-
ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963
ભગવાન થાવરાણી
લેખમાળાના આ છઠ્ઠા હપ્તામાં ઈંગમાર બર્ગમેનની જે ફિલ્મ WINTER LIGHT વિષે ચર્ચા કરવાના છીએ એ એક ફિલ્મ – ત્રયી (અર્થાત એક જ વિષય પર બનેલી એક જ સર્જકની ત્રણ ફિલ્મો) ની બીજા નંબરની ફિલ્મ છે. આ ત્રણ ફિલ્મો એટલે ૧. THROUGH A GLASS DARKLY (1961); ૨. WINTER LIGHT (1963) અને ૩. SILENCE ( 1963 ). આ ત્રણેય ફિલ્મોનો કેંદ્રિય વિષય ઈશ્વરનું અસ્તિત્વ અને કટોકટીની ક્ષણોમાં એનું મૌન હતું.
ફિલ્મ વિષે વાત કરીએ એ પહેલાં આવી કેટલીક ફિલ્મ – ત્રયીઓ વિષે માહિતી. આવી ફિલ્મોનો એક પ્રકાર એટલે આયોજનપૂર્વક બનાવવામાં આવતી Sequels. ભારતમાં આવી ફિલ્મોનો તોટો નથી. ધૂમ – ૧- ૨- ૩, ક્રિશ – ૧-૨-૩, રેસ – ૧-૨-૩, બાગી ૧-૨-૩, ગોલમાલ ૧-૨-૩ વગેરે આવી ફિલ્મોના લોકપ્રિય પ્રકાર. ઉત્કૃષ્ટ ફિલ્મોના ઉદાહરણોમાં સત્યજીત રાયની પથેર પાંચાલી – અપરાજિતો – અપૂર સંસાર સર્વવિદિત છે જ, એમની કલકત્તા – ત્રયી પ્રતિદ્વંદી – સીમાબદ્ધ – જન અરણ્ય પણ જગવિખ્યાત છે જે ‘૭૦ ના દશકની કલકત્તા – બંગાળની અરાજકતા, નક્સલવાદ અને બેકારીની વાત કરે છે. આ જ વિષય પરની મૃણાલ સેનની ફિલ્મ ત્રિપુટી ઈંટરવ્યુ (૧૯૭૧), કલકત્તા ૭૧ (૧૯૭૨) અને પદાતિક (૧૯૭૩) પણ ઉત્તમ ફિલ્મોની કક્ષામાં આવે. આવા જ ગજાના અન્ય બંગાળી ફિલ્મ સર્જક ઋત્વિક ઘટકની દેશ – વિભાજનની સામાજિક અસરો પર આધારિત ફિલ્મ – ત્રયી મેઘે ઢાકા તારા (૧૯૬૦), કોમલ ગાંધાર (૧૯૬૧) અને સુબર્નરેખા (૧૯૬૨) પણ શ્રેષ્ઠ કક્ષાની.
આંતરરાષ્ટ્રીય ફલકની વાત કરીએ તો સર્જક ફ્રાંસીસ ફોર્ડ કોપોલાની GODFATHER ૧ – ૨ -૩ પહેલી યાદ આવે. જ્યોર્જ લુકાસની STAR WARS, ક્રિસ્ટોફર નોલાનની DARK KNIGHT, પીટર જેક્સનની LORD OF THE RINGS પણ જગપ્રસિદ્ધ છે. મારી અંગત પસંદગી પર આવું તો મહાન ગ્રીક ફિલ્મ સર્જક થિયો એંજેલોપૌલોસની સરહદો વિષયક ફિલ્મ – ત્રિપુટી ETERNITY AND A DAY, SUSPENDED STEP OF THE STORK અને ULYSIS GAZE , મહાન જાપાનીઝ સર્જક યાસુજીરો ઓઝુની નોરીકો નામના સ્ત્રી પાત્રની કથા કહેતી LATE SPRING (૧૯૪૯) , EARLY SUMMER (૧૯૫૧) અને TOKYO STORY (૧૯૫૩), વિદ્રોહી ફ્રેંચ સર્જક લુઈ બ્યુન્યુએલની ધર્મ – વર્ગભેદ – નૈતિકતાનો ઉપહાસ કરતી THE DISCREET CHARM OF BOURGEOISIE (1972), THE PHANTOM OF LIBERTY (૧૯૭૪) અને THAT OBSCURE OBJECT OF DESIRE (1977) અને ઈટાલિયન સર્જક માઈકલેંજેલો એંતોનિયોનીની નૈતિક ક્ષય વિષયક ફિલ્મ ત્રિપુટી THE ADVENTURE (1960), THE NIGHT (1961) અને THE ECLIPSE (1962) , જર્મન સર્જક વર્નર રેઈનર ફેસબીંડરની દ્વિતીય વિશ્વ યુદ્ધેતર જર્મન સ્ત્રીઓની કથા કહેતી ફિલ્મ-ત્રયી THE MARRIAGE OF MARIA BRAUN (1979), LOLA (1981 ) અને VERONICA VOSS ( 1982 ) અને છેલ્લે, ભારત જેવા જ પરિવેશમાં કડક સેંસર નિયંત્રણો છતાં અદ્ભુત ફિલ્મો બનાવનારા મહાન સર્જક અબ્બાસ કિયારોસ્તામીની જીવનના સરળ રહસ્યો નિરુપતી ફિલ્મો AND LIFE GOES ON (1982), THROUGH THE OLIVE TREES (1994) અને TASTE OF CHERRY (1997) નો સમાવેશ કરી શકાય .
આજની ફિલ્મની વાત. WINTER LIGHT (1963)[1] ઈંગમાર બર્ગમેનની ૪૬ ફિલ્મોમાંની ૨૪ મી અર્થાત ફિલ્મ સર્જનના મધ્યાહ્નકાળની ફિલ્મ. એના બરાબર પહેલાંની THROUGH A GLASS DARKLY અને એ પછીની THE SILENCE સહિત આ ત્રણે ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ અને કટોકટીની ક્ષણોમાં એના મૌન પર કેંદ્રિત છે. ફિલ્મ માત્ર ૮૧ મિનિટની છે. (આ ફિલ્મની સમાંતરે બર્ગમેનના મિત્ર VILGOT SJOMAN દ્વારા આ ફિલ્મના સર્જનની કથા કહેતી ફિલ્મ ‘ INGMAR BERGMAN MAKES A MOVIE – MAKING OF WINTER LIGHT ૧૫૦ મિનિટ લાંબી છે !)

ફિલ્મ વાત કરે છે સ્વીડનના એક પાંખી વસતી ધરાવતા અને શીત – વિકટ વાતાવરણ ધરાવતા નાનકડા ગામના વિધુર પાદરી ટોમાસ એરિકસન (અભિનેતા GUNNAR BJORNSTRAND) અને એના ધર્મ અને ઈશ્વરમાં ડગી ગયેલા વિશ્વાસની. ઉપર ઉલ્લેખેલી ત્રણમાંની પહેલી ફિલ્મ THROUGH A GLASS DARKLY નો અંત, ઈશ્વરના અસ્તિત્વના સવાલોની વાત કરતાં એક અલ્પવિરામે અટકે છે કે પ્રેમ એ જ ઈશ્વર છે. એ કશ્મકશને બર્ગમેન અહીં આગળ લઈ જાય છે. કરુણતા એ કે પોતાના ઈશ્વરના અસ્તિત્વમાં ડગી ગયેલા વિશ્વાસની અકળામણમાં આજની ફિલ્મનો કથાનાયક, ‘ પ્રેમ એ જ ઈશ્વર છે ‘ વાળા તારણનો ધરમૂળથી ઉચ્છેદ કરી દે છે ! ફિલ્મના અંત લગી પહોંચતાં એવું લાગે કે નાયક ટોમાસની ભીરુ અને કંઈક અંશે સ્વાર્થી મથામણ કરતાં તો એને એકપક્ષીય રીતે અને દિલોજાનથી ચાહતી અને બે વર્ષ લગી એની ઉપપત્ની તરીકે રહી ચૂકેલી શિક્ષિકા માર્ટા લુંડબર્ગ (INGRID THULIN) અને એના જ ચર્ચનો અદનો કર્મચારી અલ્ગોટ (ALAN ENDWELL) ક્યાંય વધુ સ્પષ્ટ અને ઈમાનદાર છે. સર્જક બર્ગમેન પણ ફિલ્મના વિષયને પોતાના આગવા સંસ્પર્શથી ઈશ્વરના મૌન કરતાં નાયકના ભાગેડુ મૌન સાથે સાંકળે છે.

ફિલ્મનું શીર્ષક પ્રતીકાત્મક છે. ભૌતિક અર્થમાં WINTER LIGHT એટલે એવો શિયાળુ ઝાંખો પ્રકાશ (વિશેષ કરીને સ્વીડન જેવા સ્કેંડીનેવિયન દેશો જે ધ્રુવ પ્રદેશની નિકટ છે) જે દિવસને ઝાંખો – પાંખો અજવાળી રાખે . એ રીતે એ માનવીય જીવનથી દૂર થઈ ગયેલા લોકો પર પડતા પ્રેમરૂપી આછા અજવાસનું પ્રતીક છે. સ્વીડીશ ભાષાના ફિલ્મના શીર્ષકનો અર્થ COMMUNICANTS અર્થાત સંપ્રેષકો થાય. ફિલ્મના અનેક દ્રષ્યોમાં પાત્રોની કરુણતા એ છે કે તેઓ એકબીજા લગી પહોંચવામાં – communicate કરવામાં નિષ્ફળ જાય છે. (આપણા સૌના જીવનની મુખ્ય સમસ્યા પણ એ જ છે !)
બર્ગમેન અને એમના કુશળ કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ફિલ્મનું ધુંધળું, ગંભીર અને ઉદાસ વાતાવરણ રચાવાની શરુઆત ફિલ્મના પ્રારંભિક દ્રષ્યથી જ થાય છે જ્યારે કેમેરા ચર્ચમાં સવારની સર્વિસ માટે એકઠા થયેલા ગણ્યા-ગાંઠ્યા ભક્તોના તનાવગ્રસ્ત અને કશુંક ઝંખતા શૂન્યમનસ્ક ચહેરાઓ પર મંડાય છે. અહીં પાદરી ટોમાસ ઉપરાંત ઉપસ્થિત છે માછીમાર દંપતિ યોનાસ અને એની સગર્ભા પત્ની કારીન પર્સન ( MAX VON SYDOW, GUNNEL LINDBLOM ), માર્ટા , એક વિધવા સ્ત્રી, અન્ય બે’ક જણ અને ચર્ચના જ કર્મચારીઓ ઓર્ગન-વાદક ફ્રેડરીક અને અલ્ગોટ ફ્રોવીક.

