાહિરને આવા ગીતો લખવા માટે એક ગીતના ૫૦૦ રુપિયા મળતા હતા જે સાહિર માટે બહુ જરુરી હતા.મુંબઇ આવ્યાને દોઢ વર્ષ થવા આવ્યું હતું પરંતુ મંઝિલ હજું દૂર હતી.આ કપરા કાળમાં તેમની માતાએ સાહિરને ખૂબ સહકાર અને હૂંફ આપી છે,માતાનો સાથ ન હોત તો સાહિર ભાંગી પડ્યા હોત. આખરે ઇશ્વરે તેમની આરઝૂ સાંભળી અને ‘નૌજવાન’ ફિલ્મ માટે તેમને ગીતો લખવાનો ચાન્સ મળ્યો. ધીમે ધીમે એમના ગીતો લોકપ્રિય થવા લાગ્યા તેથી અન્ય ફિલ્મો માટે કામ મળવા લાગ્યું.સાહિરના ગીતો એક અલગ મિજાજ લઇને આવ્યા હતા જે લોકો માટે સાવ નવતર જ હતા. એક પછી એક ફિલ્મો હીટ જવા લાગી અને સાહિરની ગાડી પૂરપાટ દોડવા લાગી. સાહિરનો સિતારો કિસ્મતના આસમાનમાં બરાબર ચમકી ગયો. ચારેબાજુથી પ્રસંશાના ફૂલો વરસવા લાગ્યા અનેક મુશાયરા માટે આમંત્રણ મળવા લાગ્યા.જ્યાં પહોંચવાનું સાહિરે નાનપણથી સપનું જોયુ હતું તે જગ્યા પર સાહિર પહોંચી ગયા હતા.

    હવે આકાશ આખુ સાહિરની મુઠ્ઠીમાં હતું. તે મુંબઇ અને ફિલમ ઇન્ડસ્ટ્રીને બરાબર ઓળખી ગયા હતા. તેમનું સજ્જડપણે માનવું હતું કે મુંબઇ એક મોટુ બજાર છે. અહીંયા દરેક વસ્તુ પોતાની કિંમત ધરાવે છે. વસ્તુ હોય કે કલા બધુ જ અહીંયા વેચાય છે.બસ..તમારે કાબેલ સેલ્સમેન બનવું પડે છે. તમારો સિક્કો તમારે જ ચલાવવો પડે છે.અપાર સંઘર્ષ અને મહેનતના પરિપાક રુપે મળેલી સફળતા સાહિરને એ જગ્યા પર લઇ ગઇ જ્યાં ખુદ્દારી અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા રહી જવા પામી હતી.

    સફળાતાના એ દૌરમાં સાહિરની અંદર એક સાથે બે સાહિર શ્વસી રહ્યા હતા, એક કે જે સફળાતાના નશાને માણી રહ્યો હતો અને બીજો કે જે નિતાંત એકલતાથી પીડાતો શરાબ અને સિગરેટની સોબતમાં સુખ શોધી રહ્યો હતો. આ સમયગાળા દરમ્યાન સાહિરની મુલાકાત નવીસવી ગાયિકા સુધા મલ્હોત્રા સાથે થઇ.પોતાની ઓળખાણથી સાહિરે સુધાને ફિલ્મોમાં કામ અપાવ્યું.સુધાની ગાયકી અને નસીબની યારીને કારણે સુધા સફળ થવા લાગ્યા. બન્ને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા પરંતુ સાહિર પોતાના સ્વભાવ મુજબ પોતાની લાગણીઓ સ્પષ્ટ જાહેર ન કરી શક્યા અને આ સંબંધ પણ અકાળે મુરઝાઇ ગયો. નિયતિએ કદાચ સાહિરના નસીબમાં એકલતા લખી રાખી હતી. સુધા કોઇ અન્ય સાથે પરણી ગઇ સાહિર ભાંગી પડ્યા. એક પાર્ટીમાં નવીનવેલી દુલ્હન સુધાને જોઇને સાહિરે નઝ્મ લખી ‘ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો’

    સાહિરે પોતાના જીવનકાળ દરમ્યાન લગભગ ૨૦૦ ફિલ્મી ગીતો લખ્યા. તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. ‘તલ્ખિયાં ‘ , ગાતા જાયે બનજારા’ ,’ આઓ કોઇ ખ્વાબ બુને’. તેમને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા. તેમને દેશનો સન્માનીય ખિતાબ ‘પદ્મશ્રી’ પણ મળ્યો.

    ૧૯૬૦નો એ સમય જ્યારે સફળતા સાહિરના પગ ચુમતી હતી ત્યારે ચાહકોનાં હજારો પત્રો સાહિર માટે આવતા. એવા જ કોઇ પત્ર હાથમાં લેવા જતા અંદરથી એક બેહદ ખુબસુરત છોકરીનો ફોટો જોઇ સાહિર મોહી પડ્યા. પેલા પત્રનો જવાબ આપ્યો અને પત્રોનો સિલસિલો શરુ થયો. બન્નેવચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો.એ સ્ત્રી પરણેલી હતી, એક બાળકની માતા હતી. તે પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહી હતી પરંતુ સાહિરના પ્રેમને કારણે બધું છોડીને સાહિરને પરણવા તૈયાર થઇ ગઇ. ખુદ એ સ્ત્રીનો પતિ જ પત્નિની ખુશી માટે આ લગ્ન માટે રાજી થયો હતો. કાજીને બોલાવવા પણ તે જ ગયો. નસીબજોગે કાજી સાહેબ બહારગામ હોવાથી એ દિવસે શાદી ન થઇ શકી અને પછી ક્યારેય ન થઇ શકી..સાહિરનો વધુ એક પ્રેમ નાકામ બન્યો અને સાહિર ફરી એકલા પડ્યા.

    સફળતાના આ સમયમાં સાહિરે પોતાની કિંમતે ગીતો લખવાના શરુ કર્યા. સંગીતકાર કરતા ૨૦૦૦૦ રુપિયા વધુ લઇને લખવાની શર્તો મુકવા લાગ્યા.આકાશવાણી પર વાગતા ગીતોમાં ગાયક અને સંગીતકારની સાથે ગીતકારનું નામ પણ શામેલ કરાવ્યું.સંગીત કંપનીઓ પાસેથી રોયલ્ટી લેવા લાગ્યા.પોતાના લખેલા ગીતમાં ક્યાંય પણ એક અક્ષરનો ફેરફાર પણ તે કરવાનો ઇન્કાર કરી દેતા. લોકોને આ બધુ અભિમાનનો અતિરેક હોય તેવું લાગતું પરંતુ સફળ માણસના કદમ ચુમવા ભીડ લાગતી હોય છે. જો કે સાહિર મિત્રોની બાબતમાં બહુ જ દિલદાર રહ્યા છે. ઓળખીતા અને જરુરિયાત વાળા લોકોને તેમણે ઉદાર દિલે તન-મન-ધનથી મદદ કરી છે.પોતાના ખિસ્સા ખાલી કરીને પણ તે અન્યને મદદ કરતા. તેના ઘરના અને દિલના દરવાજા બધા માટે હમેંશા ખુલ્લા રહેતા.જેટલા સારા ગીતકાર હતા એટલા જ સારા માણસ પણ હતા.

    આ ચમક દમક લગલગાટ એક દાયકો ચાલ્યો. ધીમે ધીમે સાહિરનો સિતારો નબળો પડવા લાગ્યો. શરાબ અને સિગરેટના સેવનને કારણે હૃદયરોગનો હુમલો આવી ગયો. ૩૧ જુલાઇ ૧૯૭૬ના ગોઝારા દિવસે સાહિરની એકમાત્ર કરીબી સ્ત્રી એની માતા સરદારી બેગમ અલ્લાહને પ્યારી થઇ ગઇ. આ ઘટનાનો સાહિરને બહુ મોટો ધક્કો લાગ્યો. તે સાવ ભાંગી પડ્યા. આ આઘાતને કારણે તેનું હૃદય સાવ નબળુ પડી ગયું. ડોકટરે શરાબની મનાઇ ફરમાવી દીધી. અને સાહિર માટે જીવવું જાણે મુશ્કેલ થઇ ગયું. ‘પરછાઇ’ નામના આલિશાન બંગલામાં સાહિર પોતાની એકમાત્ર આજીવન વફાદાર રહેનારી એકલતા સાથે જીવવા લાગ્યા. કલમ અને આંગળીનો સાથ છુટી ગયો હતો. આસપાસ માખીઓની જેમ વળગેલા રહેતા મિત્રો ક્યાંક ગાયબ થઇ ગયા હતા. સાહિરનો સ્વભાવ ચિડીયો થવા લાગ્યો અને બધા જ તેનાથી દૂર જવા લાગ્યા.સાહિર સાવ એકલા અટૂલા માતાની યાદમા અને સિગરેટના સાથમાં જલતા રહ્યા. સફળતાની ચકાચૌંધ આખરે એકલતાના અંધારામાં ડૂબવા લાગી.