સર્વિસ પૂરી થયા બાદ એ બધા પાદરી ટોમાસ આગળ પ્રસાદ લેવા એ રીતે ઝૂકે છે જાણે ખરા અર્થમાં યાચકો હોય ! અને છે પણ ખરા કારણકે દરેકની કંઈકને કંઈક સમસ્યા છે જેનો ઉકેલ એ બધા ટોમાસ પાસે ઝંખે છે. કોઈક આશ્વાસન ઝંખે છે, કોઈક પ્રોત્સાહન તો કોઈક પ્રેમ ! એ ખુદ પોતાની શારીરિક (ફ્લૂ) અને માનસિક (ઈશ્વરનું અસ્તિત્વ અને મૌન) સમસ્યાઓથી પરેશાન છે.
એક માર્ટા જ એવી છે જે આ બધી વિધિઓમાં પૂર્ણત: નાસ્તિક હોવા છતાં ઉપસ્થિત છે, ટોમાસ તરફના અસીમ પ્રેમના કારણે . ચર્ચનો અપંગ સહાયક અલ્ગોટ પણ ઈચ્છે છે કે ટોમાસ પોતાના સંસારનું બધું વૈતરું પોતે કરવા કરતાં માર્ટાનો સહારો લે અને ઘર માંડે. માર્ટા થોડાક સમય પહેલાં લગી ટોમાસ સાથે એની ઉપપત્ની તરીકે બે’ક વર્ષ રહી પણ ચૂકી છે.

પર્સન દંપતિમાં પણ પતિ યોનાસ વ્યગ્ર અને વિક્ષિપ્ત છે. એને એ ચિંતા કોરી ખાય છે કે ચીન અણુબોંબ વિકસાવી રહ્યું છે. આવા બિનભરોસાપાત્ર લોકોના હાથે આવા વિનાશક શસ્ત્રો ચડે તો જગતની સલામતીનું શું ? એ ટોમાસ સાથે એ બાબતે ચર્ચા કરી પોતાના મનનું સમાધાન ઈચ્છે છે. ટોમાસ એની ચિંતાના જવાબમાં કેવળ એટલું કહે છે કે એ ચિંતા તો આખા જગતને છે અને આપણે પ્રભુ પર ભરોસો રાખીએ. આવું કહેતી વખતે કેમેરા ટોમાસના ધ્રૂજતા હાથ પર કેંદ્રિત થાય છે, જાણે એ દર્શાવવા કે એને પોતાની જ વાતમાં ભરોસો નથી ! એ વાતચીત દરમિયાન પાછો એ ઉમેરે છે કે એને પોતાને પણ પ્રભુમાં કોઈ શ્રદ્ધા રહી નથી ! ટોમાસના ‘ જીવન ચાલતું રહેવું જોઈએ ‘ જેવા સૂફિયાણા નિવેદનના જવાબમાં યોનાસ લાગલો જવાબ વાળે છે કે ‘એવું જીવવાનો શો અર્થ ?’ એનો ઈરાદો સ્પષ્ટ છે.
આ સમગ્ર સંવાદ ( એને સંવાદનો અભાવ કહેવો વધુ યોગ્ય રહે ! ) દરમિયાન સર્જક બર્ગમેનની પેલી માન્યતા વારંવાર પુન:પ્રતિપાદિત થતી રહે છે કે ચહેરો જ આત્માનું પ્રવેશદ્વાર છે. એમના મતે ચહેરાના કોઈ પણ ક્લોઝ-અપ એ સિનેમાના વ્યાકરણનો હિસ્સો છે જેનો ઉપયોગ કોઈ મુદ્દો સ્પષ્ટ કરવા, કોઈ પ્રતિક્રિયા દર્શાવવા અથવા કોઈ ભાવ પર ભાર મૂકવા થવો ઘટે. બર્ગમેનની દરેક ફિલ્મમાં – વિશેષ કરીને આ ‘ ઈશ્વરના મૌન ‘ વાળી ત્રયીમાં અને એમાંય આ ફિલ્મમાં – આ હકીકત ડગલે ને પગલે ઉજાગર થાય છે.

ફિલ્મના એક યાદગાર દ્રષ્યમાં માર્ટાએ ટોમાસને લખેલા પત્રનું વાંચન સ્વયં માર્ટા દ્વારા થાય છે. એ કહે છે ” જાણું છું, તું મને પ્રેમ કરતો નથી. તારી તેં માની લીધેલી સમસ્યાઓનો ઉકેલ સરળ છે. ઈશ્વરની નિષ્ક્રિયતા એ કોઈ ચિંતાનો વિષય નથી. એનું અસ્તિત્વ જ ક્યાં છે ? જીવન વિષે તારે હજી ઘણું શીખવાનું બાકી છે. તને પ્રેમનો અર્થ જ ખબર નથી. એક વાત યાદ દેવડાવું. ગયા ઉનાળે મારી હથેળીઓમાં ભયંકર ફોલ્લા નીકળેલા. મારી હાલત ખરાબ હતી. ત્યારે આપણે સાથે રહેતા. હાથે પાટા બાંધેલા . સુઈ પણ નહોતી શકતી. મેં તને પૂછેલું કે પ્રાર્થનાની શક્તિમાં એટલો ભરોસો હોય તો મારા આ દર્દમાંથી સાજા થવાની પ્રાર્થના કરી તેં ? તને એ કેમ સૂઝ્યું નહીં ? હું ત્યારે જ તને સમજી ગયેલી પણ તું મને ક્યારેય સમજ્યો નહીં.
આપણે બે વર્ષ સાથે રહ્યા. મારા હાથનો ચેપ બીજા અંગોમાં ફેલાતો ગયો. તું મને સતત ઉવેખતો હતો. મારાથી ત્રાસીને તેં આપણા સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો. તારા ધર્મમાં મને ક્યારેય વિશ્વાસ નહોતો. મારું કુટુંબ પૂર્ણ નાસ્તિક હતું છતાં અમારી વચ્ચે કાયમ ઉષ્મા, સુમેળ અને પ્રેમનું વાતાવરણ રહેતું. ઈશ્વર કેવળ એક ધુંધળી માન્યતા તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત હતો. તને પણ એનામાં ક્યાં વિશ્વાસ છે ? ધર્મ – અધ્યાત્મને લક્ષમાં ન લઈએ તો પણ જીવન પૂરતું ગૂંચવાડાભર્યું છે. એને વધારે ગૂંચવવાની શી જરૂર ?
જો ઈશ્વર હોય તો મારી એટલી જ પ્રાર્થના છે કે હે પ્રભુ ! તેં મને શારીરિક અને માનસિક રીતે આટલી મજબૂત બનાવી તો પછી મારી ક્ષમતાનુસાર કામગીરી કેમ ન આપી ? મને જીવનનો અર્થ આપ. હું આજીવન તારી ગુલામ રહીશ. કદાચ તારા પ્રત્યેનો પ્રેમ એ મને અપાયેલો પડકાર છે. અધૂરપ હોય તો એટલી કે હું એ પૂરેપૂરો વ્યક્ત કરી શકતી નથી. કદાચ સ્વમાનના કારણે !
હું તને ચાહું છું. તારા માટે જીવું છું. કોઈક અન્ય માટે જીવન ખરચી નાખવું એ બહુ અઘરું છે એ જાણું છું. મારે એ કરવું છે. “
આ સમગ્ર દ્રષ્ય અસાધારણ છે. અભિનેત્રી ઈંગ્રીડ થુલીનનો ચહેરો દરેક શબ્દ એના ભાવાનુસાર ઉચ્ચારે છે. એના શબ્દોની નિખાલસતા સંવેદનશૂન્ય અને પલાયનવાદી ટોમાસ જીરવી શકતો નથી.

યોનાસ ફરી સલાહ લેવા આવે છે. ટોમાસના તકલાદી અને ઉડાઉ પ્રશ્નો અને અને સૂચનો એને કોઈ સધિયારો આપતા નથી. ટોમાસ ફરી પોતોના ઈશ્વરમાં ઊઠી ગયેલા વિશ્વાસની વાત કરે છે જેના જવાબમાં યોનાસ ” જો એનું અસ્તિત્વ જ ન હોય તો બીજી પીંજણનો શો અર્થ ? પછી તો બધું સરળ અને પારદર્શક બની જાય છે. મૃત્યુ પણ. સૃષ્ટા કે વાહક જ નથી તો બધું આપણા પર જ છે. ‘ કહી જાય છે. એના જતાવેંત ટોમાસ ‘ હવે હું મુક્ત થયો ‘ એવું ઉચ્ચારે છે . થોડીક વાર પછી યોનાસે આત્મહત્યા કરી લીધાના સમાચાર આવે છે.
ફરી એક યાદગાર દ્રષ્ય. વહેતી નદીના કાંઠે યોનાસની લાશ પડી છે. એને અવલ મંઝિલે પહોંચાડવા પોલિસ અને ટોમાસ ઘટતી કાર્યવાહી કરી રહ્યા છે. નદીના ધસમસતા પ્રવાહના અવાજમાં એમની વાતચીત દબાઈ જાય છે. સર્જક બર્ગમેન જાણે પૂરવાર કરવા માંગે છે કે જીવનની નદી સદાનીરા છે. એ વહેતી રહે છે અને વહેતી જ રહેવી જોઈએ. એની આગળ કોઈ જ મૃત્યુ વિસાતમાં નથી !

માર્ટાનું ઘર. માર્ટા ટોમાસને રાહત થાય માટે એને એસ્પીરીન અને કફ સીરપ આપે છે. ટોમાસનો પ્રતિભાવ જુઓ ! ” મારે એકલતા જોઈએ છે. આપણા બે વિષેની અફવાઓથી ત્રસ્ત છું હું. મને તારી જરુર નથી. હું તારી કાળજીથી કંટાળ્યો છું. તારા પ્રેમના નાટકથી પણ. તારી શારીરિક તકલીફોમાં મને કોઈ રસ નથી. “ બેહદ આહત માર્ટા પૂછે છે ‘ આ બધું તેં મને પહેલાં કેમ કહ્યું નહીં ? ‘ ટોમાસનો ઠાવકાઈપૂર્વકનો જવાબ “મારા ઉછેરના કારણે. મને શીખવવામાં આવેલું કે સ્ત્રીઓનો આદર કરવો ” ‘તારી પત્ની ?’ “મારી પત્ની એ બધું હતી જે તું ક્યારેય નહીં બની શકે. તારા એ માટેના પ્રયત્નો વ્યર્થ છે.” માર્ટા ક્ષત-વિક્ષત, નખશીખ ઘવાયેલી, પ્રભુના અસ્તિત્વ વિષે મથામણ અનુભવતા એક ધર્મ-પુરુષ દ્વારા જીવતા-જાગતા માણસની થતી વલે જોઈ રહે છે ! એનો જવાબ ‘ હકીકત એ છે કે તું તારાથી જ નારાજ છો. મેં જ્યારે તારી વાતો સાંભળી છે ત્યારે તારા પ્રત્યેના ધિક્કારને સહાનુભૂતિમાં પળોટવાનો પ્રયાસ કર્યો છે. તું બચી નહીં શકે. ખતમ થઈ જઈશ . તારા જ ધિક્કારની આગમાં ભસ્મીભૂત થઈ જઈશ. ‘

યોનાસનું ઘર. કારીનને એના પતિના આપઘાતના સમાચાર આપવા આવેલ પાદરી ટોમાસ. એ પોતાનો બચાવ કરતાં કહે છે કે મેં તો યોનાસને ઘણો સમજાવ્યો. પ્રારંભિક આઘાત પચાવી લીધા પછી કારીન સ્વયંને સાચવી લે છે. એ પણ ટોમાસની સૂફિયાણી વાતો પ્રત્યે ઉદાસીન છે.
અંતિમ પ્રસંગ ફરી ચર્ચમાં. આ ચર્ચ બાજુના ગામનું છે. બપોરની સર્વિસ . અહીં પ્રેક્ષકોમાં માર્ટા અને ચર્ચના બે કર્મચારીઓ અલ્ગોટ અને ફ્રેડરીક સિવાય કોઈ નથી. આ અંત યાદગાર છે અલ્ગોટના આત્મકથનના કારણે. એ શરીરે જ અપંગ છે, વિચારે નહીં ! એ બહુ સ્વાભાવિક રીતે ટોમાસને કહે છે ” એક વિચાર ઘણા સમયથી તમને કહેવા ઈચ્છતો હતો. તમારી સલાહથી મેં બાઈબલ વાંચવાની શરુઆત કરેલી. એ મારી અનિદ્રાના ઉપચાર માટે ઉપકારક પણ નીવડ્યું. હું તમને એ કહું જે મને સૂઝ્યું છે. પ્રભુ ઈસુએ ક્રોસ પર જે પીડા ભોગવી એને આપણે સૌ આટલું બધું મહત્વ આપીએ છીએ એમાં કશુંક ખોટું થાય છે. મારા મતે એ શારીરિક પીડા કોઈ વિસાતમાં નથી. એવી પીડા તો મેં પણ સહન કરી છે. પ્રભુની એ પીડા તો માત્ર ચારેક કલાકની હતી. એમની ખરેખરી પીડા બીજી હતી. જ્યારે સૈનિકો એમને ક્રોસ પર લટકાવવા લઈ જવા આવ્યા ત્યારે એમના બધા શિષ્યો એમને છોડીને નાસી ગયા. જે લોકો ત્રણ-ત્રણ વર્ષથી એમની સાથે હતા પણ એમાંનું કોઈ એમને ઓળખી શક્યું નહીં ! પોતાનું કોઈ સમજતું નથી એ પીડા સૌથી ખતરનાક નથી ? હજી એથીય વધુ દારુણ પીડાની વાત કરું. એમને ખીલા જડી દેવામાં આવ્યા ત્યારે એમણે ચીસ પાડેલી ‘ મારા પ્રભુ ! તે મને તરછોડી દીધો ?’ કોઈ જવાબ નહીં. ત્યારે એમને કેવું લાગ્યું હશે ? મૃત્યુ પહેલાંની એ ક્ષણોમાં એ શંકાથી ઘેરાઈ ગયા હશે કે એમણે જે કંઈ અત્યાર સુધી ઉપદેશ્યું એ ગલત હતું ? એ જ એમની સૌથી મોટી પીડા હતી. (એક ભાવક તરીકે પ્રશ્ન ઊભરે કે શું પાદરી ટોમાસ પણ ઈસુને કટોકટીમાં છેહ દેનારા એમના શિષ્યો જેવા નથી ?) ”
માર્ટા સિવાય (એ પણ નાસ્તિક !) કોઈ પ્રેક્ષક હાજર ન હોવા છતાં સર્વિસ શરુ કરાય છે. માર્ટા સ્વગત કહે છે ‘ કાશ આપણે સૌ સલામતીનો અનુભવ કરી એકમેક પ્રત્યે ઋજુતા દાખવતા હોત ! કાશ આપણા માટે આલંબન લઈ શકાય એવું એકાદ સત્ય હાથવગું હોત ! કાશ આપણામાં શ્રદ્ધા જેવું કશુંક હોત ! ‘
હાજર ચાર લોકો પ્રાર્થનામાં જોડાય છે. એ ચારેય જાણે છે કે આ બધું એક નિરર્થક નાટક છે !

દરેક કૃતિ કોઈને કોઈ રીતે એના સર્જકના જીવનનો અંશ હોય છે. બર્ગમેનની અનેક ફિલ્મોમાં એમના બચપણ, યુવાની, લગ્નજીવન અને એ સાથે સંકળાયેલા સ્મરણો ડોકિયું કરે છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર – પાદરીનું નામ ટોમાસ એરિકસન છે. બર્ગમેનના પિતાનું નામ એરિક હતું. એ પોતે પાદરી હતા. એમના સન એટલે દીકરા એટલે આ એરિકસન એટલે બર્ગમેન પોતે !
સમગ્ર ફિલ્મમાં ત્રણ આત્મકથનો ચાવીરૂપ છે. માર્ટા દ્વારા વંચાતો એણે ટોમાસને લખેલો પત્ર, ટોમાસ દ્વારા માર્ટાના ઘરે એની માર્ટા તરફના અણગમાની કબૂલાત અને ચર્ચના કર્મચારી અલ્ગોટ દ્વારા કરાયેલું ઈસુની પીડાનું વિશ્લેષણ !
એક દ્રષ્ટિએ જોઈએ તો આ ફિલ્મ સાથે ઈશ્વરના અસ્તિત્વ અંગેની સર્જક બર્ગમેનની શોધખોળ સમાપ્ત થાય છે. એ પછીની એમની મોટા ભાગની ફિલ્મોમાં માનવીય પ્રેમ જ મુખ્ય વિષય રહ્યો છે.
ફિલ્મમાં સર્વિસ વખતે વાગતા ઓર્ગન મ્યુઝિક સિવાય કોઈ સંગીત નથી.
એ ઉમેરવું રહ્યું કે આ ફિલ્મ ઈશ્વરના મૌન વિષેની વાત કરતાં વિશેષ છે. પાદરી ટોમાસ ફિલ્મમાં ઘણું બધું બોલે છે પણ એને પોતાને જ લાગે છે કે એના શબ્દો એના પોતાના માટે કોઈ જ ઉપયોગના નથી. ફિલ્મનો અન્ય પુરુષ માછીમાર યોનાસ જગતના દુષ્ટ તત્ત્વોથી ત્રસ્ત છે અને શ્વર નામના ઠગથી નિરાશ !
ફિલ્મનો દ્રષ્ય-વિન્યાસ સરળતાપૂર્ણ છે. બર્ગમેનના કાયમી અને મહાન કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ઝડપાયેલું એક પણ દ્રષ્ય અસર લાવવા માટે કેમેરા મુવમેંટનો ઉપયોગ કરતું નથી. કેમેરા મહદંશે સ્થિર રહે છે. એમના કેમેરાની નજર એવી અવિચળ છે કે કેટલાક કંટાળાજનક દ્રષ્યો (જેમ કે ફિલ્મની શરુઆત) પણ દર્શકને બાંધી રાખે છે. આપણને લાગે કે કોઈ ગતિવિધિ ન હોવા છતાં દ્રષ્યની ભીતરે સામાન્ય કરતાં કશુંક વિશેષ ઘટિત થઈ રહ્યું છે. બર્ગમેન અસર ઊભી કરવા નહીં, દ્રશ્યોને યથાતથ દેખાડવા ઈચ્છે છે. એમની ખાસિયત અનુસાર લાંબા શોટમાં પણ ચહેરાઓ જ કેંદ્રમાં છે. કહેવાય છે કે બર્ગમેન અને નિકવીસ્ટ એક આખો શિયાળુ દિવસ ગામડાના ચર્ચમાં એ જોવા બેસી રહ્યા કે સૂર્યપ્રકાશ કંઈ રીતે ગતિ કરે છે !
ટોમાસ આખી ફિલ્મમાં ક્યાંય સ્મિત કરતા નથી. એ રુગ્ણ, ટાઢાગાર, અલિપ્ત અને બધા પ્રત્યે બેદરકાર ભાસે છે. ફિલ્મમાં માત્ર અલ્ગોટનો ચહેરો એવો છે જે જીવંત દેખાય છે અને શ્રદ્ધાના રહસ્ય પ્રત્યે વિસ્મયથી ભરપૂર ! એણે ઈસુને ખરા અર્થમાં આત્મસાત કર્યો છે. ટોમાસ એને સાંભળવાનો ડોળ કરે છે પણ સાંભળતો નથી.
ઝીણવટથી જોઈએ તો ફિલ્મમાં ઈશ્વરના મૌન કરતાં હાડ-ચામના મનુષ્યોનું મૌન વધુ અકળાવનારું છે. ટોમાસના માર્ટાના ઘરની મુલાકાત પછી એ બન્ને મૃત યોનાસના ઘરે જાય છે એ દરમિયાન પ્રવર્તતું મૌન વધુ બિહામણું છે. ટોમાસ પોતે યોનાસની વ્યથા પરત્વે મૌન છે. એ માર્ટાની લાગણીઓ પ્રત્યે મૌન છે. ચર્ચના ઓરગનીસ્ટ ફ્રેડરીક ચર્ચમાં ચાલતી સર્વિસ પ્રત્યે અલિપ્ત છે. જે લોકો મૌન નથી એ બધા મદદ વાંછે છે પણ એમને મળે છે મૌન !