    ૨૫ ઓક્ટોબર ૧૯૮૦ની એક સાંજે તે પોતાના ડોકટર મિત્રની તબિયત જોવા તેમના ઘરે ગયા. બન્ને એ ખૂબ વાતો કરી પણ મન ભારે હતું એટલે હળવા થવા શતરંજની રમત રમવા બેઠા.રમત હજુ અધુરી હતી અને સાહિર પર અચાનક હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો. જીવનની ચોપાટ પરની બાજી સંકેલીને સાહિર નામનો ખેલાડી ઉઠવા લાગ્યો જતા જતા ડોકટરને કહેવા લાગ્યો

    ‘ડોકટર કપૂર….મારે મરવું નથી

    ચહેરા પર ભલે શિતળાના ડાઘ છે…તો પણ જીંદગી ખુબસુરત છે ડોકટર’

    અંતે સાહિરનો ઇલાજ કરનારા ડોકટરની હાજરીમાં જ સાહિર આ ફાની જગતને અલવિદા કહી ચાલી નીકળ્યા.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૪) – માન-અપમાનો ડૉક્ટરની જિંદગીનો અમૂલ્ય હિસ્સો છે

    એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

    ડૉ.પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    બીજું કોઈ પોતાનાં કાર્યોની, વ્યક્તિત્વની પ્રશંસા કરે એ માનવીને હંમેશા ગમતું હોય છે. ઘણા એવું કહેતા હોય છે કે “મને પ્રશંસાની કદી પડી નથી હોતી, હું તો મારું કામ કર્યે જાઉં છું.” આવા લોકોને તેમની આ બાબતની પ્રશંસા લોકો કરે એ ગમતું હોય છે! ડૉક્ટર પણ આખરે તો માણસ જ હોય છે, એટલે આમાંથી એ બાકાત નથી હોતો. વાત એટલી જ કે કેટલું તટસ્થતાપૂર્વક લેવાય છે.

    ડૉ. પરેશને ડૉક્ટર તરીકે, સર્જન તરીકે મોટેભાગે પ્રશંસા જ મળી છે, છતાં કોઈવાર અવગણના કે અપમાનનો અનુભવ પણ થયો હતો.

    “ભાઈ તમે આમ અંદર ના આવી જાવ, હું દર્દીને તપાસી લઉં પછી આવો.”

    “કેમ, તારે મને નથી તપાસવો?”

    “તનેય તપાસીને દવા આપીશ, પણ હમણાં તું બહાર જા, આના પછી આવ.”

    આવનાર ધૂંવાંપૂવાં થતો બહાર તો ગયો, પણ ફરીથી અંદર આવ્યો ત્યારે કહે,

    “ડૉક્ટર, તમે મને ઓળખતા નથી, બીજો કોઈ હોત તો આનાથી (પિસ્તોલ કાઢીને) એક ધડાકે ઉડાવી દીધો હોત! મને તુંકારે બોલાવનાર હજી સુધી પાક્યો નથી.”

    “ભાઈ, તમે જે કોઈ હોય તે! દર્દીની અંગત વાતો પણ જાણવી મારે જરૂરી હોય છે, તેથી હું પૂછતો હોઉં છું. બીજો દર્દી હોય તો એની પ્રાઇવસી જળવાય નહીં, એટલે મેં ના પાડી હશે! બાકી, તમે જ કહો, તમને ઉઘાડા કરીને હું તપાસતો હોઉં અને કોઈ બીજો જુએ-સાંભળે તો તમને કેવું લાગે?”

    આખરે એ થોડા શાંત થયા. ડૉ. પરેશે તપાસ કરી, અને એક Minor Surgical Procedureની સલાહ આપી, પણ એ કહે કે હું બીજે જઈને ઑપરેશન કરાવીશ!

    બન્યું એવું કે તેણે જ્યાં ઑપરેશન કરાવ્યું, તેનાથી એને સારું થયું નહીં, અને દુઃખાવો એટલો વધી ગયો કે એનાથી બેસાય-ઉઠાય નહીં. ફરીથી એ ડૉક્ટર પાસે પાસે આવ્યો.

    “સાહેબ, હવે તમે જ કંઈક કરો.”

    ડૉક્ટરે તપાસ્યું તો ખબર પડી કે Piles (Haemorrhoids)નું ઑપરેશન (સર્જિકલ) કરી, ગુદાદ્વારને સહેજ આંગળીથી ઢીલું કરવું પડે (Anal Dilatation), તે થયેલું નહીં, તેથી દુઃખાવો હતો.

    “ફરીથી કમરમાં ઇન્જેક્શન આપીને નીચેનો ભાગ બેભાન કરીને જે નાનું કામ બાકી છે તે કરવું પડશે. તમને સારું થઈ જશે.”

    તે તરત જ માની ગયો. અને ઑપરેશન પછી ખુશ થઈ જતાં ડૉક્ટરનો આભાર માનીને નમસ્કાર કરીને ગયો.

    +                    +                 +

    એક વાર ડૉ. પરેશ પોતાના કુટુંબ સાથે ફિલ્મ જોવા ગયો હતો, ત્યારે એક જાપાનીઝ બાળક દોડતો આવીને તેમના ખભા પર ચડી ગયો. શું થયું એ સમજાય એ પહેલાં એ બાળકની મમ્મી આવીને કહે,

    “ડૉક્ટર, એની આંગળી છૂંદાઈ ગઈ ત્યારે તમે જ એની સારવાર કરી હતી. એના પપ્પા અત્યારે જાપાનમાં હોવાને કારણે એ એમને મિસ કરે છે. તમને જોઈને પપ્પાની યાદમાં એણે આવું કર્યું હશે, માફ કરજો!”

    ડૉક્ટરના પત્નીને એવો વહેમ પડ્યો, કે એ બાળક ક્યાંક ડૉક્ટરની બીજી પત્નીનું તો નથી ને? પત્નીને સમજાવવા માટે એમણે ઘેર જઈને બાળકના ઑપરેશનનો રેકૉર્ડ બતાવવો પડેલો! છે ને મજાની વાત! બાળક પણ ડૉક્ટરને ભૂલે નહીં!

    એક વાર એવું બન્યું, કે એક બહેન લોકોના દેખતાં પોતાના બે-ત્રણ મહિનાના બાળકને ડૉક્ટરના પગ આગળ મૂકી, વંદન કરીને તેમનો આભાર માનવા લાગ્યાં.

    “ડૉક્ટર, તમારી સલાહથી મારા પિતાશ્રીએ મારું લગ્ન કરાવ્યું, અને જુઓ આ મારું બાળક! એને હું તમારા આશીર્વાદ માટે લાવી છું.”

    ડૉ. પરેશ શરમાઈ ગયો, પણ બાળકને ઉઠાવીને એ બહેનના હાથમાં સોંપતાં કહ્યું,

    “બહેન! તમારા દુઃખો જોઈને મને લાગેલું, કે તમે અંદરથી ખૂબ નિરાશ હતાં. મને એનું કારણ થોડે અંશે સમજાતાં તમારા પિતાજીને બોલાવીને મેં એ બાબતનો અણસાર આપેલો, એ જ! બાકી હું કાંઈ આટલા માનનો અધિકારી નથી!”

    આવી લાગણીને શું કહેવું? એક ડૉ. તરીકે તેને સમજાયું હતું કે જિંદગીમાં ડૉક્ટર બનવાનું કેટલું મહત્ત્વ હતું! એક સાચો ડૉક્ટર તો Friend, Philosopher & Guideની ગરજ સારે છે.

    આવા તો ઘણા પ્રસંગો યાદ આવે, પણ ડૉ. પરેશને પોતાની આત્મશ્લાઘા કરવી ગમતી નહીં. ડૉક્ટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખનારા દર્દીઓને બીજા દર્દીઓ કરતાં વધારે ફાયદો થતો એ એણે જોયું છે.


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભારતની જેલો : કારાવાસ, કેદખાનું, સુધારગૃહ…

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેમના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો.. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે.

    ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે પરંતુ તેમાં ૧૪૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં,  નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃધ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.

    જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડોકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામમાત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ- પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી  ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા , ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે.

    જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે.  જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતાં. તેમાંથી ૧૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતાં.એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.

    દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે.પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ.ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જોકે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચાકામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે.

    જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવા કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્યપ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે,” જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય( અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે.તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.

    ૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણા રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટાભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જોકે ૨૦૧૬ની આદર્શ જેલ  નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના અધારે રસોડાની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં.  પરંતુ આ બાબતનો ભાગ્યેજ અમલ થાય છે. અરે જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે.

    ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્વના કાર્યો કર્યા હતા. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવા કાર્યો કરવાના રહે છે.

    જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભયપક્ષોએ પાલન કરવું જોઈએ.  શંકાના અધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું..જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નારાયણ આશ્રમ

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    આખા નારાયણ આશ્રમમાં ગમે ત્યાં ઊભીને નજર કરીએ તો ચારે તસૂ ૩૬૦૦  પૂરા કે અડધા પડધાં  બરફથી ઢંકાયેલાં શિખરોનાં જ દર્શન થાય.

    કોઈ પિતાના ફેલાયેલા, સશક્ત અને માયાળુ બાહુઓ વચ્ચે નિશ્ચિંત પોઢેલાં શિશુની જેમ નાગાધિરાજની શીતળ છાયા વચ્ચે પલાંઠી વાળીને બેઠેલા નારાયણ આશ્રમ સાથે પ્રેમમાં પડી જવાય એ દૃશ્ય હતું. આશ્રમની રમણીયતા, પવિત્રતા અને નીરવતા અમારી કલ્પના કરતાં ક્યાંય એટલી ચઢિયાતી હતી કે મનના બધા ઉતાપ અને સંતાપ શમી જાય. રહેવાની સાવ સાદી અને સ્વચ્છ સગવડમાં આશ્રમમાં જ પ્રાકૃતિક રીતે ઉગાડેલાં તાજાં શાકભાજી, અને ત્યાંની ગાયોનાં ઘી-દૂધના ઉપયોગથી બનતું સ્વાદિષ્ટ ભોજન ઉદરાગ્નિને જેટલાં તૃપ્ત કરતાં જ હતાં તેટલી જ એ ભોજનને બનાવનારાંઓની અને અંતરના પ્રેમપૂર્વકના આગ્રહથી જમાડનારાંઓની લાગણી હૈયાંને પણ તરબતર કરતી હતી.

    સાવ નજીક આવેલાં નેપાળનાં સ્થાપત્યની અસર આશ્રમમાં આવેલાં મંદિરની બાંધણીમાં વરતાતી હતી.