ટેકનીકની દ્રષ્ટિએ ફિલ્મ સંપૂર્ણત: ક્ષતિરહિત છે. એ હદે કે ફિલ્મનો એક પણ શોટ બાકાત કરીએ તો ફિલ્મની વ્યાપક અસરને હાનિ પહોંચે. જે શબ્દો આપણા સત્યજીત રાયે પોતાની ફિલ્મ ‘ ચારૂલતા ‘ માટે ઉચ્ચારેલા, લગભગ એ જ શબ્દો બર્ગમેન પોતાની આ ફિલ્મ માટે કહે છે. ‘ મારી આ એક જ ફિલ્મ છે જેના વિષે હું કહી શકું કે મેં અહીંથી શરુ કર્યું અને અહીં પૂરું કર્યું અને રસ્તામાં આવતી દરેક વસ્તુ મારા અંકુશ હેઠળ હતી. ફિલ્મની પ્રત્યેક ક્ષણમાં દરેક વસ્તુ બરાબર એમ જ બની જે રીતે હું ઈચ્છતો હતો. ‘
આ ફિલ્મ ભાગેડુ મનોરંજન માટે હરગીઝ નથી. એ મનનો ખોરાક છે. એ એક અઘરી ફિલ્મ છે. એના સર્જકની માનીતી.
એ માનવીય પરિસ્થિતિઓ પર એક થીજાવી દેતી ઉદાસ નજર નાંખી બાકીનું કામ આપણા પર છોડી દે છે.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કાચબો ચાલે છે
કાવ્ય આસ્વાદ
સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો
ચાલે
છે
જળાશયની શોધમાં.લાભશંકર ઠાકર
‘ચાલવું’ એ જ નિયતી
– આસ્વાદ : દક્ષા વ્યાસ
લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ, સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિત્યંતરો સ્પષ્ટ દેખાય. પરંપરાગત અભિવ્યક્તિ, આધુનિક પ્રયોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં એમનું ભરપૂર સર્જનતેજ માણવા મળે. જીવનની તમામ ગતિવિધિઓમાં વ્યાપ્ત અસંગતિથી પ્રવૃત્તિ માત્રની વ્યર્થતાની લાગણીથી એમની કવિતાનું અંતરંગ રંગાયેલું છે. અછાંદસમાં બહુવિધ લયોને રમાડનાર ; ‘માણસની વાત‘ ‘પ્રવાહણ‘ જેવા સુદીર્ઘ કાવ્યો રચનાર કવિ ઉત્તરોતર સર્જનમાં લાગણીઓની ઉપાસના કરતા દેખાય છે. કવિ લયપ્રદેશ છોડીને ગદ્યલયમાં વિચરવા લાગે છે. કવિતા લઘિમા – અણીમા (અષ્ટ સિદ્ધિમાંની બે સિદ્ધિ. અણીમા એટલે બારીકમાં બારીક અણુરૂપ થવાની શક્તિ અને લઘિમા એટલે શરીરને સાવ હલકું બનાવાની શક્તિ) રૂપે ગદ્યમાં ઉતરતી રહે છે. ‘કાચબો ચાલે છે‘ એમની આવી રચના છે. સરળ-વિશદ અને સપાટ અભિવ્યક્તિ અહીં ભાવકને મૂંઝવી મારે છે. એક કલાકૃતિ રૂપે અવગત કરવા એણે એને વારંવાર ઘૂંટવી પડે છે.
અહીં કાચબો આપણને છેક પુરાણકાળમાં લઈ જઈ દશાવતાર સાથે જોડી આપે છે તો સમુદ્ર – વ્યાપક સંસાર, ભવસાગર સાથે. આમ સ્થળ અને કાળના વિશાળ પરિમાણ વચ્ચે આપણે મૂકાઈએ છીએ. ‘ચાલવું‘ આ સ્થળ કાળને ચાલના-ગતિ આપે છે.
કૂર્માવતાર એટલે વિષ્ણુનો કાચબા રૂપે થયેલો અવતાર. દિતિના બળવાન દાનવ પુત્રો અને અદિતીના ધર્મપ્રેમી દેવપુત્રોએ અમૃતપ્રાપ્તિ માટે ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. મંદાર પર્વતનો રવૈયો બનાવ્યો પરંતુ તે પાતાળમાં સલવાઈ જતાં વિષ્ણુએ કૂર્મના આકારમાં પોતાની જાતને સમુદ્રના તળિયે મૂકી મંદાર પર્વતને આધાર આપ્યો. દેવ દાનવોએ તેને વાસુકિ નાગનું દોરડું વીટી – એ રવૈયાથી સમુદ્રમંથન કર્યું. એમાંથી નીકળેલો અમૃતકુંભ દાનવોના હાથમાં આવી જતા વિષ્ણુએ મોહિનીરૂપ લીધું…ની કથા પ્રચલિત છે. પુરાકથાનો કાચબો વિષ્ણુનો અવતાર છે.
આ કવિતાનો કાચબો અવતાર છે ? મનુષ્ય છે ? કવિ છે ? અવતારની નિયતિ છે, પુનઃ પુનઃ પ્રગટ થતા રહેવાની – ચાલતા રહેવાની. એનું અવતરણ થાય છે, ઉદ્ધાર માટે. પરંતુ એ ખરેખર ઉદ્ધાર કરી શકે છે ? માનવનિયતી પણ એવી જ છે. સંસાર-સાગરના જળ ખારાં છે. જળ એ જીવન છે પરંતુ જળ સૂકાયું છે. ખારાશ રહી છે. મનુષ્યે આ ખારાશભર્યા સંસારસમુદ્રને પીઠ પર લઈ લઈને ચાલતા રહેવાનું છે નિરંતર – મીઠા જળના જળાશયની – સુખ નામના પ્રદેશ ની ખોજમાં.
કહે છે કે તમામ સીમારેખાઓ વટાવીને એક બિંદુએ કવિતા અને તત્વજ્ઞાન-ચિંતન એક થઇ જાય છે. આ અણઘડ સપાટ લાગતી પદાવલી પ્રથમ વાચને કદાચ માત્ર શબ્દો જ આપે છે, જે ક્યાંય લઈ જતા નથી. પરંતુ એમાં ઊંડા ઊતરતાં એ ત્રિપાર્શ્વ કાચની પેઠે અર્થછાયાના અનેક કિરણો વચ્ચે ભાવકને મૂકીને શબ્દની શક્તિનો સાચો પરિચય આપે છે. વિષ્ણુના મોહિનીરૂપના – અવતારકૃત્યની કથાના અધ્યાસો પછી ચિત્તમાં નિયતિ અને કવિ નિયતિના અધ્યાસો પણ જાગ્યા વિના રહેતા નથી. અતૂટ આશાતંતુ માનવકાચબાને ચાલતો રાખે છે. જળાશય – મીઠું જળ તો મળેય ખરું, નયે મળે પણ ક્ષીણ ગતિએ સંસારનો ભાર વેંઢારીને નિરંતર ચાલતા રહેવાની, કર્મ કરતા રહેવાની જીવમાત્રની નિયતિ છે. એ કવિનીય નિયતિ જ. જીવનરસ સુકાયો હોય, ખારાશ જોડાયેલી અને જડાયેલી હોય તોય કાવ્યસંસારનો ભાર ઊંચકીને કવિ ચાલતો રહે છે, સર્જન કરતો રહે છે. એક અનુપમ જળાશયની – કશાક ઉત્તમની ખોજ કરતો રહે છે. એમ કરતાં કદાચ કશુંક નીવડી આવે ! અમૃત અંજલીમાં ઝિલાઈ જાય ! અહીં કાચબો, સૂકાયેલો સમુદ્ર, જળાશય ત્રણે શબ્દો પ્રતીકાત્મક ઊંચાઈ પર પહોંચ્યા છે અને અનુપમ કાવ્ય રસનો આસ્વાદ કરાવે છે.
(સૌજન્ય : ટહુકો.કૉમ)
-
કાયદાનું નિયંત્રણ અને જનજાગ્રુતિથી અંધશ્રધ્ધા ડામી શકાય
નિસબત
ચંદુ મહેરિયા
ગુજરાત અને કેરળમાં અંધશ્રધ્ધાને કારણે મહિલાઓના માનવબલિની દુ:ખદ અને શરમજનક ઘટનાઓ ઘટી છે. ગુજરાતના એક ગામમાં ઘનની લાલચમાં પિતાએ ચૌદ વરસની દીકરીની અત્યંત ક્રુર અને ઘાતકી રીતે માનવ બલિ આપી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં ડોકટર દંપતીએ પણ ધનવાન બનવા બે મહિલાઓના માનવ બલિ ચડાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આટઆટલા વિકાસ પછી તથા દેશની આઝાદીના પંચોતેર વરસો બાદ આ પ્રકારની ઘટનાઓ આપણે હજુય વહેમ અને અંધશ્રધ્ધાના અંધકાર યુગમાં તો નથી જીવતાને ? એવો સવાલ સર્જે છે..
ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબધ્ધતાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ છતાં દેશમાં અંધશ્રધ્ધા નાબૂદીની દિશામાં અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રસાર માટે કાનૂની તથા જનજાગ્રતિ માટેના કોઈ ખાસ પ્રયત્નો થયા નથી. આજે ધર્મના નામે રાજનીતિની બોલબાલા છે ત્યારે તો તે વધુ મુશ્કેલ લાગે છે.
મહારાષ્ટ્રના પ્રગતિશીલ અને રેશનલ સંગઠનોની અંધશ્રધ્ધાનાબૂદીના કાયદા માટેની લાંબા સમયની માંગણી અને ચળવળોના કારણે રાજ્યની સુશીલકુમાર શિંદેના નેતૃત્વ હેઠળની કોંગ્રેસી સરકાર ૨૦૦૪માં અંધશ્રધ્ધા નાબૂદી વટહુકમ લાવી લાવી હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો.મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઉભો કરવા’ની દલીલ સાથે તેને ટાળ્યો હતો.૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જાણીતા રેશનાલિસ્ટ અગ્રણી ડો.નરેન્દ્ર દાભોલકરની હત્યાના બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે અંધશ્રધ્ધાનાબૂદી વટહુકમ જારી કર્યો હતો. ૨૦૧૪નો મહારાષ્ટ્રનો ‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક કાયદો’ બહુ મર્યાદિત અંધશ્રધ્ધાને જ આવરી લે છે.તેમ છતાં દેશનો તે પહેલો કાયદો છે. આ કાયદાએ તેની મર્યાદાઓ છતાં ઘણી મોટી અસર ઉભી કરી છે. તેને કારણે અનેક પાખંડીઓને જેલમાં ધકેલી શકાયા છે.
રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને ડાકણ ગણી મારી નાંખવામાં આવી હતી. તેથી સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક-૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ તેમજ સજાની જોગવાઈ ઉમેરી હતી. ૨૦૧૭માં અંધશ્રધ્ધા નાબૂદી કાયદો ઘડનાર કર્ણાટક બીજું રાજ્ય બન્યું હતું. રાજ્યો ઈન્ડિયન પિનલ કોડમાં સુધારો કરીને કે નવો સ્વતંત્ર કાયદો ઘડીને અંધશ્રધ્ધા નાબૂદી માટે કાયદાકીય નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ અંધશ્રધ્ધાનું ધર્મ સાથેનું સંધાન અને રાજકીય પક્ષોનું ધર્મના નામે મતબેન્ક પોલિટિક્સ તેમ થવા દેતું નથી.શાયદ એટલે જ ગુજરાતની ભાજપ સરકારે છેક ૨૦૧૬માં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી કાલા જાદુ, મેલી વિધ્યા અને માનવબલિની નાબૂદી માટેના કાયદાની આવશ્યકતા અંગે પૃચ્છા કરી હોવા છતાં આ બાબતમાં પ્રગતિ થઈ નથી. કેરળની સામ્યવાદી સરકારે ૨૦૧૯માં અંધશ્રધ્ધા નાબૂદી ખરડો તો તૈયાર કર્યો હતો પણ હજુ તેને વિધાનસભામાં રજૂ કર્યો નથી.!
હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રધ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે.પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ.પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણનું તારણ હતું કે તમામ ધર્મના ૭૬ ટકા ભારતીયો કર્મમાં, ૭૧ ટકા ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવામાં, ૭૦ ટકા નસીબમાં, ૫૦ ટકા ભૂતપ્રેતમાં અને ૩૮ ટકા પુનર્જન્મમાં માને છે. એટલે અંધશ્રધ્ધા પર કોઈ એક જ ધર્મનો ઈજારો નથી.
ધર્મોના મૂળરૂપમાં કદાચ અંધશ્રધ્ધા નહીં પણ હોય.કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં સઘળા ધર્મ આચરનારા અંધશ્રધ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રધ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં તમામ ધર્મોની અંધશ્રધ્ધા આવરી લેનારો હોવો જોઈએ.જનજાગ્રુતિમાં પણ તમામ ધર્મોને સામેલ કરવા જોઈએ.
ધાર્મિક અંધશ્રધ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. આ હકીકત લક્ષમાં રાખીને અંધશ્રધ્ધાનાબૂદીના કાર્યક્રમો અને કાયદાના નિયંત્રણની દિશામાં વિચારવાનું છે. ગુજરાત રાજ્યમાં ધાર્મિક ઉન્માદ અને અંધશ્રધ્ધાનો માહોલ અવારનવાર જુદા જુદા ધર્મસ્થળોએ જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને તેનું અંધશ્રધ્ધા સાથે જોડાણ અલગ કરવાની જરૂર છે.પરંતુ મતભૂખ્યા રાજકારણીઓ તેમ થવા દેશે નહીં. એટલે લોકોની સમજાવટ, જનજાગ્રુતિ અને કાયદાના નિયંત્રણથી અંધશ્રધ્ધાના વિવિધ સ્વરૂપો પર લગામ કસવી પડશે.
‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુધ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે.પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ પણ અંધશ્રધ્ધાવિરોધી હોય જ છે. ધાર્મિક હોવાનો અર્થ અંધશ્રધ્ધાના સમર્થક હોવું નથી.ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. આ તમામ બાબતોને પણ અંધશ્રધ્ધાનાબૂદીના જનજાગરણ કાર્યક્રમોમાં આવરી લેવી પડશે.
થોડા વરસો પૂર્વે ઉત્તરપ્રદેશનું એક ગામ, નામે મોહમ્મદપુર, સમાચારોમાં ચમક્યું હતું. પછાત અને સામંતી સમાજની છાપ ધરાવતા ઉત્તરપ્રદેશના કાનપુર નજીકના આ ગામના તમામ લોકોએ ન માત્ર અંધશ્રધ્ધા, ધર્મનો પણ ત્યાગ કર્યો હતો..મોહમ્મદપુરવાસીઓએ ધર્મ, દેવી-દેવતા, વ્રત-ઉપવાસ અને ધાર્મિક કિયાકાંડો તો છોડ્યા જ છોડ્યા, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા હતા. આ ગામ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ ઉજવતું હતું. આવા ગામ જેટલા જલદી વધે એટલી અંધશ્રધ્ધા વહેલી ભાગે.
અંધશ્રધ્ધાનાબૂદીના તમામ પાસાં વિચારતાં ભારતના રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દ્રષ્ટિથી વિચારવાની આવશ્યકતા છે. રામભક્ત ગાંધીજી સાથે પણ નાસ્તિક ગોરા(ગોપીરાજુ રામચન્દ્ર રાવ) સંવાદ કરી શકતા હતા.તે હકીકત કેમ ભૂલાય? ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. ગાંધીજી અને ગોરા વચ્ચેના સંવાદ જેવું ખુલ્લાપણું સરકાર અને સમાજમાં પ્રવર્તશે તો સંવિધાન નિર્માતાઓની અપેક્ષાની વૈજ્ઞાનિક વિચારધારા પણ વાસ્તવિકતા બની શકશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કામની વ્યસ્તતા અને જીવનનો આનંદ
મંજૂષા
વીનેશ અંતાણી
આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે
અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ.અમેરિકાનો બહુ મોટો બિઝનેસમેન કામની ભારે વ્યસ્તતા વચ્ચે માંડમાંડ થોડો સમય કાઢી આરામ કરવા મેક્સિકો ગયો હતો. એ દરિયાકિનારે બેઠો હતો. એણે એક માછીમારને દરિયામાંથી માછલીઓ પકડી કાંઠે હોડી લાંગરતો જોયો. હજી તો સવારના માંડ અગિયાર વાગ્યા હતા. બિઝનેસમેનને નવાઈ લાગી કે એ આટલો વહેલો એનું કામ આટોપે છે? એણે એને પૂછ્યું: ‘હજી બપોર પણ નથી થયો અને તું પાછો આવી ગયો?’ માછીમારે કહ્યું: ‘મને જોઈતી હતી એટલી માછલી પકડી લીધી. અમારા કુટુંબના ભરણપોષણ માટે અને આજની રોજીરોટી રળવા માટે આટલી માછલી પૂરતી છે.’ બિઝનેસમેને પૂછ્યું કે એ હવે આખો દિવસ નવરો બેસીને શું કરશે. માછીમારે કહ્યું: ‘ઘેર જઈશ, મારાં સંતાનો સાથે રમીશ, પત્ની સાથે સમય ગાળીશ, સાંજે મિત્રો સાથે ગપ્પાં મારીશ.’
બિઝનેમેન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણ્યો હતો. એ માછીમારને ‘બિઝનેસ’ના પાઠ ભણાવવા લાગ્યો: ‘તારે આખો દિવસ કામ કરવું જોઈએ. વધારે માછલી પકડાય તો વધારે આવક થાય.’ માછીમારે પૂછ્યું: ‘પછી?’ બિઝનેસમેને જવાબ આપ્યો: ‘તું સાદી વાત પણ સમજતો નથી? વધારે કમાણી થાય તો પૈસા બચાવી તું મોટી બોટ ખરીદી શકે, ધંધો વધે પછી શહેરમાં રહેવા જા, તારી ફિશિન્ગ કંપની શરૂ કર. કેટલા બધા પૈસા મળે તને.’ માછીમારના કપાળે સળ પડ્યા. એણે પૂછ્યું: ‘પછી?’ બિઝમેસમેન: ‘બસ, પછી તો પૈસા જ પૈસા છે. આરામથી તારી પત્ની-સંતાનો સાથે જીવી શકશે.’ માછીમાર વિચારમાં પડ્યો. પૂછ્યું: ‘એવું કરતાં કેટલાં વર્ષ લાગે?’ બિઝનેસમેન: ‘પચીસેક વર્ષ તો સહેજે થાય.’ માછીમાર ખડખડાટ હસ્યો. ‘હું અત્યારે પણ કરી શકું છું તે કરવા માટે મારે પચીસ વર્ષ રાહ જોવાની શી જરૂર છે? ત્યાં સુધી મારાં સંતાનો મોટાં થઈ જાય, હું અને મારી પત્ની વૃદ્ધ થઈ જઈએ. અત્યારે જ સમય છે કે હું મારા પરિવાર અને મિત્રો સાથે મજા કરું. બુઢ્ઢો થાઉં પછી હું શું મજા કરવાનો હતો!’
અભણ માછીમાર સમજી શક્યો હતો તે સત્ય અમેરિકાનો ભણેલોગણેલો બિઝનેસમેન સમજી શક્યો નહોતો. માછીમાર પૈસા રળવા માટે કામના સમય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવી શક્યો હતો. એ એનાં સંતાનો, પત્ની અને મિત્રો સાથે પણ સમય ગાળવા ઇચ્છતો હતો. આર્થિક પ્રવૃત્તિની આંધળી દોડધામમાં ઉંમર વીતી જાય અને સંતાનો મોટાં થઈ જાય કે પત્ની ઘરમાં બેસીને રાહ જોયા કરે એવી જિંદગી એને જોઈતી નહોતી.
બધા લોકો એવું કરી શકતા નથી. કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી આજના સમયમાં ખૂબ મહત્ત્વની બની ગઈ છે. એમાં પણ પતિ અને પત્ની બંને આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેતાં હોય ત્યારે તો આ વાત અલગ પ્રકારે મહત્ત્વ ધારણ કરે છે. વધારે પૈસા કમાવા માગતા લોકો સાચા સુખની વ્યાખ્યા ભૂલી ગયા છે. ગરીબ લોકો બે છેડા ભેગા કરવા માટે વધારે કામ કરે તે વાત જુદી છે, પરંતુ પ્રમાણમાં પૈસેટકે સુખી થયેલા અને ધનાઢ્ય લોકો પણ આ પ્રકારની દોટમાંથી બહાર નીકળી શકતા નથી. એ લોકો ભૂલી જાય છે કે પ્રસન્ન અને હળવાશભરી જિંદગી પણ જીવનનો મુખ્ય હેતુ છે. એ વિશે સભાનતા જાગે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
અલબત્ત, કેટલાક લોકો સમયસર ચેતી જઈને કામ અને અંગત જિંદગી વચ્ચે સુમેળ સાધવા પોતપોતાની રીતે માર્ગ શોધવાના પ્રયત્ન કરે છે. એક બહુ મોટી કંપનીના સ્થાપક ઇથેન ઇમ્બોડેન કહે છે: ‘મેં એક સત્ય સાથે સમાધાન કરી લીધું છે કે કામનો કોઈ અંત નથી. મેં મારી કંપની શરૂ કરી ત્યારે મારે પુષ્કળ કામ કરવું પડે તેમ હતું જ, પરંતુ સફળતા મળ્યા પછી વધારે સફળ થવાના પ્રયત્નોમાં હું કામના બોજમાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો. આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ. હું હવે મોડોમોડો પણ મારા અંગત જીવનમાં પાછો ફર્યો છું અને જે કંઈ બચ્યું છે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું.’