    કોઈ તડક – ભડક કે આડંબર વિનાનું , સાદું, સીધું, લાક્ડાનાં કોતરકામવાળું  મંદિર – મંદિરમાં બિરાજતી, શાંત મુખમુદ્રાથી ઓપતી સૂર્યનારાયણની મૂર્તિ સામે પલાંઠીને મારીને સામે બેસી જાય તો ભલભલા નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે એવાં અહીં સ્પંદનો હતાં. અહીં નહોતો ટીવીનો ટકટકારો કે નહોતી મોબાઈલની માથાકૂટ. ચોમેર પથરાયેલી પ્રકૃતિની સુંદરતા સાથે એકાકાર થઈને જાત ઓગાળી નાખવાની ભરપૂર તક હતી. પછી તો જેવી જેની પાત્રતા ! આ બધું ઝીલવામાં પનો જ્યારે ટુંકો પડે ત્યારે માત્ર એટલુંજ કહેવાપણું રહે કે ‘બહોત દિયા દેનેવાલેને તુજકો, આંચલ હી ન સમાયે તો ક્યા કીજે ?’.

    સાંજે સાડા છથી સાત મંદિરમાં પ્રભુ ભક્તિ અને ભજન – કીર્તનનો સમય. અહીં ત્રણ દિવસ રહેવાનું થયું અમે બધાં હોંશે હોંશ એ ગાયન – શ્રવણમાં જોડાયાં. મંદિરના પુજારીજીના બુલંદ સ્વરમાં કબીરના દોહા  અને પદો સાંભળતાં એક અનોખી જ અનુભૂતિ જ થતી હતી. તો વળી આશ્રમનાં મેનેજર પ્રતાપસિંહ રાણાનાં ધર્મપત્ની, બિમલાદેવી,નાં પહાડી લહેકાવાળા કંઠે બેફિકર, બેખબર ભક્તિભાવભર્યું ભજન ‘લગન યુમ સે લગા બૈઠે, જો હોગા દેખા જાયેગા’  મીરાંના સમર્પિત ભાવભર્યાં ભજનોની યાદ અપાવતું હતું.

    અહીંના અમારા નિવાસના પહેલે દિવસે આશ્રમની અંદરથી જ કૈલાસ – માનસરોવરના રસ્તે ટ્રેકીંગ રસિયાઓને ટ્રેકીંગ કરવા મળ્યું. બીજા દિવસે.  જેમને જવું હતું એ બધાને મૅનેજર પ્રતાપસિંહ ભોમિયા બનીને ઘણું કપરું ચઢાણ ધરાવતા નારાયણપીઠના રસ્તે દોરી ગયા. જે ન જઈ શક્યાં એમને માટે મનભરીને પ્રકૃતિને માણવાનો અથવા તો નાનકડી, સુવ્યવસ્થિત લાયબ્રેરીમાં વાંચન કરવાનો કે પછી મંદિરમાં જઈને મૌનમાં સરી પડવાનો એવા અનેક જુદા જુદા વિકલ્પો હતા.  દરેકે પોતપોતાને અનુકૂળ આવે તે રીતે જીવનમાં ભાગ્યે જ મળી રહેતી આ અલભ્ય તકને સાર્થક કરી લેવાનો પ્રયત્ન કર્યો.

    નારાયણ સ્વામીએ સ્થાપેલ અને સ્વામી તદ્રૂપાનંદજીએ  સંવર્ધિત કરેલ આ નારાયણ આશ્રમની પવિત્ર, નિર્મળ ખુશ્બુ મનમાં ભરીને આ સ્થળને અમે અલવિદા કહીને અમે મુંશીયારી પહોંચવાનો વળતો પ્રવાસ શરૂ કર્યો.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જૈન દેરાસરો – આપણા ઉત્સવો આપણી સાંસ્કૃતિક ધરોહર

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

    Jain Temples 022023


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : અન્નાનો આવેગ – PASSION OF ANNA ( 1969 ) – EN PASSION ( Swedish )

    ભગવાન થાવરાણી

    આ શૃંખલાના દસમા અને અંતિમ હપ્તાની ફિલ્મ પહેલેથી નક્કી છે – SEVENTH SEAL – વિશ્વ સિનેમાની ઉત્કૃષ્ટતમ કૃતિઓમાંની એક. આ ઉપાંત્ય મણકામાં બર્ગમેનની કઈ ફિલ્મ લેવી એની મીઠી કશ્મકશ હતી. મેં જોયેલી અને અત્યાર સુધી સમાવિષ્ટ ન થઈ શકેલી દસેક ફિલ્મો સ્પર્ધા ! માં હતી. એ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો એ નુસખો અપનાવ્યો કે એમની નબળી લેખાતી ફિલ્મોમાંથી એક પસંદ કરવી. આમેય કોઈ મોટા સર્જકની એવી ફિલ્મ પર દ્રષ્ટિપાત કરવો હમેશા રસપ્રદ હોય જે ચૂકાઈ ગઈ હોય – અવગણિત, ઉપેક્ષિત, યોગ્ય મૂલ્યાંકન ન પામેલી કૃતિ ! બર્ગમેનની એવી ફિલ્મોમાંની એક એટલે THE TOUCH ( 1970 ) અને બીજી આજની ફિલ્મ. યાદ આવ્યું, સત્યજીત રાય વાળી શ્રેણીના પ્રથમ જ હપ્તે એમની ‘ આગંતુક ‘ ફિલ્મ વિષે લખવા બેઠો ત્યારે અનેક વિવેચકોએ લખેલું વાંચ્યું હતું કે એ એમની સૌથી  ‘ નબળી ‘ ફિલ્મોમાંની એક હતી ! એ ફિલ્મ ત્રણેક વાર જોયા – માણ્યા પછી લાગ્યું કે એ નબળી ફિલ્મ અનેક ફિલ્મકારોની શ્રેષ્ઠ ફિલ્મ કરતાં ચડિયાતી હતી .

    આજની ફિલ્મ PASSION OF ANNA ( ( 1969 ) – સ્વીડીશ નામ EN PASSION –  અન્નાનો આવેગ આવી ફિલ્મ છે.[1] બર્ગમેને પોતાની આત્મકથામાં કબૂલ્યું છે કે એમની આ ફિલ્મ એમની કારકિર્દીની ‘ યાદગાર રીતે વિચિત્ર ‘ ફિલ્મ છે ! હા, એ ક્ષતિપૂર્ણ કૃતિ છે પરંતુ ક્ષતિગ્રસ્ત બર્ગમેન અન્ય અનેક ક્ષતિરહિતો કરતાં બેહતર છે. એમની ઉણપો પણ રસપ્રદ છે.

    પ્રથમ દ્રષ્ટિએ આ ફિલ્મમાં વાર્તા જેવું કશું ન લાગે. ફિલ્મના મુખ્ય ચાર પાત્રોના આવેગો માત્ર દર્શાવાયા છે. ( ફિલ્મનું અંગ્રેજી શીર્ષક ‘ અન્નાનો આવેગ ‘ એ રીતે વ્યાજબી નથી કારણ કે ફિલ્મમાં માત્ર અન્નાની વાત નથી. લાગે છે એવું કે અમેરિકન બજારને લોભાવવા સર્જકે અન્ના નામનો ઉપયોગ કર્યો છે. ) દરેક પાત્ર વિચિત્ર છે અને એ વિચિત્રતાઓ પાછળની પૃષ્ઠભૂમિ દર્શાવતી ઘટનાઓ ફિલ્મનું હાર્દ છે. એની સમાંતરે કેટલાક એવા પ્રસંગો અને પાત્રો છે જે આપણા સંવેદનતંત્રને ઝકઝોરે ! એક રીતે આ ફિલ્મ બર્ગમેનની એ પહેલાંની બે ફિલ્મો HOUR OF THE WOLF ( 1968 ) અને SHAME ( 1968 ) સંગે એક ફિલ્મ – ત્રયી રચે છે. ત્રણેય ફિલ્મોની કથા બર્ગમેન પોતે રહેતા એ ફારો ટાપુ પર આકાર લે છે. ત્રણેયમાં એક જ કલાકાર બેલડી MAX VON SYDOW ( ઉચ્ચાર ‘ મેક્સ ફોન સિંદો ‘ ) અને LIV ULLMANN છે અને ત્રણેય મનુષ્ય સહિતના નિર્દોષ પ્રાણીઓ પરના અત્યાચારની વાત કરે છે.

    ફિલ્મના મુખ્ય પાત્રો આમ તો બે જ એટલે કે આંદ્રેયા વિંકલમેન ( મેક્સ ફોન સિંદો ) અને અન્ના ( લિવ ઉલમાન ). એમની સાથે સહપાત્રો છે ઈવા ( બીબી એંડર્સન ) અને એલિસ ( અરલેંડ જોસેફસન ). ચારેય એક ટાપુ પર રહે છે. ( આમ તો ચારેય પોતે પણ ટાપુ જેવા છે – નિતાંત એકલવાયા ! ) આંદ્રેયા પોતાના ગુનાહિત ભૂતકાળથી ભાગતો ફરતો અને પત્નીએ ત્યજી દીધેલો એકલો પોતાના ખખડધજ મકાનમાં રહે છે. એનાથી દૂર આ જ ટાપુ પર એલિસ અને ઈવા  – પરિણિત દંપતિ – પોતાના સમૃદ્ધ મકાનમાં રહે છે. ફિલ્મની નાયિકા અન્ના આ દંપતિ સાથે પારિવારિક મિત્ર તરીકે રહે છે. અન્ના તાજેતરમાં એક કાર અકસ્માતમાં પોતાના પતિ અને પુત્રને પોતાની જ ડ્રાઈવીંગની ભૂલના કારણે ગુમાવી ચૂકી છે. એની પોતાના પણ એક પગને નુકસાન થયું છે. ફિલ્મમાં વધુ એક પાત્ર યોહાન ( ERIK HELL ) પણ છે. ચારે મુખ્ય પાત્રો ગૂંચવાયેલા ચરિત્રો છે. બધા કંઈક અંશે ક્રૂર અને હિંસક પણ છે – અન્યો પ્રત્યે જ નહીં, સ્વયં પ્રત્યે પણ ! બધા જ જાતે સર્જેલા પોતપોતાના નરકમાં સબડે છે. ફિલ્મનું કથાવસ્તુ આ ચારે પાત્રોના એકમેકમાં અટવાવા વિષે છે. એ દરમિયાન ટાપુ પર થતી નિર્દોષ પ્રાણીઓની રહસ્યમય હત્યાઓ અને એમાં આંદ્રેયાના મિત્ર યોહાનના લેવાતા ભોગની કરુણ કથની પણ સમાવી લેવાઈ છે.