એક બહુ મોટી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સાંજ પડે ત્યારે સમયસર ઘેર જવા નીકળવા માટે એક નુસખો શોધી કાઢ્યો હતો. એ એનો પાલતુ કૂતરો ઑફિસ લઈ જતો. સાંજ પડે ત્યારે કૂતરો ચોક્કસ સમયે એને ઘેર જવાની ફરજ પાડતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની એક બહુ મોટી કંપનીના વડાને બીજું સંતાન જન્મ્યું ત્યારે એણે વીક એન્ડમાં કે રજાના દિવસે ઘેરથી કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કમ્પ્યૂટર ખોલવાનું જ નહીં. કોઈનો ફોન લેવાનો નહીં. ધીરેધીરે એના સહકાર્યકર્તાઓ અને ક્લાયન્ટ્સને પણ એના શિડ્યુઅલની ખબર પડતી ગઈ. એમણે ચોવીસ કલાક ઇ-મેઇલ મોકલવાનું કે ફોન કરવાનું બંધ કર્યું. એથી એ રજાના દિવસે પરિવાર સાથે નિરાંતે રહી શકે છે અને કામ પર જાય ત્યારે વધારે પ્રોડક્ટિવ રહે છે.
સાદી વાત છે: જે લોકો અંગત જીવનથી સંતુષ્ટ નથી તેઓને એમના કામમાં પણ જરૂરી સંતોષ મળતો નથી. આપણે કામમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે જીવવાનું જ ભૂલી જઈએ.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્ત્રીઓના સ્કેચીઝ. ભાગ 4
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
મુસ્કાન [૧]
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
એ શુભ દિવસ નજીક આવી રહ્યો હતો, સુશીલા અને સત્યેન્દ્ર એમના પ્રસન્ન દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપ વારસના જન્મના એંધાણથી બંને અત્યંત ખુશ હતાં. ન સાસુ, ન સસરા કે નણંદ દિયર, સુશીલા આ પ્રસન્નતા કોની સાથે માણે? પણ સત્યેન્દ્રએ એની દરેક તમન્ના પૂરી કરવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી.
સત્યેન્દ્રએ સુશીલાની સંભાળ માટે બે પરિચારિકાની વ્યવસ્થા કરી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતુ પણ સુશીલાને પોતાનું, કોઈ આત્મિય સાથે હોય એવી લાગણી થતી. સત્યેન્દ્રના પરિવારમાંથી તો કોઈ એવું નહોતું કે જેને બોલાવી શકાય પણ સુશીલાની ઈચ્છાનુસાર એની નાની બહેન ગુણસુંદરીને બોલાવા સત્યેન્દ્રએ સંમતિ આપી. સુશીલા તરફના અત્યંત અનુરાગને લઈને સત્યેન્દ્ર એની કોઈ વાત ટાળી શકે એમ હતા જ નહીં,
અને સાવ અલ્પ સમયમાં સુશીલાએ કરેલા તારના જવાબમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને મૂકવા આવ્યો.
ગુણસુંદરી…
ગુણ અને સુંદરતાનો સરવાળો એટલે ગુણસુંદરી. સાદી ભાષામાં કહીએ કે રંગે રૂડી રૂપે પૂરી, સર્વ કળામાં માહિત એવી સુશીલાથી ત્રણ વર્ષ નાની ગુણસુંદરીએ આવતાની સાથે જ ઘરની વ્યવસ્થા ખૂબીપૂર્વક સંભાળી લીધી. વહેલી સવારે પૂજાપાઠથી શરૂ થતો એનો દિવસ ઘર આખાને મંગલમય બનાવી દેતો.
સુશીલાની સ્નેહપૂર્વક સંભાળની સાથે પરિચારિકાઓને સરસ રીતે સાચવી લેતી અને સત્યેન્દ્રની તો વાત જ અલગ હતી. એ તો એના જીજાજી હતા, અત્યંત સન્માનપૂર્વક એમની તમામ તક સાચવી લેતી. સત્યેન્દ્રના વાચનકક્ષને વ્યવસ્થિત રાખતી, રોજ તાજા ફૂલોથી સત્યેન્દ્રના ટેબલને સજાવતી.
ગુણસુંદરીએ એના સુચારુ વ્યક્તિત્વની મોહિનીથી સૌના દિલ જીતી લીધા.
આવી સર્વગુણસંપન્ન ગુણસુંદરીને માત્ર એક સુખથી વિધાતાએ વંચિત રાખી. એ બાળ-વિધવા હતી પણ એણે તો આ વૈધવ્યને સાદગી અને સન્માનપૂર્વક અને પૂરેપૂરી ગરિમાથી સ્વીકારી લીધું હતું. નિર્વિકાર તપોમય સાધાનાથી એનો ચહેરો કાંતિમય બન્યો હતો.
પ્રખર-પ્રકાંડ વિદ્વાન એવા એના પિતાએ એના તપોમય જીવન માટે સંસ્કૃતથી માંડીને અન્ય ભાષાઓના જ્ઞાનથી સુસંસ્કૃત કરી હતી. આમ ગુણસુંદરી અતુલનીય સુંદર જ નહીં અતુલનીય વિદુષી પણ હતી.
અને એ દિવસ આવી ગયો. સવારના બ્રાહ્મ મુરતમાં સુશીલાએ પુત્રને જન્મ આપ્યો. ઘર આખું પ્રસન્નતાથી છલકાઈ રહ્યું. ગુણસુંદરીએ માતાના ઘરેથી આણેલી સોને મઢેલા રુદ્રાક્ષ પોરવેલી સોનાની ચેઈન બાળકને પહેરાવી. ખુશીથી છલકતા ગુણસુંદરીના ચહેરા પર જે આભા પ્રસરી હતી એ જોઈને સુશીલા અને સત્યેન્દ્ર ચકિત બની ગયાં.
સ્વભાવગત શાંત ગુણસુંદરી સુશીલાની ખુશીથી પ્રફુલ્લ બની જતી. આજ સુધી એના ચહેરા પરની શાંત સૌમ્યતામાં ઉત્ફુલ્લિતા ઉમેરાઈ અને એના આજ સુધીના આ અજાણ્યા ભાવથી સત્યેન્દ્ર એના તરફ આકર્ષાતો ચાલ્યો. ગુણસુંદરી તરફનો સ્નેહ શ્રદ્ધાથી સિંચાયેલો હતો. એ વાત્સલ્ય શ્રુંગારમાં પરિવર્તન થવા માંડ્યું. સત્યેન્દ્રએ એના આ ભાવ પ્રગટ ન થાય એવી અનેક કોશિશ કરી પણ હવે એને જોઈને એ વ્યાકુળ થઈ જતો. ગુણસુંદરીને જોવાની તીવ્ર લાલસા થઈ જતી. બાળકના લાલનપાલનમાં વ્યસ્ત સુશીલાની અધિકાંશ જવાબદારીઓ ગુણસુંદરીના માથે આવી, અનેક કારણોસર સત્યેન્દ્ર અને એનો અરસપરસ સંપર્ક વધતો ચાલ્યો અને સત્યેન્દ્રનો એના તરફનો મોહ પણ…
આજે તો નવજાતના નામકરણ સંસ્કારનો દિવસ હતો. આખા દિવસના આ ઉત્સવમાં ગુણસુંદરી પોતાનું અસ્તિત્વ સુદ્ધા વિસરી ગઈ. સૌ વિખરાયા અને રાત્રે જીજાજીનું ભોજન લઈને એ એના રૂમમાં ગઈ. સાહિત્યનું કોઈ પુસ્તકમાં ઓતપ્રોત દેખાતો સત્યેન્દ્ર ખરેખર તો કથાની નાયિકાના સૌંદર્યમાં ગુણસુંદરીને નિરુપીને કલ્પિત જગતમાં રાચતો હતો અને મનોવ્યાપારમાં છવાયેલી એ જ રૂપસુંદરીને સમક્ષ જોઈને એની આંખો વિસ્ફારિત થઈ ઊઠી, જેની ભાવના કરતો હતો એને નજર સામે ઊભેલી જોઈને એ મ્હોં વકાસીને એને જોઈ રહ્યો. જીજાજીના આવા ભાવ જોઈને ગુણસુંદરીના ચહેરા પર વિસ્મય અંજાયું અને એના ચહેરા પર સ્નિગ્ધ સ્મિત આવી ગયું અને વળતી પળે નીચી નજરે એ થાળી ટેબલ પર મૂકીને બહાર નીકળી ગઈ.
ગુણસુંદરીના એ સ્મિતે એની વિવેક બુદ્ધિને હડસેલીને હ્રદયના તારને ઝંકૃત કરી દીધા. સૌંદર્યે તો ભલભલા મુનિને ચળાવી દીધા છે તો સત્યેન્દ્રની શી વિસાત! એ વધુને વધુ મોહાંધ બનતો ચાલ્યો. એનું મન મનગમતા વિચારોમાં અટવાતું ચાલ્યું. ગુણસુંદરીના સ્મિતનું એ મનભાવન અર્થઘટન કરતો ચાલ્યો. એણે માની લીધું કે ગુણસુંદરીની એ મુસકરાહટ એના પ્રેમનો જ પડઘો હતો.
સત્યેન્દ્રએ એ આખી રાત ખુલ્લી આંખે સપનામાં વિતાવી. રાતના અંધકારને ચીરતું સવારનું અજવાળું બારીમાંથી ધસી આવ્યું અને એની સાથે ગુણસુંદરીનો સૂરીલો અવાજ પણ..
“રે મન ભૂલ્યો ફરે જગ વચ્ચે…..” એના અવાજની આંગળીએ એ સત્યેન્દ્ર બહાર બગીચા સુધી દોરાઈ આવ્યો. એકટક એ એને જોઈ રહ્યો. ગુણસુંદરીની નજર પડતાં એનું ભાવ વિશ્વ વિખેરાયું.
કહેવું ના કહેવુંની અવઢવમાં એ ગુણસુંદરીને પૂછી બેઠો,.