    ફિલ્મનું એક વિશિષ્ટ પાસું છે ફિલ્મના ચાર મુખ્ય કલાકારો દ્વારા એમના દ્વારા ભજવાતી ભૂમિકાઓનું કેમેરા સમક્ષ કરાતું વિશ્લેષણ. આ દ્રષ્યો ફિલ્મમાં થોડી-થોડી વારના અંતરે આવે છે. બર્ગમેન અદ્રષ્ય રહીને ચારેય કલાકારોને એમણે ભજવેલા પાત્રના માનસ વિષે પૂછે છે. કેટલાક વિવેચકોના મતે આ પ્રયોગ ફિલ્મની પ્રવાહિતામાં અવરોધક છે. વળી એ દર્શકોની પોતાની આગવી નિરીક્ષણ ક્ષમતાની અવહેલના રૂપ પણ કહેવાય . ગમે તે હોય, પ્રયોગ નિરાળો તો ખરો જ.

    ફિલ્મની વાર્તાની સંક્ષેપમાં વાત. ટાપુ પર એકલવાયું જીવન જીવતા અને પોતાના કલંકિત ભૂતકાળથી ભાગતા ફરતા આંદ્રેયાનો એકમાત્ર મિત્ર યોહાન છે જે પોતે પણ મજૂરીના કામ કરી એકલો જીવે છે. આંદ્રેયાની પત્ની ‘ તને આત્માનું કેંસર છે ‘ જેવો આરોપ એના પર મૂકી એને છોડીને જઈ ચૂકી છે. અન્ના આ જ ટાપુ પર પોતાના મિત્ર દંપતિ એલિસ અને ઈવા સંગે રહે છે.  એક વાર અચાનક ફોન કરવાની જરૂર પડતાં એ આંદ્રેયાના ઘરે જઈ ચડે છે. એની ફોન પરની વાત સાંભળતા આંદ્રેયાને ખબર પડે છે કે એ કોઈક આર્થિક વિટંબણામાં છે. પાછા ફરતા એ પોતાનું પર્સ આંદ્રેયાના ઘરે ભૂલી જાય છે. આંદ્રેયાનું અપરાધી માનસ એને પર્સમાંના એના પતિએ અન્નાને લખેલો પત્ર વાંચવા લલચાવે છે. પત્રમાં એને પતિએ સ્પષ્ટ લખ્યું છે કે એ બન્નેના સ્વભાવની વિસંગતિઓ જોતાં એ કોઈ પણ સંજોગોમાં અન્ના સાથે રહી શકશે નહીં.

    પર્સ પાછું આપવા જતાં આંદ્રેયાની ઓળખાણ એલિસ – ઈવા દંપતિ સાથે થાય છે. અન્ના એમની સાથે જ રહે છે. એલિસ સંપન્ન સ્થપતિ છે. એને ફોટોગ્રાફીનો પણ જબરો શોખ છે. બન્ને પતિ પત્ની વચ્ચે સુમેળ નથી. ઈવાને એક વાર ગર્ભપાત થઈ ચૂક્યો છે. હવે બાળકની ઈચ્છા નથી કારણ કે એના શબ્દોમાં ‘ બાળક ઉછેરવું એના ગજા બહારની વાત છે. ‘ એને અનિદ્રાનો રોગ છે એટલે ધોળે દિવસે ગમે તે જગાએ કાર પાર્ક કરીને અંદર સુઈ જાય છે !

    અન્ના જિદ્દી છે. એને એવો દેખાડો કરવાનો શોખ છે કે એનું લગ્નજીવન સુખી હતું. એ જિદ્દપૂર્વક પોતે માનેલા સત્યોને વળગી રહે છે. એ સ્વયંને આધ્યાત્મિક માને છે. અડધી રાતે એ દુ:સ્વપ્નોમાંથી ચીસો પાડીને જાગી જાય છે.

    એલિસના સ્ટુડિયોમાં એણે જાતે પાડેલા ફોટોગ્રાફનો સંગ્રહ છે. એ હજારો ફોટોનું વર્ગીકરણ એણે લોકોના અલગ-અલગ મૂડ પ્રમાણે કરી ખજાના જેમ સાચવ્યો છે. એ કોઈ પણ નવા માણસના ફોટા પાડવાની તક ચૂકતો નથી અને એ રીતે સંગ્રહને સમૃદ્ધ કરતો રહે છે. એ આ સંગ્રહને ‘ અર્થહીનતામાં જીવતા લોકોની પહોંચ બહારનો ખજાનો ‘ કહે છે ! એ આંદ્રેયાને આર્થિક રીતે પગભર થવા જોઈતી મદદ કરવા તૈયાર છે. એ કબૂલ કરે છે કે એની પત્ની ઈવાને ભૂતકાળમાં અન્નાના પતિ સાથે અનૈતિક સંબંધો હતા. અન્ના અને ઈવા કહેવાતા પ્રગાઢ મિત્રો છે પણ ઈવા અંદરખાનેથી અન્નાને ધિક્કારે છે.

    તક મળતાં ઈવા આંદ્રેયાના કોટેજ પર પહોંચી જાય છે, પોતાના દુખડા રોવા. પોતાના પતિથી અસંતુષ્ટ પણ એને ‘ દિલથી ચાહતી ‘ ઈવા આંદ્રેયા સંગે સહશયન કરે છે. એ જર્મન સંગીતકાર યોહાન બાખના સંગીતની શોખીન છે. એલિસ પોતે પણ એની પત્નીના ઈતર સંબંધો વિષે ચિર શંકાશીલ છે. ખુદ ઈવાના મતે  ‘ હું મારા પતિ માટે નિરર્થક છું. એને મારી જરૂર નથી. એ ભલો ને એનો વ્યવસાય અને શોખ ભલા. ‘ જતાં – જતાં એ આંદ્રેયાને અન્નાથી ચેતતા રહેવાની સલાહ આપતી જાય છે.

    ટાપુ પર છાશવારે કોઈક અજાણ્યો વિકૃત માણસ મૂંગા પ્રાણીઓ પર અત્યાચાર કરતો રહે છે. એક વાર એ આંદ્રેયાના ઘરની બહાર જ એક ગલૂડિયાંના ગળે દોરડું બાંધી લટકાવી દે છે જેને આંદ્રેયા મહામહેનતે બચાવે છે. અન્ય એક ઘટનામાં એ ઘેટાના વાડામાં આગ લગાડી ભાગી છૂટે છે જે અનેક ઘેટાના જીવતા ભૂંજાઈજવામાં પરિણમે છે. ટાપૂના લોકોને આ બધા માટે યોહાન જવાબદાર લાગે છે કારણ કે એ ‘ માનસિક રોગની સારવાર લઈ ચૂક્યો છે, એકલસૂરો છે અને પોતે કોઈ પ્રાણી પાળતો નથી ‘ !

    અન્ના અને આંદ્રેયા સાથે રહેવાનું શરુ કરે છે. બન્ને સમદુખિયા છે અને વિક્ષિપ્ત પણ. જોકે પ્રકૃતિએ બન્નેમાં આભ – જમીનનું છેટું છે. અન્ના એની આગળ એ જ ‘ પોતાના પતિ સાથેના સુખી લગ્નજીવનનું ગાણું ‘ ગાયે રાખે છે જેનાથી આંદ્રેયા ધૂંધવાય છે કારણ કે એ અન્નાની અસલિયત જાણે છે. અન્ના પોતે પતિની બેવફાઈ – એના ઈવા સાથેના સંબંધ – કઈ રીતે માફ કરી પ્રેમને બરકરાર રાખ્યો એ વાત કરવાનું પણ ચૂકતી નથી.

    યોહાનને મારી નાંખવાની નનામી ધમકી મળે છે. એણે નિર્દોષ પ્રાણીઓ પર આચરેલા અત્યાચાર સબબ. આંદ્રેયાને નવાઈ લાગે છે. એ પોતાના મિત્રને ઓળખે છે. યોહાન અને ક્રૂરતાને દૂરનો સંબંધ પણ નથી. એ એને સલામતી ખાતર ટાપુ છોડીને ચાલ્યા જવાની સલાહ આપે છે. ‘ ક્યાં જાઉં ? ‘

    આંદ્રેયા અને અન્ના એક વર્ષ ‘ ઠીક ઠીક સુમેળપૂર્વક ‘ રહે છે. ક્યારેક બન્ને વચ્ચે થતા નાના – નાના છમકલાંને બાદ કરતાં. જોકે બન્નેની આગવી પ્રકૃતિને કારણે બન્નેના આગવા મૂંઝારા પણ છે. અગાઉ લખ્યું તેમ, લિવ ઉલમાન પોતે ભજવે છે એ અન્નાના પાત્ર વિષે કહે જ છે કે ‘ એ દુનિયાને પોતાના બીબાંમાં ઢાળવા માંગે છે. એનો પોતાના જ સત્યનો આગ્રહ ભયાનક છે. પોતાના બચાવ માટે એ જૂઠનો સહારો લે છે. આસ્થાવાન હોવાની એક તકલીફ એ છે કે તમે, અન્યો પણ ‘તમારા વાળી‘ આસ્થામાં વિશ્વાસ રાખે એવી અપેક્ષા રાખો છો ! મેક્સ ફોન સિંડો પણ આંદ્રેયા વિષે કહે છે કે ‘ એ ઉપરથી સંવેદનહીન છે. મારા માટે એ સંવેદનહીનતાની સંવેદના મૂર્તિમંત કરવી પડકારજનક કામ હતું. એ સ્વયંનું પોત જગતથી સંતાડી રહ્યો છે. એનું આશ્રયસ્થાન એ એક રીતે એનું કેદખાનું છે. 

    એક અદ્રષ્ય દીવાલ છે બન્ને વચ્ચે. બન્નેને મુક્ત થવું છે. આંદ્રેયાને એવું લાગે છે કે સ્વમાન વગર જીવવું, નિષ્ફળતા સંગે જીવવું જેમાં બધા આપણને સલાહ આપ્યે રાખે – જાણે એમનો એ જન્મસિદ્ધ અધિકાર હોય – એ મૃત્યુથી બદતર છે. અને વળી આપણું અપમાન કરનારા આરામથી જીવે ! ( અહીં એના મિત્ર યોહાનની ટીસ છે ! ) અપમાનિત લોકો માટે સ્વતંત્રતા પણ એક પ્રકારનું ઘેન છે, બધું સહન કરી લેવાનું ઔષધ જાણે ! અને સૌથી વધુ દુખી લોકો સૌથી ઓછી ફરિયાદ કરે એનો અર્થ એ નહીં કે દુખ નથી ! 

    ફિલ્મના અંત ભાગમાં, જાણે પોતાનો આક્રોશ ઠલવતો હોય તેમ પોતાના ફળિયામાં ઝનૂનપૂર્વક કુહાડીથી લાકડા વાઢતા આંદ્રેયા સાથે ફરી એક વાર અન્ના જીભાજોડી કરે છે. એ મહેણું મારે છે કે પોતાના ભગ્ન લગ્નજીવન વિષે આંદ્રેયા એની સાથે ખોટું બોલ્યો. છૂટા થઈએ એ જ બેહતર. ગુસ્સામાં આંદ્રેયા અન્નાને બેરહમીપૂર્વક ઝૂડે છે.

    અંતિમ દ્રષ્ય. અન્ના અને આંદ્રેયા કારમાં. અન્ના કાર ચલાવે છે. આંદ્રેયા છૂટા થવાનો અને પોતાનું એકાંત પરત મેળવવાનો નિર્ણય જાહેર કરે છે. ‘ હું તારું સત્ય જાણું છું. તારા સુખી લગ્નજીવનમાં જૂઠાણાંથી તંગ આવી ગયો છું. ‘ અન્ના કાર પર સ્હેજ કાબૂ ગુમાવે છે કે તરત ‘ તું મને પણ તારા પતિની માફક મારી નાખવા માગે છે ને ! ‘ જવાબમાં અન્ના એટલું જ કહે છે કે હું તો તને નાહક ગુસ્સે કરવા બદલ માફી માંગવા ઈચ્છતી હતી !

    આંદ્રેયા કારમાંથી ઉતરી જાય છે. એ ઉતરે છે એ વિસ્તાર પાણીના ખાબોચિયાવાળો અને ઉબડખાબડ છે. અન્ના એને ઉતારીને ચુપચાપ કાર હંકારી જતી રહે છે. આંદ્રેયા હવે દરેક રીતે એકલો છે. એને ચોમેર મૃગજળ જેવો ભાસ થાય છે. ફિલ્મના આરંભમાં પોતાનું છાપરું દુરસ્ત કરતો દેખાડાયેલો આંદ્રેયા અંતે ખુદ જ વેરવિખેર થઈ જાય છે !

    સુત્રધારનો અવાજ ‘ હવેથી એ આંદ્રેયા વિંકલમેન છે. ‘

    આ ફિલ્મ અપરિપૂર્ણ છતાં બર્ગમેનની લાક્ષણિક પદ્ધતિની સ્પષ્ટ છાપ ધરાવે છે. ફિલ્મના ત્રણ યાદગાર પ્રસંગોની વાત કરીએ.

    – દ્રષ્ય એક.  સાથે રહેતા આંદ્રેયા અને અન્ના ટીવી પર વિયેટનામના યુદ્ધમાં નિર્દોષો પરના અત્યાચારનું સાચુકલું દ્રષ્ય જુએ છે. ( આ યુદ્ધની બર્બરતાની વાત બર્ગમેન એમની ફિલ્મ PERSONA માં પણ ઉલ્લેખી ચૂક્યા છે. એ ફિલ્મમાં પણ ફિલ્મની નાયિકા એલિઝાબેથ – લિવ ઉલમાન એ બધું જોઈને માનસિક સમતુલા ગુમાવી બેસે છે. ) એક વિયેટનામી નાગરિકને ગોળીએ દેવા સૈનિકો ઢસડી જાય છે. બન્ને નિ:સહાયપણે એ જુએ છે. અચાનક બન્નેને બહાર કોઈક પંખીના પડવાનો અવાજ સંભળાય છે. એક ચકલી બહાર ઘાયલ થઈને પડી છે. અન્ના આંદ્રેયાને કહે છે ‘ એને મુક્તિ આપ પીડામાંથી ‘. આંદ્રેયા પથ્થરથી ચકલીનું માથું છુંદી નાંખે છે. અન્નાથી ઉંહકારો નીકળી જાય છે. એ મૃત ચકલીને ઉપાડી માટીમાં દાટી દે છે. ‘ અડધી રાતે એ એકલી કેમ ઉડતી હશે ? તને લાગે છે એને બચાવી શકાઈ હોત ? ‘  ‘ ના. એની ઈજા વધારે પડતી હતી.’

    – દ્રષ્ય બે.  ફિલ્મમાં અન્ના એક સ્વપ્ન જૂએ છે. એ સ્વપ્ન એટલે આ ફિલ્મ પહેલાંની અને આ ચર્ચાની શરુઆતમાં ઉલ્લેખી એ ફિલ્મ SHAME નું અંતિમ દ્રષ્ય. એ ફિલ્મમાં લિવ ઉલમાનના પાત્રનું નામ ઈવા છે. ( બર્ગમેનની અનેક ખાસિયતોમાંની આ પણ એક. એમની બધી ફિલ્મો માટે કલાકારો – કસબીઓનું ૧૮ લોકોનું એક જૂથ હતું. બધી ફિલ્મોમાં આ જ કલાકારો આઘા-પાછા થતા રહેતા. બિલકુલ એ જ રીતે એમના પાત્રોના નામો પણ અમુક ચુનંદા મુઠ્ઠીભર નામોમાંથી રહેતા ) . અન્ના ( અથવા ઈવા ) નિરાશ્રિતોને લઈ જતી એક હોડીમાં સવાર છે. એ લોકો જીવ બચાવીને ભાગી છૂટેલા લોકો છે. એમને ક્યાંક આશરો જોઈએ છે. અન્ના કોઈક અજાણી વસાહતમાં હોડીમાંથી એકલી ઊતરે છે. એને કોઈક જીવંત માણસની હુંફ જોઈએ છે. ‘ કાશ ! કોઈકના હાથ મને વીંટળાઈ વળે ‘ . કિનારા પરની ખુદ ભયભીત લાગતી એક સ્ત્રીને એ પૂછે છે ‘ હું તમારી સાથે તમારા ઘરે આવું ? ‘  ‘ ના. અમારે ત્યાં મહેમાન રાખવાની મનાઈ છે. અમે તો ઘરના તાળાં પણ બદલી નાંખ્યા છે. ‘ એ સ્ત્રી એનો પીછો છોડાવીને ભાગે છે. અન્ય એક સ્ત્રી ડોલ લઈને પાણી ભરી રહી છે. અન્ના એને પૂછ છે ‘ આ કયું સ્થળ, કયું ગામ છે ? ‘ એ સ્ત્રી પણ એને જોઈને ભાગે છે. પોતાના ઘરમાં ઘુસી બારણું વાસી દે છે. અન્ના હેબતાઈ જાય છે. આવી અને આટલી નિષ્ઠુરતા ? એ નિરાશ્રિતોની વણઝાર સંગે ચાલી જાય છે. થોડેક દૂર એક સ્ત્રી બેઠી છે. એના ચહેરા પર સૂનકાર છે. અન્ના બાજુમાં ચાલતી સ્ત્રીને પૂછે છે ‘ પેલી કોણ છે ? ‘ ‘ એના પુત્રને શૂટ કરવા લઈ ગયા છે. એ પુત્રની લાશનો કબજો મળે એની રાહ જૂએ છે. ‘ અન્ના એ સ્ત્રી નજીક જાય છે. એના ખોળામાં માથું મૂકી કહે છે  ‘ મને માફ કરો. ‘ એ સ્ત્રી એને મારીને હડધૂત કરે છે. અન્ના ઊભી થઈ ભાગે છે. રસ્તામાં મારી નંખાયેલા પેલી સ્ત્રીના પુત્રની લાશ જોઈ ચિત્કારે છે.