“ગુણસુંદરી, કેટલાક વખતથી એક વાત કહેવી છે, કહેતા સંકોચ થાય છે, પણ કહેવી તો છે જ. હું પત્ર લખું તો તું એનો જવાબ તો આપીશ ને?”
“જીજાજી, મારી અલ્પ બુદ્ધિ એવું માને છે કે જે વાત કહેવામાં સંકોચ થાય એ વાત લખીને કહેવી પણ અનુચિત જ હશે અને જે વાત અનુચિત છે એને હ્રદયમાં જ ભંડારી દેવી વધુ યોગ્ય છે.” કહીને એ અંદર ચાલી ગઈ. સત્યેન્દ્ર સ્થિર બનીને ઊભો રહી ગયો.
પણ કહે છે ને કે લાગણીઓને જેટલી કાબૂમાં લેવા મથો એટલી એ વધુ છલકાય અને એક દિવસ સત્યેન્દ્રની લાગણીઓ પત્રમાં છલકાઈને ગુણસુંદરી સુધી પહોંચી.
આ ઘટનાના એક સપ્તાહમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને લેવા આવ્યો. ગુણસુંદરીની માતાની ઉંમરના લીધે ઘરની જવાબદારી એની પર હતી. ઘરના નાના-મોટા તમામ કાર્યોને એ સરળતાથી વહે જતી. સુશીલા અને સત્યેન્દ્ર બંને ગુણસુંદરીના જવા પર પોતપોતાના કારણોથી વ્યથિત હતાં. સત્યેન્દ્રના વિવશ હ્રદયમાં તુમુલ સંગ્રામ ચાલતો હતો. એની હ્રદય સમ્રાજ્ઞી દૂર થવાની હતી એ વિચારે એ વ્યાકુળ હતો. આ ચોવીસ કલાકમાં એણે ગુણસુંદરીને મળવાના અનેક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા. ગુણસુંદરી એને અવગણે છે એવું સમજવા છતાં એના સુધી પહોંચવા મથતો રહ્યો.
અંતે ગુણસુંદરીથી છૂટા પડવાની ક્ષણ આવીને ઊભી રહી. સ્ટેશન સુધી એની સામે પણ ન જોનાર ગુણસુંદરીએ અત્યંત કોમળતાથી એને બોલાવ્યો. ટ્રેનની બારી પાસે બેઠેલી ગુણસુંદરીએ સુશીલા અને નવજાત શિશુને લઈને આવવાનું આમંત્રણ આપ્યુ.
ટ્રેન ઉપડી, પ્લેટફોર્મ છોડીને જતી ટ્રેનની સાથે સત્યેન્દ્રને એનામાંથી પણ કશુંક છૂટી રહ્યું હોય એવું લાગ્યું . એ પ્રાણ-શૂન્ય બનીને ઘરે પાછો ફર્યો. ઘરમાંથી જાણે માધુર્ય ચાલ્યું ગયું. સુશીલા કે સંતાન બંનેમાંથી કોઈને મળવા-જોવા સુદ્ધા એને મન ન થયું. મોડી રાત્રે પરિચારિકા આવીને એને એક બંધ કવર આપી ગઈ. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.
ક્રમશઃ
જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં કેવી રીતે વ્યક્ત કરી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે એ વાંચીશું આવતા અંકે.
ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જીરવાતી રહી!
શૈલા મુન્શા

શ્વાસોની આવન જાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની શું નાહક ખર્ચાતી રહી?કાલે હો ને આજે નહીં, પંજો ઘાતકનો;
અણધાર્યો ત્રાટકતો, યાદો જખમાતી રહી!દોરાં ધાગા મંત્રો, કોઈએ રોકે ના પળ;
બદલાશે રેખા આશા એ બંધાતી રહી!ઘા આપે જો ઈશ્વર તો કોને કહેવું દર્દ,
મન મક્કમ તો એ પીડા પણ સહેવાતી રહી!તણખો ઊડ્યો ને ઝાળ આકાશે ઊડી,
બળતી ચેહ ને, ઘટના જગમાં ચર્ચાતી રહી!ચાહી છે એકલતા પળભર જીવી લેવા,
ભીતર ભાવોની સરવાણી રેલાતી રહી!કોઈ રહે ના સંગ હરદમ જીવન આખુંયે,
ભીની આંખે ભવની ભાવટ જીરવાતી રહી!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
ફિલસુફીભર્યા ગીતો – ૪ – हर फ़िक्र को धुए में उडाता चला गया
નિરંજન મહેતા
૧૯૬૧ની ફિલ્મ ‘હમદોનો’નું આ ગીત બેફીકરાઈને શબ્દદેહ આપે છે. સૈન્યનાં અફસર તરીકે દેવઆનંદ પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે જયદેવનું. સ્વર છે રફીસાહેબનો.
मै जिन्दगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुए में उडाता चला गयाबरबादियो का सोग मनाना फ़िज़ूल था
बरबादियो का सोग मनाना फ़िज़ूल था
बरबादियो का जश्न मनाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गयाजो मिल गया उसी को मुकद्दर समज लिया
जो मिल गया उसी को मुकद्दर समज लिया
जो खो गया मै उसको भूलाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गयागम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
गम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
मै दिल को उस मुकाम पे लाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गयाગીત દ્વારા જીવનની ફિલસુફી દર્શાવાઈ છે. જિંદગી જેમ સામે આવે તેમ તેને વિતાવો અને દરેક ફિકરને ભૂલી જાઓ અને ફિકરને સિગારેટના ધુમાડા માફક ઉડાવતા જાઓ. આગળ ઉપર કહ્યું છે કે બરબાદીનો સમય આવે ત્યારે પણ તેનો શોક ન મનાવો બલકે તેનો ઉત્સવ મનાવો જેથી તે બરબાદી ભુલાઈ જશે.
જીવનમાં જે મળે છે તે તમારા નસીબમાં લખ્યું છે તે જ મળે છે તો તેને સ્વીકારી લો. જે ખોવાઈ ગયું છે તેને ભૂલી જાઓ.
દુઃખ અને સુખ વચ્ચે કોઈ ફરક ન જુઓ અને તેમ કરી શકો તેવા સ્થાન સુધી તમારી જાતને લઇ જવાનો પ્રયત્ન કરો જેથી તમે આ ફરક સમજી શકશો.
ફિલ્મનું આ ગીત આજે પણ આ ફિલસુફીને કારણે અત્યંત પ્રચલિત છે અને આજે પણ તેને સંગીતપ્રેમી મમળાવે છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ચાર દિવારી (૧૯૬૧)
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) તેમનાં સંગીતની રચના કોઈ ગણતરીથી નહોતા કરતા, પણ પોતાના ભાવને, પોતા માટે, રજુ કરવા કરતા હતા. તો શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) નાં પણ ફિલ્મ ગીતોના બોલ એ ગીત માટેની સિચ્યુએશનના સંદર્ભની તેમની પોતાની સમજના ભાવોની પોતાની કવિ સહજ સ્વાભાવિક અનુભૂતિ વ્યક્ત કરતા.

શૈલેન્દ્રનાં શંકર જયકિશન સાથેનાં મિલનને કદાચ નિયતિ દ્વારા ગોઠવાયેલ આકસ્મિક સંજોગ ગણી શકાય, પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે કળાકારોને એકઠા કારવાની નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય. બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી બની રહી. તો, તૈયાર ધુન પર પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિમાં પોતાની સ્વાભાવિક અનુભૂતિને નીખારી શકવાની અને બંગાળી ભાષાના તેમના પરિચયે શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોના સંગાથને હિંદી ફિલ્મ સંગીત માટેની એક ખુબ ભાગ્યશાળી સફર બનાવી રાખી.
નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે
૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,
૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,
૨૦૨૦માં વર્ષ ૧૯૫૭, અને
૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦
નાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
સલીલ ચોધરીએ સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારુ આજના અંકમાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત વર્ષ ૧૯૬૧નાં ગીતો સંભળીશું. ૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર દિવારી, છયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર કે બન્નેની આગવી છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી સાંભળીશું.
ચાર દિવારી (૧૯૬૧)

‘ચાર દિવારી’નું કથાવસ્તુ તો ભારતીય નારીનું જીવન તો પોતાનાં પતિના સુખદુઃખનાં સહભાગી બનવામાં પોતાની ઓળખને ઓગાળી દેવા માટે જ સર્જાયું છે એવા સમાજના પારંપારિક પરિપ્રેક્ષ્યમાં ઘુંટાય છે. પરંતુ તે સિવાય હિંદી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે શશી કપૂરની પહેલવહેલી ફિલ્મ અને તેમની અને નંદાની જોડીની અનેક સફળ ફિલ્મોની સફરનાં પહેલાં સોપાન તરીકે હિંદી ફિલ્મોના ઇતિહાસમાં ફિલ્મની ઓળખ વધારે યાદ કરાય છે.
ગોરી બાબુલ કા ઘરવા અબ હૈ બિદેશવા, સાજનકે ચરણોંમે અબ હૈ ઘર તેરા – લતા મંગેશકર અને સાથીઓ
કન્યા વિદાયના પારંપારિક દૃશ્યોને ફિલ્મનાં પાત્રોમાંગોઠવી રજૂ કરવાં અને એક ગીત અચુક મુકવૂ એ સામાજિક પૃષ્ઠભૂ પર બનતી ફિલ્મોમાં બહુ અસરકારકપણે વપરાતો મસાલો હતો. પરંતુ શૈલેન્દ્ર આ ઘટનાની તક ઝડપી લઈને ફિલ્મનાં શીર્ષકની રજુઆત કરી લેવાની સાથે ફિલ્મની વાર્તાનાં હાર્દને મુખડાની પહેલી જ પંક્તિમાં જ વણી લે છે. તે પછી આગળ જતાં આ ભાવને પોતાની આગવી શૈલીમાં ઘુંટે છે –
હો ગોરી ચાર દિવારી અંગના અટારી
યેહી તેરી દુનિયા યે જગ હૈ તેરાકૈસે મનાઉં પિયવા ગુન એક હુ મેરે નાંહી, આઈ મિલનકી બેલા ઘબરાઉં મન માંહી – મુકેશ
પોતાના (પ્રિયતમ) પતિનાં ઘર / જીવનમાં પગ મુકવાની ક્ષણે પરંપરાગત, આદર્શ, ભારતીય નારીનાં મનના ભાવોને શૈલેન્દ્ર વાચા આપે છે.
જોકે શૈલેન્દ્રનો કવિ જીવ લગ્ન જીવનની આ ક્ષણે એક નારીના મનમાં ઉઠતા સહજ ભાવોને પણ ઝડપી લેવાની તક પણ ચુકતો નથી –
સાજન મેરે આયે
ધડકન બઢતી જાયે
નૈના ઝુકતે જાયેં
ઘુંઘટ ઢલતા જાયે
તુઝસે ક્યું શરમાયે
આજ તેરી પરછાઈંસલીલ ચૌધરીએ પણ મુકેશના સ્વરની કરૂણામય મુલાયમતાને આ અવઢવને વ્યક્ત કરવા એટલી અસરકારક સહજતાથી ગીતની બાંધણીમાં વણી લીધી છે કે આ ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં કોતરાઈ ગયું છે.
આડ વાત:
સલીલ ચૌધરી પોતાની ધુનોને અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાવોને રજુ કરવામાં માહીર હતા એ વાત તો હવે બહુ જાણીતી છે. અહીં પણ આ ધુનને તેમણે તેમના દુરદર્શન સાથેના સમયકાળમાં બીતે દીનોં કે સપને હમેં યાદ આને લગે હૈં (ગાયિકા અરૂંધતી હોમ-ચૌધરી, ગીતકાર યોગેશ) સ્વરૂપના ગૈરફિલ્મી ગીતમાં રજૂ કરી છે.
ઝુક ઝુક ઝુક ઝુમ ઘટા આયે એરે, મન મોરા લહારાયે – લતા મંગેશકર
શ્રાવણનાં ઘેરાતાં વાદળોથી ભારતીય નારીમાં રહેલી યુવાન સ્ત્રીના મનમાં પણ એ વર્ષાની છાંટની લહેરોમાં તેનાં મનની અંદર મઘમઘતી ખુશીઓની પુરેપુરી અસર સલીલ ચૌધરીનાં મનમાં રહેલ સંગીતને પણ ઝણઝણાવી રહે છે. તેમનાં પ્રિય વાદ્ય, વાંસળી,ની આસપાસ રચેલું તેમણે વાદ્ય સર્જન ખુશીની એ છાંટ અને ફોરમને અથતથ વ્યકત કરી રહે છે.
અકેલા તુઝે જાને ન દુંગી…. બાંકે છૈયા…..મૈં સંગ સંગ ચલુંગી – લતા મંગેશકર
લગ્ન જીવનમાં પ્રવેશોસ્તુક કન્યા – પછી ભલેને લગ્ન પછી તેને પતિવ્રતા સતી બની જવાનું હોય -પણ મનમાં કોડ તો તેના જીવનસાથીની સાથે હમકદમ થવાના જ સેવે! આ અનુભૂતિઓને જેટલી શુધ્ધતાથી શૈલેન્દ્રના બોલ ઝીલી લે છે એટલી જ શુદ્ધ સંવેદનશીલતા સલીલ ચૌધરીની સંગીત બાંધણીમાં જળવાઈ રહે છે.
નીંદ પરી લોરી ગાયે માં જ઼ુલાયે પાલના, સો જા મેરે લાલના …..મીઠે મીઠે સપનોં મેં ખો જા મેરે લાલના – લતા મંગેશકર
એ સમયની હિંદી ફિલ્મોમાં હાલરડાં પણ બહુ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો હતો. દરેક સંગીતકાર પોતાની સર્જન સજ્જતાની પરખ કદાચ આ પ્રકારનાં હાલરડાંની ધુનમાં તેમની ઠલાવાયેલી સર્જન શક્તિની પરથી કાઢતા હશે એટલી હદે અમુક હાલરડાં તો ચિરસ્મરણીય બની ગયાં છે.
સલીલ ચૌધરી પોતાના પ્રયોગો મોટા ભાગે બંગાળી સંગીતમાં કરતા. ત્યાં એમણે પ્રયોજેલી અનેક ધુનોને તેઓએ અજબ કલ્પનાશક્તિથી તેમનાં હિંદી ગીતોની રચનાઓમાં પ્રયોજેલ છે.
અહીં તેમણે ૧૯૫૩માં રચેલ એક બંગાળી ગૈરફિલ્મી ગીત પ્રાણતરેર ગાન અમર[1] (વનવગડાનું ગીત મારૂં છે; ગાયિકા ઉત્પલા સેન)ની ધુન અહીં હાલરડાંની બાંધણી રૂપે સમગ્ર વાતાવરણ પર છવાઈ જાય છે.
હમકો સમજ બૈઠી હૈ યે દુનિયા દિવાના…. પર મૈં અગર પાગલ હું તો યે દુનિયા હૈ પાગલખાના – મુકેશ
દુનિયા જેને પાગલ સમજે છે તેની નીજી મસ્તી દુનિયાને જ પાગલખાનું સમજી બેસે એવી અદભૂત, મોજીલી કલ્પના તો શૈલેન્દ્રને જ આવે. તેમણે આ તક ઝડપી લઈને એ જ મસ્તીના ભાવમાં તેમનાં દિલમાંથી ઉઠતા સમતાવાદી સમાજના આદર્શને પણ રજુ કરી લીધેલ છે.
હવે પછીના મણકામાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત ‘મેમ દીદી’નાં ગીતો માણીશું.
[1] ઉત્પલા સેનના સ્વરમાં અમર થઈ ગયેલું ગીત ‘પ્રાણતરેર ગાન અમર’ ંઊળે તો જાણીતાં સવિન્દ્ર સંગીત ગાયિકા કણીકાના સ્વરમં રેકોર્ડ થયેલું. પરંતૂ સલીલ ચૌધરી તેમનાં પુસ્તક ‘જિબો ઉજિબોન’ માં લખે છે તેમ વિશ્વ ભારતીએ કણિકાને રવિન્દ્ર સંગીત સિવાયનાં ગીતો ગાવાની અનુમતિ ન આપી.પરિણામે રેકોર્ડ થયેલું એ ગીત ક્યારે પણ પ્રકાશિત ન થઈ શક્યુ. તે હવે ઉત્પલા સેનના સ્વરમાં સાકાર થયું.એક અફવા અનુસાર કણીકાની ક્યારે પણ પ્રકાશિત એ રેકોર્ડ ક્યાંક અસ્તિત્વમાં તો છે. કોઈ જબરા ચાહકને હાથ એ ચડી જાય અને આપણે તેને સાંભળી શકીએ એવી આશા તો સેવી જ શકાય !!- Other Singers @ World of Salil Chowdhury
-
વનવૃક્ષો : આંબલી

ભૂતનું ઠેકાણું આંબલી. મેં તો કોઈ દિવસ આંબલી નીચે ભૂત ભાળ્યું નહિ; કોઈ “મેં ભાળ્યું છે.” એમ પણ કહેતું નથી. લોકો ગપ્પાં મારે ત્યારે પાયા વિનાનાં ગપ્પાં મારે, એવું આ પણ એક ગપ્પું.
પણ ગપ્પું મારવાનું એક કારણ છે. કેમકે આંબલી એક મોટું ઘટાટોપ ઝાડ છે; જંગી ઝાડ છે. એવા મોટા ઝાડ ઉપર માણસ ચડીને બેસે તો દેખાય પણ નહિ; કેટલા યે વાંદરાઓ તેમાં ન દેખાય તેમ સમાઈ રહે; પાર વિનાનાં પક્ષીઓનો તે માળો થઈ શકે.
વળી આંબલી ઘણે ઠેકાણે ગામની બહાર, કોઈ કોઈ ઠેકાણે સ્મશાન પાસે, ને કોઈ કોઈ ઠેકાણે કોઈ ન જતું હોય એવા ખાડાટેકરાઓ ઉપર હોય છે. આંબલી બાગનું ઝાડ નથી, જંગલનું ઝાડ છે; છતાં લોકોએ આ ઝાડને પાળેલું છે. આંબલીનો વેપાર ચલાવવા ઝાડનું રક્ષણ કરવામાં આવે છે. તેનો છાંયો મજાનો છે, તેથી રસ્તાની બંને બાજુએ તેને રોપવામાં આવે છે.
આંબલીનું ઝાડ ઘણું ઊચું છે. ગુજરાત આંબલીનું પિયર કહેવાય. વરતમાં પણ ‘સો આંબા સો આંબલી’ છે, એટલે જેટલા આંબા એટલી આંબલી ગુજરાતમાં વખતે મળે. આંબલીનાં પાંદડાં તીરખીઓ ઉપર ઝીણાં ઝીણાં થાય છે. પવનથી કંપે છે ત્યારે તે જોવા જેવાં લાગે છે. આંબલીનાં ફૂલો રૂપાળાં અને ખાટી ગંધભર્યાં હોય છે. આંબલીનાં કાતરા વાંકા, ઘણી વાર દાતરડાના આકરના હોય છે. પાક્યા પહેલાં કાતરા લીલા હોય છે; પાક્યા પછી તપખીરી રંગના થાય છે.
આંબલીનાં પાંદડાં ખાટાં, આંબલીના કાતરા ખાટા, ને આંબલીની હવા ખાટી; પણ આંબલીમાંથી નીકળતા આંબલિયા તૂરા.
આંબલીનો મોટો વેપાર ચાલે છે. ગુજરાત આખામાં દાળમાં, શાકમાં આંબલી નખાય છે. આંબલીનું પાણી ગોળ મેળવી બનાવાય છે તેને આંબલવાણું કહે છે; રોટલી સાથે તે સારું લાગે છે. ઉનાળાનું તે એક ઠંડુ પીણું છે. આંબલીથી ઊટકેલાં વાસણો બહુ ઝગારા મારે છે. આંબલી બહુ ખાવાથી સાંધા રહી જાય અને માથું દુખે.
આંબલિયાથી છોકરાંઓ એકીબેકી રમત રમે છે. આંબલિયા ફોલીને મુખવાસ તરીકે લોકો ખાય છે. આંબલિયો ઘસીને નાની નાની ફોડકીઓ ઉપર ડોશીઓ ચોપડે છે. આંબલિયો પથરા ઉપર ઘસીને, તપાવીને નાનાં છોકરાંઓ એકબીજાની ચામડીને અડાડીને ગમ્મત કરે છે.
આંબલીનું ઝાડ ઉગાડવા જેવું છે. આંબલીના ઝાડ ઉપર ચડવા જેવું છે. આંબલીનાં ફૂલ હાથમાં રાખવા જેવાં છે. આંબલીના ફૂલનું પાણી પીધા જેવું છે. આંબલીના આંબલિયાથી રમ્યા જેવું છે.
આંબલી સારી છે; ભગવાને એને ઠીક બનાવી છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