    – દ્રષ્ય ત્રણ.  આંદ્રેયા અને અન્ના રહે છે એ ઘરની બહાર પોલિસ વાન આવે છે. આંદ્રેયાના મિત્ર યોહાને આપઘાત કર્યો છે. એણે મૃત્યુ પહેલાં આંદ્રેયાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. પોલિસ આંદ્રેયાને એ પત્ર દેખાડવા આવી છે. એ લોકો અત્યંત વિવેકપૂર્વક આંદ્રેયાની અનુમતિ લઈ ઘરમાં પ્રવેશે છે. પત્રમાં યોહાને લખ્યાનુસાર કેટલાક લોકો એના ઘરે આવ્યા હતા. આ એ લોકો હતા જે એમ માનતા હતા કે ટાપુ પર થઈ રહેલા ‘ અબોલ પ્રાણીઓ પરના અત્યાચાર ‘ માટે યોહાન જવાબદાર હતો. એ લોકો યોહાનને સબક શિખવાડવા આવેલા. એમણે એને ઢસડ્યો, એને માર્યો, એના પર થૂંક્યા, એના પર પેશાબ કર્યો. એમણે ધરાર એને અધમૂઓ કરી એની પાસે એનો ‘ ગુનો ‘ કબૂલ કરાવ્યો. એ બેહોશ થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે ખરા અત્યાચારીઓ ચાલ્યા ગયા હતા. આ પરિસ્થિતિ, આ અપમાન સહન ન થતાં યોહાને આપઘાત કર્યો. ( ફિલ્મમાં એની આત્મહત્યા પછી પણ પ્રાણીઓ પરના આવા અત્યાચાર ચાલુ રહે છે ! )

    પત્ર વાંચીને આંદ્રેયા નિ:શબ્દ છે. આખી વાત સાંભળ્યા બાદ અન્ના પ્રાર્થનામાં નતમસ્તક છે. એના મનમાં ક્યાંક એવું છે કે યોહાનના આપઘાત માટે પણ ક્યાંક એ દોષિત છે. સમગ્ર પ્રસંગની વિશિષ્ટતા છે એ દ્રષ્યમાં સામેલ સૌની માનવતા અને શિષ્ટતા જોડેની નિસબત . આંદ્રેયા અને અન્ના તો તળ લગી વ્યથિત છે જ પરંતુ પોલિસ પણ પૂર્ણત: સંવેદનશીલ. એમના વર્તનમાં લેશમાત્ર એવું નથી લાગતું કે એ લોકો આંદ્રેયાને આમાં ‘ ફિટ ‘ કરવા માગે છે ! આંદ્રેયાના પ્રશ્ન  ‘ પત્ર મને મળશે કે ? ‘ ના જવાબમાં પણ એ લોકો પૂર્ણ શાલીનતા સાથે જવાબ વાળે છે કે ‘ તહકીકાત પૂરી થયા બાદ ચોક્કસ મળશે ‘ ! ઘરમાં અન્નાની હાજરી અંગે તો કોઈ વાત જ નહીં ! જતી વખત પણ અભિવાદન સાથે વિદાય ! સલામ છે આ સંસ્કૃતિને !

    પોલીસની વિદાય બાદ આંદ્રેયા યોહાનના પરિવારને મળે છે. એમની આગળ એક પણ શબ્દ બોલ્યા વિના દિલસોજી વ્યક્ત કરે છે. મોઢે રુમાલ ઢાંકેલા યોહાનના મૃતદેહના હાથ પર પોતાના હાથ દબાવે છે અને ચુપચાપ ચાલ્યો જાય છે !

    યાદ આવે છે ફ્રેંચ ફિલ્મસર્જક ALAIN RESNAIS ની ફિલ્મ HIROSHIMA MON AMOUR નું એક યાદગાર દ્રષ્ય. અણુબોંબના વિનાશક હુમલામાં પોતાના પરિવાર સહિત સર્વસ્વ ગુમાવી બેઠેલી બે જાપાનીઝ વૃદ્ધાઓ પડોશમાં રહે છે. એ ઘટના પછી પણ એ બન્ને રોજ મળે છે. એકબીજાની સામે બેસે છે. એક પણ શબ્દ બોલ્યા વિના એકમેકનું દુખ વહેંચે છે અને ખાસ્સો સમય આમ મૌન સંવાદ કર્યા બાદ પોતપોતાના ઘરે ચાલી જાય છે ! સંવેદનો સહભાગવાની આ કેવી અદ્ભુત રીત !

    ઘણા બધા અર્થોમાં આ ફિલ્મના ચારેય મુખ્ય પાત્રો, આપણે આ પહેલાં ચર્ચી ચૂક્યા છીએ એ ફિલ્મ PERSONA ની નાયિકા એલિઝાબેથના વિસ્તારેલા સ્વરૂપ છે. ચારેય ચરિત્રોનો એક મુખવટો છે.દરેક પાત્ર જૂઠ જીવે છે, સ્વયંને માનવીય સંબંધોની પીડાથી રક્ષવા કાજે. આંદ્રેયા પોતાની નિષ્ફળતાની વાત અન્નાને કરીને આ પીડા વેઠે છે, અન્ના પોતાના ભૂતકાળનો ઢાંકપિછોડો કરીને ! એનું પેલું સ્વપ્ન એ જ કહે છે કે અન્ય તરફ સંબંધનો હાથ લંબાવવાનો અર્થ છે તિરસ્કાર અને હિંસા પામવી. એલિસ અલિપ્તતાનો અંચળો ઓઢીને અને ઈવા પોતાની અન્યો પ્રત્યેની જવાબદારીનો ભાર વેંઢારીને આ પીડા નિમંત્રે છે. ઈવાના પાત્ર વિષે અભિનેત્રી બીબી એંડર્સન નિરીક્ષે છે કે એ શિક્ષિકા હોવી જોઈતી હતી અને એ પણ બધિરોની ! કારણ કે બધિરો એના કરતાં પણ વધુ એકલવાયા હોય ! સર્જક બર્ગમેન જે રીતે એમના ચરિત્રોને એમણે જાતે સર્જેલ નરકમાં રહેતા દેખાડે છે એ બેનમૂન છે. નાયક આંદ્રેયાની અંતિમ છબી – એની અનિર્ણયની અવસ્થા – એનું ઉદાહરણ છે.

    ફિલ્મમાં નાયકનું પાત્ર ભજવતા અને બર્ગમેનના કલાકાર-વર્તુળનું અભિન્ન અંગ એવા મેક્સ ફોન સિંદોએ બર્ગમેનની ૧૧ સહિત કુલ દોઢ સો ફિલ્મોમાં કામ કરીને ૨૦૨૦ માં વિદાય લીધી. આપણે આ શ્રેણીના હવે પછીના અંતિમ હપ્તામાં અવલોકીશું એ SEVENTH SEAL માં પણ એ જ નાયક છે. ફિલ્મના અન્ય કલાકારો લિવ ઉલમાન, બીબી એંડર્સન અને અરલેંડ જોસેફસન વિષે અગાઉના હપતાઓમાં વાંચી ચૂક્યા છીએ.

    આ ફિલ્મ માટે બર્ગમેનને ૧૯૭૦ નો નેશનલ સોસાયટી ઓફ ફિલ્મ ક્રીટીક્સ નો શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો હતો.

    ફિલ્મના સિનેમા।ોગ્રાફર એ જ જૂના અને જાણીતા સ્વેન નિકવીસ્ટ . અત્યાર સુધી ચર્ચેલી મોટા ભાગની ફિલ્મોના એ જ કેમેરામેન. એમણે ૧૯૯૧ માં THE OX નામની સુંદર ફિલ્મ દિગ્દર્શિત પણ કરેલી.

    આ ફિલ્મના મૂળ બર્ગમેનની આ પહેલાંની ફિલ્મ SHAME માં છે. એ ફિલ્મનું શૂટીંગ પૂરું થયા બાદ ફારો ટાપુના કાયદા અનુસાર ફિલ્મના શૂટીંગ માટે ખાસ બનાવાયેલું મકાન તોડી પાડવું જરૂરી હતું પણ બર્ગમેનને એ મકાનનું વળગણ થઈ ગયેલું. એમણે એમ કહીને એને રહેવા દેવાની મંજૂરી લીધી કે ત્યાં એક અન્ય ફિલ્મનું શૂટીંગ હજી કરવાનું છે. એ પછી એમણે આ ફિલ્મની પટકથા લખી અને શૂટીંગ પણ ચાલુ કર્યું.

    આ ફિલ્મ એક સૌંદર્યસભર પરંતુ સંકીર્ણ કલાકૃતિ છે. જેમને પુખ્ત માનવીય સંબંધો સાથે નિસબત છે એમના માટેનો ખોરાક. ભલે એમાં બર્ગમેનની શ્રેષ્ઠ કૃતિઓ જેવી સ્પર્શની હળવાશ અને સરળ પ્રવાહિતા નથી પણ એ ઊંડાણમય સર્જન નિશ્ચિતપણે છે.

    [1] https://youtu.be/Riu8HRcFiAc


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ઊર્મિલ સંચાર : પ્રકરણ ૪. કસોટી

    શોમનું સારવાર કેન્સર માટે એલોપથી અને આયુર્વેદનાં સમન્વયનું કામ આગળ વધતા ભારતથી બે ડોક્ટરોનું આગમન થયું. શોમ પહેલી મુલાકાતમાં જ અંજલિ તરફ આકર્ષિત થાય છે. આપસમાં પહેલી પહેલી પ્રિતનો ઉછાળ અનુભવે છે.

    આગળ વાંચો પ્ર.૪..

    સરયૂ પરીખ 


    અંજલિ અને શોમ જમણ પૂરું કરી, હાથમાં હાથ લઇ કર સ્પર્શનો આનંદ માણતા સરોવરના કિનારે મીઠી વાતોમાં ખોવાયેલાં હતા. અંજલિ પાસે વાતોનો ખજાનો હતો અને શોમ તેના ચહેરાના ભાવ જોવામાં મશગુલ હતો. પરંતુ, વચ્ચે તેમના કામની વાતો ટપકી ન પડે એ શક્ય નહોતું…અને એ વાતના દોરને પકડી શોમ બોલ્યો, “આપણી પાસે પૂરતા આંકડા ભેગા થયા છે. આયુર્વેદિક સારવાર વિષે લેખ પ્રસિદ્ધ કરવાનો સમય આવી ગયો છે. હવે આંકડા ઝીણવટથી તપાસવાનું કાલથી શરૂ કરી દઈશ. આજકાલમાં વૈદ્યજીને પણ ગોઆ ફોન કરવો છે.”

    “મને ખાત્રી છે કે આંકડાઓ બરાબર જ હશે.” અંજલિ બોલી અને તેઓ કાર તરફ વળ્યાં. ઘરમાં દાખલ થઈ, લાઈટ ચાલુ કર્યા વગર જ એક આહ્લાદક આશ્લેષમાં વીંટાયાં. સહજ વ્હાલ કરી અલગ થયાં હતાં ત્યાં જ ગરાજ ડોર ખોલવાનો અવાજ આવ્યો. એકદમ અજવાળું થતા અંજલિની નજર પડી… ‘અરે! લિપસ્ટિક!’ કહી, શોમના ચહેરા પરથી લાલ રંગ લૂછ્યો.

    “શું વાત છે? શનિવારે અમારો પ્રિન્સ અહીં?” મશ્કરી ભર્યા સવાલથી શોમ મૂંઝાઈ ગયો.

    “આંટી, અમે ડિનર લેવા ગયા હતા.” અંજલિએ સાચો જવાબ આપી દીધો. ચારેય જણા બેઠક રૂમમાં જઈને બેઠા.

    “અંજલિ, તો સાથે એ પણ કહી દે કે શું ચાલી રહ્યું છે? અમને તો કંઈક ગુપ્ત સંચાર હોય તેમ લાગે છે.” હવે અંજલિ શરમાઈ ગઈ. “કોફી બનાવું” કહી રસોડા તરફ સરી ગઈ. માતા-પિતા પ્રશ્નાર્થ ભરી નજરે શોમની સામે જોઈ રહ્યાં.

    “હા, અમે એકબીજાને પસંદ કરીએ છીએ.” જાણે શોમના ચહેરા પરની હસતી રેખાઓ બોલી ઊઠી.

    “ઓહ, મારી પ્રાર્થના સફળ થઈ, શુકર અલ્લા!” માહી ભાવવિભોર થઈ ગઈ.

    કોફીની ટ્રે મૂકતાં અંજલિ બોલી, “એક વિચિત્ર વાત સાંભળી. મારી સાથે કામ કરતા ડો. રાકેશે કોઈ કત્રીના નામની અમેરિકન છોકરી સાથે સગાઈ કરી. ખબર નહીં, રાકેશનો અહીં રહી પડવાનો ઇરાદો હશે!” અંજલિની વાત સાંભળી ત્રણેને માયાની યાદ આવી ગઈ. કોફીને ન્યાય આપી શોમ જવા માટે ઊભો થયો  અને અંજલિ તેની સાથે બારણા નજીક ગઈ. ધીમા અવાજે શોમ બોલ્યો, “મારે એક વાત જણાવવાની છે.”

    “મને ખ્યાલ છે કે આંટી મુસ્લિમ છે.” અંજલિએ તેનો હાથ પકડ્યો.

    “ના, એક બીજી અગત્યની વાત છે…અત્યારે મોડું થઈ ગયું છે તેથી આગલી મુલાકાતમાં કહીશ.” શોમ અંજલિના હાથને ચૂમીને ધીમે પગલે જતો રહ્યો અને એ અપલક પ્રેમભરી નજરે જોતી રહી.

    ‘કેન્સરના દર્દીઓની આયુર્વેદિક સારવાર’ વિષય પર લેખ લખવાની શોમે તડામાર તૈયારીઓ શરૂ કરી. પ્રથમ હ્યુસ્ટન ક્લિનિકમાં ટ્યુમરનું માપ અને ત્યાંની સારવારના પરિણામ. ત્યાર બાદ એબી સેંટરના પરિણામનો ચાર્ટ, જે સારા લઈ આવી હતી તે જોઈને શોમને થયું, ‘વાહ! બહુ સરસ કામ થયું છે. ગ્રાફ પણ બહુ આશાસ્પદ છે.’ અંજલિ અને શોમના પ્રેમ પ્રવાહને જાણે ઉત્તમ પરિણામોથી વેગ મળ્યો. તેમનું મગજ ક્યાંક વ્યસ્ત રહેતું અને દિલ એકબીજા માટે ધડકતું…કેવા આહ્લાદક સ્વપ્નોના સાગરમાં સ્વૈર વિહાર કરી રહ્યા હતા.

    પંદરેક દિવસો પછી સમય મળતાં શોમે ઝીણી નજરે સેન્ટરના ચાર્ટ તપાસ્યા. જોયું તો હ્યુસ્ટન ક્લિનિક કરતાં સેંટરમાં નોંધેલાં ટ્યુમરના પ્રારંભિક માપ મોટાં હતાં. શોમે વિચાર્યું કે એકાદ સપ્તાહમાં દરદીના ટ્યુમરના માપમાં આટલો ફેર શક્ય નથી, કદાચ એક દર્દીના ચાર્ટમાં ભૂલ હશે. પછી શોમે દરેક દર્દી વિશે ચકાસણી કરી…અને આ શું? શોમને તેની પાછળનો આશય સમજાતા કમકમાટી થઈ…ટ્યુમરનું પ્રાથમિક માપ મોટું નોધ્યું, જેથી સારવાર પછી સંકોચાયેલ ટ્યુમરના માપની સરખામણીમાં મોટો તફાવત બતાવી શકાય! …આયુર્વેદિક ટીમ છેતરપિંડી કરી રહી છે!! એકદમ અકળાઈને શોમ ઊભો થઈ ગયો અને અચોક્કસ ઝડપથી ક્યાંક જવા નીકળી ગયો. “કોની સાથે વાત કરું?”

    અંજલિ તે સાંજે સેન્ટરથી જોષીનિવાસ પર આવીને માહી સાથે બેસીને વાતો કરી રહી હતી. રમેશ મેઇલ લઈને આવ્યા અને કહે, “અંજલિ તારો કાગળ.”

    “અરે વાહ! મમ્મીએ વળતી ટપાલે જ જવાબ મોકલી આપ્યો છે.” કહીને કવર ખોલીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું. “વ્હાલી દીકરી, તને આઘાત લાગે તેવી વાત લખી રહી છું. તને યાદ છે? લગભગ અઢી વર્ષ પહેલાં હું નાનામામાને ઘેર મુંબઈ ગઈ હતી. ત્યાં મેં અમેરિકાથી આવેલા ડોક્ટર વિશે જાહેરાત જોઈ તારા માટે વાત છેડી હતી, પણ આગળ વાત વધી નહોતી તેથી મેં તને જણાવ્યું નહોતું… ત્યારબાદ ભત્રીજી માયાના લગ્ન થયાં એ વાતની તને ખબર છે. તે આ જ વ્યક્તિ, શોમ, જેની સાથે માયાના લગ્ન થયેલાં. મને ખબર નહોતી કે અમેરિકામાં તેઓ ક્યાં રહેતા હતા. મેં પછીથી માયાનાં સમાચાર ભાઈને પૂછ્યાં તો તેમણે છેડાઈને કહ્યું હતું કે ‘માયા અમારા માટે મરી ગઈ છે.’ કારણ ખબર નથી કે શું થયું હતું, પણ માયાના લગ્ન શોમ સાથે થયેલા તે હકીકત છે…”

    અંજલિનો લડખડાતો અવાજ અટકી ગયો અને માહીની સામે બાવરી આંખે જોઈ રહી. તેના ચહેરાના ભાવ જોઈ, લખેલી વાત સત્ય છે તેમ ખ્યાલ આવતાં, તેની આંખોમાં આંસુંનાં તોરણ બંધાયા.

    માહી અંજલિનો હાથ પંપાળતાં બોલી, “શોમ તને જણાવવાનો જ હતો. માયાએ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા એ છલ કરેલું, અને અહીં આવીને તરત તેના પતિ સાથે જતી રહી હતી.”

    “એ ક્યાં છે? તમે કોઈ કાનૂની પગલાં ન લીધા?”

    “ગુસ્સો તો બહુ આવેલો. પણ દરેક જણ પોતાના કાર્મિક સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે, તેવું આ પરિવારનું માનવું છે. અંતમાં, શોમનો નિર્ણય હતો કે ડિવોર્સ આપી એ ‘ટ્યુમર’નો ત્વરિત નિકાલ કરી દેવો.” રમેશ ગમગીની સાથ બોલ્યા.

    બારણાંમાં ચાવી ફરવાનો અવાજ આવ્યો. “કોણ શોમ? આજે ગુરુવારે?” એ સાંભળતાં અંજલિ કાગળ લઈ પોતાના રૂમમાં દોડી ગઈ. શોમ જલ્દીથી અંદર આવી રમેશની પાસે જઈ, ચારે બાજુ અછડતી નજર નાખીને ગંભીરતાથી બોલ્યો, “ડેડી, અંદર ચાલો, મારે ખાસ વાત કરવાની છે.” નવાઈ પામીને માહી પિતા-પુત્રને માસ્ટર બેડરૂમ તરફ જતા જોઈ રહી.

    રમેશને એબી સેન્ટરના ખોટા આંકડાની વાત કરતા, અંજલિ પણ એમાં સામેલ હશે, એ ભયથી શોમ વધુ અસ્વસ્થ થઈ ગયો. “ડેડ, ફરી વખત મારો ભરોસો તૂટશે તે હું સહન નહીં કરી શકું,” શોમ ગળગળો થઈ બોલ્યો.

    “બેટા! પહેલા જરા શાંત થઈને વિચાર કર. તારી ચકાસણી બરાબર છે ને? બીજું, આ કામ કરવા પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ કર? આપણે અંજલિને જાણીએ છીએ તે પરથી લાગે છે કે તે અજાણ હોઈ શકે.”

    “આ વિષે ઊંડી તપાસ કરવી પડશે. મારી પ્રમાણિકતા અને સન્માનનો સવાલ છે.” શોમ બોલતો હતો ત્યાં બહારથી ‘રમેશ તમારો જરૂરી ફોન છે’ તેમ માહીએ કહ્યું.

    “શોમ, ધીરજથી દરેક પગલું ભરજે.” કહી રમેશે નાછૂટકે ફોન ઉપાડ્યો. શોમ બહાર આવી, સ્ટવ પાસે માહી કામ કરી રહી હતી તેની બાજુમાં જઈને ઊભો રહ્યો. “બેટા! તું ઠીક છે ને? જમીને જઈશ ને?” શોમે ના કહેવા માથું હલાવ્યું અને જવા માટે પગ ઉપાડ્યો.

    “તું જાય એ પહેલા એક વાત…માયા અંજલિના મામાની દીકરી બહેન છે.”

    “ખરેખર?” શોમના મનમાં કડવાહટ વધી ગઈ. “છળકપટ તેમનો પારિવારિક ધંધો લાગે છે.”

    “એટલે તમે શું કહેવા માંગો છો? કહો તો ખરા!!” પાછળથી અંજલિનો તીક્ષ્ણ અવાજ આવ્યો.

    શોમ તેની સામે ફર્યો અને બન્નેની ક્રોધિત આંખો એકબીજાને તાકી રહી. તેના હોઠ ફરક્યા પણ તેને દબાવીને શોમ બોલ્યો, “કહીશ, જરૂર કહીશ, પણ આજે નહીં,” કહીને ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. અંજલિ તેના રૂમમાં જતી રહી, અને માહીના પગ શક્તિહીન થઈ ગયા હોય તેમ એ ખુરશી પર બેસી પડી.

    બીજે દિવસે સવારે અંજલિએ સેન્ટર પહોંચીને જોયું તો, હ્યુસ્ટન ક્લિનિક અને એબી સેંટર વચ્ચે કડી તરીકેની ફરજ બજાવતી, સારા અને બીજા એક ડોક્ટર, આગળની ઓફિસમાં કર્મચારીઓ સાથે વાત કરતા હતા. અંજલિ પોતાની ઓફિસમાં જઈ કામે લાગી ગઈ. બે કલાક પછી સારા તેને મળવા આવી અને સામાન્ય વાતચીત તેમજ દિનચર્યા વિશે વાત કરીને જતી રહી.

    સારાએ આપેલી માહિતી પ્રમાણે, રાકેશ જ ટ્યુમરનાં માપના આંકડા બદલવા માટે જવાબદાર હતો અને અંજલિને તે વિષે ખબર નથી, એ સ્પષ્ટ થતું હતું. શોમના ચહેરા પરથી ચિંતાની વાદળી ગાયબ થઈ ગઈ. સારાએ આગળ કહ્યું, “રાકેશ ઓફિસમાં આવ્યો તે પહેલાં, મેં ઝીણવટથી તપાસ કરી તો એક ફાઈલમાં સાચા માપ લખ્યાં હતાં.” આ સાંભળીને શોમ ઉત્સાહ સાથ બોલ્યો, “હાશ, આપણો પ્રોજેક્ટ બચી ગયો… સારા! બપોરે બે વાગે, ડીનની હાજરીમાં એબી સેન્ટર પર મીટીંગ છે તેમ બન્ને ડોક્ટર્સને જણાવી દેશો.” અને નવી ઉર્જા સાથે તે કામમાં વ્યસ્ત થઈ ગયો. અચાનક વિચાર ઝબક્યો… વૈદ્યજી સાથે વાત કરું. ગોઆ કોલ કરવા માટે જરા મોડું તો હતું, પણ એ પોતાને રોકી ન શક્યો અને વૈદ્ય ભાણજીનો નંબર જોડ્યો.

    “હાં શોમ, હું તારા ફોનની રાહ જોતો હતો. અંજલિનો ફોન આવ્યો હતો. તે બહુ અસ્વસ્થ હતી. તેની પિત્રાઈ બહેન માયા સાથે તારા લગ્ન થયેલા હતાં એ બાબત પર તું અંજલિ પર કેમ ગુસ્સે થઈ ગયો?”

    શોમે જવાબ આપ્યો, “હું દિલગીર છું…બાબા! હવે, હું જે તથ્ય તમને કહેવાનો છું, તે જાણીને તમને અહીંની પરિસ્થિતિનો બરાબર ખ્યાલ આવશે.” વૈદ્યજી પોતાના વિદ્યાર્થી રાકેશના કપટ વિશે સાંભળીને, વ્યથિત થઈ ગયા. “એ મહત્વાકાંક્ષી છે પણ આટલી નીચી કક્ષાનું કામ કરશે એવી મને અપેક્ષા નહોતી. તમે ત્યાંના નિયમ મુજબ કાર્યવાહી કરશો અને અહીં હું તેના કુકર્મ માટે યોગ્ય કાર્યવાહી કરીશ.”

    “હવે એકાદ કલાકમાં જ મિટિંગ છે જ્યાં આ વાત જાહેર થશે. મને આવી સ્થિતિ કેમ સંભાળવી તેનો અનુભવ નથી.” શોમને પોતાની વિચલિત મનોદશા પર ભરોસો નહોતો.

    “તારા વિચારોને પરખ અને તટસ્થ ભાવથી આ સમયે કોણ સૌથી અગત્યનું છે, તે નક્કી કર.” વૈદજીનો શાંત અવાજ તેને માર્ગદર્શન આપી રહ્યો હતો.

    “મારા દર્દીઓ સૌથી વધારે અગત્યના છે. તેમની સલામતી અગ્રગણ્ય સમજીને નિર્ણય લેવો જોઈએ.” પછી અચકાઈને શોમ બોલ્યો, “પણ બાબા, હું અંજલિને કેવી રીતે મનાવીશ? એ સમયે તે માયાની બહેન છે અને કામમાં કપટી છે, એવી માન્યતાને લીધે તેનું અપમાન કરી બેઠો.”

    “તારો પ્રકોપ સમજી શકું છું. પરંતુ તારાથી જે કટુ વચન બોલાઈ ગયા તે ક્રોધનું પરિણામ છે. ક્રોધ અને પુણ્યપ્રકોપમાં એ જ તફાવત છે. ક્રોધમાં આપણી ઇન્દ્રિયો પર કાબૂ ગુમાવી બેસીએ છીએ અને અયોગ્ય વર્તાવ થઈ જાય છે. જ્યારે પુણ્યપ્રકોપમાં તમે ઉત્તેજિત થાવ પણ બેકાબૂ નહીં… જેમકે ગુરૂનો પુણ્યપ્રકોપ શિષ્યને સાચા માર્ગ તરફ વાળવા શક્તિમાન છે. માતાનો પુણ્યપ્રકોપ બાળકને કેળવણી આપે છે. પરંતુ ક્રોધનું પરિણામ ભાગ્યે જ કલ્યાણકારી હોય છે. શોમ! મને તારી વિવેક બુદ્ધિ પર વિશ્વાસ છે. હું તને શુભેચ્છા પાઠવીને વિરમું છું.”

    ક્રોધ અને પુણ્યપ્રકોપ

    ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલ, સમજણને પોઢાડે,
    પરજાયા ને અંગતને પણ, ઉગ્ર આંચ  રંજાડે.

    મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
    શ્રધ્ધા નિષ્ઠા મુખ ફેરવી અબુધ  થઈને  નાસે.
    લાગણીઓ કકળતી  બેસે આત્મદયાની  આડે,
    ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા  પ્રેરે.

    ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે,
    વૃત્તિ  લેતી  રોષને વશમાં  આવેશોને  નાથે.
    પુણ્યપ્રકોપે  ઉજ્વલ   જ્વાલા  ઉર્જાને જગાડે,
    પ્રજ્ઞાચક્ષુ    ખોલી  મારગ  અનેકનાં  ઉજાળે.

    અંગારા ના હસ્તે લઈએ; જ્યોત કામમાં લઈએ,
    જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.

    ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે. વિવેકબુદ્ધિ સાથે, જાગૃત અને તટસ્થ ભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ, પાઠ શીખવે છે.  જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો.


    ક્રમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • જ્ઞાન વન વે એમનું

    વ્યંગ્ય કવન

    મસ્ત હબીબ સારોદી

    જ્ઞાન વન વે એમનું છે, પ્હોંચ પણ કેવી અસીમ !

    આ તરફ સુરતથી ઉધના આ તરફ સુરતથી કીમ.

     

    ‘થોટ’ તકવાદી અહર્નિશ, સ્વાર્થનિષ્ઠ રંગીન થીમ

    કયાંક તંત્રી, મોલ્વી છે, ક્યાંક શાયર કે હકીમ.

     

    દૂર તે દિવસ નથી જોશો છતી આંખે તમે,

    એક વ્યક્તિ પંચ જેવી એક વ્યક્તિનીયે ટીમ.

     

    એમનો ભાષા ઉપર કાબૂ છે કેવો સાંભળો,

    ફેરવે છે શબ્દ એ રીતે ગદા જાણે કે ભીમ.

     

    ગામ કરતાં શહેર એથી તો પસંદ છે એમને,

    છાશ ત્યાં પીતા અહીં ખાવા મળે છે આઈસક્રીમ !

     

    તો ભલા ક્યાંથી એ હૂરના ચાહક બને !

    ડાયરીમા મનની જ્યાં નોંધાઇ નર્ગિસ કે નસીમ !

     

    મસ્જિદોમાં પણ સલામત કયાં છે જોડા કોઈના,

    આ દશા બંદાની તારા, હે ખુદાવંદે કરીમ !

     

    આજ’મુલ્લા’ને મળ્યાની છાપ શી મન પર પડી,

    ભાસ કંઈ એવો થયો, જાણે જગતભરનાં યતીમ !